Friday, September 30, 2011

સાંકળ તોડી ગાયે દીપડાના હુમલામાંથી માલિકને બચાવ્યો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:33 AM [IST](13/09/2011)
- સાવરકુંડલાના દોલતી ગામની ઘટના

સાવરકુંડલાના દોલતીમાં એક દીપડાએ માલધારી પર વાડામાં ઘુસીને હુમલો કરતા ખીલે બાંધેલી ગાય સાંકળ તોડીને માલિકની મદદે દોડી હતી અને દીપડાનો પ્રતિકાર કરી માલિકને બચાવી લીધો હતો.

હિન્દુ સમાજે ગાયને માતાનો દરજજો શા માટે આપ્યો છે તેની પ્રતિતિ કરાવતી ઘટના ગઇરાત્રે સાવરકુંડલાના દોલતી ગામે બની હતી. અહીના હરસુર બાવભાઇ કાચેલા(ઉ.વ.૩૦) નામના રબારી યુવાને ગાય, ભેંસ, બકરા સહિતના માલઢોર પોતાના વાડામાં બાંધી રાખ્યા હતાં અને માલઢોરનુ રખોપુ કરવા તે ઓસરીમાં સુતો હતો તે વખતે વંડી ટપી ફરજાના છાપરા પરથી શિકારમાં નીકળેલો દીપડો ઘરમાં ઘુસ્યો હતો દીપડાએ એક બકરીને ગળામાંથી પકડી લેતા દેકારો થયો હતો જેને પગલે જાગી ગયેલો હરસુર રબારી વાડામાં દોડી ગયો હતો દીપડાએ બકરીને પડતી મુકી સીધો જ હરસુર પર હુમલો કરી દીધો હતો.

દીપડાએ તેમના શરીર પર અનેક બટકા ભર્યા હતા ઘટનાને પગલે વાડામાં માલઢોરમાં પણ અફડા તફડીનો માહોલ છવાઇ ગયો હતો દીપડો હરસુરને વધુ ઘાયલ કરે તે પહેલા જ સાંકળ વડે ખીલે બાંધેલી એક ગાય સાંકળ તોડીને તેની મદદે દોડી હતી આ ગાય સીધી જ દીપડા પર ધસી જતા ગભરાયેલો દીપડો વંડી ટપી નાસી છુટયો હતો.

મુંગા પશુની માલિક પ્રત્યેની વફાદારીએ યુવકનો જીવ બચાવી લીધો હતો ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યો છે.

દીપડો માલધારીને અનેક બટકાં ભરી ગયો –

હરસુર કાચેલા વાડામાં આવતા જ દીપડાએ બકરીને પડતી મુકી તેના પર હુમલો કરી દીધો હતો હરસુરને પછાડી દઇ માથે સવાર થઇ ગયેલા દીપડાએ તેના હાથ પગ છતાી પર બટકા ભર્યા હતા ઉપરાંત છાતી પર પંજાના ન્હોર ભરાવી તેને લોહીલુહાણ કરી દીધો હતો.

ગીર બોર્ડર નજીક વિમાન તૂટ્યાની અફવાથી દોડધામ.

Source: Bhaskar News, Una   |   Last Updated 9:33 AM [IST](22/09/2011)
- પોલીસ અને વન વિભાગના કર્મીઓને ગામડાં અને જંગલ ખુંદાવ્યા
ઊના પંથકના ગીર બોર્ડર નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી આજે સવારના ૯ વાગ્યાની આસપાસ એરફોર્સના બે વિમાનો જમીનથી થોડી નીચે થોડી ઉંચાઇ પર આવી ગયાની ઘટનાએ ગ્રામ્ય પંથકના લોકો માટે કૂતુહુલ સર્જ્યું પરંતુ ત્યાર બાદ આ વિમાન ગ્રામ્ય પંથકમાં લેન્ડીંગ કર્યાની અને તૂટી પડ્યાની વાતે પોલીસ અને વન વિભાગના કર્મીઓને ભારે કવાયત કરાવી હતી. જ્યારે પોલીસે ગામડા અને વન વિભાગે જંગલ ખૂંદતા વિમાન શોધયુ ન જળતા આ વાત હાલના તબક્કે તો અફવા સાબીત થઇ હતી.
અમરેલી તરફથી આવેલ એરફોર્સનું વિમાન આજે સવારના સમયે ઊનાના મોટા સમઢીયાળા ગામની વાડીમાં તૂટી પડ્યાની વાત બહાર આવતા આ અંગે ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, આ અંગે ગામના સરપંચને જાણ કરાતા તેમણે વિમાન ગામમાથી પસાર થવાની વાતને સમર્થન આપ્યુ હતુ પરંતુ તૂટી પડયુ કે ઉતયું હોવાની વાતને નકારી હતી. ત્યારબાદ ધીમે ધીમે આ વિમાન નાનીમૌલી, કાકડીમૌલી, ઊટવાળા, રામેશ્વર, ધોકળવા, ટિંબી, મહોબતપરા, કોદીયા, દ્રોળ, ઘોળાવળી સહિત ગામોના છેવાડે અને ગીરનાર જંગલમાં લેન્ડીંગ થઇ હોવાની વાત વહેતી થતાં પોલીસ તથા વનતંત્ર ધંધે લાગીગયું હતું.
જમીનથી માત્ર થોડી ઊંચાઇ હોવાનું ગ્રામજનોનું કથન -
ગ્રામ્ય પંથકમાંથી પસાર થયેલુ આ વિમાન જમીનથી માત્ર થોડી ઉંચાઇ સુધી હોય તેમજ વિમાન પસાર થવા સમયે બીકના માર્યા ગ્રામજનો જમીન ઉપર સૂઇગયાનુ વાતો પણ આ સમયે રજૂ કરી હતી.
સવારથી સાંજ સુધી ગ્રામજનોને  એકપળ નવરાશ ન મળી -
સવારથી આ વિમાન લેન્ડીંગ થયુ કે તૂટયુની અફવાએ ઊના પંથકના રપ થી વધુ ગ્રામ્ય પંથકના આગેવાનોને એકપળ પણ નવરાશ આપી ન હતી. આ અગ્રણીઓ ઉપર ફોનનો મારો ચાલુ રહ્યો હતો જ્યારે અખબારી કાર્યાલયમાં પણ વિમાન ક્યાં તૂટયુ કોઇ ઇર્જા ગ્રસ્ત સહિતની પૂછપરછના ફોન ચાલુ રહ્યા હતા.

ગીર જંગલમાં ‘‘દુર્લભ’’ લીલો કાચિંડો જોવા મળ્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:47 AM [IST](24/09/2011)
હિલચાલ પરથી બિહામણું લાગતુ આ પ્રાણી અત્યંત શાંતિપ્રિય હોય છે
જૂનાગઢ ભવનાથ રોડની બાજુમાં જંગલમાં દુર્લભ લીલા રંગનો કાચીડો જોવા મળ્યો હતો. તે દુર્લભ પ્રાણી હોય વનવિભાગે તેને પકડી જંગલમાં છોડી દિધો હતો. આ કાચિંડો દેખાવે ડરામણો પણ શાંતિપ્રિય હોય છે. ગીરનાર જંગલમાં વિવિધ પ્રાણીઓનો વસવાટ છે. જેમાં લુપ્ત થવાને આરે આવેલી અનેક પ્રજાતિઓ પણ ઘણી વખત જોવા મળે છે.
ત્યારે ગીરનાર જંગલમાં જેની ખુબ ઓછી સંખ્યા છે. અને ક્યારેક જ જોવા મળે છે. તેવો દુર્લભ લીલો કાચીડો જોવા મળ્યો હતો. જેને વન વિભાગે પકડી જંગલમાં છોડી દીધો હતો.ભવનાથ રાઉન્ડ ફોરસ્ટર આર.કે. દેથળીયાએ જણાવ્યું હતુ કે, આ લીલા કાચિડાને અંગ્રેજીમાં કેમેલીયન કહેવામાં આવે છે.
તેની હાલચાલ ઉપરથી તે બિહામણું અને ડરામણું લાગે છે. પરંતુ ખુબ શાંતિપ્રિય પ્રાણી છે. જે બિન ઝેરી અને બિન ઉપદ્રવી છે. અને ગીરનાં જંગલમાં તેની ઓછી સંખ્યા છે. તે ક્યારેક જ જોવા મળતું દુર્લભ પ્રાણી છે.
કાચિંડો બે ફુટ લાંબી જીભ ધરાવે
ગીર જંગલમાંથી મળી આવેલો લીલો કાચિડો બે ફુટ લાંબી જીભ ધરાવે છે. અને એક ડાળીએથી બીજી ડાળીએ બેઠેલા ખોરાકને પકડવા જીભને ગોળ રાઉન્ડ કરી ફેંકે છે અને શિકારને ઝડપી લે છે.
જીવજંતુ મુખ્ય ખોરાક
આ લીલા કાચિડાનો મુખ્ય ખોરાક જીવજંતુ છે. તેમજ ટીડળા, ખળમાકડી સહિતનાં જંતુનો પણ શિકાર કરે છે.
શિકારીથી બચવા રંગ બદલે છે
પોતાનો શિકાર ન થાય તેવી ખાસીયત કુદરતે આપી નથી. પરંતુ શિકારીથી બચવા માટે તે રંગ બદલતો રહે છે. અને શિકારીને થાય ખવડાવી દે છે.
દાંત હોતા નથી
દેખાવે ભયંકર દેખાતો આ કાચિડાને મોઢામાં દાંત હોતા નથી. ખોરાકને સીધો જ પેટમાં ઉતારી દે છે. ખોરાક ખાતી વખતે પણ તે કાળજી રાખતો હોય છે.

રામપરા (ગીર) માં સાવજોએ બે ગાયનું મારણ કર્યું.


 
Source: Bhaskar News, Talala   |   Last Updated 12:24 AM [IST](24/09/2011)
તાલાલાનાં રામપરા (ગીર) નાં જંગલમાંથી પાંચ સિંહોએ ગામમાં ધામા નાખી રામજી મંદિર પાસે અને બજારમાં એક-એક ગાયનો શિકાર કરી રાતભર મારણની મિજબાની માણી હતી.
રાત્રિનાં ટોળું ઘુસી આવ્યાનાં સમાચાર સવારનાં વાયુવેગે ગામમાં ફેલાતા લોકો ભયભીત થઇ ગયા હતાં. અવાર-નવાર ગીર બોર્ડરનાં ગામોમાં આવી ચઢતાં હિંસક વન્ય પ્રાણીઓને રોકવા વન વિભાગ ઘટતી કાર્યવાહી કરે તેમ લોકોમાંથી માંગણી ઉઠી છે.

જુનાગઢ-ગિરનાર જંગલમાં દિવસભર હળવા ઝાપટાં.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:08 AM [IST](27/09/2011)
- સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં ભાદરવાના તડકાથી જનજીવન ત્રસ્ત
જુનાગઢ શહેરમાં આજે ધુપછાંવ વચ્ચે વરસાદનાં હળવા ઝાંપટા વરસ્યા હતા. આજે બપોરનાં અઢી વાગ્યાની આસપાસ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું.
જો કે, અમુક વિસ્તારો કોરાધાકોડ હતા. સાંજના સમયે પણ રીમઝીમ વરસાદ પડી ગયો હતો. ભવનાથ અને ગિરનાર જંગલમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાના વાવડ હતા.
બીજી બાજું સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભાદરવાના આકરાં તાપે લોકને પરસેવે રેબઝેબ કરી દીધા હતા. જો કે મોડી સાંજે ઠંડા પવનના સૂસવાટા શરૂ થયા હતા.

તાલાલા પંથકમાં ભૂકંપનો વધુ એક હળવો આંચકો.


Source: Bhaskar News, Talala   |   Last Updated 2:22 AM [IST](27/09/2011)
 - ૧.૨ની તીવ્રતા : સાસણ (ગીર) નજીક એપી સેન્ટર
તાલાલા પંથકમાં શનિવારે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયા બાદ આજે સવારનાં સુમારે વધુ એક હળવા આંચકાથી ધરા ધ્રુજી હતી. રીકટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૧.૨ અને સાસણ (ગીર) નજીક એપી સેન્ટર નોંધાયું હતું.
તાલાલા તાલુકાનાં દેવળીયા નેશનલ પાર્ક તેમજ નજીકનાં જંગલ વિસ્તાર અને હિરણવેલ, ચિત્રાવડ, હરીપુર, ભાલછેલ સહિતનાં ગામોમાં આજે સવારનાં ૧૧.૫૧ કલાકે ૧.૨ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો ધરતીનાં પેટાળમાંથી ભેદી ધડાકાનાં અવાજ સાથે નુભવાયો હતો.
ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરનાં જણાવ્યા મુજબ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી ૧૩ કિ.મી.નાં અંતરે ઉત્તર-પશ્ચિમ દિશામાં સાસણ(ગીર) નજીક નોંધાયું હતું. તાલાલા પંથકમાં ભૂકંપનાં આંચકા આવવાનો સીલસીલો ફરી શરૂ થતાં લોકો ચિંતાતુર બન્યા છે.

વંથલી નજીક અચાનક મગર ઘરમા ઘુસી જતા નાસભાગ.Source: Bhaskar News, Vanthali   |   Last Updated 2:48 AM [IST](27/09/2011)
- વનવિભાગે પકડી વિલિંગ્ડન ડેમમાં છોડી મૂકી
વંથલીના બાલોટમાં આજે પરોઢીયાનાં સુમારે એક ઘરમાં મગર ઘુસી ગઇ હતી. વનવિભાગે આ મગરને એક કલાકની જહેમત બાદ કોથળામાં પુરી વિલીંગ્ડન ડેમમાં છોડી મુકી હતી.
બાલોદ ગામે રહેતા રાણાભાઇ કુંભાભાઇ હુણનાં મકાનમાં આજે પરોઢીયાનાં સુમારે એક મગર ઘુસી ગઇ હતી. ઘરની અંદર જોરદાર ખખડાટનાં અવાજથી રબારી પરિવારનાં સભ્યો ભર ઉંઘમાંથી જાગી ગયા હતાં અને ઘરમાં મગરને મહેમાન બનેલી જોતા ગભરાઇ ગયા હતાં.
જોકે, હિંમત એકઠી કરી ઘરની બહાર નીકળી દરવાજો બંધ કરી દઇ સરમણભાઇ હુણે તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં અધિકારી એસ.આર. જાવીયા તેમની ટીમ સાથે ત્યાં દોડી ગયા હતાં અને એક કલાકની જહેમત બાદ મગરને કોથળામાં પુરી વિલીંગ્ડન ડેમમાં છોડી મુકવામાં આવી હતી. રાત્રિનાં સમયે એક રિક્ષાવાળાએ પણ રોડ પર આ મગરને જોઇ હતી. આ મગરની ઉંમર આશરે ચારથી પાંચ વર્ષ, પાંચ ફૂટની લંબાઇ અને નર જાતિની અને નજીકની ઉબેણ નદીમાંથી આવી ચડી હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.
મગરની પૂંછડીના ભીંગડામાં કોઇ વધઘટ થતી નથી -
મગરની પૂંછડીનાં ભીંગડાની સંખ્યા ૧૮ થી ૨૧ હોય છે. તે પાંચ ફૂટ કે તેથી વધારેની હોય પણ તેની પૂંછડીનાં ભીંગડામાં કોઇ વધઘટ થતી નથી તેવી વનવિભાગે રસપ્રદ જાણકારી આપી હતી.

કાલસારીમાં દીપડાનો આતંક.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 3:42 AM [IST](30/09/2011)
વિસાવદરનાં કાલસારી ગામે બેદિવસથી દીપડાએ પડાવ નાંખી પાંચ પશુઓનાં મારણ કરતાં ગામમાં ગભરાટનો માહોલ છવાયો છે.
કાલસારીમાં બુધવારનાં રાત્રિનાં સમયે દીપડાએ ગામની અંદર ઘુસી આવી રાજુભાઇ ગીરધરભાઇ ભુવાની બે વર્ષની વાછરડીનો શિકાર કરી ઢસડીને લઇ જઇ રહ્યો હતો ત્યારે વઘાસીયાપરામાં રહેતાં મગનભાઇ મોહનભાઇ માળવીયા મધ્યરાત્રિનાં લઘુશંકા કરવા ઉઠ્યા હતા ત્યારે શેરીમાં આ દ્રશ્ય નિહાળી હોહા દેકારો કરી મુક્તા દીપડો વાછરડીને ત્યાંજ મૂકી થોડે દૂર જઇ બેસી ગયો હતો. અને પરોઢીયે લોકોની અવર- જવર શરૂ થતાં દીપડો નાસી ગયો હતો.
આજ રાત્રિનાં સમયે ગ્રા.પં.ની કચેરી નજીક રહેતા સાતુભાઇ મેરામભાઇ ભરવાડ અને બટુકભાઇ અમરાભાઇ ભરવાડના મકાનમાં ઘુસી એક-એક બકરીને પણ મોતને ઘાટ ઉતારી હતી. જ્યારે નાથાભાઇ ખોડાભાઇ ભરવાડનાં મકાનમાંથી પણ બે વાછરડીનો શિકાર કર્યો હતો. દીપડાનાં આતંકમાંથી છુટકારો અપાવવા તા.પં.નાં સદસ્ય વાલજીભાઇ અમીપરા સહિતે રજુઆત કરી છે.

અચાનક જ શાળામાં ઘૂસી આવ્યો અજગર, સૌના શ્વાસ અદ્ધર.


Source: Bhaskar News, Una   |   Last Updated 4:13 AM [IST](30/09/2011)
ઊનાનાં ભેભા ગામની શાળામાં અજગર ઘુસી જતાં નાસભાગ
ઊના તાલુકાનાં ભેભા ગામે આજે સવારના ૯ કલાકની આસપાસ પ્રાથમિક શાળામાં ૮ ફૂટ લાંબો અજગર દરવાજા પાસે આવી જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડાદોડી મચી ગઇ હતી. લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં. આ અંગે જસાધર વન વિભાગને જાણ કરાતાં બે કલાક બાદ વલ્ડ લાઇફ રેસ્કર્યું ઓપરેશન ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને શાળાનાં કમ્પાઉન્ડમાં પડેલ પથ્થરનાં મોટા ઢગલા વચ્ચેથી આ અજગરને બહાર કાઢી જંગલમાં છોડી મુકાયો હતો. અજગરનાં આગમનથી બે થી ત્રણ કલાક સુધી શાળામાં શિક્ષણ પણ ખોરવાયુ હતું. આખરે અજગર પકડાઇ જતા લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી છવાઇ હતી.

વનરાજના ‘વેકેશન’માં વનવિભાગ લાગ્યું ‘કામે’

 Source: Jitendra Madaviya, Talala   |   Last Updated 4:18 AM [IST](29/09/2011)
 - સાવજોના વિચરણમાં અડચણરૂપ-તૃણભક્ષીના ખોરાક ઘાસને રોકતા ઝાડી-ઝાખરા દૂર કરવાની કામગીરી
ગીરના જંગલમાં ચાર મહિનાનું વેકેશન વનરાજ ભોગવી રહ્યા છે ત્યારે આ સમયગાળા દરમિયાન વનવિભાગે પણ જંગલમાંથી વન્યપ્રાણીઓનાં વિહારમાં અડચણરૂપ ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
ગીરના જંગલમાં ચોમાસાની ઋતુ દરમિયાન સાવજો સહિત અન્ય વન્ય પ્રાણીઓનો સંવનનકાળ ચાલતો હોય આ ચાર માસ દરમિયાન ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વેકેશનનો લાભ વનરાજાઓ ભરપૂર માણતા હોય છે. ત્યારે વનવિભાગે પણ જંગલને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
જેમાં લેન્ટનાં અને કુવાડીયાના ઝાડ કે જે ઘાસને ઉગવામાં અવરોધરૂપ હોય છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. વનવિભાગનાં સી.સી.એફ. આર.એલ.મીનાએ ગીર પૂર્વ અને પશ્ચિમનાં અભ્યારણ્ય વિસ્તારની કુલ જમીનના ૨૫ ટકા જેટલી જમીનમાં બિનજરૂરી અને ઉપદ્વવી વનસ્પતિ જેવી કે લેન્ટના અને કુવાડીયો ઉગી નીકળ્યો હોવાનું જણાવ્યું છે. આ વનસ્પતિ વન્યપ્રાણીઓનાં વિચરણમાં અવરોધરૂપ બનવાની સાથે તૃણભક્ષી પ્રાણીઓનાં ખોરાક (ઘાસ)ને ઉગવા ન દેતા હોવાનું તેમના ધ્યાન પર આવતા આ ઝાડી-ઝાંખરા દૂર કરવા જુલાઈ માસથી કામગીરી શરૂ કરી છે.
ગીર અને બૃહદગીરમાં મળી અંદાજે ૫૦૦ ચો.કી.મી.માં પથરાઈ ગયેલા આ વનસ્પતિ ઘાસને ઉગવા દેતુ ન હોય તેમજ વનકર્મીઓને ફેરણી દરમિયાન વન્યપ્રાણીઓનું આસાનીથી અવલોકન કરી શકાય તે બાબતોને ધ્યાને લઈ સી.સી.એફ.મીનાનાં માર્ગદર્શન મુજબ કામગીરી થઈ રહી છે.
માલધારીઓ પણ મદદમાં આવ્યા -
જંગલમાંથી બિનજરૂરી વનસ્પતિ કાઢવાની કામગીરી વનવિભાગે હાથ ધરી છે. આ કામગીરીમાં જંગલમાં વસતા માલધારીઓ પણ જોડાયા છે. નકામા ઝાડી-ઝાંખરા કાઢવાથી એકઠા થતાં લાકડા માલધારીઓને જરૂરિયાત મુજબ બળતણમાં વાપરવા અપાય છે.
જંગલના તળાવોને રિચાર્જ કરવાની કામગીરી થશે -
ગીર જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓને પીવાના પાણીનાં વધુ સ્ત્રોત ઊભા કરવા પુરાણા નાના-મોટા તળાવોમાંથી પણ ઝાંડી-ઝાંખરા અને માટી દૂર કરાવી આ તળાવોમાં વર્ષ ભરનું પાણી સંગ્રહ થાય તે માટે રિચાર્જની કામગીરી પણ થશે. તેમ સી.સી.એફ. મીનાએ જણાવ્યું છે.