Monday, November 30, 2015

ગિરિતળેટીના ઉંબરે કુમકુમ-અક્ષતના સાથિયા પુરી પરિક્રમાર્થીઓની વિદાય.

Nov 26, 2015 00:02

  • પરિક્રમા પાંચના બદલે આઠ દિવસ લાંબી ચાલી !! : બસ અને ટ્રેનમાં હજૂ ભીડ
જૂનાગઢ : ધાર્મિક માન્યતાઓ અને પરંપરા અનુસાર ગિરનાર પરિક્રમા માર્ગની બહાર નિકળતા પહેલા કુમકુમ અને અક્ષતના સાથિયા પુરી દિવડાઓ પ્રગટાવી દેવતાઓના પગલાના પૂજન સાથે આજે વધ્યા-ઘટયા પરિક્રમાર્થીઓએ વિદાય લીધી હતી. સાંજ સુધીમાં જંગલ વિસ્તાર તો ઠીક ભવનાથ તળેટી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. આ વખતે પરિક્રમા પાંચના બદલે આઠ દિવસ લાંબી ચાલી હતી. જો કે બસ અને ટ્રેનમાં હજૂ પણ યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.
પૌરાણિક સમયથી યોજાતી ગિરનારની પાવનકારી પરિક્રમાનો ઉતાવળિયા યાત્રિકોએ ગત બુધવારથી જ પ્રારંભ કરી દીધો હતો. ત્યારથી લઈને આજે બુધવારે સત્તાવાર રીતે પરિક્રમાની પૂર્ણાહૂતિ થઈ હતી. આઠ દિવસમાં નવ લાખ યાત્રિકો ઉમટી પડયા હતાં. ગઈકાલે રાત્રે પરિક્રમાના છેલ્લા પડાવ બોરદેવીમાં રોકાણ કરનાર યાત્રિકો આજે વહેલી સવારથી જ બહાર નિકળવા માંડયા હતાં. સાંજ સુધીમાં મોટાભાગના યાત્રિકો જંગલની બહાર આવી ભવનાથ તળેટી છોડી જતા રહ્યા હતાં. ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓએ આ પરિક્રમા કરી હોય તેના પડેલા પગલા અને આ ક્ષેત્રમાં વસવાટ કરતા દેવતાઓના પૂજન માટે યાત્રિકોએ બોરદેવી થાણા નજીકના જંગલના માર્ગ ઉપર ચોખા અને ઘઉં તથા કુમકુમના સાથિયા પુરી દિવડાઓ પ્રગટાવ્યા હતાં. અન્નક્ષેત્રોના સંચાલકો સામાન સમેટીને જતા રહ્યા છે. સામાન્ય રીતે પરિક્રમા પાંચ દિવસની હોય છે. આ વખતે એક તિથિનો ક્ષય હોવાથી સત્તાવાર રીતે ચાર દિવસ હતાં. પરંતુ પરિક્રમા આગોતરી શરૂ થઈ જતા આઠેક દિવસ જેટલી લાંબી ચાલી હતી. પરિક્રમા પુરી થઈ જતા તમામ તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાઓ સંકેલાઈ રહી છે. જો કે પરત જતા યાત્રિકોની ભીડ હજૂ પણ બસ અને ટ્રેનમાં દેખાઈ રહી છે. આવતીકાલ સુધી આ ભીડ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.