Tuesday, November 29, 2011

ગિર પંથકમાં પીપળાના વૃક્ષ પર લટકતો મળ્યો સિંહણનો મૃતદેહ

ઈલેકટ્રીક કરંટથી સિંહણના મૃત્યુ બાદ મૃતદેહ કૂવામાં ધકેલી દેવા પ્રયાસ

ઉના,ધારી,તા.૨૮
ઉનાના ધોકડવા ગામ નજીક નદી કાંઠે આવેલ વાડી પાસેથી વીજ શોકથી મોતને ભેટેલી સિંહણનો મૃતદેહ પીપળાના ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતા વનવિભાગનો કાફલો હાંફળો ફાંફળો દોડી ગયો હતો. જયારે ધારી ગીરપૂર્વની જસાપર રેન્જના સણોસરી વિસ્તારમાંથી પણ સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા તપાસ હાથ ધરાઈ છે.
ઉનાના ધોકડવા ગામ નજીક મળી આવેલા સિંહણના મૃતદેહની માફક ધારીના સણોસરા ગામ પાસેથી સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા હાથ ધરાતી તપાસ
આ બનાવની વનસૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાનાંમ ધોકડવા ગામની સીમમાં રાહી નદી કાંઠા વિસ્તારમાંના સામેની તરફ આવેલી વાડી પાસે આવેલ અવાવરૃ કુવા નજીક જે જેમની આસપાસ પીપળનાં ઝાડ ઉપર એક છ વર્ષની સિંહણનો મૃતદેહ લટકતો હોવાની ચોકાવનારી જાણ થતાં વન્ય વિભાગનાં જશાધાર રેન્જનાં અધીકારી ઘટના સ્થળે દોડી ગયેલ અને ઝાડ પર લટકતી છ વર્ષની સિંહણનો મૃતદેહ ઝાડપરથી નીચે ઉતારી તાકીદે આ સિંહણનું મોત વન ખાતાનાં અધીકારીને શંકાસ્પદ જણાતા ફોરેસ્ટ વિભાગની ડોકટરની પેનલ ટીમને બોલાવી મોત અંગે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં સિંહણનું મૃત્યુ વાડી ફરતે પાકને બચાવવા ગોઠવાયેલા જીવંત વીજ વાયરને સ્પર્શી જતા વીજશોક લાગતા મૃત્યુ થયું હોવાનું જણાયું હતું. તથા સિંહણરાત્રે વીજ શોકથી તરફડીને મૃત્યુ પામતા તેના મોતને છુપાવવા માટે મૃતદેહને ઢસડી અવાવરૃં કૂવામાં નાખવાનો પ્રયાસ કરાયો હોવાનું તથા મૃતદેહ કૂવાને બદલે કૂવા ફરતે આવેલા પિપળાના વૃક્ષ ઉપર લટકી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જે સ્થળેથી સિંહણનો મૃતદેહ મળ્યો તે જગ્યાએથી થોડે દૂર આવેલી વાડીમાં વીજ વાયરના પુરાવા જોવા મળતા વનવિભાગ ચોકી ઉઠયું હતું. અને આ વિસ્તારમાં વન અધિકારીઓનો કાફલો તપાસ માટે ઉતરી આવ્યો છે.
ધારી ગીરપુર્વના જસાધાર રેન્જના સણોસણી, વિસ્તારમાં ૭થી ૮ વર્ષની સિંહણનો મૃતદેહ શંકાસ્પદ રીતે મળી આવતા ધારી વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે. આ સિંહણના પગમાં પંચર પડી ગયેલ છે. તેમજ વાડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે જેથી અનેક શંકાઓ ઉપજે છે. ડી.એફ.ઓ.એ પણ સિંહણના મૃત્યુ શંકાસ્પદ જણાવી બે ડોકકટરની પેનલ દ્વારા પી.એમ. કરાવી તથા તેમજ જૂનાગઢ ફોરેન્સીક લેબોરેટરીમાં તપાસ માટે અવશેષો મોકલાયા હોવાનું જણાવ્યું હતું.
Source: http://www.gujaratsamachar.com/20111129/gujarat/ahd3.html

No comments: