Wednesday, November 30, 2011

હવે અહીં તમને મળશે સો ટકા શુધ્ધ ઔષધીઓ.


Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:27 AM [IST](30/11/2011) રાજકોટમાં વન વિકાસ નિગમનો શો-રૂમ શરૂ થશે
રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ’ દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક દવાઓ હવે રાજકોટમાં પણ ઉપલબ્ધ બનશે. રાજકોટમાં આગામી તા.૧લી ડિસેમ્બરે ‘ધનવંતરિ’ના નામે ગુ.રા. વન વિકાસ નિગમનો અધિકૃત શો-રૂમ શરૂ થઈ રહ્યો છે. આ સુવિધાને કારણે લોકોને સો પ્રતિશીત શુધ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક દવાઓ મળતી થશે.
ગુ.રા.વન વિકાસ નિગમ લિ. દ્વારા ૧૯૮૫થી ‘ધનવંતરિ’ બ્રાન્ડ નેમ હેઠળ દવાઓ બનાવવામાં આવે છે. ગુજરાતના જંગલોમાં આદિવાસીઓ તથા જાણકારો દ્વારા જડીબુટ્ટીઓ એકત્ર કરી, વડોદરા ખાતે નિગમની ફેકટરીમાં દવાઓ બનાવવામાં આવે છે. નિગમ દ્વારા મધ, જામ્વાદી ચૂર્ણ, હલચલ ચૂર્ણ, ત્રફિળા ચૂર્ણ, રસાયણ ચૂર્ણ, નયી ચેતના ચૂર્ણ, હરડે સહિત કુલ ૫૭ ઔષધો બનાવવામાં આવે છે તે પૈકીના ૧૪ ઔષધોની ધનવંતરિના નામે પેટન્ટ મેળવેલ છે. ડાયાબિટીસ, વા, સાંધા, કમર, ગોઠણના દુ:ખાવા, કબજિયાત, ગેસ, એસિડિટી સહિતની અનેક બીમારીઓમાં અસરકારક દવાઓ નિગમ દ્વારા તૈયાર કરી વેચવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં મોટી સંખ્યામાં લોકો આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ તરફ આકષૉયા છે. મધ, ચ્યવનપ્રાશ વગેરે તો સામાન્ય સંજોગોમાં પણ ઉપયોગમાં લેતાં હોય છે ત્યારે હવે રાજકોટમાં લોકોને તે શુધ્ધત્તમ સ્વરૂપે પ્રાપ્ય બનશે. રાજકોટમાં તા.૧ને ગુરુવારે સવારે ૧૧-૩૦ કલાકે સરદારનગર મેઈન રોડ પર, વિકાસ મેડિકલ સ્ટોર્સની બાજુમાં માયા કોમર્શિયલ કોમ્પલેકસમાં નિગમના ચેરમેન કે.ટી. ભીલના હસ્તે આ ‘ધનવંતરિ’ શો-રૂમનું ઉદ્દઘાટન થશે. એ પ્રસંગે નિગમના વહીવટી નિયામક એ.કે. શર્મા ખાસ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્રમાં ત્રીજો શો-રૂમ
નિગમના વડોદરા સ્થિત સંયુક્ત વહીવટ નિયામક એસ.એસ. ત્યાગી તથા જુનાગઢના સબ ડિવિઝન મેનેજર વૈષ્ણવના જણાવ્યા મુજબ નિગમના અત્યાર સુધી જામનગર અને જુનાગઢ ખાતે શો-રૂમ હતા. નિગમનું કુલ વાર્ષિક ટર્નઓવર અઢી કરોડનું છે તેમાંથી ૪૦ ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. રાજકોટમાં હવે સૌરાષ્ટ્રનો ત્રીજો શો-રૂમ શરૂ થઈ રહ્યો છે. લોકોને શુધ્ધ સ્વરૂપે આયુર્વેદિક ઔષધો પ્રાપ્તથાય એ હેતુસર નિગમ દ્વારા તબક્કાવાર વેચાણ કેન્દ્રોનો વ્યાપ વધારવામાં આવે છે.
ભળતા નામથી દવાનું વેચાણ થાય છે
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. દ્વારા ઉત્પાદિત દવાઓ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. એની એ લોકપ્રિયતાનો લાભ લેવા કેટલાક લેભાગુ કંપનીઓ દ્વારા ભળતા નામે દવાઓનું વેચાણ કરવામાં આવે છે. અત્યાર સુધી લોકો છેતરાતાં રહ્યા છે. પણ, હવે નિગમનો અધિકૃત શો-રૂમ જ શરૂ થઈ રહ્યો છે ત્યારે લોકો એ જ શો-રૂમમાંથી દવા મેળવે તે સલાહભર્યું છે.

No comments: