Friday, November 4, 2011

અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં સાવજોનો આતંક.

Source: Bhaskar News, Khambha | Last Updated 1:41 AM [IST](02/11/2011)
 
- માલધારી અને ખેડૂતોના મોઘામોલા પશુઓનું મારણ થતાં રોષ

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પેટની ભુખ ભાંગવા માટે ગમે તે પશુનુ મારણ કરી નાખે છે. ખાસ કરીને વિવિધ ગ્રામ્ય વિસ્તારની સીમમાં વસતા સાવજો માલધારી કે ખેડુતની ગાય, ભેંસ, બળદ, ઘેટા બકરા જેવા પશુઓને છાશવારે ફાડી ખાય છે. ખાંભાના ડેડાણમાં સાવજે ગઇકાલે એક ગાયનું મારણ કર્યું હતું. જ્યારે લીલીયાના બવાડીમાં નિલગાયનું મારણ કર્યું હતું.

મારણની પ્રથમ ઘટના ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં બની હતી. ડેડાણના વનરાજભાઇ કોટીલાની વાડીમાં શિકારની શોધમાં આવી ચડેલો સાવજ એક ગાય પર તુટી પડયો હતો અને આ સાવજે ગાયને મારી નાખી ભરપેટ મારણ ખાધુ હતું. આ ઘટનાને પગલે સીમમાં ખેતીકામ કરતા ખેડુત પરિવારોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

અન્ય એક ઘટનામાં લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં ત્રણ બચ્ચા સાથે મારણ માટે નીકળેલી સિંહણે નિલગાયને શિકાર બનાવી હતી.
નિલગાયને મારી નાખ્યા બાદ સિંહણ અને તેના ત્રણ બચ્ચાએ પેટભરીને ભોજન લીધુ હતું. આ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસે છે. અને દરરોજ કોઇને કોઇ પશુનુ મારણ કરે છે

No comments: