Friday, November 4, 2011

જુનાગઢમાં આગોતરી પરિક્રમામાં અવરોધથી રોષ.

Source: Bhaskar News, Junagadh | Last Updated 2:36 AM [IST](04/11/2011)
 
રૂપાયતન પાસેની ખુલ્લી જગ્યામાં ૧૦ હજારથી વધુ પરિક્રમાર્થીઓના ધામા

ગિરનારની પરિક્રમા આડે ૩ દિવસ બાકી રહ્યા છે ત્યારે સત્તાવાર દિવસો કરતાં વહેલી પરિક્રમા કરવા આવેલા લોકોને વનવિભાગે રૂપાયતન પાસેનાં ગેટ ખાતે અટકાવી દીધા હતા. પરિણામે આવા ભાવિકોમાં રોષ ફેલાયો હતો. રૂપાયતન ગેઇટ ખાતેથી આજે અંદાજે ૧૦ હજાર પરિક્રમાર્થીઓને પાછા કાઢવામાં આવ્યા હતા. પરિણામે દૂરથી આવેલા ભાવિકોને ભોજન, રાતવાસો કરવાની ભારે તકલીફ પડી હતી.

ગરવા ગઢ ગિરનારની પરિક્રમા કરવા આવનાર લોકો છેલ્લા દસેક વર્ષથી સત્તાવાર કરતાં વ્હેલા પરિક્રમા કરવા લાગ્યા હતા. હજુ તો વનવિભાગનો સ્ટાફ, પોલીસ કે અન્ય કોઇ પ્રકારની સુવિધા કે વિકટ સ્થિતીને પહોંચી વળવાની વ્યવસ્થા ઉભી થાય એ પહેલાં જ જંગલમાં ભીડ થઇ જતી હતી. દરમ્યાન છેલ્લા બે દિવસથી વનવિભાગે રૂપાયતન ગેઇટ ખાતેની આગોતરી પરિક્રમા કરનાર ભાવિકોને પાછા કાઢતાં ભાવિકોમાં રોષ ફેલાઇ ગયો હતો. આજે અંદાજે દસેક હજાર ભાવિકો પરત થયા હતા. જેઓએ રૂપાયતન પાસે જંગલને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ધામા નાંખ્યા હતા. આ સ્થળે પીવાનાં પાણી કે ન્હાવા જેવી પ્રાથમિક સુવિધાઓ ન હોઇ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રૂપાયતન ખાતે વર્ષોથી આઇશ્રી ખોડીયારધામ નામનાં ચા-નાસ્તાનાં અન્નક્ષેત્રમાં સેવા આપતાં ભાવેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, દર વર્ષે કારતક નોમ અગાઉ લાખ્ખો ભાવિકો પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. આથી આ ભાવિકો આગોતરી પરિક્રમા વ્હેલા આવ્યા છે. સવારથી પરિક્રમા શરૂ કરી સાંજે પૂરી કરીને પરત જતા રહેવાની ગણત્રીએ આવેલા આવા લોકો પાસે ન તો રાશનની સગવડ છે.

ન તો કપડાં કે રાતવાસો કરવા ઓઢવા પાથરવાની સગવડ. કેટલાય લોકો છેલ્લા બે દિવસથી સામેની ખુલ્લી જગ્યામાં બેઠા છે. અને ક્યારે ગેઇટ ખુલે તેની વાટ જુએ છે. જો આવું જ હોય તો વનવિભાગે અગાઉથી જાહેર કરવું જોઇએ કે નોમ સિવાય કોઇને જંગલમાં પ્રવેશ નહીં મળે. જેથી ભાવિકો કમસેકમ હેરાન તો ન થાય. અમે આ લોકો માટે આજેસવારથી તાકીદે બુંદી-ગાંઠિયા બનાવી વિતરણ શરૂ કરાવ્યું.

પાંચ રૂપિયાની છાશનાં પંદર રૂપિયા ?...

અમરેલી જિલ્લાનાં ગોધાવદરથી ૩૦ લોકોનાં ગૃપમાં આવેલા ખીમજીભાઇ કરશનભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, અમે તો આજે સવારે અહેવાલો વાંચીને અહીં વ્હેલા આવ્યા. લોકોની ભીડ જોઇને જીવનજરૂરી ચીજવસ્તુનાં ભાવો પણ વધી ગયા છે. આજે અમે પાંચ રૂપિયાની છાશની કોથળીનાં પંદર રૂપિયા ચુકવવા પડ્યા.

અહેવાલો વાંચીને હરખભેર આવ્યા અને તંત્રવાહકોએ ટલ્લે ચડાવ્યા

અમદાવાદથી આવેલા અંકિત પંચાલ નામનાં યાત્રાળુએ જણાવ્યું હતું કે, પરિક્રમા સાતમથી શરૂ થઇ જતી હોવાનું મને મિત્રોએ કહ્યું હતું. વળી અમુક અહેવાલો વાંચ્યા જેમાં પરિક્રમા શરૂ થઇ ગયાનું વાંચ્યું એટલે આજે સવારે અહીં આવી પહોંચ્યા. જો ખબર હોત કે રોકી દે છે તો બે દિવસ મોડા આવત. અમારે આજે ભંડારામાં જમવું પડ્યું. જ્યારે છેક રાજસ્થાનનાં જાલાૈરથી આવેલા વિષ્ણુભાઇ પ્રજાપતિએ પણ પરિક્રમા શરૂ થયાનાં અહેવાલો વાંચીને જ બસ પકડી હતી. તેઓ કહે છે, દર વખતે જવા દે છે એટલે આ વખતે પણ આવ્યા. અગાઉથી ખબર હોય તો હેરાન થવા શા માટે આવીએ.

સ્ટાફ તૈનાત થાય પછી પ્રવેશ આપીશું : વનતંત્ર

પરિક્રમાર્થીઓને અટકાવવા અંગે નોર્મલ વનવિભાગનાં એસીએફ ગાંધીએ જણાવ્યું હતું કે, જંગલમાં વનવિભાગનો સ્ટાફ તા. ૪ નવે. નાં રોજ સવારથી તૈનાત કરાશે. આથી આવતીકાલથી અમે યાત્રાળુઓને જંગલમાં પ્રવેશ આપીશું. જ્યાં સુધી અમારો સ્ટાફ ન હોય અને કોઇ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોની ? કારણકે, વ્હેલા જનાર યાત્રાળુઓ તો નદી, વોંકળામાં ન્હાવા જાય જ. ગિરનારનાં લગભગ તમામ પાણીનાં સ્ત્રોતોમાં મગરોનો વસવાટ છે. દીપડા અને સિંહો પણ છે. આટલા લાંબા પરિક્રમા માર્ગ પર કમસેકમ રેસ્કયુ માટે પણ સ્ટાફ તો જોઇએ જ.

No comments: