Saturday, December 15, 2007

બેંગલોરમાં જાનવરોની ૩૨ લાખની ખાલ સાથે ત્રણ ઝડપાયા

(ટાઇમ્સ-સંદેશ ન્યૂઝ સર્વિસ) બેંગલોર, તા. ૧૪

જંગલી પ્રાણીઓનો શિકારી સંસાર ચાંદ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે તેમ છતાં દક્ષિણ ભારતમાં તેના નેટવર્કને કોઇ અસર થઇ હોય તેમ લાગતું નથી. જુદાં જુદાં પ્રાણીઓની રૂ. ૩૨ લાખની ખાલ સાથે ત્રણ શિકારીઓ ઝડપાતાં આ નેટવર્ક હજી પણ મોટ પાયે ચાલી રહ્યું હોવાનું પુરવાર થયું છે. આ શિકારીઓ ગુજરાતના શિકારીઓ સાથે પણ સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.

બેંગલોરના જંગલોમાંથી ત્રણ શિકારીઓ પ્રભાકર કેશવ, અરુણ પરશુરામ અને ઉદય પરશુરામને પકડીને તેમની પાસેથી વાઘની એક, ચિત્તાની ૨૧ તેમ જ અન્ય જાનવરોના ૪૩ ખાલો મેળવી હતી. તેઓ છેલ્લા દોઢ વર્ષથી વન વિભાગની નજર હેઠળ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં ગુજરાતના ભાવનગરમાંથી શિકારમાં સામેલ આઠ આદિવાસી મહિલાઓની ધરપકડ કરાતાં તે અંગે પણ તપાસ ચાલતી હતી.

ચિક્કેરૂરે ઉમેર્યું હતું કે, પ્રભાકર રાજયમાં સંસાર ચાંદ અંગત માણસ હતો. એક ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે તેણે છેલ્લા દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાવ્યો જ ન હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે ,પ્રભાકરના ટેલ

ફોન નંબર ગુજરાતમાં પકડાયેલી મહિલા શિકારીઓએ કોલ કરેલી યાદીમાં પણ હતા. આમ અહીંના શિકારીઓ સાથે તે મોટા પાયે સંપર્કમાં હતો. પોલીસ આ મામલે અન્ય રાજ્યોની પોલીસનો સહયોગ મેળવી રહી છે તેમ જ તેમાં વધુ સનસનીખેજ ખુલાસો થાય તેવી શક્યતા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=2&NewsID=41721&Keywords=Crime%20India%20Gujarati%20News

સુલતાનપુરમાં એ રાની પ્રાણી દીપડો નહીં પણ ઝરખ હોવાનું વનખાતાનું અનુમાન

ગોંડલ તા.૧૩
સુલતાનપુરમાં દીપડાએ રંઝાડ શરૂ કરી છે અને ખેતરે જતા ખેડૂત ઉપર હૂમલો કરે છે એવા અહેવાલો પછી વનખાતાના અધિકારી વી.કે .માદળિયા અને વન્યપ્રેમીએ સુલતાનપુર જઈ આ રાની પ્રાણીનાં પગલાનો અભ્યાસ કરતા આ પ્રાણી દીપડો નહીં પણ જંગલી માદા ઝરખ હોવાની સ્પષ્ટતા કરી છે.જો કે આ રાની પ્રાણી સાથે બચ્ચું હોવાના કારણે તેના રક્ષણ માટે આક્રમક હોવાથી ગમે તેના પર હુમલો કરી બેસે એવી શકયતા પણ દર્શાવી છે. સુલતાનપુરના ખેડૂત ધીરૂભાઈ બોઘાણી ઉપર દીપડાએ હુમલો કર્યાના બનાવ પછી ફોરેસ્ટર અને વન્ય પ્રેમી હિતેશ દવેએ ઈજાના નિશાન અને નહોરનો તથા ફૂટ પ્રિન્ટનો અભ્યાસ કરતાં આ રાની પ્રાણી દીપડો નહીં પરંતુ જંગલી ઝરખ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આમ છતાં અહીં ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથકમાં અવારનવાર દીપડો ચડી આવે જ છે આ અગાઉ સુલતાનપુર દેવચડી અને ગોંડલની સીમમાં દીપડાએ ધામા નાખી ખેતીવાડી ઉપર કર્ફયુ લાદી દીધો હતો.

