Tuesday, June 30, 2020

પ્રકૃતિ પ્રેમ / પવિત્ર ગરબો બન્યો પક્ષીઓનું રહેઠાણ


ગરબામાંથી ચકલીનાં માળા બનાવતા કાર્યકરો.
ગરબામાંથી ચકલીનાં માળા બનાવતા કાર્યકરો.

  • જનમત ફાઉન્ડેશને 2,400 ગરબાના માળા બનાવી લગાવ્યા

દિવ્ય ભાસ્કર

Jun 01, 2020, 05:00 AM IST

જૂનાગઢ. સામાન્ય રીતે નવરાત્રી પૂર્ણ થયા બાદ મોટાભાગના લોકો માતાજીનો ગરબો મંદિરે મુકી આવતા હોય છે. દરમિયાન આવા પવિત્ર ગરબા અનેક પક્ષીઓનું રહેઠાણ - માળા બન્યા છે. આ અંગે જનમત ગૃપના કૃણાલભાઇ ચોવટીયાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા જનમત ગૃપ દ્વારા 2,500 જેટલા ગરબા એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં સંસ્થાના ચિંતન કયાડા, ઇરફાન સિદીકી, દિપક સોલંકી, હરેશ ડોબરીયા, નરેન્દ્ર સોનરત, દર્શન રાદડીયા, વિપુલ વાજા, પરેશ લોઢીયા, અરવિંદ પાઘડાર અને અંકિત કાપડીયા વગેરેએ શહેરના જાહેર રસ્તાઓ, મંદિરો, ગાર્ડન તેમજ સરકારી કચેરીઓમાં આવેલ વૃક્ષો પર કે જ્યાં વધુ પક્ષીઓ એકઠા થાય છે.

ત્યાં 2,200 જેટલા ગરબા લગાવી દીધા છે. આમ, પવિત્ર ગરબો પક્ષીઓનું રહેઠાણ - માળો બની ગયો છે. ખાસ કરીને ભવનાથના લાલઢોરીમાં વધુ પક્ષીઓ આવતા હોય ત્યાં મોટી સંખ્યામાં વૃક્ષોમાં ગરબાના માળા લગાવ્યા છે. હજુ જિલ્લા કલેકટર કચેરી, શહિદ પાર્ક સહિતના વૃક્ષોમાં ગરબાના માળા લગાવવામાં આવશે. આમ, લોક ડાઉનનો સાચો ઉપયોગ કરી 2 - 2ની ટીમ બાઇક લઇ ગરબાના માળા લગાવતી હતી જેમાં ટીંબાવાડીથી ભવનાથ અને લાલઢોરીનો વિસ્તાર આવરી લીધો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/sacred-pride-became-the-habitat-of-birds-127361445.html

ગિર પૂર્વ વિસ્તારમાં સિંહોના મોત મામલે દિલ્હીથી 3 લોકોનું આગમન

  • ટીમે પીએમ અને સેમ્પલોના ટેસ્ટીંગની વિગતો મેળવી

દિવ્ય ભાસ્કર

Jun 01, 2020, 05:00 AM IST

જૂનાગઢ. ગિર જંગલના પૂર્વ વિભાગમાં સિંહોના મોત મામલે પ્રકૃતિપ્રેમીઓએ સવાલો ઉઠ્યા હતા. જેને પગલે દિલ્હીથી 3 સભ્યોની બનેલી ઉચ્ચસ્તરિય ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. આ ટીમે આજે સક્કર બાગ ઝૂની મુલાકાત લીધી હતી. અને સિંહોના મોત બાદ પીએમ અને સેમ્પલોના ટેસ્ટીંગ રિપોર્ટની વિગતો મેળવી હતી.

દિલ્હીથી કેન્દ્રિય વનવિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ગોપીનાથ, ઇન્ડિયન વેટરનરી ઇન્સ્ટીટ્યુટના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યુટના સભ્યની બનેલી ટીમ આજે સાંજે જ્યાં સિંહોના સૌથી વધુ મોત થયાના આક્ષેપો ઉઠ્યા છે એ ધારી અને જાનવડલાના અમુક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ પહેલાં ટીમે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પણ વેટરનરી હોસ્પિટલમાં સિંહોને કેવી રીતે સારવાર અપાઇ રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે બહારના જે સિંહો મોતને ભેટ્યા તેઓ આંકડો વનવિભાગે જાહેર કર્યો. 

જે સિંહો સક્કરબાગ અને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં મોતને ભેટ્યા તેનો આંકડો જાહેર ન કર્યાનો આક્ષેપ પણ વન્યપ્રાણી પ્રેમીઓએ કર્યો છે. આ મામલે જોકે, વનવિભાગના અધિકારીઓએ મૌનજ સેવ્યું છે. દરમ્યાન કેટલાક લોકોએ એવા સવાલો ઉઠાવ્યા છેકે, વર્ષ 2018 માં જે રીતે સિંહોના કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી મોત થયા હતા. એજ સીડીવી ફરી ત્રાટક્યો છે. જ્યારે વનવિભાગે તાજેતરમાં થયેલા મોત માટે સીડીવી જવાબદાર ન હોવાનું જેતે વખતે જણાવ્યું હતું. આ મામલે થયેલી રજૂઆતોને પગલે જ ટીમ આવી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/3-people-arrive-from-delhi-in-case-of-death-of-lions-in-gir-east-area-127361398.html

સારસંભાળ / ઝૂમાં જન્મેલા બાળસિંહને માઇક્રોચિપ પહેરાવાશે

  • નંબર વાળી ચિપ વિશ્વમાં ફરી રિપીટ થતી નથી

દિવ્ય ભાસ્કર

Jun 01, 2020, 05:00 AM IST

જૂનાગઢ. તાજેતરમાં 6 સિંહણોએ 21 જેટલા બાળ સિંહોને જન્મ આપ્યો છે. આ તમામ બાળ સિંહ તંદુરસ્ત છે અને ઝૂ દ્વારા તેમની સારી રીતે સારસંભાળ રાખવામાં આવી રહી છે. આ બાળ સિંહોને કારણે ઝૂમાં સંવર્ધન કેન્દ્ર વધશે જેના કારણે સક્કરબાગ ઝૂના સિંહ દેશના વિવિધ ઝૂમાં ગર્જના કરશે. સક્કરબાગ ઝૂમાં લઈ આવવામાં આવતા સિંહ, સિંહણને તેમના વિસ્તાર પ્રમાણે નામ આપવામાં આવે છે.

તેમજ ઝૂમાં જન્મેલા બાળ સિંહોને તેમની માતાના નામ પ્રમાણે નામ આપવામાં આવે છે. પરંતુ તેમની ઓળખ માટે તેમના શરીર પર માઇક્રોચીપ લગાડવામાં આવે છે જેથી કરીને મોટા થયા બાદ પણ તેમને ઓળખાણ થઈ શકે સક્કબાગમાં તાજેતરમાં જ થયેલા 21 બાળ સિંહોને 8 માસ બાદ માઈક્રોસોફ્ટ પહેરાવવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-zoo-born-baby-lion-will-be-wearing-a-microchip-127361356.html

જૂનાગઢ ફોરેસ્ટ કોલોનીમાં સ્લેન્ડર કોરલ સાપ જોવા મળ્યો


Slender coral snake was found in Junagadh Forest Colony

  • જંગલમાં સાપની સંખ્યા ઘટી રહી છે

દિવ્ય ભાસ્કર

Jun 03, 2020, 05:00 AM IST

જૂનાગઢ. ફોરેસ્ટર કોલોનીના કવાર્ટરમાં દુર્લભ પ્રજાતિનો સ્લેન્ડર કોરલ સાપ જોવા મળ્યો હતો. વન્યપ્રાણીસૃષ્ટિના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોરલ સાપ ભાગ્યે જ જોવા મળે છે અને ક્યારેક ક્યારેક જોવા મળે છે. ઉપરાંત, કોરલ સાપ વન પ્રજાતિઓ છે. હાલ આપણા દેશમાં ઘટતા વન વિસ્તારને કારણે તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. સામાન્ય રીતે આ સાપની સરેરાશ લંબાઈ 25-35 સે.મી. અને ચળકતી ચામડી વાળો દેખાય છે. આ સાપ ઝેરી હોય છે. આ સ્લેન્ડર કોરલ સાપ 5 ભારતીય કોરલ સાપમાંનો એક છે. અન્ય 4 પશ્ચિમ ઘાટ અને પૂર્વી હિમાલયમાં હાજર પહાડી વન પ્રજાતિઓ છે. આ પ્રજાતિ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારત સિવાય મેદાનો પર ભારતના મોટાભાગના ભાગોમાં વહેંચવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/slender-coral-snake-was-found-in-junagadh-forest-colony-127367889.html

જૂનાગઢ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરાયું

વૃક્ષારોપણ અને સ્લોગન સ્પર્ધામાં આમ જનતા પણ ભાગ લઇ શકશે દિવ્ય ભાસ્કરJun 04, 2020, 04:00 AM IST જૂનાગઢ. બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્લોગન અને વૃક્ષારોપણ સ્પર્ધામાં એ અને બી એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. કેટેગરી A માં ધો.5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અને કેટેગરી B માં કોલેજ તથા આમ જનતા ભાગ લઇ શકશે. સ્લોગન સ્પર્ધામાં આપના ઘરની બહાર પર્યાવરણ સંદેશ અથવા પોસ્ટર જાતે બનાવેલું રસ્તામાં નીકળતા લોકો જોઈ શકે તેઓ ફોટો પાડી મોકલવાનો રહેશે. જિલ્લા બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર , બીલનાથ મંદિર પાસે સંપર્ક સાધવા પ્રતાપસિંહ ઓરાએ જણાવ્યું છે. સ્પર્ધકો આગામી 10 જુન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. 

સાસણમાં સિંહ દર્શન 16 સપ્ટેમ્બર પછી જ થઈ શકશે

દિવ્ય ભાસ્કર

Jun 04, 2020, 05:55 AM IST

જૂનાગઢ. જૂનાગઢના સાસણમાં હવે સિંહ દર્શન 16 સપ્ટેમ્બર પછી જ થઈ શકશે. સિંહ દર્શન માટે ફરવા લાયક સ્થળ ગણાતું સાસણ 17 માર્ચથી બંધ છે. માર્ચથી લઇને સપ્ટેમ્બર મહિના સુધી સાસણ બંધ રહેતા જિપ્સીચાલકો, ગાઇડ સહિતના લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે.  મૂંઝવણમાં મુકાયા છે. 
જિપ્સીચાલકો અને ગાઇડની આવક બંધ 
સ્થાનિક ગાઇડે જણાવ્યું હતું કે, સાસણ અને દેવળિયામાં 170થી વધુ જિપ્સી અને ગાર્ડ છે. અત્યારે પ્રવાસીઓ બંધ થઇ જતાં જિપ્સીચાલકો અને ગાઇડની આવક બંધ થઇ ગઇ છે. ત્યારે તંત્ર દ્વારા સપ્ટેમ્બરને બદલે એક મહિનો પહેલા સિંહ દર્શન શરૂ કરી દેવામાં આવે તેવી અમારી માગણી છે
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-darshan-in-sasan-will-be-possible-only-after-september-16-127370812.html

કોરોનાને કારણે સાસણગીરનો ટુરિઝમ ધંધો પડી ભાંગ્યો, હોટલ, રિસોર્ટસ, સ્થાનિક જીપ્સી ચાલક બેરોજગાર બન્યા, રાહત આપવા માંગ

  • સાસણ ગીર એ ગુજરાત અને દેશનુ મહત્વનું પ્રવાસન કેન્દ્ર છે અને અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે
  • 3-3 જીપ્સીનુ સવાર અને બપોરે સફારી સિંગલ સીટ માટે કરન્ટ બુકિંગ કરવામા આવે તો બજેટવાળા પ્રવાસી પણ તેનો લાભ લઇ શકે
  • પ્રવાસન ક્ષેત્રમાં આવેલા રિસોર્ટ અને હોટલોની સમસ્યા શહેરોમા આવેલી સિટી હોટલથી અલગ પ્રકારની છે

દિવ્ય ભાસ્કર

Jun 04, 2020, 01:41 PM IST

રાજકોટ. ટુરિઝમ વ્યવસાયમાં સાસણગીરની સાથે રાજ્યમાં કોઇ પણ સ્થળ ન આવી શકે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનને કારણે આ વ્યવસાય પડી ભાંગ્યો છે. આથી ગીર જંગલ લોઝના મુકેશ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, કોરોનાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન સાથે જોડાયેલ રાજ્યના સાસણ ગીરના હોટલ, રિસોર્ટસ તથા સ્થાનિક જીપ્સી ચાલક, ગાઇડ વગેરેને વન વિભાગ અને રાજ્ય સરકાર તરફથી વિવિધ રાહત અને મદદ કરવાની માંગ છે. 

મોટા લેબર ફોર્સને કામ આપતો પ્રવાસન, હોટલ અને રિસોર્ટસનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે અસર પામ્યો

મુકેશ મહેતાએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા પર કોરોનાના ફેલાવાને રોકવા કાર્યરત છે. ગુજરાતમાં જુનાગઢ જિલ્લો ટુરિઝમમાં અગ્રેસર છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાએ પ્રવેશ કરી દીધો છે. રાજ્યમાં ખુબ ટૂંકા ગાળામાં દરેક જિલ્લામા મોટાપાયે કોરોનાના દર્દીઓ માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવીને સારવારની વ્યવસ્થા ગોઠવી એ ઘણું જ સરાહનીય કાર્ય છે. અમે એસોસિએશન વતી રાજ્ય સરકારને વિવિધ કાર્યો માટે અભિનંદન પાઠવીએ છીએ. આપ જાણો જ છો કે કોરોનાને કારણે જે લોકડાઉન અને બાદની પરિસ્થિતિમાં મોટા લેબર ફોર્સને કામ આપતો પ્રવાસન, હોટલ અને રિસોર્ટસનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે અસર પામ્યો છે. સાસણગીર, દ્વારકા, સોમનાથ, વેળાવદર, પોલો, સાપુતારા વગેરે સ્થાન પર આવેલ રિસોર્ટ હોટલોની સમસ્યા શહેરોમા આવેલી સિટી હોટલથી અલગ પ્રકારની છે. સાસણ ગીર એ ગુજરાત અને દેશનુ મહત્વનું પ્રવાસન કેન્દ્ર છે અને અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. આ અંગે મુખ્યમંત્રીને મુકેશ મહેતા દ્વારા પ્રવાસન વ્યવસાય ચાલી શકે અને લોકોને રોજગારી મળી રહે તે માટે સુચનો મોકલ્યા છે. આ સુચનોથી લોકડાઉન દરમિયાન અને બાદની પરિસ્થિતિમાં આ વ્યવસાય ફરી ઉભો થવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. 

ભારતીય નાગરિકની ફીમાં 30 ટકા અને વિદેશી નાગરિકની ફીમાં 50 ટકાનો ઘટાડો અમલ કરાવો જોઇએ

ગુજરાતના જે વિવિધ પાર્ક અને સેન્ચુરી વિસ્તારમા સફારી થાય છે તેમા હાલની જે ભારતીય નાગરિકની ફી છે તેમા 30 ટકા તથા વિદેશી નાગરિકની ફીમાં 50 ટકાનો ઘટાડો આવતા 1-2 વર્ષ માટે અમલ થાય તેમ કરવો જોઇએ. કોરોનાને કારણે જે લોકડાઉન અને બાદની પરીસ્થિતિમાં જંગલ સફારી લગભગ 2 મહિના જેટલો સમય બંધ રહેશે. જેના કારણે રિસોર્ટસ અને હોટલ તથા જીપ્સી ડ્રાઇવર, ગાઇડ, અને અન્ય બધા મળી અનેક લોકોને રોજગારી પર જોખમ આવી પડ્યું છે જો હવે સફારીને 30 જુનથી બંધ કરીને 1 ઓક્ટોબરે ખોલવામા આવે તો તેના કારણે આશરે 30 દિવસ સુધી બધાને રોજગારી મળી શકે છે.

તહેવારોમાં સવારે અને સાંજે 10-10 જીપ્સી ચાલુ કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે

હાલમા OCI CARD હોલ્ડર(NRI)ને કે જેને હાલમા વિદેશીનો ચાર્જ સફારી માટે લેવામા આવે છે. જેમને ભારતીયા નાગરિક મુજબ કે કોઇ અલગ કેટેગરી કરી ઓછો ચાર્જ પરમીટ માટે લેવામા આવે તો તેનાથી અનેક NRI ગુજરાતી લોકો સાસણ ફરવા આવશે. અન્ય ટાઇગર પાર્કમા એમના માટે ભારતીય નાગરિક જેટલો જ પરમીટ ચાર્જ લેવામા આવે છે. હાલમા સાસણમાં માત્ર 6 સીટની જીપ્સી માટે જ પરમીટ મળે છે પણ જો તેની સાથે ઓનલાઇન બુકિંગમા સવારે 5 જીપ્સીમાં સિંગલ સીટ અને બપોરે 5 જીપ્સીમાં સિંગલ સીટ બુકિંગ કરવામા આવે અને 3-3 જીપ્સીનુ સવાર અને બપોરે સફારી સિંગલ સીટ માટે કરન્ટ બુકિંગ કરવામા આવે તો બજેટવાળા પ્રવાસી પણ તેનો લાભ લઇ શકે. અથવા કેન્ટર ચાલુ કરી એનું બુકિંગ ઓનલાઇન ચાલુ કરવામા આવે. હાલમા ચોમાસામા દેવાળીયા ખાતે મીની બસ અને જીપ્સી દ્વારા પણ પ્રવાસન ચાલુ રહે છે. કોરોનાને કારણે જે લોકડાઉન અને બાદની પરીસ્થિતિમાં જંગલ સફારી જો કમલેશ્વર અને શીરવાણ તથા તેવા ઓલ વેધર રોડ વાળા કોઇ 2-3 રુટ બનાવી તેના પર શનિ-રવિ તથા જન્માષ્ટમી, 15 ઓગસ્ટ, રક્ષાબંધન, જેવા તહેવારોમા સવારે અને સાંજે 10-10 જીપ્સી ચાલુ રાખવામા આવે તો તેનાથી અનેક લોકોને રોજગારી મળશે.

હાલમા લાસ્ટ મિનિટ કેન્સેલેશન થાય તો પ્રવાસીને રિફન્ડ મળતું નથી

હાલમા ઓનલાઇન સફારીનું કેન્સેલેશન લાસ્ટ મિનિટમાં બહુ થતું નથી. જેના કારણે વેઇટિંગની સફારી કન્ફોર્મ થતી નથી અને અનેક પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. આથી સરકારને આવક પણ ઓછી થાય છે. કારણ એવું છે કે, હાલમા લાસ્ટ મિનિટ કેન્સેલેશન થાય તો પ્રવાસીને રિફન્ડ મળતું નથી એટલે એ ઓનલાઇન જઇ અને કેન્સેલેશન કરાવતો નથી અને સફારીનો શો થાય છે અને વેઇટિંગ પણ ક્લિયર થતું નથી. પણ જો લાસ્ટ મિનિટ સુધી સફારી કેન્સેલેશન માટે 25 ટકા જેટલું રિફંડ આપવામા આવે તો વન વિભાગને પણ આર્થિક ફાયદો થાય અને જીપ્સી, ગાઇડ, પ્રવાસીને અને હોટલને પણ ફાયદો થાય તેવું છે. હાલ જો કોઇ પ્રવાસી પરમીટ કેન્સલ ન કરાવે તો વન વિભાગને પરમીટ ફીના 100 ટકા મળે પણ વેઇટિંગ પરમીટના પૈસા રિફંડ કરવા પડે એના બદલે લાસ્ટ મિનિટ કેન્સેલેશનને 25 ટકા આપે તો લોકોએ 25 ટકા લેવા પરમીટ કેન્સલ કરાવે જેથી સરકારને 75 ટકા મળે અને વેઇટિંગ પરમીટ કન્ફોર્મ થાય એટલે બીજા 100 ટકા મળે (જે પહેલા રિફંડ થવાના હતા). આમ 175 ટકા પરમીટ ફી વન વિભાગને મળે સાથે સાથે વેઇટિંગની પરમીટ કન્ફોર્મ થતાં એક પ્રવાસી ગ્રુપને ફાયદો થાય એક જીપ્સી અને એક ગાઇડને પણ ફાયદો થાય અને વેઇટિંગ પરમીટવાળો પ્રવાસી પણ ખુશી સાથે પરત જાય. આમ બધાને ફાયદો થાય.  
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/sasangirs-tourism-business-collapsed-due-to-corona-so-hotel-owner-wrote-letter-to-cm-127373483.html

જે વિશ્વ પર્યાવરણ દિવસ / સુખપુરનાં વૃદ્ધે 2500 વૃક્ષ વાવીને ઉછેર્યા


પશુ-પક્ષીઓની પણ સેવા કરી રહ્યા છે
પશુ-પક્ષીઓની પણ સેવા કરી રહ્યા છે

  • વર્ષોથી સવારનાં 6 થી સાંજના 6 સુધી કામગીરી

દિવ્ય ભાસ્કર

Jun 05, 2020, 04:00 AM IST

વિસાવદર. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસે એવા પર્યાવરણ રક્ષકની વાત કરીએ કે જે વર્ષોથી વૃક્ષોનું વાવેતર કરી જતન કરી રહ્યાં છે.વિસાવદર પંથકના સુખપુર ગામે રહેતાં રવજીભાઈ સમજુભાઈ રામાણી નામના 85 વર્ષીય વૃદ્ધ વર્ષો થી પર્યાવરણ પ્રત્યે અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યાં છે.અને ઘણા વર્ષોથી સવાર ના 6 વાગ્યાથી સાંજ ના 6 વાગ્યા સુધી માત્ર વૃક્ષોની કાળજી અને ઉછેરવાની કામગીરી કરી રહ્યાં છે.

આ અંગે રવજીભાઈએ કહ્યું હતું કે હું વર્ષો પહેલા અમરનાથની યાત્રાએ ગયો હતો ત્યાંથી આવી મને વૃક્ષો પ્રત્યે અનહદ લાગણી થઈ હતી અને ગામના પાદરમાં,પંચાયતની જમીનમાં અનેક વૃક્ષ વાવ્યા જેમાં પીપળો, લીમડો, વડલાના ઝાડનો સમાવેશ થાય છે. અને અત્યાર સુધીમાં 2500 વૃક્ષનો ઉછેર કર્યો છે. જેને પાણી મળી રહે તે માટે 25 હજારની પાઇપ નાંખી હતી.વધુમાં તેમણે કહ્યું હતું કે હું સવારના સમયે સાયકલ લઈ અહીં આવી જાવ શુ.અને આ કામમાં હું કોઈની મદદ પણ લેતો નથી. જ્યારે પંચાયતમાંથી વૃક્ષોને પાણી આપતો ત્યારે અમુક લોકોએ વિરોધ પણ કર્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/an-old-man-from-sukhpur-planted-and-raised-2500-trees-127375683.html

સાસણગીરમાં જીપ્સી અને ગાઇડોનો ધંધો ભાંગતા કફોડી સ્થિતિ, કેરીની મજૂરી અને ખેતીમાં જોડાયા, દિવ્યભાસ્કર સમક્ષ વ્યથા ઠાલવી


ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • સાસણગીરમાં 250થી વધુ કુંટુંબો આ ધંધા પર નભે છે, રોજગારી બંધ થતા આર્થિક રીતે પાયમાલ બન્યા
  • કોઇને પગાર પણ આપી શકતા નથી, અત્યારે બધુ જ બંધ છે: ગીર જીપ્સી અસોસિએશનના પ્રમુખ

જીગ્નેશ કોટેચા

જીગ્નેશ કોટેચા

Jun 05, 2020, 06:17 PM IST

રાજકોટ. સાસણ ગીર એટલે એશિયાટિક સિંહોનું ઘર. સિંહોને જોવા માટે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સહિતની સેલિબ્રિટીઓ આવી ચૂક્યા છે.  તેમજ વિદેશથી રોજ મોટી સંખ્યામાં લોકો સિંહ જોવા અને ગીરના ટુરિસ્ટ સ્થળોની મુલાકાત લેતા હતા. પરંતુ હાલ કોરોનાની માહામારીમાં લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિનાથી જીપ્સી, ગાઇડ, રેસ્ટોરન્ટ, હોટલ, રિસોર્ટસનો ધંધો ઠપ્પ છે. આની સૌથી વધુ અસર જીપ્સી ચલાવતા ડ્રાઇવરો અને ગાઇડો પર પડી છે. ડ્રાઇવરો અને ગાઇડોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. આથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવરો અને ગાઇડો હાલ કેરીના બગીચા અથવા તો ખેતીમાં સંકળાય ગયા છે અને પરિવારનું પેટ ભરી રહ્યા છે. જીપ્સી એસોસિએશન અને ગાઇડ એસોસિએશનના પ્રમુખોએ ડ્રાઇવરો, ગાઇડો અને પોતાની શું સ્થિતિ છે તેની DivyaBhaskar સમક્ષ વ્યથા ઠાલવી હતી. 

અમે ઇચ્છીએ છીએ કે દોઢ મહિનો વહેલું ખુલી જાયઃ જીપ્સી એસો.
જીપ્સી અને ગાઇડ એસોસિએશના પ્રમુખ ખીમજીભાઇ પરબતભાઇ ચાંડેરાએ જણાવ્યું હતું કે, અમે તો એવું ઇચ્છીએ છીએ કે એક કે દોઢ મહિનો વહેલું ખુલી જાય તો સારૂ અને રોજીરોટી મળી રહે. જીપ્સીમાં 6 લોકોને બેસાડવાની પરમિટ છે પરંતુ જો એની જગ્યાએ ત્રણ કે ચાર બેસાડવામાં આવે તો નુકસાન જાય. અત્યારે 181 જીપ્સી ચાલે છે. જેમાં ગાઇડ અને ડ્રાઇવર સાથે 250 જેવા થાય છે. 250 કુટુંબ આના પર નભે છે. આ લોકો છેલ્લા ત્રણ મહિનાથી બેઠા છે અને બેરોજગાર બન્યા છે. આ લોકોને એક ટ્રીપના 400 રૂપિયા આપવામાં આવતા હતા. જે હાલ બંધ થતા મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર પાસે એટલી માંગ છે કે રોજીરોટી આપે તો સારૂ.ક્યારે ખુલશે તેનું નક્કી નથી. લોકડાઉન શરૂ થયું તેના 15 દિવસ પહેલા અમે વ્યવસાય બંધ કરી દીધો હતો.  DCF સાહેબે કહ્યું હતું કે અત્યારે કોરોના વાઇરસ આવ્યો છે તો તમે બંધ કરી દ્યો તો સારૂ. અત્યારે વિદેશી ટુરિસ્ટ આવશે તો કોરોના સાથે લાવશે. તેમની સલાહ માની લીધી હતી અને અમે વ્યવસાય બંધ કરતા ફાયદો પણ થયો છે. જેને કારણે અમારા વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નથી. અહીં કંઇ રોજગારી અહીં છે નહીં. અત્યારે કેરીનું ચાલે છે તો મજૂરો બગીચામાં મજૂરી કરવા જતા રહ્યા છે. ડ્રાઇવરો અને ગાઇડ કેરીના ધંધામાં જોડાયા છે. 

