Friday, November 25, 2011

ડિસેમ્બરમાં પણ સાસણ રહેશે ફેવરિટ ડેસ્ટિનેશન.

Source: Falguni Daraji, Ahmedabad   |   Last Updated 1:02 AM [IST](25/11/2011)
એશિયાટિક લાયન સાથે મેમોરેબલ ટ્રિપ માણવાનો શ્રેષ્ઠ સમય, શહેરવાસીઓ ઉત્સાહમાં
વિચારો કે તમે ચાંદની રોશનીમાં આકાશ સામે જોઇને બેઠા હોવ, ફુલ ગુલાબી ઠંડી હોય અને અચાનક જ સિંહની ગર્જના સંભળાય આ વિચાર માત્રથી મનમાં રોમાંચ ઉદ્ભવે છે, પરંતુ તમે પણ આવો અનુભવ કરવા માંગતા હોવ તો સાસણગીર જઇને તમે આવો અનુભવ કરી શકો છો. શહેરના સેંકડો લોકો આ અનુભવ લઈ ચૂક્યા છે અને ડિસેમ્બરમાં પણ સાસણગીર શહેરવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન રહેશે.
તાજેતરમાં જ સાસણગીરની મુલાકાત લઇને આવેલા પંકજભાઇ શાહે જણાવ્યું કે, અમે પ્રથમ વખત સાસણગીરની મુલાકાતે ગયા હતા, પરંતુ ખરેખર આ મુલાકાત ખૂબ જ યાદગાર રહી. ટેન્ટમાં રહીને ચાંદનીમાં રહેવાનો મોકો પણ પહેલી વાર મળ્યો. જ્યારે પારુલ બહેને જણાવ્યું કે, ખુશ્બૂ ગુજરાત કી જોયા પછી સાસણ ગીરની ખૂબસૂરતી વિશે જોવા મળ્યું. ત્યારબાદ અમે આ વખતે સાસણગીરની ટૂર કરી હતી. સાસણ ગીરનો અનુભવ રોમાંચક રહ્યો. સિંહ જોવાની સાથે રાત્રે ત્યાં રહેવાનો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો.
મજા આવશે છકડાની રાઇડમાં
આ વર્ષે સાસણ ગીરના પેકેજમાં દરેક મુસાફરને ખાસ રાઇડ કરાવવામાં આવે છે. સૌરાષ્ટ્રની શાન એવા છકડામાં દરેક ટૂરિસ્ટને રાઇડ કરાવવામાં આવે છે. આ વખતે સાસણ ગીરની મુલાકાતે ઘણા-બધાં ફોરેનર્સ પણ આવી રહ્યાં છે. ફોરેનર્સ પણ છકડાની રાઇડનો આનંદ ઉઠાવી રહ્યાં છે. તમે પણ છકડાની રાઇડ કરીને એક અલગ અનુભવ લઇ શકો છો.
એનઆરઆઈનો વધારો
ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન સાસણ ગીરની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય છે. ગયા વર્ષે આ ત્રણ મહિના દરમિયાન ૧૫ થી ૨૦ હજાર ટૂરિસ્ટે સાસણગીરની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે દિવાળીમાં જ ૫૦ હજાર જેટલા ટૂરિસ્ટો સાસણની મુલાકાત લઇ ચૂક્યા છે. આગામી ૩૧ ડિસેમ્બર સુધી લગભગ તમામ બુકિંગ થઇ ગયું છે. આ વખતે ભારતના બેંગલોર, હૈદ્રાબાદ, પુના , દિલ્હીથી વધારે લોકો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જ્યારે એનઆરઆઇ સીઝનમાં ફોરેનર્સની સંખ્યામાં પણ વધારો થશે.
કાચી કેરીનો બાફલો પીરસવામાં આવે છે
સાસણમાં ખાસ ટૂરિસ્ટ માટે એસી ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રવાસનું પેકેજ બે રાત્રિ અને ૩ દિવસનું હોય છે. જેમાં જમવા સહિત સફારીનો પણ સમાવેશ થાય છે. રાત્રે ચાંદનીમાં રાજસ્થાનનો કાલબેલિયા ડાન્સ, લાંગા અને સિદ્દી ડાન્સ પરર્ફોમ કરવામાં આવે છે. આની સાથે-સાથે દરેક ટૂરિસ્ટને કાચી કેરીનો બાફલો આપવામાં આવે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-december-will-be-a-favorite-destination-sasan-2590809.html?HFL-17=

No comments: