Wednesday, July 31, 2013

જૂનાગઢમાં ૧ અને ગિરનાર જંગલ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો .


Bhaskar News, Junagadh | Jul 30, 2013, 02:25AM IST
દિવસે ચોમાસું માહોલ વચ્ચે છુટાછવાયાં ઝાપટાં,સાંજે ધીમીધારે અડધો ઇંચ પાણી પડયું
 
છેલ્લા એક પખવાડિયા કરતાં વધુ સમયથી મેઘરાજાનાં મુકામને પગલે સર્જા‍યેલા ચોમાસામાં ક્યારેક દિવસે માત્ર છાંટા પડી જાય છે. તો ક્યારેક ધોધમાર વરસાદ થકી પાણી-પાણી થઇ જાય છે. બાકી રોજબરોજ ધીમી ધારનાં ઝાપટાં દિવસમાં કમસેકમ એક વાર તો પડી જ જાય છે. આજે પણ શહેરમાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે જંગલમાં ૩ થી ૪ ઇંચ વરસાદ થયાનો અંદાજ છે.
 
જૂનાગઢ જિલ્લા ફ્લડ કંટ્રોલમાં આજે સત્તાવાર રીતે ૧પ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ફ્લડ કંટ્રોલનું માપ યંત્ર નથી એવા વિસ્તારોમાં મળી આજે દિવસ દરમ્યાન અંદાજે એકાદ ઇંચ વરસાદ પડી ગયાનો અંદાજ છે. દિવસ દરમ્યાન ધીમી ધારે ઝાપટાં પડયા હતા. એ સિવાય ચોમાસુ માહોલ વચ્ચે વરસાદ અટકી પણ જતો હતો. લોકોનું જનજીવન પરિણામે ધબકતું જ રહ્યું હતું. વરસાદી માહોલને લીધે શહેરમાં જોકે, ઘણાં સ્થળોએ કાદવ કીચડનું સામ્રાજ્ય પથરાયું છે ખરું. એકધારા ભેજવાળા વાતાવરણને લીધે તાવ-શરદીનાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. તો શહેરમાં જ્યાં ત્યાં ખાબોચિયાં પણ જોવા મળે છે. ભેજવાળા વાતાવરણને લીધે રસ્તાઓ પણ તંત્ર રીપેર કરી શકતું નથી.
 
પરિણામે વાહનચાલકોની હાલાકી પણ વધી છે. જોકે, ગત વર્ષે દુકાળ સહન કર્યો હોઇ લોકો હજુયે વધુ વરસાદ આવે એવું જ ઇચ્છે છે. શહેરી વિસ્તાર કરતાં ગિરનારનાં જંગલમાં વધુ વરસાદ થયો હતો. આજે બપોર બાદ જંગલમાં આશરે ચારેક ઇંચ વરસાદ થઇ જતાં શહેરની સોનરખ નદીમાં પુર આવ્યું હતું. જેને જોવા લોકો સક્કર બાગ પાસે આવેલા સોનરખ નદીનાં પુલ ખાતે ઉમટી પડયા હતા. હિ‌લોળા લેતા પાણીને જોઇ લોકો ભારે રોમાંચિત થઇ ઉઠયા હતા.
 
હસ્નાપુર ઓવરફ્લો થવામાં ૭ ફૂટ બાકી
 
જૂનાગઢ શહેર માટે જીવાદોરી સમાન હસ્નાપુર ડેમમાં આ વર્ષે થયેલા વરસાદે સારું એવું પાણી આવ્યું છે. તેની ઉપરવાસનાં જંગલમાં સારો વરસાદ થતાં છેલ્લા ૨૪ કલાકમાં તે ૨ ફૂટ ભરાયો છે. અને હવે ઓવરફ્લો થવામાં ૭ ફૂટ બાકી હોવાનું જાણવા મળ્યું છે. તેની કુલ સપાટી ૩૪ ફૂટની છે. જ્યારે હાલ તેમાં ૨૭.પ૩ ફૂટ પાણીની સપાટી હિ‌લોળા લે છે.

મેટિંગ માટે મદોન્મત બનેલા દીપડાએ બચ્ચાંને મારી નાખ્યું.

Bhaskar News, Savarkundla | Jul 31, 2013, 01:55AM IST
મેટિંગ માટે મદોન્મત બનેલા દીપડાએ બચ્ચાંને મારી નાખ્યું
દીપડી બચ્ચાં સાથે લટાર મારવા નીકળી અને અચાનક દીપડાનો ભેટો થઇ ગયો

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની સીમમાં ગઇરાત્રે એક દિપડી પોતાના છ માસના બચ્ચાને લઇને જઇ રહી હતી ત્યારે અચાનક દિપડાનો સામનો થઇ જતા મેટીંગ માટે અધીરા બનેલા દિપડાએ બચ્ચાને મારી નાખ્યુ હતું.

સવારે દિપડીના બચ્ચાની લાશ મળતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. દિપડી સાથે જઇ રહેલા બચ્ચાને દિપડાએ મારી નાખ્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની સીમમાં મોલડીના કેડે બની હતી. ગામથી બે કીમી દુર આ દિપડી પોતાના છ માસના બચ્ચા સાથે નિકળી હતી. આ સમયે અહિં એક દિપડાનો સામનો થઇ ગયો હતો. દિપડો મેટીંગ માટે અધીરો બનતા તેણે બચ્ચા પર હુમલો કરી દીધો હતો.

દિપડાને જોઇ દિપડી તો નાસી છુટી હતી પરંતુ તેનું બચ્ચુ કેડો ચડી શકયુ ન હતું. જેને પગલે દિપડાએ તેને મારી નાખ્યુ હતું. સવારે અહિંથી દિપડીના બચ્ચાની લાશ મળતા સ્થાનિક આરએફઓ ભારોડીયા, સ્ટાફના રામાણીભાઇ, બાબરીયાભાઇ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને વેટરનરી ડોક્ટર દ્વારા લાશનું પોસ્ટ માર્ટમ કરાયુ હતું. સિંહ-દિપડા જેવા પ્રાણીઓમાં નર દ્વારા આ દ્વારા બચ્ચાને મારી નાખવાની ઘટના અવાર નવાર બનતી હોય છે.

અમરેલી જિલ્લામાં દસ દિવસમાં ચાર દીપડાનાં મોત
માત્ર દસ દિવસમાં દિપડાના મૃત્યુની ચોથી ઘટના બની છે. રાજુલા પંથકમાં બે દિપડા મોતને ભેટયા હતાં. જ્યારે પાંચેક દિવસ પહેલા ધારી તાલુકામાં એક દિપડો મૃત્યુ પામ્યો હતો. આજે આવી ઘટના પીઠવડીની સીમમાં બની હતી.

૧૦ દી’ સુધી સારવાર ન મળતાં સિંહણે તરફડીને દમ તોડયો.


૧૦ દી’ સુધી સારવાર ન મળતાં સિંહણે તરફડીને દમ તોડયો
Bhaskar News, Savarkundla | Jul 31, 2013, 03:35AM IST
- વનતંત્રની ઘોર બેકાળજીએ સિંહણનો જીવ લીધો
- વન્ય પ્રાણીઓના મોતની વધતી ઘટનાઓથી પ્રકૃતિપ્રેમીઓ ચિંતિત


સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. હજુ થોડા દિવસ પહેલા ધારી નજીકથી એક સિંહનો શંકાસ્પદ હાલતાં મૃતદેહ મળી આવ્યાની ઘટના હજુ તાજી છે ત્યાં સાવરકુંડલાના વાશીયાળીની સીમમાં વન વિભાગે ઘોર બેદરકારી દાખવી પાછલા દસેક દિવસથી બિમાર સિંહણની સારવાર ન કરતા આ બિમારી સિંહણને ભરખી ગઇ હતી. સિંહણ મૃત્યુ પામ્યાના ૨૪ કલાક બાદ છેક વન તંત્રને જાણ થઇ હતી.

એક તરફ ગીરના સાવજોને મધ્યપ્રદેશમાં નહી મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાવાઇ રહ્યુ છે તો બીજી તરફ રાજ્યનું વન તંત્ર આ સાવજોની કાળજી લેવામાં બેદરકાર સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા સાવજોની રક્ષા માટે મસ મોટો સ્ટાફ ખડકી દેવાયો છે. દરેક સાવજ પર સતત દેખરેખ રહે તે માટે કર્મચારીઓ પાછળ લઇલુંટ ખર્ચો થઇ રહ્યો છે. પરંતુ કામચોર કર્મચારીઓ કામ કરતા નથી. જેના કારણે આજે એક સિંહણનો ભોગ લેવાયો હતો.

વાશીયાળીની વીડીમાં એક ડુંગરા પર પાછલા દસેક દિવસથી સિંહણ બિમાર હતી. જે આજે બિમારીના કારણે મોતને ભેટી હતી. આ વિસ્તારના માલધારીઓ માલઢોર ચરાવતા હોય ત્યારે આ સિંહણ ડુંગરા પર નઝરે ચડતી હતી. વળી લાંબા સમયથી બિમારીના કારણે તે એક જ સ્થળે પડી રહી હતી. છતાં વન વિભાગના ધ્યાને તે આવ્યુ ન હતું. જેના કારણે તેને સમયસર સારવાર મળી શકી ન હતી. અને આખરે તે મોતને ભેટી હતી.સવારે વન વિભાગને નાની વડાળ વીડીમાં સિંહણનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે દોડી ગયા હતાં. પોસ્ટ માર્ટમ દરમીયાન પ્રથમ દ્રષ્ટિએ બિમારીના કારણે મોત થયાનું જણાયુ હતું. જયારે સિંહણના મૃત્યુના બનાવથી પ્રકૃતિપ્રેમીઓ ચિંતીત બન્યા છે.

Monday, July 29, 2013

વન્ય પ્રાણીઓના મોત બદલ ખેડૂતોને હેરાન કરાતા અજૂઆત.

ગીર - સોમનાથ જિલ્લો સ્વાતંત્ર્ય દિને જ : આજે આવેદનપત્ર અપાશે.

Bhaskar News,Veraval | Jul 29, 2013, 01:37AM IST
- વેરાવળની વિવિધ સંસ્થાઓ અને વેપારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને થશે રજૂઆત
- સાગરખેડૂ સંમેલનમાં રચનાની ઘોષણા પછી કાર્યવંત કરવામાં વિલંબ કેમ ?


નવનિર્મીત ગીર-સોમનાથ જિલ્લાને આગામી તા.૧પ મી સ્વાતંત્રય દિને કાર્યરત કરવામાં આવે અને આ અંગેની કાર્યવાહી ઝડપી હાથ ધરવામાં આવે તે માટે વેરાવળની જુદી-જુદી સંસ્થાઓ તેમજ વેપારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર આવતીકાલે નાયબ કલેકટરને સુપ્રત કરનાર છે. ઉલ્લેખનીય એ છે કે, ૧૧ માસ પૂર્વે ખૂદ મુખ્યમંત્રીએ સાગરખેડૂ સંમેલનમાં ગીર-સોમનાથ જિલ્લાની રચનાની જાહેરાત કરી પ્રજાસત્તાક પર્વે આ જિલ્લો કાર્યરત થશે એવી વાત કરી હતી. પરંતુ પ્રજાસત્તાક પર્વે આમ ન થતા હવે આગામી સ્વાતંત્ર્ય દિને વેરાવળ સહિ‌ત સમાવષ્ટિ તાલુકાઓની માંગ ઉઠી છે. આ મુદ્દે આવતીકાલે વેરાવળ સ્થાનિક વેપારી અગ્રણીઓ સહિ‌ત સંસ્થાઓ નાયબ કલેકટરને આવેદન આપનાર છે.

અગીયાર માસ પૂર્વે મુખ્યમંત્રી દ્વારા નવનિર્મી‍ત ગીર-સોમનાથ જિલ્લાની રચના અંગે ધોષણા કરાયેલ અને ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને ગીર-સોમનાથ જિલ્લાને કાર્યરત કરવાની વાતો થયેલ. પરંતુ અમલવારી થયેલ નહી અને યેનકેન કારણોસર જિલ્લાને કાર્યવંત કરવામાં વિલંબ થઇ રહેલ હોય ત્યારે આગામી તા.૧પ મીના સ્વાતંત્રય દિને ફરી એકવાર જિલ્લાને કાર્યરત કરવા અંગેની ચર્ચાઓ સાથે ચોક્કસ અમલવારી થાય અને જિલ્લો કાર્યવંત બને તે સંદર્ભે વેરાવળની સામાજિક સેવાકીય સંસ્થાઓ ઉપરાંત વેપારી મંડળો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર બપોરે ત્રણ કલાકે નાયબ કલેકટરને સુપ્રત કરનાર છે. જેથી આ કાર્યવાહીમાં શહેરના દરેક નાગરીકો, સંસ્થાના હોદ્દેદારોને જોડાવવા જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

કાર્યવંત નહીં થાય તો આમરણાંત : ચિમનભાઈની ચિમકી

વેરાવળ સોરઠ ચેમ્બર ઓફ કોમર્સનાં અગ્રણી ચિમનભાઈ અઢીયાએ આવતીકાલનાં આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં સામૂહિ‌ક સંસ્થાઓ જોડાઈ તેવી અપિલ સાથે કહ્યું છે કે, સ્વાતંત્ર્ય દિને ગીર-સોમનાથ જિલ્લો કાર્યવંત નહી થાય તો આમણાંત ઉપવાસ કરવાની પણ ચિમકી તેઓએ ચિમકી ઉચ્ચારી છે.

ગિરનાર જંગલમાં કૂતરાં છોડી જવા પ્રકરણમાં ગાંધીનગરની તપાસ.

Bhaskar News, Junagadh | Jul 28, 2013, 02:45AM IST
- વનવિભાગ ક્રાઇમ સેલનાં એસીએફએ સ્થળ તપાસ કરી નિવેદનો લીધા

ગિરનારનાં જંગલમાં થોડા માસ પહેલાં જાંબુડી રાઉન્ડ થાણા પાસે એક સિંહે ગાર્ડ પર હુમલો તેમજ જીપનાં ટાયરમાં બચકાં ભરવા જેવું વિચિત્ર વર્તન કરતાં તેને હડકવા થયાની આશંકા જાગી હતી. દરમિયાન થોડા વખત પહેલાં ગિરનારનાં જંગલમાં કોઇ કૂતરાં અને માંસ મૂકી ગયાની ચર્ચાએ જોર પકડયું હતું. આ પ્રકરણમાં ગાંધીનગરની તપાસ આવી છે.

જાણવા મળ્યા મુજબ, ગિરનાર જંગલનાં જાંબુડી રાઉન્ડ થાણા પાસે થોડા વખત પહેલાં એક સિંહે હડકવા થયો હોય એવું વર્તન વિચિત્ર વર્તન કરી ફોરેસ્ટ ગાર્ડ સહિ‌તનાં લોકો પર હુમલો કર્યો હતો. જોકે, બાદમાં તેને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. પરંતુ એ દરમ્યાન ગિરનારની ઉત્તર ડુંગર રેન્જમાં પાટવડ કોઠા વિસ્તારમાં બનાવનાં થોડા દિવસો પહેલાં કોઇ કૂતરાં છોડી ગયાની અને સાથે માંસ પણ મૂકી ગયાની ચર્ચાએ જોર પકડયું હતું. એ કૂતરાં અથવા માંસ ખાવાને લીધે જ સિંહને હડકવા ઉપડયાની અને તેનું મૃત્યુ થયાની વાતો વ્હેતી થઇ હતી.

દરમ્યાન આ ઘટના અંગે એક પ્રકૃત્તિપ્રેમીએ ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેમાં ગિરનાર જંગલનાં ચોક્કસ વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શો કરાવતા હોવા સાથે જંગલમાં હજારો કૂતરાં અને હજારો કિલો માંસ મૂકી ગયાનો મુદ્દો ઉઠાવાયો હતો. જેના અનુસંધાને ગાંધીનગર સ્થિત વનવિભાગનાં ક્રાઇમ સેલનાં એસીએફ રાવલ જૂનાગઢ આવ્યા હતા. અને તેમણે પાટવડ કોઠા પાસે સ્થળની મુલાકાત લઇ સ્ટાફના નિવેદનો લીધા હતા.

પાણીનાં સંરક્ષણથી માનવજાત, જીવિસૃષ્ટનું પોષણ.


Bhaskar News, Talala | Jul 28, 2013, 02:41AM IST
- ગીરની પ્રાકૃતિક રચના એવી છે કે ભૂગર્ભ અને સપાટીનું જળ ઝડપથી સમુદ્રમાં વેડફાઇજાય છે
- પાણીનો મહત્તમ ઉપયોગ કરતા શીખવાનું સંશોધનનું મહત્વનું પાસુ


માનવજાત, પ્રાણીઓ અને વનસ્પતીઓનાં જીવંત રરહેવા માટે પાણીની ગુણવતા ખુબ જ મહત્વની બાબત છે. ગીરમાં વન્યસૃષ્ટીની વિવિધ બાબતોનું સંશોધન કરી રહેલા બે સંશોધકો ડો.ચિંતન પાઠક અને ડો.શમશાદ આલમે ગીરના ભૌગલિક કુદરતી સ્થિતી અને આ વિસ્તારમાં પાણીની સ્થિતી અંગે અભ્યાસ કર્યા બાદ એક સચોટ અંદાજ રજૂ કર્યો છે તે અંદાજ મુજબ ગીરમાં પાણીનું સંરક્ષણ થાય તો આવનારી પેઢી માટે ભૂર્ગભ જળની મુલ્યવાન સંપતિ જાળવી શકાશે. સંશોધકો જણાવે છે કે, આપણુ રાજ્ય ગુજરાત એક સુકો પ્રદેશ છે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતી પાણી બાબતે થોડી વધારે ગંભીર છે.

જો પાણીનો મહત્તમ ઉપયોગ કરતા શીખવું હોય તો કચ્છની મુલાકાત લેવી પડે સૌરાષ્ટ્રમાં એક ઉદાહરણ છે કેમ કે જે વિવિધતા જાળવી રાખવા માટે આપણા જંગલખાતા તરફથી થયેલા પ્રયાસોનાં ભાગરૂપે બારેમાસ વહેતી સાત નદીઓ ગીરનાં જંગલમાંથી વહે છે. ગીર રાષ્ટ્રીય ઉઘાન અને ગીર અભ્યારણ્ય એક ખૂબ જ સંવેદનશીલ રહેઠાણ છે જે આપણી પૃથ્વી ઉપરનું એક મહત્વનું ફેફસારૂપ કાર્ય કરે છે અને પ્રદુશાષકોને શોષીને વૈશ્વિક વાતાવરણીય ફેરફારો, વૈશ્વિક ઉષ્ણતામાનનાં ફેરફારને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

ગીરનું કુલ મળી ૭ નદી દ્વારા સિંચન થાય છે. હિ‌રણ, ઘાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, ધોળાવડી, રાવલ અને શેત્રુંજી આ સાથે ચાર મોટા ડેમો પણ ગીરમાં આવેલા છે. કમલેશ્વર, શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ અનેક નાના ઝરણાઓ પણ છુટા છવાયા વિસ્તારોમાં વહે છે. સુકી ઋતુ દરમિયાન પાણી એક સંકુચિત વિસ્તારોમાં નદીઓ અને ડેમોમાં જ રહી જાય છે. ગીરની પ્રાકૃતિક ભૌગલિક બનાવટ એવી છે કે, ભૂર્ગભ જળ અને સપાટીનું જળ ઝડપથી વહીને સમુદ્રમાં વેડફાય છે. સાથે બદલાતા ખેતીનાં પ્રકારોનાં કારણે ભૂર્ગભ જળનાં વધતા જતા ઉપયોગનાં કારણે ગીરનાં ભૂર્ગભજળને ખુબ જ નુકશાન થઇ રહ્યું છે.

આ પ્રકારનાં જૈવિક વિવિધતાથી ભરપુર વિસ્તાર ગીરનાં પાણી પ્રશ્નને વૈશ્વિક ફેરફારનાં મુદ્દા સાથે સીધી રીતે સાંકળી શકાય છે. આવનારા સમય દરમિયાન આથી વધારે ગંભીર સ્થિતીઓનો સામનો કરવો પડશે. દેશનાં અન્ય સંરક્ષિત જંગલોની જેમ ગીર પણ અનેક પ્રકારનાં પર્યાવરણીય પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. ગીરનાં સ્થાનિક લોકો ગીરની વસનતંત્રનો સીધે સીધો ભાગ છે. છેલ્લા ૧રપ વર્ષથી ગીરની જૈ વિવિધતાનાં સંરક્ષણમાં લોકોએ મોટો ફાળો આપ્યો છે. વન્ય પ્રાણીઓ પાણીનાં સ્ત્રોતનાં આધારે ફેલાયેલા હોય છે.

એ માટે પાણી સંરક્ષણનાં મુદ્દા ચેકડેમ, કોઝવે, કેચમેન્ટ વિસ્તાર, ભૂર્ગભજળનું સિંચન, પાણીનાં પ્રદુષણ નિયંત્રણ પ્રક્રિયાઓ, સ્થાનિક લોકોમાં પાણીનાં સંચય માટેની જાગૃતતાઘ માટીનું ધોવાણ અટકાવવું આ બધા વનવિભાગનાં પ્રયાસોમાં સ્થાનિક લોકો વધુ જવાબદારી નિભાવી પાણીનાં ભૂર્ગભ સ્તરને જાળવી વધારવામાં સહીયારો પ્રયાસ કરે તો ગીરમાં આવનારી પેઢી માટે પાણી રૂપી સંપતિ જળવાશે અને પાણીનાં સંરક્ષણનો હેતુ સિદ્ધ થશે.

સાવજનાં હત્યારાઓ સુધી પહોંચવા વનતંત્રની કવાયત.


Bhaskar News, Visavadar | Jul 27, 2013, 02:17AM IST
બે શંકાસ્પદોની પુછપરછ : ૧ની કોલ ડીટેઇલ કઢાવાઇ : વાહનોનું સઘન ચેકિંગ
 
વિસાવદરનાં ધારી રોડ પર ત્રણ દિવસ પહેલાં મળેલા સિંહનાં મૃતદેહને લઇને વનવિભાગે તેનાં હત્યારા સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહને યુરિયાવાળું પાણી પાઇને મારી નાંખવામાં આવ્યો હોવાથી વનવિભાગે અત્યાર સુધીમાં આ વિસ્તારની આસપાસનાં કુલ મળી પાણીનાં ૪૦ નમુના લીધા છે. અને એક શંકાસ્પદ વ્યક્તિનાં કોલ ડીટેઇલની પણ તપાસ હાથ ધરી છે.
 
વિસાવદરનાં લાલપુર-વેકરીયા રોડ પર ગત તા. ૨૧ જુલાઇની રાત્રે કોઇ રોડની સાઇડે સિંહનો મૃતદેહ ફેંકી ગયું હતું. તેનાં પીએમમાં પેટમાંથી યુરિયાવાળું પાણી નીકળતાં સિંહની હત્યા યુરીયાવાળું પાણી પીવડાવીને કરાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે વનવિભાગે આ વિસ્તારમાં આવેલી વાડીઓનાં પાણીનાં નમુનાઓ એકઠા કર્યા છે. હત્યારાને પકડવા પાંચ ટીમો બનાવાઇ છે. અત્યાર સુધીમાં ૪૦ ખેતરોની તપાસ કરાઇ છે. તો વાડીમાલિકોનાં નિવેદનો પણ લેવાયા છે. જ્યારે એક શંકાસ્પદ વ્યક્તિની કોલડીટેઇલ કઢાવાઇ છે. બે શકમંદોને પુછપરછ માટે પણ બોલાવાયા હતા. જોકે, આરોપીને ફાયદો ન થાય એ માટે વનવિભાગે હજુ કોઇ વીગતો જાહેર કરી નથી.
 
દરમ્યાન મૃતક સિંહનાં ગૃપનાં બાકીનાં ૩ વનરાજો પણ આજ વિસ્તારમાં આંટા મારી રહ્યા હોઇ વનવિભાગે તેઓનાં ફૂટમાર્કનાં આધારે તેમનાં રૂટ અને લોકેશન પણ સતતપણે મેળવી રહ્યા છે. યુરિયાવાળું પાણી આ ત્રણમાંથી એકેય સિંહોએ પીધું હતું કે નહીં, તેની તપાસ પણ કરી હતી. આ ઉપરાંત વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગીરના જંગલ વચ્ચે આવેલો કમલેશ્વર ડેમ ઓવરફ્લો.


ગીરના જંગલ વચ્ચે આવેલો કમલેશ્વર ડેમ ઓવરફ્લો
Bhaskar News, Talala   |  Jul 27, 2013, 02:15AM IST
પ૩ વર્ષમાં ૧૭ મી વાર અને જુલાઇ માસમાં ત્રીજીવાર છલોછલ ભરાયો
 
તાલાલા સહિ‌ત ગીર જંગલની વન્યસૃષ્ટી માટે પીવાનાં પાણીનાં એક માત્ર સ્ત્રોત ગીર જંગલ મધ્યે આવેલ કમલેશ્વર (હીરણ-૧) ડેમ અવિરત પાણીની ધીંગી આવકથી છલકાઇ જતાં ગીર પંથકમાં ખુશી છવાઇ છે. ૧૯૬૦ માં બનેલો આ ડેમ આઝાદી પછીનાં પ્રોજેકટ હેઠળ ગીર જંગલમાં આવેલા ડુંગરાથી ત્રણ સાઇડ કુદરતી રીતે બનેલો ડેમ છે. એક સાઇડ ૧૩૦૦ મીટરનો પાળો બનાવી 'કાઢીયા’ ડીઝાઇનથી બનાવવામાં આવેલ ડેમ છે. ડેમ ઓવરફલો થતાં ગીરજંગલની ખુબસુરતીમાં વધારે સુંદરતા ભળી છે.
 
તાલાલા પંથકનાં પીવાનાં પાણી અને સિંચાઇ માટેનો સ્ત્રોત કે જે ગીર જંગલમાં વિહરતા સિંહો સહિ‌ત વન્ય પ્રાણી અને પક્ષીઓ માટે પીવાનાં પાણીનો મુખ્ય આધાર છે. ગુરૂવારે રાતથી શુક્રવારે સવાર સુધીમાં ડેમમાં પાણીની ધીંગ આવક ચાલુ રહેવા સાથે વધુ ચાર ઇંચ વરસાદ ખાબકતા આજે ડેમ પુરેપૂરો ભરાઇ ગયેલ અને બપોરે ચાર વાગ્યા સુધીમાં ડેમ એક સે.મી. ઓવરફલો થતાં પાણીનાં વહેણનો સુંદર નજારો ગીરનાં જંગલમાં બન્યો છે. તાલાલા પંથકમાં આજસુધીમાં ૮૮૬ મી.મી. વરસાદ પડી ગયો છે.
 
એક હજાર મગરોનું રહેઠાણ
 
સમગ્ર ગુજરાતમાં મગરો માટે મીઠા પાણીનું રહેઠાણ સૌથી મોટુ કમલેશ્વર ડેમ છે આ ડેમમાં અંદાજે એક હજારથી વધુ મગરો વસવાટ કરે છે અને સિંહો સહિ‌તનાં વન્ય જીવોને પીવાનું પાણી પુરૂ પાડે છે.

લો કરો વાત! દીપડાને અહીં ભૂલાવાય છે દિશા ભાન...

Nimish Thakar, Junagadh   |  Jul 27, 2013, 00:29AM IST



લો કરો વાત! દીપડાને અહીં ભૂલાવાય છે દિશા ભાન...

અનોખી પદ્ધતિ: સાસણનાં રેસ્ક્યુ સેન્ટર ખાતે વનવિભાગ આપે છે દીપડાને મનોવૈજ્ઞાનિક સારવાર
સોરઠ એટલે ગિર અને ગિરનાર જંગલોથી છવાયેલો પ્રદેશ. સિંહ અને દીપડા એટલે અહીંની મુખ્ય વન્ય પ્રજાતિ. બંને પ્રજાતિનાં પ્રાણીઓ લગભગ જંગલની બહારનાં વિસ્તારોમાંજ અવરજવર કરી ત્યાંથી જ ખોરાક મેળવતા હોય છે. સિંહની પ્રકૃતિ બિનજરૂરી હુમલો કરવાની ન હોવાથી તેનાથી ખાસ ફરક પડતો નથી. પરંતુ દીપડો સૌથી વધુ ખતરનાક હોય છે. તેની રંજાડ પણ સૌથી વધુ હોય છે. આથી જ વનવિભાગ તેને એક સ્થળેથી પકડયા બાદ ફરીથી ત્યાં રંજાડ ન કરે એ માટે વૈજ્ઞાનિક છત્તાં 'ઘરેલુ’ નુસ્ખો અપનાવે છે.
લો કરો વાત! દીપડાને અહીં ભૂલાવાય છે દિશા ભાન...
આ અંગે જૂનાગઢ સ્થિત વન્ય પ્રાણી વર્તુળનાં સીએફ આર. એલ. મીના જણાવે છે, સાસણ ખાતે અમે આ માટે ખાસ રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું છે. જેમાં ઘરોમાં અવારનવાર ઘુસી જતા, લાંબા સમયથી એક જ ગામમાં રંજાડ કરતા, શેરડીનાં ખેતરોમાં છુપાઇને અવારનવાર હુમલો કરતા, કુવામાં પડી ગયા બાદ બચાવાયેલા દીપડાને પાંજરે પુરી અહીં લાવવામાં આવે છે.

અહીં તેમનાં માટે ખાસ બનાવાયેલા પાંજરામાં તેનાં પાંજરાને મૂકી દેવાય. આખા પાંજરાને બહારથી લીલી નેટથી ઢાંકી અંધારું કરી દેવાય. દીપડાને અહીં નિયમીતપણે ખોરાક-પાણી અને તેના પાંજરાની સફાઇ કરાય છે.તેના પાંજરાને દર બે દિવસે ફેરવી નંખાય છે.

ટુંકમાં આ ૧૦ દિવસ દરમ્યાન દીપડાને તેને જ્યાંથી લવાયો હોય ત્યાંની દિશાનું ભાન ભૂલાવી દેવાય છે.

અંધારા અને પાંજરાની દિશા અવારનવાર ફેરવવાને લીધે આ શક્ય બને છે. ત્યારબાદ તેને અંધારાની સ્થિતીમાંથી જ જંગલનાં સાવ જુદા જ વિસ્તારમાં લઇ જઇ તેને છોડી મૂકવામાં આવે છે.

આ રીતે તેને દિશાભાન ભૂલાવાય છે. જેથી તે એના એ જ સ્થળે ફરીથી ન પહોંચે.

નર-માદાને સાથે છોડાય છે
  દીપડાને જો એકલો જ જંગલમાં છોડાય તો તે કુદરતી ક્રમ મુજબ માદાને શોધવા માટે પણ કદાચ તે જુદા વિસ્તારમાં જતો રહે. આમ કરતો રોકવા તેની સાથે એક માદાને પણ છોડવામાં આવે છે. આથી બંનેને ફક્ત ખોરાકની જ શોધ કરવાની રહે.

બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!


divyabhaskar.com   |  Jul 26, 2013, 14:32PM IST

બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
બા..અદબ..બા..મુલાયજા..હોશિયાર..

સિંહ એટલે જંગલનો રાજા. રાજા નીકળે ત્યારે પ્રજાએ ઊભા રહી જ જવું પડે. ગીર જંગલનો રાજા એટલે ગીરનો આ પસાર થાય ત્યારે આજે ય લોકો જયાંનાં ત્યાં ઊભા રહી તેને માન આપે છે. વિસાવદરનાં સાસણ જતાં માર્ગ પર પિયાવા ગામ પાસે વનરાજાની આવી જ અદા લોકોને નિહાળવા મળી હતી.- તસવીર: વિપુલ લાલાણી

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠભરમાં મેઘરાજાનાં અપાર હેતથી ગઈકાલ રાતે અને આજે બપોર સુધી અવિરત મેઘધારાથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી.ગીરનારનાં જંગલમાં તો છ થી આઠ ઈચ જેટલો વરસાદ ખાબકયો હતો.જયારે જૂનાગઢ, માળિયા, ઊના, વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, વિસાવદર, માંગરોળ, કેશોદ, તાલાલા સહિતમેઘ મહેર જોવા મળી હતી.
બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
ગીરજંગલમાં છ ઈંચ ખાબક્યો

સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રાા છે. ગીર જંગલ મઘ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રાા છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂકયું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.

ગીરનારની ગોદમાં વહેતું ઝરણું મન મોહી લે છે.
બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
ચોમાસાની ભીની અને મદમાતી ઋતુ

ચોમાસાની ભીની અને મદમાતી ઋતુની આ જ ખૂબી છે કે કોઇને કોરાં રહેવા જ ન દે ! મુગ્ધ કન્યા મનમાં સોનેરી સોણલાં સજાવીને જેમ વહાલમને મળવા દોડે તેવી રીતે મલપતી ચાલે આ જળરાશિ લીલીછમ વનરાજી વરચે પોતાનો મારગ કરી ધરાને ભીંજવવા દોડી રહી છે. આ ખૂબસુરત નજારો ગીર જંગલનો છે. એશિયાટિક સિંહનું હોમગ્રાઉન્ડ એવું ગીર અત્યારે સોળે કળાએ ખીલ્યું છે, અને જાણે શોખીનોને લલચાવે છે કે એકવાર આવી તો જુઓ, અમારો વૈભવ માણી તો જુઓ, સ્વર્ગ પણ અમારી પાસે પાણી ભરે!!!

બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
અષાઢ ઉરચારં, મેઘ મલ્હારં, બની બહાર જલધારં

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા અસલ અષાઢી રંગથી વરસ્યા : જળાશયોમાં નવાં નીર

સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘરાજા અષાઢી વહાલ વરસાવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમેર ખુશી છલકાવા લાગી છે. જામનગર જિલ્લાના જામવાડી પંથકમાં ૧૨ ઇંચ વરસાદ વરસતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. બુધવારની રાત અને ગુરુવાર આખો દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧ થી ૭ ઇંચ સુધી વરસાદ વરસી જતાં ધરતીપુત્રો નાચી ઊઠયા છે. સોરઠમાં તો અનરાધાર વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. ગીરના જંગલમાં સતત ત્રીજા દિવસે ૨ થી ૭ ઇંચ સુધીનો વરસાદ વરસતા ગીરની નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. જળાશયોમાં નવાં નીરની ધીંગી આવક શરૂ થઇ છે. જૂનાગઢ જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભા ગામમાં પણ આભ ફાટયું હોય તેમ મુશળધાર ૭ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો હતો. રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર અને સુરેન્દ્રનગર એ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક ૩ ઇંચ સુધીનો વરસાદ પડતાં પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે.

બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
સોરઠમાં સોનુ વરસે છે

જૂનાગઢમાં ૨૪ કલાકમાં પાચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરમાં ગતરાત્રીથી જ મેઘકૃપા અવિરત રહેતા શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. ગીરના જંગલમાં બે થી  છ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના કાળવા ચોકમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ભેસાણમાં સવા ઇંચ, કેશોદમાં સવા ત્રણ ઇંચ, માળીયા (હા.)માં સવા ચાર ઇંચ અને વેરાવળમાં ૩ ઇંચ મેઘકપા વરસી હતી. જિલ્લામાં સચરાચર વરસાદને પગલે અનેક જળાશયો છલોછલ બન્યા હતા. વિસાવદર પાસેનો આંબાજળ ડેમ ઓવરફલો થયો હતો.હિરણ-૨ ડેમ પણ છલકાયો છે. જયારે વેરાવળ પાટણને પાણી પૂરું પાડતા ઉમરેઠી ડેમના ૭ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
ગીરજંગલમાં છ ઈંચ ખાબક્યો

સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે. ગીર જંગલ મઘ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રહ્યા  છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂકયું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.
બા..અદબ..બા.. મુલાયજા.. હોશિયાર... મહારાજા પધાર રહે હૈ!
સિંહ એટલે જંગલનો રાજા. રાજા નીકળે ત્યારે પ્રજાએ ઊભા રહી જ જવું પડે.

તસવીર: વિપુલ લાલાણી


સોરઠભરમાં સાર્વત્રિક જળબંબોળ.

Bhaskar News, Junagadh   |  Jul 26, 2013, 02:43AM IST
જળાશય, તળાવ, ચેકડેમ નદીનાળા છલકાયા
 
જૂનાગઢ સહિ‌ત સમગ્ર સોરઠભરમાં મેઘરાજાનાં અપાર હેતથી ગઈકાલ રાતે અને આજે બપોર સુધી અવિરત મેઘધારાથી જળબંબોળની સ્થિતિ સર્જા‍ઈ હતી.ગીરનારનાં જંગલમાં તો છ થી આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.જયારે જૂનાગઢ, માળિયા, ઊના, વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, વિસાવદર, માંગરોળ, કેશોદ, તાલાલા સહિ‌તમેઘ મહેર જોવા મળી હતી.
 
વેરાવળમાં રાત્રીનાં વધુ ત્રણ ઈંચ
 
મધરાત્રીથી મુશળાધાર વરસેલ વરસાદથી સવારે છ વાગ્યા સુધીમાં વધુ ત્રણ ઇંચ જેટલુ પાણી વેરાવળ પંથકમાં વરસી પડતા સોમનાથ ટોકીઝ વિસ્તારની ગરીબનવાઝ, કીરમાની, અલીભાઇ, શાહીન કોલોની સહિ‌તના મોટાભાગની સોસાયટીઓમાં બે ફૂટથી વધુ પાણી ભરાય જતાં આ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયેલ હતા. સાથો સાથ શહેરની બજારોમાં પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય બજારો ઉપરાંત ગાંધીચોક રોડ, સટ્ટાબજાર, સ્વામીનારાયણ મંદિર, બ્લડબેંક રોડ, મહિ‌લા મંડળ રોડ, નગરપાલિકા કચેરી રોડ, સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડ સહિ‌ત નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઇ જતાં રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો, રહેવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. બંદર કંટ્રોલના જણાવ્યા પ્રમાણે દરિયાઇ પટીના વિસ્તારમાં આગામી ૪૮ કલાકમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી સાથે સમુદ્ર સામાન્ય કરતા તોફાની બનેલ હોય મોજા ઉંચા ઉછળી રહ્યા છે અને માછીમારોને દરિયો ખેડવાની મનાઇ ફરમાવવામાં આવેલ છે.
 
ઊના પંથકમાં એકથી ચાર ઈંચ
 
ઊના પંથકમાં આજે બીજા દિવસે અવરીત મેઘ સવારી શરૂ રહેતા શહેરમાં દિવસ દરમિયાન ૦ાા ઇંચ પાણી વરસી જતાં મૌસમનો કુલ વરસાદ ૬૧૭ મી.મી. એટલે કે ર૪.૬૮ ઇંચ પાણી વરસી ગયેલ હતું. તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર જેવા કે, જુડવડલીમાં ૪ ઇંચ, ધોકડવા ૩ ઇંચ, ફાટસર ર ઇંચ, સનખડા, ગાંગડા, નાના સમઢીયાળ, ઉંટવાળા, કાણકબરડા, કેસરીયા, ખત્રીવાડા, સામતેર સહિ‌તનાં વિસ્તારમાં ૧ ઇંચ જેટલું પાણી વરસી જતાં ખેડૂતો માટે કાચા સોના સમાન મેઘરાજાએ વાવણીમાં પણ નવુ જીવનદાન આપતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. તેમજ તાલુકાનાં જંગલ વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી ડેમ પર ૩પ એમએમ વરસાદ વસેલ હતા. જ્યારે પાણીની સપાટી ૮.૬૦ આરે પહોંચતા મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. જ્યારે રાવલ ડેમમાં પણ ગઇકાલે જંગલ વિસ્તારમાં પડેલ વ્યાપક વરસાદને પગલે પાણીની આવક વધતા રાવલડેમની વર્તમાન સપાટી ૧૩.પ૦ મીટર પહોંચી છે. આમ લાંબા સમય પછી તાલુકાનાં બંને ડેમોમાં વ્યાપક પ્રમાણમાં પાણી આવતા પાણીની સમસ્યા હલ થવાને આરે હોય તેવું તંત્રમાંથી જાણવા મળી રહ્યું છે. આમ અષાઢીએ અમી વર્ષાએ સમગ્ર પંથક પાણી-પાણી કરી દેતાં કુદરતે માત્ર ૪૮ કલાકમાં ચીત્ર પલટાવી નાંખેલ હોય સમગ્ર પંથકમાં પાણી-પાણી કરી દીધેલ છે.
 
કોડીનારમાં વધુ બે ઈંચ
 
કોડીનાર પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર રહેતા સાંજ સુધીમાં વધુ ર ઇંચ વરસાદ પડી ગયો હતો. મોસમનો કુલ ૭૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ગીર જંગલમાં આવેલ સીંગવડા ડેમ છલકાઇ જતાં તેના ૩ દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવતા કોડીનારની નદીમાં ભારે પૂર આવતાં લોકોનાં ટોળા પૂર જોવા ઉમટયા હતા. છેલ્લા બે વર્ષથી નદીમાં કાંકરા ઉડી રહ્યાં હોય વિપુલ જળરાશી નિહાળી લોકો આનંદીત બની ગયા હતાં. કોડીનારથી પાંચ કિ.મી.દૂર સીંગવડા નદી ઉપર બાંધવામાં આવેલ ડેમ-ર જેનું નામ ભેખેશ્વર ડેમ આપવામાં આવ્યુ છે. આ ત્રીસ ફૂટની સપાટી ધરાવતા ડેમના નવ દરવાજા ખૂલ્લા રખાયા છે. જ્યારે ર૦ ફૂટ ઉપરથી પાણી વહે છે.
 
ગીરજંગલમાં છ ઈંચ ખાબક્યો
 
સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગીર જંગલ મધ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રહ્યા છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂક્યું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.
 
બીલખામાં ચાર ઈંચ
 
બીલખા અને આસપાસનાં ગામોમાં મેઘમહેરથી ૪ ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. રામનાથ મંદિર પાસેથી વહેતી ગુડાજલી નદીમાં ઘોડાપુર આવતાં ભયજનક સપાટીએ વહી હતી.
 
વડાલમાં પાંચ ઈંચ
 
વડાલ અને આસપાસનાં ગામોમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં મોસમનો ૪૨ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો.
 
મેંદરડામાં બે ઈંચ
 
મેંદરડાનાં માલણકા ગામ પાસે આવેલ મધુવંતી ડેમ ભારે વરસાદથી છલકાઇ ગયો હતો. પંથકમાં વધુ બે ઇંચ પાણી પડી ગયું હતું.
 
સ્થળાંતરની ભાખરવડનાં ગ્રામજનોની ના
 
માળિયાહાટીનામાં વધુ ૪ ઇંચ વરસાદ ખાબકી જતાં ભાખરવડ ડેમ ફરી છલકાઇ ગયો હતો. ગામ સુધી પાણી પહોંચી જતાં એસડીએમ મયાત્રા, ટીડીઓ પાણેરી, મામલતદાર ચૌહાણ સહિ‌તનાં અધિકારીઓની ટીમે સ્થળ પર દોડી જઇ હાલ પુરતું સ્થળાંતર કરવા માટે ગ્રામજનોને જણાવેલ પરંતુ વળતર અંગેનાં પડતર પ્રશ્નોને લઇ કોઇપણ કિંમતે સ્થળાંતર માટે તૈયાર થયેલ ન હોવાનું મામલતદાર પાસેથી જાણવા મળ્યું હતું. આ ડેમનું કુલ ૭૩ મીટર ઉંચાઇનાં ડેમનું ૬૮.૯પ મીટર બાંધકામ થયું હોવાનું ડે.ઇજનેર પનારાએ જણાવ્યું હતું. મેઘલ, લાઠોદરીયા નદી અને વોંકળામાં પુર આવતાં સ્ટેશન પ્લોટ, સરદારનગર, માધવનગર, જલારામ મીલ સહિ‌તનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
 
સોરઠની શાળાઓમાં બે દિ’ની રજા
 
જિલ્લામાં તોફાની વરસાદને પગલે અગમચેતીનાં ભાગરૂપે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.૨૬ અને ૨૭ એમ બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કલેકટરે આદેશ કર્યો છે.

સોરઠમાં અષાઢી જલાભિષેક : ૧ થી ૧૦ ઈંચ.

Bhaskar News, Junagadh   |  Jul 25, 2013, 01:24AM ISTતાલાલા પંથકમાં મેઘમહેરથી નદી-નાળા છલકાયા, વેરાવળમાં ૩ ઈંચ, સુત્રાપાડામાં અઢી, કોડીનારમાં બે ઈંચ
સોરઠમાં કેમ્પ કરી રહેલા મેઘરાજાએ આજે દરિયાપટ્ટી અને ગીર વિસ્તારોનો રાઉન્ડ લીધો હોય તેમ વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઊનામાં એક થી ચાર ઈંચ અને ગીર વિસ્તારમાં એકથી અનરાધાર ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન ઉપર પણ અસર સર્જા‍ઈ હતી. જયારે કેટલાક શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
તાલાલા : તાલાલા પંથકમાં આજે સવારથી સાંજ સુધી અવિરત મેઘમહેર ચાલુ રહેતા વધુ પાંચ ઈંચ વરસાદ પડયો હતો. શહેર ઉપરાંત વીરપુર, ધાવા, બોરવાવ, રમળેચી, જેપુર, ગલીયાવડ, ઘુંસીયા, પીપળવા, ગુંદરણ સહિ‌તનાં ગામોમાં ભારે મેઘ મહેર થઈ હતી.

ઊનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
નગડીયામાં સાત, જુડવડલીમાં પાંચ, ખીલાવડમાં ચાર, જરગલીમાં ત્રણ ઈંચ
 
ઊના પંથકમાં મેઘરાજા આજે મનમૂકીને વરસર્યા હોય તેમ એક થી સાત ઈંચ વરસાદથી આ પંથકની ધરતી તૃપ્ત બની હતી. જયારે પંથકનાં નગડીયામાં સાત ઈર઼્ચ વરસાદથી જળબંબોળ જેવી સ્થિતિ સર્જા‍ઈ હતી.
 
ઊના શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ધીમીધારે વરસાદ વરસતો હોય અને મેઘરાજા મનમૂકીને વરસે તેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી. ત્યાં આજે સવારથી જ ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. પરંતુ બપોરનાં ૧ વાગ્યાની આસપાસ વરસાદે જોર પકડયું હતું. અને શહેરમાં સાંજે સાત વાગ્યા સુધીમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સીઝનમાં બીજી વખત ધોધમાર વરસાદ વરસતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ગીરગઢડા રોડ પર માધવબાગ નજીક આનંદબજાર વિસ્તાર સહિ‌તનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 
 
ઊનાનાં ગ્રામ્ય વિસ્તારમાં અવિરત મેઘ સવારી ચાલુ હતી. ગીર જંગલ વિસ્તારમાં આવેલા રાવલ ડેમમાં બપોરથી સાંજ સુધીમાં છ કલાકમાં છ ઈંચ વરસાદથી ડેમમાં એક મીટર જેટલુ પાણી આવ્યું હતું. રાવલ ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. તેમજ મચ્છુન્દ્રી ડેમ પર પણ એક ઇંચ વરસાદ થયો હોઇ ગીર જંગલ વિસ્તારમાં વ્યાપક વરસાદને પગલે તાલુકાનાં નગડીયા ગામનાં સરપંચ નરેશભાઇએ દિવ્ય ભાસ્કરને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, નગડીયા ગામ સાત ઈંચ જેટલો વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાયા છે જયારે ગામ પાસેથી પસાર થતી શાહી નદીમાં ઘોડાપુર આવતા પુલ પરથી ૩ ફૂટ પાણી પસાર થતું હોઇ ગામ હાલ સંપર્ક વિહોણું થઇ ગયું છે. 
 
એ સિવાય તાલુકાનાં જુડવડલીમાં પાંચ, ખીલાવડમાં ચાર, જરગલીમાં ત્રણ, સનખડા, ગાંગડા, મોટા સમઢીયાળા, કાણકબરડા, સામતેર, સનવાવ, સીમાસી, ધોકડવા, મોઠા, કાણકીયા, આંબાવડ, ગુંદાળા જશાધાર સહિ‌તનાં ગ્રામ્ય વિસ્તારમાં બપોરબાદ ૪ ઇંચ જેટલું પાણી પડયું છે. જયારે ગીરગઢડામાં ૧ થી ૧ાા ઇંચ વરસાદ થયો છે. આમ વ્યાપક વરસાદને પગલે તંત્ર પણ ખડેપગે તૈયારી કરી રહ્યું છે. જયારે ઊનામાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં ચાંચકવડ સુધી પાણી આવી ગયું હોઇ વરૂણદેવ અમિવર્ષા વરસાવે તો મચ્છુન્દ્રી નદીમાં પણ પુર આવે તો ઊના શહેર જળબંબોળ થઇ શકે છે.
 
શાહી અને સાંગાવાડી નદીમાં ઘોડાપૂર
 
જંગલમાંથી પસાર થતી શાહી નદીમાં ઘોડાપુર આવતા નગડીયા ગામ જાણે કે સંપર્ક વિહોણ બન્યું હતું.બાબરીયા નજીક આવેલ ભાખા તેમજ થોરડી ગામમાં પણ પ ઇંચ જેટલો વ્યાપક વરસાદ હોય અને ભાખા ગામની સીમમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં પણ ઘોડાપુર આવતા અવિરત પાણીનો પ્રવાહ વહેતો હતો. આમ લાંબા સમય બાદ નદી નાળામાં પાણી ફરતા હોય લોકોમાં પણ આનંદની લાગણી છવાઇ ગયેલ હતી.

એ સિંહની હત્યા જ થઈ હતી: ભારે ખળભળાટ.

Bhaskar News, Junagadh   |  Jul 24, 2013, 04:10AM IST
એ સિંહની હત્યા જ થઈ હતી: ભારે ખળભળાટ
- હત્યા કરી કોઈ મૃતદેહ ફેંકી ગયું
- ઈરાદાપૂર્વક રખાયેલ યુરિયાવાળા પાણીએ ભોગ લીધો
- હત્યા કોણે કરી? તપાસ માટે પાંચ ટીમો બનાવાઇ
- આ પદ્ધતિથી વન્યજીવને મારવાના જૂના આરોપીઓની પણ તપાસ


વિસાવદર રેન્જનાં વિસ્તારમાંથી ગઇકાલે સવારે સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ વનતંત્ર દોડતું થયું છે. ગઇકાલે સ્થાનિક અધિકારીએ અકસ્માતમાં સિંહનું મોત થયાનું રટણ કર્યા બાદ આજે ઉચ્ચ અધિકારીએ સિંહની હત્યા કરીને કોઇ તેનો મૃતદેહ ફેંકી ગયાનું સ્વીકાર્યું છે. હાલ આ હત્યા કોણે કરી તેની તપાસ થઇ રહી છે. વન્યપ્રાણીઓને આ રીતે યુરિયાવાળું પાણી પીવડાવીને મારી નાંખવાનાં જૂના કેસોનાં આરોપીઓની પણ તપાસ થઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વિસાવદરનાં ધારી રોડ પર ગઇકાલે રોડની સાઇડેથી એક પાંચ વર્ષની વયનાં સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ વન્ય પ્રાણી વર્તુળનાં સીએફ આર. એલ. મીના સહિ‌તનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પીએમનાં પ્રાથમિક રીપોર્ટમાં સિંહનું મોત યુરિયાવાળું પાણી પીવાને લીધે થયાનું ખુલ્યા બાદ વિસાવદરનાં આર.એફ.ઓ. એન. એમ. જાડેજાની આગેવાની હેઠળ પાંચ ટુકડીઓ બનાવાઇ છે. અને આ ટીમો આસપાસનાં ખેતરો-વાડીઓની ટાંકીઓ તેમજ અન્ય પાણી સ્ત્રોતોમાંથી નમુના લઇ રહી છે. યુરિયાવાળું પાણી કોણે રાખ્યું છે. તેનાં તરફ તપાસનું કેન્દ્રબિંદુ મંડાયું છે.
એ સિંહની હત્યા જ થઈ હતી: ભારે ખળભળાટ
આ અંગે સીએફ આર. એલ. મીનાએ જણાવ્યું હતું કે, ખેડૂતો સામાન્ય રીતે નિલગાય જેવાં પ્રાણીઓને મારવા માટે યુરિયાવાળું પાણી ભરીને રાખતા હોય છે. આમ કરવું એ ગુનો છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં આ રીતે મૃત્યુ પામેલા વન્ય પ્રાણીઓનાં કિસ્સામાં કોણ સામેલ હતું તેની પણ તપાસ ચાલુ છે. આવા શખ્સો પર પણ નજર રખાઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ટેવવાળા અમુક કુખ્યાત શખ્સો ઓળખાયા છે. જોકે, હજુ સુધી કોઇની અટક કરાઇ નથી. પરંતુ કોઇપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે.

સિંહને વાહનમાં ફેંકી જવાયો
સિંહને યુરિયાવાળું પાણી પીવડાવીને મારી નાંખ્યા બાદ તેને ગાડું કે છકડો જેવા વાહનમાં મૂકીને ઘટનાસ્થળે ફેંકી જવાયાનું પણ સીએફ મીનાએ જણાવ્યું હતું.
સિંહના હત્યારાની વનતંત્રને ગેરમાર્ગે દોરવાની કોશિશ

સીએફ મીનાએ વધુમાં ઉમેર્યું હતું કે, સિંહનાં હત્યારાને એ વાતની કદાચ ખબર હતી કે, ચાર સિંહોનું જૂથ આ વિસ્તારમાં આંટા મારે છે. આથી એ વિસ્તારમાં તેનાં ફૂટમાર્ક પણ સ્વાભાવિકપણે હોય જ. આ સ્થિતીમાં સિંહનાં મૃતદેહને કોઇ ફેંકી ગયાની શંકા ન ઉપજે એ માટે વનવિભાગને ગેરમાર્ગે દોરવાનાં ઇરાદાથી આ ચોક્કસ સ્થળે જ હત્યારા મૃતદેહ ફેંકી ગયા હતા. અને ખરેખર મૃતદેહની આસપાસ સિંહનાં ફૂટમાર્ક પણ જોવા મળ્યા છે. જોકે, એ ફૂટમાર્ક મૃત સિંહનાં જ છે કે કેમ? તેની તપાસ હજુ ચાલુ છે.

સિંહ હત્યારાની નજરમાં જ હતો: મૃતદેહ રાત્રે જ ફેંકી ગયા
સિંહનું મોત હજુ તા. ૨૧ જુલાઇએ જ રાત્રે યુરિયાવાળું પાણી પીને થયા બાદ એ જ રાત્રે તેનો મૃતદેહ વાહનમાં મૂકીને ઘટનાસ્થળે ફેંકી ગયા. અને તા. ૨૨ જુલાઇની સવારે ૬ વાગ્યે વનવિભાગને જાણ થઇ. આથી હત્યારાની નજર સિંહ પર જ હોવાનું અને તેનું મૃત્યુ થયા બાદ વરસાતા વરસાદે તુર્તજ મૃતદેહનો નિકાલ કરી નાંખવામાં આવ્યો છે.

સરકડિયા હનુમાન મંદિરની જગ્યા પચાવી પાડવા કાવાદાવા: ભાવિકો પોલીસના શરણે.

Bhaskar News, Jungadh | Jul 24, 2013, 02:08AM IST
રાઘવદાસબાપુના શિષ્ય હરિદાસ વિરુધ્ધ ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ સહિ‌તના ગ્રામજનો અને ભાવિકોની જૂનાગઢ ડીએસપીને રજૂઆત

ભેંસાણ તાલુકામાં ગીરના જંગલ નજીક આવેલી સરકડિયા હનુમાન મંદિરની જગ્યા પચાવી પાડવા કાવાદાવા શરૂ થયા હોવાના ગંભીર આક્ષેપો ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાવિકોએ કર્યા છે. રામદાસબાપુ ગુરુ મહાવીરદાસબાપુનું નિધન થયા બાદ આ જગ્યા પર હક જમાવવા માટે હરિદાસ નામના સાધુ મેદાને પડયા હોવાની જૂનાગઢ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો અને સેવકોએ ડીએસપીને લેખિતમાં આપેલી અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ખોટી ફરિયાદોના આધારે ભાવિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

સરકડિયા આશ્રમના મહંત રામદાસબાપુનું થોડા દિવસો પહેલાં અવસાન થયું હતું. બાપુના અવસાન બાદ બાપુની અંતિમ ઈચ્છા અનુસાર તુલસીદાસબાપુને આશ્રમનો વહીવટ સેવકોની હાજરીમાં સોંપી દેવામાં આવ્યો હતો. જો કે હરિદાસ નામના એક સાધુ સરકડિયા આશ્રમ ખાતે ગયા હતા. આથી ભાવિકોએ તેમને રોકતા ઝઘડો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટના બાદ હરિદાસબાપુના ગુરુ રાઘવદાસબાપુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આરોપીઓને પકડવાની કાર્યવાહી કરે તે પહેલાં ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ ઉસદડ, ભૂપતભાઈ ડાંગર, મનસુખભાઈ રૂપાલા, મગનભાઈ સાવલિયા, મગનભાઈ કાનજીભાઈ અને ઘનશ્યામભાઈ પટોળિયા સહિ‌તના સેવકો જિલ્લા પોલીસવડા દીપાંકર ત્રિવેદી પાસે દોડી ગયા હતા. અને, રજૂઆત કરી હતી કે, સરકડિયા આશ્રમના મહંત રામદાસબાપુ જયારે હયાત હતા ત્યારે તેઓની ઈચ્છા હતી કે, તેમના શિષ્ય તુલસીદાસબાપુ જ પોતાની ગેરહાજરીમાં અથવા તો પોતાના અવસાન બાદ આશ્રમનું સંચાલન કરે. પરંતુ, હરિદાસબાપુને આ આશ્રમ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં આશ્રમની જગ્યા પચાવી પાડવા માટે ખોટી ફરિયાદો કરી રહ્યા છે. રજૂઆતમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ તટસ્થ તપાસ કરશે તો સાચી વિગત જાણવા મળશે.

૩પ વર્ષ પહેલાં રાઘવદાસબાપુએ વહીવટ સોંપ્યો ’તો

સરકડિયા આશ્રમના સેવકોએ માહિ‌તી આપતા જણાવ્યું હતું કે, આજથી ૩પ વર્ષ પહેલાં રાઘવદાસબાપુએ સરકડિયા આશ્રમનો વહીવટ રામદાસબાપુને સોંપી દીધો હતો અને આ અંગેનું લખાણ પણ કરી આપ્યું હતું. રાઘવદાસબાપુ છેલ્લા ૧૦ વર્ષથી ગોલાધારની જગ્યામાં રહે છે. તેઓને પેરેલિસીસ હોવાથી હાલીચાલી પણ શકતા નથી. જો કે તેઓના શિષ્ય હરિદાસબાપુ સરકડિયા આશ્રમની જગ્યા પચાવી પાડવા ખોટી રીતે પેરવી કરી રહ્યા છે. હરિદાસબાપુ સામે ભૂતકાળમાં જમીન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ થઈ હોવાનું પણ સેવકોએ જણાવ્યું હતું.

નાના લીલિયામાં બે સિંહણે બળદનું મારણ કરી મિજબાની માણી.

નાના લીલિયામાં બે સિંહણે બળદનું મારણ કરી મિજબાની માણી
Bhaskar News, Lilia | Jul 24, 2013, 03:46AM IST
બપોરના સમયે વાડીમાં સિંહણે દેખા દીધાના બનાવથી સીમ વિસ્તારના લોકોમાં ફફડાટ

લીલીયા પંથકમાં સાવજોની વસતિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સાવજો દ્વારા પોતાના પેટની ભુખ ભાંગવા માટે માલધારીઓના ઉપયોગી પશુઓના મારણની ઘટનાઓ પણ વધતી જાય છે. આજે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે બે સિંહણે એક ખેડૂતની વાડીમાં ઘુસી બળદને ફાડી ખાધો હતો.

લીલીયા તાલુકો સાવજનું ઘર બન્યો છે. ત્યારે અહિં વસતા સાવજો અવાર નવાર વાડી ખેતરો કે ગામમાં પણ ઘુસીને પશુનું મારણ કરે છે. ઘણી વાર તો આ સાવજો વંડી કે વાડ ટપીને માલધારીઓના ઘરમાં પણ ઘુસી જાય છે. ક્યારેક વાડી-ખેતરોમાં બાંધેલા ઢોર પર ભુખ્યા સાવજો તુટી પડે છે તો ક્યારેક સીમમાં ચરતા ધણ પર વાર કરે છે. આજે આવી એક ઘટના લીલીયા તાબાના નાના લીલીયા ગામમાં રણજીતભાઇ ધીરૂભાઇ ખુમાણના ગામમાં બની હતી.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરના સમયે રણજીતભાઇ ખુમાણની વાડીમાં બે સિંહણો ઘુસી આવી હતી અને તેમના એક બળદનું મારણ કર્યુ હતું. બનાવની જાણ થતા અહિં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ફોરેસ્ટર બી.એમ. રાઠોડ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને કાર્યવાહી શરૂ કરી હતી.

આઠ ફૂટ લાંબા અજગરને જોવા ઉમટી પડ્યા લોકો.

આઠ ફૂટ લાંબા અજગરને જોવા ઉમટી પડ્યા લોકો

Bhaskar News, Rajula   |  Jul 28, 2013, 05:04AM IST
- વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગના સ્ટાફ દ્વારા અજગરને પકડી પાડી જંગલમા મુકત કરી દેવાયો

રાજુલા તાલુકાના બર્બટાણા અને મોટી ખેરાળી ગામ વચ્ચે આવેલ એક વાડીમાં લીમડાના વૃક્ષ પર એક મહાકાય અજગરે દેખાદેતા ગામ લોકો અને ખેડુતોમાં ભય ફેલાયો હતો. આ અંગે લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને આ મહાકાય અજગરને પકડી જંગલમાં મુકત કરી દેતા લોકોએ રાહત અનુભવી હતી.
રાજુલા પંથકમાં અવારનવાર જમીનમાંથી સરિસૃપો મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે. હાલ ચોમાસાની સિઝનમાં અહી વધુ પ્રમાણમાં સરિસૃપો જમીનમાંથી બહાર નીકળે છે. ત્યારે આજે રાજુલા તાલુકાના બર્બટાણા અને મોટી ખેરાળી ગામ નજીક ગભરૂભાઇ કાનજીભાઇની વાડીમાં લીમડાના એક વૃક્ષ પર મહાકાય અજગર ચડી આવ્યો હતો.
વાડી માલિક ગભરૂભાઇ આ અજગરને જોઇ જતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના ડી.એન.રાઠોડ, નરેશભાઇ પંડયા સહિ‌ત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને ગણતરીની કલાકોમાં આ અજગરને પકડી પાડયો હતો. આ અજગર આઠેક ફુટ જેટલો લાંબો હતો. વાડીમાં અજગરે દેખાદેતા અહી ગામના આગેવાનો ભોળાભાઇ, ભખુભાઇ, રાજુભાઇ, જીલુભાઇ, મેરૂભાઇ, પ્રતાપભાઇ સહિ‌ત ગામ લોકો અહી અજગરને જોવા માટે દોડી આવ્યા હતા. વનવિભાગે આ અજગરને સલામત રીતે પકડી જંગલ વિસ્તારમાં મુકત કરી દેતા લોકોએ રાહત અનુભવી હતી.

અનોખો પશુ પ્રેમ: ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું.


Bhaskar News, Lathi   |  Jul 29, 2013, 06:53AM IST
અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
- સુરતથી સગાંવહાલા અને મિત્રો બે બસમાં દૂધાળા ગામે બારમાની વિધિમાં આવ્યા
- બાળકોને બટુક ભોજન કરાવાયું


વર્તમાન સમયમાં ગાય અને બળદોની કતલો થઇ રહી છે. ત્યારે લાઠી તાબાના ખોબા જેવડા દુધાળા ગામના એક પટેલ ખેડુતે પોતાના બળદનુ મોત થઇ જતા તેમણે બળદનુ બારમુ કર્યુ હતુ. અને ગામને ધુમાડાબંધ જમાડીને પશુ પ્રત્યેના પ્રેમનુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતા અને હાલમાં સુરતમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા રવજીભાઇ શંભુભાઇ રાદડીયા પશુ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે. તેમના આ બળદનો જન્મ તા. ૧૭/૧/૧૯૮૩મા સુરતમાં થયો હતો. રવજીભાઇએ બળદનુ નામ બાદશાહ પાડયુ હતુ. બાદમાં રવજીભાઇ આ બળદને દુધાળા ગામે લાવ્યા હતા.
અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
તેઓના આ બળદનુ બાર દિવસ પહેલા મોત નિપજયુ હતુ. રવજીભાઇએ બળદનુ બારમુ ગોઠવ્યુ હતુ. અને ગામને ધુમાડા બંધ જમાડવાનું આયોજન કર્યુ હતુ. ત્યારે આજે બળદના બારમામાં આખુ ગામ આવ્યુ હતુ. અહી રસોઇમાં ગુંદી, ગાંઠીયા, શાક, દાળભાત સહિ‌તની વાનગીઓ પણ બનાવવામા આવી હતી. લોકોએ રવજીભાઇના આ પશુઓ માટેના પ્રેમને બિરદાવ્યો હતો. આ ઉપરાંત રવજીભાઇએ બાળકો માટે બટુક ભોજનનુ પણ આયોજન કર્યુ હતુ.

આ તકે ડો. જગદીશભાઇ બલ્લર, પોપટભાઇ વશરામભાઇ માણપરા, નાનુભાઇ મિયાણા, વલ્લભભાઇ લાબડીયા, લાભુભાઇ ધોળીયા, ભરતભાઇ લાલજીભાઇ ધોળકીયા, ધીરૂભાઇ વલ્લભભાઇ સહિ‌તના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
બારમામાં ઉપસ્થિત ગામ લોકોએ ખેડૂતના સ્વજન બની ગયેલા બળદને શ્રધ્ધાંજલિ પણ આપી હતી.
અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
બળદને બદામ અને દૂધ ખવડાવવામાં આવતા
રવજીભાઇનો પશુ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેઓ પોતાના બળદને પરિવારના સભ્યની જેમ જ સાચવતા તેઓ બળદને બદામ અને દુધ જેવો પોષ્ટિક આહાર પણ આપતા. જ્યારે પણ બળદ બિમાર પડતો પરિવારજન બિમાર પડી ગયા હોય તેવો ખેડૂતને અહેસાસ થતો હતો.

અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
સગાંવહાલાઓને મેલો મોકલાયો
નાના એવા દુધાળા ગામે રવજીભાઇના બળદનુ મોત નિપજતા તેમણે સગાવહાલાઓને પણ મેલો મોકલ્યો હતો અને તેણે ગોઠવેલા બળદના બારમામાં ગામ સમસ્ત તો ધુમાડાબંધ જમાડવામાં આવ્યુ જ હતુ. તો સાથેસાથે સુરતથી પણ બે બસો ભરાઇને તેના મિત્રો અને સગાવહાલાઓ દુધાળા ગામે આવી પહોંચ્યા હતા.

Tuesday, July 23, 2013

સરકડીયા હનુમાનજી જગ્યાની માલિકી માટે બે જુથ વચ્ચે ડખ્ખો.

Jul 21, 2013
ભેંસાણ : ગીરનાર જંગલની મધ્યે આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસબાપુનું ગઈકાલે નિધન થતા અંતિમયાત્રામાં ગયેલા ગોલાધારની જગ્યાના મહંત રાઘવદાસબાપુને એક સાધુ સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી કાઢી મુકયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.સમગ્ર મામલો જગ્યાની માલિકી અને ગાદિપતિ બનવા માટે બન્યો હોવાનું જાણવા મળે છે.

  • જગ્યાની માલિકી તથા ગાદિપતી બનવા માટે ચકમક ઝરી
ગીરનાર જંગલની મધ્યે આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસબાપુનું ગઈકાલે નિધન થતા તેમની સ્મશાનયાત્રામાં જુનાગઢના ગોલાધાર ગામની સંકટમોચન હનુમાન જગ્યાના મહંત રાઘવદાસબાપુ ગુરુ શત્રુગ્નદાસબાપુ ગયા હતા ત્યારે ત્યા હાજર સરકડીયા હનુમાન
મંદિરની સેવા પુજા કરતા તુલશીદાસબાપુ, કરીયાના ભુપત ડાંગર અને દોલતપરા ના અનિલ વાઘેલા, રાજકોટના જીવણ પટેલ સહિતના લોકોએ રાઘવદાસબાપુ ને અહીં શું કામ આવ્યો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

તાલાલાની કેસર કેરીના આઠ લાખ બોકસનું પ્રોસેસીંગ થયું.


Jul 20, 2013તાલાલા : તાલાલાની કેસર કેરીના દશ કિલોના આઠ લાખ બોકસનું નાના મોટા કેનીંગ પ્લાન્ટમાં પ્રોસેસીંગ કરી સાંઈઠ લાખ કેરીના રસના ટીનનું ઉત્પાદન થતાં કિસાનોને પોતાનો માલ ઘર આંગણે જ નિકાલ કરવા ખુબ જ રાહત મળી છે.
  • રૃ. ૩૬ કરોડના ૬૦ લાખ કેરીના રસના ટીનનું ઉત્પાદન થયું
તાલાલા પંથકના કિસાનોની કેરીના વિપુલ પાકનું ઘર આંગણે જ માર્કેટીંગ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા વર્ષાે જુની માગણી પરિપુર્ણ કરવા કેનીંગ પ્લાનને ગૃહઉદ્યોગ તરીકે માન્યતા આપવા માગણી ઉઠી છે. કેસર કેરીને આબોહવા અનુકુળ હોય ત્યારે સો કરોડથી વધુનો પાક તૈયાર થાય છે. પણ યોગ્ય માર્કેટીંગના અભાવે વેચાણ કરવું કિસાનો માટે કઠીન બનતું હોય રાજય સરકાર દ્વારા અદ્યતન કેસર કેરીનો પ્લાન કાર્યરત કરી કિસાનોની વહારે આવે તેવી માગણી હતી. આખરે ત્રણ વર્ષથી કેરીનું પ્રોસેસીંગ કરવા પ્લાન્ટો શરૃ થતાં કિસાનોને રાહત મળી છે.
ગીરમાં ત્રણ મોટા પ્લાન્ટ દ્વારા કેરીનું પ્રોસેસીંગ થઈ રહ્યું છે. આ વર્ષે એક હજાર બોકસની એક ગાડી એવી ૮૦૦ જેટલી ગાડીનું પ્રોસેસીંગ થયું છે. જેમાંથી એક લીટરના સાંઈઠ લાખ કેરીના રસના ટીનનું ઉત્પાદન થયું છે. વિવિધ કેનીંગ પ્લાનમાં રૃ.૩૬ કરોડનો વિવિધ વજનના પેકીંગમાં ટીનનો જથ્થો ઉપલબ્ધ છે.
કેસર કેરીના પ્રોસેસીંગ ઉદ્યોગને વેગ આપવા માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ અને વેટ અને એકસાઈઝ ડયુટી માફ કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે.

તુલસીશ્યામ મંદિરમાંથી છ મહિના પૂર્વે ચોરાયેલો સોનાનો હાર ગમાણમાં મળ્યો.


  • મંદિરથી એક કિ.મી. દૂર ગૌશાળામાં હાર કોણે રાખ્યો ? અન્ય આભુષણો હજૂ મળ્યા નથી
ઉના :  તૂલસીશ્યામ ખાતે મધ્યગીરમાં આવેલા શ્યામસુંદર ભગવાનની ર્મૂતિ પર ચડાવેલા પાંચ લાખના મુગટ અને સોનાનો હાર છ માસ પહેલા ચોરાયો હતો. કર્મચારીઓની આકરી પુછપરછ છતાં ચોરીનો ભેદ ઉકેલાયો ન હતો. પણ, ગઈ કાલે મંગળવારે ત્યાંની ગૌશાળામાં વાસીદુ કરતા એક કર્મચારીને ચોરી થયેલો સોનાનો હાર મળી આવતા પોલીસને બોલાવી મુદામાલ તરીકે સોંપવામાં આવ્યો છે. જો કે, આ હારમાંનું પેડલ હજૂ ગુમ જ છે. ગત જાન્યુઆરી માસમાં વહેલી સવારે મંગળા આરતી બાદ પુજારી વિનોદભાઈ માણેકલાલ જાની ભોજનાલયમાં ચા પીવા ગયા હતાં. માત્ર અડધી કલાકમાં શ્યામસુંદરના નીજ મંદિરના નકૂચા તોડી સાડા તેર તોલાનો સોનાનો હાર, ચાંદીનો મુગટ, ચાંદીની ગદા, ચાંદીના અને સોનાના ઢાળવાળા મુગટ, ચાંદીના મુગટ પાછળનું કીરીટ, કાનના કુડલ, પદમની ખોળ મળી કુલ પાંચ લાખના કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. જે પછી પોલીસે તપાસ ચાલુ કરતા અને સ્ટાફને પૂછતાછ છતાં મુદામાલ મળી આવ્યો ન હતો. ગત મંગળવારે મંદિરથી એક કિલોમીટર દુર મંદીરની ગૌશાળામાં વાસીદુ કામ કરી રહેલા સફાઈ કર્મચારી કિશોર ચીથર (રહે. બોરડી તા.મહુવા)ને સોનાનો હાર મળી આવતા તેમણે મહંત ભોળાનાથ બાપુને આ હાર સુપ્રત કર્યો હતો. બાદમાં મંદીરના ટ્રષ્ટીઓને જાણ કરવામાં આવતા આખરે પોલીસ સુધી જાણ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા એલસીબી પોલીસ ઈન્સપેકટર હરેશ વોરા પહોચી ગયા હતાં. જેને આ હાર મુદામાલ તરીકે સોંપવામાં આવ્યો હતો. જેનું વજન કરાવવામાં આવતા ૧૧૦.૬૦ ગ્રામ થયું હતુ. સોનાના હારમાં જડેલું પેડલ ગૂમ હતુ. હવે સવાલ એ છે કે, આ હાર ગમાણ સુધી કેમ પહોંચી ગયો ? બાકીના આભુષણો કયાં ? ચોરી થયા પછી છ માસે આ હાર કેમ મળી આવ્યો ? વગેરે પ્રશ્નો અનુતર છે એ તરફ તપાસ કરવી જોઈએ.

ગિરનાર જંગલમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ.


ગિરનાર જંગલમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ

Bhaskar News, Junagadh   |  Jul 22, 2013, 01:10AM IST
જંગલમાં ઝરણા વહયા, મનોહર દ્રશ્ય

ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદથી પર્વતો જાણે પાણીથી ધરાયા હોય તેમ સરવાણીઓ ફૂટી વહી નિકળી રહી અને જંગલમાં ટેકરીઓમાંથી ઝરણાઓ વહેવા લાગ્યા હતા.

દામોદરકુંડ છલોછલ
ગિરનાર જંગલ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી દામાકુંડમાં પાણી આવ્યુ હતુ અને છલોછલ ભરાઇ ગયો હતો.

ભવનાથમાં લોકોએ કુદરતી સૌંદર્યની મજા માણી

આજે સવારથી જ ભવનાથ વિસ્તારમાં લોકો ઉમટી પડયા હતા અને વરસાદી માહોલ વચ્ચે કુદરતે ભવનાથમાં વેરેલા સૌંદર્યની મજા માણી હતી. ઢળતી સાંજે પણ ભવનાથમાં મનોરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

વાદળો વચ્ચે ગિરનાર પર્વત ઢંકાયો
સવારથી આકાશમાં કાળા
ડીંબાગ વાદળો છવાઇ ગયા હતા અને જાણે વાદળો વચ્ચે ગિરનાર પર્વત ઢંકાય ગયો હોય તેવું દ્રશ્ય ખડુ થયું હતું.

શાંતેશ્વરમાં દિવાલ પડી
આજે દિવસભર એકધારા પડેલા વરસાદને કારણે શાંતેશ્વર વિસ્તારમાં ગટરની દિવાલ તૂટી પડી હતી.

ક્યાં કેટલો વરસાદ(ઇંચમાં)
વડાલ   ૪
તાલાલા         ૨//
મેંદરડા ૨//
વિસાવદર       ૧/
ભેંસાણ ૦//
કેશોદ   ૧/
માળિયા         ૦//
માણાવદર      ૦//
માંગરોળ        ૦//
ધોરાજી ૦//
ગોંડલ ૧
ભાયાવદ       ર ૨
ભાણવડ ૦//
લાલપુર         ૦//
ધારી    ૦//
ચુડા    ૨
ગિરનાર જંગલમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ
- હસ્નાપુર ડેમમાં ૪ ફૂટ નવા નીરની આવક
- સોનરખ બે કાંઠે: શહેરમાં દોઢ ઇંચ પાણી પડયું


જૂનાગઢ શહેર પર છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ હેત વરસાવવાનું જારી રાખ્યું છે. આજે પણ વહેલી સવારથી મેઘાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યુ હતું. ગિરનાર જંગલ અને ઉપરવાસમાં ધોધમાર ૬ ઇંચ વરસાદથી હસનાપુર ડેમમાં ૪ ફૂટ નવા નીરની આવક થઇ હતી. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સોનરખ નદી બે કાંઠે વહી હતી. જ્યારે શહેરમાં દિવસ દરમિયાન દોઢ ઇંચ પાણી પડયું હતું.

મેઘરાજાએ આજે સવારથી જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગિરનાર જંગલ અને ઉપરવાસમાં એકધારા જોરદાર વરસાદથી ૬ ઇંચ પાણી પડયું હતું. ગિરનાર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા સોનરખ અને કાળવો બે કાંઠે વહેવા લાગ્યા હતા. જ્યારે શહેર મધ્યે આવેલા નરસિંહ સરોવરમાં પણ પાણી આવ્યું હતું. આજે રવિવારે ભવનાથ અને ગિરનાર જંગલમાં વરસાદ વરસતા સવારથી જ ભવનાથ વિસ્તારમાં લોકોની ચહલ-પહલ જોવા મળી હતી. લોકોએ વરસાદી માહોલ વચ્ચે ભવનાથમાં કુદરતી સૌંદર્યનો ભરપુર આનંદ માણ્યો હતો. જંગલમાં સારો એવો વરસાદ પડતા હસનાપુર ડેમમાં ૪ ફૂટ નવા નીરની આવક થઇ હતી. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ બપોરનાં ૩ વાગ્યા સુધી એકધારો શરૂ રહ્યો હતો. જો કે, ત્યારબાદ થોડીવાર વિરામ લીધો હતો અને ઝરમરીયા છાંટા ચાલુ રહ્યા હતા. શહેરમાં એકધારા વરસાદથી દોઢ ઇંચ પાણી પડયું હતું.

ઘણા લોકો વરસાદની મજા માણવા રસ્તા પર નિકળી પડયા હતા. ઉપરવાસમાં પડેલા ભાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે કાળવાપુલ પર અને નરસિંહ મહેતા સરોવરમાં પાણી જોવા માટે લોકો ઉમટયા હતા.

વિસાવદર પાસે સિંહનું ભેદી મોત, અકસ્માતની વાત ગળે ઉતરતી નથી.

Bhaskar News, Visavadar | Jul 23, 2013, 03:37AM IST
- ગંભીર ઈજા નથી: અકસ્માતની વાત ગળે ઉતરતી નથી

વિસાવદર નજીક ધારી રોડ પર આજે વ્હેલી સવારે રસ્તા પાસેથી એક સિંહનો મળ્યો હતો. પ્રાથમિક રીતે આ સિંહ અકસ્માતને લીધે મોતને ભેટયાનું અનુમાન કર્યું હતું. જોકે, પીએમ દરમ્યાન તેના શરીર પર ઇજાનાં કોઇ નિશાનો જોવા નહોતા મળ્યા. પરિણામે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.

વિસાવદરથી ધારી જતા રોડ પર લાલપુર-વેકરીયા ગામ વચ્ચે રોડની સાઇડે એક સિંહનો મૃતદેહ મળતા આર.એફ.ઓ. એન. એમ. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ તપાસ દરમિયાન રોડની સાઇડમાં લોહીનાં આછા નિશાન જોવા મળ્યા હતા. સિંહનો મૃતદેહ પણ રોડથી ૮ થી ૧૦ ફૂટનાં અંતરે પડ્યો હતો. તેથી મૃત્યુનું કારણ કોઇ અજાણ્યા વાહન હડફેટે થયાનું માનવામાં આવ્યું હતું. તેનાં મૃતદેહનાં થોડા અંતરે તેનાં ફૂટ માર્ક જોવા મળ્યા હતા.

રોડથી દૂર જંગલ તરફ તપાસ કરતાં અન્ય ત્રણ સિંહોનાં ફૂટમાર્ક જોવા મળ્યા હતા.આ વિસ્તારમાં તાજેતરમાંજ ચાર સિંહોનું ગૃપ આંટાફેરા કરતું જોવા મળ્યું હતું. બેએક દિવસો પહેલાં જંગલ વિસ્તારમાંજ બે ગાયોનું મારણ પણ કર્યું હતું. રાત્રિનાં એ વિસ્તારમાંથી તેના અવાજો પણ સંભળાયા હતા. આ ગૃપમાં બે નર, એક માદા અને એક પાઠડો હતો. જંગલ વિસ્તારમાંથી ત્રણ સિંહોનાં ફૂટમાર્ક જોવા મળ્યા હતા.

- શું કહે છે આરએફઓ?

આ અંગે આરએફઓ જાડેજા કહે છે, હાલ તુરત તો સ્થળ તપાસમાં સિંહનું મોત અકસ્માતને લીધે થયાનું માલુમ પડ્યું છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, અમે માર્ગ અને મકાન વિભાગને આ વિસ્તારમાં સિંહની અવરજવર હોવાથી રોડ પર બંપ મૂકવા માંગણી કરી હતી. પરંતુ આજ સુધી કોઇ જ ધ્યાન અપાયું નથી.

- પ્રદેશ ભાજપ પ્રમુખ ઊભા રહી ગયા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ રોડ પરથી નીકળતાં ભારે ભીડ જોઇને તેઓ નીચે ઉતર્યા હતા. અને બનાવની વીગતો જાણી હતી.

- અગ્નિસંસ્કાર કરાયો

સિંહની વય આશરે પાંચ વર્ષની હોવાનું માલુમ પડ્યું છે. તેનાં પીએમ બાદ સાસણ ખાતે જ તેનો  અગ્નિસંસ્કાર કરાયો હતો.

- શંકાસ્પદ બાબતો

- સિંહનું મૃત્યુ માર્ગ અકસ્માતને લીધે થયાનું વનવિભાગ પ્રાથમિક દ્રષ્ટિએ માને છે. પરંતુ તેનાં પીએમમાં સિંહને કોઇ ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડ્યું નથી. ડીએફઓ ડૉ. સંદપિકુમારે કહ્યું હતું કે, અકસ્માતને લીધે ઇજા થયાનાં કોઇ ચિન્હો તેના શરીર પર દેખાયા નથી.

- ધારી ડીએફઓ ડૉ. અંશુમાન ઘટનાસ્થળે આવ્યા અને તેમણે સિંહનાં મૃતદેહને ફેરવ્યો ત્યારે ફકત આંખની પાસે લોહી જોવા મળ્યું હતું. જ્યારે ગળાનાં ઉપરનાં ભાગે એકાદ ઇંચની સાઇઝનો એક ઉંડો જખમ પણ દેખાયો હતો. જેમાં ઇયળો ખદબદતી હતી.

- વાહન હડફેટે જો સિંહનું મૃત્યુ થયું હોય તો રોડ પર વાહનની બ્રેમ મારવાનાં નિશાન જોવા મળવા જોઇએ. જે મળ્યા નથી. તેમજ રોડ પરથી કોઇએ ઢસડીને નીચે ફેંકયો હોય તેમ રોડથી તેનાં મૃતદેહનાં આઠ થી દસ ફુટનાં અંતરે અલગ અલગ જગ્યાએ સિંહનાં શરીરની રૂંવાંટી જોવા મળી હતી.

ખાંભાના કોટડા ગામની સીમમાં યુવક પર સિંહણનો હુમલો.

Bhaskar News, Khambah, Savarkundla | Jul 22, 2013, 03:47AM IST
વાડીએથી ઘરે પરત ફરતા સિંહણે હુમલો કર્યો : ૧૦૮ની મદદથી દવાખાને ખસેડાયો

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો દ્વારા અવારનવાર માણસ પર હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. ત્યારે આજે ખાંભા તાલુકાના કોટડા ગામના એક યુવાન પર બપોરે સિંહણે હુમલો કરી દેતા આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

યુવક પર સિંહણના આ હુમલાની ઘટના ખાંભાના કોટડી ગામે બની હતી. જયાં નરેન્દ્રભાઇ બાબુભાઇ બોરીસાગર (ઉ.વ.૪૦) નામના યુવક આજે બપોરે વાડીએથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે તેના પર હુમલો કરી દીધો હતો. આજુબાજુમાં વાડી ધરાવતા ખેડુતોએ હાકલા પડકારા કરતા સિંહણ નાસી છુટી હતી. સિંહણે નરેન્દ્રભાઇને ડાબા પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેને ૧૦૮ની મદદથી પ્રથમ સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

નરેન્દ્રભાઇને વધુ સારવાર માટે બાદમાં અમરેલી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા પંથકમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી સાવજો ગામમાં આવી ચડે છે. અને દુધાળા પશુ તેમજ ઘણી વખત માણસ પર હુમલો કરી બેસે છે. કોટડા ગામે યુવક પર સિંહણે હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. વધુ એક વખત વન્યપ્રાણીના હુમલાના બનાવથી વનતંત્ર હરકતમાં આવી ગયું હતું અને સિંહણને પાંજરે પૂરવા દોડી ગયું હતું.

ગજબ પ્રેમ કહાની: પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી.


ગજબ કહાની: પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી
Sarman Ram, Junagadh   |  Jul 23, 2013, 05:12AM IST
આ બન્ને ધીમે ધીમે શહેરમાં આટા મારવા લાગતા વન - ઝૂમાં ૧૯૯૦ની સાલની 'અજબ પ્રેમ કી ગજબ કહાની’, પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી

અજબ પ્રેમની ગજબ કહાની વર્ષ ૧૯૯૦માં જૂનાગઢ સક્કરબાગમાં બની હતી. નર સિંહ તેની પ્રિયસી જે ઝૂનાં ૧૨ ફૂટ ઉંચા પાંજરામાં કેદ હતી. તેમને મળવા માટે સિંહે જીવસટોસટનો ખેલ ખેલી નાખ્યો હતો અને વિરહમાં ૧૨ ફૂટ ઉંચુ પાંજરૂ કુદી ગયો હતો.
જૂનાગઢ ઝૂમાં જંગલ અને ઝૂમાં વસતા પ્રાણીઓ વચ્ચે પ્રેમનાં ત્રણ કિસ્સા બન્યા હતા. જેમા ૧૯૯૦નાં વર્ષમાં એક નર સિંહ સક્કર બાગમાં તેમની પ્રિયાને મળવા માટે આવ્યો હતો. પરંતુ ફિલ્મ માફક બે પ્રેમી વચ્ચે પાંજરૂ વિલન બન્યુ હતુ. સિંહણ ૧૨ ફૂટનાં પાંજરમાં કેદ હતી. પ્રિયાનો વિરહ સહન ન થતા સિંહે લાંબી દોડ લગાવી જીવસટોસટનો ખેલ ખેલી એક છંલાગમાં ૧૨ ફૂટ દિવાલ કુદી ગયો હતો. તેમજ ૧૯૮૯માં પણ બે સિંહ એમની સિંહણને મળવા સક્કર બાગમાં આવતા હતા.
તંત્રએ તેમને પકડી કેદ કરીને પ્રેમીકાઓ સાથે મિલન કરાવ્યુ હતુ. ઉપરાંત સક્કર બાગમાં રહેલી રૂપા અને રુક્ષ્મણીની પ્રેમ કહાની પણ રોચક છે. આ બન્ને સિંહણને પ્રેમ કરતા બે સિંહ નિયમીત સક્કર બાગમાં આવતા હતા. આ કહાનીમાં જેવા સક્કરબાગનાં દરવાજા બંધ થયાની સાથે સિંહણ તેનાં પાંજરમાં આટા મારવા લાગે અને તેમનાં પ્રેમી નજરે ન પડતા સિંહણ પોતાનાં ગળામાંથી ગર્જના કરવાનુ શરૂ કરી દેતી હતી.

થોડીક ક્ષણોમાં તો બે સિંહ ધીમે પગેલ જંગલની દિશાએથી સક્કરબાગમાં પ્રેવશ છે. અને સીધે સીધા રૂપા અને રુક્ષ્મણીનાં પાંજરા પાસે જઇને ઉભા રહેતા હતા.નજરો મળે છે, બન્ને સિંહ - સિંહણ પાંજરા સાથે પોતાનાં શરીર ઘસીને એકમેક પ્રત્યે હૂંફ પ્રદર્શિ‌ત કરતા હતા. આ રીતે ઝૂમાંસિંહ - સિંહણની લવ સ્ટોરી આકાર પામતી હતી.
- નિતા - નવીનને જુદા કરતાં મોત થયા’તા
૧૯૭૦માં જંગલમાંથી પકડી સિંહ - સિંહણને જૂનાગઢ સક્કર બાગમાં લાવવામાં આવ્યા હતા. તેમનાં નામ નીતા - નવીન પાડવામાં આવ્યા હતા.બન્ને ઝૂમાં એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા. પાંજરામાંજ તેમનો પ્રેમ ગાઢ બન્યો હતો.બન્ને એક બીજા ઉપર માથુ રાખી ને સુતા હતા. પરંતુ ૧૯૭૬ માં સિંહ નવીનને સક્કરબાામાં જ તેનુ મોત થયુ હતુ. તેવી રીતે એપ્રિલ ૧૯૭૬માં સિંહણ નિતાને કાનપુર ઝૂમાં ખસેડવામાં આવી હતી. જયાં તે ત્રણ વર્ષ જીવી હતી. નીતા અને નવીન જૂદા પડયા પછી પણ પોતાની વફાદારી ખંડિત થવા દીધી ન હતી.

Saturday, July 20, 2013

રાજુલા પંથકમાં દીપડી અને દીપડાના ભેદી સંજોગોમાં મોત.


Bhaskar News, Rajula | Jul 20, 2013, 01:46AM IST
ઝેરી પાણી પીવાથી બન્ને મોતને ભેટયા ? : અમૂલી અને બાબરિયાધારમાં બન્નેના મૃતદેહ નદી કાંઠેથી કેમ મળ્યા ?
 
રાજુલા પંથકમાં આજે બે અલગ અલગ ઘટનામાં એક દિપડી અને એક દિપડાનું રહસ્યમય સંજોગોમાં મોત થતા વનતંત્ર દોડતુ થઇ ગયુ હતું. બાબરીયાધારની સીમમાં નદીના પટમાંથી એક દિપડીની લાશ મળી આવી હતી. જ્યારે અમુલી ગામની સીમમાં નદીના પટમાંથી દિપડાની લાશ મળી હતી. આ વિસ્તારમાં ઝેરી પાણી પીવાથી બન્નેના મોત થયાની ચર્ચા ઉઠી હતી. જો કે વન અધિકારીઓ પીએમ રીપોર્ટની રાહ જોઇ રહ્યા છે.
 
અમરેલી જીલ્લાનો મોટાભાગનો રેવન્યુ વિસ્તાર દિપડાઓનું ઘર બન્યો છે. ત્યારે દિપડાને લઇને કોઇને કોઇ ઘટનાઓ બનતી જ રહે છે. આવી વધુ એક ઘટનામાં રાજુલા પંથકમાં આજે દિપડો અને દિપડીના મોતની ઘટના બની હતી. સૌ પ્રથમ વન વિભાગને રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાં નવલખી નદીના પટમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. અહિં દિપડીના શરીર પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યા ન હતાં અને મોતનું કોઇ દેખીતુ કારણ પણ નઝરે પડતુ ન હતું. સ્થળ પર જ દિપડીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું.
 
આ ઘટનાની કાગળપરની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલા વન વિભાગને અમુલી ગામની સીમમાં નદીકાંઠે એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થઇ હતી. જેને પગલે ઇન્ચાર્જ આરએફઓ એચ.વી. રાઠોડ, સ્ટાફના એમ.જે. ખાવડીયા, આર.એમ. પઠાણ, રેસ્ક્યુ ટીમના ડી.એન. રાઠોડ, નરેશભાઇ પંડયા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિં પણ દિપડાના મોતનું કોઇ દેખીતુ કારણ નઝરે પડયુ ન હતું. બન્ને દિપડાનું મોત શાથી થયું તે જાણવા વન વિભાગ દ્વારા પોસ્ટ ર્મોટમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. દરમીયાન અહિં એવી પણ ચર્ચા ઉઠી હતી કે દિપડી અને દિપડાનું મોત ઝેરી પાણી પીવાના કારણે થયુ હતું. જો કે વન વિભાગને હજુ સુધી તેને સમર્થન આપ્યુ ન હતું.
 
બાબરીયાધારમાં અગાઉ દીપડાની હત્યા થઇ હતી
 
રાજુલાના બાબરીયાધારમાં એક વર્ષ પહેલા દિપડાની હત્યાની ઘટના પણ બની હતી. ત્યારે આજે બાબરીયાધારની સીમમાં જ એક દિપડીનું ભેદી સંજોગોમાં મોત થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વળી બન્ને મૃતદેહો નદીકાંઠેથી જ મળી આવ્યા હતાં.

Wednesday, July 17, 2013

૧૦પર ગામડા, ૧૬ હજાર કિ.મી.માં છે સિંહોના આંટાફેરા.


Jul 14, 2013જૂનાગઢ : એશિયાઈ સિંહો ફક્ત સાસણ કે ગિર અભયારણ્યમાં જ નથી, પરંતુ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના ૧૦પર ગામડા અને ૧૬ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. અને ભાવનગર પંથકમાંથી કુદરતી રીતે સ્થળાંતરીત થઈને સિંહો એટલા આગળ વધી ગયા છે કે, છેક ભાલ અને વેળાવદરથી હવે ફક્ત ર૭-ર૮ કિ.મી. જ દૂર રહ્યા છે. આ ઉપરાંત ભાવનગર પંથકમાં અને ગિર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહો વચ્ચે કોઈ સંપર્ક નથી. બન્ને સિંહો સ્વતંત્ર રીતે રહે છે. રેડિયો કોલર અને જી.પી.એસ. સિસ્ટમના ડેટાબેઈઝના આધારે કરાયેલા વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ આ વિગતો બહાર આવી છે.
  • ભાલ અને વેળાવદરથી સિંહો હવે ફક્ત ર૭-ર૮ કિ.મી. દૂર : ભાવનગર અને ગિરમાં વસવાટ કરતા સિંહો વચ્ચે કોઈ સંપર્ક નહીં
સિંહોના સ્થળાંતરના ચર્ચાસ્પદ મામલે વનવિભાગના અધિકારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અંગે પ્રકાશ પાડતા સાસણના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિર અભયારણ્ય તો ફક્ત ૧૪૧ર ચો.કિ.મી.માં જ પથરાયેલું છે. જેની સામે સિંહો ફક્ત સાસણ પુરતા જ સિમિત નથી, પણ ૧૬ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં તેના આટાંફેરા સત્તાવાર રીતે નોંધાયેલા છે. આજે સાસણમાં સિંહોના સંવર્ધન અંગેના એક સેમીનારમાં તેઓએ વધુ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૮૮૪ થી સિંહોનું સંવર્ધન થઈ રહ્યું છે. વર્ષ ૧૯૦૦ થી ૧૯૦પ વચ્ચેના સમયગાળા દરમિયાન પશ્ચિમમાં બરડા સુધી, ઉત્તરમાં ગોંડલ સુધી, પૂર્વમાં રાજૂલા અને સાવરકુંડલા સુધી તેમજ દક્ષિણમાં સોમનાથ સુધી સિંહોનું અસ્તિત્વ નોંધાયેલું હતું. જે ધીમે ધીમે ગિર પુરતું સિમિત થઈ ગયું હતું. હવે સિંહોની સંખ્યા વધતા તે ધીમે ધીમે પોતાનો ગુમાવેલો વિસ્તાર ફરી મેળવી રહ્યા છે. ગિરમાં ફક્ત ૩૦૦ સિંહો જ રહી શકે તેમ છે, માટે અન્ય સિંહો ગિરનાર, મિતિયાળા, બાબરાવીડી, લીલીયા, દરિયાઈ પટ્ટી અને રાજૂલા-મહૂવા સુધી ફરી વખત પહોંચ્યા છે.
સિંહોને રેડિયો કોલર લગાવીને જી.પી.એસ. સિસ્ટમ દ્વારા તેની ઉપર સતત નજર રાખીને એકત્ર કરવામાં આવેલા ડેટાબેઈઝના વૈજ્ઞાનિક રીતે કરાયેલા વિશ્લેષણમાં એવું પણ બહાર આવ્યું છે કે, ગિર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહો ગિર જંગલની બહાર જતા નથી. જ્યારે બહારના સિંહો હવે ધીમે ધીમે જે તે સ્થળોએ સ્થાયી થવા માંડયા છે.
ભાવનગર પંથકમાં સિંહોએ કાયમી નવું નિવાસસ્થાન બનાવ્યું છે. આ સિંહો અને ગિરના સિંહો વચ્ચે કોઈ સંબંધ નથી. બન્ને વચ્ચે કોઈ આંતરિક આંટાફેરા પણ થતા નથી. ભાવનગરથી પણ સિંહો ધીમે ધીમે કુદરતી રીતે આગળને આગળ માઈગ્રેડ થઈ રહ્યા છે. આગળ માઈગ્રેડ થયેલા સિંહો ફરી વખત પરત આવતા નથી. એકત્ર થયેલી વિગતો પ્રમાણે એશિયાઈ સિંહો ઘંઉ માટે પ્રખ્યાત એવા ભાલ પંથક અને વેળાવદરથી ફક્ત ર૭-ર૮ કિ.મી. જ દૂર રહ્યા છે. અને સિંહ માત્ર ૧ર કલાકમાં ૬૦ થી ૬પ કિ.મી.ના વિસ્તારમાં આંટાફેરા મારી શકે છે. આ પ્રમાણે સિંહો ભાલ પંથક કે વેળાવદરથી દૂર નથી. અને કદાચ સિંહોને અહી વધુ સંરક્ષણ મળી રહેશે તો આગામી થોડા વર્ષોમાં અમદાવાદ કે ગાંધીનગર સુધી સિંહો આસાનીથી પહોંચી જશે. એટલે કે ગુજરાતમાં જ અન્ય ઘણા બધા સ્થળોએ સિંહોના નવા ઘર બની રહ્યા છે. સુપ્રિમ કોર્ટમાં વનવિભાગ દ્વારા આ વિગતો રજૂ કરવામાં આવી છે.
ભાવનગર પંથકને સિંહોનું અલગ અભયારણ્ય બનાવવા દરખાસ્ત
જૂનાગઢ: ભાવનગર જિલ્લાના મહૂવા, જેસર, પાલિતાણા, હિપાવડલી ઝોન તથા શેત્રુંજ્ય નદીનો ઝોન સામાન્ય પણે અનન્ય છે. તેઓ સિંહની કેન્દ્રસ્થ વસ્તી સાથે જોડાયેલા નથી. આ વસ્તી વૈકલ્પિક છે. ગુજરાતમાં આવી બીજી વૈકલ્પિક વસ્તીનો વિકાસ થઈ રહ્યો છે, જે ગિર અભયારણ્યથી દુર છે અને ઘણા જ અલગ એવા વિસ્તારના સિંહો અને ગિરના સિંહો વચ્ચે ખાસ કોઈ સંબંધ પણ નથી. ત્યારે આ વિસ્તારને અનામત અને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવાની દરખાસ્ત વનવિભાગ દ્વારા કરવામાં આવી છે
સ્થાયી થવા સિંહોને શું જોઈએ ??
જૂનાગઢ : કુદરતી રીતે નવા વિસ્તારમાં સ્થાયી થવા માટે સિંહોને મુખ્ય ત્રણ પાસાઓની જરુર પડે છે. આ ત્રણ બાબતો તેને મળી રહે એટલે સિંહો પોતાની રીતે જ જે તે વિસ્તારમાં કાયમી નિવાસસ્થાન બનાવી લે છે. આ ત્રણ પાસાઓ આ રહ્યા..
* સ્થાનિક લોકો દ્વારા મળતું રક્ષણ
* પીવા માટે પાણીના પુરતા સ્ત્રોત
* બચ્ચાઓ માટે સલામત વાતાવરણ
વિસ્તાર વાઈઝ નરની સંખ્યા વધારે, સંવર્ધન માટે સારી બાબત
જૂનાગઢ
: ગિર ઉપરાંત અન્ય સ્થળોએ સિંહોમાં નર અને માદાના પ્રમાણની કરાયેલી સરખામણીમાં નરની સંખ્યા વધારે જોવા મળી છે. પરિણામે આ બાબત સિંહોના સંવર્ધન માટે સારી માનવામાં આવે છે. કારણ કે પોતાનું પ્રાઈડ બનાવવા અને નવી ટેરેટરી બનાવવા માટે નર સતત આગળ વધતા રહેશે. તથા અનુકૂળ વાતાવરણમાં સ્થાયી થતા જશે. પરિણામે એશિયાઈ સિંહો વધુને વધુ વિસ્તારમાં પ્રસરતા રહેશે. વિસ્તાર વાઈઝ સિંહોનું પ્રમાણ કંઈક આ પ્રમાણે છે.
વિસ્તાર             નર        માદા
ગિર                    ૧          ર.૦૪
ગિરનાર              ૧          ૧.પ
મિતિયાળા           ૧          ૧.પ
કોસ્ટલ એરિયા     ૧          ૦.૬
સાવરકુંડલા          ૧          ૦.૮
 
સિંહોના ગિર સિવાયના છ કુદરતી સરનામા
* ગિરનાર
* મિતિયાળા
* ઉના-સુત્રાપાડાની દરિયાઈ પટ્ટી
* રાજૂલા-જાફરાબાદની દરિયાઈ પટ્ટી
* ભાવનગરનો શેત્રુંજ્ય પંથક
* લીલીયા અને ક્રાંકચ વિસ્તાર
 
આર્ટીફિશ્યલ માઈગ્રેશન ક્યારેય સફળ નથી રહ્યું : સી.સી.એફ. આર.એલ.મીના
 સિંહોના સંવર્ધન માટે સ્થાનિક પ્રજાનો સહયોગ જરુરી
 સિંહોના સ્થળાંતર અંગે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આજે પ્રથમ વખત સાસણમાં યોજાયેલા સેમીનારમાં જાહેરમાં વન અધિકારી દ્વારા આડકતરી રીતે સ્થળાંતરના વિરોધી કારણો રજૂ કરવામાં આવ્યા હતાં. મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ અહી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સિંહોનું આર્ટીફિશ્યલ સ્થળાંતર ક્યારેય સફળ રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, અત્યારે અહીના સિંહોમાં કોઈ ભય નથી. છેલ્લા ૧રપ વર્ષમાં કંઈ નથી થયું. ટેકનિકલી રીતે બ્રિડિંગનો પણ કોઈ સવાલ નથી. તો પછી બિનજરુરી રીતે ડિસ્ટર્બ કરવા યોગ્ય નથી. કુદરતી રીતે સ્થાળાંતરીત થઈને સિંહો કોઈ પણ સ્થળે પહોંચે તેની સામે વાંધો નથી. દેશમાં વાઘના ઘણા બધા પાર્ક છે. જેમાં ૧૮-ર૦ વાઘ જોવા મળતા હોય છે. જ્યારે અહીના સિંહોના આવડા ટોળા તો ખેતરોમાં જોવા મળતા હોય છે. એટલે કે સિંહોના સંવર્ધન માટે સ્થાનિક પ્રજાનો સહયોગ અને સપોર્ટ જરુરી છે. અહીનું વાતાવરણ સિંહોને રહેવા માટે અનુકૂળ છે. લોકો તેને ભગવાન માને છે. માટે ભક્ત તરીકે તેની પૂજા કરે છે. અને જો ગિર જેવું જ વાતાવરણ અન્ય સ્થળોએ સર્જાય તો સિંહો આપમેળે ત્યાં જતા રહેશે. કુદરતી રીતે સ્થળાંતર થાય તે યોગ્ય અને વ્યાજબી છે.
જિલ્લો     નર        માદા
જૂનાગઢ   ૧          ૧.૯૧
અમરેલી   ૧          ૧.૪૩
ભાવનગર ૧          ૧

૧૧૦ વર્ષ પહેલા મિડિયાના વિરોધથી ગીરમાં બંધ થયો સિંહોનો શિકાર.


Jul 12, 2013જૂનાગઢ: સાસણમાં આજે સિંહોના સંવર્ધનમાં માધ્યમોની ભૂમિકા અને ઉત્તરદાયિત્વ વિષય ઉપર યોજાયેલા એક સેમીનારમાં મુખ્ય વનસંરક્ષક આર.એલ.મીનાએ જણાવ્યું હતું. વર્ષ ૧૯૦૪ માં જ્યારે લોર્ડ કર્ઝન ગિરમાં સિંહોનો શિકાર કરવા આવ્યા હતાં, ત્યારે મિડિયાએ કરેલા વિરોધને પરિણામે તેઓ પરત જતા રહ્યા હતાં. ત્યારથી સિંહોના શિકારમાં બ્રેક લાગી છે.
  • સમાજ, વનતંત્ર અને સત્તાધિશો વચ્ચે માધ્યમોની ભૂમિકા સેતુરુપ
પ્રદેશિક માહિતિ કચેરી અને નાયબ વન સંરક્ષક(વન્યપ્રાણી વર્તુળ)ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ માહિતિ કચેરીના સહયોગથી યોજાયેલા આ સેમીનારમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોર્ડ કર્ઝને શિકાર કરવાનું તો માંડી વાળ્યું હતું સાથે સાથે નવાબને પણ સિંહોના સંવર્ધનને વેગ આપવા સુચના આપી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, સિંહોએ ક્યારેય માનવીને નૂકશાન પહોંચાડયું નથી, તે તેની પ્રકૃતિ નથી. અધિકારીઓ અને માધ્યમો વચ્ચેની હકારાત્મક ભૂમિકા અંગે તેમણે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. જ્યારે દૂરદર્શનના જોઈન્ટ ડાયરેક્ટર સંતોષકુમારે જણાવ્યું હતું કે, સમાજ, વનતંત્ર અને સત્તાધિશો વચ્ચે માધ્યમોની ભૂમિકા સેતુરુપ હોય છે. સાસણ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે એશિયાઈ સિંહોના સંરક્ષણને વૈશ્વિક કક્ષાએ ઉત્કૃષ્ઠ ગણાવીને સિંહ સંવર્ધન અંગેની રસપ્રદ વિગતો આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં અન્ય ૬ સ્થળોએ સિંહોના નવા નિવાસસ્થાનો બની રહ્યા છે. તેઓએ પ્રેઝન્ટેશન દ્વારા આ વિગતો સમજાવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સંયુક્ત માહિતિ નિયામક પરમારે અને આભાર વિધિ નાયબ માહિતી નિયામક એ.પી. જોષીએ કરી હતી.

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામાં દીપડાએ બે વર્ષની બાળકીને ફાડી ખાધી.

Jul 14, 2013

ખાંભા/અમરેલી: ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામની સીમમાંમ ગઈ રાત્રે પરિવારની વચ્ચે સુતેલી બે વર્ષની બાળકીને બીલીપગે આવેલા એક દીપડાએ મોં અંદર દબોચી ગંભીર રીતે ઘાયલ કરી દેતા બાળકીને સારવાર માટે અમરેલી દવાખાને લઈ આવેલ પરંતુ બાળકીનું વહેલી સવારે મોત થયું હતું.
  • આદિવાસી પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવ્યો હતો
ખાંભાના મોટા સમઢીયાળા ગામના ખેડૂત રમેશભાઈ કેશુભાઈની વાડીમાં શીંગ ભાગીયું વાવવા રાખેલ મધ્ય પ્રદેશના સરદારપુર ગામના આદિવાસી ભરતભાઈ ખેલસીંગ વસુનીયા પોતાના પરિવાર સાથે અહી વાડીએ જ રહે છે. ગઈ રાત્રે આખો આદિવાસી પરિવાર વાડીના ગોડાઉનમાં દરવાજા ખુલ્લા રાખીને સુતો હતો.
દરમિયાન રાત્રીના ૧.૩૦ વાગ્યા આસપાસ બીલીપગે એક દીપડો ગોડાઉનમાં ઘૂસ્યો હતો અને પરિવારની વચ્ચે માતાના પડખામાં સુતેલી બે વર્ષની સીલસીલા નામની બાળકીને ગરદનેથી દબોચી મોંમાં ભરાવી ચાલતો થયો જે અવાજથી જાગી ગયેલા આદિવાસી પરિવારે દીપડાના મુખમાંથી બાળકીને છોડાવવા દોટ મુકી ને દીપડો ભાગ્યો. રસ્તામાં અંધારામાં ખાડામાં દીપડો પડી જતા મોં અંદર દબોચાયેલી બાળકી છુટી ગઈ અને દીપડો ભાગી ગયો.
 દીપડાના મુખમાંથી બચેલી બાળકીના ગરદન અને માથાના ભાગે દીપડાના દાંત ઘૂસી જવાથી ગંભીર રીતે લોહીલોહાણ બનતા રાતે વાડીના માલિકને ફોન કરી જાણ કરી હતી. વાડીમાલિક રમેશભાઈ કારમાં બાળકીને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને ખસેડી,પરંતુ ટુંકી સારવાર દરમિયાન બાળકીનું આજે વહેલી સવારે સાત વાગ્યે મોત થયું હતું. તેનું પી.એમ.અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
 આ ઘટનાથી ખાંભા પંથકમાં ફફડાટ ફેલાયો છે.નરભક્ષી દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈ કાલે બપોરે ખાંભાના દામાગાળા વિસ્તારમાં એક સિંહણે ૪પ વર્ષના કોળી યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો ત્યારે મોડી રાત્રે દીપડાએ હુમલો કરી બાળકીને મારી નાખતા રાની પશુઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં હુમલાઓની આ ત્રીજી ઘટના છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, ઉના,ધારી, ચલાલા અને ગીરના રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાના હુમલાના ૩૮ બનાવો બનવા પામ્યા છે, જેમાંથી પાંચના મોત થયા છે.

ભવનાથમાં ખાનગી જમીનમાંથી સાગનાં ૨૧ વૃક્ષોનું કટીંગ કરાયું.


Bhaskar News, Junagadh | Jul 17, 2013, 02:33AM IST
ખાનગી માલિકીની જમીનમાંથી વનવિભાગની મંજૂરી વિનાજ સાગનાં ૨૧ વૃક્ષો કાપી નંખાયા

ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ સ્થિત એક ખાનગી માલિકીની જમીનમાંથી વનવિભાગની મંજૂરી વિના જ સાગનાં ૨૧ વૃક્ષો કપાઇ ગયાની જાણ કોઇએ વનવિભાગને કરી હતી. આથી વનવિભાગે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પરંતુ લાકડાં કપાયાનાં માત્ર અવશેષો જ મળ્યા હતા. જોકે, આ લાકડાં કોણે કાપ્યાં એ અટકળનો વિષય છે.

ગિરનારની તળેટીમાં ભવનાથ વિસ્તારમાં લાલઢોરી પાછળ આવેલી એક ખાનગી માલિકીની જમીનમાં સાગનાં લાકડાંનું કટીંગ થયાની બાતમી કોઇએ વનવિભાગને આપી હતી. આથી આરએફઓ મારૂ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ કરી હતી. જેમાં ૨૧ સાગનાં વૃક્ષોનું કટીંગ થયાનું માલુમ પડયું હતું. આથી તેમણે જમીન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ વૃક્ષોનું કટીંગ વનવિભાગની મંજૂરી વિના થયાનું આરએફઓ મારૂએ જણાવ્યું હતું. આ કિસ્સામાં વૃક્ષ દીઠ રૂપિયા પાંચસો એટલે કે લગભગ દસેક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. એમ પણ આરએફઓ મારૂએ જણાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ, ગિરનાર અભયારણ્યને અડીને આવેલા ભવનાથમાં લાલઢોરીની પાછળ આશરે પ૧ વીઘા ખાનગી માલિકીની જમીનનો પટ્ટો છે. જેમાં ૪પ વીઘા અને ૬ વીઘા એમ બે માલિકોની જમીનો છે.

વૃક્ષો ન મળ્યા : ઠૂંઠાનાં આધારે અનુમાન

વનવિભાગને ઘટનાસ્થળેથી કપાયેલાં લાકડાં મળ્યા નહોતા. પરંતુ કપાયેલા ઠૂંઠાનાં આધારે ૨૧ વૃક્ષોનું કટીંગ કરાયાનું સ્પષ્ટ થયું હતું. એ સ્થળે કપાયેલા ડાળખાં-લીલા પાંદડાનાં જોવા મળ્યા હતા.

શું કહે છે જમીન માલિક ?
આ અંગે જમીન માલિક ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, મેં આ વૃક્ષો કાપ્યાં નથી. મારે જો કાપવા હોય તો મંજૂરી ન લઇ લઉં ? આ બીજા લોકોનું કારસ્તાન છે. આ વિશે મને કશી ખબર પણ નથી.

૮ દિ’ પેલાં થયું કટીંગ
વનવિભાગે ઘટનાસ્થળે જઇને જોતાં વૃક્ષોનું કટીંગ આઠેક દિવસો પહેલાં થયાનું માલુમ પડયું હતું.

Tuesday, July 16, 2013

ખાંભાનાં વાંકીયામાં કુવામાં ખાબકી જતા દીપડાનું મોત.


Bhaskar News, Dhari | Jul 15, 2013, 00:04AM IST
ગીરપુર્વમાં વન્યપ્રાણીઓની જાણે માઠી દશા બેઠી છે. ગઇકાલે ગઢીયા પાસે એક સિંહનુ ઇનફાઇટમાં મોત થયા બાદ હવે તુલશીશ્યામ રેંજમાં ખાંભા તાલુકાના ભાડ વાંકીયા ગામની સીમમાં કુવામાં પડી જવાથી એક દિપડાનુ મોત થયુ હોવાની ઘટના બની છે. વનવિભાગના સ્ટાફે અહી દોડી જઇ દિપડાના મૃતદેહને કુવામાંથી બહાર કાઢયો હતો. આ દિપડો દિપડીને પામવા મથામણ કરતો હતો ત્યારે કુવામા ખાબકયો હોવાનુ વનવિભાગનુ અનુમાન છે.
 
વનવિભાગને આજે સવારે ખાંભા તાલુકાના ભાડ વાંકીયા ગામના ધીરૂભાઇ ગોકળભાઇ ચોડવડીયાની વાડીમાં આશરે પચાસ ફુટ ઉંડા કુવામાં એક દિપડાનો મૃતદેહ તરતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ધારીની રેસ્કયુ ટીમ સહિ‌તનો સ્ટાફ ભાડ વાંકીયા દોડી ગયો હતો.
 
આ રેસ્કયુ ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ કુવામાંથી દિપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે આ દિપડો દિપડીને પામવા માટે મથી રહ્યો હતો ત્યારે કુવામાં ખાબકયો હોવાનુ અનુમાન છે. કુવા કાંઠેથી અન્ય બે જનાવરના પણ સગડ મયા હતા. ચારથી પાંચ વર્ષની ઉમરના આ દિપડાના નખ ઘસાઇ ગયાના નજરે પડયા હતા. 

વર્ષાઋતુમાં ઊંચા ટેકરાઓ ઉપર સાવજો પ્રણયક્રિડામાં રત.

વર્ષાઋતુમાં ઊંચા ટેકરાઓ ઉપર સાવજો પ્રણયક્રિડામાં રત
Bhaskar News, Talala   |  Jul 15, 2013, 10:32AM IST
વર્ષાઋતુ જીવમાત્રને મદોન્મત બનાવે છે. પ્રેમ અને રોમાન્સની આ ઋતુની અસર પ્રાણી સૃષ્ટી ઉપર પણ પડે છે. વર્ષાઋતુનો સમય વનનાં રાજા - રાણી સિંહ - સિંહણનાં મિલનનો મહત્વનો પીરીયડ હોય છે. જંગલમાં ભારે વરસાદ ત્યારે ખુલ્લા મેદાન અને ઉંચાણ વાળા ટેકરા - ડુંગરા ઉપર પહોંચી જાય છે. અને માનવ નજરોથી દુર કોઇ પણ જાતના ખલેલ વગર પ્રેમક્રીડાની મોજ માણે છે.
ગીર જંગલમાં વસવાટ કરતા સિંહો ચોમાસામાં ભારે વરસાદને પગલે ઉંચાણવાળા વિસ્તારો તરફ ચાલ્યા જાય છે. જયાં મચ્છરોનો ત્રાસ ન હોય અને ખુલ્લી હવા મળતી હોય વધુ માત્રામાં સાથે ભેગા થતા હોય છે. મેટીંગ માટે વર્ષાઋતુ સિંહ -સિંહણનાં મિલન માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.
જંગલની અંદરનાં સિંહો વરસાદ ચાલુ હોય ત્યારે કરમદાનાં ઢુવામાં રહેવાનું વધુ પસંદ કરે છે. જંગલની બોર્ડર અને રેવન્યુ વિસ્તારોમાં ફરતા સિંહો ખુલ્લા મેદાન અને ઉંચાણવાળા વિસ્તારો તરફ વધુ જોવા મળતા હોય છે.
ચોમાસામાં ચિત્તલનાં શિકાર વધુ
ચોમાસામાં સિંહોનાં ખોરાક મોટાભાગે ચિત્તલ રહે છે. કેમકે ચીત્તલનાં શિંગડા ઝાડી - ઝાંખરામાં ફસાઇ જતા હોય સિંહો માટે તેમનો શિકાર આસાન બની જતો હોવાનું તેમજ ખોરાક - પાણી માટે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે એમ ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું. હડમતીયા, મંડોરણા, જામવાળા વિસ્તારમાં સાતધાર તરીકે ઓળખાતા ટેકરા, ભાખા, થોરડી, બાબરીયાનાં રેવન્યુ વિસ્તારનાં ઉંચાણવાળા ભાગોમાં સિંહો વધુ પ્રમાણમાં હોવાનું તાલાલા રેન્જનાં આરએફઓ એ.ડી. બ્લોચએ જણાવ્યું હતું.
સિંહોનું માનવો સાથે ઘર્ષણનું પ્રમાણ વધી જાય છે
ચોમાસા દરમિયાન જંગલમાં મચ્છરોના ત્રાસથી જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં આવતા સાવજો વધુ સંખ્યામાં સાથે હોય નર-માદાનાં મિલનનું પ્રમાણ વધતુ હોય માનવી દ્વારા ખલેલ થાય ત્યારે સિંહો વિફરી બેસી હૂમલો કરી દેતા હોય છે. રેવન્યુ વિસ્તારમાં સિંહો આ તબક્કામાં વધુ વિહરતા હોય માનવી અને સિંહોનું ઘર્ષણ થવાનું પ્રમાણ વધી જતુ હોવાનું આંકોલવાડીનાં આરએફઓ ડી.એન. પટેલએ જણાવ્યું હતું.