ત્રણ મહિનાથી એક પણ રૂપિયો મળ્યો નથીઃ જીપ્સી ઓનર
ગીર જીપ્સી અસોસિએશનના પ્રમુખ મહેબૂબભાઇ દાનમહેબૂબ બ્લોચએ જણાવ્ય હતું કે, 150 જેટલા ગાઇડ છે અને જીપ્સી 180 છે. અત્યારે ખૂબ હાર્ડ પરિસ્થિતિ છે. કોઇને પગાર પણ આપી શકતા નથી. અત્યારે બધુ જ બંધ છે. ત્રણ મહિના સુધી ગાઇડ પણ કેરીના ધંધામાં મજૂરી કરવા જોડાય ગયા છે.  કેટલાક ગાઇડ ખેતીમાં સંકળાઇ ગયા છે. સરકારે એક -એક હજાર આપ્યા છે. કોન્ટ્રાક હોય છે પણ છેલ્લા ત્રણ મહિનામાં એક પણ રૂપિયો મળ્યો નથી અટેલે પરિસ્થિતિ કફોડી બની ગઇ છે
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/corona-effect-to-driver-of-gypsy-and-guide-at-sasangir-127377124.html

દરિયાકાંઠે 25થી 30 ફૂટ લાંબી માછલીનો મૃતદેહ મળ્યો


Fish carcasses of 25 to 30 feet long were found off the coast

દિવ્ય ભાસ્કર

Jun 07, 2020, 04:00 AM IST

ભાવપરા. પોરબંદર તાલુકાના વિસાવાડા નજીક દરિયાકાંઠે  શાંજના સમયે એક મહાકાય માછલીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ માછલી અંદાજે 25 થી 30 ફૂટ લાંબી છે. આ અંગે વનવિભાગ ને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી છે, અને માછલીના મૃતદેહનું સ્થળ પર પીએમ કરવાની કામગીરી હાથ ધરી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/fish-carcasses-of-25-to-30-feet-long-were-found-off-the-coast-127382027.html

કાણકબરડા ગામે ખેતરમાં બે સાપ વચ્ચે પ્રણયક્રિડા, ખેડૂતોએ મોબાઇલમાં દ્રશ્યો કેદ કર્યા


બે સાપ વચ્ચે પ્રણયક્રિડા

  • સાપના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા

દિવ્ય ભાસ્કર

Jun 07, 2020, 06:02 PM IST

ઊના. ઊનાના કાણકબરડા ગામે બે સાપ વચ્ચે પ્રણયક્રિડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેતરમાં બે સાપ વચ્ચેનો મેળાપ ખેડૂતોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. બે સાપ વચ્ચેના આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આ દ્રશ્યો જોઇ ખેડૂતો પણ પોતાને ભાગ્યશાળી માની રહ્યા હતા. 
(જયેશ ગોંધિયા, ઊના) 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/romance-between-two-snakes-near-una-127384365.html

માટીના બે હજાર સીડબોલ બનાવી કરશે વૃક્ષારોપણ


Planting will make two thousand seedballs of clay

  • કિશાન મિત્ર કલબનો નવતર પ્રયોગ, 20 હજાર વૃક્ષના રોપા વિતરણનો લક્ષ્યાંક

દિવ્ય ભાસ્કર

Jun 08, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ કિશાન મિત્ર કલબ દ્વારા છેલ્લા 5 વર્ષથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે. છઠ્ઠા વર્ષે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેને લઇ સંસ્થાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે વૃક્ષારોપણમાં સંસ્થાએ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં માટીના 2 હજાર સીડ બોલ બનાવશે. જેને અંદર જુદા-જુદા વૃક્ષના બીજ હશે. વરસાદ થયા બાદ આ સીડબોલ યોગ્ય જગ્યાએ ફેકી દેવામાં આવશે. જેથી તેમા રહેલા બીજમાંથી વૃક્ષ ઉગી નિકળે.

આ અંગે સંસ્થાના અરવિંદભાઇ ટીંબલિયાએ કહ્યું કે, રવિવારે કિશાન મિત્ર કલબ અને રોટરી કલબ દ્વારા સીડબોલ બનાવવાનું શરૂઆત કરવામાં આવી છે. 2 હજાર સીડબોલ બનાવવામાં આવશે. જેમાં રાવણા, બોરસલી, લીંબડાના બીજ હશે. આ બોલનું કિશાન મિત્ર મંડળના કાર્યકર્તાઓને આપવામાં આવશે. આ વર્ષે 20 હજાર વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવશે.

ગત વર્ષે 21 હજાર રોપા વિતરણ કર્યા હતા

અરવિંદભાઇ ટીંબલિયાએ કહ્યું હતું કે, આજ સુધીમાં 45 હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 21 હજાર રોપા વિતરણ કર્યા હતાં. તેમજ જિલ્લામાં રથ પણ ફેરવવામાં આવે છે. રોપાના વિતરણ પછી તેમનું ફોલોઅપ પણ લેવામાં આવે છે. 

પહેલા સીડ છુટું આપી દેતા હતાં
રોપાની સાથે વૃક્ષના સીડનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે આ સીડ છુટું આપી દેતા હતાં અને ખુલ્લી જગ્યામાં તેનો છંટકાવ કરવામાં આવતો હતો. આ વર્ષે માટીના બોલ બનાવવામાં આવ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/planting-will-make-two-thousand-seedballs-of-clay-127385635.html

ગીર મધ્યનાં જંગલમાં 6, ઊના પંથકમાં 1 થી 5 ઇંચ


6 in the forest in the middle of Gir, 1 to 5 inches in the wool diocese

  • પંથકની માલણ તેમજ રાવલ નદીમાં પુરનાં પાણી નિકળી ગયાં

દિવ્ય ભાસ્કર

Jun 08, 2020, 04:00 AM IST

ઊના. નિર્સગ વાવાઝોડાનાં પગલે એક વાતાવરણ દરિયા કાંઠે બંધાયું હતું. જેના પગલે વાતાવરણમાં પલટો આવી જતાં વરસાદી માહોલ બંધાઇ જવા પામ્યો હતો. ત્યારે વાત કરીએ તો ગીર જંગલમાં રવિવારે 6 ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. અને ઊના, ગીરગઢડાનાં ગામડાઓમાં પણ  એક થી પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં નદી નાળામાં નવા નીર નિકળી ગયા હતાં. ઊના, ગીરગઢડા પંથકમાં અસહ્ય ગરમીના બફારા બાદ બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો ધેરાવા લાગેલ અને ઠંડોગાર પોવન ફુકાવા લાગ્યો હતો. અને ધીમે ધીમે વરસાદ શરૂ થયેલ જ્યારે ગીરજંગલમાં ધોધમાર વરસાદ વરસતા 6 ઇંચ વરસાદ ખાબકી ગયેલ અને નદી-નાળાઓમાં નવાનિર આવ્યા હતા.

જ્યારે ઊના ગીરગઢડા પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા દિવસે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા 1 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. અને ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ખેતરમાં પણ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. તાલુકાના ઊના, ધોકડવા, બેડીયા, ધોકડવા, સામતેર, ઉમેજ, ગાંગડા, સનખડા, નાના સમઢીયાળા, દેલવાડા, મોઠા, વાવરડા, નિતલી-વડલી, મોતીસર, સોનારીયા, બેડીયા, જશાધાર, ચિખલકુબા, કાંધી, પડા, નાંદરખ નેસડા, શાણાવાકીયા, પાણખાણ સહીતના ગામોમાં 1 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જોકે બાજરી, મગફળી પાકમાં ભારે નુક્સાન થયું છે. ખેતરમાં ઊભેલા બાજરીના તૈયાર પાક ઢળી પડ્યા હતા. વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં વિજપુરવઠો ખોરવાય ગયો હતો.

અનેક ગામડાઓ થયા સંર્પક વિહોણા
ગીર મધ્યનાં જંગલમાં આભ ફાટ્યું હોય તેમ સમી સાંજના 6 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પંથકનાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં પ્રથમ વરસાદમાં રાવલ નદી તેમજ માલણ નદીમાં પુર આવતા નવાનિર આવ્યા છે.

સોરઠ ભરમાં વરસાદી માહોલ
ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તાર તેમજ જૂનાગઢ અને વેરાવળ શહેરમાં બપોર બાદ વરસાદ આવી જતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ રસ્તાઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઇ ગયા હતાં. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/6-in-the-forest-in-the-middle-of-gir-1-to-5-inches-in-the-wool-diocese-127385875.html

હિરણ નદીમાં માછીમારી કરતા યુવાન પર મગરે હુમલો કર્યો

  • યુવાનને સારવાર માટે વેરાવળ હોસ્પિટલ ખસેડાયો

દિવ્ય ભાસ્કર

Jun 09, 2020, 05:48 PM IST

ગીરસોમનાથ. ગીર પશ્ચિમમાં આવેલા તાલાલા રેન્જમાં હરિપુર બીટમાં હિરણ નદીમાં ફારુખ દાઉદભાઇ કરાવટ (ઉ.વ.24)નામનો યુવાન માછીમારી કરી રહ્યો હતો. આ દરમિયામ નદીમાંથી અચાનક મગરે તેના પર હુમલો કરી દીધો હતો. યુવાને બચવા માટે મગર સાથે બાથ ભીડી હતી અને બૂમો પાડતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં યુવાનને સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાન ગાલીયાવાડ ગામનો રહેવાસી છે. 

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/crocodile-attack-on-24-year-old-man-near-talala-127391559.html

ખુશીના સમાચાર / ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો, 2015ના વર્ષ કરતા 2020માં 151 સિંહો વધ્યા, વસ્તી 674 થઇ, મોદીએ ટ્વીટ કર્યું

  • છેલ્લા સાત વર્ષથી દર મહિને પૂનમના દિવસે વન વિભાગ દ્વારા અવલોકન થાય છે

દિવ્ય ભાસ્કર

Jun 10, 2020, 08:06 PM IST

જુનાગઢ. એશિયાટીક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે. તેમાય ગીર જંગલ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વરસાટ છે. ગુજરાત માટે સારા સમાચાર છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આથી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 સિંહનો વધારો થયો છે. 

મોદીએ ટ્વીટ કર્યું
આ ખુશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટ કરી વ્યક્ત કરી છે. તેઓએ લખ્યું છે કે, ગુજરાતના ગીર જંગલમાં રહેતા જાજરમાન એશિયાટિક સિંહોની વસ્તી લગભગ 29 ટકા વધી છે. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36 ટકાનો જેટલો વધારો થયો છે. ગુજરાતની જનતા અને તે બધાને જેની કોશિશોથી આ ઉત્તમ પરાક્રમ છે.

દર પૂનમે વન વિભાગ દ્વારા સિંહોનું અવલોકન કરાઇ છે
વન વિભાગ દ્વારા 5 જુને એટલે પૂનમનાં દિવસે બપોરના 2 વાગ્યેથી છઠ્ઠી તારીખના બપોરના 2 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. વન વિભાગના સ્ટાફ દ્વારા દર મહિને પૂનમના દિવસે 24 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરવામાં આવે છે. આ અવલોકન છેલ્લા સાત વર્ષથી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના સિંહો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે. આમ સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી રહી છે.

જુનાગઢના નવાબોએ સિંહનું સંવર્ધનનું કામ કર્યું હતું
સિંહના સંવર્ધનનું કામ જુનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2015માં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27%નો વસ્તી વધારો નોંધાયો હતો. વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું. 2020ના વર્ષમા પુખ્ત વયના નર સિંહ 161, માદા 260 તેમજ પાઠડામાં નર 45, માદા 49 અને વણઓળખાયેલા 22નો સમાવેશ થાય છે. જ્યારે સિંહબાળની સંખ્યા 137 થાય છે. આમ કુલ 674 સિંહો થાય છે.  

1990થી 2020 સુધીમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં થયેલો વધારો
1990- 284
1995-304
2001-327
2005-359
2010-411
2015-523
2020 -674

(અતુલ મહેતા, સરમન ભજગોતર, જુનાગઢ)
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/the-number-of-lions-increased-in-gujarat-127394967.html

મોનસૂન 2020 / મને ભીંજવે તું, તને વરસાદ; ગીરના જંગલમાં ડાલામથ્થો સિંહ દેવરાજ અને સિંહણ


Lions enjoy rain in forest of Gir, Gujarat
Add caption

દિવ્ય ભાસ્કર

Jun 10, 2020, 07:14 AM IST

જુનાગઢ. ગીરના જંગલમાં દેવળિયા સફારી પાર્કમાં ડાલામથ્થો દેવરાજ તેની રાણી સાથે રાયણના ઝાડની ઓથે ઊભો હોય એવો ફોટો અને અડધી મિનિટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ચોમાસામાં અહીંનો માહોલ કંઇક આવો હોય છે. જોકે, રાજ્યમાં હજુ ચોમાસાનો વિધિવત પ્રારંભ નથી થયો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lions-enjoy-rain-in-forest-of-gir-gujarat-127393316.html

નિર્ણય / અભ્યારણમાં આવેલ ધાર્મિક સ્થાનોમાં દર્શનને મંજૂરી અપાઇ

દિવ્ય ભાસ્કર

Jun 11, 2020, 04:00 AM IST

જૂનાગઢ. અભ્યારણમાં આવેલા ધાર્મિક સ્થાનોમાં પણ દર્શન કરવાની વન વિભાગે મંજૂરી આપી છે. આ અંગે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 8 જૂને દેવસ્થાનોને ખોલવા જણાવ્યું હતું તેમ છત્તાં વન અધિકારીઓએ અભ્યારણમાં આવતા દેવસ્થાનો ખોલ્યા ન હતા અને વન વિભાગનો પરિપત્ર આવે પછી જ ખોલવા જણાવ્યું હતું. આમ, ઉપલા દાતાર પણ ખુલ્યું ન હતું. બાદમાં આ અંગે જૂનાગઢ ભાજપના અગ્રણીઓએ સીએમ વિજય રૂપાણીને ટેલીફોનિક રજૂઆત કરી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/darshan-is-allowed-in-the-religious-places-in-the-sanctuary-127396443.html

