Wednesday, December 31, 2014

કામાતુર દીપડાએ કરેલા હુમલામાં દીપડીનું મોત.

Dec 31, 2014 00:13

  • ગુપ્ત ભાગે ઈજાના નિશાન અને સ્થળ ઉપર ઈનફાઈટના સગડ
સાવરકુંડલા : સાવરકુંડલાના આદસંગની સીમમાંથી ૩ વર્ષની દિપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તપાસ હાથ ધરી હતી.જેમાં દિપડીનું મૃત્યુ ઈનફાઈટમાં થયુ હોવાનું ખુલવા પામેલ હતું.સાવરકુંડલાથી ૨૫ કિલોમીટર દુર આવેલા આદસંગની સીમમાં આજે સવારે રેવન્યુ વિસ્તારમાંથી એક દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના પગલે વનવિભાગના મિતિયાળાના ફોરેસ્ટર જોષી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.જેની તપાસમાં સ્થળ ઉપરથી ૩ વર્ષની દિપડી હોવાનું માલુમ પડયુ હતું તેના મૃતદેહને પીએમ માટે જસાધાર ખસેડેલ હતું.મૃતક દિપડીના ગુપ્ત ભાગે ઈજાના નિશાન અને સ્થળ ઉપર ઈનફાઈટના સગડ મળ્યા હતા.તેના ઉપરથી એવુ જણાય આવ્યુ હતુ કે પ્રણયક્રીડા સમયે દિપડા સાથે ઈનફાઈટ થઈ હોવી જોઈએ.જેમાં ગંભીર રીતે ધવાયેલી દિપડીનું મૃત્યુ થયુ છે.આ ઘટના મોડી રાત્રે બની હતી અને સવારે દિપડીનો મૃતદેહ મળ્યો હતો.
આદસંગ ગામની પાસેના રેવન્યુ વિસ્તારમાં દિપડાઓનો વસવાટ છે, ત્યારે તેમાથી કોઈ એક દિપડાએ આ દિપડી ઉપર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.

ધારીના સરસીયામાં સિંહ પરિવારે ગાય અને વાછરડાનું મારણ કર્યું.


Dec 31, 2014 00:02
ધારી : ધારી તાલુકાના સરસીયા ગામમાં ગઈ કાલે રાત્રે ત્રાટકેલા સિંહ પરિવારે એક ગાય અને વાછરડાનું મારણ કરી નિરાંતે સવાર સુધી મિજબાની માણી હતી. મળતી માહિતી મુજબ સરસીયા ગામમાં ગઈ કાલે રાત્રે ૧૧.૪પ કલાકે સિંહ,સિંહણ અને ત્રણ બચ્ચાનો પરિવાર આવી ચડયો હતો.ગામમાં આવી ચડેલા વનરાજ પરિવારે ત્રાડ નાખી ગામ ગજવી મુકયું હતું.પ્રથમ રામજી મંદિર(ચોરા) નજીક એક વાછરડાનું મારણ કર્યું અને બાદમાં તુરત જ અનંતભાઈ જોશીના ઘરની સામે એક રેઢીયાળ ગાયનું મારણ કરી આખા પરિવારે સવાર સુધી નિરાંતે મિજબાની માણી હતી.સવાર થતા જ સિંહ પરિવાર ફરી જંગલમાં જતો રહ્યો હતો.
ગામમાં રાત્રે આવી ચડેલા સિંહ આખી રાત ત્રાડો નાખી ગામ ગાજતું રાખતા લોકોની ઉંઘ બગડી હતી.સવારે ધારી ફાચરીયાની એસટી બસ નીકળતા બસમાં બેઠેલા વિદ્યાર્થીઓએ પણ સિંહ દર્શનનો લાભ લીધો હતો. સવારે આ બનાવ અંગે ધારી,સરસીયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી,છતાં બપોર સુધી કોઈ અધિકારી ફરકયા ન હતા.સરસીયા ગામથી અડધો કિ.મી.સરસીયા રેન્જ અને દલખાણીયા રેન્જ બંનેની ઓફિસ આવેલી છે,છતાં બપોર સુધી કોઈ અધિકારી ફરકયા ન હોય લોકોમાં પણ આ બાબતે રોષ જોવા મળ્યો હતો.

અઠવાડિયાથી ગીરમાં ઈજા પામેલા સિંહને પકડવામાં વન તંત્ર નિષ્ફળ.

Dec 28, 2014 00:05
ઢીલી કામગીરીથી એશિયાટીક સિંહ અસુરક્ષિતઅમરેલી : ગીરપૂર્વના હડાળા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહની બાતમી મળ્યા બાદ એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં વન તંત્રના પાપે સિંહને સારવાર મળી નથી.
ધારી ગીર પૃર્વમાં હડાળા રેન્જના વિસ્તારમાં ઈન્ફાઈટમાં ઘવાયેલા અને કણસી રહેલા ઈજાગ્રસ્ત સિંહ અંગે વન વિભાગને સ્થાનિક માલધારીઓએ જાણ કરી હતી,પણ જે તે સમયે રેસ્કયુ ટીમ ઘણી જ મોડી પહોંચી હતી.બાદમાં આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં નિંભર વન તંત્ર દ્વારા આ ઘાયલ સિંહને શોધી કાઢીને સારવાર આપવામાં આવી નથી,પરિણામે ગીરમાં એશિયાટીક સિંહોની સલામતિના મુદે ગંભીર સવાલો ખડા થયા છે.
એક વર્ષ અગાઉ પણ હડાળા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહ અંગે બાતમી મળ્યા બાદ એક મહીના સુધી વન તંત્ર દ્વારા તેની સંભાળ ન લેવાતા સિંહનું મોત થયું હતું. જે મુદે વનપ્રેમીઓ દ્વારા છેક ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી.ત્યારે હડાળા રેન્જમાં સિંહોની સલામતિ ફરી ન જોખમાય તે માટે ઢીલી કામગીરી મુદે ઉચ્ચ અધિકારી દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી પ્રબળ માગણી ઉઠી રહી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે હડાળા રેન્જમાં ઘનઘોર જંગલ આવેલું છે અને આ વિસ્તાર શહેરથી દૂર હોવાના કારણે અહી પેટ્રોલીંગ માટે મુકાયેલા કર્મચારીઓ જંગલમાં જતા નથી.
ધારીમાં વન વિભાગના કર્મચારીઓને સ્ટાફ કવાટર ફાળવવામાં આવ્યા હોવા છતાં અને રાત્રી સમયે હેડકવાટરમાં ન છોડવા માટેની સ્પષ્ટ સુચના આપવામાં આવી હોવા છતાં કર્મીઓ હેડકવાટરમાં રહેતા નથી. પેટ્રોલીગ માટે દરેકકર્મીને બાઈક પણ આપવામાં આવ્યા છે. છતાં પેટ્રોલીંગ માત્ર કાગળ ઉપર જ થાય છે.આ ઘોર બેદરકારી મુદે તંત્ર પગલા લેશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ગીરને ગજવતો વનરાજ ઈજાની સારવાર માટે વનતંત્રનો મોહતાજ.

Dec 26, 2014 00:08

  • હડાળા નજીક જંગલમાં ત્રણ દિવસથી ઈલાજના વાંકે કણસતો સાવજ
અમરેલી :  હડાળાના જંગલમાં ત્રણ દિવસ પૂર્વે ઈજાના કારણે કણસી રહેલા સિંહ અંગે માલધારીઓએ વન વિભાગને જાણ કરવા છતાં સમયસર રેસ્કયુ ટીમ ન પહોંચતા ત્રણ ત્રણ દિવસ પછી પણ ઈજાગ્રસ્ત સિંહને સારવાર મળી શકી નથી.
આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ધારી ગીર પૃર્વમાં હડાળાના જંગલમાં ત્રણ દિવસ પૃર્વે ઈજાગ્રસ્ત હાલતમાં કણસી રહેલો એક સિંહ જોવા મળ્યો હતો. માલધારીઓ દ્વારા આ અંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પણ લાંબા સમય સુધી વન વિભાગની રેસ્કયુ ટીમ ન પહોંચતા સિંહ જંગલમાં અદ્રશ્ય થઈ ગયો હતો.
ત્રણ-ત્રણ દિવસથી આ ઈજાગ્રસ્ત સિંહ જંગલમાં હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ તેનું પગેરૃ મેળવી શકયા નથી.અગાઉ પણ ધારી ગીર પૂર્વમાં સમયસર સારવાર ન મળવાથી એક સિંહ અને એક દિપડાનું મોત થયું હતું. વન વિભાગના કર્મચારીઓને શિયાળાની ઠંડી લાગી ગઈ હોય તેમ માલધારીઓ દ્વારા જાણ કરવા છતાં પણ વન વિભાગના કર્મચારીઓ સમયસર પહોંચતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓની ઠંડી ઉડાડે તે જરૃરી છે.

ગીરપુર્વે વિસ્તારમાં બે માસમાં છ સિંહ અને પાંચ દિપડાના મોત.

Dec 26, 2014 00:04
જંગલમાં ખુલ્લા કુવા,વાડીઓમાં વીજ કરન્ટ વન્ય પ્રાણીઓ માટે જોખમી


અમરેલી : ધારી ગીર પૃર્વ અને આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ છેલ્લા બે માસના સમયગાળામાં છ સિંહ અને પાંચ દિપડાના મોત થયા છે,જયારે કુવામાં પડેલા ત્રણ દિપડાને બચાવી ૫ણ લેવામાં આવ્યા હતા.એક માત્ર ગીરમાં જ સિંહોનું અસ્તિત્વ હોવા છતાં અને ભુતકાળમાં ગુજરાતના સિંહો સલામત ન હોવાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાની એરણે ચડયો હોવા છતાં આજે પણ ગીરમાં સિંહ અને દિપડા સલામત નથી છતાં વનવિભાગનું પેટનું પાણીયે હલતું નથી.છેલ્લા બે માસમાં જ ઉપરા ઉપરી સિંહ દિપડા સહીતના વન્ય પ્રાણીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે તેમાં કુદરતી મોત કરતા માનવસર્જીત મોતનું પ્રમાણ વધું છે. થોડા દિવસ પહેલા બગદાણાના ધરાઈ ગામે ખેડૂત દ્વારા વાડીમાં વીજ કરન્ટ છોડવાના કારણે એક સિંહણ અને એક સિંહના બચ્ચા (પાઠડા)ના મોત થયા હતા. એ જ રીતે ખાંભાના માલકનેસમાં પણ સીમમાં ખેડૂત દ્વારા વીજ કરન્ટના કારણે દોઢ વર્ષની દિપડીનું મોત થયું હતું.થોડા દિવસ પૃર્વે એક બાળસિંહનું કુવામાં પડી જવાથી મોત થયું હતું.ખાંભાના પીપળલગ, તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જમાંથી અને ધારીના ગોવિંદપુર ગામેથી દિપડા દિપડીના મૃતદેહ મળી આવ્યા હતા.ધારીના જીરામાંથી પણ દિપડાનો મૃતદેહ મળ્યો હતો.કરમદડી રાઉન્ડમાંથી સિંહને પકડયા બાદ સારવારમાં મોત થયું હતું.શેત્રુંજી નદીના કાંઠેથી પણ સિંહનો મૃતદેહ મળ્યો હતો.રાજુલામાં આતંક મચાવનારી સિંહણનું જૂનાગઢમાં ભેદી સંજોગોમાં મોત થયું હતું. અધુરામાં પુરૃ હોય તેમ બે ત્રણ દિવસમાં રાજુલા ખાંભાના વડલી,વાવેરા અને જસાધાર રેન્જના વિસ્તારમાં ત્રણ દિપડા અકસ્માતે ખુલ્લા કુવામાં પડી જતા વન વિભાગે રેસ્કયુ ઓપરેશન કરી બચાવી લીધા હતા.આમ બે માસમાં છ સિંહ અને પાંચ દિપડાના મોત થયા હતા.જેના કારણે પ્રકૃતિપ્રેમીઓમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.ખુલ્લા કુવા સિંહ દિપડાની કબર બની રહ્યા છે.વન વિભાગ આવા કુવાઓનો સર્વે કરીને પાળ બંધાવવાની કામગીરી કરાવે તેવી માગણી ઉઠી રહી છે.

બૃહદગીરમાં હવે વન્યપ્રાણી મિત્રો રાખશે એશિયાટીક સિંહની દેખભાળ.