બાલુડાની શોધમાં ચિંતિત સિંહણ.


બાલુડાની શોધમાં ચિંતિત સિંહણ
બાલુડાની શોધમાં ચિંતિત સિંહણ
divyabhaskar.com   |  Jul 15, 2013, 00:03AM IST
બાબરીયા રેન્જમાં આવેલ સાતનાળા વિસ્તારમાં આજે સવારે લીલાછમ મનોમોહક જંગલમાં એક સિંહણ પોતાના બે વ્હાલાસોયા બાલુડીયાને લઇને ટહેલવા નિકળેલ અને અચાનક સિંહણ પોતાના બે બાલુડીયા સાથે ગમત કરતી હતી તે વખતે નટખટ બંને બાલુડીયા પોતાની જનેતા સિંહણની નજર ચુકવી ચાલ્યા ગયા હોય ત્યારે જનેતા પોતાના બંને વ્હાલસોયા બાલુડીયાને શોધતી હતી તેની ચિંતા તેમના ચહેરા પર જોવા મળતી હતી અને પોતાની ડણકથી પોતાના વ્હાલસોયા બાલુડીયાને બોલાવતી હતી આમ પ્રાણીઓમાં પણ પોતાના બાલુડીયા માટે જનતો કેટલી ચિંતાતૂર હોય છે તેથી કહેવાય છે ને મા તે મા.
 
 - તસ્વીર : જયેશ ગોંધીયા

સાવજો પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે.


Bhaksar News, Talala | Jul 14, 2013, 02:03AM IST
- જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ૧૬ હજાર ચો.કિ.મી.માં સાવજોનું વિસ્તરણ,
- એશિયાટિક લાયનના પ્રદેશ એવા ગીર જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અન્ય સ્થળે પહોંચ્યા


ગીર જંગલ ઉપરાંત સિંહોની ટેરીટરી વિસ્તરી રહી હોવાની માહિ‌તી મીડીયા સાથે યોજેલા પરિસંવાદમાં વન વિભાગે આપી હતી. જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં ૧૬ હજાર ચો.કીમીમાં સાવજોનાં વિસ્તરણની પ્રક્રિયાની જાણકારી આપી હતી.

પ્રાદેશિક માહિ‌તી કચેરી રાજકોટ અને સાસણ વન વિભાગનાં સંયુકત ઉપક્રમે સિંહ સંર્વધનમાં મીડીયાની ભૂમિકા અને ઉત્તરદાયિત્વ વિષય પરનો સેમિનાર સાસણમાં યોજાયો હતો. જેમાં સાસણનાં ડીસીએફ ડો.સંદિપકુમારે સિંહનાં વસવાટ વિસ્તાર અંગે અભ્યાસું પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનાં પરિણામ સ્વરૂપ સિંહો પોતાના ગુમાવેલા ક્ષેત્ર પર પુન: આધિપત્ય જમાવી રહયાં છે. હાલ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લામાં કુલ ૧૬ હજાર ચો.કી.મી. માં સિંહોનાં વિસ્તરણની પ્રક્રિયા સતત ચાલુજ છે.

અહીં લોકોનો સિંહ પ્રત્યેનો અતુટ નાતો અને પ્રેમ પણ મહત્વનું પૂરક બળ બન્યાં છે. માણસ અને સિંહોનું સહઅસ્તિત્વ સદિઓથી ચાલ્યું આવતું હોય કયારે માનવોને નુકસાન પહોંચાડયું નથી કે તેની એ પ્રકૃતિ પણ નથી ત્યારે સિંહોની સાથે કેવી રીતે વર્તવુ વિગેરે વિષે લોકજાગૃતિ લાવવામાં મીડીયા જ સિંહ ફાળો આપી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ગીરમાંથી બહાર જતાં સિંહો પરત આવતા નથી

ગીરમાંથી બહાર જતાં મોટાભાગનાં સિંહો ફરી ગીરમાં આવતા નથી અને જે વિસ્તારમાં જાય છે ત્યાં ખોરાક, પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહેતાં સ્થાયી થઇ જતાં હોય છે. જોકે ગીરના સિંહો અન્ય જગ્યાએ ન જતા હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું હોવાનું ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.

વૈકલ્પિક વસ્તીનો વિકાસ : સંરક્ષણ જરૂરી

સિંહો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, પાણીયા અભયારણ્ય તેમજ ગીરનાર, મીતિયાળા, બાબરા વિડી, છારા - સુત્રાપાડા, જાફરાબાદ અને રાજુલાનું દરિયાઇ જંગલ, લીલીયા વિસ્તારમાં આવેલા છે. છ આશ્રિત વસ્તીમાંથી મહુવા, જેસોર, પાલિતાણા, હિ‌પાવડલી ઝોન, શેત્રુંજી નદી, ભાવનગર વિસ્તાર ગીરથી ૬પ કિમી નજીક આવેલ છે અને કેન્દ્રસ્થ વસતી સાથે જોડાયેલ નથી પરંતુ વૈકલ્પિક વસતી છે ત્યારે અનામત સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવા જરૂરી બન્યા છે.

૧૧૪ સિંહોએ ગીર અભયારણ્યની બહાર સામ્રાજ્ય તૈયાર કરી લીધું છે.

સરકાર હવે ગીર બહાર સિંહોના આવાસ માટે વિચારી રહી છે પણ

વનરાજો સરકારી વ્યવસ્થાના મહોતાજ નથીઃ સરકાર વૈકલ્પિક રહેણાંક તૈયાર કરે કે ન કરે સ


અમદાવાદ, સોમવાર
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં કેટલાક સિંહોને ખસેડવાના હુકમ આપી દીધા પછી ગુજરાત સરકાર સિંહ મુદ્દે થોડી-ઘણી સક્રિય બની છે. ગીરની બહાર નીકળી રહેલા સિંહો માટે વૈકલ્પિક આવાસ તૈયાર થશે એવુ આશ્વસન સરકારે વધુ એક વખત આપ્યું છે. જોકે સિંહોને કદાચ સરકાર પર વિશ્વાસ રહ્યો નથી કેમ કે અત્યાર સુધીમાં સિંહોના સંવર્ધન માટે બહુ સરળતાથી લઈ શકાય એવા પગલાં પણ લેવાયા નથી. અલબત્ત, સિંહો સરકારી વ્યવસ્થાના મોહતાજ નથી. વનરાજોએ સરકારી સહાયની રાહ જોયા વગર પોતાનો મારગ અને સામ્રાજ્ય ઉભુ કરી લીધુ છે.
ગીર નેશનલ પાર્ક (રાષ્ટ્રીય ઉદ્યાન) ૨૫૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે, જ્યારે ગીર અભયારણ્ય ૧૪૧૨ ચોરસ કિલોમીટરનું છે. ૪૧૧ સિંહો માટે આ જગ્યા ઘણી ઓછી છે. આટલા વિસ્તારમાં વધુમાં વધુ ૩૦૦ સિંહો રહી શકે. જોકે સિંહોએ સમજદારી દાખવીને ગીર બહારના વિસ્તારમાં પોતાનો નવો વિસ્તાર શોધી લીધો છે. મિતિયાળા, ગિરનાર, પાણિયા, ઉના-કોડિનારની દરિયાઈ પટ્ટી, અમરેલી-સાવરકુંડલા વગેરે વિસ્તારોમાં સવાસો જેટલા સિંહોએ સ્વયંભૂ રહેણાંકો તૈયાર કરી લીધા છે.
વન વિભાગે તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ગીરના સિંહો ફેલાઈને ૧,૦૫૨ ગામડા સુુધી પહોંચ્યા છે. સિંહોની હાજરી હોય એવો કુલ વિસ્તાર ૧૬ હજાર ચોરસ કિલોમીટર કરતા વધી ગયો છે. ફરતી બાજુ ફેલાતા સિંહો ગોંડલ, વેળાવદર, ભાવનગર.. વગેરે મથકોની ભાગોળ સુધી પહોંચી ગયા છે. જૂનાગઢ અને જેતપુરને જોડતા સ્ટેટ હાઈવે પર સતત વાહનોની અવર-જવર વચ્ચે પણ સિંહો ડોકાતા રહે છે. ૨૦૧૦માં તો એક સિંહણ છેક ધોરાજી તાલુકાના નાની પરબડી ગામની સીમ સુધી પહોંચી હતી. ગિરનારનુ જંગલ ત્યાંથી ખાસ્સુ દુર છે.
ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સજીવ તેની આસપાસના વાતાવરણ-સંજોગોને અનુકૂળ થાય તો જ ટકી શકે. સિંહોએ પણ પોતાની આસપાસના વાતાવરણને અનુકૂળ થવાનું શરૃ કરી દીધું છે. પરિણામે ગીરના સિંહો એશિયાઈ સિંહો હોવા છતાં તેના પેટા પ્રકારો પાડી શકાય એટલી હદે અલગ પડી ગયા છે. સાવરકુંડલા-અમરેલી-લિલિયા વિસ્તારમાં રહેતા સિંહોનો ગીરના સિંહો સાથે કોઈ લેવા-દેવા નથી. એ રીતે ગીરના જ વિવિધ વિભાગોમાં વિસ્તરેલા સિંહોએ પોતપોતાનું નાનું એવુ પણ અલગ રજવાડુ ઉભું કરી લીધું છે. સિંહોને ટકી રહેવા માટે પાણી, પાંખુ જંગલ, બચ્ચાંઓ માટે સલામતી અને સ્થાનિક લોકોનો સહકાર એટલી ચીજોની જરૃર પડે છે. ગીર બહાર નીકળેલા બધા સિંહોને આ બધુ જ મળી રહેતા ગીર બહાર પણ તેમની વસતી વધી રહી છે.
ગુજરાત સરકાર હવે આ બધા મુદ્દાઓ સુપ્રીમમાં રજુ કરવા જઈ રહી છે. હકીકતે પહેલેથી જ સિંહોની સમસ્યાને ગંભીરતાથી લઈ આ મુદ્દાઓની રજુઆત થઈ હોત તો કદાચ સિંહોને ગીર બહાર મોકલવા સુધી વાત પહોંચી ન હોત.
છેલ્લી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૪૧૧ છે. એ પૈકીના ૨૯૭ સિંહો ગીર અભયારણ્ય અને અભયારણ્ય વચ્ચે આવેલા નેશનલ પાર્કમાં રહે છે. ૧૧૪ જેટલા સિંહોએ ગીર બહાર પોતાની રીતે જંગલની 'શાખા'ઓ ખોલી લીધી છે. સિંહ જ્યાં પહોંચ્યા છે એ સિંહોના નવા રહેણાંકો નથી. વર્ષો પહેલા સિંહો આ બધા વિસ્તારમાં વિચરતા હતાં. પણ ઘટતા જંગલોને કારણે સિંહોનું ગીરમાં કેન્દ્રિયકરણ થયુ હતું. હવે ફરી સિંહો પોતાના જુના આવાસોમાં રહેવા લાગ્યા છે.
http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gir-sanctuary-has-been-developed-out-of-the-empire

Friday, July 12, 2013

જંગલખાતાનું જડ વલણ, ૪૫ વિઘા કપાસ ઉખેડી નાંખ્યો.


Bhaskar News, Talala | Jul 03, 2013, 01:05AM IST
- તાલાલા પંથકનાં અમૃતવેલ (ગીર)ગામની સીમમાં જંગલખાતાનું જડ વલણ
- ફોરેસ્ટ સેટલમેન્ટનાં નીયમ હેઠળ જમીન કોર્ટે ખાલસા કરી: મૂળ માલીકને જાણ કર્યા વગર વન વિભાગે ખેતર ખેદાન-મેદાન કરતાં લોકરોષ


તાલાલા તાલુકાનું અમૃતવેલ (ગીર) ગામ ફોરેસ્ટ સેટલમેન્ટ હેઠળ આવે છે. આ ગામનાં કડવા પાટીદાર પરિવારની આવેલી ૪૫ વિઘા જમીનમાં વાવેલા કપાસનાં પાકને ઉખાડી કાઢી વન વિભાગે જમીનમાં રોપાનું વાવેતર કરી નાંખ્યું. અને ખેતરમાં આવેલા બોરમાંથી પાણીની મોટરો કાઢી લઇ ગયા. જમીનનું ભાગીયું કરતી વ્યક્તિ પાસેથી વન વિભાગે કબ્જો લઇ ખેતરમાં ખેદાન-મેદાન કરી નાંખતા જંગલખાતાનાં જડ વલણથી વન વિભાગ સામે લોકરોષ ઉઠ્યો છે.

અમૃતવેલ (ગીર) માં રામજી દેવદાસ ગોથીની માલિકીની સર્વ નં. ૪૧/૪૨ મળી કુલ ૪૫ વિઘા જમીન આવેલી છે. જમીનનાં મુળ માલીક રામજીભાઇ અને તેનાં પુત્ર જેઠાભાઇનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું છે. આથી આ જમીનમાં સીધી લીટીનાં વારસદાર તરીકે મૃતક જેઠભાઇનાં વિધવા પત્ની રાધાબેન બહારગામ રહે છે. પરિણામે જમીનનું ખેડ કામ ગામનાં બાવાજી ત્રીકમભાઇ સંભાળે છે.

વન વિભાગનાં સેટલમેન્ટ હેઠળનાં નિયમો મુજબ સેટલમેન્ટ ફોરેસ્ટ એરીયામાં આવતી જમીન જેમને મળી હોય એ જમીનનું ખેતીકામ કરી રોજી રોટી પ્રાપ્તકરે. આ જમીનનું ભાગીયું આપી શકાયું નથી. જમીનનું ખેતીકામ સંભાળતા ત્રીકમભાઇએ હાઇકોર્ટમાં જમીન પોતાના નામે કરવા અરજી કરી હતી. પરંતુ કોર્ટે જમીન ત્રીકમભાઇનાં નામે ન થઇ શકે તેમ જણાવી જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો હતો.

બીજી તરફ જમીનનાં મુળ માલીકનાં સીધી લીટીનાં વારસદાર વિધવા રાધાબેને જમીન ઉપર પોતાનો કાયદેસરનો હક્ક થતો હોઇ જમીન તેમના નામે કરવા માલીકી હક્ક પ્રાપ્તકરવા વેરાવળ કોર્ટમાં અરજી કરી હતી. અને ગીર પશ્ચિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકને લેખિત જાણ કરી હતી.

પરંતુ વન વિભાગનાં અધિકારીઓએ મુળ માલીક વિધવા રાધાબેનને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના ગઇકાલે જેસીબી, ટ્રેકટરો અને મજૂરોના કાફલા સાથે સાસણનાં ઇન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાએ અમૃતવેલ  આવી જમીનમાં ઉગેલો ૪૫ વિઘાનો કપાસનો પાક ઉખેડી ફેંકી દીધો. ખેતરમાં આવેલા બોરમાંથી ઇલેકટ્રીક મોટરો કાઢી લીધી. અને કુવો પુરવાની કામગીરી અધુરી રાખી વાડીમાં બનાવેલું ઝુંપડુ તોડી નાખ્યું હતું. જંગલખાતાનાં આવા જડ વલણથી અમૃતવેલ ગામ ઉપરાંત ગીર પંથકનાં ખેડૂતોમાંથી ભારે રોષ ઉઠયો છે.

- મૂળ માલીકનાં વારસને જમીન મળશે ?

અમૃતવેલની સર્વે નં. ૪૧/૪૨ ની જમીન ખેતીકામ કરતા ત્રીકમભાઇએ માલીક જેઠાભાઇએ જમીન દાનમાં આપી હોવાની રજૂઆત સાથે કોર્ટમાં અરજી કરી હતી. એ અરજી ફગાવી કોર્ટે જમીન ખાલસા કરી. પરંતુ જમીનનાં વારસદાર વિધવા રાધાબેનએ જમીન તેમનાં પતિએ કોઇને દાનમાં આપી હોઇ તેની પોતાને કશી જાણ નથી.

આ જમીન ઉપર પોતે સીધી લીટીનાં વારસદાર હોઇ જમીન તેમની થવા વેરાવળ કોર્ટમાં અરજી કરી છે. ત્યારે વન વિભાગે મૂળ માલીકનાં વારસદારને કશી જાણ કર્યા વગર જમીનમાં રહેલ પાક ઉખેડી જમીનનો કબ્જો લઇ લીધો હોય વારસદાર વિધવા રાધાબેનને જમીન મળશે કે કેમ તે જોવું રહ્યું.