Tuesday, January 31, 2017

ઊનાનાં કાણકબરડા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યુ

Bhakar News, Una | Jan 30, 2017, 02:12 AM IST

  ઊનાનાં કાણકબરડા ગામે દીપડાએ ગાયનું મારણ કર્યુ, junagadh news in gujarati
ઊનાઃઊના પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓએ માનવ વસવાટમાં પોતાનું કાયમી રહેણાક કર્યુ હોય તેમ નાઘેર પંથક નજીક આવેલ જંગલ વિસ્તારમાં દીપડાની સંખ્યા કરતા ગ્રામ્ય વિસ્તારમાં દીપડા વધુ જોવા મળતા હોય તેમ લગભગ મોટા ભાગનાં દિવસોમાં દીપડો જોવા ન મળ્યો હોય તેવુ બન્યુ ના હોય ત્યારે તાલુકાનાં કાણકબરડા ગામની સીમમાં પણ માનવ વસવાટની આસપાસ દીપડો છેલ્લા ઘણા સમયથી રંજાડતો હોય ગતરાત્રીનાં સમયે ગંભીરસિંહ ખેંગારસિંહનો આંબાનો બગીચો આવેલ હોય અને શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ વાડીમાં બાંધેલ ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. તેમજ ઘણી વખત શિકારની શોધમાં દિપડો રાત્રીનાં સમયે ગામમાં પણ લટાર મારી જતો હોવાનુ ગ્રામજનોમાંથી જાણવા મળી રહ્યુ છે. વનવિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

બોળાસમાં 30 ફૂટ ઉંડા પાણી વિનાનાં કુવામાં દીપડી ખાબકી, રેસ્કયુ હાથ ધરાયુ

Ravi Khakhkhar, Veraval | Jan 29, 2017, 01:01 AM IST

 • પકડાયેલી દિપડી
વેરાવળ:વેરાવળ તાલુકાના બોળાસ ગામે શનિવારે વહેલીસવારે એક વાડીના પાણી વીનાના ત્રીસ ફુટ ઉંડા કુવામાં દિપડી ખાબકી હતી જેને વેરાવળ વનવિભાગની ટીમ દ્રારા રેસ્કયુ હાથ ઘરી સલામત બહાર કાઢી સાસણ એનીમલ કરે સેન્ટર ખાતે મોકલી દેવામાં આવેલ હતી.

વાડીના પાણી વગરના ખાલી ૩૦ ફુટ ઉંડા કુવામાં આજે વ્હેલીસવારના દિપડી ખાબકેલ હોવાની જાણ ખેડુતને આઠ વાગ્યે વાડીએ પહોચતા થતા તેમણે તુરંત વેરાવળ વન વિભાગ કચેરીને જાણ કરતા આરએફઅો બી.ડી.કોડીયાતર સ્ટાફ સાથે બોળાસ વાડીએ દોડી જઇ નિરીક્ષણ કરેલ બાદ દિપડીને બહાર કાઢવા માટે રેસ્કયુ હાથ ઘરવાનું નકકી કરી તેમના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટર એચ.ડી.ગળચર, જે.એચ.ચોટલીયા, એન.આર.પંપણીયા, ડી.એ.ડોડીયાએ રેસ્ક્ચુ અોપરેશન હાથ ઘરેલ જેમાં કુવાની અંદર ગાળીયો અંદર નાંખી તેમાં દિપડીને લઇ બહાર કાઢી પાંજરે પુરી દેવામાં આવી હતી. આમ, એકાદ કલાકની કાર્યવાહી બાદ દિપડીને સલામત રીતે બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવેલ હતી.

વિસાવદર: દીપડાને ખાવા મગરોએ કરી ઝૂંટાઝૂંટ, મૃતદેહને આપ્યો અગ્નિદાહ

Bhaskar News, Visavadar | Jan 28, 2017, 03:52 AM IST

  વિસાવદર: દીપડાને ખાવા મગરોએ કરી ઝૂંટાઝૂંટ, મૃતદેહને આપ્યો અગ્નિદાહ, junagadh news in gujarati
વિસાવદર: વિસાવદર-દુધાળા રોડ પર આવેલા મુનિ આશ્રમ નજીક આંબાજળ ડેમનાં ઉપરવાસમાં ભરાયેલા પાણીના મસમોટા ઘુનામાંથી ગત તા. 25 જાન્યુ.નાં રોજ એક 4 થી 5 વર્ષની વયનાં નર દિપડાનો મૃતદેહ મળી આવ્યો. દિપડો અહીં પાણી પીવા આવ્યો હતો. એ વખતે 3 થી 4 મગરોએ તેને પાણીમાં ખેંચી લઇને ફાડી ખાધો હતો. માત્ર તેના પગ અને શરીરનો અમુક ભાગ મળી આવ્યો હતો. 

માલધારીઓએ જોયું તો 3-4 મગરો મૃતદેહની ઝૂંટાઝૂંટ કરતી’તી

બપોરે ચારેક વાગ્યાનાં અરસામાં માલધારીઓ પોતાનાં માલઢોરને પાણી પીવડાવવા ઘૂના પાસે આવ્યા એ વખતે 3 થી 4 મગરો પાણીમાં દિપડાને ખાવા માટે ખેંચાખેંચી કરી રહ્યા હતા. આથી તેઓ અચંબામાં પડી ગયા હતા. અને બાદમાં તેઓએ ખાંભડા થાણાનાં વનકર્મીઓને જાણ કરતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા સાથે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખાંભડા થાણે લઇ જવાયો હતો. જ્યાં ડો. સોલંકીએ તેનું પીએમ કર્યા બાદ અગ્નિદાહ દેવાયો હતો.

ગુનો છુપાવવા ડેમમાં નાંખી ગયા કે શું ?: અનેક તર્ક-વિતર્ક

દિપડાનું મોત કદાચ શોર્ટ સર્કીટથી થયું હોય તો એ ગુનાને છુપાવવા કદાચ અજાણ્યા શખ્સો મૃતદેહ તેમાં નાંખી ગયા હોઇ શકે એવી આશંકાઓ પણ સેવાઇ રહી છે.

ખુંભડી ગામે દિપડાનો આતંક, પાંજરે પુરવા ખેડૂતોની માંગ

DivyaBhaskar News Network | Jan 25, 2017, 05:55 AM IST
હજુ એક અઠવાડિયા પહેલા ભેંસનું મારણ કર્યું હતું

વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ

છેલ્લાકેટલાક સમયથી સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી માનવ વસાહત તરફ ચઢી આવ્યા છે. અને નિર્દોષ પશુઓનાં શિકાર કરી રહ્યા છે. તેમજ માનવ પર પણ હુમલાનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે વંથલીનાં ખુંભડી ગામે દિપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વંથલી તાલુકાનાં ખુંભડી ગામે વાડી વિસ્તારમાં દિપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે એક અઠવાડીયા પહેલા એક પશુનું મારણ કર્યું હતુ. જેથી વિસ્તારમાં આંટાફેરા કરતા દિપડાની વહેલી તકે વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે તેવી સરપંચ સંજયભાઇ જાદવ અને અશ્વીનભાઇ બાલસરા તેમજ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે વન વિભાગ દ્વારા પંથકમાં કયારે પાંજરૂ મુકવામાં આવે છે અને દિપડાને પાંજરે કેદ કરવામાં આવે છે.

હાલ ખેડૂતો શિયાળુ પાકમાં પાણી પીવડાવવાની કામગીરી કરી રહ્યા છે અને હવે ટુંક સમયમાં પાક તૈયાર થશે. અને તેમની રખેવાળી કરવા જતાં પણ ડરી રહ્યા છે. જેથી વન વિભાગે તાકીદે પાંજરૂ ગોઠવવા માંગ ઉઠવા પામી છે.

સોરઠકેસર કેરી માટ

DivyaBhaskar News Network | Jan 22, 2017, 03:55 AM IST

  સોરઠકેસર કેરી માટ, junagadh news in gujarati
ચાલુ વર્ષે સામાન્ય વર્ષ કરતાં વહેલા આંબે મોર આવી ગયો છે. તેમજ બજારમાં પણ ખાખડી વહેલી આવી ગઇ છે. વાતાવરણ અનુકુળ રહ્યું તો ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન વધુ થવાની શકયતા છે. બે દિવસથી ઝાકળ આવતાં ખાખડી આંબામાંથી ખરી રહી છે. તસ્વીર-ભાસ્કર


સોરઠકેસર કેરી માટે પ્રખ્યાત છે. ઉનાળામાં વિપુલ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે. ઉનાળા દરમિયાન બજારમાં કેરી આવતી હોય છે.તેનાં એકાદ માસ પહેલા બજારમાં ખાખડી આવે છે. પરંતુ ચાલુ વર્ષે આંબામાં વહેલા મોર આવી ગયા છે અને ખાખડી થવા લાગી છે. જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થયું છે. સામાન્ય વર્ષો કરતા એક માસ વહેલુ આગમન થયું છે. જૂનાગઢની બજારમાં ખાખડીનાં છૂટકભાવ 200 રૂપિયાથી લઇને 400 રૂપિયા છે. જેમાં નાના ખાખડીનાં કિલાનાં 200 રૂપિયા થી 250 રૂપિયા છે. જયારે મોટી ખાખડિનાં 400 રૂપિયા ભાવ છે. જૂનાગઢની બજારમાં ખાખડીનું આગમન થતા કેરીનાં શોખીનોને મોજ પડી ગઇ છે.

વાતાવરણ જળવાઇ રહ્યું તો ઉત્પાદન વધુ થશે

ખાખડીનાં કિલોનાં 200થી 400 રૂપિયા ભાવ

જૂનાગઢ: ખેતરમાં જોવા મળ્યો સિંહનો અલગ અંદાજ, જોવા લોકો દોડ્યા

જૂનાગઢ: ખેતરમાં જોવા મળ્યો સિંહનો અલગ અંદાજ, જોવા લોકો દોડ્યા, junagadh news in gujarati Sunil Patel, Junagadh | Jan 22, 2017, 17:07 PM IST

જૂનાગઢ: જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયા વિસ્તારમાં આજે સવારે સિંહ જોવા મળ્યા હતાં. પ્રગજીભાઈ જીવરાજભાઈ ઠુમરના ખેતરમાં અત્યારે એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં રોજ ચાર સિંહ જોવા મળે છે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું. જ્યારે આજે સવારે જ આ ખેતરમાં બે સિંહ જોવા મળ્યા હતા. જેને જોવા માટે નજીક આવેલા ગામના લોકો દોડી આવ્યા હતાં. 

ગામ લોકોએ જણાવ્યું હતું કે અહીં તો રોજ બે-ત્રણ સિંહ જોવા મળે છે. રાતે આજ ખેતરોમાં સિંહ આરામ કરે છે. જોકે સવારમાં ખેતરમાં સિંહ દેખાતા લોકો દોડી આવ્યા હતાં. 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...

તસવીરો - સુનિલ પટેલ, જુનાગઢ

નવતર પ્રયોગઃ ગીરપંથકના યુવાને બનાવ્યું દૂધ આપતુ ATM

Bhaskar News, Talala | Jan 23, 2017, 00:47 AM IST

  નવતર પ્રયોગઃ ગીરપંથકના યુવાને બનાવ્યું દૂધ આપતુ ATM, junagadh news in gujarati
તાલાલાઃતાલાલા શહેરમાં એટીએમ મશીનથી ગાય અને દુધ મળતુ હોવાની વાતથી લોકોમાં આશ્ચર્ય છવાયું છે. દિવ્ય ભાસ્કરએ આ અંગે તપાસ કરતાં  ખીરધાર ગામનાં 11 ધોરણ સુધી જ ભણેલા યુવાને આ કરામત કરી છે. તાલાલામાં નરસિંહ ટેકરી વિસ્તારમાં સત્સંગ ભવનની સામે દ્રષ્ટીકોણ દુધ એટીએમમાં લોકો ગીર ગાય અને ભેસનું દુધ લેવા આવે છે. દુધ લેવા આવતા ગ્રાહકો ઘરેથી દુધનું વાસણ લઇને સાથે દસ, વીસ, પચાસ, સો રૂપિયા સુધી જેટલાનું કહે તેટલા રૂપિયાનું એટીએમમાંથી દુધ વાસણમાં અપાઈ છે.

એટીએમમાં 80 લીટર દુધની સ્ટોરેજ ક્ષમતા
દુધનું એટીએમ બનાવનાર આહીર યુવાન નિલેશભાઇ પીઠાભાઇ ઠુંમરએ જણાવેલ કે દુધ એટીએમ જાતે બનાવ્યું છે. મુંબઇ, વડોદરા, રાજકોટ જેવા શેરોમાંથી એટીએમ માટેનાં પંપ, ડીવાઇસ કંટ્રોલ બોર્ડ મેળવી એટીએમ બનાવ્યું છે. એટીએમમાં 80 લીટર દુધની સ્ટોરેજ ક્ષમતા છે. 40 લીટર ગીર ગાયનું અને 40 લીટર ભેસનું મળી 80 લીટર સ્ટોરેજ કરાયું છે. એટીએમથી દુધ ખરીદતા ગ્રાહકો ઘરેથી દુધનું વાસણ લઇ આવે એટલે પોલીથીન પ્લાસ્ટિક વગર જ ગ્રાહકોને દુધ મળે અને પર્યાવરણ માટે જોખમી પ્લાસ્ટિકનો વપરાશ જ બંધ
થઇ જાય.

દુધ એટીએમ બનાવનાર નિલેશભાઇ ઘુંસર એટીએમ બનાવ્યા બાદ વધુ એક કેશલેસ વેંચાણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. થોડા દિવસમાં જ દુધ એટીએમમાં સ્માર્ટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડથી કાર્ડ સ્કેચ કરી ગ્રાહકો રોકડ રૂપિયા વગર દુધ મેળવી શકાશે.

વિસાવદરમાં બચ્ચાંને મારી નાખતા વિફરેલી દીપડીએ દીપડાનું પૂંછડું કાપ્યું

Bhaskar News, Junagadh | Jan 23, 2017, 01:12 AM IST

  વિસાવદરમાં બચ્ચાંને મારી નાખતા વિફરેલી દીપડીએ દીપડાનું પૂંછડું કાપ્યું, junagadh news in gujarati
વિસાવદરઃ વિસાવદરનાં પ્રેમપરાની સીમમાં આંબાજળ નદીનાં કાંઠે પરેશભાઇ ગાઠાણીની વાડીની નજીક આવેલ પુલ ઉપરથી પસાર થતા પરેશભાઇએ દિપડીને જોઇ પરંતુ દિપડી ત્યાંથી દુર ન જતા તેને શંકા ગઇ કે કંઇક અજુગતુ બન્યું છે. જેથી તેણે નજીક જઇ તપાસ કરી તો દિપડી તેના મૃત બચ્ચાની પાસે બેઠી હતી. જેથી પરેશભાઇએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી દિપડીને દુર ખસેડવા પ્રયત્નો કર્યા હતા.

પરંતુ પોતાનાં વ્હાલસોયા બચ્ચાનાં મૃત્યુંથી ઉશ્કેરાયેલી દિપડી તેના બચ્ચાનાં મૃતદેહથી દુર જતી ન હતી. વાડી માલિકનાં જણાવ્યા પ્રમાણે તા.19ની મોડી રાત્રીનાં દિપડો અને દિપડી વચ્ચે મેટીંગ માટે જીવસટોસટની બાજી ખેલાઇ હતી. દિપડી પર પ્રભૂત્વ જમાવવાની કોશિષમાં દિપડી ઓર વિફરી હતી અને તેણે દિપડાનું પૂંછડું કાપી નાખ્યું હતું.

વન્ય પ્રાણી અવર-જવરવાળા વિસ્તારમાં બન્યો બીજો બનાવ

DivyaBhaskar News Network | Jan 24, 2017, 06:15 AM IST
ગડુમેઘલ નદીનાં ખરડા વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સતત અવર-જવર રહેતી હોય છે. ત્યારે અહીં આવેલા રેલ્વે ટ્રેકનાં પુલ પાસે એક દિપડો ટ્રેન હડફેટે ચઢી ગયો હતો. અને તેનું મોત થયું હતુ.

ગડુ મેઘલ નદીનાં ખરડા વિસ્તારમાં આવેલ રેલ્વે ટ્રેકનાં પુલ પાસે સોમવારે વહેલી સવારે સોમનાથ એકસપ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતી. ત્યારે દિપડો અચાનક આડે પડતા કપાઇ ગયો હતો. અને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પી.એમ કરીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગનાં આરએફઓ વી.એમ.પરમારને થતાં ગઢવીભાઇ, શિલુભાઇ, પરમાર ભાઇ, જોરાભાઇ, રામભાઇ સહીતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

પશુ નિદાન કેમ્પમાં 2335 પશુઓને સારવાર અપાઇ

DivyaBhaskar News Network | Jan 22, 2017, 03:50 AM IST
ચા-નાસ્તાની વ્યવસ્થા ઉભી કરાઇ


માળિયાહાટીનામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ નિદાન-સારવાર ઓપરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 2335 જેટલા પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. સાથે ઉપસ્થિત પશુપાલકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી.

માળિયા હાટીનામાં વિરડી-પાંજરાપોળમાં વિનામુલ્યે પશુ રોગ નિદાન કેમ્પ નલીનીબેન શેઠ, મધુબેન શેઠ, જિલ્લા પંચાયત જૂનાગઢ પશુપાલન વિભાગ દ્વારા યોજાયેલ હતો. જેમાં ડોકટરો દ્વારા 2335 પશુઓની સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકો માટે ચા-નાસ્તા તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા દાતાઓ તરફથી કરવામાં આવી હતી. કેમ્પમાં રમેશભાઇ શેઠ, ડો.કારૈયા, ડો.ડાભી, ડો.રૂપાવટી, ડો.કનારા, ડો.કાચા, ડો.પરમાર, મહેન્દ્રભાઇ ગાંધી, રાજુભાઇ દેશાઇ, મણીભાઇ સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં આસપાસનાં ગામોનાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પશુ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

ફોરેસ્ટર તથા પીએસઆઇના ઉમેદવારાેનો ફ્રિ સેમિનાર

DivyaBhaskar News Network | Jan 21, 2017, 07:05 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાં જીલ્લા પંચાયત સ્પોર્ટસ ક્લબ દ્વારા તા.22 જાન્યુ.ના સાંજે 4 થી 5 કલાકે જિલ્લા પંચાયત સ્પોર્ટસ ક્લબ, ગાંધીચોક ખાતે ફોરેસ્ટર તથા પીએસઆઇના ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયુંં છે. જેમાં દોડ, લાંબીકુદ, ઊંચીકુદ કઇ રીતે કરવી તે બાબતો માર્ગદર્શન આપવામાં આવશે.

વાછરડીને દબોચી લીધી, લોકો એકઠા થતા સિંહ નાસી ગયો

DivyaBhaskar News Network | Jan 20, 2017, 05:10 AM IST
જૂનાગઢમાં રાજીવનગરમાં સિંહ આવી ચઢ્યો

વાછરડીનાં ગળાનાં ભાગે દાંત બેસાડી દીધા હતા છતા બચી ગઇ

જૂનાગઢશહેરમાં જંગલ બોર્ડ વિસ્તારમાં અવાર નવાર વન્ય પ્રાણી આવે ચડે છે. તેમજ રખડતા પશુ અને કુતરા,ભુંડનો શિકાર કરતા હોય છે. વારંવાર શહેર વિસ્તારમાં સિંહ આવી થતા હોય લોકોમાં ભયનો માહોલ રહે છે. બુધવારે મોડીરાત્રીનાં રાજીવનગર વિસ્તારમાં એક સિંહ આવી ચડ્યો હતો.શેરીમાં બેઠેલી વાછરડી પર હૂમલો કર્યો હતો. અને વાછરડીને ગળાનાં ભાગેથી પકડી લીધી હતો. અવાજ થતા આસપાસનાં વિસ્તારનાં લોકો એકઠા થઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સિંહ વાછરડીને મુકીને નાશી ગયો હતો. લોકો તેની પાછળ ગયા હતા. જોકે સિંહ ફરી જંગલમાં જતો રહ્યો હતો. સિંહે વાછરડી ઉપર હૂમલો કરી ગળાનાં ભાગે દાત બેસાડી દીધા હતા. જોકે ભંગીર ઇજા થઇ હોય વાછરડી બચી ગઇ હતી.

અત્રે નોંધનીય છે કે, વિસ્તારમાં અવાર-નવાર ગિરનારનાં જંગલમાં વિચરતા સાવજો આવી ચઢે છે.

'સિંહ કાંઇ બેગમાં પેક કરીને લઇ જવાની ચીજ નથી'-રેણુકા ચૌધરી

Bhaskar News, Junagadh | Jan 20, 2017, 02:23 AM IST
  'સિંહ કાંઇ બેગમાં પેક કરીને લઇ જવાની ચીજ નથી'-રેણુકા ચૌધરી, junagadh news in gujarati
જૂનાગઢઃ સીંહ કાંઇ બેગમાં પેક કરીને લઇ જવાની ચીજ નથી. તેને બીજે લઇ જવા માટે યોગ્ય રીતે વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઇએ. એમ લોકસભાની વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ વન અને પર્યાવરણ બાબતની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરપર્સન રેણુકા ચૌધરીએ તેની બે દિવસની ગિર મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.

તેમણે એ નોંધ્યું હતું કે, સ્થાનિક લોકો સીંહોનાં સ્થળાંતરની વિરૂદ્ધમાં છે. અને તેઓ નવા રહેણાંકનો પૂરતો અભ્યાસ, ખોરાકની ઉપલબ્ધિ અને આ પ્રજાતિની વર્તણૂંકનો તેને કુનો પાલપુર લઇ જતાં પહેલાં અભ્યાસ થાય એમ ઇચ્છે છે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સીંહોનાં સ્થળાંતર માટે 12 સભ્યોની બનેલી પેનલની નિમણૂંક કરી છે. સુપ્રીમે જણાવ્યું છેકે, સીંહોનું સ્થળાંતર અને અભ્યાસ એકસાથે થવા જોઇએ. ગુજરાતે જોકે, તેનો વિરોધ કરી સીંહોનાં સ્થળાંતર પહેલાં તેનો અભ્યાસ પૂર્ણ કરવા માંગણી કરી છે.

ભવનાથમાં 24 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ

DivyaBhaskar News Network | Jan 20, 2017, 05:05 AM IST
વહિવટી તંત્રે તૈયારી શરૂ કરી દીધી

ભજન,ભોજનઅને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. શિવરાત્રીનાં મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો આવતા હોય છે. અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. શિવરાત્રીનાં મેળામાં દેશભરમાંથી દિગંબર સાધુઓ આવતા હોય છે.

જૂનાગઢમાં ચાલુ વર્ષે તા. 24 ફેબ્રુઆરીથી શિવારાત્રીનાં મેળાનો પ્રારંભ થશે. અને પાંચ દિવસ ચાલશે. મેળાને લઇ જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ દિવસિય મેળામાં જુદાં-જુદાં વિભાગો અને કચેરીઓ તેમની સર્વોતમ સેવા આપી શકે તે માટે આગોતરૂ આયોજન કરવા કલેકટરે સુચતાઓ આપી છે. ખાસ કરીને ટ્રાફીકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને મહાનગર પાલિકા દ્વારા રસ્તા રીપેરીંગ,પાણી, સફાઇ અને જાહેર આરોગ્યની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તે માટે સુચનાઓ અપાઇ છે. તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દાતાર જંગલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ

DivyaBhaskar News Network | Jan 19, 2017, 05:50 AM IST
3200ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો

1600 લિટર દેશી દારૂનો આથો પકડી પાડ્યો,7 ફરાર

જૂનાગઢમાંદારૂબંધી નો કડક અમલ કરવાના આઇજી રાજકુમાર પાંડિયન અને ઇન્ચાર્જ એસપી વી.જી.પટેલના આદેશથી પોલીસે કડક કામગીરી હાથ ધરી વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કામગીરી હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના દાતાર પર્વતના જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ડિવિઝન પીઆઇ એલ.આર રાઠોડ અને તેની ટીમ તથા ભવનાથ પોલીસના કનુભાઇ,જેતાભાઇ વગેરેએ કોમ્બિંગ કર્યુ હતું. અને જંગલ વિસ્તારમાંથી રૂા 3200ની કિમતનો 1600 લીટર દેશી દારૂનો આથો પકડી પાડ્યો હતો. જોકે આથાની હેરાફેરી કરનાર સરમણ રબારી,સાગર રબારી,પરબત રબારી,કાળુ પરબત રબારી,મુંજા જીવા,રાજુ હકા,ઉકા હમીર વગેરે 7 શખ્સો ફરાર થઇ ગયા હતા.

વિસાવદર:રતાંગ ગામે મગર આવી ચડતા નાસભાગ,વનતંત્રએ કરી કામગીરી

Bhaskar News, Visavadar | Jan 20, 2017, 00:48 AM IST

  વિસાવદર:રતાંગ ગામે મગર આવી ચડતા નાસભાગ,વનતંત્રએ કરી કામગીરી, junagadh news in gujarati
વિસાવદરઃ વિસાવદરનાં રતાંગમાં ગામની અંદર મગર આવી ચઢતાં લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઇ હતી. મેંદરડાનાં આરએફઓ ડોડીયાએ ડેડકડીનાં ફોરેસ્ટર સહિતનાં સ્ટાફને સ્થળ પર મોકલી આપેલ અને મગરને પકડીને નજીકનાં મધરડી ડેમમાં મુકત કરી દેવાઇ હતી.

Monday, January 30, 2017

અમરેલી: પીપાવાવ પોર્ટ પાસે જોવા મળ્યા સિંહ, રસ્તા પર લોકો થંભી ગયા

Jaidev Varu, Amreli | Jan 27, 2017, 15:09 PM IST
અમરેલી: પીપાવાવ પોર્ટ પાસે જોવા મળ્યા સિંહ, રસ્તા પર લોકો થંભી ગયા, amreli news in gujarati
અમરેલી:રાજુલા જાફરાબાદ પંથકના ઔદ્યગિક વિસ્તારમાં સૌથી વધારે સિંહ પરિવારનો વસવાટ છે. અહીં સિંહો ખુલ્લે આમ જોવા મળે છે. શ્વાન પસાર થાય તેમ અહીં સિંહો રોડ ક્રોસ કરે છે આજે પણ એક એવી જ ઘટના સામે આવી હતી. પીપાવાવ પોર્ટની જેટી પરના રોડે એક સિંહણ અને એક સિંહ દોડીને રોડ ક્રોસ કરતાં વાહન ચાલકો થંભી ગયા હતા. થોડીવાર માટે પરપ્રાંતી માણસોમાં અફડા તફડી મચી ગઈ હતી. 

સાથે સાથે સિંહોની સુરક્ષા કેટલી છે તે આ ઘટના કહી જાય છે. સિંહોની રક્ષા કરવાના તમામ દાવાઓ પોર્ટ અને વનવિભાગના પોકળ સાબિત થયા છે. મોટા ભાગના સિંહો અને અહીંયા પોર્ટ વિસ્તારમાં જ રહે છે કેટલીક વખત તો અહીંના પોર્ટના પાઇપ લાઈનમાં સિંહ બાળો ફસાય જાય છે. કલાકો બાદ વનવિભાગ દ્વારા બચાવાયા છે વનવિભાગ પણ ઘણી વખત પીપાવાવ પોર્ટ સામે નારાજ થતું હોય છે. 

બીજી તરફ અગાઉ પીપાવાવ પોર્ટના માર્ગ પર એક સિંહણ અને એક સિંહ બાળ આમ બે વન્ય પ્રાણીના અજાણ્યા વાહને અડફેટે  આવી જતાં કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતાં. હજુ તે વાહન ચાલકોનો હજુ પણ પતો નથી ત્યારે ફરી વાર આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે વનવિભાગ અને પીપાવાવ પોર્ટ દ્વારા કોઈ ખાસ આયોજન થયા તેવી પ્રકૃતિ અને સિંહ પ્રેમી ઓની માંગ ઉઠી છે.

આ વિસ્તારમાં સિંહોનો કેટલાક વર્ષોથી દબદબો છે. પીપાવાવ પોર્ટ દ્વારા સિંહોની જાળવણીમાં ક્યાંક ને ક્યાંક કચાસ જોવા મળી છે. અહીંના સ્થાનિક લોકો પણ સિંહ દર્શન કરવાનું ચુકતા નથી. ઘણી વખત રવિવાર અને કોઈ તહેવારના દિવસે પોર્ટના અધિકારીઓ સિંહો પાછળ ગાડી દોડાવતા પણ નજરે પડતા હોય છે. ભૂતકાળમાં અનેક વખત વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે આજે સિંહોની સુરક્ષાને લઇને સૌ કોઈએ સવાલો સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. 

સિંહોની સુરક્ષાને લઇને ઉઠ્યા સવાલો પોર્ટના માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે અગાવ બે સિંહોના મોત થયા છે પોર્ટના અધિકરીઓ પરિવાર સાથે દર રવિવાર સાંજના સમયે કરે છે સિંહ દર્શન વનવિભાગ કાર્યવાહી કરે તેવી સિંહ પ્રેમીઓની માંગ ઉઠી છે. 

જિલ્લાને ઇકો ટુરીઝમ પ્લાનમાં સમાવેશ કરો

DivyaBhaskar News Network | Jan 25, 2017, 06:35 AM IST
અમરેલીનાભાજપના સક્રિય સભ્ય રિતેશભાઇ ઉપાધ્યાય દ્વારા કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરશોતમભાઇ રૂપાલાને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતીને ધ્યાનમા લેતા ઔદ્યોગિક પ્રગતિ કરવી એક કઠીન કાર્ય દેખાય છે પરંતુ જિલ્લાને કુદરતે આપેલી જે વન્યસંપતિ અને દરિયાઇ વિસ્તાર છે તેનો ઇકો ટુરીઝમમા ઉપયોગ કરી વિસ્તારના લોકોને રોજગારીની દિશામા વીશાળ તક ઉભી થઇ શકે તેમ છે. આંબરડી પાર્ક હજુ સુધી ખુલ્લુ મુકાયું નથી

આણંદપુરમાં પિતાએ દીપડા સાથે બાથ ભીડી 8 વર્ષનાં પુત્રને બચાવ્યો

Bhaskar News, Amreli | Jan 24, 2017, 02:56 AM IST

  આણંદપુરમાં પિતાએ દીપડા સાથે બાથ ભીડી 8 વર્ષનાં પુત્રને બચાવ્યો, amreli news in gujarati
કોડીનારઃકોડીનાર તાલુકાનાં આણંદપુર ગામે મહારાષ્ટ્રનાં શ્રમિકો શેરડી કટાઇનાં કામ માટે આવેલા હોય અને સોમવારે ગામનાં ઝાંપે ઉમાભાઇનો 8 વર્ષનો પુત્ર દાદુ રમી રહ્યો હતો ત્યારે અચાનક દીપડાએ આવી ચઢી દાદુને જડબામાં જકડી લીધો હતો. આ દ્રશ્ય પિતા ઉમાભાઇનાં નજરે પડતા હિંમત ગુમાવ્યા વગર દીપડાને બાથ ભરીને સામનો કરીને દીપડાનાં સકંજામાંથી પુત્રને બચાવી લીધો હતો. દીપડાનાં તીક્ષ્ણ દાંતોથી દાદુને મ્હોનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને પ્રાંચી 108નાં ડો. ઉષાબેને રાનાવાળા હોસ્પિટલે સારવારમાં ખસેડ્યો હતો. દીપડા સાથેની ઝપાઝપીમાં ઉમાભાઇ પણ લોહીલુહાણ થયા હતા.

અમરેલી: લોઠપુર ગામમાં સિંહે મારી લટાર, હુમલો કરતાં ખેડૂતે કરી બૂમાબૂમ

અમરેલી: લોઠપુર ગામમાં સિંહે મારી લટાર, હુમલો કરતાં ખેડૂતે કરી બૂમાબૂમ, amreli news in gujarati Jaidev Varu, Rajula | Jan 24, 2017, 03:12 AM IST

અમરેલી:જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે આજે વહેલી સવારે એક સિંહણ ઘરમા ઘુસી ગઇ હતી. ત્યારે ઘરધણી ઘરની બહાર નીકળતા સિંહણે દોટ મુકી તેના પર હુમલો કરી દીધો હતો. જો કે રાડારાડ મચાવતા સિંહણ નાસી છુટી હતી. ઘટનાને પગલે ગામમા ફફડાટ ફેલાઇ ગયો હતો. ઘાયલ ખેડૂતને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા.

રાજુલા જાફરાબાદ પંથકમા સાવજોની સંખ્યા વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે જાફરાબાદ તાબાના લોઠપુર ગામે આજે વહેલી સવારે અહી રહેતા જાદવભાઇ ભોળાભાઇ મકવાણા નામના ખેડૂત પોતાના ઘરની બહાર નીકળતા જ સિંહણે તેના પર હુમલો કરી દીધો હતો.
 
જાદવભાઇ કંઇ સમજે તે પહેલા સિંહણ તેમને ઘાયલ કરી નાસી છુટી હતી. બાદમા તેમણે દેકારો મચાવતા ઘરના સભ્યો પણ જાગી ગયા હતા અને ઘર બહાર દોડી આવ્યા હતા.  ઘટનાને પગલે ગામમા ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ઘાયલ જાદવભાઇને તાત્કાલિક રાજુલા દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા અને વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોએ વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારવામા આવે તેવી માંગ કરી હતી.
 
અન્ય એક ઘરમા સિંહ અને સિંહણ ઘુસી ગયા હતા. અને બાદમા એક સિંહણ ઘરમા ઘુસી ખેડૂત પર હુમલો કર્યો હતો.

અમરેલી: સિંહણોનાં ઘરે પારણા બંધાયા, છ માસમાં નવા 10 સિંહબાળનો જન્મ

Bhaskar News, Amreli | Jan 16, 2017, 01:19 AM IST

અમરેલી:સાવજો સૌરાષ્ટ્રનુ ઘરેણુ છે. એમાય અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજોને નિહાળવા દેશભરમાથી પ્રવાસીઓ આવે છે. છેલ્લા છ માસ દરમિયાન ક્રાંકચ અને અમરેલી પંથકમા સિંહણોના ઘરે પારણુ બંધાતા દસ નવા સિંહબાળનો જન્મ થયો છે. જેનાથી સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે. આ સિંહબાળ પૈકી ક્રાંકચ પંથકમા છ સિંહબાળ છે. વનતંત્ર આ સાવજો પર સતત દેખરેખ રાખી રહ્યું છે. સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે કારણ કે સાવજોની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે.

એક સિંહબાળનુ મોત થયુ હતું

સાવજોનુ નવુ ઘર જંગલ નહી પરંતુ રેવન્યુ વિસ્તાર છે. અને ભરપુર ખોરાક, પાણી, બાવળની કાટનુ જંગલ અને સાથે સાથે વનતંત્ર અને લોકો દ્વારા મળતા રક્ષણથી આ સાવજો ખુબ જ ફુલીફાલી રહ્યાં છે. નવા નવા સિંહબાળનો જન્મ થઇ રહ્યો છે. જેના કારણે સાવજોની સંખ્યા વધતા તે નવા નવા વિસ્તારો પણ સર કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા લીલીયાના સાજણટીંબા નજીક એક સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો જો કે તે પૈકી એક સિંહબાળનુ મોત થયુ હતુ.

વનતંત્રની સતત દેખરેખ

જયારે બાકીના બંને બચ્ચા ઝડપથી મોટા થઇ રહ્યાં છે. લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા બે સિંહણોએ પાછલા છ માસ દરમિયાન છ બચ્ચાને જન્મ આપ્યો છે. અમરેલી તાલુકાના બાબાપુર પંથકમા પણ એક સિંહણે થોડા સમય પહેલા બે બચ્ચાને જન્મ આપ્યો હતો. બાબાપુર, ચાંદગઢ, ક્રાંકચ પંથક ઉપરાંત અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા તો છેક નાગેશ્રી, રાજુલા, સાવરકુંડલાથી લઇ ખાંભા, ધારી અને બગસરા પંથકમા પણ સાવજો વસે છે.
વનવિભાગની સતત દેખરેખ

લીલીયા અને અમરેલી પંથકમા નવા સિંહબાળના જન્મને લઇને વનતંત્ર પણ સચેત છે. આ તમામ સિંહબાળ અને તેની માતાનુ વનતંત્ર રોજેરોજ લોકેશન મેળવે છે. અને તેની મુવમેન્ટ પણ દેખરેખ રાખે છે. જરૂર પડયે સિંહના બચ્ચાઓની સારવાર પણ કરાઇ રહી છે. તંત્રની સતત દેખરેખના કારણે જ દસ બચ્ચા જીવિત છે અન્યથા સાવજોના 50 ટકા બચ્ચા પણ ભાગ્યે જ જીવે છે. 

લોકજાગૃતિ કેળવવા સતત પ્રયાસ

આમપણ આ વિસ્તારના લોકો સિંહપ્રેમી છે અને સાવજોની સતત ચિંતા કરતા રહે છે. વનવિભાગ દ્વારા પણ સાવજોની રક્ષા માટે લોકોને જાગૃત કરાતા રહે છે. બચ્ચાવાળી સિંહણથી કેમ દુર રહેવુ, સાવજો બિમાર દેખાય તો વનતંત્રને જાણ કરવી, સિંહ દર્શન માટે લોકોને એકઠા ન કરવા, સાવજોનો સામનો થાય તો કઇ રીતે વર્તવુ વિગેરે ઠેરઠેર શિબિર કરી લોકોને માહિતી અપાય છે.

ધારીના ગોપાલગ્રામમાં ફરી સિંહોનો આંતક, ગાયનું કર્યું મારણ

Jaydev varu, Amreli | Jan 17, 2017, 01:21 AM IST

 • ગામમાં ઘુસી ગયા હતાં અને ભર બજારે એક ગાયનું મારણ કર્યુ હતું.
અમરેલી: અમરેલી જીલ્લામાં રાજુલા-જાફરાબાદ વિસ્તાર હોય કે લીલીયા-સાવરકુંડલા વિસ્તાર કે પછી અમરેલી-ધારી અને ખાંભાનો વિસ્તાર હોય રેવન્યુ વિસ્તારમાં ઠેર ઠેર સાવજો પથરાયેલા છે. જંગલમાં વસતા સાવજો વન્ય પ્રાણીઓ પર વધુ આધારીત હોય છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો વન્ય પ્રાણીઓ ઉપરાંત પાલતુ પશુઓનો પણ શિકાર કરતા રહે છે. ખાસ કરીને આ સાવજો કોઇ ગામમાં ઘુસી જાય ત્યારે ભારે ફફડાટ ફેલાઇ છે. 
 
માલધારીના જોકમાં ચાર ઘેંટાને પણ ઇજાગ્રસ્ત કરી દીધા
 
ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામમાં થોડા દિવસો પહેલા સાવજો દેખાયા બાદ ગઇરાત્રે ફરી અહીં સાવજો આવ્યા હતાં. ગામલોકોના જણાવ્યા અનુસાર અહીં વહેલી સવારે ચાર સાવજો ગામમાં ઘુસી ગયા હતાં અને ભર બજારે એક ગાયનું મારણ કર્યુ હતું. આ ઉપરાંત એક માલધારીના જોકમાં ચાર ઘેંટાને પણ ઇજાગ્રસ્ત કરી દીધા હતાં. આ વિસ્તારમાં અવાર નવાર સાવજો ચડી આવતા હોય લોકોમાં ફફડાટ છે. હજુ બે દિવસ પહેલા જ સાવજો ગામમાં ઘુસી ગયા હતા.

ખાંભાના ડેડાણની સીમમાં મહિલા પર દીપડાનો હુમલો

DivyaBhaskar News Network | Jan 14, 2017, 02:35 AM IST
ગીરકાંઠાનાગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર સિંહ, દિપડા વાડી ખેતરોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ગઇકાલે અહીના ડેડાણ ગામે આવેલ એક ખેતરમા કપાસ વિણવાનુ કામ કરી રહેલા શાંતાબેન બાબુભાઇ સોલંકી (ઉ.વ.55) નામની મહિલાને અહી ધસી આવેલા દિપડાએ હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. શાંતાબેને રાડારાડ કરી મુકતા આસપાસના લોકોએ હાકલા પડકારા કરતા દિપડો નાસી છુટયો હતો.

ઘાયલ મહિલાને પ્રથમ સારવાર માટે ખાંભા અને બાદમા વધુ સારવાર માટે અમરેલી દવાખાને રિફર કરવામા આવ્યા હતા.

તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરાયો

DivyaBhaskar News Network | Jan 10, 2017, 05:40 AM IST
ઘાયલ પક્ષી જોવા મળે તો વનવિભાગ કે પર્યાવરણ સંસ્થાને જાણ કરવી

પક્ષીનાં વિહાર સમયે પતંગ ઉડાડવા સાવચેતી રાખવી

ઉતરાયણપર્વ નજીકમા છે. મોટી સંખ્યામા સ્થાનિક લોકો સિન્થેટીક દોરાથી પતંગ ચગાવતા હોય છે. દોરાથી માણસો તેમજ અબોલ પક્ષીઓને ઇજા થવાની સંભાવના રહે છે. પક્ષીઓની પાંખો પણ કપાઇ જાય છે. કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓને ઇજા થાય તેવા કોઇપણ પ્રકારના બનાવો બને તે માટે તકેદારી રાખવા પગલા લેવા વનવિભાગે અનુરોધ કર્યો છે. અમરેલીના સામાજીક વનવિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતુ કે આયાતી, ચાઇનીઝ પ્લાસ્ટિકના દોરાના ઉપયોગ પતંગ ઉડાડવા માટે કરીએ તથા તેવા દોરાની ખરીદી કરીને, માનવી અને પક્ષીઓને થતી ઇજાઓથી બચાવી શકાય અને પર્યાવરણનુ રક્ષણ કરી શકીએ. પક્ષીઓના વિહાર સમયે સવારે 6 થી 8 અને માળામા પરત ફરવાના સમયે એટલે કે સાંજે 5 થી 7 કલાક દરમિયાન પતંગો ઉડાડવામા સાવચેતી કે તકેદારી રાખવી જોઇએ. આમ છતા કયાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક પશુ દવાખાને લઇ જવા જોઇએ. પર્યાવરણપ્રેમી સંસ્થા કે વ્યકિતને અથવા તો વનવિભાગ અમરેલીને વન્યપ્રાણી કંટ્રોલરૂમ નંબર (02792-226984) પર જાણ કરવા અનુરોધ કરાયો છે.

અમરેલી: સિંહણે 3 સિંહબાળને આપ્યો જન્મ, 2 દિ'માં બે સાવજોના મોત

Bhaskar News, Amreli | Jan 07, 2017, 01:10 AM IST

  અમરેલી: સિંહણે 3 સિંહબાળને આપ્યો જન્મ, 2 દિ'માં બે સાવજોના મોત, amreli news in gujarati
અમરેલી:અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પૈકી બે દિવસમાં બે સાવજના મોતની ઘટના બહાર આવી છે. જે પૈકી એકનું ઇન્ફેકશનના કારણે મોત થયું હતું. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ સીજણટીંબા દોડી ગયો હતો. સીંહબાળના મોતની આ ઘટના ગઇકાલે લીલીયા તાલુકાના સાજણટીંબા ગામની સીમમાં બની હતી. 

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાજણટીંબા ગામની સીમમાં એક સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે. હાલમાં આ સિંહબાળ દસેક દિવસના હોવાનું કહેવાય છે. જો કે ત્રણ પૈકી એક સિંહબાળનું ગઇકાલે મોત થઇ ગયું હતું.વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ સિંહબાળના જન્મ બાદ તેની નાળ ખરી ન હતી. જેના કારણે તેમાં ઇન્ફેકશન ફેલાઇ જતા તેનું મોત થયું હતું. તંત્રએ આ સિંહબાળનો મૃતદેહ કબજે લઇ તેનો નિકાલ કર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ધારીના વિરપુર પંથકની સિંહણનું પણ જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિંહણ વૃધ્ધ થઇ ગઇ હતી. અને થોડા દિવસ પહેલા વિરપુર ગામમાં ઘુસી ગઇ હતી જ્યાં તેણે ભરબજારે એક વાછરડીનું મારણ કર્યુ હતું. મારણ કર્યા બાદ મારણ પરથી કોઇ કાળે નહી હટવાની તેને આદત હતી. બે દિવસમાં બે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમાં ફફડાટ ફેલોયો છે.

ખાંભામાં ઘરની દીવાલ કૂદી દીપડાએ બકરાનું મારણ કર્યું

Bhaskar News, Khambah | Jan 07, 2017, 01:04 AM IST

  ખાંભામાં ઘરની દીવાલ કૂદી દીપડાએ બકરાનું મારણ કર્યું, amreli news in gujarati
ખાંભા: ખાંભાના મિતીયાળા રોડ વિસ્તારમાં રહેતા એક માલધારીના ઘરમાં ઘુસી દીપડાએ મારણ કર્યું હતું અને મિજબાની માણે તે પેહલા જ ઘરધણી જાગી જતા દીપડો મારણ મૂકી ભાગ્યો હતો ત્યારે આ અંગે વિસ્તારના અન્ય રહીશોને સવારે જાણ થતા દીપડાના ડર થી ફફડાટ ફેલાયો હતો.

જાણવા મળતી વિગત પ્રમાણે ખાંભાના મિતિયાળા રોડ ઉપર હકાભાઈ ડફેર પરિવાર સાથે રહે છે  આ પરિવાર વર્ષોથી બકરાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે  ગત રાત્રીના આ પરિવારના સભ્યો ઘરમાં સુતા હતા અને તેના બકરા ઘરમાં આવેલા જોકમાં હતા ત્યારે આ જોકની દીવાલ ઉપર ચડી એક દીપડાએ પ્રવેશ કર્યો અને જોકમાં જ એક બકરાનું મારણ કર્યું હતું ત્યારે અન્ય બકરાના ડરના કારણે ફફડવાનો અવાજ આવતા પરિવારના સભ્યો જાગી ગયા હતા અને જોકમાં જોયું તો દીપડો બકરાનું મારણ કરી મિજબાનીની તૈયારી કરી રહ્યો હતો હાંકલા પડકાર કરતા દીપડો જ્યાંથી દીવાલ કૂદી ને આવ્યો હતો ત્યાંથી પાછો ચડીને ભાગ્યો હતો.

આ ઘટના અંગે વનવિભાગ ને જાણ કરાતા તેઓએ સ્થળ તાપસ કરી હતી. આ વિસ્તારના લોકો ને આ ઘટના અંગે જાણ થતા અન્ય રહીશોમાં ડરના માર્યા ફફડાટ જોવા મળી રહ્યો છે . લોકો દીપડા ને પાંજરે પુરવા ની માંગ કરી રહ્યા છે. રાની પશુઓનાં રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે વન વિભાગે સર્તકતા દાખવવી જોઇએ.

અગાઉ પણ એક વખત મારણ કર્યુ હતું

આ માલધારી હકાભાઈના જાણવીયા પ્રમાણે દીપડો પેહલી વાર તેમના ઘરમાં પડ્યો નથી આ  આગવ પણ દીપડો આવી જ રીતે દીવાલ કૂદી તેમની જોકમાં પડ્યો છે ત્યારે આગવ દીપડાને પકડવા પાંજરું મારણ સાથે ગોઠવવામાં આવ્યું હતું પરંતુ દીપડો મારણ લઇ જતો રહ્યો હતો અને દીપડો પકડાયો ન હતો.

અમરેલી તાલુકાનાં બાબાપુર ગામે કપીરાજનાં આંટાફેરા

DivyaBhaskar News Network | Jan 05, 2017, 04:40 AM IST

  અમરેલી તાલુકાનાં બાબાપુર ગામે કપીરાજનાં આંટાફેરા, amreli news in gujarati
કપીરાજને જોવા નાના બાળકોથી લઇ મોટેરાઓ ટોળે વળે છે

અમરેલીતાલુકાના બાબાપુર ગામની સીમમાં અનેક સાવજો તો વસવાટ કરી રહ્યાં છે. અવારનવાર સાવજો ગામના પાદર સુધી આંટાફેરા મારે છે. જો કે અહી બે દિવસથી બાબાપુર, વાંકીયા અને તરવડામા એક કપીરાજ પણ આંટાફેરા મારી રહ્યો હોય લોકો કપીરાજને જોવા એકઠા થઇ જાય છે. બાબાપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા છેલ્લા ઘણા સમયથી અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત સાવજો ગામના પાદર સુધી આવી ચડે છે. જેને પગલે લોકો સિંહ દર્શનનો પણ લ્હાવો લેતા હોય છે. ત્યારે અહી બે દિવસથી જંગલ વિસ્તારમાથી એક કપીરાજ પણ આવી ચડયા છે. કપીરાજ બાબાપુરની શેરીઓમા આંટાફેરા મારી રહ્યો હોય તેને જોવા નાના બાળકોથી લઇ મોટેરાઓ ટોળે વળી રહ્યાં છે અને કપીરાજને ખાવાનુ પણ આપી રહ્યાં છે. કપીરાજ બાબાપુર ઉપરાંત વાંકીયા, તરવડા સહિતના ગામોમા પણ આમથી તેમ આંટાફેરા મારતો જોવા મળી રહ્યો છે.

કપિરાજને પાંજરે પુરવા ગ્રામજનોએ કરી માંગ તસ્વીર-ભાસ્કર

ધારીના વીરપુરમાં મારણ કરનાર સિંહણનું મોત,વાઇરલ થયો હતો વીડિયો

ધારીના વીરપુરમાં મારણ કરનાર સિંહણનું મોત,વાઇરલ થયો હતો વીડિયો, amreli news in gujarati Bhaskar News, Amreli | Jan 06, 2017, 02:02 AM IST

અમરેલીઃ તાજેતરમા ધારી તાલુકાના વિરપુર ગામની ભર બજારે એક વૃધ્ધ સિંહણે વાછરડીનુ મારણ કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ સિંહણને જસાધારના એનીમલ કેર સેન્ટરમા રખાઇ હતી પરંતુ ગઇકાલે તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજ પરિવારની એક સિંહણનુ મોત થયાનુ બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા ધારીના વિરપુર ગામે આ સિંહણ બજારમા આવી ચડી હતી અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. ધોળા દિવસે તેણે આ મારણ કર્યુ હોય જોતજોતામા ગામ લોકો એકઠા થઇ ગયા હતા અને વનવિભાગને પણ જાણ કરવામા આવી હતી. વનવિભાગના સ્ટાફે મહામુસીબતે આ સિંહણને ગામ બહારખસેડી હતી.

આ દરમિયાન તેની પાછળ ગાડી દોડાવાતા અને લાકડી મારવાનો પ્રયાસ થતા વિવાદ પણ સર્જાયો હતો. મારણ પરથી નહી હટવાની આદત ધરાવતી આ સિંહણને વનતંત્રએ પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી હતી. ગઇકાલે આ સિંહણુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. જેને પગલે સિંહપ્રેમીઓને આંચકો લાગ્યો હતો.  આ સિંહણ મારણ કરી મારણ પર બેસી રહેવાની આદત ધરાવતી હતી.

ડેડાણની સીમમાં દસ ફુટ લાંબો અજગર ચડી આવ્યો

DivyaBhaskar News Network | Jan 06, 2017, 03:40 AM IST

  ડેડાણની સીમમાં દસ ફુટ લાંબો અજગર ચડી આવ્યો, amreli news in gujarati
તંત્રએ કલાકની જહેમત બાદ અજગરને પકડી સલામત સ્થળે મુકત કર્યો

અમરેલીજિલ્લામા ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા વાડી ખેતરોમા અજગરોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ત્યારે ખાંભા તાબાના ડેડાણ ગામની સીમમા દસ ફુટ લાંબો અજગર ચડી આવતા વનવિભાગે અજગરને પકડીને સલામત રીતે જંગલમા મુકત કર્યો હતો.

ડેડાણના રેવન્યુ વિસ્તથારમા મહેશભાઇ સામતભાઇ કોટીલાની વાડીમા ગઇકાલે દસ ફુટ લાંબો અજગર ચડી આવ્યો હતો. અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગના રેસ્કયુ ટીમના સાહિદખાન પઠાણ અને ટીમના મુકેશ પલાસ, રાજની દેવેરા સહિત અહી દોડી આવ્યા હતા અને રેસ્કયુ હાથ ધરી એક કલાકની જહેમત બાદ અજગરને સલામત રીતે પકડી પાડયો હતો. અજગરને વનવિભાગે અનામત વિડીમા સુરક્ષિત મુકત કરી દેતા વાડી ખેતરોમા કામ કરતા મજુરો અને ખેડૂતોએ રાહત અનુભવી હતી.

10 ફુટ લાંબા અજગરને પકડી સલામત સ્થાને ખસેડાયો તસ્વીર-પૃથ્વી રાઠોડ

ગીર ગઢડા વિસ્તારના વાડી વિસ્તારમાંથી મળ્યું સિંહબાળ, પરિવાર સાથે કરાવ્યુ મિલન

Jayesh Gondhiya, Una | Jan 04, 2017, 02:23 AM IST

 • મળી આવેલું સિંહબાળ
ઉનાઃનાધેર પંથક જંગલ બોર્ડરની નજીક આવેલ હોય તેમાંય ગીરગઢડા પંથકનાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તાર ગીર જંગલની બોર્ડર નજીક આવેલ હોવાથી વારંવાર સિંહ તેમનાં પરિવાર સાથે માનવ વસાહતમાં આવી જતાં હોય છે. ત્યારે બે દિવસ પહેલા એક સિંહ પરિવાર ગીરગઢડા તાલુકાનાં જુના ઉગલા તરફ આવી ગયેલ અને એક વાડીમાં તેમનું સિંહબાળ વિખુટુ પડી ગયેલ હોય વનવિભાગને આ અંગેની જાણ થતા મંગળવાર સાંજનાં સમયે આ સિંહબાળનું તેમની માતા સાથે મિલન કરાવી આપી રાહતનો શ્વાસ લીધો હતો.
 
ગીરગઢડા તાલુકાનાં જુનાઉગલા ગામની સીમમાં મેઘાભાઇ નથુભાઇની વાડી આવેલ હોય અને વાડીમાં ઘઉંનું વાવેતર કર્યુ હોય અને તેમનાં પુત્રો વાડીમાં પાણીવાળતા હોય એ વખતે અચાનક વાડીમાં એક બે થી ત્રણ માસનું નાનું સિંહબાળ આંટા મારતું હોય અને આસપાસ તેમનો પરિવાર નજરે ચઢતો ન હોય અને સિંહબાળ પણ હાંફળુ ફાંફળુ વાડીમાં ફરતુ હોવાથી એવો અંદાજ આવી ગયેલ હતો કે તે વિખુટુ પડી ગયેલ છે.
 
આ અંગેની જાણ પ્રથમ જુના ઉગલા ગામનાં અગ્રણી બાલુભાઇ કિડેચાને જાણ કરતા તેમણે તાત્કાલીક જશાધાર રેન્જનાં આરએફઓ પંડયાને કરતા તેમણે રેસ્કયું ટીમનાં પ્રતાપભાઇ ખુમાણ, બ્લોચભાઇ સહિતનાંને સાથે રાખી સિંહબાળનો સહી સલામત કબજો મેળવી આ સિંહબાળ તેમનાં પરિવારથી  વિખુટી પડી ગયેલ હોય તેમનાં પરિવારને શોધવા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તાર જેવા કે નવા ઉગલા, ખિલાવડ, ફાટસર, ગુંદાળા સહિતનાં ગામોમાં વનવિભાગનાં અધિકારી તેમજ સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલ હતું.
સિંહ - સિંહણ સહિત આઠ બચ્ચાં હતાં
આ ગૃપમાં સિંહ-સિંહણ અને આઠ બચ્ચા હતાં. નથુભાઇની વાડીમાં હજુ પણ સિંહ પરિવારે ધામા નાંખ્યા હોવાનું વનસુત્રોમાંથી  જાણવા મળ્યું છે.
 
તસવીરોઃ જયેશ ગોંધિયા

અબોલ બીમાર પશુઓને રઝળતા જોઇ પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સનું દાન

Bhaskar News, Khambha | Jan 02, 2017, 01:16 AM IST
ખાંભાઃ ખાંભામા અજમેરા પરિવારની દિકરી અને બગસરા ખાતે સાસરે અને હાલ મુંબઇને કર્મભુમિ બનાવી એવા ગાઠાણી પરિવાર દ્વારા ખાંભામા રખડતા ભટકતા પશુઓને સમયસર સારવાર મળી રહે તેવા હેતુથી પશુ એમ્બ્યુલન્સનુ દાન કરી સેવાકીય કાર્યનો આરંભ કર્યો છે.ઇલાબેન ચંદ્રકાંતભાઇ ગાઠાણીએ ખાંભા શહેરમા રખડતા ભટકતા પશુઓને સમયસર સારવાર મળી રહે અને તેની જીંદગી બચી શકે તેવા ઉમદા હેતુથી પોતાની જન્મભુમિમા પશુ એમ્બ્યુલન્સનુ દાન કર્યુ છે.

તેમના પુત્ર ભાવિન ગાઠાણી મુંબઇ ખાતે કરૂણા નામની સંસ્થા ચલાવે છે અને આ સંસ્થા વર્ષોથી અબોલ પશુઓની વિનામુલ્યે સારવાર કરે છે. આ પરિવાર જયારે ખાંભા આવતો ત્યારે અહી અનેક પશુઓ બિમાર હાલતમા આંટાફેરા મારતા જોઇ તેમને અહી પશુ એમ્બ્યુલન્સ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. ભાવિનભાઇ ગાઠાણીએ જણાવ્યું હતુ કે આ સેવા અવિરત શરૂ રહે તે માટે અહીના રાણેશ્વર ગૃપની સેવાકીય પ્રવૃતિ નિહાળી ગૃપના કશ્યપભાઇ પંડયાને જવાબદારી સોંપવામા આવી છે. આ પશુ એમ્બ્યુલન્સમા એક ડોકટર, એક હેલ્પર અને એક ડ્રાઇવર તમામ પ્રકારની પશુ માટેના સારવારના સાધનો અને દવાઓ સાથે દોડશે.
 
સંસ્થા દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ
ખાંભામા હરતા ફરતા પશુ એમ્બ્યુલન્સનુ સંચાલન કરવાના છે તે હેતુથી કશ્યપભાઇ પંડયાએ જણાવ્યું હતુ કે મને આ સેવા કરવાનો જે મોકો મળ્યો છે તે બરોબર નિભાવીશ. આ પશુ એમ્બ્યુલન્સનો લાભ લેવા માટે આ સંસ્થા દ્વારા બે હેલ્પલાઇન નંબર શરૂ કરવામા આવ્યા છે જે 96876-16108 અને 94285-59002 રાખેલ છે. આ હેલ્પ લાઇન સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

સેવાનું સપનું સાકાર થયું: ઇલાબેન
દાતા ઇલાબેન ગાઠાણીએ જણાવ્યું હતુ કે જયારે હું અને મારો પરિવાર ખાંભા આવતા ત્યારે અનેક અબોલ પશુઓ બિમાર હાલતમા જોતા ત્યારે જ મનોમન આ સેવા શરૂ કરવા નક્કી કર્યુ હતુ. જે સપનુ આજે સાકાર થયુ છે.

રાજૂલા વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો, બેની અટકાયત

 Jaidev Varu, Rajula | Jan 03, 2017, 02:44 AM IST

 અમરેલીઃ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો માટે જોખમ પણ ઘણુ છે. આજે રાજુલાના બારપટોળી-ભટ્ટવદર રોડ પર એક ખેડૂતની વાડીના કુવામાંથી વનતંત્રને સિંહણનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. કોઇ જગ્યાએ ફાસલો મુકાતા તેમાં ફસાઇને સિંહણનું મોત થયા બાદ અજાણ્યા શખ્સો આ ખેડૂતની વાડીના કુવામાં લાશ નાખી ગયા હતાં.

વન વિભાગે જવાબદારોની શોધખોળ શરૂ કરી છે. રાજુલાના જુની બારપટોળી-ભટ્ટવદર રોડ પર દિલુભાઇ માનજીભાઇ તાલડાની વાડીના કુવામાં એક સિંહણનો મૃતદેહ હોવાની બાતમી વન વિભાગને મળી હતી. કુવામાંથી દુર્ગંધ આવતી હોય વાડી માલીકના પુત્ર અનવરભાઇએ જ તેમને જાણ કરી હતી. જેને પગલે આરએફઓ સી.બી. ધાંધીયા, ફોરેસ્ટર ડી.આર. રાજ્યગુરૂ તથા રેસ્ક્યુ ટીમના સભ્યો અહીં દોડી ગયા હતાં.

કુવામાં સિંહણનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હોય ભારે દુર્ગંધ મારતો હતો અને મહા મુસીબતે તેને બહાર કઢાયો હતો. બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં વેટરનરી ડોક્ટર દેસાઇ અને ઠાકર દ્વારા પીએમ કરાયુ હતું. પ્રાથમિક તપાસમાં આ સિંહણનું કોઇ જગ્યાએ ફાસલામાં ફસાઇ જતા મોત થયાનું ખુલ્યુ હતું. બાદમાં કોઇએ આ ગુનો છુપાવવા માટે આ ખેડૂતની વાડીમાં આવી કુવામાં સિંહણની લાશ નાખી દીધી હતી.
બે શખ્સોની પુછપરછ શરૂ કરાઇ
દેશની અમુલ્ય ધરોહર સમા ગીરનાં સાવજના કમોતની ઘટના અંગે હજુ વનતંત્ર હવામાં બાચકા ભરી રહ્યુ છે. મોડેથી જાણવા મળતી વિગત અનુસાર વન વિભાગે આ અંગે બે શખ્સોને ઉપાડી જઇ પુછપરછ શરૂ કરી છે. તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
 
સિંહણનાં બે બચ્ચાની શોધખોળ
દરમીયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ વિસ્તારમાં રખડતી આ સિંહણને બે બચ્ચા પણ હતાં. જે હાલમાં ક્યાય નઝરે પડયા ન હતાં. વન વિભાગે બન્ને બચ્ચાની પણ શોધખોળ શરૂ કરી છે. સિંહણ ભટ્ટવદર અને બારપટોળી પંથકમાં પ્રખ્યાત હતી.

રાયડીમાં સિંહ- દિપડાનાં આંટાફેરાથી લોકોમાં ભય

DivyaBhaskar News Network | Jan 01, 2017, 05:40 AM IST
વાડી ખેતરોમાં જતા ખેડૂતો અને મજુરોમાં ફફડાટ

ખાંભાતાબાના રાયડી ગામ આસપાસ છેલ્લા ઘણા સમયથી સિંહ અને દિપડાના આંટાફેરાથી ગ્રામજનોમા ભય જોવા મળી રહ્યો છે. અહી થોડા દિવસ પહેલા સાવજોએ બે પશુઓને ફાડી ખાધા હતા ત્યારે અહી આંટાફેરા મારતા દિપડા અને સાવજોને જંગલ તરફ ખસેડવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. રાયડી ગામ આસપાસ છેલ્લા કેટલાક સમયથી સાવજો અને દિપડાના આંટાફેરાના કારણે ગ્રામજનોમા ભય ફેલાયો છે. અહી થોડા દિવસ પહેલા સાવજોએ એક ગાય અને એક વાછરડીનુ મારણ કરતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. ત્યારે અહી સિંહ અને દિપડાના આંટાફેરા વધી રહ્યાં હોય વાડી ખેતરોમા કામ કરતા ખેડૂતો અને મજુરોમા પણ ભય જોવા મળી રહ્યો છે. અહી વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેમજ સાવજો અને દિપડાને જંગલ તરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.