Sunday, September 30, 2012

જેઠવા મર્ડર કેસની તપાસમાં રાઘવેન્દ્ર વત્સની ભૂમિકા શંકાસ્પદ?

Bhaskar News, Junagadh | Sep 26, 2012, 01:35AM IST
સીબીઆઇને સોપેલી તપાસને પગલે ભીખુભાઇએ જણાવ્યું હતું કે, અમિત જેઠવાની હત્યા બાબતે સાંસદ દીનુ સોલંકીની સંડોવણી છે કે નહીં એ માટે અગાઉ તત્કાલિન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા મોહન ઝાનાં વડપણમાં તપાસ કરી રહેલા પીઆઇ ચૌધરીએ એવું સોગંદનામું કર્યું હતું કે, અમિત જેઠવાની હત્યામાં સાંસદ દીનુ સોલંકીની સંડોવણી નથી.

આમ છત્તાં સુરેન્દ્રનગર એસપી રાઘવેન્દ્ર વત્સે એ જ પ્રકારનું સોગંદનામું ફરીથી કર્યું. બીજી તરફ તેમણે પોતાનાં રીપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે, સાંસદ દીનુ સોલંકી એક મોબાઇલ નંબર નિયમિત વાપરે છે તે સૂત્રાપાડાનાં રંગપુરની પરમાર શેરીમાં રહેતા ભરતભાઇનાં નામે નોંધાયેલો છે. સાંસદ બીજાનાં નામનો મોબાઇલ વાપરે તો તેમનાં મોબાઇલ લોકેશન ક્યાંથી મળે કે તેઓ આરોપી સાથે સંકળાયેલા હોય ? આવા શંકાસ્પદ પ્રશ્નને દબાવીને કોઇ વાત છુપાવવાનો પ્રયત્ન કરેલો છે.

સુ.નગર એસપી રાઘવેન્દ્ર વત્સએ ખુબ મોડેથી એવું સોગંદનામું કેમ કરાવવું પડે છે કે, જૂનાગઢ સાંસદ દીનુ સોલંકી જમીન માફીયા હોય એવું તપાસમાં ખુલતું નથી. સાંસદ દીનુ સોલંકીએ દીવ-ઊના-દેલવાડા મહાજન ગાયોની પાંજરાપોળ ટ્રસ્ટની જમીન હડપ કર્યાનાં પ્રકરણને અમિત જેઠવાએ ઓપન કરીને તેમણે મોટી જમીન માફીયાગીરી કરી હોઇ સાંસદને ઘણું આર્થિક અને રાજકીય રીતે મોટુ નુકસાન કર્યું છે. એ માટે અમિત જેઠવાની હત્યા થવાનાં સંજોગો વધી જાય છે.

વળી કોડીનારનાં છારા ગામે સુચિત શીપયાર્ડ સમરપોર્ટનાં ૧૯ નવે. ૨૦૧૦ નાં પબ્લિક હીયરિંગમાં સાંસદ દીનુ સોલંકીની દાદાગીરી અને પર્યાવરણના સમર્થનમાં અને આવનાર સુચિત શીપયાર્ડ વિરૂદ્ધમાં બોલનાર લોકો ઉપર ડરાવવાની હુમલાની સરકારી વીડીયોમાં સાફ સાબિતી છે.

૬ ફૂટ લાંબો કોબ્રા આખેઆખું બિલાડીના બચ્ચાંને ગળી ગયો.


Bhaskar News, Amreli | Sep 16, 2012, 02:10AM IST
કોબ્રા સાપનું નામ પડતા જ ભલભલાને ધ્રુજારી છુટી જાય છે. સામાન્ય રીતે અજગર બીલાડી જેવા પ્રાણીને આસાનીથી ગળી જતો હોય છે પરંતુ રાજુલાના પીપાવાવમાં છ ફુટ લાંબો એક કોબ્રા બીલાડીના એક બચ્ચાને ગળી ગયો હતો. જો કે ગામલોકોએ તેને પકડતા જ કોબ્રાએ બીલાડીનું બચ્ચુ પેટમાંથી બહાર કાઢી નાખ્યુ હતું.

સૌરાષ્ટ્રમાં જોવા મળતા કોબ્રા જેવા મોટા સાપ બીલાડીના બચ્ચા જેવા પ્રાણીને આસાનીથી ગળી જાય છે. આવું આજે રાજુલા તાલુકાના પીપાવાવમાં જોવા મળ્યુ હતું. પીપાવાવના દેવપરામાં છ ફુટનો કોબ્રા સાપ એક ઘરમાં ઘુસી આવ્યો હતો અને બીલાડીના બચ્ચાને દબોચી લઇ ગળી ગયો હતો. કોબ્રાએ જ્યારે બીલાડીના બચ્ચાને ગળવાની શરૂઆત કરી ત્યારે ત્યાં લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતું. ટોળાની હાજરી વચ્ચે પણ કોબ્રા બીલાડીના બચ્ચાને ગળી ગયો હતો. આ સમયે સર્પ સંરક્ષણ મંડળના અશોકભાઇ સાંખટ વગેરે ત્યાં દોડી આવ્યા હતાં.

જો કે બચ્ચાને ગળી ગયા બાદ સાપ ત્યાંથી હટી શક્યો ન હતો. લોકોએ સાપને હટાવવાનો પ્રયાસ કરતા કોબ્રાએ પેટમાંથી બીલાડીના બચ્ચાને બહાર કાઢી નાખ્યુ હતું. જો કે બીલાડીનું બચ્ચુ મૃત હાલતમાં જ બહાર નીકળ્યુ હતું. ત્યારબાદ કોબ્રા અહિંથી સલામત રીતે ચાલ્યો ગયો હતો. કોબ્રા ઝેરી છે અને માણસને દંશ દેતો તરત જ તેના ઝેરની અસર થાય છે પરંતુ આખેઆખું બચ્ચું ગળવાની તેની ક્ષમતા હોય તે જોઈને લોકોને આશ્ચર્ય થયું હતું.

Monday, September 10, 2012

વિસાવદર નજીક સિંહો નિહાળતા લોકોએ ગાડીઓ પાછળ દોડાવી.

Bhaskar News, Visavadar | Sep 09, 2012, 00:42AM IS
- વન અધિકારી સ્થળ પર દોડી ગયા પણ કોઈ કાર્યવાહી ન કરી : પ્રાણી પ્રેમીઓમાં રોષ

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ પાસે ધાબડધોયા ડેમ નજીક ગઇકાલે બપોરનાં સમયે આઠ સિંહોના ટોળાએ એક ગાયનું મારણ કરેલ. આ મારણ કર્યાની વાત વાયુ વેગે પ્રેમપરા તથા વિસાવદરમાં ફેલાતા રાત્રીનાં આ સિંહોને જોવા માટે પ૦ જેટલા ટુ વ્હીલરો તથા ૧૦ જેટલી મોટરકારો મારણ કરેલ જગ્યાએ પહોંચી ત્યાં ભેગા થઇ ગયા હતા.

જેમાં અમુક મોટરકાર વાળાઓએ આ સિંહોની પાછળ પોતાના વાહન દોડાવ્યા હતા જેથી સિંહો પણ છંછેડાયા હતા પણ લાચારવશ થઇ તે મારણથી દુર જતા રહેતા હતા. થોડી - થોડી વારે આવા ખેલ ચાલતા આ ટોળામાંથી કોઇ પ્રાણી પ્રેમીએ આરએફઓ તથા એસીએફને જાણ કરેલ જેથી એસીએફ ઠુંમર, તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બધાને પકડવા લાગ્યા હતા તેવામાં અમુક વ્યક્તિઓ મોટા અધિકારીઓ નીચે કામ કરતા હોવાથી બધાને કોઇ દંડ કે કાર્યવાહી કર્યા વગર તથા સામાન્ય ઠપકો પણ આપ્યા વગર જવા દીધા હતા. વન વિભાગની આ કાર્યવાહીથી પ્રાણી પ્રેમીઓ તથા અન્ય લોકોમાં રોષની લાગણી છવાઇ હતી.

તાલાલાનાં જેપુરમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ, મેંદરડામાં સાંબેલાધાર.

તાલાલાનાં જેપુરમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ, મેંદરડામાં સાંબેલાધાર

Bhaskar News, Junagadh  |  Sep 06, 2012, 00:20AM IST
- જુનાગઢને માત્ર બે કલાકમાં તરબોળ કર્યું : મેંદરડા પંથકમાં સાંબેલાધાર : વિસાવદરની પોપટડી, ધ્રાફડમાં ત્રણ દિવસમાં ચોથી વખત પૂર : ભેંસાણનાં નારાયણ સરોવરમાં પહેલી વાર પૂર આવ્યું : દરીયાઈપટ્ટીમાં માત્ર ઝાપટાં

સોરઠમાં કેમ્પ કરી રહેલા મેઘરાજા ગઈકાલથી જ આક્રમક બન્યા છે ત્યારે જુનાગઢ,ભેંસાણ, મેંદરડા પંથક, ગીરપંથક તેમજ વિસાવદર અને માણાવદરનાં ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની ઈનીંગ યથાવત રહેતા આજે એક થી પાંચ ઈંચ વરસાદ ખાબકયો હતો. જેમાં કેટલીક જગ્યાએ તો માત્ર કલાકમાં અઢીથી ત્રણ ઈંચ પાણી વરસાવ્યું હતું.

ભેંસાણ : ભેંસાણ સહિત તાલુકામાં આજે સર્વત્ર અનરાધાર વરસાદ પડતા ખેડૂતો, લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. આજે સીઝનનો સૌથી વધુ વરસાદ એક કલાકમાં ૨ ઈંચ નોંધાયો છે. ભેંસાણમાં બપોર સુધી ખૂલ્લુ વાતાવરણ હજુ પરંતુ બપોરબાદ વાતાવરણ પલ્ટાયુ હતું. ગાઢ અંધકાર બાદ સાંજે પાંચ વાગ્યાથી મેઘરાજાએ એકાએક ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને એક કલાકમાં ૨ ઈંચ જેટલું પાણી પડી જતાં શહેરના નારાયણ સરોવરમાં આ સીઝનનું પહેલુ પૂર આવ્યું હતું.

પૂર જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ચાલુ ચોમાસા દરમિયાન ભેંસાણમાં પ્રથમ વરસાદ સારો વરસતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ભેંસાણ સહિત તાલુકાના રાણપૂર, ખારચીયા, માંડવા, છોડવડી, વાંદરવડ, ખંભાળીયા સહિતનાં ગામોમાં પણ વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.

તાલાલા : તાલાલા તાલુકાનાં સાસણગીર તથા ભાલછેલ-ભોજદે-સાંગોદ્રાણા-લુશાળા સહિત ગામોમાં આજે બપોર બાદ અતભિારે વરસાદ પડયો હતો. ઉપરોકત ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સાસણ ગીર વિસ્તાર તથા ગીર જંગલમાં આજે ભારે વરસાદ પડતા ઉપરોકત ગામોમાંથી પસાર થતા નાના વોંકળામાં પૂર આવ્યું હતું. તેમજ ગીરનાં જંગલમાં વરસાદને કારણે નદીમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે. તાલાલા શહેરમાં આજે સંપૂર્ણ વરાપ રહી હતી.મોડેથી મળતા સમાચાર મુજબ ગીર પંથકના જેપુરમાં બપોરે ત્રણ કલાકમાં પાંચ ઈંચ ખાબકતા અહી પણ સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

ઊના : ઊના તાલુકામાં સતત છઠા દિવસે પણ મેધ સવારી ગ્રામ્ય વિસ્તારમાં શરૂ હોય તેમ આજરોજ તાલુકાનાં ગીર વિસ્તારમાં આજે બપોર બાદ મેધરાજાએ હેત વરસાવાનું શરૂ રાખતા ધરતી પુત્રોએ વાવેલ મોલાત પણ વરસાદના આગમનથી લીલીછમ જોવા મળી રહી હતી તેમજ ગીર વિસ્તારમાં ભારે વરસાદને લીધે જંગલ વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી ડેમમાં ર૦ ચો.મી ની નવા પાણી આવક થયેલ જ્યારે મચ્છુન્દ્રી ડેમ પર બે ઇંચ વરસાદ તેમજ તાલુકાના રાવલ ડેમમાં પણ ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ગયાના અહેવાલ જાણવા મળી રહયા છે. ત્યારે અધિકમાસમાં અષાઢી માહોલ જોવા મળી રહયો છે. પરંતુ તાલુકાના કોઇ વિસ્તારમાં મેધરાજા અવરીત વરસી રહયા છે તો અમુક ગામમાં નહિવત વરસાદ વરસી ત્યારે આજરોજ તાલુકાનાં નાના સામઢીયાળા માં બપોરનાં સમયે માત્ર દોઢ કલાકમાં ૩ ઇંચ પાણી વરસી જતા ધરતી પુત્રો ગેલમાં આવી ગયા હતા અને ખેતરોમાંથી અને ગામમાંથી પાણી વહેવા લાગ્યા હતા તે સિવાય તાલુકાના ધોકડવા સહીત બેડીયા, બ઼ધારકા, પીપલીયા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં બપોર એક વાગ્યે ધીમેધારે મેધ સવારી શરૂ થતા સાંજના ૬ વાગ્યા સુધીમાં નવજીવન સમુહ ૩ ઇંચ પાણી વરસી ગયુ હતુ.

જ્યારે તાલુકાના ગીર બોર્ડર નજીકનો ગ્રામ્ય પંથકમાં જાણે કે મેધરાજા એ મુકામ કર્યો હોય તેમ તાલુકાના ફાટસર, ઇટવાયામાં ર ઇંચ તેમજ રોણમાં ર ઇંચ પાણી વરસી જતા જંગલ વિસ્તારમાં પડેલ વરસાદથી જંગલમાં જાણો કે કૃદરતે લીલી ચાદર પાથરી હોય તેવા કૃદરતી દ્રશ્યો જોવા મળી રહયા છે. જ્યારે ગઈકાલે તરબોળ થયેલા માંગરોળ, તાલાલા, વેરાવળ અને માળીયામાં આજે વાદળીયો માહોલ હતો.

- મચ્છુન્દ્રી ડેમની સપાટી ૩ મીટરે પહોંચી

ગીર જંગલ વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી તથા રાવલ ડેમ તાલુકાની જીવાદોરી સમાન ડેમ હોય આજે ગીર વિસ્તારમાં વરસાદ હોય મચ્છુન્દ્રી ડેમ પર બે ઇંચ પાણી વરસ્યુ હતુ તેમજ ર૦ સે.મી. ની આવક નવા નીરની થયેલ તેમજ રાવલડેમ પર એક ઇંચ પાણી વરસ્યુ હતુ. હજી જ્યારે મચ્છુન્દ્રી ડેમની સપાટી ૩ મીટરે પહોંચી હતી

મેઘમહેરથી સાવજોમાં ખૂશીની લહેર, માણી આનંદની પળો.

મેઘમહેરથી સાવજોમાં ખૂશીની લહેર, માણી આનંદની પળો
Bhaskar News, Junagadh  |  Sep 05, 2012, 01:45AM IST
વિસાવદર આસપાસનાં મધ્યગીરમાં અધિકમાસમાં મેઘરાજા મહેરબાન થતાં મધ્યગીરમાં વસતા સાવજોમાં પણ ખૂશી પ્રવર્તી રહી છે અને લીલી વનરાયમાં મજા માણી રહ્યાં છે. - વિપુલ લાલાણી

ખેડૂતના ઘરમાં ઘૂસેલા સિંહબાળને ગાયે ઉલાળ્યું.

Bhaskar News, Talala | Sep 04, 2012, 00:53AM IST
- આઠ સિંહ બાળ સાથે ચાર સિંહણ આંબળાશમાં ફરવા આવી ‘સિંહ બાળ’નું પરાક્રમ : ખેડૂતના ઘરના છાપરે ચડી ઓરડીમાં ખાબકર્યું

તાલાલા તાલુકાનાં આંબળાશ (ગીર) નજીક આઠ સિંહબાળ સાથે ચાર સિંહણો ફરવા પહોંચી હતી. ગામનાં પાદરમાં એક ખેડુતની વાડીએ આવેલા મકાનમાં ગાય બાંધેલી હતી. એ જોઇ એક સિંહ બાળ પોતાની પ્રકૃતિ મુજબ શિકાર કરવાનાં શુરાતનમાં ઓરડીમાં છાપરે ચઢયું અને તૂટેલા પતરામાંથી ઓરડીમાં ખાબકર્યું તો ખરૂં. પણ સિંહબાળને ગાયે પણ શિંગડાથી બરાબરનું ઉલાળ્યું. આથી જીવ બચાવવા સિંહબાળ ‘નિરણ’નાં ઢગલામાં સંતાઇ ગયું. બાદમાં સવારે વનવિભાગનાં સ્ટાફે બચ્ચાને ઓરડીમાંથી બહાર કાઢયું હતું.

આંબળાશ(ગીર) ગામનાં પાદરમાં આવેલ પટેલ ખેડૂત મગન બાલજી ભલાણીની વાડીએ ગતરાત્રે આઠ સિંહ બાળ સાથે ચાર સિંહણો આવી ચઢી હતી. વાડીએ ઓરડીમાં ગાય બાંધી હતી. એ ગાયો સાવજોને જોઇ ભાંભરવા માંડી. સિંહબાળ પૈકીનું એક ‘બાળ સાવજે’ શિકાર કરવાનાં શુરાતનમાં ઓરડીનાં પતરા ઉપર છલાંગ લગાવી. અને પતરામાં રહેલા બાકોરામાં પંજો મારતાં મોટું બાકોરૂં થઇ ગયું. તેમાંથી સિંહબાળ ઓરડીમાં ખાબકર્યું તો ખરૂં. પણ ઓરડીમાં પડતાં જ ગાય આક્રમક બની ગઇ. અને સિંહબાળને શીંગડાથી બરાબરનું ઘુસ્તાવી બે શીંગડાથી ઉલાળ્યું. એકલું અટૂલું સિંહબાળ જીવ બચાવવા ઓરડીમાં રહેલા સૂકા નિરણના ઢગલામાં સંતાઇ ગયું હતું.

બનાવની જાણ થતાં તાલાલા રેન્જ કચેરીનાં ઇન્ચાર્જ આરએફઓ કે.એલ. ચૌહાણ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને ઓરડીમાંથી સિંહબાળને ગોદડામાં લપેટી તાલાલા રેન્જ કચેરીએ લાવી બાદમાં શારીરિક ચકાસણી માટે સાસણ વેટરનરી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ. પોતાનાં ગૃપથી વિખુટા થયેલા સિંહબાળને ગૃપ સાથે જોડવા તાલાલા રેન્જ કચેરીનો સ્ટાફ સિંહગૃપનું લોકેશન શોધી રહયા છે. સિંહબાળને લોકેશન મળવા તેમનાં ગૃપ સાથે જંગલમાં છોડી દેવાશે તેમ જાણવા મળ્યું છે.

બીજી બાજુ ૮ સિંહ બાળ અને ચાર સિંહણ આંબળાશ ગામમાં મધરાતે આવી ચડ્યાના બનાવની જાણ થતાં સવારથી સાંજ સુધી ગ્રામજનોમાં આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે વન વિભાગ દ્વારા ગ્રૂપથી વિખૂટા પડી ગયેલા સિંહબાળને ફરી તેના ગ્રૂપમાં પહોંચાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં તો ગાયે ઢીંકે ચડાવેલા સિંહબાળને કોઇ ઇજા નહીં થયાનું વન અધિકારીઓ જણાવી રહ્યાં છે.

- મસ્તીખોર સિંહબાળ બીજીવાર ઘરમાં પહોંચ્યું

આંબળાશ ખાતે ખેડૂતની ઓરડીમાં શિકારનાં શુરાતનમાં ખાબકી બાદમાં સપડાયેલું સિંહબાળ થોડા દિવસો અગાઉ માધુપુર(ગીર)માં પોતાનાં ગૃપ સાથે આવ્યું ત્યારે પણ રમતાં- રમતાં ખેડુતનાં ફળીયામાં સંતાઇ ગયું હતું. અને સિંહણે આખા માધુપુર(ગીર)ને ડણકોથી ભયભીત કરી દીધું હતું. એ વખતે તાલાલા રેન્જ કચેરીનાં સ્ટાફને અડધી રાત્રે દોડધામ કરાવી હતી. એ જ રીતે આજે પણ આ મસ્તીખોર સિંહબાળે વનકર્મીઓને દોડાવ્યા હતા.

કુદરતની કમાલ : ચોમાસામાં આંબે કેરી આવી!

કુદરતની કમાલ : ચોમાસામાં આંબે કેરી આવી!

divyabhaskar.com  |  Sep 01, 2012, 16:29PM IST

ચોમાસાના માહોલમાં મોર આવ્યા પછી કેરી પણ આવતા લોકોમાં ભારે કૌતુક
ગ્લોબલ વોર્મિંગની વૈશ્વીક સમસ્યા વચ્ચે ઋતુ ચક્રમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાં લીમડામાં મોર, બોરડીમાં બોર, આંબામાં મોર જેવા ફેરફારો દ્રશ્યમાન થઈ રહ્યાં છે ત્યારે વિસાવદર તાલુકાનાં માણંદિયા ગામના ખેડૂત હરસુખભાઈ ધીરૂભાઈ રામોલીયાના ખેતરમાં આવેલા આંબામાં અધિક ભાદરવાનાં આ ચોમાસાના માહોલમાં મોર આવ્યા પછી કેરી પણ આવતા ભારે કૌતુક સર્જા‍યું છે.

તસવીરો - વિપુલ લાલાણી