Thursday, November 17, 2011

૭ ફૂટ લાંબી મગરને પકડવા પવિત્ર દામોકૂંડ ખાલી કરાયો.


આસ્થાભેર સ્નાન માટે આવેલા જૂનાગઢમાં સેંકડો ભાવિકોમાં ફફડાટ

જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં આજે સવારે એક મગર ચડી આવી હતી અને ત્યાં આવેલા લોકોમાં ભય ફેલાયો હતો. બાદમાં મગરને પકડવા કુંડનું પાણી ખાલી કરાવાયું હતું. પરંતુ ઉપરથી પાણીની આવક ચાલુ રહેતા રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી થઈ હતી અને છ કલાક બાદ મગર ઝડપાઈ હતી અને બાદમાં તેને વિલીંગ્ડન ડેમમાં છોડી મુકવામાં આવી હતી.
ઉપરથી પાણીના વહેણ ચાલુ હોઈ છ કલાકે મગર પકડાઈ
આ અંગેની વધુ વિગત મુજબ ગિરનારના જંગલ વિસ્તારમાંથી એક સાતેક ફુટ લાંબી મગર દામોદર કુંડ નજીક ચડી આવી હતી અને સવારે તે કુંડ નજીક જોવા મળતા વનવિભાગ અને સ્નેક રેસ્ક્યુ ઓપરેશનના સભ્યોને જાણ થતા તેઓ દામોદરકુંડ ખાતે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો મગર મુખ્ય કુંડમાં જતી રહી હતી. બાદમાં મગરને પકડવા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપરથી વહેણ ચાલુ હોવાના લીધે પાણીની આવક ચાલુ રહેતા મગરને પકડવામાં મુશ્કેલી થતી હતી.
બાદમાં વનવિભાગના અધિકારી કર્મચારી તથા રેસ્ક્યુ ઓપરેશનની ટીમના સભ્યો મગર બહાર આવે તેવી રાહ જોઈને બેઠા હતા. ત્યાં સુધી પવિત્ર કુંડમાં આવનારા ભાવિકોને સ્નાન કરતા રોકવામાં આવ્યા હતા અને કુંડ નજીક ન જવા સુચના આપવામાં આવી હતી. બાદમાં બપોરે અઢી વાગ્યા આસપાસ મગર બહાર આવતા વનવિભાગ અને સ્નેક રેસ્ક્યુ ઓપરેશનની ટીમના સભ્યોએ સાત ફુટ લાંબી મગરને પકડી લીધી હતી અને તેને વિલીંગ્ડન ડેમમાં છોડી મુકી હતી. આ મગર ઘણા સમયથી આ વિસ્તારમાં દેખા દેતી હોવાનું જાણવા મળ્યું છે. અંતે મગર ઝડપાઈ જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Source: http://www.gujaratsamachar.com/20111117/gujarat/sau3.html

No comments: