Wednesday, November 30, 2016

10 કિ.મી.ના જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર થશે

DivyaBhaskar News Network | Nov 30, 2016, 05:05 AM IST
ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાનાં 294 ગામો અને દસલાખથી વધુ ગ્રામિણ માનવ વસાહતને અસરકર્તા ઇકોઝોનનાં કાયદા અંગે સોમવારે ગીર પંથકમાંથી એક પ્રતિનિધી મંડળ ગાંધીનગર મંત્રીમંડળ સમક્ષ રજૂઆત કરવા ગયેલ અને ઇકોઝોનની મર્યાદા દસ કીમીથી ઘટાડી 100 મીટર સુધી કરવા મુદાસર રજુઆત કરેલ. રજૂઆત સાંભળી મંત્રીમંડળએ 100 મીટરની મર્યાદા કરવાની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ મોકલી યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

ગીર-સોમનાથ અને જૂનાગઢનાં આગેવાનો ગાંધીનગર ખાતે પાંચ મંત્રી બાલુભાઇ બોખીરીયા, ગણપતભાઇ વસાવા, ચીમનભાઇ સાપરીયા, વલ્લભભાઇ વઘાસીયા, જશાભાઇ બારડ, દરેક વિભાગોનાં સચિવોની ઉપસ્થિતિમાં ઇકોઝોનનાં નવા કાયદાથી ઉભી થનારી મુશ્કેલી વર્ણવી હતી અને ગુજરાત રાજયમાં ગીરનાર, બરડા ડુંગર જયાં સિંહોનો વસવાટ છે. ત્યાં ઇકોઝોનની મર્યાદા 100 થી લઇ 1000 મીટરની રેન્જ કરવામાં આવી છે. તો ગીર પંથકનાં ત્રણ જિલ્લાનાં 294 ગામો અને દસ લાખથી વધુ ગ્રામિણ માનવ વસ્તીને અસરકર્તા અને વિકાસને અવરોધતા નવા ઇકોઝોનની રેન્જ દસ કિલોમીટરથી ઘટાડી 100 મીટર સુધી કરવા પ્રતિનિધી મંડળએ અસરકારક રજૂઆત કરેલ. રજૂઆત જાણી મંત્રીમંડળએ જણાવેલ કે 100 મીટરની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રાજય સરકાર મોકલી ઇકોઝોનની રેન્જ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

વેરાવળના દરિયાકિનારે વ્હેલ જાગૃતિ કાર્યક્રમ, રેતીમાં ઉપસાવી માછલીની આકૃતિ

Ravi Khakhkhar, Veraval | Nov 30, 2016, 18:40 PM IST

વેરાવળઃ લુપ્ત થતી દરીયાઇ પ્રજાતી વ્હેલ શાર્ક ના સરંક્ષણ અને સંવર્ઘન અભિયાન અર્તગત વનવિભાગ દ્વારા કાર્યક્રમ ગીર સોમનાથના સુત્રાપાડા મુકામે યોજાયો હતો.વિદેશ માથી સૈારાષ્ટ્રના સાગરકાંઠે પ્રજનન માટે આવતી વ્હેલ શાર્કની મોટી માત્રામાં માછીમારીના પગલે લુપ્ત થતી પ્રજાતી માં સમાવેશ થાય છે. સુત્રાપાડાના સાગરતટે બાળકોએ ૧૦૦ થીવઘુ વ્હેલ શાર્કના રેત શિલ્પ તૈયાર કરી અભિયાન માં સહભાગી બન્યા હતા. 
 
વ્હેલ શાર્ક સમગ્ર વિશ્વ માં સૌથી મોટી પ્રજાતીની માછલી ગણાય છે. ખાસ કરીને ડીસેમ્બરથી માર્ચ સુઘીના સમયગાળામાં આ વિદેશી દરીયાઇ પ્રજાતીની માછલી સૌરાષ્ટના દરિયાકિનારે પ્રજનન માટે પ્રતિવર્ષ આવે છે પરંતુ વર્ષ ર૦૦૧ પહેલા મોટીમાત્રામાં આ માછલીના શિકારના પગલે  ઘીમે ઘીમે આ દરીયાઇ પ્રજાતી લુપ્ત થવાના આરે આવી જતાં ભારત સરકાર દ્વારા વ્હેલ શાર્કને શેડયુલ વનના પ્રાણી માં સમાવેશ કરી તેના સંવર્ઘન અને સંરક્ષણ માટે મહા અભિયાન હાથ ઘરેલું. જેમાં સ્થાનીક માચ્છીમાર સમુદાયનો સહકાર જરૂરી બન્યો હતો. વર્ષ ૨૦૦૭ માં પ્રખર રામાયણી મોરારીબાપુએ આ અભિયાન અંર્તગત એક જાહેર કાર્યક્રમ યોજી વ્હેલ ને વ્હાલી દીકરી નો દરજજો આપી તેના રક્ષણ માટે માચ્છીમાર સમુદાયને આહવાન કરેલ હતું. જેને માચ્છીમાર સમુદાયે હોંશે હોંશે આવકારી વ્હેલ શાર્ક ના બચાવ અભિયાન માં સહભાગી બન્યા હતા.

ગિરનારની સીડી પર છાપરા માટે દરખાસ્ત થશે

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:45 AM IST

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને જૂનાગઢની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે જૂનાગઢની મુલાકાત લીધી હતી.જૂદા-જૂદા વિભાગનાં અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી.જૂનાગઢ અને જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળનાં વિકાસ માટે જરૂરી સુચનો અને દરખાસ્ત કરવા અધિકારીઓને જણાવ્યું હતુ. જેમાં ખાસ કરીને ગિરનાર, ભવનાથ, દામોદરકુંડ,ઉપરકોટ, દાતાર પર્વત સહિતનાં વિકાસ માટે સુચનો કરવા કર્યુ હતુ. તેમજ ગિરનાર ઉપર પાણી પહોચાડવા અને સીડી ઉપર છાપરા અને વિસામો તૈયાર કરી શકાય તે માટે અધિકારીઓને દરખાસ્ત કરવા કહ્યું હતુ.

દામોદરકુંડની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે દામોદરકુંડની મુલાકાત લીધી હતી. તેમજ અહી અસ્થિ વિસર્જન માટે આવેલા સૈયદરાજપરાનાં પરિવારને મળ્યા હતા.અને દામોદરકુંડનાં વિકાસ માટે શું કરી શકાય તે અંગે તેની સાથે ચર્ચા કરી હતી.

ઊનામાંથી દીપડી અને કોડીનારમાંથી એક દીપડો પાંજરે પુરાયો

Bhaskar News Junagadh | Nov 30, 2016, 01:07 AM IST

ઊનાઃ લોકજાગૃતિને પગલે ઊનામાં માનવ વસતીમાં ફરતી દીપડીને વનતંત્રે પાંજરે પુરી હતી.  ઊના શહેરનાં દેલવાડા રોડ પર માનવવસતી  ધરાવતા શ્રીનગર સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે દીપડીનાં આંટાફેરાથી લોકો ભયગ્રસ્ત બન્યાં હતાં. આ દીપડીએ જોધાભાઇ રાજાભાઇ નામનાં વ્યકિત પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં જાગૃત લોકોએ જશાધાર રેન્જ ઓફિસને જાણ કરતાં નવાબંદરનાં વીરાભાઇ ચાવડા, પી.કે.દમડીયા, વી.ટી.જાદવ સહિતનાં સ્ટાફે અહિંયા પાંજરા ગોઠવી દેતા બે દિવસની જહેમત બાદ દીપડી પાંજરે પુરાઇ જતાં જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હતી.

કોડીનારનાં મુળદ્વારકામાંથી દીપડો પાંજરે પુરાયો

કોડીનારનાં મુળદ્વારકામાંથી  દીપડો પાંજરે પુરાયો હતો. મુળદ્વારકામાં સિમેન્ટ કંપનીની જેટી વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા જોવા મળતાં વનતંત્રને જાણ કરાતા અહિંયા મારણ સાથે પાંજરૂ ગોઠવી દેવામાં આવતાં સોમવારનાં રાત્રીનાં 6 વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.

વડાલમાં સિંહોએ લટાર મારી, વિડીયો વાઇરલ

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:40 AM IST
જૂનાગઢશહેરની બાજુમાં આવેલા વડાલ ગામે સિંહો લટાર મારી રહ્યા છેે. એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે.જૂનાગઢ અને આજુબાજુનાં વિસ્તારમાં રાની પશુઓનું સામ્રાજ્ય છે. અહીંનાં જંગલમાં સદીઓથી સિંહોએ વસાહત કરી છે. એશિયાઇ સિંહોનું ઘર ગિરનાર વિસ્તારમાં છે. જેને જોવા માટે દેશ વિદેશનાં સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારમાં સિંહો અવારનવાર આવતા હોય અચાનક જોવા મળે છે. સોશિયલ મીડીયામાં આવો એક વિડીયો વાઇરલ થયો છે. જો કે બાબતે વન વિભાગનાં આરએફઓ ટીલાળાએ જણાવ્યુ હતું કે, અફવા છે. વડાલમાં સિંહએ લટાર માર્યા હોવાની જાણ થતાં વન વિભાગના કહેવા મુજબ વિડિયો અન્ય કોઇ સ્થળનો છે. વડાલમાં સિંહોની કોઇ પ્રકારની હલચલ જોવા મળી નથી.

ઇકોઝોનમાં 291 ગામને અસર, ગાંધીનગરમાં બેઠક

DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:00 AM IST
ઊનાનાં ધારાસભ્ય રજુઆત કરશે, ખેડુતો સાથે બેઠક કરી નિર્ણય લીધો

ઇકોસેન્સેટીવ ઝોનનો કાળો કાયદો જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર કરનાર હોય નાઘેર પંથકમાં તેનો ઉગ્ર વિરોધ થઇ રહયો છે. ત્યારે આવતીકાલે સરકારે ગાંધીનગરમાં બેઠક બોલાવી હોય ઊનાનાં ધારાસભ્ય અસરકારક રજુઆત કરનાર છે. કેન્દ્ર સરકારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ, પાણીયા વન્યજીવ આમ ત્રણ પ્રકારનાં અભયારણ હેઠળ ગીરપંથકનાં વિસ્તારોને ઇકોસેન્સેટીવ ઝોન હેઠળ આવરી લેવા જાહેરનામું પ્રસિધ્ધ કરતાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાનાં જંગલ બોર્ડર નજીક આવતાં 291 જેટલા ગામોને તેની વિપરીત અસર થનાર હોય ભારે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. આવતીકાલે રાજય સરકારે ગાંધીનગરમાં મુદ્દે બેઠક યોજેલ છે ત્યારે રવિવારે કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઊના - ગીરગઢડા પંથકનાં 40 ગામનાં આગેવાનો, ખેડુતો સાથે બેઠક યોજી હતી. 40 ગામો ઇકોઝોન હેઠળ આવે તો કાયમી માટે જંગલ ખાતાનાં જડ નિયમોનો ભોગ બનવું પડે તેમ છે. ગીર સંરક્ષીત હેઠળનાં વિસ્તારોની જીપીએસ લોકેશન યંત્ર દ્વારા માપણી કરાઇ છે અને ઊના, ગીરગઢડા, વિસાવદર, માળિયા, મેંદરડા, તાલાલા, કોડીનાર, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, ધારી તાલુકાનાં ગામો 5 થી 10 કિમી અંતરનાં તમામ જંગલને અડીને આવેલા છે. તમામ રાજકીય પક્ષનાં લોકો કાળા કાયદા સામે નારાજગી બતાવી રહયાં છે.

સોરઠનાં દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓ ‘મોંઘેરા મહેમાન’

DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:05 AM IST
  સોરઠનાં દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓ ‘મોંઘેરા મહેમાન’, junagadh news in gujarati
સોરઠનોદરિયાકાંઠો એટલે છેક સાઇબીરીયાથી ઉડાન ભરી શિયાળો ગાળવા આવતા પ્રવાસી પક્ષીઓ માટેનુ સ્વર્ગ. શાંત અને નયનરમ્ય દરિયાકાંઠો દર વર્ષે પ્રવાસી પક્ષીઓને આકર્ષે છે. એટલે કોઇ નાની સુની સંખ્યામા નહી લાખોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહીના દરિયાકાંઠે શિયાળો ગાળવા આવે છે. છેલ્લા એક પખવાડીયાથી આવા પક્ષીઓના ઝુંડના ઝુંડ અહી ઉતરી રહ્યાં છે. સોરઠ ઉપરાંત રાજુલા, જાફરાબાદ તાલુકામા વિકટરનો ખારો હોય કે ચાંચબંદરનો દરિયાકાંઠો હોય કથીરવદરનો દરિયાઇ વિસ્તાર હોય કે પીપાવાવ પંથકનો વિસ્તાર હોય હાલમા માત્રને માત્ર સંભળાઇ રહ્યો છે. પંખીઓનો કોલાહલ. આકાશમાથી જાણે કોઇ ઇન્ટરનેશનલ ફલાઇટ ઉતરતી હોય તેમ પ્રવાસી પક્ષીઓના ઝુંડના ઝુંડ દરિયાકાંઠે ઉતરી રહ્યાં છે. આમપણ દર વર્ષે કુંજ, સુરખાબ, પેલીકન સહિતના પ્રવાસી પક્ષીઓ દર વર્ષે અહી શિયાળો ગાળવા માટે આવે છે. સોરઠનાં દરિયાકાંઠે પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે. વળી સૌથી મોટી વાત છે કે ઔદ્યોગિક વિકાસના યુગમા પક્ષીઓને માણસની સૌથી મોટી કનડગત રહે છે.

આદર્શ સ્મારકમાં જૂનાગઢનું એકપણ સ્મારક નહી, યાદી જાહેર કરવામાં આવી હતી

Bhaskar News Junagadh | Nov 28, 2016, 03:25 AM IST

  આદર્શ સ્મારકમાં જૂનાગઢનું એકપણ સ્મારક નહી, યાદી જાહેર કરવામાં આવી હતી, junagadh news in gujarati
જૂનાગઢઃપુરાતત્વ વિભાગ દ્વારા દેશનાં 100 આદર્શ સ્મારકની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જૂનાગઢનાં એકપણ સ્મારકનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દેશનાં આદર્શ સ્મારકોની યાદી પુરાતત્વ વિભાગે જાહેર કરી છે. શરૂઆતનાં તબક્કામાં 25 સ્મારકોનો સમાવેશ કર્યો હતો, પરંતુ સંશોધન કરતા કરતા અન્ય 75 સ્મારકોની યાદી જાહેર કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી દીવના કિલ્લાનો સમાવેશ કર્યો છે એ ગૌરવની બાબત છે. પરંતુ ઐતિહાસિક શહેર તરીકે જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, ખાપરા કોડીયાની ગુફા, બૌદ્ધગુફા, નવઘણકૂવો વગેરે સ્મારકો આવેલા છે. જેેને નિહાળવા માટે દરવર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. 

પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર બને તે માટે આદર્શ સ્મારકની જાહેરાતો કરવામાં આવતી હોય છે. ખાસ તો આદર્શ સ્મારક બને તો પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા શૌચાલય, પીવાનું પાણી, સ્વચ્છતાને લગતી સવલતો આપી પ્રવાસીઓની યાત્રામાં સુખાકારી વધારે છે. જેમાં જૂનાગઢનાં એકપણ સ્મારકની નોંધ કરવામાં આવી નથી. પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે માટે આદર્શ સ્મારક જાહેર કર્યા હતા. ગુજરાતનાં કેટલાક નામી સ્મારકોનો પણ સમાવેશ થયો નથી.

આદર્શ સ્મારકો માટે મોબાઇલ એપ્લીકેશન બનાવી

પ્રવાસન વિભાગે આદર્શ સ્મારકો માટે સ્વચ્છ પર્યટન મોબાઇલ એપ્લીકેશન જાહેર કરી છે. જે આગામી ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશેે. જેમાં પર્યટકો સ્મારક વિશે રજૂઆત કરી શકશે અને તાત્કાલિક અધિકારી પગલાં લેશે.
 
સ્મારક જાહેર થાય તો 300 મીટર સુધી પ્લાસ્ટિક નહીં
પ્લાસ્ટિકનાં કચરાનો નાશ કરવો મુશ્કેલ છે. આદર્શ સ્મારક જાહેર થાય તો પુરાતત્વ વિભાગ 300 મીટરનાં વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત ઝોન જાહેર કરી દે છે.

નાયબ મામલતદારે શાળામાં સાપ પકડ્યો

DivyaBhaskar News Network | Nov 26, 2016, 04:55 AM IST
ભેંસાણતાલુકાનાં સુખપુર ભાટ ગામની પ્રાથમિક શાળામાં અાજે ચાલુ ક્લાસમાં સાપ ઘૂસી જતાં વિદ્યાર્થીઅો-શિક્ષિકાઓ ભયભીત થઇ ગઇ હતી. જોકે, નાયબ મામલતદારે સાપને પકડી બાદમાં દૂર જંગલમાં મુક્ત કર્યો હતો. મેંદપરા ગામે સેવા સેતુનો સરકારી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આથી શાળનાં પ્રિન્સિપાલે ત્યાં ઉપસ્થિત નાયબ મામલતદાર કનકસિંહ પરમારને જાણ કરતાં કરી હતી. જેથી ના. મામલતદાર કનકસિંહ અને ટીડીઓ શાળાએ પહોંચી ગયા હતા અને બાળકોને બહાર કાઢી તેમણે સાપને પકડી લઈ જંગલમાં મુક્ત કર્યો હતો.

રોપ-વે માટે અોછામાં ઓછા વૃક્ષ કપાશે

DivyaBhaskar News Network | Nov 26, 2016, 05:00 AM IST
ગરવાગીરનારને રોપ વે માટેની તમામ મંજુરીઓ મળી ગયા બાદ રોપ વે પ્રોજેક્ટના ઇન્ચાર્જ દિનેશ નેગી ઉષા બ્રેકો કંપનીના અને ઓસ્ટ્રિયાની કંપની મળી કુલ 12 મેમ્બરોએ હાથ ધરેલી કામગીરી પુરી થઇ છે. હવે એક માસ બાદ ફરી ટાવરના એલાઇન્મેન્ટ માટે બીજા ચરણનો સર્વે કરશે. રોપ વે લાઇનમાં આવતા વૃક્ષો કાપવા મુદ્દે દિનેશ નેગીએ જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ જરૂરી હોય એવા વૃક્ષો કાપવાનો રહેશે. ઇલેક્ટ્રીકલ લાઇન માટે જરૂરી માળખાકીય સુવિધા બાબતને સર્વેમાં આવરી લેવાશે. ઉપરાંત ટાવર ઉભા કરવાની કામગીરી સાતથી આઠ મહિના બાદ શરૂ કરાશે. સમયગાળામાં જરૂરી અન્ય કામગીરી પણ સાથે ચાલુ રહેશે.

એસટીનાં નિવૃત કર્મીઓની રેલીની આગળ સીદીનું ધમાલ નૃત્ય: મતદાન ન કરવાની ચિમકી

Bhaskar News Junagadh | Nov 25, 2016, 02:30 AM IST

 જૂનાગઢઃ જૂનાગઢ એસટીનાં નિવૃત કર્મચારીઓને સામાન્ય પેન્શન આપવામાં આવે છે. ત્યારે એસટીનાં નિવૃત કર્મચારીઓમાંથી લઘુતમ પેન્શન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મધુર સોશ્યલ ગૃપનાં નેજા હેઠળ એસટીનાં નિવૃત કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુરૂવારનાં એસટીનાં નિવૃત કર્મચારીઓની  વિશાળ રેલી નિકળતી હતી. રેલી દરમિયાન નવતર પ્રયોગ કર્યો હતો. 
 
રેલીની આગળ ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ધમાલ નૃત્ય સાથેની રેલી કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે મધુર સોશ્યલ ગૃપનાં સલીમ ગુજરાતી, રાજેશ શ્રીવાસ્તવ, નરેશ સાશીયા સહિતનાં હાજર રહ્યા હતા. સરકાર નિવૃત કર્મચારીઓનાં  પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં  મતદાન ન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

વન વિભાગનાં મજુરોનાં પગારમાં વિલંબ

DivyaBhaskar News Network | Nov 23, 2016, 05:10 AM IST
જૂનાગઢનીબેંકમાં 500ની અને 1000ની નોટ બદલાવવાની કામગીરીને કારણે વનવિભાગનાં મજુરોનો પગાર થયો નથી. જેનાં કારણે મજુરોને હાલાકી વેઠવી પડે છે. જૂનાગઢ વનવિભાગમાં કામ કરતા મજુરોનાં પગારમાં વિલંબ થયો છે. બેંકમાં 500ની અને 1000ની નોટ બંધ રહેવાને કારણે સમસ્યા થઇ હોવાનું માનવામાં આવે છે. ખાલી ખીસ્સાને કારણે આર્થિક રીતે તફલીફ પડી રહી છે. મહિનાનો અંત આવવા છતાં પગારની ચૂકવણી કરવામાં આવી નથી. મજુરોએ જણાવ્યુ હતુ કે હાલ કરકસર કરીને પૈસા વાપરવા પડે છે. હવે આર્થિક રીતે મુશ્કેલી પડી રહી છે.

વિસાવદર: એકને બદલે બે બિમાર નર સિંહ મળ્યા, ગામલોકોને નજરે ચઢ્યા

Bhaskar News, Visavadar | Nov 24, 2016, 03:11 AM IST
વિસાવદર: એકને બદલે બે બિમાર નર સિંહ મળ્યા, ગામલોકોને નજરે ચઢ્યા, junagadh news in gujarati
વિસાવદર: વિસાવદરનાં રાજપરા રાઉન્ડ પાસે એક બિમાર સિંહ આંટાફેરા મારતો હોવાનાં અહેવાલો તા. 20 નવે.નાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા હતા. જેને પગલે હરકતમાં આવેલા વનતંત્રએ એ સિંહની શોધખોળ આદરી હતી. જેમાં બીજો એક સિંહ પણ બિમાર જોવા મળ્યો હતો. તેને પણ સારવાર અપાઇ હતી.

વન તંત્ર હરકતમાં આવ્યું

વિસાવદર રેન્જનાં રાજપરા રાઉન્ડનાં જંગલમાં એક બિમાર ડાલામથ્થો ગામલોકોને નજરે ચઢ્યો હતો. તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટ્યા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં વનવિભાગ જાગૃત થયું હતું. અને બિમાર સિંહની શોધખોળ શરૂ કરી હતી. 3 દિવસની જહેમત બાદ રાજપરા રાઉન્ડનાં ઘોડીયા વિસ્તારમાંથી તેની ભાળ મળી હતી. જોકે, તેની સાથે તેનાજ ગૃપનો બીજો એક નર સિંહ પણ બિમાર હાલતમાં જોવા મળ્યો હતો. આથી રાજપરા રાઉન્ડનાં ફોરેસ્ટર આર. એમ. સીડાએ આરએફઓ આર. ડી. વંશને જાણ કરી હતી.

રેસ્ક્યુ ટીમે સારવાર આપી સ્થળ પરજ મુક્ત કરી દીધા

એસીએફ કપટાને જાણ કરતાં તેમણે સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવી હતી. આ ટીમનાં તબીબ ડો. સોલંકીને એક સિંહને નાકનાં ઉપરનાં ભાગે, ડોકમાં તેમજ જમણા પગમાં ઇજાઓ હોવાનું જ્યારે બીજા સિંહને માથાનાં ભાગે અને પગનાં પંજામાં ઇજા થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી બંનેને ટ્રાન્કવીલાઇઝ કરી સ્થળ પર જ સારવાર અપાઇ હતી. અને બાદમાં મુક્ત કરી દેવાયા હતા.

રોજ દેખરેખ રખાશે: એસીએફ

બંને સિંહોને સારવાર આપીને મુક્ત કરાયા છે. પરંતુ જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થઇ જાય ત્યાં સુધી તેના પર સતત દેખરેખ રાખવાની સ્ટાફને સુચના અપાઇ છે. એમ એસીએફ કપટાએ જણાવ્યું હતું.

અંબાજીથી ટોપોગ્રાફિકલ સર્વે હાથ ધરાયો, રોપ વે નું સપનું થશે સાકાર

Bhaskar News Junagadh | Nov 23, 2016, 02:11 AM IST
  અંબાજીથી ટોપોગ્રાફિકલ સર્વે હાથ ધરાયો, રોપ વે નું સપનું થશે સાકાર, junagadh news in gujarati
જૂનાગઢઃ ગરવા ગિરનાર પર રોપ વેનું જૂનાગઢ વાસીઓનું વર્ષો જુનું સપનું હવે સાકાર થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોપવે નો પ્રોજેક્ટ જે કંપનીને સોપાયો છેે. તે ઉષા બ્રેકો તથા અોસ્ટ્રીયાની કંપનીના કુલ 12 સભ્યોએ વહેલી સવારે અંબાજી મંદિરથી ડીજીપીએસ મશીન દ્વારા ટોપોગ્રાફિકલ સર્વે શરૂ  કર્યો હતો. 
 
આ સર્વે આગામી ચાર દિવસ સુધી ચાલશે. જોકે હાલ આ કામગીરી ફરી શરૂ થતા જૂનાગઢ વાસીઓમાં નવી આશા જાગી છે. રોપ વેને તમામ પ્રકારની દસ્તાવેજી મંજુરી મળી ગયા બાદ હવે જમીન પરની કામગીરી આજથી શરૂ થઇ રહી છે. આ કામગીરીનો પ્રોજેક્ટ જે કંપનીને સોંપાયો છે. તે ઉષા બ્રેકોના પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિનેશ નેગીના માર્ગદર્શનમાં આજે ઓસ્ટ્રીયાની ડેપલમેન કંપનીના સહયોગથી કુલ 12 સભ્યોએ અંબાજી મંદિરથી ડીજીપીએસ મશીન દ્વારા ટોપોગ્રાફિકલ પ્રકારની સર્વે શરૂ કરાયો છે.

અંબાજી પર 4 પોઇન્ટ સીલેક્ટ કરાયા

સર્વેના પ્રથમ દિવસે  અંબાજી મંદિરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પ્રકારના પોઇન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે અલગ અલગ એન્ગલથી 4 પોઇન્ટ સીલેક્ટ કરવામાં આવ્યા હતા.
 
ડીજીપીએસ મશીન શું છે.. ?
ડિજીપીએસનું પુરુ નામ ડિફ્રેન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ છેે.જે સેટેલાઇટ સાથે જોડાયેલુ હોય છે. અને નિશ્ચિત પોઇન્ટનું લોકેશન બતાવે છે.

ગિરનાર રોપ-વેની કામગિરી આજથી શરૂ, બે વર્ષે કામગીરી પૂર્ણ થશે

Bhaskar News Junagadh | Nov 22, 2016, 03:06 AM IST

  ગિરનાર રોપ-વેની કામગિરી આજથી શરૂ, બે વર્ષે કામગીરી પૂર્ણ થશે, junagadh news in gujarati
જૂનાગઢઃ ગિરનાર રોપ-વેને તમામ તબક્કે મંજૂરી મળી જતાં હવે ઉષા બ્રેકો કંપની દ્વારા આવતીકાલ તા. 22 નવે. થી જમીન પરની કામગિરી શરૂ કરવામાં આવનાર છે. જેમાં રોપ-વેનાં કેબલ માટેનાં જંગલમાંથી પસાર થતા ટાવર, લોઅર સ્ટેશન, અપર સ્ટેશન, વગેરે અનેક બાબતોનો સર્વે કરવામાં આવશે.

આ અંગેની વિગતો આપતાં ઉષા બ્રેકોનાં ગિરનાર રોપ-વે માટેનાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિનેશ નેગીએ જણાવ્યું હતું કે, આવતીકાલ તા. 22 નવેમ્બરે સવારે 6 વાગ્યાથી આ કામગિરી શરૂ કરી દેવામાં આવશે. આ માટે અમારો સ્ટાફ અને અમે રોપ-વેનો જેની પાસેથી ટેક્નીકલ સપોર્ટ લેવાનાં છીએ એ ઓસ્ટ્રિયાની કંપની ડોપલમેરનાં અધિકારીઓ પણ જૂનાગઢ આવી ગયા છે. આ એક પ્રકારનો ટેક્નીકલ બાબતોને લગતો સર્વે છે. જેમાં ટોપોગ્રાફિકલ બાબતોનો પણ સમાવેશ થાય છે. આ સર્વેનાં આધારે આગળની કામગિરીનાં નિર્ણયો લેવામાં આવશે.

અગાઉનાં ડેટા કન્ફર્મ કરાશે

ગિરનાર રોપ-વેનું અગાઉ ડીમાર્કેશન થઇ ગયું હતું. ત્યારે તેને લાંબો સમય વિતી ગયો હોવાથી હવે ફરીથી એ ડેટા કન્ફર્મ કરવા સર્વે જરૂરી છે. એમ પણ દિનેશ નેગીએ જણાવ્યું હતું.

અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરાશે

હાલનાં ટોપોગ્રાફિકલ સર્વે માટેની જે ટીમ આવતીકાલથી ઓન ગ્રાઉન્ડ સર્વે શરૂ કરશે તેની પાસે આ માટેનાં અત્યાધુનિક સાધનો હશે. અત્રે નોંધનીય છે કે, થોડા મહિના પહેલા અંબાજી ખાતે પવનની ગતિ અને દિશા માપવા માટે ઉષા બ્રેકો કંપની દ્વારા થોડા દિવસ માટે ખાસ યંત્ર પણ ગોઠવવામાં આવ્યું હતું.

સાસણનાં ટુરિઝમ ઝોનમાં સૌથી મોટી ટેરીટરી મૌલાનાની હોવાથી તે ખાસ હતો

DivyaBhaskar News Network | Nov 21, 2016, 04:15 AM IST
અંગોનો વેપાર થઇ શકે માટે સિંહને અગ્નિદાહ આપવાનો કાયદો

સાસણમાંવર્ષો સુધી ડીએફઓ તરીકે ફરજ બજાવનાર ડો. સંદિપકુમાર કહે છે, છેલ્લા દસેક વર્ષ કરતાં વધુ સમયથી ભારત સરકાર અને બાદમાં ગુજરાત સરકારે વન્ય પ્રાણી અધિનિયમમાં ફેરફાર કરી સીંહ જેવાં પ્રાણીઓનાં મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરવાનો કાયદો ઘડ્યો છે. જો અાવાં પ્રાણીઓ ને દફનાવવામાં આવે તો એકાદ વર્ષ બાદ જમીનમાં તેના ફક્ત હાડકાં અને નખ વધે. અાવા અંગો લાંબા સમય સુધી સડતાં નથી. આથી તસ્કરો અંગોને કાઢીને તેનો ગેરકાયદેસર વેપાર કરવાની ભિતી સૌથી વધુ છે. આખી દુનિયાનાં દેશોએ માટેના કાયદાઓ ઘડ્યા છે. અને ત્યાં પણ સિંહ જેવા વન્ય પ્રાણીઓનો અગ્નિ સંસ્કારજ કરાય છે. જ્યારે મૌલાના વનવિભાગ માટે ખાસ એટલા માટે હતો કારણ કે, ખુશ્બુ ગુજરાત કી બાદ વિકસેલા સાસણનાં ટુરિઝમ ઝોનમાં મૌલાના સાવજની બહુ મોટી ભૂમિકા હતી. વર્ષ 2010માં બીગ બી જે સિંહો બતાવ્યા છે તેમાં મૌલાના અને તેનો વખતનો જોડીદાર ટપુ પણ હતો. જોકે, ટપુનું મૃત્યુ 2011 માં થયું હતું. ત્યારથી મૌલાના એકલો ફરતો. તેણે ત્યારબાદ પોતાનું કોઇ ગૃપ હતું બનાવ્યું.

તાતણીયા માર્ગ પર આખો દિ' સિંહણનાં ધામા,સવારથી સિંહણે જમાવ્યો અડિંગો

Bhaskar News Amreli | Nov 26, 2016, 03:08 AM IST

  તાતણીયા માર્ગ પર આખો દિ' સિંહણનાં ધામા,સવારથી સિંહણે જમાવ્યો અડિંગો, amreli news in gujarati
અમરેલી: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા તો અવારનવાર સાવજો માર્ગ પર આવી જાય છે. ત્યારે ધારી તાબાના નાની ધારીથી તાતણીયા જવાના કાચા માર્ગ પર આવુ જ એક દ્રશ્ય જોવા મળ્યું અહી એક સિંહણે સવારથી સાંજ સુધી આ માર્ગ પર અડિંગો જમાવ્યો હતો.
 
ગીરપુર્વ તુલશીશ્યામ રેંજના રેવન્યુ વિસ્તારમા નાની ધારીથી તાતણીયા જવાના કાચા માર્ગ પર એક સિંહણે  અડિંગો જમાવ્યો હતો. આ સિંહણ સવારથી સાંજ સુધી અહી બેઠી રહી હતી. આ અંગે વનવિભાગને જાણ થતા ધારી વનવિભાગના ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી અને એસીએફ પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે રવાના થઇ હતી. 
 
રેસ્કયુ ટીમના ડો.હિતેષ વામજા, આરએફઓ બી.બી.વાળા, હરદિપભાઇ વાળા, વનરાજભાઇ ધાધલ વિગેરે અહી દોડી ગયા હતા. વનવિભાગને પ્રથમ દ્રષ્ટિએ એવુ જણાયુ હતુ કે આ સિંહણ બિમાર હશે પરંતુ કોલર આઇડી વાળી આ સિંહણની તપાસ કરતા તે સ્વસ્થ જણાઇ હતી. બાદમાં વનવિભાગના સ્ટાફે સિંહણને જંગલ તરફ ખસેડી હતી. જેને પગલે લોકોએ રાહત અનુભવી હતી.

ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત,શિકાર કરવા ગયો હોવાનું અનુમાન

ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત,શિકાર કરવા ગયો હોવાનું અનુમાન, amreli news in gujarati Jaidev Varu Amreli | Nov 27, 2016, 03:21 AM IST

ડોળાસાઃ કોડીનારનાં  ડોળાસા ગામે કુવામાં ખાબકતાં 9 વર્ષનાં સિંહનું મોત થયું હતું. કુવામાં પડી ગયેલી વાછરડીનું  શિકાર કરવા પાછળ દોડતા આ ઘટના બની હોવાનું અનુમાન છે.  ડોળાસા ગામે ઊના રોડ પર પાદરમાં કરશનભાઇ  અરજણભાઇ ડોડીયાની વાડીમાં ગત તા.24નાં રાત્રીનાં 10 વાગ્યે સિંહે આવી ઢોરવાડામાં ત્રાટકતાં એક વાછરડી જીવ બચાવવા કુવામાં પડી ગઇ હતી. 

જયારે બીજી વાછરડી સકંજામાં આવી જતાં નજીકનાં કપાસનાં ખેતરમાં ઢસડી જઇ મારણની મીજબાની  માણી હતી. બાદમાં કુવામાં પડી ગયેલી વાછરડીનો શિકાર  કરવામાં સિંહ કુવામાં ખાબકી જઇ મોતને ભેટયો હોવાનું અનુમાન છે. આ બનાવનાં પગલે સરપંચ નાનુભાઇ મોરી, વનખાતાનાં ડોડીયા, પઠાણ, ભલગરીયા, મોરી, સેવરા, વેગડ સહિતનાં સ્ટાફે ત્યાં પહોંચી કુવામાં ખાટલો ઉતારી મૃતદેહને બહાર કાઢી જામવાળા ખાતે પીએમમાં મોકલી આપ્યો હતો. એસીએફ સાકીરા મેડમે પણ સ્થળની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. ડોળાસા પંથકમાં વન્ય પ્રાણીનાં મોતની આ પ્રથમ ઘટના હોય લોકોમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

વનતંત્રએ 3 દિ' રેસ્કયુ કરી ઇનફાઇટમાં ઘાયલ થયેલી સિંહણને સારવાર આપી

Jaidev Varu Amreli | Nov 27, 2016, 03:22 AM IST
રાજુલાઃરાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી સાવજોના અનેક ગૃપો પણ છે જેમા અન્ય ગૃપનો સાવજ આવી ચડે તો ખુંખાર લડાઇ જામે છે. ત્યારે આવી જ એક ઘટના રાજુલાના પીપાવાવમા ઇ-કોમ્પ્લેક્ષ વિસ્તારમા બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.  વનવિભાગે અહી રેસ્કયુ કરી આ સિંહણને સારવાર માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડી હતી. 

રાજુલાના પીપાવાવ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અનેક સાવજો જુદાજુદા ગૃપમા રહે છે. સાવજોના ગૃપમા અન્ય ગૃપના સિંહ કે સિંહણ આવી જાય તો અચુક લડાઇ જામે. ત્યારે પીપાવાવના ઇ કોમ્પ્લેક્ષ વિસ્તારમા પણ આવી જ એક ઘટના બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે  ઘાયલ થઇ ગઇ હતી. આ અંગે વનવિભાગને જાણ થતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ  દોડી ગઇ હતી.આ સિંહણ બાવળની કાટમા હોય તેનુ રેસ્કયુ કરવુ મુશ્કેલીભર્યુ કામ હતુ. પ્રથમ વનવિભાગે સિંહણને પકડવા અહી પાંજરૂ ગોઠવ્યું પરંતુ આ સિંહણ પાંજરે સપડાઇ ન હતી. બાદમાં સિંહણને બેભાન કરી પાંજરે પુરવામા આવી હતી. બાદમાં સિંહણની સારવાર શરૂ કરવામા આવી હતી.સિંહણનુ પુછડુ કપાઇ ગયુ  હોય તેમજ પગના પંજામા પણ ગંભીર ઇજા પહોંચી હોય સિંહણને જાફરાબાદના બાબરીયાકોટ નર્સરી ખાતે ખસેડવામા આવી હતી.

સરકાર તાર ફેન્સીંગ માટે રૂા.750 કરોડની સહાય આપશે : કૃષિમંત્રી

Bhaskar News Amreli | Nov 25, 2016, 03:12 AM IST

અમરેલીઃઅમરેલીમાં આજે રાજ્યના કૃષિમંત્રી વી.વી. વઘાસીયાએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા કૃષિપાકની સુરક્ષા માટે અલગ અલગ યોજનાઓ થકી રૂા. 750 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. તાજેતરમાં કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કૃષિરાજ્યમંત્રી વઘાસીયાએ જણાવ્યુ હતું સરકારે ખેડૂતોને કાટાળા તારની વાડની યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂા. 750 કરોડની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 

રનીંગ મીટરના હાલના રૂા. 219ના દરને બદલે તે વધારીને રૂા. 300 કરવાનો પણ નિર્ણય કરાયો છે. વળી વાડના નિચેના ભાગમાં જાળીની જોગવાઇ કરાતા હવે રોઝ અને ભુંડ બન્નેનો ત્રાસ અટકાવવામાં પણ સહાય મળશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે હવેથી અરજીઓ જુથમાં પણ સ્વીકારવામાં આવશે. જેનો વિસ્તાર 30 હેક્ટરથી વધારે હોવો જોઇએ.  તેમણે જણાવ્યુ હતું કે આ અરજીઓને તાત્કાલીક મંજુરી આપવાની પધ્ધતિ પણ અપનાવાશે. સામુહીક અરજીઓમાં અનુજાતી અને અનુ જનજાતીના 50 ટકાથી વધારે લાભાર્થી હશે તો સામુહીક સહાયનુ ધોરણ 80 ટકા રહેશે. જ્યારે અન્ય કિસ્સામાં સામુહીક સહાયનું ધોરણ 50 ટકા રહેશે.

ગીર જંગલ બોર્ડરનાં ગામોને વાંધા- સુચનો રજૂ કરવામાં પડી રહી છે મુશ્કેલી

DivyaBhaskar News Network | Nov 22, 2016, 04:40 AM IST
ઇકો સેન્સેટીવ ઝોનનું નોટીફીકેશન ગુજરાતીમાં પ્રસિદ્ધ કરો

ઇકોસેન્સેટીવ ઝોન અંગેનું નોટીફીકેશન હીન્દીમાં હોય જેથી ગીર જંગલ બોર્ડરનાં ગામોનાં લોકોને વાંધા- સુચનો રજૂ કરવામાં મુશ્કેલી પડી રહી હોય નોટીફીકેશન ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરવા ઉનાનાં ધારાસભ્યએ રાજ્યનાં મુખ્ય અધિક સચિવ ( વન અને પર્યાવરણ) ને પત્ર પાઠવી માંગણી કરી છે.

ઉના- ગીરગઢડા વિસ્તારનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશએ રાજ્યનાં મુખ્ય અધિક સચિવને પત્ર પાઠવી જણાવ્યું છે કે ભારત સરકારનાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તા.25 ઓકટો. 2016નાં રોજ ઇકો સેન્સેટીવ ઝોન અંગેનું નોટીફીકેશન બહાર પડાયું છે જે હીન્દી ભાષામાં છેે. નોટીફીકેશન અંતર્ગત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્ય જીવ અભયારણ્ય સહિતનાં જંગલ વિસ્તારોને આવરી લેવાયા છે. ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાનાં મોટાભાગનાં ગામડાઓ જંગલ બોર્ડર હદમાં આવેલા છે. નોટીફીકેશન અન્વયે અભયારણ્યોને ઇકો સેન્સેટીવ ઝોનમાં મુકવા માટે લોકો પાસેથી વાંધા-સુચનો મંગાવવામાં આવેલ છે. પરંતુ હિન્દી ભાષામાં નોટીફીકેશન હોય અને લોકો ભાષાથી સાવ અજાણ અને સમજી શકતા હોય તેમજ હિન્દી લખવામાં પણ અતિ મુશ્કેલી પડતી હોય જૂનાગઢ, અમરેલી, તાલાલા, ગીરગઢડા પંથકનાં લોકોમાં જબ્બર વિરોધ સાથે રોષ ઉઠ્યો છે. ત્યારે નોટીફીકેશન સંપુર્ણ પણે ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરી લોકો સુધી પહોંચાડવા ધારાસભ્યએ માંગણી કરી છે.

દુનિયાભરનાલોકો સામે પર્યાવરણને બચાવવાની મોટી ચેલેન્જ છે. પ્રકૃતિની રક્ષા

DivyaBhaskar News Network | Nov 23, 2016, 04:40 AM IST
દુનિયાભરનાલોકો સામે પર્યાવરણને બચાવવાની મોટી ચેલેન્જ છે. પ્રકૃતિની રક્ષા માટે લોકજાગૃતિના સર્વત્ર પ્રયાસો થઇ રહ્યા છે. સમયે ઉત્તરપ્રદેશના અવધબિહારીલાલે અનોખુ અભીયાન ચલાવ્યુ છે. 36 વર્ષથી તેઓ પર્યાવરણ જાગૃતી માટે પદયાત્રા કરી રહ્યા છે. 11 દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે. ત્રણેય પદયાત્રીઓ આજે અમરેલીની મુલાકાતે આવી પહોંચ્યા છે.

ઉત્તર પ્રદેશના લખમીપુરના વતની અવધ બિહારીલાલે પોતાની પદયાત્રા 30 જુલાઇ 1980ના રોજ શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી પદયાત્રાને બાદમાં તો કોઇ દેશના સીમાડાઓ પણ રહ્યા. તેમની સાથે બે અન્ય પદયાત્રીઓ પણ જોડાયા છે અને તેઓ દેશ-વિદેશમાં ફરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા શું શું કરી શકાય ? તે અંગે તેઓ લોકજાગૃતિ કેળવી રહ્યા છે.

તેમની સાથે અલગ અલગ પદયાત્રીઓ પણ જોડાતા રહે છે. અમરેલી આવી પહોંચેલા અવધ બિહારીલાલે આજે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે તેમને જુદા જુદા 11 દેશોમાં પ્રકારે પદયાત્રા કરી છે. જ્યાં જાય ત્યાં પર્યાવરણને બચાવવા સંદેશો આપવા ઉપરાંત લીમડો, પીપળો, આંબળાના વૃક્ષોનુ ઠેર ઠેર વાવેતર કરે છે. શાળા-કોલેજ, સોસાયટીઓ કે લોકોના ઘરોમાં મોટા પ્રમાણમાં તેઓ વૃક્ષો વાવે છે. હાલમાં તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી રહ્યા છે. આજે તેઓ અમરેલીમાં જીલ્લા કલેક્ટરને પણ મળ્યા હતાં.

આંબરડી સફારી પાર્ક તાત્કાલિક શરૂ કરવા માંગ, મોટા ભાગનું કામ પુર્ણ

Bhaskar News Amreli | Nov 21, 2016, 00:44 AM IST

  આંબરડી સફારી પાર્ક તાત્કાલિક શરૂ કરવા માંગ, મોટા ભાગનું કામ પુર્ણ, amreli news in gujarati
ધારીઃધારી નજીક આવેલ આંબરડી પાર્કનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે. સફારી પાર્કમા આવતી પબ્લિક માટેનુ બહારની સુવિધાનુ કામ પુર્ણ થયા બાદ આ પાર્ક શરૂ થઇ શકશે. હાલમા જે ઓથોરીટીને તેની મંજુરી માટેની ફી પણ ભરપાઇ થઇ ગયેલ છે ત્યારે આ પાર્ક તાકિદે શરૂ કરવામા આવે તેવી બજરંગ ગૃપ દ્વારા રજુઆત કરવામા આવી છે.  ધારી બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે આંબરડી સફારી પાર્કનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે. 

પબ્લિક માટેની સુવિધા પ્રવાસન નિગમ દ્વારા કરવામા આવતી હોવાથી આ સુવિધા તાત્કાલિક કરવામા આવે તે જરૂરી છે. આ સફારી પાર્કમા કોનુ ગ્રહણ લાગ્યુ તે સમજાતુ નથી.  જયારે પાર્કનુ કામ શરૂ કરવામા આવ્યું ત્યારે પબ્લિક માટેની સુવિધા ઉભી કરવાની ખબર નહોતી ω કે પછી આવા પ્રશ્નો ઉભા કરીને ખોટો સમય કાઢવામા આવી રહ્યો છે તેવા પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વધુમા જણાવ્યું હતુ કે ધારીના વિકાસના દ્વાર ખોલનારા સફારી પાર્કમા રોડા નાખવામા આવી રહ્યાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કરવામા નહી આવે તો બજરંગ ગૃપ દ્વારા ગામ સમસ્ત આંદોલન કરી ગામ બંધનુ એલાન તેમજ ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજાશે.

બીજાની ટેરેટરીમાં સિંહ છોડવાનો વનતંત્રનો નિર્ણય ભારે પડશે ?

DivyaBhaskar News Network | Nov 21, 2016, 03:40 AM IST

આવા સંજોગોમાં સાવજો વચ્ચે લોહિયાળ જંગ નિશ્ચિત

નજરકેદ 15 સિંહને હડાળાનાં જંગલમાં મુક્ત કરાયા, અન્ય સાવજો સાથે લડાઇની શક્યતા

ગીરજંગલ કે જંગલ બહાર વસતા સાવજોની પોતાની એક ટેરેટરી હોય છે. સાવજોનો પોતાનો ઇલાકો એટલે ઘર. બીજા કોઇ સાવજો તેના ઘરમા ઘુસે તો ખુંખાર જંગ જામે છે. કયારેક જંગ પણ થાય અને મહેમાનને સ્વીકારી પણ લેવાય. આંબરડી પાર્કમાથી પકડીને કેદ રખાયેલા 15 સાવજોને હડાળાના જંગલમા મુકત તો કરાયા પરંતુ ત્યાં અન્ય સાવજો સાથે ઇલાકાને લઇને લડાઇ થશે તો શું તેઓ સવાલ સિંહ પ્રેમીઓને સતાવી રહ્યો છે.

સાવજો પોતાના ઇલાકાની રક્ષા માટે જીવ સટોસટનો જંગ પણ ખેલી લે છે. આવી લડાઇઓમા ઘાયલ થયેલા સાવજોની વનતંત્રને વારંવાર સારવાર પણ કરવી પડે છે અને કયારેક સારવારનો મોકો પણ મળતો નથી. જંગલમા દ્રશ્યો સામાન્ય છે. સાતેક માસ પહેલા આંબરડી પંથકમા સાવજોએ જુદીજુદી ઘટનામા ત્રણ લોકોને ફાડી ખાધા બાદ વિસ્તારના તમામ 16 સાવજોને કેદ કરી લેવામા આવ્યા હતા અને ખોડીયાર ડેમ નજીક બનાવાયેલા તાર ફેન્સીંગયુકત આંબરડી પાર્કમા રખાયા હતા.

સાવજોને કયાં મુકત કરવા તે અંગે ત્યારથી વનતંત્ર અવઢવમા હતુ. સાવજોને ફરી આંબરડીમા મુકત કરવાના હતા. ત્યારથી તેના નવા ઇલાકાની શોધ ચાલતી હતી. આખરે વનતંત્રએ મધ્યગીરમા હડાળા રેંજમા જેનગર વિસ્તારમાં 15 સાવજોને મુકત કર્યા છે. જો કે અહીથી હવે મોટો સવાલ ઉભો થાય છે કારણ કે ગીર જંગલનો દરેક વિસ્તાર કોઇને કોઇ સાવજ ગૃપની ટેરેટરી છે. સાવજો પોતાના વિસ્તારમા અન્ય સાવજોની ઘુસણખોરી જરાપણ ચાલવા દેતા નથી ત્યારે 15 સાવજોને વિસ્તારમા મુકત કરાતા આવનારા સમયમા સાવજો વચ્ચે ઘર્ષણ થવાનુ જેના પર વનતંત્રએ સતત નજર રાખવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજોને રહેવા માટે અમુક વિસ્તાર જોઇતો હોય છે જે વિસ્તારમાં એક સાવજ બીજા સાવજની ઘુસણખોરી જરા પણ ઇચ્છતો નથી. ત્યારે વનવિભાગે જેનગર વિસ્તારમાં એક સાથે 15 સાવજોને છોડી મુક્યા છે ત્યારે અંદરો-અંદરની લડાઇ થાય તેવો સિંહ પ્રેમીઓને ભય સતાવી રહ્યો છે.

ગીર લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે 15 સાવજો એકસાથે જેનગરમા છોડાતા અગાઉથી વિસ્તારમા રહેતા સાવજો સાથે અચુક લડાઇ થશે. વનતંત્રના પગલાથી વિસ્તારના સિંહબાળ પર પણ ખતરો રહેશે. નવો વિસ્તાર અને આંતરિક લડાઇના કારણે સાવજો સતત ખીજમા રહેશે.

નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં

Bhaskar news Amreli | Nov 20, 2016, 02:49 AM IST
નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં, amreli news in gujarati
ધારીઃ ધારી તાલુકાના આંબરડી નજીક આવેલા વિસ્તારમાં આઠેક માસ પહેલા સાવજોએ હાહાકાર મચાવ્યો હતો અને જુદી જુદી ત્રણ ઘટનામાં સાવજોએ ત્રણ માણસોને ફાડી ખાધા હતાં તે સમયે વન વિભાગે અભુતપૂર્વ પગલુ લઇ આ વિસ્તારના તમામ સાવજોને ઝડપી લઇ નવા બનેલા આંબરડીપાર્કમાં કેદ કરી દીધા હતાં. જો કે હવે વન વિભાગે આ પૈકીના પંદર સાવજોને ગઇકાલે હડાળા રેન્જમાં જેનગર વિસ્તારમાં મુક્ત કરી દીધા હતાં. જ્યારે એક સિંહણને હજુ પણ કેદમાં  રખાઇ છે. 

સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. પરંતુ જો તે માણસનો શિકાર કરવાનું શરૂ કરી દે તો ભારે જોખમી બની જાય છે. ધારી નજીક આંબરડી વિસ્તારમાં થોડા મહિના પહેલા આવુ જ બન્યુ હતું. એક પછી એક ત્રણ ઘટનામાં સીમમાં રહેતા ત્રણ માણસોને સાવજોએ ફાડી ખાધાની ઘટના બની હતી. જેને પગલે વન વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લઇ થોડા દિવસોમાં જ અહિં વસતા તમામ 16 સાવજોને પાંજરે પુરી દીધા હતાં. 

આ સાવજોને ખોડીયાર ડેમ નજીક નવા બનાવાયેલા આંબરડીપાર્ક વિસ્તારમાં કેદ કરી દેવામાં આવ્યા હતાં અને આ સાવજો પૈકી ક્યા સાવજ દ્વારા માણસનો શિકાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરાઇ હતી. ત્યારથી હવે આ સાવજોને ક્યા મુક્ત કરાશે તેના પર સિંહપ્રેમીઓની નઝર હતી. વનતંત્ર પણ તેના માટે યોગ્ય સ્થળની તલાશમાં અવઢવમાં હતું. આખરે પંદર સાવજોને હડાળા રેન્જના જેનગર જંગલમાં મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો.  ડીએફઓ કરૂપ્પાસામી અને સીસીએફ એ.પી. સીંગની રાહબરી નીચે પંદર સાવજોને જેનગરમાં ગઇકાલે છોડી દેવાયા હતાં. આ પૂર્વ તેમના માટે યોગ્ય સ્થળની તપાસ ચલાવાઇ હતી. ગત સવારે આઠ વાગ્યે જંગલમાં મુક્ત કર્યા બાદ તેના પર નઝર રાખવામાં આવી રહી છે. જ્યારે એક સિંહણને હજુ પણ આંબરડી પાર્કમાં રખાઇ છે. 

તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ
 
ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.

જેનગર વિસ્તારમાં મુકત કરાયા : ડીએફઓ

ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ.

શિકાર ન મળતા રિસામણે બેઠી બે સિંહણ, ત્રણ દિવસથી અહીં નાંખ્યા છે ધામા

Jaydev Varu, Rajula | Nov 20, 2016, 14:23 PM IST
શિકાર ન મળતા રિસામણે બેઠી બે સિંહણ, ત્રણ દિવસથી અહીં નાંખ્યા છે ધામા, amreli news in gujarati
અમરેલીઃરાજુલા પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના વડ ગામે આવેલ એક આંબાવડીયામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે કે આ વિસ્તારમા સાવજોને પુરતા પ્રમાણમા ખોરાક અને પાણી મળતુ નથી જેના કારણે સાવજો આમથી તેમ ભટકતા હોય છે. 
 

રાજુલાના વડ ગામે આવેલ જસુભાઇ ધાખડાના આંબાના બગીચામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. આ સિંહણોને કોઇ પ્રકારની કનડગત નથી પરંતુ લોકોમા ભય જરૂર જોવા મળી રહ્યો છે. આ વિસ્તારથી થોડે દુર 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતુ કે આ બે સિંહણો એકસાથે છેલ્લા ત્રણેક દિવસથી અહી કેમ ધામા નાખ્યા છે તેવા સવાલો પણ લોકોમાથી ઉઠી રહ્યાં છે. આ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે પરંતુ અહી સાવજોને પુરતા પ્રમાણમા શિકાર મળી શકતો નથી. સાવજોને પીવાના પાણી માટે પણ ભટકવુ પડે છે. અહી વનવિભાગ દ્વારા પાણીની કુંડીઓ તો બનાવી છે પરંતુ આ કુંડીમા નિયમિત પાણી ન ભરાતુ હોવાનુ પણ સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે. હાલ તો આ બંને સિંહણોએ અહી છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય લોકોમા અનેક સવાલો ઉઠી  રહ્યાં છે.

વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો

DivyaBhaskar News Network | Nov 16, 2016, 03:35 AM IST

  વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો, amreli news in gujarati
વિસાવદરમાં કિસાન સંઘનું આવેદન

ભારતીયકિશાન સંઘનાં નેજા હેઠળ મંગળવારે ખાંભા ગામનાં બનાવ બાબતે વિસાવદર મામલતદારને આવેદન અપાયું હતું. જેમાં ખેડૂત ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં ખેતરમાં આવેલ મકાનમાં ઘુસીને સિંહોએ બે બળદનું મારણ કરેલ બાદમાં વનતંત્રનાં અધિકારી, કર્મચારીઓએ પરિવારની મહિલાઓને માર માર્યો હતો. જે બાબતે સ્ટાફને સસ્પેન્ડ કરવા અને ખેડૂત પર થયેલ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો જલ્દ આંદોલન કરવાની ચિમકી આપેલ છે. આવેદનપત્ર આપવામાં ખાંભા, હરિપુર, લીમધ્રા, મોટી મોણપરીનાં ખેડૂતો તથા ભારતીય કિશાન સંઘનાં તા.પ્ર. ધનજીભાઇ છોડવડીયા, જિલ્લા પ્રમુખ, અમરેલી જિલ્લા પ્રમુખ સહીતનાં કિશાન સંઘનાં આગેવાનો જોડાયા હતાં.

કિસાન સંઘનાં નેજા હેઠળ મામલતદારને અપાયું આવેદન. તસવીર- વિપુલ લાલાણી

રૂા.500-1000ની નોટ માટે 40 KMનો ધક્કો, નેસડાના લોકો જંગલમાં થઇ પહોંચે છે બેંક

Bhaskar News, Amreli | Nov 18, 2016, 09:07 AM IST
રૂા.500-1000ની નોટ માટે 40 KMનો ધક્કો, નેસડાના લોકો જંગલમાં થઇ પહોંચે છે બેંક, amreli news in gujarati
અમરેલી: શહેર કે ગામડાઓમાં નોટ બદલવી હોય કે નાણા જમા કરાવવા હોય તો ગામમાં કે નજીકના સ્થળે વ્યવસ્થા જરૂર છે પરંતુ ગીર જંગલની મધ્યમાં આવેલા નેસડાઓમાં આવી કોઇ વ્યવસ્થા નથી. મધ્ય જંગલના નેસમાં વસતા લોકો માટે તો 40 કીમી દુર જંગલ બહાર નિકળે ત્યાર પછી જ કોઇ ગામમાં બેંક સુધી પહોંચી શકાય છે. અહિં માલધારીઓ મોટા પ્રમાણમાં પશુપાલન અને દુધનો વ્યવસાય કરે છે. તેમને નોટો જમા કરાવવા અને નાણા ઉપાડવા રોજે રોજ લાઇનમાં લાગવુ પડે છે. સમયસર પહોંચી શકાતુ ન હોય ધક્કા થાય છે. અમરેલી પંથકમાં ગીર પૂર્વમાં મધ્યગીરમાં નેસની સંખ્યા ઘણી વધારે છે. તમામ લોકોનો એક જ વ્યવસાય છે પશુપાલન.

દુર-દુર સુધી એટીએમ નથી, સમયસર પહોંચવા એસટી બસ મળતી નથી

ગીરમાંથી મોટા પ્રમાણમાં દુધનો વ્યવસાય થઇ રહ્યો છે. મંડળીઓ પણ મોટા પ્રમાણમાં ગીરમાંથી દુધ ખરીદે છે. મોટાભાગના માલધારીઓ પાંચ-દસથી લઇ 70 થી 80 પશુઓ રાખે છે. જેના કારણે તેમનો કારોબાર પણ મોટો છે. આ ગામોમાં નથી ટીવી કે રેડીયોની સગવડતા કે નથી મોબાઇલ ચાલતા. સરકારના કોઇ નિર્ણયની પણ અહિં ખુબ મોડી જાણ થાય છે. હવે આ માલધારીઓ નોટ બદલવાને લઇને પરેશાન છે. અનેક નેસ એવા છે કે 40 કીમી દુર જંગલમાં ધારી, દલખાણીયા, ખાંભા, જીરા, ધોકડવા જેવા સ્થળોએ પહોંચે પછી જ બેંક, એટીએમ કે પોસ્ટની સુવિધા મળે છે. સમયસર બેંકોએ પહોંવા એસટીની સુવિધા તો મળતી નથી. પોતપોતાના વાહનો લઇ જંગલ બહાર નિકળી પ્રયાસો કરે તો પણ હાથમાં નગણ્ય રકમ આવે છે. 

દેશનું સારૂ થતું હોયતો ભલે થોડી તકલીફ પડે

500 અને 1000ના દરની નોટો રદ કરવાનો નિર્ણય આમ જનતા માટે પીડાદાયક જરૂર સાબીત થઇ રહ્યો છે. ત્યારે અહિંના એક 90 વર્ષના વૃધ્ધે તો એમ પણ જણાવ્યુ હતું કે થોડા દિવસ લોકોને ભલે તકલીફ પડે. જો આનાથી દેશનું કંઇ સારૂ થતુ હોય તો જ્યારે ચરખા ગામેથી આવેલા એક વૃધ્ધે એમ જણાવ્યુ હતું કે અમે સવારના પાંચ વાગ્યાથી અહીં લાઇનમાં ઉભા છીએ. છેલ્લા બે દિવસથી અમે આ રીતે નાણા લેવા દોડધામ કરી રહ્યા છીએ.
 
રોજ 2200નો ખોળ ખરીદવો ક્યાંથી?

ગીરના એક માલધારીએ જણાવ્યુ હતું કે અમારા પશુઓ માટે દરરોજ બે ગુણી ખોળની જરૂર પડે છે. રોજ 2200 રૂપીયાના ખોળની જરૂર છે પણ આ ખોળ ખરીદવો કેમ? મારી પાસે રૂા. 500 અને 1000ની જ નોટો છે. અમારે ઢોર ચરાવવા જવુ કે બેંકની લાઇનમાં ઉભા રહેવુ ?

સિંહોની સાથે સેલ્ફી લેવા જતા પડ્યું મોંઘુ, ત્રણ યુવકો ગેરકાયદે ગુસ્યા જંગલમાં

Bhaskar News, Savarkundla | Nov 17, 2016, 23:57 PM IST
સિંહોની સાથે સેલ્ફી લેવા જતા પડ્યું મોંઘુ, ત્રણ યુવકો ગેરકાયદે ગુસ્યા જંગલમાં, amreli news in gujarati
 • ફાઇલ ફોટો
સાવરકુંડલા:ગીર પુર્વ વનવિભાગ ધારી હેઠળ આવેલ કરમદડી રાઉન્ડમા વડોદરાના ત્રણ યુવકો ગેરકાયદે સિંહદર્શન અને સિંહોની સાથે સેલ્ફી લેવા જતા વનવિભાગે ત્રણેય યુવકોને ઝડપી લઇ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. વડોદરાના ચાર્મિસ ગોવિંદભાઇ કહાર, ચસીનભાઇ રાજેશભાઇ પાટડીયા તેમજ જયરાજસિંહ વાઘેલા નામના યુવકો ગેરકાયદે જંગલમા પ્રવેશ્યા હતા. આ દરમિયાન વનવિભાગના પેટ્રોલીંગ દરમિયાન ત્રણેય શખ્સો ઝડપાઇ ગયા હતા.

સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા

Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST
સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા, amreli news in gujarati
વિસાવદરઃ વિસાવદરનાં  ખાંભાની સીમમાં ગુરૂવારે સાવજ પરિવારે એક વાડીનાં મકાનનો દરવાજો તોડી બે બળદનું મારણ કર્યા બાદ એક સિંહણ અંદર પુરાઇ જતાં ખેડુતે વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર આવી દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનસ્ટાફે વાડી માલીકને માર માર્યો હતો. 

આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરએફઓ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસમાં સામ-સામી ફરિયાદો નોંધાતા મામલો તંગ બની ગયો છે. વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર)થી બે કિમીનાં અંતરે આવેલી ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં વાડીનાં મકાનનો દરવાજો તોડી ગુરૂવારનાં રાત્રીનાં સાવજ પરિવારે બે બળદનું મારણ કર્યુ હતું. બાદમાં શુક્રવારે વહેલી સવારનાં બે સિંહ બહાર નિકળી ગયા હતાં. જયારે એક સિંહણ અંદર ફસાઇ ગઇ હતી.

સવારે 6 વાગ્યે ધનસુખભાઇ  વાડીએ જતાં દરવાજો તુટેલો જોતા અંદર સિંહણને નિહાળી નવાઇ પામી ગયા હતાં. આ અંગે વનતંત્રને જાણ કરતાં 4 કલાક સવારે 10 વાગ્યે સ્ટાફે આવી તપાસ કરી રેસ્કયુ ટીમને બોલાવી હતી.
 
સ્ટાફે મકાનનો દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનતંત્રનાં સ્ટાફે  ધનસુખભાઇ અને બે મહિલાને લાકડીથી માર મારતાં ત્રણેયએ સરકારી હોસ્પિટલે દાખલ થઇ

રાજુલા: દીપડાનાં હુમલામાં જગતપીરની જગ્યાના પુજારીનું મોત

Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST

રાજુલા: અનુસાર વઢેરા ગામે રહેતા સતાર શાહ હસન શાહ શેખ નામના ફકિર યુવાન વઢેરા નજીક આવેલ જગતપીરની જગ્યામા પુજારી છે. તેઓ ગત મોડીરાત્રીના જગતપીરની જગ્યાએથી ધાર્મિક પ્રસંગ પતાવી પરત ફરી રહ્યાં હતા ત્યારે અવાવરૂ જગ્યાએ તેના પર ખુની હુમલો થયો હતો. સતાર શાહને માથાના ભાગે ઇજા થતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. 
 
અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે 
 
બાદમાં આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામા આવતા જાફરાબાદ પોલીસ અને વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બાદમા મૃતકની લાશને પીએમ માટે જાફરાબાદ દવાખાને ખસેડાઇ હતી. અહી મૃતકના પત્ની તેમજ બે દિકરીઓ અને પુત્રએ પોલીસને આપેલા નિવેદનમા જણાવ્યું કે  દિપડા દ્વારા તેમના પર હુમલો થયો છે.અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે જેથી ધ્યાન રાખીને પસાર થવુ. અહી તબીબે પોસ્ટમોર્ટમ કરી જણાવ્યું હતુ કે તેમને માથાના ભાગે પંજાના નિશાન હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ. 
 
વન્યપ્રાણીના કોઇ સગડ નથી- આરએફઓ
 
રાજુલાના આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે અમારી ટીમ દ્વારા તપાસ કરવામા આવી હતી. અહી વન્યપ્રાણીના કોઇ સગડ મળ્યાં નથી. આ પોલીસની તપાસનો વિષય છે. કોઇ તિક્ષણ હથિયારના નિશાન હોય શકે.
વનતંત્રનો સ્ટાફ પણ અમારી સાથે હતો
 
 PI જાફરાબાદના ઇન્ચાર્જ પીઆઇ દશરથસિંહ વાઢેરે જણાવ્યું હતુ કે બનાવ બન્યો ત્યારે વનવિભાગનો સ્ટાફ પણ અમારી સાથે હતો. ગામ લોકો દ્વારા પણ જણાવાયું હતુ કે વન્યપ્રાણીઓએ હુમલો કર્યો છે. તેના પરિવારે પણ જણાવ્યું હતુ અને તબીબે પણ વન્યપ્રાણીનો હુમલો હોવાનુ અને પંજાના નિશાન હોવાનુ જણાવ્યું હતુ.

ગીર પંથકમાં ઇકોઝોન મુદે ભાજપ, કોંગ્રેસ, કિશાન સંઘ એક મંચ ઉપર

DivyaBhaskar News Network | Nov 09, 2016, 03:40 AM IST

તાલાલામાં હોદેદારોની અગત્યની બેઠક મળી : દિલ્હી સુધી રજૂઆત કરશે

ગીરપંથકમાં ઇકોઝોનનાં કાયદાઓથી ઉભી થનાર મુશ્કેલીઓને યોગ્ય સ્તરની રજુઆત સાથે સરકાર સુધી પહો઼ચાડી કાયદામાં ફેરફાર સાથે સમીક્ષા કરાવવા મુદે આજે ભાજપ, કોગ્રેસ, કિશાન સં એક મંચ ઉપર આવેલ કેન્દ્ર સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય વિભાગે 26 ઓકટોબરનાં ઇકોઝોનનું નોટીફીકેશન બહાર પાડી 2 નવેમ્બરે લોકો માટે ખુલ્લુ મુકયા બાદ તાલાલા પંથકનાં રાજકીય આગેવાનો અને કિશાન સંઘ એક મંચ ઉપર આવેલ.

તાલાલા બોરવાવ ફાટક પાસે આવેલ વિવેકાનંદ શૈક્ષણીક સંકુલ ખાતે ઇકોઝોન મુદે મળેલી બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ વાદી, પ્રમુખ ડાયાભાઇ વઘાસીયા, તાલાલા પાલિકાનાં પુર્વ પ્રમુખ અમીત ઉનડકટ, તાલુકા કોંગ્રેસ અગ્રણી અને આદિવાસી સંઘનાં પ્રમુખ અહેમદ વલી મકવાણા ગીર સોમનાથ જિલ્લા કિશાન સંઘ પ્રમુખ ભરત સોજીત્રા, તાલાલા તાલુકા પ્રમુખ રાજુભાઇ પાનેલીયા, ચિત્રોડનાં સરપંચ બાવચંદભાઇ પરમાર સહીત તાલાલા તાલુકાનાં ગામડાનાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ઇકોઝોનની અસર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં તમામ તાલુકા ઇકોઝોન હેઠળ આવતા હોય ઇકોઝોનનાં નવા કાયદાથી આમ પ્રજા, ખેડૂતો, નનાના ધંધાર્થીઓને પડનારી મુશ્કેલી અને વિસ્તારોનો વિકાસ રૂંધાય તેવી સંભાવના હોય. નવા ઇકોઝોનનું નોટીફીકેશન ઓનલાઇન રજુ થયુ હોય.

જે કોઇને વાંધા રજુ કરવાનાં હોય તો 60 દિવસમાં ઓનલાઇન રજુ કરવાનાં તે વ્યવસ્થા યોગ્ય હોવાનો સુર બેઠકમાં ઉઠેલ અસરકર્તા દરેક ગામોમાં સરપંચ મીટીંગ્ બોલાવી લોકોને ઇકોઝોન કાયદાની જાણ કરે અને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય તેવું આયોજન શરૂ કરવાનું નક્કી થયેલ.

વાંધા-સુચનો ઓનલાઇન રજુ કરી સંયુકત પક્ષો અને કિશાન સંઘનું બનેલ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર અને દિલ્હી સુધી યોગ્ય રજુઆતો કરે તે માટે આગામી દિવસોમાં એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવશે. ઇકોઝોન મુદે મળેલ સર્વપક્ષીય બેઠકમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારને અસરકર્તા મુશ્કેલીનો ઉકેલ લાવવા સામુહીક નિર્ણય થયેલ હતો.

પીપાવાવ રોડ પર સિંહ પરિવારનાં ધામા, વાહન વ્યવહાર થંભી ગયો

Jaydev Varu, Rajula | Nov 06, 2016, 17:27 PM IST
પીપાવાવ રોડ પર સિંહ પરિવારનાં ધામા, વાહન વ્યવહાર થંભી ગયો, amreli news in gujarati
 • ગઇ રાત્રે તો કોઇ અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી છે
રાજુલા:રાજુલાના પીપાવાવનો ચાર માર્ગીય રસ્તો અવાર નવાર સાવજોનો ભોગ લે છે. અહિં સાવજોની સુરક્ષાની માત્ર વાતો જ થાય છે અને સાવજોનો ભોગ લેવાતો રહે છે. ગઇરાત્રે પણ અહીં સિંહ-સિંહણ અને એક સિંહબાળે રસ્તા પર જ અડ્ડો જમાવી દીધો હતો. જેને પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં સાવજો પર ખતરો હોય વનતંત્ર યોગ્ય પગલા લે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે. 
 
આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું
 
ભુતકાળમાં પણ પીપાવાવ ફોર વે પર અજાણ્યા વાહનોની હડફેટે સાવજોના મોતની ઘટના બની ચુકી છે. ગીર જંગલ બહાર વસતા સાવજો છેક પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વસી રહ્યા છે. અવાર નવાર જ્યાં વાહનોની સતત અવર જવર રહે છે તે પીપાવાવ ફોર વે પર આ સાવજો આવી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે. ગઇરાત્રે ફરી એકવાર આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું.
 
એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા 
 
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇરાત્રે એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા હતાં અને આ સાવજ પરિવારે રસ્તા પર જ અડ્ડો જમાવ્યો હતો. જેને પગલે થોડીવાર માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. સદનશીબે ગઇ રાત્રે તો કોઇ અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી છે. જેને પગલે વનતંત્ર સાવચેતીના પગલા લે તેવી સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી

Bhaskar News, Amreli | Nov 03, 2016, 00:52 AM IST
દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી, amreli news in gujarati
અમરેલી:દિપાવલીનાં પાવન તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રના ફરવા લાયક રમણીય સ્થળો અને ધર્મસ્થાનોમા દર વર્ષે પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી પડે છે. આ પરંપરા જળવાતી હોય તેમ ઓણસાલ પણ દિપાવલીના તહેવારો દરમિયાન ગીર જંગલ તથા આસપાસના વિસ્તારો પ્રવાસીઓથી ઉભરાયા છે. સારા ચોમાસાના કારણે ગીરનો નજારો રમણીય છે. જેનો પ્રવાસીઓ ભરપુર આનંદ લુંટી રહ્યાં છે હજુ બે ત્રણ દિવસ આવો ધસારો રહેશે.
 
સોળે કળાએ ખીલેલી ગાંડી ગીરનુ આકર્ષણ કંઇક જુદુ જ છે. અને તેમા પણ સિંહ દર્શનના મોકાની આશા હોય તો પ્રવાસીઓ અહી ખેંચાયા વગર રહે ખરા ω દિપાવલીની રજાઓનો માહોલ આમપણ હરવા ફરવાનો સમય છે. આસપાસના લોકો તો રજાઓમા ફરવાનો આનંદ માણે જ છે પરંતુ ગુજરાતભરમાથી નહી પણ દેશભરમાથી આ વિસ્તારમા પ્રવાસીઓ ઉમટે છે. હાલમા ચાલી રહેલી દિવાળીની રજાઓમા ફરી આ ચિત્ર જોવા મળી રહ્યું છે.

અમરેલી પંથકમાં ગીર જંગલ પ્રવાસીઓથી ગુંજી ઉઠયું છે. આ વિસ્તારના પ્રાકૃતિક નજારાઓનો આનંદ માણવા અને ધર્મસ્થાનોમા દર્શનાર્થે હકડેઠ્ઠઠ માનવ મેદની ઉમટી પડી છે. અમરેલી પંથકમાં ગીરકાંઠાના ગામોમા મોટા પ્રમાણમા ધર્મસ્થાનો આવેલા છે. આ ઉપરાંત ગીર જંગલની મધ્યમા પણ આસ્થાના ધામ સમા મંદિરો આવેલા છે. જયાં પાછલા ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટયા હતા.

ધારી નજીક આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર મંદિર, કનકાઇ, બાણેજ, તુલશીશ્યામ, જમજીરનો ધોધ, ભીમચાસ, સરની ખોડિયાર, વાંકુની ધાર, સતાધાર, પરબધામ સહિતના નાના મોટા ધર્મસ્થાનો પર મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા હતા. આ વિસ્તારના જંગલમાથી દિવ, સોમનાથ, વેરાવળ તરફ જતા પ્રવાસીઓની પણ મોટી ભીડ જોવા મળી હતી. લાભપાંચમ સુધી પ્રવાસીઓનો આવો જ ધસારો રહેવાની ધારણા રખાઇ રહી છે.
 
ધારી-તુલસીશ્યામમાં ભાવિકોની ભીડ
 
ગીર જંગલની મધ્યમા આવેલ તુલશીશ્યામ ખાતે શ્યામ મંદિરના દર્શનાર્થે પાંચ દિવસ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી. કનકાઇ બાણેજ, તુલશીશ્યામ સહિતના ધર્મસ્થાનોમા ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ હતી. ધારી નજીક ખોડિયાર મંદિર પર પણ પ્રવાસીઓ ઉમટી પડયા હતા.