Wednesday, December 31, 2014

કામાતુર દીપડાએ કરેલા હુમલામાં દીપડીનું મોત.

Dec 31, 2014 00:13

  • ગુપ્ત ભાગે ઈજાના નિશાન અને સ્થળ ઉપર ઈનફાઈટના સગડ
સાવરકુંડલા : સાવરકુંડલાના આદસંગની સીમમાંથી ૩ વર્ષની દિપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તપાસ હાથ ધરી હતી.જેમાં દિપડીનું મૃત્યુ ઈનફાઈટમાં થયુ હોવાનું ખુલવા પામેલ હતું.સાવરકુંડલાથી ૨૫ કિલોમીટર દુર આવેલા આદસંગની સીમમાં આજે સવારે રેવન્યુ વિસ્તારમાંથી એક દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના પગલે વનવિભાગના મિતિયાળાના ફોરેસ્ટર જોષી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.જેની તપાસમાં સ્થળ ઉપરથી ૩ વર્ષની દિપડી હોવાનું માલુમ પડયુ હતું તેના મૃતદેહને પીએમ માટે જસાધાર ખસેડેલ હતું.મૃતક દિપડીના ગુપ્ત ભાગે ઈજાના નિશાન અને સ્થળ ઉપર ઈનફાઈટના સગડ મળ્યા હતા.તેના ઉપરથી એવુ જણાય આવ્યુ હતુ કે પ્રણયક્રીડા સમયે દિપડા સાથે ઈનફાઈટ થઈ હોવી જોઈએ.જેમાં ગંભીર રીતે ધવાયેલી દિપડીનું મૃત્યુ થયુ છે.આ ઘટના મોડી રાત્રે બની હતી અને સવારે દિપડીનો મૃતદેહ મળ્યો હતો.
આદસંગ ગામની પાસેના રેવન્યુ વિસ્તારમાં દિપડાઓનો વસવાટ છે, ત્યારે તેમાથી કોઈ એક દિપડાએ આ દિપડી ઉપર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.

ધારીના સરસીયામાં સિંહ પરિવારે ગાય અને વાછરડાનું મારણ કર્યું.


Dec 31, 2014 00:02
ધારી : ધારી તાલુકાના સરસીયા ગામમાં ગઈ કાલે રાત્રે ત્રાટકેલા સિંહ પરિવારે એક ગાય અને વાછરડાનું મારણ કરી નિરાંતે સવાર સુધી મિજબાની માણી હતી. મળતી માહિતી મુજબ સરસીયા ગામમાં ગઈ કાલે રાત્રે ૧૧.૪પ કલાકે સિંહ,સિંહણ અને ત્રણ બચ્ચાનો પરિવાર આવી ચડયો હતો.ગામમાં આવી ચડેલા વનરાજ પરિવારે ત્રાડ નાખી ગામ ગજવી મુકયું હતું.પ્રથમ રામજી મંદિર(ચોરા) નજીક એક વાછરડાનું મારણ કર્યું અને બાદમાં તુરત જ અનંતભાઈ જોશીના ઘરની સામે એક રેઢીયાળ ગાયનું મારણ કરી આખા પરિવારે સવાર સુધી નિરાંતે મિજબાની માણી હતી.સવાર થતા જ સિંહ પરિવાર ફરી જંગલમાં જતો રહ્યો હતો.
ગામમાં રાત્રે આવી ચડેલા સિંહ આખી રાત ત્રાડો નાખી ગામ ગાજતું રાખતા લોકોની ઉંઘ બગડી હતી.સવારે ધારી ફાચરીયાની એસટી બસ નીકળતા બસમાં બેઠેલા વિદ્યાર્થીઓએ પણ સિંહ દર્શનનો લાભ લીધો હતો. સવારે આ બનાવ અંગે ધારી,સરસીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી,છતાં બપોર સુધી કોઈ અધિકારી ફરકયા ન હતા.સરસીયા ગામથી અડધો કિ.મી.સરસીયા રેન્જ અને દલખાણીયા રેન્જ બંનેની ઓફિસ આવેલી છે,છતાં બપોર સુધી કોઈ અધિકારી ફરકયા ન હોય લોકોમાં પણ આ બાબતે રોષ જોવા મળ્યો હતો.

અઠવાડિયાથી ગીરમાં ઈજા પામેલા સિંહને પકડવામાં વન તંત્ર નિષ્ફળ.

Dec 28, 2014 00:05
ઢીલી કામગીરીથી એશિયાટીક સિંહ અસુરક્ષિત



અમરેલી : ગીરપૂર્વના હડાળા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહની બાતમી મળ્યા બાદ એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં વન તંત્રના પાપે સિંહને સારવાર મળી નથી.
ધારી ગીર પૃર્વમાં હડાળા રેન્જના વિસ્તારમાં ઈન્ફાઈટમાં ઘવાયેલા અને કણસી રહેલા ઈજાગ્રસ્ત સિંહ અંગે વન વિભાગને સ્થાનિક માલધારીઓએ જાણ કરી હતી,પણ જે તે સમયે રેસ્કયુ ટીમ ઘણી જ મોડી પહોંચી હતી.બાદમાં આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં નિંભર વન તંત્ર દ્વારા આ ઘાયલ સિંહને શોધી કાઢીને સારવાર આપવામાં આવી નથી,પરિણામે ગીરમાં એશિયાટીક સિંહોની સલામતિના મુદે ગંભીર સવાલો ખડા થયા છે.
એક વર્ષ અગાઉ પણ હડાળા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહ અંગે બાતમી મળ્યા બાદ એક મહીના સુધી વન તંત્ર દ્વારા તેની સંભાળ ન લેવાતા સિંહનું મોત થયું હતું. જે મુદે વનપ્રેમીઓ દ્વારા છેક ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી.ત્યારે હડાળા રેન્જમાં સિંહોની સલામતિ ફરી ન જોખમાય તે માટે ઢીલી કામગીરી મુદે ઉચ્ચ અધિકારી દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી પ્રબળ માગણી ઉઠી રહી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે હડાળા રેન્જમાં ઘનઘોર જંગલ આવેલું છે અને આ વિસ્તાર શહેરથી દૂર હોવાના કારણે અહી પેટ્રોલીંગ માટે મુકાયેલા કર્મચારીઓ જંગલમાં જતા નથી.
ધારીમાં વન વિભાગના કર્મચારીઓને સ્ટાફ કવાટર ફાળવવામાં આવ્યા હોવા છતાં અને રાત્રી સમયે હેડકવાટરમાં ન છોડવા માટેની સ્પષ્ટ સુચના આપવામાં આવી હોવા છતાં કર્મીઓ હેડકવાટરમાં રહેતા નથી. પેટ્રોલીગ માટે દરેકકર્મીને બાઈક પણ આપવામાં આવ્યા છે. છતાં પેટ્રોલીંગ માત્ર કાગળ ઉપર જ થાય છે.આ ઘોર બેદરકારી મુદે તંત્ર પગલા લેશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ગીરને ગજવતો વનરાજ ઈજાની સારવાર માટે વનતંત્રનો મોહતાજ.

Dec 26, 2014 00:08

  • હડાળા નજીક જંગલમાં ત્રણ દિવસથી ઈલાજના વાંકે કણસતો સાવજ
અમરેલી :  હડાળાના જંગલમાં ત્રણ દિવસ પૂર્વે ઈજાના કારણે કણસી રહેલા સિંહ અંગે માલધારીઓએ વન વિભાગને જાણ કરવા છતાં સમયસર રેસ્કયુ ટીમ ન પહોંચતા ત્રણ ત્રણ દિવસ પછી પણ ઈજાગ્રસ્ત સિંહને સારવાર મળી શકી નથી.
આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ધારી ગીર પૃર્વમાં હડાળાના જંગલમાં ત્રણ દિવસ પૃર્વે ઈજાગ્રસ્ત હાલતમાં કણસી રહેલો એક સિંહ જોવા મળ્યો હતો. માલધારીઓ દ્વારા આ અંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પણ લાંબા સમય સુધી વન વિભાગની રેસ્કયુ ટીમ ન પહોંચતા સિંહ જંગલમાં અદ્રશ્ય થઈ ગયો હતો.
ત્રણ-ત્રણ દિવસથી આ ઈજાગ્રસ્ત સિંહ જંગલમાં હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ તેનું પગેરૃ મેળવી શકયા નથી.અગાઉ પણ ધારી ગીર પૂર્વમાં સમયસર સારવાર ન મળવાથી એક સિંહ અને એક દિપડાનું મોત થયું હતું. વન વિભાગના કર્મચારીઓને શિયાળાની ઠંડી લાગી ગઈ હોય તેમ માલધારીઓ દ્વારા જાણ કરવા છતાં પણ વન વિભાગના કર્મચારીઓ સમયસર પહોંચતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓની ઠંડી ઉડાડે તે જરૃરી છે.

ગીરપુર્વે વિસ્તારમાં બે માસમાં છ સિંહ અને પાંચ દિપડાના મોત.

Dec 26, 2014 00:04
જંગલમાં ખુલ્લા કુવા,વાડીઓમાં વીજ કરન્ટ વન્ય પ્રાણીઓ માટે જોખમી


અમરેલી : ધારી ગીર પૃર્વ અને આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ છેલ્લા બે માસના સમયગાળામાં છ સિંહ અને પાંચ દિપડાના મોત થયા છે,જયારે કુવામાં પડેલા ત્રણ દિપડાને બચાવી ૫ણ લેવામાં આવ્યા હતા.એક માત્ર ગીરમાં જ સિંહોનું અસ્તિત્વ હોવા છતાં અને ભુતકાળમાં ગુજરાતના સિંહો સલામત ન હોવાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાની એરણે ચડયો હોવા છતાં આજે પણ ગીરમાં સિંહ અને દિપડા સલામત નથી છતાં વનવિભાગનું પેટનું પાણીયે હલતું નથી.છેલ્લા બે માસમાં જ ઉપરા ઉપરી સિંહ દિપડા સહીતના વન્ય પ્રાણીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે તેમાં કુદરતી મોત કરતા માનવસર્જીત મોતનું પ્રમાણ વધું છે. થોડા દિવસ પહેલા બગદાણાના ધરાઈ ગામે ખેડૂત દ્વારા વાડીમાં વીજ કરન્ટ છોડવાના કારણે એક સિંહણ અને એક સિંહના બચ્ચા (પાઠડા)ના મોત થયા હતા. એ જ રીતે ખાંભાના માલકનેસમાં પણ સીમમાં ખેડૂત દ્વારા વીજ કરન્ટના કારણે દોઢ વર્ષની દિપડીનું મોત થયું હતું.થોડા દિવસ પૃર્વે એક બાળસિંહનું કુવામાં પડી જવાથી મોત થયું હતું.ખાંભાના પીપળલગ, તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જમાંથી અને ધારીના ગોવિંદપુર ગામેથી દિપડા દિપડીના મૃતદેહ મળી આવ્યા હતા.ધારીના જીરામાંથી પણ દિપડાનો મૃતદેહ મળ્યો હતો.કરમદડી રાઉન્ડમાંથી સિંહને પકડયા બાદ સારવારમાં મોત થયું હતું.શેત્રુંજી નદીના કાંઠેથી પણ સિંહનો મૃતદેહ મળ્યો હતો.રાજુલામાં આતંક મચાવનારી સિંહણનું જૂનાગઢમાં ભેદી સંજોગોમાં મોત થયું હતું. અધુરામાં પુરૃ હોય તેમ બે ત્રણ દિવસમાં રાજુલા ખાંભાના વડલી,વાવેરા અને જસાધાર રેન્જના વિસ્તારમાં ત્રણ દિપડા અકસ્માતે ખુલ્લા કુવામાં પડી જતા વન વિભાગે રેસ્કયુ ઓપરેશન કરી બચાવી લીધા હતા.આમ બે માસમાં છ સિંહ અને પાંચ દિપડાના મોત થયા હતા.જેના કારણે પ્રકૃતિપ્રેમીઓમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.ખુલ્લા કુવા સિંહ દિપડાની કબર બની રહ્યા છે.વન વિભાગ આવા કુવાઓનો સર્વે કરીને પાળ બંધાવવાની કામગીરી કરાવે તેવી માગણી ઉઠી રહી છે.

બૃહદગીરમાં હવે વન્યપ્રાણી મિત્રો રાખશે એશિયાટીક સિંહની દેખભાળ.

Dec 23, 2014 00:06

અમરેલી : બૃહદગીરમાં એશિયાટીક સિંહો અને વન્યપ્રાણીઓની દેખભાળ રાખવા માટે અમરેલી જિલ્લાના ગીરના રપ ગામોમાં વનવિભાગ દ્વારા જેતે ગામમાં જ રહેતા હોય તેવા વ્યકિતની વન્યપ્રાણી મિત્ર તરીકે ભરતી કરવામાં આવશે.
ગીરના જંગલમાં એશિયાટીક સિંહો સલામત ન હોવાના મુદે દેશભરમાં ટીકાનો ભોગ બનેલ વનવિભાગ કોઈ જ કસર છોડવા માગતું ન હોય તેમ વન્યપ્રાણીની સારસંભાળ માટે નવો પ્રયોગ હાથ ધરાયો છે. અત્યાર સુધી જંગલમાં રહેતા માલધારીઓ હંમેશા વન્યપ્રાણી મિત્ર તરીકેની ભૂમિકા બજાવતા આવ્યા છે. જંગલમાં ક્યાંય પણ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ બિમાર હોય, ઈજાગ્રસ્ત હોય, કૂવામાં પડી ગયા હોય, મારણ કર્યુ હોય કે મૃતદેહ પડયો હોય તેવા સંજોગોમાં માલધારીઓ દ્વારા તુરંત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે છે. ત્યારે આ ગ્રામજનોની સેવાને પ્રોત્સાહીત કરવા વનવિભાગ દ્વારા આ જ લોકોમાંથી ગામદીઠ એક વ્યકિતની વન્યપ્રાણી મિત્ર તરીકે નિમણૂક કરીને તેને માસિક વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
વનવિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ધારીગીર પૂર્વે વિભાગમાં પાણીયા રેન્જમાં પાણીયા, ચાંચઈ, ભાડેર, દલખાણીયા રેન્જમાં જીરા, શેતરડી, કાંગસા, જસાધાર રેન્જમાં ચોબતપરા, ભીંગરડા, જરગલી, દ્રોણ, કોબ, ઉમેજ, રાતડ, સાવરકુંડલા રેન્જમાં અભરામપરા અને તુલસીશ્યામ રેન્જમાં ચીખલકુબા, ગીદરડી, પીપરીયા, રૂગનાથપુર, લાસા, તાતણીયા, દલડી, નાનુડી, ધાવડીયા અને વડલી ગામે વન્યપ્રાણી મિત્રની ભરતી કરાશે. જે તે ગામમાં સ્થાનિક રહેવાસીને જ નિમણૂક અપાશે. તેમ ડી.એફ.ઓ અશુંમાન શર્માએ જણાવ્યું હતું.

ખુલ્લા કૂવામાં ખાબકેલાં દીપડીના બચ્ચાને બચાવાયું.

Dec 23, 2014 00:06

રાજુલા : રાજુલાના વાવેરા ગામની સીમમાં વ્હેલી સવારે ખુલ્લા કૂવામાં ખાબકેલ એક વર્ષના દીપડીના બચ્ચાને વનવિભાગની ટીમે રેસ્કયુ કરીને બચાવી લીધી હતી.
રાજુલાથી નવ કિ.મી દુર આવેલ વાવેરા ગામના જીલુભાઈ ધાખડીની વાડીમાં આજે વ્હેલી સવારે આંટા મારતુ એક વર્ષનું દીપડીનું બચ્ચુ ખુલ્લા કૂવામાં ખાબકયુ હતું. જેની વાડીમા કામ કરતા ભાગીયાને જાણ થતા તેણે વાડી માલિકને વાકેફ કરતા રાજુલા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે આરએફઓ ધાંધીયા સહીતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો વાડીમાં ખુલ્લો કૂવો ૧૦૦ ફુટ જેટલો ઉંડો અને ૬૦ ફુટ આશરે પાણી ભરેલુ હતુ તેમાં રેસ્કયુ કરી કૂવામાં ખાટલો ઉતારી ગાળીયો બનાવી દીપડીના બચ્ચાને પાંજરે પુરી બચાવી લેવાયુ હતું. આ રેસ્કયુ ત્રણેક કલાક ચાલ્યુ હતું. બચાવેલા બચ્ચાને સારવાર માટે જસાધાર મોકલવામાં આવ્યુ હતું. જાફરાબાદ તાલુકાના ભાડા ગામે કાનાભાઈની વાડીમાં આવેલા કૂવામાં એક નિલગાય પડી ગયાની જાણ થતા રાજુલા વનવિભાગની ટીમે તેને પણ રેસ્કયુ કરી બચાવી લીધી હતી.

વીજકરંટથી દીપડીનું મોત થતાં વાડીમાલિકની ધરપકડ, જેલહવાલે.

Dec 23, 2014 00:02

ખાંભા : ખાંભાના માલકનેસ ગામની સીમમાં વીજકરંટથી મૃત્યુ પામેલ બે વર્ષની દીપડીના મોત પાછળના જવાબદાર રહેલા વાડી માલિક ખેડૂત સામે આજે વનવિભાગે એફઆઈઆર નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરી જેલહવાલે મોકલવાનો હુકમ કર્યો હતો.
ખાંભાના માલકનેસ ગામે રહેતા રૂખડ નાજા વાઘેલા (ઉં.૪૨) નામના કોળી ખેડૂતની વાડી પાસેના દહેવાસ વિસ્તારમાંથી શનિવારની સાંજે વીજકરંટથી મૃત્યુ પામેલ હાલતમાં બે વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસના અગે આજે વિધિવત રીતે વનવિભાગે વાડી માલિક રૂખડ નાજા વાઘેલાની ધરપકડ કરી હતી. તેણે વનવિભાગ પાસે કબૂલાત મુજબ તેના ખેતરમાં કપાસ અને રજકાના પાકનું રક્ષણ કરવા માટે સિંગલ ફેઈઝની લાઈનના વીજતાર ગોઠવ્યા હતા અને તેનો વીજકરંટ લાગવાથી આ દીપડીનું મોત થતાં દીપડીના મૃતદેહને તેણે જ દહેવાસ વિસ્તારમાં ફેંકી દીધો હતો. આ અંગે ડીએફઓ અંશુમન શર્મા અને એસીએફ જાડેજાની સૂચનાથી રબારીકા ફોરેસ્ટર બી. બી. વાળા સહિતનાએ વીજવાયરો કબ્જે લીધા હતા.
વનવિભાગે વન્ય પ્રાણી સંરક્ષાણની કલમો હન્ટીંગ, સેકશન-૯ અનવયે એફઆઈઆર નોંધી આરોપી રૂખડ નાજાને ખાંભા કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ અને આરોપીના જામીન નામંજૂર કરતા તેને અમરેલી જેલમાં ધકેલી દેવાયો હતો. આ કેસમાં ત્રણ થી સાત વર્ષની સખત કેદની જોગવાઈ હોવાનું ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું.
  • ૨૦૦૫માં પાંચ સિંહના વીજકરંટથી થયા હતા મોત
રાજકોટ : ધારી ગીર પૂર્વેના ધારીના પ્રેમપરા વિસ્તારમાં વર્ષ ૨૦૦૫ના વર્ષમાં આ જ રીતે વીજકરંટ લાગવાથી એકીસાથે પાંચ સાવજોના મોત થયા હતા જેમાં વાડી માલિક દુર્લભજી વાડદોરીયા, તેના પુત્ર, ભાગીયા સહિતના ચારની વનવિભાગે ધરપકડ કરી હતી. ખેડૂતે પાંચેય સાવજોને તેના જ ખેતરમાં ખાડો ખોદી દાટી દીધા હતા. જે કેસમાં ખેડૂતને કોર્ટે સખત સજા ફટકારી હતી.

બિમાર પશુઓના ફેંકાતા મૃતદેહના ભોજથી બૃહદગીરના સાવજોમાં રોગચાળાની ભીતિ.

Dec 22, 2014 00:01

  • લીલીયા વિસ્તારમાં વસવાટ કરતાં વન્યપ્રાણીઓને વાયરલ બિમારી લાગવાનો ખતરો
લીલીયા :  ગીર અભ્યારણ અને બૃહદગીર નજીકના વિસ્તારોમાં આવેલા વિસ્તારમાં ભયંકર બિમારીના કારણે પશુઓના મોત થયા પછી ભામમાં ખુલ્લામાં મૃતદેહો ફેંકી દેવામાં આવે છે જેની ગંધથી સિંહો અને અન્ય પ્રાણીઓ અસંખ્ય પડેલા મૃતદેહો સુધી ખોરાક મેળવવા પહોંચી જાય છે. જેથી સિંહો અન્ય વન્યપ્રાણીઓ પર વાયરલ ઈન્ફેકશન અને પ્રોટોઝુઅલ ઈન્ફેકશનના કારણે સ્ત્રોત થવાનો ખતરો હમેશા મંડરાતો રહે છે. યોગ્ય પગલાં લેવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.
ગીર અભ્યારણ અને બૃહદગીર વિસ્તારમાં અનેક જગ્યાએ ગાયોનો વસવાટ છે જેમાં મોટા પ્રમાણમાં ગાયો સહિતના પશુઓને નિભાવવામાં આવી રહ્યા છે. તે ખરેખર સરાહનીય કામગીરી ગણાવી શકાય પણ ગાયો અને અન્ય પશુઓ મૃત્યુ પામે છે તેમાં મોટાભાગે ભયંકર બિમારીનો ભોગ બનેલી ગાયો અન્ય પશુઓ મોતને ભેટતા હોય છે. જે મૃતદેહો સંચાલકો ખુલ્લામાં પશુઓના મૃતદેહો ફેકી દેતા હોવાથી ગીર અભ્યારણ અને બૃહદગીર વિસ્તારની નજીક વસવાટ કરતા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ મૃતદેહોની ગંધ મેળવી પડલા મૃતદેહો સુધી મારણ ખાવા પહોચીં જતા હોય છે. મોટાભાગે ગંભીર બિમારીઓના કારણે ગૌશાળામાં પશુઓના મોત થતા હોય છે. જે ખાવાથી મહામુલા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓમાં વાયરલ ઈન્ફેકશન અને પ્રોટોઝુઅલ ઈન્ફેકશન થવાના કારણે મોત થવાનો ખતરો હમેશા મંડરાતો રહેતો જોવા મળી રહ્યું છે અને ખુલ્લામાં નખાતા મૃતદેહોના કારણે માનવ વસવાટમાં નાની મોટી બિમારીઓ અને દુર્ગંધ યુકત વાતાવરણ જોવા મળી રહે છે. તેવા સમયે વનતંત્ર અને આરોગ્ય વિભાગે નક્કર પગલાં ભરી પશુઓના મોતબાદ મૃતદેહોને ખુલ્લામાં ન ફેકવા પશુઓના મોતબાદ મૃતદેહો પરથી ચામડુ ઉતારી લઈ મૃતદેહને જમીનમાં દફનાવી દેવો જોઈ અથવા તો તેનો નિકાલ કરવો જોઈએ ઘણી વાર ભામમાં પડેલા પશુઓના મૃતદેહો કુતરા ખાવા પહોચીં જતા હોય છે પાછળથી સિંહો પણ આ મૃતદેહો ખાવા આવી જતા હોય છે જેના કારણે કુતરામાંથી મળી આવતો બેકટેરીયા કેનાઈન ડિસ્ટેમ્પર નામનો વાયરલ પણ સિંહોના મોતનું કારણ બની શકે છે. આ અંગે લાયન નેચર ફાઉન્ડેશન પ્રમુખ મનોજ જોષીએ પી.સી.સી.એફ, શ્રી સી.એન.પાંડે અને આરોગ્ય વિભાગને લેખીત રજૂઆતો કરેલ છે.

ખેડૂતે ગોઠવેલા વીજ કરંટથી બે વર્ષની દિપડીનું મોત : ૩ની અટકાયત.

Dec 22, 2014 00:01

  • પી.એમ.માં વીજ કરંટથી મોત થયાનું ખુલતા વનવિભાગને આસપાસના વાડી માલિકોની પૂછતાછ
ખાંભા : ખાંભાના માલકનેશ ગામની સીમમાં દેહવાહ વિસ્તારમાંથી મળી આવેલ બે વર્ષની દિપડીના મૃતદેહને વનવિભાગે પી.એમ. કરાવતા દિપડીનું મોત વીજકરંટથી થયું હોવાનું ખુલતા ખાનગીરાહે તપાસ કરાવતા આસપાસના વાડી માલિકોએ ખેતરમાં ગોઠવેલા વીજતારથી મોત થયાનું જણાતા વનવિભાગે ત્રણ જેટલા વ્યક્તિની અટક કરી તપાસ શરૃ કરી છે.
શનિવારની સાંજે ખાંભાથી ૧૬ કિ.મી. દૂર આવેલા માલકનેશના રૃખડભાઈ વાઘેલાની વાડી પાસેના વિસ્તારમાંથી બે વર્ષની દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતાં ખાંભા આરએફઓ ડી.જી. ઝાલાએ મૃતદેહને કબજે લઈ જશાધાર પીએમ માટે ખસેડેલ હતો જેમાં દીપડીનું મોત વીજ કરંટથી થયું હોવાનું ખુલ્યું હતું.
આ અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે આ ઘટનાના પગલે અમારા સ્ટાફે ખાનગીરાહે તપાસ કરાવી આસપાસના વાડી વિસ્તારમાં ખેતરમાં તલાશી દરમિયાન ઈલેક્ટ્રીક વીજતાર મળી આવતા તે મુદ્દામાલ જપ્ત કર્યાે છે અને વાડી માલિક સહિતના ત્રણ જેટલા વ્યક્તિની હાલ અટકાયત કરીને પૂછપરછ શરૃ કરી છે.
પાકને બચાવવા માટે ખેડૂતે ખેતરના ફરતે વીજતાર ગોઠવ્યા હતા તે વીજ કરંટથી આ દિપડીનું મોત થયા બાદ ખેડૂતે મૃતદેહને દેહવાડી વિસ્તારમાં ફેંકી દીધો હોવાનું અનુમાન છે. સ્થળ પર જ દિપડીના મળત્યાગના નમુના એકઠા કરી પુરાવારૃપે કબજે લીધા છે જે અંગેની આગળ તપાસ હજુ શરૃ હોવાનું ડીએફઓએ જણાવ્યું હતું.

તાલાલા પંથકના દેશી ગોળની સોડમ, ૧પ હજાર લોકોને મળતી રોજગારી.

Dec 30, 2014 00:26

  • ધમધમતા રપ૦ થી વધુ રાબડા : શેરડીની સાથે ઘઉંનો આંતરપાક લઈને બોનસ આવક મેળવતા કિસાનો
જૂનાગઢ : સૌરાષ્ટ્રના ગામડાના વિસ્તારોમાં એક સમયે શિરામણમાં ગોળ-ઘી અને ચુરમુ જ લેવાતુ.પરંતુ ચા ની આદતે શહેરની સાથે ગ્રામ્યના લોકો પણ ચા-ભાખરી અને ચા-રોટલીની આદતવાળા થતા જાય છે. અને પરંપરાગત પૌષ્ટીક ખોરાક ગોળનું ખોરાકમાંથી પ્રમાણ ઓછુ થયુ તેનુ સીધુ પરીણામએ આવ્યુ આજે કુ-પોષણનો ભોગ બને છે.
સિંહ, શેરડી અને કેસર કેરી માટે પ્રસિધ્ધ તાલાળા વિસ્તાર દેશીગોળનાં ઉત્પાદનમાં પણ મોખરે છે. અહિંની ફળદ્રુપ જમીનમાં શેરડીનું વિપુલ ઉત્પાદન થાય છે. તેમાંથી બનતો દેશીગોળ આરોગ્ય વર્ધક હોવાની સાથે શ્રેષ્ઠ છે. આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, પ્રાચી અને આસપાસના વિસ્તારમાં રપ૦ થી વધુ રાબડા ર૪ કલાક ધમધમે છે.જેમાં દરરોજ રપ૦૦ જેટલા ગોળના ડબાનું ઉત્પાદન થાય છે. અને ૧પ૦૦૦થી વધુ લોકોને રોજગારી મળે છે.
સૌરાષ્ટ્રના શેરડી પકવતાં બધા વિસ્તારોમાં ગોળનું ઉત્પાદન થાય છે. પરંતુ તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લાનાં ૧૩,૧૦૦ હેકટર જેટલાં વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે. મદદનીશ ખેતીવાડી અધિકારી દિપક રાઠોડે જણાવ્યું છે કે, અન્ય સ્થળોએ ગોળના ડબાના બદલે ભીલા બને છે જ્યારે કણીદાર અને વિશેષ સોડમ ધરાવતો દેશી ગોળ પ્રસિધ્ધ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને શેરડીના વાવેતર સાથે સંકળાયેલા શૈલેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, અહિંના ખેડૂતો શેરડી સાથે ઘઉં સહિતનો આંતર પાક પણ મેળવી જમીનનો મહતમ ઉપયોગ કરે છે. અને હવે તો ઓર્ગેનીક પધ્ધતીથી રાબડાવાળા બિલકુલ દવા વગરના ગોળનું પણ પ થી ૧૦ કિલોના પેકિંગમાં ઉત્પાદન સાથે વેંચાણ કરે છે.
  • કેવી રીતે બને છે દેશી ગોળ ??
જૂનાગઢ ઃ શેરડીના રસને ક્રમબધ્ધ ચાર ઉકળતા તાવડામાં કાઢી આગળ વધારતા છેલ્લે ગોળ ચોકીમાં ઠાલવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં દેશી ભીંડીના રસને શેરડીના રસમાં નાખતાં ગોળ કેસરી ઝાંય વાળો થાય અને રસમાંથી મેલ દૂર થાય છે. ઉપરાંત હાઈડ્રો અને પાપડી પણ નખાઈ છે. જેનાથી ગોળ સફેદ થાય છે. ગરમ ગોળ ચોકીમાં કાઢી તેને પાવડીથી ઘુંટી ગોળના ડબામાં ભરાય છે. અને ડબાઓ વેપારીઓના માધ્યમથી સમગ્ર દેશમાં પહોંચે છે. દેશી ગોળ બનાવતા આ રાબડા ૪ થી પ માસ સુધી ૧પ હજાર લોકોને રોજગારી આપે છે.

૧૦૦ ગામ માટે વન અધિકાર સમિતિ, પણ તેણે કામગીરી શં કરવી ?

Dec 27, 2014 00:07

  • લાભ આપવાને બદલે અધિકારો ઝૂંટવાઈ રહ્યાંનો દલિત સંગઠનનો આક્ષેપ
તાલાલા : તાલાલા પંથક સહિત ગિર સોમનાથ જિલ્લામાં વન અધિકાર કાયદા હેઠળ ૧૦૦ ગામો માટે વન અધિકાર સમિતિ બનાવાઈ છે, પરંતુ આ સમિતિઓએ શું કામગીરી કરવી તે ની કોઈ માહિતી પ્રશાસન તરફથી અપાઈ નથી. ઉપરાંત પ્રજાને અધિકારો આપવાને બદલે ઝુંટવાઈ રહ્યાં હોવાનો આક્ષેપ દલિત સંગઠન દ્વારા કરાયા છે.
ગિર સોમનાથ જિલ્લા સૌરાષ્ટ્ર દલીત સંગઠનના પ્રમુખ જેઠાભાઈ સોસાના જણાવ્યા પ્રમાણે વન અધિકાર કાયદો-૨૦૦૬ અંતર્ગત ગિર સોમનાથ જિલ્લાના ૧૦૦ ગામોમાં વન અધિકાર સમિતિની રચના કરવામાં આવી છે.
પરંતુ સમિતિએ શુ કામગીરી કરવાની ? કેવી રીતે કરવી ? તેની કોઈ માહિતી પ્રશાસન તરફથી સમિતિઓને આપવામાં આવી નથી.
જેના કારણે આ જિલ્લામાં ખેતીની જમીન અને રહેણાંક મકાનો અંગે વન વિભાગ સામે ચાલતા વાદ વિવાદનો કોઈ ઉકેલ આવેલ નથી. એટલું જ નહીં વન અધિકાર કાયદાગ્રામ્ય પ્રજા તથા ખેડૂતોને પ્રાપ્ત થતાં અધિકારો આપવાને બદલે પ્રજા અને ખેડૂતોના અબાધીત અધિકારો વન વિધાગે છીનવી રહ્યું હોવાનો ખૂલ્લો આક્ષેપ કરી આ સગઠને તપાસની માગણી કરી છે.
આ અગ્રણીએ વન કાયદા હેઠળ મળેલા અધિારોની અમલવારી કરવા અને વન અધિકાર સમિતિને તેમની ફરજની વિગતો અને જરૃરી સાહિત્ય સાથે સમિતિઓને કાર્યરત કરવાની માગણી કરાઈ છે.

ક્રિસમસ ઇફેક્ટ : ગિરનાર પ્રવાસીઓથી છલોછલ.

Dec 26, 2014 00:09


  • નાતાલની રજા માણવા હજ્જારો લોકો ઉમટી પડયાઃ સીડી ઉપર અમુક જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહોતી
જૂનાગઢ :  શિયાળાની ઠંડી વચ્ચે આજે નાતાલ પર્વની રજા નિમિત્તે જૂનાગઢના ગિરિવર ગિરનાર ઉપર પ્રવાસીઓની સારી એવી ભીડ રહી હતી. ગિરનાર ઉપરથી નીચે આવેલા પ્રવાસીઓ શહેરના ફરવા લાયક સ્થળોએ પહોંચી ગયા હતાં. પરિણામે અહી પણ ચિક્કાર ગીરદી જોવા મળી હતી.
દર વર્ષે નાતાલની રજાના દિવસે સૌરાષ્ટ્રના જાણિતા ફરવા લાયક સ્થળ બનેલા ગિરનાર પર્વત ઉપર હજ્જારો પ્રવાસીઓ આવી પહોંચે છે. આ પરંપરા અનુસાર આજે પણ વહેલી સવારથી યાત્રિકો ગિરનાર ચડવા આવી પહોંચ્યા હતાં. સીડી ઉપર અમુક જગ્યાએ તો પગ મૂકવાની જગ્યા રહી નહોતી. નીચેથી છેક ઉપર સુધી પ્રવાસીઓએ લાઈનમાં જવું પડયું હતું. અંબાજી, ગોરખનાથ શિખર, દત્તાત્રેય શિખર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર, નેમીનાથ વગેરે ધર્મસ્થળોએ ભીડ જોવા મળી હતી. વહેલી સવારે પર્વત ઉપર જઈને બપોર સુધીમાં પરત નીચે આવી ગયેલા પ્રવાસીઓ શહેરના ફરવા લાયક સ્થળો સક્કરબાગ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો વગેરે જગ્યાએ પહોંચી ગયા હતાં. સ્થળો જોવા માટે મોડી સાંજ સુધી લોકોની કતારો રહી હતી.
દર વરસે જૂનાગઢના ગિરનાર ઉપર પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે ત્યારે આ વખતે પણ દિવાળી પછી નાતાલ પર્વમાં પણ દુર દુરથી આવતા પ્રવાસીઓ ઉમટી પડયા છે અને જેને લઇને બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

દરવાજો ખુલ્લો જોઈને દીપડી ઘરમાં ઘૂસી ગઈ, રેસ્ક્યૂ કરી પકડી લેવાઈ.


Dec 24, 2014 00:21
કોડીનાર : કોડીનારના કોટડાબંદરે એક મકાનમાં દીપડી ઘૂસી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, આસપાસના લોકોએ સમયસુચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરી વનવિભાગને જાણ કરતા સ્ટાફે રેસ્કયુ કરીને ચાર કલાક બાદ દીપડીને પાંજરે પુરવામાં સફળતા મળતા સૌએ હાંશકારો અનુભવ્યો હતો. કોટડાબંદરના ભીંડીશેરીમાં આવેલા શમીબેન ભગવાનભાઈ ચાવડાના મકાનમાં સવારે ૧૧ વાગે એક વર્ષની દીપડી ઘૂસી ગઈ હતી સદભાગ્યે ઘરના લોકો બહાર હતા અને દીપડી ઘૂસી જવાની જાણ થતા ઘરના લોકોએ દરવાજા બંધ કરી જામવાળા વનવિભાગને જાણ કરતા એન.એમ.ભરવાડ, ગોપાલ રાઠોડ સહિતના લોકોએ તુરત જ કોટડાબંદરે પહોંચી જઈ દીપડીને પીંજરામાં પુરી લીધી હતી. કોટડાબંદર વિસ્તારમાં છેલ્લા ર૦ દિવસ દરમ્યાન દીપડા પકડવાનો આ ત્રીજો બનાવ છે. પહેલા બે બનાવમાં ગામની આસપાસ દીપડાના આટાફેરાના કારણે માજીસરપંચ બાબુભાઈ બારૈયાએ તંત્રને જાણ કરી બે અલગ-અલગ જગ્યાએથી દીપડી પકડયા હતા જયારે આજે દીપડી ઘરમાં ઘૂસી જવાના બનાવથી લોકોમાં ભય ફેલાયો હતો સદભાગ્યે કોઈ અનીચ્છનીય બનાવ નહી બનતા અને તંત્રએ દીપડી પકડી લેતા લોકોના શ્વાસ હેઠાં બેઠા હતા.



વનરાજની થાળીમાં પડ્યો ત્રીજો ભાગ: વર્ચસ્વ વધારવા સિંહો પણ કરે છે ગઠબંધન.


વનરાજની થાળીમાં પડ્યો ત્રીજો ભાગ: વર્ચસ્વ વધારવા સિંહો પણ કરે છે ગઠબંધન

Arjun Dangar, Junagadh | Dec 31, 2014, 10:06AM IST
જૂનાગઢ: અગાઉ પોતાનાં જૂથમાં બે સિંહો રાજપાટમાં રહીને વર્ચસ્વ ધરાવતા પરંતુ હવે પોતાનું જુથ વધુ બળુકું બને અને બીજા જૂથ પર પણ વર્ચસ્વ વધારી શકાય એ માટે હવે એકસાથે ત્રણ વનરાજો મળીને અન્ય જૂથ પર આધિપત્ય જમાવવા પ્રયત્નશીલ બન્યા છે. આ પ્રકારનાં વર્તનમાં ફેરફાર હાલ બે જગ્યાએ જોવા મળ્યો હોવાનું સાસણ ગિરનાં ડીએફઓનાં નિરીક્ષણમાં જણાયું છે.

સાસણનાં ડીએફઓ ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, એકજૂથ પર બે નર સિંહનું આધિપત્ય હોય છે. અને આ રીતે એકથી લઇને 7 ગૃપનું એક મોટો સમુહ (પ્રાઇડ) બને છે. હાલ ગિર જંગલમાં આવા 60 સમુહો છે. અને આ સમુહો પર બે નર સિંહ રાજ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્યારેય ન જોયો હોય એ પ્રકારનો સિંહોનાં વર્તનમાં બદલાવ જોવા મળ્યો છે. હાલ કમલેશ્વર  ડેમ વિસ્તાર અને વિસાવદર તરફ આ પ્રકારે 3-3 રાજા ધરાવતા બે સમુહો જોવા મળ્યા છે. સામાન્ય રીતે આ બાબતથી એવું સ્પષ્ટ કહી શકાય કે, સિંહોએ પણ નક્કી કર્યું છે કે, દો સે ભલે તીન. કારણકે, જંગલની અંદર બુદ્ધિશાળી નહીં, પરંતુ શક્તિશાળી હોય એ જ રાજ કરે.
 
વર્ચસ્વની લડાઇ સારી બાબત છે : ડીએફઓ

ડીએફઓ સંદિપકુમાર કહે છે, સિંહો વચ્ચે ઇન્ફાઇટનાં બનાવો બને છે એ ખરાબ બાબત નથી. ઉલ્ટું તેનાથી વર્ચસ્વવાળા અને સુપિરીયર જીન્સ બહાર આવે છે. તેનાથી સિંહોની વસ્તીમાં પણ વધારો થાય છે. અને સારું જીન્સ જ નવી નસ્લમાં હોય છે.
 
આગળ વાંચો, 40 ટકા વસ્તી યુવાન સાવજોની, કમલેશ્વર ડેમ પાસે 3 નરનું મોટું સામ્રાજ્ય, રાજાઓ વચ્ચે સમાન વ્હેંચણી થાય
40 ટકા વસ્તી યુવાન સાવજોની

હાલ ગિરનાં જંગલમાં 40 ટકા વસ્તી યુવાન સિંહોની છે. આ સિંહો આવનાર વર્ષોમાં મોટાપાયે બ્રિડીંગ કરશે. આથી સિંહોની વસ્તી વૃદ્ધિનો દર વધશે. વળી પહેલાં સિંહણનાં બચ્ચાં પૈકી એકાદ માંડ જીવી શકતું. હવે એ મૃત્યુદર ઘટ્યો છે.

કમલેશ્વર ડેમ પાસે 3 નરનું મોટું સામ્રાજ્ય

કમલેશ્વર, ખોખરા, બાબરવા ચોક, આંબળા, વગેરે મળી આશરે 80 થી 90 ચોરસ કિમી વિસ્તારમાં 3 વનરાજોએ પોતાનું મોટું સામ્રાજ્ય સ્થાપવાનું શરૂ કર્યું છે. અને બીજા 3 સમુહની 6 માદાઓને પોતાનાં વર્ચસ્વમાં લઇ તેની સાથે બ્રિડીંગ કર્યું છે.
રાજાઓ વચ્ચે સમાન વ્હેંચણી થાય

ડો. સંદિપકુમાર વધુમાં કહે છે, એક ગૃપમાં નર અને માદા હોય તો તેમની વચ્ચે વ્હેંચણી સમાન ધોરણે થાય છે. પછી તે મેટીંગનો સમય હોય કે મારણ. તસુભારનો ફરક તેમાં રહેતો નથી. મેટીંગની બાબતમાં તો એક માદા સાથે એક નર જેટલો સમય વિતાવે બિલકુલ એટલોજ સમય બિજો અને ત્રીજો વિતાવે છે.

સાસણ (ગીર) ખાતે ગિર નૃત્ય સંગીત ઉત્સવનું આયોજન.

DivyaBhaskar News Network | Dec 30, 2014, 08:45AM IST
સાસણખાતે હોટેલ ગ્રીન પાર્કનાં પટાંગણમાં યોજાનારા ચાર દિવસીય ઉત્સવ પ્રવાસીઓનાં આનંદમાં વધારો થાય તે હેતુથી આયોજન કરાયું છે. રવિવારે તા.28 નાં રોજ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ, સોમવારે તા.29નાં રોજ ગુજરાતી/હિન્દી ગીત ગઝલો રજૂ થઈ અને આવતીકાલે તા.30નાં ગરબા અને લોકનૃત્યો રજૂ થશે. જ્યારે 31 ડિસે.ની રાત્રે 9 થી 12 વાગ્યા સુધી લોકડાયરાનું આયોજન કરાયું છે. રાજય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષ યોગેશ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજય સંગીત નાટક અકાદમી દ્વારા સતત કલા પ્રવૃતિઓને જીવંત રાખવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. તાજેતરમાં ગુજરાતનાં નાટય જગતને વેગ મળે તે હેતુસર લગભગ 70 જેટલા ગુજરાતનાં નાટય નિર્માતાઓને અકાદમી તરફથી ફૂલ લેન્થ નાટકનાં નિર્માણ માટે પ્રતિ નિર્માતા 2 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. જૂનાગઢમાં પણ પરિક્રમા દરમિયાન ગિરનાર તળેટીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન મહાપાલિકાનાં સહકારથી અમે કરેલું. સાસણ ખાતે યોજાનાર ઉપરોકત ચારેય કાર્યક્રમમાં પ્રવાસીઓ માટે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યો છે. સૌને ચારેય કાર્યક્રમોનો લાભ લેવા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીમાં પહેલી વાર નાતાલનાં વેકેશનમાં આયોજન કરાયું છે.

રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ.


રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ

Bhaskar News, Rajula | Dec 25, 2014, 00:13AM IST
- ચિંતા | ઉતરાયણના પર્વ પહેલા ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ માટે બની ઘાતક
- સર્પ સંરક્ષણ મંડળ દ્વારા પક્ષીઓને સારવાર આપી મુકત કરાયા: ચાઇનીઝ દોરીઓ પર રોક કયારે

રાજુલા: મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. આ પર્વને ઉજવવા અત્યારથી જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ઉતરાયણ પર્વમાં દર વર્ષે અનેક પક્ષીઓ પતંગની દોરીના કારણે મોતને ભેટે છે. દર વર્ષે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પક્ષીપ્રેમીઓ દ્વારા ઉતરાયણના પર્વે હેલ્પલાઇન શરૂ કરવામા આવે છે અને પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાની કામગીરી કરવામા આવે છે. હજુ આ પર્વને ગણતરીના દિવસો બાકી હોય અત્યારથી જ પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવા લાગ્યા છે. રાજુલામાં આવી જ રીતે ચાર પક્ષીઓ ઘાયલ થતા સર્પ સંરક્ષણ મંડળ દ્વારા તેને સારવાર આપવામા આવી હતી.

રાજુલામાં ઉતરાયણના પર્વે દર વર્ષે અનેક પક્ષીઓ પતંગની દોરીઓથી ઘાયલ થાય છે તેમજ મોતને પણ ભેટે છે. હજુ ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યાં બજારમાં પતંગ દોરીઓનું ધુમ વેચાણ શરૂ થઇ ગયું છે. ખાસ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓથી અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ત્યારે રાજુલામાં બાયપાસ વિસ્તાર, મફતપરા, ગૌશાળા નજીક વિગેરે વિસ્તારોમાં ચાર પક્ષીઓ પતંગની દોરીઓથી ઘાયલ થયેલા નજરે પડયા હતા.
રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ

આ અંગે સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટને જાણ કરવામા આવતા તેઓ ટીમ સાથે દોડી જઇ ઘાયલ પક્ષીઓને પકડી સારવાર આપી હતી અને સલામત સ્થળે મુકત કરી દીધા હતા. અશોકભાઇ સાંખટે જણાવ્યું હતુ કે ઉતરાયણ પર્વે મંડળની હેલ્પ લાઇન શરૂ કરવામા આવી છે. કોઇ સ્થળે ઘાયલ પક્ષી નજરે પડે તો સંપર્ક સાધવા લોકોને અપીલ કરવામા આવી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ઉતરાયણ પર્વે યુવાનો પતંગ ચગાવવાની સાથેસાથે પક્ષીઓને કોઇ પ્રકારની ઇજા ન પહોંચે તેનુ ધ્યાન રાખે તે પણ જરૂરી છે.

રાજુલાના વાવેરા ગામની સીમમાં દીપડી કુવામાં પડી.


Bhaskar News, Rajula | Dec 23, 2014, 00:02AM IST

રાજુલાના વાવેરા ગામની સીમમાં દીપડી કુવામાં પડી
- વનવિભાગે રેસ્કયુ કરી દિપડીને બહાર કાઢી સારવારમાં ખસેડી

રાજુલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં પણ મોટી સંખ્યામાં સિંહ, દિપડાઓની સંખ્યા જોવા મળી રહી છે. હજુ બે દિવસ પહેલા જાફરાબાદના વડલીની સીમમાં એક સિંહ ખુલ્લા કુવામા ખાબકયો હતો. ત્યાં આજે સવારે વાવેરા ગામની સીમમાં એક દિપડી કુવામા ખાબકતા વનવિભાગની રેસ્કયુ ટીમે તેને બચાવી લઇ સારવારમાં ખસેડી  હતી.

વન્યપ્રાણીઓ અવારનવાર વાડી ખેતરોમાં શિકારની શોધમાં આંટાફેરા મારતા હોય છે. ત્યારે વાડીઓમાં આવેલા ખુલ્લા કુવાઓ આ પ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. અનેક વખત સિંહ, દિપડા કુવામા ખાબકવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે રાજુલા તાલુકાના વાવેરા ગામની સીમમાં આવેલ જીલુભાઇ કાથડભાઇ ધાખડાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામા શિકારની શોધમાં નીકળેલી એક વર્ષની દિપડી ખાબકી હતી.

આ  અંગે જીલુભાઇએ વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ રેસ્કયુ ટીમ સાથે અહી દોડી ગયો હતો. અને મહામહેનતે દિપડીને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવી હતી. ફોરેસ્ટર રાઠોડ, કે.જી.ગોહિલ, ચાંદુભાઇ, પઠાણભાઇ, હરિયાણીભાઇ, ભરતભાઇ સહિત પણ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠા નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાડી ખેતરોમાં અનેક ખુલ્લા કુવાઓ જોવા મળી રહ્યાં છે. જે વન્યપ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. અનેક વખત નિલગાય, સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ કુવામા ખાબકે છે જેમાંથી કેટલાક મોતને પણ ભેટે છે. ત્યારે વનતંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

જાફરાબાદ પંથકનાં વડલીની સીમમાં સાવજ કુવામાં ખાબક્યો.

Bhaskar News, Rajula | Dec 21, 2014, 00:21AM IST
- રેસ્ક્યુ | સાવજોની દશા બેઠી હોય તેમ બનાવમાં વધારો
- એક વર્ષની ઉમરનાં સાવજને રેસ્કયુ ટીમે સલામત બહાર કાઢ્યો

રાજુલા: ગીર જંગલમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાના વડલી ગામની સીમમાં સવારના સુમારે એક સિંહ ખુલ્લા કુવામા પડી ગયો હતો. આ બારામાં ગ્રામજનોએ વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી મહામહેનતે સિંહને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવાની કાર્યવાહી કરવામા આવી હતી. જો કે વનવિભાગના આરએફઓ દ્વારા ઘટના છુપાવવા પ્રયાસ કરવામા આવતા સિંહપ્રેમીઓમાં અનેક સવાલો ઉઠયાં હતા.

સિંહ કુવામા પડી ગયાની આ ઘટના જાફરાબાદ તાલુકાના વડલી ગામની સીમમાં બની હતી. અહી ભીખાભાઇ પુનાભાઇ વાઘેલાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામા સવારના સુમારે એક વર્ષની ઉંમરનો સિંહ ખાબકયો હતો. આ અંગે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી.

કલાકોની જહેમત બાદ આ સિંહને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામા આવ્યો હતો અને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવ્યો હતો. ઘટનાને પગલે વાડીમાં મોટી સંખ્યામા લોકો સિંહ જોવા માટે ઉમટી પડયા હતા. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર વાડી ખેતરોમાં આવેલા ખુલ્લા કુવાઓમાં વન્યપ્રાણીઓ પડી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે.
 
આગળ વાંચો, રેસ્કયુ ચાલતુ"તુ છતાં આરએફઓ અંધારામાં હતા
જાફરાબાદ પંથકનાં વડલીની સીમમાં સાવજ કુવામાં ખાબક્યો

Sunday, November 30, 2014

ખાંભા નજીકથી બાળ દીપડાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો.


  • Nov 30, 2014 00:02
  • ચાર માસનું લાગતું બચ્ચંુ એક વર્ષનું હોવાનું ખૂલ્યું, વિસેરા હ્લજીન્માં મોકલાયા
ખાંભા : ખાંભાના પીપળવા ગામની સીમમાંથી દીપડીના એક વર્ષના બચ્ચાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગે તેનુ પોસ્ટમોર્ટમ કરાવી કારણ જાણવા પ્રયાસો કર્યા હતા પરંતુ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાયુ નથી. ખાંભાના પીપળવા ગામના ખેડૂત સોમાભાઈ ભુકણના ખેતરમાં કપાસના છોડ વચ્ચે ચારેક માસનુ જણાતું દીપડીના બચ્ચાનું મૃતદેહ મળી આવતા વનવિભાગને જાણ કરાઈ હતી. જેના પગલે આરએફઓ ડી.જી. ઝાલાએ સ્થળ પર જઈ તપાસ કરી હતી.
આ અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુંકે મૃત હાલતમાં મળેલ દીપડીનું બચ્ચાનું પી.એમ કરાવતા તેની ઉંમર એક વર્ષની હોવાનું અને કોઈપણ કારણોસર તેનું મોત થયાનું જાણ આવે છે. તેનો મૃતદેહ પરથી કોઈ ઈજાના કે શંકાસ્પદ નિશાનો જોવા મળ્યા નથી.
જેથી તેના વિસેરા એફએસએલમાં મોકલ્યા છે. આ બચ્ચાનું મૃત્યુ ૧૫ દિવસ પહેલા થયુું હોવાનું જણાય આવે છે અને વાડીની આસપાસ કોઈ વીજતાર કે તેવી શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી નથી. તપાસ શરૃ હોવાનું જણાવ્યુ હતું.

કલાકો સુધી કણસતા રખાયેલા ઘાયલ સિંહની આખરે સુશ્રુષા.


  • Nov 26, 2014 00:03
  • રેવન્યુ અધિકારીના કદમબોશ વનતંત્રની સારવાર ક્યારે ?!
સાવરકુંડલા : લીલીયાના ક્રાંકચ સહીતના શેત્રુજી નદીના ઉભા પટામાં ૩૦ આસપાસના સિંહોનો કાયમી વસવાટ છે, જયારે આ વિસ્તારમાં ખુંખાર કહેવાતી કોલર આઈડી સિંહણનું પાઠડું બચ્ચું છેલ્લા થોડા સમયથી આગળના પગે લંગડાતું ચાલતું હોવાની જાણ પ્રકૃતિપ્રેમીઓએ વન વિભાગને કરી હતી. બાદમાં વન વિભાગ સાથે વન્ય પ્રાણીના નિષ્ણાંત ડોકટર હિતેશ વામજાએ બપોરથી લઈને મોડી રાત સુધી આ પાઠડા સિંહને સારવાર આપવા કમર કસી હતી,પણ એક મહેસુલી અધિકારીની સિંહ જોવાની લાલસામાં સારવાર શકય બની ન હતી.
 વન વિભાગના કર્મીઓ અને અધિકારીઓની મીલીભગતથી આ રેવન્યુ સહીતના ક્રાંકચના સિંહોની પજવણી,લાયન શોની ઘટનાઓ છાશવારે બનતી હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભુમિકા ભજવે છે આથી જ સિંહનો પજવણી કરનારા અને લાયન શોના નિષ્ણાંતો દરરોજ ફોટોગ્રાફીના કેમેરા લઈ લઈને ઢળતી સંધ્યાએ પહોંચી જતા હોવાનું જાણવા મળે છે. આ ઘાયલ સિંહની સારવારમાં બાધારૃપ બનેલા વર્ગ-રના અધિકારીને વન અધિકારી જ સાથે રહે તો તે બાબત ખુબ જ દુઃખદ કહેવાય પણ મહેસુલના અધિકારીને સિંહ જોવા તો આપવા જોઈએ તેવા આરએફઓ અગરવાલના વલણથી આ ઘાયલ સિંહ હજુ ર૪ કલાક વધુ કણસતો રહ્યો હતો.
પણ ગત મોડી રાત્રે ડો.હિતેશ વામજાએ નાળિયેરા વિસ્તારમાંથી સિંહને લોકેટ કરી આગળના ભાગે બહારથી ઈજા દેખાતી ન હતી પણ અંદરથી મુંઢમારની શકયતાથી બે ઈન્જેકશનો આ સિંહને આપી દુઃખાવામાંથી મુકત કર્યો હતો. સિંહની સારવાર તો ડોકટરે કરી પણ સિંહને જોવાનો શોખ ધરાવતા મહેસુલના વર્ગ-રના અધિકારીની સારવાર પણ વન વિભાગ કયારે કરે છે તે જોવું રહ્યું.

સરકારી બાબુની સિંહદર્શનની લાલસામાં ઘાયલ વનરાજ સારવાર માટે ટળવળ્યો.!


  • Nov 25, 2014 00:06
    લીલિયાના ક્રાંકચ નજીકની ઘટનાથી વન્ય જીવસૃષ્ટિપ્રેમીઓમાં ઉગ્ર રોષ
સાવરકુંડલા : લીલીયાના ક્રાંકચ વિસ્તારના કોલર આઈડી સિંહણના પાઠડા સાવજને પગે ઈજાની સારવારમાં આવેલ વન વિભાગની ટીમને મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારીના સિંહ જોવાના શોખને કારણે મોડી રાત સુધી આ ઘાયલ સિંહની સારવાર શકય ન બનતા પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.
સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં ર૦ આસપાસ સાવજો હરી ફરી રહ્યા છે. તો શેત્રુંજી નદીના કાંઠેથી લઈ લીલીયા ક્રાંકચના આખા નદીના પટામાં ૩૦ જેટલા નાના મોટા સિંહો કાયમી રીતે સ્થાયી થઈ ગયા છે. લીલીયા ક્રાંકચના સિંહોની હાલત તો શ્વાન કરતા પણ બદતર બની ગઈ હોય તેમ સંધ્યા ઢળ્યે આ વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શન માટે ફોરવ્હીલ ગાડીઓ અને બાઈકના જમાવડા થઈ જતા હોવાનું જાણવા મળે છે. થોડા દિવસોથી ક્રાંકચનું કોલર આઈડી સિંહણનું પાઠડું બચ્ચું પગે લંગડાતું ચાલતું હોવાથી વન વિભાગ દ્વારા આ પાઠડા સિંહને સારવાર માટેની તમામ તૈયારીઓ થઈ ચુકી હતી પણ મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારી આ સિંહને જોવાની લ્હાયમાં શેઢાવદરથી નાળિયેરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને આ અધિકારીને કારણે ધાયલ સિંહ લોકેટ ન થયો અને રાત્રીના સાડા બાર સુધી ડોકટર, રેસ્કયુ ટીમ હેરાન પરેશાન થઈ ગઈ અને પાછળથી લાઈટોના શેરડાને કારણે ચારેક જેટલા સિંહો સાથે આ ઘાયલ સિંહ ઘાસની કાટમાં છુપાઈ ગયો હતો.બપોર બાદથી મોડી રાત્રી સુધી આ સિંહની સારવાર જોવા માટે ધસારો જોવા મળતો હતો.
  • આરએફઓ અગ્રવાલ શું કહે છે?
સાવરકુંડલા ઃ આ અંગે લીલીયા ક્રાંકચના રેવન્યુના આરએફઓ અગ્રવાલનો ફોન ઉપર સંપર્ક કરીને પુછતા તેમણે જણાવ્યું હતું કે તાલુકાનો રાજા કહેવાય એ તો સિંહો જોવા આવી જ શકે અને અહીંયા તો બધા જ સિંહો જોતા હોય છે તેમાં નવાઈ શું છે ? જયારે આ અંગે ઈન્ચાર્જ એસીએફ ધાંધિયાને જાણ કરતા આરએફઓ અગ્રવાલે બુધ્ધિનું પ્રદર્શન કર્યાનો જવાબ પાઠવ્યો હતો.
  • આરએફઓ જ સિંહોની સુરક્ષા કરતા પ્રદર્શન માટે ચિંતિત
સાવરકુંડલા ઃ વન વિભાગના આરએફઓ જ સિંહોની સુરક્ષા કરતા સિંહોના પ્રદર્શન અંગે ચિંતિત હોય તેવું સમીકરણ સર્જાતા આ ધાયલ સિંહની સારવાર શકય બનેલ નથી અને સિંહોની ફોટોગ્રાફી અને હંમેશા તેની આગળ પાછળ ફરતા અમુક તત્વોને કારણે સિંહોનું અસ્તિત્વ જોખમાયું છે તે પણ વાસ્તવિકતા નકારી શકાતી નથી!

એ ઘટના દુઃખદ ઃ ધારી ડીએફઓ
સાવરકુંડલા ઃ ધારી ગીર પૂર્વના ડીએફઓ અંશુમાન શર્માએ આ મહેસુલ વિભાગના વર્ગ-રના અધિકારી સિંહોની સારવાર દરમિયાન જોવા આવ્યા હોય તો તે ઘટના દુઃખદ ગણાવી હતી અને રેવન્યુ વિસ્તારમાં સિંહોની પજવણીની વાતને આડકતરૃ સમર્થન આપ્યાનું લાગે છે.
  • પર્યાવરણ સાથે જેને સંબંધ નથી તેવાને લીધે જ વન્ય પ્રાણીઓની માઠી
સાવરકુંડલા ઃ જાણીતા પર્યાવરણ પ્રેમી મંગળુભાઈ ખુમાણે આ અંગે જણાવ્યું હતું કે જેને પર્યાવરણ સાથે સ્નાનસુતકનો સંબંધ નથી તેવા લોકોના કારણે જ વન્યપ્રાણીઓની માઠી બેઠી છે. જ્યારે વન કર્મીઓ જ વર્ગ-રના મહેસુલી અધિકારીઓને છાવરતા હોય તો કાયદો તો બધા માટે એક સરખો જ છે. મહેસુલના અધિકારી અને તેના મળતીયાઓ પર વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ તેમણે માગણી કરી હતી.

ગીરમાં ગેરકાયદે પ્રવૃત્તિને છૂટ્ટો દૌર.


  • Nov 24, 2014 00:02
  • સાડા ત્રણ વર્ષમાં જંગલમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ૯૩૫ સામે કાર્યવાહી ઃ ૧૯ લાખથી વધુનો દંડ
ધારી/અમરેલી : ગેરકાયદે સિંહ દર્શનથી માંડીને ઘાસનો વેપલો, વન્ય પ્રાણીઓનો શિકાર જેવી પ્રવૃતિઓથી પંકાયેલા ગીરનાં જંગલ વિસ્તારમાં સાડાત્રણ વર્ષમાં ૯૩૫ વ્યકિતઓ સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે કાગળ ઉપર થયેલી કામગીરી તો માત્ર પાશેરમાં પૂણી સમાન છે.
ધારી ગીર પૂર્વ જંગલમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે સિંહદર્શન, વન્ય પ્રાણીઓનો શિકાર, હથિયાર કે પ્રતિબંધિત વસ્તુઓ સાથે પ્રવેશ, ગેરકાયદે જંગલમાં ઘૂસણખોરી સહિતનાં ગુનાઓમાં વર્ષ ૨૦૧૧-૧૨માં ૪૭ ગુના નોંધીને ૧૦૬ ગુનેગારોને પકડવામાં આવ્યા હતા.
જેમની પાસેથી રૃ. ૧,૫૨,૬૪૨નો દંડ વસૂલવામાં આવ્યો હતો. વર્ષ ૧૦૧૨-૧૩માં ૯૯ ગુના નોંધીને ૨૦૦ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી હતી. જેમની પાસેથી રૃ. ૨,૯૯,૭૫૦નો દંડ વસૂલાયો હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં રેકર્ડ બ્રેક ૧૬૪ ગુના નોંધીને ૨૨૨ ગુનેગારોની અટકાયત કરાઇ હતી. અને ૪,૬૦,૮૦૦ રૃ. નો દંડ વસૂલાયો હતો. ચાલુ વર્ષમાં ૪૩ ગુનાઓમાં ૫૩ ગુનેગારો સામે કાર્યવાહી કરીને રૃ. ૫૨,૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ રીતે જંગલમાંથી ગેરકાયદે ઘાસ કાપવું, ઢોર ચરાવવા, વૃક્ષછેદન કરવું વગેરે ગુનાઓમાં વર્ષ ૨૦૧૧-૧૨ માં ૪૦ ગુનામાં ૬૪ વ્યકિતઓને પકડી પાડીને ૩,૦૦,૪૦૦નો દંડ વસૂલ્યો હતો. વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૩૪ ગુનાઓમાં ૧૮૨ ગુનેગારો સામે કાર્યવાહી કરીને ૩,૧૩,૮૫૦ રૃ.નો દંડ ફટકાર્યો હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં ૯૩ ગુનાઓ નોંધી ૧૦૩ શખ્સોને કાયદાનું ભાન કરાવવા ૧.૩૨ લાખની રકમ વસૂલાઇ હતી. ચાલું વર્ષ પણ ૩૩ ગુના નોંધીને ૬૮ વ્યકિત સામે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. કુલ ૯૩૫ ગુનેગારો પાસેથી ૧૯ લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલ કરાઇ છે.

ખીસરી નજીકથી વનવિભાગે 'મારણ' ઉપાડીને પોતાની મનપસંદ જગ્યાએ ફેંકયુ.


  • Nov 23, 2014 00:05
  • જંગલમાં મારણ ફેંકીને કરાવાતું ગેરકાયદે સિંહદર્શન
અમરેલી : ધારીના ખીસરી ગામે વ્હેલી સવારે એક સિંહ - સિંહણ અને તેના પરિવારે ગામની વચ્ચોવચ્ચ જ એક ગાય તેમજ બે વાછરડાના મારણ કરતા નાના એવા ગામમાં ફફડાટ ફેલાયો હતો.
બે હજારની વસ્તી ધરાવતા ગામમાં વ્હેલી સવારે ખેતરે જવાના રસ્તે જ સિંહ પરિવારે કરેલા મારણ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છતા સ્ટાફ મોડો મોડો આવ્યો હોવાનુ સ્થાનીક ગ્રામજનોએ જણાવી એવો આક્ષેપ કર્યો હતો કે સિંહ પરિવારે મારણ કરેલા વાછરડા અને એક ગાય કોની માલીકીના છે.
તે જાણવાની તસ્દી લીધા વગર મારણને ગામમાંથી તેમની મનપસંદ જગ્યાએ ફેંકી આવ્યા હતા. જેથી તેમના મળતીયાઓ ગેરકાયદે સિંહદર્શન કરી શકે તેવી તેમણે જ વ્યવસ્થા ઉભી કરી આપી હોવાના આક્ષેપો ઉઠાવ્યા હતા.
વનવિભાગની ટીમ કાંઈ તપાસ કર્યા વગર જતી રહી હતી. હરરોજ મારણની ધટનાથી ગામમાં ફફડાટ ફેલાયો છે. હજુ શુક્રવારે સવારે સરસીયા ગામે સિંહ પરિવારે મારણ કર્યા બાદ ખીસરી ગામમાં આટાંફેરા માર્યા હતા. તો ધારી ગીર પુર્વેની આ ધટનાની તપાસ કરવા માંગ ઉઠી છે.

દિલધડક રેસ્ક્યુ, છતાં ફેફસાંની બિમારીથી પીડિત સિંહણનું મોત.


  • Nov 29, 2014 00:15
  • ટ્રાન્ક્વિલાઈઝ કરી સાસણ ખસેડાઈ, પણ સારવાર કારગત ન નીવડી
વિસાવદર : વિસાવદરના દાદરનીસીમમાંથી ૧૪ વર્ષની વૃધ્ધ સિંહણ બિમાર હાલતમાં મળી આવતા તેની સાસણ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા તે સિંહણનું મોત ફેફસા ડેમેજ થઈ જવાના કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
દાદરની સીમમાં હરસુખભાઈ કાપડીયા ના ખેતરમાં બિમાર ૧૪ વર્ષની સિંહણ હોવાની જાણ થતા વિસાવદર અને ડેડકણી રેંજનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને ડેડકણી રેન્જના આર.એફ.ઓ. ડોડીયાએ પોતાની ટીમ કામે લગાડી સિંહણને બચાવવા માટે સાસણથી વેટરનરીને બોલાવી ડોકટરે સિંહણને ટ્રાન્કયુલાઈઝ કરી સારવાર માટે સાસણ ખસેડવામાં આવી હતી. પરંતુ જયાં સિંહણનું મોત થયું હતું. પ્રાથમિક કારણ મુજબ સિંહણ ઉંમરને કારણે તેમના ફેફસા ફેઈલ થઈ ગયા હતા. જેના કારણે મોત થયું હોવાનું વન વિભાગનું અનુમાન છે. હસમુખભાઈના ખેતરમાં બિમાર સિંહણ પડી હોવાની વાયુવેગે વાત ફેલાય જતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. વનવિભાગનો સ્ટાફ આવે તે પહેલા ગ્રામજનો નજીક પહોચી પાંચ ફૂટ દુરથી ફોટા પાડવાનું ગંભીર સાહસ ખેડયુ હતું.
ગઈકાલે લીમધ્રા ગામની સીમમાં વનકર્મી સહિત બે ઉપર હુમલો કરનાર આ જ સિંહણ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આજે સિંહણને જોવા ભેગા થયેલા લોકોને દુર ખસેડવામાં વનવિભાગને મોઢે ફીણ આવી ગયા હતા.

ટોળાંને વિખેરતા વનકર્મી સહિત બે પર વિફરેલી સિંહણ ત્રાટકી !


  • Nov 28, 2014 00:02
  • વિસાવદરના લીમધ્રા ગામે બ૫ોરે બનેલી ઘટના
વિસાવદર, રતાંગ(ગીર) :  વિસાવદર થી ૧૫ કિ.મી. દુર લીમધ્રા ગામે બરડીયા રોડ પર ધણકેડા વિસ્તારમાં આવેલી રતિભાઈ મોહનભાઈ હિરાણીની વાડીમાં સવારે છ થી સાત સિંહોનું ગ્રુપ આવેલુ.બાદમાં એક સિહણ સિવાયના તમામ સિહ જતા રહયા હતા. અને સિહણ એકલી કપાસના ખેતરમાં બેઠી હોવાના સમાચાર મળતા ગ્રામજનોના ૪૦થી વઘુના ટોળા ટુ વ્હીલર-ફોર વ્હીલરમાં ધણકેડા વિસ્તારમાં ઉમટી પડયો હતો. બપોરના ૪ વાગે વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાજર ટોળાને વિખેરવા કોશીષ કરી રહયા હતા તે વખતે કપાસમાં છુપાયેલી સિહણે તરાપ મારી નજીકમાં ઉભેલા ગામના બાબુભાઈ મોહાભાઈ નાકરાણી ઉ.૬૦ અને દેડકણી રેન્જના બીટગાર્ડ જયદિપસિંહ ક્રિપાલસિંહ ઝાલા ઉ.૨૮ ઉપર હુમલો કરી હાથે-પગે બચકા ભરી વાસામાં પંજો મારી દેતા ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વનકર્મી અને વૃધ્ધને સારવાર માટે મેંદરડાથી જુનાગઢ ખસેડાયા હતા.

  • બચ્ચાને કારણે સિહણે હુમલો કર્યો હોવો જોઈએ
વિસાવદર તા.આ અંગે દેડકણી રેન્જના આર.એફ.ઓ ડોડીયાએ જણાવ્યુ કે અહિ બે સિહણ ૩ બચ્ચા સાથે વસવાટ કરે છે. અને તેના બચ્ચા કપાસમાં છુપાવ્યા હોય અને લોકોના ટોળા જોઈને સિહણે વિફરીને હુમલો કર્યો હોય તેવી આશંકા દર્શાવી છે.

જૂનાગઢ મધ્યે દીપડાનું બચ્ચું ઘૂસી જતાં નાસભાગ.

Nov 28, 2014 00:02

  • ઘરના પટારા નીચે લપાઈને બેસી ગયેલા બાળ દિપડાને બેભાન કરી પાંજરે પુરાયું; લોકોના ટોળા એકત્ર
જૂનાગઢ : અત્યાર સુધી જૂનાગઢ શહેરની બોર્ડર વિસ્તારમાં દેખાદેતા દીપડાએ હવે શહેર વચ્ચેના રહેંણાક વિસ્તારમાં પણ પગ પેસારો શરૃ કરી દીધો છે. આજે વહેલી સવારે શહેરની હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં એક રહેંણાક મકાનમાં દીપડાનું બે વર્ષનું બચ્ચુ ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી. મકાનની ઓસરીમાં મૂકેલા પટારા નીચે લપાઈને બેસી ગયેલા આ બચ્ચાને વનવિભાગ અને સક્કરબાગની રેસ્ક્યૂ ટીમે આવીને પાંજરે પુરી દેતા બધાએ રાહતનો દમ લીધો હતો. આ ઘટનાને લઈને આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં.
જૂનાગઢ શહેરની હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ગોવિંદભાઈ ગઢવીના રહેંણાક મકાનમાં આજે વહેલી સવારે દીપડાનું બે વર્ષનું બચ્ચુ ઘુસી ગયું હતું. જેની જાણ થતા જ નાસભાગ મચી ગઈ હતી. દીપડાનું બચ્ચુ ઘરની ઓસરીમાં મૂકેલા એક પટારાની નીચે લપાઈને બેસી જતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો. આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા અહી એકત્ર થઈ ગયા હતાં. આ અંગે વનવિભાગને જાણ કરાતા આર.એફ.ઓ. પી.જે.મારૃના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તેમજ સક્કરબાગની રેસ્ક્યૂ ટીમે આવી દીપડાના બચ્ચાને બેભાન કરી પાંજરે પુર્યું હતું. તથા સારવાર માટે સક્કરબાગ લઈ જવામાં આવ્યું હતું. દીપડાનું બચ્ચુ પકડાઈ જતા આસપાસના રહેવાસીઓએ રાહતનો દમ લીધો હતો. અત્યાર સુધી જૂનાગઢ શહેરની બોર્ડર વિસ્તારમાં જ દેખા દેતા દીપડા જેવા હિંસક પ્રાણીઓએ હવે જૂનાગઢ શહેરના ગીચ રહેંણાક વાળા વિસ્તારમાં પણ પગ પેસારો કરી દીધો છે. દીપડાનું આ બચ્ચુ થોડે દૂર આવેલા જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના ફાર્મમાંથી આવ્યું હોવાનું વનવિભાગે જણાવ્યું છે.

માળિયા (હા.) પાસેથી બાળદીપડાંનો મૃતદેહ મળ્યો.


Nov 27, 2014 00:04
માળીયાહાટીના : માળીયાહાટીનાના અમરાપુર નજીકથી વન વિભાગને એક બાળદીપડાનો મૃતદેહ મળી આવતા જરૃરી કાર્યવાહી કરી હતી.
તાલુકાના અમરાપુર(ગીર) નજીક વન વિભાગના રૃટીન રાઉન્ડ દરમિયાન આંબલગઢ રોડ પર જંગલી પશુના મૃતદેહની જાણ થતા આરએફનો પરમારને જાણ કરતા તેઓ ફોરેસ્ટર શીલુ, ડોડીયા સહીતના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરતા ૬ થી ૮ માસના બાળદીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ અને આસપાસ તપાસ કરતા કોઈ ઈજા કે અન્ય બીજા કોઈ ચિન્હો નહી મળતા મૃતદેહનો કબ્જો લઈ આજે વહેલી સવારે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડી મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરાવવામાં આવ્યું છે.પીએમ રિપોર્ટ બાદ મૃત્યું સાચું કારણ બહાર આવશે તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

ગિરનાર સ્પર્ધાનું ગિનિસ બૂકમાં નોમિનેશન, પાંચ હજાર સ્પર્ધકો એકી સાથે ભાગ લેશે !!


  • Nov 26, 2014 00:05
  • કેમેરા, વાઈફાઈ, ઈન્ટરનેટ, વાયરલેસ, વોકીટોકી જેવા આધૂનિક ઉપકરણોનો ઉપયોગ થશે
જૂનાગઢ : સાહસ અને શૈર્યના પ્રતિક સમાન ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધાને ગીનીશ બુકમાં સ્થાન અપાવવા માટે વહીવટી તંત્રએ કમ્મર કસી છે. જેની તૈયારી માટે આજે મળેલી બેઠકમાં આગામી ૪ જાન્યુઆરીના રોજ યોજાનારી આ સ્પર્ધામાં એકી સાથે પ હજાર સ્પર્ધકો ભાગ લે તેવું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટને ગીનીશ બુક દ્વારા 'મોસ્ટ પીપલ પાર્ટીસીપેટીંગ એટ એ સીંગલ ટાઈમ માઉન્ટેઈન એસેન્ટ/ક્લાઈમ્બીગ' એવું નામ આપી સ્પર્ધાનું નોમીનેશન પણ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર આલોકકુમારના માર્ગદર્શન હેઠળ શરૃ કરાયેલી તૈયારીઓ વિશે વિગતો આપતા જિલ્લા રમત-ગમત અધિકારી નયન થોરાટે જણાવ્યું છે કે, ભાઈઓ માટે પ હજાર પગથિયા અને બહેનો માટે રર૦૦ પગથિયા ચડીને ઉતરવાની આવી સ્પર્ધા સમગ્ર વિશ્વમાં ક્યાંય યોજાતી નથી. નોર્વેમાં એકી સાથે ૯૭ર લોકોએ પર્વતારોહણ કર્યું હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. જેની સામે ગિરનાર સ્પર્ધામાં આમ પણ વધુ સ્પર્ધકો ભાગ લેતા હોય છે.
પરંતુ આગામી ૪ જાન્યુઆરીના રોજ યોજાનારી સ્પર્ધામાં એકી સાથે પ હજાર સ્પર્ધકો ભાગ લઈને નવો વિક્રમ રચે તેવું આયોજન વહીવટી તંત્રએ કર્યું છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા સ્પર્ધાનું નોમીનેશન પણ થઈ ગયું છે. તથા આ ઈવેન્ટને 'મોસ્ટ પીપલ પાર્ટીસીપેટીંગ એટ એ સીંગલ ટાઈમ માઉન્ટેઈન એસેન્ટ/ ક્લાઈમ્બીગ' એવું નામ આપ્યું છે. સ્પર્ધાના દિવસે ગીનીશ બુકની ટીમ હાજર રહીને ચકાસણી કરશે.
ગીનીશ બુકના રેકોર્ડને લઈને વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સ્પર્ધાના સંચાલનમાં ૧૦ સી.સી.ટી.વી. કેમેરા, વાઈફાઈ સિસ્ટમ, ઈન્ટરનેટ કનેક્ટીવીટી, એલઈડી, લાઈવ કવરેજ, ડિઝીટલ ક્લોક, વિડિયો કેમેરા તથા પોલીસ વાયરલેસ અને ફોરેસ્ટ વોકીટોકી સેટનો ઉપયોગ થશે. ૧૧ જેટલી વિવિધ સંચાલન સમિતિઓની રચના કરવામાં આવી છે.

'સાસણ' જૂનાગઢમાં જ રહેશે, સોરઠને મુખ્યમંત્રીની હૈયાધારણા.

Nov 26, 2014 00:05

  • ધારાસભ્યની આગેવાની હેઠળ ગયેલા ભાજપના પ્રતિનિધિ મંડળને ખાતરી મળી
જૂનાગઢ : ગીર અભયારણ્યના હેડક્વાટર સાસણને જૂનાગઢ જિલ્લામાંથી ફેરવવા માટે ચાલતી ગતિવિધિને આખરે બ્રેક લાગી ગઈ છે. આજે મુખ્યમંત્રીએ ધારાસભ્ય સહિતના ભાજપના કાર્યકરોને સાસણ જૂનાગઢમાં રહેશે, તેવી હૈયાધારણા આપી હતી. મળતી માહિતિ અનુસાર જિલ્લા પંચાયતના વિભાજન માટે ત્રણ દિવસ પછી બહાર પડનારા જાહેરનામામાં ર૬ માં ક્રમે સાસણ, હરિપુર અને ભાલછેલને ફેરવવાની દરખાસ્ત હતી. જેને યથાવત રાખવાનું નોટીંગ કરવામાં આવ્યું છે. એટલે કે એક તબક્કે પડદા પાછળ શરૃ થયેલી પ્રક્રિયા બાદ આખરે આ દરખાસ્ત પડતી મૂકવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના વિભાજન સમયે સાસણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને ફરીથી ગિર સોમનાથ જિલ્લામાં લઈ જવા માટે ગાંધીનગરમાં છાનેખુણે શરૃ થયેલી કવાયત બહાર આવી જતા જૂનાગઢ જિલ્લામાં તિવ્ર રોષ ફાટી નિકળ્યો હતો. દરમિયાનમાં આજે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃની આગેવાની હેઠળ ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રૃબરૃ મળીને રજૂઆત કરી હતી.
 જેના પ્રતિભાવમાં મુખ્યમંત્રીએ સાસણ જૂનાગઢમાં જ રહેશે, તેવી હૈયાધારણા આપી હતી. સાસણને જૂનાગઢમાંથી ફેરવવાની વાતને સમર્થન આપતો પુરાવો રજૂ કરતા પ્રતિનિધિ મંડળમાં સામેલ ભાજપના કાર્યકર અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતોના વિભાજન માટે આગામી ત્રણ દિવસ પછી જાહેરનામુ બહાર પાડવામાં આવનાર છે. આ જાહેરનામામાં ર૬ માં ક્રમે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ, હરિપુર અને ભાલછેલનું નામ છે. છેલ્લા પારામાં આ ત્રણેય ગામ યથાવત રાખવાનું નોટીંગ કરાયું છે . જૂનાગઢ જિલ્લામાંથી માત્ર આ ત્રણ ગામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેનો મતલબ એવો થયો કે, મહેસુલ વિભાગમાં છાનેખુણે આ ત્રણેય ગામને ફેરવવાની દરખાસ્ત થઈ હતી. પરંતુ બાદમાં નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હશે. જાહેરનામાના આ કાગળની નકલ મહેસુલ વિભાગ દ્વારા ભાજપના પ્રતિનિધિ મંડળને આપવામાં આવી છે.

જૂનાગઢથી ભાજપનું પ્રતિનિધિ મંડળ સાસણ બચાવવા આજે ગાંધીનગરમાં.


  • Nov 25, 2014 00:10
  • ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ સહિતના આગેવાનો મુખ્યમંત્રીને રૃબરૃ મળીને રજૂઆત
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાંથી છીનવાઈ રહેલા સાસણને બચાવવા માટે આવતીકાલે મંગળવારે ભાજપનું ટોચનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જઈ રહ્યું છે. ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ સહિતના આગેવાનોનું આ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને રૃબરૃ મળીને ગિર અને ગિરનારની યુતિને અખંડ રાખવાની રજૂઆતો કરશે. બીજી તરફ આ મામલે રાજકિય મતભેદો ભૂલીને સર્વપક્ષીય લડત શરૃ કરવાનો અનુરોધ સીપીએમ દ્વારા કરાયો છે.
જૂનાગઢમાંથી ગિર સોમનાથ જિલ્લાને અલગ કરાયા બાદ હવે જૂનાગઢ જિલ્લામાંથી એશિયાઈ સિંહોની આગવી ઓળખ સમાન સાસણ પણ છીનવી લેવાની શરૃ થયેલી સરકારી કાર્યવાહી સામે સર્વત્રથી વિરોધનો સુર ઉઠયો છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃ, મેયર જીતુભાઈ હિરપરા, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયા વગેરે આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આવતીકાલે તા.રપ ને મંગળવારના રોજ તાત્કાલીક અસરથી ગાંધીનગર દોડી જશે. તથા મુખ્યમંત્રીને રૃબરૃ મળીને ગિર અને ગિરનારની વર્ષો જૂની યુતિને અખંડ રાખવાની રજૂઆત કરશે. આ અંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃએ જણાવ્યું છે કે, બે દીકરા જુદા થાય ત્યારે સરખા ભાગ મળવા જોઈએ. સાસણની હેરાફેરી કરવાના બદલે અહી જ મામલતદાર સહિતની સુવિધાઓ આપી ગામને નમૂનેદાર બનાવવાના પ્રયાસો થાય તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવશે.
બીજી તરફ સી.પી.એમ.ના બટુકભાઈ મકવાણાએ આ મામલે જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને તમામ પદાધિકારીઓ તથા હોદ્દેદારો મેદાનમાં આવીને સાસણને જૂનાગઢમાં જ રાખવાની પ્રજાને ખાતરી આપે તેવો અનુરોધ કરતા જણાવ્યું છે કે, તબક્કાવાર રીતે સોરઠના ટૂકડા કરીને આર્િથક, સામાજીક અને રાજકિય શક્તિ તોડી નાખવામાં આવી છે. હવે બચેલા જૂનાગઢને અખંડ રાખવા માટે રાજકિય મતભેદો ભૂલીને બધા આગેવાનો એક મંચ ઉપર આવીને લડત આપે તેવી અપિલ તેમણે કરી છે.
એશિયાટીક સિંહોથી જગવિખ્યાત બનેલા જૂનાગઢના સાસણ ખાતે અત્યાર સુધીમાં કરોડો લોકોએ આવીને જૂનાગઢની ગરવી ગિરનારની ગરિમા અને સિંહોની પ્રત્યક્ષદર્શી નિહાળી હોય જેના કારણે સાસણ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર બન્યું છે.ત્યારે, જૂનાગઢના હૃદયસમા સાસણને જૂનાગઢથી વિખુટુ પાડવાની કોશિષ સામે રોષ ફેલાયો છે.

શાપુર પી.જી.વી.સી.એલ.ના કોઠામાંથી દીપડો પાંજરે પૂરાયો.

Nov 25, 2014 00:05

  • એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઈ જવાયો
જૂનાગઢ :  જૂનાગઢ નજીકના વંથલી તાલુકાના શાપુર પંથકમાં દોઢ-બે વર્ષથી દેખા દેતો એક દીપડો આજે વીજતંત્રના કોઠામાંથી પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો છે.
આ વિશેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ નજીકના શાપુર પંથકમાં દોઢ બે વર્ષ જેટલા સમયથી દેખા દેતા દીપડાને લીધે વાડીએ પાણી વાળવા અને રખોપુ કરવા જતા ગ્રામજનોમાં ભય પ્રસરેલો હતો. વનવિભાગે અહીના પી.જી.વી.સી.એલ.ના જૂના કોઠામાં ગત શુક્રવારે મારણ સાથે પાંજરૃ ગોઠવ્યું હતું. જેમાં દીપડો આજે આબાદ કેદ થઈ ગયો હતો. પકડાયેલા આ દીપડાને વનવિભાગ દ્વારા સારવાર માટે સાસણના એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે. દીપડો પકડાઈ જતા ગ્રામજનોએ પણ રાહતનો દમ લીધો છે.

માળીયાના વાંદરવડ ગામે કુવામાં પડી ગયેલા સિંહબાળને બચાવી લેવાયું.

Nov 24, 2014 00:01

માળીયાહાટીના : માળીયાહાટીના તાલુકાના વાંદરવડ ગામની સીમમાં આજે સાંજે ૬ કલાકે એક કુવામાં પડી ગયેલા સિંહણના બચ્ચાને વન વિભાગે બચાવી લઈ માતા સાથે મિલન કરાવ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા પંથકના વાંદરવડની સીમમાં એક સિંહણ,બે સિંહ અને બે બચ્ચા વિહરે છે. આજે વિહરતા વાંદરવડ ગામની સીમમાં એક ખુલ્લા કુવામાં બે બચ્ચામાંથી એક બચ્ચુ પડી જતા સિંહ પરિવારે ગર્જના કરી સીમ ગજવી મુકતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા આરએફઓ પરમાર, ફોરેસ્ટર બચાવ ટુકડી સાથે આવી એક કલાકની જહેમત બાદ હેમખેમ બહાર કાઢી પશુ તબીબ પાસે બચ્ચાને ચેક કરાવી માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

દુર્લભ જાતિના વીંજ પ્રાણીનું વિસાવદર પંથકમાં વાહન હડફેેટે મોત, વન વિભાગ સંપૂર્ણ અજાણ.

Nov 24, 2014 00:03

  • શેડયુલ -૧ પ્રાણીના મોત અંગે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરો
વિસાવદર : ભાગ્યેજ જોવા મળતા વીંજ નામના દુર્લભ પ્રાણીને જૂનાગઢ વિસાવદર રોડ પર ખડીયા બીલખા વચ્ચે તોરણીયાના પાટીયા નજીક અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા વીંજનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આ બાબતે ઉત્તર રેન્જના આરએફઓને પુછતા પોતે આ વાતથી અજાણ હોવાનું જણાવી તપાસ કરાવવાનું કહ્યું હતું.
 બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે ખડીયા બીલખાની વચ્ચે તોરણીયાના પાટીયા નજીક વીંજ નામના દુર્લભ પ્રાણીને ગત સાંજે અજાણ્યા વાહને હડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજયું હતું.વીંજ ભાગ્યે જ જોવા મળતું પ્રાણી છે.આ પ્રાણી શેડયુલ-૧ માં આવતું હોવાનું વન વિભાગના ડીસીએફ સંદીપકુમારે જણાવ્યું હતું. પણ વન વિભાગની બેદકકારી કહો કે બેજવાબદારી કહો શેડયુલ-૧નું પ્રાણી મુખ્ય રોડ પર મોતને ભેટે છતાં ગાર્ડથી લઈ આરએફઓ ર૪ કલાક સુધી અજાણ હોય તે ગંભીર બાબત કહેવાય. આ બનાવ અંગે ઉત્તર રેન્જના આરએફઓ મારૃએ જણાવ્યું હતું કે મને આ બનાવની જાણ જ નથી.હું ફોરેસ્ટર તથા સ્ટાફને મોકલી તપાસ કરાવું છું. શેડયુલ-૧નું પ્રાણી હોવાથી વન વિભાગે તાત્કાલીક અસરથી તપાસ કરાવી અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરવાની પ્રકૃતિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.

  • મધ્ય ગીરમાં જોવા મળતા વીજના મોતથી અરેરાટી
વિસાવદર ઃ વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ વીંજ ભાગ્યેજ જોવા મળતું હોય છે.આ વીંજ મોટા ભાગે મધ્યગીરમાં રહેતું હોય છે પણ શિયાળા જેવી સીઝન હોવાથી ખેતરોના ઉંદર,દેડકા, કીટક, જેવા જંતુઓના ખોરાક માટે આ વિસ્તારમાં આવી ચડયું હોવાની આશંકા છે.વીંજની અંદાજી વસ્તી ૧પ૦ થી ર૦૦ હોવાનું જાણવા

સાસણને જૂનાગઢમાંથી દૂર કરવાની ફાઈલ મહેસુલ વિભાગ સુધી પહોંચી !!

Nov 24, 2014 00:02

  • ભાજપ-કોંગ્રેસના આગેવાનો એક મંચ ઉપર ઃ છાનેખુણે ચાલતી કાર્યવાહીનો વિરોધ
 જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની એક માત્ર ઓળખ સમાન બચેલા ગિર અભયારણ્યના હેડક્વાટર સમાન સાસણને ગિર સોમનાથ જિલ્લામાં સમાવવા માટે ગાંધીનગરમાં ચાલતી કવાયત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર મહેસુલ ખાતા સુધી ફાઈલ આવી ચૂકી છે. આગામી ટૂંક સમયમાં તેનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે. જો કે છાનેખુણે પુરજોશમાં ચાલતી આ પ્રક્રિયાનો જૂનાગઢ જિલ્લાના ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ એક મંચ ઉપર આવીને વિરોધ વ્યક્ત કરી કોઈ પણ ભોગે સાસણને જૂનાગઢમાં જ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
જૂનાગઢમાંથી ગિર સોમનાથ જિલ્લાનું વિભાજન થયું ત્યારે ઉગ્ર જનમત બાદ સાસણને જૂનાગઢ જિલ્લામાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર હવે ફરી વખત સાસણને ગિર સોમનાથ જિલ્લામાં લઈ જવાની ભૂગર્ભ કાર્યવાહી શરૃ થઈ ચૂકી છે. આખી ફાઈલ ગાંધીનગરમાં મહેસુલ વિભાગ સુધી પહોંચી ચૂકી છે. અને એકાદ સપ્તાહમાં જ તેનું જાહેરનામુ પણ બહાર પડી રહ્યું છે.
ગાંધીનગરમાં પુરજોશમાં ચાલતી આ રાજકિય પ્રક્રિયા અગામી ૧ મે સુધીમાં આટોપી લેવામાં આવે તથા સાસણની વિધિવત જાહેરાત કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. બીજી તરફ સાસણને જૂનાગઢમાંથી દૂર કરવાની ગતિવિધિનો જૂનાગઢ જિલ્લાના ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ એક સુરે વિરોધ નોંધાવ્યો છે. જૂનાગઢના મેયર જીતુભાઈ હિરપરાએ જણાવ્યું છે કે, આ અંગેની સત્તાવાર વાત હજૂ સુધી આવી નથી. પરંતુ સાસણ જૂનાગઢ જિલ્લાની શોભા છે. માટે જૂનાગઢ જિલ્લામાં રહેવું જોઈએ. જ્યારે શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું છે કે, સાસણ જૂનાગઢમાં રહે તેના માટે ભૂતકાળમાં પ્રયાસો કરાયા હતાં.
હવે આવું કંઈ થશે તો પણ સાસણને જૂનાગઢમાં જ રાખવાના પ્રયાસો કરાશે. જો કે આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર આવું કંઈ થશે નહીં તેમ પણ તેઓએ જણાવ્યું છે.
મંત્રી મંડળમાં જૂનાગઢને સ્થાન નથી, જૂનાગઢનો કોઈ પ્રશ્ન રાજ્ય સરકાર ઉકેલી શકતી નથી. ત્યારે સરકારે જૂનાગઢને આપ્યું છે શું ?? તેવો વેધક સવાલ ઉઠાવતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડો.કેશુભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે, સાસણ જૂનાગઢમાંથી જશે તો સાંખી લેવાશે નહી. તેની સામે ઉગ્ર લડત આપવામાં આવશે.
  • અમને કોઈ પણ જિલ્લામાં રાખો, પ્રજાને મૂશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો ઃ સાસણ સરપંચ
જૂનાગઢઃ આ અંગે સાસણ ગામના સરપંચ લખમણભાઈ ધોકડિયાએ જણાવ્યું છે કે, અમને કોઈ પણ જિલ્લામાં રાખો તેની સાથે કંઈ લેવા દેવા નથી. સાસણની જનતાને તાલાળા ૧પ કિ.મી. દૂર હતું, જ્યારે મેંદરડા ૩૦ કિ.મી. થાય છે. ત્યારે પ્રજાને પરેશાન ન થવું પડે અને તાલુકા મથક નજીક હોય તેવો નિર્ણય સરકારે કરવો જોઈએ. પછી સરકાર ભલેને આખા તાલાળા તાલુકાનો જૂનાગઢમાં

ગેરકાયદે ઉભી થયેલી મટન માર્કેટે મેંદરડાની મધુવંતી નદીને અભડાવી.

Nov 24, 2014 00:06

  • વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિને લીધે દારૃ અને દાદાગીરી જેવી અસામાજીકતા પણ વકરતી હતી
જૂનાગઢ : મેંદરડામાં પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં ગેરકાયદે રીતે ઉભી થયેલી મટન માર્કેટને લીધે ગામના પાદરમાંથી પસાર થતી પવિત્ર મધુવંતી નદી વર્ષો સુધી અભડાતી રહી હતી. નદીમાં ફેંકાતા કચરાને લીધે પાણીનું પ્રદૂષણ ફેલાતું હતું. બીજી તરફ દારૃ અને દાદાગીરી જેવી અસામાજીક પ્રવૃત્તિઓ પણ વકરી રહી હતી.
મેંદરડામાં બનેલી ગેરકાયદે મટન માર્કેટ હાલ પુરતી તો બંધ કરાવી દેવામાં આવી છે. પરંતુ આ મટન માર્કેટને લીધે ફેલાયેલા દૂષણો અંગે રોષ વ્યક્ત કરતા જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકીએ જણાવ્યું છે કે, મટન માર્કેટમાંથી વધેલા મટનના કટકા, પીંછા, હાડકા, લોહી જેવી વસ્તુઓ ખૂલ્લેઆમ અને બેરોકટોક ગામના પાદરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં ફેંકવામાં આવતી હતી. નદીના સ્વચ્છ પાણીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું.
આગળ જતી આ નદીના પાણીનો લોકો ઉપયોગ કરતા હતાં. બીજી તરફ મટન માર્કેટને લીધે દારૃ અને દાદાગીરી જેવી અસામાજીક પ્રવૃત્તિઓ પણ વકરી રહી હતી. જેની સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઈ હતી. લોકોના આંદોલન બાદ હાલ પુરતી આ મટન માર્કેટ બંધ કરી દેવાઈ છે. પરંતુ હવે પછી ફરી વખત કોઈ તત્વો આવી હિંમત ન કરે તે માટે મટન માર્કેટ ચલાવતા તત્વો

પાંજરું મૂક્યું દીપડાને પકડવા માટે ને કેદ થઈ ગયા વનરાજ...

Nov 23, 2014 00:06

  • બાળકી પર હૂમલો કરનાર દીપડાને પકડવા વધુ એક પાંજરૃ
ઉના : ઉનાના ખીલાવડ ગામે દિપડાને ઝડપવા માટે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં મારણની લાલચમાં સિંહ આવી જતા પુરાઈ ગયો હતો. આ ઘટનાની જાણ લોકોને થતા મોટીસંખ્યામાં લોકો સિંહને જોવા માટે ઉમટી પડયા હતા
ઉના નજીકના ખીલાવડ રોડ પર મેણ ગામની સીમમાં રહેતા કોળી છગનભાઈ મકવાણાનો પરિવાર ચારેક દિવસ પહેલા ઘરની ઓસરીમાં સુતો હતો ત્યારે રાત્રીના સમયે શિકારની શોધમાં દિપડાએ આવી તેમની પુત્રી જાગૃતિ(ઉ.વ.૧૦) પર શિકારની લાલચમાં હુમલો કરી હાથ પકડી ખેચવા લાગેલ હતો પ્ણ બાળાએ રાડારાડી કરતા દિપડો તેને છોડી નાસી ગયો હતો. આથી વનવિભાગ દ્વારા દિપડાને ઝડપવા માટે પાંજરૃ મુકયું હતું અને માનવભક્ષી દિપડાને ઝડપવા કમ્મર કસી હતી પણ ગતરાત્રે આ પાંજરામાં અચાનક જંગલમાંથી આવી ચડેલ સિંહ પાંજરામાં પુરાઈ જતા લોકો તેને નિહાળવા માટે મોટીસંખ્યામાં ઉમટી ગયા હતા. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે ફરીથી બીજું પાંજરૃ મુકી દિપડાને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

૯ વર્ષ દરમિયાન જાળમાં ફસાયેલી ૪ર૭ વ્હેલને અપાયું જીવતદાન.

Nov 23, 2014 00:04

  •  સોમનાથમાં જાગૃતિ રેલી સાથે વ્હેલ શાર્ક બચાવો ઉત્સવ મનાવાયો
વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ ખાતે સાગર દર્શનન ા હોલમાં વ્હેલ શાર્ક બચાવો ઉત્સવ ૨૦૧૪ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જીલ્લા કલેક્ટર સી.પી.પટેલ, ડીએસપી વાઘેલા, જી.યાદયા મુખ્ય વનસંરક્ષક જૂનાગઢ વર્તુળ સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ વગેરે નું વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બપોરે ૩.૦૦ કલાકે વ્હાલી શાર્ક જાગૃતિ રેલી શાળાના બાળો દ્વારા કાઢવામાં આવી હતી. બપોરે ૪ કલાકે શાર્ક ગીત, નાટક ગીત રજુ કરાયુ હતું. વ્હેલ શાર્ક અંગે માહિતી આપ્યા મુજબ ૨૦૦૫ થી ૨૦૧૪ સુધીમાં ૪૨૭ વ્હેલ શાર્કનો બચાવ કર્યો છે. આ અભિયાન મોરારીબાપુએ વ્હેલ શાર્કને દિકરે ગણી તેનો બચાવ કરવા અને હજારો કિલોમીટરથી આવતી દિકરીને આવકારવા જાગૃતતા લાવી હતી જેનાં કારણે જ ગુજરાત ભરના માછીમારોએ આ અભિયાનને વધાવી લીધી હતી. ૨૦૧૪- ૨૦૧૫ના વર્ષમાં કુલ ૨૭ વ્હેલ શાર્ક બચાવી છે. પ્રકૃતિ નેચર ક્લબ ના દિનેશભાઇએ વ્હેલશાર્કને બચાવતા જે નુકશાન થાય છે તેનું વળતર વધારવુ જરૃરી છે. માછીમારોના બાળકોને શિક્ષણ વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ કરી હતી. સી.પી.પટેલે પણ ગુજરાત સરકાર માછીમારો માટે કંઇ પણ કરવા તૈયાર છે તેમ જણાવ્યુ હતું.

પોરબંદરમાં કૂતરાથી જીવ બચાવવા ભાગતું રોઝડું કૂવામાં ખાબક્યું...


  • Nov 21, 2014 23:46
  • પ્રકૃતિ પ્રેમી સંસ્થાએ રાતનું ઘોર અંધારૃું હોવા છતા જીવ બચાવ્યો
પોરબંદર : પોરબંદરના જાવર વિસ્તારમાં રાત્રિના સમયે કુતરા પાછળ પડતા એક રોજડું દોડાદોડીમાં ઉંડ કૂવામાં ખાબક્યું હતું. જો કે શહેરની પ્રકૃતિ પ્રેમી એક સંસ્થાએ અંધારૃ હોવા છતા રોજડાને કૂવામાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. શહેરના જાવર વિસ્તારમાં ગત રાત્રે એક વાડીમાં રોજનું બચ્ચુ બેઠું હતું. ત્યારે બાજુની વાડીમાંથી આવી ચડેલા કુતરાઓ તેની પાછળ દોડતા આ બચ્ચુ જીવ બચાવવા આ વાડીમાં આમથી તેમ દોડાદોડી કરવા લાગ્યું હતું. દોડતા દોડતા આ બચ્ચુ એક ઉંડા કૂવામાં ખાબક્યું હતું. સદભાગ્યે આ કૂવામાં બહુ પાણી ન હોવાથી રોજડાનું બચ્ચુ ડૂબતા બચી ગયું હતું અને ચીસાચીસી કરવા લાગ્યું હતું. રોજના બચ્ચાનો અવાજ સાભળી વાડી માલિક જાગી ગયો હતો અને તપાસ કરતા કૂવામાં રોજ પડેલું જોતા તેણે પોરબંદરની પ્રકૃત્તિ ધ યુથ સોસાયટીના ડો.ખાંડેકરને જાણ કરી હતી. અને ડો.ખાંડેકરે તુરત જ વાડીએ દોડી જઈ બચ્ચાને કૂવામાંથી બહાર કાઢવાની કોશિષ શરૃ કરી હતી. પરંતુ દોરડામાંથી બચ્ચુ નીકળી જતું હતું. આથી રાત્રીનું અંધારૃ હોવા છતાં પણ આ સંસ્થાના સભ્યો કૂવામાં ઉતર્યા હતાં અને બચ્ચાને દોરડાથી બાંધ્યુ હતું અને ત્યાર બાદ ધીમે ધીમે કૂવામાંથી બહાર કાઢયું હતું. આમ આ સંસ્થાની જહેમત અને વાડી માલિકની જાગૃતતાથી રોજના બચ્ચાનો જીવ બચી ગયો હતો.

જૂનાગઢ જિલ્લામાંથી 'સાસણ'ને સોમનાથમાં ભેળવવા હિલચાલ.

Nov 21, 2014 23:41
  • બિચારૃ જૂનાગઢ !! સરકારમાં કોઈ મિનિસ્ટર નહી, કોઈ અવાજ નહી... છેલ્લે વધ્યા ફક્ત કાળમીંઢના પાંણા(ગિરનાર)
જૂનાગઢ : "જૂનાગઢ બિચારૃ બની રહ્યું છે..." હા, આ શબ્દો જૂનાગઢના ભાજપના જ એક અગ્રણી કાર્યકરના છે. તેમણે કહ્યું, જૂનાગઢ જિલ્લામાંથી ગાંધીજી(પોરબંદર) ગયા, કેસર કેરી(ગિર) ગઈ, મહાદેવ(સોમનાથ ર્જ્યોિતલીંગ) ગયા, હવે સિંહ(સાસણ) જઈ રહ્યું છે. હવે જૂનાગઢ પાસે વધ્યું શું ?? કાળમીંઢના પાણાઓ..!! મતલબ કે 'ગિરનાર'.
આ શખ્દોમાં કોઈને કદાચ અતિશયોક્તી ભલે લાગતી હોય, એમાં ઘણુ-બધુ તથ્ય તો લાગે જ છે. જૂનાગઢ ખાતે ભાજપની ટોચની નેતાગીરીની હાજરીમાં સંગઠન પર્વ ઉજવાયું. તેમાં હાજર કાર્યકરો વચ્ચે ચર્ચા ચાલી, તેમા કહેવાયું, "આ વખતના મંત્રી મંડળ વિસ્તરણમાં મીનીસ્ટર અને સંસદિય સચિવ ગિર-સોમનાથ જિલ્લાના, રાજ્યસભાના સભ્ય પણ ગિર-સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાને ? ઠેંગો !!"
આ ચર્ચા ખુબ તટસ્થતાથી થઈ. સાસણ જૂનાગઢ જિલ્લાના નકશામાંથી અદ્રશ્ય થઈ રહ્યું છે. ગેઝેટ માટે થતી પ્રક્રિયા લગભગ પુરી થવામાં છે. આગામી ૧ મે ગુજરાતના સ્થાપના દિને જાહેર થશે કે, સાસણ ગિર-સોમનાથ જિલ્લામાં સમાવાયું છે.
જો કે, સાસણની પ્રજા કદાચ પોતાને તાલાળા(ગિર સોમનાથ) જિલ્લામાં સમાવાય તેવું ઈચ્છતી હશે. તેમ તેમના માટે આ સારા સમાચાર કહેવાય. પણ, કેસર કેરી અને કોસ્ટલ(દરિયા કિનારો) માટે જાણિતા બૃહદ જૂનાગઢ જિલ્લા માટે હવે સિંહ(સાસણ) એકમાત્ર ઓળખાણ હતી, તે ચાલી જશે. પછી જૂનાગઢ પાસે ફક્ત ગિરનાર અને ભવનાથ સિવાય બચશે શું ??
ગિરનાર પર રોપ વે સોરઠના રાજકારણીઓ અપાવી ન શક્યા, ચાર કે પાંચ વાર પથ્થર મૂકી રોપ વે નું શિલારોપણ કરનારાઓ પણ મુંછમાં હસતા હસતા કહેતા હોય, "મળી જશે રોપ વે યાર !!" ત્યારે જૂનાગઢની પ્રજા કાં તો ભોળી છે અથવા તો ખુબ સમજુ છે, તકની રાહ જોઈ બેસનારી ખુબ શાણી પ્રજા છે. એમ માનવું જ રહ્યું ને ??
અત્રે યાદ આપવું ઘટે કે, ૧૯૯૬ પહેલા જૂનાગઢ-પોરબંદરથી માંડી છેક ઉના સુધી 'સોરઠ' પંથકની હાક વાગતી !! તેમાં ૧૯૯૬ માં પોરબંદર જિલ્લો બન્યો અને પોરબંદર, રાણાવાવ, કૂતિયાણા એમ ત્રણ તાલુકાને સમાવાયા. પછી ર૦૧૩ માં જૂનાગઢ જિલ્લામાંથી તાલાળા, વેરાવળ, કોડીનાર, ઉનાને સાથે રાખી ગિર સોમનાથ જિલ્લાની રચનાકરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કૂલ પાંચ ધારાસભ્યો છે. જેમાં જૂનાગઢના મહેન્દ્ર મશરૃ અને કેશોદના અરવિંદ લાડાણી ભાજપના છે, જ્યારે માણાવદરના જવાહર ચાવડા, વિસાવદરના હર્ષદ રિબડિયા અને માંગરોળના બાબુભાઈ વાજા કોંગ્રેસના ધારાસભ્યો છે !!

વિસાવદરનાં જેતલવડની સીમમાં ખેડૂત પર દિપડાનો હુમલો. કપાસમાંથી અચાનક નીકળેલા દિપડાએ માથા-હાથમાં બચકા ભર્યા વિસાવદર : વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામની સીમમાં આજે સવારનાં નાનજીભાઇ મનજીભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૮) ઉપર દિપડાએ પોતાના ખેતરમાં હુમલો કરતા સારવાર અર્થે વિસાવદર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાનજીભાઇ ગોંડલીયા આજે સવારે નીત્યક્રમ મુજબ પોતાના ખેતરે ગયા હતા. જયાં કપાસનું વાવેતર કરેલ હોય અને ખેતર ફરતે ચકકર લગાવી રહ્યા હતા. તેવામાં અચાનક કપાસના પાકમાંથી નીકળેલ દિપડાએ સીધો જ નાનજીભાઇના માથાના ભાગે બચકા ભર્યા બાદ હાથમાં અને પીઠના ભાગે ન્હોર માર્યા હતા. બાદમાં નાનજીભાઇએ હાંકલા પડકાર કરતા દિપડો ભાગી ગયો હતો. ત્યારબાદ ખેડૂતે તેમના સબંધીને ફોન પર જાણ કરતા ધારીની ૧૦૮ મારફત સરકારી હોસ્પીટલે સારવાર કરવામાં આવી હતી.


Nov 21, 2014 00:31
  • કપાસમાંથી અચાનક નીકળેલા દિપડાએ માથા-હાથમાં બચકા ભર્યા

વિસાવદર : વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામની સીમમાં આજે સવારનાં નાનજીભાઇ મનજીભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૮) ઉપર દિપડાએ પોતાના ખેતરમાં હુમલો કરતા સારવાર અર્થે વિસાવદર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાનજીભાઇ ગોંડલીયા આજે સવારે નીત્યક્રમ મુજબ પોતાના ખેતરે ગયા હતા. જયાં કપાસનું વાવેતર કરેલ હોય અને ખેતર ફરતે ચકકર લગાવી રહ્યા હતા. તેવામાં અચાનક કપાસના પાકમાંથી નીકળેલ દિપડાએ સીધો જ નાનજીભાઇના માથાના ભાગે બચકા ભર્યા બાદ હાથમાં અને પીઠના ભાગે ન્હોર માર્યા હતા. બાદમાં નાનજીભાઇએ હાંકલા પડકાર કરતા દિપડો ભાગી ગયો હતો. ત્યારબાદ ખેડૂતે તેમના સબંધીને ફોન પર જાણ કરતા ધારીની ૧૦૮ મારફત સરકારી હોસ્પીટલે સારવાર કરવામાં આવી હતી.

વેરાવળના સવનીમાં સિંહ પરિવારના આંટા ફેરાથી ખેડૂતોમાં ચિંતાની લહેર.

Nov 21, 2014 00:03

  • અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં ઃ દિવસે વીજળી આપવા માંગ
કાજલી :  વેરાવળ તાલુકાના સવની ગામે છેલ્લા ચારેક માસથી સિંહ પરિવારના આંટા ફેરાથી ખેડૂતો સહિત ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. હાલ ખેતીની મોસમ હોવાથી ખેડૂતો અને ખેત મજુરો રાત્રીના સમયે ખેતર-વાડીમાં જતા ડર અનુભવે છે.
સવની ગામની કુહીજા તરફના સીમ વિસ્તારમાં છેલ્લા ચાર માસથી એક સિંહ પરિવાર આંટા ફેરા કરે છે. હાલ કપાસ, ઘઉં, શેરડી સહિતનો પાક વાડીઓમાં ઉભો હોવાથી પિયત કરવા અને રખોપુ રાખવા રાત્રીના સમયે જવું પડે છે, પરંતુ આ સિહં પરિવારના આંટા ફેરાથી ખેડૂતો અને ખેત મજુરો ડર અનુભવે છે. વીજ કચેરી દ્વારા દિવસ અને રાત્રિ એમ બે પાળીમાં વીજળી મળે છે. દિવસના વીજળી હોય ત્યારે ખાસ કોઈ તકલીફ થતી નથી પરંતુ રાત્રિના સમયે વીજળીનો વારો હોય ત્યારે પિયત કરવા જવામાં ખેડૂતોને ડર લાગે છે. જો પિયત કરવા ન જાય તો પાકને નુકસાન થાય. જેથી આ પ્રશ્નની ગંભીરતા સમજી ગામન માજી સરપંચ અને વેરાવળ તાલુકા પંચાયતના પ્રતિનિધિ નરસંગભાઈ ઝાલા દ્વારા સબંધીત તંત્રને ફરી રજુઆત કરી છે. અગાઉ અનેકવાર રજુઆત કરવા છતા કોઈ પરિણામ આવેલ નથી. આ ઉપરાંત તેઓએ હાલ પુરતા ફક્ત દિવસે જ વીજળી આપવા વીજ તંત્ર સમક્ષ રજુઆત કરી છે.

પ્રવાસ વિકાસ તો દૂર, સાસણમાં પાયાની સુવિધાનો'ય અભાવ.

Nov 21, 2014 00:01

  • દર વર્ષે જ્યાં પાંચ લાખ પ્રવાસી આવે છે તે ગામમાં પાણી વ્યવસ્થા ખોડંગાતી, સફાઈના ઠેકાણા નથી
તાલાલા :  દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સાસગગીર ગામ એક જમાનામાં ગીરનું વડું મથક હતું અને ઘણી બધી સુવિધા હતી. અહીં દર વર્ષે આશરે પાંચ લાખ પ્રવાસીઓ આવે છે, પરંતુ હાલ અહીં પ્રાથમિક સુવિધાના કોઈ ઠેકાણા નથી. અહીં પાણી વિતરણ કે સફાઈની પુરી વ્યવસ્થા નથી, ખોબા જેવું બસ સ્ટેન્ડ છે અને ટ્રેનની સુવિધા નથી.
આજથી સો વર્ષ પહેલા ગીર પંથકના વડા મથક સાસણગીરમાં ૫૩૨ ની જનસંખ્યા હતી. છતા પણ ગીરના નેસડા વચ્ચે સાસણગીરમાં ન્યાય કોર્ટ, ફોરેસ્ટ વિભાગની વડી કચેરી, મહેસુલ ખાતાની કચેરી, પોલીસ થાણું, બે પ્રાથમિક શાળા, એક માધ્યમિક શાળા, દવાખાના સહિત વહીવટી કચેરીથી ધમધમતું હતું. પરંતુ આજે સ્થિતિ જુદી જ છે.
૧૯૧૨ માં ગીરનું વડું મથક સાસણગીરમાંથી તાલાલાને કરવામાં આવ્યું, ત્યાં સુધી તમામ વહીવટી કામગીરી સાસણથી થતી હતી. સાસણ ગામનું કુલ ક્ષેત્રફળ ૪૭ હેકટર છે. બાકીનો વિસ્તાર વન વિભાગ હસ્તક છે. આ ગામમાં માત્ર ૧૮ ખેડૂત છે અને કુલ વસતી આશરે ૩ હજાર જેવી છે. આજે નાનકડા સાસણનું નામ દેશ વિદેશમાં છે અને અહી અંદાજે પાંચ લાખ પ્રવાસીઓ આવે છે. પરંતુ ખોબા જેવું બસ સ્ટેન્ડ છે. જેથી સુવિધાપુર્ણ બસ સ્ટેશન બનાવવાની જરૃર છે. અહીં આવતા પ્રવાસીઓને ધ્યાને લઈ આરોગ્ય કેન્દ્રમાં સુવિધા વધારી ૧૦૮ ની સેવા આપવાની જરૃર છે.અહીં પીવાનું પાણી પુષ્કળ છે, પરંતુ ગ્રામ પંચાયત પાસે આવકના સાધનોના અભાવે સુવ્યવસ્થીત પાણી વિતરણ વ્યવસ્થા નથી. સફાઈ કામગીરીને પણ આર્થીક સ્થિતિ નડે છે. જેથી ગ્રાન્ટ વધારવાની જરૃર છે. અહી માધ્યમિક શાળા પાસે ગ્રાઉન્ડ નથી. જો આ શાળાનો વિકાસ કરાવામાં આવે તો આસપાસના ગામડાના વિદ્યાર્થીઓને શિક્ષણની સારી સુવિધા મળી શકે. અહીંની ખાસ મુશ્કેલી હિંન્દુ અને મુસ્લિમોને અંતિમ સંસ્કારની છે. વન વિભાગના કારણે મુશ્કેલી નડતી હોવાનું લોકો જણાવે છે.
અહીં મીટર ગેજ રેલવે સ્ટેશન છે. અને ૪૦ કિલોમીટર દુર વેરાવળથી પ્રવાસીઓ આવી શકે તે માટે મીટર ગેજ ટ્રેન દોડાવવાની જરૃર છે. અહીં ટ્રેન સુવિધા મળે તો વેરાવળ ખાતે લાંબા અંતરની ટ્રેનમાં આવતા મુસાફરોને સાસણ આવવાની સગવડ મળી શકે. સો વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા સાસણને ગીરનું વડું મથક બનાવાયું હતું તે રીતે ફરી સાસણને ગીરનું વડું મથક બનાવી શિક્ષણ, આરોગ્ય, પરિવહન, પાણી, સફાઈ વગેરે સુવિધા આપવાની જરૃર છે.
  • ગામને દત્તક લેતા આશાનું કિરણ
તાજેતરમાં જ સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા સાસણગીર ગામને દત્તક લીધું છે. ત્યારે વિશ્વપ્રસિધ્ધ આ ગામને સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવાશે તેવી આશા બંધાઈ છે. આ ગામમાં બહારથી આવતા મુસાફરોને પુરતી સુવિધા-સગવડ મળી રહે તેવા કાર્યો સાંસદ દ્વારા થાય તેવી આશા ગ્રામજનો રાખી રહ્યાં છે.

ગિરનાર ચઢતી વખતે પુનાનાં યાત્રિકનું મોત.

DivyaBhaskar News Network | Nov 30, 2014, 06:45AM IST
ગિરનાર ચઢતી વખતે પુનાનાં યાત્રિકનું મોત
ગિરનારનીયાત્રાએ આવેલા એક પુનાનાં યાત્રિકને સીડી પર હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. અને તેનું મૃત્યુ થયું હતું. પુણેમાં રહેતા સુખદેવ સરજેરાવ (ઉ.40) નામનાં યાત્રાળુ પોતાનાં મિત્રો સાથે જૂનાગઢ આવ્યા હતા. અાજે તેઓએ પોતાનાં ગૃપ સાથે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. તેઓ સવારે 9:30 વાગ્યે 3,300 પગથિયે પહોંચ્યા હતા. વખતે તેમને અચાનકજ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. આથી ડોળીવાળા રમેશ ઉકાભાઇ ગાંગડિયા કોળી તેમને ડોળીમાં બેસાડી તાકીદે નીચે લાવ્યા હતા. જોકે, દરમ્યાન રસ્તામાંજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનાં મૃતદેહને સિવીલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

વિસાવદર: દાદરની સીમમાં ખૂંખાર સિંહણ અંતે મોતને ભેટી.

Bhaskar News, Visavadar | Nov 29, 2014, 10:34AM IST
વિસાવદર: દાદરની સીમમાં ખૂંખાર સિંહણ અંતે મોતને ભેટી
(લોકોના ટોળાંથી ગભરાયેલી સિંહણે એક વનકર્મી સહિત બેને ઘાયલ કર્યા હતા)
 
- ફેફસાં ડેમેજ થવાથી મોત થયાનું તારણ

વિસાવદર: વિસાવદરના દાદરની સીમમાં ગુરુવારે કપાસના ખેતરમાં છુપાયેલી અને લોકોના ટોળાંથી ગભરાયેલી સિંહણે એક વનકર્મી સહિત બેને ઘાયલ કર્યા હતા, જ્યારે શુક્રવારે  લોકેશનના આધારે વનવિભાગના સ્ટાફે બેભાન કરી સાસણ એનિમલ કેરમાં સારવાર માટે ખસેડી હતી જ્યાં આ સિંહણનું મોત થયું છે.14 વર્ષની આ સિંહણ છેલ્લા કેટલાય દિવસથી બીમાર હતી અને ભૂખના કારણે તેમજ ફેફસાં ડેમેજ થવાથી મોત થયાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.

લીમધ્રાની સીમમાં વનકર્મી જયદીપસિંહ ઝાલા તથા બાબુભાઈ નાકરાણી ઉપર એક વિફરેલી સિંહણે હુમલો કર્યો હતો. દરમિયાન શુક્રવારે સવારે વિસાવદરના દાદરની સીમમાં હરસુખભાઈ કાપડિયાના ખેતરમાં બીમાર સિંહણ હોવાની જાણ થતાં  વિસાવદર અને ડેડકણી રેન્જનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.

ડેડકણીના આરએફઓ ડોડિયાએ સાસણથી વેટરનરીને બોલાવતા ડોક્ટરે સિંહણને બેભાન કરી સારવાર માટે સાસણ ખસેડી હતી, જ્યાં સિંહણનું મોત થયાનું જાણવા મળે છે. સિંહણની ઉંમર 14 થી 15 વર્ષની છે. ઉંમરને કારણે તેમના ફેફસાં ફેલ થઈ ગયા હતા. જેના કારણે ભૂખી હતી અને પેટ ખાલી હતું. જ્યારે બીમાર સિંહણ પડી હોવાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનોના ટોળેટોળાં પહોંચ્યા હતા અને  ધીમે ધીમે નજીક પહોંચી છેલ્લે પાંચ ફૂટ દૂરથી ફોટા પાડવાનું ગંભીર સાહસ ખેડ્યું હતું.

વિસાવદર: દાદરની સીમમાં ખૂંખાર સિંહણ અંતે મોતને ભેટી
વેટરનરી ડોકટરનું રેસ્ક્યુ ઓપરેશન

વેટરનરી ડો.સોલંકીએ આ સિંહણને પકડવા માટે પહેલા દૂરબીન વડે સિંહણની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યા બાદ પોતાની ગાડી ધીમે ધીમે નજીક જવા દઈ સિંહણને પહેલા લાકડી વડે ચેક કર્યા બાદ સિંહણ ઊભી નહીં થતાં સિંહણને ઈન્જેક્શન મારી બેભાન કરી પાંજરામાં પૂરી સાસણ લઈ ગયા હતા. આ બાબતે ડીસીએપ પોતાના નિત્યક્રમ મુજબ આઈએમબીઝીનો મેસેજ આપી હાથ ઊંચા કરી દીધા હતા.

દીપડાનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું, આસપાસનાં રહીશોનાં ટોળા ઉમટ્યાં.

Sarman Ram, Junagadh | Nov 28, 2014, 11:13AM IST
Live તસવીરો: દીપડાનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું, આસપાસનાં રહીશોનાં ટોળા ઉમટ્યાં
(તસવીર: કેદ થયેલું દીપડાનું બચ્ચું)
 
- જૂનાગઢ હાઉસીંગ બોર્ડ કોલોનીમાં દીપડાનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું
- ટેરર ઇન સિટી : સવારનાં પ્હોરમાંજ ભરચક્ક રહેણાંક વિસ્તાર
- વન વિભાગની ટીમે ટ્રાન્ક્વીલાઇઝર ગનથી બચ્ચાને બેભાન બનાવી પાંજરે પૂર્યું
- માતાથી વિખૂટું પડ્યા બાદ માનવ વસાહતમાં આવી ચઢ્યું
- થરથર ધ્રૂજતું 3 કલાક સુધી પટારા નીચે બેસી રહ્યું
- દીપડાનું બચ્ચુ ઘરમાં, આસપાસનાં રહીશોનાં ટોળા ઉમટ્યાં

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીની નજીક આવેલા હાઉસિંગ બોર્ડનાં એક રહેણાક મકાનનાં ફળિયામાં આજે માતાથી વિખૂટું પડેલું દિપડાનું 9 માસનું બચ્ચું આવી ચઢ્યું હતું. આ અંગેની જાણ થતાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બેભાન કરી બચ્ચાંને પાંજરે પૂર્યું હતું. 3 કલાક સુધી દિપડાનું બચ્ચું થરથર કાંપતું પટારા નીચે બેઠું રહ્યું હતું. ઘરમાં દિપડાનું બચ્ચું આવી ચઢ્યાનાં સમાચાર આખા વિસ્તારમાં વાયુવેગે ફેલાઇ જતાં લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા અને ભારે અફડાતફડીનો માહોલ છવાઇ ગયો હતો.

જંગલ નજીકનાં વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી જવાની ઘટનાઓ પણ એકાદ બે વર્ષનાં અંતરે વનવિભાગનાં ચોપડે નોંધાય છે ખરી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બીડીએસ અથવા તો પશુપાલન વિભાગમાંથી દીપડીથી વિખૂટું પડેલું 9 માસનું બચ્ચું છેક હાઉસીંગ બોર્ડનાં બ્લોક નં. 23 સુધી પહોંચી ગયું હતું. હાઉસીંગ બોર્ડમાં અશોકભાઇ ગોંવિદભાઇ ગઢવીએ ભાડે આપેલા મકાનનાં ફળિયામાં દિપડીનું બચ્ચું જઇ પહોંચ્યું હતું. મકાન જોકે બંધ હતું. પરંતુ લોકોનાં ટોળા એકઠા થઇ જતા બચ્ચું ગભરાઇને ફળિયામાં રાખેલા એક પટારા નીચે ઘૂસી ગયું હતું.

દિપડાનું બચ્ચું આવ્યાની જાણ લોકોએ સૌપ્રથમ પોલીસ કંટ્રોલને કરી હતી. અને પોલીસે વન વિભાગને જાણ કરતાં દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી. જે. મારૂ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ખરાઇ કરતાં દિપડાનું બચ્ચું હોવાનું માલુમ પડતાં સક્કરબાગમાંથી વેટરનરી તબીબ અને રેસ્કયુ ટીમને બોલાવી હતી. બનાવને લઇને સી-ડિવીઝનનાં પીએસઆઇ એચ. પી. પાલીયા અને સ્ટાફ, ફાયર બ્રિગેડનાં કમલેશ પુરોહિત  પણ પહોંચી ગયા હતા. અને એકઠા થયેલા ટોળાને દૂર કર્યા હતા.

બાદમાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ તો ફળિયામાં ફરતે જાળ બાંધી દીધી હતી. બાદમાં બચ્ચાંને ઇંજેકશન મારી બેભાન કરવામાં આવ્યું હતું. બેભાન થયા બાદ તેને જાળમાં લઇને પાંજરે પૂરી સક્કરબાગ મોકલી દેવાયું હતું. આ ઘટનાને લઇને લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. દિપડાનાં બચ્ચાને બહાર લઇ જવામાં પણ વન વિભાગને મુશ્કેલી પડી હતી. તેમજ આખા ઓપરેશન દરમીયાન દિપડાનું બચ્ચું પટારા નીચે 3 કલાક કરતાં વધુ સમય સુધી થરથર કાંપતું બેસી રહ્યું હતું.
બચ્ચું ભયથી અઢી કલાક પટારા નીચે જ પડ્યું રહ્યું

હાઉસીંગ બોર્ડનાં રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલુ દિપડાનું બચ્ચુ આસપાસમાં એકઠા થઇ ગયેલા ટોળાથી રીતસર ગભરાય ગયું હતું. અને ઘરમાં રહેલા પટારા નીચે અઢી કલાક છૂપાઇ રહ્યું હતું. દિપડાનું બચ્ચુ જ્યાં છૂપાયું હતું. તેની આસપાસ અગાસી અને ચારેબાજુ લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. એક સાથે આટલા મોટા પ્રમાણમાં લોકોને જોઇને બચ્ચામાં પણ ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. વનવિભાગે પકડી લેતા લોકોએ તાળીઓ પાડી હતી.

બચ્ચાને જોવા લોકોએ ગાડીને રોકી લીધી હતી

દિપડાનાં બચ્ચાને જાળમાં લઇને પાંજરે પૂરવામાં આવ્યું હતું. ત્યારે લોકોએ દિપડાને જોવા માટે પડાપડી કરી મૂકી હતી. અને વન વિભાગની ગાડીને પણ આગળ જવા દીધી ન હતી. મહામહેનતે ગાડી શેરીમાંથી બહાર કાઢી હતી. સવારનાં 10 વાગ્યાથી શરૂ થયેલી આ બાબત છેક બપોરનાં 1 વાગ્યા સુધી ચાલુ રહી હતી. અને લોકોએ પણ ત્યાંથી હટવાનું નામ લીધુ ન હતું.

ફર્સ્ટ પર્સન

સવારે અગાશીનાં ખૂણામાં દિપડાનું બચ્ચું બેઠું હતું. એક છોકરી તેને જોઇ જતાં તેણે રાડારાડી કરી. આથી બચ્ચું અગાશી પરથી કૂદીને નીચે આવી ગયું હતું. અને ગઢવીભાઇનાં મકાનનાં ફળિયામાં રાખેલા પટારા નીચે લપાઇ ગયું હતું. લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા. પછી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. બાદમાં પોલીસ અને વન વિભાગની ટીમ આવી ગઇ હતી.
વિજયભાઇ રૂડકીયા

લીમધ્રા ગામે વિફરેલી સિંહણે વનકર્મી સહિત 2ને કર્યા ઘાયલ.

લીમધ્રા ગામે વિફરેલી સિંહણે વનકર્મી સહિત 2ને કર્યા ઘાયલ
Bhaskar News, Visavadar | Nov 28, 2014, 00:03AM IST
- તરાપ| કપાસમાં છૂપાઈને બેઠી હતી ત્યારે લોકોની અવરજવરથી છંછેડાઈ
- આરએફઓ સહિત સ્ટાફ અહીં પહોંચ્યો

વિસાવદર, રતાંગ: વિસાવદરનાં લીમધ્રાની સીમમાં સવારથી જ કપાસનાં પાકમાં છુપાઇને બેસેલી સિંહણે વન કર્મી સહિત બે પર હૂમલો કરી ઘાયલ કરી દેતા બંનેને સારવારમાં ખસેડાયા હતાં. બનાવથી ગામમાં ગભરાટ પ્રસરી ગયો હતો. લીમધ્રા ગામે રહેતા રતીભાઇ મોહનભાઇ હિરાણીની સીમમાં બરડીયાના ધણ કેડે વાડી આવેલ હોય અને કપાસનું વાવેતર કરેલ હોવાથી આ પાકમાં સિંહ પરિવારે ધામા નાંખેલ જેમાં સિંહ, સિંહણ, બચ્ચા સહિતનું ગૃપ હતું જેમાંથી એક સિંહણ સવારથી જ અહિં  છુપાઇને બેસી ગઇ હતી.  

અહિંયા સિંહણ હોવાની જાણ થતાં આજે બપોરનાં અરસામાં વનકર્મી  અને લોકોનાં ટોળા સ્થળ પર પહોંચી ગયા હતાં. સિંહણને દુર ખદેડવામાં તે વિફરતા લીમધ્રાનાં બાબુભાઇ મોહનભાઇ નાકરાણી અને કેરાંભા રાઉન્ડનાં બીટગાર્ડ પર અચાનક હૂમલો કરી દઇ  વનકર્મીનાં ડાબા હાથનાં ભાગે અને બાબુભાઇનાં પગનાં સાથળનાં ભાગે બચકા ભરી લઇ ઘાયલ કરી દીધા હતાં. ઇજાગ્રસ્ત બંનેને પ્રથમ મેંદરડા હોસ્પિટલે ખસેડયા બાદ વધુ જૂનાગઢ રીફર કરાયા હતાં.

ક્લિપીંગ કાંડમાં ગાંધીનગરની ટુકડી તપાસ કરે : રજૂઆત.

DivyaBhaskar News Network | Nov 27, 2014, 03:45AM IST
ગીરજંગલ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજોને અવારનવાર લોકો દ્વારા હેરાન કરવામા આવતા હોવાની વિગતો બહાર આવે છે. પરંતુ વનતંત્ર દ્વારા દરેક વખતે તપાસના અંતે કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી. ત્યારે તાજેતરમાં સિંહણને પજવણી અંગે બહાર આવનાર વિડીયો અંગે ગાંધીનગરથી ખાસ તપાસ ટુકડી નિમવામા આવે તેવી લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વનમંત્રીને રજુઆત કરવામા આવી છે.

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા આજે બારામાં વનમંત્રી ઉપરાંત મુખ્યમંત્રી અને અગ્ર મુખ્ય વનસંરક્ષકને પણ પત્ર દ્વારા રજુઆત કરવામા આવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે બિમાર સિંહણને લાકડી ફટકારી વિકૃત આનંદ મેળવવો રાક્ષસી કૃત્ય છે. આવા કિસ્સામા જવાબદાર લોકો સામે આકરામા આકરા પગલા લેવાવા જોઇએ. તેને બદલે અધિકારીઓ દ્વારા પોતાના સ્ટાફનું દામન બચાવવા તપાસનું માત્ર નાટક કરવામા આવે તે યોગ્ય નથી. અગાઉ કુંડલાના વડાલ ગામે પણ મારણ આપી સિંહ દર્શન કરાવવા અંગે તપાસનું નાટક કરી ઘટનાને જુની ગણાવી તપાસ ફાઇલે કરી દેવાઇ હતી. ગીર જંગલ જાણે રેઢુપડ હોય તેમ અવારનવાર ઘુસણખોરી થાય છે. જંગલની મધ્યમાં સિંહણની પજવણી થાય અને તેનો વિડીયો ઉતારી વહેતો કરાય તે ગંભીર બાબત છે. જવાબદાર વનકર્મીઓને સસ્પેન્ડ કરી ગાંધીનગરથી અધિકારીઓની ટુકડી દ્વારા તપાસ કરવામા આવે તેવી તેમણે માંગ કરી છે.

ક્લિપીંગ કાંડમાં ખુલાસો: યુવાન લાકડીથી બિમાર સિંહણની ચકાસણી કરતો હતો.

Bhaskar News, Dhari/ Una | Nov 26, 2014, 14:46PM IST
- ક્લિપીંગ કાંડ: સરાકડીયા નેસ નજીકની એક વર્ષ પહેલાની ઘટના અંગે વન તંત્ર પાણીમાં બેઠું અને આપ્યો ખૂલાસો

ધારી, ઊના: છેલ્લા બે દિવસથી અખબારોમાં એક બીમાર સિંહણની કોઇ વ્યક્તિ દ્વારા પજવણી થઇ રહી હોવાનાં વોટ્સએપ પર કલીપ ફરતી થયેલ હોય અને આ અંગેનાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અખબારી અહેવાલનાં પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા હોય તેમ આ સમગ્ર મામલની તપાસનાં આદેશ છૂટ્યા હતા અને આ કલીપીંગ જશાધાર નેશ વિસ્તારનું બહાર આવતા ડીએફઓ અંશુમન શર્મા તેમજ જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આવર તથા સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા અને તપાસનાં અંતે આ વિડીયોકલીપ એક વર્ષ જુની હોવાનું બહાર આવેલ હતું અને આ સિંહણને પેરાલીસીસ થઇ ગયેલ હોવાનું વનખાતાનાં સુત્રોમાંથી જાણવા મળેલ હતું.

તેમજ આ સિંહણને જશાધાર  એનિમલ કેર સેન્ટર ખાતે વેટરનીટી તબીબ દ્વારા સારવાર પણ આપવામાં આવેલ હોવાનું વન અધિકારીએ જણાવેલ હતુ અને તેની તમામ પ્રકારની નોંધ પણ વેટરનીટી હોસ્પિટલનાં રેકર્ડ પર હોવાનું પણ વન અધિકારીએ જણાવેલ હતું. આજે વનવિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે આ વિડીયો કલીપ તા. 30/12/13ની છે. એકાદ વર્ષ પહેલા જસાધાર રેંજમા સરાકડીયા નેસમાં આ ઘટના બની હતી. અહી શિવા સાર્દુલ લાખણોત્રા નામના માલધારીની નજરે બિમાર સિંહણ ચડતા તેણે લાકડી વડે અને પુંછડુ પકડી ચકાસણી કરી હતી.

ગીર પુર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે સરાકડીયા નેસના માલધારી કનુભાઇ વાજસુરભાઇ વાઘ તે દિવસે માલઢોર ચરાવવા ગયા ત્યારે દોઢ વર્ષની બિમાર સિંહણને જોઇ હતી. જેથી તેમણે તેના કાકા શિવા સાર્દુલને જાણ કરતા તેણે જસાધાર વનતંત્રને જાણ કરી હતી. ફોરેસ્ટર અને ટ્રેકર પાર્ટીએ શિવાને સાથે રાખી તપાસ કરી પરંતુ બિમાર સિંહણ મળી ન હતી.
તે જ દિવસે સાંજે ઢોર પરત લઇને આવતી વખતે શિવા સાર્દુલે આ બિમાર સિંહણને જોઇ હતી. તેની પાસે જવા છતા સિંહણ ઉભી ન થઇ શકતા તેણે લાકડીથી ચકાસણી કરી હતી અને પુંછડુ પકડી સિંહણનો તાગ લેવા પ્રયત્ન કર્યો હતો અને કનુ વાજસુરભાઇ દ્વારા તેનુ મોબાઇલમાં શુટીંગ કરાયુ હતુ. જો કે આ યુવાન કશુરવાર જણાશે તો પગલા લેવાશે એવું જણાવ્યુ હતું.

બિમાર સિંહણની સારવાર કરાઇ હતી

વનતંત્રએ જણાવ્યું હતુ કે એકાદ વર્ષ પહેલા શિવા સાર્દુલે આપેલી બાતમીના આધારે તા. 30/12/13ની સાંજે આ બિમાર સિંહણને પકડી જસાધાર એનીમલ કેર સેન્ટરમા લઇ જવાઇ હતી. અને સારવાર આપી તા. 30/1ના રોજ તેને જંગલમાં મુકત કરાઇ હતી.

અમાનુષી હરકતઃ સિંહણને પેરાલિસિસ થયાનો અંદાજ, યુવકની શોધખોળ ચાલુ

 

અમાનુષી હરકતઃ સિંહણને પેરાલિસિસ થયાનો અંદાજ, યુવકની શોધખોળ ચાલુ
 
- ગીર જંગલમાં સિંહણનું પૂછડું ખેંચી, મોઢામાં લાકડી ભરાવવાની એક શખ્સની વિડીયો ક્લિપીંગનો રાઝ ખૂલ્યો
- એ સિંહણ લકવા-ગ્રસ્ત હાલતમાં છે, પ્રાણી પ્રેમીઓમાં ફિંટકારની લાગણી

ધારી: ગીર જંગલ આસપાસ વસતા સાવજોને ટીખળી લોકો દ્વારા કરાતી કનડગત હવે આમ બાબત બની ગઇ છે. તાજેતરમાં વોટ્સએપ પર એક યુવાન બીમાર સિંહણને પૂછડુ ખેંચીને મોઢા પર લાકડી ભરાવી પરેશાન કરતો હોવાની ક્લીપ ઝડપથી ફેલાઇ જતા વિવાદનો વંટોળ ઉભો થયો છે. ડીએફઓ અંશુમન શર્માની સુચના મુજબ વનતંત્ર દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરાઇ છે. એવી પણ ચર્ચા ઉઠી છે કે આ ક્લીપ જસાધાર રેન્જના એક નેસ નજીક ઉતારવામાં આવી હતી. સિંહણને પેરાલીસીસ થયો હોય તે કોઇ પ્રતિકાર કરી શકતી ન હતી.

દેશની અમુલ્ય ધરોહર સમા સાવજોની વસતી વધી રહી છે તેવા સમયે તેની ખુબ જ મજબુતીથી રક્ષા થાય તે જરૂરી બન્યુ છે. વોટ્સએપ પર એક યુવાન બિમાર હાલતમાં જમીન પર પડેલી સિંહણનું વારંવાર પુછડુ ખેંચતો હોય અને બાદમાં તેના મોઢા પર લાકડી ભરાવી પરેશાન કરતો હોય તેવી ક્લીપ વહેતી થતા સિંહ પ્રેમીઓમાં આ મુદે ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે. અમરેલી જીલ્લામાં આ ક્લીપ ઝડપથી વહેતી થઇ હોય અને સિંહ પ્રેમીઓના રોષને ધ્યાને લઇ ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા દ્વારા આ મુદે ગઇકાલે જ તપાસની સુચના આપી દેવાઇ હતી.
ડીએફઓની સુચનાને પગલે વનતંત્ર દ્વારા આ વિડીયો ક્લીપ ક્યાથી છે તે દિશામાં સૌ પ્રથમ તપાસ શરૂ કરવામાં આવી છે. દરમીયાન એવી પણ ચર્ચા ઉઠી છે કે આ વીડીયો ક્લીપ જસાધાર રેન્જમાં આવેલ એક નેસ નજીક ઉતારવામાં આવી હતી અને એવું પણ કહેવાય છે કે આ સિંહણને પેરેલીસીસ હતો જેના કારણે તે પ્રતિકાર કરી શકતી ન હતી. સામાન્ય રીતે કોઇની મજાલ છે કે સિંહ કે સિંહણ આરામ કરતા હોય ત્યારે તેની બાજુમાં પણ કોઇ જઇ શકે. સિંહ કે સિંહણનું પુછડુ પકડી ખેંચવાની કે મો પર લાકડી ભરાવવાની હરકત કોઇ કાળે સાવજો સાંખી ન લે. ત્યારે આ વિડીયો ક્લીપ ફરતી થતા જ સિંહણ બિમાર હશે તેવું સ્પષ્ટ મનાતુ હતું. એકાદ દિવસમાં આ ઘટનાનો ભેદ ઉકેલાવાની શક્યતા છે.

સિંહણ સાથે અમાનુષી હરકત,પૂછડી પકડી યુવાને લાકડી મારી.

Bhaskar News, Dhari/ Junagadh | Nov 24, 2014, 11:33AM IST
VIDEO: સિંહણ સાથે અમાનુષી હરકત,પૂછડી પકડી યુવાને લાકડી મારી
(તસવીર: યુવાન બિમાર સિંહણ સાથે અમાનુષી હરકત કરી રહ્યો છે)
 
- સિંહણ સાથે અમાનુષી હરકત
- શખ્સના કરતૂત સામે પગલા લેવા ઉઠી માંગ
 
ધારી, જૂનાગઢ: છેલ્લા બે દિવસથી વોટ્સએપ, ફેસબૂક સહિત સોશ્યલ મીડિયામાં એક શખ્સ દ્વારા જંગલમાં સિંહણ સાથે અમાનુસી વર્તાવ થતો હોવાની વીડિયો ક્લિપિંગ ફરતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે જ્યારે વન વિભાગ પણ ઉંઘતુ ઝડપાયુ હોય તેમ આ ક્લિંગની છાને ખૂણે તપાસ પણ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ વન વિભાગ ગમે તે રીતે સતર્ક હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે લાયન શો જગજાણી તો છે એવામાં છેલ્લા બે દિવસથી ફરી રહેલી વીડિયો ક્લિપિંગમાં એક શખ્સ સુતેલી સિંહણનું પૂછડુ પકડે છે અને લાકડીથી મોઢા અને પાછળના ભાગે મારે છે તેવું દર્શાવાય છે.

દ્રશ્ય ભલે જૂનુ હોય પણ એકાએક છેલ્લા બે દિવસથી વોટ્સએપ અને ફેસબુકમાં આ વીડિયો ક્લિપિંગ ફરતાની સાથે જ વન્ય પ્રાણી પ્રેમીઓમાં ભારે નારાજગી પ્રસરી છે. અને આ લોકોની માંગણી છે કે, આ શખ્સ જે હોય તે પણ જંગલમાં સિંહ સાથે આ અમાનુષી હરકત કરી રહ્યો છે. તેની સામે પગલા લેવા જરૂરી છે. વન વિભાગના અધિકારીઓ પણ આ ક્લિપિંગથી ચોકી ઉઠ્યા છે અને સુત્રોના જણાવ્યા મુજબ આંતરીક રીતે ક્લિપિંગ ભલે જૂની હોય પણ આ શખ્સ કોણ તે સહિતની તપાસ હાથ ધરી છે. જો કે, વન વિભાગના સુત્રો એવુ પણ કહે છે કે, આ કદાચ બીમાર સિંહણ સાથે હરકત કરતો હોય તો જ આવુ બની શકે બાકી આ કોઇપણ વ્યક્તિ માટે જોખમી હરકત છે.

અમરેલી: કુંજ પક્ષીનાં છ મૃતદેહો મળી આવતા દોડધામ.

Bhaskar News, Amreli | Nov 23, 2014, 00:02AM IST
અમરેલી: કુંજ પક્ષીનાં  છ મૃતદેહો મળી આવતા દોડધામ
- ચિંતા|રાજુલા તાલુકાનાં કથીવદર ગામની સીમમાં બંધારા વિસ્તારમાં શિયાળો ગાળવા આવેલા
- ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો  : ગળામાં ઇન્ફેકશનથી મોત થયાની આશંકા

અમરેલી: શીયાળાના પગરણ સંભળાઇ રહ્યા છે ત્યારે અમરેલી જીલ્લામાં જળાશયો અને દરીયાકાંઠાના વિસ્તારમાં પ્રવાસી પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયુ છે. કથીરવદરના બંધારા વિસ્તારમાં મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ આવ્યા છે ત્યારે આજે અહિં છ કુંજના મૃતદેહ મળી આવતા અને ત્રણ કુંજ બિમાર હાલતમાં મળી આવતા વનતંત્રનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. કુંજને ગળામાં ઇન્ફેક્શન હોવાનું મનાઇ છે. છતાં તેના મોતનું સાચુ કારણ પીએમ રીપોર્ટ બાદ ખબર પડશે તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

અમરેલી જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શીયાળો ગાળવા માટે આવે છે. ફ્લેમીંગો, કુંજ, પેલીકન જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં દરીયાકાંઠે ઉતરે છે. ચાલુ સાલે પણ શીયાળો ગાળવા આવતા આ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ચુક્યુ છે. હાલમાં કથીરવદર, ખેરા, પટવા, ચાંચ વિગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ ઉતરી આવ્યા છે.

દરમીયાન આજે રાજુલા તાલુકાના કથીરવદર ગામની સીમમાં બંધારા વિસ્તારમાં અચાનક જ કુંજ ટપોટપ મરવા લાગ્યા હતાં અને જોતજોતામાં છ કુંજ અહિંથી મરેલી હાલતમાં જ્યાં ત્યાં પડેલા મળી આવ્યા હતાં. આ ઉપરાંત અહિં ત્રણ કુંજ બિમાર હાલતમાં પણ નઝરે પડયા હતાં. જેના કારણે સ્થાનિક આગેવાનો મનસુખભાઇ બાંભણીયા, ધાપાભાઇ, મંગાભાઇ વિગેરે દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

જેને પગલે વનતંત્રના ગોહિલભાઇ, પઠાણભાઇ, ભરતભાઇ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને કુંજના મૃતદેહો કબજે લીધા હતાં. આ ઉપરાંત ત્રણ બિમાર કુંજને કબજે લઇ તેની સારવાર માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. આ પ્રવાસી પક્ષીઓના ગળામાં ઇન્ફેક્શન જેવા લક્ષણો જણાયા હોવાનું જાણવા મળેલ છે. પક્ષીઓના પોસ્ટ મોર્ટમના રીપોર્ટ બાદ તેના મોતનું સાચુ કારણ ખબર પડશે તેવું વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

ગત વર્ષે પણ શિયાળામાં આવી જ ઘટના બની હતી

િજલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં દર વર્ષે ફલેમિંગો, કુંજ અને પેલીકન જેવા યાયાવર પક્ષીઓ શિયાળાનું વેકેશન ગાળવા અહીં આવી પહોંચે છે એ રીતે આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયુ છે. ગત વર્ષે પણ કુંજ પક્ષીઓ મરી જવાની આવી ઘટના શિયાળાના સમયમાં બની હતી. એવી જ ઘટના રાજુલા તાલુકાનાં કથીવદર ગામની સીમમાં બંધારા વિસ્તારમાં બનતા છ કુંજ પક્ષીઓ મરી જતાં આ પક્ષીઓનું મૃત્યુ કયાં કારણોસર થયુ છે તે જાણવા તંત્ર દોડતુ થયુ છે.