Thursday, January 31, 2013

કાપણી વખતે પાછળથી ખેડૂત પર ત્રાટકતો દીપડો.


Bhaskar News, Kodinar | Jan 31, 2013, 01:46AM IST
- શેરડીનાં ખેતરમાં કાપણી ચાલતી હતી એ વખતે દીપડો પાછળથી ત્રાટકયો

સૂત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામની સીમમાં એક શેરડીનાં ખેતરમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. જોકે, ખેડૂતનાં હાથમાં લાકડીનો ટુકડો આવી જતાં તેનાથી સામનો કરતાં દીપડો ભાગી છુટ્યો હતો.

સૂત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામની સીમમાં ગામનાં જ ખેડૂત અભેસીંગભાઇ નારણભાઇ (ઉ.૩૮) નામનાં ખેડૂત શેરડીની કાપણી ચાલતી હોઇ પોતાનાં વાડમાં ગયા હતા. અને શેરડીની કાપણીનું કામ કરતા મજૂરો પર દેખરેખ રાખતા હતા. એ વખતે એક દીપડો અચાનક જ વાડમાંથી ધસી આવ્યો અને અભેસીંગભાઇ ઉપર પાછળથી હુમલો કરી દીધો હતો.

અચાનક જ થયેલા દીપડાનાં હુમલાથી અભેસીંગભાઇ પહેલાં તો હેબતાઇ ગયા હતા. પરંતુ યોગાનુયોગે તેમનાં હાથમાં લાકડીનો ટુકડો હોઇ તેમણે સમયસૂચકતા વાપરીને લાકડી ફેરવી હતી. આથી દીપડો ડરીને નાીસ છુટ્યો હતો. આ બનાવ બાદ ગભરાયેલા મજૂરો પણ નાસી છુટયા હતા. બનાવની જાણ થતાં તુરતજ ગામનાં માજી સરપંચ કાનજીભાઇ નકુમે વેરાવળ આરએફઓ પડશાલા અને સૂત્રાપાડા સ્થિત ફોરેસ્ટરને જાણ કરી હતી.

સાથોસાથ ૧૦૮ ને જાણ કરી અભેસીંગભાઇને સૌપ્રથમ કોડીનારની રા. ના. વાળા હોસ્પિટલ અને બાદમાં સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. આ વિસ્તારમાં શેરડીની સીઝન આવતાં વાડમાં મજૂરોની અવરજવર વધી છે ત્યારે દીપડાનો પણ ત્રાસ વધી જતાં ખેડૂતો અને મજૂરો ખેતરે આવતા-જતાં ડર અનુભવી રહ્યા છે.

સાસણ ગીર અભ્યારણ્યમાં ગેરકાયદેસર સિંહદર્શન પડ્યું ભારે.

Bhaskar News, Talala | Jan 30, 2013, 23:33PM IST
- વન વિભાગે રાજકોટનાં યુવાન પાસેથી ૨૫ હજારનો દંડ વસૂલ્યો

પ્રવાસીઓ માટે સાસણમાં સિંહ દર્શન માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. છતા ઘણા સિંહ દર્શનના શોખીન ગેરકાયદેસર સિંહ દર્શન કરવા પહોંચી જતા હોય છે આવા લોકોને વન વિભાગ ઝડપી લઇ દંડ ફટકારતી હોય છે ત્યારે અભિયારણ  વિસ્તારમાં  ગેરકાયદેસર સિંહ દર્શન કરતા રાજકોટના યુવાનને ઝડપી લઇ રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ્યો હતો.

જંગલ વિસ્તારમાં ગેરદાયદેસર સિંહ દર્શન કરનારાઓ પર વન તંત્રે ઘોસ બોલાવી છે. આવા લોકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે ત્યારે સાસણ નજીકનાં અભિયારણ વિસ્તારમા ગેરકાયદેસર સિંહ દર્શન કરતા હોવાની બાતમી સાસણ રેન્જનાં આરએફઓ ટીલાળાને મળતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ગેરકાયદેસર સિંહ દર્શન કરતા શખ્સને ઝડપી લીધો હતો. રાજકોટનાં કેતન ઇન્દ્રવદન જોષી પોતાની માલીકીની ગાડી લઇ અભિયારણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહયો હતો. તે સમયે વન વિભાગની ટીમ ત્રાટકી કેતનને તેની ગાડી સાથી ઝડપી લીધો હતો. ગાડી જપ્ત કરી રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.  તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન તંત્રના આકરા પગલાને લઇ ગેરકાયદેસર સિંહ દર્શન કરતા તત્વોમા ફફડાત ફેલાય ગયો છે.

જંગલમાં પ્રવેશબંધી હોવા છતાં તસ્કરો આવ્યા કયાંથી ?

જંગલમાં પ્રવેશબંધી હોવા છતાં તસ્કરો આવ્યા કયાંથી ?
Bhaskar News, Una  |  Jan 29, 2013, 00:03AM IST
સુપ્રસિધ્ધ તુલશીશ્યામનું મંદિર જંગલ વિસ્તારમાં આવેલ છે. અને ત્યાં જવા માટે રાત્રીનાં ૮ વાગ્યાથી સવારનાં ૬ વાગ્યા સુધી જંગલમાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ જાય છે. ત્યારે ચોરી સવારે પ:૪પ વાગ્યે થઇ છે. આથી તસ્કરો મંદિર સુધી પહોંચ્યા કેવી રીતે ? તસ્કરો મંદિરની ધર્મશાળામાં રોકાયા કે પછી રાતવાસો જંગલમાં કર્યો ? એ સવાલ પણ સો મણનો છે. જયારે મંદિરનાં સુત્રોનું એવું કહેવું છે કે, કોઈ શંકાસ્પદ શખ્સોએ ધર્મશાળામાં રાતવાસો કર્યો નથી.

- ડોગ મંદિરનાં આંટા મારી જશાધાર તરફ જતા રોડ પર અટકી ગયો

તુલશીશ્યામ મંદિરે રૂ. પાંચ લાખની ચોરી થયા બાદ, જૂનાગઢથી ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી. અને ડોગ પણ આવી પહોંચ્યો હતો. પરંતુ આવેલો ડોગ જશાધાર તરફ જતા રસ્તા પર રોકાઈ ગયો હતો. આમ તસ્કરો જશાધાર થી ઊના તરફ આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

'બોલ માંડી અંબે, જય જય અંબે'ના નારાથી ગૂંજી ઉઠયો ગિરનાર.


'બોલ માંડી અંબે, જય જય અંબે'ના નારાથી ગૂંજી ઉઠયો ગિરનાર

Indravadansin Jhala, Junagadh  |  Jan 28, 2013, 09:45AM IST
- ગિરનાર પર બિરાજેલા મા અંબાજીનાં પ્રાગટય દિવસની ભાવભેર ઉજવણી
ગરવા ગિરનાર પર બિરાજતા મા અંબાજીનો પોષી પૂનમનાં દિવસે પ્રાગટય દિવસ હતો. આ પ્રાગટય દિવસમાં મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતા. આજનાં પવિત્ર દિવસે મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીજી સહિતનાં સાધુ-સંતોએ મા અંબાજીની સેવા-પૂજા અને આરતી કરી હતી. આ સમયે ઉપસ્થિત ભાવિકોએ મા અંબાજીનો જય જયકાર કરી ગિરનારને ગૂંજવી દીધો હતો. દરેક શ્રધ્ધાળુનાં હૈયે હામ પૂરતા મા અંબાના પ્રાગટય દિવસે ભાવિકોએ માતાજીનાં દર્શન, પૂજા અને પ્રસાદનો લાભ લીધો હતો. ગરવા ગિરનાર પર બિરાજેલા મા અંબાનાં પ્રાગટય દિવસની વધુ તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: મિલાપ અગ્રાવત, જુનાગઢ

તાલાલાના સેમરવાવમાં દીપડાએ કિશોરીને ફાડી ખાધી.


Bhaskar News, Talala | Jan 26, 2013, 01:55AM IST
ગળાના ભાગે દાંત બેસાડી દેતાં મોતને ભેટી : હાહાકાર
 
તાલાલાનાં સેમરવાવ ગામની સીમમાં આજે સવારનાં અરસામાં દીપડાએ કિશોરીને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.
 
તાલુકાનાં સેમરવાવ ગામે રામશીભાઇ અરશીભાઇ ડોડીયાની વાડી હિ‌રણ નદીનાં કાંઠે આવેલ હોય અહીંયા જાફરાબાદ પંથકનાં ધીરૂભાઇ બાવુભાઇ સોલંકીનો પરિવાર ખેતી કામ માટે આવેલ હતો. 
 
આ પરિવારની પુત્રી લક્ષ્મીબેન (ઉ.વ.૧૨) આજે સવારે ખેતરમાં કામ કરતી હતી ત્યારે નવ વાગ્યાની આસપાસ શેરડીનાં વાડમાંથી એક ખુંખાર દીપડો આવી ચઢી તેની ઉપર હુમલો કરી દઇ મોઢાનાં ભાગે પંજો મારી ગળામાં તીક્ષ્ણ રાક્ષસી દાંત દબાવી તેને લઇ ભાગવાની કોશીષ કરે એ પહેલાજ પરિવારનાં સભ્યોએ દોડી જઇ હાકલા પડકારા કરી પથ્થરોના છુટા ઘા કરતા દીપડો જંગલ તરફ ભાગી છુટયો હતો. 
 
દીપડાનાં તિક્ષ્ણ દાંતથી ગળાની નશો કપાઇ જતા કિશોરીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. તાલાલા પંથકમાં શ્રમિક પરિવારો છાશવારે દીપડાનાં હુમલાનાં ભોગ બને છે. આ ઘટનાને પગલે માનવભક્ષી દીપડાને પકડવા તાલાલા રેન્જનાં આરએફઓ બ્લોચએ પાંજરા મુકાવી તેના સગડ મેળવવા સ્ટાફને કામે લગાડી દઇ કવાયત હાથ ધરી છે.
 
કેશોદના બડોદરમાં દીપડાએ ખેત મજૂરને ઘાયલ કર્યો
 
કેશોદનાં બડોદર ગામની સીમમાં ગઇકાલે બપોરનાં અરસામાં દીપડાએ હુમલો કરી ખેતમજૂરને ઘાયલ કરી દીધો હતો. મળતી વિગત મુજબ બડોદર ગામનાં પૂર્વ તરફની સીમમાં આવેલ દડુભાઇ વાળાની વાડીમાં ગઇકાલે બપોરનાં અરસામાં દીપક મુળુભાઇ મકડીયા (ઉ.વ.૩પ) નામનો શ્રમિક યુવાન તુવેર વાઢી રહયો હતો ત્યારે અચાનક દીપડાએ આવી તેની પર હુમલો કરી દેતા હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચતા કેશોદ હોસ્પિટલે સારવાર લીધી હતી. આ વિસ્તારમાં ઘણાં સમયથી દીપડાની રંજાડ હોય વનવિભાગ તેને પાંજરે પુરે એવી ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-hunting-teen-girl-in-semarvav-of-talala-taluka-4159983-NOR.html

વનવિભાગનાં કસૂરવાનો સામે ગુનો નોંધવા કલેક્ટરનો એસપીને આદેશ.


Bhaskar News, Junagadh | Jan 26, 2013, 00:57AM IST
જૂનાગઢનાં સરકડીયા આશ્રમનાં મહંતે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજી કરતાં
સરકડીયા આશ્રમ ખાતે બે પોલીસમેનને ડયુટી પર મૂકવા એસપીને અને સરકડીયા હનુમાનજી આશ્રમના મંદિરમાં ભક્તોની અવરજવર ન અટકાવવા વન- વિભાગને સુચના
 
ગિરનારનાં જંગલમાં આવેલી સરકડિયા હનુમાનની જગ્યાનાં મહંત, ટ્રસ્ટી તેમજ ત્યાં આવતા જતા સેવકોને વનવિભાગ દ્વારા અવારનવાર હેરાનપરેશાન કરાતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં થઇ હતી. જેને પગલે કલેક્ટરે વનવિભાગનાં જવાબદારો સામે ગુનો દાખલ કરવાનો એસપીને આદેશ આપ્યો છે.
 
ગિરનાર જંગલમાં આવેલી સરકડિયા હનુમાનની જગ્યાનાં સેવક અને સામાજીક કાર્યકર અનિલકુમાર એમ. વાઘેલાએ મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં વનવિભાગનાં જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી. જેમાં તેમણે એમ જણાવ્યું હતું કે, ૧૯૬૧માં ગિરનાર ક્ષેત્રને સરકારે અનામત જંગલ તરીકે જાહેર કર્યું છે. ત્યારપછી ૧૯૬૩માં ગિરનાર ક્ષેત્રમાં આવેલી તમામ જગ્યાઓનો ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલ બહાર પાડ્યો છે.
 
જે તે સમયે સરકારે ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફિસર તરીકે નાયબ કલેક્ટર કક્ષાનાં અધિકારી ડી. ડી. મંકોડીની નિમણૂંક કરી હતી. તેમણે તમામ ધાર્મિ‌ક જગ્યાઓનાં હક્ક હિ‌ત નક્કી કરી આપ્યા હતા. જે મુજબ જગ્યાનાં સંચાલકો, યાત્રિકો, સેવકો અને અનુયાયીઓને આવ-જા કરવા માટે ૨૦ ફૂટ પહોળા, ૧૦ ફૂટ પહોળા તેમજ પગકેડી નક્કી કરી દીધી હતી. ઉપરાંત જગ્યા માટે ઝરણાંમાંથી પાણી લેવાનો, રેતી પથ્થર લેવાનો, ઢોર ચરાવવાનો, સૂકા લાકડાં લેવાનો તેમજ ચાલવા માટે રસ્તાઓ આપ્યા છે. 
 
આ ઉપરાંત ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલના કિસ્સામાં એક મહત્ત્વની બાબતે એ છે કે, સમગ્ર ગિરનારને અનામત જંગલ જાહેર કરાયું છે. એ પૂરેપૂરી જમીનમાંથી સરકડીયા હનુમાન, માળવેલા, ઝીણાબાવાની મઢી, સુરજકુંડ, બોરદેવી, વગેરે જગ્યાઓને ગિરનારક્ષેત્રની સમગ્ર જમીનમાંથી બાકાત રખાયું છે. તા. ૩૧-પ-૨૦૦૮ નાં રોજ ગિરનારને સરકારે વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે.
 
જેમાં આ હક્કો, જગ્યાનાં સંચાલકો, સેવકો, અનુયાયીઓને જે પ્રાપ્ત થયા છે તેની સામે વનવિભાગનાં જવાબદાર કર્મચારીઓએ કે અધિકારીઓએ કોઇ વાંધો લીધો નથી. જેનાં આધારે કોઇ યાત્રિકને રસ્તા પર ચાલવા માટે અટકાવી શકે નહીં કે ધાર્મિ‌ક સંસ્થાની અંદર રાત્રિ રોકાણ કરવા માટે પ્રતિબંધ મૂકી શકે નહીં. પરંતુ જંગલખાતાનાં કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર સેવકો, સંચાલકોને મૌખિક રાત્રિ રોકાણ ન કરવું, રસ્તામાં જતા અટકાવવા એવું સ્પષ્ટીકરણ હોય તો વનસત્તાવાળાઓએ તમામને લાગુ પડે એ રીતે એક જાહેરનામું બહાર પાડવું જોઇએ. અને એ જાહેરનામા મુજબ ગિરનાર ક્ષેત્રમાં આવેલી તમામ સંસ્થાઓમાં કોઇ રાત્રિ રોકાણ ન કરે તેનો ખ્યાલ રાખવો જોઇએ. 
 
વનવિભાગ માત્રને માત્ર ચાર-પાંચ સંસ્થાઓને વન્યપ્રાણી અભયારણ્યનાં કાયદા હેઠળ બિનજરૂરી રોકટોક કરે છે. જે ન કરે એવો હુકમ ફરમાવવા માંગણી પણ તેમણે કરી હતી. એટલુંજ નહીં વનઅધિકારીઓ અવારનવાર જગ્યાએ જતા સેવકોને પરેશાન કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.
 
તાજેતરમાંજ સેવકને બહાર કાઢયા હતા
 
આ સાથે સરકડિયાની જગ્યાનાં સેવક, ટ્રસ્ટી/ખજાનચી પ્રવિણભાઇ અમૃતલાલા વિઠ્ઠલાણીએ પણ એસ.પી.ને ફરિયાદ કરી હતી. જેમાં ગત તા. ૧૨ જાન્યુ.નાં રોજ પોતાને વનકર્મચારીઓએ સત્તાનો દુરૂપયોગ કરી, મંડળી રચી, ધાર્મિ‌ક જગ્યાની લાગણી દુભાવવા બળજબરીથી પૈસા પડાવી ગુનાહિ‌ત પ્રવેશ કરવા બદલ પગલાં લેવા માંગણી કરી હતી.

માંગરોળનાં શીલબારા નજીક કુંજનો શિકાર કરતા ૪ ઝડપાયા.

માંગરોળનાં શીલબારા નજીક કુંજનો શિકાર કરતા ૪ ઝડપાયા
Bhaskar News, Mangrol  |  Jan 24, 2013, 00:24AM IST
- ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ રંગેહાથ ઝડપી લીધો : વનવિભાગે અન્ય ૩ને પકડ્યા

માંગરોળ તાલુકાનાં શીલબારા નજીક ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ મધરાત્રે ત્રણ કુંજ પક્ષીઓનો શિકાર કરતા મછીયારા યુવાનને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લઇ તેઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી પ્રત્યેકને ૨૦-૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.

શિયાળાનું વેકેશન ગાળવા માંગરોળ નજીકનાં વિસ્તારોમાં આવતા કુંજપક્ષીઓનો બેફામ શિકાર થતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી લોકોમાંથી ઉઠી હતી. માંગરોળથી ૧૨ કિ.મી. દૂર આવેલા શીલ પાસે સાંગાવાડાબારા તરીકે ઓળખાતી જગ્યામાં હજારોની સંખ્યામાં આ પક્ષીઓ આવે છે.

ગતરાત્રીનાં ૨:૩૦ વાગ્યાના સુમારે શીલ ગામનાં છ જેટલા પ્રકૃતપ્રેમી યુવાનોએ ત્રણ કુંજ પક્ષીઓનો શિકાર કરેલી હાલતમાં શેરીયાજબારાના રહેવાસી અકબર હાસમને ઝડપી લીધો હતો. જો કે, આ શિકારી ઝડપાયા બાદ વનવિભાગને મોબાઈલ પર તુરંત જ જાણ કરવા છતાં વહેલી સવારનાં ૫:૩૦ વાગ્યા સુધી જંગલખાતાનાં કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનો યુવાનોએ આક્ષેપ કર્યો હતો.

આજે માંગરોળ નોર્મલ રેન્જનાં આરએફઓ વંશ, ફોરેસ્ટર બ્લોચ, પરમાર, ખુમાર, ચુડાસમા સહિતના વનવિભાગના સ્ટાફે અન્ય ત્રણ આરોપીઓ અકબર અબ્દુલ્લા, બિલાલ ગફૂર અને અબ્દુલ દાઉદને શેરીયાજબારાના જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. વનખાતાએ આરોપીઓ પાસેથી પતંગ, દોરો તેમજ તીક્ષ્ણ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ૮૦ હજારનો દંડ ફટકાર્યો હતો. પશુ ડોક્ટર પરમારે કુંજપક્ષીઓનું પી.એમ. હાથ ધર્યા બાદ પક્ષીઓને જમીનમાં દાટી દેવાયા હતા. નિર્દોષ પક્ષીઓનાં શિકારને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

- કઈ રીતે થાય છે નિર્દોષ પક્ષીઓનો શિકાર ?

જ્યાં કંુજ સહિતનાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય તેવા સ્થળે શિકારીઓ રાત્રીનાં  અંધકારનો લાભ લઈ શિકારી પ્રવૃત્તિ આચરે છે. સૌપ્રથમ તેઓ મોટા પતંગને આકાશમાં ઉડાડે છે. ત્યારબાદ દોરામાં વચ્ચે જાળ બાંધી અને નાનકડો પથ્થર લટકાવી દે છે. દરમિયાન જે જગ્યાએ શાંતિથી પક્ષીઓ બેઠા હોય ત્યાં પતંગને લઈ જાય.

જેથી દોરામાં બાંધેલી જાળમાં આવા કુંજ પક્ષીઓ ફસાઈ જતાં અન્ય કુંજપક્ષીઓ ગભરાઈને ઉડવા માંડે છે અને ચિચિયારીઓ પાંડવા માંડે છે. જેને લીધે વાતાવરણ ગુંજી ઉઠે છે. જે દરમિયાન ૧૦ થી ૧૫ મિનિટ શિકારીઓ સંતાઈ જાય છે. ત્યારબાદ વાતાવરણ શાંત થતાં જાળમાં ફસાયેલા પક્ષીઓને બહાર કાઢી ડોક મરડી નાંખે છે. અથવા તો તિક્ષ્ણ હથિયારથી નિર્દોષ પક્ષીઓની કતલ કરી નાંખે છે.

તુલશીશ્યામ મંદિરમાં કામ કરતા ૧૦ શખ્સોની પુછપરછ.Bhaskar News, Rajula | Jan 30, 2013, 23:24PM IST
- વાહન અને લોકોની અવરજવર અંગે વનવિભાગની ચેક પોસ્ટની નોંધણી ઉપયોગી બનશે ?

મધ્ય ગીરમાં આવેલ પવિત્ર તુલશીશ્યામની જગ્યા પર તસ્કરોનો ડોળો પડતા રૂ. ૫ લાખની કિમતના ભગવાનના દાગીનાની ચોરી થયા બાદ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવા ઉંધામાથે થઇ છે. મંદિરમાં જુદાજુદા વિભાગમાં કામ કરતા ૧૦ શખ્સોની ગઇકાલે પોલીસે પુછપરછ કરી હતી. ઉપરાંત જંગલમાં આવતા જતા દરેક વાહનોની નોંધ થતી હોય વનવિભાગની આ નોંધ પણ પોલીસને ઉપયોગી નીવડે તેવુ મનાઇ રહ્યું છે.

ગીર જંગલમાં ભગવાન શ્યામના દાગીના ઉઠાવી જનાર તસ્કરો પ્રત્યે ભાવિકોમાં ભારોભાર રોષ છે ત્યારે પોલીસ પણ આ લોકરોષને પારખી ચોરીનો ભેદ ઉકેલવા દોડધામ કરી રહી છે. પોલીસે ગઇકાલે અહીના રસોડા વિભાગ સહિત જુદાજુદા વિભાગોમાં કામ કરતા દસેક શખ્સોને ઉપાડી લઇ પુછપરછ કરી હતી અને જરૂરી જાણકારી મેળવી હતી. જો કે આ પુછપરછ દરમિયાન પોલીસને કોઇ વિશેષ માહિતી ન મળતા સાંજે તમામને જવા દેવાયા હતા.

બીજી તરફ જંગલમાં આવજા કરતા તમામ વાહનોની વનવિભાગ દ્વારા ચેક પોસ્ટ પર નોંધ કરવામાં આવે છે. વળી ક્યા વાહનમાં કેટલા લોકો કેટલા વાગ્યે જંગલમાં ગયા અને કઇ ચેક પોસ્ટ પરથી કેટલા વાગ્યે બહાર નીકળ્યા તેની પણ નોંધ થાય છે. ત્યારે બનાવના દિવસે જુદીજુદી ચેક પોસ્ટ પરથી ક્યાં વાહનો તુલશીશ્યામ ગયા હતા તેની નોંધ પણ ગુનાનો ભેદ ઉકેલવામાં ઉપયોગી નીવડશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

- જાણભેદુનો હાથ હોવાની આશંકા શા માટે ?

આ ઘટનામાં કોઇ જાણભેદુ વ્યક્તિનો પણ હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સીસી ટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું તસ્કર એ જાણતો હતો કે થોડા દિવસમાં જ સીસી ટીવી કેમેરા લાગી જશે ? અને તે પહેલા જ તેણે લાગ જોઇ કિમતી દાગીના ઉઠાવી લીધા.

વનરાજના ડિનરમાં ભંગ : બે માસનાં બચ્ચાને ફાડી ખાધુ.


Bhaskar News, Dhari | Jan 30, 2013, 00:56AM IST
- ધારી ગીર પૂર્વની જશાધાર રેન્જમાં બનેલી ઘટનાં 
ધારી ગીર પૂર્વમાં આવેલ જશાધાર રેન્જમાં ગતરાત્રે મારણ આરોગવામાં મસ્ત વનરાજાને ખલેલ પડતાં સર્જાયેલી ઇનફાઇટમાં બીજા ગ્રૃપના  બે માસનાં બચ્ચાને ફાડી ખાધું હતું.

ધારી ગીર પૂર્વમાં આવેલ જશાધાર રેન્જમાં જશાધાર બીટમાં આજે સવારે વન વિભાગનો સ્ટાફ પાણી ભરવા જતાં પાણીની કુંડીમાં એક સિંહણનાં બચ્ચાનું માથુ નજરે પડતાં તુરત જ સ્ટાફે ધારી ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્માને જાણ કરી હતી. સમાચાર મળતાની સાથેજ ડીએફઓ ઉપરાંત એસીએફ વણપરીયા, વેટરનરી ડૉ.હિતેશ વામજા, સ્થળ પર જતાં જંગલમાં પાણીનાં પોઇન્ટ પાસે  એક પશુનું મારણ પડ્યું હતું અને બાજુની કુંડીની બાજુમાં સિંહણનાં બચ્ચાનું માથુ જોવા મળ્યું હતું.

જે અંગે ડીએફઓએ જણાવ્યું હતું કે અહીં બે સિંહણ અને નર તેમજ એક બચ્ચાનું લોકેશન મળ્યું હતું તે ગ્રુપનું આ બે માસનું બચ્ચું બીજા ગ્રુપનાં નર સિંહની ઝપટે ચડી ગયું અને મારણ ખાવામાં ખલેલ પડ્યું હોવાથી આ બે માસનાં બચ્ચાને ફાડી ખાધાનાં અનુમાન થઇ રહયું છે. આ વિસ્તારમાં પોતાનું રાજાપણું રાખતાં બીજા ગ્રુપના નરસિંહે ફાડી ખાધું  હતું.

- પરાક્રમી વનરાજાનું લોકેશનની તજવીજ

વન વિભાગે આ ધટના પછી આજ સવારથી જ બચ્ચાને ફાડી ખાનાર નરસિંહનું લોકેશન મેળવવા અને બચ્ચાના અન્ય અવશેષો ત્યાં પડ્યા નથી કે કેમ તેની તપાસ શરૂ કરી છે તેમ ડીએફઓ શર્માએ જણાવ્યું છે.

તુલસીશ્યામમાં ચોરીનું પગેરૂં શોધવા કવાયત, કરાઇ ચર્ચા-વિચારણા.


Bhaskar News, Rajula | Jan 29, 2013, 23:52PM IST
- મહંત અને ટ્રસ્ટીઓ સાથે એસપીની ચર્ચા-વિચારણા : જુની ચોકી ફરી કાર્યરત કરો

મધ્ય ગીરમાં તુલસીશ્યામ ધામમાં ગઇકાલે અજાણ્યા તસ્કરો રૂ. ૫ લાખની કિમતના દાગીના ચોરી જતા ચકચાર મચી છે ત્યારે આજે આ ઘટનાને પગલે જુનાગઢ જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદી તુલસીશ્યામ દોડી ગયા હતા. તેમણે આવી ઘટના ભવિષ્યમાં ફરી ક્યારેય ન બને તે માટે જરૂરી પગલા અંગે ટ્રસ્ટીઓ અને મહંત સાથે ચર્ચા વિચારણા કરી હતી.

લોકોની આસ્થાનુ કેન્દ્ર અને ગૌરવવંતી ગીરમાં જ્યાં ધર્મની ધજા ફરકે છે તે પવિત્ર યાત્રાધામ તુલશીશ્યામમાં તસ્કરોએ પગરણ કરતા ભાવિકો ચિંતાતુર બન્યા છે. જે સ્થળે ભાવિકોને મનની શાંતી, ભુખ્યાને ભોજન અને ભકતોને સંતોનો સંગાથ મળે છે તે સ્થળને પણ તસ્કરોએ છોડયુ નથી. ભગવાન તુલશીશ્યામની મુર્તિ પરથી દાગીના ચોરનાર તસ્કરો પર ચારે તરફથી ફિટકાર છે ત્યારે આજે જુનાગઢ જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદી, ડીવાયએસપી તથા સ્ટાફ સાથે ઘટના સ્થળનુ નિરીક્ષણ કરવા તુલશીશ્યામ દોડી ગયા હતા.

જિલ્લા પોલીસવડાએ મંદિરના મહંત ભોળાદાસબાપુ, ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂ તથા અન્ય સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી માહિતી મેળવી હતી. અને ભવિષ્યમા ક્યારેય આવો બનાવ ફરી ન બને તે માટે સુચનો અને ચર્ચા વિચારણા કરી હતી. વેરાવળના ડીવાયએસપી પણ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે ત્યારે પોલીસ ઝડપથી તસ્કરો સુધી પહોંચશે તેવી ભકતોને આશા બંધાણી છે.

- તુલસીશ્યામની ચોકી પણ બંધ જેવી સ્થિતિમાં

તુલશીશ્યામમાં પોલીસ ચોકી તો છે પરંતુ અગાઉ તેમા એક પોલીસ કર્મી ફરજ બજાવતા હતા. હાલ આ પોલીસ ચોકી બંધ જેવી સ્થિતિમાં છે. અહી પોલીસ ચોકી કાર્યરત થઇ જાય અને સીસી ટીવી કેમેરા ચાલુ થઇ જાય તો આવી ઘટના નિવારી શકાય તેવુ ભકતોનુ કહેવુ છે. બીજી તરફ અહી ચોરીની ઘટના બાદ આજે ભકતોનો ધસારો પ્રમાણમાં વધુ જોવા મળ્યો હતો.

પક્ષીઓ માટે વીજ વાયર બની રહ્યાં છે યમદુત, વધુ બે પેલીકનનાં મોત.

પક્ષીઓ માટે વીજ વાયર બની રહ્યાં છે યમદુત, વધુ બે પેલીકનનાં મોત

Dilip Raval Amreli  |  Jan 23, 2013, 15:01PM IST
- આંબરડીમાં ૧૧ કેવી વજિ લાઇનને ફાઇબર કોટેડ કરવા પક્ષીપ્રેમીઓની માંગ
અમરેલી સહિત જિલ્લામાં જુદાજુદા વિસ્તારોમાં આવેલા તળાવોમાં હાલ શિયાળો ગાળવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. ત્યારે સાવરકુંડલાના આંબરડી ગામ નજીક આવેલા દપિડા વિસ્તારના તળાવમાં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. હજુ એકાદ દિવસ પહેલા એક પેલીકન પક્ષીને વજિશોક લાગતા તે ઘાયલ થયુ હતુ. ત્યારે ફરી આ જ વિસ્તારમાં બે પેલીકન પક્ષીના વજિશોક લાગવાથી મોત નપિજતા પક્ષીપ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.
બે પેલીકન પક્ષીના વજિશોક લાગવાથી મોત નપિજયાની આ ઘટના આજે સાવરકુંડલા તાબાના આંબરડી ગામ પાસે આવેલા દપિડા વિસ્તારમાં બની હતી. અહી આવેલા તળાવમાં હાલ શિયાળો ગાળવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. હજુ એકાદ દિવસ પહેલા એક પેલીકનને વજિશોક લાગતા તે ઘાયલ થયુ હતુ. જો કે પક્ષી પ્રેમીઓને જાણ થતા તુરત આ પક્ષીની સારવાર કરવામાં આવતા તે બચી ગયુ હતુ.
ત્યારે આજે આ તળાવ નજીકથી બે પેલીકન પક્ષીના મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. પશુ ચિકિત્સક વાઢેરે બંને પક્ષીનું પીએમ કરતા આ પક્ષી વજિશોક લાગવાના કારણે મોતને ભેટયાનુ બહાર આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પીજીવીસીએલની ૧૧ કેવીની વજિ લાઇન પસાર થાય છે.
અવારનવાર પક્ષીઓ આ વજિલાઇનને અડકી જતા ઘાયલ થાય છે તેમજ મોતને ભેટે છે. ત્યારે અહીથી પસાર થતી વજિ લાઇનને ફાઇબર કોટેડ કરવામાં આવે તેવી પક્ષીપ્રેમી સતીશભાઇ પાંડે, સંજયભાઇ, સુભાષભાઇ વગેરેએ માંગ કરી છે. અન્યથા આગામી દિવસોમાં ધરણા કરી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વિકટરમાં વધુ બે સુરખાબ અને એક કુંજનું મોત.

વિકટરમાં વધુ બે સુરખાબ અને એક કુંજનું મોત

Dilip Raval, Amreli  |  Jan 22, 2013, 23:41PM IST
- અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કુલ ૫૫ ઉપરાંત પક્ષીઓના મોત નપિજયા છે
રાજુલા તાલુકાના વિકટર ગામે વિદેશથી શિયાળો ગાળવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. ત્યારે પાછલા થોડા સમયથી આ વિસ્તારમાં પેલીકન, કુંજ સહિતના ૫૫ ઉપરાંતના પક્ષીઓના કોઇ કારણોસર મોત નપિજયા છે. ત્યારે આજે વધુ બે સુરખાબ અને એક કુંજ પક્ષીના મૃતદેહ મળી આવતા વનવિભાગને જાણ કરવામાં આવી છે.
વિકટર, ચાંચબંદર, ખેરા પટવા સહિતના ગામોના તળાવોમાં વિદેશથી મોટી સંખ્યામાં પેલીકન, ફલેમીંગો, કુંજ સહિતના પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૫૫ ઉપરાંતના પક્ષીઓ મોતને ભેટયા છે.
વનવિભાગ દ્વારા પણ આ પક્ષીઓના મોત કોઇ ભેદીરોગચાળાથી થયા છે કે બર્ડફલુથી તે અંગેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યારે વિકટરના ખારામાંથી વધુ બે સુરખાબ અને એક કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રકૃતપિ્રેમી મંગાભાઇ ધાપા તેમજ પ્રવિણભાઇ દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે.

ખાટકીવાસમાં ઘૂસી આવેલા દીપડાએ છ ઘેટાંબકરાનું મારણ કર્યું.


Bhaskar News, Dhari | Jan 20, 2013, 00:41AM IST
- અવારનવાર દીપડો શહેરમાં ચઢી આવતો હોવાથી લોકોમાં ફફડાટ

અમરેલી જિલ્લાભરમાં દીપડાનો ભયંકર ત્રાસ વધી રહ્યો છે. ક્યાંકને ક્યાંક માણસ પર હુમલાની ઘટના કે મારણની ઘટના બનતી રહે છે. ગઇરાત્રે એક દીપડો છેક ધારી શહેરમાં ચડી આવ્યો હતો. અને ધારીના ખાટકીવાસમાં એક ડેલામાં ઘુસી ચાર ઘેટા અને બે બકરાનુ મારણ કર્યું હતુ.

ધારી શહેરમાં અવારનવાર દીપડો ચડી આવતો હોય લોકોમાં ફફડાટ છે. હજુ એકાદ માસ પહેલા જ દીપડો પોલીસ લાઇનમાં ચડી આવ્યો હતો. ત્યાં આજે એક દીપડો છેક ધારીના ખાટકીવાસમાં ઘુસી ગયો હતો. વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ધારીના ખાટકીવાસમાં આવેલા યાસીનભાઇ કટારીયાના ડેલામાં દીપડો ત્રાટકયો હતો.

મધરાત્રે દીપડાએ અહી ડેલામાં ઘુસી ચાર ઘેટા અને બે બકરા મારી નાખ્યા હતા. અને ચુપકીદીથી મારણ કર્યું હતુ. સવારે તેઓ જ્યારે ડેલામાં પહોંચ્યા ત્યારે અહી દીપડાએ મારણ કર્યાની જાણ થઇ હતી. બનાવ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી ગયો હતો.

જાફરાબાદની સીમમાં વાડીમાં કામ કરતા યુવાન પર દીપડાનો હુમલો.


Bhaskar News, Jafrabad | Jan 18, 2013, 23:16PM IST
- જિલ્લામાં ચોવીસ કલાકના ગાળામાં દીપડા દ્વારા ત્રણ વ્યક્તિને લોહીલુહાણ કરાઇ

ખાંભાના માલકનેસમાં હજુ ગઇકાલે જ વાડીમાં કામ કરી રહેલી બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડયાની ઘટના હજુ તાજી છે ત્યાં આજે જાફરાબાદની સીમમાં પોતાની વાડીમાં કપાસમાં આંટો મારી રહેલા યુવાન પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

દીપડા દ્વારા ખેડુત પર હુમલાની આ ઘટના જાફરાબાદની સીમમાં સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે બની હતી. અહીના છનાભાઇ લાખાભાઇ બારૈયા (ઉ.વ.૩૮) નામના યુવકની વાડી દરિયાકાંઠા તરફ આવેલા વાપાળીયા વિસ્તારમાં આવેલ હોય આ યુવાન સાંજે વાડીએ આંટો મારવા ગયો હતો. છનાભાઇ બારૈયા વાડીમાં કપાસમાં આંટો મારી રહ્યાં હતા ત્યારે બોરડી પાછળ છુપાયેલો એક દીપડો અચાનક જ ત્યાં ધસી આવ્યો હતો. અને સીધો જ તેના પર હુમલો કરી દીધો હતો.

છનાભાઇ બારૈયાને દીપડાએ શરીર પર દાંત અને ન્હોર ભરાવી ઇજા પહોંચાડી હતી. જો કે તેમણે પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો. મોડેથી તેમને સારવાર માટે જાફરાબાદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા સતત વધી રહી હોય વાડી ખેતરોમાં કામ કરતા ખેડુતો પર આ દીપડાના હુમલાઓ પણ વધી રહ્યાં છે. ખાંભાના માલકનેસમાં હજુ ગઇ કાલે સાંજે દીપડાએ બે વ્યક્તિને ઘાયલ કરી હતી. ત્યાં  આવી એક વધુ ઘટના આજે જાફરાબાદની સીમમાં બની હતી.

પ્રવાસી પક્ષીઓનું પણ એકમાંથી બીજા જળાશયમાં સ્થળાંતર.


Bhaskar News, Amreli | Jan 18, 2013, 23:12PM IST
- અમરેલી જિલ્લાના જળાશયોમાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ

અમરેલી જિલ્લાના વિવિધ જળાશયો પર દર વર્ષની માફક આ વર્ષે પણ ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ઉતરી આવ્યા છે. નવાઇની વાત એ છે કે આ પ્રવાસી પક્ષીઓ પૈકી કેટલાક એક જ જળાશય પર સ્થિર રહેતા નથી પરંતુ બીજા જળાશયમાં સ્થળાંતર કરી જાય છે. જિલ્લાના અનેક જળાશયો પર આ પ્રકારના દ્રશ્યો નજરે પડ્યા છે.

અમરેલી જિલ્લામાં ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે મોટા ભાગના જળાશયોમાં પાણી ઓછુ છે તો કેટલાક જળાશયો બીલકુલ ખાલીખમ છે. પરંતુ જ્યાંજ્યાં પાણી છે ત્યાં અને રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે ખુબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોંચ્યા છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ આ પ્રવાસી પક્ષીઓ પોતાના વતન તરફ પરત ઉડી જશે.

આ પ્રવાસી પક્ષીઓ આશ્ચર્ય જનક રીતે દર વર્ષે એક જ સ્થળે શિયાળો ગાળવા માટે આવી શકે છે. પરંતુ એવુ જરૂરી પણ નથી કે એકાદ જળાશય પર પુરો શિયાળો તે રોકાય કેટલાક પક્ષીઓ એક જળાશયમાંથી બીજા જળાશયમાં સ્થળાંતર પણ કરતા રહે છે. કદાચ શિકાર વધતા ઓછા અંશે મળતો હોવાના કારણે તેઓ આમ કરતા હશે.

પોણા ભાગનો શિયાળો વિતી ગયો ત્યાં સુધી ધારીના ખોડીયાર ડેમ પર રાજહંસ દેખાયા ન હતા. પરંતુ થોડા દિવસ પહેલા રાજહંસનું એક ટોળુ અન્ય જળાશયમાંથી સ્થળાંતર કરી અહી આવ્યું છે. આવી જ રીતે અમરેલીમાં કામનાથ ડેમમાં પણ કેટલાક પેલીકન સ્થળાંતર કરીને આવ્યા હતા. તો વિકટર અને આસપાસના વિસ્તારમાં દરિયાકાંઠે પણ પક્ષીઓની સંખ્યામાં વધઘટ થતી રહે છે.

- જિલ્લામાં ક્યા ક્યા જળાશયો પર પક્ષીઓ

અમરેલી જિલ્લામાં સૌથી વધુ પક્ષીઓ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે જોવા મળે છે. આ ઉપરાંત અમરેલીના કામનાથ ડેમ, ધારીના ખોડીયાર ડેમ, બગસરા નજીક મુંજીયાસર ડેમ, ધાતરવડી ડેમ તથા અન્ય કેટલાક મોટા તળાવોમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ નજરે પડ્યા છે.

અમરેલી જિલ્લાનાં જળાશયોમાં વિદેશીપક્ષીઓ મહેમાન બન્યાં.


અમરેલી જિલ્લાનાં જળાશયોમાં વિદેશીપક્ષીઓ મહેમાન બન્યાં

Dilip Raval, Amreli  |  Jan 18, 2013, 16:53PM IST
- પ્રવાસી પક્ષીઓનું પણ એકમાંથી બીજા જળાશયમાં સ્થળાંતર
અમરેલી જિલ્લાના વિવિધ જળાશયો પર દર વર્ષની માફક આ વર્ષે પણ ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ઉતરી આવ્યા છે. નવાઇની વાત એ છે કે આ પ્રવાસી પક્ષીઓ પૈકી કેટલાક એક જ જળાશય પર સ્થિર રહેતા નથી પરંતુ બીજા જળાશયમાં સ્થળાંતર કરી જાય છે. જિલ્લાના અનેક જળાશયો પર આ પ્રકારના દ્રશ્યો નજરે પડ્યા છે.
અમરેલી જિલ્લામાં ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે મોટા ભાગના જળાશયોમાં પાણી ઓછુ છે તો કેટલાક જળાશયો બીલકુલ ખાલીખમ છે. પરંતુ જયાંજયાં પાણી છે ત્યાં અને રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે ખુબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોંચ્યા છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ આ પ્રવાસી પક્ષીઓ પોતાના વતન તરફ પરત ઉડી જશે.
આ પ્રવાસી પક્ષીઓ આશ્ચર્ય જનક રીતે દર વર્ષે એક જ સ્થળે શિયાળો ગાળવા માટે આવી શકે છે. પરંતુ એવુ જરૂરી પણ નથી કે એકાદ જળાશય પર પુરો શિયાળો તે રોકાય કેટલાક પક્ષીઓ એક જળાશયમાંથી બીજા જળાશયમાં સ્થળાંતર પણ કરતા રહે છે. કદાચ શિકાર વધતા ઓછા અંશે મળતો હોવાના કારણે તેઓ આમ કરતા હશે.
પોણા ભાગનો શિયાળો વિતી ગયો ત્યાં સુધી ધારીના ખોડીયાર ડેમ પર રાજહંસ દેખાયા ન હતા. પરંતુ થોડા દિવસ પહેલા રાજહંસનું એક ટોળુ અન્ય જળાશયમાંથી સ્થળાંતર કરી અહી આવ્યું છે. આવી જ રીતે અમરેલીમાં કામનાથ ડેમમાં પણ કેટલાક પેલીકન સ્થળાંતર કરીને આવ્યા હતા. તો વિકટર અને આસપાસના વિસ્તારમાં દરિયાકાંઠે પણ પક્ષીઓની સંખ્યામાં વધઘટ થતી રહે છે.
જિલ્લામાં ક્યાં ક્યાં જળાશયો પર પક્ષીઓ
અમરેલી જિલ્લામાં સૌથી વધુ પક્ષીઓ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે જોવા મળે છે. આ ઉપરાંત અમરેલીના કામનાથ ડેમ, ધારીના ખોડીયાર ડેમ, બગસરા નજીક મુંજીયાસર ડેમ, ધાતરવડી ડેમ તથા અન્ય કેટલાક મોટા તળાવોમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ નજરે પડ્યા છે

Some notification regarding allowing people in Girnar wildlife sanctuary during night hours is being issued.

 
 Source: http://www.akilanews.com/daily/news_html/main2.html

Thursday, January 17, 2013


માળીયાના ફતેપરમાં ઝેરી અસરથી તરફડીયા મારતા મોરને બચાવાયો.


માળીયામીયાણા,તા,૭:
માળીયામીંયાણાના ફતેપર ગામે ઝેરી અસરથી તરફડીયા મારતા રાષ્ટ્રીય પક્ષી મોરને આહીર પરિવારે બચાવ્યો હતો. ખેડુતો દ્વારા એરંડાના પાકમાં ઈયળોને મારવા માટે કરવામાં આવતા ઝેરી દવાના છંટકાવથી મુત્યુ પામેલ ઈયળોને ખાઈ જતાં માળીયા તાલુકામાં આઠ દિવસમાં એક મોરનું મૃત્યુ અને એકને નવજીવન મળ્યું છે.
  • ઝેરી દવાવાળી ઈયળો ખાતા એકનું મોત, એકને નવજીવન મળ્યું
તાલુકામાં ગત વર્ષે નહીવત વરસાદના કારણે એરંડાના પાકનુ વાવેતર ખેડુતો દ્વારા વધારે કરવામાં આવ્યું છે. એરંડાના પાકમાં ઈયળનું પ્રમાણ વધી જતાં પાકને બચાવવા ઝેરી દવાનો છંટકાવ કરવામાં આવતા ઈયળો મરી જાય છે. ત્યારે સવારે ખોરાકની શોધમાં નિકળતા મોર આ મૃત્યુ પામેલ ઈયળોને ખાઈ જતાં તેના શરીરમાં ઝેરી અસર ફેલાય છે. અને તરફડીયા મારવા લાગે છે.
આ બનાવ માળીયાના ફતેપરમાં રહેતા આહીર સાદુરભાઈ ભારમલભાઈ ઘરે હતા ત્યારે એક મોર ઉડતો ઉડતો આવી તેના ઘરના ફળીયમાં પડી ગયો અને તરફડીયા મારવા લાગતા ફોરેસ્ટ વિભાગ અને પશુ તબીબને બોલાવી તાત્કાલિક સારવાર કરાવી મોરને વધુ સારવાર અને દેખરેખ માટે વનવિભાગની નર્સરીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તંદુરસ્ત થાય ત્યાં સુધી સારવાર કરવામાં આવશે. તાલુકામાં આઠ દિવસમાં ત્રણ બનાવ બન્યા છે. જેમાં ખીરઈ ગામે ઝેરી અસરવાળા મોરનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ થયું હતુ. ફતેપરમાં સારવાર આપી બચાવી લેવામાં આવ્યો હતો.

તાલાલા અને માળિયાપંથકમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.

Bhaskar News, Talala | Jan 17, 2013, 02:00AM IST
- એ.પી.સેન્ટર સાસણ: ગીર જંગલમાં ૪ સેકન્ડ ધ્રુજારી અનુભવાઇ
- લાંબા સમયથી ધ્રુજારી શાંત હતી ત્યારે રાત્રે ૨.૩નો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો


તાલાલા સહિત ગીર પંથકમાં આજે મોડી સાંજે ૨.૩ તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા તાલાલા, માળિયાહાટિના વિસ્તારોમાં આ ધ્રૂજારીથી ફફડાટની લાગણી સર્જાઇ હતી.

તાલાલા સહિત ગીર પંથકમાં હમણા છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા શાંત હોય જેથી લોકો રાહત અનુભવતા હતા . જોકે  આ રાત્રે ૮.૩૦ કલાકે તાલાલા અને માળિયા વિસ્તારમાં ૨.૩ તિવ્રતાનો આંચકો આવતા ગ્રામ્ય વિસ્તારો અને ગીરજંગલનાં ગામોમાં આ આંચકાની અસર જણાઇ હતી.

દરમિયાન ૨.૩ તિવ્રતાનાં આવેલા આ આંચકનો એ.પી.સેન્ટર તાલાલા થી ૧૩ કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ દિશામાં સાસણગીર નજીક નોંધાયું હતું. દર વર્ષે શિયાળાની ઋતુમાં ઠંડીનાં પ્રમાણની સાથે ધરતીનું સળવળાટ પણ વધતો હોય જેથી અવાર-નવાર ભૂકંપનાં આંચકા આ વિસ્તારમાં નોંધાયા છે પણ ચાલુ વર્ષે ભૂકંપનાં આંચકાનું પ્રમાણ નહીંવત હતું અને લાંબા સમયથી ધરા પણ શાંત હતી. આવા સમયે આજના આવેલા આંચકાથી તાલાલા ઉપરાંત સાસણગીર, ભાલછેલ, હરીપુર, દેવળીયા, જલંધર, લાડુળી, માળીયાના અમરાપુર, કાત્રાસા સહિતમાં અસર અનુભવાઇ હતી.

‘રામ કી ચીડીયા, રામ કા ખેત..., ખાઓ ચીડીયા ભરપેટ’.

‘રામ કી ચીડીયા, રામ કા ખેત..., ખાઓ ચીડીયા ભરપેટ’
Dhirubhai Nimavat, Bagavdar  |  Jan 11, 2013, 00:45AM IST
- પાનનાં કુંડામાં બિન્દાસ્ત પાણી પીવે છે

લુપ્ત થતી ચકલીની જાતને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે અને તા. ૨૦ મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આ ચકલીને બચાવવાનું એક અભિયાન આંબારામાના એક યુવાને હાથ ધર્યું છે. પોતાની પાનની દુકાનમાં ચકલીના માળા બનાવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ચકલીઓ વસવાટ કરે છે.

બગવદરના આંબારામા ગામે પાનની દુકાન ધરાવતા માલદેભાઈ ઓડેદરાને ચકલી પ્રત્યે અનોખો પ્રેમ છે અને આ ચકલી બચાવો અભિયાન પણ શરૂ કર્યું છે. માલદેભાઈની દુકાનમાં એક-બે ચકલી નિયમીત આવતી હોય આથી તેમણે તેમના માટે દુકાનની ફરતે ૧૮ જેટલા માળાઓ બનાવ્યા. ધીરે-ધીરે ચકલીઓની સંખ્યા વધતી ગઈ. અને ચકલીને પણ માલદેભાઈ સાથે લગાવ થઈ ગયો હોય તેમ માલદેભાઈ પાન બનાવતા હોય ત્યારે તેમના પાનના કુંડામાં પાણી પીએ છે.

આ ઉપરાંત બાજુમાં રહેલા ફ્રીજ ઉપર બાજરો, જુવાર નાખતા જ ચકલીઓ આવી પહોંચે છે. છેલ્લા ૧૧ વર્ષથી આ ક્રમ ચાલ્યો આવે છે.  માલદેભાઈની દુકાન સવાર-સાંજ ચકલીઓના ચી-ચી થી ગાજી ઉઠે છે. માલદેભાઈના ચકલી પ્રત્યેનો આ પ્રેમ જોઈને અન્ય લોકોએ પણ પોતાના ઘરમાં ચકલીઓના માળા બનાવ્યા છે. ત્યારે આ તકે ગુરૂ નાનકની પંક્તિ ચોક્કસપણે યાદ આવે ‘રામ કી ચીડીયા, રામ કા ખેત..., ખાઓ ચીડીયા ભરપેટ.’

- દુકાન બંધ હોય તો પણ ચકલીઓ માટે ખાસ વ્યવસ્થા

માલદેભાઈની દુકાનમાં કાયમી ચકલીઓ વસવાટ કરતી હોય, માલદેભાઈને ક્યારેક બહારગામ જવાનું હોય ત્યારે ચકલીઓને કોઈ તકલીફ ન પડે  તે માટે તેમણે પોતાની દુકાનના બારણામાં આવક-જાવકની ખાસ વ્યવસ્થા પણ રાખી છે. આ ઉપરાંત પાનના કુંડામાં પાણી અને ચણની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

- ફોરેસ્ટર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું

બગવદરમાં ભૂતકાળમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા વી.ડી. બાલાએ ચકલી બચાવવાનું ખાસ અભિયાન હાથ ધર્યું હતું અને તેઓએ બરડા પંથકના ખેડૂતોને ચકલી માટે પોતાના વાડી-ખેતરોમાં જુવારની બે લાઈનનું વાવેતર કરવા જણાવ્યું હતું. આજે પણ ખેડૂતો આ ચકલીઓ માટે અનાજ વાવે છે. આ ઉપરાંત ફોરેસ્ટર વી.ડી. બાલા પોરબંદર પંથકમાં દર વર્ષે સૌરાષ્ટ્રમાં ૫૦ હજાર જેટલા ચકલીઓના માળાનું ટોકન દરથી વિતરણ કરે છે

દીવમાં પક્ષીનો શિકાર કરતા નવને દબોચી લેવાયા.

દીવમાં પક્ષીનો શિકાર કરતા નવને દબોચી લેવાયા
Bhaskar News, Una  |  Jan 11, 2013, 00:42AM IST
- દીવનાં દગાસી પાવટી ગામની દરીયાની ખાડીમાંથી વન વિભાગે દબોચી લીધા

દીવનાં દગાસી પાવટી ગામની દરીયાની ખાડીમાં કુંજ અને ફલેમીંગો પક્ષીનાં  શિકાર કરી રહેલા ઘોઘલાના નવ માછીમારોને વન વિભાગે ઝડપી લઇ  જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ અને પર્યટક તરીકે વિખ્યાત દીવ ટાપુનાં રમણીય દરીયા કિનારે દેશ-વિદેશનાં અરબીયન કુંજ, ફલેમીંગો સહિતનાં પક્ષીઓ ટહેલવા આવી પહોંચે છે.

દરમિયાન દગાસી પાવટી ગામની દરીયાની ખાડીમાં પક્ષીઓનો  શિકાર થઇ રહયો હોવાની બાતમીનાં આધારે વન અધિકારી નીતિન આર. માંકુડે અને તેની ટીમે ત્રાટકી ઘોઘલાનાં પ્રકાશ મોતીચંદ, દિલીપ મોતીચંદ, દિલીપ મનજી  બારીયા, નટવરલાલ હિરા ચૌહાણ, અજય હસમુખ સોલંકી, અજય કાનજી ફુલબારીયા, ધ્રુપીક દિનેશ બામણીયા, મયુર કાંતીલાલ સોલંકી અને દીવનાં જીતેન્દ્ર બાબુની  વન્ય પ્રાણી એક્ટની કલમ ૯ મુજબ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપી પુછપરછ હાથ ધરી છે.

- શિકાર કરેલા પક્ષીઓ અને સાધનો કબજે

વન વિભાગની ટીમે સ્થળ પરથી ત્રણ નાની હોડી, જાળ, ફાંસલા,  પતંગ, દોરી, ચાર મોબાઇલ, એક કુંજનો મૃતદેહ અને ચાર ફલેમીંગોનાં કાપેલા પગ કબજે કર્યા હતાં.

ચોરવાડ નજીક જંગલમાં આગ ભભૂકી, વિગતો મેળવવા કવાયત.


Bhaskar News, Chorvad | Jan 11, 2013, 00:38AM IST
- શરૂનાં ઝાડ બળીને ખાક : પાલિકાનાં બે બંબાએ ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી
- નુકસાનની વિગતો મેળવવા કવાયત


ચોરવાડ હોલિડેકેમ્પ  બંદરથી  બે કિલોમીટરનાં અંતરે જુજારપુર તરફ જવાનાં માર્ગે આવેલા સરૂનાં ગીચ જંગલમાં આજે સાંજનાં અરસામાં અચાનક ભિષણ આગ ભભૂકી ઉઠતા પાલિકાનાં બે બંધાએ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.  તંત્રએ આગથી થયેલ નુકશાનની વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે.

ચોરવાડ હોલીડે કેમ્પ બંદરથી બે કિલોમીટરનાં અંતરે દરિયાકિનારા નજીક જુજારપુર ગામ તરફ જવાના માર્ગે આવેલા સરૂનાં ગીચ જંગલમાં આજે સાંજનાં ચાર વાગ્યાનાં આસપાસ અચાનક ભિષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.  આ અંગેની જાણ થતા જ ચોરવાડ મ્યુનિસપિલ બરોનો ફાયર બ્રિગેડનો સ્ટાફ બે બંબા સાથે સ્થળ પર દોડી ગયેલ અને સતત પાણીનો મારો ચલાવતા ત્રણ કલાકે આગ કાબુમાં આવી હતી.

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આ ગીચ જંગલ અને રાત્રિનો સમય થઇ ગયો હોવાથી તેમજ આગને કારણે ધુમાડાનાં ગોટે ગોટા નિકળી રહયા હોય જંગલની અંદર જઇ શકાયેલ નહીં હોવાથી કેટલું નુકસાન થયું છે તેની કોઇ વિગતો હાલ જાણવા મળી નથી.  આ આગ કેવી રીતે લાગી ? અને કેટલું નુકસાન થવા પામ્યું છે એ અંગે વન વિભાગ, પાલિકા અને તંત્રએ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

દીપડાએ ૪ વર્ષની બાળા પર મારી તરાપ, શરીર પર ભર્યા બચકાં.


Bhaskar News, Juangadh | Jan 08, 2013, 00:24AM IST
- આણંદપુરની સીમમાં શ્રમિક પરિવાર નિદ્રાધીન થતાંજ દીપડો આવી ચઢ્યો

જૂનાગઢ તાલુકાનાં આણંદપુર ગામની સીમમાં દીપડાએ એક ૪વર્ષની બાળા પર તરાપ મારી તેને બચકાં ભરી લેતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાઇ હતી. બાળાનાં પિતાએ દીપડાને ઝાપટ મારતાં તે નાસી ગયો હતો.

પ્રાપ્તવીગતો મુજબ, જૂનાગઢ તાલુકાનાં આણંદપુર ગામે સીમ વિસ્તારમાં ડેમ પાસે ભૂપતભાઇ વાઘેલા નામનાં નાથબાવાનો પરિવાર રહે છે. અને મજૂરી કરી પેટિયું રળે છે. આ પરિવાર આજે સાંજે મજૂરી કામેથી આવ્યા બાદ ભોજન કરી બાદમાં વાતો કરતો હતો. વાતો કરતી વખતે જ ભૂપતભાઇ, તેમનો પુત્ર અને પત્ની નિદ્રાધીન થયા હતા. હજુ ગાઢ ઉંઘમાં સરી પડે એ પહેલાંજ જંગલમાંથી આવી ચઢેલા એક દીપડાએ તેમની ૪ વર્ષની પુત્રી વર્ષા ઉપર તરાપ મારી હતી.

ચૂપકિદીથી આવેલા દીપડાનો જરાય અવાજ નહોતો આવ્યો. પરંતુ હુમલો થતાંજ વર્ષા હેબતાઇ ગઇ હતી. અને રડવા લાગી હતી. દીપડાએ વર્ષાનાં માથામાં બચકું ભર્યું. પરંતુ એ તેને પકડી ન શક્યો. આથી તેના હાથ, વાંસામાં બચકાં ભર્યા એટલી વારમાં ભૂપતભાઇ સહિતનો પરિવાર જાગી ગયો. ભૂપતભાઇએ દીપડાને ઝાપટ મારતાં દીપડાએ વર્ષાને મૂકી દીધી હતી. અને બાદમાં તે જંગલ તરફ નાસી છુટ્યો હતો.

બનાવને પગલે ૧૦૮ ને જાણ કરાતાં ૧૦૮ તાકીદે આણંદપુર પહોંચી હતી. અને વર્ષાને સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલે લાવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં વનવિભાગનાં આરએફઓ મારૂ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે જવા રવાના થઇ ચૂકયો છે. દીપડાની રંજાડને લીધે આ વિસ્તારનાં ખેડૂતો ફફડી ઉઠ્યા છે.

- માછલી રંધાતી હોય ત્યાં દીપડો આસાનીથી પહોંચી જાય

દીપડાનાં આંટાફેરા અંગે આરએફઓ મારુએ જણાવ્યું હતું કે, માછલી જ્યાં રંધાતી હોય એ ઝૂંપડા અને દંગાઓ તરફ દીપડા તેની ગંધને આધારે પહોંચી જાય છે. વળી ઝૂંપડા કાચા અને બારી દરવાજા ખુલ્લા જુએ તો માનવી પર હુમલો કરી બેસે. તેમાંયે જો બાળકો સૂતા હોય તો દીપડા જેવા હિંસક પ્રાણીઓ તેને પહેલાં નિશાન બનાવે છે. જેથી આવા શિકારને તેઓ આસાનીથી ઉઠાવી જઇ શકે.

- ૩ દિ’ પેલાં એક દીપડો ઝડપાયો ‘તો

આણંદપુર પાસેથીજ હજુ એક દીપડાને વનવિભાગને ગામલોકોની માંગણીનાં આધારે પાંજરે પૂરી દૂર છોડી મૂક્યો હતો. એક દીપડાને પકડ્યોત્યાંજ બીજા દીપડાએ દેખા દેતાં રાત્રે સીમ વિસ્તારમાં પાણી વાળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

જૂનાગઢમાં દેખો ત્યાં ઠાર : ગિરનાર ઠંડો ગાર.


Bhaskar News, Junagadh | Jan 08, 2013, 00:20AM IST
- આખો દી’ સ્વેટર પહેરવું પડે એવી ટાઢ : તાપમાન ૬.૫ ડીગ્રી

શિયાળો અત્યારે પૂર બહારમાં ચાલી રહ્યો છે. ત્યારે ગરવા ગઢ ગિરનાર પર ફરી ન્યુનત્તમ તાપમાનનો પારો ઠારબિંદુની નજીક પહોંચી ચૂકયો છે. આજે જૂનાગઢનું ઓછામાં ઓછું તાપમાન ૬.૫ ડીગ્રી સેિલ્શયસ નોંધાયું હતું. લોકો છેલ્લા કેટલાક દિવસોથી એકધારી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

જૂનાગઢ કૃષિ યુનિ.નાં હવામાન વિભાગ દ્વારા આજે નોંધાયેલું શહેરનું મહત્તમ તાપમાન ૨૭.૫ ડીગ્રી, લઘુત્તમ તાપમાન ૬.૫, હવામાં ભેજ સવારે ૭૨ ટકા અને બપોરે ૧૪ ટકા તેમજ દિવસભર પવનની સરેરાશ ઝડપ ૪.૧ કિમી/કલાક રહી હતી. હવામાં ભેજનું પ્રમાણ ગણત્રીનાં કલાકોમાં જ ૫૮ ટકા જેટલું ઘટી જતાં ટાઢનું પ્રમાણ પણ બપોરે એકાએક વધ્યું હતું. પવનની ઝડપમાં પણ વધઘટ રહેતાં તેને લીધે પણ ઠંડીનો અનુભવ સારો એવો થયો હતો.

જૂનાગઢ શહેરમાં હોય તેના કરતાં ભવનાથ વિસ્તારમાં ઠંડી વધુ હોય છે. અને ગિરનાર પર્વત પર એથીયે વધુ ઠંડીનો અનુભવ થયો હોય છે. પર્વતની ઉંચાઇએ તો જૂનાગઢ શહેરમાં હોય તેના કરતાં લગભગ પાંચ થી છ ડીગ્રી  તાપમાન નીચું હોય છે. ગિરનાર પર તો યાત્રાળુઓએ દિવસભર ગરમ કપડાંજ નહીં, ટોપી, મફલર, હાથમોજાં સિવાય બહાર નીકળી શકાતું નથી. રાત્રિરોકાણ કરનાર યાત્રાળુઓને તો રાત્રે ઓઢવા માટે ધાબળા ઉપરાંત ગરમ કપડાં પણ પહેરવાં પડતા હોય છે.

પર્વત પર સીડીની આસપાસ ચા-નાસ્તાની દુકાનોએ પેટાવેલા પ્રાયમસ કે  સગડી પાસે પસાર થતા લોકો થોડીવાર માટે ઉભી જવાનું પસંદ કરતા હોય છે. શિયાળામાં લોકોને ભૂખ પણ વધુ લાગતી હોઇ ગિરનાર ચઢતા અને ઉતરતા લોકો નાસ્તા માટે પડાપડી કરે છે. જોકે, ઉતરતી વખતે શરીરમાં ગરમી આવતી હોઇ ઠંડી સહ્ય બને છે ખરી. પરંતુ જ્યાં લોકો થાક ખાવા ઉભા રહે ત્યાં જોરદાર પવન લાગતાં ફરી પાછા હૂ..હૂ..હૂ.. કરતા ઠારનો અનુભવ થઇ રહ્યો છે.

તો પર્વત ચઢતા યાત્રાળુઓને શિયાળાને લીધે એકંદરે સહેલાઇ રહેતી હોય છે. પર્વત પર ટાંકામાંથી પાણી પીનારને દાંત કડકડે એવી ટાઢ લાગે છે. તેમાંયે ગિરનારની સીડી પર જે સ્થળે પર્વતનો પડછાયો પડતો હોય તેઓને સૌથી વધુ ઠંડી અનુભવવી પડે છે. જ્યારે અંબાજી, ગુરૂ દત્તાત્રેય, ગોરખધૂણો, વગેરેની ટોચ પર સૂર્યનો તડકો ‘માણવા’ મળે. અલબત્ત, પવનનું જોર હોઇ ઠંડીતો લાગેજ, પરંતુ સહન થઇ શકે ખરી.

- યાયાવરોનું આગમન : લોકો ટોળે વળ્યા

ઠંડીને પગલે આ વખતે સૌપ્રથમ વખત શહેર મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવરમાં નવી જાતનાં વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું. લાંબી મોટી ચાંચ ધરાવતા અને પાણીમાં તરી રહેલા આ પક્ષીઓને નિહાળવા રસ્તેથી પસાર થતા લોકો થોડીવાર માટે સરોવરની પાળે ઉભા રહી જતા જોવા મળ્યા હતા.

- ઠંડીમાં ‘ચટાકો’

રાત્રિનાં સમયે ફરવા નીકળતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ રાત્રે ખાણીપીણી માટે ખાસ કરીને ગરમા ગરમ ગાંિઠયા, ભજીયાં, અમેરિકન મકાઇ, વગેરે આરોગવા માટે લોકો બહાર નીકળતા હોય છે. અને ઘર માટે ‘પાર્સલ બંધાવી’ પરત જતા રહેતા હોય છે. તો શિયાળામાં સાઉથ ઇન્ડિયન વાનગીઓની માંગ પણ વધી છે.

- ક્યા કેટલી ઠંડી

રાજકોટ        ૯.૦
જામનગર    ૬.૭
જૂનાગઢ       ૬.૫
નલિયા        ૫.૫
અમરેલી      ૧૧.૪
સુ.નગર       ૧૦.૬
પોરબંદર     ૧૦.૮
વેરાવળ       ૧૨.૫
ભાવનગર    ૧૦.૨
ભુજ              ૧૦.૭
દીવ             ૯.૧
વેરાવળ      ૧૨.૫
દ્વારકા          ૧૩.૬

ઊનાનાં હરીએ ૫૭.૪૬ મીનીટમાં કર્યો ગિરનાર સર.

ઊનાનાં હરીએ ૫૭.૪૬ મીનીટમાં કર્યો ગિરનાર સર

Bhaskar News, Junagadh  |  Jan 07, 2013, 00:25AM IST
- ગુલાબી ઠંડીમાં યૌવને પૂર્ણ જોમ અને જુસ્સા સાથે મૂકી પર્વત તરફ દોટ
- સિનીયર બહેનોમાં ગાયત્રી ભેસાણીયાએ મેદાન માયું : જૂનિયર ભાઇઓમાં નરશી બાંભણીયા અને બહેનોમાં લક્ષ્મી સોલંકી પ્રથમ


યુવાધનના જોમ, જુસ્સો અને સાહસિકતાને ઉજાગર કરતી ૨૮ મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહરણ-અવરોહણ સ્પર્ધામાં આજે ગુલાબી ઠંડી વચ્ચે ૮૪૭ સ્પર્ધકોએ ગીરનારને આંબવા દોટ મુકી હતી. ચાર વિભાગોમાં યોજાયેલી આભને આંબતી આ સ્પર્ધામાં ઊનાના કાળાપાણ ગામના હરી મજેઠીયા ૫૭.૪૬ મીનીટમાં ગિરનાર સર કરી સિનીયર ભાઇઓમાં ચેમ્પિયન બન્યો હતો. સિનીયર બહેનોમાં ગાયત્રી ભેસાણીયાએ ૩૯.૨૫ મીનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

જોમ, જુસ્સો અને સાહસનો સમન્વય એટલે ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા. આ સ્પર્ધામાં આજે યુવાધને પોતાની સાહસથી ગિરનારને આંબવા દોટ મૂકી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધાનો સવારે સાત વાગ્યાનાં ટકોરે કલેક્ટર મનિષ ભારદ્વાજ, ડીડીઓ અને ઇન્ચાર્જ કમિશ્નર દિલીપ રાણા, અધિક કલેક્ટર વાઢેર, ભાજપ મહામંત્રી પ્રદીપ ખીમાણી સહિતનાં રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સિનિયર ભાઇઓની પ્રથમ ટુકડીને રવાના કરવામાં આવી હતી.

આજની સ્પર્ધામાં ભાગ લેવા માટે કુલ ૧૦૩૩ સ્પર્ધકોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૮૪૭ સ્પર્ધકો પોતાની કાબેલીયત પુરવાર કરવા પરસેવો પાડ્યો હતો. ભારે રોમાંચ સાથે શરૂ થયેલી આ સ્પર્ધામાં નવ વાગ્યાનાં અરસામાં બહેનો પણ જોડાઇ હતી. અબળા ગણાતી નારીની વાતને ભૂલી જવાય તેવુ કૌવત આ સ્પર્ધામાં ભાગ લેતી યુવતિઓએ બતાવ્યુ હતુ.

ચાર ભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર ભાઇઓમાં ઊનાનાં કાળાપાણ ગામનાં હરી ગોવિંદભાઇ મજેઠીયાએ માત્ર ૫૭.૪૬ મીનીટમાં જ અંબાજી સુધીનું અંતર કાપી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે સિનિયર બહેનોમાં ભેંસાણની ગાયત્રી રમેશભાઇ ભેસાણીયાએ ૩૯.૨૫ મીનીટમાં ૨૨૦૦ પગથીયાનું અંતર પાર કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. તેમજ જૂનિયર ભાઇઓમાં ઊનાનાં લામધાર ગામનાં નરશી રામભાઇ બાંભણીયાએ ૬૧.૧૫ મીનીટમાં અંબાજી સુધીનું અંતર કાપી પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે જૂનિયર બહેનોમાં વેરાવળની લક્ષ્મી લક્ષ્મણભાઇ સોલંકીએ ૪૧.૩૭ મીનીટમાં પોતાનું લક્ષ્ય પાર કર્યું હતુ.

ચારેય વિભાગમાં પ્રથમ આવનાર સ્પર્ધકને રાજ્ય સરકાર તરફથી પાંચ હજાર કોર્પોરેશન તરફથી અગિયાર હજાર અને કલેક્ટર કચેરી તરફથી દસ હજારનું રોકડ ઇનામ તેમજ શીલ્ડ- ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં રાજ્યનાં ૧૪ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં કલેક્ટર મનિષ ભારદ્વાજ, ડીડીઓ અને ઇન્ચાર્જ કમશિ્નર દિલીપ રાણા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડે.મેયર ગીરીશ કોટેચા, પ્રદીપ ખીમાણી, કોર્પોરેટર સંજય કોરડીયા, અલ્પાબેન ઉનડકટ, ચંદ્રિકાબેન રાખશીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ગિરનાર સ્પર્ધામાં દરેક ખેલાડીને વિમા કવચ પુરૂ પડાશે.

Bhaskar News, Junagadh | Jan 07, 2013, 00:29AM IST
- અતિકઠીન આરોહણ - અવરોહણ સ્પર્ધા જોખમી છે
ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા માત્ર કઠીન જ નહીં પરંતુ જોખમી પણ છે. ત્યારે આગામી સ્પર્ધામાં દરેક સ્પર્ધકનું વિમા કવચ પુરૂ પાડવામાં આવશે તેમ કલેક્ટર  મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું. જોમ, જૂસ્સો અને સાહસથી ભરેલી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દરેક સ્પર્ધક જીવસચોટની બાજી લગાવી દેતા હોય છે. માત્ર મિનિટોમાં સ્પર્ધા પૂર્ણ કરતા હોય છે.

 ભાગ લેનાર સ્પર્ધક ગિરનાર ઉતરતી વખતે જાણે હવામાં ઉડતા આવતા હોય તેમ જણાય છે. એક મિનિટમાં ૩૦૦ જેટલા પગથીયા સ્પર્ધક ઉતરી જતો હોય છે. નાની એવી ભૂલ પણ સ્પર્ધા માટે જીવનું જોખમ બની રહે તેમ છે. ત્યારે પ્રથમ વખત આ દિશામાં જિલ્લા કલેક્ટર મનિષ ભારદ્વાજે વિચાર કર્યો છે.

આજે ભવનાથનાં મંગલનાથ આશ્રમની જગ્યામાં યોજાયેલા ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનાં વજિેતઓને ઇનામ વિતરણ સમારોહમાં  કલેક્ટર મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ગિરનારની અતિ કઠીન  સ્પર્ધામાં દરેક સ્પર્ધકનું જીવનું જોખમ રહેલું છે. તેને ધ્યાને રાખી આગામી ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનાં દરેક સ્પર્ધકનો સ્પર્ધા દરમિયાન વિમા ઉતારવામાં આવશે.

અષાઢ મહિનામાં પાકતા રાવણા પોષમાં લુમેઝુમે.


Bhaskar News, Amreli | Jan 17, 2013, 02:10AM IST
- વાતાવરણમાં ફેરફારની અસરથી વનસ્પતિ પણ મુક્ત નથી

વાતાવરણમાં ગંભીર પ્રકારના ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર માણસ પર નહી પણ ઝાડ-પાન પર પણ જોવા મળી રહી છે. મધ મીઠા ફળ આપતા ઝાડના ઋતુચક્રમાં પણ ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે રાવણા અષાઢ મહિનામાં પાકે છે. પરંતુ ખાંભાના જુની બારપટોળીમાં પોષ મહિનામાં જ લુમેઝુમે રાવણા પાક્યા છે.

માણસ જાતે વાતાવરણની ઘોર ખોદવામાં કશુ બાકી રાખ્યુ નથી. તેના માઠા પરિણામો પણ માણસ જાત ભોગવી રહી છે. બગડેલા વાતાવરણની અસર તમામ જીવો અને વનસ્પતી પર પણ પડી રહી છે. જેના ફળ સ્વરૂપ કેરી, રાવણા જેવા ફળ આપતા ઝાડ કસમયે પાકી રહ્યા છે. ખાંભાના જુની બારપટોળીમાં જીણાભાઇ ખોડાભાઇ જોતીયાને ત્યાં રાવણાના ઝાડ પર કસમયે ખુબ મોટી સંખ્યામાં ફાલ આવ્યો છે.

સામાન્ય રીતે અષાઢ મહિનામાં રાવણા પાકે છે પરંતુ અહિં પોષ મહિનામાં જ રાવણા પાક્યા છે. આસપાસના બાળકો રાવણા ખાવા માટે દરરોજ તેમની વાડીએ પહોંચી જાય છે. જાણીતા પર્યાવરણવિદ મંગળુભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે વાતાવરણમાં ફેરફારથી ફળ-ઝાડના ઋતુચક્રમાં પણ ફેરફાર થયો છે. જેના પરિણામે આવું બની રહ્યુ છે.

અમરેલીમાં પતંગની દોરીએ પ૦થી વધુ પક્ષીઓને ઘાયલ કર્યા.


અમરેલીમાં પતંગની દોરીએ પ૦થી વધુ પક્ષીઓને ઘાયલ કર્યા

Dilip Raval, Amreli  |  Jan 15, 2013, 13:43PM IST- રાજુલામાં એક કુંજ પક્ષીનું મોત: વિવિધ મંડળોના યુવકો દ્વારા આખો દિવસ સેવા અપાઇ
અમરેલી સહિત જિલ્લામાં ઉતરાયણ પર્વ પર પતંગની દોરીઓથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા. રાજુલામાં ૨૧ ઉપરાંતના પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાંથી એક કુંજ પક્ષીનું મોત થયુ હતુ. તો બાબરામાં પણ વિવિધ મંડળોના યુવકો દ્વારા આખો દિવસ ઘાયલ થયેલા ૨પ થી ૩૦ પક્ષીઓને સારવાર આપી સેવા કરી હતી.
ઉતરાયણ પર્વની જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યુ હતુ. તો બીજી તરફ અનેક પક્ષીઓ પણ પતંગની દોરીઓથી ઘાયલ થયા હતા. રાજુલામાં સર્પ સંરક્ષણ મંડળના સભ્યો દ્વારા ઉતરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને બચાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રાજુલામાં ૨૧ ઉપરાંતના પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં ત્રણ સાઇબેરીયન, એક કુંજ, હડીયા નામના પક્ષીનો સમાવેશ થાય છે. એક કુંજનું મોત થયુ હતુ.
આવી જ રીતે બાબરામાં પણ રોકડીયા યુવક મંડળ, સદ્દભાવના ગ્રુપ સહિ&zથ્ખ્j;તના જુદાજુદા મંડળો દ્વારા ઉતરાયણના દિવસે ઘાયલ પક્ષીઓને બચાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રોકડીયા મંડળના ૧પ થી ૨૦ સભ્યો મોટર સાયકલો લઇને આખો દિવસ શહેરમાં ફર્યા હતા. અને ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી. શહેરના ધારપરા, ધુળીયા પ્લોટમાં વધુ પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ નજરે પડ્યા હતા જે તમામને સારવાર આપી ફરી આકાશમાં વહિરતા કરવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં કુલ પ૦ થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. ઇજા ગ્રસ્ત પક્ષીઓની તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: રાજુ બસીયા, બાબરા અને કનુભાઇ વરૂ, રાજુલા

આકાશમાં જામેલી પતંગની લડાઈમાં સાત પક્ષી ઘાયલ.

Bhaskar News, Rajula | Jan 10, 2013, 01:35AM IST- ઘાયલ પક્ષીની મદદ માટે પક્ષી પ્રેમીઓ દ્વારા હેલ્પ લાઇન શરૂ કરાઇ

ઉતરાયણને હજુ થોડા દિવસની વાર છે ત્યાં જ પતંગપ્રેમીઓએ આકાશમાં પતંગની લડાઇ શરૂ કરી દીધી છે. રાજુલા પંથકમાં દર વર્ષે પતંગની દોરીના કારણે સેંકડો પક્ષીઓ ઘાયલ થાય છે. ત્યારે આજે રાજુલામાં ચાઇનીઝ દોરીથી સાત પક્ષી ઘાયલ થઇ જતા પક્ષીપ્રેમીઓ દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી.

રાજુલા પંથકમાં ઉતરાયણ પર્વ પર દોરીના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે અથવા તો મોતને ભેટે છે. આ સીલસીલો આ વર્ષે પણ ચાલુ રહ્યો છે. ઉતરાયણને થોડા દિવસ આડે છે ત્યાં જ અહિં પક્ષીઓ ઘાયલ થવાની શરૂઆત થઇ ગઇ છે. પતંગ પ્રેમીઓ ચાઇનીઝ દોરી પર વિશેષ પસંદગી ઉતારી રહ્યા છે ત્યારે આ દોરી પક્ષીઓ માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે. રાજુલામાં આજે આકાશમાં ઉડતી પતંગોના કારણે જુદા જુદા સાત પક્ષીઓ ઘાયલ થઇ ગયા હતાં.

જેમાં ચકલી, કબુતર ઉપરાંત પેલીકનનો પણ સમાવેશ થાય છે. અહિંના સર્પ સંરક્ષણ મંડળ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવારનું બીડુ ઝડપવામાં આવ્યુ છે. મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટ અને તેની ટીમ દ્વારા આ સાતેય પક્ષીઓની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કોઇને ઘાયલ પક્ષી નઝરે ચડે તો હેલ્પ લાઇન નં. ૯૮૨૪૨૫૭૦૭૦ અને ૮૧૪૧૪ ૫૭૦૭૦ પર સંપર્ક કરવો. જેથી આ પક્ષીઓને સારવાર આપી શકાય.

- ખાંભામાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવા માગ

ખાંભામાં ગીર નેચર યુથ ક્લબ દ્વારા સ્થાનિક પીએસઆઇને ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કરાવવા માંગ કરાઇ છે. તેમણે જણાવ્યુ  છે કે ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતાં ખાંભામાં આવી દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યુ છે. જેના કારણે પક્ષી ઉપરાંત માણસોને પણ ઇજાની ઘટનાઓ નોંધાઇ રહી છે.

લીલીયાનાં અંટાળીયામાં ૩૮ બગલાનાં મોત.

લીલીયાનાં અંટાળીયામાં ૩૮ બગલાનાં મોત

Bhaskar News, Liliya  |  Jan 07, 2013, 23:34PM IST
- વન વિભાગનો સ્ટાફ દોડ્યો : પક્ષીઓમાં ભેદી રોગચાળાની તપાસ થવી જરૂરી

અમરેલી જિલ્લામાં પાછલા કેટલાક દિવસથી પક્ષીઓમાં ભેદી રોગચાળો ફેલાયો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. વિકટર તથા આસપાસના વિસ્તારમાં રોગચાળામાં મોટી સંખ્યામાં કુંજ સહિતના પક્ષીઓના મોત થયા બાદ અમરેલી તાલુકાના વાંકીયા ગામે એક જ દિવસમાં ૪૦ બગલાના મોત થયાની ઘટના હજુ તાજી છે.

ત્યાં આજે લીલીયા તાલુકાના અંટાળીયા ગામે મંદિરના પ્રાંગણમાં એક સાથે ૩૮ બગલાના રહસ્યમય સંજોગોમાં મોત થતા તંત્ર ચોંકી ઉઠ્યુ છે. અહિં વન વિભાગનો સ્ટાફ વેટરનરી ડોક્ટર સાથે દોડી ગયો હતો અને પક્ષીઓના જરૂરી નમુનાઓ પ્úથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં.

એક સાથે ૩૮ બગલાના ભેદી મોતની આ ઘટના આજે લીલીયા તાલુકાના અંટાળીયા ગામે બની હતી. અંટાળીયા ગામે મંદિરના પ્રાંગણમાં આજે સવારે આ બગલાઓ ટપોટપ મોતને ભેટયા હતાં. મંદિરના સેવકે સવારમાં ઉઠીને જોયુ તો મોટી સંખ્યામાં બગલાઓના મૃતદેહ આમથી તેમ વખિરાયેલા પડ્યા હતાં. જેને પગલે સેવકો પણ આંચકો ખાઇ ગયા હતાં.

અહિં ૩૮ બગલાના એક સાથે મોત થવાથી ગામલોકો દ્વારા તાબડતોબ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે આરએફઓ એ.કે. તુર્ક, સ્થાનીક ફોરેસ્ટર બી.એમ. રાઠોડ, બીટગાર્ડ કે.જી. ગોહિલ, બીપીનભાઇ ત્રિવેદી, બ્લોચભાઇ, અશોકભાઇ ખંખાળ, ફિરોઝભાઇ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

વન વિભાગ દ્વારા વેટરનરી ડોક્ટર એન.આર. વાઢીયાને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતાં. ગામલોકોએ આ બગલાના મોત ભેદી રોગચાળાના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. વન વિભાગ દ્વારા વેટરનરી ડોક્ટરની મદદથી બગલાના મોતનું ચોક્કસ કારણ જાણવા સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યુ હતું.

આ બગલા કોઇ રોગચાળાના કારણે મોતને ભેટયા છે કે ઠંડીના કારણે તે જાણવા જરૂરી નમુનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. એવું પણ કહેવાય છે કે અહિં અન્ય કેટલાક બગલા પણ ઝાડ પરથી નીચે પટકાયા હતાં. જો કે થોડો સમય તડકામાં રહ્યા બાદ આ બગલા ફરી ઉડી ગયા હતાં અમરેલી જીલ્લામાં પાછલા કેટલાક સમયથી પક્ષીઓના મોતનો આ રીતે સીલસીલો ચાલી રહ્યો છે.

જાફરાબાદ તાલુકાના વિકટર તથા આસપાસના વિસ્તારમાં પાછલા દિવસો દરમીયાન મોટી સંખ્યામાં કુંજ અને બાજ સહિતના પક્ષીઓના મોત થયા હતાં. આ ઉપરાંત અમરેલી તાલુકાના વાંકીયા ગામે પણ બે દિવસ પહેલા એક સાથે ૪૦ બગલા મોતને ભેટયા હતાં. અહિં પાછલા એક સપ્તાહથી દરરોજ બગલાઓ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે જ લીલીયાના અંટાળીયામાં પણ આવી જ ઘટના બનતા પક્ષીઓમાં કોઇ રોગચાળો છે કે કેમ તે દિશામાં ઉંડી તપાસ થવી જરૂરી છે.

- બગલાના મોત ઠંડીથી થયાની શક્યતા-વેટરનરી ડોક્ટર

દરમીયાન આ ઘટના અંગે લીલીયાના વેટરનરી ડોક્ટર એન.આર. વાઢીયાએ જણાવ્યુ હતું કે પ્રાથમીક દ્રષ્ટિએ આ તમામ બગલાનું મોત ઠંડીમાં ઠુઠવાઇ જવાના કારણે થયાનું જણાઇ રહ્યુ છે. આમ છતાં આ પક્ષીઓના મોતનું સાચુ કારણ લેબોરેટરીના રીપોર્ટ બાદ જ કહી શકાશે.

વિક્ટરમાં ત્રણ ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા.


Bhaskar News, Victor | Jan 05, 2013, 00:52AM IST
અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ ૬૬ પક્ષીના મૃતદેહ મળી આવ્યા છે : પક્ષીઓના મોત કયાં કારણોસર થઇ રહ્યાં છે તે અંગેનો વનવિભાગનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી
 
રાજુલા તાલુકાના વિકટર ગામે ખારા વિસ્તારમાંથી આજરોજ ત્રણ વિદેશી પક્ષી ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રકૃતિપ્રેમીઓએ આ અંગે વનવિભાગને જાણ કરી છે. આ વિસ્તારમાં શિયાળો ગાળવા માટે વિદેશથી ફલેમીંગો, પેલીકન, કુંજ સહિ‌તના પક્ષીઓ આવે છે. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કુલ ૬૬ ઉપરાંતના પક્ષીઓના મૃતદેહ મળી ચુક્યા છે.
 
વિકટર, ચાંચ બંદર, ખેરા, પટવા, કથીવદર સહિ‌તના વિસ્તારોમાં હજારો વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોંચે છે. ત્યારે આ વિસ્તારમાં થોડા દિવસોમાં કુંજ, ફ્લેમિંગો, પેલીકન સહિ‌તના પક્ષીઓના મૃતદેહ મળ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૬૬ ઉપરાંતના પક્ષીઓના મોત નિપજયા છે. આ વિસ્તારની વનવિભાગના અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી.
 
આ પક્ષીઓના મોત કેવી રીતે થયા તે અંગેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી ત્યા આજે ફરી વિકટરના ખારા વિસ્તારમાંથી ત્રણ ફલેમીંગો પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા.
 
આ અંગે પ્રકૃતિપ્રેમીઓ મંગાભાઇ ધાપા, પ્રવિણસિંહ ગોહિ‌લ વિગેરેએ વનવિભાગને જાણ કરી છે. આ વિસ્તારમાં હજારો વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ત્યારે વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તેવી પ્રકૃતિપ્રેમીઓએ માંગ કરી છે.

વાંકીયામાં ભેદી રોગચાળાથી ૪૦ બગલાનાં મોત.


Bhaskar News, Amreli | Jan 05, 2013, 00:47AM IST
પાછલા કેટલાક દિવસથી દરરોજ રહસ્યમય સંજોગોમાં બગલાઓ મોતને ભેટે છે
 
એક તરફ જાફરાબાદ પંથકમાં યાયાવર પક્ષીઓના ભેદી સંજોગોમાં મોત થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ અમરેલી તાલુકાના વાંકીયા ગામે ભેદી સંજોગોમાં આજે એક સાથે ૪૦ બગલાના મોત થતા ચકચાર મચી જવા પામી છે. અહિં શીવ મંદિર નજીક આવેલી ઝાડીમાં દરરોજ ટપોટપ બગલાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આ પગલાઓ ક્યાં રોગચાળાનો શિકાર બન્યા છે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.
 
અમરેલી તાલુકાના વાંકીયા ગામે સિધ્ધેશ્વર શીવાલય અને શીતળાઇ મંદિરના પ્રાંગણમાં આવેલા બગીચામાં પાછલા કેટલાક દિવસોથી બગલાઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અહિં દરરોજ બે-પાંચથી લઇ દસ બગલાઓ કોઇ ભેદી રોગચાળામાં મૃત્યુ પામી રહ્યા છે. આજે તો અચાનક જ ૩પ થી ૪૦ જેટલા બગલા મોતને ભેટયા હતાં.
 
ગામના ઘનશ્યામભાઇ પડશાલા અને ચીમનભાઇ પડશાલાએ જણાવ્યુ હતું કે અહિં મંદિરના પ્રાંગણમાં આવેલી ઝાડીઓ ઉપર ખુબ મોટી સંખ્યામાં બગલાની વસાહતો છે. સાંજ પડતા જ મોટી સંખ્યામાં માળાઓમાં બગલા ઉતરી આવે છે અને સવારે ફરી ઉડી જાય છે. પરંતુ પાછલા કેટલાક દિવસોથી દરરોજ બગલાઓ મોતને ભેટે છે. આજે એક સાથે ૩પ થી ૪૦ જેટલા બગલા કોઇ ભેદી રોગનો ભોગ બની ઝાડ પરથી નીચે પટકાયા હતાં અને મોતને ભેટયા હતાં.
 
દોઢ માસ પહેલા પણ અહિં દસેક દિવસ સુધી આ સીલસીલો ચાલ્યો હતો. પરંતુ અચાનક બગલા મરતા બંધ થઇ ગયા હતાં. પણ હવે આ સીલસીલો ફરી શરુ થયો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા પક્ષીઓમાં ક્યાં પ્રકારનો રોગચાળો ફેલાયો છે તે દિશામાં તપાસ થવી જરૂરી છે.

ગીરકાંઠાના વિસ્તારમાં વધતો જંગલી મધમાખીનો ઉપદ્રવ.


Bhaskar News, Amreli | Jan 03, 2013, 01:19AM ISTએક દાયકા પહેલા જંગલી મધમાખીના મધપુડાઓ આટલી મોટી સંખ્યામાં ન હતા

આજથી એક દાયકા પહેલા અમરેલી જીલ્લામાં જંગલી મધમાખીઓની ઉપદ્રવ ભાગ્યે જ જોવા મળતો. સામાન્ય રીતે દક્ષીણ ગુજરાતના જંગલમાં જોવા મળતી આ જંગલી માખીઓ હવે ગીર કાંઠા તથા જીલ્લાના અન્ય વિસ્તારમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ મધમાખીઓનું ઝુંડ વાડી ખેતરોમાં કામ કરતા લોકો પર કે રસ્તા પર પસાર થતા લોકો પર બેરહેમીથી તુટી પડે છે. લોકોને મધમાખીના હુમલાથી બચવા દોડાsદોડી કરી મુકવી પડે છે. અનેક કિસ્સામાં માણસનુ મોત પણ થઇ ચુક્યુ છે. વિશાળ કદના મધપુડાઓ હટાવવા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અમરેલી જીલ્લામાં વાડી ખેતરોમાં લોકો કામ કરતા હોય અને અચાનક કયાંકથી ઉડતુ આવેલુ મધમાખીનું ઝુંડ કામ કરતા લોકો પર તુટી પડે અફડાતફડી મચી જાય તે કોઇ નવાઇની વાત રહી નથી. બલકે હવે વાડી ખેતરોમાં કામ કરતા લોકો પણ આવા ઝુંડના આક્રમણ સમયે સાવચેત બની જાય છે. અને મધમાખેઓ હુમલો કરે તે પહેલા જ બચાવ માટે આમથી તેમ દોડી જાય છે.

અમરેલી જીલ્લામાં અને ખાસ કરીને ગીર કાંઠાના ગામોનું વાતાવરણ આ મધમાખીઓને ભારે અનુકુળ આવી ગયું છે. મોટામોટા મધપુડાઓ બનાવીને હજારોની સંખ્યામાં એક સાથે રહેતી આ પ્રકારની મધમાખીઓ અગાઉ આ વિસ્તારમાં જોવા મળતી ન હતી. પરંતુ પાછલા એક દાયકાથી જ તેનો વિશેષ ઉપદ્રવ શરૂ થયો છે. ખાસ કરીને ધારી, ખાંભા, રજુલા જાફરાબાદ જેવા ગીર કાંઠાના તાલુકાઓમાં તેનો ઉપદ્રવ વિશેષ જોવા મળે છે. આ ઉપરાંત બાબરા તાલુકામાં પણ મધમાખીના હુમલાઓની ઘટના વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.

આ પ્રકારની મોટી મધમાખીઓ સામાન્ય રીતે દક્ષીણ ગુજરાતના જંગલોમાં જોવા મળતી હોવાનું કહેવાય છે. આ મધમાખીઓ ખુબ જ ક્રુરતાથી લોકો પર તુટી પડે છે. વાડી ખેતરમાં કામ કરતા લોકો ખુલ્લી જગ્યામાં હોવાથી ભાગીને દૂર પણ જઇ શકતા નથી. લોકો ભાગે તો પણ આ મધમાખીઓ લોકોનો પીછો કરે છે. અનેક ડંખ મારી ગંભીર રીતે ઘાયલ કરી દે છે. અગાઉ મધમાખીના હુમલાથી બચવા લોકો પાણીના અવેડામાં કુદી પડયા હોય તેવી પણ અનેક ઘટના બની ચુકી છે. અથવા તો શરીર પર કોઇ કપડુ ઢાંકી લેવુ પડે છે. આમ છતાં સંપુર્ણ રીતે તો તેના હુમલાથી બચી શકાતું નથી.

વહીવટી તંત્રની કોઇ મદદ નહી

અમરેલી જીલ્લામાં આવી મધમાખીઓનો જ્યાં પણ ત્રાસ હોય તે વિસ્તારના લોકો મદદ માટે વહીવટી તંત્ર પાસે દોડી જાય છે. પરંતુ તંત્ર દ્વારા તેને કોઇ જ મદદ મળતી નથી. ખાસ કરીને આ પ્રશ્ન મોટાભાગે રેવન્યુ વિસ્તારમાં બનતો હોય વન વિભાગ હાથ ઉંચા કરી દે છે. રેવન્યુ વિસ્તાર વન વિભાગની વિસ્તરણ કચેરીને લાગુ પડતો હોવા છતાં તંત્ર હાથ ઉંચા કરી દઇને લોકોની કદદ કરતું નથી.

રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજો નવા રહેઠાણની શોધમાં.


Bhaskar News, Amreli | Jan 03, 2013, 01:15AM IST
ક્રાંકચ પંથકનાં સાવજોનું એક ગ્રુપ લાઠી-બાબરા અને ચિત્તલ પંથકમાં ચક્કર મારી રહ્યું છે
એક ગ્રુપ જાફરાબાદનાં દરિયાકાંઠાનાં ગામોમાં પહોંચી ગયું છે


અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સાવજોના રહેઠાણ છે. ગીર જંગલ ટુંકુ પડતા જંગલ બહાર નીકળી ગયેલા સાવજો અમરેલી જિલ્લાના જુદાજુદા રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. પરંતુ અહી પણ હવે સાવજોની સંખ્યા વધતી જાય છે ત્યારે કેટલાક સાવજો નવા રહેઠાણની શોધમાં હોવાનુ નજરે પડે છે.

ક્રાંકચ પંથકના સાવજોનું એક ગ્રુપ તાજેતરમાં લાઠી, બાબરા તથા ચિતલ પંથકમાં ચકકર મારી રહ્યું છે. તો એક ગ્રુપ જાફરાબાદના દરિયાકાંઠાના ગામોમાં પહોંચ્યુ છે. એક સાવજ છેક સાવરકુંડલાના પાદર સુધી પહોંચી ગયો છે.

સાવજોને જાણે ગીરનું જંગલ ટુંકુ પડતુ હોય તેમ હવે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. ગીર જંગલની બહાર લીલીયા પંથકના ક્રાંકચના બાવળની કાટના જંગલમાં ૨૮ ઉપરાંતના સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ ઉપરાંત સાવરકુંડલા તેમજ જાફરાબાદના દરિયાકાંઠાળ વિસ્તારોમાં સાવજોએ રહેઠાણો બનાવ્યા છે. હાલમાં રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોએ પણ નવા રહેઠાણોની શોધ આદરી છે.

થોડા દિવસ પહેલા ક્રાંકચ પંથકમાં રહેતા અનેક સાવજો લાઠી અને ગઢડા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં નવા રહેઠાણોની શોધમાં નીકળ્યા હતા. સાવજો નવા વિસ્તારમાં જતા ત્યાંના લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. આ ઉપરાંત સાવજોએ બાબરા પંથકમાં પણ આંટાફેરા શરૂ કર્યા હોવાનું જાણવા મળેલ છે.

આ સાવજો છેક અમરેલીના પાદરમાં આવેલા ચાંદગઢ ગામની સીમ સુધી આંટાફેરા મારી રહ્યાં હોય લોકો સિંહ દર્શનનો લ્હાવો લઇ રહ્યાં છે. તાજેતરમાં તો એક સાવજ સાવરકુંડલા શહેરમાં આવેલ એક પેટ્રોલપંપ સુધી આવી ગયો હોવાનું કહેવાય રહ્યું છે. જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ વાંઢ ગામ સુધી પણ સાવજો આવી ગયા છે. આમ ગીર જંગલના સાવજોએ રેવન્યુ વિસ્તારમાં નવા રહેઠાણોની શોધ આદરી દીધી છે.

પ્રકૃતિના ખોળે જંગલમાં સિંહણનો સનબાથ.

Bhaskar News, Amreli | Dec 30, 2012, 02:32AM IST
- ઠંડીમાં પ્રાણીઓ કુદરતી સૂઝથી મેળવે છે ગરમાવો

કડકડતી ટાઢ પડતી હોય ટાઢોબોળ પવન શરીર સોસરવો નિકળી જતો હોય ત્યારે માણસ પોતાનું શરીર તપાવવા તડકામાં બેસી જાય તેવા દ્રશ્યો તો ગમે ત્યાં નઝરે પડે છે. પરંતુ જંગલના રાજા ગણાતા સાવજને પણ ઠંડીની આ મોસમમાં ગરમાવાની જરૂર પડે છે. મીતીયાળા નજીક એક સિંહણ આજે સવારે સનબાથ લેવા ખુલ્લા ખેતરમાં ગોઠવાઇ ગઇ હતી.

ખુલ્લા વન વગડામાં વસતા પ્રાણીઓ માટે ઠંડીથી બચવા માટે કાંઇ ધાબળાની વ્યવસ્થા હોતી નથી તેઓ ગરમ વસ્ત્રોમાં વિંટળાઇને બેસતા કે નથી તાપણુ કરતા. પરંતુ ઠંડીથી બચવા માટેના ઉપાયો અંગે કુદરતે તેમને અજીબ સુઝ આપી છે. કુદરતની આ સુઝનું અજીબ ઉદાહરણ મીતીયાળામાં એક સિંહણે રજુ કર્યું હતું.

અમરેલી પંથકમાં ઠંડી સતત વધી રહી છે ત્યારે વન વગડાના પ્રાણીઓ પણ સ્વાભાવિક રીતે જ ઠંડીની હડફેટે આવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના અભરામપરા, મીતીયાળા આસપાસ રહેતા સાવજો આ ઠંડીમાં જાણે સુસ્ત બની ગયા છે. આજે સવારે મીતીયાળા નજીક એક ખેતરના શેઢે સિંહણ કુમળા તડકામાં બેસી ગઇ હતી.

આ સિંહણ જાણે સનબાથ લઇ રહી હતી. સિંહણ વાડીમાં બેઠી હોય તે આમ તો સામાન્ય ઘટના હોય ખેડૂતે ધ્યાન આપ્યુ ન હતું. પરંતુ વાડ પાસે બેઠેલી આ સિંહણ જેમ જેમ તડકો ચડતો ગયો તેમ તેમ પોતાની બેઠક ફેરવી તડકે બેસતી હતી. દિવસ ચડ્યા બાદ શરીરમાં ગરમાવો આવતા જંગલની આ રાણીએ અહિંથી ચાલતી પકડી હતી.

પક્ષીઓના મોત : બેદરકાર વનકર્મી સામે પગલાં લો.

પક્ષીઓના મોત : બેદરકાર વનકર્મી સામે પગલાં લો
Bhaskar News, Amreli, Vikter  |  Dec 29, 2012, 00:20AM IST
- વન વિભાગના સચીવને રજુઆત : વધુ ચાર કુંજના મૃતદેહ મળ્યા

રાજુલાના કથીરવદર અને વિકટરની સીમમાં પાછલા એક પખવાડીયાથી વિદેશી પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા નક્કર પગલા લેવાતા ન હોય જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી છે. તો બીજી તરફ આજે આ વિસ્તારમાં વધુ ચાર કુંજના મૃતદેહ મળી આવ્યા હતાં.

વિદેશી પક્ષીઓના મોત બાબતે ગુજરાત આરટીઆઇ એસો.ના અમરેલી જીલ્લા પ્રમુખ આતાભાઇ વાઘે વન વિભાગના અગ્ર સચીવે પત્ર લખી આ માટે જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે. તેમણે જણાવ્યુ છે કે કથીરવદર અને વિકટર ગામના બંધારામાં પાછલા એક પખવાડીયાથી યાયાવર પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. દાતરડી, વિસળીયા, કથીરવદર, મજાદર, વિકટર, જોલાપર, નીંગાળા, કડીયાળી, ભેરાઇ વગેરે ગામના લોકોએ આ બારામાં વારંવાર તંત્રનું ધ્યાન દોયું છે. પરંતુ વન વિભાગના જવાબદાર કર્મચારીઓ દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. આ અંગે તાકીદે આકરા પગલા લેવાની જરૂર છે.

બીજી તરફ આજે પણ કથીરવદરના બંધારા વિસ્તારમાં અને વિકટરના ખારામાંથી ચાર કુંજના મૃતદેહ મળી આવ્યા હતાં. આ ઉપરાંત બે બિમાર કુંજ પણ મળતા પ્રકૃતપિ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અહિં એક પછી એક પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે અને તંત્ર ભોપાલથી લેબોરેટરીનો રીપોર્ટ આવે તેની રાહમાં બેઠુ છે. જેને કારણે પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ છે. અહિંના પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ દિનેશભાઇ ગોસ્વામી દ્વારા આ બારામાં ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયુ છે.

- અત્યાર સુધીમાં ૬૨ પક્ષીનાં મોત

કથીરવદર તથા વિકટરના બંધારા અને ખારા વિસ્તારમાં પાછલા એક પખવાડીયા દરમીયાન ૫૭ કુંજના મૃતદેહ મળ્યા છે જ્યારે બાજના પાંચ મૃતદેહ મળ્યા હતાં. આમ ૬૨ મૃત પક્ષીઓ મળી આવ્યા છે. આ ઉપરાંત ૧૫થી વધારે બિમાર કુંજ પક્ષીઓ પણ મળતા તેને સારવાર માટે લઇ જવાયા છે.

ભાગ્યે જ નજરે પડતા દુર્લભ પ્રજાતિના ગરૂડે દેખા દીધી.


Bhaskar News, Amreli | Dec 25, 2012, 00:38AM IST
- દરરોજ બે થી ત્રણ સાપ આરોગી જતું આ ગરૂડ ભાગ્યે જ નજરે પડે છે

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામ નજીક લુપ્ત થતી પ્રજાતીનું એક ગરૂડ બિમાર અવસ્થામાં મળી આવતા પ્રકૃતિ પ્રેમીઓએ આ ગરૂડને વીજ વાયર પરથી સલામત રીતે ઉતારી સારવારમાં ખસેડ્યું હતું. આ વિસ્તારમાં આવા ગરૂડ ભાગ્યે જ નઝરે પડે છે. જેવી રીતે સૌરાષ્ટ્રના વિવિધ પ્રદેશોમાંથી ગીધની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી ગઇ છે તેવી જ રીતે ગરૂડ પણ હવે ભાગ્યે જ નઝરે પડે છે.

આજે સાવરકુંડલા તાલુકાના ધજડી ગામ નજીક એક ગરૂડ બિમાર અવસ્થામાં મળી આવ્યુ હતું. સ્થાનિક લોકો આ ગરૂડને સાપ માર ગરૂડ તરીકે ઓળખે છે. બિમાર અવસ્થામાં આ ગરૂડ વજિ કંપનીના તાર પર લટકતુ હતું. અહિં ગરૂડ બિમાર હોવાની જાણ થતા સાવરકુંડલાના પ્રકૃતિપ્રેમી સતિષ પાંડે અને કશિન ત્રિવેદી વગેરેને જાણ કરવામાં આવતા તેઓ ધજડીની સીમમાં દોડી ગયા હતાં અને આ ગરૂડને જીવંત વજિ વાયર પરથી લટકતી હાલતમાં નીચે ઉતારી બચાવી લીધુ હતું.

આ ગરૂડને સારવાર માટે હાલમાં સાવરકુંડલા લઇ જવામાં આવ્યુ છે. આ સાપ માર ગરૂડ દરરોજ બે થી ત્રણ સાપ આરોગી જાય છે. પક્ષીવિદ ચેતનભાઇ વાળાએ જણાવ્યુ હતું કે આ ગરૂડના કારણે સાપની વસતી પર પણ નિયંત્રણ આવે છે. આ ગરૂડને સાજુ કર્યા બાદ ફરી તેના પ્રકૃતિક આવાસમાં મુકત કરી દેવાશે.

બંધારામાંથી વધુ ચાર બિમાર અને એક મૃત કુંજ મળ્યું.


બંધારામાંથી વધુ ચાર બિમાર અને એક મૃત કુંજ મળ્યું

Bhaskar News, Viktar  |  Dec 25, 2012, 00:29AM IST
- પ્રકૃતપ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ

વિકટરના કથીવદરના બંધારામાંથી આજે ચાર કુંજ પક્ષીઓ બિમાર હાલતમાં મળી આવ્યા હતા. તેમજ એક કુંજ મૃતહાલતમાં મળી આવતા તેને પ્રકૃતપ્રેમીઓએ વનવિભાગની કચેરી ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ ૫૩ જેટલા કુંજના મૃતદેહો મળી આવ્યા છે.

કથીવદરના બંધારામાંથી આજે ચાર કુંજ પક્ષીઓ બિમાર હાલતમાં મળી આવ્યા હતા. તેમજ એક પક્ષી મૃત હાલતમાં મળી આવતા પ્રકૃતપિ્રેમી મંગાભાઇ ધાપા, પ્રવિણભાઇ ગોહિલ વગેરેએ કુંજ પક્ષીઓને વનવિભાગની રેંજ કચેરી ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી. વિકટર, ખેરા,પટવા, ચાંચ બંદર સહિતના વિસ્તારોમાં શિયાળો ગાળવા માટે વિદેશથી પેલીકન, ફલેમીંગો, કુંજ સહિતના પક્ષીઓ અહી આવે છે.

અત્યાર સુધીમાં જુદાજુદા વિસ્તારોમાંથી કુલ ૫૩ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. વનવિભાગના અધિકારીઓ દ્વારા પણ આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પક્ષીઓના મોત ક્યાં કારણોસર થયા તે અંગેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યારે વધુ ચાર બિમાર કુંજ અને એક મૃત હાલતમાં મળી આવતા પ્રકૃતપિ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આ વિસ્તારમાં ગીધની સંખ્યા પણ હોય વનવિભાગ દ્વારા ગીધની સુરક્ષા માટે પણ જરૂરી પગલા લેવામાં આવે તે જરૂરી છે.

Friday, January 4, 2013

ચિતલમાં સિંહના આંટા ફેરા.

ગિરના જંગલમાંથી શહેરી વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ

ચિત્તલ, તા. ૩૧: ગિરનો વિસ્તાર પડતો મૂકી વન્ય પ્રાણીઓ શહેર વિસ્તારમાં આવવા લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બાબરા પંથકમાં સિંહ દેખાયાના અહેવાલો બાદ છેલ્લાં બે દિવસમાં ચિત્તલની સીમમાં પણ સિંહ દેખાયા હોવાના અહેવાલો સાપડતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.

આ પહેલા જયાં ગત વર્ષે જે તબીબની વાડીમાં મોટી બખોલ કરવામાં આવી હતી તેમજ તબીબની વાડીએ રહેતા મજૂર આદિવાસીઓએ સિંહ જોયાની વાતને સમથર્ન આપ્યું છે.

સીમમાં આજુબાજુ આવેલ દેસાઇ પરિવારની વાડીમાં પણ ત્રણ સિંહ જોવા મળ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આ ગીરના વનરાજો ચિત્તલ-બાબરા-શેડુભાર, લાઠી તરફ જતી સીમમાં આ સિંહ પરિવાર વિહરી રહ્યાની પણ લોકોમાંથી જાણવા મળે છે. સાચી વિગત જંગલ વિભાગ તપાસ કરે એ પછી બહાર આવે તેમ છે.
http://phulchhab.janmabhoominewspapers.com/article.aspx?site_id=2&news_id=11912

ગીર વિસ્તારમાં દિપડાએ ૯ માસમાં ૧૩ બાળકોનો ભોગ લીધો.

http://phulchhab.janmabhoominewspapers.com/article.aspx?site_id=2&news_id=11913