આક્ષેપ / સિંહોની સંખ્યામાં થયેલો વધારો ભ્રામક હોવાનો આક્ષેપ

દિવ્ય ભાસ્કર

Jun 12, 2020, 04:00 AM IST

જૂનાગઢ. વન વિભાગ દ્વારા પૂનમ અવલોકન કરવામાં આવ્યું છે જેમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. ત્યારે સિંહોની સંખ્યામાં થયેલો વધારો ભ્રામક હોવાનો ખમ્મા ગીરને સંસ્થાના નરેન્દ્રભાઇ મોજીદરા દ્વારા આક્ષેપ કરાયો છેે. નરેન્દ્રભાઇ મોજીદરાએ જણાવ્યું છે કે, ખોટા ભ્રામક પ્રચાર કરી વન વિભાગ લોકોની આંખોમાં ધૂળ જોકવાનું બંધ કરે. 5 વર્ષમાં જેટલા સિંહ જન્મયા છે તેના કરતા અનેક ગણા અકુદરતી રીતે મોતને ભેટ્યા છે.

સિંહોની સંખ્યામાં થયેલા વધારાના આંકડા ટાંકી જણાવ્યું છે કે, 2001 માં 7.5 ટકા અને 2005માં 9.7 ટકાનો વધારો થયો છે જેમાં જન્મદરનો ફરક માત્ર 2.2 ટકા જ છે. જ્યારે 2010માં 14.48 ટકાનો વધારો દર્શાવાયો છે જેમાં જન્મદરનો ફરક (14.48 -9.7) 4.7 ટકાનો ગણાય. જ્યારે 2015માં 27.25 ટકાનો વધારો દર્શાવાયો છે જેમાં જન્મદરનો ફરક (27.25 - 14.48) 12.77 ગણાય. જ્યારે 2020માં 28.87 ટકાનો વધારો દર્શાવાયો છે જેમાં જન્મદરનો ફરક (28.87 - 27.25) 1.62 ટકા જ ગણાય
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-increase-in-the-number-of-lions-is-alleged-to-be-misleading-127399803.html

દીપડાનો હુમલો / ઊનાનાં ગુંદાળાની સીમમાં આધેડ પર દીપડાનો હુમલો

  • પશુઓ માટે ચારો વાઢતા હતાં તે સમયે બન્યો બનાવ

દિવ્ય ભાસ્કર

Jun 12, 2020, 04:00 AM IST

ઊના. ઊનાના ગુંદાળાની સીમમાં એક ખેડુત પશુઓ માટે ચારો વાઢી રહ્યાં હતાં ત્યારે દીપડાએ હુમલો કરતાં ઇજા પહોંચી હતી. 108 દ્વારા સારવાર અર્થે લઇ જવાયાં હતાં. ગુંદાળા ગામની સીમ વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ સીદીભાઇ ઇસ્માઇલભાઇ ઉનડ (ઉ.વ.52) પશુઓ માટે ઘાંસચારો વાઢી રહ્યાં હતાં. એ સમયે અચાનક જ ખુંખાર દીપડો ચઢી આવ્યો હતો. અને સીદીભાઇ પર હુમલો કર્યો હતો. અને તેમને ઇજા પહોંચી હતી.

આ બનાવથી આસપાસનાં લોકો એકઠા થઇ જતાં દીપડો નાસી છુટયો હતો અને આ ખેડુતને સારવાર અર્થે રીક્ષામાં ઊના હોસ્પિટલે લઇ જવાતા હતાં જોકે ચાચકવડ ગામ પાસે 108 પહોંચી જતાં તેમાં લઇ જવાયાં હતાં. આ બનાવની જાણ વન વિભાગને કરાતાં આ દીપડાને પાંજરે કેદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ વિસ્તાર તેમજ આજુબાજુ વિસ્તારોમાં છેલ્લા ધણા સમયથી 15 જેટલા દીપડાઓનો વસવાટ હોય રાત્રીના ખેડૂતોને નજરે પડતા ભયનો જોવા મળી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/leopard-attack-on-a-middle-aged-man-in-a-woolen-seam-seam-127399969.html

પ્રાકૃતિ / પ્રાકૃતિક જીવનની મોજ

Enjoy natural life

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 04:00 AM IST

જૂનાગઢ. પશુ, પક્ષી, ખોરાક સિવાયની બાબતોમાં પ્રાકૃતિક જીવન જીવતા હોય છે. જૂનાગઢની સ્વામિ વિવેકાનંદ વિનય મંદિરનાં ગ્રાઉન્ડમાં સમડી વરસાદી પાણીનાં ખાબોચીયામાં ન્હાવનો, પાણી પીવાનો અને ઉડીને ઝાડની ટોચે બિરાજમાન થવાનો આનંદ ઉઠાવી રહી છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/enjoy-natural-life-127453490.html

કામગીરી / ગિરનાર રોપ-વે : 15 % કામગીરી બાકી

  • એશિયાના સૌથી મોટા રોપ વે પ્રોજેક્ટની જાત માહિતી મેળવતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • નવેમ્બર-ડિસેમ્બરમાં કામગીરી પૂર્ણ થઇ જવાની સંભાવના : ગાંધીનગર ખાતે બેઠક બોલાવી તમામ કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી, જરૂરી સુચનાઓ આપી

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 05:30 AM IST

જૂનાગઢ. જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા રોપ વે પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આ કામગીરી કેટલે પહોંચી છે? તેટલી કામગીરી બાકી છે? ક્યારે પૂરી થવાની છે? તે અંગેની તમામ તલસ્પર્શી વિગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેળવી હતી. ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક બેઠક બોલાવી હતી જેમાં રોપ વે કામગીરી સાથે સંલગ્ન અધિકારીઓને બોલાવી તેમની પાસેથી વિગતો મેળવી હતી. આ કામગીરી ક્યારે પૂરી થવાની છે અને ક્યારેક ગિરનાર રોપ-વે શરૂ થઈ શકે છે એની તમામ શક્યતાઓ અંગેની માહિતી મેળવી હતી.

દરમિયાન આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બરમાં રોપવે ચાલું થઇ જવાની સંભાવના હાલના તબક્કે વ્યક્ત થઈ રહી છે. ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે ગિરનાર રોપ-વે શરૂ થઈ જશે ત્યારે જૂનાગઢની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે. રોપ-વે શરૂ થવાની સાથે જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે. જેને કારણે જૂનાગઢ નું નામ વિશ્વના પ્રવાસન નકશામાં આવી જશે.  દરમિયાન ગીરનાર રોપ વેની કામગીરી સાથે સંકળાયેલા  અધિકારીઓએ જણાવ્યું હતું કે 85 %  કામગીરી પૂર્ણ થઇ ગઈ છે હવે માત્ર 15 % કામગીરી બાકી છે. આ કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂરી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

લોકડાઉનને કારણે કામગીરીમાં મોડું થયું 
લોકડાઉનના કારણે ગિરનાર રોપ-વેની કામગીરીમાં વિલંબ થયો છે. આંશિક રૂપે પણ કામગીરી શરૂ કરાઇ હતી. લોકડાઉનમાં અનેક મજૂરો વતન જતા રહેતા કામગીરીમાં વિક્ષેપ પડયો હતો. છતાં હાજર રહેલા મજુરોથી કામગીરી કરવામાં આવી હતી જેમાં 6 નંબર અને 3 નંબરના ટાવર ઉભા કરાયાં છે.

