જૂનાગઢ, તા.૨૦:
ગિરનારની પરિક્રમા પૂર્ણ થયા બાદ આજે બીજી વખત હાથ ધરાયેલા સફાઈ
અભિયાનમાં એક માત્ર બોરદેવી વિસ્તારમાંથી જ ચારેક ટ્રેક્ટર જેટલો
પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવ્યો છે. હજૂ પણ પરિક્રમા માર્ગ પર વ્યાપક
પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પડયો હોય આગામી એક મહિના સુધી સતત આ સફાઈ
અભિયાન ચલાવવાનો નિર્ધાર સર્વોદય નેચર ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો
છે.· હજૂ પણ વ્યાપક પ્રમાણમાં કચરો : એક મહિનો અભિયાન ચાલશે
ગિરનારની પરિક્રમામાં ઉમટી પડેલા લાખ્ખો યાત્રિકોના કારણે જંગલ વિસ્તારમાં ટનબંધ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર થયો છે. ગત રવિવારે સાધુ-સંતોની આગેવાની હેઠળ હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં ત્રણ ટ્રક જેટલું પ્લાસ્ટિક જીણાબાવાની મઢી અને બોરદેવી વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં આજે સવારથી જ સર્વોદય નેચર ક્લબના કાર્યકરો અને બામણાસા ઘેડના વિદ્યાર્થીઓ દ્વારા બોરદેવી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તેમજ અમૃત દેસાઈ, અનિલ વ્યાસ, મનિષ આચાર્ય, મનિષ ગરેજા સહિતના કાર્યકરો આ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
વનવિભાગના સ્ટાફને સાથે રાખીને સાંજ સુધીમાં ચારેક ટ્રેક્ટર જેટલો પ્લાસ્ટિકનો કચરો બોરદેવી વિસ્તારમાંથી એકત્ર કરીને અહી જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. સર્વોદય નેચર ક્લબના જણાવ્યા અનુસાર ગિરનાર જંગલમાં હજૂ પણ વ્યાપક પ્રમાણમાં કચરો પડયો છે. માટે આગામી એક મહિના સુધી જુદા જુદા સ્થળો પર જઈને દર રવિવારે વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખીને ગિરનારની સફાઈ ઝૂંબેશ શરૂ જ રાખવામાં આવશે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10291
No comments:
Post a Comment