અને તેને પાંજરે પૂરવાની ફરજ પડી હતી. આ વખતે ચડી આવેલ પ્રાણી દીપડો છે કે ઝરખ એ વાતમાં જે તથ્ય હોય તે આ જંગલી પ્રાણીને તાકિદે પાંજરે પુરીને ખેડૂતોને ભયમુક્ત બનાવવા જરૂરી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=41661&Keywords=Rajkot%20district%20gujarati%20news

સુલતાનપુર-બરવાળા રોડ પર ખેડૂત ઉપર દીપડાનો હુમલો

સુલતાનપુર, તા.૧૧

ગોંડલના સુલતાનપુર ગામની સીમમાંથી સુલતાનપુર-બરવાળા રોડ ઉપરથી પસાર થતા એક પ્રોઢ ખેડૂત પર દીપડાએ ઘાતક હુમલો કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. દીપડાના ઘાતક હુમલાના સમાચાર ગામમાં પ્રસરી ભયની લાગણી ફેલાલ હતી.

સુલતાનપુર ગામે બરવાળાના માર્ગ પર આવેલ મારૂધાર પંથકમાં કામ સબબ ખેતરે ગયેલ બોધાણી ધીરૂભાઈ ટપુભાઈ પર ચાર વાગ્યાની આસપાસ અચાનક દીપડો આવી ચડતા અને ધીરૂભાઈ પર દીપડાએ ઘાતક હુમલો કરતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ગોંડલ દવાખાને ખસેડવામાં આવેલ છે. બાદમાં દીપડાએ ગામ તરફ આવીને એક ગાય અને ભેંસનું મારણ કર્યુ હતું. આ અંગે જંગલખાતાને જાણ કરવામાં આવતાં જંગલખાતાનો સ્ટાફ ચૂંટણી કાર્યમાં રોકાયેલ હોવાથી દીપડાને પકડ વાની કાર્ય વાહી કરવામાં આવી ન હતી, જે હવે પછી કરવામા આવશે તેમ જાણવા મળેલ છે. માનવભક્ષી બનેલા દીપડાને તુરંત ઝડપી લેવા માટે ગામલોકોમાંથી વ્યાપક માગણી ઉઠવા પામી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40943&Keywords=Rajkot%20District%20Gujarati%20News

ધારી તાલુકાના ખિસરી ગામની સીમમાં દીપડો પાંજરે પૂરાયો...

અમરેલી તા.૧૪

ધારી તાલુકાના ખિસરી ગામની સીમમાં ભય ફેલાવનાર અને પશુઓનાં મારણ કરી જનારા દીપડાને પાંજરે પૂરવામાં જંગલખાતાને સફળતાં મળી છે.મળતી વિગતો મુજબ ધારી તાલુકાના ખિસરી ગામની સીમમાં એક દીપડાએ પડાવ નાંખી આ વિસ્તારના ખેડૂતોને ભયભીત કરી દીધાં હતાં.આ દીપડાએ એક અઠવાડિયામાં બળદ કૂતરાં બકરાંઓના મારણ કરી આ વિસ્તારને કાયમી રહેઠાણ જેવો બનાવી દીધો હતો. દીપડાની હાજરીના કારણે ખેડૂતોને સીમમાં જવું ભારે પડી ગયું હતું.આ બાબતે વનખાતાને જાણ કરવામાં આવતા કરમદડી બીટના ગાર્ડ જીતુભાઈ રાણવા અને ચોકીદાર વલ્લભભાઈ પાટડિયાએ સીમ વિસ્તારમાં પાંજરૂ મૂકીને દીપડાને આબાદ રીતે પકડી પાડયો હતો.અને મધ્યગિર વિસ્તારના જંગલમાં મૂકત કરી દીધો હતો.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=41648&Keywords=Saurastra%20gujarati%20news

ગીરમાંથી નાનાં વન્ય પશુ - પક્ષીઓના શિકારનું રેકેટ ઝડપાયું

જૂનાગઢ,તા.૧૪

એશિયાઈ સાવજોના હત્યાકાંડથી રાજયભરમાં ખળભળાટ મચી ગયા બાદ સતર્ક બની ગયેલા વન વિભાગે ગીર જંગલમાંથી નાના વન્ય પશુ - પક્ષીઓના શિકારનું રેકેટ ઝડપી લીધુ છે. આ રેકેટમાં ઝડપાયેલ દેવીપૂજક ટોળકી પાસેથી મોર, તેતર, ચિતલ, શાહુડી, જંગલી ભુંડ વગેરેના અવશેષો તથા નેટ, ફાંસલા, ગીલોલ, છરી - છરા, કરવત, વાયર જેવા હથિયારો મળી આવતા ચોંકી ઉઠેલા વન તંત્રીએ તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી આગળની વિશેષ તપાસ પણ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક સ્ત્રીને માત્ર એક ફોરેસ્ટ ગાર્ડે કડક પૂછપરછ કરતાં આખા રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે. બીજી તરફ આ દેવીપૂજક ટોળકીની જેમ ગીર પંથકમાં વસવાટ કરતા અન્ય દેવીપૂજકો પણ આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે દિશામાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો અનુસાર આંકોલવાડી ગામના વિજ સબ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલ રાણી બચુ દેવીપુજક નામની મહિલાની શંકાસ્પદ હિલચાલ અંગે ફોરેસ્ટ ગાર્ડ પી.જી.અપારનાથીને શંકા જતાં તેણે પૂછપરછ કરી તલાશી લેતાં મહિલા પાસેથી વન્ય પ્રાણીઓનું માંસ મળી આવતાં ગાર્ડે તકાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી.

ગીર પશ્ચિમ વન વિભાગના ડી.સી.એફ. બી.પી.પત્તીની સૂચનાથી વન વિભાગના શશીકુમાર તથા ફોરેસ્ટરો એચ.આર.ભટ્ટ, એલ.વી.રાતડીયા અને આર.બી.બાંભણીયા તથા વન સ્ટાફે આ મહિલાના નિવાસસ્થાને દરોડો પાડતાં મોરના અવશેષો ઉપરાંત તેતર, શાહુડી, ચિતલ, જંગલી ભુંડ વગેરેના પણ અવશેષો મળી આવ્યા હતા. સાથે સાથે શિકારના ઉપયોગમાં લેવાતા નેટ, ફાંસલા, ગીલોલ, છરી - છરા, કરવત, કોયતો, વાયર વગેરે પણ મળી આવતાં વન સ્ટાફ ચોંકી ઉઠયો હતો. અને વિનુ બચુ દેવીપૂજક તથા બચુ ચના દેવીપુજકની પણ આ મહિલા સાથે ધરપકડ કરી હતી.

આ તમામની વન વિભાગે આકરી પૂછપરછ કરતાં આંકોલવાડી ગામની સીમમાં જેરામ વાલજી અકબરીના ગામની સીમમાં જેરામ વાલજી અકબરીના ખેતરમાં વિજ કરંટથી ચિતલના શિકારની ઘટના બહાર આવતાં વન વિભાગે તપાસ કરી ઘટના સ્થળેથી એક ચિતલનો મૃતદેહ તથા ઈલે.વિજ વાયરની વાડનો તાર કબ્જે કરી વાડી માલિકની ધરપકડ કરી હતી. આ ખેતરમાંથી જંગલમાંથી ગેરકાયદેસર રીતે કપાયેલા ૧ ટ્રેકટર જેટલા સાગના લાકડા પણ મળી આવ્યા હતા. જો કે આ તમામ કાર્યવાહી દરમ્યાન વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.

ગીર જંગલમાં નાના મોટા વન્ય પશુ - પક્ષીઓના શિકારના આ રેકેટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે ડી.સી.એફ. બી.પી.પત્તીની સૂચનાથી વન વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ફોરેસ્ટ ગાર્ડ જે.ડી.સુમરા, ડી.એલ.રાવલીયા, બી.પી.મહેતા, હમીરભાઈ ઝંઝુવાડીયા સહીતનો સ્ટાફ પણ જોડાયો હતો.

વન વિભાગે આ એક ઘટના ઝડપી લીધા બાદ ગીર પંથકમાં વસવાટ કરતા અન્ય દેવીપૂજક પરિવારો પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=41685&Keywords=Sorath%20gujarati%20news

Aaj nu Aushadh

ઉધરસ, જૂનો મરડો

ઉધરસમાં કફ ઘણો જ નીકળતો હોય એવી ઉધરસ મટાડવા માટેનો ઉત્તમ ઉપચાર નોંધી લો. સૂંઠનું બારીક ચૂર્ણ પા ચમચી + મોટી એલચીનું બારીક ચૂર્ણ પાંચથી છ ચોખાના દાણા જેટલું + એટલો જ સંચળનો પાઉડર બે ચમચી મધ સાથે મિશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. પચવામાં ભારે, ચીકણા અને મીઠા આહારદ્રવ્યો છોડી દેવા તથા સૂંઠ નાખીને ઉકાળેલું ઠંડું કરેલું પાણી પીવું. * આયુર્વેદમાં જૂના મરડાની ઉત્તમ દવા કઈ ? અમે તરત જ કહીએ કે 'કુટજારિષ્ટ.' જેમને જૂના મરડાને લીધે બે-ત્રણ કે વધારે પડતા ચીકાશવાળા, ગેસ સાથે ચીકણા ઝાડા થતા હોય તેમણે ચારથી પાંચ ચમચી કુટજારિષ્ટ સવારે, બપોરે અને રાત્રે પીવો. ઉષ્ણ, તીક્ષ્ણ આહારદ્રવ્યો અને અથાણાં, પાપડ ખાવા નહીં તથા સુપાચ્ય આહાર પ્રયોજવો.

Wednesday, December 12, 2007

ગીરગઢડા અને ગીર બોર્ડર પરના આજુબાજુના ગામોને જંગલખાતા દ્વારા હેરાનગતિ

ઉના, તા.૩
ગીરગઢડા ખાતે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકશન માટે આવેલા જૂનાગઢના પોલીસ અધિક્ષકે આગેવાનો, વેપારીઓ, સંસ્થાના વડાઓ સાથે લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં ગીરગઢડા અને આજુબાજુના ગીરના બોર્ડરના ગામોને જંગલ ખાતા દ્વારા થતી હેરાનગતિ અને બીન વ્યવહારૂ એવા જંગલી કાયદાઓ દ્વારા ગીરના ધર્મસ્થાનોમાં જવા માટે ખોટા અવરોધો ઉભા કરીને લોકોની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચે તેવું વર્તન કરવામાં આવે છે તેની રજૂઆત કરી હતી.મધ્યગીરમાં આવેલ પાતાળેશ્વર મહાદેવના યાત્રાળુઓ માટે સરકારે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના સાત દિવસ માટે નિ:શુલ્ક પ્રવેશનો હક્ક આપ્યો છે. તેમજ બાકીના દિવસોમાં પ્રવેશ ફી વસુલ લઈને યાત્રાળુઓને જવા દેવામાં આવતા પરંતુ તે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.ઉપરોકત પ્રશ્નને લઈને પોલીસ અધિક્ષકે જૂનાગઢની વન વિભાગની નાયબ વન સંરક્ષકની કચેરીને પ્રજાને અપાયેલાં હક્કનું રક્ષણ કરવા અને વ્યવહારૂ અભિગમ અપનાવવા રજૂઆત કરતા નાયબ વન સંરક્ષકે સરકાર તરફથી યાત્રાળુઓને જે જે ઠરાવ ક્રમાંકથી નિ:શુલ્ક પ્રવેશ તેમજ પ્રવેશ ફી વસુલ લઈને જવા દેવાય છે તેની હકીકત જણાવતો પત્ર ગીરગઢડાના આગેવાન તેમજ પંચાય ની સંસ્થાને પાઠવેલ છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=39125&Keywords=Saurashtra%20Guajarati%20News

કુતિયાણામાં સસલાંનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ : વનખાતાએ દંડ ફટકાર્યો

કુતિયાણા,તા.ર૮
સ્વાદ શોખિનોની સ્વાદ ભુખ સંતોષવા વન્યપ્રાણીઓનો શિકાર કરતી એક ટોળકીને કુતિયાણા જંગલ ખાતાએ દબોચી લઈ આકરો દંડ કરી દાખલારૂપ કામગીરી કરેલ છે.ગત તા. ૨૬-૧૧ના બપોરના સુમારે કુતિયાણા તળાજા ચારણનેશ પાસેના જંગલમાં રાજગર પાટી પાસે મેવટા, જાળબાધી અમુક શખસો શિકાર કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે કુતિયાણા આર.એફઓ. ઠુમ્મર ઉપરાંત સ્ટાફના આરબ, ભીંભા, સતિષ કડે ગીયા, મકવાણા વગેરેએ સામજી ભીખા, રાજેશ કિશોર, મેરામણ ખીમા નામના ત્રણ શિકારીઓને ૧ વન્યજીવ મારેલ સસલો, જાળ, દાતરડું, સુડી, વગેરે મુદામાલ સાથે પકડી પાડી અગાઉ આ વિસ્તારમાં જ થયેલ. મોર-પક્ષીઓ તથા હરણના શિકાર બાબતે આગવીઢબે પૂછપરછ કરેલ તથા સેડયુલ-૪માં આવતાં વન્યજીવ સસલાના શિકાર બદલ રૂા. ૧૫૦૦૦નો આકરો દંડ કરતાં શિકારીઓમાં ફફડાટ ફેલાયેલ છે. જયારે કુતિયાણા ભાર વાડીમાં ૧૦૦ વર્ષ જુના પિપળા વૃક્ષને કપાતું અટકાવતાં પર્યાવરણ પ્રેમીઓમાં આનંદ ફેલાયો છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=38027&Keywords=Crime%20Sorath%20Gujarati%20News

ગીર પંથકમાંથી હરણનાશિકારનું રેકેટ ઝડપાયું; મહિલા સહિત ૩ ની ધરપકડ - ૧ ફરાર

જૂનાગઢ,તા.૮
ગીર પંથકના અને ગિર જંગલની બોર્ડરના આંકોલવાડી ગામની સીમમાંથી આજે હરણના શિકારનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે. ખેતરમાં વીજ કરંટ આપી હરણનો શિકાર કરવાના આ રેકેટમાં એક મહિલા અને ખેતર માલીક સહિત ત્રણને વન વિભાગે ઝડપી લીધા છે જયારે ૧ શખ્સ ફરાર થઈ ગયો છે. ઝડપાયેલ વાડી માલિકે ત્રણ ચિતલના શિકારની કબૂલાત આપતાં વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ માટે વનવિભાગે ત્રણેયને તાલાળા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત માર્ચ માસ દરમ્યાન ગીર જંગલમાં છ - છ સિંહોના શિકારની રાજયભરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આ પ્રકરણનો હજી સુધી ઉકેલ નથી આવ્યો ત્યાં જ ગીર પંથકમાંથી આજે વન વિભાગે હરણના શિકારનું રેકેટ ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હરણના શિકારની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના આંકોલવાડી ગામ ખાતેથી એક શંકાસ્પદ મહિલા રાણી બચુ દેવીપૂજકને મટન લઈ જતી રોકી વન વિભાગે તપાસ કરતાં આ મહિલા પાસેથી ૪ કિલો મટન મળી આવવાથી ચોંકી ઉઠેલા વન વિભાગે ગીર પશ્ચિમ વન વિભાગન
ી.સી.એફ. બી.પી.પતીની સૂચનાથી એ.સી.એફ. શશીકુમાર અને એ.સી.એફ. વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. બી.કે.પરમાર સહીતના કાફલાએ આ મહિલાના ઘરે દરોડો પાડતાં ત્યાંથી વધુ મટન અને ફાંસલાઓ, છરો, હથિયારો મળી આવતા ત્યાંથી દિનુ બચુ દેવીપુજક નામના શખ્સની પણ વનખાતાએ ધરપકડ કરી હતી.

આ બન્નેની કડક પૂછપરછ કરતાં હરણના શિકારના રેકેટનો પર્દાફાશ થયો હતો. આંકોલવાડી ગામની સીમમાં જેરામ બાલાજી અકબરી નામના ખેડૂતના ખેતરમાં ઈલેકિટ્રક કરંટથી હરણનો શિકાર કરવામાં આવતો હોવાની વિગતો ખુલતાં જ વન વિભાગે જેરામ અકબરીને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ શખ્સે ત્રણ ચિતલ (હરણ) નો શિકાર કર્યો હોવાની કબુલાત આવી હતી.

આ તમામે શિકારના રેકેટ અંગે વન વિભાગ સમક્ષ આપેલી કબુલાત અનુસાર જેરામ અકબરીના ખેતરમાં સૌપ્રથમ વીજ કરંટથી હરણને મારી નખાયા બાદ દેવીપૂજક શખ્સોને બોલાવવામાં આવતા હતા. અને આ શખ્સો મૃત હરણને છરીથી કાપી તેનુ માંસ લઈ જઈ વેચી નાખતા હતા. આ ઘટનાને અનુલક્ષીને વન વિભાગના સકંજામાં આવે તે પહેલાં જ વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.

વન વિભાગે ઘટના સંદર્ભે એક મહિલા સહિત ત્રણેયની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા સહિતની કલમો અનુસાર ગુન્હો નોંધી ઉંડાણપૂર્વકની પુછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે તાલાળા કોર્ટમાં રજુ કર્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40746&Keywords=Crime%20Sorath%20gujarati%20news

વેરાવળ રેન્જના જંગલમાંથી ગેરકાયદેસર પથ્થર ચોરી કરતાં ત્રણ શખ્સો ઝડપાયા

જૂનાગઢ,તા.૧૧
જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જના જંગલમાંથી ગેરકાયદેસર સફેદ ટોળા પથ્થરોની ચોરી કરતા ત્રણ શખ્સોને એક જે.સી.બી. અને બે ટ્રક સાથે વન વિભાગે ઝડપી લઈ રૂ.ર૬ હજારનો દંડ ફટકાર્યો છે.પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ વન વિભાગની વેરાવળ રેન્જના પાટણ રાઉન્ડની અનામ જંગલની વીડી મોરાજ ખાતેથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી સફેદ પથ્થરો (ટોળા) ની ચોરી કરતા ત્રણ શખ્સોને વન વિભાગે રંગે હાથ ઝડપી લીધા છે.
ડી.એફ.ઓ. બી. ટી. ચઢાસણીયાની સુચનાથી આર.એફ.ઓ. કે.આર.વઘાસીયા તથા ફોરેસ્ટર એન.એલ.કોઠીવાલ તથા ફોરેસ્ટ ગાર્ડ સી.એમ.રાઠોડ સહીતના સ્ટાફે આ ઘટનાને અનુલક્ષીને ઈસ્માઈલ સુલેમાન (રે.માળીયા મીયાણા), સંજય ગુણવંતરાય (રે.હળવદ) અને પરબત પીઠીયા રે.કેશોદ નામના ત્રણેય શખ્સોને બે ટ્રક જી.જે.ર એક્ષ ર૧૬ અને જી.જે.૧ર ડબલ્યુ ૯૬૯૯ તથા એક જે.સી.બી. સાથે ઝડપી લઈ જૂનાગઢની સરદારબાગ કચેરી ખાતે રજુ કરાતા આ ત્રણેય શખ્સોને ફટકારવામાં આવેલ દંડની રૂા.ર૬ હજારની રકમ વન સ્ટાફ અને ઉતર રેન્જના વિજય યોગાનંદી દ્વારા વસુલવામાં આવ્યો છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40967&Keywords=Sorath%20Gujarati%20News

ગીરના સિંહોની હત્યાનો શકમંદ શબ્બીર ઝડપાયો

Sarfaraz Shekh, Ahmedabad
Sunday, December 09, 2007 00:48 [IST]

ગાંધીનગર એફ એસ સેલની ચાર સભ્યોની ટીમ અલ્ાાહાબાદ પહોંચી

ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એસ એસ પી અમિતાભ યશની ટીમે અલાહાબાદ ખાતેની કુખ્યાત શબ્બીરઅલી સહિત તેના ૧૫ સાગરીતોને વાઘના ૮૦ કિલો હાડકાં સાથે પકડી પાડયો છે.

ઉરચસ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ છ મહિના પહેલા જૂનાગઢ પાસેના ગીરનાં જંગલોમાંથી ૮ જેટલા સિંહોના મૃતદેહો મળી આવ્યા હોવાથી અને શબ્બીરઅલી પણ તે પ્રકરણ સાથે સંકળાયેલો હોવાની શકયતાને આધારે ગુજરાત પેાલીસના ત્રણ અધિકારીઓ અને ગાંધીનગર ખાતેના એફ એસ એલના એક અધિકારીની ટીમ તાત્કાલિક અલાહાબાદ રવાના કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પોલીસને શંકા છે કે વાઘની સંખ્યા ઓછી થઈ હોવાથી શિકારીઓ હવે વાઘના બદલે સિંહનો શિકાર કરીને તેના હાડકાં વાઘના કહીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિમંતે વેચી રહ્યા છે.

અધિકારીઓનું માનવું છે કે શબ્બીરઅલી પણ અગાઉ ગુજરાત પોલીસની સી આઈ ડી ક્રાઈમના હાથે પકડાઈ ગયેલા મઘ્યપ્રદેશના કુખ્યાત સરકસલાલની ટોળકીના સાગરીત હોઈ શકે છે તથા જે હાડકાં અલ્હાબાદથી મળ્યાં છે તે કદાચ ગીરમાં મારી નંખાયેલા સિંહ પ્રજાતીના હોય શકે છે.

આ અંગે દિવ્ય ભાસ્કરે અલ્હાબાદના ઝોનલ આઈ જી એ કે ડી દ્વિવેદીને પૂછતા તેમણે પુષ્ટિ આપી હતી કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ( એસ ટી એફ) શનિવારે અલ્હાબાદ ખાતેથી વાઘનાં હાડકાં સાથે શબ્બીરઅલી તથા તેના પંદર સાગરીતોને પકડી પાડયા છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના ગીરના જંગલોમાં પણ સિંહોનો શિકાર કરી તેમના હાડકાં અને નખ વેચવાના આંતરરાષ્ટ્રીય પ્રકરણના પર્દાફાશ બાદ ગુજરાત પોલીસ તથા એફ એસ એલની એક ટીમ શનિવારે સાંજે અલ્હાબાદ પહોંચી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ગીરનાં જંગલોમાં ૮ સિંહોના શિકારથી સનસનાટી મચી ગયા બાદ ગુજરાત પોલીસે ટોળકીના મુખ્ય સૂત્રધાર સરકસલાલ સહિત કુલ ૨૮ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ હાલમાં જેલમાં જ છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશભરના જંગલોમાં પ્રાણીઓની હત્યા કરી તેમનાં હાડકાં અને ચામડાંનો મોટા પાયે વિદેશોમાં દાણચોરી થતી હોય છે અને અનેક વખત પોલીસે આ સંદર્ભે કુખ્યાતોને ઝડપ્યા છે. જેમાં આ ઓપરેશનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગીરમાં અગાઉ પણ અનેક સિંહના અને વાઘના શિકાર થયા હોઇ આ ઘટના અનેક ગુનાઓનો ભેદ ઉકેલે એવી આશા છે.

ગાંધીનગર ટીમ બીજાં રાજયોમાં તપાસ કરવા પહોંચી..

સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર એફ એસ એલ ( ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમે ગીરપ્રકરણમાં નખશીખ તપાસ કરીને આરોપીઓ સામે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે તે જૉતા, શબ્બીરઅલીની ધરપકડ બાદ ગાંધીનગર એફ એસ એલના અધિકારીને તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રથમ કિસ્સો છે કે જેમાં પ્રાણીઓનાં હાડકાંની તપાસ કરવા માટે એફ એસ એલની ટીમ બીજા રાજયમાં મોકલવામાં આવી છે.

કેવી રીતે એફ એસ એલે પુરાવા એકત્ર કર્યા

ઉરચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે ગીર પ્રકરણમાં સરકસલાલ સહિતના આરોપીઓની ધરપકડ કર્યા બાદ એફ એસ એલના અધિકારીઓ પાસે વૈજ્ઞાનિકઢબે તેમનું હેન્ડવોશ કરાવ્યું હતું. જેમાં આરોપીઓના નખની અંદરના ભાગે રહેલા કચરાના નમૂના લેવામાં આવ્યા હતા.

