Saturday, March 30, 2013

ધારી તાલુકાના ખીચા ગામના પટેલ ખેડૂતના ઘરે વિવિધ પક્ષીઓનો ઉછેર.


ધારી, તા.ર૪
ધારી તાલુકાના ખીચા ગામના પાદરમાં વાડી ધરાવતા ખેડૂતોને ત્યાં જાત જાતના પક્ષીઓના છે આશ્રયસ્થાનો. અલગ અલગ જાતના માળાઓ જેમાં ઉછેર થઈ રહ્યો છે વિભિન્ન પક્ષીઓનો. અનેક જગ્યાએ માળા બાંધ્યા હોવા છતાં ખેડૂતોના કોમળ હૃદય પણ એવા છે કે પોતાની અગવડતા ન ગણી અને અન્ય સગવડ ઉભી કરી પક્ષીઓને પણ ઉજેરવામાં મદદરૂપ થવાય છે.
  • માટીના માળામાં બચ્ચા, મીટર બોક્ષ પર ઈંડા સેવતા હોલા ને ઈલે.પીન પર સનબર્ડે કરેલો માળો
વિશ્વ ચકલી દિવસની જયારે જોર શોરથી ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે વાત કરવાની છે ખરા પક્ષીપ્રેમી એવા ખેડૂત પરિવારની...ખીચા ગામની નદી કાંઠે આવેલી બુહા પરિવારની વાડીમાં રહેતા રાજેશભાઈ પરસોતમભાઈ બુહા જેના ઘરે છત પર છે માટીનો માળો. પોતાની લાળ દ્વારા આખા માળાની રચના કરતા અબાલી (સ્વીફટ) પક્ષીએ કર્યો છે. બચ્ચાનો ઉછેર જવેની ચીચીયારીથી વાતાવરણ ગુંજી ઉઠે છે. તો ફળીયાના ટોયલેટ અને બાથરૂમ બહાર પ્લગમાં ઘુસાડેલી પીનના લટકતા જીવતા વીજ વાયર પર સક્કરખોરો(સનબર્ડ) દ્વારા માળાનું નિર્માણ થઈ રહ્યું છે.
 વળી માળીયામાં ઘર ચકલીના માળા અને ઉછરી રહ્યા છે બચ્ચા. પરિવારજનો ઈલે.વાયર પર માળાનું સર્જન થતા લાઈટ શરૂ નથી કરતા અને પક્ષીઓને ખોરાક,પાણી સહિતની વ્યવસ્થા કરી આપે છે માતૃત્વની હુંફ. જયારે આજવાડીમાં રહેતા અન્ય કુટુંબી ચતુરભાઈ શંભુભાઈ બુહાના ઘર અંદરના પતરાના ઢાળીયામાં એક ઈલે.મીટર બોક્ષ પર હોલાએ માળો બનાવી ઈંડા સેવવાના શરૂ કર્યા છે.જેનું પણ જતન થઈ રહ્યું છે ત્યારે બુહા પરિવાર દ્વારા પક્ષીઓનો નિઃસ્વાર્થ ભાવે ઉછેર અન્યો માટે પ્રેરણારૂપ છે.
http://www.sandesh.com/article.aspx?newsid=127692

ગીરમાં પાનખરમાં ગુલાબી પાંદડામાં હોળી રમતા સાવજો.

  Bhaskar News  |  Mar 27, 2013, 00:34AM IST
ગીરમાં પાનખરમાં ગુલાબી પાંદડામાં હોળી રમતા સાવજો
ગુલાબી કલરનાં પાંદડાથી રંગીન બનેલી ગિરની ધરા ઉપર વનરાજો આળોટી જાણે કે ધુળેટીનો તહેવાર ગુલાબી કલર સાથે ઉજવી રહ્યા હોય એવો સિંહ બાળ સાથે સિંહણની તસ્વીર ડીએફઓ ડૉ. સંદપિકુમારે કેમેરામાં આબાદ ઝડપી લીધી હતી. કહેવાય છે કે ગિરમાં દરેક ઋતુ પ્રમાણે થતાં ફેરફારોની ‘મજા’ સાવજો લેતા હોય છે. તો ધુળેટીના રંગમાં રંગાવા વનરાજ ગુલાબી ચાદરમાં જઇ બેસી ગયા..... જુઓ વનરાજાની ધુળેટી.
ગીરમાં પાનખરમાં ગુલાબી પાંદડામાં હોળી રમતા સાવજો
ધુળેટીનો તહેવાર દરેક દિલોમાં રંગોથી રમવાની ઇચ્છા લઇને આવે છે. રંગોની મોહકતામાં પ્રત્યેક જીવ મોહિત બની જતો હોય છે. ગિરનાં જંગલમાં અત્યારે ‘પાનખર’ ચાલુ છે. જંગલમાં થતા વિવિધ પ્રકારનાં વૃક્ષોમાં ગુલાબી પાંદડા ધરાવતા વૃક્ષો પણ છે. આ વૃક્ષોમાંથી પાન નીચે ખરતાં જમીન ઉપર ગુલાબી ચાદર પથરાઇ જાય છે. અને ગિરનો રાજા સિંહ આ ગુલાબી રંગનો દિવાનો પણ હોય છે.
તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા

જુનાગઢ: શાળામાં ઘૂસી આવ્યો કોબ્રા, ને મચી ગઇ નાસભાગ.


જુનાગઢ: શાળામાં ઘૂસી આવ્યો કોબ્રા, ને મચી ગઇ નાસભાગ
Indravadansinh Jhala, junagadh  |  Mar 25, 2013, 10:49AM IST- શાળાનાં જ વિદ્યાર્થીએ પકડી સલામત રીતે છોડી મૂક્યો

જૂનાગઢની એકલવ્ય સ્કૂલમાં ગત રાત્રિનાં કોબરા સાપ ઘુસી ગયો હતો. જે અંગે શાળાનાં વિદ્યાર્થીઓને જાણ થતા તેને ઝડપી લઇ સલામત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. એક તબક્કે શાળામાં સાપ ઘૂસી આવ્યાની ઘટનાએ શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

શાળામાં ઘૂસી ગયેલા કોબ્રા સાપને પકડવા હાથ ધરાયેલા ઓપરેશનની તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: મિલાપ અગ્રાવત

જૂનાગઢમાં ૫૦ મરઘાનો શિકાર કરનારો દીપડો પાંજરે પૂરાયો.


Bhaskar News, Junagadh | Mar 25, 2013, 00:20AM IST
- જંગલ નજીકનાં વિસ્તારમાં વન્ય પ્રાણીનાં આંટાફેરા વધતા લોકોમાં ભય

જંગલ નજીકનાં વિસ્તારમાં વન્ય પ્રાણીની અવર જવર વધી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ગતરાત્રીનાં જૂનાગઢનાં સોનાપુરી સ્મશાન પાસે આવેલા મરઘા ફાર્મમાં દીપડો આવી ચડ્યો હતી . આ દીપડાએ ૫૦ જેટલા મરઘાનો શિકાર કર્યો હતો. બાદ વન વિભાગે પાંજરૂ મુકતા દીપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢ શહેર જંગલ વિસ્તારની તદ્ન નજીક આવેલુ છે.  પરીણામાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શહેરનાં રહેણાક વિસ્તારમાં આવી પડતા હોય છે. ખાસ કરીને દીપડાનાં આવવાનાં બનાવ વધુ બનતા રહે છે. દીપડા કુતરા  કે બકરાનો શિકાર કરી ફરી જંગલમાં જતા રહે છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જંગલ નજીક વિસ્તારનાં શહેરમાં વન્ય પ્રાણીઓનાં આટાફેરા વધી ગયા છે.  ત્યારે ગત રાત્રીનાં જંગલ વિસ્તારથી તદ્ન નજીક આવેલા સોનાપુર સ્મશાન પાસે આવેલા હારૂણભાઇ દુરવેશભાઇનાં મરઘા ફાર્મમાં એક દીપડો ચડી આવ્યો હતો. આ દીપડાએ ૫૦ જેટલા મરઘાનો શિકાર કર્યો હતો. જેની જાણ વન વિભાગને કરતા દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂનાં માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.

આ બનાવની તપાસ કરી હતી.આ વિસ્તારમાં પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. દીપડો ફરી શિકાર કરવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. પાંજરા સાથે દીપડાનો કબ્જો સંભાળી લીધો હતો. સુરજ કુડ પાસે છોડી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં દીપડાની અવર જવર થી લોકોમાં ભય ફેલાયો છે.

- મેઘાણીનગરમાં દીપડો ચડી આવ્યો

જંગલ વિસ્તાર આવેલા મેઘાણીનગરમાં આજે સાંજનાં દીપડો આવી ચડ્યો હતો. દીપડાને જોવા ટોળા ઉમટી પડ્યા હતા. ટોળા જોઇ જંગલમાં નાસી ગયો હતો.

લાસા નજીક મધમાખીના ઝૂંડે હુમલો કરતા ચારને ઇજા.


Bhaskar News, Khambha | Mar 30, 2013, 02:25AM IST
- જંગલી મધમાખીઓના હુમલાની વધતી જતી ઘટનાઓ

ખાંભા પંથકમાં જંગલી મધમાખીઓનો ઉપદ્વવ દિનપ્રતિદિન વધી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ મધમાખીઓના ઝુંડે બે સ્થળે હુમલો કરી ૧૬ લોકોને ઘાયલ કરી દીધા હતા. ત્યારે આજે વધુ એક સ્થળે આવા જ હુમલામાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

મધમાખીઓના ઝુંડની આ ઘટના ખાંભા તાલુકાના લાસા ગામ નજીક બની હતી. જ્યાં લાસાના બે અને તાતણીયાના બે એમ ચાર વાહન ચાલકોને મધમાખીના ઝુંડે નિશાન બનાવ્યા હતા. તાતણીયાના નિતીનભાઇ ગોવિંદભાઇ તથા અનુબેન નિતીનભાઇ મોટર સાયકલ પર જઇ રહ્યાં હતા ત્યારે મધમાખીનું ઝુંડ તેમના પર તુટી પડયુ હતુ અને બંનેને ઘાયલ કરી દેતા સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને ખસેડાયા હતા. અને ત્યાંથી બંનેને વધુ સારવાર માટે સાવરકુંડલા રફિર કરાયા હતા.

આવી જ એક અન્ય ઘટનામાં લાસા ગામના દિલીપભાઇ ભગવાનભાઇ અને ગીરીશભાઇ ઘુસાભાઇ પોતાનું મોટર સાયકલ લઇ આ જ સ્થળેથી પસાર થતા હતા ત્યારે મધમાખીના ઝુંડે તેમને પણ નિશાન બનાવતા બંનેને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતા. આમ એક સપ્તાહના ટુંકા ગાળામાં મધમાખીના હુમલામાં કુલ ૨૦ વ્યક્તિને ઇજા પહોંચી હતી.

ઉચૈયાની સીમમાં ચાર સાવજોએ ત્રણ પશુને ફાડી ખાધા.


Bhaskar News, Rajula | Mar 28, 2013, 23:44PM IST
રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવજો શિકારની શોધમાં આમથી તેમ ભટકતા રહે છે અને અવાર નવાર પશુઓના મારણની ઘટના બહાર આવતી રહે છે. રાજુલા તાલુકાના ઉચૈયા ગામની સીમમાં ચાર સાવજોના ટોળાએ એક સાથે ત્રણ નિલગાયને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની સતત હાજરીથી લોકોમાં ફફડાટ છે. ખાસ કરીને શિકારની શોધમાં નિકળેલા ભુખ્યા સાવજો ગમે ત્યારે ઉપયોગી પશુઓનો શિકાર કરતા હોય છે. માલધારીઓ ફફડે છે. રાજુલાના ઉચૈયાની સીમમાં ચાર સાવજોના ટોળાએ ધામા નાખ્યા છે.

આ ચાર સાવજો દ્વારા ગઇકાલે મોડી સાંજે ગામના પાદરમાં જ એક નિલગાયનું મારણ કરવામાં આવ્યુ હતું અને ત્યાંથી થોડે દુર બે નિલગાયને ફાડી ખાધી હતી. આમ છેક ગામના પાદર સુધી આવી જઇ સાવજોના ટોળાએ એક સાથે ત્રણ પશુને ફાડી ખાધા હતાં. ઉચૈયા ઉપરાંત વડ, ભચાદર, લોઢપુર, લુણસાપુર, નાગેશ્રી વગેરે ગામોની સીમમાં સાવજોનો વસવાટ છે.

બાબરામાં બેફામ ગેરકાયદે વૃક્ષ છેદન, વન વિભાગનું ભેદી મૌન.

બાબરામાં બેફામ ગેરકાયદે વૃક્ષ છેદન, વન વિભાગનું ભેદી મૌન
Bhaskar News, Babra  |  Mar 26, 2013, 23:31PM IST
- મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નખાયા પરંતુ વન વિભાગનું ભેદી મૌન

અમરેલી જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી થાય અને વન વિભાગ દ્વારા લાખોની સંખ્યામાં વૃક્ષ વવાયાની જાહેરાત કરાય છે. પરંતુ સત્ય હકીકત એ છે કે વન વિભાગ વન અને વૃક્ષોની રક્ષામાં ઘોર બેદરકાર છે. બાબરા પંથકમાં ઘુઘરાળા, ઇસાપર માર્ગ પર પાછલા કેટલાય દિવસોથી વૃક્ષોનું ગેરકાયદે કટિંગ ચાલી રહ્યુ છે. આસપાસના ગામોના લોકો વાહનોમાં ભરીને આ કપાયેલી વૃક્ષોના લાકડા લઇ જઇ રહ્યા છે. ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોનો સોથ વાળી દેવાયો છે. પરંતુ જંગલખાતુ કુંભકરણની નિંદ્રામાં છે.

અમરેલી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વન વિભાગની ઘોર બેકાળજીના કારણે વૃક્ષોનું નકિંદન નિકળી રહ્યુ છે. થોડા સમય પહેલા ચલાલા અને સાવરકુંડલા પંથકમાંથી ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃતિના કારણે ટ્રક મોઢે લાકડા ઝડપાયાની ઘટના હજુ તાજી છે ત્યાં હવે બાબરા પંથકમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાનું બહાર આવેલ છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર બાબરા પંથકમાં ઘુઘરાળા-ઇસાપર માર્ગ પર મોટી સંખ્યામાં વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવી રહ્યા છે. અહિં પડતર જમીનમાં દેશી કુળના વૃક્ષો ઉગી નિકળ્યા છે. પરંતુ લેભાગુ તત્વો અહિં પ્રકૃતિની ઘોર ખોદવા બેઠા થયા હોય તેમ વૃક્ષોનું આડેધડ નકિંદન કાઢી રહ્યા છે. આ પ્રવૃતિ પાછલા એકાદ પખવાડીયાથી ચાલી રહી છે અને ખુબ મોટી સંખ્યામાં વૃક્ષો કાપીને તેનું લાકડુ લઇ જવાયું હોવા છતાં વન વિભાગનો સ્ટાફ અહિં ડોકાયો પણ નથી.

અહિં વૃક્ષ છેદન ચાલી રહ્યુ છે તેવી કદાચ સદાય બેદરકાર વન વિભાગને જાણ પણ નહી હોય. ઘોર નિંદ્રામાં રહેતા વન વિભાગના કર્મચારીઓ આ વિસ્તારમાં ડોકાયા પણ નથી જેને પગલે લેભાગુ તત્વોને મોકળુ મેદાન મળી ગયુ છે. સરકાર ગ્રીન ગુજરાતની કલ્પનાઓ કરે છે. વૃક્ષોના વાવેતરના મોટા મોટા આંકડાઓ જાહેર કરે છે. પરંતુ તેમાંથી કેટલા વૃક્ષો સરકાર ઉછેરી શકે છે તે સૌ કોઇ જાણે છે. પરંતુ હયાત વૃક્ષોને બચાવવામાં પણ સરકારીતંત્ર વામણુ પુરવાર થઇ રહ્યુ છે.

- વાહનોમાં ભરી વૃક્ષો લઇ જવાયા

બાબરા તાલુકામાં ઘુઘરાળા-ઇસાપર માર્ગ પર લેભાગુ તત્વો ધોળા દિવસે તંત્રના ડર વગર બિલકુલ નિરાતે વૃક્ષો કાપે છે અને બાદમાં તેનું લાકડુ રીક્ષા કે અન્ય વાહનોમાં ભરી સગેવગે કરે છે. અહિંથી પસાર થતા લોકો કકળતા જીવે વાહનોમાં કપાયેલા વૃક્ષોને ભરાતા જુએ છે. પરંતુ તંત્રની બેદરકારી સામે લોકો પણ લાચાર છે.

EXCLUSIVE PIC: આ દ્રશ્યો જોતા જ છુટી જશે પરસેવો.






EXCLUSIVE PIC:  આ દ્રશ્યો જોતા જ છુટી જશે પરસેવો
Dilip Raval, Amreli  |  Mar 24, 2013, 18:08PM IST
Email તસવીર: મનોજ જોષી, લીલીયા

- અમરેલીનાં લીલીયા પંથકમાં ગુરૂવારે સવારે સિંહણ ધસી આવી હતી

જુનાગઢ, અમરેલી જિલ્લામાં સિંહ-સિંહણ કે દિપડાઓ નાના ગામડાઓમાં ધસી જતા હોવાનાં બનાવો સામાન્ય બની ગયા છે. ક્યારેક તો આ હિસંક પ્રાણીઓ ગ્રામજનોની નજીકથી પસાર પણ થઇ જતાં હોય છે. આવો જ એક બનાવ ગુરૂવારે વહેલી સવારે અમરેલી જિલ્લાનાં લીલીયા પંથકમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ દ્રશ્યોને કેમેરામાં કલીક કરવાની તક અમારા ફોટોગ્રાફરે છોડી ન હતી.
નાના લીલીયા અને વાઘણીયા ગામ વચ્ચેની સીમમાં ગુરૂવારે સવારે સાતેક વાગ્યાનાં અરસામાં એક સિંહણ ધસી આવી હતી. આ સિંહણને જોવા વહેલી સવારે અમુક ગ્રામજનો પણ ખેતરેથી તેમની પાછળ સંતાયા હતા.
ત્યારે આ સિંહણ રોડ પર ચડી ત્યારે બે વૃધ્ધ ખેડૂત પગપાળા જઇ રહ્યાં હતા. જો કે આ બંન્ને વૃધ્ધને ખબર ન હતી કે તેમની પાછળ સિંહણ છે.
સિંહણે પણ બંન્ને વૃધ્ધો પર હુમલો કરવાને બદલે રોડ ક્રોસ કરી અન્ય વાડીમાં જઇ જંગલ તરફ જતી રહી હતી.
ગામની સીમમાં સિંહણ આવી હોવાની અમારા ફોટોગ્રાફર મનોજ જોષીને ખબર પડતાં જ તેઓ કેમેરા સાથે પહોંચી ગયા હતા અને સવારે સર્જાયેલા દ્રશ્યોને કેમેરામાં કંડારી લીધા હતા.

સરપંચોને નિલગાયનો નિકાલ કરવાની સરકારે સત્તા આપી.


Bhaskar News, Amreli | Mar 23, 2013, 02:10AM IST
 
માનદ્દ વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે સરપંચોની નિમણુંક
 
ગુજરાત વિધાનસભા બજેટસત્રમાં ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ નીલગાય, રોઝ અને ભુંડથી ખેડુતોના પાકનુ રક્ષણ કરવા સરકાર દ્વારા શી સહાય આપવામાં આવે છે ? ઉપરાંત અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પંચાયત અને સ્ટેટ હસ્તકના કે યોજનામાં કેટલા રસ્તાઓ મંજુર કરવામા આવ્યા છે તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
 
ધાનાણીએ બજેટ સત્રમાં રજુ કરેલા પ્રશ્નના જવાબમાં વનમંત્રીએ જણાવ્યું હતુ કે નીલગાય, રોઝ અને ભુંડથી ખેડુતોના પાકનું રક્ષણ કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડુતોના ખેતરની ફરતે વાડ બનાવવા માટે પ૦ ટકા સહાય આપવાની યોજના અમલમાં છે. અને પશુઓના ત્રાસથી ખેડુતોને મુકિત અપાવવા માટે ખેતર ફરતે કાંટાળા તારની વાડ અને જે તે ગામના સરપંચોને માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે નિમણુંક આપી નીલગાય, રોઝનો નિકાલ કરવાની સતા આપવામાં આવેલ છે.
 
આ ઉપરાંત ધાનાણી દ્વારા જિલ્લામાં પાછલા બે વર્ષમાં પંચાયત અને સ્ટેટ હસ્તકના કે યોજનામાં કેટલા રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા તે અન્વયે કેટલા અને કયા કયા રસ્તાના કામ પુર્ણ થયા અને કેટલા પ્રગતિમાં છે તેમજ કેટલો ખર્ચ થયો ? તે પ્રશ્નના જવાબમાં માર્ગ મકાન મંત્રીએ જણાવ્યું હતુ કે જિલ્લામાં કુલ ૧૮૩ રસ્તાઓ મંજુર થયા તેમાં નાણાપંચ ૧૮, ઓ.ડબલ્યુ ૬૮, સોલ્ટ સેસ ૦૩, સીઆરએફ ૦૧, નાબાર્ડ ૦૨, કિશાનપથ ૧૬, ખાસ અંગભુત ૧૦ અને એસઆર ૬પનો સમાવેશ થાય છે. તે અન્વયે કુલ ૭૪ રસ્તાઓના કામ પુર્ણ થયા અને ૭૪ રસ્તાઓના કામો પ્રગતિમાં છે જેમાં કુલ ખર્ચ રૂ. ૧૦,૮૬૨,૯પ લાખનો થયો.

બાબરામાં ચકલીઓને બચાવવા યુવાનનું અનોખું અભિયાન.


Bhaskar News, Babra | Mar 21, 2013, 00:03AM IST
વીસેક વર્ષથી નિવાસ સ્થાને પંદર જેટલા માળાઓ લગાવી ચકલીઓની માવજત કરવામાં આવી રહી છે
 
બાબરામાં રહેતા યુવાન દ્વારા પાછલા વીસેક વર્ષથી તેના નિવાસ સ્થાને પંદર જેટલા ચકલીઓના માળા બનાવીને ચકલીઓની માવજત કરવામાં આવી રહી છે. વિશ્વ ચકલી દિવસ નિમીતે અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ચકલીઓ બચાવવા માટે વિવિધ અભિયાનો દ્વારા લોકોને સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
 
બાબરામાં જીવનપરા વિસ્તારમાં રહેતા ગૌરાંગભાઇ જાની પાછલા વીસેક વર્ષથી લુપ્ત થતી ચકલીઓને બચાવવા તેમના નિવાસ સ્થાને પંદર જેટલા ચકલીઓના માળા લગાવવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ લગાવેલા માળામાં અનેક ચકલીઓ રહે છે. પરિવાર દ્વારા ચકલીઓની માવજત કરવામાંઆવી રહી છે.
 
ચકલીઓના માળાને કોઇ નુકશાન ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં અનેક સામાજિક સંસ્થાઓ અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવા વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે.
 
ચકલી દિવસ નિમીતે માળાઓનુ પણ વિતરણ કરવામાં આવે છે. હાલ તો આ યુવાન દ્વારા પાછલા વીસેક વર્ષથી ચકલીઓની માવજત કરવામાં આવી રહી હોય યુવાનના પક્ષીઓ પ્રત્યેના પ્રેમને બિરદાવવામાં આવી રહ્યો છે.

અમરેલી: ગમે ત્યાં રખડવા ટેવાયેલા છે આ \'સાવજો\'

Dilip Raval, Amreli  |  Mar 12, 2013, 14:46PM IST
અમરેલી: ગમે ત્યાં રખડવા ટેવાયેલા છે આ 'સાવજો'
- રેવન્યુ વિસ્તારમાં ભમતા સાવજો તા ફેન્સીંગમાંથી ગળકી જાય કે દસ ફુટની દીવાલ ટપી ઘરમાં ખાબકે તે નવાઇની વાત નથી
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની સંખ્યા મોટી છે. ગીર જંગલ બહાર નીકળી ગયેલા સાવજોએ વાડી ખેતરો અને સીમમાં રહેવા માટે સ્થિતિ પર અનુકૂલન સાધી લીધુ છે. અહીં ખેડૂતો પશુઓથી પાકને બચાવવા તાર ફેન્સિંગ કરે છે પણ સાવનો આ તાર ફૈિન્સંગમાંથી ગળકી જાય છે. કાંટાની વાડ ટપી જાય કે દસ ફૂટ ઉંચી દીવાલ ટપી જાય તે સામાન્ય વાત છે. સાવરકુંડલા પંથકમાં એક સાવજ આ રીતે તાર ફેન્સિંગમાંથી પસાર થતો કેમેરામાં કેદ થઇ ગયો હતો.


અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સીમમાં રખડતા સાવજોએ સીમમાં કેમ જીવવું તે સારી રીતે શીખી લીધુ છે. આ સાવજો ગમે ત્યારે ગમે તે ગામમાં આવી ચડે છે.


શિકાર માટે આ સાવજો ગામમાં ઘુસ્યા હોય તો દસ ફુટ ઉંચો વંડો પણ ટપી જાય છે. ગામના પાદરમાં જો માલધારી દ્વારા ઝોેક બનાવવામાં આવી હોય તો તેને કાંટાની વાડ પણ નડતી નથી.


વાડ ટપીને તે ઝોકમાં ખાબકે છે. પશુઓને એક તરફથી એક સાવજ ડરાવીને દોડાવે છે અને બીજી તરફ છુપાયેલા સાવજ અચાનક ચાલાકીથી હુમલો કરી પશુના રામ રમાડી દે તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે.

ખેડૂતો દ્વરા બનાવાયેલી તાર ફેન્સીંગ આ સાવજોને નડતી નથી તેઓ આસાનીથી તેમાંથી ગળકી જાય છે.સાવરકુંડલા પંથકમાં રહેતા સાવજ પૈકી એક સાવજ આ રીતે તાર ફેન્સીંગમાંથી ગળકી રહ્યો હતો ત્યારે કેમેરામાં કેદ થઇ ગયો હતો.

અમરેલી જિલ્લામાં આજથી મોરની ગણતરી.


Bhaskar News, Amreli | Mar 20, 2013, 00:03AM IST
અમરેલી જિલ્લામાં પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ પ્રેમીઓની મદદથી જીલ્લાના પ૦૦થી વધુ ગામોમાં આવતીકાલથી મોર ગણતરીનો આરંભ કરવામાં આવશે. સાથે સાથે દેશી કુળના પક્ષીઓની પણ ગણતરી કરાશે. આ સંસ્થા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી મોર ગણતરી કરાઇ રહી છે. જેનો આરંભ કાલે બાબાપુરથી થશે. સાથે સાથે લોકોમાં મોરની રક્ષા માટે જાગૃતિ આવે તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતના રાષ્ટ્રીયપક્ષીની અમરેલી જીલ્લામાં કેટલી વસતી છે તેની ગણતરીનું નવતર કાર્ય અહિંના પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
આ સંસ્થા દ્વારા પાંચ વર્ષ પહેલા ૨૦૦૮માં જીલ્લાભરમાં મોરની ગણતરી કરવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ હવે ફરી આવતીકાલથી આ અભીયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે આવતીકાલે ચકલી દિન નિમિતે બાબાપુર ખાતે જૈવિક વિવિધતા નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અને તે સાથે જ આ ગામથી જ મોર ગણતરી શરૂ કરાશે.
આવતીકાલથી શરૂ થનારી આ મોર ગણતરી આગામી અઢી માસ સુધી ચાલશે. જેમાં પ૦૦ સ્વયંસેવકોની મદદ લેવાશે. અમરેલી જીલ્લાના પ૦૦થી વધુ ગામોમાં તબક્કાવાર આ મોર ગણતરી કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે મોર ગણતરી વખતે જે તે ગામમાં ચહલ પહલ વધતા લોકોમાં મોર અંગે જાગૃતિ આવશે. તો બીજી તરફ મોર ગણતરીની સાથે સાથે કાગડા, તેતર, કાબર, ચકલી, કોયલ, હોલા, પોપટ, સમડી જેવા દેશી કુળના પક્ષીઓની પણ ગણતરી કરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં કરવામાં આવેલી મોર ગણતરી દરમીયાન અમરેલી જીલ્લામાં અઢાર હજારથી વધુ મોર હોવાનું બહાર આવ્યુ હતું. ત્યારે બીજી ગણતરી પર પ્રકૃતિપ્રેમીઓની મીટ મંડાઇ છે.

દરિયા કાંઠાના ગામોમાં વધુ મોર હોવાનું જણાયું છે
આમ તો જીલ્લાભરમાં પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા આવતીકાલેથી મોર ગણતરી શરૂ કરાશે. પરંતુ રાજુલાના ચાંચ, વિક્ટર ઉપરાંત જુના સાવર બાબાપુર અને નાના સમઢીયાળા એમ પાંચ ગામોમાં મોર ગણતરી શરૂ કરી દેવાઇ છે. દરીયાકાંઠાના ગામોમાં પાછલી ગણતરી કરતા વધુ મોર હોવાનું પણ જણાયુ છે.
ગારીયાધાર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ ગણતરી
પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ તળાવીયાએ જણાવ્યુ હતું કે અમરેલી જીલ્લા ઉપરાંત ભાવનગર જીલ્લાના ગારીયાધાર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ મોર ગણતરી કરવામાં આવશે. આ ત્રણેય તાલુકામાં પણ મોર ગણતરી માટે પ્રકૃતિપ્રેમીઓની મદદ લેવાશે.