Monday, November 7, 2011

હર હર મહાદેવના ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ.


Source: Bhaskar News, Junagadh | Last Updated 12:09 AM [IST](07/11/2011)
 - સત્તાવાર પ્રારંભ પહેલાં જ ૬.૫૦ લાખ લોકોએ પરિક્રમા શરૂ કરી દીધી : અઢી લાખ ભાવિકો વતન ભણી રવાના
ગિરનારની પરિક્રમાનો આજે રાત્રે ૧૨ વાગ્યે હર હર મહાદેવનાં ઘોષ સાથે પ્રારંભ થયો હતો. ભાવિકોએ રૂપાયતન ગેઇટ ખાતેથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરી હતી. જોકે, છેલ્લા ૩ દિવસોમાં ૬.૫૦ લાખથી વધુ ભાવિકોએ આગોતરી પરિક્રમા શરૂ પણ કરી દીધી છે. એ પૈકીનાં અઢી લાખથી વધુ લોકોએ નળપાણી ઘોડી વટાવી દીધી છે. એટલે કે, તેઓ પરિક્રમા પૂર્ણ કરવા ભણી છે.
ભવનાથમાં રૂપાયતનનાં પરિક્રમા ગેઇટ ખાતે આજે ગિરનાર પરિક્રમાનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાનાં પ્રભારી મંત્રી દિલીપ સંઘાણી, કલેક્ટર આશીર્વાદ પરમાર, રેન્જ આઇ.જી. શ્રીમાળી, મેયર કેપ્ટન સતીષ વીરડા, ડે. મેયર ગીરીશ કોટેચા, મ્યુ. કમશિ્નર વપિ્રા ભાલ, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડીડીઓ દિલીપ રાણા, એસ.પી. દીપાંકર ત્રિવેદી, મહામંડલેશ્વર વિશ્વંભર ભારથીજી, ઇન્દ્રભારથીજી, મોટા પીરબાવા તનસુખગીરીજી, વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન છેલ્લા ૩ દિવસોમાં આશરે ૬.૫૦ લાખ લોકો જંગલમાં પ્રવેશી ગયાનું વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
જે પૈકીનાં ૨,૫૩,૭૦૦ લોકોએ સાંજે ૭ વાગ્યા સુધીમાં નળપાણીની ઘોડી વટાવી દીધી છે. એટલે કે આવતીકાલે સવાર સુધીમાં તેઓ પરિક્રમા પૂર્ણ કરી પોતાનાં વતન ભણી રવાના થશે. દરમ્યાન આજે એકજ દિવસમાં ચાર લાખ લોકો જંગલમાં પ્રવેશ્યા હતા. જ્યારે મધરાતે ૧૨ વાગ્યા પછી પરિક્રમા શરૂ કરનારા સવાર સુધીમાં પરિક્રમા માર્ગ પર પ્રવેશી જાય તેવો અંદાજ છે.
૫૩ પરિક્રમાર્થીઓ વિખૂટા પડ્યા -
પરિક્રમા કરતા ૫૩ ભાવિકો આજે માર્ગ પર પોતાનાં ગૃપથી છુટા પડી ગયા હતા. જે પૈકી ૨૧ નો તેમનાં સ્વજનો સાથે ભેટો કરાવાયાનું બોરદેવી ત્રણ રસ્તા સ્થિત વનવિભાગની રાવટીનાં રાઉન્ડ ફોરેસ્ટર જી. ટી. સુવાગીયાએ જણાવ્યું હતું.
બે યાત્રાળુઓએ દમ તોડ્યો –
જસદણથી પરિક્રમામાં આવેલા ડાયાભાઇ વિરજીભાઇ કાનાણી (ઉ.૫૦) નામનાં પ્રાૈઢનું ઝીણાબાવાની મઢી ખાતે હાર્ટ એટેકથી મોત થયું હતું. જ્યારે ઇંટવાની ઘોડી ઉપર ચઢતી વખતે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તાલુકાનાં ગોરજનાં કુંજબિહારીદાસ સીતારામદાસ રામાનુજ (ઉ.૭૪) નામનાં વૃદ્ધે પણ સવારે ૮ વાગ્યે દમ તોડી દીધો હતો.
બોરદેવી પાસે પાંજરું મુકાયું –
જંગલમાંથી સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ આવી ચઢે તો તેને પકડવા વનવિભાગે બોરદેવી ત્રણ રસ્તા પાસે પાંજરું ગોઠવ્યાનું રાઉન્ડ ફોરેસ્ટર સુવાગીયાએ જણાવ્યું હતું.
પરિક્રમા હવે શાસ્ત્રોકત ક્યાં રહી : ગોપાલાનંદજી
ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસની મધરાતથી શરૂ કરવાનું અને પૂનમ સુધીમાં પૂર્ણ કરવાનું મહત્વ છે. આ રીતે જોઇએ તો હવે ઉદ્ધાટન પણ ફારસરૂપ બન્યું છે. પરિક્રમા હવે શાસ્ત્રોકત ન ગણાય. નવાબીકાળમાં અગિયારસની મધરાત પહેલાં કોઇ પરિક્રમા શરૂ જ ન કરતું. એમ ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજીએ ભારે વ્યથા સાથે જણાવ્યું હતું.
પરિક્રમાર્થીઓની શહેરમાં સહેલ -
ગિરનારની પરિક્રમા પૂરી કરી પોતપોતાનાં વતન જતાં પહેલાં ભાવિકોનો એક મોટો વર્ગ જૂનાગઢનાં ઉપરકોટ, સક્કરબાગ, નરસિંહ મહેતાનો ચોરો, વગેરે સ્થળોની અચૂક પણે મુલાકાત લે છે. હાલ આ સ્થળોએ હજારોની ભીડ જોવા મળે છે. પરિક્રમા કરીને પરત ફરતા ભાવિકો પૈકી ઘણાં દામોદરકુંડમાં સ્નાન પણ કરતા હોય છે.

No comments: