Sunday, November 16, 2008

ગીર જંગલમાં શિકારીઓ ફરી સક્રિય થતા વન વિભાગ ચોંકયો

જૂનાગઢ,તા.૧૫
માર્ચ - ર૦૦૭ ના ગીર જંગલના ખળભળાટ મચાવનારા સિંહ હત્યાકાંડના ૧૯ આરોપીઓને સજા થઈ ચુકી છે તેવા જ સમયે ગીર જંગલમાં શિકારી ટોળકી ફરી એક વખત સક્રિય થયાની ચોંકાવનારી વિગતો બહાર આવતા વન વિભાગમાં સારી એવી દોડધામ થઈ પડી છે. અને અત્યંત ખાનગી રાહે ગીર જંગલમાં વન વિભાગે પોલીસને સાથે રાખી સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ છે. ગીર જંગલના સિંહ શિકારકાંડ બાદ સિંહોના રક્ષણ માટે લેવાયેલા પગલાઓ વચ્ચે પણ ગીર જંગલમાં ફરી વખત સિંહોની શિકારી ટોળકીઓ સક્રિય થયાની વન વિભાગને બાતમી મળી છે. સુત્રોના જણાવ્યા મુજબ વન વિભાગમાં ઉચ્ચ કક્ષાએ આ બાતમીની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અને ખાસ કરીને ગીર પશ્ચિમ જંગલ તરફ ખાસ વોચ રાખવામાં આવી છે.

અંદરખાને પુરજોશથી કંઈક ચોક્કસ થઈ રહ્યુ હોવાની સાથે સુત્રોએ ઉમેર્યુ છે કે તાજેતરમાં જ પાણીયા સેન્ચુરી વિસ્તારમાંથી મળી આવેલ બે ઈજાગ્રસ્ત સિંહોને ફાંસલામાં થતી ઈજાઓને મળતી ઈજાઓ હોવાનું પણ જણાવાઈ રહ્યુ છે. પરિણામે વન વિભાગ વધુ સક્રિય થઈ ગયુ છે. જો કે આ બાબતમાં વન વિભાગના સત્તાવાર સુત્રો મૌન સેવી રહ્યા છે. ગીર જંગલમાં કશુક અજુગતુ થઈ રહ્યુ હોવાના મામલે હાલમાં પોલીસની મદદ લઈ વન વિભાગ દ્વારા ખાસ કરીને ઉના પંથક તેમજ અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં ગુપ્તરાહે રાઉન્ડ ધ કલોક સઘન પેટ્રોલીંગ શરૃ કરી દેવામાં આવ્યુ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=27136

આજે ગીરનારની સફાઈ પરિક્રમા યોજાશેઃ વિવિધ સંસ્થાઓ જોડાશે

જૂનાગઢ,તા.૧૫
તાજેતરમાં ગીરનારની યોજાયેલી પરિક્રમામાં ઉમટી પડેલા ૧૦ લાખ જેટલા ભાવિકોને લીધે જંગલમાં પ્રસરેલા કચરાને સાફ કરવા માટે આવતીકાલ તા.૧૭ ના રોજથી ગીરનારની સફાઈ પરિક્રમા યોજાશે. તબ્બકાવાર યોજાનારા આ શ્રમયજ્ઞામાં જૂનાગઢ શહેરની વિવિધ સંસ્થાઓ ભાગ લેશે. પાંચ દિવસ આગોતરા અને પાંચ દિવસ વિધિવત મળી કુલ દશેક દિવસ સુધી ગીરનાર જંગલમાં યોજાયેલી પરિક્રમામાં ૧૦ લાખ જેટલા ભાવિકો ઉમટી પડયા હતા. જેને લીધે જંગલમાં વ્યાપક પ્રમાણમાં કચરો ફેલાયો હોય આવતી કાલ તા.૧૭ ને રવિવારના રોજ સફાઈ પરિક્રમા યોજાશે. સવારે ૮ વાગ્યે શરૃ થનારા આ શ્રમયજ્ઞાની આગેવાની ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ લેશે. આ શ્રમયજ્ઞામાં સર્વોદય બ્લડ બેન્ક, નવ રચિત આદર્શ રઘુવંશી યુવક મંડળ વગેરે સંસ્થાઓ ભાગ લેશે. તેમજ સતત ચાલનારા આ શ્રમયજ્ઞામાં તબ્બકાવાર સફાઈ કરવામાં આવશે. આ સફાઈ પરિક્રમામાં શહેરના યુવાનો, સેવાભાવી સંસ્થાઓને જોડાવા અનુરધો કરાયો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=27138

Wednesday, November 12, 2008

આ વખતે પરિક્રમામાં રેકોર્ડબ્રેક મેદની.

Bhaskar News, Junagarh
Tuesday, November 11, 2008 23:22 [IST]

૧૩ લાખ જેટલા ભાવિકોએ આ અનોખી પરિક્રમાનો લહાવો લીધો

ગિરનાર પરિક્રમામાં આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા નોંધાયેલ પરિક્રમાર્થીઓની સંખ્યા સાડા નવ લાખ જેટલી થવા જાય છે. ગણત્રી પહેલા સાડાત્રણ લાખ લોકોએ પરિક્રમા કરી હોઈ ભાવિકોની સંખ્યા અધધ ૧૩ લાખને આંબી જવાનો અંદાજ છે. જો કે, હવે પરિક્રમાર્થીઓ પરત ફરી રહ્યાં છે. પરિક્રમા તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

જયા ગિરનારીના ઘોષ સાથે ગત તા.૯ નવે. નાં રોજ સત્તાવાર રીતે શરૂ થયેલી ગિરનારની પરિક્રમા આમતો ૧૩ નવે. સુધી ચાલુ રહેશે. પરંતુ ભાવિકોએ ૩-૪ દિવસ અગાઉથી જ પરિક્રમાશરૂ કરી દેતા તે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂંકી છે. વન વિભાગના નળ પાણીની ઘોડી ખાતે રખાયેલા ગણત્રી પોઈન્ટ ખાતે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૯ લાખ ૪૦ હજાર ૫૧૫ ભાવિકો નોંધાયા છે. સાડા ત્રણ લાખ ભાવિકો ગણત્રી શરૂ થયા પહેલા જ નળપાણીની ઘોડી વટાવી ચૂકયા હતા.

આમ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આશરે ૧૩ લાખ ભાવિકોએ પરિક્રમા કર્યાનો અંદાજ છે. ભૂતકાળમાં કયારેય આટલી મોટી સંખ્યામાં ભાવિકો નોંધાયા નથી. દરમ્યાન ઝીણાબાવાની મઢી તરફના જંગલમાં ભાવિકોની ઉપસ્થિતી ઓછી થઈ ગઈ છે. આથી આ વિસ્તારમાં મોટા ભાગના અન્નાક્ષેત્રો સમેટી લેવાયા છે. જયારે બોરદેવી તરફ ભાવિકોની ભારે ભીડ હોઈ એ તરફ અન્નાક્ષેત્રોના રસોડા ૨૪ કલાક ધમધમી રહ્યાં છે.

જો કે, અત્યાર સુધીમાં મોટા ભાગના લોકોએ પરિક્રમા પૂર્ણ કરી વતનની વાટ પકડી લીધી છે. જંગલમાં હજુયે એક લાખ જેટલા ભાવિકોની હાજરી હોવાનું જાણવા મયું છે. ભાવિકોનો સૌથી વધુ ઘસારો ગઈકાલ તા.૧૦ના રોજ રહ્યો હતો. આ સાથે બહાર ગામથી પરિક્રમા શરૂ કરવા આવનારાઓની સંખ્યા નહીંવત છે. જયારે પરત જતા ભાવિકો વડે માર્ગોઉભરાઈ રહ્યાં છે.

માળવેલાની ઘોડીએ ૧ નું મોત

ગિરનારની પરિક્રમા દરમ્યાન દર વર્ષે માળવેલા અને નળપાણીની ઘોડી ચઢતી વખતે લગભગ રોજ એકાદ ભાવિકનું હદયરોગના હૂમલાથી અચૂકપણે મોત થયા છે. જયારે આ વર્ષે પરિક્રમા દરમ્યાન ફકત એક જ પરિક્રમાર્થીનું હદયરોગના હૂમલાથી મોત થયું.

એક જ દિવસમાં ૧૨ લાખની આવક

પરિક્રમાર્થીઓની વધી ગયેલી સંખ્યા અને વ્યવસ્થિત સંચાલનને પગલે આ વખતે જૂનાગઢ એસ.ટી.વિભાગને જાણે કે તડાકો પડયો છે. તેમાંયે તા.૧૦ નવે. ના રોજ પરિક્રમાની એક જ દિવસની આવક રૂ.૧૨ લાખે પહોંરયાનું વિભાગીય નિયામક સંજય જોષીએ જણાવ્યું હતું.

પરત જવા છાપરાં પર મુસાફરી

ગિરનાર પરિક્રમામાં આવવા માટે દર વર્ષે ભાવિકોએ ટ્રેન બસનાં છાપરા ઉપર મુસાફરી કરવી પડે છે. એવી જ હાલત હવે પરત જતી બસ ટ્રેનોમાં પણ જોવા મળી રહી છે.

પરિક્રમા બની સંભારણું

ગિરનારની પરિક્રમા દરમ્યાન આ વર્ષે સતત ૩ દિવસ સુધી સિંહોએ પરિક્રમા માર્ગ પર દેખા દીધી. જે ભાવિકોએ તેને નજરોનજર જોયા તેને માટે આ વખતની પરિક્રમા જીવનનું એક યાદગાર સંભારણું બની ગઈ.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/11/0811112324_junagarh_parikrama.html

ગિરનાર જંગલમાંથી લાકડાં કટીંગ બદલ પાંચ અન્નક્ષેત્રોને દંડ ફટકારાયો

જૂનાગઢ,તા.૧૧
ગીરનારની ચાલી રહેલી પરિક્રમા દરમ્યાન શરૃઆતમાં ઈટવાની ઘોડીથી જીણાબાવાની મઢી સુધીના પરિક્રમા માર્ગ પર જંગલમાંથી લાકડા કટીંગ બદલ પાંચ અને પાણીમાં પ્રદુષણ ફેલાવવા બદલ એક અન્નક્ષેત્ર સામે વન વિભાગે કડક હાથ કામ લઈ અભ્યારણ્યને નુક્શાન કરવા પેટે દંડ ફટકાર્યો છે. આ વિશેની મળતી વિગતો અનુસાર પરિક્રમા દરમ્યાન ગીરનાર અભ્યારણ્યના જંગલને કોઈ પણ પ્રકારનું નુક્શાન ન થાય તે માટે વન વિભાગે અગાઉથી જ કડક સુચનાઓ આપી હતી. તેમા પણ અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓને ખાસ તાકીદ કરી જંગલના રક્ષણ માટેના તેમજ કચરાના નિકાલ અંગેના ઉપાયો પણ વનવિભાગે સુચવ્યા હતા.

આમ છતા જંગલમાંથી લાકડા કટીંગ કરવા બદલ સુરતના ખીજડાવાડા મામાદેવ અન્નક્ષેત્ર, વડીયાના હરભોલે મિત્ર મંડળ અન્નક્ષેત્ર, સુરતના ગુરૃસિદ્ધનાથ અન્નક્ષેત્ર, વડાલના આઈશ્રી ખોડીયાર પાણી સેવા મંડળ અને મોરબીના શાંતિવન આશ્રમ અન્નક્ષેત્રને એસીએફ બી. ટી. ચઢાસણીયા અને સ્ટાફે દંડ ફટકારી લાકડા કટીંગના હથિયારો કબ્જે કર્યા છે. તેમજ ખીજડાવાડા મામાદેવ અન્નક્ષેત્રને પાણીમાં પ્રદુષણ ફેલાવવા બદલ પણ દંડ ફટકારાયો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા સુકી લાકડીનું વિતરણ કરાતુ હોવા છતા ગીરનાર જંગલમાંથી લીલાવાંસનું કટીંગ કરી લાકડીઓ તરીકે ઉપયોગ કરનાર યાત્રિકો પાસેથી સમગ્ર રૃટ પર વન વિભાગના સ્ટાફે લાકડીઓ કબ્જે કરી હતી. તથા યાત્રિકોને ફરી વખત આવુ ન કરવા તાકીદ કરી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=26135

૮ લાખથી વધુ ભાવિકોએ લીલી પરિક્રમા પૂર્ણ કરી

જૂનાગઢ,તા.૧૧
પાંચ દિવસ આગોતરી શરૃ થયેલી ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા એક દિવસ વહેલી જ પૂર્ણ થઈ જાય તેવા એંધાણ વચ્ચે આજે ૯.પ૦ લાખ ભાવિકોએ બીજો પડાવ પસાર કરી લીધો છે. આજે રાત્રે વિધિવત રીતે માળવેલા ખાતે બીજો પડાવ હોય છે. પરંતુ વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળ પણ સાવ ખાલી રહ્યું છે. આશરે ૮ લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધાનું જણાવાઈ રહ્યું છે. ગત તા.૯ ના રોજથી વિધિવત રીતે શરૃ થયેલી શરૃ થયેલી ગીરનારની પરિક્રમા આમ તો પાંચેક દિવસ અગાઉથી જ શરૃ થઈ ગઈ છે. અને રાજ્યભરના તમામ જીલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. આજે જંગલના બીજા પડાવ માળવેલા ખાતે યાત્રિકોએ પરંપરા અનુસાર રાત્રી રોકાણ કરવાનું હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આગોતરી પરિક્રમાનો નવો જ ચીલો શરૃ થયો છે. તે મુજબ આ વર્ષે પણ એક દિવસ આગોતરી પરિક્રમા પૂર્ણ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર બીજા પડાવ માળવેલા ખાતે આજે મોડી સાંજે ઓછી સંખ્યામાં ભાવિકો બચ્યા છે. મોટાભાગના યાત્રિકો બીજો પડાવ છોડી આગળ નિકળી ગયા છે. સતાવાર રીતે થયેલી ગણતરી અનુસાર આજે મોડી રાત્રી સુધીમાં ૯.પ૦ જેટલા ભાવિકોએ બીજો પડાવ વટાવી લીધો છે.

જ્યારે ૮ લાખ જેટલા ભાવિકોએ આજે ત્રીજા દિવસે જ પરિક્રમા પૂર્ણ કરી લીધાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવી ખાતે આજે દોઢ થી બે લાખ ભાવિકો રાત્રી રોકાણ કરશે. બોરદેવી તરફથી મોટી સંખ્યામાં યાત્રિકો પરત આવી રહ્યા છે. અને જૂનાગઢ શહેરમાં આવી જોવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી.

જેવી રીતે પરિક્રમામાં આવવા માટે ભાવિકો બસ-ટ્રેનના છાપરે ચડી આવી રહ્યા હતા. તેવી રીતે જ પરત જવામાં પણ બસ ટ્રેનના છાપરે ચડી ભાવિકો પરત પોતપોતાના વતન જઈ રહ્યા છે. જૂનાગઢથી જતા તમામ ખાનગી વાહનો પણ ચીક્કાર ભરાઈને જઈ રહ્યા છે. પરિક્રમા માર્ગ પર અડધે સુધીના અન્નક્ષેત્રો સંકેલાઈ રહ્યા છે. પ્રથમ પડાવ જીણાબાવાની મઢી તો સાવ ખાલી થઈ ગઈ છે. ભવનાથમાં મેળા જેવો માહૌલ રચાયો છે. સમગ્ર સ્થિતીના સરવાળે પરિક્રમા સાવ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

* ગિરનાર પરિક્રમામાં વધુ એક ભાવિકનું હાર્ટ એટેકથી મૃત્યું

ગીરનાર પરિક્રમામાં ગત તા.૯ ના રોજ કંડલાના એક અધિકારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયા બાદ આજે બપોરે સાણંદ વિસ્તારના વધુ એક યાત્રિકનું મૃત્યુ થવા પામ્યું છે. વન વિભાગના સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર હૈયે હૈયુ દળાય એટલી હકડેઠઠ મેદની વચ્ચે આજે બપોરે ૩:૩૦ કલાકના અરસામાં બોરદેવી વિસ્તારમાં અમદાવાદના સાણંદ નજીકના છેલાગામના દશરથભાઈ ભગુજી (ઉ.વ.પપ) ને હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યું થવા પામ્યું છે. પોલીસે આ બનાવમાં ધોરણસરની કાર્યવાહિ કરી મૃતદેહને પી.એમ. માટે મોકલ્યો હતો.

* પરિક્રમા કરવામાં ૭ર હજાર ભાવિકોએ લાકડીનો સહારો લીધો

ગીરનારના ૩૬ કિ.મી.ના જંગલમાંથી પસાર થતા વિકટ પરિક્રમા માર્ગને પસાર કરવા માટે આ વર્ષે ઉમટી પડેલા લાખ્ખો ભાવિકોમાંથી ૭ર હજાર જેટલા ભાવિકોએ લાકડીનો સહારો લીધો હતો. ખાસ કરીને મોટી ઉમરના લાકડીઓનો ઉપયોગ કરી પરિક્રમા માર્ગ પરની ચાર વિકટ ઘોડીઓ પસાર કરી હતી. આ ટેકરીઓ તથા ૩૬ કિ.મી.નો પરિક્રમા માર્ગ યાત્રિકો સરળતાથી પસાર કરી શકે તે માટે વન વિભાગ દ્વારા ચાલવામાં ટેકો રાખવા મફત લાકડીઓનું વિતરણ કરવામાં આવે છે. પરિક્રમાની શરૃઆતમાં રૃપાયતન અને જીણાબાવાની મઢી ખાતેથી યાત્રિકોને લાકડીઓ અપાય છે. જે પરિક્રમા પૂર્ણ થાય ત્યારે બોરદેવી નાકા ખાતે પરત આપી દેવાની હોય છે. પરિક્રમા માર્ગ પરની ૪ અતિ વિકટ ઘોડી (ટેકરી)ઓ પસાર કરવામાં વન વિભાગે આપેલી લાકડીઓ ખૂબ ઉપયોગી રહી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=26137

વેરાવળના બાદલપરાને સપ્તાહથી રંઝાડતો દિપડો અંતે પાંજરે પૂરાયો

વેરાવળ તા.૧૧,
વેરાવળ નજીક બાદલપરાના વાડી વિસ્તારમા છેલ્લા એક અઠવાડીયાથી પશુુઓનુ મારણ કરતો તથા વ્હેલી સવારે ખેતરોમા પાણી વાળતા ખેડૂતોને રંજાડતો તેમજ ખેડૂતોની સાવ નજદીક થી પસાર થઇ ભયભીત કરી મુકતા દીપડાને આ ખેડૂતો એ કરેલ ફરિયાદના આધારે વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.આર.વઘાસિયાની સુચનાથી ફરજ પરના ફોરેસ્ટર એન.એલ.કોઠીવાલ સાહેબ તથા વનરક્ષક સી.એમ.રાઠોડ ની ટીમે ગઇકાલે રાત્રીના બાદલપરાના કાળાભાઇ ધાનાભાઇ બારડની વાડીમા શેરડીના વાડ પાસે પાંજરૃ ગોઠવતા રાત્રે બે વાગે આ વિકરાળ અલમસ્ત અઢી ફૂટ ઉંચો તથા આઠ ફૂટ લાંબો ઉમર ૧૦ વરસનો આ દીપડો પાંજરે પૂરાયો હતો.અને ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ દીપડાને વેરાવળ ફોરેસ્ટ ઓફિસ ખાતે લઇ આવવામાં આવ્યો હતો.પાંજરામા પણ સતત ઘુરકિયા કરતો આ ખુંખાર દીપડાને જોવા માટે ફોરેસ્ટ ઓફિસ બાજુના લોકો એકઠા થયેલ હતા. હવે આ દીપડાને જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે તેના શરીરમા માઇકો્રચીપ ગોઠવવા માટે ખસેડવામા આવ્યો છે.ત્યારબાદ અમુક સમય પછી જ્યારે આ દીપડો સંપૂર્ણ સ્વસ્થ થઇ જશે ત્યારે તેને જંગલમા છોડી મુકવામા આવશે તેવુ એક યાદીમા ફોરેસ્ટ ઓફિસ દ્વારા જણાવવામા આવ્યુ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=26130

Monday, November 10, 2008

પરિક્રમા માટે રેલવે તંત્ર દ્વારા સતાધાર-જૂનાગઢ વચ્ચે વધારાની ટ્રેન શરૂ કરાઇ

Mahendra Sanghani, Junaghadh
Monday, November 10, 2008 00:21 [IST]

ગિરનાર પરિક્રમા આવતા યાત્રાળુઓની સુવિધા માટે રેલવેતંત્ર દ્વારા ગઇકાલ તા. ૯થી યાત્રાધામ સતાધાર અને જૂનાગઢ વચ્ચે વધારાની ટ્રેન દોડાવવી શરૂ કરી છે. આ ટ્રેન પરિક્રમાનાં સમયગાળા દરમ્યાન ચાલુ રહેશે. ટ્રાફિકનાં ધસારાને લઇને રેલવેતંત્રે વધારાની ખાસ ટ્રેન દોડાવવાનું ચાલુ કરતા યાત્રાળુઓને ઘણી રાહત થશે. જો કે ગત વર્ષે રેલવે પરિક્રમા દરમિયાન જૂનાગઢ-રાજકોટ રૂટ પર વધારાની ટ્રેન શરૂ કરેલ પરંતુ આ વખતે રેલવેએ સુવિધા નહીં આપતાં યાત્રાળુઓ નિરાશ થયા છે.

દર વર્ષે યોજાતી ગિરનાર પરિક્રમા દરમિયાન જૂનાગઢ ખાતે લાખો પયર્ટકો ગુજરાતભરમાંથી ઉમટી પડતા હોય છે. ખાસ કરીને ટ્રેનોમાં યાત્રાળુઓના ધસારો વધુ રહેતો હોવાથી રેલવેતંત્ર દ્વારા ટ્રાફિકને ઘ્યાનમાં રાખીને આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનમાં વધારાનાં કોચ જોડવામાં આવે છે અને ખાસ ટ્રેન પણ દોડાવવામાં આવતી હોય છે. આ વર્ષે ગિરનાર પરિક્રમા માટે ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી રહ્યા છે.

ત્યારે ટ્રાફિકનાં ધસારાને ખાળવા માટે ગઇકાલ તા. ૯મીથી સુપ્રસદ્ધિ યાત્રાધામ સતાધારથી જૂનાગઢ વચ્ચે વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે. જૂનાગઢથી આ ટ્રેઇન સવારનાં ૧૧-૦૦ વાગ્યે ઉપડી બપોરે ૧ર-૪પ કલાકે જૂનાગઢ પહોંચે અને સતાધારથી બપોર ૧.૧૦ કલાકે ઉપડી બપોરે ર.પ૦ વાગ્યે જૂનાગઢ પહોંચે છે. આ ટ્રેન તા ૮-૧૧ થી તા. ૧૩-૧૧ સુધી શરૂ રહેશે.

અલબત ગિરનાર પરિક્રમા માટે બે વર્ષ અગાઉ રાજકોટ-જૂનાગઢ બ્રોડગેજ લાઇન પર ખાસ ટ્રેન દોડાવવામાં આવેલી પરંતુ આ વખતે રેલવેએ આ રૂટ પર વધારાની ટ્રેન શરૂ નહિ કરી યાત્રાળુઓને નિરાશ કર્યા છે. વેરાવળ અને રાજકોટ રેલવે સ્ટેશનો પર રાત્રે ટ્રેન પડી રહે છે તે ટ્રેન પરિક્રમા દરમિયાન રેલવે તંત્ર દોડાવી શકે. કમનસીબે રેલવેતંત્રને આવું સૂઝયું નહિ !

ચાલુ વર્ષે ભરપૂર ટ્રાફિક

પરિક્રમા દરમિયાન શરૂઆતથી જ જૂનાગઢ શહેરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઠલવાઇ રહ્યા છે. જૂનાગઢ રેલવે સ્ટેશનના અધિક્ષક જાનીનાં કહેવા મુજબ જૂનાગઢમાં શરૂઆતથી જ યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો છે જે ગયા વર્ષની સરખામણીએ વધુ છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/10/0811100021_new_railway_start.html

ગીરના જંગલમાં બે વર્ષમાં ૭૪ સિંહનો ભોગ લેવાયો

Bhaskar News, Amreli
Sunday, November 09, 2008 00:11 [IST]

ખુલ્લા કૂવા, શિકાર અને ઇલેકિટ્રક તારની વાડના કારણે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળે છે વનખાતાના અધિકારીઓ

ગીરના જંગલમાં આવેલા મિતિયાળા ગામ પાસે શુક્રવારે બે સિંહના ખુલ્લા કવામાં પડી જવાથી મૃત્યુ થયાની ઘટના બાદ જંગલ ખાતાના અધિકારીઓ હવે ગ્રામજનોને સમજાવવા નીકળ્યા છે કે તેઓએ કૂવાને સરકારી યોજનાનો લાભ લઇને બાંધવા જોઇએ અને સિંહના રક્ષણ માટે યથાયોગ્ય મહેનત કરવી જોઇએ. પરંતુ, દર વખતે ઘોડા છૂટી ગયા પછી અધિકારીઓ તબેલાને તાળાં મારવા નીકળ્યા હોય તેવો તાલ-માલને તાસીરો સર્જે છે. એકાદ-બે દિવસ આમથી તેમ હડિયાપટ્ટી કરે ત્યારબાદ ફરી કુંભકર્ણને સારા કહેવડાવે છે.

એક માહિતી મુજબ, છેલ્લા બે વર્ષમાં ૭૪ સિંહોના અપમૃત્યુની માહિતી સાંપડે છે. મૃત્યુના કારણોમાં વૃદ્ધાવસ્થા, ઇલેકિટ્રક શોક, શિકારનો ભોગ અને અસુરક્ષિત કૂવામાં પડવાથી મૃત્યુ થયાં છે. આ મૃત્યુના કારણો વિષયક નથી, તેના નિવારણ વિશે અથવા તો મૃત્યુઆંક ઘટાડવાના કોઇ નક્કર પગલાં લેવાતાં જયારે સિંહના મૃત્યુના સમાચારો આવે ત્યારે થોડા દિવસ કામગીરી હાથ ધરી પછી જૈસે થેની સ્થિતિ સર્જાય છે. સાવરકુંડલાના મિતિયાળા ગીરને અભયારણ્ય જાહેર કરાયા બાદ શુક્રવારે જ બે સિંહના ખુલ્લા કૂવામાં પડવાથી મૃત્યુ નીપજયાની ઘટના તાજી છે.

વનવિભાગમાંથી મળતી માહિતી મુજબ, દેશના અભયારણ્યમાં ૨૭૫ જેટલા સિંહોની વસતી છે. જયારે સિંહની વસતી સામે ૧૦૦ કરોડની માનવ વસતી છે, જેથી માનવ વસતી સામે સિંહોની સંખ્યાનો આંકડો ઘણો નાનો ગણાય અને તેમાં ઉપરોકત મૃત્યુઆંક છેલ્લા બે વર્ષનો વિક્રમજનક ગણાય. છેલ્લા ૧૦ વર્ષના જન્મ-મૃત્યુદરનું પ્રમાણ શોધી તેના નક્કર કારણો માટે જવાબદારોને દંડ કરવો જરૂરી છે. પરંતુ, ખરેખરા ગુનેગારો તો પડદા પાછળ સુરક્ષિત હોય છે.

જંગલખાતાના પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા લોકો આવે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય અને જંગલખાતાના અધિકારીઓને ખબર ન પડે તે કેટલી શરમજનક ઘટના ગણાય. આ તો ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’ જેવો ઘાટ ઘડાય છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી ઉકિત આપણા જંગલ ખાતાના અધિકારીઓને લાગુ પડે છે. કારણ કે, જયારે સિંહના મૃત્યુના સમાચાર આવે ત્યારે જંગલખાતાના અધિકારીઓ ઊઘતા ઝડપાય અને સફાળુ તંત્ર જાગે છે. જેથી ઉચ્ચ અધિકારીઓએ આવા બનાવોની ગંભીર નોંધ લેવી ઘટે.

અન્ય એક માહિતી મુજબ, છેલ્લા બે વર્ષમાં ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે ૪ હજાર જેટલા ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે અને મિતિયાળા અભયારણ્ય બોર્ડર વિસ્તારમાં જંગલખાતા દ્વારા સને ૨૦૦૭/૦૮ના વર્ષ દરમિયાન ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાના અભિયાન અંતર્ગત કુલ ૧૦૨૩ કૂવાઓને સુરક્ષિત બનાવાયા છે. ઉપરાંત ચાલુ વર્ષમાં પણ ૪૫૦ જેટલા ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

ત્યારે ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાની યોજના અમલમાં હોય તો પછી અભયારણ્ય બોર્ડરના ખેડૂતોએ પોતાની સામાજિક અને રાષ્ટ્રીય ફરજ સમજી યોજનાનો લાભ લેવો જોઇએ. હજુ ગઇકાલે જ મિતિયાળામાં બે સિંહના મૃત્યુ થયા બાદ આજે કષ્ણગઢ અને બગોયા ગામમાં સાવરકુંડલા વનવિભાગ દ્વારા ખેડૂતો સાથે મિટિંગો યોજાનાર છે અને મિટિંગોમાં બન્ને ગામોના ખેડૂતોને ખુલ્લા કૂવાઓ સુરક્ષિત કરવા તેમજ સિંહોનું રક્ષણ કરવા અનુરોધ કરનાર છે.

આ બન્ને ગામો મિતિયાળાથી બે-ત્રણ કિલોમીટરના અંતરે આવેલા છે. આમ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની ઉકિતનો જંગલખાતાના અધિકારીઓ અમલ કરે છે, પરંતુ જો આવી મિટિંગો સિંહનાં મોત પહેલાં કરવામાં આવી હોત તો શુક્રવારે બનેલી ઘટના ઘટી ન હોત તેમજ આવી ઘટનાઓ આગામી સમયમાં ન બને તે માટે ખેડૂતોએ પણ ગંભીરતા રાખી સિંહ સુરક્ષામાં પોતાનું યોગદાન આપવું અનિવાર્ય-ફરજરૂપ બની જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/09/0811090012_74_lion_death.html

ગિરનાર પરિક્રમા ; ૩૬ કિ.મી.ના માર્ગ પર ૭૦ અન્નક્ષેત્રો

જૂનાગઢ,તા.૯
આજથી એકાદ દાયકા પહેલાના સમયમાં ગીરનાર પરિક્રમા થતી ત્યારે ભાગ લેનાર યાત્રિકો પોતાના ઘરેથી કાચુ સીધુ લાવી પાંચ દિવસ પાંચ પડાવ જાતે રસોઈ બનાવતા હતા. પરંતુ આજના ઝડપી અને આધુનિક યુગમાં આ પ્રાચિન પરંપરા વિસરાઈ રહી છે. ચાલુ વર્ષે પરિક્રમાના ૩૬ કિ.મી.ના પથ પર ૭૦ જેટલા અન્નક્ષેત્રો કાર્યરત થયા હોવાની બાબત આ વાત સાબિત કરી આપે છે. અન્નક્ષેત્રોમાં જમવા આવતા લાખ્ખો ભાવિકોને હજ્જારો સેવાભાવી કાર્યકરો ભાવ પૂર્વક ભોજન કરાવી રહ્યા છે. પહેલાના સમયમાં પરિક્રમા શરૃ થવાની હોય તેના દિવસો અગાઉ જે તે ગામનો સંઘ રચાતો, પૂર્વ તૈયારીઓ થતી, બધી ચીજ વસ્તુઓ એકત્ર કરાતી. બધી જ સામગ્રી સાથે ગીરનાર પરિક્રમામાં આવેલ સંઘ પાંચ દિવસ દરમ્યાન વિધિવત રીતે પાંચ પડાવ કરતો. આ સંઘ માટે કાચા રાશનમાંથી રસોઈ તૈયાર થતી અને સંઘમાં જોડાયેલા તમામ લોકો ભોજન કરતા. પહેલાના સમયમાં અન્નક્ષેત્રોની સંખ્યા ખુબ જ ઓછી હતી. ના છુટકે જ લોકો અન્નક્ષેત્રમાં જમતા હતા. પરંતુ છેલ્લા એકાદ દાયકાથી આ પરંપરા વિસરાઈ રહી છે. ઝડપી યુગમાં એકાદ - બે દિવસમાં પરિક્રમા કરી નાખતા યાત્રિકોને જાતે જ રસોઈ બનાવી ભોજન કરવું પડે તેમ નથી. તેમજ આવી પળોજણ પણ મોટાભાગે લોકો કરતા નથી. પહેરવા - ઓઢવાના કપડાઓ સાથે જ યાત્રિકો પરિક્રમામાં જોડાઈ જાય છે. જેને લીધે પરિક્રમા દરમ્યાન અન્નક્ષેત્રોની સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે.

ચાલુ વર્ષે ગીરનાર પરિક્રમાના ૩૬ કિ.મી. રૃટ પર ૭૦ અન્નક્ષેત્રો વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ નાના-મોટા અન્નક્ષેત્રોમાં હજ્જારો કાર્યકરો પોતાના દૈનિક ધંધા-રોજગાર બંધ રાખી સેવાયજ્ઞામાં જોડાયા છે. સેવાભાવિ સંસ્થાઓને વિવિધ દાતાઓ તરફથી અન્નક્ષેત્રો ચલાવવા માટે દાન અપાય છે. જેમાંથી લાખ્ખો ભાવિકોને પરિક્રમા દરમ્યાન ભોજન કરાવાય છે. તમામ અન્નક્ષેત્રોમાં કોઈ પણ જાતની અપેક્ષા વગર સાવ મફતમાં ભાવિકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

કેટલાક અન્નક્ષેત્રો પરિક્રમા આગળ વધે તેમ યાત્રિકોની સાથે વિવિધ સ્થળોએ પરિક્રમા માર્ગ પર અન્નક્ષેત્રો ચલાવે છે. જ્યારે કેટલાક અન્નક્ષેત્રો માત્ર ચાલીને જ જઈ શકાય તેવી વિકટ જગ્યા ખાતે ચાલી રહ્યા છે. અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓ દ્વારા પરિક્રમા અગાઉ આશરે એકાદ માસ પહેલાથી જ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવે છે. કાર્યકરોની મીટીંગો યોજી સુચનાઓ દ્વારા કાચુ રાશન અને જરૃરી ચીજવસ્તુઓ એકત્ર કરવામાં આવે છે. બધી વસ્તુઓ અને કાર્યકરો સાથેનો કાફલો ગિરિતળેટી ભવનાથ ખાતે પરિક્રમાના ચાર-પાંચ દિવસ અગાઉ જ પહોંચી જાય છે. અને પરિક્રમા શરૃ થાય તે પહેલા જ રૃટ પર નિયત જગ્યાએ બધી ગોઠવણ કરી અન્નક્ષેત્ર શરૃ કરી દેવામાં આવે છે.

* પરિક્રમામાં સતત ૯૬ કલાક અવિરત ચાલતુ અન્નક્ષેત્ર

ગીરનાર પરિક્રમા દરમ્યાન ચાલતા વિવિધ અન્નક્ષેત્રોમાં જીણાબાવાની મઢીથી આગળ દેવરાજભગત દ્વારા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવાય છે. ચાર દિવસ સુધી રાઉન્ડ ધી ક્લોક એટલે કે સતત ૯૬ કલાક અવિરત ચાલતા આ અન્નક્ષેત્રમાં ભાવિકોને શીરો પુરી વગેરે વસ્તુઓ પીરસવાની સાથે ચા-પાણી પણ આપવામાં આવે છે. જ્યારે છેલ્લા ૧૮ વર્ષથી માળવેલાની ચાલીને જ જઈ શકાય તેવી વિકટ જગ્યાએ બાઢડાના શિવ દરબાર આશ્રમ ઉષામૈયા દ્વારા અન્નક્ષેત્ર ચલાવાય છે. સેવકો ખભે માલ ઉપાડીને અહિ લાવે છે. અહી શીરો-ગાઠીયાનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે. છેલ્લા ૧૮ વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25646

ભવનાથમાં પરિક્રમાર્થીઓ પર એસ.ટી. બસ ફરી વળી ; ૧ નું મૃત્યુ, ૭ ને ઈજા

જૂનાગઢ,તા.૯
જૂનાગઢના ગીરનારની ગોદમાં પરિક્રમા માટે હજ્જારો ભાવિકોનો પ્રવાહ આવી રહ્યો છે તેવી સ્થિતી વચ્ચે ગઈ રાત્રે ભવનાથમાં બનાવાયેલ એસ.ટી. બસ સ્ટેન્ડમાં ઢાળ પર ઉભેલી બસ અચાનક જ દોડવા લાગતા પાસેથી બસમાંથી ઉતરી રહેલા પરિક્રમાર્થીઓ પર આ બસ ફરી વળતા ૧ મહિલા પરિક્રમાર્થીનું ચગદાઈ જવાથી મૃત્યુ થવા પામ્યુ છે. જ્યારે ૭ ને ઈજાઓ થવા પામી છે. આ વિશેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ભવનાથ તળેટીમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે ગીરનાર પરિક્રમામાં અનુસંધાને બનાવાયેલ એસ.ટી. બસ સ્ટેન્ડમાં ગઈ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ઢાળ પર પાર્ક થયેલી જી.જે.૧૮ વી ૭૦૦૦ નંબરની બસ ટેકનીકલ ખામીને લીધે અચાનક જ દોડવા લાગતા પાસે ઉભેલી એસ.ટી. બસ જી.જે.૧૮ વી ૪૭૪૦ માંથી નીચે ઉતરી રહેલા મુસાફરો પર એ બસ ફરી વળી હતી.

પરીક્રમાર્થીઓની ભારે ગીર્દી વચ્ચે બનેલા આ બનાવમાં કોડીનાર તાલુકાના હરમડીયા ગામ ખાતેથી સંઘ સાથે પરિક્રમામાં આવેલા બાજુબેન સામતભાઈ કોળી નામના પ૦ ર્વિષય મહિલા પરિક્રમાર્થીનું ગંભીર ઈજાઓ થવાને લીધે કરૃણ મૃત્યું થવા પામ્યું છે. જ્યારે આશાબેન રમેશ (રે.રાજકોટ), દિવીબેન ભાણાભાઈ (ઉ.વ.૩૪, રે.ઉના), ભૂમિકા મોહનભાઈ (ઉ.વ.૧૦, રે.ઉના), રૈયાભાઈ પીઠાભાઈ (ઉ.વ.પ૦, રે.ઉના), જીવીબેન ભાણાભાઈ (ઉ.વ.૪૦, રે.ઉના), જાનીબેન લખમણભાઈ (ઉ.વ.૩૦, રે.ઉના) અને થોભણભાઈ દેવાભાઈ (ઉ.વ.પપ, રે.સેમરાળા) ને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે પાટણના વિક્રમજી જુઠાજી ઠાકોરે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25644

ગિરનાર પરિક્રમામાં હૈયુ હૈયુ દળાયું : ૧૦ લાખથી વધુની વિશાળ માનવ મેદની

જૂનાગઢ,તા.૯
જૂનાગઢના ગરવા ગીરનારની ર્ધાિમક મહતા ધરાવતી પૌરાણિક પરિક્રમાનો આજે મધરાત્રે બંદુકના ભડાકે વિધિવત પ્રારંભ થયો છે. જો કે તે પહેલા જ ૪.પ૦ લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોવાનું સતાવાર રીતે જણાવાયું છે તો પરિક્રમા માર્ગ અને ભવનાથ તળટીમાં હજી પ.પ૦ લાખની મેદની મળી આ વર્ષે પરિક્રમામાં રેકર્ડ બ્રેક ૧૦ લાખથી વધુની મેદની ઉમટી પડી છે. જટાધારી જોગી સમાન જૂનાગઢ શહેરની ભાગોળે ઉભેલા ગિરિવર ગિરનારની દર વર્ષે યોજાતી પૌરાણિક પરિક્રમાનો આજે રૃપાયતન પાસેથી મધરાત્રે સાધુ-સંતો, આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે બંદુકના ભડાકે પ્રારંભ થયો ત્યારે એકી સાથે હજ્જારો યાત્રિકોએ પરિક્રમા શરૃ કરી હતી. યાત્રિકોનો એકધારો વિશાળ પ્રવાહ જીણાબાવાની મઢી એટલે કે પરિક્રમાના પ્રથમ પડાવ તરફ વહી રહ્યો છે.

બીજી તરફ પરિક્રમા શરૃ થાય તે પહેલા જ આજે મધરાત્રી સુધીમાં ૪.પ૦ લાખ ભાવિકોએ ગીરનારની આગોતરી પરિક્રમા સતાવાર રીતે પૂર્ણ કરી લીધાનું નોંધાયુ છે. પરિક્રમામાં જઈ રહેલા યાત્રિકોના વિશાળ પ્રવાહ સામે બોરદેવી તરફથી એટલી જ સંખ્યામાં યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી પરત આવી રહ્યા છે. અને પરત જઈ રહ્યા છે.

જો કે આટલી વિશાળ સંખ્યામાં યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોવા છતા હજી પરિક્રમા માર્ગ પર યાત્રિકોની ભારે ગીર્દી જોવા મળી રહી છે. જેના પરથી પ.પ૦ લાખ જેટલા ભાવિકો હજી જંગલમાં હોવાનું દ્રઢ અનુમાન લગાવાઈ રહ્યું છે. જૂનાગઢના ગીરનાર દરવાજાથી માંડી તળેટી સુધીના રસ્તા પર પગ મુકવાની જગ્યા નથી. એક તરફ જેટલા ભાવિકો આવી રહ્યા છે. એટલી જ સંખ્યામાં યાત્રિકો પરત જઈ રહ્યા છે.

પરિક્રમા માર્ગ પરના ૭૦ જેટલા અન્નક્ષેત્રો પૂર્ણ રીતે ધમધમી ઉઠયા છે. ઠેર ઠેર હૈયુ હૈયુ દળાય એટલી મેદની નજરે પડી રહી છે. પરિક્રમા માર્ગ પર પણ લાઈનમાં ચાલવું પડે તેવી સ્થિતી છે. જૂનાગઢ

શહેરમાં પણ યાત્રિકોની ભીડ દેખાઈ રહી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25639

ચારેય દિશામાંથી જૂનાગઢ તરફ પરિક્રમાર્થીઓનો પ્રવાહ

જૂનાગઢ,તા.૮
અનેરૃ ર્ધાિમક મહાત્મ્ય ધરાવતી ગીરનાર પરિક્રમા માટે આવેલા પરિક્રમાર્થીઓથી જૂનાગઢ શહેર ભરચ્ચક થઈ રહ્યુ છે. ઠેર ઠેર લાંબી કતારો જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે યાત્રિકોના વિશાળ પ્રવાહની આવક શરૃ થઈ ગઈ છે. જૂનાગઢ શહેરના માર્ગો પર ભીડની અસર વર્તાઈ રહી છે. હોટલો, ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ હાઉસ ફુલ જેવા થઈ ગયા છે. શહેરની બજારોમાં ખરીદી માટે ગીર્દી જામી રહી છે. અને એકંદરે સમગ્ર પ્રવાહ અવિરત ગિરિતળેટી તરફ જઈ રહ્યો છે. ગીરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ લાખ્ખો ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે ત્યારે જૂનાગઢ શહેર પરિક્રમાર્થીઓથી ભરચ્ચક થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર યાત્રિકોની વિશાળ કતારો સવાર-સાંજ જોવા મળી રહી છે. શહેરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો મોટા મોટા થેલાઓ ઉપાડી ભવનાથ તરફ જઈ રહ્યા છે. ચારે તરફથી આવતા રસ્તાઓ જાણે કે જૂનાગઢ શહેર ખાતે આવી પૂર્ણ થતા હોય તેમ શહેરમાં આવનાર દરેક વાહનો ભરચ્ચક જોવા મળી રહ્યા છે.

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડનું મેદાન મીની મેળાના સ્વરૃપમાં આવી ગયું છે. યાત્રિકો વિશાળ સંખ્યામાં બસ સ્ટેન્ડ ખાતે ઠલવાઈ રહ્યા છે. અને અહીથી જ ભવનાથ તરફ જતી બસોમાં બેસવા માટે લાઈનો લાગી છે. રેલ્વે સ્ટેશન ખાતે પણ કંઈક આવો જ માહૌલ સર્જાયો છ. કોઈ પણ સ્ટેશનેથી આવતી ટ્રેનમાં રહેલી ગીર્દી જૂનાગઢ આવી ખાલી થઈ રહી છે. યાત્રિકો ટ્રેનમાં ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન આવે ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. જૂનાગઢમાં આવી રહેલા યાત્રિકોને લીધે શહેરની લગભગ તમામ હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસો ભરાઈ ગયા છે. યાત્રિકોને મહામુશ્કેલીએ રાત્રી રોકાણ માટે રૃમ મળે તેવી સ્થિતી આકાર લઈ રહી છે. રેસ્ટોરન્ટ અને લોજમાં પણ લાંબા સયમ પછી જમવાનો વારો આવે એટલી કતારો બપોરે અને સાંજના સમયે હોય છે. બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન નજીકની લોજ - રેસ્ટોરન્ટો તો વહેલી સવારથી મોડી રાત સુધી અવિરત ચાલુ જ રહે છે. શહેરની બજારોમાં પણ એક પ્રકારની રોનક પ્રસરી જવા પામી છે. પરિક્રમામાં જતા પહેલા પરચુરણ ચીજ વસ્તુઓની ખરીદી કરવા જતા યાત્રિકોથી શહેરની બજારો ઉભરાઈ રહી છે. ગિરિ તળેટી તરફ જતા જતા નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદી યાત્રિકો કરી રહ્યા છે. યાત્રિકોની વિશાળ સંખ્યાને જોતા વેપારી વર્ગના ચહેરા પર પણ સંતોષની લાગણી છે.

જૂનાગઢ શહેરમાં આવેલા યાત્રિકો થોડો આરામ કરી ભવનાથ તળેટી તરફ જઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જતા ત્રણ રસ્તાઓ મજેવડી દરવાજાનો રસ્તો, ગીરનાર દરવાજા રસ્તો અને દાતાર રોડની બન્ને તરફ મોટી સંખ્યામાં યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ગીરનાર પરિક્રમામાં આવી રહ્યા છે. એકંદરે સમગ્ર જૂનાગઢ શહેરમાં પરિક્રમાની સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે.

* બસ સ્ટેન્ડ - રેલવે સ્ટેશન ખાતે યાત્રિકોના વિશાળ પ્રવાહની આવક ; જૂનાગઢ શહેરના માર્ગો પર કતારો ; હોટલો, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ હાઉસ ફુલ ; બજારોમાં ભારે ભીડ ; ગિરિ તળેટી તરફ અવિરત જઈ રહેલી મેદની

ગીરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ લાખ્ખો ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે ત્યારે જૂનાગઢ શહેર પરિક્રમાર્થીઓથી ભરચ્ચક થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર યાત્રિકોની વિશાળ કતારો સવાર-સાંજ જોવા મળી રહી છે. શહેરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો મોટા મોટા થેલાઓ ઉપાડી ભવનાથ તરફ જઈ રહ્યા છે. ચારે તરફથી આવતા રસ્તાઓ જાણે કે જૂનાગઢ શહેર ખાતે આવી પૂર્ણ થતા હોય તેમ શહેરમાં આવનાર દરેક વાહનો ભરચ્ચક જોવા મળી રહ્યા છે.

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડનું મેદાન મીની મેળાના સ્વરૃપમાં આવી ગયું છે. યાત્રિકો વિશાળ સંખ્યામાં બસ સ્ટેન્ડ ખાતે ઠલવાઈ રહ્યા છે. અને અહીથી જ ભવનાથ તરફ જતી બસોમાં બેસવા માટે લાઈનો લાગી છે. રેલ્વે સ્ટેશન ખાતે પણ કંઈક આવો જ માહૌલ સર્જાયો છ. કોઈ પણ સ્ટેશનેથી આવતી ટ્રેનમાં રહેલી ગીર્દી જૂનાગઢ આવી ખાલી થઈ રહી છે. યાત્રિકો ટ્રેનમાં ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા છે. ટ્રેન આવે ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. જૂનાગઢમાં આવી રહેલા યાત્રિકોને લીધે શહેરની લગભગ તમામ હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસો ભરાઈ ગયા છે. યાત્રિકોને મહામુશ્કેલીએ રાત્રી રોકાણ માટે રૃમ મળે તેવી સ્થિતી આકાર લઈ રહી છે. રેસ્ટોરન્ટ અને લોજમાં પણ લાંબા સયમ પછી જમવાનો વારો આવે એટલી કતારો બપોરે અને સાંજના સમયે હોય છે. બસ સ્ટેન્ડ કે રેલ્વે સ્ટેશન નજીકની લોજ - રેસ્ટોરન્ટો તો વહેલી સવારથી મોડી રાત સુધી અવિરત ચાલુ જ રહે છે. શહેરની બજારોમાં પણ એક પ્રકારની રોનક પ્રસરી જવા પામી છે. પરિક્રમામાં જતા પહેલા પરચુરણ ચીજ વસ્તુઓની ખરીદી કરવા જતા યાત્રિકોથી શહેરની બજારો ઉભરાઈ રહી છે. ગિરિ તળેટી તરફ જતા જતા નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદી યાત્રિકો કરી રહ્યા છે. યાત્રિકોની વિશાળ સંખ્યાને જોતા વેપારી વર્ગના ચહેરા પર પણ સંતોષની લાગણી છે. જૂનાગઢ શહેરમાં આવેલા યાત્રિકો થોડો આરામ કરી ભવનાથ તળેટી તરફ જઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જતા ત્રણ રસ્તાઓ મજેવડી દરવાજાનો રસ્તો, ગીરનાર દરવાજા રસ્તો અને દાતાર રોડની બન્ને તરફ મોટી સંખ્યામાં યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ગીરનાર પરિક્રમામાં આવી રહ્યા છે. એકંદરે સમગ્ર જૂનાગઢ શહેરમાં પરિક્રમાની સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે.

* જૂનાગઢની હોટલો - ગેસ્ટ હાઉસોના ભાડા પ૦ થી ર૦૦ ટકા સુધી વધી ગયા!!

ગીરનાર પરિક્રમાની સીધી અસર જૂનાગઢ શહેરની હોટલો અને ગેસ્ટ હાઉસો પર પડી છે. યાત્રિકોનો પ્રવાહ શરૃ થતા જ ભાડામાં રાતોરાત પ૦ થી ર૦૦ ટકા સુધીનો વધારો થઈ ગયો છે. જ્યારે ખાનગી વાહનોના ભાડા પણ બમણા સુધી પહોંચી ગયા છે. પરિક્રમાના દિવસો દરમ્યાન વર્ષોથી રાબેતા મુજબ આ પ્રમાણે સ્થિતી સર્જાય છે.

જૂનાગઢ જેવો પરિક્રમાર્થીઓનો પ્રવાહ દેખાયો કે તરત જ ભાડાઓ વધી જાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જતા હોટલો, ગેસ્ટ હાઉસોમાં ભાડાનો પ૦ થી ર૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. કેટલીક ધર્મશાળાઓમાં પણ આવી જ અસર થઈ છે. એક રૃમના ર૪ કલાકનું રૃ.૪૦ ભાડુ હોય તેની જગ્યાએ હાલમાં રૃ.૧૦૦ સુધીનું ભાડુ કરી દેવામાં આવ્યું છે તો થોડુ ઉંચામાં રૃ.ર૦૦ ના ભાડાના રૃમના રૃ.૩૦૦ કે રૃ.૩પ૦ સુધી કરી દેવામાં આવ્યા છે.

આટલુ ભાડુ વધ્યું હોવા છતા યાત્રિકોથી ગેસ્ટહાઉસ - હોટલો ભરાઈ રહ્યા છે. સંચાલકોના જણાવ્યા અનુસાર તેઓ માટે કમાણીના માત્ર બે જ મોટા તહેવારો પરિક્રમા અને શિવરાત્રીનો મેળો હોય છે. એટલે આ સમયગાળા દરમ્યાન ભાડુ થોડુ વધારી દેવામાં આવે છે. બીજી તરફ ખાનગી વાહનોમાં મુસાફરી ભાડુ પણ બમણા સુધી પહોંચી રહ્યું છે. જૂનાગઢ આસપાસથી આવતા ખાનગી વાહનોમાં હજી એટલુ ભાડુ વધ્યુ નથી. પણ શહેરમાં દોડતી રીક્ષાઓના ભાડા સારો એવો વધારો થયો છે. જો કે આમ છતા ભવનાથ તળેટી તરફ જતી તમામ રીક્ષાઓ ભરચ્ચક રહે છે.

* પરિક્રમા દરમિયાન યાત્રિકોએ આટલી તકેદારી રાખવી...

ગીરનાર પરિક્રમા દરમ્યાન યાત્રિકોએ રાખવાની તકેદારી બાબતે જૂનાગઢ પોલીસ વિભાગે ખાસ જારી કરેલી સુચનાઓ અનુસાર યાત્રિકોએ નીચેની બાબતે ખાસ કાળજી રાખવી.

- કિંમતી આભુષણો, ઘરેણા કે જરૃર વગરની વધારે રોકડ રકમ સાથે રાખવી નહિ.

- દરેક યાત્રિકે ઓળખકાર્ડ શક્ય હોય તો આધારભુત ઓળખપત્ર સાથે રાખવા.

- નાના બાળકોના ખીસ્સમાં નામ, સરનામા અને ફોન નંબરોની ચીઠ્ઠી અચુક રખાવી દેવી.

- સેવાભાવિ સંસ્થાના કાર્યકરોએ સંસ્થાના ઓળખપત્રો સાથે રાખવા.

- પરિક્રમા દરમ્યાન વન વિભાગની તમામ સુચનાઓનું શબ્દશઃ પાલન કરવું.

- શંકાસ્પદ હિલચાલ કે વસ્તુઓ બાબતે નજીકની પોલીસ રાવટીમાં જાણ કરવી.

- અજાણ્યા ઢોંગીઓ પાસેથી કોઈ પણ વસ્તુ કે ખાદ્ય પદાર્થ લેવો નહિ.

પરિક્રમામાં વિખૂટા પડેલાઓનું મિલન કરાવતું માહિતી કેન્દ્ર શરૃ કરાયું

ગીરનાર પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમ્યાન વિખુટા પડેલા યાત્રિકોના મિલન માટે જાણીતા બનેલા જૂનાગઢ મહાનગરપાલિકાના યાત્રિક માહિતી કેન્દ્રનો ભવનાથના દત ચોક ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

મનપાની પી.આર.ઓ. શાખા સંચાલીત આ માહિતી કેન્દ્ર ખાતે દર વર્ષે સંખ્યાબંધ લોકોનો તેના પરિવાર સાથે મેળાપ કરાવવાની સાથે યાત્રિકોને જરૃરી માહિતી પુરી પાડવામાં આવી છે. તેમજ વ્યવસ્થા માટે જરૃરી સુચનાઓ પણ આપવામાં આવે છે. આ કેન્દ્રને ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ, મેયર જ્યોતિબેન વાછાણી, ડે.મેયર કરમણભાઈ કાટારા, સ્ટે.ચેરમેન ભરતભાઈ કારેણા, યાત્રાળુ સમિતીના ચેરમેન નિર્ભયભાઈ પુરોહિત વગેરેના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હોવાનું માહિતી કેન્દ્રના ઈન્ચાર્જ દિનેશભાઈ પુરોહિતે જણાવ્યું છે

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25426

Saturday, November 8, 2008

અમરેલીના મિતિયાળામાં કૂવામાં પડી જતાં બે સિંહનાં મોત

Bhaskar News, Rajula
Friday, November 07, 2008 22:43 [IST]

વાડી માલિક અને વનખાતાની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બે પાઠડા સિંહ બન્યા

અમરેલી જિલ્લાના મિતિયાળા ગામની સીમમાં આવેલી વાડીના ખુલ્લા કૂવામાં પડી જતાં બે પુખ્તવયના (પાઠડા) સિંહનાં મોત નીપજતાં હાહાકાર મચી જવા પામ્યો છે. વાડી માલિક અને વન ખાતાની અક્ષમ્ય બેદરકારીનાં કારણે આ ઘટના બની હોવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે અગાઉની ઘટનામાં તપાસનું ફીડલું વાળી દેવામાં આવ્યું હતું. તેમ આ બનાવની નિષ્ઠાપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક હાથે કામ લેવું જોઈએ. તેમ પશુપ્રેમીઓ ઈરછી રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ મિતિયાળા જંગલમાં સિંહોનો વસવાટ છે. અને આ વિસ્તારને રક્ષિત સિંહ અભયારણ્ય તરીકે જાહેર કરાયેલો વિસ્તાર છે. પરંતુ વનખાતાની બેદરકારી અને આ વિસ્તારમાં પૂરતું ઘ્યાન ન આપવાના કારણે આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ આવેલા છે. જેમાં શુક્રવારે બે વનરાજા પડી જતા મોતને ભેટયા હતા.

બનાવની જાણ જૂનાગઢ વન ખાતાને કરાતાં ત્યાની ટીમે આવીને બંને સાવજોના મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલા-ખાંભા-નાગેશ્રી-પીપાવાવ, ટીંબી વિગેરે વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. ગયા મહિને ટીંબીમાંથી મૃત હાલતમાં સિંહબાળ મળી આવ્યો હતો. ત્યાં આજે શુક્રવારે આવો બીજો બનાવ બનતા વન્ય પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે. ગમે તે કારણ હોય વનખાતાને બિલકુલ ચિંતા નથી અને સિંહો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. રાજુલાના વનખાતાના અધિકારીઓને જાણે કાંઈ પડી ન હોય તેવું વર્તન કરી રહ્યા છે.

રાજુલા પંથકમાં ૩૨ જેટલા સિંહ પરિવારો છે. જે સિંહના જ વતની બની ગયા છે. છેલ્લા એક વર્ષમાં ભેરાઈ-ચોત્રા, ટીંબી, કાગવદર, નાગેશ્રી સહિતના વિસ્તારોમાંથી સંખ્યાબંધ માલઢોરને સિંહોએ ફાડી ખાધા છે. ઉપરાંત માનવીઓને ઈજા કર્યાના પણ દાખલા બન્યા છે. છતાં અત્યાર સુધીમાં કોઈને પણ વનખાતા તરફથી વળતર મળ્યું નથી. કારણ કે રાજુલા વનખાતાને કાંઈ પડી જ નથી. આ સાહેબો અન્ય પ્રવૃત્તિમાં મશગુલ છે. જેની આમ જનતા અને ઉચ્ચ અધિકારીઓને પણ ખબર છે. છતા પગલાં લેવાતાં નથી.

પ્રાથમિક તપાસમાં આ બંને સિંહ પારાપેટ વગરના ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જવાથી મૃત્યુ થયાનું જણાયું હતું. આ બંને સિંહબાળના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી નિરીક્ષણ કરતા તેઓના શરીર ઉપર કોઈ બાહ્ય ઈજાના નિશાનો જોવા મળેલ ન હતા. તેમજ બંને સિંહોના તમામ નખો સલામત મળી આવેલ. આ બંને સિંહના નખો સિંહો દ્વારા કૂવામાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરતા ઘસાઈને ફાટી ગયેલ જણાયેલ હતા.

પ્રેમજીભાઈ ટપુભાઈ દેલવાડિયાને વન વિભાગ દ્વારા તેઓના ખુલ્લા કૂવાને સુરક્ષીત કરવા અંગેની જાણ કરવા છતા તેઓએ પોતાનો કૂવો સરકારની યોજનાનો લાભ લઈ સુરક્ષિત ન કરેલ. જેથી આવા અમુલ્ય વન્યપ્રાણી અકસ્માતે કૂવામાં પડી મૃત્યુ પામવાનો બનાવ બન્યાનું વનખાતાએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/07/0811072243_lion_dead_amreli.html

એક લાખથી ૫ણ વધુ યાત્રિકો ગિરનાર પરિક્રમામાં જોડાયા

જૂનાગઢ,તા.૭

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમે ધીમે ગીરનારની આગોતરી પરિક્રમા શરૃ થઈ ગઈ છે ત્યારે આજે એકાદ લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાતા ગિરિકંદરાઓ ચેતનવંતી બની જવા પામી છે. અને ભવનાથ વિસ્તારમાં પરિક્રમા માટે આવેલા આશરે ર લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા છે.

જૂનાગઢના ગરવા ગીરનારની સળંગ ૧૮૭ મી પરિક્રમા શરૃ થાય તે પહેલા જ ગીરદી અને ગંદકીથી બચવા હજ્જારો યાત્રિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે. અને આજે એકાદ લાખ જેટલા યાત્રિકોએ પરિક્રમા શરૃ પણ કરી દીધાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પરિક્રમામાં માર્ગ પર પણ યાત્રિકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે. સંખ્યાબંધ ભાવિકો એક લાખથી ૫ણ વધુ યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી પરત આવી રહ્યા છે.

બીજી તરફ પરિક્રમા કરવા માટે આવેલા ભાવિકોથી ગિરિતળેટી ભવનાથ ભરચ્ચક થઈ ગઈ છે. આશરે ર લાખથી વધુની મેદની ભવનાથમાં ઉમટી પડી છે. તમામ જ્ઞાાતિના ઉતારા અને વાડીઓ તથા ધર્મશાળાઓ યાત્રિકોથી ભરાઈ ગઈ છે. હજી પણ મોટા પ્રમાણમાં ભાવિકો ગીરનાર તળેટી તરફ આવી રહ્યા છે.

આગામી તા.૯ ને રવિવારે કારતક સુદ અગિયારસના દિવસે મધરાત્રે ગીરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. ગીરનારની પાંચ દિવસીય પરિક્રમા શરૃ થવાને હજી સમય છે. ત્યાં જ ભાવિકોની ઉમટી પડેલી મેદનીને જોતા આ વર્ષે રેકર્ડ બ્રેક યાત્રિકો નોંધાય તેવી પુરી આશા વ્યક્ત કરાઈ રહી છે.

બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ યાત્રિકોની અસર વર્તાઈ રહી છે. ગામડામાંથી અને વિવિધ શહેરોમાંથી આવેલા યાત્રિકો જૂનાગઢ શહેરના માર્ગો પર થેલાઓ સાથે જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડ તેમજ રેલ્વે સ્ટેશને પણ યાત્રિકોની ભીડ થવાનું શરૃ થઈ ગયું છે. શહેરમાં પરિક્રમાને લઈ વધેલી ચહલ પહલ રીતસર જોવા મળી રહી છે.

૧ર સ્થળોએ યાત્રિકોને ત્રોફા, નાળીયેર, દૂધ અને જીવન જરૃરી ચીવસ્તુઓ રાહત દરે અપાશે

ગીરનાર પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ પર ૩૪ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા છે. સેંકડો સેવાભાવી યુવાનો અને કાર્યકરો લાખ્ખો યાત્રિકોને પ્રેમથી ભાવ પૂર્વક ભોજન કરાવશે. તો ૧ર સ્થળોએથી યાત્રિકોને ત્રોફા, નાળીયેર, દૂધ અને જીવન જરૃરી ચીજવસ્તુઓ રાહતદરે વિતરણ કરવામાં આવશે.
દર વર્ષે પરિક્રમા માર્ગ પર યાત્રિકોને મફતમાં જમાડતા ૩૪ જેટલા અન્નક્ષેત્રો આ વર્ષે પણ શરૃ કરાયા છે. નાના-મોટા તમામ અન્નક્ષેત્રો ભાવિકોને પ્રસાદ રૃપી ભોજન પીરસવા તૈયાર છે. બીજી તરફ ડી.સી.એફ. અને એ.સી.એફ.ની સુચનાઓ મુજબ વન વિભાગના વિજય યોગાનંદી, એચ. એમ. રાઠોડ તથા એ. આર. મોકરીયા દ્વારા શાકભાજી, ફળો અને અનાજનું વેચાણ કરતા ર૮પ ફેરિયાઓને પરમીટ આપવામાં આવી છે. પરિક્રમામાં ૧૭ સ્થળોએ પાણીના પોઈન્ટ ઉપરાંત ૭ સ્થળોએ પાણીની ટાંકીઓ મુકવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25168

૧૮૨૨માં બગડૂનાં અજા ભગતે ગિરનારની પ્રથમ પરિક્રમા કરી હતી

જૂનાગઢ,તા.૭

ભગવાન શ્રીકૃષ્ણએ ગીરનાર પરિક્રમા કરી હોવાનાન પુરાણોમાં થયેલા ઉલ્લેખ અને ર્ધાિમક માન્યતા બાદ વચ્ચેના વર્ષોમાં પરિક્રમાનો ઉલ્લેખ નથી. પરંતુ નોંધાયેલી વિગતો અનુસાર વર્ષ ૧૮રર માં બગડુના અજાભગત અને તેના સેવકોએ ગીરનારની પરિક્રમા કરેલ. ત્યારથી અત્યાર સુધી પરિક્રમાનો સીલસીલો યથાવત જળવાઈ રહ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પરિક્રમા કર્યા બાદ બંધ થયેલી પરિક્રમા બગડુના અજાભગતે તેના સંઘ સાથે વર્ષ ૧૮રર (વિ.સ.૧૯૩૮) માં ફરી શરૃ કરી હતી. અજાભગતના સેવકો તેમજ જૂનાગઢની આસપાસના ગ્રામજનો પણ પરિક્રમામાં જોડાયા હતા. સાથે ધુન-ભજન મંડળી પણ જોડાઈ હતી. અને આ સંઘે પાંચ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરેલ. અજાભગત અને તેના સેવકોની સમાધી આજે પણ બગડુ ગામના પાદરમાં હયાત છે.
બસ, ત્યારથી પુનઃશરૃ થયેલી ગીરનાર પરિક્રમા આજ સુધી ચાલુ જ છે. ચાલુ વર્ષ ર૦૦૮માં ગીરનારની સળંગ ૧૮૭ મી પરિક્રમા યોજાશે. દર વર્ષની પરિક્રમામાં ઉતરોતર ભાવિકોનો વધારો થઈ રહ્યો છે. તેમાય છેલ્લા દાયકામાં તો પરિક્રમામાં આવનાર ભાવિકોની સંખ્યા લાખ્ખોએ પહોંચી છે. ગત વર્ષે ૯ લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા હતા. વરસાદ, વાતાવરણ, ખેતીની સીઝન વગેરે બાબતો પરિક્રમામાં આવતા ભાવિકોની સંખ્યા પર અસરકર્તા બની રહે છે. ચાલુ વર્ષે સારા વરસાદથી રેકર્ડ બ્રેક ભાવિકો પરિક્રમામાં ભાગ લે તીવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25171

બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરેલ

જૂનાગઢ,તા.૭
ગીરનારની પરિક્રમા શરૃ થવામાં કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે પુરાણોમાં થયેલા ઉલ્લેખ અને ર્ધાિમક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને આર્જૂન સાથે પરણાવવા માટે બહાનુ કરી પરિક્રમા કરી હતી. અને સતત પાંચ દિવસ સુધી ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. જે દરમ્યાન યાદવો પણ તેઓની સાથે રહ્યા હતા. સ્કંધ પુરાણના ઉલ્લેખ અને ર્ધાિમક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૃક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જૂન તથા યાદવોએ ગીરનારની પરિક્રમા કરી હતી. તેમજ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જૂનના લગ્ન કરાવ્યા હતા. સતત અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણએ ગીરનારના જંગલમાં વાસ કરી પરિક્રમા કરેલ. ભગવાન શ્રીકૃષ્ણ અહિ બિરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર ૩૩ કરોડ દેવતાઓએ ભગવાનના સાનિધ્ય માટે અહિ વસવાટ કર્યો હતો. અને ત્યારથી ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ થતા અનેરૃ મહત્વ રહ્યું છે. એક માન્યતા અનુસાર પાંચ પાંડવો પણ ગીરનારના જંગલમાં વાસ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણએ કરેલી પરિક્રમા બાદ આ પરિક્રમાનો સીલસીલો શરૃ થયો હોવાનું કહેવાય છે. જો કે વચ્ચે ઘણા વર્ષો સુધી પરિક્રમા બંધ થઈ ગઈ હતી. અને તે વિશે ક્યાંય કોઈ જ સ્થળે ઉલ્લેખ જોવા મળતો નથી. ભગવાન કૃષ્ણએ રૃક્ષ્મણી, સુભદ્રા, અર્જૂન અને યાદવો સાથે પાંચ દિવસ ગિરનારમાં વિતાવ્યા હતા

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25170

જૂનાગઢમાં વનિકરણ વિભાગે આપેલા ૮ હજાર રોપા બળી ગયા

જૂનાગઢ,તા.૭

વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મનપાએ શહેરની પડતર જમીનોમાં વૃક્ષ ઉછેર માટે સામાજીક વનીકરણ વિભાગ પાસેથી ૮ હજાર રોપા મોટા ઉપાડે લઈ લીધા બાદ ઉપયોગ કર્યા વગર તમામ રોપાઓ મનપાના બેદરકાર તંત્રએ બાળી નાખ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમજ બળી ગયેલા આ તમામ રોપાઓ મનપાએ ટ્રેક્ટરોમાં ભરાવી કચરામાં નાખી દીધા છે.

આ વિશેની મળતી વિગતો અનુસાર વન મહોત્સવ અંતર્ગત જૂનાગઢ શહેરમાં પડતર જમીનો વિગેરે સ્થળોએ વૃક્ષો ઉગાડવા માટે મહાનગર પાલિકા દ્વારા સામાજીક વનીકરણ વિભાગ પાસેથી રોપાઓ માંગવામાં આવ્યા હતા. અને મનપાની માંગણી મુજબ તંત્ર દ્વારા ગત તા.પ, ૮, ૯, ૧૦ અને ૧૧ જૂલાઈ ના રોજ પાંચ તબક્કામાં ૮ હજાર રોપાઓ મનપાને આપવામાં આવેલ.

આ રોપાઓ મંગાવીને સ્વીમીંગ પુલના મેદાનમાં રખાવી દીધા બાદ મનપા તંત્ર જાણે કે આ વાત જ ભુલી ગયુ હોય તેમ રોપાઓ વાવવાની વાત તો દૂર રહી પરંતુ યોગ્ય સંભાળ પણ ન લીધી. પરિણામે તમામ રોપાઓ પડયા પડયા જ સુકાઈને બળી ગયા. એકી સાથે ૮ હજાર રોપાઓનો કચ્ચરઘાણ નિકળી ગયો. એક પણ રોપાનો ઉપયોગ ન થઈ શક્યો.
આખરે મનપા તંત્રએ આ સુકાઈ ગયેલા રોપાઓને ગઈ કાલે જ ટ્રેક્ટરોમાં ભરાવીને ડમ્પીંગ સ્ટેશને નખાવી દીધા. અને સમગ્ર બાબત ધુળમાં મળી ગઈ. સામાજીક વનીકરણ વિભાગે આપેલા ૮ હજાર રોપાઓ મનપાએ વેડફી નાખ્યા. જો મનપાએ આ રોપાઓ લીધા ન હોત તો આજે ક્યાંક વૃક્ષ બની રહ્યા હોત.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25150

Friday, November 7, 2008

દરિયાઇ જીવસષ્ટિ પરની અસરો તપાસાશે

Bhaskar News, Jamnagar
Thursday, November 06, 2008 22:40 [IST]

પરવાળાના અભ્યાસ માટે દક્ષિણ એશિયાના વૈજ્ઞાનિકોના જામનગરમાં ધામા

પાંચ દેશના ૨૩ વૈજ્ઞાનિકોને વન વિભાગ અને મરીન નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા માહિતી અપાઇ : નરારા, પિરોટન,પોશીત્રા ટાપુની વૈજ્ઞાનિકો મુલાકાત લેશે

શ્રીલંકામાંરહેલી સાઉથ એશિયા કો-ઓપરેટીવ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ૨૩ વૈજ્ઞાનિકો આજે જામનગર જિલ્લાના દરિયામાં રહેલા પરવાળા તથા દરિયાઇ જીવસૃષ્ટિના અભ્યાસ માટે આવ્યા હતાં. જેઓને વન વિભાગ તથા મરીન નેશનલ પાર્કના અધિકારીઓએ સ્લાઇડ શો દ્વારા માહિતગાર કરાયા હતા. આ વૈજ્ઞાનિકો નરારા, પિરોટન, પોશિત્રા ટાપુની મુલાકાત પણ કરશે.

આતંરરાષ્ટ્રીય સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, માલદ્વિપ, નેપાળ અને ભુતાન દેશો જોડાયેલા છે. આ સંસ્થાએ લંડનના ઇન્ટરનેશનલ મરીન ઓર્ગેનાઇઝેશનની મદદથી દરિયાઇ જીવસૃષ્ટિ પર અભ્યાસ હાથ ધર્યોછે. જેમાં ખાસ કરીને જામનગર જિલ્લામાંથી મળતા પરવાળાના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.

આઠ દેશમાંથી આજે ૨૩ જેટલા વૈજ્ઞાનિકો તથા ઉચ્ચ અધિકારીઓ જામનગર ખાતે આવ્યા હતાં. જેઓને જામનગરની વિશાલ હોટલમાં વન વિભાગ તથા મરીન નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્લાઇડ શોનો પણ સમાવેશ થાય છે.ખાસ કરીને દક્ષિણ એશિયાના આ વૈજ્ઞાનિકોએ હવામાનમાંઆવી રહેલા પરિવર્તન તેમજ પ્રદુષણના ખતરાથી દરિયાઇ જીવસૃષ્ટિ પર શું અસર પહોંચી શકે છે અને તેના રક્ષણ માટે શું કરી શકાય એ અંગે એકશન પ્લાન બનાવવા કવાયત હાથ ધરી છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાના ડાયરેકટર જનરલ ડો. અરવિંદ બોઝે જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયાના સમુદ્રના જીવો ખતરામાં છે. હવામાનમાં આવી રહેલા પલ્ટાથી ૧૯૯૮માં સમુદ્રના પાણી ગરમ થઇ ગયા છે. જેની અસર જીવસૃષ્ટિ પર ગંભીર રીતે પડી રહી છે. કોરલ તેમજ વનસ્પતિ અને અન્ય જીવોનો મોટાપ્રમાણમાં નાશ થાય છે.

વધુમાં જણાવ્યા મુજબ દરિયાઇ જીવસૃષ્ટિ ઉપર સામાન્ય કચરો, રાસાયણીક કચરો તથા ઓઇલ લીકેજના કારણે પણ વધારે ખતરો ઉભો થયો છે. આથી આ સંસ્થાએ એકમત થઇને પરવાળાના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધર્યા છે. કારણ કે એમાં વધારે માત્રામાં કેલ્શીયમ હોવાથી જીવનરક્ષક દવાઓ બનાવવામાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે.

ઉપરાંત કોરલ રીફ ઇકો સીસ્ટમ માટે ઉતમ ગણાય છે. તેમાંથી તેના લાઇમસ્ટોનમાંથી રેતી તથા ચુનાનું ઉત્પાદન કરાય છે. આ વૈજ્ઞાનિકો તથા અધિકારીઓ જિલ્લાના નરારા, પિરોટન તથા પોશિત્રાની મુલાકાત લઇ કોરલ તથા તેના રીફનો અભ્યાસ કરશે.

અભ્યાસ માટે આવેલા વૈજ્ઞાનિકો-અધિકારીઓ

જામનગર અભ્યાસ માટે આવેલા વૈજ્ઞાનિક-અધિકારીઓમાં શ્રીલંકાના નાગરાજાહ સુરેશકુમાર, ડો.અરવિંદ બોઝ, એમ.એચ.ચિત્રસેન, સી.એન. અબ્દુલરહીમ, ડો. કે.સૈયદઅલી, જયંતિ સન્યાલ, મહમદ ફૈયાઝ, અબરાર હસન, અબ્દુલા અમીર, અબ્દુલા સિબાઉ, હિરન તિકલરાય ઉપરાંત ભારતના એસ.પી. જાની, કે.રાજકુમાર, રાસુદેવ શામદાર, નિલરત્ન, પી.એચ. સાતા, એસ.સેનબાગમુર્તિ, એલ.નાધનનો સમાવેશ થાય છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/06/0811062243_jamnagar_oscan.html

ખેડૂતોને ચંદનની ખેતી પ્રત્યે જાગૃત કરવા ચંદનના રોપાનું દાન કરાશે

Bhaskar News, Chorvad
Thursday, November 06, 2008 22:40 [IST]

ચંદનના વાવેતર સાથે ખેડૂતો તેમની ખેતીની જમીનના પરંપરાગત વાવેતર પણ કરી શકે છે

ચોરવાડમાં સોરઠ પર્યાવરણ અને માનવ વિકાસ સંસ્થા દ્વારા સોરઠના ખેડૂતો ચંદનની ખેતી પ્રત્યે જાગૃત થાય તે માટે એક સેમિનારનું આયોજન કરાયું છે અને મર્યાદિત સંખ્યામાં ચંદનના વૃક્ષોનું દાન પણ કરાશે.

સૌરાષ્ટ્રનાં કાશ્મીર ગણાતા જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડમાં ગરવેલ, કેળા, સોપારી, નારીયેળ, કેસર કેરીની આંબાવાડીની ખેતીના લીધે જગ વિખ્યાત છે.

ચોરવાડની સોરઠ પર્યાવરણ અને માનવ વિકાસ સંસ્થા દ્વારા ચંદનની ખેતીનો શુભારંભ થતાં આ પંથક આગામી દિવસોમાં જ દેશમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત કરે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે.વૃક્ષોની ખેતી અને નર્સરીના વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ આ કાર્ય બદલ અનેક સન્માનોથી સન્માનિત થયેલા સંસ્થાના મંત્રી વી.એમ. વાજા અને ટ્રસ્ટીઓમાં પંથકમાં ચંદનની ખેતીને ખેડૂતો વ્યવસાય રૂપે સ્વીકારે તે માટે ભગીરથ પુરૂષાર્થ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રના કિસાનો જો ચંદનની ખેતી કરતાં થાય તો તેમના માટે સમૃઘ્ધિના દ્વાર ખુલે તેમ છે. જો કે ચંદનની ખેતીની સાથે સાથે ખેડૂતો પોતાની ખેતીની જમીનમાં પરંપરાગત વાવેતર પણ કરી શકે છે.

સંસ્થા મર્યાદિત સંખ્યામાં ખેડૂતો ચંદનની ખેતી માટે જાગૃત થાય તે માટે ચંદનનાં વૃક્ષોનું દાન કરશે. ટૂંક સમયમાં જ ખેડૂતો માટે સેમિનાર પણ યોજાશે. વધુ વિગત માટે સોરઠ પર્યાવરણ અને માનવ વિકાસ સંસ્થાનો ધર્મશાળા ચોક, ચોરવાડ ખાતે સંપર્ક સાધવો.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/06/0811062241_chorvad_sandal_tree_farmer.html

રપ હજાર ભાવિકોએ ૩ દિવસ અગાઉ જ પરિક્રમા શરૃ કરી

જૂનાગઢ,તા.૬
ગરવા ગીરનારની પરિક્રમા વિધિવત રીતે શરૃ થવામાં હજી ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યાં જ ગીરદી અને ગંદકીથી બચવા માટે રપ હજાર જેટલા ઉતાવળીયા ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે. અનુભવી સુત્રોના જણાવ્યા અનુસાર ભવનાથ તળેટીમાં પણ એકાદ લાખની મેદની ઉમીટી પડી છે. પરિક્રમા માર્ગ પરના અન્નક્ષેત્રો પણ શરૃ થઈ ગયા છે. આગામી તા.૯ ને રવિવારે ગીરનારની પૌરાણીક પરંપરાગત પરિક્રમા શરૃ થાય તે પહેલા જ ઉતાવળીયા ભાવિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે. પરિક્રમામાં ઉમટી પડતા લાખ્ખો ભાવિકોની ગીરદીથી બચવા માટે અને ગંદકીથી રપ હજાર ભાવિકોએ ૩ દિવસ બચવા માટે આવી રીતે વહેલી પરિક્રમા શરૃ કરી દેતા હોવાનું યાત્રિકોએ જણાવ્યું છે. આજે રપ હજાર જેટલા ભાવિકો પરિક્રમાના અંતિમ ચરણ બોરદેવી વિસ્તારમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. અગાઉથી શરૃ થઈ ગયેલી પરિક્રમાના અનુસંધાને પરિક્રમા માર્ગ પરના અન્નક્ષેત્રો પણ આજથી ધમધમી ઉઠયા છે. અને યાત્રિકોને ભાવ પૂર્વક ભોજન કરાવી રહ્યા છે. પરિક્રમાના અનુસંધાને ભવનાથ તળેટીમાં પણ આશરે એકાદ લાખ ભાવિકો ઉમટી પડયા હોવાનું અનુભવી સુત્રોએ જણાવ્યુ છે. ઉમટી પડેલા ભાવિકોને લીધે ભવનાથ તળેટીમાં આવેલ વિવિધ જ્ઞાાતિ સમાજના ઉતારાઓ તથા વાડીઓ પણ ભરાઈ ગઈ છે. ગીરનાર પરિક્રમાના અનુસંધાને ડી.સી.એફ અમિત કુમારે જૂનાગઢનો ચાર્જ સંભાળ્યો છે અને એ.સી.એફ. પી.એસ. બાબરીયાને લાયઝન સોંપાયુ છે. બીજી તરફ ગીરનાર પરિક્રમાના અનુસંધાને રેલ્વે અને એસ.ટી. બસમાં પણ ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24898

મફત ચા-પાણી, સરબત વિતરણની મંજૂરી ન અપાતા મશરૃ ઉ૫વાસ પર

જૂનાગઢ,તા.૬
ગીરનાર પરિક્રમા માર્ગ પર મફત ચા-પાણી, સરબતનું વિતરણ કરતી સંસ્થાઓને સેવાયજ્ઞા માટે પણ મંજુરી ન અપાતા પ્રસરી રહેલા રોષ વચ્ચે આગેવાનોએ દોડી જઈ વન વિભાગને ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ ૪૦૦ જેટલા નાના ફેરીયાઓ માટે પરિક્રમા વિવાદાસ્પદ ન બતે તે માટે વચ્ચેનો માર્ગ કાઢવાની માંગણી કરી હતી. આ મુદ્દે નાના ધંધાર્થીઓને મંજૂરી આપવાનાં માગણી સાથે ભાજપનાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ ઉપવાસ ઉપર બેસી ગયા છે. ભાજપનાં મહામંત્રી અમૃત દેસાઇ, ગિરનાર ધર્મસ્થાન અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ, સંતશ્રી ગણપતગીરી બાપુ, જૂનાગઢ મ્યુ.કોર્પોરેશનનાં ડે.મેયર કરમણ કટારા, સાધુ સંતો અને આગેવાનો ૫ણ મોટી સંખ્યામાં લીમડા ચોક ખાતે આવેલી વનખાતાની રેન્જ ઓફીસ સામે આગામી તા.૯ ના રોજ થી ગરવા ગીરનારની શરૃ થઈ રહેલી પરિક્રમા દરમ્યાન ભાવિકોને મફત મફત ચા-પાણી, સરબત વિતરણની ચા-પાણી, સરબતનું વિતરણ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ મંજુરી ન અપાતા રોષ પ્રસરી જવા પામ્યો છે. દર વર્ષે આવી સંસ્થાઓ લાખ્ખો ભાવિકોને મફત ચા, સરબતનું વિતરણ કરે છે. બીજી તરફ વ્યવસાયીક નાના ફેરીયાઓ પર પણ પ્રતિબંધ લાદી દેવાતા ૪૦૦ જેટલા ફેરીયાઓ આજે વન વિભાગની રેન્જ ઓફિસ ખાતે પરમીટ મેળવવા બેસી રહ્યા હતા.

આ બન્ને રજુઆતો માટે આજે સાધુ-સંતો તેમજ વિહિપ, ભાજપ, કોંગ્રેસ, સી.પી.એમ. ના આગેવાનો દોડી ગયા હતા. અંબાજી મહંત તનસુખગીરી બાપુ, મહંત અચ્યુતાનંદજી રજુઆતમાં જોડાયા હતા. વિહિપના સંયુક્ત પ્રદેશ મહામંત્રી લલીતભાઈ સુવાગીયાએ જણાવ્યુ છે કે, સંસ્થાઓ ચા-પાણીનું વિતરણ કરી પરિક્રમા વ્યવસ્થામાં મદદરૃપ બને છે. ધર્મ અને યાત્રિકો પર્યાય છે. ત્યારે કોઈને અડચણ રૃપ ન થાય તેવી શરતોએ કોઈ વચલો રસ્તો કાઢવો જોઈએ. વર્ષોથી યોજાતી ગીરનાર પરિક્રમા કોઈ વિવાદમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

દરમ્યાનમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃએ જણાવ્યુ છે કે, ભુતકાળમાં જૂનાગઢની પ્રજાએ ગીરનારને બચાવ્યો છે. જંગલ અને સિંહોના રક્ષણ માટે જૂનાગઢની પ્રજા હંમેશા ચિંતાતુર રહી છે. ત્યારે આવો અન્યાય વ્યાજબી નથી.

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે પણ ઉગ્ર રજુઆત કરી હતી. અને જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મસ્થળમાં ભાવિકોને હેરાન કરવા વ્યાજબી નથી. સી.પી.એમના બટુકભાઈ મકવાણાએ પણ ઉગ્ર રજુઆત કરી હતી. દરમ્યાનમાં ડી.સી.એફ. અમિતકુમારે જણાવ્યુ છે કે, જીવન જરૃરી ચીજવસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. તેમજ માઈક વગાડવા પર પણ સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અભયારણ્યના રક્ષણ માટે આ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

આજે જૂનાગઢ વન વિભાગની લીમડા ચોક સ્થિત રેન્જ ઓફીસ ખાતે ૪૦૦ જેટલા નાના ફેરીયાઓ અને વેપારીઓ પરમીટની આશાએ આખો દિવસ દરમ્યાન બેઠા રહ્યા હતા. અને ઉપરોકત આગેવાનો નાના ધંધાર્થીઓની તરફેણમાં ઉપવાસ પર બેસી ગયા હતાં.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24899

સિંહણ અને તેના બે બચ્ચાને જૂનાગઢ ઓબ્ઝર્વેશનમાં રખાયા

રાજકોટ તા.૫

ગોંડલ પંથકમાં ખડવંથલીની વીડીમાંથી પકડાયેલી સાવરકૂંડલા રેન્જની સિંહણ અને તેના બે નર બચ્ચાને જૂનાગઢ સકકરબાગ ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યા છે. સિંહણે અન્ય રેન્જમાં પ્રાણીઓના શિકાર કર્યા હોવાથી મેડિકલ ચેકઅપ કરવું જરૃરી બન્યું છે. આ સિંહ પરિવારને કઈ રેન્જમાં છોડવા તે અંગે વન ખાતાના અધિકારીઓ મૂંઝવણ અનુભવી રહ્યાં છે.

* અન્ય પ્રાણીઓના શિકાર કરેલા હોવાથી મેડિકલ ચેકઅપ કરાશે

ખડવંથલી પાસે પકડાયેલા સિંહણ અને એમના પરિવારને જૂનાગઢ સકકરબાગ ખાતે લઈ જવામાં આવ્યા છે. પકડાયેલી સિંહણ અને એમના બચ્ચાઓ વનઅધિકારીઓ માટે એક અભ્યાસનો વિષય બની ગયા છે. સિંહોને એમની ટેરીટરી નકકી જ હોય છે. આ સિંહણની ટેરીટરી સાવરકુંડલા પાલિતાણા છે એ વિસ્તારમાં વસતા સિંહ પરિવારો જ એમને અને એમના બચ્ચાઓને રહેવા માટે નો-ઓબ્જેકશન સર્ટી કૂદરતી રીતે આપે છે. બીજી રેન્જમાં જાય તો કદાચ સિંહણને સ્વીકારી લે પણ બીજા નર બચ્ચાનો આવાસનો પ્રશ્ન થાય એમ છે. પરિવારને વિખુટો પાડી શકાય એમ નથી. આ સિંહણ અને બીજા બચ્ચાઓએ રેન્જની બહાર નીકળીને અવનવા વિસ્તારના જૂદા-જૂદા પ્રાણીઓના શિકાર કર્યા છે. આ દરમિયાન કોઈ એમને હિડન મેજર ઈન્ફેકશન તો નથી ને ? એની પણ તપાસ કરાશે. આ માટે જૂદાજૂદા પેથોલોજી ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે, કોઈ ચેપ બેકટેરિયા કે વાઈરસ કે ફંગલ લાગી ગયો હોય તો એમને આઈસોલેશનમાં રાખીને સારવાર આપવી પડે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24950

Thursday, November 6, 2008

ઊનાના પાદરમાં ફરી સિંહયુગલે ધામા નાખ્યા

Bhaskar News, Una
Wednesday, November 05, 2008 21:58 [IST]

ઊના-ગીરગઢડા રોડ પર આવેલી સ્યુગર ફેકટરી પાસે રાત્રિના સમયે ફરી વખત સિંહ યુગલે દેખા દેતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સિંહ યુગલને જોવા લોકોના ટોળાં ઊમટયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસો પૂર્વે ઊનાથી બે કિલોમીટર દૂર આવેલી સ્યુગર ફેકટરી પાસે ધામા નાખી પડેલા સિંહયુગલે પાંચ અબોલ જીવના મારણ કર્યા હતા.

ત્યારબાદ જંગલમાં ચાલ્યું ગયેલું સિંહયુગલે ફરી સ્યુગર ફેકટરી પાસે દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જયારે ફરી વખત સિંહયુગલ સ્યુગર ફેકટરી પાસે આવ્યાની વાત વાયુવેગે ઊના પંથકમાં ફેલાઇ જતાં લોકોનાં ટોળાં સિંહયુગલને જોવા ઊમટી પડયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/05/0811052159_lion_group_una.html

લોરમાં ઘરના ફળિયામાં બાંધેલા વાછરડાને ત્રણ સિંહો ખેંચી ગયાં

અમરેલી તા.૩
જાફરાબાદના લોર ગામે લાભ પાંચમના દિવસે ત્રણ સિંહોએ ગામના એક કોળી ગૃહસ્થના ઘરનાં ફળીયામાં બાંધેલા વાછરડાને ખેંચીને બહાર લઈ ગયાં હતાં અને મારણ કર્યું હતું. જ્યારે ઓસરીમાં ખાટલો ઢાળીને સુતેલી એક યુવતીનો બચાવ થયો હતો. લોરમાં રહેતા મનાભાઈ ખીમાભાઈ ચાવડાના ઘરના ફળીયામાં નવા વર્ષની રાત્રિએ આવી ચડેલા ત્રણ સિંહો મારણ કર્યા વગર જતાં રહ્યાં હતાં. પરંતુ લાભ પાંચમની રાત્રે ૧૧ વાગ્યે આ જ ગામના મનુભાઈ ઘુઘળવાના ઘરના ફળીયામાં ત્રણ સિંહો આવી ચડયાં હતાં. મનુભાઈના ઘરે મહેમાન તરીકે આવેલા ખાંભા તાલુકાના નિંગાળાના અસ્મિતાબેન (ઉ.વ. ૨૫) ઓસરીમાં સૂતા હતાં ત્યારે હલચલ થતાં તેણીએ આંખો ઉઘાડી જોયું તો ઓસરીમાં, ફળીયામાં અને ડેલીએ એમ ત્રણ સિંહો નજરે પડયાં હતાં. આ દ્રશ્ય જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેણીએ બીકના માર્યા રાડા રાડી કરતા એક સિંહે ખીલે બાંધેલા વાછરડાને દબોચી અરજણ વાઘેલાની વાડી સુધી ખેંચી જઈ મારણ કર્યું હતું. જયારે અસ્મિતબેનનો બચાવ થયો હતો. નોંધનીય છે કે, લોરની સીમમાં પંદરેક વર્ષ પહેલા બે સિંહનો વસવાટ હતો. હાલ આ પંથકમાં ૧૫ સિંહોનો વસવાટ થઈ ચૂક્યો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24243

Tuesday, November 4, 2008

એશિયાટિક લાયન પ્રોટેકશન સોસાયટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો

Bhaskar News, Rajkot
Sunday, November 02, 2008 23:45 [IST]

સૌરાષ્ટ્રની શાન સમા એશિયાટિક સાવજોના રક્ષણ માટે કાર્યરત એવી રાજકોટની સંસ્થા એશિયાટિક લાયન પ્રોટેકશન સોસાયટી દ્વારા તાજેતરમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું.સાથે જ મૂકબધીર બાળકોને પ્રાકત્તિક વાતાવરણ વચ્ચે પયર્ટનની મોજ કરાવવામાં આવી હતી.

સમગ્ર એશિયામાં સાવજ એકમાત્ર ગીરના જંગલમાં છે. એક સમયે રાજા-મહારાજાઓના શિકારના શોખ તથા વન્ય જીવસૃષ્ટિ પ્રત્યે લોકોમાં જાગૃતિના અભાવને કારણે સાવજો લુપ્ત થયાની અણી ઉપર આવી ગયા હતા. સદ્ભાગ્યે આજે સાવજોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.

પરંતુ, લોકોમાં સાવજો પ્રત્યે જાગૃતિ આવે, પર્યાવરણના જતનની ઝંખના જાગે અને જંગલના રક્ષણ અને સંવર્ધન માટેનો અભિગમ આકાર પામે એ માટે જનજાગૃતિ આવશ્યક છે અને રાજકોટની એશિયાટીક લાયન પ્રોટેકશન સોસાયટીએ પાયાનું કામ કરી રહી છે. સંસ્થા દ્વારા ગીરના જંગલની જાણકારી આપવા માટે ગીરના પ્રવાસીઓને માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવે છે. તહેવારો દરમિયાન જંગલની અંદર અને નજીક આવેલા ધાર્મિક સ્થળો આસપાસ કેમ્પ કરીને માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા સ્થાનિક લોકોને સિંહની અગત્યતા સમજાવી. ‘સિંહ આપણી શાન છે અને આપણો મિત્ર છે’ એવી લાગણી ઊભી કરવાનો પ્રયત્ન થાય છે. સૌરાષ્ટ્રની શાળાના વિધાર્થીઓના કૂદરતના ખોળે નૈસિર્ગંક વાતાવરણમાં કેમ્પોનું આયોજન કરી, નવી પેઢીને વન્ય જીવસૃષ્ટિ વિશે તથા તેની ઉપયોગિતા વિશે જ્ઞાત કરવામાં આવે છે.

આ સંસ્થા સંપૂર્ણપણે સાવજોને સમર્પિત છે. ગીરના જંગલમાં થતા શિકાર કે શિકારીઓ વિશે માહિતી આપનારને રૂા.૨૫ હજારનું ઈનામ આપનાર આ પ્રથમ સંસ્થા હતી. ગીરના જંગલમાં આવેલા ખુલ્લા કૂવામાં ફરતી પાળી બનાવવાના કાર્યમાં પણ આ સંસ્થા પરોક્ષ રીતે મદદરૂપ થઈ છે.

સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓ ઉપરાંત રકતદાનની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલી રકતદાન શિબિરમાં અનેક રકતદાતાઓ ઉમટી પડયા હતા. સાથે જ મૂકબધીર બાળકોને આજી ડેમના પ્રાકત્તિક વાતાવરણમાં સહેલગાહ પણ કરાવવામાં આવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/02/0811022346_asiatic_lion.html

કોડીનારની શિંગવડા નદીમાંથી મૃત હાલતમાં અજગર મળ્યો

Bhaskar News, Kodinar
Monday, November 03, 2008 23:58 [IST]

કોડીનારની શિંગવડા નદીમાં સાડા આઠ ફૂટ લાંબુ માદા અજગર મૃત હાલતમાં પડયું હોવા અંગે પ્રકતિ પરિવારના પ્રમુખે વન કર્મીઓને જાણ કરતા વન કર્મીઓએ અજગરની લાશ બહાર કાઢી પી.એમ.માટે પશુ દવાખાને ખસેડયું હતું. અજગરના માથાના ભાગે કોઈએ ગંભીર ઈજા પહોચાડી હોવાનું ખુલ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારની શિંગવડા નદીમાં સાડા આઠ ફૂટ લાબુ માદા અજગર મૃત હાલતમાં પડયું હોવાનું પ્રકતિ પરિવારના પ્રમુખ દિનેશ ગોસ્વામિએ જામવાળા રેન્જ ફોરેસ્ટરને જાણ કરી હતી. જાણ થતા આરએફઓ કુરેશી, છારાબીટ કે.એમ. પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને નદીમાં પડેલા મૃત અજગરને બહાર કાઢી પી.એમ. માટે પશુદવાખાને મોકલ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગત રાત્રે ૧૧ કલાકે આ અજગર પુલ પાસેથી દરગાહ બહાર ઝાડ પાસે દેખાતા લોકોનું ટોળુ એકત્રીત થઈ ગયું હતું અને પથ્થર તથા લાકડાથી અજગરને મારમારી શિંગવડા નદીમાં ફેરી દીધુ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

Source:

જૂનાગઢમાં ગિરિવર ગિરનારની ગોદમાં પરિક્રમાનો માહોલ શરૂ

Bhaskar News, Junagadh
Tuesday, November 04, 2008 00:01 [IST]

હરસુખ માસ્તરની સ્મૃતિમાં મશરૂની આગેવાની હેઠળની પરિક્રમામાં ૮૦૦ યુવાનો જોડાયા

જૂનાગઢમાં દર વર્ષે દીવાળી બાદ કારતક મહિનામા યોજાતી ગીરનારની પરિક્રમા શરૂ થવા આડે હજુ એક સપ્તાહ બાકી છે ત્યારે વર્ષોથી સ્વ. હરસુખ માસ્તરની સ્મૃતિમાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની આગેવાનીમાં યોજાતી ખાસ યુવાનો માટેની સાહસકિ પરિક્રમા સાથે જ શહેરમાં પરિક્રમાનો માહોલ ઉભો થવા લાગ્યો છે. ગઈકાલે યોજાયેલી પરિક્રમામાં આશરે ૮૦૦ જેટલા યુવાનો જોડાયા હતા.

જૂનાગઢમાં જૂની પેઢીના સ્વ. હરસુખ માસ્તરની સ્મૃતિમાં છેલ્લા ઘણા વર્ષોથી દીવાળી પછીના રવીવારે ગીરનારની પરિક્રમા યોજાય છે. ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ દર વર્ષે તેની આગેવાની લે છે અને ખાસ યુવાનોની સાહસકિતા વધે તે હેતુથી ૪૨ કિમીનું અંતર ૭ કલાકમાં પૂરૂ કરવાનો લક્ષ્યાંક તેમાં રખાય છે.

સવારનાં પ્હોરમાં શરૂ થતી આ પરિક્રમામાં યુવાનો રસ્તામાં પાંચેક કલાકનો સમય પ્રકતિ વિશેનું જ્ઞાન મેળવવામાં ચા-નાસ્તા અને જમવામાં વિતાવે છે. એ જ દિવસે સાંજે આ પરિક્રમા પૂરી થઈ જાય છે. ગઈકાલે તેમાં ૮૦૦ જેટલા યુવાનો જોડાયા હોવાનું સર્વોદય બ્લડ બેંસનાં અનિલ વ્યાસે જણાવ્યું હતું.

આ પરિક્રમાની સાથે જ શહેરમાં પરિક્રમાનો માહોલ શરૂ થઈ ગયો છે. જો કે, સત્તાવાર રીતે કારતક સુદ નોમથી પૂનમ સુધી યોજાતી ગીરનારની પરિક્રમામાં દેશભરના લાખ્ખો ભાવિકો ઉમટી પડે છે. આથી જૂનાગઢ વાસીઓ ઘણું ખરૂં નિયત દિવસો અગાઉ પોતે પોતાના મિત્રો કે, જૂથોમાં પરિક્રમા શરૂ કરી દે છે.

પ્રકતિ પ્રેમીઓતો લાખ્ખો ભાવિકો થકી થયેલી ગંદકીથીબચવા અગાઉના દિવસોમાં જ પરિક્રમા પૂર્ણ કરે છે. આ સવિાય પરિક્રમામાં ચાલતા અન્નાક્ષેત્રોમાં સેવા આપતા લોકો પણ પોતપોતાનાં આયોજનોની તૈયારીમાં લાગી ગયા છે. ટૂંકમાં, જૂનાગઢ ધીમેધીમે પરિક્રમામય બની રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/04/0811040002_prikramma_preparation.html

ગિરનાર પરિક્રમામાં પ્રાકૃતિક વારસો જાળવવાની ખેવના રાખો

જૂનાગઢ,તા.ર
ગરવા ગીરનારની પરંપરાગત પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ પરિક્રમા દરમ્યાન પ્રાકૃતિક વારસો જળવાઈ રહે અને જંગલને નુક્શાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની માંગણી સાથે યાત્રિકોને પણ જાગૃત થવા જૂનાગઢના પર્યાવરણ પ્રેમીઓએ અનુરોધ કર્યો છે.જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબના પ્રમુખ ડી. આર. બાલધાએ આ વિશે જણાવ્યું છે. ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાની ર્ધાિમક માન્યતા અનુસાર આ સ્થળનું મહત્વ ખુબ જ વધી જાય છે. ઉપરાંત ગીરનાર જંગલ ઔષધિઓનો પણ ભંડાર છે. આવા ભવ્ય પ્રાકૃતિક વારસાને જાળવીને રાખવો એ દરેક નાગરિકની ફરજ છે. પરંતુ દર વર્ષે પરિક્રમા દરમ્યાન ગીરનાર પર્વતના જંગલોમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે. ટન મોઢે પ્લાસ્ટીક તેમજ શેમ્પુ-સાબુ વગેરે જેવી વસ્તુઓના ઉપયોગ દ્વારા બેફામ પ્રદુષણ ઠાલવાય છે. ત્યારે સાધુ-સંતોએ આ દિશામાં આગળ આવી પ્રદુષણ અટકાવવા ભાવિકોને સમજાવવા જોઈએ તેમજ વન વિભાગે પહેલા જાગૃતિ લાવવા યોગ્ય પગલા લઈ જરૃર પડયે કાયદાનું શસ્ત્ર ઉગામવું જોઈએ. સામા પક્ષે પ્રજાજનોએ પણ થોડી જાગૃતિ દાખવી પ્રકૃતિને થતું નુક્શાન અટકાવવું જોઈએ. સામા પક્ષે પ્રજાજનોએ પણ થોડી જાગૃતિ દાખવી પ્રકૃતિને થતુ નુક્શાન અટકાવવુ જોઈએ. વ્યક્તિગત હિતોને બાજુ પર મુકી તમામને જાહેર હિતમાં કાર્યરત થવા અંતમાં અનુરોધ કરાયો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24012

ગિરનાર પરિક્રમામાં લાઉડ સ્પિકરો વગાડવા પર સખત પ્રતિબંધ

જૂનાગઢ,તા.૨
જૂનાગઢના ગરવા ગીરનારની પરંપરાગત યોજાનાર પરિક્રમાની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી રહી છે ત્યારે જંગલમાં મોટા અવાજે લાઉડ સ્પીકરો કે તેવી અન્ય વસ્તુઓ વગાડવા પર વન વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ રૃટ આસપાસ યાત્રિકોને અડચણ રૃપ થાય તેવા સ્ટોલ તંબુ ઉભા કરાશે તો જે તે વિસ્તારમા વન કર્મચારીની જવાબદારી ફીક્ષ કરવાની કડક સુચના ડી.સી.એફ. દ્વારા આપવામાં આવી છે.

ગીરનાર પરિક્રમા દરમ્યાન વન વિભાગે રાખવાની થતી તકેદારી બાબતે ડી.સી.એફ. અનિતા કર્ણએ આપેલી સુચનાઓ અનુસાર જંગલમાં લાઉડ સ્પીકરો વગેરે વધારે ઘોંઘાટ વાળા અવાજો ન થાય તે માટે ખાસ તકેદારી વન સ્ટાફે લેવાની રહેશે.

ઉપરાંત પરિક્રમા દરમ્યાન પરવાનગી વગરના વાહનો જંગલમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાની સાથે, યોગ્ય મર્યાદામાં જ પરવાનગીઓ આપવા પણ અધિકારીઓને આદેશ કરાયો છે. ઉપરાંત ગીરનાર પરિક્રમા માર્ગ પર પરિક્રમાર્થીઓને ચાલવામાં અડચણ થાય તે રીતે તંબુ કે સ્ટોલ કોઈ સંસ્થાઓ દ્વારા ઉભા ન કરાય તેની ખાસ તકેદારી રાખવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. અને જો આ દિશામાં આવ્યવસ્થા સર્જાશે તો જે તે વિસ્તારના જવાબદાર વન કર્મચારીઓની જવાબદારી ફીક્ષ કરી શિક્ષાત્મક પગલા લેવાની ચિમકી સાથે જરૃરી તમામ વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.

બીજી તરફ ડુંગર ઉતર રેન્જ આર.એફ.ઓ. એસ. કે. જાડેજા, દક્ષિણ રેન્જ આર.એફ.ઓ. એમ. એન. પરમાર, વિજય યોગાનંદી, ભીમભાઈ સુંડાવદરા, ફોરેસ્ટરો દોમડીયા, વગેરે દ્વારા પરિક્રમા રૃટની રિપેરીંગની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

પરિક્રમા દરમ્યાન વાયરલેસ સેટ્સ સાથે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મળી ૧૦૦ જેટલો સ્ટાફ તૈનાત રહેશે. તાજેતરમાં જ રાજ્યની હોમ બ્રાન્ચના ડે.કમિશ્નર શ્રી પટેલ અને જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલ વગેરેએ પણ મુલાકાત લીધી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24013

ગોંડલ પંથકમાં ફફડાટ ફેલાવનાર સિંહણ પરિવાર આખરે પાંજરે પુરાયો

ગોંડલ,તા.ર
તાલુકાના બેરાવડ નજીક આવેલ ખડવંથલીની ફોરેસ્ટ ખાતાની રિઝર્વ વીડીમાં છેલ્લા સાત દિવસથી સિંહણ પરિવારને ઝડપી લેવા ચાલી રહેલા ઓપરેશનનો સુખાંત આવ્યો હતો. એક સિંહણ તથા ત્રણ બચ્ચા સહિતનો પરિવાર પાંજરે પુરાતા તેને રાત્રે જ જૂનાગઢ ઝૂમાં રવાના કરાયો હતો. માંડણકુંડલાથી લઈ ખડવંથલી વીડી સુધીની દશ દિવસની સફર દરમિયાન પાંચ મારણ સાથે ગોંડલ પંથકમા ફફડાટ ફેલાવનાર સિંહણ પરિવારને ઝડપી લેવા ફોરેસ્ટ ખાતાની રિઝર્વ વીડીમાં જૂનાગઢ વિભાગના વનસંરક્ષક પાઠકના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત દિવસથી જંગલખાતાનું સૌથી મોટુ અને લાંબુ ઓપેરશન હાથ ધરાયું હતું. સાત-સાત દિવસની એકધારી કવાયત બાદ ગતરાત્રે સંપૂર્ણ પરિવાર પાંજરે પુરાયો હતો છ ફૂટ ઉંચા અને જંગલી ઝાડ તથા ઘાસથી ઢકાયેલા મોટા પિંજરામાં પ્રથમ એક બચ્ચુ અને સિંહણ ઝડપાયા બાદ ગતરાત્રે સાડા અગીયારે બીજુ બચ્ચુ અને રાત્રે દોઢ કલાકે ત્રીજુ બચ્ચુ પાંજરામાં પ્રવેશતા પાંજરૃ લોક કરી તમામને ઝડપી લેવાયા હતા. ત્રણ બચ્ચામા દોઢ વર્ષથી ઉપરના બે નર તથા એક માદાનો સમાવેશ થાય છે જે નજરે જોતા મોટા સિંહ-સિંહણ ગોંડલ પંથકમાં ફફડાટ ફેલાવનાર

લાગે આમ સિંહણ પરિવાર પાંજરે પુરાતા રાત્રે જ જૂનાગઢ ઝૂમાં ખસેડાયો હતો. ગોંડલ પંથકમા સિંહણ પરિવારને ઝડપી લેવા ફોરેસ્ટ વિભાગના ધાડા ઉતરાયા હતા જેમાં ધારીના નાયબ વનસરંક્ષક રાજા, રાજકોટના પરમાર, ધારી ડીવીઝનના ત્રણ આર.એફ.ઓ. ઉપરાંત ગોંડલના આર.એફ.ઓ. વી.કે. માદળીયા, સાસણગીર, ધારીની રેસ્કયુ ટીમ સહિત અંદાજે સાઈઠ કર્મચારીઓના કાફલાએ દિવાળીના તહેવારોમાં પણ વીડીમા ઘેરો ઘાલી સાત દિવસ ઓપરેશન ચલાવ્યું હતુ. સિંહણ પરિવારે ગોંડલ પંથકમાં પરોણાગત કરતા ખેડૂતો અને માલધારીઓમા ફફડાટ ફેલાયો હતો. પરંતુ સિંહણ પરિવાર આખરે પાંજરે પુરાતા પંથકમાં હાશકારો થવા પામ્યો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24000

Sunday, November 2, 2008

સિંહણ અને એક બચ્ચું પકડાયાં બે ‘ટાબરિયાં’ હજુ પણ ફરાર.

Bhaskar News, Rajkot
Saturday, November 01, 2008 23:57 [IST]

ગીરના જંગલમાંથી ગોંડલના પાદરે અને ત્યારબાદ ત્યાંથી વંથલી તરફ પ્રયાણ કરી ગયેલી એક સિંહણ અને તેના ત્રણ બચ્ચાંને પાંજરે પૂરવા માટે વનખાતાએ કરેલા રાતઉજાગરા અને ૨૪ કલાકની મહેનતનું અંતે ફળ મળ્યુંછે.

શુક્રવારની મોડીરાત્રે સિંહણ અને એના એક બચ્ચાંને પાંજરે પૂરવામાં તંત્રને સફળતા મળી છે. આ પરિવારના બે બચ્ચાં હજુ ‘ફરાર’ છે. પણ, સિંહની પ્રકત્તિ જાણતા વનખાતાના તજજ્ઞો આ બન્નો બચ્ચાં પણ શનિવારથી રાત સુધીમાં પાંજરે પૂરાઈ જશે એવો આશાવાદ સેવી રહ્યા છે.

ગત તા.૨૩-૧૦ના રોજ ગીરના જંગલમાંથી ગોંડલ પાસેના ગામડાંમાં એક સિંહણ અને એના ત્રણ બચ્ચાંએ ધામા નાખતાં સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ગીરનું જંગલ છોડીને આટલે દૂર સાવજો આવ્યા હોય એવા આ પ્રથમ બનાવને કારણે વનખાતું પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું હતું અને આ સાવજ પરિવારને પકડવા માટે ધારી, જૂનાગઢ અને સાસણના ૬૦ જેટલા અધિકારીઓની ફોજ ધંધે લાગી હતી.

બીજી તરફ સાવજોએ જામકંડોરણા થઈને વંથલીથી આઠ કિ.મી. દૂર આવેલા ૩૬૦ હેકટર વિસ્તારમાં પથરાયેલી વીડીમાં ધામા નાખતા તંત્રે પણ ત્યાં પડાવ નાખ્યો હતો. આ ભાગેડું સાવજોને પકડવાનું ઓપરેશન તા.૨૪થી શરૂ થયું હતું. દિવાળીના તહેવારોમાં પણ વનખાતાના કર્મચારીઓએ આ કપરી ફરજ બજાવી હતી. પણ, ચતુર સિંહણ કે એના બચ્ચાં હાથમાં નહોતા આવતાં.

દરમિયાનમાં આ વીડીમાં મૂકવામાં આવેલા મારણ સહિતના સાત પાંજરા પૈકીના એકમાં શુક્રવારની ભાંગતી રાત્રે સિંહણ અને તેનું એક બચ્ચું પકડાઈ ગયા હતા. આર.એફ.ઓ. માદડિયાના જણાવ્યા મુજબ સફળતાનો આ પ્રથમ તબક્કો પાર પડયો છે. સિંહણ પકડાયા બાદ હજુ બહાર રહેલા એના બે બચ્ચાં તેની માતાને ‘મળવા’ માટે પાંજરા સુધી આવી ગયા હતા. વનખાતાને હવે પાકો ભરોસો છે કે એ બન્નો બચ્ચાં તેની માતા વગર રહી નહીં શકે અને જનેતાને મળવાના પ્રયાસમાં એ બન્નો બચ્ચાં પણ પકડાઈ જશે.

વંથલીમાં વનખાતાનું રસોડું

વનખાતાના નાના-મોટા સાંઈઠ જેટલા કર્મચારીઓ વંથલીની વિશાળ વીડી ઉપર ચાંપતી નજર રાખીને ૨૪ કલાક અવિરત ફરજ બજાવી રહ્યા છે. આટલા બધા માણસો માટે ભોજન તથા ચા-પાણીની વ્યવસ્થા કરવી એ પણ કાંઈ આસાન કામ નહોતું. અંતે તંત્ર દ્વારા વીડીમાં રસોડું જ શરૂ કરી દેવામાં આવ્યું છે. જંગલમાંથી ભાગેલા કોઈ સાવજને પકડવા માટે અત્યાર સુધીમાં થયું હોય એવું આ મોટામાં મોટું ઓપરેશન છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/01/0811012358_lioness_cubs.html

સિંહ પરિવાર વન વિભાગને હંફાવે છે: ૪ દિવસથી વંથલી વીડીમાં ધામા

Bhaskar News, Rajkot
Saturday, November 01, 2008 00:17 [IST]

ગીરના જંગલમાંથી ભાગી ૯ દી’ પહેલાં ગોંડલ પંથકમાં આંટો-ફેરો કરી ગયેલો

ગીરના જંગલમાંથી ત્રણ બચ્ચાં સાથે ભાગી છૂટેલી સિંહણ છેલ્લા ૪ દિવસથી વંથલીથી આઠ કિલોમીટર દૂર આવેલી ૩૬૦ હેકટરમાં પથરાયેલી રિઝર્વ વંથલી વીડીમાં છૂપાઇ છે. આ પરિવારને ઝડપી લેવા બે મોટા સહિત કુલ સાત પાંજરાં મૂકવામાં આવ્યા હોવાનું ડીએફઓ માદળિયાએ ‘‘દિવ્ય ભાસ્કર’’ને જણાવ્યું હતું.

૯-૯ દિવસથી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ધંધે લગાડનાર સિંહ પરિવાર શનિવારની સવાર સુધીમાં પાંજરે પૂરાય તેવી આશા જંગલ ખાતાના અધિકારીઓ સેવી રહ્યા છે.ગત તા.ર૩/૧૦ના રોજ ગોંડલ પાસેના ગામડાંમાં સિંહ પરિવારે ધામા નાખ્યા હોવાનું જાહેર થયા બાદ ધારી, સાસણ, જૂનાગઢ, સહિતના શહેરમાંથી વન વિભાગના ૪૦ થી પ૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ એક સિંહણ અને તેના ત્રણ બચ્ચાને પકડી લેવા તૈનાત થયો હતો. જો કે, ૯-૯ દિવસ થવા છતાં આ પરિવાર હાથમાં આવ્યો ન હતો.

ગોંડલના ડૈયા-અનિડા થઇ જામકંડોરણા આસપાસ એકાદ રાતવાસો કર્યા બાદ સિંહ પરિવાર વંથલીથી આઠ કિલોમીટર વંથલી વીડીમાં ધામા નાખીને બેઠો છે. ડીએફઓ માદળિયાએ જણાવ્યું હતું કે, ગત મંગળવારથી સિંહણ અને તેના ત્રણ બચ્ચાં વંથલી વીડીમાં જઇ ચડયા છે.

આ વીડીનું ક્ષેત્રફળ ૩૬૦ હેકટર છે અને આખી વીડીમાં છાતીસમાણું ખડ હોય સિંહ પરિવારને શોધવો મુશ્કેલ થઇ પડયો છે. આમ છતાં સિંહણના ગળામાં કોલર આઇડી હોવાના કારણે ૫૦૦ મીટરના વિસ્તારમાં જયાં આ પરિવાર છે તેની આસપાસમાં બે મોટા રિંગ પાંજરાં સહિત નાનાં મોટા સાત પાંજરાં મૂકવામાં આવ્યા છે.

અગાઉ એક સાથે ચારેયને એક મોટા પાંજરામાં પકડવાની યોજના હતી પરંતુ હવે અલગ-અલગ પાંજરામાં બચ્ચા અને સિંહણને જબ્બે કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા નવ દિવસથી સતત આ સિંહ પરિવારની પાછળ પાછળ દોડતો વન વિભાગનો સ્ટાફ પણ થાકયો છે, ત્યારે શનિવાર સવાર સુધીમાં ઓપરેશન પાર પડે તેવી સૌને આશા છે.

રપ ટકા સ્ટાફ માંદો પડી ગયો

છેલ્લા નવ-નવ દિવસથી સિંહ પરિવારની પાછળ દોડતો વન વિભાગનો સ્ટાફ હાંફી ગયો છે. લગભગ ૧૦થી ૧ર જેટલા કર્મચારીઓ ર૪ કલાકની મહેનતના કારણે માંદા પડી ગયા છે. અમુક કર્મચારીઓ માત્ર બે જોડી કપડાં લઇને આ ઓપરેશનમાં જોડાયા હોય તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દીપાવલીના તહેવારોમાં પણ આ તમામ ૪૦ થી પ૦ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજમાં વ્યસ્ત રહ્યા હતા અને હજુ પણ જયાં સુધી સિંહ પરિવાર ન પકડાય ત્યાં સુધી કાર્યરત રહેશે.

સિંહ પરિવાર ત્રીજી વાર ભાગ્યો

ડીએફઓ માદળિયાએ જણાવ્યું હતું કે, આ સિંહ પરિવાર જંગલમાંથી ત્રીજીવાર અન્ય વિસ્તારમાં જઇ ચડયો છે આથી ખાસ કરીને સિંહણ વધુ પડતી ચપળ થઇ ગઇ છે. અન્યથા કોઇ પણ વન્ય પ્રાણી વધુમાં વધુ એકાદ-બે દિવસમાં પાંજરામાં અચૂક સપડાઇ જાય પરંતુ આ સિંહ પરિવાર ભાગી છૂટવામાં માહિર હોવાનું અને ત્યાર બાદ પાંજરાંમાં નહીં સપડાવામાં ચાલક હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/01/0811010017_lion_family.html

ગિરનાર પરિક્રમાની શરૃઆત સાથે ઉજવાશે જૂનાગઢ આઝાદી દિન

જૂનાગઢ,તા.૧
દિવાળીના તહેવારો હજી તો માંડ પુરા થયા છે ત્યા જ જૂનાગઢવાસીઓ માટે વધુ બે નવા તહેવારો એકી સાથે આવી રહ્યા છે. કારતક સુદ અગિયારસથી શરૃ થતી ગીરનાર પરિક્રમા અને જૂનાગઢ મુક્તી દિન ૯ નવેમ્બરનો આ વર્ષે સુભગ સમન્વય હોવાથી ભજનોની રમઝટ અને દેશભક્તિના ગીતોના ગુંજારવ વચ્ચે જૂનાગઢનું વાતાવરણ તહેવારમય બની જશે. જૂનાગઢમાં પૌરાણીક પરંપરા અનુસાર દર વર્ષે યોજાતી ગીરનારની પાવનકારી પવિત્ર પરિક્રમા આગામી તા.૯ ના રોજથી શરૃ થઈ રહી છે. રાજ્ય અને રાજ્ય બહારથી લાખ્ખો ભાવિકો પાંચ દિવસ દરમ્યાન પ્રકૃતિ મધ્યે ભગવાનની આરાધના કરવા માટે ઉમટી પડે છે. ગિરિતળેટી ભવનાથમાં તો મેળા જેવો માહોલ હોય જ છે, પણ જૂનાગઢના રસ્તાઓ પર પણ યાત્રિકોની સારી એવી ભીડ રહે છે. પરિક્રમા માર્ગ પર જંગલમાં ત્રણ રાત્રીના પડાવ બાદ પાંચમાં દિવસે પરિક્રમા પુરી થાય છે. અને આ પાંચ દિવસ દરમ્યાન ગીરનારનું સમગ્ર વાતાવરણ અનેરા ભક્તિમય માહૌલમાં ફેરવાઈ જાય છે. પૂણ્યનું ભાથુ બાંધીને પરિક્રમામાંથી પરત જતા હોય તેવો સ્પષ્ટ ભાવ દરેક યાત્રિકના મુખ પર વર્તાઈ આવે છે.

જોગાનું જોગ આ વર્ષે પરિક્રમાની શરૃઆત સાથે જૂનાગઢનો ૬૧ મો આઝાદી દિન પણ આવી રહ્યો છે. આખો દેશ ૧પ ઓગષ્ટ, ૧૯૪૭ ના રોજ આઝાદ થયેલ. પરંતુ જૂનાગઢના નવાબે પ્રજામતની વિરૃદ્ધ પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય જાહેર કરતા જૂનાગઢને આઝાદ કરવાની એક અલગ ચળવળ આરઝી હકુમતના નેજા હેઠળ શરૃ થયેલ. અને આ લડતને ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સફળતા મળતા આ દિવસે જૂનાગઢ આઝાદ થયેલ. આગામી ૬૧ માં આઝાદી દિન નિમીતે મનપા દ્વારા વિજય સ્તંભની પૂજનવિધિ, બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, દેશભક્તિ ગીત સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ત્યારે આખા દિવસ આવા કાર્યક્રમોના આયોજન વચ્ચે બીજી તરફ ગરવા ગીરનારની ગોદમાં પૌરાણીક પરિક્રમાની શરૃઆત થશે. બન્ને તહેવારોની ઉજવણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23796

જૂનાગઢના પ્રવાસન સ્થળો ખાતે હજ્જારો પ્રવાસીઓ ઉમટી પડયા

જૂનાગઢ,તા.૩૧
દિવાળીના તહેવારોમાં શાળા અને ઓફીસોમાં પડતા મીની વેકેશનોને લીધે પ્રજાજનોનો એક વર્ગ તહેવારોમાં ફરવા માટે નિકળી પડતો હોય છે. આ વખતે જૂનાગઢના પ્રવાસન સ્થળો ખાતે હજ્જારો પ્રવાસીઓ તહેવારોના પાંચ દિવસ દરમ્યાન ઉમટી પડયા હતા. ખાસ કરીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ, દરબાર હોલ મ્યુઝીયમ વગેરે સ્થળોએ બહારના પ્રવાસીઓની સારી એવી ભીડ રહી હતી. તહેવારોના પાંચ દિવસ દરમ્યાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આશરે ૩૦ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા. સવારથી મોડી સાંજ સુધી પ્રવાસીઓની આવક શરૃ જ રહેતી હતી. ઝૂ ના નિયામક વી. જે. રાણાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

ગરવા ગીરનાર ખાતે તહેવારો દરમ્યાન શાંત વાતાવરણ રહ્યા બાદ ગઈ કાલ બીજ થી યાત્રીકોનો પ્રવાહ શરૃ થયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના જણાવ્યા મુજબ ગઈ કાલે ર૦ હજારથી વધુ પ્રવાસીઓ ગીરનાર પર આવ્યા હતા. જો કે શિયાળા દરમ્યાન હવેથી કાયમી ગીરનાર પર યાત્રીકોની ભીડ રહેશે.

જૂનાગઢના નવાબી કાળની ઝાંખી કરાવતા દરબાર હોલ મ્યુઝીયમ ખાતે સંગ્રહાયેલ પ્રાચિન વારસાને નિહાળવા પણ સારા એવા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. પ્રાચિન ધરોહર સચવાયેલી છે એવા ઉપરકોટના કિલ્લાની મુલાકાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. તેમજ જૂનાગઢ જાણીતા તમામ સ્થળોએ સારી એવી ભીડ રહી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23678

Saturday, November 1, 2008

ગીરપંથકમાં સિંહદર્શન કરવા માટે સહેલાણીઓનો ભારે ઘસારો

Bhaskar News, Talala(Gir)
Friday, October 31, 2008 22:57 [IST]

ગીરપંથકના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોને જોવા દિવાળીના મિનિ વેકેશનમાં સાસણ (ગીર) ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષની માફક ઊમટી પડયા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા શહેરો સહિત બહારના રાજયોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત માટે આવતા સાસણ (ગીર)ની તમામ હોટેલો, રિસોર્ટ અને ગેસ્ટહાઉસો હાઉસફૂલ થઈ ગયા હતા જેથી સ્થાનિક લોકોને ધંધામાં સારો તડાકો પડયો હતો.

ગીર જંગલના હાર્દસમા સાસણ (ગીર) ખાતે પહોંચી ગીર અભ્યારણ્યની મુલાકાત કરી સિંહ સહિતના વન્યપ્રાણીઓને જોવાનો લહાવો લેવા ઊમટી પડેલાં પ્રવાસીઓના ભારે ઘસારાથી વનવિભાગ પણ ઘાંઘુ બની ગયું હતું. દરરોજ નેવું ગાડીઓને જંગલમાં જવાની અપાતી પરમિટના બુકિંગો આગલા દિવસોથી બૂક થઈ ગયેલા હોટેલો, ગેસ્ટહાઉસો, રિસોર્ટમાં ઊચા ભાડાં ચૂકવી લોકો રૂમ મેળવતા હતા છતાં દરેક પ્રવાસીઓને હોટેલોમાં જગ્યા મળતી નહોતી.

જેનો લાભ સાસણના સ્થાનિક રહીશો કે જેમની પાસે પોતાના મકાનોમાં વધારાના રૂમો છે તે લોકો પ્રવાસીઓને ઊચા ભાડાથી રૂમો ભાડે આપતા હતા. ગીર જંગલની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાંથી મોટાભાગના લોકોને સિંહદર્શન કરવાની ઈરછા પૂરી થતી નહોતી.

કેમ કે, જંગલમાં લોકોના ભારે ઘસારાથી સિંહો ખલેલ ન પડે તેવા ગીચ વિસ્તારમાં જંગલભાગમાં નીકળી ગયા હતા તેમ સ્થાનિક ગાઈડોએ જણઆવ્યું હતું. ઉચા ભાડા ચૂકવી વાહનો ભાડે કરી વનવિભાગની પરમિટોની ફી ચુકવી જંગલની મુલાકાત કરતા પ્રવાસીઓને સિંહદર્શન ન થતાં વનવિભાગના આયોજનો સામ અણગમો વ્યકત કરતા હતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગીર અભયારણ્યની દૂર દૂરથી મુલાકાતે આવતા લોકો સિંહદર્શન કરી શકે તે માટે અભયારણ્યના રૂટોમાં સિંહ જોવા મળે તેવા લોકોશનો ગોઠવવા જોઈએ તેવી લાગણી વ્યકત કરતા હતા. ખાસ તો સ્કૂલો, કોલેજોના છાત્રોની ટુરને સિંહો જોવા ન મળતાં ભારે નિરાશ થયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2008/10/31/0810312300_tourists_rush.html

૧૩ ડાલામથ્થા ધારીના પાદરે પૂગ્યા: પાંચ ગાયોનો શિકાર.

Bhaskar News, Dhari
Saturday, November 01, 2008 00:17 [IST]

ખોખરા મહાદેવ પાસે લોકોના ટોળાં જોઇ વનરાજો ગાયબ

ધારી નજીક આવેલા ખોખરા મહાદેવના મંદિર પાસે ગતસાંજે ચારો કરતી ગાયોનાં ધણ પર બારથી ૧૩ સિંહોનાં ટોળાંએ હુમલો કરી પાંચ જેટલી ગાયોને મોતને ઘાટ ઉતારતાં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સિંહ જોવા એકઠાં થતાં સિંહો મારણ અધુરૂ મૂકીને નાસી છૂટયા હતા. જો કે મોડીરાત્રે ટોળું વિખેરાયા બાદ ફરી સ્થળ પર આવીને ગાયોની મિજબાની માણી ગયા હતા.

ભાઇબીજની સમીસાંજે ધારીથી ચાર કિ.મી. દૂર આવેલા ખોખરા મહાદેવ મંદિરની પાસે ચારો કરતી ગાયોના ધણ પર બારથી ૧૩ સિંહોના ટોળાંએ હુમલો કરી પાંચ જેટલી ગાયોને મોતને ઘાટ ઉતારીને આરામથી ભાઇબીજની મિજબાની માણી હતી. આ વાત વાયુવેગે ફેલાઇ જતા મોટી સંખ્યામાં લોકો સિંહને જોવા એકઠાં થઇ જતાં એક ગાયનું ભોજન કરીને બાકીની ગાયોને છોડીને તમામ સિંહો ગાયબ થઇ ગયા હતા.

સિંહ દર્શન માટે લોકો મોડીરાત સુધી ત્યાં જ બેઠા રહ્યા હતા. પરંતુ સિંહોના દર્શન ન થતાં આખરે ધારી પોલીસે સ્થળ પર પહોંચીને લોકોને રવાના કર્યા હતા. જો કે રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં શાંત વાતાવરણમાં સિંહોનું ટોળું ફરી આ સ્થળે આવ્યું હતું અને મારણ કરેલી ગાયોની મિજબાની માણી હતી. વહેલી સવારે પણ સિંહો ત્યાં જ અડીંગો જમાવીને બેઠેલા હોઇ લોકોએ મનભરીને સિંહ દર્શન કર્યા હતા.

દરમિયાન વન વિભાગને ઘટનાની જાણ થતાં આરએફઓ વતપરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. વનવિભાગના અધિકારી રાજાને ધારીના પ્રાણીપ્રેમી હસુભાઇ દવેએ ટેલિફોનિક જાણ કરેલી પરંતુ તેઓ ગોંડલ ખાતે અન્ય કામમાં વ્યસ્ત હોઇ તેઓ આવી શકયા ન હતા. આ બનાવે ધારી પંથકમાં સારી એવી ચકચાર જગાવી દીધી છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/01/0811010018_lions_kill.html

સાત દિવસ બાદ ગોંડલ પંથકને ઘમરોળતી સિંહણ અંતે એક બચ્ચા સાથે પાંજરે પૂરાઈ

ગોંડલ તા.૩૧

છેલ્લા સાત દિવસથી ગોંડલ પંથકને ઘમરોળતી સિંહણ અને એમના બચ્ચા સાથેનો પરિવાર જંગલ ખાતાના અધિકારીઓ અને આશરે સાંઈઠ જણાના સ્ટાફને હંફાવી રહી છે.એક વાર પાંજરામાં મૂકેલા મારણને સ્વાહા કરીને વનઅધિકારીઓને દીવાળી ટાણે જ એપ્રિલફુલ કરીને પાંજરામાંથી આબાદ રીતે છટકી ગયા બાદ ખડવંથલીની વીડીમાં ગોઠવાયેલા બીજીવાર મૂકાયેલા પાંજરામાં સિંહણ અને એક બચ્ચુ આબાદ રીતે સપડાઈ ગયા છે.બાકીના બે બચ્ચા પકડવા માટે વનઅધિકારીઓએ અભિયાન જારી રાખ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સાવરકુંડલા પાલિતાણા રેન્જમાંથી બહાર નીકળી ગયેલી સિંહણ અને એમનો પરિવાર છેક રાજકોટ જિલ્લાના માંડણકુંડલાની સીમમાં આવી ચડયો હતોે.બાદમાં આ પરિવાર ગોંડલ ખાતે આવી પહોંચ્યો હતો વેરી તળાવ આસપાસની વાડીમાં મારણની મિજબાની માણ્યા બાદ સરાજાહેર પ્રગટ થઈ હતી.આ પછી કોટડારોડ ખરેડા અને અનીડા ડૈયાની સીમમાં માર૯૮ણ કરીને છેલ્લે વનખાતાને સતત દોડાવતા દોડાવતા બેટાવડ નજીક આવેલી વંથલી વીડીમાં પહોંચી ગયા હતા.અનીડાની સીમમાં વનખાતાએ પાંજરાઓ ગોઠવેલા હતા.ઉમેદ અઘેરાની વાડીએ આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું.પરંતુ સિંહણે પાજરામાં મૂકાયેલા મારણને મારીને નિરાંતે મારણ ખાઈને પાંજરામાંથી સિંહણ આબાદ છટકી ગઈ હતી.આમ વનખાતાની મહેનત એળે ગઈ હતી.ફરી એની રેડિયોકોલર મારફત ભાળ મળતા વંથલી વીડીમાં સાંઈઠ જેટલા વન સ્ટાફે પાંજરા ગોઠવ્યા હતા.અને છેલ્લા ત્રણ દિવસથી રાહ જોઈને બધા બેઠા હતાં દરમિયાન આજે સાંજે સિંહણ પાંજરામાં આબાદ રીતે સપડાઈ ગઈ હતી.જોકે આગલા દિવસે સિંહબાળ પણ પાંજરામાં પૂરાઈ ગયું હતું આમ બે જીવ પાજરે પુરાઈ ગયા છે.હવે બે જીવને પાંજરે પુરવા બાકી છે જેને પકડી લેવા માટે કવાયત હાથ ધરાઈ છે. આ માટે ધારીના આર.એફ.ઓ. સહિત બે ડીએફઓ અને સકકરાબાગ ઝુના કવોલિફાઈડ અને ટ્રેઈન્ડ સ્ટાફ કામે લાગ્યા છે.રાતે ચારેય જીવ પાંજરે પુરાઈ જાય એમ શકયતા છે.આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યો છે.વનખાતાના સ્ટાફ સિવાય કોઈને આ બાજુ જવા દેવામાં આવતો નથી.પીનડ્રોપ સાયલન્સ વાતાવરણ કરી દેવામાં આવ્યું છે. બહાર રહેલા બે બચ્ચાઓ દશ મિટર દુર એમની માના પાંજરાથી ઘૂમી રહયા છે.એમના મારણ માટે ગોઠવાયેલા પાંચ પાજરામાં બકરાના નાના નાના બચ્ચાઓને મૂકવામાં આવ્યા છે.કુલ છ પાંજરા એવી રીતે ગોઠવ્યા છે કે એક પાંજરામાંથી બીજા પાંજરામાં આસાનીથી જઈ શકાય...રાતે કદાચ એમની મા એમને બોલાવે અને બચ્ચા એમના અવાજથી આકર્ષાઈને પાંજરામાં જઈ ચડે. અને એને પાજરામાં જતા ન આવડે તો એમને પાંજરામાં જવા માટે વનખાતાના સ્ટાફે જુદીરીતની વ્યવસ્થા કરી છે.

* જો બચ્ચા ન પકડાય તો જોખમઃ તો સિંહણને પણ ફરી મુકત કરી દેવી પડે

વન અધિકારીઓના કહેવા મુજબ મહામુશીબતે સિંહણ તો પકડાઈ ગઈ છે.એક બચ્ચુ પણ પકડાઈ ગયું છે.પણ જો બાકીના બે બચ્ચા ન પકડાય તો ભારે મુશીબત આવી શકે છે કારણ કે બચ્ચા વિના મા પાંજરામાં તરફડિયા મારે અને ભુરાંટી થાય ..જો એમને છોડવામાં આવે તો પણ મુશીબત અને ન છોડવામાં આવે તો પણ મુશીબત આમ વનખાતા માટે બાકીના બે બચ્ચા માટે ભારે ધર્મસંકટ આવ્યું છે.અને એમને પકડવા તેમજ એમના ખોરાક માટે ચેલેન્જનું કામ છે.જો એને બહાર ખોરાક મળતો રહે તો બચ્ચા અંદર ન આવે અને બહાર રહે..આમ પકડવા એ મુશીબત બની જાય જો આમ થાય તો સિંહણને પણ બચ્ચા સાથે પાંજરામાંથી મૂકત કરી દેવી પડે એવી કફોડી હાલત થાય એમ છે કારણ કે એમના બચ્ચા ખોરાક છોડી દે એવી હાલત બને ...આમ સંવેદનશીલ મુદ્દો ઉભો થાય ...એમ એક વનખાતાના ઓપરેશન સ્ટાફના પ્રવકતાએ જણાવ્યું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23670

ફોરેસ્ટ વિભાગને ઉલ્લુ બનાવી સિંહ પરિવાર છટકી ગયો

ગોંડલ,તા,ર૯

છેલ્લા પાંચ દિવસથી ગોંડલ પંથકને ઘમરોળી રહેલા સિંહ પરિવારે ફોરેસ્ટ ખાતાને હાથતાળી આપી અનિડા ડૈયાની સીમમાંથી છટકી જવામાં સફળતાં મેળવી હતી. સિંહ પરિવારને ઝડપી લેવા માટે પિંજરા અને મારણ સાથે કલાકો સુધી કલાકો સુધી કવાયત હાથ ધરનાર ફોરેસ્ટ ખાતાની મહેનત પર પાણી ફરી વળ્યું હતુ. છેલ્લે સિંહ પરિવારનું લોકેશન બેટાવડની વીડી તરફ મળી રહ્યું હોય ફોરેસ્ટ ખાતાની ટુકડીઓ પાંજરા સાથે બેટાવડની વીડીમાં દોડી ગઈ છે.

* કલાકોની જહેમત પર પાણી ફેરવી સિંહ પરિવાર બેટાવડ અને જામકંડોરણા તરફ

કોટડાસાંગાણી રોડ પર ગોપાલ માટીયાની વાડીમાં ગાયના મારણ બાદ સિંહ પરિવારનું લોકેશન અનિડા અને ડૈયાની સીમમાં આવેલ ઉમેદભાઈ અઘેરાની વાડીમાં મળતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેતરને કોર્ડન કરી ખેતરમાં પાંજરુ ગોઠવી સિંહ પરિવારને ઝડપી લેવા વ્યુહ ગોઠવ્યો હતો. સામાન્ય રીતે સિંહને પાંજરે પુરવા ખુબ જોખમી કામ હોય સાવચેતીપુર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. રાતના સાડા આઠે સિંહણે પાંજરામાં રાખેલ બકરાનું મારણ કર્યું હતુ. બાદમાં ફરી ખેતરમાં જુવારના પાકમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ સિંહણના બે નાના બચ્ચાઓ એક પછી એક પાંજરામાં પ્રવેશી થોડુ મારણ ખાઈ પરત ચાલ્યા ગયા હતા.

દિલધડક ઓપરેશનનો રોમાંચ અનુભવતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓને આશા બંધાઈ હતી કે હવે આખો પરિવાર પાંજરામાં મારણનું ભોજન લેવા આવશે તેવી ઉતેજના સાથે ફોરેસ્ટ વિભાગની ટુકડીઓ સાબદી બની હતી. પરંતુ કલાકોની તપસ્યા કરવા છતાં સિંહ પરિવાર પાંજરા પાસે નહીં ફરકતા ખેતરમાં તપાસ કરતા સિંહ પરિવાર ગુમ જણાયો હતો. અને ફોરેસ્ટ વિભાગને મુર્ખ બનાવી સિંહ પરિવાર ચાલાકીપુર્વક ખેતરમાંથી છટકી જઈ ડૈયાની સીમ છોડી વીસ કિમી જેટલો દુર નીકળી ગયો હતો.

આરએફઓ માદળીયાએ જણાવ્યું હતુ કે અમે એકલી સિંહણ કે બચ્ચાઓને પાંજરે પુરવાનું મનાસીબ માન્યું ન હતુ. કારણ કે તે બાબત ખુબ જ જોખમી બની શકે, પરંતુ હવે વ્યુહ બદલી જેટલા ઝડપાય તેટલાને પાંજરે પુરવા પડશે. કદાચ આખો પરિવાર સાથે ન પણ ઝડપાય, છેલ્લે બેટાવડની વીડી તરફ સિંહ પરિવારનું લોકેશન મળતા ફોરેસ્ટ વિભાગનો કાફલ બેટાવડ અને જામકંડોરણા દોડી ગયો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23504