Monday, December 17, 2012

આદ્રીનાં વન્યપ્રેમીએ કાચબાંનાં અસંખ્ય બચ્ચાંને બચાવ્યા.


Bhaskar News, Veraval | Dec 13, 2012, 01:01AM IST
- માળો કરી જન્મ આપતા જળપ્રાણી કાચબાનાં અસંખ્ય બચ્ચાંને ફરી દરિયામાં તરતા મૂક્યા

દરીયાઇ કાંઠા વિસ્તારમાં માળો કરી જન્મ આપતા જળ પ્રાણી કાચબાનાં અસંખ્ય બચ્ચાંને જીવ તથા વન્યપ્રેમીએ બચાવી દરિયામાં તરતા મૂકી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા દસેક વરસથી જીવદયા કાર્યકર્તા વન્યપ્રેમી આદ્રીના મેરામણભાઇ રામ વ્હેલી સવારે તેના નિત્યક્રમ મુજબ આદ્રી ગામના દરિયાકિનારે મોર્નીંગ વોકમાં નિકળ્યા હતા. ત્યારે તેમની નજરે દરિયાકિનારે રેતીનાં પેટાળમાં માળો બનાવી રહેતા કાચબાએ ૧૦૦ જેટલા બચ્ચાંઓને જન્મ આપતાં તે સમુદ્રમાં જવાના બદલે માર્ગ ભુલી જંગલ તરફ જતા હોવાનું જણાયું હતું. આથી તેમણે તુરંત જ તે વિસ્તારનાં ફોરેસ્ટર વિક્રમભાઇ સોલંકીને બોલાવી બંનેએ સાથે મળી એક પછી એક ૭૮ જેટલા કાચબાનાં બચ્ચાંઓને એકઠા કરી દરિયાના જળમાં તરતા મુકી જીવદયાનું કાર્ય કર્યું હતું.

મેરામણભાઇ રામના જણાવ્યા મુજબ, કાચબાનાં બચ્ચાંનો જન્મ થયા પછી પચાસેક દિવસ બાદ તે દરિયા તરફ જતા રહેતા હોય છે. પરંતુ ઘણીવાર તે માર્ગ ભૂલી જઇ જંગલ તરફ જતા હોય ત્યારે રસ્તામાં જનાવરો, કૂતરાં, શિયાળ જેવાં પશુઓ તેનો કોળીયો કરી મારી નાંખતા હોય છે. આવી ઘટના ન બને તે માટે હંુ અવાર-નવાર દરિયા કિનારે વોકીગમાં ખાસ નિકળી અવળે માર્ગે જતા કાચબાનાં બચ્ચાંઓને મોતના મુખમાં જાય એ પહેલાં બચાવીને દરિયામાં તરતા મુકવાની પ્રવૃતિ ઘણા સમયથી કરૂં છું અને અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં કાચબાનાં બચ્ચાંઓને બચાવ્યા હોવાનું તેઓએ એક વાતચીતમાં જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-save-mamy-kacabam-in-veraval-4110171-NOR.html

હડાળાનાં જંગલમાં સિંહણ અને શેઢાળી વચ્ચે ઇનફાઇટ.


Bhaskar News, Dhari | Dec 16, 2012, 23:58PM IST
- શેઢાળીના પીંછા સિંહણના મોઢા અને પેટના ભાગે ખુંપી જતા ઇજા: વનવિભાગ દ્વારા સિંહણને સારવાર આપવામાં આવી

ગીરમાં વસતા ડાલામથ્થા સાવજો કે સિંહણને પણ ક્યારેક શિકાર કરવો ભારે પડી જાય છે. આવો જ એક બનાવ ગઇકાલે ધારી ગીરપુર્વના હડાળા રેંજમાં બન્યો હતો. અહી સિંહણ અને શેઢાળી વચ્ચે ઇનફાઇટ થઇ હતી. જેના કારણે શેઢાળીના પીંછા સિંહણના મોઢા અને પેટમાં ખુંપી જતા તેને ઇજાઓ પહોંચી હતી. વનવિભાગને આ અંગે જાણ થતા તેને આ સિંહણને પાંજરે પુરી સારવાર આપી હતી.

સિંહણ અને શેઢાળી વચ્ચે ઇનફાઇટની આ ઘટના ગઇકાલે ધારી ગીરપુર્વના હડાળા રેંજમાં બની હતી. આ વિસ્તારમાં વનવિભાગનો સ્ટાફ ફેરણુ કરી રહ્યો હતો ત્યારે શેઢાળીના પીંછા જોવા મળ્યા હતા. વધુ તપાસ કરતા સિંહણ જોવા મળી હતી. સિંહણને ઇજા પહોંચી હોવાનુ ધ્યાને આવતા ડીએફઓ અંશુમન શર્માને જાણ કરવામાં આવી હતી.

અંશુમન શર્માની સુચનાથી આરએફઓ ખેર તેમજ સ્ટાફ દ્વારા આ સિંહણને પાંજરે પુરી સારવાર માટે ધારી લાવવામાં આવી હતી. જ્યાં વેટરનરી ડૉ. હિતેષ વામજાએ સિંહણને સારવાર આપી હતી. શર્માએ જણાવ્યુ હતુ કે સિંહણ અને શેઢાળી વચ્ચે ઇનફાઇટ થતા શેઢાળીના પીંછા સિંહણના મોઢાના ભાગે અને પેટમાં ખુંપી ગયા હતા. જેના કારણે ઇજાઓ પહોંચી હતી. આ સિંહણ આશરે ૧૪ વર્ષની છે. વનવિભાગને તુરત ધ્યાને આવી જતા આ સિંહણને વહેલી તકે સારવાર મળી શકી છે. જેના કારણે તે મોતના મુખમાં જતી બચી ગઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fight-between-lioness-and-sethani-4114773-NOR.html?OF2=

માધવપુરનાં ઘૂઘવતા સમુદ્રમાં ડોલ્ફિનનાં આગમનથી રોમાંચ.

Bhaskar News, Madhavpur | Dec 17, 2012, 00:37AM IST
માધવપુરનાં ઘૂઘવતા સમુદ્રમાં ડોલ્ફિન માછલીઓનું આગમન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ માછલી ક્યારેક સમુદ્રમાં પણ આવી ચઢે છે ત્યારે કિનારે ઉમટેલા લોકો પણ આ નજારો જોઈ ખૂશખુશાલ બને છે.

શિયાળાની સીઝનમાં દર વર્ષે માધવપુરનાં સમુદ્રમાં ડોલ્ફીન માછલીઓ ચડી આવે છે. ખાસ કરીને સવારનાં આઠ વાગ્યાથી બપોરનાં અગિયાર વાગ્યા સુધી ડોલ્ફીન માછલીઓનો નજારો જોવા મળે છે અને સમુદ્રમાં ડોલ્ફિન માછલીઓ ઉછળકૂદ કરીને જાણે મસ્તીમાં નાચગાન કરતી હોઈ તેવા દ^શ્ય સર્જાય છે. ક્યારેક તો બિલકુલ દરિયા કિનારા પર પણ ડોલ્ફીન માછલીઓ સમુદ્રમાં દેખાઈ છે.

પોરબંદર નજીક ઝુરીના જંગલમાં આગ ભભૂકી ઊઠી.

પોરબંદર નજીક ઝુરીના જંગલમાં આગ ભભૂકી ઊઠી


Bhaskar News, Porbandar  |  Dec 17, 2012, 00:40AM IST
- બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં

પોરબંદર-ઓડદર રોડ વચ્ચે આવેલા ઝુરીના જંગલમાં આજે સવારે નવ વાગ્યા આસપાસ એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ભારે પવનના કારણે થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની જાણ વન વિભાગને થતા તેઓએ તુરંત જ ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી.

પોરબંદર નજીક દરિયાકાંઠે ઝુરીનું જંગલ આવેલું હોય, આજે સવારે આ ઝુરીના જંગલમાં એકાએક આગ લાગી હતી. શિયાળાનો ઠંડો પવન વધુ પડતો હોય જેથી આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને કારણે દૂર-દૂર સુધી આગના લબકારા અને ધુમાડા જોવા મળતા હતા. આ અંગેની જાણ વન વિભાગને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગને બુઝાવવા માટે પોરબંદર ફાયર બ્રિગેડની મદદ માંગી હતી.

ઝુરીના જંગલમાં સુકા ઝાડ મોટી સંખ્યામાં હોય જેથી આગ ધીરે-ધીરે વધુ પ્રસરી રહી હતી. આ આગને કાબુમાં કરવા માટે ફાયર બ્રિગેડે બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ આ આગ કાબુમાં આવી હતી. કલાક બાદ વધુ એક વખત આગે લપકારા મારવાનું શરૂ કરતા ફરી ફાયર બ્રિગેડે એક બંબો પાણીનો ઠાલવીને આગને કાબુમાં કરી હતી. કોઈ ટીખળખોરે આગ ચાંપી હોય અથવા તો વહેલી સવારે ઠંડીના કારણે કોઈએ તાપણું કર્યું હોય જેને લઈને આ આગ લાગી હોવાનું મનાય છે.

- અગાઉ બે થી ત્રણ વખત આ જ વિસ્તારમાં આગ લાગી હતી

પોરબંદર-ઓડદર રોડ વચ્ચે ઝુરીનું વિશાળ જંગલ આવેલું હોય, જેમાં દરિયાકાંઠાના સામેના વિસ્તારમાં ઝુરીના સુકા ઝાડ વધુ પડતા હોય, આ અગાઉ પણ આ સ્થળ ઉપર બે થી ત્રણ વખત આગ લાગી હતી.

- લંગડા ઘોડા જેવું ફાયર બ્રિગેડ મોડે-મોડે પહોંચ્યું

પોરબંદરનું લંગડા ઘોડા જેવું ફાયર બ્રિગેડ સામાન્ય રીતે આગના બનાવોમાં મોડે મોડે પહોંચતું હોવાની ફરિયાદો તો અવારનવાર ઉઠે છે. આજે પણ ઝુરીના જંગલમાં દવ ફાટી નીકળ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડને અનેક ફોન કર્યા બાદ આ લંગડા ઘોડા જેવું ફાયર બ્રિગેડ રહીરહીને પહોંચ્યું હતું. જેને કારણે આગ વધુ પડતી પ્રસરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fire-in-jaruni-forest-in-porbandar-4114836-PHO.html?OF6=

મિતિયાળા પાસે મારણ છીનવાઇ જતાં ચાર સાવજો રઘવાયા થયા.

Bhaskar News, Amreli | Dec 17, 2012, 00:59AM IST
સાવરકુંડલા નજીક મિતીયાળા પાસે ગઇકાલે ચાર સાવજો દ્વારા ત્રણ ગાયનું મારણ કરવામાં આવ્યા બાદ વનવિભાગ દ્વારા આ મારણને રોડના કાંઠેથી દુર જંગલ વિસ્તારમાં નાખી દેવાયુ હતુ. મારણ છીનવાઇ જતા આ સાવજો રઘવાયા થયા હતા અને અહીથી પસાર થતા વાહનો પાછળ દોટ મુકતા હોય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

મિતીયાળા કૃષ્ણગઢ રોડ પર બની હતી. અહીના ભગાભાઇ ભરવાડની ત્રણ ગાયોને ગઇ બપોરે ચાર સાવજોએ મારી નાખી હતી. ગાયોને માર્યા બાદ સાંજ પડવાની રાહ જોઇ સાવજો થોડેદુર ટેકરા પર બેઠા હતા. આ દરમિયાન માલધારીએ વનવિભાગને જાણ કરતા વન કર્મચારીઓ અહી દોડી આવ્યા હતા. અને આ મારણને વાહનમાં નાખી દુર જંગલમાં મુકી આવ્યા હતા. રોડ આસપાસ તથા લોકોની અવરજવરવાળા વિસ્તારમાં મારણ થાય ત્યારે સામાન્ય રીતે વનવિભાગ આવુ કરે છે.

બીજી તરફ મારણ છીનવાઇ જતા સાવજો જાણે રઘવાયા થયા હતા. અને અહીથી પસાર થતા વાહનોની પાછળ દોટ મુકતા હતા. આ દરમિયાન અન્ય પાંચ સાવજો અહી આવી ચડતા નવ જેટલા સાવજોની ત્રાડોએ આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરાવ્યો હતો. વનવિભાગે ખરેખર તો આ મારણ સાવજો પહોંચી શકે તેટલા અંતરે થોડે દુર નાખવુ જોઇએ પરંતુ આ કિસ્સામાં મારણ ખુબ દુર ફેંકાયુ હોવાનુ કહેવાય છે. વન કર્મીઓને સાવજોની રક્ષા માટે ખડાપગે રહેવુ પડે તે માટે મારણ ખુબ દુર ફેંકાયુ તો નહી હોય ને તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે

ઠંડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું પાટડીના રણમાં આગમન.


Bhaskar News, Patdi | Dec 16, 2012, 22:56PM IST
-  તળાવ કિનારે શિયાળો ગાળવા આવેલા ગ્રેટર અને લેસર ફ્લેમીંગો

પાટડીના ઐતિહાસિક ગઢના ફરતે આવેલા વિશાળ તળાવના કિનારે શિયાળો ગાળવા આવેલા સફેદ અને ગુલાબી રંગના વિદેશી નયનરમ્ય ગ્રેટર અને લેસર ફલેમીંગોએ રણ વિસ્તારની મુલાકાતે આવ્યા છે. આ પક્ષીઓએ વિદેશી પર્યટકોમાં પણ અનેરૂ આકર્ષણ ઉભુ કર્યું છે. આ નયનરમ્ય પક્ષીઓની હિલાચલને નિહાળી  પક્ષીપ્રેમીઓ સવિસ્તાર અભ્યાસ કરી રહ્યાં છે.

પાટડીના તળાવ કિનારાની ફરતે આવેલા વૃક્ષો પરના સુરક્ષિત સ્થળે દર વર્ષ કરતા ચાલુ વર્ષે સફેદ અને ગુલાબી રંગના નયનરમ્ય ગ્રેટર અને લેસર પક્ષીઓએ પક્ષીપ્રેમીઓમાં અને અસંખ્ય વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. આથી હાલ  રણ વિસ્તારની મુલાકાતની સાથે સાથે અધ્યતન કેમેરાઓ સહિતના સાધનો વડે આ નયનરમ્ય પક્ષીઓની હિલચાલને નિહાળવા પાટડી તળાવ કિનારે ધામા નાંખીને બેઠા છે. આ નયનરમ્ય વિદેશી પક્ષીઓ પાટડી તળાવના કિનારાની ફરતે આવેલા વૃક્ષો પર ઇંડાઓ મૂકી એમનું જીવની જેમ જતન કરી એનું સંવનન કરવાથી પેદા થયેલા નાના નાના બચ્ચાઓને ફિડીંગ કરાવે છે.

આ અંગે પાટડીના પ્રખર પક્ષીપ્રેમી બિપિનભાઈ દેસાઇએ જણાવ્યું કે, દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઉદી અરેબિયાથી આ ગ્રેટર અને લેસર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા કચ્છના નાના રણમાં અને નળસરોવરમાં મહાલવા અચૂક આવે છે.ત્યારે પાટડી ઉપરથી આ સ્થળાંતરિત થતા પક્ષીઓનો રૂટ પસાર થાય છે. આ સ્થળાંતરિત થતા વિદેશીપક્ષીઓ ખોરાક અને આરામની શોધમાં પાટડીના તળાવ કિનારે રોકાઇ જાય છે. અને ચાલુ વર્ષે તળાવ છલોછલ છલકાવાની સાથે પરિસ્થિતિ સાનુકૂળ રહેતા આ નયનરમ્ય પક્ષીઓ વિશાળ કાફલા સાથે પાટડીમાં ડેરા નાંખ્યા છે.

Tuesday, December 11, 2012

અમિત જેઠવાના હત્યારાઓને જેલમાં મળતી સુવિધાઓ બંધ કરાવો.

Bhaskar News, Amreli | Dec 10, 2012, 23:50PM IST
- અમિતના પિતાએ રાજ્યના પોલીસ વડાને કરેલી રજૂઆત : શિવા સોલંકીની પેરોલ રદ કરવા પણ કરી માંગ

આરટીઆઇ કાર્યકર્તા અમિત જેઠવાના હત્યામાં સંડોવાયેલ આરોપીએ પાસેથી ગોંડલ જેલમાં બે દિવસ પહેલા મોબાઇલ મળી આવતા અમિતના પિતા ભીખુભાઇ બાટાવાળાએ હત્યારાઓને આવી ગેરકાયદે મળતી સુવિધાઓ તાકીદે બંધ કરાવવા માંગ કરી છે. એટલુ જ નહી રાજ્યના પોલીસ વડાને પત્ર પાઠવી શીવા સોલંકીની પેરોલ રદ કરાવવા માંગ કરી છે.

ખાંભાના ભીખુભાઇ બાટાવાળાએ આ બારામાં આજે રાજ્યના પોલીસ વડાને લેખીત રજુઆત કરી હતી. જેમાં તેણે જણાવ્યુ છે કે અમિત જેઠવાના હત્યારાઓને અમારી રજુઆત હોવા છતાં ગોંડલ સબ જેલમાં ટ્રાન્સફર કરાયેલ છે. જ્યાં તેને બિનકાયદેસર અનેક સુવિધાઓ અપાઇ રહી છે. ૭/૧૨ના રોજ હત્યા કેસના આરોપીઓ પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. તેમણે માંગ કરી છે કે આ મોબાઇલમાંથી કોની કોની સાથે વાત થઇ તેની તપાસ થવી જોઇએ અને આ સુવિધા આપનાર અધિકારી અને કર્મચારીને ડીસમીસ કરવા જોઇએ એેટલુ જ નહી શીવા સોલંકીના પેરોલ તાત્કાલીક અસરથી રદ થવા કાર્યવાહી થવી જોઇએ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amits-father-reprasentation-to-police-4107361-NOR.html

Monday, December 3, 2012

ફાચરિયામાં જનેતાથી વિખૂટું પડ્યું સિંહણબાણ.

Bhaskar News, Khambha, Rajula | Nov 28, 2012, 01:49AM IST
- વનવિભાગ દ્વારા સિંહણની શોધખોળ શરૂ

ખાંભા તાલુકાના સિમાડે આવેલ અને જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામે આજે બપોરના સમયે એક વાડીમાં સિંહણનુ એક બચ્ચુ વિખુટુ પડી જતા આ અંગે વાડી માલિકને જાણ થતા તેણે તુરત વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને માતા સિંહણની શોધખોળ આદરી હતી.

ફાચરીયા ગામે આવેલ જયસુખભાઇ ટીનુભાઇ વઘાસીયાની વાડીમાં આજે બપોરના સુમારે સિંહણનુ એક બચ્ચુ માતાથી વખિુટુ પડીને વાડીમાં આંટાફેરા મારતુ હોય વાડિ માલિકને જાણ થતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરતા રાજુલાથી વનવિભાગનો સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સિંહણની શોધખોળ આદરી છે.

વનવિભાગના કર્મચારીઓએ આ બચ્ચાને સલામત રીતે પકડી તેને તપાસ્યુ હતુ. આ બચ્ચુ એક માસનુ હોવાનુ તેમજ બિમાર હાલતમાં હોવાનુ જાણવા મળેલ છે. વનવિભાગ દ્વારા હાલમાં સિંહણની શોધખોળ કરવામાં આવી રહી છે.

બે સાવજોએ મચાવ્યો હાહાકાર, ૧૪૦ ઘેટાં-બકરાંનો કર્યો શિકાર.

બે સાવજોએ મચાવ્યો હાહાકાર, ૧૪૦ ઘેટાં-બકરાંનો કર્યો શિકાર

Bhaskar News, Bhesan  |  Dec 03, 2012, 00:16AM IST
- ભેંસાણના છોડવડી ગામે આઠ ફૂટ ઊંચી દીવાલ ઠેકી વંડામાં ઘૂસેલા સાવજોએ હાહાકાર મચાવ્યો
- અન્ય ૧૫ ઘેટા અને પાંચ બકરા ઘાયલ : ૭૦ ઘેટાં-બકરાંનો બચાવ


ભેંસાણનાં છોડવડી ગામમાં ગત રાત્રીનાં આવી ચડેલા બે સિંહોએ ૮૦ ફૂટ ઉંચી દિવાલ ઠેકીને અંદર ઘુસી જઇ એકી સાથે ૧૪૦ ઘેંટા - બકરાનાં શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જ્યારે ૨૦ને ઘાયલ કર્યા હતાં. હૈયુ કંપાવનારી આ ઘટનામાં જો કે, ૭૦ ઘેટાં-બકરાનો બચાવ થયો હતો. આ બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં ગીર બોર્ડર નજીક આવેલા છોડવડી ગામમાં  ભરવાડ રૈયાભાઇ કાનાભાઇ ધ્રાંગીયાનો ગામથી થોડે દુર ઘેંટા- બકરા રાખવાનો વંડો આવેલ છે. ગત સાંજનાં રૈયાભાઇએ તમામ ઘેંટા-બકરાને વંડામાં રાખી દઇ, દુધ લઇને ઘરે ઘરે જમવા ગયા હતાં.  ત્યારબાદ રાત્રીનાં સમયે ગીર જંગલ તરફથી આવી ચડેલા બે સિંહો ૮ ફૂટ ઉંચા વંડાની દિવાલ ઠેકી અંદર ઘુસી ગયા હતા અને એક પછી એક પશુઓનાં શિકાર કરવાનું શરૂ કરતા ૧૦૦ ઘેંટા અને ૪૦ બકરાનાં સ્થળ પરજ મોત નિપજ્યા હતાં. જ્યારે ૧૫ ઘેંટા અને ૫ બકરા ઘાયલ થયાં હતાં.

રૈયાભાઇ જમીને રાત્રે પોતાના વંડા પર પરત આવતા મૃત્યુને ભેટેલા પાલતુ પશુઓનાં દ્રશ્યો જોઇ હતપ્રભ બની ગયા હતાં અને બાદમાં સમગ્ર ઘટનાની ગ્રામજનોને જાણ કરી હતી. આ અંગેની પાટવડ રાઉન્ડ ફોરેસ્ટ પી.એલ. કોડીયાતરને જાણ થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને રોજકામ કરી પશુઓનાં મૃતદેહોનો નિકાલ કર્યો હતો. આ વંડામાં કુલ ૨૧૦ ઘેંટા-બકરા હતા. જેમાંથી ૭૦ જેટલા બચી જવા પામ્યા હતાં.

આ પશુ માલિકને વન વિભાગ પુરતુ વળતર ચૂકવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. મુંગા પશુઓનાં એકી સાથે થયેલા મોતનાં બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

- સામૂહિક શિકારની પ્રથમ વખત જ બનેલી ઘટના

ગિરજંગલનાં પાટવડ રાઉન્ડ ફોરેસ્ટર પી.એલ. કોડીયાતરે જણાવ્યું હતું કે, છોડવડીમાં સિંહો સીમ વિસ્તાર સુધીજ આવે છે અને ભુતકાળમાં માલઢોરનાં મારણનાં બનાવો બનેલા છે. પરંતુ આઠ ફુટ ઉંચા વંડાની દિવાલને ઠેકીને સિંહોએ અંદર પ્રવેશી એકી સાથે ૧૪૦ પશુનાં સામુહિક શિકાર કરેલ હોય તેવા આ પ્રથમ બનાવ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-killed-140-sheeps-in-bhesan-4097373-PHO.html?seq=4