Dec 23, 2014 00:06

અમરેલી : બૃહદગીરમાં એશિયાટીક સિંહો અને વન્યપ્રાણીઓની દેખભાળ રાખવા માટે અમરેલી જિલ્લાના ગીરના રપ ગામોમાં વનવિભાગ દ્વારા જેતે ગામમાં જ રહેતા હોય તેવા વ્યકિતની વન્યપ્રાણી મિત્ર તરીકે ભરતી કરવામાં આવશે.
ગીરના જંગલમાં એશિયાટીક સિંહો સલામત ન હોવાના મુદે દેશભરમાં ટીકાનો ભોગ બનેલ વનવિભાગ કોઈ જ કસર છોડવા માગતું ન હોય તેમ વન્યપ્રાણીની સારસંભાળ માટે નવો પ્રયોગ હાથ ધરાયો છે. અત્યાર સુધી જંગલમાં રહેતા માલધારીઓ હંમેશા વન્યપ્રાણી મિત્ર તરીકેની ભૂમિકા બજાવતા આવ્યા છે. જંગલમાં ક્યાંય પણ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ બિમાર હોય, ઈજાગ્રસ્ત હોય, કૂવામાં પડી ગયા હોય, મારણ કર્યુ હોય કે મૃતદેહ પડયો હોય તેવા સંજોગોમાં માલધારીઓ દ્વારા તુરંત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે છે. ત્યારે આ ગ્રામજનોની સેવાને પ્રોત્સાહીત કરવા વનવિભાગ દ્વારા આ જ લોકોમાંથી ગામદીઠ એક વ્યકિતની વન્યપ્રાણી મિત્ર તરીકે નિમણૂક કરીને તેને માસિક વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
વનવિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ધારીગીર પૂર્વે વિભાગમાં પાણીયા રેન્જમાં પાણીયા, ચાંચઈ, ભાડેર, દલખાણીયા રેન્જમાં જીરા, શેતરડી, કાંગસા, જસાધાર રેન્જમાં ચોબતપરા, ભીંગરડા, જરગલી, દ્રોણ, કોબ, ઉમેજ, રાતડ, સાવરકુંડલા રેન્જમાં અભરામપરા અને તુલસીશ્યામ રેન્જમાં ચીખલકુબા, ગીદરડી, પીપરીયા, રૂગનાથપુર, લાસા, તાતણીયા, દલડી, નાનુડી, ધાવડીયા અને વડલી ગામે વન્યપ્રાણી મિત્રની ભરતી કરાશે. જે તે ગામમાં સ્થાનિક રહેવાસીને જ નિમણૂક અપાશે. તેમ ડી.એફ.ઓ અશુંમાન શર્માએ જણાવ્યું હતું.

ખુલ્લા કૂવામાં ખાબકેલાં દીપડીના બચ્ચાને બચાવાયું.

Dec 23, 2014 00:06

રાજુલા : રાજુલાના વાવેરા ગામની સીમમાં વ્હેલી સવારે ખુલ્લા કૂવામાં ખાબકેલ એક વર્ષના દીપડીના બચ્ચાને વનવિભાગની ટીમે રેસ્કયુ કરીને બચાવી લીધી હતી.
રાજુલાથી નવ કિ.મી દુર આવેલ વાવેરા ગામના જીલુભાઈ ધાખડીની વાડીમાં આજે વ્હેલી સવારે આંટા મારતુ એક વર્ષનું દીપડીનું બચ્ચુ ખુલ્લા કૂવામાં ખાબકયુ હતું. જેની વાડીમા કામ કરતા ભાગીયાને જાણ થતા તેણે વાડી માલિકને વાકેફ કરતા રાજુલા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે આરએફઓ ધાંધીયા સહીતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો વાડીમાં ખુલ્લો કૂવો ૧૦૦ ફુટ જેટલો ઉંડો અને ૬૦ ફુટ આશરે પાણી ભરેલુ હતુ તેમાં રેસ્કયુ કરી કૂવામાં ખાટલો ઉતારી ગાળીયો બનાવી દીપડીના બચ્ચાને પાંજરે પુરી બચાવી લેવાયુ હતું. આ રેસ્કયુ ત્રણેક કલાક ચાલ્યુ હતું. બચાવેલા બચ્ચાને સારવાર માટે જસાધાર મોકલવામાં આવ્યુ હતું. જાફરાબાદ તાલુકાના ભાડા ગામે કાનાભાઈની વાડીમાં આવેલા કૂવામાં એક નિલગાય પડી ગયાની જાણ થતા રાજુલા વનવિભાગની ટીમે તેને પણ રેસ્કયુ કરી બચાવી લીધી હતી.

વીજકરંટથી દીપડીનું મોત થતાં વાડીમાલિકની ધરપકડ, જેલહવાલે.

Dec 23, 2014 00:02

ખાંભા : ખાંભાના માલકનેસ ગામની સીમમાં વીજકરંટથી મૃત્યુ પામેલ બે વર્ષની દીપડીના મોત પાછળના જવાબદાર રહેલા વાડી માલિક ખેડૂત સામે આજે વનવિભાગે એફઆઈઆર નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરી જેલહવાલે મોકલવાનો હુકમ કર્યો હતો.
ખાંભાના માલકનેસ ગામે રહેતા રૂખડ નાજા વાઘેલા (ઉં.૪૨) નામના કોળી ખેડૂતની વાડી પાસેના દહેવાસ વિસ્તારમાંથી શનિવારની સાંજે વીજકરંટથી મૃત્યુ પામેલ હાલતમાં બે વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસના અગે આજે વિધિવત રીતે વનવિભાગે વાડી માલિક રૂખડ નાજા વાઘેલાની ધરપકડ કરી હતી. તેણે વનવિભાગ પાસે કબૂલાત મુજબ તેના ખેતરમાં કપાસ અને રજકાના પાકનું રક્ષણ કરવા માટે સિંગલ ફેઈઝની લાઈનના વીજતાર ગોઠવ્યા હતા અને તેનો વીજકરંટ લાગવાથી આ દીપડીનું મોત થતાં દીપડીના મૃતદેહને તેણે જ દહેવાસ વિસ્તારમાં ફેંકી દીધો હતો. આ અંગે ડીએફઓ અંશુમન શર્મા અને એસીએફ જાડેજાની સૂચનાથી રબારીકા ફોરેસ્ટર બી. બી. વાળા સહિતનાએ વીજવાયરો કબ્જે લીધા હતા.
વનવિભાગે વન્ય પ્રાણી સંરક્ષાણની કલમો હન્ટીંગ, સેકશન-૯ અનવયે એફઆઈઆર નોંધી આરોપી રૂખડ નાજાને ખાંભા કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ અને આરોપીના જામીન નામંજૂર કરતા તેને અમરેલી જેલમાં ધકેલી દેવાયો હતો. આ કેસમાં ત્રણ થી સાત વર્ષની સખત કેદની જોગવાઈ હોવાનું ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું.
  • ૨૦૦૫માં પાંચ સિંહના વીજકરંટથી થયા હતા મોત
રાજકોટ : ધારી ગીર પૂર્વેના ધારીના પ્રેમપરા વિસ્તારમાં વર્ષ ૨૦૦૫ના વર્ષમાં આ જ રીતે વીજકરંટ લાગવાથી એકીસાથે પાંચ સાવજોના મોત થયા હતા જેમાં વાડી માલિક દુર્લભજી વાડદોરીયા, તેના પુત્ર, ભાગીયા સહિતના ચારની વનવિભાગે ધરપકડ કરી હતી. ખેડૂતે પાંચેય સાવજોને તેના જ ખેતરમાં ખાડો ખોદી દાટી દીધા હતા. જે કેસમાં ખેડૂતને કોર્ટે સખત સજા ફટકારી હતી.

બિમાર પશુઓના ફેંકાતા મૃતદેહના ભોજથી બૃહદગીરના સાવજોમાં રોગચાળાની ભીતિ.

