Thursday, November 17, 2011

ગિરનાર જંગલમાં સફાઈના અભાવે વન્યપ્રાણીઓ પર તોળાતો ખતરો.


જૂનાગઢ, તા.૧૫
ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલ પરિક્રમામાં ઉમટી પડેલા લાખો યાત્રિકોએ જંગલ વિસ્તારમાં જંગી માત્રામાં પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યો હતો. આ પ્લાસ્ટીક દુર કરવા તાજેતરમાં સાધુ સંતોએ પરિક્રમા રૂટ પર સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. ભારત સાધુ સમાજે હજુ પણ જંગલ વિસ્તારમાં મોટી માત્રામાં પડેલ પ્લાસ્ટીકના પ્રદુષિત કચરાથી સિંહ-દિપડા સહિતના વન્ય પ્રાણીઓ ઉપર જાનહાનિનો ખતરો તોળાઈ રહ્યો હોવાની ભીતી વ્યકત કરી સત્વરે તમામ કચરો દુર કરવા માગણી કરી છે.
  • સત્વરે પગલા લેવા ભારત સાધુ સમાજની ઉગ્ર માગણી
પરંપરા મુજબ જૂનાગઢ ભવનાથના જંગલ વિસ્તારમાં વર્ષોથી પરિક્રમા યોજાઈ રહી છે. આ પરિક્રમાની શરૂઆત પહેલા જ તંત્ર દ્વારા યાત્રિકોને પરિક્રમા રૂટ પર પ્લાસ્ટીક ન લઈ જવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ આ વિસ્તારમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ પણ લદાય છે. આમ છતા પરિક્રમાર્થીઓ દ્વારા મોટી માત્રામાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે પરિક્રમા બાદ યોજાતા સફાઈ અભિયાનમાં ઢગલાબંધ પ્લાસ્ટીક એકત્ર કરાય છે.
ચાલુ વર્ષે પણ પરિક્રમા બાદ તાજેતરમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં આશરે ત્રણ ટ્રેકટર જેટલુ પ્લાસ્ટીક એક્ત્ર કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન અંતર્ગત રૂપાયતન વિસ્તાર તેમજ બોરદેવી જગ્યાની આજુબાજુનો વિસ્તાર આવરી લેવાયો હતો. જેમાં પરિક્રમા માર્ગ ફરતે અને જ્યાં જ્યાં વિસામાના પડાવ અને રાત્રિ રોકાણવાળી જગ્યાઓ જેવી કે જીણાબાવાની મઢી, સરકડીયા હનુમાનની જગ્યા, સુરજકુંડ, માળવેલાની જગ્યા આસપાસથી પુષ્કળ પ્રમાણમાં પાન, તમાકુ, માવાના પ્લાસ્ટીક, પાણીના પાઉચ, પાણીની પ્લાસ્ટીકની બોટલો તેમજ અન્ય કચરો પુષ્કળ પ્રમાણમાં વેરાયેલો પડયો હતોે. આ કચરાને કારણે પ્રદુષણયુક્ત બનેલા ઝેરી વાતાવરણથી સિંહ-દિપડાઓના જીવન ઉપર જોખમ ઉભું થયુ હોવાની ભીતી વ્યક્ત કરી ભારત સાધુ સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલાનંદજી અને ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ ચાર-પાંચ દિવસમાં દુર કરવાની માંગણી કરી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=8467

No comments: