- જિલ્લાભરમાં ર૧ થી પણ વધુ જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી સૌથી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બને છે
પ્રકૃતિને બચાવીને ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપી શકાય તેમ છે, તેની સાથે
પ્રવાસનનો પણ વિકાસ કરી શકાય છે. પોરબંદર જીલ્લો તેની ભૌગોલિક પરિસ્થિતીને
લીધે ઇકો ટુરીઝમ ક્ષેત્રે સારો એવો વિકાસ સાધી શકે તેમ છે. આ બાબતે
પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પોરબંદર અને
આસપાસના વિસ્તારોમાં આવેલા પક્ષી અભ્યારણ્ય અને જળપ્લાવીત વિસ્તારોમાં ઇકો
ટુરીઝમનો વિકાસ કરી શકાય તેમ છે.સુદામાજી અને ગાંધીજી થી પ્રખ્યાત પોરબંદરમાં સુદામા મંદિર, કીર્તીમંદિર, હરીમંદિર સહીતના દર્શનીય સ્થળો તો છે જ. સાથોસાથ અનેક વિશેષતાઓ રહેલી છે. આ ઉપરાંત ઈકોટુરીઝમ ક્ષેત્રે પણ વિપુલ તકો રહેલી છે. આ બાબતે પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી, યુ.વી. જોષી તેમજ નરભેશંકરભાઈએ એવું જણાવ્યું હતું કે, નયનરમ્ય દરિયા કિનારો, શહેરની મધ્યમાં સ્થિત પક્ષી અભ્યારણ્ય તથા શહેરની આસપાસ ૨૧ જેટલા જળપ્લાવીત સ્થળો કે જ્યાં દર વર્ષે વિદેશી પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે. આ યાયાવર પક્ષીઓ માટે પોરબંદરનું સમતાપી વાતાવરણ, વિદેશી પક્ષીઓ માટે માઇગ્રેટરી હાઇવે તથા આસપાસના જળાશયોનો કાદવવાળો વિસ્તાર.
આ તમામ પરિસ્થિતીઓ ભારતીય તથા વિદેશી પક્ષીઓ માટે ખુબ જ અનુકુળતા ભરી છે. આ તમામ પક્ષીઓ માટે પોરબંદરમાં અનુકુળ વાતાવરણ અને પુરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ છે. ઉપરાંત તેમના પ્રજનન માટે પણ પુરતી અનુકુળતાઓ રહેલી છે. આવા વાતાવરણમાં પક્ષીઓ વસવાટ કરીને તેની પ્રજાતિને આગળ વધારી શકે છે. લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરમાં અંદાજે ચાર માસ જેવો સમય વિતાવે છે. શહેરની મધ્યમાં અને માનવ વસ્તીથી તદન નજીક મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અન્ય કોઇ જગ્યાએ જોવા મળતાં નથી.
પક્ષીવિદ્દો અને સંશોધકો માટે પોરબંદર પક્ષી અભ્યારણ્ય મહત્વનું અને મોડેલ સ્થાન રહયું છે. લાખોની સંખ્યામાં આવતાં વિદેશી પક્ષીઓને જોઇએ લોકો રોમાંચીત બની જાય છે. ઐતિહાસિક અને ધાર્મિક પ્રવાસનની સાથો સાથ પોરબંદરને જો ઇકોટુરીઝમ તરીકે પણ વિકસાવવામાં આવે તો પોરબંદર સમગ્ર વિશ્વમાં અદ્રિતીય બની શકે તેમ છે. પોરબંદરને બર્ડ સીટી તરીકે જાહેર કરીને સરકારે પક્ષી નગરીની મહોર તો લગાવી દીધી છે. ત્યારે ટુરીઝમ વિભાગે પણ આ બાબતે રસ દાખવી પોરબંદરમાં ઇકો ટુરીઝમનો વિકાસ કરે તો સ્થાનિક લોકોને પણ રોજગારીની નવી તકો ઉભી થઇ શકે તેમ છે. ગુજરાત સરકાર ઇકો ટુરીઝમને પ્રોત્સાહન આપે છે ત્યારે પક્ષીઓના તીર્થ સમાન પોરબંદરમાં ઇકો ટુરીઝમ માટે સરકારે વિકાસના કાર્યો હાથ ધરવા જોઇએ.
પોરબંદરમાં આવનાર વિદેશી પક્ષીઓમાં કુંજ પક્ષીની સંખ્યા સૌથી વધુ છે. તેથી જ તેનો શિકાર પણ વધારે થાય છે. કારણકે તેનાં ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા ઉપજે છે.
વન વિભાગ સક્રિય બને -
શિયાળો શરૂ થતાંની સાથે જ વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે. આવા સમયે શિકારીઓ પણ સક્રિય બને છે. લાખોની સંખ્યામાં આવતાં વિદેશી પક્ષીઓનો શિકાર પણ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે આ બાબતે વન વિભાગે સક્રિય દાખવીને વિદેશી પક્ષીઓનો બેરોકટોક થતો શિકાર રોકવા માટેના પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
જાણિતા પર્યાવરણવિદ્દોએ પણ નોંધ લીધી હતી, રીસર્ચ કર્યું હતું -
પીટર જેકસન નામના પર્યાવરણવિદ્દ જ્યારે પોરબંદર આવ્યા હતા ત્યારે શહેરની મધ્યમાં હજારોની સંખ્યામાં ફલેમીંગો જોઇને તેઓ અભિભૂત બની ગયા હતા. અને તેમણે ભારત સરકારને પત્ર લખ્યો હતો કે માનવ વસ્તીથી તદન નજીક આટલી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ માત્ર પોરબંદરમાં જ જોવા મળે છે. પોરબંદરમાં ઇકો ટુરીઝમની વિપુલ તકો રહેલી છે. સરકારે આ બાબતે વિચાર કરીને વિકાસ કરવો જોઇએ. ઉપરાંત હંગેરી અને જર્મનીના પર્યાવરણવિદ્દોએ પોરબંદરમાં જ સૌથી વધુ પ્રમાણમાં વિદેશી પક્ષીઓ કેમ આવે છે તેના પર રીસર્ચ કર્યું હતું.
પોરબંદરમાં ક્યા ક્યા પક્ષીઓ આવે છે -
પોરબંદરની આસપાસના વિસ્તારોમાં ફલેમીંગો, પેલીકન, તિલીયાળી બતક, સુરખાબ, સિસોટી બતક, કુંજ પક્ષી, વિવિધ બગલાઓ, ગુલાબી અને રૂપેરી પેણ, જલમુઘીઁ, ગજપાવ, લીલો મધખાઉ, કલકલીયા, રોઝી સ્ટરલીંગ(વૈયા) જેવા પક્ષીઓ તો સામાન્ય રીતે જોવા મળે જ છે. ઉપરાંત અલભ્ય જાતિના રાજહંસ, સારસ, સ્પોટેડ ઇગલ અને ઇવોસેટ પણ પોરબંદરમાં જોવામાં આવે છે.અંદાજે ૨૫૦ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-abundant-opportunities-for-eco-tourism-in-porbandar-2593509.html?OF10=
No comments:
Post a Comment