Source: Bhaskar News, Talala | Last Updated 1:45 AM [IST](28/11/2011)
- તાલાલા પંથકમાં આંબામાં મોર ભાદરવા - આસોને બદલે કારતક માસમાં ફૂટતા કેરીની સિઝન એક મહિનો મોડી થશે
ગીર પંથકની આર્થિક કરોડજજુ ગણાતી કેસર કેરી તેનાં સ્વાદ, સુગંધથી લોકોમાં ફળોની મહારાણી તરીકે સ્થાન પામી છે. કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાલા (ગીર) પંથકની આંબાવાડીઓમાં કેરીનાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. દર વર્ષે ચોમાસા બાદ ભાદરવો અને આસો મહિનામાં કેરીનાં આંબામાં કોર (નવા પાન) આવી જતા હોય છે અને કારતક માસમાં મોર ફૂટવાનું શરૂ થઇ જતુ હોય છે. પરંતુ ચાલુ સાલ પ્રતિકુળ હવામાનનાં લીધે ભાદરવા, આસો માસમાં આવતો ‘કોર’ કારતક માસનાં અંતમાં મોર માગસર માસનાં પ્રારંભે ફૂટવાનું શરૂ થયું છે.
સાથે ઠંડીનાં અભાવે મોર ફૂંટવાની પ્રક્રિયા ધીમી ગતિથી શરૂ થઇ હોય કેરીનું આગમન બજારોમાં એક મહિના જેટલું મોડુ થશે. જેથી ‘કેસર’ નાં શોખીનોએ કેરી ખાવા થોડી રાહ વધુ જોવી પડશે તેમ કેરી ઉત્પાદક ખેડૂતો જણાવી રહ્યા છે. તાલાલા પંથકમાં દર વર્ષે આઠ લાખ મેટ્રીક ટનથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે.
ઘરઆંગણે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં સંભવત કેરીનું આગમન ચાલુ સાલ એપ્રીલ માસનાં અંતમા થશે. આ વર્ષે ગીર પંથકની કેસર કેરી ખરીદવા ‘કોર્પોરેટ કંપની’ ઓએ અગાઉથી કરારો કર્યા હોય કેરીનું ઉત્પાદન કેટલું થશે તેના ઉપર કેરીનાં ભાવનો આધાર રહેશે.
કેરીનાં બંધારણ ઉપર ઉત્પાદનનો આધાર -
તાલાલાનાં ધાવા (ગીર) ની આંબાવાડીમાં મોર ફૂંટવાની વહેલી શરૂઆત થઇ ચુકી હોય ખેડૂત હરેશભાઇ દેવદાસભાઇ રામાણીનાં ૭૦૦ આંબાનાં બગીચામાં ૪૦૦થી વધુ આંબાઓમાં મોર ફૂટયા છે. ખેડૂતોનાં મતે મોર ફૂટયા બાદ કેરીનું બંધારણ (મગીયો) કેવુ બંધાય છે તેનાં ઉ૫ર કેરીનાં ઉત્પાદનનો આધાર રહેશે. આ ઉપરાંત બોરવાવ - રમરેચી - આંકોલવાડી - જશાપુર - મોરૂકા - બામણાસા - વીરપુર - માધુપુર સહિતનાં ગામોની આંબાવાડીઓમાં મોર ફૂંટવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી હોવાનું જાણવા મળે છે.
No comments:
Post a Comment