Wednesday, November 9, 2011

ધારીના ભરડમાં માનવભક્ષી દીપડો ફરતાં ફફડાટ.


Source: Bhaskar News, Amreli | Last Updated 12:47 AM [IST](08/11/2011)
 
ધારી તાલુકાના ભરડ ગામની સીમમાં દસેક દિવસ પહેલા ચાર વર્ષના માસુમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો જંગલખાતાને હાથતાળી આપી રહ્યો છે. વનતંત્ર દ્વારા દીપડાને પકડવા સીમમાં પાંજરા ગોઠવાયા હોવા છતાં ચાલાક દીપડો પાંજરામાં સપડાતો નથી. તો બીજી તરફ દીપડો આઝાદ ફરતો હોય લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ખુંખાર માનવભક્ષી દીપડો ખુલ્લેઆમ ફરે છે અને વનખાતાના કર્મચારીઓ હાથ ઘસી રહ્યા છે. બલ્કે એક કહી શકાય કે વનખાતાના કર્મચારીઓ લાચાર બની દીપડો પાંજરામાં સપડાય તેની રાહ જોતા બેઠા છે. ધારી તાલુકાના ભરડ ગામની સીમમાં દસેક દિવસ પહેલા બાલો સોલંકી નામના ચાર વર્ષના બાળકને દીપડાએ મારી નાખ્યો હતો. માતાની બાજુમાં સુતેલા આ બાળકને દીપડો ગળામાંથી પકડી ઉપાડી ગયો હતો. જો કે માતા-પિતાએ દીપડા પાછળ દોડી પુત્રને તેના સકંજામાંથી છોડાવ્યો જરૂર હતો પરંતુ સારવાર દરમીયાન બાળકનું મોત થયુ હતુ.
આ માનવભક્ષી દીપડાને પકડવા વનતંત્ર દ્વારા ભરડ ગામની સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ આટલા દિવસ વિતવા છતાં દીપડો હજુ સપડાયો નથી. વનખાતાનો સ્ટાફ જીપ લઇને આવે છે અને પાંજરાઓ જોઇ પાછો ચાલ્યો જાય છે. ખુંખાર દીપડો ખુલ્લેઆમ ફરતો હોય લોકોમાં ફફડાટ છે. કારણ કે ખેતીની સીઝન હોય ખેડૂતોને રાત્રે પણ ખેતીકામ કરવુ પડે છે.
કોઇપણ ભોગે આ દીપડાને પકડવા લોકો દ્વારા વારંવાર રજુઆત કરાય છે. પરંતુ વનતંત્ર દ્વારા દીપડાને પકડવા પાંજરા મુકવા સિવાય કોઇ વિશેષ કદમ ઉઠાવવામાં આવ્યા નથી.

No comments: