Wednesday, April 30, 2008

સિંહણોની ‘કાલીધેલી’ ડણકથી ઝૂ ગુંજયું

Bhaskar News, Rajkot
Wednesday, April 30, 2008 01:10 [IST]


cubઆજીડેમ સ્થિત પ્રાણીસંગ્રહાલયમાં આજથી નવા ત્રણ સિંહબાળ એટલે કે સિંહણો બાળકો-સહેલાણીઓના મનોરંજન માટે તૈયાર છે. ૬૮ દિવસ પૂર્વે જન્મેલા બરચાંઓને આજે વિધિવત રીતે પાંજરામાં લોકો સમક્ષ મૂકયા છે.

પાણીની ટેન્ક, રસ્તા કે ઓડિટોરિયમના લોકાર્પણ તો અનેક યોજાય છે પરંતુ રાજકોટના ધનસુખભાઈ ભંડેરીએ આજે ત્રણ સિંહબાળનું લોકાર્પણ કર્યું હતું. ૨૦મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે સાડા ત્રણ વર્ષની સિંહણ મસ્તીએ જેને જન્મ આપ્યો હતો તે ત્રણ બરચાં હવે સંપૂર્ણ સ્વસ્થ અને પરિપકવ હોવાથી તેઓને પાંજરામાં લોકો જોઈ શકે તે રીતે મૂકવામાં આવ્યાં છે. આજે મેયર ધનસુખભાઈ ભંડેરી, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ એમ. જી. મારડિયા વગેરેની હાજરીમાં આ બરચાં પાંજરામાં છૂટ્ટા મૂકાયા હતા.

૨૦ ફેબ્રુઆરીએ મસ્તીએ પાંચ બરચાંને જન્મ આપ્યા બાદ ૧૪મી માર્ચે તેની બહેન મોજે પણ બે બરચાંને જન્મ આપ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટના ઝૂમાં ૧૨ સિંહબાળનો જન્મ થયો છે. આજે જે સિંહબાળ છૂટ્ટા મૂકાયા છે તેમણે મુકતવિહાર, ધીંગામસ્તી શરૂ કરી દીધાં છે. ત્રણેય એકબીજાની પાછળ દોડે છે, ઊંધા ચત્તાં પડે છે, વૃક્ષના થડ પર ચડવા કોશિશ કરે છે.

ઝૂ જોવા આવનારા લોકોને આ ‘નવા ચહેરાં’ જોવાની મજા આવશે. આ સિંહબાળની રાશી કર્ક આવી છે, જયારે મોજના બે બરચાંની રાશી મિથુન છે એટલે ત્રણ નામ ડ, હ અક્ષર પરથી અને બે નામ ક, છ, ઘ નામ પરથી પાડવાના છે તેવી અપીલ મેયરે કરી છે. જેને નામ સૂઝે તેણે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટને ૯૨૨૭૬ ૦૮૧૧૨ ફોન નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

જન્મ સમયે સિંહબાળનું વજન ૮૦૦-૧૨૦૦ ગ્રામ, આંખ બંધ હોય છે. ૧૫ દિવસ બાદ સિંહબાળ પોતાની રીતે ચાલી શકે છે. ૧ માસની ઉંમરે તેને દાંત આવે છે. કુલ ૨૬ દાંત હોય છે. અઢી વર્ષની વયે તે પુખ્ત બને છે.

મોજ નામની સિંહણના બે બરચાં હવે જોવા મળશે

Source: http://www.divyabhaskar.co.in/2008/04/30/0804300112_two_lion_cub.html

Tuesday, April 29, 2008

૮ દિવસના સિંહબાળોને પાંજરામાં વિહરતા મૂકાશે

રાજકોટ તા,ર૮
મહાપાલિકા સંચાલિત આજી ઝૂ ખાતે સિંહણ મોજ અને મસ્તીને અવતરેલા પાંચ બચ્ચા પૈકી બે બચ્ચા નર અને ત્રણ માદા છે. ત્રણ માદા આર્થાત ત્રણ બાળ સિંહણ ૬૮ દિવસની થઈ ગઈ હોઈ આવતીકાલે મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં પાંજરામાં વિહરતી મૂકવામાં આવશે. જયારે બે નરસિંહ હજૂ ૪૮ દિવસના જ હોઈ બાદમાં વિહરતા મૂકાશે. મસ્તીની સંતાનો એવી ત્રણ બાળ સિંહણોની જન્મ રાશી કર્ક આવી છે. આથી આ રાશી પરથી ટૂંકમા ત્રણેયનું નામ પાડવામાં આવશે. પાંચેય બચ્ચા લોન પર લવાયેલી સિંહણના હોઈ ભવિષ્યમાં બે બચ્ચા જૂનાગઢ ઝૂને આપવા પડે તેમ છે. આજી ઝૂં ખાતેના પ્રાણીઓને દત્તક માટેની યોજના પણ ટૂંકમાં અમલી બનાવાશે. આ આ અંગેની ફાઈલ પણ મ્યુ. કમિશનર સમક્ષ મૂકવામાં આવી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=48&NewsID=72934&Keywords=Rajkot%20City%20Gujarati%20News

ચિત્રાવડની સીમમાં સિંહણ અને બે યુવાનો વચ્ચે બથ્થમબથ : સિંહણ પોબારા ભણી ગઇ

જૂનાગઢ,તા.૨૮
એશિયાઇ સાવજોના નિવાસસ્થાન ગીર પંથકના ચિત્રાવડ ગામની સીમમાં આજે સવારે એક સિંહણ અને બે યુવાનો વચ્ચે કોઇ વાઇલ્ડ લાઇફ ચેનલ કે હોલીવુડની ફિલ્મના દ્રશ્યોની માફક જ ખેલાયેલા દિલધડક જંગમાં યુવાનોની હિંમત જોઇ સિંહણને પણ પોબારા ભણી જવું પડયું હતું. જોનાર કોઇ પણનાં રૃંવાડા ખડા કરી દે તેવી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બન્ને યુવાનોને સારવાર માટે જૂનાગઢ હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

સોરઠની ખમીરવંતી ઘરાના બે યુવાનોએ ચિત્રાવડની સીમમાં સિંહણ સાથે બાથ ભીડી દાખવેલી ખુમારીની આ ઘટના વિશેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના બોરવાવ ગામ ખાતે રહેતો અને ખેત મજૂરી કરતો યુવાન બાબુ માંડણભાઇ ડાભી (ઉ.વ.૨૦) આજે સવારે ચિત્રાવડની સીમમાં કાસમભાઇના આંબાવાડીયામાં ખાખટી વિણવા ગયો. પોતાની મસ્તીમાં ખાખટી વિણી રહેલા આ યુવાનને સ્વપ્નેય ખ્યાલ નહિં હોય કે આગામી થોડી જ ક્ષણોમાં તેનો મુકાબલો ગીરની ખુંખાર સિંહણ સાથે થશે.

હજી તો ખાખટી વિણવાની શરૃઆત માંડ માંડ કરી હશે ત્યાં જ પાછળ થયેલા સળવળાટ અને ઘુરકીયાને લીધે આ યુવાને પાછળ ફરીને ોયું ત્યાં સુધીમાં તો એક સિંહણ સાવ તેની નજીક આવી ગઇ. અને પછી શરૃ થયો દિલધડક જંગ. સિંહણે યુવાન પર હુમલો કર્યો અને યુવાનને પંજા મારી જમીન પર પછાડી દઇ ઉપર ચડી જઇ ડાબા હાથનું બાવળું મોઢામાં પકડી લીધું. સિંહણ યુવાનને ઘાયલ કરવા મથામણ કરતી હતી... તો યુવાન સિંહણથી છુટવા મથામણ કરી રહ્યો હતો.

ખરાખરીના આ જંગનો શોરબકોર સાંભળીને બાજુના ખેતરમાં ટ્રેકટર ચલાવી રહેલ ચિત્રાવડ ગામનો યુવાન જેસીંગ ભગાભાઇ વાજા ઘટના સ્થળે દોડી આવ્યો. અને સિંહણને ભગાડવા માટે પડકાર ફેંક્યો. પરંતુ ઉશ્કેરાયેલી સિંહણ ભાગવાને બદલે સામી થઇ. અને પેલા યુવાનને છોડી જેસીંગ પર હુમલો કરી દીધો. આ યુવાનને પણ જમીન પર પછાડી દઇ સિંહણ માથે ચડી બેઠી.

બન્ને યુવાનો સાથે સિંહણનો આ જંગ ચાલી રહ્યો હતો. ત્યાં જ આસપાસના લોકો એકત્ર થઇ જતાં અને યુવાનોએ કરેલા પ્રતિકારને લીધે સિંહણ નાસી છુટી. પરંતુ થોડા સમય માટે ચાલેલા આ જંગનું દ્રશ્ય જોનાર કોઇ પણના રૃંવાડા ખડા કરી દેવા માટે પુરતુ હતું. આજે સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બન્ને યુવાનોને સારવાર માટે પ્રથમ તાલાળા અને બાદમાં જૂનાગઢ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72893&Keywords=Sorath%20Gujarati%20News

Sunday, April 27, 2008

ઉના તાલુકાના ખીલાવડમાં ફરી પાંચ સિંહોએ ચાર રેઢિયાળ ઢોરનું મારણ કયંર્ુ

ઉના તા.૨૫
ઉના પંથકમાં ગીરની બોર્ડરના ગામડાઓ જાણે કે ગીર અભ્યારણ બની ગયા હોય તેમ ગમે ત્યારે જંગલમાંથી સિંહ માનવ વસાહત તરફ આવી જાય છે. અને રેઢીયાળ માલ ઢોરનું મારણ કરી નિરાંતે ભોજન આરોગી ફરી પાછી મૂળ જગ્યા જંગલમાં પરત ચાલ્યા જાય છે.

ફરી પાછા એક સાથે પાંચ વનરાજાઓ ખીલાવડમા આવી ચડી એક સાથે ચાર રેઢીયાળ માલ ઢોરોનું મારણ કરી નિરાંતે મીજબાની માણી હતી ત્યારે હવે તો ગીરની બોડર નજીક આવતા ગ્રામ્ય પંથકમાં પહેલા કયારેક સિંહો ભુલા પડી જતાં પરંતુ હવે સિંહો ભુલા પડતા નથી. પરંતુ સાંજનો સમય થાય કે સિંહોની કણક ગ્રામજનોના કાને સાંભળવા મળતી હોય છે અને સિંહો પણ તેનો જાણે કે નિત્ય ક્રમ બનાવી દીધેલ હોય તેમ જંગલમાંથી માનવ વસાહત તરફ આવી જાય છે અને ઘણી વખત ગ્રામજનો મોડી રાત્રીએ બહાર હોય અને ગામમાં સિંહોનો મુકામ હોય ત્યારે ઘણી વખત ગ્રામજનોએ આખી રાત બહાર રહેવું પડતું હોય છે. કારણ કે સિંહોએ પોતાનો મુકામ ગામમાં જ રાખ્યો હોય ત્યારે ગ્રામજનો સતત ભયનાં ઓથારા નીચે રાતવાસો કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે ગઇકાલે સવારે એકી સાથે છ સિંહોનું ટોળું ગીરગઢડાથી દ્રોણ જતાં રસ્તા પાસેથી પસાર થતું હોવાનું આ વિસ્તારનાં લોકોમાંથી જાણવા મળી રહ્યંુ છે. ત્યારે આ ગીરગઢડાથી દ્રોણ જતાં રસ્તા પર મોટા ભાગે વાહન ચાલકો તથા રાહદારીઓની વ્યાપક અવર જવર શરૃ હોય ત્યારે વહેલી સવારે જંગલમાં પરત જતાં સિંહો જોઇને લોકોમાં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે. ત્યારે સિંહોનું માનવ વસાહત તરફ આવતા અટકાવવા વન ખાતું પણ લાચાર હોય સિંહોને માનવ વસાહત તરફ જાણે ધરબો થઇ ગયો હોય તેમ દિવસ દરમિયાન અમુક માનવ વસાહત તરફ આવવાનું ચુકતા નથી અને હવે તો સિંહો માનવ વસાહત તરફ એકાદ દિવસ નથી આવતા તો ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા લોકો ઘણી વખત જંગલ તરફ સિંહો જોવા જાય છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72447&Keywords=Sorath%20gujarati%20news

સિંહો દ્વારા છાશવારે થતા શિકારથી ગ્રામ્ય પ્રજા ભયભીત

જૂનાગઢ,તા.૨૬ : છેલ્લાં થોડા સમયથી ગીર જંગલમાંથી બહાર નીકળી આસપાસનાં ગામડાઓમાં ત્રાટકી દરરોજ સંખ્યાબંધ ઢોરોનું મારણ કરી રહેલા વનરાજોને લીધે આ પંથકના ગ્રામ્ય પ્રજાજનોમાં ભયનું મોજુ પ્રસરી જવા પામ્યું છે. કોઇ પણ કારણોસર જંગલમાંથી બહાર આવી ગમે ત્યારે નજીકના ગામડાઓમાં ત્રાટકતા સિંહોને લીધે ડરી રહેલા ગ્રામજનો રાત્રે ખેતરમાં પણ જઇ શકતા નથી. તથા હાલમાં છાશવારે બની રહેલા આવા મારણના બનાવોને લીધે પશુમાલિકો પણ મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. ત્યારે ગીર જંગલમાં સિંહો માટે પુરતી અને યોગ્ય વ્યવસ્થા ગોઠવી સિંહોને જંગલ બહાર આવતા અટકાવવા વન વિભાગ દ્વારા સત્વરે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગણી માળીયા પંથકના આગેવાને વનમંત્રી સમક્ષ કરી છે.

વિશ્વ પ્રસિદ્ધ એશિયાઇ સિંહોના રક્ષણ માટે સોરઠના ગીર જંગલને અભ્યારણ્ય તરીકે જાહેર કરાયા બાદ ગીર જંગલમાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગીર જંગલની બોર્ડર વિસ્તારનાં ગ્રામ્ય પંથકમાં છેલ્લા થોડા સમયથી વારંવાર સિંહો આવીને મારણ કરતાં હોવાની વધી રહેલી ઘટનાઓથી આ પંથકના પ્રજાજનોમાં ભયનું મોજુ પ્રસર જવા પામ્યું છે.

સિંહો દ્વારા જંગલની બહાર આવીને છાશવારે કરાતાં મારણોને લીધે ખેડૂતો માટે ઉપયોગી ઢોર સાચવવાની સમસ્યા ઉભી થવા પામી છે.

દરમ્યાનમાં માળીયા પંથકના અગ્રણી મહેન્દ્રભાઇ ગાંધીએ આ બાબતે વનમંત્રીને એક પત્ર લખી જણાવ્યું છે કે, ગીર જંગલમાં સિંહો માટે જરૃરી વ્યવસ્થા ન હોવાને લીધે સિંહો જંગલની બહાર નીકળી ગામડાઓ અને શહેરો સુધી પહોંચી રહ્યાં છે. અને જંગલમાંથી બહાર નીકળી માનવ વસાહતોમાં આવી રહેલા સિંહો દરરોજ સંખ્યાબંધ ખાનગી માલિકીના તથા સંસ્થાઓના ઢોરનું મારણ કરી રહ્યા હોવાની ઢોરોને સાચવવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.

બીજી તરફ જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહોના વધી રહેલા હુમલાઓથી ગમે તેની સિઝન હોવા છતાં ખેડૂતો ડરને લીધે રાત્રીનાં સમયે ખેતરમાં જઇ શકતા નથી. પરિણામે લાખ્ખો રૃપિયાનું નુકશાન ખેડૂતોને જઇ રહ્યાં છે. અને ભયનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે.

કોઇ પણ કારણોસર ગીર જંગલમાંથી બહાર આવી જતાં સિંહોનો ભોગ આમ જનતાએ બનવું પડે છે. આવી સ્થિતીને લીધે ગીર જંગલ આસપાસનાં ગામડાઓમાં વસતા ખેડૂતોની હાલત દયનીય થઇ જવા પામી છે.

જો કે આ બાબતે વન વિભાગ સમક્ષ અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં વન વિભાગ દ્વારા દુર્લક્ષ સેવાઇ રહ્યું હોવાથી પ્રજાની મુશ્કેલીમાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે.

તાજેતરમાં જ માળીયા (હાટીના)ની ગૌશાળા પર ત્રણ સિંહોના ટોળાએ ઉપરા છાપરી બે રાત્રી સુધી સતત કરેલા હુમલાઓને લીધે હાલમાં ગૌશાળામાં કામ કરતા લોકો ડરને લીધે ગૌશાળા છોડી જતા રહેવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જેને લીધે આ ગૌશાળાની હાલત દયનીય બની જવા પામી છે. ત્યારે આ બાબતે રાજ્યકક્ષાએથી અંગત રસ દાખવી ગીર જંગલમાં સિંહો માટે પુરતી અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાય તેમજ સિંહો જંગલ છોડી બહાર નિકળી ન જાય તે માટે સત્વરે આદેશો જારી કરી કડક અમલવારી કરાવવાની માંગણી સાથે આ દિશામાં તાત્કાલીક પગલા નહિં લેવાય તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી પણ પત્રના અંતે ઉચ્ચારવામાં આવી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72460&Keywords=Sorath%20gujarati%20news

Saturday, April 26, 2008

માંગરોળ નજીક ચાર ટન વજનની વ્હેલ માછીમારોની જાળમાં ફસાઇ

Bhasakar News, Mangrol
Saturday, April 26, 2008 00:05 [IST]

માંગરોળ બંદરથી ૧૦ નોટિકલ માઇલ દૂર પિશ્ચમ દિશામાં આજે વહેલી સવારે માછીમારી કરી રહેલી બોટની જાળમાં ૪ ટન વજનની વ્હેલ શાર્ક (બેરલ) માછલી સપડાયા બાદ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ તથા ખારવા યુવાનોની ભારે જહેમત બાદ જાળ કાપી તેને મુકત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન માંગરોળના દરિયા કિનારામાં મહાકાય માછલી જાળમાં સપડાઇ હોય તેવો આ બીજો બનાવ બન્યો છે.

અત્રેના દેવજી માધા હોદારની માલિકીની ‘દાનેશ્વરી કòપા’ બોટ (વીઆરએલ-૬૦૧૦) આજે સવારે શીલના દરિયામાં સવારે ૯ વાગ્યે માછીમારી કરી રહી હોય એ દરમિયાન જાળમાં ૨૫ ફૂટ લાંબી અને ૪ ટન વજનવાળી વ્હેલ શાર્ક સપડાઇ હતી.

આ અંગે બોટના ટંડેલ માધા હરજી હોદારે ખારવા અગ્રણીને જાણ કરતાં નાયબ વનસંરક્ષક રાણા તથા એસઇએફ બાબરિયાના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ કો.ઓ. ઝાલાવાડિયા (માંગરોળ)ની રાહબરી હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એસ.એમ. સિસોદિયા, મહાવીરસિંહ ચુડાસમા, વિજયસિંહ ચુડાસમા, ઇકબાલભાઇ પટેલ તેમજ ફિશરિઝ ડિપાર્ટમેન્ટ, ખારવા આગેવાનો બે હોડી મારફત બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જયાં બોટના ખલાસી દેવજી માધા અને પરેશ માધાની મદદથી ફોરેસ્ટ સ્ટાફે જાળ કાપી વ્હેલને મુકત કરી હતી. જાળ કાપતાં માછીમારને હજારોનું નુકસાન થયું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/04/26/0804260008_mangrol.html