હાલ 80 થી 100 જેટલા મજુરો કામ કરી રહ્યા છે 
ગિરનાર રોપ-વેની કામગીરી પૂરી કરવા માટે હાલ 80 થી 100  જેટલા મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેથી નવેમ્બર-ડિસેમ્બર પહેલા પ્રોજેક્ટ સંપન્ન થઈ જાય અને ત્યારબાદ રોપ વે શરૂ થઈ જાય અને લોકો તેનો લાભ લઇ શકે. 
15 % માં આ કામગીરી બાકી 
ગિરનાર રોપ-વેની 85 % કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હવે માત્ર 15%  કામગીરી બાકી છે જેમાં ફિનિશિંગ લેવલીંગનું કામ બાકી છે.  જે પણ સત્વરે પૂર્ણ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે.

રાજ્યના સીએમ એ મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી  
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ  ગિરનાર રોપ-વેની થતી કામગીરીની રૂબરૂ મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની પણ ચર્ચા થઈ રહી છે. દરમિયાન આ અંગે ગિરનાર રોપ વેની કામગીરીના અધિકારીઓએ એ માટે પૂરતી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને અંબાજી મંદિર પાસે હેલીપેડ હોય ત્યાં હેલીકોપ્ટરથી ઉતરીને રૂબરૂ મુલાકાત લઈ શકવાની સંભાવના હોવાનું જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/girnar-ropeway-15-operation-pending-127453480.html

ઉના / ખાપટ ગામના ખેતરમાં સિંહબાળ વ્યાયામ અને મોર્નિગ વોક કરતું જોવા મળ્યું, વીડિયો વાઈરલ

  • સિંહબાળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 05:21 PM IST

ગીરસોમનાથ જિલ્લાના ઉનાના ખાપટ ગામના ખેતરમાં આજે વહેલી સવારે સિંહબાળ વ્યાયામ અને મોર્નિંગ વોક કરતું જોવા મળ્યું હતું. ગામના એક ખેતરમાં આ સિંહબાળ જોવા મળ્યું હતું. જેથી એક ખેડૂતે આ નજારો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. સિંહબાળનો આ વીડિયો જોઈને સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી
મહત્વનું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન સિંહો જંગલથી બહાર ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે આજે સવારે સિંહબાળ વ્યાયમ અને મોર્નિંગ વોક કરતું જોવા મળતા સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ ગીરસોમનાથ જિલ્લાના ઉનાથી 7 કિલોમીટર દૂર જુડવડલી ગામની સીમમાં સિંહ પરિવાર સમી સાંજે ઠંડક મેળવવા માટે ટેકરી પર બેઠો જોવા મળ્યો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-cub-seen-farma-at-khapat-village-of-una-127459496.html

માંગ / ગિરનારના જંગલમાં તાત્કાલીક સિંહ દર્શન શરૂ કરવા માંગ કરાઇ


It was demanded to start lion watching in Girnar forest immediately

  • જૂનાગઢ શહેર જીપ્સી એસોસિએશનની રજૂઆત

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢમાં સત્વરે સિંહ દર્શન શરૂ કરાવવાની માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢ શહેર જીપ્સી એસોસિએશનના પ્રમુખ અમીનભાઇ પઠાણે ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીના ડાયરેકટર શૈલેષભાઇ દવેને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ઓકટોબર 2018માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુંગર ઉત્તર રેન્જ દ્વારા અપાયેલી જાહેર ખબર બાદ  અરજી કરી હતી. ત્યારે 10 દિવસમાં જીપ્સી લઇ હાજર થવા મૌખિક સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અનેક લોકોએ  ઉછી, ઉધારા તેમજ બેન્કમાંથી લોન લઇ જીપ્સી ખરીદી હતી. જોકે ત્યારથી લઇને આજ દિન સુધી અમને જીપ્સી ચલાવવાની મંજૂરી આપવામાં આવી નથી. ગિરનાર રોપ વેનું કામ પણ ચાલી રહ્યું છે જે પૂર્ણ થતા પર્યટકોની સંખ્યામાં વધારો થશે. ત્યારે જૂનાગઢ આવનારા પર્યટકોને ગિરનારના જંગલમાં સિ઼ંહ દર્શનનો પણ લાભ મળે તે માટે સત્વરે સિંહ દર્શન શરૂ કરાવવા માંગ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/it-was-demanded-to-start-lion-watching-in-girnar-forest-immediately-127460028.html

ચર્ચા / પક્ષી, પ્રાણીઓને બચાવવા જૂનાગઢમાં 7 NGOની મિટીંગ

  • પક્ષીઓની વસ્તી વધે તે અંગે ચર્ચા થશે

દિવ્ય ભાસ્કર

Jun 14, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ ગાયત્રી મંદિર, ભવનાથ રોડ ખાતે શહેરની 7 સામાજિક સંસ્થાઓ સત્યમ સેવા મંડળના મનસુખભાઇ, ગાયત્રી વિદ્યાપીઠના નાગભાઈ, સુરભી ફોઉન્ડેશનના રમેશભાઈ, વસુંધરા નેચરલ ક્લબના પ્રવીણભાઈ વાઘસિયા, ભગવતી મહિલા ચારીટેબલ ટ્રસ્ટના જયશ્રીબેન, સામાજિક કાર્યકર આશિષ મહેતા, ચાવડા ભાઈ, અન્ય સામાજિક કાર્યકર તથા લાયન્સ કલબના સ્થપાક પ્રમુખ અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ યોજાઈ હતી. જેમાં પક્ષીઓની વસ્તી વધે તે માટેના ઉપાય વિશે વિચારવા કરવામાં આવી હતી.  

આ પ્રયાસ માટે એક સંસ્થાની સ્થાપના કરવા માટે આવતી કાલ તા.14 રોજ ગાયત્રી મંદિર ખાતે નવા સૂચનો અને સંસ્થાની એક રૂપરેખા, નિયમો, કામગીરી વગેરે માટે સાંજે 5.00 કલાકે મીટીંગ યોજાશે. જે કોઈ આ સેવાકીય પ્રવૃત્તિ માં રસ હોય તેઓને હજાર રહેવા અમિત શાહ એ અપીલ કરી છે. જોકે ચકલીઓ પણ હવે લુપ્ત થતી જાય છે. તેને બચાવવા પણ કામગીરી કરાશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/meeting-of-7-ngos-in-junagadh-to-save-birds-and-animals-127406955.html