હેન્ડવોશના પ્રથમ રિપોર્ટમાં તેમના નખમાંથી માનવના ન હોય તેવા રકતના કણો મળી આવ્યા હતા. પોલીસે તે અંગે વધારે સ્પષ્ટતા કરવાનું કહેતા બીજા રિપોર્ટમાં તે રકત બિલાડીની પ્રજાતિનું હોવાનું બહાર આવ્યું હતું. ત્રીજા અને અંતિમ રિપોર્ટમાં તે રકત સિંહનું હોવાનું પ્રકાશમાં આવતા પોલીસને આરોપીઓને ઘટનાસ્થળ અને સિંહના શિકાર સાથે સાંકળી શકાય તેવા મજબૂત પુરાવા મળી ગયા હતા.

વિખ્યાત ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરાઈ

સૂત્રોએ જણાવ્યું હતું કે શિકારી ટોળકીના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા હોવાથી તેઓ અદાલતમાં કેસ લડવા માટે મોટા ધારાશાસ્ત્રીઓને રોકે છે. પોલીસે પણ સરકારની ખાસ મંજૂરી સાથે તેમને કાયદાકીય જંગમાં પહોંચી વળવા માટે ગુજરાતના વિખ્યાત ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પોલીસે સ્પેશિયલ પબ્લિક પ્રોસયુકુટર તરીકે સુધીર મિશ્રા, હાઈકોર્ટમાં સરકાર વતી પેરવી કરવા માટે પિતાંબર અભિચંદાની અને ભાવનગર ખાતેની કોર્ટમાં કેસ લડવા માટે પ્રફુલ્લ કોટિયાની નિમણૂક કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ધારાશાસ્ત્રીઓ તેમની સામાન્ય ફી કરતાં પણ ઓછી ફી લઈને સરકાર વતી આ કેસ લડી રહ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/12/09/0712090050_accused_arrested.html

ઊનામાં સુગર ફેકટરી પાસે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો

Bhaskar news, Una
Wednesday, December 12, 2007 00:04 [IST]

ઊના નજીક સુગર ફેકટરી પાસે દીપડાના આખા પરિવારનો મુકામ હોઇ આસપાસ કવાર્ટરમાં રહેતા લોકોમાં ફફડાટ પેસી ગયો હતો. વનતંત્રને પાંજરું મૂકવાની રજૂઆત બાદ તંત્રને પાંજરું મૂકવાનું સૂઝ્યું હતું અને આજે વહેલી સવારે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો હતો. જયારે દીપડાનો પરિવાર આસપાસમાં જ હોવાનું વનતંત્ર માની રહ્યું છે.

ત્રણ દિવસ પૂર્વે ઊના પાસે સુગર ફેકટરી એરિયામાં દીપડાનો આખો પરિવાર આવી ચડયો હતો અને તેના આતંકથી આસપાસના રહીશો રીતસર ફફડતા હતા. તેમ છતાં વનતંત્રને આ વિસ્તારમાં પાંજરું મૂકવાનું સૂઝ્યું ન હતું.

આ બાબતનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિઘ્ધ થયા બાદ ડહાપણ આવ્યું હોય તેમ તંત્રે પાંજરું મૂકવાની તસદી લીધી હતી. જો કે, પાંજરું મૂકી દીધા માત્રથી તંત્રે હાશકારો અનુભવી લીધો હોય તેમ પ્રવેશદ્વાર ખોલવાનું જ ભૂલાઇ ગયું હતું. આથી દીપડાને અંદર આવવું હોય તો’ય અવાય તેમ ન હતું. બાદમાં પાંજરાનું પ્રવેશ દ્વાર ખોલી દેવાતાં દીપડાએ આજે વહેલી સવારે ઉદ્ઘાટન કર્યું હતું.

આ દીપડો પાંચ વષ્ાર્ની ઉંમરનો હોવાનું વન તંત્રે જણાવ્યું છે. પાંજરે પૂરાઇ જતાં દીપડાએ ઝનૂન પૂર્વક પ્રહારો કરી પોતાને જ ઇજા પહોંચાડી હતી અને આંખો, મોં પરથી લોહી વહાવી દીધું હતું. જેની સારવાર કરી જસાધાર રેન્જમાં જંગલમાં દીપડાને છોડી દેવાશે. તેવું વન અધિકારીઓએ ઉમેર્યું હતું. દીપડાનો પરિવાર આસપાસમાં જ હોઇ પાંજરું ખાલી કરી પુન: તે જ જગ્યાએ ગોઠવવા વનતંત્રે તૈયારી બતાવી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/12/12/0712120006_leopard.html