સિંહોએ ૧૨ ફૂટની દીવાલ કુદી શિકાર કર્યાનો અદ્ભુત બનાવ

જૂનાગઢ,તા.રપ
નવ ફુટની દિવાલ અને ત્રણ ફુટનુ ફેન્સીંગ કુદીને છેલ્લા બે દિવસથી બાબરા વીડીના સિંહોનું ટોળુ માળીયા (હાટીના) પાંજરાપોળની ગાયોનું મારણ કરતા હોવાના બનાવે વન ખાતાને બરાબરનું કાર્યરત તો કરી દીધુ છે પણ છ થી આઠ યફુટથી વધુ ઉંચાઈની દિવાલ કે આડશ ન કુદી શકતા સિંહ ૧ર ફુટની દિવાલ - ફેન્સીંગ કુદી બબ્બે દિવસ મારણ કર્યાના બનાવથી વનતંત્રના અધિકારીઓ પણ ચોકન્ના બની ગયા છે.

જયાં છેલ્લા એકાદ દશકાથી ગિરમાંથી સ્થળાંતર કરીને આશરે ર૦ થી વધુ સિંહો સ્થિર થયા છે એવા બાબરા વીડી વિસ્તારથી આશરે આઠ કે દશ કી.મી. દુર વીરડી ગામ પાસે આવેલ માળીયા (હાટીના) પાંજરાપોળમાં છેલ્લા બે દિવસથી હાહાકારનું એકમાત્ર કારણ છે ડાલામથા સિંહો.

આ પાંજરાપોળમાં ૩રપ પશુઓ (ગાયો અને વાછરડા તથા ધણખુટ) છે. ગત બુધવારે રાત્રે આ પાંજરાપોળમાં ત્રણ ડાલામથા સિંહોએ લગભગ એકાદ કલાક સિંહોએ ૧૨ સુધી હાહાકાર મચાવી દીધો હતો. માળીયા પાંજરાપોળના માનદમંત્રી તથા માળીયા વિસ્તારના અગ્રણી સેવાભાવી કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીએ સતત બે રાત સુધી સિંહોએ પાંજરાપોળમાં મચાવેલા હાહાકાર અં
સંદેશ કાર્યાલય - જૂનાગઢ ખાતે આવી વર્ણન કરતા જણાવ્યુ હતુ કે બુધવારે રાત્રે બાર વાગ્યાના સુમારે એક મોટો (નર) સિંહ પાંજરાપોળની નવ ફુટની દિવાલ તથા ત્રણ ફુટની ફેન્સીંગ મળી ૧ર ફુટની આડશ કુદીને પાંજરાપોળની અંદર ખાબકયો. આ સિંહ સીધો જ એક છુટી હરતી ફરતી ગાય પર કુદયો. આ દરમ્યાન દિવાલની બહાર ઉભેલ ૧ સિંહ તથા બીજી એક સિંહણ પણ ૧ર ફુટની આડશ કુદીને અંદર ખાબકી. આ ત્રણ સિંહના ટોળાએ બે ગાયોને નિશાન બનાવી. એક સિંહે તો ગાયના ઉપરના ભાગેથી ગળુ પકડી એવી તો પછાડી કે ગાય તરફડી મરી ગઈ. આ દરમ્યાન અંદરના એ સિંહોએ બીજી એક ગાયનો શિકાર કર્યો. આ દરમ્યાન અંદર રહેતા પાંજરાપોળના કર્મચારીઓ જાગી ગયા અને હાકલા પડકારા કર્યા. જેથી એ ત્રણે વિકરાળ પ્રાણીઓ ગાયોના મારણ મુકીને ૧ર ફુટની ફેન્સીંગ સાથેની દિવાલ કુદીને નાસી ગયા. જેથી બધા કર્મચારીઓને હાશકારો થયો. પણ, આ હાશકારો લાંબો ન ટકયો. ગુરૃવારની રાત્રે સીંહોનું એ ટોળુ પાછુ પાંજરાપોળ નજીક ધસી આવ્યુ અને એ ત્રણે સિંહોએ ફરી દિવાલ - ફેન્સીંગ કુદીને પાંજરાપોળમાં હાહાકાર મચાવી દીધો. એ વખતે રાત્રે તો ત્યાં ઘણાબધા લોકો જાગતા બેઠા હતા. એ ત્રણેય સિંહો (બે નર સિંહ અને એક મોટી સિંહણ) એક પછી એક ગાય પર કુદતા રહ્યા. લોકો અંદરથી ચિચીયારીઓ પાડતા રહ્યા. ચિચીયારીઓ વધે એટલે સિંહો ગાયને પડતી મુકી બીજી ગાય પર તુટી પડતા રહ્યા. આ રીતે એ વિકરાળ સિંહોએ ચાર - ચાર ગાયોનું મારણ કર્યુ. એક એક ગાય તરફડી - તરફડી મરતી રહી. વિકરાળ ત્રાડ.. સાથે અણીદાર નહોર (નખ) ગાયના શરીરમાં ઉતારી દઈ. આખો સિંહ ગાયના શરીરે ચોંટી જાય અને પછી મોંના અણીદાર દાંત ગાયની ડોકમાં એવા તો ભીંસી દે કે ગાય થોડીવાર કુદકા મારી શાંત પડી પડી જ જાય. ચોકીદાર અને કર્મચારીઓની ચિચીયારીઓ વચ્ચે સિંહોના ટોળાએ ચાર ગાયને ત્રીસથી ચાલીસ મીનીટમાં પુરી કરી નાખી અને એક વાછરડાને પકડી તેનો શિકાર કર્યો જે દરમ્યાન ચોકીદારોએ લાકડી સાથે સિંહોને ભય પમાડવાનો પ્રયાસ કરતા મોટા નર સિંહ વાછરડાના દેહને ખંભા પર મુકી ૧ર ફુટની આડશ કુદવા ખુબ કુદકા માર્યા પણ એ પ્રયાસ નિષ્ફળ જતા એ સિંહોનુ ટોળુ માણસોની ખુબ ચીચીયારીઓ બાદ ગાયોના મારણને મુકી ૧ર ફુટની દિવાલ - ફેન્સીંગ કુદીને નાસી ગયા.

૧ર ફુટની દિવાલ - ફેન્સીંગ કુદીને પાંજરાપોળમાં ખાબકેલા સિંહોના ટોળાએ દોઢ થી બે કલાક ગુરૃવારે રાત્રે મચાવેલો હાહાકાર એટલો તો ખોફનાક હતો કે પાંજરાપોળના ચોકીદારો સહીતના કર્મચારીઓએ બીજા જ દિવસે માળીયા (હાટીના) ખાતે આવી તેમનો પરિવાર પાંજરાપોળની નોકરી છોડી રહ્યો હોવાની જાણ કરી દીધી.

આવી સ્થિતિથી ત્રસ્ત બનેલા એ પાંજરાપોળના માનદ મંત્રીએ તત્કાલ રાજયના વન મંત્રીને લેખિતમાં એવી જાણ કરી કે આ વિસ્તારના જંગલમાંથી સિંહો બહાર નિકળી ખેડુતોમાં હાહાકાર મચાવે છે. આ સિંહો જંગલ બહાર ન નિકળે તેવા તત્કાલ પ્રયાસો હાથ ધરવા માંગણી કરી છે. જો આમ નહીં થાય તો પોતે ગ્રામજનોને સાથે રાખી અહિંસક આંદોલનનો માર્ગ લેશે તેવી ચેતવણી ઉચ્ચારી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72242&Keywords=Sorath%20Gujarati%20News

Friday, April 25, 2008

પસવાડા ગામના ડેમમાંથી ૧૦ વર્ષની માદા મગરનો મૃતદેહ મળી આવ્યો

જૂનાગઢ, તા.૨૦
જૂનાગઢ નજીકના પસવાડા ગામ ખાતે આવેલ ૬૦ ફૂટ ઉંડા ડેમમાંથી આજે દસ વર્ષની માદા મગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગે મૃતદેહને બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપેલ છે. આ માદા મગરનું બે દિવસ પહેલા માંદગી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.

આ વિશેની વન વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ વન વિભાગની ડૂંગર ઉત્તર રેન્જ હેઠળ આવતાં જૂનાગઢ નજીકનાં પસવાડા ગામ પાસેના ૬૦ ફૂટ ઉંડા ડેમમાંથી આજે સવારે સાત ફૂટ લાંબી દસ વર્ષીય માદા મગરનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા આ મગરનું મૃત્યુ થયું હોવું જોઇએ. ગત રાત્રે આ વિશેની જાણ થતાં ડી.સી.એફ. વી.જે. રાણા અને એ.સી.એફ. પી.એસ. બાબરીયાની સુચનાથી આર.એફ.ઓ. એસ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર વી.એલ. દોમડીયા તથા વીજય યોગાનંદી સહિતના સ્ટાફે ગઇકાલ સાંજથી જ આ ઓપરેશન શરૃ કરી દીધું હતું. આખી રાત સમગ્ર પાણીમાં શોધખોળ કર્યા બાદ આજે વહેલી સવારે મૃતદેહ મળી આવતાં મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છ

શેરડીના વાડમાં સિંહણે બે નર સિંહ બચ્ચાંને જન્મ આપ્યો

માળીયાહાટીના તા.૨૨
માળીયાહાટીના તાલુકાની બાબરા વીડી તથા જાલોન્દ્રા વીડી સિંહણો માટે આદર્શ પ્રસુતિઘર બનતી જતી હોય તેમ લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દર વર્ષે સિંહણ આ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપે છે, તેમાં વધુ બેનો ઉમેરો થયો છે. તાલુકાના લાછડી ગામે શેરડીના વાડમાં સિંહણે બે નર સિંહને જન્મ આપતાં વન્યપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

માળીયાહાટીના તલુકાના લાછડી ગામના ખેડૂત ભીખાભાઈ હમીરભાઈ સોલંકીની વાડીમાં શેરડીના ઉભા વાડમાં સિંહણે બે નર સિંહને જન્મ આપ્યો હતો. પરંતુ કોઈને તેની જાણ નહોતી. દરમિયાન શેરડીના વાડને કાપવાનું કામ ચાલુ થયું ત્યારે વાડીમાલિકને આ બનાવની જાણ થતા તુર્ત જ તેમણે શેરડી કાપવાનું અટકાવીને વનવિભાગને જાણ કરી હતી. જેથી માળીયાહાટીના તાલુકાના વાઈલ્ડ લાઈફ વોર્ડન બારડ, ફોરેસ્ટર ચાવડા, પાણખાણીયા વગેરે વાડીમાં દોડી ગયા હતા અને તપાસ કરતાં બે નર સિંહનો જન્મ થયાનું જાણવા મળ્યું હતું. જેથી સિંહણ અને તેના બન્ને બચ્ચાનું સલામત સ્થળાંતર કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણને પકડવા મારણ સાથે પીંજરૃ મૂકયું હતું જેમાં બીજા દિવસે સિં
પીંજરામાં પૂરાઈ ગઈ હતી પરંતુ બચ્ચા માટે તલસતી સિંહણે ધમપછાડા શરૃ કર્યા હતા. જેથી વનવિભાગના સ્ટાફે બન્ને બચ્ચાને શોધીને પીંજરા પાસે ઉભા રાખતાં સિંહણ શાંત પડી હતી. બન્ને નર સિંહની ઉંમર બાર દિવસની હોય ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં દેવળીયા પાર્કમાં લઈ જઈને બન્ને બચ્ચાઓને વેટરનરી ડોકટરે જરૃરી સારવાર આપી હતી. તેમજ અભ્યારણના સલામત વિસ્તારમાં જ સિંહણ અને તેના બચ્ચાઓને વિહરવા છોડી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=71510&Keywords=Saurashtra%20Gujarati%20News&date=04-22-2008

દલખાણીયા સેમરડીમાં વનરાજોનું 'ટોળુ' ત્રાટકયું : બે ભેંસનું મારણ કર્યુ

ધારી / અમરેલી તા. ૨૪
ધારી તાલુકાના દલખાણીયા સેમરડી ગામે આજે સવારે ૯ કલાકે ૧૨ વનરાજોનું એક ટોળું ત્રાટકયું હતું.સવારે વનરાજોનું ટોળું ત્રાટકતા ગામમાં ભય વ્યાપી ગયો હતો. વનરાજોના આ ટોળાએ દલખાણીયા સેમરડીના દિલીપ મહમદ બ્લોચની બે ભેંસોનું મારણ કર્યુ હતું ભેંસના દલખાણીયા સેમરડીમાં શિકાર બાદ મોડે સુધી વનરાજોના ટોળાએ ગામમાં જ પડાવ નાખતા ભય વ્યાપી ગયો હતો. ક્રાંકચમાં ત્રણ પશુનું મારણ : લીલીયાના ક્રાંકચ ગામે રહેતા સમાભાઇ નાજાભાઇ રબારી તેમજ મધુભાઇ હાથીભાઇ ખુંમાણના ખેતરમાં સાવજોએ ત્રાટકી ત્રણ ભેંસોનું મારણ કરી મીજબાની માણી હતી. જયારે વાઘણીયા નજીક બે સિંહોએ એક નિલ ગાયનો શિકાર કર્યો હતો.દીપડાને પકડવા પાંજરૃ બે દિવસ પૂર્વે ધારીના મીઠાપુર નકિક ગામે રહેતા કોળી યુવાન ઉપર એક દીપડાએ કરેલ હુમલા બાદ તે દીપડાને પકડી પાડવા માટે વન વિભાગે પાંજરૃ મુકયું છે. જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=71979&Keywords=Saurashtra%20Gujarati%20News

અમરેલી પાસે હવે સિંહ દર્શન

Bhaskar News, Rajkot
Thursday, April 24, 2008 01:23 [IST]

કેન્દ્ર સરકારે અમરેલીના આંબરડી ખાતે આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટર પ્રિટેશન પાર્કને મંજૂરી આપી ૪.૭૪ કરોડની ફાળવણી કરી હતી. જયા મુલાકાતીઓ મુકતપણે વિહરતા સિંહોને નિહાળી શકશે જે પૈકીની ૮૦ ટકા રકમ રૂ.૩.૭૯ કરોડ ગુજરાત સરકારને કેન્દ્રએ ચૂકવી દીધી છે.

એશિયાટિક લાયન્સ સિંહો માટેનું વિશ્વભરનું એકમાત્ર આશ્રયસ્થાન એવા ગીર અભયારણ્યનો મોટો હિસ્સો અમરેલી જિલ્લાની હદોમાં પણ મળે છે અને અમરેલી એ ગીર અભયારણ્યમાં જવાનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે પ્રવાસન વર્ષ દરમિયાન ગુજરાતના પ્રવાસન વિભાગે ભારત સરકારને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ખાતે ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ મુલાકાતીઓ મુકતપણે વિહરતા સિંહોને જોઇ શકે તે માટે વાઇલ્ડ લાઇફ પરિયોજના અમલી બનાવવા રજૂઆત કરી હતી.

પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર દ્વારા આંબરડી ખાતે આ પરિયોજનાને અમલી બનાવવા રૂ.૪૭૪.૨૫ લાખની ફાળવણી કરી છે. જે પૈકીની ૮૦ ટકા રૂ.૩૭૯.૦૦ લાખની રકમ ગુજરાત સરકારને ચૂકવી પણ દેવામાં આવી છે.

આ સંદર્ભે ગુુજરાતના પ્રવાસન વિભાગના વડપણ હેઠળ ગાંધીનગર ખાતે જાન્યુઆરી-૨૦૦૮માં મળેલ બેઠકમાં એડબલ્યુએલપીઆઇ આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન પાર્કની જરૂરી ડિઝાઇન તૈયાર કરી કામના ટેન્ડરો મંગાવી રાજય સરકારની મંજૂરી મેળવી આગળ વધવા વન વિભાગોને જણાવવામાં આવ્યું છે.

કારણકે આ પ્રોજેકટનો અમલ ભારત સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો અનુસાર વાઇલ્ડ લાઇફની સંપૂણર્ જાળવણી સાથે કરવાનો હોય તેના યુટીસી અન્ડર ટેકિંગ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ તથા કમ્પલીશન સર્ટીફિકેશનની કામગીરી પૂર્ણ કરવા પણ વન વિભાગને આ બેઠકમાં જણાવવામાં આવેલ છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકથી ૩ કિમી અને અમરેલી-ધારી રોડથી ૬ કિ.મી.ના અંતરે આવેલ પ્રકòતિ અને પાણીની વિપુલતાથી હર્યાભર્યા આંબરડીના આ પરિયોજના માટે પસંદ થવાના ઘણા કારણો છે. તેમાં એક તે, ધારી કેશોદથી ૧૫૦ કિ.મી. જૂનાગઢથી ૧૧૫ કિ.મી. દીવથી ૬૦ કિ.મી. અને ભાવનગરથી ૧૩૫ કિ.મી.ના અંતરે રસ્તા માર્ગે આંબરડી જોડાયેલું છે.

ધારી (પૂર્વ) વન વિભાગના પરિપત્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અભ્યારણ્યો પણ આવેલ છે. આ અભ્યારણ્ય ૪૨૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ વિસ્તારને તારની મજબૂત વાડથી સુરક્ષિત કરીને પરિયોજના અમલી બનતા અહીંથી પણ પ્રવાસીઓ સિંહો અને અન્ય વન્યજીવોને મુકતપણે વિહરતા જોઇ શકશે. આ પરિયોજના માટે અહીં ૪૦૦ હેકટર જેટલી જમીનનો ઉપયોગ થશે.

હકીકતમાં આંબરડી ગુજરાતભરથી તુલશીશ્યામ અને દીવ જતા મોટી સંખ્યાના પ્રવાસીઓના માર્ગમાં આવે છે. એમાંય વેકેશન અને દિવાળી-નૂતન વર્ષ દિવસ જેવા તહેવારો દરમિયાન આંબરડીથી પસાર થતો આ માર્ગ ભરચક બની જાય છે. આમ પણ આ માર્ગ બારેમાસ પ્રવાસીઓની અવર-જવરથી હર્યોભર્યોરહે છે. પ્રવાસીઓને પ્રિય દીવ સ્થળે જનારા મુલાકાતીઓની સંખ્યા પણ સારી એવી હોય છે.

પ્રાકòતિક સ્થળ એવું આંબરડી શેત્રુંજી નદીના બેય કાંઠે ફેલાયેલું છે. આમાં આંબરડી ગામનો વિસ્તાર ૧૫૦૦ હેકટરનો છે. પર્વતમાળા એવો આ વિસ્તાર ઘાસ અને ઝાડી-ઝાંખરાથી આરછાદિત છે.

જેથી ગીર અભયારણ્યના વિભાગીય હેટ કવાર્ટર બની રહેવાની ક્ષમતા પણ તે ધરાવે છે. આ વિસ્તારની સાવ નજીક આવેલા ધારી તાલુકાના ખોડિયાર ડેમ અને કુદરતી ધોધને કારણે અહીં બારેમાસ પાણી પ્રાપ્ય છે. આમ આ પરિયોજના સાકાર થતા ખૂબજ નયનરમ્ય એવા પ્રાકૃતિક વાતાવરણ વરચે સિંહો અને વન્ય જીવોને મુકતપણે વિહરતા જોવાનો અલભ્ય અવસર મુલાકાતીઓને પ્રાપ્ત થશે. જેથી સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો પણ મોટા પાયે ઊભી થશે.

Source: http://www.divyabhaskar.co.in/2008/04/24/0804240147_wild_life_inter_pretention_park.html