Friday, November 29, 2013

ઊના પંથકનાં સણોસરીમાં ત્રણ સાવજોએ કર્યા બે ગાયના શિકાર.

ઊના પંથકનાં સણોસરીમાં ત્રણ સાવજોએ કર્યા બે ગાયના શિકાર
Bhaskar News, Junagadh | Nov 29, 2013, 01:39AM IST
પરોઢીયે ગામમાં લટાર મારી નિરાંતે માણી મારણની મિજબાની : ગભરાટ

ઊનાનાં સણોસરીમાં પરોઢીયે ૩ સિંહોએ આવી ચઢી ગામમાં લટાર મારી બે ગાયોનાં શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણતાં લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો.
ઊના તાલુકો ગીરજંગલની નજીક હોવાથી વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચઢતા હોવાની ઘટનાં સામાન્ય બની છે. ત્યારે જંગલ બોર્ડરની નજીક આવેલ સણોસરી ગામમાં આજે પરોઢીયે ૩ સિંહોએ ર્મોનિ‌ગ વોકમાં નિકળી ગામમાં લટાર મારી બે ગાયોનો શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણી જંગલની વાટ પકડી હતી. પરોઢીયે ૩ સાવજોએ ડણકોથી ગામની ગલીઓ ગજવી દેતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે સવારે વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારી સહિ‌તનો કાફલો ગામમાં દોડી આવેલ અને સાવજોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી હતી.

Thursday, November 28, 2013

લીલીયા: અગિયાર માસમાં છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો.

લીલીયા: અગિયાર માસમાં છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યોBhaskar News, Amreli   |  Nov 28, 2013, 01:03AM IST
- લીલીયા બૃહદગીર વિસ્તારમાં સિંહબાળનો ખીલખીલાટ
-
સિંહોનાં આ વસવાટ વાળા વિસ્તારને એકાદ દાયકાથી કાયમી રહેઠાણ બનાવ્યું છે
કલીલીયાના બૃહદગીર વિસ્તારમાં પાછલા એક દાયકા ઉપરાંતના સમયથી અહીના વિવિધ વિસ્તારોમાં સિંહ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. અહીના આંબા, ભેંસવડી, લોકી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા, શેત્રુંજી નદીના કાંઠાના ગામોમા મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ જોવા મળે છે. ત્યારે પાછલા અગિયારેક માસ દરમિયાન આ વિસ્તારમાં છ સિંહણોએ મળી કુલ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો છે. જેના લીધે બૃહદગીર વિસ્તાર સિંહબાળના ખીલખીલાટથી જાણે ગુંજી ઉઠયો છે.


ગીર જંગલમાં વસતા સાવજોએ લીલીયાના બૃહદગીર વિસ્તારને પાછલા એકાદ દાયકા ઉપરાંતના સમયથી પોતાનુ નવુ રહેઠાણ બનાવી લીધુ છે. આ વિસ્તારમાં હાલ ૪પ જેટલા સાવજ પરિવાર વસવાટ કરે છે. અહી ગીર જંગલમા ન વધે તેટલી વસ્તી વધી રહી છે. અહી પાછલા અગિયારેક માસમા છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો છે.
અહી વસવાટ કરતી રેડીયો કોલર સિંહણે જાન્યુઆરી માસમા બે સિંહબાળને જન્મ આપ્યો હતો. બાદમાં માર્ચમા ક્રાંકચમાં ખાટની ઓઢ વિસ્તારમાં રાતડી સિંહણે ચાર બચ્ચાને તેમજ ભુરી સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. મે માસમાં ચાંદગઢની સીમમાં વાંજણી સિંહણે બે બચ્ચાને જન્મ આપી વાંજીયામેણુ ભાંગ્યુ હતુ. ત્યારબાદ સપ્ટેમ્બર ઓકટોબર માસમા માકડી સિંહણે ક્રાંકચ ગાગડીયા નદીના કાંઠે ખોડીયારની ખાણ વિસ્તારમા સરેડામા ચાર બચ્ચા અને બાદમાં બે બચ્ચાને જન્મ આપ્યો હતો. અગિયાર માસમાં ૧૭ સિંહબાળ ખીલખીલાટ કરી રહ્યાં છે. વસ્તી વધતા પંથકમા સિંહપ્રેમીઓમા આનંદની લાગણી જોવા મળી રહી છે. હાલમાં સ્થાનિક આરએફઓ બી.પી.અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિ‌લ, બીપીનભાઇ ત્રિવેદી સહિ‌તનો સ્ટાફ આ સિંહબાળની સંભાળ લઇ રહ્યો છે.
દોઢેક માસ પહેલા જન્મેલા છ બચ્ચા પ્રથમ વખત દેખાયા
બૃહદગીર વિસ્તારમાં માકડી સિંહણે ચાર બચ્ચાને તેમજ ભોડી સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યા બાદ આ છ સિંહબાળ શેત્રુજી નદીના કાંઠે પ્રથમ વખત જોવા મળ્યાં હતા. આ વિસ્તારમાં સિંહબાળનો સતત ઉમેરો થતા સિંહપ્રેમીઓ ખુશખુશાલ જોવા
મળ્યા હતા.

સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું ઘાયલ.


સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું ઘાયલ
Dilip Raval, Amreli | Nov 26, 2013, 16:38PM IST
લોકોનું ટોળું એકઠું થઇ જતા નસીબદાર બચ્ચું બચી ગયું
 
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે આજે સવારે એક સિંહણે દિપડીના બચ્ચા પર હુમલો કર્યો હતો. સિંહણે દિપડીના બચ્ચાને કમરના ભાગેથી દબોચી લેતા તેણે ચીસાચીસ કરી હતી. જેને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોકોનું ટોળું એકઠું થતાં સિંહણ ઘાયલ બચ્ચાને પડતું મુકી નાસી ગઇ હતી. હાલમા આ બચ્ચાની સારવાર શરૂ છે.
 
સિંહ અને દિપડાનો આમનો સામનો થઇ જાય તો ચૌક્કસ જંગ જામે છે. જો કે વિજય હંમેશા સિંહનો થાય છે. દિપડાના ભાગે મોટે ભાગે મોત આવે છે. પરંતુ આજે સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું માંડ બચી શક્યું હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામની સીમમા આજે સવારે સાતેક વાગ્યાના સુમારે એક સિંહણે દિપડાના બચ્ચા પર હુમલો કર્યો હતો.
 
આ સિંહણે દિપડાના બચ્ચાને કમરના ભાગેથી પકડી મોઢામા દબાવી દેતા તેને ઇજા પહોંચી હતી. જો કે દિપડીના બચ્ચાનો શોર સાંભળી આસપાસમા કામ કરતા લોકો એકઠા થઇ જતા સિંહણે હેબતાઇ ગઇ હતી. અને લોકો એકઠા થતા દિપડાના બચ્ચાને પડતુ મુકી સિંહણ નાસી છુટી હતી. ઘાયલ બચ્ચા અંગે વનતંત્રને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ બચ્ચાને સારવાર માટે સાસણના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવ્યુ હતુ. આરએફઓ રાજપુતે જણાવ્યુ હતુ કે આ બચ્ચુ છ માસનુ હતુ અને હાલમા બચી ગયુ છે.

ધારાબંદરમાં ઝેરી ચારો ખાવાથી પંદર પ્રવાસી પક્ષીઓના મોત.

ધારાબંદરમાં ઝેરી ચારો ખાવાથી પંદર પ્રવાસી પક્ષીઓના મોત
Bhaskar News, Amreli   |  Nov 26, 2013, 03:46AM IST
- સૂકી માછલીના ખાતરમાં જંતુનાશક નખાતા પક્ષીઓને મોત મળ્યુ
- હજુ ૨પ પક્ષીઓનાં શિકારની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં


જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ૨પથી વધુ પ્રવાસી પક્ષીઓનો એક શિકારી ટોળકીએ શીકાર કર્યાની તંત્રને રજુઆત થયાને હજુ જાજો સમય થયો નથી ત્યાં જાફરાબાદ તાલુકાના ધારાબંદરના દરીયાકાંઠે પંદર પ્રવાસી પક્ષીઓના મોત થયા છે. અહિં માછલીઓના ખાતરમાં ઝેરી દવા નખાતા આવો ચારો ખાવાથી પક્ષીઓના મોત થયાની લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રજુઆત કરવામાં આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે વિસ્તરણ વિભાગના ડીએફઓને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે જાફરાબાદના ધારાબંદર ખાતે સમુદ્ર કિનારે પંદર જેટલા યાયાવર પક્ષીઓનું ઝેરી પદાર્થ ખાવાથી આજે મોત થયુ હતું. તેમણે રજુઆતમાં એમ જણાવ્યુ હતું કે ધારાબંદર તથા આસપાસના વિસ્તારોમાં મૃત માછલીઓમાંથી ખાતર બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે.

સુકવેલી આ માછલીઓનું ખાતર અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. સુકવણી દરમીયાન આ માછલીઓમાં સડો કે જીવાત ન પડી જાય અને બગાડ ન થાય તે માટે તેના પર જંતુનાશક દવા છાંટવામાં આવે છે. આવી જંતુનાશક દવા છાટેલી સુકી માછલીઓનો ચારો ખાવાથી આ પક્ષીઓના મોત થયાનું મનાય છે. અહિં પાછલા ઘણા સમયથી રોજ એક-બે પક્ષીના મોત થાય છે.

પરંતુ આજે ધારાબંદર અને રાજપરાના દરીયાકાંઠે પંદર જેટલા પક્ષીઓના કમોત થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે જાફરાબાદના બાબરકોટમાં હજુ ત્રણ દિવસ પહેલા જ શીકારોઓએ ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શિકાર કર્યાની પણ લાયન નેચર ફાઉન્ડેશને રજુઆત કરી હતી.

આ અંગે જાફરાબાદનાં આર.એફ.ઓ. રાજપૂત સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, તપાસ કરતા ધારાબંદર વિસ્તારમાંથી પક્ષીઓના મૃત્યુ થયા હોય તેવી વાત ધ્યાને આવી નથી.

લાયન શોની ઘેલછા, સિંહની ડણકથી યુવકો ઊભી પૂંછડીયે ભાગ્યા.

લાયન શોની ઘેલછા, સિંહની ડણકથી યુવકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Bhaskar News, Khmbha   |  Nov 25, 2013, 01:06AM IST
-
બેરોકટોક : રેવન્યુ વિસ્તારમાં સાવજોનો પડાવ હવે પજવણીમાં ફેરવાયો હોય તેવો તાલ સર્જા‍યો છે
-
સાવરકુંડલાનાં યુવકને સાવજે ડણક દેતા બાઇક છોડી નાસી જવુ પડયું

ગુજરાતને નામના અપાવનાર સાવજો માત્ર જંગલમા વસતા નથી. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પણ ખુબ મોટી સંખ્યામા વસવાટ છે. આ સાવજો રસ્તા પર પણ નજરે પડે છે અને વાડી ખેતરોમા પણ નજરે પડે છે.

જેને પગલે લોકોમા સિંહ દર્શનની મોટી ઘેલછા જોવા મળે છે. આ ઘેલછાના પરિણામે જ ખાંભા પંથકમાં લાયન શોનુ પ્રમાણ વધ્યું છે. સિંહ દર્શન માટે ગમે ત્યાં લોકોનુ ટોળુ એકઠુ થઇ જાય છે. સાવજોની પજવણીના કારણે હુમલાની ઘટના પણ વધી છે. ખાંભા નજીક એક બાઇક ચાલકને સિંહ આવી જતા પોતાનુ બાઇક મુકી નાસી જવુ પડયુ હતુ.

ખાંભા પંથકમાં ગેરકાયદે લાયન શોનુ પ્રમાણ વધ્યું છે. લોકોમા સિંહ દર્શન માટેની ઘેલછા વધુ પ્રમાણમા જોવા મળી રહી છે. આ ઘેલછા જ કેટલાક લોકોને લાયન શો માટે પ્રેરી રહી છે. અહી દુરદુરના પ્રદેશોમાંથી સિંહ દર્શન માટે લોકો આવે છે. છેક રાજકોટથી પણ લોકો લાયન શો ગોઠવાઇ ત્યારે સિંહ જોવા પહોંચી જાય છે. ખાંભા પંથકમાં વીડી વિસ્તારમાં ગઇકાલે એક સાવજ દ્વારા મારણ કરવામા આવ્યુ હતુ ત્યારે અહી જોતજોતામા ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. મોબાઇલ પર એકબીજાને સંદેશાની ઝડપથી આપલે થતી હોય આવા સમયે જ જોતજોતામા લોકોના ટોળા એકઠા થઇ જાય છે. ગેરકાયદે સિંહ દર્શન દરમિયાન કાંકરીચાળાની પણ ઘટના બનતી હોય છે.

જાણવા મળતી વિગત અનુસાર ગઇકાલે અહી સાવરકુંડલાથી એક બાઇક ચાલક સિંહ દર્શન માટે પહોંચી ગયો હતો. બાઇક મુકીને બધા સિંહ દર્શનમા વ્યસ્ત હતા તે સમયે સિંહ અચાનક બાઇક પાસે પહોંચી જતા તેણે બાઇક મુકીને ત્યાંથી નાસી જવુ પડયું હતુ. આખી રાત બાઇક તે સ્થળે પડયુ રહ્યું હતુ. અને છેક સવારે ફરી ત્યાં પહોંચી તે શખ્સ પોતાનુ બાઇક લઇ ગયો હતો. અહી મોટી સંખ્યામા સિંહ દર્શન માટે લોકો એકઠા થયા હતા. ત્યારે અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો. સિંહ દર્શનની આ પ્રવૃતિ અટકાવવા સ્થાનિક વનકર્મચારીઓ નાકામ રહેતા હોય ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે.

કાયદાથી કડક હાથે કામ લેવાશે-ડીએફઓ શર્મા
ગીરપુર્વના ડીએફઓ શર્માએ જણાવ્યુ હતુ કે જો કોઇ વ્યકિત લોકોના ટોળા એકઠા કરી સિંહ દર્શન કરાતા માલુમ પડશે તો કાયદાથી તેની સામે કડક હાથે કામ લેવાશે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે ખાંભાના કોટડામા એક સપ્તાહ પહેલા સિંહ દર્શન કરનારાઓ પાસેથી ૨પ હજારનો દંડ વસુલાયો હતો.

સાવજની એક ડણકથી સિંહપ્રેમીઓ ભાગ્યા
ખાંભા નજીક ગઇરાત્રે અહી સિંહ દર્શન માટે ટોળુ એકઠુ થયુ ત્યારે સાવજ છેક એક બાઇક નજીક પહોંચી ગયો હતો. અને બાઇક નજીક ઉભા રહી તેણે એક જ ડણક દેતા અહી એકઠુ થયેલુ ટોળુ જોતજોતામા વિખેરાઇ ગયુ હતુ. અગાઉ અહી બાઇકની લાઇટ ડીમફુલ કરી સાવજોને પરેશાન કરાયા હતા.

સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાં.સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાંBhaskar News, Amreli   |  Nov 25, 2013, 01:01AM IST
- બે ભાગીયાઓએ જ ફાંસલો ગોઠવ્યો 'તો
-
ભેદ ઉકેલાયો : બે દિવસ પૂર્વે ફિફાદની સીમમાં વાડીનાં કુવામાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલ સિંહણના મૃતદેહનું રહસ્ય ખુલ્યું
-
આ પ્રકરણમાં બેની ધરપકડ : હજુ વધુ નામ ખૂલે તેવી વન વિભાગે દર્શાવી શકયતા

સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમા બે દિવસ પહેલા એક વાડીના કુવામાંથી ગળામા ફાંસલા સાથે સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ વનવિભાગની તપાસમા વાડીમા કામ કરનાર બે ભાગીયાઓએ જ ફાંસલો મુકયો હોવાનુ ખુલતા આજે વનતંત્ર દ્વારા બંનેની ધરપકડ કરવામા આવી હતી. આ કેસમા હજુ વધુ કેટલાક શખ્સોની સંડોવણી ખુલી શકે તેવી શકયતા વનવિભાગે દર્શાવી હતી. ફિફાદની સીમમા જે વાડીના કુવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો તે વાડીના ભાગીયાઓએ જ મુકેલા ફાંસલામા ફસાવાથી સિંહણનુ મોત થયાનુ વનવિભાગની તપાસમા બહાર આવ્યુ છે.
સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાંરાજકોટમા રહેતા ગણેશભાઇ રંગાણીની વાડી ફિફાદની સીમમા આવેલી છે. તેમણે પોતાની આ વાડી મુકેશ નાથા કથીરીયા અને ભીમા લાખા વાઘેલાને ભાગીયુ વાવવા આપી હતી. દરમિયાન બે દિવસ પહેલા ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામા એક સિંહણનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, આ ઘટના બની ત્યારથી ડીએફઓ અશુંમન શર્માએ જુદી-જુદી ટૂકડી બનાવી અને હાથ ધરેલી કવાયત આખરે સફળ થઇ છે.

આ સિંહણના ગળામા વનવિભાગને ફાંસલો પણ મળ્યો હતો. વન્યપ્રાણીઓથી પાકના રક્ષણ માટે ગોઠવવામા આવેલા ફાંસલામા ફસાઇ જવાથી આ સિંહણનુ મોત થયુ હતુ. સિંહણના ગળામા ફાંસલોએટલો મજબુત ખેંચાઇ ગયો હતો કે શ્વાસ રૂંધાઇ જવાથી તે મોતને ભેટી હતી. બાદમા આ ઘટના છુપાવવા ગળામા ફાંસલા સાથે પતરાનો ડબ્બો બાંધી લાશને કુવામા નાખી દેવામા આવી હતી.

પાપ છાપરે ચઢીને પોકારતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો. દરમિયાન આ કૃત્ય કોણે આચર્યુ તે જાણવા વનવિભાગ દ્વારા અનેક શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામા આવી હતી. દરમિયાન આજે આ વાડી ભાગવી વાવવા રાખનાર મુકેશ નાથા કથીરીયા અને ભીમા લાખા વાઘેલાએ આ ફાંસલો પોતે મુકયો હોવાની કબુલાત આપી હતી. જેને પગલે વનતંત્ર દ્વારા તેની ધરપકડ કરવામા આવી હતી. સમગ્ર ઘટના કઇ રીતે બની અને તેને કઇ રીતે છુપાવવા પ્રયાસ થયો તેનો તાગ મેળવવા એસીએફ મુની અને આરએફઓ ભાલોડીયા દ્વારા વધુ પુછપરછ કરાઇ રહી છે.સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાંવધુ કોઇની સંડોવણી છે કે કેમ તપાસ થશે-એસીએફ
એસીએફ મુનીએ જણાવ્યુ હતુ કે આ કેસમા બે શખ્સોની ધરપકડ કરાઇ છે. ઉપરાંત સિંહણની લાશને ઉંચકીને કુવામા નાખવામા કોઇએ મદદ કરી છે કે કેમ તે દિશામા પણ તપાસ ચાલુ છે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે બંનેની પુછપરછ બાદ વધુ વિગતો ખુલશે.

કુવામાં ખાબકેલા છ માસના સિંહબાળને બચાવી લેવાયું.

કુવામાં ખાબકેલા છ માસના સિંહબાળને બચાવી લેવાયું
Bhaskar News, Amreli | Nov 25, 2013, 00:58AM IST- સિંહણ વિહવળ બની કુવા આસપાસ ટળવળતી હતી

સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામની સીમમા આજે સિંહણનુ છ માસનુ બચ્ચુ કુવામા પડી જતા વનવિભાગની રેસ્કયુ ટીમે બચ્ચાને સહીસલામત કુવામાંથી બહાર કાઢી તેની માતા સાથે મિલન કરાવ્યુ હતુ.

કોઇ માતાથી તેનુ બચ્ચુ છુટુ પડી જાય તો તેની પીડા દેખાયા વગર રહે ખરી ? પછી તે માતા સિંહણ કેમ ન હોય. સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામની સીમમા એક વાડીના કુવા પાસે સિંહણ વિહવળ બની તેના બે બચ્ચા સાથે આંટા મારતી હોય કંઇક અજુગતુ હોવાની આશંકા જતા સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી.

જસાધારની રેસ્કયુ ટીમનો સ્ટાફ તાબડતોબ અહી દોડી ગયો હતો અને વીસ ફુટ ઉંડા કુવામા તપાસ કરવામા આવતા સિંહણનુ એક બચ્ચુ તેમા પડી ગયુ હોવાનુ જાણમા આવ્યુ હતુ. વનવિભાગના સ્ટાફે સાવચેતીથી આ બચ્ચાને સહીસલામત કુવામાંથી બહાર કાઢયુ હતુ. પોતાની માતા સાથે અહીથી પસાર થતી વખતે કોઇ રીતે આશરે છ માસની ઉંમરનુ સિંહબાળ કુવામા પડી ગયુ હતુ. આ સિંહબાળનુ તેની માતા સાથે મિલન કરાવાયા બાદ સિંહણ બચ્ચાને લઇ ત્યાંથી ચાલી ગઇ હતી.

દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓનો કલરવ ગુંજ્યો.


દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓનો કલરવ ગુંજ્યો
Bhaskar News, Amreli | Nov 25, 2013, 00:58AM IST
- સિઝનલ ટૂર : જિલ્લાના કાંઠા અને જળાશય વિસ્તારમાં ચાર મહિ‌ના સુધી મૂકામ કરે છે
-
વિકટર ચાંચબંદર ખેરા પટવા વિસ્તારમાં હજારોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓનું આગમન

અમરેલી જિલ્લાનો સાગરકાંઠો પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ પ્રવાસી પક્ષીઓનુ આગમન શરૂ થઇ ચુકયુ છે. જો કે આવનારા દિવસોમા આ પક્ષીઓની સંખ્યામા ધરખમ વધારો થશે. હાલમા વિકટર, ચાંચ બંદર, ખેરા, પટવા વિગેરે વિસ્તારના દરિયાકાંઠામા ખુબ મોટી સંખ્યામા પ્રવાસી પક્ષીઓ આવ્યા છે. દર વર્ષે સાઇબીરીયા તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહી શિયાળો ગાળવા માટે આવે છે.

હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી આ પક્ષીઓ અમરેલી જિલ્લાના દરિયાકાંઠા પર તથા અન્ય જળાશયો પર ચારેક માસ સુધી રોકાઇ છે. અને ઉનાળો શરૂ થાય તે પહેલા પોતાના પ્રદેશ તરફ પરત ઉડી જાય છે. વર્ષોથી ચાલતો આ સીલસીલો જળવાતો હોય તેમ ઓણસાલ પણ પ્રવાસી પક્ષીઓના આવવાની શરૂઆત થઇ ચુકી છે.

અમરેલી જિલ્લાના જુદાજુદા જળાશયો પર હજુ મોટી સંખ્યામા આ પ્રવાસીઓ નજરે નથી પડયા પરંતુ અહીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પક્ષીઓનુ મોટી સંખ્યામા આગમન થઇ ચુકયુ છે જેને પગલે દરિયાકાંઠા પર પક્ષીઓનો કોલાહલ મચ્યો છે. અહી કુંજ, કરકરા, સારસ સહિ‌તના પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે.
પક્ષીઓને અહીના દરિયાકાંઠે ભરપુર ખોરાક મળી રહે છે. વિકટર, ચાંચ, ખેરા પટવા અને આસપાસના દરિયાકાંઠે માછલી અને અન્ય દરિયાઇ જીવોનો ખોરાક તેમને સરળતાથી મળી રહે છે. એવુ નથી કે આ વિસ્તારમાં આ પ્રવાસી પક્ષીઓ માત્ર દરિયાકાંઠે આવે છે. બલકે અમરેલી જિલ્લાના અનેક જળાશયો પર પણ તેનુ દર વર્ષે નિયમિત આગમન થાય છે. ખોડીયાર ડેમ ઉપરાંત ધાતરવડી, મુંજીયાસર ડેમ સહિ‌ત મોટી સંખ્યામા આ પક્ષીઓ આવે છે. અનેક નાના મોટા તળાવો પર પણ તેમનો પડાવ જોઇ શકાય છે.

સિંહણના હત્યારાઓને શોધવા કોમ્બીંગ.

સિંહણના હત્યારાઓને શોધવા કોમ્બીંગ
Bhaskar News, Amreli, Sawarkundla | Nov 24, 2013, 03:11AM IST
- ભેદ અકબંધ: ફીફાદમાં બનાવના સ્થળે વાડીઓમાં તપાસનો દોર
-
વન વિભાગની ટીમો દ્વારા શંકાસ્પદોની પૂછપરછ : જો કે હવામાં હવાતીયા

સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમા ગઇકાલે સિંહણને ફાંસલામા ફસાવી તેનુ મોત નિપજાવ્યા બાદ અજાણ્યા શખ્સો તેની લાશ વાડીના એક કુવામા નાખી ગયા બાદ આ સિંહણને કોણે મારી તે જાણવા આસપાસની વાડીઓમા વનવિભાગ દ્વારા કોમ્બીંગ કરાઇ રહ્યું છે. પરંતુ વનતંત્રને હજુ સુધી આ અંગે કોઇ કડી મેળવવામા સફળતા મળી નથી. તંત્ર દ્વારા કેટલાક શંકાસ્પદ લોકોની પુછપરછ કરાઇ છે.

વનતંત્રની ઘોર બેદરકારીથી એકપછી એક સાવજો મોતને ભેટી રહ્યાં છે. તેની વચ્ચે સાવરકુંડલાના ફિફાદમા સિંહણના મોતની ઘટનાનો તાગ મેળવવામા હજુ તંત્રને કોઇ સફળતા મળી નથી. ગઇકાલે ફિફાદની સીમમા રાજકોટના ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામાથી ગળામા ફાંસલો બાંધેલી હાલતમા સિંહણનો મૃતદેહ મળ્યો હતો. આ સિંહણનુ ફાંસલામા ફસાઇ જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયુ હતુ. અહી સિંહણના મૃતદેહના ગળામા ફાંસલાની સાથે પતરાનો ડબ્બો પણ બાંધેલો હતો.
સ્વાભાવિક રીતે જ આ ઘટના અન્ય કોઇ સ્થળે બની હતી અને બાદમા કુવામા મૃતદેહ નાખીજવાયો હતો.
કુવાની દિવાલ પણ સાડાત્રણ ફુટ ઉંચી હોય મૃતદેહ નાખવા માટે ત્રણ ચાર કે વધુ વ્યકિતીની જરૂર પડી હશે. તેવુ વનવિભાગનુ માનવુ છે. હાલમા આસપાસની વાડીઓમા વનવિભાગે કોમ્બીંગ કરી ઘટનાના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે શંકાના આધારે કેટલાક શખ્સોની પુછપરછ પણ કરવામા આવી રહી છે.

વન તંત્ર નિદ્રામાં: બાબર કોટમાં પ્રવાસી પક્ષીઓનો શિકાર.

વન તંત્ર નિદ્રામાં: બાબર કોટમાં પ્રવાસી પક્ષીઓનો શિકાર
Bhaskar News, Amreli   |  Nov 24, 2013, 03:00AM IST
- વન તંત્ર નિદ્રામાં : ૨પથી વધુ પક્ષીઓનો શિકાર કરાયાની રજૂઆત પછી તંત્ર દોડતુ થયું
-
લાયન નેચર ફાઉન્ડેશને કરી વિસ્તૃત રજૂઆત : વન તંત્ર દોડયુ પણ શિકારીઓ હાથમાં ન આવ્યા

દર શીયાળામાં સાયબેરીયા સહિ‌ત દુર દુરના પ્રદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ સૌરાષ્ટ્રમાં આવે છે. અમરેલી જીલ્લાના દરીયાકાંઠો પણ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. શિકારીઓ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનો અવાર નવાર શિકાર કરવામાં હોવાની ભુતકાળમાં ફરીયાદો ઉઠી હતી ત્યારે જાફરાબાદના બાબરકોટમાં પણ ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હોવાની લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વનતંત્રને ચોંકાવનારી રજુઆત કરાઇ છે. જો કે વનતંત્રનો સ્ટાફ અહિં દોડયો ત્યારે શિકારીઓ ગાયબ થઇ ગયા હતાં.
અમરેલી જીલ્લામાં વન્યપ્રાણીઓ અને પક્ષીઓના શિકારની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી રહે છે. માંસભક્ષીઓ દ્વારા નિલગાયના શિકારની પણ ઘટનાઓ બની ચુકી છે. અહિંના માંસભક્ષીઓ દરીયાઇ કાચબાના ઇંડાને પણ બક્ષતા નથી. ત્યાં પ્રવાસી પક્ષીઓની શું વિસાત ? અમરેલી જીલ્લાના જળાશયો પર અને દરીયાકાંઠે આ પ્રવાસીપક્ષીઓ પર કોઇ ચોકી પહેરો હોતો નથી. જેને પગલે શીકારીઓને જાણે ખુલ્લુ મેદાન મળે છે. શીયાળાની શરુઆત થઇ ચુકી છે ત્યારે કેટલાક દિવસોથી પ્રવાસી પક્ષીઓ પણ આવવાની શરૂઆત થઇ ચુકી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરીયાકાંઠા પર મોટી સંખ્યામાં પ્રવાસીપક્ષીઓ આવી ચુક્યા છે.

દરમીયાન લાયન નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હોવાની વન વિભાગને રજુઆત કરાઇ છે. ગત ૧૮મી તારીખે જાફરાબાદ તાલુકાના બાબરકોટની સીમમાં ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શીકાર કરાયો હતો. ભીખુભાઇ બાટાવાળા દ્વારા એવી પણ રજુઆત કરાઇ હતી કે અહિં પાંચ શિકારીઓએ ધામા નાખ્યા હતાં અને પ્રવાસી પક્ષીઓનો શિકાર કર્યો હતો.

લાયન નેચર ફાઉન્ડેશનની રજુઆત બાદ આરએફઓ દ્વારા વન કર્મચારીઓને અહિં દોડાવવામાં આવ્યા હતાં. જો કે વન વિભાગના હાથમાં આ શિકારીઓ આવ્યા ન હતાં. ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે પશુ-પક્ષીઓની રક્ષા માટે આમ જનતામાં જાગૃતિ આવી રહી છે. પ્રાણી અને પક્ષીના રક્ષણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ત્યારે શિકારની આવી ઘટના બને તો લોકો દ્વારા પણ હવે તુરંત જાણ કરવામાં આવે છે. ગ્રામીણ પ્રજા પણ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે આગળ આવી રહી છે. આવા સમયે ડેમ, નદીઓ, તળાવ અને સમુદ્ર કિનારે આવતા કુંજ, કરકરા, સારસ સહિ‌તના પ્રવાસી પક્ષીઓના શિકારને અટકાવવા તંત્ર દ્વારા નક્કર પગલા લેવાની જરૂર છે.

મુખ્ય મંત્રી સુધી કરાઇ રજૂઆત
લાયન નેચર ફાઉન્ડેશન વતી ભીખુભાઇ બાટાવાળા દ્વારા શિકારની આ પ્રવૃતિ અંગે આજે રાજ્યના મુખ્યમંત્રીને ફેક્સ દ્વારા રજુઆત કરાઇ હતી. તેમણે એવી માંગ ઉઠાવી હતી કે પ્રવાસી પક્ષીઓના રક્ષણ માટે ઉચીત કદમ ઉઠાવવામાં આવે.

એક પક્ષીના બે હજાર રૂપિયા
ભીખુભાઇ બાટાવાળાએ એવી ચોંકાવનારી વિગત આપી હતી કે રાજુલા-જાફરાબાદ પંથકમાં પરપ્રાંતિયોની વસ્તી વધારે છે અને આવા પરપ્રાંતિય શખ્સો પોતાની માંસભક્ષીતા પોંશવા માટે એક એક પક્ષીના રૂા. બે - બે હજાર ચુકવતા હોવાનું કહેવાય છે. આ અંગે તપાસ થવી જોઇએ.

રાજુલાના વડની સીમમાં ન્યૂમોનિયાથી દિપડીનું મોત.

રાજુલાના વડની સીમમાં ન્યૂમોનિયાથી દિપડીનું મોત
Bhaskar News, Amreli | Nov 24, 2013, 02:56AM IST
દિપડીના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા
સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓની જાણે માઠી દશા બેઠી હોય તેમ ગઇકાલે ફીફાદમાં એક સિંહણનું કમોત થયા બાદ આજે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં એક સગર્ભા દિપડીનું ન્યૂમોનીયાના કારણે મોત થયુ હતું. આ દિપડીના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મોતને ભેટયા હતાં. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. દિપડીના મોતની આ ઘટના આજે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં બાબુભાઇ જીવણભાઇ વાળાના ખેતરમાં બની હતી.

અહિં ખેતરમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાનુ જણાતા તેમના દ્વારા વન વિસ્તરણ વિસ્તારના એસીએફ ભાવસારને જાણ કરવામાં આવી હતી. એસીએફની સુચનાને પગલે આરએફઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીના મૃતદેહને કબજે લઇ પોસ્ટ ર્મોટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.એસીએફ ભાવસારે જણાવ્યુ હતું કે મૃત્યુ પામનાર દિપડી આશરે ત્રણ વર્ષની ઉંમરની છે અને આ સગર્ભા દિપડીનું ન્યૂમોનીયાના કારણે મોત થયાનું પ્રાથમીક દ્રષ્ટિએ જણાય રહ્યુ છે. જો કે મોતનું સચોટ કારણ જાણવા જરૂરી નમુનાઓ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. પીએમ દરમીયાન દિપડીના પેટમાં ત્રણ બચ્ચા હોવાનું ખુલ્યુ હતું. આ ત્રણેય બચ્ચા પણ મૃત્યુ પામ્યા હતાં. દિપડીના મૃતદેહને ધારીના કેર સેન્ટરમાં અગ્નીદાહ અપાયો હતો. એકાદ દિવસ પહેલા મોતને ભેટેલી આ દિપડીના તમામ નખ સલામત મળ્યા હતાં.

સિંહણને ફાંસો આપી હત્યા બાદ લાશ કૂવામાં નાખી દેવાઇ.

સિંહણને ફાંસો આપી હત્યા બાદ લાશ કૂવામાં નાખી દેવાઇ
Bhaskar News, Amreli, Sawarkundla | Nov 23, 2013, 04:02AM IST
- સાવરકુંડલાના ફીફાદ ગામની સીમમાં મૃતદેહ મળ્યો

સૌરાષ્ટ્રની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષા કરવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યુ છે. જેને પગલે સાવજોના કમોતની ઘટનાઓ વધી રહી છે. સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામની સીમમાં ફાંસામાં ફસાઇ જતા એક સિંહણનું મોત થયા બાદ અજાણ્યા શખ્સો તેને વાડીના કુવામાં નાખી ગયાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. આજે ગળામાં ફાંસા સાથે આ સિંહણનો મૃતદેહ કુવામાં તરતો મળી આવ્યો હતો.
અહિં શેત્રુજી નદીના કાંઠે રાજકોટના ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામાંથી ગળામાં ફાંસલા સાથે એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે છ વર્ષની ઉંમરની આ સિંહણના મૃતદેહને કોઇ અજાણ્યા શખ્સો અહિં વાડીના કુવામાં ફેંકી ગયા હતાં. હાલમાં ખેતીની સિઝન ચાલુ છે ત્યારે કેટલાક ખેડૂતો કાયદાનો ભંગ કરી પશુઓથી પાકના રક્ષણ માટે ફાંસા ગોઠવે છે. ત્યારે આવા જ એક ફાંસામાં આ સિંહણનું ગળુ ફસાઇ ગયુ હતું. ફાંસલામાંથી બહાર નિકળવા સિંહણે ધમપછાડા કરતા તેની આંખો અને જીભ પણ બહાર નિકળી ગઇ હતી અને સ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત થયુ હતું.

સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છતા કેટલા સલામત છે આપણા સાવજો ?


સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છતા કેટલા સલામત છે આપણા સાવજો ?
Bhaskar News, Amreli   |  Nov 22, 2013, 23:55PM IST
- બેદરકારી : ખૂલ્લા અને ફાંસલા બન્યા જોખમી : મારણમાં ઝેર, નખ માટે શિકાર પણ સાવજોને બચાવવામાં વનતંત્ર લાચાર
-
સરકાર સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છે આમ છતાં તંત્રની નિષ્ફળતાથી સાવજોના મોત થાય છે

સમગ્ર દેશમાં સૌરાષ્ટ્ર ગૌરવ લઇ શકે તેવી વાત એ છે કે તેની પાસે સાવજો છે. એશીયાના બીજા કોઇ પ્રદેશમાં નથી પરંતુ અહિં છે. અહિંના લોકોપણ સાવજોને પ્રેમ કરે છે. સરકાર સાવજોની રક્ષા માટે કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં તંત્રની નિષ્ફળતાના પગલે સાવજોના કમોત થતા રહે છે. ખુલ્લા કુવા અને ફાંસલાના કારણે અનેક સાવજોના કમોત થયા છે. આ ઉપરાંત તાર ફેન્સીંગમાં વિજ પ્રવાહ, મારણમાં ઝેર, નખ માટે શિકાર બિમાર સાવજોની સમયસર સારવારનો અભાવ વિગેરે કારણેથી પણ કમોતની ઘટનાઓ બનતી જ રહે છે. જો સરકાર સમયસર નહી જાગે તો આ પ્રકારની ઘટનાઓ અટકાવી નહી શકાય.

થોડા સમય પહેલા વિસાવદર પંથકમાં સાવજના કમોતની ઘટનાએ વિવાદ જગાવ્યો હતો. હવે સાવરકુંડલાના ફીફાદમાં સિંહને ફાંસલામાં ફસાવી મારી નખાતા ફરી તંત્રની ઘોર નિષ્ફળતા ખુલીને સામે આવી છે. ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ગીરના સાવજો કેટલા સલામત છે ? ભુતકાળમાં પણ સિંહના નખ માટે શિકારની અસંખ્ય ઘટનાઓ બની ચુકી છે. શિકારી ગેંગે નખ માટે કેટલા સાવજનો શિકાર કર્યો તેનો હિ‌સાબ કિતાબ વનતંત્ર પાસે પણ નથી.

થોડા વર્ષ પહેલા ધારીના પાદરમાં તાર ફેન્સીંગમાં ખેડૂતે મુકેલા વિજશોકના કારણે એક સાથે પાંચ સાવજોના મોત થયા હતાં અને બાદમાં આ ખેડૂતે આ ઘટના છુપાવવા ખાડો ખોદી પાંચેય સાવજોની લાશ દાટી દીધી હતી. તાર ફેન્સીંગમાં વિજશોકથી સાવજોના કમોતની આ સૌથી મોટી ઘટના હતી. ગીર જંગલ તથા આસપાસમાં મારણમાં ઝેર ભેળવીને પણ સાવજને મારી નખાયાની ઘટનાઓ બની ચુકી છે. તો બીજી તરફ ગીર આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખેતીવાડીના ખુલ્લા કુવા પણ સાવજોના કમોત માટે નિમિત બની રહ્યા છે. શેત્રુજી નદીના પુરે પણ એક દાયકા પહેલા ત્રણ સાવજોનો ભોગ લીધો હતો.

વાત આટલેથી અટકતી નથી. સાવજને નાની મોટી ઇજા કે બિમારીની સમયસર સારવાર ન થાય તો તે જીવલેણ નિવડે છે. જંગલખાતાના મસમોટા સ્ટાફને સાવજોની ભાળ મેળવવા ફેરણાની જવાબદારી સોંપાઇ છે. પરંતુ નિયમીત ફેરણુ થતુ ન હોય સાવજોની બિમારી કે ઇજા અંગે સમયસર જાણકારી મળતી નથી. જેના કારણે ભુતકાળમાં અનેક સાવજો મોતને ભેટી ચુક્યા છે. એક તરફ ગુજરાતના સાવજોને મધ્યપ્રદેશમાં ખસેડવાની તજવીજ ચાલી રહી છે. તેને અટકાવવા ધમપછાડા થઇ રહ્યા છે. વનતંત્રની આ ઘોર બેદરકારી અદાલતમાં પણ નબળી કડી સાબીત થઇ રહી છે. સૌરાષ્ટ્રની આ અમુલ્ય ધરોહરને બચાવવા માટે નક્કર પગલા જરૂરી છે.

પ્રકૃતિ પ્રેમીઓને સિંહના મોતની જાણ થાય થાય પણ વનતંત્રને કેમ ન થાય ?-બાટાવાળા
લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ ફીફાદની ઘટના અંગે જણાવ્યુ હતું કે સિંહના મોતની ઘટના બને ત્યારે સિંહ પ્રેમીઓને સૌથી પહેલા જાણ થાય છે અને બાદમાં વનતંત્રને જાણ થાય છે. એ જ બતાવે છે કે કર્મચારીઓ કેટલા કામચોર છે. આવી ઘટનાઓમાં વનતંત્ર યોગ્ય તપાસ કરતુ નથી. ઉલ્ટુ રાજકીય દબાણના કારણે આરોપીઓને છાવરે છે અને બાદમાં સબસલામતની આલબેલ પોંકારે છે. વિસાવદરમાં તમામ સિંહને મારી નાખવાની ધમકી અપાય તે જ તંત્રની નિષ્ફળતા સુચવે છે. આજની ઘટના અંગે પણ તેમણે વન અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ બાદમાં લાયન નેચર ફાઉન્ડેશનના સભ્યોને ઘટનાસ્થળે જતા વનતંત્રએ અટકાવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક સમયમાં જ સાવજોના કમોતની દસ ઘટનાઓ બની છે.

ભાવનગર અને અમરેલીની બોર્ડર પર બની ઘટના
ફીફાદમાં ગણેશભાઇ રંગાણીની વાડી શેત્રુજી નદીના કાંઠે આવેલી છે અને નદીના સામાકાંઠાથી ભાવનગર જીલ્લાની હદ શરૂ થાય છે ત્યારે ફાંસલો મુકવાની આ ઘટના ભાવનગરની હદમાં બની હોય તેવી પણ શક્યતા છે. જેને પગલે અહિં ભાવનગરના ડીએફઓ પણ દોડી આવ્યા હતાં અને બન્ને જીલ્લાના આસપાસના વાડી-ખેતરોમાં કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યુ હતું.

શેત્રુજીના કાંઠે બે માસમાં ત્રણ સાવજના કમોત

હજુ થોડા સમય પહેલા જ લીલીયાના ક્રાંકચમાં શેત્રુજીના કાંઠે એક સિંહબાળનું કમોત થયુ હતું. ત્યારબાદ આ જ વિસ્તારમાં કુવામાં પડી જતા સિંહનું મોત થયુ હતું. શેત્રુજીના કાંઠે વસતા સાવજ પરિવારમાંથી કમોતની
આજે ફીફાદ ખાતે ત્રીજી ઘટના બની હતી.

સ્વાસ રૂંધાઇ જવાથી સિંહણનું મોત
ફીફાદમાં સિંહણનું મોત કુવામાં ડુબવાથી નહી પરંતુ ફાસલાના કારણે સ્વાસ રૂંધાઇ જવાના કારણે થયુ છે. આ સિંહણનું વડાળ ખાતે વેટરનરી ડોક્ટર વાઢેર અને ડો. વામજા દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતું. ફાસલામાં ગળુ ફસાયા બાદ સિંહણે તેમાંથી છુટવા જેમ જેમ પ્રયાસ કર્યો તેમ તેમ ફાંસલો વધુ મજબુત બનતો ગયો હતો.

ફીફાદમાં સિંહણનું મોત ત્રણ દિવસ પહેલા
ફીફાદની ઘટના અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે આ સિંહણનું મોત વધુમાં વધુ ત્રણ દિવસ પહેલા થયુ હશે. તેની લાશ પર અન્ય કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતાં. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે સિંહણના મોત બાદ મૃતદેહ અહિં નાખી જવા માટે વાહનનો ઉપયોગ પણ થયો હશે.

સિંહનું ટોળું આવ્યું ગામમાં, આવી હાલત થઈ, લોકોમાં ફફડાટ.


Pix: સિંહનું ટોળું આવ્યું ગામમાં, આવી હાલત થઈ, લોકોમાં ફફડાટ
Dilip Raval, Amreli   |  Nov 22, 2013, 17:16PM IST
નવા આગરીયા ગામને સિંહના ટોળાએ બાનમા લીધુ
એક ગાયનું મારણ કરી ગામમા ચક્કર લગાવ્યા : ગ્રામજનોમાં ફફડાટ
 
રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે આજે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે સિંહનું ટોળું છેક ગામમાં ઘુસી ગયું હતું. આ ટોળાએ જાણે ગામમા આતંક મચાવ્યો હોય તેમ એક ગાયને ફાડી ખાધી હતી. બાદમાં આ સિંહના ટોળાએ ગામની શેરીઓમાં આમથી તેમ આંટાફેરા માર્યા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

સિંહનુ ટોળું ગામમાં આંટાફેરા મારતું હોય લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. અને બપોર સુધી કોઇ બહાર નીકળ્યુ ન હતુ. બાદમાં આ ટોળુ ગામથી દુર જતુ રહ્યું હતુ. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે અમોએ અગાઉ પણ વનવિભાગને આ વિસ્તારમાં સિંહ આંટા મારતા હોવાની જાણ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામા આવી ન હતી.

હાલ એકતરફ ખેતીની સિઝન ચાલી રહી છે. ખેડુતોને આખો દિવસ ખેતરોમાં રહેવું પડતું હોય છે. ત્યારે આ સિંહનું ટોળું આ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યું હોય ખેડુતો અને મજુરો વાડીએ જતા ભય અનુભવી રહ્યાં છે. આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવી આ સિંહોને પકડી જંગલમાં છોડે તેવી લોકોએ માંગ ઉઠાવી રહ્યાં છે.

સાવરકુંડલાના ફિફાદમાં સિંહનું શંકાસ્પદ મોત, ગળામાં ફાંસલો?


Dilip Raval, Amreli | Nov 22, 2013, 14:35PM IST

કુવામાંથી લાશ મળી : ગળામાં ફાંસલો ?
 
ગીરપુર્વમા વધુ એક સિંહના શંકાસ્પદ મોતની ઘટના બહાર આવી છે. સાવરકુંડલાના ફિફાદની સીમમા એક વાડીના કુવામાંથી સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમા મળી આવતા ચકચાર મચી છે. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમાં રાજકોટ રહેતા ગણેશભાઇની વાડીના કુવામાંથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. 
 
વનવિભાગને જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા સહિ‌ત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. એવુ કહેવાય છે કે આ સિંહના ગળામા ફાંસલો લગાવેલો છે. જો કે સત્ય હકિકત સિંહનો મૃતદેહ કુવામાંથી બહાર આવ્યા બાદ ખબર પડશે.

રાજુલાના છતડીયામાં ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત.


રાજુલાના છતડીયામાં ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત
Bhaskar News, Rajula | Nov 22, 2013, 00:08AM IST
- પાંચ દિવસથી ઘેંટા ટપોટપ મરી રહ્યા છે : પશુ ચિકિત્સકોની ટીમ દોડાવવા ગામલોકોની માંગ

રાજુલા તાલુકાના છતડીયા ગામે માલધારીઓના ઘેટામાં કોઇ ભેદી રોગચાળો ફેલાતા ટપોટપ ૨પ ઘેંટાના મોત થયા હોવાનું બહાર આવ્યુ છે. અહિંના ઘેંટામાં છેલ્લા પાંચ દિવસથી આ રોગચાળો જોવા મળે છે અને દરરોજ ઘેંટા મરે છે અને આજે પણ પાંચ ઘેંટાના મોત થયા હતાં. જો કે પશુપાલન વિભાગના અધિકારીઓ હજુ સુધી અહિં ડોકાયા ન હતાં.

ગત વર્ષે ગીર જંગલમાં ભેંસોમાં એક ભેદી રોગચાળો જોવા મળ્યો હતો. તો ઓણ સાલ રાજુલા તાલુકાના છતડીયા ગામે ઘેંટામાં આવો રોગચાળો હોવાનું બહાર આવ્યુ છે. અહિં રહેતા બે ભરવાડના ઘેંટાઓ આ રોગચાળાનો ભોગ બન્યા છે. છતડીયા ગામના ભલાભાઇ કાનાભાઇ ભરવાડ અને કાળાભાઇ સુખાભાઇ ભરવાડ એમ બન્ને માલધારી પાસે ૮૦-૮૦ ઘેંટા છે. પરંતુ પાછલા પ દિવસથી ફેલાયેલા ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત થઇ ચુક્યા છે.

આ શું રોગચાળો છે તેની માલધારીઓને કોઇ જાણ નથી. અચાનક જ ઘેંટુ તરફડીને મરી જાય છે. તેની આંખો સોજી જાય છે, ગળામાં પણ સોજા જોવા મળે છે અને બાદમાં તે મોતને ભેટે છે. ભલાભાઇ ભરવાડે જણાવ્યુ હતું કે છેલ્લા પાંચ દિવસથી આ રીતે ટપોટપ ઘેંટા મરી રહ્યા છે. આજે પણ સીમમાં ઘેંટા ચરી રહ્યા હતા ત્યારે પાંચ ઘેંટાનું મોત થયુ હતું. અહિં પશુપાલન વિભાગના કોઇ અધિકારી કે પશુ ચિકિત્સકો હજુ સુધી ડોકાયા નથી. અહિંના માલધારીઓએ માંગ ઉઠાવી છે કે પશુ ડોક્ટરોની ટીમ ગામની મુલાકાત લે અને પશુઓને બચાવે.

ખાંભાના કોટડાની સીમમા સિંહે કર્યો યુવાન પર હુમલો.

ખાંભાના કોટડાની સીમમા સિંહે કર્યો યુવાન પર હુમલોBhaskar News, Khmbha   |  Nov 22, 2013, 00:04AM IST વાડીમાં ખેતીકામ કરી રહેલા યુવાનને સાવજે લોહીલુહાણ કરી દેતા સારવારમાં
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો દ્વારા સીમમા કામ કરતા ખેડુતો પર હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આવી જ એક વધુ ઘટનામા ખાંભા તાલુકાના કોટડા ગામની સીમમા આજે બપોરે વાડીમા પાણી વાળી રહેલ યુવાન પર એક સિંહે હુમલો કરી તેને ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યો છે. વાડી ખેતરમાં કામ કરતા અન્ય લોકોએ હાકલા પડકારા કરી સિંહને ભગાડયો હતો.


સિંહ દ્વારા ખેડુત પર હુમલાની આ ઘટના આજે ખાંભા તાલુકાના કોટડા ગામની સીમમા બની હતી. અહીના નજુ દિલુભાઇ વાળા (ઉ.વ.૧૮)નામનો યુવાન પોતાની વાડીએ ખેતીકામ માટે ગયો હતો. બપોરના ચારેક વાગ્યાના સુમારે તે પોતાની વાડીએ જાર વાઢી રહ્યો હતો. તે સમયે અચાનક જ એક સિંહ ત્યાં આવી ચડયો હતો. અને સીધો જ નજુ વાળા પર હુમલો કરી દીધો હતો

સિંહે નજુ વાળાના હાથ પર ઇજા પહોંચાડતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. જો કે આ સમયે દેકારો થતા આસપાસમા કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સાવજને ત્યાંથી દુર ખસેડયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયા તેના હાથ પર નવ ટાકા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે માસ પહેલા પણ કોટડામા એક સિંહે બ્રાહ્મણ યુવાન પર હુમલો કર્યો હતો. હાલમા ખેતીની સિઝન ચાલી રહી છે આવા સમયે સીમમા સાવજનો પડાવ રહેતો હોય અને હુમલાની ઘટના પણ બનતી હોય ખેડુતોમાં ફફડાટ છે.

ડાભાળીની સીમમાં સિંહ પરિવારે કર્યુ ગાયનું મારણ
સીમમાં સિંહ પરિવારના ધામાથી ખેડુતોમાં ફફડાટ


ધારી તાલુકાના ડાભાળી ગામની સીમમાં ગઇકાલે ધોળે દિવસે અહી જંગલમાંથી સિંહ પરિવાર આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. વાડીમા સાવજોએ મારણ કર્યુ હોવાના સમાચાર ફેલાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહી લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા.

ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને સાવરકુંડલા, લીલીયા, ખાંભા સહિ‌તના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના ગામડાઓમાં પણ હવે સાવજોએ રહેઠાણ બનાવ્યુ હોય તેમ વસવાટ કરી રહ્યાં છે. ગીરકાંઠાના ગામડાઓમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓનુ મારણ કરે છે.
ત્યારે ધારી તાલુકાના ડાભાળી ગામની સીમમાં પણ ગઇકાલે ધોળે દિવસે એક સિંહ પરિવાર આવી ચડયો હતો. અને અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. સિંહ દ્વારા ગાયનુ મારણ કરવામા આવતા અહી સિંહ દર્શન માટે લોકો એકઠ થયા હતા અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

ડાભાળીની સીમમાં સિંહ પરિવાર દ્વારા એક ગાયનું મારણ.


Dilip Raval, Amreli | Nov 21, 2013, 14:30PM IST
ધારી તાલુકાના ડાભાળી ગામની સીમમાં ગઇકાલે ધોળે દિવસે જંગલમાંથી સિંહ પરિવાર આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. વાડીમા સાવજોએ મારણ કર્યુ હોવાના સમાચાર ફેલાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહી લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા. 
 
ગીરકાંઠાના ગામોમાં અવારનવાર વન્યપ્રાણીઓ આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. ડાભાળીની સીમમાં સિંહ પરિવાર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

બાબરા પંથકમાં સાવજોના આંટાફેરા.

બાબરા પંથકમાં સાવજોના આંટાફેરા
Bhaskar News, Rajula | Nov 21, 2013, 04:57AM IST
- પાછલા ત્રણ ચાર દિવસથી સિંહોએ ધામા નાખતા ફફડાટ
-
વનવિભાગ દ્વારા સાવજોને પકડવા કવાયત હાથ ધરવામાં આવી

બાબરા પંથકમાં પાછલા ત્રણ ચાર દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના આંટાફેરાથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે. અહીના ચરખા, ઘુઘરાળા અને કણુર્‍કી ગામની સીમમાં સાવજો આંટા મારી રહ્યાં હોય ખેડુતો અને મજુરો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા આ સાવજોને પકડવા કવાયત હાથ ધરવામા આવી છે. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાછલા ત્રણ ચાર દિવસથી બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજો
નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હજુ બે દિવસ પહેલા અહીના ચરખા ગામે રાત્રીના સાવજોએ એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. ત્યારબાદ ગઇકાલે વહેલી સવારે આ સાવજો ઘુઘરાળા ગામની સીમમાં પહોંચી ગયા હતા. અહી મોટી સંખ્યામાં ખેડુતો એકઠા થઇ જતા આ સાવજો અહીથી ભાગી છુટયા હતા. બાદમાં આ સાવજોએ કણુર્‍કી ગામની સીમમાં ધામા નાખ્યા હતા. અહી મનુભાઇ વાળાની વાડીએ બાંધેલ એક વાછરડીનુ આ સાવજોએ મારણ કર્યુ હતુ. બાદમાં આ સાવજો અહીથી અન્ય સ્થળે જતા રહ્યાં છે.

સાવજો બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા મારી રહ્યાં હોય રાત્રીના ખેડુતો અને મજુરો વાડી ખેતરોમાં કામ કરવા જતા ભય અનુભવી રહ્યાં છે. એકતરફ હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ખેડુતોને હાલાકી પડી રહી છે. વનવિભાગ દ્વારા પણ આ સાવજોને પકડવા કવાયત હાથ ધરવામા આવી છે. ફોરેસ્ટર પી.આર.મોરડીયાએ જણાવ્યુ હતુ કે ગામની સીમમાં સાવજોના સગડ મળી રહ્યાં છે. ત્યારે આ સાવજોને હાલ કયા વિસ્તારમાં પહોંચ્યા છે તેને શોધવા કામગીરી કરવામા આવી રહી છે. આ કામગીરીમાં અન્ય કર્મચારી ત્રિપાલસિંહ ગોહિ‌લ, આર.વી.ચાવડા, યુ.એમ.રાઠોડ સહિ‌ત જહેમત ઉઠાવી રહ્યાં છે.

સાવજો પંચાળના પાદરમાં, ચરખાની સીમમાં વાછરડીનું મારણ.


સાવજો પંચાળના પાદરમાં, ચરખાની સીમમાં વાછરડીનું મારણ
Bhaskar News, Amreli | Nov 20, 2013, 01:21AM IST
- નવા વિસ્તારોની શોધમાં નિકળેલા બે સાવજોના બાબરા પંથકમાં ધામા

ગીર જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો નવા નવા વિસ્તારોમાં પગ પેસારો કરી રહ્યા છે ત્યારે ગઇકાલે બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં એક સાવજ દેખાયા બાદ મોડી રાત્રે અહિં ગામના પાદરમાં બે સાવજો દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યુ છે. આ વિસ્તારમાં પ્રથમ વખત સાવજો દેખાયા છે. જેને પગલે ખેડૂતોમાં ફફડાટ છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા સાવજોના સગડ મેળવવા માટે દોડધામ શરૂ કરાઇ છે.


ગીર જંગલના સાવજો છેક હવે પંચાળ પ્રદેશના પાદર સુધી પહોંચ્યા છે. સાવજોની જેમ જેમ વસતી વધતી જાય છે તેમ તેમ તેના વસવાટ માટે નવા નવા પ્રદેશોની જરૂર પડી રહી છે. આ સાવજો પોતાની જાતે જ પોતાના નવા રહેણાંકો શોધી લે છે. હાલમાં કેટલાક સાવજો નવા પ્રદેશની શોધમાં લટાર મારવા નિકળી પડયા છે. આ સાવજો થોડાક સમય પહેલા વડીયા અને ગોંડલ પંથકમાં નઝરે પડયા હતાં. હાલમાં તેમનો બાબરા પંથકમાં પડાવ છે. ગઇકાલે બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં નઝરે પડયા હતાં.

દરમીયાન ગઇરાત્રે બે સાવજોએ ચરખાના પાદરમાં હાઇસ્કૂલની પાછળના ભાગે બે સાવજોએ એક વાછરડીનું મારણ કર્યુ હતું અને બાદમાં ભરપેટ ભોજન લીધુ હતું. સવારે આ વાછરડીના અવશેષો હાઇસ્કૂલની પાછળ પડયા હતાં. જાણ થતા આ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હાલમાં ખેતીની સિઝન ચાલુ હોય અને સાવજો આ વિસ્તારમાં પ્રથમ વખત દેખાયા હોય ખેડૂતોમાં ચિંતા છે. બીજી બાજુ બનાવની જાણ થતા વન વિભાગના આર.વી. ચાવડા, પી.આર. મોરડીયા, ક્રિપાલસિંહ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિંથી બે સાવજોના પગના સગડ મળ્યા હતાં. આ વિસ્તારમાં કપાસનું વાવેતર વધારે હોય અને હાલમાં કપાસનો પાક ઉંચો હોય સાવજોની વન વિભાગને ભાળ મળી ન હતી.

દિપડાએ ફાડી ખાનાર મૃતક બાળકીના પરિવારજનોને સહાય.

Bhaskar News, Amreli | Nov 20, 2013, 01:12AM IST
-
ઘંટીયાણ ગામે બેસતા વર્ષના દિવસે જ દિપડાએ બાળકીને ફાડી ખાધી હતી

બગસરા નજીક આવેલા ઘંટીયાણ ગામે નુતન વર્ષના દિવસે જ વહેલી સવારે ખેતીકામ કરતા પરપ્રાંતિય પરિવારની તેર વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધાની ઘટના બની હતી. જે અંતર્ગત વનવિભાગ દ્વારા સહાય માટે ઝડપી કામગીરી કરી મૃતક બાળકીના પરિવારજનોને રૂ. દોઢ લાખની સહાયનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો.

રેવન્યુ વિસ્તારમાં પણ હવે દિપડાઓની સંખ્યા વધી રહી હોય તેમ માણસ પરના હુમલાની ઘટનાઓ વધવા લાગી છે. બેસતા વર્ષના દિવસે બગસરા નજીક આવેલ ઘંટીયાણ ગામની સીમમાં દિપડાએ તેર વર્ષની બાળકીને ફાડી ખાધી હતી.અહી ધાર જિલ્લાના લીમખેડાના વતની અને પાછલા કેટલાક વર્ષોથી ઘંટીયાણમા રહી ખેતર ભાગીયુ વાવી ખેતીકામ કરી રહેલા જાલમસિંગ ગુલાબસિંગ અલાવા અને તેનો પરિવાર રાત્રે વાડીએ સુતા હતા ત્યારે આ ઘટના બની હતી.
જામલસિંગની તેર વર્ષની પુત્રી ભુરબાઇને દિપડાએ દુર સુધી ઢસડી જઇ ફાડી ખાધી હતી. બાદમાં પરિવારજનોને જાણ થતા તેઓ દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. બાદમાં વનવિભાગ દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને મળતી સહાય માટે ઝડપી કામગીરી કરી હતી. ડીએફઓ જે.કે.મકવાણા તેમજ આરએફઓ એમ.બી. માલવીયા દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને સહાયનો રૂ. દોઢ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

બોણીના દૂષણને અટકાવવા ગીર બોર્ડર પર ડીએફઓએ લગાવ્યા બોર્ડ.

Bhaskar News, Amreli | Nov 17, 2013, 23:43PM IST
- જંગલમા પ્રવેશ વિનામુલ્યે હોવાની પ્રવાસીઓને આપી સુચના

દિપાવલીના વેકેશનમા પ્રવાસીઓનું વિશેષ આકર્ષણ ગીરનુ જંગલ રહ્યું હતુ. સિંહની એક ઝલક જોવા મળી જાય તેવી આશા સાથે મોટાભાગના પ્રવાસીઓએ ગીર જંગલમાંથી પસાર થતા રસ્તાની પસંદગી કરી હતી. ત્યારે અમરેલી જિલ્લાના ગીરપુર્વ જંગલમાંથી પસાર થતા પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અને ખાસ કરીને દિપાવલીમા બોણીના દુષણને ડામવા અહીની ચેકપોસ્ટ પર ડીએફઓ દ્વારા જંગલમાં પ્રવેશ વિનામુલ્યે છે કોઇ ચાર્જ લેવામા આવતો નથી તેવા બોર્ડ લગાવવામા આવ્યા હતા.

દિપાવલીના પર્વે રજાઓ માણવા માટે પ્રવાસીઓએ ફરવા માટે જંગલ વિસ્તાર પર જ પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત દિવ અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓએ પણ જંગલમાંથી પસાર થતા રસ્તામાથી જ પસાર થવાનુ પસંદ કર્યુ હતુ. જંગલમાંથી પસાર થતી વખતે સિંહની એક ઝલક જોવા મળી જાય તે માટે આ રસ્તાની પસંદગી કરી હતી. ગીરપુર્વના સેમરડી, જસાધાર અને ટીંબરવા ચેકપોસ્ટ પરથી દિપાવલીથી અત્યાર સુધી લાખો પ્રવાસીઓ પસાર થયા હતા.

અહી દિપાવલીથી અત્યાર સુધીમાં ૧પ હજાર જેટલા વાહનો પણ પસાર થયા હતા. અહીથી પસાર થતા પ્રવાસીઓને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગ દ્વારા પણ પુરતા પ્રયાસો કરવામા આવ્યા હતા. અહીની ચેકપોસ્ટ પર વાહનનો પાસ આપવા માટે વધુ કર્મચારીઓ પણ ગોઠવી દેવામા આવ્યા હતા.

આ ઉપરાંત ધારી વનવિભાગના ડીએફઓ અંશુમન શર્મા દ્વારા અહીની ચેકપોસ્ટ પર જંગલમાં વિના મુલ્યે પ્રવેશ મળે છે કોઇ ચાર્જ લેવામા આવતો નથી તેવા બોર્ડ પણ લગાવી દીધા હતા. દિપાવલીના તહેવાર પણ બોણીનુ દુષણ વધુ જોવા મળે છે ત્યારે વનવિભાગનો સ્ટાફ આ દુષણથી દુર રહે તેવા આશયથી ડીએફઓ શર્મા દ્વારા આ અનુકરણીય કામગીરી કરવામા આવી હતી.

વડીયા પંથકમાં સાવજોના ધામાથી ખેડૂતોમાં ફફડાટ.


વડીયા પંથકમાં સાવજોના ધામાથી ખેડૂતોમાં ફફડાટ
Bhaskar News, Vadia | Nov 15, 2013, 00:05AM IST
-
થોડા દિવસ પહેલા ત્રણ સાવજોએ પશુઓનુ મારણ કર્યુ હતુ
- સાવજો હજુ પણ આ વિસ્તારમા હોવાની અફવાથી ખેડૂતોમાં ભયનો માહોલ
-
ભય : ગીર જંગલમાંથી સિંહોનાં વાડી વિસ્તારમાં આંટાફેરા

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે થોડા દિવસ પહેલા વડીયાના ખડખડની સીમમાં ત્રણ સાવજોએ પશુઓનુ મારણ કરવાની ઘટના બની હતી. હજુ પણ સાવજો હોવાની અફવાઓ ફેલાતા આ વિસ્તારના ખેડુતો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે.

લીલીયા, સાવરકુંડલા, ચાંદગઢ સહિ‌તના વિસ્તારોમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારના લોકો તો જાણે સાવજોની હાજરીથી ટેવાઇ ગયા છે. અહીના સાવજો અન્ય વિસ્તારોમાં પણ સ્થળાંતર કરે છે. આ સાવજો થોડા દિવસો પહેલા છેક વડીયા પંથકમાં પહોંચી ગયા હતા. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના મારણની ઘટના બની હતી. આ વિસ્તારમાં સાવજોએ પ્રથમ વખત દેખાદીધા હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ સાવજોએ પશુઓનુ મારણ કરી બાદમા અહીથી જતા રહ્યાં હતા. પરંતુ આ વિસ્તારમાં હજુ પણ સાવજો વાડી ખેતરોમાં આંટાફેરા મારતા હોવાની દરરોજ અફવા ફેલાઇ રહી છે. જેના કારણે આ વિસ્તારના ખેડુતો વાડી ખેતરોએ જતા પણ ભય અનુભવી રહ્યાં છે. અહી વાડીઓમા મજુરો પણ રાત ઉજાગરા કરી રહ્યાં છે. આ પંથકના ખેડુતો સાવજોની હાજરીથી ટેવાયેલા ન હોય ફફડાટ ફેલાઇ રહ્યો છે.

ફતેગઢની સીમમા સાવજોએ કર્યું બળદ અને ગાયનું મારણ.

ફતેગઢની સીમમા સાવજોએ કર્યું બળદ અને ગાયનું મારણ
Bhaskar News, Amreli | Nov 14, 2013, 00:06AM IST
-લોકોના ટોળેટોળા સિંહ દર્શન માટે ઉમટયા

ધારી તાલુકો ગીરકાંઠાનો તાલુકો છે. જેને પરિણામે અહી રેવન્યુ વિસ્તારમા તો સાવજોનો વસવાટ છે જ સાથેસાથે ગીર જંગલમા વસતા સાવજો પણ અવારનવાર શિકારની શોધમા ગીર બહાર રેવન્યુ વિસ્તારમા આવી ચડે છે. ગઇકાલે ધારી તાલુકાના ફતેગઢ ગામની સીમમા ચાર સાવજો દ્વારા એક બળદ તથા એક ગાયનુ મારણ કરવામા આવ્યુ હતુ.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા સાવજો દ્વારા જયારે પણ પશુઓનુ મારણ કરવામા આવે છે ત્યારે આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમા ફરી વળે છે.

ફતેગઢની સીમમા ગઇકાલે ચાર પાઠડા સાવજ આવી ચડયા હતા. અને એક બળદ તથા એક ગાયનુ મારણ કર્યુ હતુ. આ વાત વાયુવેગે ફેલાતા સિંહ દર્શન માટે અહી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જો કે મોડે સુધી અહી વનવિભાગનો સ્ટાફ પહોંચ્યો ન હતો. સાવજો દ્વારા રેઢીયાર ગાયનુ મારણ કરાયુ હતુ જો કે બળદ કોની માલિકીનો હતો તે અંગે વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ ન હોય સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. ગીરકાંઠાના ગામોમા સાવજો દ્વારા આ પ્રકારે મારણની ઘટનાઓ સતત બનતી જ રહે છે. અને આ જ રીતે સિંહ દર્શન માટે લોકોના ટોળેટોળા પણ જામતા રહે છે. 

બાંટવા જંગલ વિસ્તારમાંથી બાવળનું કટીંગ કરતા બે ઝબ્બે.


બાંટવા જંગલ વિસ્તારમાંથી બાવળનું કટીંગ કરતા બે ઝબ્બે
Bhaskar News, Bantva | Nov 28, 2013, 01:50AM IST
- વનવિભાગે રફાળા વિડી વિસ્તારમાંથી ઝડપી લીધા

બાંટવાનાં જંગલ વિસ્તારમાંથી વન વિભાગે રાણાવાવનાં બે શખ્સોને લાકડાનું કટીંગ કરતા ઝડપી લઇ ૧પ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. ૨૭નાં વહેલી સવારે ૩ વાગ્યાનાં અરસામાં વન વિભાગનાં ગાર્ડ વી. કે. શામળાને બાતમી મળી હતી કે, રફાળા બીન અનામત વીડીમાંથી કોઇ ગાંડાબાવળનાં વૃક્ષોનું કટીંગ કરી રહ્યું છે. જેથી ગાર્ડે માણાવદર રાઉન્ડ ફોરેસ્ટ કે. એન. ચાવડાને જાણ કરી હતી. જેને પગલે આરએફઓ વંશ સહિ‌તનો સ્ટાફ રાત્રિનાં રફાળા વીડી વિસ્તારમાં રેઇડ પાડતાં જયેશ વેલજી (ઉ. ૨૭, રે. રાણાવાવ), તથા દેવા ભીખા (ઉ.૨પ, રે. રાણાવાવ)ને ઝડપી લઇ તેમની પાસેથી ૩૦ થી ૪૦ મણ જેટલા ગાંડાબાવળનાં કટીંગ કરાયેલા લાકડા કબ્જે કરી ભારતીય વન અધિનિયમ એકટ અંતર્ગત ૧પ હજારનો દંડ ફટકારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના આ ગામની મુલાકાત લઈ લો, વિદેશ જવાની જરૂર નથી.

ગુજરાતના આ ગામની મુલાકાત લઈ લો, વિદેશ જવાની જરૂર નથી
ડિસ્કવરી કે એનિમલ પ્લેનેટ્સ પર ઘાસિયા મેદાનોમાં કે આફ્રિકાના સફારી પાર્કમાં જોવા મળતા દ્રશ્યો રોમાંચક હોય છે. વેલ, આ તસ્વીરો તો છે ભાવનગરથી નજીક આવેલા દેશના પ્રખ્યાત બ્લેક બક નેશનલ પાર્કની. કાળિયારોનો સંવનકાળ પૂર્ણ થતાં જ દિવાળી બાદ ઉદ્યાન પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા દૂર-દૂરથી આવતા પ્રવાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે. 
 
દેશના એકમાત્ર ઘાસિયા મેદાનોને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો પ્રાપ્ત થયો હોય અહીંના દ્રશ્યો નિહાળીને પ્રવાસીઓ આફ્રિકન સફારીની જેમ ઝુમી ઉઠે છે. વિશ્વમાં સૌથી ઝડપી મમલ્સ એવા કાળિયારોની વધુ સંખ્યા તેમજ ૧૪૦થી વધુ પ્રકારના પક્ષીઓની જાતિ અહીં જોવા મળે છે તે મુખ્ય આકર્ષણ છે. વિદેશી પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરોને તો અહીં સ્વર્ગ જેવો આહલાદ્દક અનુભવ થાય છે. શાળાના વિદ્યાર્થીઓ માટે અહીં સરકારી ખર્ચે નિવાસી શિબિરો પણ ગોઠવાઈ છે

http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-balckbug-bhavnagar-national-park-4445542-PHO.html?OF23=

Tuesday, November 26, 2013

જંગલની સફાઇ પરિક્રમા : એક હજાર કીલો પ્લાસ્ટીકનો કર્યો નાશ.

જંગલની સફાઇ પરિક્રમા : એક હજાર કીલો પ્લાસ્ટીકનો કર્યો નાશ
Bhaskar News, Junagadh | Nov 25, 2013, 01:27AM IST
- વન વિભાગ, રાજકોટની સ્કુલનાં છાત્રો અને સર્વોદય નેચર કલબે સફાઇ અભિયાન શરૂ કર્યુ

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ જંગલને ફરી સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત કરવા સફાઇ પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેમા પ્રથમ દિવસે વન વિભાગ, રાજકોટની સ્કુલનાં છાત્રો અને સર્વોદય નેચર કલબ દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમા એક હજાર કીલો પ્લાસ્ટીક એકઠુ કરી તેનો નાશ કર્યો છે.

જંગલ મધ્યે ૩૬ કીમીનાં રૂટ પર ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. જેમા નવ લાખ ભાવીકો ઉમટી પડયા હતા. તેમજ ૧૦૦ થી વધુ અન્નક્ષેત્રો શરૂ થયા હતા. તેમજ યાત્રાળુઓ જંગલમાં પ્લાસ્ટીક ન ફેકે તે માટે વન વિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ . છતા પણ લોકોએ જંગલમાં ઠેર - ઠેર પ્લાસ્ટીક ર્વેયુ હતુ. પ્લાસ્ટીકનાં કારણે વન્યપ્રાણી અને જંગલને નુકશાની થતી હોય ડીએફઓ આરાધના શાહુ, એસીએફ ગાંધી , આરએફઓ મારૂ, કનેરીયા સહિ‌તની વન વિભાગની ટીમે પ્લાસ્ટીક દુર કરવાની શરૂ આત કરી છે. જેમા વન વિભાગ ઉપરાંત સામાજીક સંસ્થાઓ, સ્કુલ વગેરે જોડાશે. આજે બોરદેવી ગેઇટ થી ખોડીયાર ઘોડી સુધી સફાઇ કરવામાં આવી હતી. જેમા વન વિભાગ , રાજકોટ પાલવ સ્કુલનાં ઘોરણ ૧૦નાં પ૦ છાત્રો, જૂનાગઢ સર્વોદય નેચર કલબનાં અમૃત દેસાઇ સહિ‌તનાં લોકોએ સફાઇ શરૂ કરી હતી. આજે ત્રણ કીમીનાં રૂટની સફાઇ થઇ હતી. જેમાથી હજાર કીલો પ્લાસ્ટીક મળી આવ્યુ હતુ. જેનો નાશ કરવામાં આવ્યો હતો. સફાઇ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહશે.

આજે આહીર કન્યા છાત્રાલય દ્વારા સફાઇ
પરિક્રમા રૂટની સફાઇમાં શાળા કોલેજનાં છાત્રોને પણ જોડવામાં આવનાર છે. ત્યારે આવતી કાલે કાંબલીયા આહીર કન્યા છાત્રાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ કરવામાં આવનાર છે.

સાસણ પાસે કાર ખાડામાં ખાબકતા રાજકોટની યુવતીનું મોત.


સાસણ પાસે કાર ખાડામાં ખાબકતા રાજકોટની યુવતીનું મોત
Bhaskar News, Junagadh | Nov 24, 2013, 03:23AM IST- ગીરમાં સિંહ દર્શન કરવા આંકોલવાડી આવેલા ટુરીસ્ટો સાથે અકસ્માત સર્જા‍યો
- ત્રણ યુવતીઓ અને બે યુવકો ઘાયલ


ગીરમાં સિંહદર્શન કરવા સાથે મોજ મસ્તીનો પોગ્રામ બનાવી આંકોલવાડી નજીક આવેલા ફાર્મ હાઉસમાં રોકાઇ રાજકોટ પરત જવા બે ગાડીમાં નીકળેલા ૧૪ યુવક-યુવતીઓનાં ગૃપની એક આઇ-ઝેડઓ કાર ફુલ સ્પીડમાં તાલાલા - સાસણ રોડ પર સાંગોદ્રા ફાટક પાસે કાર ટર્ન ન કાપી શકતા પુરઝડપે ખાડામાં ખાબકતા ચાર યુવતીઓ અને બે યુવકોમાંથી એક યુવતીનું ઘટના સ્થળે મોત થયેલ. ઘવાયેલા યુવતીઓને ૧૦૮માં તાલાલા સારવારમાં લાવવામાં આવેલ. જયારે કારમાં રહેલા બે યુવકોને ઇજા થઇ હોય છતાં સારવાર માટે જૂનાગઢ ખાનગી દવાખાનામાં દાખલ થયા હોવાનું જાણવા મળે છે. જોકે ખાનગી વાહનમાં ચાલ્યા જતા કયાં પ્રકારનાં સંબંધો ધરાવતુ ગૃપ સાથે ફરવા નિકળ્યું હતું. તેની તાલાલા હોસ્પિટલે ઉપસ્થિત લોકોમાં ભારે ચર્ચા થતી હતી.
અકસ્માતની જાણ થતા તાલાલાથી ૧૦૮નાં પાયલોટ રાજેન્દ્ર પટેલ, ડો. ભરતભાઇ વાઢેર ઘટના સ્થળે દોડી ગયેલ અને ૧૦૮માં ગંભીર ઇજા પામેલ રાજકોટની યુવતી ધ્રુવી બી.ટાંક (ઉ.વ.૨૧), હિ‌રવા દેવશીભાઇ નંદાણીયા અને કૃશાલી દેવદાનભાઇ હુંબલને તાલાલા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ. કારમાં રહેલા બે યુવકોને ઇજા થઇ હોય છતાં તાલાલા હોસ્પિટલે સારવારમાં આવવાનાં બદલે ખાનગી વાહનમાં બંને યુવકો જૂનાગઢ તરફ નીકળી ગયેલ. ગંભીર ઇજા પામેલ ધ્રુવી ટાંકને હોસ્પિટલમાં ફરજ ઉપરનાં ડો.કોડીયાતર, નર્સ મનીષાબેન, બાનુબેન અને ભરતભાઇ વાણીયાએ તાકીદે સારવાર આપી હતી. હિ‌રવા દેવશીભાઇ નંદાણીયા અને કૃશાલી દેવદાનભાઇ હુંબલને સામાન્ય ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં તાલાલા પાલિકાનાં ઉપપ્રમુખ અમીત ઉનડકટ, સેવાભાવી સંસ્થા શિવસેના ગૃપનાં યુવકો મદદ માટે હોસ્પિટલે દોડી ગયા હતાં.

કારમાં રહેલા યુવકોનાં યુવતીઓ નામ નહોતી આપતી
અકસ્માત બાદ ૧૦૮માં તાલાલા હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવેલ યુવતીઓમાં હિ‌રવા નંદાણીયા અને કૃશાલી હુંબલે તબીબ અને હે.કો. કિશોરભાઇ ચાવડાને કારમાં સાથે રહેલા બે યુવકો કોણ હતા તેના નામ કે વિગતો પુરી ન પાડતા અનેક ચર્ચાઓ થવા લાગી હતી કે કયા પ્રકારના સંબંધો ધરાવતા યુવક - યુવતીઓનું ગૃપ ફરવા આવેલ.

માહી ફાર્મમાં અગાઉ રાજકોટનો યુવાન ડુબ્યો હતો
આંકોલવાડી નજીક આવેલ માહી ફાર્મમાં મોટાભાગે રાજકોટનાં લોકો આવતા હોય થોડા સમય પહેલા રાજકોટથી ફરવા આવેલ ગૃપમાંથી એક યુવક અહિંયાનાં સ્વીમીંગ પુલમાં ડુબી જતા મોત થયું હતું. આ ફાર્મ હાઉસ સામાન્ય રીતે લોકોને ભાડે અપાતુ નથી. પરંતુ ફાર્મમાં સંબંધીત પરિચીત લોકો વધુ આવતા હોવાનું જાણવા મળે છે.

બીજી કાર અકસ્માત બાદ કયાં ગઇ
રાજકોટનાં ૧૪ લોકોનું ગૃપ મોટાભાગે બધા યુવક -યુવતીઓ હોય એક કારને અકસ્માત નડયો ત્યારે બીજી કારમાં બેસેલા લોકો કોણ હતા અને કાર કયાં ગઇ ? તે ચર્ચા તાલાલા હોસ્પિટલે ચર્ચાતી હતી.

આંકોલવાડી(ગીર) નજીક રાજકોટનાં એક વ્યકિતનું વાડલા - બામણાસા ગામ વચ્ચે આવેલ અને માહી ફાર્મમાં રાજકોટથી ૧૪ યુવક-યુવતીઓનું ગૃપ સિંહ દર્શન કરવા અને મોજ મજા કરવા આવેલ આજે સાંજે રાજકોટ પરત બે ગાડીમાં જતા હતા ત્યારે સાંગોદ્રા ફાટક પાસે આઇ-ઝેડઓ કાર નં.જીજે-૩-ઇઆર-૬૦૬૨ ફુલ સ્પીડમાં હોય ચાલક ટર્ન ન કાપી શકતા કાર પુરઝડપે રોડ ઉપરથી ફાટક પાસેનાં ખાડામાં ખાબકતા કારમાં સવાર શ્વેતાબેન પુરોહીત (ઉ.વ.૨૨)નું ઘટના સ્થળે મોત થયેલ.

સરકડિયા હનુમાનજી મંદિરના મહંતનો ૧૦૦ વર્ષની વયે દેહવિલય.

સરકડિયા હનુમાનજી મંદિરના મહંતનો ૧૦૦ વર્ષની વયે દેહવિલય
ગિરનારની ગોદમાં આવેલા સરકડીયા હનુમાનજી મંદિરનાં તથા વાકુનાં ખારચીયા જગ્યાનાં મહંત રાઘવદાસજી મહારાજ ગુરૂ શત્રુઘ્ન મહારાજનું આજે લાંબી બિમારી બાદ અવસાન થતાં ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રભરનાં સંતો-મહંતોની હાજરીમાં સોનાપુરી ખાતે તેમનાં પાર્થિ‌વદેહનાં અગ્નિ‌ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભેંસાણ તાલુકામાં આવેલા સરકડીયા હનુમાનજી મંદિરનાં તેમજ વાંકુના ખારચીયાની જગ્યાનાં મહંત રાઘવદાસ મહારાજ ગુરૂ શત્રુઘ્ન મહારાજનો આજે લાંબી બિમારી બાદ ૧૦૦ વર્ષની જૈફ વયે નિધન થતાં સંતો-મહંતો, બાપુનાં સેવકો સહિ‌ત ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાઘવદાસ મહારાજ મિલનસાર સ્વભાવનાં કારણે સેવકોમાં તથા સોરઠભરમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. આજે તેમનાં પાર્થિ‌વદેહને ભવનાથ તળેટીમાં આવેલા સોનાપુરી સ્મશાન ખાતે સૌરાષ્ટ્રભરનાં સંતો-મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધાર્મિ‌ક વિધીથી તેમનાં શિષ્ય હરીદાસ મહારાજ દ્વારા અગ્નિ‌ સંસ્કાર
કરાયા હતા.

જંગલ નજીક આવેલી છગનમામા સોસાયટીમાં મગરનાં આંટાફેરા.

જંગલ નજીક આવેલી છગનમામા સોસાયટીમાં મગરનાં આંટાફેરા
Bhaskar News, Junagadh | Nov 24, 2013, 03:16AM IST- બે દિવસથી રાત્રીનાં મંદિર સુધી પહોંચી જતી હોઇ લોકોમાં ભય

ગિરનાર જંગલ નજીકની જૂનાગઢ શહેરની સોસાયટીઓમાં અવાર નવાર વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોય છે. ત્યારે ગિરનાર દરવાજા પાસે આવેલી છગનમામા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રીનાં સમયે મંદિર સુધી મગર આવી જતી હોઇ લોકોમાં ભય ફેલાયો છે. તેમજ મગરને જોવા સોસાયટીનાં લોકો એકઠા થઇ જાય છે.
જૂનાગઢનાં બીલખા રોડ પર આંબેડકનગરનાં વિસ્તારથી લઇને સાબલપુર સુધીનાં વિસ્તાર ગિરનાર જંગલને અડી ને આવેલો છે. તેમજ શહેરનાં દોલતપરા, ગિરનાર દરવાજા વિસ્તાર, ભવનાથ, ખાડીયાનો વિસ્તાર જંગલની તદ્ન નજીક આવેલા છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણી આવી ચઢતા હોવાનાં બનાવો અવારનવાર બનતા રહે છે. ખાસ કરીને કુતરા, ભૂંડનાં શિકાર માટે દીપડા આવ્યા હોવાનાં બનાવો અનેક વખત બન્યા છે. તેમજ ગિરનાર જંગલમાંથી નિકળતી નદીઓમાં મગરનો વસવાટ હોઇ મગર પણ દેખા દેતી હોય છે. ગિરનાર દરવાજા નજીક આવેલી છગનમામા સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રીનાં મગર આવી ચઢે છે. આ મગર રાત્રિનાં મંદિર સુધી આવી જાય છે. જેને જોવા લોકોનાં ટોળાં એકઠા થઇ જાય છે. તેમજ રાત્રીનાં મગર આવતી હોઇ લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.

સિંહોને સ્થળાંતરનાં નિર્ણય સામે ચિમકી.


સિંહોને સ્થળાંતરનાં નિર્ણય સામે ચિમકી
Bhaskar News, Veraval | Nov 23, 2013, 01:15AM IST
- સંસ્થાઓનો સૂર : પર્યાવરણ બચાવ સમિતી અને કોડીનાર પ્રકૃતિ કલબ દ્વારા
-
ગીર-સોમનાથ કલેકટરને આવેદન : કાયદાકીય લડતની પણ તૈયારી

ગુજરાતની શાન સમા ગીરનાં સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાનો નિર્ણય જો નહી રોકવામાં આવે તો આગામી દિવસોમાં પર્યાવરણ બચાવ સમિતી તથા કોડીનાર પ્રકૃતિ નેચર કલબ દ્વારા જલદ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની સાથે નિર્ણયને કાયદાકીય રીતે પડકારવામાં આવશે તેવુ આજે ગીર-સોમનાથ કલેકટરને સુપ્રત કરેલ આવેદનમાં જણાવેલ છે. સુપ્રિમે રાજ્ય સરકારની પીટીશન કાઢી નાંખતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતી તથા કોડીનાર પ્રકૃતિ કલબનાં હોદ્દેદારો દ્વારા આજે કલેકટર ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, એશિયાઈ સિંહનું મધ્યપ્રદેશનું સ્થળાંતર કરવાનો આદેશ ગુજરાતનાં હિ‌તમાં નથી અને ગીરનાં જંગલમાં વસવાટ કરતા સિંહો માત્ર સોરઠ જ નહી પરંતુ ગુજરાતની શાન સમાન છે. ત્યારે ગીરનાં જંગલમાંથી સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાના નિર્ણય અટકાવો જોઈએ તેમજ આગામી દિવસોમાં આ સ્થળાંતરના નિર્ણયને કાયદાકીય રીતે પડકારવામાં આવશે. હાલની તકે સિંહોના સ્થળાંતરનો રીપોર્ટ તૈયાર કરી એશિયાઈ સિંહોનું સ્થળાંતર કરવા જણાવેલ તે રીપોર્ટનો અમો તથા અન્ય વન્ય પ્રેમી સંસ્થાઓ દ્વારા બહિ‌ષ્કાર કરવા નીચે મુજબનાં કારણો છે.

જેમાં (૧) એશિયાઈ સિંહોનું સ્થળાંતર કરવાથી સિંહોનું અસ્તીત્વ જોખમમાં મુકાય તેવી પૂરી શક્યતા છે. (૨) મધ્યપ્રદેશની ભૌગોલિક સ્થિતિ પણ સિંહો માટે અનુકુળ નથી અને (૩) મધ્યપ્રદેશના કટની જેવા વિસ્તારમાં તેમજ અન્ય જિલ્લાઓમાં વન્યજીવોનો શિકાર થવાના બનાવો બને છે અને ગુજરાતમાં પણ એમ.પી.ની ટોળકી દ્વારા સિંહોના શિકારની ઘટના બનેલ છે. જો સિંહનાં સ્થળાંતરનો નિર્ણયનો ફેરવિચાર નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં અમારી સંસ્થા તેમજ વન્યપ્રેમી સંસ્થાઓ તેમજ ગુજરાતની જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન, ધરણાઓ અને જરૂર પડયે આત્મવિલોપન કરવાની તૈયારી સાથેના કાર્યક્રમો કરવામાં આવશે અને સિંહોનું સ્થળાંતર કોઈપણ ભોગે કરવા દેશુ નહી તેમ પત્રના અંતમાં જણાવેલ છે.

ઓફિસમાં જ સર્વિસ રીવોલ્વરથી RFO એ આત્મહત્યા કરી.


Bhaskar News, Junagadh   |  Nov 21, 2013, 01:13AM IST

ઓફિસમાં જ સર્વિસ રીવોલ્વરથી RFO એ આત્મહત્યા કરી
- વિસાવદરના RFO નો સર્વિ‌સ રિવોલ્વરથી આપઘાત
- સવારે યુનિફોર્મ પહેરીને ઓફિસમાં પણ આવ્યા, કોર્ટની તારીખ હોઇ ફાઇલ પણ જોઇ
-
કવાર્ટરના બાથરૂમમાં જાઉં છું કહીને ગયા બાદ રૂમમાં જ જીવ દઇ દીધો

મૂળ મોરબી પંથકનાં વાવડીનાં અને વિસાવદરમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા એન. એમ. જાડેજાએ આજે સવારે પોતાની સર્વિ‌સ રીવોલ્વરથી લમણામાં ગોળી છોડી આત્મહત્યા કરી લેતાં ચકચાર પ્રસરી ગઇ છે. આજે સવારે યુનિફોર્મ પહેરી ઓફિસમાં કોર્ટની તારીખ અંતર્ગત ફાઇલ જોઇ સ્ટાફને જરૂરી સુચના આપ્યા બાદ આ ઘટના બનતાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. પોલીસે તેમની પાસેથી મળી આવેલી 'મારે કારણે ઘરનાં સભ્યો દુ:ખી છે’ એ સહિ‌તનાં ૧૪ મુદ્દાઓવાળી સ્યુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કરી છે.
પ્રાપ્ત માહિ‌તી મુજબ, વિસાવદરમાં છેલ્લા ૨પ વર્ષથી વનવિભાગમાં ફરજ બજાવનાર આરએફઓ એન. એમ. જાડેજા આજે સવારે ૯:૩૦ વાગ્યાનાં અરસામાં યુનિફોર્મ પહેરીને ઓફિસમાં આવ્યા હતા. આજે કોર્ટમાં તારીખ હોઇ સ્ટાફ પાસે ફાઇલ મંગાવી કોર્ટ કાર્યવાહીની સુચના પણ સ્ટાફને આપી હતી. જો કે, ત્યારબાદ કર્વાટરનાં બાથરૂમમાં જાઉં છું, એમ કહીને ગયા હતા. બાદમાં તેઓ ઓફિસની બાજુમાં જ આવેલા એક કર્વાટરનાં રૂમમાં પહોંચી અને પોતાની સર્વિ‌સ રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.
અચાનક બનેલી આ ઘટનાથી હાજર સ્ટાફ પણ તુરંત જ તેમને લોહીલુહાણ હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે આરએફઓ એન. એમ. જાડેજાને મૃત જાહેર કરતાં સ્ટાફ સહિ‌ત અહીં એકત્રીત થયેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા. જ્યારે આ ઘટના બનતા વન વિભાગનાં સીએફઓ આર. એલ. મીના, ડીએફઓ કે. રમેશ, સક્કરબાગ ઝુનાં વી. જે. રાણા, ધારી રેન્જનાં ડીએફઓ અંશુમન શર્મા સહિ‌ત હોસ્પિટલે પહોંચી ગયા હતા. બીજી બાજુ મૃતકનાં જૂનાગઢ રહેતા પરિવારને પણ જાણ કરાતા પરિવારજનોનાં કલ્પાંતે પણ સૌની આંખ ભીની કરી હતી. જો કે,૧૪ મુદ્દાવાળી સ્યુસાઇડ નોટમાં માથાનાં પાછળનાં ભાગનો દુખાવો હોવા સહિ‌તનો ઉલ્લેખ કરી જીવનનો અંત આણી લેવાના અધિકારીનાં પગલાથી ઘેરી સ્તબ્ધતા છવાઇ ગઇ છે.
મૃતકનાં ખીસ્સામાંથી ૧૪ મુદ્દાવાળી સ્યુસાઇડ નોટ મળી
વિસાવદર હોસ્પિટલમાં દોડી આવેલી પોલીસે મૃતક અધિકારીનાં ખીસ્સામાંથી જુદા-જુદા ૧૪ મુદ્દાવાળી સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી.

૧૯૮૩ માં ફોરેસ્ટર તરીકે સર્વિ‌સ શરૂ કરી હતી
મૃતક આરએફઓ જાડેજાએ ૧૯૮૩ માં દેવળીયાથી ફોરેસ્ટર તરીકે સર્વિ‌સ શરૂ કરી હતી. બાદમાં વિસાવદર તેમજ જૂનાગઢ ખાતે બદલી થઇ હતી. અને આરએફઓનો ચાર્જ સોંપવામાં આવેલ. જો કે પાછળથી બઢતી પણ મળી હતી. બીજી બાજુ દિવાળી પહેલા તેઓ ૧પ દિવસની રજા પર ઉતરી ગયા હતા. અને તાજેતરમાં ૬ તારીખે હાજર થયા હતા.
હોસ્પિટલે નેસડાનાં લોકોનાં ડુસ્કા સંભળાયા
આ કરૂણાંતિકાની જાણ થતાં જ વિસાવદર હોસ્પિટલે લોકોનાં ટોળા ઉમટયા હતા. અને આ અધિકારીએ માત્ર થોડા વર્ષો થોડા સમય માટે બદલી થઇ વિસાવદર બહાર ગયા હતા. બાકી ૨પ વર્ષ આસપાસની આ અધિકારીની ફરજથી નેસડામાંથી આવેલા લોકોએ પણ કલ્પાંત કરી દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

મોરબી પંથકનાં વતની
આરએફઓ એન. એમ. જાડેજાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. જેમાં એક પુત્રીનાં લગ્ન થઇ ગયા છે. જ્યારે બે દિકરામાં રવિરાજસિંહ એન્જીનિયર તરીકે સર્વિ‌સ કરે છે. જ્યારે નાનો પુત્ર દિવ્યરાજસિંહ અભ્યાસ કરે છે.

બે માસ પહેલાં બેસ્ટ આરએફઓનો એવોર્ડ મળ્યો 'તો
મૃતક આરએફઓ એન. એમ. જાડેજાને બે માસ પહેલાં સાસણ ખાતે વનવિભાગ દ્વારા ૨૦૧૩ બેસ્ટ આરએફઓનો એવોર્ડ અર્પણ કરાયો હતો.

સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે.


Bhaskar News, Junagadh   |  Nov 21, 2013, 00:28AM IST

સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે
- સિંહોનાં સ્થળાંતર મુદ્દે છુપાછુપી નહીં
- ઉકળાટ : સિંહ સ્થળાંતરનાં કેસમાં સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારની રીવ્યુ પીટીશન ફગાવતા
-
રાજ્ય સરકાર સ્પષ્ટ લડાઈ લડે : ક્યુરેટીવ પિટીશન કરે : સિંહ પ્રેમીઓનો સૂર

એશીયાટીક લાયનનાં પ્રદેશ ગણાતાં સાસણ ગીરનાં સિંહો પૈકીનાં કેટલાકને મધ્યપ્રદેશનાં કુનો પાલપુરનાં અભ્યારણ્યમાં ખસેડવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટની બેન્ચે ગત તા. ૧પમી એપ્રિલે આપેલા આદેશ સામે ગુજરાત સરકારે કરેલી રીવ્યુ પીટીશન તાજેતરમાં ફગાવી દેતાં ફરી સ્થળાંતરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જયારે સાવજોનાં સ્થળાંતર મુદ્દે રાજય સરકાર સ્પષ્ટ બની લડાઇ લડે અને કયુરેટીવ પીટીશન કરે તે તેવો સુર સિંહ પ્રેમીઓમાંથી ઉઠયો છે. અગાઉ પણ સ્થળાંતરનાં આદેશ પછી સૌરાષ્ટ્રનાં ગામે ગામ સિંહ પ્રેમીઓએ ઝુંબેશ ચલાવી હતી.

સુપ્રિમકોર્ટની બેન્ચે ૧પમી એપ્રિલે આદેશ આપતાંની સાથે જ રાજ્યભરમાં સાસણનાં સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતરનો મુદ્દો ગરમાયો હતો. અને સૌરાષ્ટ્રભરમાં તો આ અંગે વિવિધ નેચર કલબ, અગ્રણીઓ, પ્રકૃતિ વિદો, સહિ‌ત નાની-મોટી સંસ્થાઓએ સિંહ સાસણમાં જ રહે એ મુજબની રાજ્ય સરકાર રીવ્યુ પીટીશન કરે એવી બુલંદ માંગ પણ કરી હતી.
સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે
જોકે, ગુજરાત સરકારે કરેલી રીવ્યુ પીટીશન ફગાવી દેતાં આજે ફરી સોરઠ સહિ‌ત સૌરાષ્ટ્રભરમાં આ મુદ્દે ગણગણાટ શરૂ થયો છે. પ્રકૃતિ નેચર કલબ કોડીનારનાં દિનેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે, ગુજરાતની એનજીઓ સહિ‌તની સંસ્થાઓએ પહેલેથી જ આ વાતને કેન્દ્રિ‌ત કરી ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીર બને તેવું કહેવાયું હતું. છતાં રાજ્ય સરકારે સિંહોના સ્થળાંતરનો મુદ્દો ગંભીરતાથી ન લેતા આ પરિણામ આવ્યું છે.
સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે
ગોસ્વામીએ એવું પણ જણાવ્યું છે કે, સિંહ એકલા સોરઠનાં કે સાસણનાં નથી. પણ આખા ગુજરાતનું આભૂષણ છે. ત્યારે પહેલેથી જ ગુજરાત સરકારે ખ્યાતનામ વકિલો રોકવામાં આળસ બતાવ્યું છે. બીજી બાજુ પર્યાવરણ બચાવ સમિતીનાં ચેરમેન રજાક બ્લોચે પણ આ મુદ્દે આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
સિંહોના સ્થળાંતરથી સૌરાષ્ટ્ર શોકમાં, સરકાર સ્પષ્ટ લડાઈ લડે સિંહો જવાના છે ત્યાંના ચૂંટણી પ્રચારમાં જ વનમંત્રી
સિંહો મધ્યપ્રદેશનાં કુ'નો પાલપુર અભ્યારણ્યમાં લઇ જવાનાં છે. ત્યારે રાજ્યનાં વનમંત્રી ગણપતભાઇ વસાવા હાલ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં પ્રચાર અર્થે ગયા છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં રાજ્ય સરકારના પ્રયત્નનાં ગુણગાન ગાઈ તેઓએ કહ્યું હતું કે, અમે ક્યુરેટીવ પીટીશન કરવાનાં જ છીએ.

‘પરિક્રમા’ કે મોજ શોખનું સાધન!, અનેક દારૂની બોટલો મળી.


‘પરિક્રમા’ કે મોજ શોખનું સાધન!, અનેક દારૂની બોટલો મળી

Bhaskar News, Junagadh   |  Nov 19, 2013, 01:01AM IST
- ધાર્મિ‌ક ભાવનાને બદલે યુવા પેઢીમાં મોજશોખનું માત્ર સાધન
 
ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં લાખો ભાવિકો પૂણ્યનું ભાથું બાંધવા માટે જ આવે છે. પરંતુ આજની યુવા પેઢીએ આ ધાર્મિ‌ક ભાવનાને મોજશોખનું સાધન બનાવી દીધી હોય એમ પરિક્રમા રૂટની આસપાસથી દારૂની બોટલો મળી આવતા પ્રતિતી થાય છે. પરિક્રમામાં મોટા ભાગનાં શ્રદ્ધાળુંઓ દિલથી આવે છે અને ૩૬ કિ.મી.નું પરિભ્રમણ કરી પૂણ્યનું ભાથું પણ બાંધે છે. આ વર્ષે પણ પરિક્રમામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વન વિભાગ અને પોલીસનો કાફલો પણ બંદોબસ્તમાં તૈનાત રહેલ. 
 
રવિવારે પરિક્રમા પૂર્ણ થતાં માળવેલાની જગ્યા નજીક જંગલનાં ભાગેથી વન વિભાગનાં સ્ટાફને ફેરણી દરમિયાન ચોરવાડનો ગીગો કીશા કોળી નામનો કોળી યુવાન ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. એટલુ જ નહીં તેનાં થેલામાંથી પણ દારૂની બોટલો પણ મળી આવી હતી. આ યુવાનને ભેંસાણ પોલીસને સોંપી દીધો હતો. આજની યુવા પેઢીએ ધાર્મિ‌ક ભાવનાને બદલે પરિક્રમાને મોજશોખનું સાધન બનાવી દીધી હોય એવું પ્રતિત થઇ રહ્યું છે. આ અંગે માળવેલા આશ્રમનાં મહંત ભારતીબાપુએ જણાવેલ કે, પરિક્રમા કરવી હોય તો સાચી ભાવનાથી કરવી જોઇએ પરંતુ આજનાં યુવાનો હરવા-ફરવા અને મોજમજા કરવા માટે જ આવે છે એ અતિ દુ:ખની વાત છે.
-પરિક્રમામાં ૧૦૮એ ૬૦ ભાવિકોને સારવારમાં ખસેડયા’તા
- સૌથી વધારે હૃદયનાં દર્દીઓ: ચારનાં મોત થયા હતા
 
ગિરનારની ગોદમાં યોજાયેલી લીલી પરિક્રમામાં ૧૦૮ની પાંચ ગાડી તૈનાત કરવામાં આવી હતી. પાંચ દિવસ ચાલેલી પરિક્રમામાં ૧૦૮ની મદદથી ૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધારે હૃદય રોગનાં દર્દીઓ હતા. જેમાંથી ચાર યાત્રાળુઓનું મોત થયું હતું.
 
પાવનકારી ગિરનારની લીલી પરિક્રમામાં નવ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડયા હતા. લોકોની સુખાકારી સુવિધા માટે વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ તંત્ર, એસટી વિભાગ રાત-દિવસ ખડેપગે રહ્યા હતા. તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓની આરોગ્યલક્ષી સેવા પણ શરૂ કરવામાં આવી હતી. પરિક્રમા રૂટ પર કામચલાઉ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૦૮નાં પ્રોગ્રામ મેનેજર દિનેશભાઇ ઉપાધ્યાય, દેવેન્દ્ર બારડનાં માર્ગદર્શન હેઠળ ભેંસાણ, વંથલી, બિલખા અને જૂનાગઢ સીટી ૧,૨ ની ૧૦૮ની પાંચ ગાડી તૈનાત કરવામાં આવી હતી. 
 
પરિક્રમા દરમીયાન ૬૦ જેટલા ઇમરજન્સી કોલ ૧૦૮ને મળ્યા હતા. જેમાં ચારનાં મોત થયા હતા. જ્યારે ૧૦ દર્દીઓ પડી ગયા હતા. અને બે વાહન અકસ્માતનાં બનાવ બન્યા હતા. ૧૦૮ને મળેલા કોલમાંથી મોટા ભાગનાં દર્દીઓ હૃદયરોગનાં દર્દી‍ હતા. જેમને સમયસર સારવાર મળી જતાં તેઓની જીંદગી બચી ગઇ હતી. પરિક્રમા દરમ્યાન લાખો ભાવિકો ભવનાથમાં અને જંગલમાં આવતા હોય છે ત્યારે આ વર્ષે ઇમરજન્સી ૧૦૮ સેવાએ સતત કાર્યશીલ રહી હતી.

પરિક્રમા બાદ જૂનાગઢ શહેર પ્રવાસીઓથી ઉભરાયું, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.

પરિક્રમા બાદ જૂનાગઢ શહેર પ્રવાસીઓથી ઉભરાયું, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

Bhaskar News, Junagadh   |  Nov 18, 2013, 00:47AM IST
- ઠેર-ઠેરથી આવતા ભાવિકો શહેરનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નથી
- સક્કરબાગ, મ્યુઝિયમ, ઉપરકોટ પરિક્રમાર્થીઓથી ઉભરાયા

ચાલુ વર્ષ ગિરનારની લીલી પરિક્રમામાં ૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. આ ભાવિકોએ ૩૬ કિ.મી.ની પરિક્રમા પૂર્ણ કરી શહેરનાં સક્કરબાગ ઝુ, મ્યુઝિયમ, ઉપરકોટ સહિ‌તનાં ફરવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી.
ગરવા ગિરનારની પરિક્રમા ગત બુધવારથી શરૂ થઇ હતી. એ પૂર્ર્વે પોણા બે લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. આજ દિન સુધીમાં લાખો ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ શહેરમાં આવેલા સક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ, દાતાર પર્વત, ગિરનાર સહિ‌તનાં સ્થળોએ ઉમટયા હોય શહેરનાં માર્ગો પર ચિક્કાર ભીડ જોવા મળી હતી. સક્કરબાગ અને મ્યુઝિયમમાં તો રીતસર લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ શહેરમાં ઉમટી પડતા ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં તડાકો બોલ્યો હતો.

લીલી પરિક્રમા આજે પૂર્ણ: જંગલ ખાલી.

લીલી પરિક્રમા આજે પૂર્ણ: જંગલ ખાલી

Bhaskar News, Junagadh   |  Nov 17, 2013, 02:57AM IST
- ૯ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધીને વતનની વાટ પકડી

પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા વિધીવત રીતે આવતીકાલ તા. ૧૭ નવે.ને પૂનમનાં રોજ પૂર્ણ થનાર છે. જોકે, તે પહેલાં એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થઇ ગઇ છે. આજે પરિક્રમા રૂટ પર એકલ દોકલ યાત્રાળુ સિવાય કોઇ જોવા મળ્યું નહોતું. યાત્રાળુઓ આવતા બંધ થતા જંગલ ખાલીખમ થઇ ગયું છે. ચાલુ વર્ષે ૯ લાખથી વધુ યાત્રાળુઓએ પુણ્યનું ભાથું બાંધી વતનની વાટ પકડી છે.

ગિરનારની લીલી પરિક્રમા તો વહેલી શરૂ થઇ ગઇ હતી. જેના કારણે પરિક્રમા વહેલી પૂરી પણ થઇ ગઇ છે. પરિક્રમાનો વિધીવત પ્રારંભ તા. ૧૩ થી થયો હતો. પાંચ દિવસીય પરિક્રમા ૧૭ નવેમ્બર સુધી ચાલનાર હતી. જોકે, તેનો વિધીવત પ્રારંભ થાય એ પહેલાં ૪ લાખ યાત્રાળુઓએ પરિક્રમા પૂરી પણ કરી લીધી હતી. ગિરનારની લીલી પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડતા જંગલ, ભવનાથ અને શહેરનાં માર્ગો પર ભારે ટ્રાફિક રહ્યો હતો. પરિક્રમાને લઇને ગઇકાલથી જ યાત્રાળુઓનો પ્રવાહ જૂનાગઢ આવતો બંધ થયો હતો.

સાવજો ઉતર્યા ચિત્રોમાં, બાળકોએ કલ્પનાનાં રંગો પૂર્યા.

સાવજો ઉતર્યા ચિત્રોમાં, બાળકોએ કલ્પનાનાં રંગો પૂર્યા
Bhaskar News, Junagdah   |  Nov 17, 2013, 01:45AM IST

સાવજોની પરિક્રમાની ચિત્રમાં પરિકલ્પના


તાજેતરમાંજ ગિરનારની પરિક્રમામાં ૯ વનકેસરીનો પરિવાર પરિક્રમા માર્ગ પર આવી ગયો હતો. એ દૃશ્ય કેમેરામાં તો ક્લિક નથી થયું. પરંતુ જૂનાગઢનાં ઉભરતા કલાકાર અને બીઇ (સિવીલ)નો અભ્યાસ કરતા રાજકુમાર મનસુખભાઇ કોરડિયાએ 'એ’ દૃશ્યની કલ્પના કરી જ લીધી.

એટલું જ નહીં, તેને આંતરરાષ્ટ્રીય ડ્રોઇંગ કોમ્પિટીશનમાં સ્થાન મળે એ માટે છ કલાકની જહેમત ઉઠાવી રંગોળી તૈયાર કરી અને તેમાં પોતાની કલ્પનાનાં રંગો પૂર્યા.
સાવજો ઉતર્યા ચિત્રોમાં, બાળકોએ કલ્પનાનાં રંગો પૂર્યા

લીલી પરિક્રમા: ૨૦૦ થેલી દૂધની ચા બનાવી યાત્રાળુઓને પીવડાવી.


લીલી પરિક્રમા:  ૨૦૦ થેલી દૂધની ચા બનાવી યાત્રાળુઓને પીવડાવી


Bhaskar News, Junagdah   |  Nov 17, 2013, 01:02AM IST
જંગલમાં ખડકાયો ઢગલા બંધ કચરો
ગિરનારની લીલી પરિક્રમા નવ લાખ કરતા વધુ યાત્રાળુઓએ પૂર્ણ કરી છે. પર્યાવરણને નુકસાન ન થાય તેને ધ્યાને રાખી તંત્રએ ખાસ તકેદારી રાખી હતી. છતા પણ ઢગલા બંધ પ્લાસ્ટીકનો કચરો જંગલમાં ઠલવાયો છે. જેની સફાઇ કરતા વન વિભાગને પરસેવો વળી જશે.જંગલ મધ્યે યોજાતી ગિરનારની પાવનકારી પરિક્રમા આવતી કાલે વિધીવત રીતે પૂર્ણ થનાર છે. તે પહેલા આજે ગિરનાર ખાલી થઇ ગયું છે. દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. ચાલુ વર્ષે નવ લાખ કરતા વધારે યાત્રાળુઓ પરિક્રમામાં આવ્યા હતા.

પરિક્રમામાં આવતા યાત્રાળુઓએ જંગલમાં નદી-નાળામાં વહેતા પાણીનો સ્નાન કરવા, કપડાં ધોવામાં ઉપયોગ કર્યો હોય છે. તેમજ જંગલમાં પ્લાસ્ટિકની ઠેલી સાથે રાખતા હોય છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિક ન વાપરવા, સ્નાન માટે સાબુ ન વાપરવા, પ્લાસ્ટિક કચરા પેટીમાં જ નાખવા જેવી અનેક સુચનાઓ સાઇન ર્બોડ પર લગાડી હતી. તેમજ તંત્ર દ્વારા ચેકીંગ પણ કરવામાં આવતું હતું. છતા પણ કેટલાક યાત્રાળુઓએ બેફામ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. અને ૩૬ કિમીનાં પરિક્રમા માર્ગ પર પ્લાસ્ટિક ફેંક્યું હતું. ઠેર-ઠેર પ્લાસ્ટિક ફેંકાતાં જંગલમાં પ્લાસ્ટિકનાં ઢગલા ખડકાઇ ગયા છે. તેમજ ગંદીકનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે. જંગલમાં પ્લાસ્ટીક અને ગંદીકને દુર કરતાં વન વિભાગને દિવસો લાગી જશે. જંગલમાં ખડકાયેલા પ્લાસ્ટીકની સફાઇ માટે આગમી દિવસમાં વન વિભાગ, સેવાકીય સંસ્થા દ્વારા કવાયત હાથ
ધરવામાં આવનાર છે. જો કે, દર વર્ષે સેવાભાવી સંસ્થાઓ આ માટે આગળ આવતી હોય છે.

ગિરનારની પરિક્રમામાં પાંચ દિવસમાં એક ટ્રક માવા 'ચવાયા’.


ગિરનારની પરિક્રમામાં પાંચ દિવસમાં એક ટ્રક માવા 'ચવાયા’
Bhaskar News, Junagdah | Nov 17, 2013, 00:56AM IST
- વ્યસની પરિક્રમામાં ૧૦થી વધુ માવા લઇ ગયા’ તા

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવા અને તમાકુનું લગભગ તમામ વર્ગમાં વ્યાપક વ્યસન જોવા મળે છે. ત્યારે મોટા મેળાવડાઓમાં મોટા પ્રમાણમાં માવા-તમાકુ ખવાતા હોય છે. આ વર્ષે પરિક્રમામાં તા. ૧૧ થી ૧પ નવે. દરમ્યાન જ એક ટ્રક ભરાય એટલા માવા વ્યસનીઓ 'ચાવી’ ગયાનો અંદાજ છે.

ગરવા ગિરનારની પરિક્રમામાં ગુજરાતનાં અને દેશનાં અનેક શહેરોમાંથી લોકો આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાંથી પણ લોકો પુણ્યનું ભાથું બાંધવા આવી પહોંચે છે. પરિક્રમા માટે આવતા હોય ત્યારે ભાવિકો બધી તૈયારી સાથે આવતા હોય છે. તેમાં પાન-માવા અને તમાકુના વ્યસનીઓ પોતાની 'ચોક્કસ’ વ્યવસ્થાઓ કરીને જ આવે છે. જામજોધપુરના ધર્મેશ તેનાં ૭ મિત્રો સાથે પરિક્રમામાં આવ્યો હતો. તેણે કહ્યું અમારા ગૃપનાં પાંચ મિત્રો માવા ખાય છે.

અમે લોકો પરિક્રમામાં ગયા એ પહેલાં ૧૨ માવા બંધાવ્યા હતા. વચ્ચે જરુર પડી ત્યાં બીજા પણ લીધા હતા. ભવનાથમાં એક માવા પાર્સલનો ભાવ રૂ. ૧૦ છે. જે જંગલમાં રૂ. ૧પ થી ૨૦ જેવો હતો. તો પણ જે લોકો માવા ખાતા હતા તેઓ હોંશે હોંશે ૨૦-૨૦ રૂપિયા પણ આપતા હતા. અમે આખાગૃપે પરિક્રમા દરમ્યાન કુલ ૩૦ માવા ખાધા. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા કેટલાક યુવાનો પોતાનાં શહેરમાંથીજ મોટા પ્રમાણમાં સોપારી-તમાકુનો જથ્થો સાથે લઇને જ આવે છે. તેમજ જરૂર પડે તો અહીંથી વધુ ખરીદતા હોય છે. માવાનાં વ્યસનીઓ અને પરિક્રમામાં માવાનું 'પાર્સલ’ વેચનારા લોકો સાથે વાત કરતાં એક અંદાજ મુજબ પાંચ દિવસો દરમ્યાન એક મોટો ટ્રક ભરાય એટલા પ્રમાણમાં વ્યસનીઓ માવા 'ચાવી’ ગયા છે. હજુ બે દિવસ બાકી છે.