સાંજ સુધીમાં બે હજાર લોકોએ નળપાણી ઘોડી વટાવી
ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમા સત્તાવાર રીતે આમ તો કારતક સુદ અગિયારસનાં દિવસે મધરાતે ૧૨ વાગ્યાથી શરૂ થાય. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોની માફક આ વખતે પણ આગોતરી પરિક્રમા કરનારા આશરે એક લાખ ભાવિકો આજે જંગલમાં પ્રવેશી ગયા હતા.
ગરવા ગઢ ગિરનારની આગોતરી પરિક્રમા કરતા લોકોને આ વખતે વનવિભાગે છેલ્લા બે દિવસથી અટકાવ્યા હતા. અને અગિયારસથી જ પરિક્રમા શરૂ કરવા દેવા જણાવી દેવાયું હતું. જોકે, અહેવાલોને પગલે હજારો પરિક્રમાર્થીઓ ભવનાથ પહોંચી ગયા હતા. કેટલાય યાત્રાળુઓએ છેલ્લા બે દિવસથી રૂપાયતન ગેટ પાસેની ખુલ્લી જગ્યામાં પડાવ નાંખ્યો હતો. ગઇકાલે આ મામલે જિલ્લા કલેક્ટરે વનઅધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
આજે સવારે તમામ પોઇન્ટ પર વન અને પોલીસ કર્મીઓ તૈનાત થઇ જાય ત્યારબાદ પરિક્રમા શરૂ કરવાની પરવાનગી આપવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે આજે સવારે ૬ વાગ્યે રૂપાયતન ખાતે આવેલો ગેઇટ ખોલી ભાવિકોને જંગલમાં પ્રવેશ અપાયો હતો. ગેઇટ ખુલતાંજ યાત્રાળુઓનો પ્રવાહ પરિક્રમા માર્ગ પર જાણે કે ‘વહી’ નીકળ્યો હતો. બપોર સુધીમાં ૫૦ હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા શરૂ કરી દીધી હતી. ભાવિકોનો આ પ્રવાહ અવિરત ચાલુ જ રહ્યો હતો.
જેને પગલે મોડી સાંજ સુધીમાં આશરે એક લાખ યાત્રાળુઓએ ગિરનારની આગોતરી પરિક્રમા શરૂ કર્યાનું વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. આજે સાંજે ભાવિકોની ભીડ વધી હોઇ રાત્રિ દરમ્યાન વધુ ૨૦ થી ૨૫ હજાર લોકો આગોતરી પરિક્રમા શરૂ કરવાની શક્યતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
બીજી તરફ સ્થાનિક કક્ષાએ પોલીસ તંત્ર દ્વારા પણ શહેર ભરમાં આજે એકશન પ્લાન મુજબ બંદોબસ્તનું નીરીક્ષણ કરાયું હતું. આ જ રીતે ભવનાથથી પરિક્રમા પથ સુધી પણ ચેકીગ કરાયું હતું.
૧૮૮૧ ભાવિકોએ નળપાણી ઘોડી વટાવી
આગોતરી પરિક્રમા ફક્ત એકજ દિવસમાં પૂર્ણ કરનારા પૈકી ૧૮૮૧ ભાવિકોએ સાંજે છ વાગ્યા સુધીમાં નળપાણીની ઘોડી વટાવી દીધાનું ગણત્રી પોઇન્ટ ખાતે નોંધાયું હતું. - તમામ તસવીરો મેહુલ ચોટલિયા
No comments:
Post a Comment