Monday, November 28, 2011

ગીરને એક રાતમાં જ ૧૩ આંચકાએ ધ્રુજાવ્યું, લોકોમાં ભયનું મોજું.


Source: Bhaskar News, Talala   |   Last Updated 1:32 AM [IST](28/11/2011)
- મધરાતે ૩ વાગ્યે ૩.૧ સહિત ૨ થી ઉપરની તીવ્રતાનાં ૬ આફ્ટરશોક
ગીર પંથકમાં શનિવારે રાતથી રવિવારે સવાર સુધીનાં ચૌદ કલાકનાં ગાળામાં ધરતીકંપનાં આવેલા ૧૩ આંચકાથી ગીર પંથક ખળભળી ઉઠ્યો હતો. શનિવારે મોડી રાત્રે ૩.૧નાં ભારે ધડાકા સાથે આવેલા તીવ્ર આંચકાથી લોકો નિંદ્રા અવસ્થામાં હલબલિ ઉઠતા જીવ બચાવવા ઘર બહાર ભાગવા લાગ્યા હતાં. દરેક આંચકાનાં એપી સેન્ટર તાલાલાથી ઉત્તર - પશ્ચિમ દિશામાં ૧૦ થી ૧૨ કિ.મી.નાં વિસ્તારોમાં નોંધાયા હતાં. ૩.૧નાં તીવ્ર આંચકાનું એપી સેન્ટર જેપુર (ગીર) ગામ બન્યું હતું.
ગીરમાં સક્રિય ધરતીકંપની ફોલ્ટલાઇનમાં ભૂસ્તરીય હીલચાલ વધી હોય તેમ તાલાલા પંથકમાં ફરીથી તીવ્ર આંચકા આવવાનું શરૂ થતા લોકોનાં જીવ ઉચક થઇ ગયા છે. શનિવારે રાત્રે ૭:૧૭ કલાકે - ૨.૦૦ ની તીવ્રતાનાં આવેલ આંચકા બાદ સમયાંતરે આંચકાથી ધરા સતત ધ્રુજી રહી હતી. મોડી રાત્રે ૧૦:૧૦ - ૧.૬, ૧૧:૧૭ - ૧.૫, ૧૧:૨૦ - ૧.૧, ૧૨:૦૨ - ૧.૪, ૨:૨૩ - ૧.૩ હળવા આંચકા આવેલા પણ મધરાતે ૩ વાગ્યે ૩.૧નો ભારે આંચકો પ્રચંડ ધડાકા સાથે આવતા લોકો નિંદરમાંથી ઉઠી બહાર ભાગ્યા હતાં.
બાદમાં ૩ :૨૫ કલાકે - ૧.૧, ૬:૨૨ કલાકે - ૧.૯નાં હળવા આફ્ટરશોક આવેલ. રાત્રે ભૂકંપનાં ભારે આંચકાથી રાત બગડી હોય ત્યાં સવારે પણ ૮:૩૫ કલાકે ૨.૪, ૮:૩૯ કલાકે ૨.૧, ૯:૦૦ કલાકે - ૨.૧, ૯:૩૫ કલાકે - ૨.૩ની તીવ્રતાનાં વધુ ચાર તીવ્ર આંચકાથી લોકોનો દિવસ બગડી ગયો હતો. તીવ્ર ભૂકંપનાં આંચકા તાલાલા ઉપરાંત જેપુર, હરીપુર, ખીરધાર, ચીત્રાવડ, ધણેજ, રમળેચી, વીરપુર, ગુંદરણ, બોરવાવ, ધાવા સહિતનાં ગામોમાં ભારે અસરથી અનુભવાયા હતાં. ભૂકંપનાં તીવ્ર આંચકાઓથી ગીર પંથક હચમચી રહ્યો હોય તાલાલા પંથકનું જનજીવન ભયભીત બની ગયું છે.
કચ્છનાં ભચાઉમાં પણ તીવ્ર આંચકો -
સૌરાષ્ટ્રનાં ગીર પંથકમાં આવેલા ભૂકંપનાં ૧૩ આંચકા સાથે કચ્છ જિલ્લામાં પણ ભૂકંપનાં આંચકાથી ધરા ધ્રુજેલ હતી. શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે ભચાઉ પંથકમાં ૨.૯નો આંચકો આવ્યો હતો જેનું એપી સેન્ટર ભચાઉથી ૨૦ કિ.મી. નોર્થ - વેસ્ટ દિશામાં નોંધાયું હતું.
ગીરમાં ભૂકંપ ઓછી ઊંડાઇથી આવવા લાગતા તીવ્રતા વધી -
તાલાલા પંથકમાં છેલ્લા બે દિવસથી આવતા ભૂકંપનાં આંચકાઓની તીવ્રતા વધી હોઇ લોકો ભારે અસરથી આંચકાની અનુભૂતિ કરી રહ્યા છે. બે દિવસથી આવતા આંચકાઓ ગીર પંથકનાં પેટાળમાં ઓછી ઊંડાઇ (ડેપ્થ) થી આવવા લાગ્યા હોવાનું જોવા મળેલ છે. શનિવારે બપોરે આવેલ ૪:૪૫ કલાકે ૨.૮નો ભારે આંચકો જમીનમાં ૪.૪ કિ.મી.ની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો.
મધરાતે આવેલ ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ જમીનમાંથી ૬.૧ કિ.મી.ની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો. જ્યારે ગત ૨૦ ઓક્ટોબરે આવેલ ૫.૩ની તીવ્રતાનો ભારે ભૂકંપ ૧૦.૨ કિ.મી. ઉંડાઇએથી આવ્યો હતો. એમ દિવસો જતા ભૂકંપનું ઉદ્ભવ કેન્દ્રનું અંતર ઉપર તરફ આવી રહ્યુ હોય હળવા આંચકા પણ તીવ્રતાથી અનુભવાય છે. આ સ્થિતિથી માલ-મિલ્કતને વધુ નુકશાન થવા લાગ્યુ હોય લોકો પણ ભૂકંપનાં ડરથી બેચેની અનુભવી રહ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-13-quakes-in-talala-gir-people-fearing-2597987.html?OF4=

No comments: