Wednesday, January 29, 2014

તાલાલામાં સીદી સમાજની સમૂહ શાદીમાં થયા કોમી એકતાનાં દર્શન.


Bhaskar News, Talala | Jan 29, 2014, 01:49AM IST
તાલાલામાં સીદી સમાજની સમૂહ શાદીમાં થયા કોમી એકતાનાં દર્શન
- દસ દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢયા : અજહરી યંગ ગ્રુપનું આયોજન
- અવસર : હિ‌ન્દુ-મુસ્લિમ સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં


તાલાલામાં ર૬ જાન્ય.નાં દિવસે સીદી આદિવાસી સમાજનાં સમૂહલગ્ન યોજાયા હતા. અજહરી યંગ ગ્રૃપ દ્વારા યોજાયેલા સમૂહ શાદીમાં જોડાયેલ દસ દુલ્હા-દુલ્હનોને આર્શિ‌વાદ આપવા હિ‌ન્દુ-મુસ્લિમ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તાલાલામાં સીદી સમાજનાં યોજાયેલ સમૂહ શાદી કાર્યક્રમમાં આગલા દિવસે તા.૨પ નાં રાત્રે તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવેલ તા.ર૬ નાં સવારે દસ વાગ્યે નિકાહ કરવામાં આવેલ બપોરે બાર વાગ્યે આમ નમાજ રાખવામાં આવેલ. સમૂહ શાદીનાં આયોજક અજહરી ગ્રૃપ અને સીદી સમાજનાં યુવાનો દ્વારા તૈયારી કરાઇ હતી.સમૂહ શાદીમાં દુલ્હા-દુલ્હનોને આર્શિ‌વાદ આપવા અહેમદભાઇ વલીભાઇ મકવાણા (જીણકા પટેલ)તાલાલા, ફારૂકભાઇ મૌલાના વેરાવળ, સૈયદ અબ્દુલ્લાહ મીંયાબાપુ માંગરોળ, અબ્દુલભાઇ સેતા કેશોદ સહિ‌ત તાલાલા નગરપાલિકાનાં સદસ્યો તાલાલાનાં અગ્રણીઓ અને તમામ સમાજનાં આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાતાઓનાં સહકારથી સમૂહ શાદીમાં ભાગ લઇ રહેલ દુલ્હનોને ઘર ઉપયોગી ચીજવસ્તુઓ કરીયાવરમાં ભેટ સ્વરૂપે અપાઇ હતી. સમૂહ શાદીનાં સફળ આયોજન બદલ અજહરી ગ્રૃપને અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા.આ તકે સીદી સમાજનાં આગેવાનોએ પણ યુવાનોનાં આ સમાજલક્ષી કાર્યને બિરદાવી અને પ્રતિ વર્ષે આ આયોજન વધુ મોટું રહે તેવા પ્રયાસોની ખાતરી આપી હતી.

સિંહે સિંહણને પામવા બચ્ચાને મારી નાંખ્યા, PMમાં બિલાડી બતાવી!

Bhaskar News, Visavadar | Jan 28, 2014, 10:00AM IST

સિંહે સિંહણને પામવા બચ્ચાને મારી નાંખ્યા, PMમાં બિલાડી બતાવી!
સિંહ બાળનાં પીએમમાં જંગલી બિલાડીનાં બચ્ચા બતાવ્યા!
વાહ રે! વન વિભાગ : વિસાવદરનાં લાલપુરની ઘટના
મદોન્ત સિંહે સિંહણને પામવા બચ્ચાને મારી નાંખ્યા


વિસાવદરનાં લાલપુર ગામની સીમમાં નિવૃત આરએફઓનાં ખેતરમાં સાવજની ઇનફાઇટમાં બે સિંહ બાળ મોતને ભેટી ગયા બાદ વન વિભાગે તેના પીએમમાં જંગલી બીલાડીનું બચ્ચુ બતાવતા વન્ય પ્રાણી પ્રેમીઓ નવાઇ પામી ગયા છે અને વન ખાતાની કાર્યવાહી અનેક શંકા-કુશંકા પંથકમાં ચર્ચાનો વિષય બની છે. મદોન્ત સિંહે સિંહણને પામવા આ સિંહ બાળને મારી નાંખ્યું હોવાનું જાણકારો માની રહ્યા છે. વિસાવદરનાં લાલપુર ગામમાં જંગલ નજીક રોણીયાવીડી તરીકે ઓળખાતા વિસ્તારમાં નિવૃત આરએફઓ રામશંકરભાઇ દવેનું ખેતર આવેલુ છે.

આજે સવારનાં તેમનો ભાગીયો સંજય ખેતરે ગયેલ ત્યારે સાવજોનાં પંજાનાં નિશાન જોવા મળતા આગળ તપાસ કરતા બે સિંહ બાળનાં મૃતદેહ જોવા મળતા તાત્કાલિક વાડી માલિકને જાણ કરતા તેઓએ વન તંત્રને વાકેફ કરતા ડીએફઓ ડો.કે.રમેશ, આરએફઓ ગોઢાણીયા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયેલ અને બંને મૃત બચ્ચાને કપડાથી ઢાંકી દઇ ડીએફઓની ગાડીમાં જ પીએમ માટે ધારી લઇ જવાયેલ.

ત્યારબાદ પીએમ રીપોર્ટમાં આ બચ્ચા જંગલી બીલાડીનાં હોવાનું અને કોઇ વન્ય પ્રાણીએ મારી નાંખ્યાનું જાહેર થતાં આ ઘટનાને નજરે જોનારા લોકો સહિ‌ત પંથકમાં વન વિભાગની કાર્યવાહીથી અનેક શંકા-કુશંકાઓ સાથે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ગતરાત્રીનાં બે સિંહણ અને બે બચ્ચાઓને અમુક લોકોએ નજરે નિહાળ્યા હતા. જાણકારોનાં માનવા મુજબ સિંહણ સાથે તેના બચ્ચા હોય ત્યારે સંવનન માટે સિંહને તાબે થતી નથી અને સિંહ વિલન બનતા બચ્ચાઓને મારી નાંખી સિંહણને વશમાં કરે છે. બે બાળને નરસિંહે જ મારી નાંખ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

સિંહ હોય ત્યાં બિલાડી વસવાટ કરે ?
સિંહ જ્યાં રહેતો હોય ત્યાં બીજા અન્ય કોઇપણ પ્રાણી તેની આજુબાજુ રહેતા નથી. ત્યારે જંગલી બીલાડી અને તે પણ બચ્ચાવાળી રહેતી હોય એ સવાલ ઉભા કરે છે એમ જાણકારોનું કહેવું છે.

અધિકારી શું કહે છે ?

આ અંગે ગીર પશ્વિમનાં ડીએફઓ ડો.કે.રમેશ સાથે વાતચીત કરતા તેઓએ બંને બચ્ચા જંગલી બીલાડીનાં હોવાનું અને કોઇ જંગલી પ્રાણીએ ઇનફાઇટમાં મારી નાંખ્યા હોવાનું અનુમાન છે એમ જણાવ્યું હતું. સાસણની ટ્રેકર્સ પાર્ટીને બોલાવીને પણ તપાસ કરાવી છે.

મેટીંગ કર્યાની નિશાનીઓ મળી
જે ખેતરમાં ઘટના બની છે ત્યાંથી બે સિંહણ અને બે બચ્ચાનાં ફૂટમાર્કનાં સગડ જોવા મળ્યા છે. નર સિંહનાં પંજાનાં નિશાન પણ જોવા મળ્યા છે. ખેતરમાં ઘઉંનાં પાકમાં અને આસપાસની બેથી ત્રણ જગ્યાએ સિંહ-સિંહણે મેટીંગ કર્યાની નિશાનીઓ જોવા મળી છે. - વિપુલ લાલાણી

સિંહણે મચાવ્યો આંતક, 13 ફૂટની દિવાલ કૂદી ભેંસને ફાડી ખાધી.

Pics: સિંહણે મચાવ્યો આંતક, 13 ફૂટની દિવાલ કૂદી ભેંસને ફાડી ખાધી

Bhaskar News, Junagadh | Jan 25, 2014, 08:52AM IST
- સાડા તેર ફૂટની દિવાલ કૂદી સિંહણ ગૌશાળામાં ત્રાટકી
- ’ નંદબાવા ગૌશાળામાં પાંચ વાછરડીનું  મારણ કર્યુ : ભયથી ગાયો ફફડી ઉઠી
સંજયનગરમાં ભેંસ અને પાડી ઉપર પાંચ સિંહનાં હુમલામાં ભેંસનુ મોત
- જૂનાગઢમાં સિંહણે મચાવ્યો આંતક, તેર ફૂટ ઊંચી દિવાલ કૂદી કર્યો ભેંસોનો શિકાર

જૂનાગઢનાં બિલખા રોડ પર વન્ય પ્રાણીનાં આંટાફેરા વધી ગયા હોઇ લોકોમાં ભય ફેલાઇ ગયો છે. ગતરાત્રીનાં પ્લાસવા નજીક આવેલી નંદબાવા ગૌશાળામાં સિંહણ આવી ચઢી હતી. અને પાંચ વાછરડીનું મારણ કર્યુ હતુ. જ્યારે ભયભીત થયેલા એક બળદનું પણ મોત નીપજ્યું હતું. તેમજ શુક્રવારની રાત્રીનાં સંજયનગરમાં પાંચ સિંહે એક ભેંસ અને પાડી ઉપર હુમલો કરી ઘાયલ કર્યા હતા. જેમાં ભેંસનું મોત નિપજ્યું હતું.

ગિરનાર જંગલને અડીને આવેલા વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા વધી રહ્યા છે. તેમાં પણ બિલખા રોડ ઉપર આવેલા પાદરીયા, પ્લાસવા સહિ‌તનાં ગામોમાં સિંહ અવારનવાર આવી જતા હોય છે. અને ગાય, ભેંસનું મારણ કરી જતા હોય છે. વારંવાર વન્ય પ્રાણી આવતા હોઇ લોકોમાં ભયનો ફેલાયો છે. ભયનાં વાતાવરણ વચ્ચે ગુરૂવારની રાત્રીનાં પ્લાસવા નજીક આવેલી નંદબાવા ગૌશાળામાં એક સિંહણ ત્રાટકી હતી.

જેમાં અલગ અલગ છાપરામાં બાંધેલી પાંચ વાછરડીનું મારણ કર્યું હતું. ગૌશાળામાં સિંહણે હુમલો કરતાં અન્ય પશુઓમાં અફડાતફડી બોલી ગઇ હતી. જેમાં ભયભીત બનેલા એક બળદનું પણ મોત થયુ હતું.
 આ અંગે વન વિભાગને જાણ કરતા આરએફઓ મારૂ તથા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રોજકામની કાર્યવાહી કરી હતી. આ બનાવને ૨૪ કલાક ન થયા ત્યાં ગ્રોફેડ નજીક આવેલા સંજયનગરમાં પાંચ સિંહ આવી ગયા હતા.

અહીં રાજુભાઇ રાડાની ભેંસ અને પાડી ઉપર હુમલો કર્યો હતો. આ અંગે રાજુભાઇએ જણાવ્યું હતું કે, સાંજના સમયે પાંચ સિંહે હુમલો કરી ભેંસ અને પાડીને ઘાયલ કર્યા હતા. જેમાં ભેંસનું મોત નિપજ્યું છે. આ વિસ્તારમાં દરરોજ સિંહ આવે છે. વન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ પશુ ડોકટર પણ સમયસર આવતા નથી.

સાડા તેર ફૂટની દિવાલ કૂદી સિંહણ ગૌશાળામાં ત્રાટકી.

Jan 25, 2014, 03:08AM IST’ નંદબાવા ગૌશાળામાં પાંચ વાછરડીનું
મારણ કર્યુ : ભયથી ગાયો ફફડી ઉઠી
’ સંજયનગરમાં ભેંસ અને પાડી ઉપર
પાંચ સિંહનાં હુમલામાં ભેંસનુ મોત
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢનાં બિલખા રોડ પર વન્ય પ્રાણીનાં આંટાફેરા વધી ગયા હોઇ લોકોમાં ભય ફેલાઇ ગયો છે. ગતરાત્રીનાં પ્લાસવા નજીક આવેલી નંદબાવા ગૌશાળામાં સિંહણ આવી ચઢી હતી. અને પાંચ વાછરડીનું મારણ કર્યુ હતુ. જ્યારે ભયભીત થયેલા એક બળદનું પણ મોત નીપજ્યું હતું. તેમજ શુક્રવારની રાત્રીનાં સંજયનગરમાં પાંચ સિંહે એક ભેંસ અને પાડી ઉપર હુમલો કરી ઘાયલ કર્યા હતા. જેમાં
ભેંસનું મોત નિપજ્યું હતું.
ગિરનાર જંગલને અડીને આવેલા વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા વધી રહ્યા છે. તેમાં પણ બિલખા રોડ ઉપર આવેલા પાદરીયા, પ્લાસવા સહિ‌તનાં ગામોમાં સિંહ અવારનવાર આવી જતા હોય છે. અને ગાય, ભેંસનું મારણ કરી જતા હોય છે. વારંવાર વન્ય પ્રાણી આવતા હોઇ લોકોમાં ભયનો ફેલાયો છે. ભયનાં વાતાવરણ વચ્ચે ગુરૂવારની રાત્રીનાં પ્લાસવા નજીક આવેલી નંદબાવા ગૌશાળામાં એક સિંહણ ત્રાટકી હતી. જેમાં અલગ અલગ છાપરામાં બાંધેલી પાંચ વાછરડીનું મારણ કર્યું હતું. ગૌશાળામાં સિંહણે હુમલો કરતાં અન્ય પશુઓમાં અફડાતફડી બોલી ગઇ હતી. જેમાં ભયભીત બનેલા એક બળદનું પણ મોત થયુ હતું. આ અંગે વન વિભાગને જાણ કરતા આરએફઓ મારૂ તથા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રોજકામની કાર્યવાહી કરી હતી. આ બનાવને ૨૪ કલાક ન થયા ત્યાં ગ્રોફેડ નજીક આવેલા સંજયનગરમાં પાંચ સિંહ આવી ગયા હતા. અહીં રાજુભાઇ રાડાની ભેંસ અને પાડી ઉપર હુમલો કર્યો હતો. આ અંગે રાજુભાઇએ જણાવ્યું હતું કે, સાંજના સમયે પાંચ સિંહે હુમલો કરી ભેંસ અને પાડીને ઘાયલ કર્યા હતા. જેમાં ભેંસનું મોત નિપજ્યું છે. આ વિસ્તારમાં દરરોજ સિંહ આવે છે. વન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ પશુ ડોકટર પણ સમયસર આવતા નથી.

ગુજરાતનું આ સ્થળ બનશે સાવજોનું નવું ઘર, સિંહો બનશે સલામત.


ગુજરાતનું આ સ્થળ બનશે સાવજોનું નવું ઘર, સિંહો બનશે સલામત
Arjun Dangar, Junagadh | Jan 25, 2014, 02:46AM IST

- બરડો બનશે સાવજોનું બીજુ ઘર
- બરડા વન્યપ્રાણી અભ્યારણ્ય સિંહોના વૈકલ્પિક રહેઠાણ માટે અનુકુળ હોવાનો વન અધિકારીનો અભ્યાસ

ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટીક સાવજો બહુઝડપથી મુવમેન્ટ કરી રહ્યા છે. ધીમેધીમે માનવવસાહત તરફ પણ આવી રહ્યા છે. બીજી તરફ સિંહોને મધ્યપ્રદેશ લઇ જવાનો મામલો પણ દેશભરમાં ચર્ચામાં છે. ત્યારે સાવજોનું બીજુ નવુ ઘર સોરઠનો હિ‌સ્સો ગણાતા પોરબંદર જિલ્લાના બરડા વન્ય પ્રાણી અભ્યારણ્ય બની શકે એમ છે. તેમ અભ્યાસના આધારે સાસણનાં નાયબ વનસંરક્ષક ડો.સંદિપ કુમારે જણાવ્યું છે. સિંહોને અહી વસવાટ માટેની તમામ અનુકુળતાઓ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે એક અભ્યાસ લેખમાં જણાવ્યું છે.સાસણનાં નાયબ વનસંરક્ષક ડો.સંદિપકુમારે બરડા પંથક અભ્યારણ્ય વિશે કરેલા અભ્યાસ બાદ બરડા વન્યપ્રાણી અભ્યારણ્યને સાવજોના વૈકલ્પિક રહેઠાણ માટે પણ યોગ્ય ગણાવ્યું છે. તેઓ એ કહ્યુ કે, પોરબંદરથી ૧પ કિમી ઉત્તર પૂર્વમાં આવેલા બરડાની વિવિધ ખાસીયતો અને સિંહોના રહેઠાણ માટે અનુકુળ છે. ૧૮૮૦ સુધી સિંહો બરડાના જંગલમાં વિહરતા હતા.

જોકે હાલ અહીં સિંહો નથી. પરંતુ ૨૧ દિપડાનો બરડા અભ્યારણ્યમાં વસવાટ દેખશે. ભૂતકાળમાં ત્યાં ચિતળ અને સાબર જેવા સાવજોનો ખોરાક ગણાતા પ્રાણીઓ પણ હતા. છેલ્લા એક દસકામાં જ તે અહીંથી દૂર થયા છે. તેને ફરીથી વસાવવા ૨૦૦૨માં અહીં ચિત્તળનું સંવર્ધન કેન્દ્ર અને ૨૦૦૭-૦૮માં સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. બરડા ડુંગરમાં અન્ય પ્રાણીઓની ૩૬ જાતો છે. ડો.સંદિપકુમારે વધુમાં જણાવ્યું હતુ કે, બરડાનો ભૂભાગ એશિયાટીક સિંહોના સંવર્ધન માટે મહત્વનો હોઇ વનવિભાગે આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરો, ઇકો ડેવલપમેન્ટ કામો કર્યા છે. સૌરાષ્ટ્રમાં ગીર-ગિરનાર અને બરડો જ હરિયાળા ફેફસાની ગરજ સારે છે. એશિયાટીક સિંહો ૨૦૦૩ બાદ બરડા તરફ આવતા થયા છે. અને ધીમે ધીમે આ તરફ આવશે.

અગાઉ સિંહો માટે જ અભ્યારણ્યનો દરજ્જો અપાયો’તો
બરડાના જંગલને વર્ષો પહેલા તે સિંહોનું વૈકલ્પિક રહેઠાણ બની શકે એમ હોવાથી જ અભ્યારણ્ય ઘોષિત કરાયુ હતું. તજજ્ઞો અને પર્યાવરણ વિદોએ પણ બરડાને એશિયાટીક સિંહોનું વૈકલ્પિક રેહઠાણ માન્યું છે.

બરડો ખોરાક-પાણી માટે મહત્વનો
બરડો તેની આસપાસમાં વસવાટ કરતી વસ્તી માટે અગત્યના પાણીનાં સ્ત્રોત અને ખોરાક માટે મહત્વનો છે. ચોમાસાથી લઇને છેક શિયાળા સુધી અહીં વન્ય પ્રાણીઓને પાણી અને ઘાસ મળી રહે છે. પરંતુ ઉનાળા દરમિયાન લીલા ઘાસની અછત વર્તાય છે. વનવિભાગ અહીં સતતપણે માટી અને ભેજના સંવર્ધન માટે પ્રયત્નશીલ રહ્યુ હોવાનું પણ સંદિપકુમારે જણાવ્યું હતું.

બરડો ૨૧પ ચો.કિમીમાં ફેલાયેલા
બરડો ડુંગર ૨૧પ ચોરસ કિમીમાં ફેલાયેલો છે. જે પૈકી ૧૯૨.૩૧ ચોરસ કિમી વિસ્તારને અભ્યારણ્યા જાહેર કરાયું છે. બરડાની આસપાસ વસેલા ગામોમાં મોડપર, આશીયાપાટ, બિલેશ્વર, ખંભાળા, બોરડી, રાણાવાવ, આદિત્યાણા, બખરલા, કાટવાણા, વીંઝરણા, ગોઢાણા, બાવળવાવ, રાણપુર અને પછાતરનો સમાવેશ થાય છે.

ધારીનાં ખીચામાં આદિવાસી યુવાન પર દિપડાનો હુમલો.

Bhaskar News, Dhari | Jan 29, 2014, 01:50AM IST- ગીરપૂર્વની દલખાણીયા રેંજમાં ઇનફાઇટમાં દિપડીનું મોત
- શિકાર મેળવવા લડાઇ જામતા દિપડી મોતને ઘાટ ઉતરી હોવાનુ વનવિભાગનુ પ્રાથમિક તારણ


ગીરપુર્વની દલખાણીયા રેંજમાં ગઇકાલે ઇનફાઇટમાં એક દિપડીનુ મોત નિપજયુ હતુ. દિપડીનો મૃતદેહ પડયો હોવાની વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને દિપડીના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. બે દિપડાઓ વચ્ચે શિકાર માટે ઇનફાઇટ થતા દિપડીનુ મોત નિપજયાનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યુ હતુ.

ઇનફાઇટમાં દિપડીના મોતની આ ઘટના ગીરપુર્વના દલખાણીયા રેંજમા બની હતી. અહી ગઇકાલે રાત્રીના એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની વનવિભાગને જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી રેસ્કયુ ટીમના ડો. વામજા, સમીર દેવમુરારી, અમીત ઠાકર, શેરમહંમદ દલ સહિ‌ત સ્ટાફ અહી દોડી ગયો હતો.
ડો. વામજા દ્વારા દિપડીના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ હતુ. સાતથી આઠ વર્ષની ઉંમરની આ દિપડીના પેટમાંથી પાડાના વાળ જોવા મળ્યાં હતા. બે દિપડાઓ વચ્ચે શિકાર કરવા માટે ઇનફાઇટ થતા દિપડી મોતને ઘાટ ઉતરી હોય તેવુ પ્રાથમિક અનુમાન વનવિભાગે જણાવ્યુ હતુ. ગ્રામજનોએ પણ રાત્રીના બે દિપડાઓ વચ્ચે ઇનફાઇટ થઇ હોય અને ત્રાડો સાંભળી હોવાનુ જણાવ્યુ હતુ.

સિંહણનાં બચ્ચાને બિલાડીનાં બચ્ચા તરીકે ખપાવનારને તાત્કાલિક બરતરફ કરો.

સિંહણનાં બચ્ચાને બિલાડીનાં બચ્ચા તરીકે ખપાવનારને તાત્કાલિક બરતરફ કરો

Bhaskar News, Amreli | Jan 29, 2014, 01:37AM IST
- લાલપુરની સીમમાં બનેલા બનાવની શંકા-કુશંકા : મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

વિસાવદર તાલુકાનાં લાલપુરની સીમમાં નિવૃત આરએફઓનાં ખેતરમાં સિંહબાળનાં પીએમમાં જંગલી બીલાડીનાં બચ્ચા બતાવ્યાનાં શંકા-કુશંકાવાળા બનાવને પગલે પંથકનાં ખેડૂત અગ્રણી સહિ‌તમાં ભારે રોષ પ્રસર્યો છે. જેમાં એક અગ્રણીએ તો આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંહણનાં બચ્ચાને બીલાડીનાં બચ્ચા તરીકે ખપાવનારા તાત્કાલિક અસરથી બરતરફ કરવા માંગ કરી છે.

વિસાવદરમાં યાર્ડનાં ડિરેકટર અને ખેડૂત આગેવાન ભીખુભાઇ રીબડીયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, લાલપુરની સીમમાં આરએફઓ દવેની વાડીમાં સિંહબાળ મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને વન વિભાગમાં વર્ષોથી નોકરી કરનારા આ નિવૃત અધિકારીએ પણ સિંહબાળ જ મૃત હાલતમાં છે તેવી ખરાઇ કરી વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ડીસીએફ રમેશને જાણ કરતા તેઓએ સ્થળ પર આવી સિંહબાળ હોવાનું જણાવી પીએમ માટે ધારી મોકલવાનું જણાવ્યું હતું. જો કે ધારીનાં વેટરનરી તબીબે તપાસ કરી આ સિંહબાળ નથી અને જંગલી બીલાડીનાં બચ્ચા હોવાનું જણાવ્યું છે.

લાલપુરથી ધારી સુધીમાં સિંહબાળમાંથી બીલાડીનાં બચ્ચા કેમ થઇ ગયા તે તપાસનો વિષય છે અને સિંહનાં મૃતબચ્ચાઓને બદલે જંગલી બીલાડીનાં મૃતબચ્ચાને રાખી દઇ ગંભીર ગુનો આચરવાનો આક્ષેપ કર્યો છે. રીબડીયાએ વધુમાં એ જણાવ્યું છે કે, આરએફઓ ગોઢાણીયા સિંહનાં જન્મથી મરણ સુધીની તમામ વિગતોથી વાકેફ હોય છે પરંતુ અહીં સિંહનાં કે બીલાડીનાં બચ્ચાનો ખ્યાલ ન હોય તે માનવામાં આવતુ નથી.નોંધનીય એ છે કે, વનવિભાગનાં સૂત્રો જંગલી બિલાડીનાં બચ્ચા હોવાનું અને તેનું પીએમ ધારી વેટરનરી તબીબ પાસે કરાવ્યું હોવાનું સ્પષ્ટતા કરી રહ્યાં છે. જ્યારે કથીત ઘટના અંગે સ્થાનિક કક્ષાએ અલગ અલગ આક્ષેપો થઈ રહ્યાં છે.

વન વિભાગનું બધુ ભીનું સંકેલાય છે
લાલપુર ગામનાં માજી સરપંચ ખીમજીભાઇ ભડકે જણાવ્યુ હતુ કે, બીલાડીના બચ્ચા હતા તો તેને ખાય કેમ ન ગયા તેમજ આવા બનાવો જંગલની અંદર અવાર-નવાર બને છે પણ અધિકારીઓ પોતાની નોકરી બચાવવા આવી હકીકતો છુપાવે છે.

http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-cube-is-cat-cube-issue-4505611-NOR.html

ખાંભાનાં ડેડાણમાંથી દસ ફુટ લાંબો અજગર ચઢી આવ્યો.

ખાંભાનાં ડેડાણમાંથી દસ ફુટ લાંબો અજગર ચઢી આવ્યો
Bhaskar News, Amreli | Jan 25, 2014, 00:29AM IST
-વનમિત્ર તેમજ વનવિભાગના સ્ટાફે અજગર સલામત રીતે પકડી જંગલમા મુકત કર્યો

ખાંભા તાલુકાના ડેડાણ ગામે માલકનેશ રોડ મઢી વિસ્તારમાં આવેલ એક વાડીમાં દસ ફુટ લાંબો અજગર ચડી આવ્યો હતો. આ અંગે વાડી માલિકને જાણ થતા તેઓએ તુરત વનમિત્રને જાણ કરતા વનમિત્ર સહિ‌ત વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને આ મહાકાય અજગરને પકડી જંગલમા મુકત કરી દીધો હતો.

ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વાડી ખેતરોમાં અજગર ચડી આવવાની ઘટનાઓ વધી રહી છે. અહીના ડેડાણ ગામે માલકનેશ રોડ પર આવેલ ચેતનભાઇ જાનીની વાડીમાં દસ ફુટ લાંબો અજગર જોવા મળતા તેમણે તુરત વનમિત્ર સાહિ‌દખાન પઠાણને જાણ કરતા તેઓ અહી દોડી આવ્યા હતા. બાદમાં ફોરેસ્ટર બી.બી.વાળા, મુકેશભાઇ પલાસ, મયુરભાઇ પરમાર સહિ‌ત પણ અહી દોડી આવ્યા હતા. બાદમાં આ મહાકાય અજગરને સલામત રીતે પકડી પાડવામા આવ્યો હતો. દસ ફુટ લાંબા અજગરે વાડીમા દેખાદેતા મજુરોમાં થોડીવાર માટે ફફડાટ વ્યાપી ઉઠયો હતો. બાદમાં આ અજગરને જંગલ વિસ્તારમાં મુકત કરી દેવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા, સાવરકુંડલા પંથકમાં પણ અવારનવાર મહાકાય અજગરો વાડી ખેતરોમાં ચડી આવે છે.

વનવિભાગે રેલવે વિરુધ્ધ રાજુલા કોર્ટમાં કેસ દાખલ કર્યો.


Bhaskar News, Rajkot | Jan 25, 2014, 03:55AM IST

- માલગાડીના ડ્રાઇવર સહિ‌ત અધિકારીઓના નિવેદનો લેવાયા
- ભેરાઇમાં ટ્રેન અડફેટે બે સિંહણનાં મોત પ્રકરણમાં

ભેરાઇ ગામ નજીક ખાનગી રેલવે ટ્રેક પર બે દિવસ પહેલા સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જઇ રહેલી માલગાડી હડફેટે આવી જતા બે સિંહણ મોતને ભેટી હતી. આ ઘટનાથી સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરી હતી. ત્યારે વનવિભાગે જવાબદારો સામે પગલા લેવા કમર કસી છે. વનવિભાગે માલગાડીના ડ્રાઇવર સહિ‌ત અધિકારીઓના નિવેદનો નોંધ્યા છે. અને વન્યપ્રાણી પ્રોટેકશન ૧૯૭૨ એકટ હેઠળ કલમ લગાવી રેલવે વિરૂધ્ધ કોર્ટમા કેસ દાખલ કરવામા આવ્યો છે.

શીડયુલ વનમાં આવતા સાવજોને વિશેષ સુરક્ષા પ્રદાન થયેલી છે. જંગલમાંથી પસાર થતી ટ્રેનો માટે ગતિ મર્યાદા પણ લગાડવામા આવી છે. તેમ છતા ભેરાઇ નજીક બે દિવસ પહેલા સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડી હડફેટે બે સિંહણો આવી જતા મોતને ભેટી હતી. આ ઘટનાથી વનવિભાગ પણ થોડીવાર માટે અવઢવમા પડી ગયો હતો. જો કે બાદમાં ટ્રેનના ડ્રાઇવર સહિ‌ત અધિકારીઓના નિવેદનો લઇ તપાસ હાથ ધરવામા આવી હતી.

વનવિભાગ દ્વારા ટ્રેનના ડ્રાઇવર રમેશ તુલશી કોલાદરા તેમજ આસિસ્ટન્ટ વિનયશંકર ઉમેદશી ઉપરાંત રેલવે અધિક્ષક જયંતીભાઇ મારૂ અને ગાર્ડ દિનેશભાઇ વાઢેરના નિવેદનો લેવામા આવ્યા હતા. આરએફઓ રાજપુતે જણાવ્યુ હતુ કે આ રેલવે ટ્રેક ખાનગી હોય તે બાબતમાં પણ તપાસ શરૂ કરી છે. હાલ કોર્ટમા કેસ દાખલ કરવામા આવ્યો છે બાદમાં કોર્ટના હુકમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

કઇ કલમ હેઠળ ગુનો દાખલ

વનવિભાગ દ્વારા રેલવે વિરૂધ્ધ વન્યપ્રાણી પ્રોટેકશન ૧૯૭૨ એકટ મુજબ રાજુલા કોર્ટમા કેસ દાખલ કરી દેવામા આવ્યો છે. જેમાં કલમ ૨(૧૬) ૯, પ૧ મુજબ ગુના હેઠળ કેસ દાખલ કરવામા આવ્યો છે. જેમાં ૨(૧૬) જે તે વિસ્તારમાં ઘટના બની હોય તે ૯ જેમાં શિડયુલ વન હેઠળ આવતા પ્રાણીઓનો કોઇપણ રીતે શિકાર થયો હોય ઉપરાંત પ૧ જેમાં દંડની જોગવાઇ છે.

http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-forest-department-file-case-agaisnt-railway-department-4502727-NOR.html

Friday, January 24, 2014

સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય.

સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય
divyabhaskar.com | Jan 24, 2014, 08:59AM IST

શક્તિપુંજ સમ દેહ ભયો, ભયો શૌર્ય માર્તંડ,
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી,ભયી તવ ત્રાડ પ્રચંડ,
રક્ષક તું રેવતા ચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન,
સ્મરતા શૌર્ય નિપજે, જેહી ઉપજાવે સ્વમાન,
જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા,
નિશિત દંત ,નખ,ત્રાડ હી શસ્ત્રા ,
કરભીર ગિર અદ્રીએ શોભે,
તુજ દર્શનથી ત્રિલોક થોભે.
માલગાડી સાથે અકસ્માતમાં બે સિંહણ અને ગર્ભમાં રહેલા ત્રણ બચ્ચાંઓના મોત બાદ ફરીએકવાર ગીરનો સાવજ ચર્ચામાં છે. આ દુહાઓ સાવજચાલીસાના છે. ગીરમાં જઇ સિંહને જોઇ ઓડકાર ખાઇ પાછા આવી જનારા આપણે બધા સાવજને કેટલો ઓળખીએ છીએ? આજે તમને સાવજ સાથે રૂબરૂ મળ્યાનો અહેસાસ કરાવવો છે. જાણે તમે સામે બેસેલા છો અને ગીરનો રાજા પોતાની વાત માંડી રહ્યો છે.
ગુજરાતને ગૌરવ અપાવતા ગીરના સિંહની વાત ખુદ તેના જ શબ્દોમાં....લ્હાવો છે આ.....તેની વાતો વાંચી (જાણે સાંભળી) તમારે નક્કી કરવાનું છે કે આ સાવજોને સાચવવા કે નહીં?
ગીરના જંગલો, સાવજો માટે જેમનું નામ અને અવાજ જરાય અજાણ્યો નથી, જેમના હાથ પ્રેમથી પોતાના માથે ફરે તે માટે ખુદ જંગલનો રાજા તેમની પાસે સાવ બાળુડો બની બેસી જાય છે અને આજના જમાનામાં જ્યારે બાપનું પણ બારમું કરતા નથી ત્યારે સિંહનું બારમું કરનાર રમેશભાઇ રાવળ સિંહોને નખશીખ ઓળખે છે...તેમણે દિવ્યભાસ્કરડોટકોમ સાથે ગીરના સિંહો વિશે કરેલી વાતોના આધારે સિંહોની વાત, તેમના જ શબ્દોમાં લખવાનું શક્ય બન્યું છે .
સુનો, સુનો ગુજરાત, ગીરનો રાજા માંડે છે પોતાની વાત: ઉંમર વધતાં વાળ વધુ કાળા થાય
આવો બેસો ત્યારે, આવો મોકો નહીં મળે
મારૂં નામ આમ તો સિંહ પણ દુનિયા મને વનના રાજા તરીકે ઓળખે છે. મારી ત્રાડ સાંભળી વાતાવરણ ગુંજી ઉઠે છે. મારા વિશે અનેક કહેવતો આવી છે. લોકો બડાઇ મારવા કહેતા હોય છે કે સિંહોના ટોળાં થોડા હોય. ગુજરાતનું ગીર મારૂં વતન છે. બધે એક નાદ ચાલી રહ્યો છે કે સિંહોને બચાવો, બચાવો. હા, ભૈ, તમારી વાત સાવ સાચી છે. જો મને બચાવો તો ગૌરવ શેનું લેશો? મને તો આખેઆખો ખસેડીને બીજા રાજ્યમાં મુકી આવવાની પણ વાતો ચાલે છે. હું ભલે જંગલનો રાજા પણ દેશનો કાયદો હવે નક્કી કરશે કે મારે ગીરમાં જ રહેવાનું છે કે પછી આ મારો મલક મારા પગલાં અને ત્રાડ વગર સાવ સુનો થઇ જશે.
તમે તો વાંચ્યું જ હશે કે બે સિંહણોના ટ્રેન નીચે કપાઇને મોત થયાં. એ બે અને તેમનાં પેટમાં રહેલાં બીજા ત્રણ. પાંચને ઓછા કરી નાખ્યા. એમાં ભાઇ, પેલા માલગાડીવાળાનો પણ શું વાંક? એક તો એ ઘટના બની એ વિસ્તાર ગીરની બહારનો જ ગણાય. એ બે સિંહણો તો અમસ્તાં જ ફરતાં-ફરતાં બહાર નીકળી ગઇ હતી. એક તો અમને ગીચ ઝાડીઓમાં અને વળાંકોમાં રહેવાની આદત. અમે ડરીએ જરાય નહીં.
અમે સિંહ છીએ, સાવજ છીએ, અમારેય જીવ છે.
અમારી દિનચર્યા
તમને એમ થાય કે આ મારા દીકરા સાવજો આખો દિવસ કરતા શું હશે? અમે જ્યાં રહીએ છીએ ત્યાં લોકો કેવી રીતે રહતા હશે? મારે તમને કહેવું છે કે અમે યારોના યાર છીએ. અમારે પણ સંવેદનાઓ છે. અમે આખો દિવસ બહુ રખડતા નથી પણ દિવસે તો જાણે અમારે રાત હોય છે. અમે મૂળ નિશાચર છીએ. સૂરજદાદા હળવે-હળવે પોતાની લીલા સંકેલે અને ચંદામામાની સાક્ષીએ અમારી લીલી શરૂ થાય. માણસ ઘર ભેગો થાય અને અમે નીકળી પડીએ જંગલો ખૂંદવા. આખી રાત ફરીએ. પેટનું કરીએ. સવાર પડતાં જ અમે એવી જગ્યા શોધી લઇએ જ્યાં આખો દિવસ આરામ મળે. જ્યાં છાંયડો હોય, પાણી હોય અને કોઇ બીજી હેરાનગતિ ના હોય.
અમે તો પ્રેમના ભૂખ્યા છીએ
લોકોને એમ લાગે છે કે અમે જનાવર છીએ પણ કહી દઉં કે અમને પણ માણસ ઓળખતાં આવડે છે. જેમની સાથે વિશ્વાસ બંધાય, મન મળે તેમને માટે યારોના યાર છીએ. એ ના ભૂલો કે અમે રાજા છીએ, રૈયતને રંજાડીએ નહીં. અમને માણસખાઉં માનવાની ભૂલ કરશો નહીં. કોઇને કહેતા નહીં પણ અમને પણ માણસથી બીક તો લાગે. અમે માનવીથી ડરીએ અને માનવી અમારાથી. જે માણસ અમારાથી ડરે તેના શ્વાસોશ્વાસમાંથી એક અજીબ પ્રકારની ગંધ છૂટે અને અમે તેને ઓળખી જઇએ અને તે વ્યક્તિને વધુ ડરાવીએ. અમારા વર્તન વિશે પૂછવું હોય તો નેસમાં વસતા માલધારીઓને આવીને પૂછી જાઓ.
અમે માણસોની સંવેદના, તેમનો અવાજ પણ અમે ઓળખીએ છીએ.

સાંખે તો સાવજ શેના?
તમારા ઘરમાં કે ગામમાં આવીને કોઇ તમને રંજાડે તો તમે શું કરો? બસ, અમે પણ ઘણીવાર એજ કરીએ છીએ. જંગલ અમારૂં ઘર છે. વિકાસના નામે અમારા ઘરોને કોઇ ભાંગીને ભુક્કો કરી નાખે એ સાંખી લઇએ તો સાવજ શેના? હવે તો દુનિયામાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સાવજ બચ્યા છે. અમને માનવીઓ પણ પ્રેમ તો બહુ કરે છે પણ  અમૂક હોય ને? સાવજનો શિકાર કરી દુનિયા આગળ ડંફાશ મારવાના શોખીન....
અમારો ઉનાળૉ
ઉનાળૉ આવે એટલે બાપ રે બાપ. અમારા આશ્રયસ્થાનો, ખોરાક મારણ કરવાનો સમય, અવરજવરનો સમય, વગેરેમાં મોટો ફરક પડી જાય છે. ઊનાળાના દિવસોમાં ખરી ગયેલાં સૂકાંભઠ્ઠ વૃક્ષો નજરે ચઢે પણ અમે નજરે ના આવીએ. માનવીમાં જેમ મોસમ બદલતાં રોજીંદું ટાઇમ ટેબલ બદલી જાય એમ અમારૂં પણ ટાઇમ ટેબલ બદલી જાય છે.

શિયાળામાં સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધીમાં તે જંગલમાં પાછા આવી જ જઇએ પણ ઉનાળામાં પરત જવાનો સમય વ્હેલો થઇ જાય છે. ઉનાળાની રાત્રે માલ-ઢોર કે બીજા પશુઓનું મારણ કર્યા બાદ તે મોડામાં મોડો ૯ વાગ્યા સુધીમાં તો જંગલનો માર્ગ પકડી જ લે. ઉનાળામાં પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. વળી જંગલમાં પાણીનાં સ્ત્રોત ઘટ્યાં હોય છે. આથી જ્યાં નદી-નાળાં કે વોંકળા જોવા મળે તેની આસપાસની વનરાજીને અમે પોતાનું ‘ઘર’ બનાવીએ છીએ.

એક ગધીયો અને બીજો વેલર

મારે તમને કેટલીક માહિતી આપવી છે કે ગીરમાં બે જાતના સિંહ છે. એક ગધીયો અને બીજો વેલર. બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત. જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે જો ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે. ( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે.તેઓ અમારા એટલે કે ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.) વેલર વધુ લાંબો હોય છે.એના કાન લાંબા હોય છે.ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે.

અમારા વિશે ઘણી ગેરમાન્યતાઓ લોક્માન્યતાઓ

અમારા વિષેની ઘણી ગેરમાન્યતાઓ –લોક્માન્યતાઓ છે. જેમ કે અમારે રોજેરોજ મારણ જોઇએ. એ રૂઢ માન્યતા ખોટી છે. અમને બે-ત્રણ દિવસે એકવાર ખોરાક જોઇએ. એક ભેંસ હોય તો ત્રણ દિવસ ચાલે.  સાંભલી લો કે અમે ભૂખ્યા હોઇએ કે ના હોઇએ પણ માણસને ભાગ્યે જ મારીએ. મારે વાઘ કે દીપડાઓ અને ગુનો મારે નામે ચડી જાય. મારી શરેરાશ ઉંમર પંદરથી વીસ વર્ષની. સિંહણ સાડાત્રણ ચાર વર્ષની વયે માતૃત્વ ધારણ કરવા સક્ષમ બને અને ક્ષમતા પ્રમાણે બેથી માંડીને ચાર સુધી વેતર કરે (ગર્ભાધાન કરે) એ એક સાથે ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે છે.
 
ઉંમર સાથે વાળ ધોળા પણ કાળા

તમને નવાઇ લાગે એવી વાત છે કે અમારી જેમ ઉંમર થાય એમ વાળ ધોળા નહિં, પણ કાળા થાય છે. કોઇ જાણકાર હોય તો અમારી હુંકની(મોંમાંથી નીકળતા અવાજની) ફ્રિક્વન્સી પરથી કહી શકે છે અમારી ઉંમર કેટલી છે? પંદર વર્ષનો સિંહ હોય તો એનીહુંક એકત્રીસ-બત્રીસ જેટલી થાય.

વાઘની બોડ હોય, દીપડાની ,જરખની અરે શિયાળીયાની પણ ગૂફા હોય, પણ અમારે ગૂફા નથી હોતી. અમારૂં રહેઠાણ કરમદાના ઢૂવામાં હોય. અમને નદીનો કિનારો પસંદ છે. ઠંડક હોય, ઉપર વૃક્ષની છાયા હોય અને નીચે રેતી હોય. અમને જોવા હોય તો ત્તમ સમય એપ્રિલ-મેનો છે. ચોમાસામાં બિલકુલ ના આવતા. ચોમાસામાં અમે રસ્તા ઉપર આવી જવાનું વલણ ધરાવીએ છીએ. કારણ કે જંગલમાં અમને પણ મચ્છરો બહુ સતાવે છે.
અમારૂં મોત
અમને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મરે. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ લાગુ પડે.વાયરસને કારણે ઘણા અમારા ભાઇબંધુઓ 1993માં મરી ગયા. ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ અમારી વસ્તી ઘટતી ચાલી છે, ભલું થજો કે 20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને  1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.

અમે અને રમેશભાઇ
મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રમેશચંદ્ર ભાનુશંકર રાવળ 1972માં જ્યારે ત્રેવીસ વર્ષના હતા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે એકવાર શિવરાત્રીમાં જૂનાગઢ આવ્યા.  સતાધાર અને પછી તુલસીશ્યામ  પહોંચ્યા,એ વખતે ગીરના જંગલમાં વાયા કનકાઇ-બાણેજ એક બસ ચાલતી. બાણેજ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઇ. બસમાંથી ઉતરીને જરા પગ છૂટા કરતા હતા ત્યાં અચાનક જ સામે નજર પડી. સામે થોડા ફૂટ છેટે જ એક મોટી કેશવાળીવાળો ડાલામથ્થો આંખો ચળકાવતો અને ધીમો ધીમો ઘુરકાટ કરતો ઉભો હતો. રમેશ રાવળના હાંજા ગગડી ગયા. પણ કોણ જાણે કેમ એ ત્યાંથી ખસી ના શક્યા. બે-ચાર મિનિટ એની સામે નજર મેળવીને ઉભા રહી ગયા. ભય ધીરે ધીરે ઓસરતો ગયો, જાણે કે  ઓટના કિનારાથી દૂર થતાં જતાં નીર ! સિંહ પણ ત્યાંથી ના હટ્યો. ઘૂરકાટ શમી ગયો. બેપગા અને ચોપગા  વચ્ચે કોઇ અજબ તારામૈત્રક રચાયું.પરસ્પરની આંખોમાંથી પરસ્પર પ્રત્યેના ડરનો લોપ થયો.( રમેશભાઇની સામે હું જ ઉભો હતો)

કોણ છે સિંહોના સખા રમેશભાઇ?
થોડા વર્ષ પહેલા કુલ ચાલીસ દોહાનું બનેલું સિંહચાલીસા આમ તો સુરેન્દ્રનગરના ડૉ.નરેન્દ્ર રાવલ દ્વારા રચવામાં આવ્યું છે.  પણ આ ચાલીસા લખાવવા પાછળ સિંહોને પ્રાણ કરતાં પણ વધુ પ્રેમ કરતા રમેશ રાવળ જવાબદાર છે.  1980થી 1991 દરમ્યાન દોઢ લાખ કિલોમીટર ગીરમાં ને ગીરમાં જ ખેડી નાખ્યા. 1991-92માં પત્ની અને બે પુત્રો સાથે ગીરની પરકમ્મા કરવા નીકળ્યા તે કેવળ પર્યટન ખાતર નહિં,પણ સંશોધન ખાતર. 1880 થી 1990 ના એકસોદસ વર્ષો દરમ્યાન ગીરમાં કેટલા સિંહો હતા,એમની વિશિષ્ટતાઓ, ખાસીયતો,વર્તણુંકો,એમની દિનચર્યાઓ, એમની ઋતુચર્યાઓ જેવી વિગતો અનેક દસ્તાવેજો,જાણકારોની રૂબરૂ મૂલાકાતો,અને બીજા સ્રોતોમાંથી મેળવી અને તેનું એક નાનકડું પુસ્તક સિંહ જીવનદર્શન ગાંઠના ખર્ચે 1992માં પ્રગટ કર્યું. કારણકે કોઇ ધંધાદારી પ્રકાશક તો હાથ ઝાલે નહિં. જો કે પુસ્તક પ્રકાશિત થયા પછી એમની કદર થઇ.
લોકો  એ જોઇને દંગ થઇ ગયા કે એમની નજર સામે જ રમેશ રાવળે સિંહને બોલાવવાના  ખાસ અવાજો કાઢીને અગ્યાર જેટલા સિંહોને એકત્ર કરી બતાવ્યા અને તેમને લાકડીથી હાંકી બતાવ્યા. હા, રમેશ રાવળ સિંહોની અલગ અલગ ભાવો, જરૂરત અને  વૃત્તિઓની અભિવ્યક્તિના અવાજો કાઢી શકે છે, એમના રૂદનનો પણ! આ વસ્તુ એમને એમની સાથેની વિશ્વસનિયતા પેદા કરી આપવામાં કામ આવી છે .
પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે.જે પૂરો રમેશ રાવળે પગ તળે કાઢી નાખ્યો છે.20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને  1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.જેની અંતર્ગત જ માનદ વાઇલ્ડ લાઇફ વૉર્ડન તરીકેનું વેતન વગરનો પણ માનભર્યો દરજ્જો રમેશ રાવળ પામ્યા. પોતે જેમને પોતાની ચેતનાનો એક અવિભાજ્ય અંશ માને છે  તેવા સિંહોની હત્યાના બનાવોથી રમેશ રાવળનો આત્મા કકળી ઉઠે છે. સિંહજાત સાથે આત્મસંબંધથી જોડાયેલા રમેશ રાવળે સિંહોની હત્યા તેમ જ કુદરતી રીતે મૃત્યુ પામેલા સિંહોના મોક્ષાર્થે તથા લુપ્ત થતા ડાલામથ્થા  વનરાજ સિંહોને બચાવવા લોક જાગૃતિના ભાગ રૂપે  નજીકના ગુપ્તપ્રયાગમાં 2007 ના સપ્ટેમ્બરની 10 મી એ ગૃહશાંતિ યજ્ઞનું આયોજન કર્યું અને 51111 યત્રિકોને જમાડ્યા ! સિંહજાતીના જ પરભવના પિતરાઇ હોય એવા રમેશ રાવળે પોતાના નિવાસનું નામ પણ સિંહદર્શન રાખ્યું છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-first-person-story-of-asiatic-lion-in-his-own-words-ramesh-rawal-gir-forest-4501090-PHO.html

સિંહ મોતની ઘટનાની તપાસમાં વનતંત્ર સુસ્ત.

સિંહ મોતની ઘટનાની તપાસમાં વનતંત્ર સુસ્ત
Bhaskar News, Amreli | Jan 24, 2014, 01:02AM IST
- સમગ્ર દેશને જેના પર ગર્વ છે એવા એશિયાટીક લાયનની માવજતમાં વનતંત્રનું રગશીયા ગાડા જેવું કામ
-
સીધા પગલા લેવાને બદલે મામલો કોર્ટમાં લઇ જવાશે : રેલવે સાથે કેમ કામ પાડવું :અધિકારીઓ અજાણ

અમરેલી જીલ્લો સાવજનું ઘર છે અને આ જીલ્લાની પ્રજાને સાવજ પર ગર્વ છે. સાવજ થકી ગમે તેવું નુકશાન થાય તો પણ તે સહન કરી અહિંની પ્રજા તેનું સંરક્ષણ કરી રહી છે. પરંતુ રાજુલા નજીક માલગાડી હડફેટે ચડી જતા બે સિંહણના મોતની ઘટના બાદ જવાબદારો સામે પગલા લેવામાં વનતંત્ર સુસ્ત નઝરે પડી રહ્યુ છે. બલ્કે રેલવે સાથે કેમ કામ પાડવુ તે અંગે અધિકારીઓ પણ અવઢવમાં હોય હવે આ મામલો કોર્ટમાં લઇ જવામાં આવશે અને કોર્ટના નિર્ણય બાદ કોની જવાબદારી તે નક્કી થશે તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું. સમગ્ર દેશને જેના પર ગૌરવ છે તે એશીયાટીક લાયનની રક્ષા માટે અમરેલી જીલ્લામાં સિંહપ્રેમીઓ સંપૂર્ણપણે કટીબધ્ધ છે. પરંતુ વહીવટીતંત્ર આ મામલે રગશીયા ગાડાની જેમ કામ કરતુ નઝરે પડી રહ્યુ છે.

સાવજોના કમોતના મામલાને જાણે બીલકુલ ગંભીરતાથી ન લેવાતો હોય તેવું ચિત્ર આજે સ્પષ્ટ થયુ હતું. રાજુલા-ભેરાઇ રેલવે ટ્રેક પર ગઇકાલે વહેલી સવારે સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જઇ રહેલી એક માલગાડીએ બે સિંહણને કચડી નાખી હતી. એક સિંહણના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મોતને ભેટયા હતાં.

શેડયુલ વન નીચે આવતા સાવજને વિશેષ સુરક્ષા પ્રદાન થયેલી છે. ગીર જંગલમાંથી પસાર થતી માલગાડીઓ માટે આ જ કારણે ગતીમર્યાદા પણ લગાડવામાં આવી છે. પરંતુ ગીરકાંઠાના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર અને રસ્તાઓ પર સાવજોની અવર જવર રહે છે. આમ છતાં અહિં વાહનો પર કોઇ ગતી મર્યાદા લાદવા વિશે તંત્ર દ્વારા વિચારણા પણ કરવામાં આવી નથી. વનતંત્રએ ઘોર બેદરકારી દાખવી આ મુદે ક્યારેય રેલવે કે અન્ય જવાબદાર તંત્ર સાથે જરૂરી ચર્ચા વિચારણા કે અન્ય કાર્યવાહી પણ કરી નથી.

ભેરાઇના મોતની ઘટના અંગે વન વિભાગ દ્વારા એફઓઆર તો નોંધવામાં આવેલ છે. પરંતુ આરોપી તરીકે કોઇના નામ લખવામાં આવેલ નથી. વન વિસ્તરણ વિભાગના ડીએફઓ મકવાણાએ જણાવ્યુ હતું કે આ અંગે જરૂરી તપાસ કરી કોર્ટને અહેવાલ મોકલી દેવામાં આવશે અને બાદમાં કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આમ વનતંત્ર પણ પોતાના ગળામાંથી ગાળીયો કાઢી રહ્યુ છે. દેશભરને ગૌરવ અપાવનાર ગીરના સાવજોની રક્ષા માટે નક્કર પગલાની આવશ્યકતા છે.ઉલ્લેખનીય એ છેકે, આ ઘટના અગાઉ પણ અનેક સિંહો અકસ્માતનો શિકાર બન્યા છે.
ડ્રાઇવરનું નિવેદન લેવાશે-ડીએફઓ મકવાણા
અમરેલી વન વિસ્તરણના ડીએફઓ મકવાણાએ જણાવ્યુ હતું કે ભેરાઇ નજીક બનેલી ઘટના અંગેની તપાસ રાજુલાના આરએફઓ ચલાવી રહ્યા છે. બન્ને સિંહણ કઇ રીતે ટ્રેઇન હડફેટે ચડી ગઇ અને ખરેખર ઘટના શું બની હતી તે અંગે ડ્રાઇવરનું નિવેદન લેવાશે. અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા થશે કાર્યવાહી
ડીએફઓ મકવાણાએ જણાવ્યુ હતું કે આવી ઘટના રસ્તાઓ પર પણ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા જરૂરી છે. ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જતા હોય વનતંત્ર દ્વારા માર્ગ અને મકાન વિભાગને સિંહોની અવર જવરવાળા રસ્તાઓ પર સ્પીડબ્રેકર મુકવા લેખીત જાણ કરાઇ છે.

ગીરમાં માત્ર વીસ કિ.મી.ની ગતિમર્યાદા-ડીએફઓ શર્મા
ધારી ગીરપૂર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે ગીર સેન્ચ્યુરીમાં ટ્રેઇન દાખલ થાય તે સાથે જ તેને ગતિમર્યાદા લાગુ પડે છે અને માત્ર વીસ કીમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેઇન ચલાવવાની મર્યાદા લદાયેલી છે. રેવન્યુ વિભાગમાં આવી સ્પીડ મર્યાદા નક્કી કરવા માટે રેલવે સાથે સંકલન થાય અને લાંબી પ્રક્રિયા બાદ તે શક્ય બની શકે છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-forest-department-lazy-about-lion-death-4501534-PHO.html

ટ્રેનની અડફેડે બે સિંહણના મોત, સિંહ પ્રેમીઓમાં અરેરાટી.

ટ્રેનની અડફેડે બે સિંહણના મોત, સિંહ પ્રેમીઓમાં અરેરાટી

ટ્રેનની અડફેડે બે સિંહણના મોત, સિંહ પ્રેમીઓમાં અરેરાટી
Bhaskar News, Amreli | Jan 23, 2014, 03:27AM IST
- સાવજોની રક્ષા માટે પગલાં લો
- ભેરાઇમાં બે સિંહણના મોતની ઘટના બાદ ઠેર ઠેરથી ઉઠેલી માંગ
- માર્ગ અને રેલ અકસ્માતોની ઘટના નિવારવા નવી માર્ગદર્શીકા ઘડવા માંગ

-રાજુલા નજીક માલગાડીની અડફેટે બે સિંહણનાં મોત નીપજ્યાં
- સિંહોનું ટોળું પસાર થઈ રહ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી ટ્રેને ભોગ લીધો

રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક આજે સવારના છએક વાગ્યાના સુમારે સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જઇ રહેલી માલગાડી અડફેટે આવી જતા બે સિંહણોના ઘટના સ્થળે મોત નિપજતા સિંહપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ઊઠી હતી. બનાવ બનતા અમરેલી અને ધારીથી વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં સાવજોનું મોટું ગ્રુપ વસે છે અને સાવજોનું ટોળું રેલવેટ્રેક ક્રોસ કરી રહ્યુ હતું ત્યારે આ ઘટના બની હતી. દરમિયાન એક મૃતક સિંહણ ગર્ભવતી હોય તેના પેટમા ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા હતા.

માલગાડી હડફેટે બે સિંહણના મોતની આ ઘટના રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક સવારના છએક વાગ્યાના સુમારે બની હતી. અહી એક સિંહનુ ટોળુ પસાર થઇ રહ્યું હતુ ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જઇ રહેલી માલગાડી હડફેટે બે સિંહણ આવી જતા તેના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. આ અંગે રાજુલા સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇને જાણ થતા તેઓએ આરએફઓ રાજપુતને જાણ કરી હતી.

બાદમાં અહી અમરેલીથી ડીએફઓ જે.કે.મકવાણા, ધારીથી ડીએફઓ અંશુમન શર્મા સહિ‌ત વનવિભાગનો સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં બંને સિંહણોના મૃતદેહનુ ડો. વામજા દ્વારા ધારેશ્વર ડેમ સાઇટ ખાતે પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ હતુ. બંને સિંહણોના મૃતદેહને પીએમ બાદ અગ્નિદાહ આપવામા આવ્યો હતો. આ ઘટનાથી હાલ સિંહપ્રેમીઓમાં દુખની લાગણી ફેલાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં હાલમાં અનેક સિંહ પરિવારો વસવાટ કરે છે. ત્યારે વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારવામા આવે તે જરૂરી બન્યું છે.
અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જીલ્લો છે અને સાવજોની વસતી વધતા ગીર જંગલ ટુંકુ પડવાથી જંગલ બહાર નિકળી ગયેલા સાવજો સૌથી વધુ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અને અવાર નવાર વાહન કે ટ્રેઇન હડફેટે સાવજ સહિ‌તના વન્ય પ્રાણીઓના મોતની ઘટના બની રહી છે ત્યારે આજે રાજુલાના ભેરાઇ નજીક બનેલી ઘટના બાદ આ પ્રકારના અકસ્માતો નિવારવા યોગ્ય પગલા લેવા સિંહ પ્રેમીઓમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. સિંહોના રહેઠાણ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેઇનો માટે નવી માર્ગદર્શીકા ઘડાઇ અને રસ્તા પરના અકસ્માતો નિવારવા સ્પીડબ્રેકર મુકવા સહિ‌તના પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોએ જીલ્લાનો લગભગ મોટાભાગનો વિસ્તાર સર કરી લીધો છે. બલ્કે જીલ્લાનો એકપણ તાલુકો એવો નથી કે જે તાલુકામાં સાવજોનો વસવાટ ન હોય કે અહિં સાવજો દેખાયા ન હોય. રેવન્યુ વિસ્તારમાં વસતા આ સાવજો માટે ભેરાઇની આજની ઘટના બાદ સુરક્ષાના વિશેષ પગલાની જરૂરીયાત ઉભી થઇ છે .રાજુલા પંથકમાં મોટી સંખ્યામાં સાવજો વસે છે અને આ વિસ્તારમાં પીપાવાવ પોર્ટના કારણે માલગાડીઓની અવર જવર પણ વધારે રહે છે. ત્યારે આજે રાજુલાના ભેરાઇ નજીક એક માલગાડી હડફેટે ચડી જતા બે સિંહણના મોત થયા હતાં. જે પૈકી એક સિંહણ તો ગર્ભવતી હતી અને તેના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મોતને ભેટયા હતાં.
અમરેલી જિલ્લામાં ભુતકાળમાં પણ અકસ્માતોમાં સિંહ-દિપડા જેવા વન્યપ્રાણીઓના મોતની અનેક ઘટના બની ચુકી છે. સાવરકુંડલા નજીક માર્ગ અકસ્માતમાં દિપડા, જરખના મોતની ઘટના તાજેતરમાં જ બની હતી. રેવન્યુ વિસ્તારના કારણે સાવજો રસ્તા પર પણ આવી જાય છે અને અડીંગો જમાવીને પણ બેસે છે. આવી જ રીતે સાવજો રેલવે ટ્રેક પર પણ ચડે છે. જેને પગલે અવાર નવાર અકસ્માતોની ઘટના થાય છે. રસ્તા પર તો સાવજોને વાહન ચાલકો દ્વારા પરેશાન કરાતા હોવાની પણ ઘટનાઓ અનેક બને છે.

હવે આજની ઘટના બાદ સિંહપ્રેમીઓમાંથી આ પ્રકારના અકસ્માતો નિવારવા વિશેષ પગલા લેવાની માંગ ઉગ્ર બની છે. ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેઇન તથા માલગાડી માટે વિશેષ માર્ગદર્શીકા ઘડાય તથા વન્ય પ્રાણીઓને લઇને થતા માર્ગ અકસ્માતોની ઘટનામાં પણ કડક કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
 
ભવિષ્યમાં દુર્ઘટના ન થાય તે માટે પગલા લેવાશે-ડીએફઓ મકવાણા

અમરેલીના વન વિસ્તરણ વિભાગના ડીએફઓ જે.કે. મકવાણાએ જણાવ્યુ હતું કે બે સિંહણોના આ રીતે મોત એ વનતંત્ર માટે પણ દુ:ખની વાત છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરી ન સર્જા‍ય તે માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે.

સિંહોની સલામતી માટે કાર્યવાહી કરો-ઉપસરપંચ
રાજુલા તાલુકાના ભેરાઇ ગામના ઉપસરપંચ શીવાભાઇ રામે આજની ઘટના અંગે જણાવ્યુ હતું કે રાજુલા તાલુકામાં સાવજોની વસતી વધતી જાય છે. આ સાવજો ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં જતા હોય છે ત્યારે આજની ઘટનામાંથી બોઘપાઠ લઇ વન વિભાગ દ્વારા સાવજોની સલામતી માટે જરૂરી તમામ કાર્યવાહી થવી જોઇએ.
 
લીલીયા પંથકમાં રસ્તાઓ પર સ્પીડ બ્રેકર મૂકો

રાજુલા તાલુકામાં જે રીતે સાવજોની વસતી વધારે છે એવી જ રીતે લીલીયા તાલુકામાં પણ સાવજોની વસતી વધારે છે. અહિંના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં તો દિવસ દરમીયાન અવાર નવાર સાવજો જાહેર રસ્તા પર આવી જાય છે. આવી જ રીતે વાઘણીયાથી ભોરીંગડા ચોકડી સુધીના માર્ગ પર પણ સાવજોની સતત અવર જવર રહે છે. લીલીયા-ગારીયાધાર માર્ગ પર લીલીયા ચોકડીથી લઇ બવાડી ચોકડી સુધીના માર્ગ પર પણ સાવજોની સતત અવર જવર રહે છે. આ ત્રણેય રસ્તા પર વન્યપ્રાણીઓના અકસ્માતો નિવારવા માટે સ્પીડબ્રેકરો મુકવામાં આવે તેવી પ્રકૃતિપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

.વિસ્તરણ વન વિભાગની ઓફિસ ખોલો-ધારાસભ્ય

રાજુલા વિસ્તારના ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકીએ જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં દિપડા-દિપડી અને સાવજોના મોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. આ વિસ્તારમાં સાવજો અને અન્ય વન્ય પ્રાણીઓની વસતી વધારે છે. ત્યારે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વિશેષ ધ્યાન દઇ શકાય તે માટે અહિં વિસ્તરણ વન વિભાગની કચેરી ખોલી વધારાના સ્ટાફની નિમણુંક થવી જોઇએ.

જવાબદારો સામે પગલા લો-વિપુલ લહેરી

રાજુલાના પ્રકૃતિપ્રેમી વિપુલભાઇ લહેરીએ જણાવ્યુ હતું કે બે સિંહણોના આ રીતે કમોતની ઘટના ભારે દુ:ખ દેનારી છે. તેમણે વન વિભાગના અધિકારીઓને એવી પણ રજુઆત કરી હતી કે આ ઘટના અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે.

ઘટનાની તપાસ શરૂ કરાઇ છે-ડીએફઓ
ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે સ્થળ નિરીક્ષણ કરી આ સિંહનુ ટોળુ કઇ દિશામાંથી આવતુ હતુ તેમજ ટ્રેનના ડ્રાઇવરનુ નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામા આવી છે. અને કસુરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવશે.

સાવજનુ ટોળુ ટ્રેક પરથી પસાર થતુ હતુ
વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વહેલી સવારે સાવજોનુ એક ટોળુ લટાર મારવા નીકળ્યુ હતુ. અને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતુ ત્યારે માલગાડી આવી ચડતા બે સિંહણ તેની ઝપટે ચડી ગઇ હતી.

સિંહણનાં ત્રણ બચ્ચાં પણ મોતને ભેટયાં

દરમિયાન મૃત્યુ પામનાર બે સિંહણ પૈકી એક સિંહણ ગર્ભવતી હતી અને તેના પેટમાં ત્રણ બચ્ચાં હતાં પરંતુ સિંહણનું મોત થતા તેના પેટમા રહેલાં ત્રણ બચ્ચાં પણ મોતને ભેટયાં હતાં.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-two-lioness-died-by-train-accident-near-rajula-4500140-PHO.html

કોડીનારનાં ઘાંટવડ પાસેથી પાંચ બંદૂક-છરા સાથે ડફેર શખ્સ ઝડપાયો.

Bhaskar News, Kodianar | Jan 24, 2014, 00:58AM IST
- પોલીસ - એસઓજીની કાર્યવાહી : કોર્ટમાંથી ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર

કોડીનાર પોલીસ અને એસઓજીએ ગતરાત્રિનાં પેટ્રોલીંગ દરમિયાન ઘાંટવડ પાસેથી ડફેર શખ્સને પાંચ દેશી જામગરી બંદુક અને છરા સહિ‌તનાં દારૂગોળા સાથે ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

ગીર-સોમનાથ એસઓજીનાં પીએસઆઇ જાડેજા, સ્ટાફનાં પરસોતમ પટેલ, નરવણસિંહ, વિજય આહિ‌ર, ગોવિંદભાઇ અને કોડીનાર પીઆઇ નાગોરી અને સ્ટાફ ગતરાત્રિનાં સંયુકત પેટ્રોલીંગમાં હતો ત્યારે ઘાંટવડ ગામનાં પેટ્રોલ પંપ પાસે ગાડીની લાઇટનાં પ્રકાશમાં એક શખ્સ છૂપાઇને બેસેલો જોવા મળતાં તેને પડકારતાં નાસવાની કોશિષ કરતાં ટીમે તેનો પીછો કરી ઝડપી લીધો હતો.

મૂળ તાલાલાનાં પાણીકોઠા ગામનો અને હાલ અરીઠીયા ગામે વાઘરીની સીમમાં રહેતા અલી ઇભ્રામ ઉર્ફે ગેબલો જુણેજા (ઉ.વ.૩પ) નામનાં આ ડફેર શખ્સ પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક અને ૧૭ છરા
મળી આવ્યા હતાં.આકરી પુછપરછમાં તેણે અરીઠીયા ગામે પોતાના મકાનનાં ઘાસચારામાં છુપાવેલી વધુ ચાર જામગરી બંદુક અને ૧૦૦ ગ્રામ દારૂગોળો પણ કાઢી આપતાં તે કબજે લેવાયો હતો. કોડીનાર પોલીસે અલી ડફેરને આજે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

હત્યા કેસમાં સાડા ત્રણ વર્ષની સજા ભોગવી ચૂકયો છે

આ ડફેર શખ્સ અમરેલીમાં થયેલી દેવીપૂજકની હત્યાનાં કેસમાં સાડા ત્રણ વર્ષ જેલમાં સજા ભોગવી ચૂકયો છે. તેમજ અનેક ગામોમાં તે ફર્યો હોય અરીઠીયા ગામે કોના સંપર્કથી અને કોના આશરે આવ્યો હતો, આ હથિયારો કોની પાસેથી મેળવ્યાં હતાં એ સહિ‌તની વિગતો ઓકાવવા પોલીસે તેની ઉલટ તપાસ હાથ ધરી છે. આ શખ્સ સાથે કોઇ જાણભેદુ છે કે નહીં એ અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહયાં છે.

આવતીકાલથી વનકર્મીઓ માટે સાસણમાં યોજાશે ગિર રમતોત્સવ.

આવતીકાલથી વનકર્મીઓ માટે સાસણમાં યોજાશે ગિર રમતોત્સવ
Bhaskar News, Junagadh | Jan 23, 2014, 02:00AM IST
- બૃહદ ગિરનાં ૧૨ ડિવીઝનનાં ૪૦૦ વનકર્મીઓ ભાગ લેશે

જેવી વનરાજ લાંબું ચાલી શકે, શિકારને એકજ પંજામાં મ્હાત કરી શકે અને ભલભલા શક્તિશાળી જાનવરને ભૂ પીતા કરી શકે એવો જોમ અને જુસ્સો સાથે શારિરીક સક્ષમતા તેની સાથે રાતદિવસ કામ પાડતા અને સાવજોનાં સંવર્ધનની કામગિરી કરતા વનકર્મીઓમાં હોવી પણ જરુરી છે. આથીજ તેઓ માટેનાં રમતોત્સવનું સાસણ ગિર ખાતે આયોજન કરાયું છે. આગામી તા. ૨૪ થી ૨૬ જાન્યુ. દરમ્યાન બૃહદ ગિરનાં ૧૨ ડિવીઝનોનાં ૪૦૦ જેટલા રમતવીર વનકર્મીઓ તેમાં ભાગ લઇ પોતાનું રમત કૌશલ્ય દાખવશે.

આ અંગેની વીગતો આપતાં સાસણનાં નાયબ વનસંક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, આગામી તા. ૨૪ થી ૨૬ જાન્યુ. દરમ્યાન સાસણ ગિર ખાતે સસ્વ. શક્તિસીંહ વિસાણા મેમોરિયલ ગિર ફોરેસ્ટ સ્ટાફ વેલફેર એસોસિએશન અને વન્ય પ્રાણી વિભાગ સાસણનાં સંયુક્ત ઉપક્રમે ગિર રમતોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બૃહદ ગિરનાં ૧૨ વન્ય ડિવીઝનોનાં આશરે ૪૦૦ રમતવીરો ભાગ લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, આ રમતોત્સવનો મુખ્ય હેતુ એશિયાઇ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધનની કામગિરી કરતા વન ખાતાનાં અધિકરીઓ, કર્મચારીઓની શારિરીક ક્ષમતાનો વિકાસ થાય. અને તેને પોતાનાં રમત કૌશલ્યનું પ્રદર્શન કરવાની તક મળે અને સંઘભાવનાનું નિર્માણ થાય એવો છે.

 આ રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, બરછી ફેંક, બેડમિંન્ટન, સહિ‌તની વ્યક્તિગત અને જૂથ એમ બંને પ્રકારની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોત્સવમાં અગ્ર મુખ્યવનસંરક્ષકથી લઇને મુખ્ય વનસંરક્ષક, વનકર્મીઓ, મજદૂરો સહિ‌તનાં ભાગ લેનાર હોઇ એક ખેલભાવના અને ટીમ સ્પીરીટની ઝાંખી થાય છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન અગ્ર મુખ્ય વન સંરક્ષક સી. એન. પાંડે કરશે. આ ઉપરાંત મુખ્ય વનસંરક્ષક આર. એલ. મીના સહિ‌તનાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું આયોજન અને સંચાલન નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમાર દ્વારા કરાશે. ગત વર્ષે વન્ય પ્રાણી વર્તુળનાં ૧૭૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વખતે ૪૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

જૂનાગઢમાં ઠંડી કાશ્મીરના તાપમાને પહેંચી, 24 વર્ષનો તુટ્યો રેકોર્ડ.

જૂનાગઢમાં ઠંડી કાશ્મીરના તાપમાને પહેંચી, 24 વર્ષનો તુટ્યો રેકોર્ડ
Bhaskar News, Junagadh | Jan 23, 2014, 01:49AM IST
- ૨૪ વર્ષનો ઠંડીનો રેકોર્ડ અખંડ
- વર્ષ ૧૯૯૦-૯૧માં જાન્યુઆરી માસમાં ૨.પ ડીગ્રી ઠંડી પડી’તી

જૂનાગઢ શહેરમાં આ વર્ષનો જાન્યુઆરી માસ ઠંડો રહ્યો છે. લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. પરંતુ શહેરમાં વર્ષ ૧૯૯૦- ૯૧નાં જાન્યુઆરી માસમાં પડેલી ઠંડીનો રેકોર્ડ આજદિન સુધી તૂટયો નથી. એ વર્ષે જૂનાગઢમાં ૨.પ ડીગ્રી ઠંડી પડી હતી. બાદમાં એટલી ઠંડી જૂનાગઢમાં પડી નથી. આ ૨૪ વર્ષ જૂનો રેકોર્ડ આજદિન સુધી તૂટયો નથી.

આ વર્ષે જૂનાગઢ સહિ‌ત સમગ્ર ગુજરાતની પ્રજા ગત ડિસેમ્બર માસથી કડકડતી ઠંડીનો સામનો કરી રહી છે. અને હવે તો મકરસંક્રાંતિ ગઇ છતાં ટાઢની તીવ્રતા ઓછી થવાનું નામ લેતી નથી. અત્યારે ગાત્રો થીજી જાય એવી કાતિલ ઠંડી નથી. પણ જ્યારે ત્યારે જૂનાગઢમાં કાશ્મીર જેવી ઠંડી પણ નોંધાઇ છે. ઠંડીના વિક્રમી આંકડા તરફ જોઇએ તો અત્યારની ઠંડી ઓછી લાગે એવું છે. જૂનાગઢમાં આજ થી ૨૪ વર્ષ પહેલાં પાણી બરફ બની જાય એવી ઠંડી નોંધાઇ હતી.

વર્ષ ૧૯૯૦- ૯૧નાં જાન્યુઆરી માસમાં જૂનાગઢમાં ૨.પ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. શહેર ખરેખર તે દિવસે થીજી ગયું હતું. એમાં કોઇ અતિશયોક્તિ નથી. જ્યારે શહેરમાં ૨.પ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. ત્યારે રાજ્યનાં સૌથી ઉંચા પર્વત ગિરનાર ઉપર માઇનસ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી. ત્યાં પાણીનો રીતસરનો બરફ બની ગયો હતો. આ ૨૪ વર્ષ પહેલોં નોંધાયેલી ઠંડીનો રેકોર્ડ આજદિન સુધી તુટયો નથી. ચાલુ વર્ષે મકરસંક્રાંતિ એ વિદાઇ લીધી છતાં ઠંડીનું પ્રમાણ ઘટતું નથી. કાશ્મીરમાં સતત વરસી રહેલી હીમવર્ષાના પરિણામે શીત પ્રકોપની અસર નબળી થતી જ નથી. સતત હાડ ગાળતી ટાઢને પરિણામે જનજીવન પણ પ્રભાવિત થયુ છે.

Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા.

Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Posted On January 21, 10:00 AM
સોમવારે સાવરકુંડલા તાલુકાનાં ખોડીયાણા ગામે સરપંચની વાડીનાં પેરાપેટ વિનાના કુવામાં પડી ગયેલા સિંહને વનવિભાગે બહાર કાઢ્યો. કલાકો સુધી કુવામાં રહેલો સિંહ બરાબરનો વિફરેલો તો હતોજ. સંજોગોવશાત બહાર કાઢેલા સિંહને જે પાંજરામાં પૂરવાનો હતો તેના દરવાજામાં લાકડી ફસાઇ ગઇ.

બીજી તરફ સિંહને પહેરાવેલો ગાળિયો નીકળી ગયો. આથી મુક્ત થયેલો સિંહ બહાર આવી ગયો. પછી તો જોવા જેવી થઇ. સિંહનાં બચાવ અભિયાનને જોવા ઉમટી પડેલા સેંકડો માનવીનાં ટોળાં પર સિંહ વછૂટયો. આ જોઇ ઉપસ્થિત સહુએ મુઠ્ઠીઓ વાળી. કેટલાક ઝાડ પર ચઢી ગયા. તો કેટલાક મોટરકારમાં ભરાઇ ગયા. છૂટેલો સિંહ એમ હાથમાં આવે ખરો. એ છટકી જ ગયો.

તસ્વીરો : પૃથ્વી રાઠોડ

જૂનાગઢ ફેબ્રુઆરીમાં લાઇટ-સાઉન્ડ શો શરૂ કરવા કવાયત.

જૂનાગઢ ફેબ્રુઆરીમાં લાઇટ-સાઉન્ડ શો શરૂ કરવા કવાયત
Bhaskar News, Junagadh | Jan 21, 2014, 01:29AM IST- ઉપરકોટનાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટે રૂપિયા ૧.૪૮ કરોડનો વર્ક ઓર્ડર આપી દેવાયો

જૂનાગઢનાં વિકાસ માટે અને પ્રવાસીઓને આકર્ષવા ઉપરકોટમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવી રહ્યો છે. રૂ. ૧.પ૦ કરોડનો આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી રહે છે. આ પ્રોજેકટ માટે અમદાવાદની પાર્ટીને રૂ. ૧.૪૮ કરોડનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રોજેકટને લઇને આજે કલેકટરની અધ્યક્ષતામાં ઉપરકોટ વિકાસ સમિતીની બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેક્ટ સહિ‌તનાં મુદાની ચર્ચા કરવામાં આવી હતી.

જૂનાગઢ શહેરની આર્થિ‌ક કરોડરજ્જુ પ્રવાસન રહી છે. જૂનાગઢનાં પ્રવાસન સ્થળોનાં વિકાસ અને પ્રવાસીઓનું આકર્ષણ એ જ શહેરનાં વિકાસ માટે નવી દિશા છે. વર્ષે લાખ્ખો પ્રવાસીઓ જૂનાગઢનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ઉપરકોટનાં વિકાસ અર્થે માટે રચાયેલી ઉપરકોટ વિકાસ સમિતી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવનાર છે. જેમાં સોરઠનો ઈતિહાસ રજૂ કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ રૂ. ૧.પ૦ કરોડનાં ખર્ચે તૈયાર થનાર છે.

આ પ્રોજેકટને લઇને મહત્વની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રોજેકટ માટે અમદાવાદની પાર્ટીને રૂ. ૧.૪૮ કરોડનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. પાણી અને લાઇટ માટેનાં કનેકશનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે કલેકટર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં ઉપરકોટ વિકાસ સમિતીની બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેકટ વહેલી તકે શરુ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ ઉપરકોટનાં વિકાસનાં અનેક મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ફેબ્રુઆરીનાં પ્રથમ સપ્તાહમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થઇ જાય તેના માટે કરવામાં આવતા પ્રયત્નોની ચર્ચા કરી હતી. અને ફેબ્રુઆરીમાં શો શરૂ કરી દેવા કવાયત હાથ ધરી હતી.

પ્રવેશ દ્વાર થી લાઇટ ફીટ કરાશે
ઉપરકોટનાં પ્રવેશ દ્વારથી લઇને રોડ પર લાઇટ બંધ છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રીનાં શરૂ થનાર હોઇ તેનાં ભાગરૂપે પ્રવેશ દ્વારથી રોડ પર લાઇટ ચાલુ કરવામાં આવશે.

સફાઇ અભિયાન શરૂ કરાશે
લાઇટ એન્ડ સાઉન્ડ શોને લઇને ઉપરકોટ વિસ્તારમાં બે દિવસમાં સફાઇ અભિયાન શરુ કરવામાં આવશે. જેમાં ઉપરકોટની રાંગ પર ઉગી નિકળેલા વૃક્ષો દુર કરવામાં આવશે. તેમજ ઉપરકોટની અંદરનાં ઝાડી ઝાખરા દુર કરવામાં આવશે.

માસીક ભાડા પટ્ટે પ્રોજેકટ આપવામાં આવશે
લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રોજેકટ તૈયાર થયા બાદ આ પ્રોજેકટ ખાનગી માલિકોને માસીક ભાડા પેટે આપવામાં આવનાર છે. તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

આ મુદાની થશે હવે ચર્ચા
પ્રવેશ ફી કેટલી રાખવી
દરરોજ કેટલા શો
શો નો સમય કયો રાખવો
શો રાત્રીનાં હોય તો પોલીસ બંદોબસ્ત કેટલો રાખવો

ગામમાં મગર આવી ચડ્યો, લોકોનાં ટોળાં ઉમટ્યાં.

ગામમાં મગર આવી ચડ્યો, લોકોનાં ટોળાં ઉમટ્યાં

Bhaskar News, Kodinar | Jan 21, 2014, 00:09AM IST
કોડીનારનાં રોણાજની સીમમાં મગર આવી ચઢી

કોડીનારનાં રોણાજ ગામે રહેતા અશ્વિનભાઇ લખુભાઇ બારડનું સીમમાં ખેતર આવેલું હોય આજે સવારનાં અરસામાં તેમના એરંડાનાં વાડમાં ૬ ફૂટ લાંબો મગર આવી ચઢતા પ્રકૃતિ નેચર કલબને જાણ કરતા તેમણે વન વિભાગને વાકેફ કરતા છારાબીટનાં ફોરેસ્ટર એમ.એમ.ભરવાડ, એમ.એ.પરમાર, ગોપાલ રાઠોડ, પ્રકૃતિ નેચર કલબનાં બાલકૃષ્ણ દવે, વીરાભાઇ અને જામવાળાની રેસ્કયુ ટીમ સ્થળ પર દોડી ગયેલ અને દોરડાથી મગરને પકડી જામવાળા લઇ જવાયો હતો.
તસ્વીર : અરવિંદ સૂચક

વિદ્યાર્થીઓએ જંગલમાંથી કરી પ્લાસ્ટીકના કચરાની સફાઇ.


Bhaskar News, Junagadh | Jan 20, 2014, 23:53PM IST
- ચલાલા ગુરૂકુળના છાત્રોએ પતંગ ઉડાડવાના બદલે સફાઇ અભિયાન દ્વારા પ્રેરણા આપી

ચલાલામાં આવેલ પૂજય દાનમહારાજની જગ્યામાં ચાલતી સંસ્થા દાનેવ ગુરૂકુળમાં ભણતા વિદ્યાર્થીઓએ એક નવતર નિર્ણય લઇ મકરસંક્રાતિના દિવસે પતંગ ઉડાડવાને બદલે તુલશીશ્યામના જંગલમાં પહોંચી જઇ પ્રકૃતિ માટે હાનીકારક પ્લાસ્ટીકના કચરાની સફાઇ કરી નવો રાહ ચિંધ્યો હતો. નાના બાળકોના આ નવતર પગલાને લોકોએ વધાવ્યુ હતું.

મકરસંક્રાતિ પર પતંગ ઉડાડવાનો સૌથી વધુ ઉત્સાહ નાના બાળકોને હોય છે. પરંતુ ચલાલા દાનેવ ગુરૂકુળમાં ભણતા વિદ્યાર્થીઓએ ઓણ સાલ પતંગ ઉડાડવાને બદલે પ્રકૃતિની મદદે દોડવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. અહિં દાન મહારાજની જગ્યામાં ૧૬ વર્ષથી છાત્રાલય ચાલે છે અને ૨પ૦ જેટલા વિદ્યાર્થીઓ અહિં રહી અભ્યાસ કરે છે. ઓણ સાલ મકરસંક્રાતિ પર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ નૂતન અભિગમ અપનાવ્યો હતો.

મકરસંક્રાતિ પર અહિંના વિદ્યાર્થીઓએ પતંગ ઉડાડવાની અને શેરડી, ખજુર ખાવાની મજા છોડવાનો નિર્ણય કર્યો હતો. જગ્યાના મહંત વલકુબાપુના માર્ગદર્શન નીચે અહિંના વિદ્યાર્થીઓ મકરસંક્રાતિના દિને તુલશીશ્યામ યાત્રાધામ ખાતે પહોંચી ગયા હતાં. આ વિદ્યાર્થીઓએ અહિં છ કલાક સુધી મંદિર આસપાસ અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટીકનો કચરો વિણી દુર કરવાનું અભિયાન ચલાવ્યુ હતું અને આ રીતે જાહેરમાં કચરો ન ફેકવા લોકોને પ્રેરણા પુરી પાડી હતી.

ખોડિયાણામાંથી નાસી છુટેલો સિંહ તેના ગ્રુપ સાથે ભળી ગયો.

ખોડિયાણામાંથી નાસી છુટેલો સિંહ તેના ગ્રુપ સાથે ભળી ગયો
Bhaskar News, Amreli | Jan 22, 2014, 01:26AM IST
સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે ગઇકાલે સરપંચની વાડીએ આવેલ કુવામાં સિંહ પડી ગયો હતો. બાદમાં વનવિભાગની રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહને કુવામાંથી બહાર કાઢવામા આવ્યો હતો પરંતુ પાંજરામાં પુરતી સિંહને બાંધેલો ગાળીયો છુટી જતા સિંહ ભાગી છુટયો હતો.

ત્યારે આજે આ સિંહ તેના ગ્રુપ સાથે ભળી ગયો હતો. જો કે વનવિભાગ દ્વારા આ સિંહ પર બે દિવસ સુધી નજર રાખવામા આવશે. વનવિભાગે આ સિંહને પકડવા આખીરાત મહેનત કરી હતી. પરંતુ આ સિંહ જે ગ્રુપનો હતો તેની સાથે ભળી જતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.આ સિંહને કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ સિંહ હાલમાં આંબરડી વિસ્તારમાં તેના ગ્રુપ સાથે ભળી ગયો છે. જો કે આ સિંહ પર બે દિવસ સુધી હજુ નજર રાખવામા આવશે.

સાવરકુંડલા નજીક સિંહે બચ્ચાને મારી નાખ્યુ: વનતંત્ર દોડ્યું.


Dilip Raval, Amreli | Jan 18, 2014, 14:29PM IST
બચ્ચાના પેટ પર સિંહના દાતના ઇજાના નિશાન : વનતંત્ર દોડ્યું
 
ગીર જંગલમાં વસતા ખુંખાર સાવજોનો દુશ્મન સાવજ સિવાય અન્ય કોઇ નથી. ભલે સાવજને કોઇ અન્ય જીવો કયારેક ભારે પડી શકે છે. પરંતુ અંતમાં તો સૌથી શકિતશાળી સાવજ જ છે. ખુંખાર સાવજો કયારેક નાના સિંહબાળને મારી નાખતા હોય છે. આવી જ એક ઘટના સાવરકુંડલા રેંજમા ઘોબા ગામની સીમમાં બની છે. જયાં એક સાવજે મારી નાખેલા સિંહબાળનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો છે.
 
વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગીરપુર્વની સાવરકુંડલા રેંજના ઘોબા ગામની સીમમાંથી આજે સવારે આશરે પાંચેક માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ ભાલોડીયા વિગેરે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા.
 
વનતંત્રની તપાસમાં આ સિંહબાળનુ મોત ઇનફાઇટમાં થયુ હોવાનુ ખુલ્યુ હતુ. આ સિંહબાળના પેટ પર સિંહના દાંતના ઇજાના નિશાનો મળી આવ્યા હતા. સાવજોનુ એક ગ્રુપ પાછલા કેટલાક સમયથી અહી આંટાફેરા મારે છે. મૃતક સિંહબાળ આ ગ્રુપનુ હોવાનુ મનાય રહ્યું છે. આ ઘટના ગઇ મધરાતે બની હતી. વનવિભાગે મૃતદેહનો કબજો લઇ આગળની તપાસ શરૂ કરી છે.

ધારીમાં તરફડીયા મારતા ૧૮ પક્ષીઓના શંકાસ્પદ મોત

ધારીમાં તરફડીયા મારતા ૧૮ પક્ષીઓના શંકાસ્પદ મોત

Posted On January 10, 04:47 PM
નવી વસાહત નજીક પાણીના ખાડા પાસે તરફડીયા મારતા હતા : પક્ષીપ્રેમીઓ દોડી ગયા
 
ધારીમાં હરિકૃષ્ણનગર પાસે રેલવે ટ્રેક નજીક એક પાણીના ખાડામા ૧૮ જેટલા પક્ષીઓ જેમાં તેર ટીટોડી અને પાંચ કબુતરો તરફડીયા મારી રહ્યાં હોય અહીથી પસાર થતા રાહદારીઓને આ વાતની જાણ થતા તેઓએ હોર્નબીલ નેચર કલબના સભ્યોને જાણ કરતા કલબના પ્રમુખ અજીતભાઇ ભટ્ટ, નરેન્દ્ર જોટંગીયા સહિ‌ત અહી દોડી આવ્યા હતા.
 
આ પક્ષીઓના મોત ઠંડીથી અથવા ઝેરી ચારો ખાવાથી થયા હોવાનુ પ્રાથમિક અનુમાન છે. અહી વેટરનરી ડોકટર ન હોવાથી હાલ આ પક્ષીઓના મોતનુ સાચુ કારણ જાણવા મળી શકયુ નથી.

જાબાળ-ગોવિંદપુરમાં ઇનફાઇટમાં દિપડીના બે બચ્ચાનું મોત નિપજ્યું.

જાબાળ-ગોવિંદપુરમાં ઇનફાઇટમાં દિપડીના બે બચ્ચાનું મોત નિપજ્યું
Bhaskar News, Dhari | Jan 08, 2014, 00:43AM IST
- બચ્ચાને મારી નાખી દિપડો અડધુ શરીર ખાઇ પણ ગયો

વન્ય જીવ સૃષ્ટિ અજીબ હોય છે. અહિં શક્તિશાળી પ્રાણી નબળા પ્રાણીને મારી નાખે છે. સિંહ-દિપડા જેવા હિંસક પશુઓ સિંહબાળ અને બાળ દિપડાને પણ મારી નાખે છે. ગીર પૂર્વની મીતીયાળા બીટમાં જાબાળ ગામે દિપડાએ બચ્ચાને મારી નાખ્યા બાદ તેનું અડધુ શરીર ખાઇ પણ ગયો હતો. આવી જ એક અન્ય ઘટનામાં ધારીના ગોવિંદપુરની સીમમાં પણ ઇનફાઇટમાં દિપડાના એક બચ્ચાનું મોત થયુ હતું.

ગીર પૂર્વ વન વિભાગમાં એક જ દિવસમાં ઇનફાઇટમાં દિપડાના બે બચ્ચાના મોત થયાનું બહાર આવ્યુ છે. મીતીયાળા બીટમાં જાબાળ ગામના પ્રવિણભાઇ બચુભાઇ માલાણીની વાડીમાં એક ઝાડ પર દિપડાના બચ્ચાનો મૃતદેહ ટીંગાતો હોવાની વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. આશરે ચાર થી પાંચ માસના આ બચ્ચાનુ અડધુ શરીર ખવાઇ ગયુ હતું. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે બચ્ચાનો મૃતદેહ જે રીતે વૃક્ષ ઉપર હતો તે કામ દિપડો જ કરી શકે છે અને દિપડો જ અડધુ શરીર ખાઇ ગયો હતો.

આવી જ રીતે ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં ગોવિંદપુરની સીમમાં પણ ગઇ રાત્રે આશરે દસ થી અગીયાર માસની ઉંમરના દિપડીના એક બચ્ચાનું ઇનફાઇટમાં મોત થયુ હતું. આ બચ્ચાને ગળાના ભાગે ગંભીર ઇજાના નિશાન જણાયા હતાં.