Wednesday, April 30, 2014

કોડીનાર પંથકનાં પણાંદરમાં સસલાનો શિકાર કરનાર ઝબ્બે.

કોડીનાર પંથકનાં પણાંદરમાં સસલાનો શિકાર કરનાર ઝબ્બે
Bhaskar News, Kodinar | Apr 30, 2014, 02:07AM IST
-અગાઉ પણ આ પંથકમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઝડપાયા હતા
- વનતંત્ર દોડયું : નદીને કાંઠે શિકાર કરે તે પૂર્વે સકંજામાં


કોડીનારનાં પણાંદર ગામમાં નદી કાંઠે સસલાનો શિકાર કરે એ પૂર્વે જ બે શખ્સોને વન વિભાગે ઝડપી લીધા હતાં.પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારનાં પણાંદર ગામનાં મનુ બોઘા (ઉ.વ.૩પ) અને બાલુ ભીખા (ઉ.વ.૩૨)નામનાં બે શખ્સો ગામની ગોમા નદી કાંઠે સસલાનો શિકાર કરવા પહોંચ્યા હતાં અને જાળ પાથરી સસલાનો શિકાર કરે એ પૂર્વેજ ફેરણીમાં નિકળેલા વન વિભાગનાં છારા બીટનાં ફોરેસ્ટર એમ.એમ. ભરવાડ, મનસુખ પરમાર, વિનુબાપુ સહિ‌તનાં સ્ટાફે આ બંને શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી રૂા.બે-બે હજારનાં જામીન પર મુકત કરી દીધા હતાં.ઉલ્લેખનીય એ છે કે, અગાઉ પણ કોડીનાર આસપાસ અને દરીયાઈ પટ્ટીનાં ગામોનાં વિસ્તારોમાં સસલાનો શિકાર કરવાનો ગેરકાયદેસર ધંધો અજમાવતા શખ્સે ઝડપાયા હતા.

સાસણગીરનાં સીદી સમાજની ચૂંટણી બહિ‌ષ્કારની ચિમકી.

- મક્કમ : ટ્રસ્ટ નોંધણી સહિ‌ત રજૂઆતમાં કાર્યવાહી ન થતા

તાલાલાનાં સાસણગીરમાં એક ટ્રસ્ટનાં રજીસ્ટ્રેશન રદ કરવા અને આ રજીસ્ટ્રેશન વખતે ખોટી સહી થઇ હોય તે મુદ્દે ફોજદારી ફરિયાદ કરવા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા આજે ગાંધીનગર ચૂંટણી કમિશ્નરને ફેકસ દ્વારા અગાઉની રજૂઆત અંગે કાર્યવાહી ન થવા મુદ્દે મતદાનથી અળગા રહેવાનો સીદી સમાજે નિર્ણય કર્યાની જાણ કરી ચિમકી આપી છે.

સાસણગીરનાં હળફ સીદીબાપુ નથુભાઇ મજગુલ સહિ‌ત સીદી સમાજનાં કેટલાક સદ્દસ્યએ ગાંધીનગર ચૂંટણી કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, સાસણ ગામમાં હુસેન અબ્દુલા સાયલી સમાજનાં જિલ્લા પ્રમુખ હોવાનું જણાવી અને ગેરકાનુની પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓએ એક ટ્રસ્ટ બનાવેલ છે તેમાં ટ્રસ્ટીનાં સોંગદનામામાં પણ અનેક વિધ ગેરરીતી હોય અને આ હુસેનભાઇએ જ બીજાનાં નામની ખોટી સહીઓ કરી ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેથી જૂનાગઢ સાર્વજનિક ટ્રસ્ટ નોંધણી કચેરી અધિકારી દ્વારા અગાઉ રજૂઆત પછી પણ કાર્યવાહી થઇ નથી. જૂનાગઢ કલેકટર, એસપી, વેરાવળ ડીવાયએસપી સહિ‌તને ખોટી સહીઓ બાબતે તપાસ કરી ફોજદારી ફરિયાદ કરવા લેખિત આપ્યુ હોવા છતાં કાર્યવાહી
થઈ નથી.

ખીલાવડમાં સિંહણ પરિવારનો મુકામ.

ખીલાવડમાં સિંહણ પરિવારનો મુકામ
Bhaskar News, Junagadh | Apr 30, 2014, 01:59AM IST
- ફફડાટ : વનતંત્રની નિષ્ક્રિ‌યતા સામે ગ્રામજનોમાં ભારે રોષ
-
વાડીમાં ત્રણ સિંહબાળ સાથે હોઈ ખેતીકામ માટે શ્રમિકો જઇ શકતા નથી
- વનતંત્રને જાણ કરવા છતાં સ્ટાફ ફરક્યો નથી


ગીરગઢડાનાં ખીલાવડમાં વાડીમાં સિંહણે ૩ બચ્ચા સાથે છેલ્લા આઠ દિવસથી મુકામ કર્યો હોય ખેતીકાર્ય માટે શ્રમિકો જઇ શકતા નથી. બીજી તરફ વનતંત્ર દ્વારા પણ કોઇ કાર્યવાહી થતી ન હોય ખેડૂતોમાં રોષ પ્રસર્યો છે.ગીરગઢડાનાં ખીલાવડની સીમમાં આવેલ વાડીમાં રસીકભાઇ પડશાળાએ બાજરાનાં પાકનું વાવેતર કરેલ હોય અને છેલ્લા આઠ દિવસથી એક સિંહણ ત્રણૂ બચ્ચા સાથે આ વાડીમાં વેકેશન ગાળવા આવતાં ખેડૂતોમાં ગભરાટ પ્રસર્યો છે.

બચ્ચાનાં રક્ષણ માટે સિંહણ શ્રમિકોને પ્રવેશવા દેતી ન હોય વાડી બહાર જ બેસી રહેવું પડે છે. જો કોઇ વાડીમાં જવાની કોશિષ કરે તો સિંહણ તેનો અસલી મિજાજ બતાવે છે. આ સિંહણ સવારથી જ વાડીની આસપાસ આંટા મારતી રહે છે. દરમિયાન આજે સિંહણ વાડીની આસપાસ ન હોય એક શ્રમિક ત્યાં કામ કરતો હતો ત્યારે અચાનક જ સિંહણ આવી પહોંચતા જીવ બચાવવા દોટ મુકતાં આ દ્રશ્ય જોઇ અન્ય લોકોએ હાકલા પડકારા કરતાં સિંહણ બાજરાની વાડમાં ચાલી ગઇ હતી.
 
આ સિંહણ પરિવારનાં મુકામ અંગે વાડી માલિકે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી. આહિ‌રને પાંચ વખત જાણ કરી હોવા છતાં આજે આવીશું, કાલે આવીશુંનું રટણ કરતા હોય કોઇપણ સ્ટાફ હજુ સુધી ફરકયો ન હોય ખેડૂતોમાં ભારે રોષ પ્રસર્યો છે. આ સિંહણ કોઇ વ્યકિત પર હૂમલો કરે એ પહેલા તેને પાંજરે પુરવા કે જંગલમાં ખદેડી દેવા વનતંત્ર સત્વરે કાર્યવાહી કરે એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

સિંહણ પરિવારને જોવા લોકો ઉમટે છે

ખીલાવડની સીમમાં વેકેશન માણી રહેલ સિંહણ પરિવારને નિહાળવા સ્થાનિક ઉપરાંત આસપાસનાં ગામોમાંથી લોકો ઉમટી રહયાં છે.

આ મતદાન કેન્દ્રમાં ઝિરો ટકા કે પછી સીધું જ 100 ટકા થાય છે મતદાન!

આ મતદાન કેન્દ્રમાં ઝિરો ટકા કે પછી સીધું જ 100 ટકા થાય છે મતદાન!
divyabhaskar.com | Apr 30, 2014, 00:16AM IST
આ મતદાન કેન્દ્ર આખા દેશમાં બધાથી સાવ લગ જ પડે છે. અહીં ઝીરો ટકા મતદાન થાય છે અથવા તો સીધું જ 100 ટકા મતદાન થાય છે. માત્ર એક જ મતદાર માટે એક આખું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવે છે. દેશના 9,30,000  મતદાનમથકોમાં એક માત્ર મતદાર ધરાવતું બાણેજ ભારતનું એકમાત્ર અજોડ મતક્ષેત્ર છે. બાણેજ જૂનાગઢ જિલ્લાના ઊના મતવિસ્તાર હેઠળ આવે છે. આવતીકાલે પાંચ ચૂંટણી અધિકારી અને બે સુરક્ષાકર્મીઓ ત્યાં ભરતદાસને મતદાન કરાવવા જશે. 2004ની લોકસભાની ચૂંટણીથી આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જગ્યા એક પર્વતની તળેટીમાં આવેલી છે. એ પર્વતનો આકાર ભગવાન શંકરના બાણ જેવો છે, એટલે તેનું નામ બાણગંગેશ્વર પડયું. અહીંના મહંત ભરતદાસ આ વિસ્તારના એક માત્ર મતદાર છે.

પૂર્વ ગીરમાં આવેલું બાણેજ તુલસીશ્યામથી ૩૫, ધારીથી ૪૫, વિસાવદરથી ૫૦, કનકાઈથી ૨૦ જામવાળાથી ૨૪ અને જૂનાગઢથી સોએક કિલોમીટર દૂર આવેલું છે.બાણેજ ગાઢ જંગલ અને હિંસક સજીવો વચ્ચે આવેલું હોવાથી સાંજે સાડા ચાર પછી આઠ કિલોમીટર દૂર આવેલી એક ચેક પોસ્ટ પરથી રસ્તો બંધ કરી દેવામાં આવે છે. એ રીતે બાણેજ પ્રવાસીઓને રાત રોકાવવાની છૂટ નથી. અંદર જતાં પ્રવાસીઓ સાંજે સાડા સાત પહેલાં ગેટની બહાર નીકળી જાય એવો વનખાતાનો નિયમ છે.
બાણેજમાં બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે. જયાંથી ગંગાનું પાણી વહેવાનું શરૂ થયું હતું એ જગ્યાએ મંદિર પણ છે. મંદિર આગળ એક નદી વહે છે. મંદિર પરિસરમાં આવતા ભકતો-વનપ્રેમીઓ માટે ચા-પાણી, જમવાની વ્યવસ્થા મફતમાં ચાલુ હોય છે. ૨૫૦ લોકોને ઉતારો આપી શકાય તેવી બધી વ્યવસ્થા અહીં છે. મૂળ રાજસ્થાનથી આવેલા ભરતદાસ છેલ્લાં એકાદ દાયકા ઉપરાંતથી અહીંના મહંત છે.
આ મતદાન કેન્દ્રમાં ઝિરો ટકા કે પછી સીધું જ 100 ટકા થાય છે મતદાન!

દેશની સરકારી સસ્ટિમથી જોકે ભરતદાસ ખુશ નથી. નેતાઓની ઝાટકણી કાઢતાં ભરતદાસ કહે છે, ‘મારો એક મત લોકશાહીમાં કિમતી છે, પણ આપણા નપાવટ નેતાઓએ દેશમાં લોકશાહી જેવું કશું રહેવા દીધું નથી. ગુંડાઓ ચૂંટાય છે, એ કેવી લોકશાહી?’ અહીં ભરતદાસ ઉપરાંત તેનો ડ્રાઈવર, રસોઈયા સહિત પાંચેક વ્યકિતઓ છે, પણ તેઓ અહીંના મતદાર નથી.
રેડિયો દ્વારા ભરતદાસ દેશ-દુનિયામાં બનતી ઘટનાઓની જાણકારી રાખે છે. દેશમાં શું સ્થિતિ છે, તેની ઝીણામાં ઝીણી વિગત ભરતદાસને ખબર છે. ગુજરાતી-હિન્દી-અંગ્રેજી, ત્રણેયનું મિશ્રણ કરી વાત કરતાં તેઓ કહે છે, ‘આપણા લીડરોને જૂતાં માર્યા તેના બદલે જાહેરમાં બોલાવી તેની ધોલાઈ કરવી જોઈએ. પ્રોબ્લેમ પબ્લિક કા હૈ, પબ્લિક ચૂપ બૈઠી હૈ, એટલે કોનો વાંક કાઢવો?’
ભગવા ઝભ્ભાનાં ખુલ્લાં બટન સાથે સનગ્લાસ પહેરીને ફરતાં ભરતદાસ જંગલખાતાના જડ કાયદાઓથી ખાસ્સા નારાજ છે. ભરતદાસ પોતે ટાટા સફારીમાં ફરે છે. તેમનો આક્ષેપ એવો છે, કે આ વિસ્તારમાં પ્રવાસીઓ ઓછા આવે તે માટે જાણી જોઈને બાણેજનો વિકાસ કરવામાં આવતો નથી. વધુ દલીલ કરતાં તેઓ કહે છે, ‘કોઈ જંગલમાં રાતે ઝડપાય તો તેને ગમે તે સજા કરો પણ અહીં જગ્યામાં રાત રહેવાની મનાઈ શા માટે? અહીં વર્ષોથી કોઈ દુઘર્ટના બની નથી. ચોર-ડાકુ આવતા નથી. કોઈ જનાવરે જગ્યામાં હુમલો કર્યોહોય એવો બનાવ નોંધાયો નથી. તો પછી શા માટે ભકતોને અહીં રાત રોકાવવાની મનાઈ કરવામાં આવે છે?

પ્રેમપરામાંથી ૪૦ દિ’ની જહેમત બાદ ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો.

પ્રેમપરામાંથી ૪૦ દિ’ની જહેમત બાદ ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો
પ્રેમપરામાંથી ૪૦ દિ’ની જહેમત બાદ ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો
- આ સ્થળેથી અત્યાર સુધીમાં ૩૦ દીપડા ઝડપાયા છે

વિસાવદરનાં પ્રેમપરામાંથી ૪૦ દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પૂરાતા વન તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડા વાડી તરીકે ઓળખાતા આ સ્થળેથી અત્યાર સુધીમાં ૩૦ થી વધુ દીપડા ઝડપાયા છે.

વિસાવદરનાં પ્રેમપરા ગામે પરેશભાઇ ગાઠાણીનાં ખેતરમાં વન તંત્રએ છેલ્લા ૪૦ દિવસથી દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું. આ દીપડો ત્રણ વખત પાંજરામાંથી મારણ કાઢી બાજુમાં જ બેસી મીજબાની માણી છટકી જતો હતો. આ દીપડાને ઝડપવા વધુ એક પાંજરૂ પણ ગોઠવી દેવાયું હતું તેમ છતાં પૂરાતો ન હતો. દરમિયાન મધરાતનાં આશરે ૭ વર્ષની ઉંમરનો દીપડો પાંજરામાં પૂરાઇ જતાં વન તંત્રની જહેમત સફળ બની હતી. કુટીયા રાઉન્ડનાં ફોરેસ્ટર શેખનાં માર્ગદર્શન હેઠળ ડી.કે.મકવાણા અને એ.એન.ગઢવીએ સફળ કામગીરી બજાવી હતી. દીપડા વાડી તરીકે જાણીતા બનેલા આ સ્થળેથી અત્યાર સુધીમાં ૩૦ થી વધુ દીપડા પાંજરે પૂરાયા છે.

હજુ પણ ત્રણેક જેટલા દીપડાનાં આંટાફેરા

થોડા સમય પહેલા આજ ખેતરમાંથી રેસ્કયુ ટીમને ખો આપતો દીપડો મહા મહેનતે પાંજરે પૂરાયો હતો. હજુ પણ ખેતરમાં ત્રણથી વધુ દીપડાનાં આંટાફેરા હોય તેનાથી છૂટકારો મળે એ માટે વન તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થાય એવી પરેશભાઇએ માંગણી કરી છે.
- આ સ્થળેથી અત્યાર સુધીમાં ૩૦ દીપડા ઝડપાયા છે

વિસાવદરનાં પ્રેમપરામાંથી ૪૦ દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પૂરાતા વન તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડા વાડી તરીકે ઓળખાતા આ સ્થળેથી અત્યાર સુધીમાં ૩૦ થી વધુ દીપડા ઝડપાયા છે.

વિસાવદરનાં પ્રેમપરા ગામે પરેશભાઇ ગાઠાણીનાં ખેતરમાં વન તંત્રએ છેલ્લા ૪૦ દિવસથી દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું. આ દીપડો ત્રણ વખત પાંજરામાંથી મારણ કાઢી બાજુમાં જ બેસી મીજબાની માણી છટકી જતો હતો. આ દીપડાને ઝડપવા વધુ એક પાંજરૂ પણ ગોઠવી દેવાયું હતું તેમ છતાં પૂરાતો ન હતો. દરમિયાન મધરાતનાં આશરે ૭ વર્ષની ઉંમરનો દીપડો પાંજરામાં પૂરાઇ જતાં વન તંત્રની જહેમત સફળ બની હતી. કુટીયા રાઉન્ડનાં ફોરેસ્ટર શેખનાં માર્ગદર્શન હેઠળ ડી.કે.મકવાણા અને એ.એન.ગઢવીએ સફળ કામગીરી બજાવી હતી. દીપડા વાડી તરીકે જાણીતા બનેલા આ સ્થળેથી અત્યાર સુધીમાં ૩૦ થી વધુ દીપડા પાંજરે પૂરાયા છે.

હજુ પણ ત્રણેક જેટલા દીપડાનાં આંટાફેરા

થોડા સમય પહેલા આજ ખેતરમાંથી રેસ્કયુ ટીમને ખો આપતો દીપડો મહા મહેનતે પાંજરે પૂરાયો હતો. હજુ પણ ખેતરમાં ત્રણથી વધુ દીપડાનાં આંટાફેરા હોય તેનાથી છૂટકારો મળે એ માટે વન તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થાય એવી પરેશભાઇએ માંગણી કરી છે.

ગિરનાર રોપ - વે સાકાર કરવા માટે આજે પ૧ દિપ યજ્ઞ.

Apr 27, 2014, 03:12AM IST
મહત્વા કાંક્ષી પ્રોજેકટ વર્ષોથી અદ્ધરતાલ
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢનાં વિકાસમાં જેનો મહત્વનો ભાગ છે એવા ગિરનાર રોપ-વેની કામગીરી વર્ષોથી અદ્ધરતાલ છે. આ પ્રોજેકટ સાકાર થાય તે માટે રોપ-વે જાગૃતિ સમિતી કાર્યરત થઇ છે. ત્યારે સમિતી દ્વારા આવતીકાલે સાંજનાં પ૧ દિપ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે અને ગિરનાર રોપ-વે સાકાર થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.
જૂનાગઢનો વિકાસ પ્રવાસન ઉપર આધારીત છે. વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ શહેરની મુલાકાત લે છે. તેમજ ગિરનાર પર્વત ચઢતા હોય છે. ગિરનાર પર આવતા પ્રવાસીઓ માટે ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. તેનુ ખાતમુહૂર્ત પણ થઇ ગયું છે. પરંતુ ગિરનાર રોપ-વેની કાર્યવાહી આગળ વધતી નથી. ગિરનાર રોપ-વે યોજના સાકાર થાય તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શિવરાત્રિનાં મેળામાં રોપ-વે જાગૃતિ સમિતી સહિ‌ ઝૂબેશ કરવામાં આવી રહી છે. ગિરનાર રોપ - વે સાકાર કરવા માટે રોપ -વે સમિતી અને ગાયત્રી શકિત પીઠ દ્વારા તા. ૨૭ એપ્રિલનાં સાંજનાં ૬ વાગ્યે જિલ્લા પંચાયતનાં ગેસ્ટ હાઉસ સામેની જગ્યામાં પ૧ દિપ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમિતીનાં તનસુખગીરી બાપુ, વિજય કિકાણી, શરદભાઇ આડતીયા, સરોજબેન ભટ્ટ, સીયારામ ધુન મંડળ, સત્યમ સેવા યુવક મંડળ, બાબા મિત્ર મંડળ, વાધેશ્વરી માતાજી ટ્રસ્ટ સહિ‌તની સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે

ગુજરાતીએ સાવજનો કર્યો સામનો, ભેંસોનો બચાવ્યો જીવ.

Bhaskar News, Visavadar | Apr 27, 2014, 01:00AM IST
ગુજરાતીએ સાવજનો કર્યો સામનો, ભેંસોનો બચાવ્યો જીવ
- રાજપરામાં માલધારીએ સાવજનો સામનો કરી ભેંસોને બચાવી
- દિલધડક : વિસાવદર પંથકનાં જંગલ વિસ્તારમાં બનેલી ઘટના
- ભેંસો પણ રખેવાળનાં રક્ષણ માટે દિવાલ બનીને ઉભી રહી ગઇ


વિસાવદરનાં રાજપરાનાં જંગલ વિસ્તારમાં ભેંસો પર ત્રાટકેલા સિંહનો માલધારીએ હિંમતપૂર્વકનો સામનો કરી બચાવી લીધી હતી. ભેંસો પણ રખેવાળને બચાવવા દિવાલ બનીને ઉભી રહી ગઇ હતી. આ દિલધડક ઘટનામાં માલધારીને ઇજા પહોંચતાં સારવારમાં ખસેડાયા હતાં. વિસાવદરનાં રાજપરા ગામમાં રહેતાં ગોલણભાઇ અમરાભાઇ જેબલીયા (ઉ.વ.૩૨) આજે સવારે ૮.૩૦ વાગ્યાનાં અરસામાં ૨પ જેટલી ભેંસો અને માલઢોરને ચરીયાણ માટે નજીકનાં જંગલ વિસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં અવેડામાં પાણી પીવરાવી રહયાં હતાં.

ત્યારે નદીનાં ઉપરનાં ભાગેથી એક સિંહે આવી ચઢી ધણ પર હૂમલો કરી દેતાં સાતેક જેટલી ભેંસોએ જંગલ તરફ દોટ મુકતા ગોલણભાઇએ તેને પરત વાળવા પાછળ જતાં એક ભેંસને સિંહે ગળેથી પકડેલી જોવા મળતાં તેને બચાવવા હાકલા પડકારા કરી હિંમતપૂર્વક દોટ મુકતાં સિંહે જોરથી ભેંસને તેમની તરફ ફેંકતા ભેંસનાં શીંગડા અને પગ લાગવાથી ડાબા પગ અને છાતીનાં ડાબા પડખામાં ઇજા પહોંચતાં ગોલણભાઇ બેશુધ્ધ થઇ ગયા હતાં.

આ સમયે સિંહે ગોલણભાઇ તરફ હૂમલો કરવા દોટ મુકતાં બે ભેંસોએ રખેવાળને બચાવવા સામનો કરી સિંહને દુર ખદેડી દીધો હતો. તેમ છતાં સિંહે હાર ન માની ફરી વાર હૂમલો કરતા બંને ભેંસો રખેવાળની ફરતે દિવાલ બનીને ઉભી રહી જઇ સિંહને ભગાડી મૂકયો હતો. ત્યારબાદ નજીકનાં ખેતરમાં કામ કરતી મહિ‌લાએ આસપાસમાંથી ત્રણેક માણસોને બોલાવી લાવી ઇજાગ્રસ્ત ગોલણભાઇને વિસાવદર સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં.

ગુજરાતીએ સાવજનો કર્યો સામનો, ભેંસોનો બચાવ્યો જીવ
ભેંસોએ જ મારો જીવ બચાવ્યો

માલધારી ગોલણભાઇએ ભાનમાં આવ્યા બાદ કહયું હતું કે જો આ ભેંસો ન હોત તો સિંહે મારો શિકાર કરી લીધો હોત. આ ભેંસોએ જ મારો જીવ બચાવ્યો છે.

આરએફઓનાં વર્તન સામે રોષ

અમારી પાસે કાયમી માલધારીનો પાસ હોવા છતાં આરએફઓ ડઢાણીયા જંગલમાં પ્રવેશ કરવા દેતા નથી. પાસ બતાવ્યે તો તેનો ઘા કરી દઇ જુનો છે એવું જણાવી દીયે છે.અગાઉ પાંચ વર્ષ પહેલા મારા પિતા અમરાભાઇએ કેસ કર્યો છે જે જૂનાગઢ ખાતે હજુ ચાલે છે. આજ રીતે હેરાનગતી થતી રહેશે તો માલઢોરને સાથે લઇ ઉગ્ર આંદોલન કરવાની ગોલણભાઇએ ચિમકી આપી હતી.

તોફાની તત્વોની ટિખળ, સિંહને મારણ ન કરવા દઈ પાછળ વાહન દોડાવ્યા.

તોફાની તત્વોની ટિખળ, સિંહને મારણ ન કરવા દઈ પાછળ વાહન દોડાવ્યા
Bhaskar News, Khambha | Apr 30, 2014, 01:55AM IST
- ટીખળ ખોરોએ સિંહ પાછળ વાહનો દોડાવ્યા ?
- ભાડ ગામે ગઇકાલે રાત્રે જંગલમાંથી બે ડાલામથ્થા ગામમાં ચઢી આવ્યા હતા
-
મારણ ન કરવા દઇ કાંકરીચાળો કરી હેરાન પરેશાન કર્યા હોવાનું જાણવા મળ્યું

ખાંભા તાલુકાના ભાડ ગામે ગઇકાલે રાત્રીના જંગલમાથી બે ડાલમથ્થા સાવજો ગામમા ચડી આવ્યા હતા. ખોરાકની શોધમા નીકળેલા આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. સાવજો દ્વારા મારણ કરવામા આવ્યુ હોવાની સિંહપ્રેમીઓને જાણ થતા જ અહી મોટર સાયકલ તેમજ ફોરવ્હીલ લઇ અહી લોકો સિંહ દર્શન માટે દોડી આવ્યા હતા. જેમાથી કેટલાક ટીખળીખોરોએ સાવજોને મારણ ન કરવા દઇ કાંકરીચાળો કરી હેરાન પરેશાન કર્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

હાલમા રેવન્યુ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો દ્વારા મારણની ઘટના બનતા જ સિંહપ્રેમીઓ સિંહદર્શન માટે દોડી જાય છે. આવી જ એક ઘટના ખાંભા તાલુકાના ભાડ ગામે બની હતી. અહી ગઇકાલે મોડીરાત્રીના બે ડાલામથ્થા સાવજો છેક ગામ સુધી ચડી આવ્યા હતા. ભુખ્યા થયેલા આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. મારણની જાણ આસપાસના વિસ્તારોમા થતાની સાથે જ અહી લોકો મોટર સાયકલ અને ફોરવ્હીલમા સિંહ દર્શન માટે અહી દોડી આવ્યા હતા.
હજુ તો સાવજોએ મારણ કર્યુ જ હોય અહી મોટી સંખ્યામા લોકો એકઠા થઇ ગયા હતા. કેટલાક ટીખળીખોરોએ સાવજોને હેરાન કરવાનુ શરૂ કર્યુ હતુ. કેટલાક લોકોએ સાવજો પાછળ બાઇક અને ફોરવ્હીલ પણ દોડાવ્યુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. બાદમાં વનવિભાગને જાણ થઇ હતી પરંતુ સ્ટાફ મોડેમોડે અહી પહોંચ્યો હોવાનુ કહેવાય રહ્યું છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે ભાડા ગામે સાવજો દ્વારા મારણની ઘટના બનતા મને ફોન મારફત જાણ થઇ હતી જેને પગલે તુરત સ્ટાફને રવાના કરવામા આવ્યો હતો. તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે કોઇ ટીખળીખોરોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હોવાનુ ધ્યાનમા આવશે તો તેની સામે કડક પગલા લેવામા આવશે.

ખડાધારની સીમમાં બિમાર સિંહના આંટાફેરા.

Bhaskar News, Khambha | Apr 30, 2014, 01:55AM IST
ખડાધારની સીમમાં બિમાર સિંહના આંટાફેરા
ખાંભા તાલુકાના ખડાધાર ગામની સીમમાં એક પુખ્તવયનો સિંહ બિમાર હાલતમા આંટાફેરા મારી રહ્યો હોય ખેડુતો દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. જો કે વનવિભાગના સ્ટાફ દ્વારા અહી દોઢેક કલાક સુધી સિંહનુ લોકેશન શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને બાદમા જતા રહ્યાં હતા. ખડાધાર ગામની સીમમા દસેક વર્ષની ઉંમરનો એક પુખ્તવયનો સિંહ અહી બિમાર હાલતમાં નજરે પડયો હતો. અહીના વાંદરીગાળા વિસ્તારમાં આ બિમાર સિંહ જોવા મળ્યો હતો. ખેડુતોના જણાવ્યાનુસાર આ સિંહના આગળના પગમા ઇજા પહોંચી હોય તેને ચાલવામા તકલીફ પડી રહી હોવાનુ નજરે પડયુ હતુ.
 
આ સિંહે એક વાછરડીનુ પણ મારણ કર્યુ હતુ પરંતુ મારણ પણ પુરેપુરૂ આરોગી શકયો ન હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ અંગે ખેડુતો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. પીપળવા બીટના ગાર્ડ તેમજ તુલશીશ્યામ રેંજના આરએફઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અહી દોઢેક કલાક સુધી બિમાર સિંહનુ લોકેશન મેળવવા કોશિષ કરી હતી. પરંતુ બાદમાં સ્ટાફ અહીથી જતો રહ્યો હતો. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ સિંહ પુખ્તવયનો હોવાથી તેને તકલીફો છે. સ્ટાફને આ સિંહનુ લોકેશન મેળવી તેમજ વિડીયો અને ફોટોગ્રાફી કરવા સહિ‌તની સુચનાઓ આપી દેવામા આવી છે.

ગીરપૂર્વમાં ૨૦૦ કૃત્રિમ પાણીના પોઇન્ટ વન્યપ્રાણીઓની તરસ છીપાવે છે.

ગીરપૂર્વમાં ૨૦૦ કૃત્રિમ પાણીના પોઇન્ટ વન્યપ્રાણીઓની તરસ છીપાવે છે
Bhaskar News, Amreli | Apr 30, 2014, 01:49AM IST
- વનવિભાગ દ્વારા પવનચકકી, હેન્ડપંપ અને ટેન્કર દ્વારા નિયમિત પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે

ઉનાળો તેનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા છે. ત્યારે ધોમધખતા તાપથી વન્યપ્રાણીઓ પણ હેરાન પરેશાન બની ગયા છે. ઉનાળામા વન્યપ્રાણીઓને પીવાનુ પાણી મળી રહે તે માટે વનવિભાગ દ્વારા અગાઉથી જ ૨૦૦ જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરી દેવામા આવ્યા છે. આ પોઇન્ટમા પવનચકકી, હેન્ડપંપ અને ટેન્કર દ્વારા નિયમિત પાણી ભરવામા આવી રહ્યું છે. જંગલમા સિંહ, દિપડા સહિ‌તના વન્યજીવો આ કૃત્રિમ પાણીના પોઇન્ટ મારફત પોતાની તરસ છીપાવી રહ્યાં છે. ગીરપુર્વનો વિસ્તાર પણ ઘણો જ મોટો છે.

અહી સિંહ, દિપડા સહિ‌ત અનેક વન્યપ્રાણીઓ, પક્ષીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં લીલીયાના બૃહદગીર વિસ્તારમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે આ ઉપરાંત દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ સહિ‌તના વિસ્તારોમાં પણ હવે તો અનેક વન્યપ્રાણીઓ આંટાફેરા મારતા નજરે પડે છે. વનવિભાગ દ્વારા ઉનાળામા વન્યપ્રાણીઓને પીવાનુ પાણી મળી રહે તે માટે અગાઉથી જ વ્યવસ્થા કરી દેવામા આવી છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે વન્યપ્રાણીઓને પીવાના પાણીની શોધમા આમથી તેમ ભટકવુ ન પડે તે માટે ગીરપુર્વમા જુદાજુદા વિસ્તારોમાં ૨૦૦ જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરી દેવામા આવ્યા છે. જેમાં પવનચકકી તેમજ હેન્ડપંપ મારફત નિયમિત પાણી ભરવામા આવી રહ્યું છે. આ ઉપરાંત ટેન્કર મારફત પણ પાણીના પોઈન્ટ ભરવામા આવી રહ્યાં છે. સાવરકુંડલાના નાની વડાલ, હિ‌પાવડલી, આંબરડી, છતડીયા, જસાધાર તેમજ તુલશીશ્યામના પીપળવા રાઉન્ડ સહિ‌તના વિસ્તારોમાં આવા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવ્યા છે.

ઝેરી પાણી પીતા 52 બકરાંના મોત, જોવા ગામના લોકો દોડ્યા.

Bhaskar News, Babra | Apr 29, 2014, 00:35AM IST
ઝેરી પાણી પીતા 52 બકરાંના મોત, જોવા ગામના લોકો દોડ્યા
ઝેરી પાણી પી જતા પ૨ બકરાનાં મોત
- વાડીમાં પાણીની કુંડીમાં ઝેરી ખાતરનાં મોટા ગાંગડા ઓગાળેલ હતા
-
ધરાઇની સીમમાં બનેલી ઘટનાથી ગ્રામજનો દોડી ગયા

બાબરા તાલુકાના ધરાઇ ગામે આવેલ એક વાડીમા કુંડીમા ઝેરી પાણી ભરેલુ હોય ગામમા જ રહેતા ત્રણ માલધારીના પ૨ બકરા આ પાણી પી જતા મોતને ભેટયા હતા. ઘટનાની જાણ થતા અહી લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત પોલીસ પણ અહી દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકસાથે પ૨ બકરાના મોતની આ ઘટના બાબરા તાલુકાના ધરાઇ ગામે બની હતી.

અહી મંદિરવાળા માર્ગની સીમમાં જસમતભાઇની વાડી આવેલી છે. તેઓ દ્વારા વાડીમા કુંડીમા ઝેરી ખાતરના મોટા ગાંગડા ઓગાળવા માટે નાખવામા આવ્યા હતા. આ દરમિયાન તેની વાડીમા ગામમા જ રહેતા માલધારી નાગજીભાઇ કડવાભાઇ, ગાંગાભાઇ વજાભાઇ અને ખોડાભાઇ વિહાભાઇના બકરા ચરતા ચરતા અહી કુંડીમા પાણી પીધુ હતુ. બકરાઓએ પાણી પીતા જ એક પછી એક ટપોટપ મોતને ભેટયા હતા. ઘટનાની જાણ થતા અહી મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા.

ઝેરી પાણી પીતા 52 બકરાંના મોત, જોવા ગામના લોકો દોડ્યા
આ ઉપરાંત માલધારી સમાજના આગેવાનો પણ અહી દોડી આવ્યા હતા. આ અંગે બાબરા પોલીસને જાણ કરવામા આવતા એમ.એમ.ગોસાઇ, જમાદાર ભગવતસિંહ સહિ‌ત અહી દોડી આવ્યા હતા. ઝેરી પાણી પીવાથી નાગજીભાઇના ત્રીસ બકરા, ગાંગાભાઇના બાર બકરા અને ખોડાભાઇના દસ બકરા મળી કુલ પ૨ બકરા મોતને ભેટયા હતા. તો આ ઝેરી પાણી પીવાથી એક શ્વાનનુ પણ મોત નિપજયુ હતુ.

બકરાના મોત નિપજતા પ્રથમ સમાધાન કરવા વાતચીત થઇ હતી બાદમા વાડી માલિકને મોટી રકમ લાગતા આખરે મામલો પોલીસમા ગયો હતો અને નાગજીભાઇએ બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પશુ ડોકટરને જાણ કરી હતી. બાદમા પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ જાણવા મળશે.

આકરી ગરમીથી બચવા સિંહ-સિંહણ પણ પાણીના સહારે.

આકરી ગરમીથી બચવા સિંહ-સિંહણ પણ પાણીના સહારે
Bhaskar News, Leeliya | Apr 28, 2014, 02:02AM IST
ઉનાળો તેનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો પણ અકળાઇ ઉઠયાં છે ત્યારે લીલીયાના બૃહદગીરમાં વસવાટ કરતા સાવજો પણ ગરમીથી ત્રસ્ત બન્યા છે. સાવજો પણ ગરમીમાંથી રાહત મેળવવા પાણીની શોધમા આમથી તેમ ભટકી રહ્યાં છે ત્યારે એક સિંહ સિંહણ શેત્રુજી નદીના પટમા પાણીમા છબછબીયા કરી ગરમીમાંથી ઠંડક મેળવી રાહત અનુભવી રહ્યાં છે. લીલીયા બૃહદગીરમાં ક્રાંકચ સહિ‌તના વિસ્તારોમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે.

હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે આ સાવજો ઠંડક મેળવવા પાણીની શોધમાં આમથી તેમ આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. અહી અનેક સાવજો વસવાટ કરતા હોય વનવિભાગ દ્વારા સાવજોને પીવાના પાણી માટે અહી પાણીનો પોઇન્ટ પણ ઉભા કરવામા આવ્યા છે. તાપથી બચવા સાવજો અહીના બાવળની કાટના જંગલમા મોટા વૃક્ષોના છાંયડા નીચે બેસી રહે છે. બપોરના સુમારે તો આકરો તાપ પડતો હોય સાવજો પણ આકાશમાથી વરસતી અગનવર્ષાથી અકળાઇ ઉઠયા છે. અને જયાં પાણી હોય તેવા વિસ્તારોમાં પહોંચી જાય છે.

એક સમયે મોટી સંખ્યામાં આંબા હતાં.

એક સમયે મોટી સંખ્યામાં આંબા હતાં
Bhaskar News, Amreli | Apr 28, 2014, 00:09AM IST
- નદીઓના કાંઠે આપમેળે ઉગેલા મોટાભાગના આંબા નામશેષ થઇ ગયા
- નિકંદન : ગીરના આંબાઓની રક્ષામાં વન તંત્ર મોડું પડયું છે
 
અમરેલી જિલ્લાના ખેડૂતો કેસર કેરીની પધ્ધતીસરની ખેતી કરે છે. પરંતુ એક સમય એવો હતો કે કેરીની પધ્ધતીસરની ખેતી થતી ન હતી. વાડી-ખેતરના શેઢે ઉગેલા દેશી આંબાઓની સંખ્યા ઘણી વધારે રહેતી હતી. એટલુ જ નહી ગીર જંગલમાં પણ ખુબ મોટી સંખ્યામાં આપમેળે ઉગી નિકળેલા આંબાઓ હતાં. આ આંબારણો ખાસ કરીને ગીરની નદીઓના કાંઠે જોવા મળતી હતી. ગીરના વન્ય જીવો માટે આ આંબાઓ ખુબ જ ઉપયોગી હતા. જો કે હવે ભાગ્યે જ ગીરમાં આંબાઓ બચ્યા છે. 
 
ગીર જંગલમાં અપાર વનસ્પતીઓ જોવા મળે છે. અમુક પ્રકારના વૃક્ષો ખુબ જ મોટી સંખ્યામાં છે. તો અમુક પ્રકારના વૃક્ષો ઓછી સંખ્યામાં છે. અહિંના જીવોના ભરણપોષણમાં ઉપયોગી થાય તેવા ફળ આપતા વૃક્ષોની સંખ્યા પણ ખાસ્સી છે. ટીમરૂ, કરમદા, રાયણ જેવા વૃક્ષોના ફળો પક્ષીઓ સહિ‌તના અન્ય જીવોનું ભરણપોષણ કરી રહ્યા છે. એક સમયે ગીર જંગલમાં મોટી સંખ્યામાં આંબા પણ હતાં. એ અહિંની જીવ સૃષ્ટિનું ભરણપોષણ કરતા હતાં.
 
આ આંબાઓ ગીરની નદીઓના કાંઠે આપમેળે ઉગી નિકળેલા હતાં. પરંતુ કાળક્રમે આ આંબાઓ દુર થઇ ગયા. તેમના જતન માટે કોઇ પગલા લેવાયા ન હતાં. પાછલા દોઢ બે દાયકાથી વનતંત્ર વિશેષ સાવચેત બન્યુ છે અને જંગલની રક્ષા પ્રમાણમાં વધુ સારી રીતે થઇ રહી છે. પરંતુ ગીરના આ આંબાઓની રક્ષામાં વનતંત્ર મોડુ પડયુ છે. હાલમાં ગડીગાંઠી જગ્યાઓને બાદ કરતા ગીરમાં ભાગ્યે જ ક્યાય આંબાઓ બચ્યા છે.
 
ક્યાં હતી આંબાઓની વિશેષ સંખ્યા ?
 
પોપટડી નદીના કાંઠે ચાંચઇ વિસ્તારમાં અગાઉ કુદરતી રીતે જ મોટી સંખ્યામાં આંબા હતાં. સતાધાર નજીક આંબાઝર નદીના કાંઠે ઘણા આંબા હતાં. આવી જ રીતે પહાડી નદીના કાંઠે બાણેજ નજીક પણ પુષ્કળ આંબા હતાં. જેમાંથી હવે ભાગ્યે જ કોઇક આંબા બચ્યા છે. આ ઉપરાંત સરસ્વતીના સેલામાં, વિરણના કાંઠે તથા શીંગોડા નદીના કાંઠે પણ ઘણા આંબાઓ હતાં જે હાલમાં કપાઇ ગયા છે.

Friday, April 25, 2014

ગીરમાં ૫ણ પાંજરામાં મારણ મુકાય છે ૫ણ ગીરના લોકોએ આવું કયારેય કર્યુ નથી. ખમ્માં ગીરને..!


સિંહ માટે કરમદીનાં ઢુવા એસી રૂમ.

સિંહ માટે કરમદીનાં ઢુવા એસી રૂમ
Bhaskar News, Jungadh | Apr 25, 2014, 01:13AM IST
- ગરમીથી બચવા વન્ય પ્રાણીઓ કુદરતી આશ્રયસ્થાનો શોધે છે

ગરમીનો પારો ૪૧ ડીગ્રીને આંબી ગયો છે. કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવીત બન્યું છે. ગરમીથી બચવા લોકો તો એસીનો સહારો લઇ રહ્યા છે. પરંતુ જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ ગરમીથી અકળાઇ ઉઠયા છે. ગરમીથી બચવા જંગલનો રાજા કરમદીનાં ઢૂવાનો સહારો લઇ રહ્યો છે. કરમદીનાં ઢૂવા તેમના માટે એસી રૂમથી કમ નથી. અહીં તેઓ ઠંડકનો અનુભવ કરે છે.

આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. લોકો અકળાઇ ઉઠયા છે. ચામડી દઝાડતી ગરમીથી બચવા લોકો એસી-કુલરનો સહારો લઇ રહ્યા છે. ગરમીમાં લોકોએ ગરમીથી પરેશાન થઇ ગયા છે. ત્યારે વન્ય પ્રાણીઓ ગરમીથી બચવા રહેઠાણ શોધી રહ્યા છે. ઉનાળાની સીઝનમાં જંગલ સુકાઇ ગયા છે. લીલો છાંયડો જોવા મળતો નથી. આવા સંજોગોમાં વન્ય પ્રાણીઓ ગરમીથી બચવાનો ઉપાય શોધી રહ્યા છે. વન્ય પ્રાણીઓમાં ખાસ કરી સિંહને ગરમી વધુ લાગે છે. ગરમીથી બચવા સિંહ ઠંડકવાળી જગ્યાની શોધમાં રહે છે. આવા સંજોગોમાં સિંહ બારે માસ લીલા રહેતા વૃક્ષો અને કરમદીનાં ઢુવાનો સહારો લે છે. ગરમીની સીઝનમાં કરમદીનાં ઢુવા એસીની ગરજ સારે છે. દિવસભર સિંહ કરમદીનાં ઢૂવામાં બેસી રહે છે.

પાણીનાં ૧૦૦ કૃત્રિમ પોઇન્ટ ઉભા કરાયા
જૂનાગઢ ગિરનાર જંગલમાં ઉનાળાની સીઝનને ધ્યાને રાખી વન્ય પ્રાણીઓ માટે પાણીનાં પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ગિરનાર જંગલમાં ૧૦૦ જેટલા કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જે પવન ચક્કી અને ટેન્કરનાં માધ્યમથી ભરવામાં આવી રહ્યા છે.

સિંહનાં ખોરકમાં ૨૦ ટકાનો ઘટાડો : આરએફઓ
દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂએ જણાવ્યું હતું કે, ગરમીનાં કારણે સિંહની દિનચર્યા બદલી જાય છે. ગરમીનાં કારણે દિવસભર આરામ કરે છે. અને રાત્રીનાં શિકાર કરવા માટે નિકળે છે. તેમજ તેમનાં ખોરાકમાં પણ ઘટાડો થયો છે. શિયાળાની સીઝન કરતાં ૨૦ ટકા જેટલો ખોરાક ઘટી ગયો છે. જંગલમાં મારણ પણ ઓછા થઇ ગયા છે.

જૂનાગઢ: ૧૮ વર્ષના અપંગ સિંહનું સક્કરબાગમાં મોત.

જૂનાગઢ: ૧૮ વર્ષના અપંગ સિંહનું સક્કરબાગમાં મોત
Bhaskar News, Junagadh | Apr 24, 2014, 02:21AM IST
- છેલ્લા એક માસથી બીમાર હતો : ૧૦ વર્ષ પહેલાં ડેડકડી રેન્જમાંથી લાવવામાં આવ્યો હતો

જૂનાગઢનાં સક્કર બાગ ઝૂમાં ગઇકાલે એક વૃદ્ધ સિંહનું એક માસની બિમારી બાદ મૃત્યુ થયું હતું. આ સિંહને દસ વર્ષ પહેલાં ડેડકડી રેન્જમાંથી લાવવામાં આવ્યો હતો. તેને બચાવ્યા બાદ છેલ્લા દસ વર્ષથી તે કાયમી અપંગ બની ગયો હતો. આ સિંહે બે સિંહણો થકી સાત બચ્ચાંને જન્મ આપ્યો છે.

સક્કર બાગ ઝૂનાં ડાયરેક્ટર ડીએફઓ વી. જે. રાણાએ જણાવ્યું હતું કે, સક્કર બાગ ઝૂમાં રાખવામાં આવેલા સુરજીત નામના સિંહનું ગઇકાલે મૃત્યુ થયું હતું. આ સિંહ ૧૮ વર્ષની વયનો હતો. અને તેના મોતનું મુખ્ય કારણ વૃદ્ધત્વ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સિંહને ૧૦ વર્ષ પહેલાં તા. ૧૮ મે ૨૦૦૪ નાં રોજ ગિર પ‌શ્ચિ‌મની ડેડકડી રેન્જમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એ વખતે તેની વય ૮ વર્ષની હતી. રેસ્ક્યુનાં દિવસથી જ તે કાયમી અપંગ બની ગયો હતો. છેલ્લા એક માસથી તેને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં બે સિંહણો થકી ૭ બચ્ચાંને જન્મ આપ્યો હતો. સિંહનાં મૃતદેહનો ઝૂ ખાતેજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-death-in-sakkar-baug-4591163-NOR.html

સુત્રાપાડા તાલુકાનાં બરૂલા અને વિરોદરમાંથી બે દીપડા પાંજરે.

સુત્રાપાડા તાલુકાનાં બરૂલા અને વિરોદરમાંથી બે દીપડા પાંજરે
Bhaskar News, Sutrapada | Apr 23, 2014, 02:27AM IST
સુત્રાપાડાનાં બરૂલા અને વિરોદર ગામેથી આજે બે દીપડા પાંજરે પુરાતા વનતંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સુત્રાપાડાનાં બરૂલા અને વિરોદરમાં દીપડાની રંજાડની ફરિયાદ મળતાં વનતંત્રએ બરૂલાની સીમમાં સરપંચ વીરાભાઇ વિક્રમભાઇની વાડીએ અને વિરોદર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં હીરાભાઇ સીદીભાઇ વાજાની વાડીમાં પાંજરા ગોઠવી દેતાં ચાર વર્ષ અને સાત વર્ષની ઉંમરનાં બે દીપડા આજે પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગનાં નંદાણીયા, શીલુ, સલીમ ભટ્ટી, હીરાભાઇ ડોડીયા સહિ‌તનાં સ્ટાફે બંને દીપડાને સાસણ એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યા હતાં.

જાણો, ગુજરાતના આ સ્થળની રોચક વાતો: જેટલું વિચારો તેટલું ઓછું.

Posted On April 22, 06:50 PM
જાણો, ગુજરાતના આ સ્થળની રોચક વાતો: જેટલું વિચારો તેટલું ઓછું
એક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા. 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો, અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. આ માટેનો સંપૂર્ણ ફાળો જૂનાગઢના નવાબ શ્રી ને જાય. શ્રી હરપ્રસાદ દેસાઈ, નવાબ શ્રીના ગીર વહીવટદારના લખ્યા પ્રમાણે ગીર (ગિરનાર સહિત)ને 32 બ્લોકમાં વહેંચવામાં આવેલ અને તેમાંનો દેવાળિયો બ્લોક સેક્ચ્યુરી કરીકે, અને 32મો બ્લોક ગિરનારનો હતો.

જ્યારે શ્રી ભૂપતરાય વૈષ્ણવ કાઠિયાવાડ એજન્સી વકીલે સંવત 1957માં લખ્યા મુજબ મહાલ ગીરનું ક્ષેત્રફળ 800 ચોરસ માઈલનું હતું. જેની ઉત્તરે બગડુ અને વિસાવદર મહાલ અને ગાયકવાડી મુલકનો ભાગ આવેલ. પૂર્વઊના મહાલનો ભાગ આવેલ. દક્ષિણે ઊના મહાલનો ભાગ, કોડીનાર પ્રગણું અને સુત્રાપાડા અને પાટણ મહાલો, પશ્ચિમે માળિયા તથા તાલુકો મેંદરડા આવેલા હતા.

ગીર મહાલનું મુખ્ય સ્થળ સાસણ હતું, જ્યાં વહીવટદારની તથા મુનસિફ અને પોલીસ ફોજદારની કચેરીઓ રહેતી, સાસણ નામ સંસ્કૃત ‘શાસન’ એટલે શિક્ષા ઉપરથી પડેલ હશે એમ તે વખતનું એક અનુમાન હતું. કેમકે આગળના વખતમાં રાજ્યના ગુનાહિતોને આ સ્થળે શિક્ષા ભોગવવા મોકલતા, એમ કહેવાય છે. ગીર મહાલમાં તે વખતે પણ નેસડા વસેલા હતા. અને માલધારીઓ થોડી મુદત માટે પોતાના ઢોરોની ચરાઈ આવીને વસતા.

પરંતુ સ્વતંત્રતા પછી ગીરનો કારભાર સરકાર હસ્તક આવ્યો, અને ગીરમાં પહેલાના કરતાં વધુ માલધારી ઘૂસી ગયા તેમજ દર વર્ષે 50,000થી લાખેક જેટલા ગીર બહારના ઢોર વરસાદ પછી અંદર આવી જતા જો કે 1968 થી બહારના ઢોરોને અંદર પ્રવેશ માટે બંધી કરવામાં આવેલ, પરંતુ 1974 સુધી તેનો અમલ નહોતો થયો.

હવે સ્વતંત્રતા પછીનો 1974 સધીનો આ સમય ગીર માટે કપરો રહેલ (કપરો તો શું પરંતુ ભયાનક રહ્યો હશે) આ અરસામાં વરસાદ પછી ગીરમાં આવનાર ઢોર બે મહિનામાં જ બધી લીલોતરી, ચારો સફાચટ કરી જતા અને બાકી રહેનાર આખા વર્ષ દરમ્યાન ગીર જંગલના તૃણભક્ષી વન્યપ્રાણીઓ માટે ચારો રહેતો જ નહીં. વધુ વરસો જતા, ધીરેધીરે ગીરમાંથી સારો (પેલેટેબલ) ચારો-ઘાસ નાના છોડ નષ્ટ થઈ તેની જગ્યાએ (અનપેલેટેબલ) ખરાબ, આરોગી ન શકાય તેવો ચારો વધવા લાગ્યો. આમાં મુખ્ય હતા કુવાડીયું, ગોખરૂ, કુબડો, લેન્ટોના અને ઘાસમાં ઈરેગ્રોસ્ટીસ, એરીસ્ટીડા, મેલેનો સેંક્રસ, હેટરો પોગોન વિગેર. શ્રી ટી.બી.એસ. હોડ ના અભ્યાસમાં જણાવ્યા મુજબ 1265 ચો.કી.ના ગીર વિસ્તારમાં લગભગ 1100 ચો.કી. વિસ્તાર (1970 સુધીમાં) બહુ જ ખરાબ રીતે રીબાયેલ અને વધુ ચરિયાણ થયેલ જણાયેલ.
ગલની વનસ્પતિની તંદુરસ્તી, સારી જાતોની અસર વન્ય પ્રણીઓનાં સંવર્ધન તેમના પ્રજનન અને પોપ્યુલેશન ડાયનેમિક્સ પર સીધી રીતે થતી હોય છે. આમ ઢોરોના ચરીયાણ ને લીધી ગીરમાં ખરાબ વનસ્પતિનો વધારો થવાથી તૃણભક્ષી વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટોડો થતો રહ્યો. જેને લીધે તેના ઉપર આધાર રાખનાર માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહની સંખ્યામાં પણ જરીકે વધારે નોંધાયો નહોતો. આમ 1974માં થયેલ ગીરની વન્ય પ્રાણી ગણત્રીમાં ચિત્તલની સંખ્યા 4517 ઉપર સ્થિર રહેલ, જ્યારે સાબર 651 અને સિંહ 177 જેટલા ગણાયેલ. આ અરસામાં 1967થી 1970 સુધીમાં વિદેશના વિખ્યાત વન્યપ્રાણી વિશેષજ્ઞો એ ભારત સરકારને ગીરને બચાવવા અપિલ કરેલ એમાં મુખ્ય હતા ગાય મોન્ટફોર્ડ, ઈન્ટરનેશનલ ટ્રસ્ટી, વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફન્ડ, જ્યોર્જ સેલર, ટાલ્બોટ વિગેરે
આ પછી મોન્ટોફોર્ડના સૂચન ઉપર એક પ્રોજેક્ટ. ગીર ઈકોલોજીકલ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ દરમ્યાન થયેલ ત્રણ વર્ષના અભ્યાસમાં જે તારણો કાઢવામાં આવ્યા, અને સૂચનો રેકોમેન્ડેશન થયા તે વનખાતા દ્વારા અમલમાં મુકાયા. તેમા મુખ્ય તો અભ્યારણ્યને ફરતે પથ્થરની દીવાલ, માલધારીના સ્થળાતંરનો કાર્યક્રમ, બહાના ઢોરોને બંદી વિગેરે. આની અસર 4-5 વરસમાંજ ચોક્ખી રીતે જોવા મળી. અને 1979, 1984ની પ્રાણી ગણત્રીમાં ચિત્તલ, સાબર અને સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી.
વચ્ચેના ગાળામાં અર્ધા જેટલા માલધારી અને તેમના ઢોર બીજે વસાવવામાં આવ્યા. બહારના ઢોર આવતા બંધ થયા. એટલે કે જે કાંઈ થોડા બહુ ચોરી છુપી થી ઘૂસી જતા હશે તેજ. આની અસર એ થઈ કે સારી જાતની વનસ્પતિ પાછી આવવા લાગી અને અભયારણ્યની તંદુરસ્તી ઘણી સુધરી. હાલની પરિસ્થિતિમાં ચિત્તલની સંખ્યા 4500થી વધીને લગભગ 45000 જેટલી થઈ છે. સિંહની સંખ્યા 177થી વધીને 300 ઉપર ગઈ છે. આ કાંઈ નાનીસુની સિધ્ધિ નથી. ભાગ્યેજ અન્ય કોઈ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી ગજબની પરિસ્થિતિ સુધરી હોય. ગીર સમયસરના પગલાંને લીધે બચી જવા પામેલ છે. પરંતુ ગીર માટે હજુ ઘણી મઝલ કાપવાની છે. અને આ તબક્કે આપણે ચેતના નહીં રહીએ તો પાછી ‘ભયજનક’ સ્થિતિમાં પહોંચી જઈશું.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-special-story-of-gujrat-gupshup-gir-4588802-PHO.html?seq=5

ક્રાંકચમાં બની અદભુત ઘટના, રેડિયો કોલર સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ.

ક્રાંકચમાં બની અદભુત ઘટના, રેડિયો કોલર સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ
Bhaskar News, Lilia | Apr 25, 2014, 10:40AM IST
- રેડીયો કોલર સિંહણની પાંચમી પ્રસુતી
- ત્રણ બચ્ચાને જન્મ આપ્યો : સિંહણ છેલ્લા એક દાયકાથી અહીં વસવાટ કરે છે

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં અને ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા સાવજોની વસતી કુદકેને ભુસકે વધી રહી છે. અહી રેડીયો કોલરવાળી સિંહણે પોતાની પાંચમી પ્રસુતિમા એકસાથે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જેને પગલે સિંહપ્રેમીઓ રાજી થયા છે.

લીલીયા પંથકના બાવળોના જંગલમા આ સિંહણ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી વસવાટ કરી રહી છે. આ વિસ્તારના આવનાર તે સૌપ્રથમ સિંહણ હતી. ખુંખાર અને માથાભારે ગણાતી આ સિંહણના ગળામા વનતંત્ર દ્વારા રેડીયો કોલર લગાવવામા આવ્યો છે. સિંહ પરિવારમા ભાગ્યે જ બનતુ નજરે પડયુ છે તેવી ઘટનામા માત્ર તેર માસના ટુંકા ગાળામા આ સિંહણને બીજી પ્રસુતિ આવી છે.

સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર સાજણટીંબા અને લુવારીયા વચ્ચે ગાગડીયા નદીવાળા વિસ્તારમા આ સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. તેના આ બચ્ચા એકાદ માસના થતા હાલમા તે આ ત્રણ બચ્ચા અને તેર માસ અગાઉ તેણે જન્મ આપેલા બચ્ચા સાથે ફરતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે કોઇ સિંહણે બેથી અઢી વર્ષના ગાળામા બીજી પ્રસુતિ આપતી હોય છે પરંતુ આ સિંહણે ટુંકાગાળામા ફરી ત્રણ બચ્ચાને જન્મ આપતા સિંહપ્રેમીઓને પણ નવાઇ લાગી છે.
એક જ સિંહણે કુલ બાર બચ્ચાને જન્મ આપ્યો

રેડીયો કોલરવાળી સિંહણને અગાઉ ચાર પ્રસુતિ થઇ હતી. જેમા તેણે ચાર નર અને પાંચ માદા મળી નવ બચ્ચાને જન્મ આપ્યો હતો. જયારે આ વખતે ત્રણ બચ્ચાને જન્મ આપતા તેણે અત્યાર સુધીમા કુલ બાર બચ્ચાને જન્મ આપ્યો છે.

ક્રાંકચની સીમમાં સતત બીજા દિવસે પણ દવ સળગતો રહ્યો.

ક્રાંકચની સીમમાં સતત બીજા દિવસે પણ દવ સળગતો રહ્યો
Bhaskar News, Lilia | Apr 25, 2014, 00:36AM IST
-દવ પર કાબુનો વનતંત્રનો રાતનો દાવો ખોખલો સાબિત થયો

લીલીયાના ક્રાંકચની સીમમા ગઇકાલે સાતસો વિઘા વિસ્તારમા દવ લાગ્યા બાદ આજે આ દવ વિસ્તરીને ખાલપરના આરા વિસ્તારમા લાગ્યો હતો. વનતંત્ર દવ પર સંપુર્ણ કાબુ મેળવી શકતુ ન હોય અગાઉ પણ બે દિવસ સુધી દવ લંબાયો હતો.

ગઇકાલે લીલીયા પંથકમા ક્રાંકચ, જુનાસાવરની સીમમા અચાનક દવ ભભુકી ઉઠયો હતો. વનતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને દવ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. રાત્રે વનતંત્રએ દાવો કર્યો હતો કે દવ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ આ દાવો ખોખલો સાબિત થયો હતો.

આજે સવારથી જ ક્રાંકચ નજીક ખાલપરના આરા વિસ્તારમા ભિષણ દવ નજરે પડયો હતો. અહી બાવળની કાટ અને ઘાસ બળીને રાખ થઇ ગયુ હતુ. અને વન્યસૃષ્ટિને ખાસ્સુ નુકશાન થયુ હતુ. જો કે આજે તો વનતંત્ર આ દવને કાબુમા લેવા નિષ્ફળ રહ્યુ હતુ. પાછલા દિવસોમા અહી દવની જુદીજુદી પાંચ ઘટના બની હતી જેમા આઠ હજાર વિઘાથી વધુ વિસ્તારમા વન્યસૃષ્ટિ નાશ પામી હતી.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-forest-4592162-NOR.html

સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક.

Bhaskar News, Amreli | Apr 24, 2014, 02:48AM IST
સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક
૭૦૦ વિઘા જંગલનું ઘાસ આગમાં ખાક
- સાવજોનાં રહેઠાણ વિસ્તારમાં જાણી જોઇને દવ લગાડાય છે ?
-
ભસ્મિભૂત : ક્રાંકચની સીમમાં ફરી વિકરાળ દવ, વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડયો

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સાવજોનો વસવાટ છે. ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદીના કાંઠે બાવળની કાંટમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે ત્યારે આજે સાવજોના ઘરમાં ફરી એકવાર વિકરાળ દવની ઘટના બની હતી. ક્રાંકચ, શેઢાવદર અને જુના સાવર એમ ત્રણ ગામના સીમાડે બાવળના જંગલમાં દવ લાગતા ૭૦૦ વિઘા જેટલી જમીનમાં બાવળ, ઘાસ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન થયુ હતું. વનતંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડયો હતો પણ મોડે સુધી દવ કાબુમાં આવ્યો ન હતો.

સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર સાવજો પર કોઇને કોઇ આફત આવતી જ રહે છે. પછી તે સાવજોના ટ્રેઇન હડફેટે મોત, વાહન હડફેટે મોત, વિજ કરંટ લાગવાથી, ફાંસલામાં ફસાવાથી, શીકારના કારણે કે કુવામાં પડતા મોત જેવી ઘટનાઓની સાથે સાથે તેમના રહેણાક વિસ્તારમાં વારંવાર દવની ઘટનાઓ પણ બની રહી છે. જેના કારણે આ ખુંખાર પ્રાણીઓ ડીસ્ટર્બ થઇ રહ્યા છે. ઓણ સાલ ગીર જંગલમાં ભાગ્યે જ દવની ઘટના બની છે. પરંતુ જ્યાં સાવજોનું એક મોટુ ઝુંડ વસવાટ કરે છે તે ક્રાંકચ તથા અસપાસની સીમમાં વારંવાર દવની ઘટના બની રહી છે.

આજે ફરી એકવાર અહિં વિકરાળ દવ લાગ્યો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ક્રાંકચ, શેઢાવદર અને જુના સાવર એમ ત્રણ ગામના સીમાડે આવેલ ખાંટની ઓઢ નજીકના વિસ્તારમાં બાવળના જંગલમાં દવની આ ઘટના બની હતી. એવું જાણવા મળેલ છે કે દવની શરૂઆત બપોરના સમયે થઇ હતી અને જોતજોતામાં ચારેય દિશામાં પ્રસરવા લાગ્યો હતો. આ વિસ્તાર સાવજોનું ઘર છે. ત્યારે વન્ય પ્રેમીઓ દવની આ ઘટનાથી ચિંતીત બન્યા હતાં.

સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક
એવું કહેવાય છે કે અહિં રાત સુધીમાં આશરે ૭૦૦ વિઘાથી પણ વધારે વિસ્તારમાં દવના કારણે વન્ય જીવસૃષ્ટિનો નાશ થયો હતો. દવની ઘટનાની જાણ થતા સ્થાનીક આરએફઓ બી.પી. અગ્રવાલ ફોરેસ્ટર બી.એમ. રાઠોડ, બીટગાર્ડ બિપીનભાઇ ત્રિવેદી વિગેરે સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને મજુરો તથા સ્થાનીક લોકોની મદદ લઇ દવ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. મોડેથી મોટાભાગનો દવ શમી ગયો હતો. આમ છતાં દવ પર સંપૂર્ણ કાબુ મેળવાયો ન હોય વનતંત્ર તે માટે કામે લાગેલુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અહિં દવ લાગ્યો હતો તે સમયે એક વખત દવ પર કાબુ મેળવાયા બાદ ફરી તે જીવંત થયો હતો અને વનતંત્રની દોડધામ વધી હતી. સાવજોના રહેણાંક વિસ્તારમાં વારંવાર દવ કેમ લાગી રહ્યો છે તે અંગે ઉંડી તપાસની જરૂરીયાત છે.
સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક
એક માસમાં દવની પાંચમી ઘટના
લીલીયા તાલુકામાં જે વિસ્તારમાં વારંવાર દવની ઘટના બની રહી છે ત્યાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા જાણી જોઇને દવ લગાડવામાં આવતુ હોવાનું કહેવાય છે. પાછલા એક માસ દરમીયાન આ વિસ્તારમાં જ દવની પાંચમી ઘટના બની છે. આ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનો ઉપરાંત માલીકીની વીડીઓ પણ આવેલી છે. અહિંના જંગલમાં બાવળ ઉપરાંત ઉંચુ ઘાસ ઉગી નિકળે છે. જે આ દવમાં નાશ પામે છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-forest-in-amreli-lion-home-burn-4591063-PHO.html?seq=3

કેરીની મીઠાશ કડવી બનશે, કમોસમી વરસાદથી ઉત્પાદન ઘટશે.

Bhaskar News, Amreli | Apr 23, 2014, 01:05AM IST
કમોસમી વરસાદથી કેસર કેરીનો સોથ વળ્યો
- પ્રતિકૂળ વાતાવરણને પગલે ગત વર્ષ કરતા ઉત્પાદન મોડું અને ઓછું
-
માવઠાથી અસર : ધારી-સાવરકુંડલા પંથકમાં કેરીનો પાક પ૦ ટકા જ રહેશે

અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. અમરેલી, ધારી, જાફરાબાદ, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં અનેક ગામોમાં ખેડૂતો કેસર કેરીની ખેતી કરે છે. પરંતુ ગત વર્ષની તુલનામાં ઓણ સાલ પાકની સ્થિતિ ઘણી ખરાબ છે. પાક મોડો તો છે સાથે સાથે ગત વર્ષની તુલનામાં માંડ પ૦ થી ૬૦ ટકા જેટલો ઉતરશે તેવું જાણકાર વર્ગનું કહેવુ છે. પાછલા દિવસોમાં થયેલા માવઠાના કારણે પણ કેરીના પાકને નુકશાન થયુ હતું.

સૌરાષ્ટ્ર પ્રદેશ કેસર કેરીનું ઘર છે. જુનાગઢ જીલ્લા પછી કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન અમરેલી જીલ્લામાં થાય છે. ખાસ કરીને ધારી, સાવરકુંડલા, ખાંભા તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. ભુતકાળમાં કેસર કેરીએ અનેક વખત ખેડૂતોને રડાવ્યા છે. તો અનેક વખત સારી કમાણી પણ કરાવી આપી છે. એવા પણ કેટલાય કિસ્સા સામે આવ્યા છે કે જોઇએ તેવુ વળતર મળતુ ન હોય. ખેડૂતો કેસર કેરીના આંબા કાપી નાખે છે.
કેરીની મીઠાશ કડવી બનશે, કમોસમી વરસાદથી ઉત્પાદન ઘટશે
આ વખતે પણ કેસર કેરીના ઓછા પાકને લઇને ખેડૂતો ચિંતીત છે. ઓણ સાલ કેસર માટે સાનુકુળ વાતાવરણ રહ્યુ નથી. ચોમાસુ ગયા બાદ અવાર નવાર માવઠા થયા છે. આંબે મોર બેઠા બાદ અને ખાખડીઓ બંધાયા બાદ પણ માવઠા થયા છે. હવામાનમાં સતત આવી રહેલા ઉતાર ચડાવને પગલે કેસરનો પાક જોઇએ તેવો રહ્યો નથી. ગત વર્ષે કેસરનો પાક પ્રમાણમાં ઘણો સારો હતો. તેની સરખામણીમાં ઓણ સાલ માંડ પ૦ થી ૬૦ ટકા પાક રહેવાની ખેડૂતો ધારણા રાખી રહ્યા છે. વળી ઓણ સાલ પાક ઘણો મોડો પણ ચાલી રહ્યો છે. કદાચ ઓછા પાકને કારણે ખેડૂતોને ભાવ ઉંચા મળશે પરંતુ સીઝન લાંબી નહી ચાલે તેવું મનાઇ રહ્યુ છે.જિલ્લામાં ક્યાં કયાં લેવાય છે કેસરનો પાક ?
ધારી તાલુકાના દલખાણીયા, ગોવિંદપુર, સરસીયા, કુબડા, ઝાબગીર, હુડલી, ઝર, નાના સમઢીયાળા, દીતલા સહિ‌ત તાલુકાના મોટા ભાગના તાલુકામાં ઉપરાંત સાવરકુંડલા તાલુકામાં સેંજળ, કરજાળા, મેવાસા, પીયાવા, મોટા ભમોદ્રા, ઝડકલા, રબારીકા, વડાળ, ખડસલી, જીંજુડા, પીઠવડી. ખાંભા તાલુકામાં કોટડા, ઇંગોરાળા, વીરપુર, રબારીકા વિગેરે ગામો તથા જાફરાબાદ તાલુકામાં નાગેશ્રી તથા આસપાસના તાલુકામાં કેસર પાક લેવાઇ છે.

પાકની ગુણવતા સારી રહેશે
અમરેલીમાં ઓર્ગેનૂીક કેરીનો વેપાર કરતા પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે પાક ભલે ઓછો રહે પરંતુ કેરીની ગુણવતા સારી રહેશે. રોહીણી નક્ષત્રમાં સૌથી વધુ કેરી પાકશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે જે કેરીને આ માવઠામાં કરા અડયા હશે તે કેરી ચાંદાવાળી પાકશે.


સેંજળની કેરીનું બજારમાં આગમન
પાકતી કેસર કેરી હજુ બજારમાં આવતા થોડા દિવસો લાગશે. જો કે એકમાત્ર સેંજળની કેસર કેરી વહેલી પાકી હોય તેનું બજારમાં આગમન થયુ છે. હાલમાં તેનો ભાવ બોક્સના રૂા. ૭૦૦ થી ૯૦૦ ચાલી રહ્યો છે.

ખેડૂતોને ભાવ સારો મળશે-ઉકાભાઇ
દિતલાના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ જણાવ્યુ હતું કે આંધ્રપ્રદેશ-કેરળમાં ઉત્પાદન ઓછુ છે. વલસાડમાં પણ કેરી ઓછી પાકી છે. જેને પગલે સૌરાષ્ટ્રમાં કેરી પકાવતા ખેડૂતોને ભાવ સારો મળવાની ધારણા છે. હાલમાં પ૦ થી ૬૦ કીલોના ભાવે વેચાઇ રહી છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-mengo-corp-worst-for-rain-price-will-be-hike-4589987-PHO.html?seq=3

ધારી પંથકના ચાર ગામોમાં માવઠાથી મોટા પ્રમાણમાં ખાખડીઓ ખરી પડી.

ધારી પંથકના ચાર ગામોમાં માવઠાથી મોટા પ્રમાણમાં ખાખડીઓ ખરી પડી

Bhaskar News, Dhari | Apr 22, 2014, 00:22AM IST
- ધારીની બજારમાં ખાખડીના ભાવ તળીયે ગયા

ધારી પંથકમાં ગઇકાલે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ છે. ખાસ કરીને કુબડા, ગોવિંદપુર, દલખાણીયા, સરસીયા એમ ચાર ગામમાં મોટા પ્રમાણમાં ખાખડીઓ ખરી પડી હતી. આ ખાખડીઓ ધારીની બજારમાં વેચાવા આવતા ખાખડીનો ભાવ પણ તળીયે ગયો હતો. ગઇકાલના કમોસમી વરસાદે ધારી પંથકના ચાર ગામોમાં કેરીના પાકને સૌથી વધુ નુકશાન કર્યુ છે. આ સિવાયના ગામોમાં પણ વતા-ઓછા અંશે ખાખડીઓ ખરી પડવાની ઘટનાઓ બની હતી.

કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફુંકાયો હોય અનેક સ્થળે ખાખડીઓની પથારી થઇ ગઇ હતી. કેટલાક ગામોમાં વરસાદ પડયો ન હતો પરંતુ સાંજના સમયે માત્ર પવન ફુંકાવાના કારણે પણ કેરીના પાકને નુકશાન થયુ હતું. ધારી તાલુકાના કુબડા, ગોવિંદપુર, દલખાણીયા અને સરસીયા ઉપરાંત ઝાબગીરમાં પણ આંબાના બગીચાઓ છે જ્યાં ખાખડીઓની પથારી થઇ હતી.

જેને પગલે આજે ધારીની બજારમાં મોટા પ્રમાણમાં ખાખડીઓ વેચાવા માટે આવી હતી. અહિં છુટકમાં રૂા. ૨૦ થી લઇ ૩૦ રૂપીયે કીલોના ભાવે ખાખડી વેચાતી હતી. પરંતુ આજે વધુ માત્રામાં આવકને કારણે માત્ર ૧૦ રૂપીયે કીલોના ભાવે ખાખડી વેચાતી હતી. આવતીકાલે ખાખડીની આવક વધશે અને ભાવ વધુ તળીયે જશે તેવી ધારણા રખાઇ રહી છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-rain-in-amreli-district-latest-news-4588799-NOR.html

ખાંભા પંથકનાં હરિયાળા ડુંગરો બન્યા સૂકાભઠ્ઠ.

ખાંભા પંથકનાં હરિયાળા ડુંગરો બન્યા સૂકાભઠ્ઠ
Bhaskar News, Khambha | Apr 17, 2014, 23:39PM IST
- ઉનાળાના આકરા તાપથી લીલા વૃક્ષો સુકાઇ ગયા

ગીરકાંઠા નજીક આવેલા ખાંભા પંથકમા ચોમાસા બાદ પ્રકૃતિ ખીલી ઉઠે છે. અહીના ડુંગરાઓ લીલાછમ બની જાય છે અને પ્રાકૃતિક સૌદર્યમા વધારો કરે છે. પરંતુ હાલ ઉનાળાની શરૂઆત સાથે જ આકરા તાપ પડવાનુ શરૂ થતા જ ડુંગરાળો સુકાભઠ્ઠ બની ગયા છે. અને પક્ષીઓનો કોલાહલ પણ જોવા મળતો નથી. ખાંભા તાલુકો ડુંગરાઓથી ઘેરાયેલો છે. અહી ચોમાસા અને શિયાળામા તમામ ડુંગરાઓ રળીયામણા બની જાય છે. ડુંગરાઓમા લીલુછમ ઘાસ ઉગી નીકળે છે.

અહી વૃક્ષો પર અનેક પક્ષીઓ કોલાહલ કરવા લાગે છે. અહીથી પસાર થતા મુસાફરો પણ આ રળીયામણા ડુંગરાઓ જોઇને પ્રકૃતિની મોજ માણે છે. હાલ ઉનાળાની શરૂઆત સાથે જ આકરો તાપ પડવાનો શરૂ થઇ ગયો છે. જેના કારણે ધીમેધીમે આ રળીયામણા ડુંગરાઓ સુકાભઠ્ઠ બનવા લાગ્યા છે. હાલ અહી પશુ પક્ષીઓની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. ડુંગરાઓ પરના વૃક્ષો પણ સુકાવા લાગતા પક્ષીઓની કોલાહલ પણ ધીમી પડી ગઇ છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-hot-summer-in-khambha-latest-news-4584656-PHO.html

ઇંગોરાળામાં ૪ મજૂરો પર ઝેરી મધમાખીનો હુમલો.

ઇંગોરાળામાં ૪ મજૂરો પર ઝેરી મધમાખીનો હુમલો
Bhaskar News, Khmbha | Apr 15, 2014, 03:34AM IST
ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી ખાંભા દવાખાને ખસેડાયા

ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે આવેલ એક વાડીમા જુવાર વાઢવાનુ કામ કરી રહેલા બાર મજુરો પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તમામને ઇજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી તાકિદે સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યા હતા. ઝેરી મધમાખીના હુમલાની આ ઘટના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામે બની હતી. અહી કનુભાઇ પોપટભાઇ પાનેલીયાની વાડીમાં આજે સવારથી જુવાર વાઢવાનુ કામ ચાલી રહ્યું હતુ. અહી દાઢીયાળી ગામેથી બાર મજુરો બોલાવવામા આવ્યા હતા. અને તમામ મજુરો પોતપોતાની રીતે જુવાર વાઢવાનુ કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક એક ઝેરી મધમાખીનુ ઝુંડ ઉડીને આવ્યુ હતુ. મધમાખીના ઝુંડે તમામને ડંખ દેવા લાગતા થોડીવાર માટે વાડીમા અફડાતફડી મચી ગઇ હતી.

કોણ કોને બચાવે તેવી સ્થિતિનુ નિર્માણ અહી થયુ હતુ. ઝેરી મધમાખીથી બચવા કેટલાક મજુરો ઘઉના કુવળમા કે કોઇ બાજુમા શેઢે આવેલી કાંટાળી વાડમા તો કોઇ કુવામા પણ ઉતરી ગયુ હતુ. વાડી માલિક દ્વારા તાકિદે દવા છાંટવાના પંપથી ઝેરી મધમાખીઓ પર છંટકાવ કરવામા આવ્યો હતો.અહી કામ કરી રહેલા કૈલાશબેન જયસુખભાઇ, શોભાબેન કેશુભાઇ, હેતલબેન મનસુખભાઇ, ચકુબેન શંભુભાઇ, સંગીતાબેન જયસુખભાઇ, કાજલબેન શંભુભાઇ, ભરતભાઇને મધમાખીઓએ ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. બાદમાં ૧૦૮ને જાણ કરવામા આવી હતી. તમામને ઉલ્ટીઓ શરૂ થવા લાગી હતી. ઇજા પામેલ તમામને ખાંભા સરકારી દવાખાને ખસેડવામા આવ્યા હતા.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-honey-bee-attack-on-labour-4581502-NOR.html

રાજુલામાં વીજ વાયર તૂટી પડતા ગીર ગાયનું મોત નિપજયું.

રાજુલામાં વીજ વાયર તૂટી પડતા ગીર ગાયનું મોત નિપજયું
Bhaskar News, Amreli | Apr 15, 2014, 01:53AM IST
આઠ દિવસ પહેલા વાયર બદલવા થયેલી રજુઆત તંત્રએ ધ્યાને લીધી ન હતી

રાજુલામાં વિજ કંપનીની ઘોર બેદરકારીના કારણે આજે વિજ વાયર તુટી પડતા એક ગીર ગાયનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. સ્થાનીક લોકોએ અહિંના વાયર બદલવાની માંગણી કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા આ ઘટના બની હતી. રાજુલામાં હજુ પણ અનેક વિસ્તારમાં લટકતા જર્જરીત વિજ વાયરો જોખમી બની રહ્યા છે. આજે અહિંની લીંડકીયા શેરીમાં અચાનક જ એક વિજ વાયર તુટી પડયો હતો. અહિંના કનુભાઇ નનાભાઇ કવાડની માલીકીની ગીર ગાય પર આ વિજ વાયર તુટી પડતા ગીર ગાયનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. અહિંના મધુરભાઇ બલદાણીયાએ હજુ થોડા દિવસ પહેલા જ પીજીવીસીએલમાં લેખીત રજુઆત કરી જર્જરીત વિજ વાયરો બદલવાની માંગણી કરી હતી. પરંતુ વિજ અધિકારીઓએ આ વાયરો બદલવાની કામગીરી કરી ન હતી.

જે તે વખતે વિજ અધિકારીઓએ આ કામ નગરપાલીકાનું છે તેમ કહી મામલો ટાળી દીધો હતો. પરંતુ આજની ઘટના બાદ તુરંત વિજ અધિકારીઓ દોડી આવ્યા હતાં. લોકોમાં એ મુદે રોષ જોવા મળ્યો હતો કે ચેકીંગ કરવુ હોય તો પ૦ થી વધુ ગાડીઓ મસમોટા સ્ટાફ સાથે દોડી આવે છે. પરંતુ લોકોના જીવ ઉપર જોખમ ઝળુંબી રહ્યુ છે તેવા સમયે પણ તંત્ર દ્વારા ધ્યાન અપાતુ ન હોય લોકોમાં રોષ છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-cow-deth-for-electric-sock-4581371-NOR.html

જાપોદર અને ખાખબાઇમાં ગીધની વસાહત થઇ નામશેષ.

જાપોદર અને ખાખબાઇમાં ગીધની વસાહત થઇ નામશેષ
Bhaskar News, Amreli | Apr 13, 2014, 00:04AM IST
- સફેદ પીઠવાળા ગીધની રક્ષામા વનતંત્ર સદંતર નિષ્ફળ : નાગેશ્રીની વસાહતમા પણ જુજ ગીધ બચ્યા

સરકાર વન્યજીવ સૃષ્ટિના જતન માટે કરોડોનો ખર્ચ કરી રહી છે. પરંતુ વન્યજીવ સૃષ્ટિની અનેક પ્રજાતિઓ આટલા મોટા ખર્ચ બાદ પણ નામશેષ થઇ રહી છે. અમરેલી જિલ્લામાં જોવા મળતા સફેદ પીઠવાળા ગીધ પણ હવે નામશેષ થવાની દિશા તરફ જઇ રહ્યાં છે. મોટાભાગની જગ્યાઓમાથી નામશેષ થયેલા આ ગીધ નાગ્રેશ્રી, ખાખબાઇ અને જાપોદરમા ખુબ જ ઓછી સંખ્યામા જોવા મળતા હતા. જેમાથી હવે ખાખબાઇ અને જાપોદરમા પણ હવે આ ગીધ જોવા મળતા નથી. માત્ર નાગેશ્રીમા થોડાઘણા ગીધ બચ્યા છે.

જો તંત્ર દ્વારા ધ્યાન નહી અપાય તો તેને બચાવવા પણ મુશ્કેલ થશે. ગીર લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા આજે આ બારામાં રાજયના મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામા આવી હતી. રજુઆતમાં તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમા ગીધની પ્રજાતિને બચાવવા માટે ખુબ જ નકકર કાર્યવાહીની જરૂરિયાત છે. ગુજરાતમા સફેદ પીઠવાળા ગીધ અને ડાકુ ગીધ (કિંગ વલ્ચર) જોવા મળે છે.

અમરેલી જિલ્લામાં અગાઉ નાગેશ્રી, ખાખબાઇ, જાપોદર અને હનુમાનગાળાની જગ્યામા સફેદ પીઠવાળા ગીધોની વસાહતો બચી હતી. જયારે અન્ય જગ્યાએથી આ ગીધો નામશેષ થઇ ગયા હતા. આ ચાર વસાહતોમા બાકી બચેલા ગીધને બચાવી લેવા માટે પાછલા કેટલાક સમયથી પ્રકૃતિપ્રેમીઓ દ્વારા વારંવાર તેમનુ ધ્યાન દોરવામા આવતુ હતુ. પરંતુ હવે આ વસાહતોમા પણ આ ગીધને બચાવવામા નિષ્ફળતા મળી છે.

હાલમાં ખાખબાઇ અને જાપોદરની વસાહતોમા આ ગીધ જોવા મળતા નથી. માત્ર નાગેશ્રીની વસાહતોમાં થોડીઘણી સંખ્યામા આ ગીધ જોવા મળી રહ્યાં છે. લાયન નેચર ફાઉન્ડેશનના હેમાંગ ટાંક અને અશોક સાંખટની જાત તપાસમા આ સ્થિતિ જોવા મળી હતી. જો બાકી બચેલા ગીધને બચાવવા માટે અસરકારક પગલા નહી લેવાય તો બાકી બચેલા ગીધ પણ નામશેષ થઇ જશે.

કેટલા ગીધ હતા આ વસાહતોમા

અગાઉ નાગેશ્રીની વસાહતમા ૪પ ગીધ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ખાખબાઇની વસાહતમા ૩૬ ગીધ અને જાપોદરની વસાહતમા ૨૨ ગીધ જોવા મળ્યા હતા. પરંતુ વનવિભાગની દેખરેખના અભાવે હવે જાપોદર અને ખાખબાઇમા ગીધ જોવા મળતા નથી.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-threat-to-indian-vultures-from-cattle-4579197-NOR.html

સાવજોનાં ઘરમાં ફરી ભીષણ આગ, વન્ય સૃષ્ટિનો નાશ.

સાવજોનાં ઘરમાં ફરી ભીષણ આગ, વન્ય સૃષ્ટિનો નાશ
Bhaskar News, Lilia | Apr 12, 2014, 00:07AM IST
- આફત : ક્રાંકચ નજીક બાવળની કાંટમાં દવ લાગતા મોટા પ્રમાણમાં વન્ય સૃષ્ટિનો નાશ
-
સાત હજાર વિઘાથી વધુ વિસ્તારમાં ૨૪ કલાકથી અવિરત આગ
- જાણી જોઇને દવ લગાડાયાની આશંકાએ તપાસની માંગ


૩પથી વધુ સાવજોનો જ્યાં કાયમી વસવાટ અને અવર જવર રહે છે તે લીલીયા તાલુકાના ક્રાંકચની સીમમાં આજે ફરી એકવાર બાવળની કાંટમાં ભીષણ દવ ભભુકી ઉઠયો હતો. ૨૪ કલાકથી વધુ સમયથી ચાલી રહેલા આ દવના કારણે મોટા પ્રમાણમાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. રાત્રે આ દવે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ અત્યાર સુધીમાં સાતેક હજાર વિઘામાં આ દવ ફેલાઇ ચુક્યો હોવાનું કહેવાય છે.

લીલીયા પંથકમાં સાવજોનું ઘર જાણે સલામત રહ્યુ નથી. બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજોનો વસવાટ છે. અહિં બાવળની ઝાડીઓ વ્યાપક પ્રમાણમાં છે અને અહિં મોટુ મોટુ ઘાસ પણ ઉગી નિકળે છે. પરંતુ હવે તેમાં દવની ઘટનાઓ વધવા માંડી છે. ગઇરાત્રે ક્રાંકચની સીમમાં શેઢાવદર તરફથી દિશામાં ભયંકર દવ ફાટી નિકળ્યો હતો. આ દવના કારણે અહિં બાવળના જંગલને અને ઘાસચારાને અને સાથે સાથે વન્ય સૃષ્ટિને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હતું. આજે આખો દિવસ આ દવ સતત ચાલુ રહ્યો હતો.
આગળ વાંચો ઇરાદાપૂર્વક દવની આશંકા-આરએફઓ

દવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનીક આરએફઓ પી.બી. અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ. રાઠોડ, બીટગાર્ડ બીપીનભાઇ ત્રિવેદી વિગેરેએ અન્ય લોકોની મદદ લઇ આગ પર કાબુ મેળવવા માટે ભરપુર પ્રયાસો કર્યા હતાં. સાંજ સુધીમાં મોટા ભાગના દવ પર કાબુ આવી ગયો હતો. પરંતુ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાત્રે આ વિસ્તારમાં ફરી દવનું નિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતું. અહિંની આગે વધુને વધુ વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા હતાં. રાત સુધીમાં અહિં સાતેક હજાર વિઘામાં વન્ય સૃષ્ટિ નાશ પામી હતી. ખાસ કરીને અહિંનું સુકુ ઘાસ સંપૂર્ણ રીતે બળીને રાખ થઇ ગયુ હતું. બાવળની ઝાડીને નુકશાન થયુ હતું. એટલુ જ નહી જીવજંતુ, સર્પકુળના પ્રાણીઓ અને પક્ષીઓના માળાનો મોટા પ્રમાણમાં નાશ થયો હતો.

આ વિસ્તારમાં ૩પથી વધુ સાવજોનો વસવાટ છે. આગની ઘટનાને પગલે સાવજો જો કે અહિંથી દુર નિકળી જાય છે. પરંતુ હાલમાં સાવજોના નાના બચ્ચાઓ પણ હોવાથી દવની વારંવારની ઘટનાએ સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરાવી છે. વળી દવના કારણે સાવજો પણ વ્યાકુળ બની જતા હોય સીમ વિસ્તારમાં કામ કરતા લોકો માટે સાવજો જોખમી બની જાય છે. અહિં મહદ અંશે માલીકીના બીડ અને પડતર જમીનો આવેલી છે જેમાં આ દવ લાગ્યો હતો.ટુંકાગાળામાં ત્રણ વખત લાગ્યો દવ

લીલીયાના ક્રાંકચની સીમમાં પાછલા એક પખવાડીયામાં જ દવની આજે ત્રીજી ઘટના બની હતી. તા. ૩૧/૩ના રોજ ક્રાંકચની સીમમાં ભોળાભાઇના પટ વિસ્તારમાં દવ લાગતા પ૦૦ વિઘામાં તે પ્રસર્યો હતો. આવી જ રીતે તા. ૬/૪ના રોજ નાના લીલીયા વીડી, નાળીયરો અને શેઢાવદર વિસ્તારમાં દવ લાગતા ૪૦૦ વિઘામાં વન્ય સૃષ્ટિ નાશ પામી હતી.

ઇરાદાપૂર્વક દવની આશંકા-આરએફઓ
લીલીયાના આરએફઓ બી.પી. અગ્રવાલે જણાવ્યુ હતું કે વહેલી સવારથી તંત્ર દવ ઓલવવાના કામમાં લાગ્યુ હતું. સાંજે મહદ અંશે દવ ઓલવવામાં સફળતા મળી હતી. જો કે રાત્રે ફરી દવ લાગ્યો હતો. કોઇએ ઇરાદાપૂર્વક દવ લગાડયાની આશંકા હોય તેની તપાસ કરાશે.

ફાયર લાઇન બનાવવા માંગ
આ વિસ્તારમાં દવની ઘટનાઓ વારંવાર બની રહી હોય ઠેર ઠેર ફાયર લાઇન બનાવવા માંગ ઉઠી છે. જેવી રીતે જંગલમાં વનતંત્ર દ્વારા ફાયર લાઇન બનાવવામાં આવે છે અને જેનાથી દવની ઘટના વખતે તેને કાબુમાં લેવા તે ઉપયોગી થાય છે તેવી જ રીતે સાવજોના આ ઘરમાં પણ ફાયર લાઇન બનાવવા માંગ ઉઠી છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-jungle-lion-threat-4578249-PHO.html?seq=3

મોટા બારમણ ગામમાંથી 6 થી 7 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો!

મોટા બારમણ ગામમાંથી 6 થી 7 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો!
Hirendrasinh Rathod, Khambha | Apr 11, 2014, 17:43PM IST
આજે ભરબપોરે ખાંભાના મોટા બારમણ ગામેથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. થોડીવારમાં વાત વાયુવેગે પ્રસરી જતા મૃતક દીપડાને જોવા માટે લોકો એકઠા થઇ ગયા હતા. લોકોમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ દીપડાનો શિકાર થયો છે કે પછી કોઈ હિંસક પ્રાણીના હુમલાથી તેનું મોત થયું છે. જે પણ હોય પરંતુ ગામના લોકો દીપડાની હલચલથી ડર મેહસૂસ કરી રહ્યા છે તે નોંધનીય બાબત છે. આગળ ક્લિક કરો અને જુઓ મૃતક દીપડાની કેટલીક તસવીરો...
 
ઘટનાની વિગતો એવી છે કે ખાંભાના મોટા બારમણ ગામે પીલ્યાબાપુ ભોણ વિસ્તારમાં ગોચરના સર્વે નંબર, 175માં 6 થી 7 વર્ષનો નર દિપડાનો મૃતદેહ મળતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પોહચી ગયા હતા, આ દીપડાના મૃતદેહને જસાધાર ખાતે પી.એમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે વનવિભાગના અધિકારીઓ દોડતા થયા છે. 
 
આ બાબતે વનકર્મીઓની લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે, જયારે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કોઈ જંગલી પ્રાણીનું મોત થાય તો જંગલખાતાના અધિકારીઓ તેમની ઉપર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે, પરંતુ જયારે વનકર્મીની લાપરવાહીના કારણે વન્ય પ્રાણીના મોત થાય તો તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈપણ બહાનું બતાવી ફાઈલ બનાવી ધૂળ ખાવા મૂકી દેવામાં આવે છે ત્યારે આવા લાપરવાહી દાખવતા વનકર્મી વિરુદ્ધ પણ પગલાં લેવા જરૂરી બન્યા છે તેવું લોકોનું માનવું છે. 
 
(તસવીરો : હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)