Source: Bhaskar News, Junagadh | Last Updated 12:26 AM [IST](24/11/2011)
- હાઇકોર્ટે નીમેલી તપાસ ટીમના સુરેન્દ્રનગરના એસપી ખાંભા પહોંચ્યા
આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં મૃતકનાં પિતાએ જૂનાગઢનાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણીના આક્ષેપ કરતી હાઇકોર્ટમાં કરેલી રીટનાં પગલે કોર્ટે નીમેલી ટીમે તપાસનો ધમધમાટ શરૂ થયો ત્યારે સુરેન્દ્રનગર એસપીએ આજે ખાંભા પહોંચી મૃતકનાં પિતા અને અમીતનાં મિત્રો સહિતનાં નિવેદનો લેતા આ પ્રકરણ પુન: ચર્ચામાં આવ્યું છે. ઉલ્લેખનીય એ છે કે, ગત રવિવારથી જ સુરેન્દ્રનગર પોલીસની એક ટીમનાં કોડીનારમાં જ ધામા છે.
રાજ્યભરમાં બહુચર્ચીત અમીત જેઠવા હત્યા કેસમાં મૃતકનાં પિતા ભીખાભાઇએ આ હત્યામાં જૂનાગઢનાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણીનાં આક્ષેપ સાથે આ તપાસ સીઆઇડી અથવા સીટને સોંપાઇ તે માટે હાઇકોર્ટમાં ઘા નાખી હતી. થોડા દિવસ પૂર્વે હાઇકોર્ટે આ મુદ્દે એડશિનલ આઇજીના વડપણ હેઠળ એક ટીમની રચના કરી ૨૮મી નવેમ્બર સુધીમાં હાઇકોર્ટમાં રીપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ ટીમમાં સુરેન્દ્રનગરનાં એસપી રાઘવેન્દ્ર વત્સનો પણ સમાવેશ કરાયો હોવાથી ગત રવિવારથી સુરેન્દ્રનગર પોલીસની એક ટીમે પહોંચી ખાંભા અને કોડીનાર પંથકમાં ખનીજ ચોરીનાં ગુન્હા સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દરમિયાન આજે સવારે સુરેન્દ્રનગરનાં એસપી રાઘવેન્દ્ર વત્સ ખાંભા પહોંચી મૃતકનાં પિતા ભીખાભાઇને પણ મળી તેમના તથા પરિવારજનોનાં અને મૃતક અમીતનાં મિત્રોનાં નિવેદનો લીધા હતાં. હાઇકોર્ટમાં આ અંગે રીપોર્ટ માટે ૨૮ તારીખ નજીક આવતી હોય ત્યારે તપાસ કાર્યવાહી પણ વેગવંતી બની છે. બીજીબાજુ આ પ્રકરણ ફરી રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યુ છે.
પૂરતા સબૂત આપ્યા છે : ભીખુભાઇ
મૃતકનાં પિતા ભીખુભાઇએ આજની કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર એસપીને ખાણ- ખનિજ, કોડીનારની હોસ્પિટલનો રોડ, મુળ દ્વારકા જેટી સહિત ૫૦૦ પાનાનાં પુરાવા અમોએ સાંસદ વિરૂધ્ધ રજૂ કર્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amit-jethwas-father-gives-500-pages-evidence-against-sansad-2587356.html
No comments:
Post a Comment