Dec 22, 2014 00:01

  • લીલીયા વિસ્તારમાં વસવાટ કરતાં વન્યપ્રાણીઓને વાયરલ બિમારી લાગવાનો ખતરો
લીલીયા :  ગીર અભ્યારણ અને બૃહદગીર નજીકના વિસ્તારોમાં આવેલા વિસ્તારમાં ભયંકર બિમારીના કારણે પશુઓના મોત થયા પછી ભામમાં ખુલ્લામાં મૃતદેહો ફેંકી દેવામાં આવે છે જેની ગંધથી સિંહો અને અન્ય પ્રાણીઓ અસંખ્ય પડેલા મૃતદેહો સુધી ખોરાક મેળવવા પહોંચી જાય છે. જેથી સિંહો અન્ય વન્યપ્રાણીઓ પર વાયરલ ઈન્ફેકશન અને પ્રોટોઝુઅલ ઈન્ફેકશનના કારણે સ્ત્રોત થવાનો ખતરો હમેશા મંડરાતો રહે છે. યોગ્ય પગલાં લેવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.
ગીર અભ્યારણ અને બૃહદગીર વિસ્તારમાં અનેક જગ્યાએ ગાયોનો વસવાટ છે જેમાં મોટા પ્રમાણમાં ગાયો સહિતના પશુઓને નિભાવવામાં આવી રહ્યા છે. તે ખરેખર સરાહનીય કામગીરી ગણાવી શકાય પણ ગાયો અને અન્ય પશુઓ મૃત્યુ પામે છે તેમાં મોટાભાગે ભયંકર બિમારીનો ભોગ બનેલી ગાયો અન્ય પશુઓ મોતને ભેટતા હોય છે. જે મૃતદેહો સંચાલકો ખુલ્લામાં પશુઓના મૃતદેહો ફેકી દેતા હોવાથી ગીર અભ્યારણ અને બૃહદગીર વિસ્તારની નજીક વસવાટ કરતા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ મૃતદેહોની ગંધ મેળવી પડલા મૃતદેહો સુધી મારણ ખાવા પહોચીં જતા હોય છે. મોટાભાગે ગંભીર બિમારીઓના કારણે ગૌશાળામાં પશુઓના મોત થતા હોય છે. જે ખાવાથી મહામુલા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓમાં વાયરલ ઈન્ફેકશન અને પ્રોટોઝુઅલ ઈન્ફેકશન થવાના કારણે મોત થવાનો ખતરો હમેશા મંડરાતો રહેતો જોવા મળી રહ્યું છે અને ખુલ્લામાં નખાતા મૃતદેહોના કારણે માનવ વસવાટમાં નાની મોટી બિમારીઓ અને દુર્ગંધ યુકત વાતાવરણ જોવા મળી રહે છે. તેવા સમયે વનતંત્ર અને આરોગ્ય વિભાગે નક્કર પગલાં ભરી પશુઓના મોતબાદ મૃતદેહોને ખુલ્લામાં ન ફેકવા પશુઓના મોતબાદ મૃતદેહો પરથી ચામડુ ઉતારી લઈ મૃતદેહને જમીનમાં દફનાવી દેવો જોઈ અથવા તો તેનો નિકાલ કરવો જોઈએ ઘણી વાર ભામમાં પડેલા પશુઓના મૃતદેહો કુતરા ખાવા પહોચીં જતા હોય છે પાછળથી સિંહો પણ આ મૃતદેહો ખાવા આવી જતા હોય છે જેના કારણે કુતરામાંથી મળી આવતો બેકટેરીયા કેનાઈન ડિસ્ટેમ્પર નામનો વાયરલ પણ સિંહોના મોતનું કારણ બની શકે છે. આ અંગે લાયન નેચર ફાઉન્ડેશન પ્રમુખ મનોજ જોષીએ પી.સી.સી.એફ, શ્રી સી.એન.પાંડે અને આરોગ્ય વિભાગને લેખીત રજૂઆતો કરેલ છે.

ખેડૂતે ગોઠવેલા વીજ કરંટથી બે વર્ષની દિપડીનું મોત : ૩ની અટકાયત.

Dec 22, 2014 00:01

  • પી.એમ.માં વીજ કરંટથી મોત થયાનું ખુલતા વનવિભાગને આસપાસના વાડી માલિકોની પૂછતાછ
ખાંભા : ખાંભાના માલકનેશ ગામની સીમમાં દેહવાહ વિસ્તારમાંથી મળી આવેલ બે વર્ષની દિપડીના મૃતદેહને વનવિભાગે પી.એમ. કરાવતા દિપડીનું મોત વીજકરંટથી થયું હોવાનું ખુલતા ખાનગીરાહે તપાસ કરાવતા આસપાસના વાડી માલિકોએ ખેતરમાં ગોઠવેલા વીજતારથી મોત થયાનું જણાતા વનવિભાગે ત્રણ જેટલા વ્યક્તિની અટક કરી તપાસ શરૃ કરી છે.
શનિવારની સાંજે ખાંભાથી ૧૬ કિ.મી. દૂર આવેલા માલકનેશના રૃખડભાઈ વાઘેલાની વાડી પાસેના વિસ્તારમાંથી બે વર્ષની દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતાં ખાંભા આરએફઓ ડી.જી. ઝાલાએ મૃતદેહને કબજે લઈ જશાધાર પીએમ માટે ખસેડેલ હતો જેમાં દીપડીનું મોત વીજ કરંટથી થયું હોવાનું ખુલ્યું હતું.
આ અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે આ ઘટનાના પગલે અમારા સ્ટાફે ખાનગીરાહે તપાસ કરાવી આસપાસના વાડી વિસ્તારમાં ખેતરમાં તલાશી દરમિયાન ઈલેક્ટ્રીક વીજતાર મળી આવતા તે મુદ્દામાલ જપ્ત કર્યાે છે અને વાડી માલિક સહિતના ત્રણ જેટલા વ્યક્તિની હાલ અટકાયત કરીને પૂછપરછ શરૃ કરી છે.
પાકને બચાવવા માટે ખેડૂતે ખેતરના ફરતે વીજતાર ગોઠવ્યા હતા તે વીજ કરંટથી આ દિપડીનું મોત થયા બાદ ખેડૂતે મૃતદેહને દેહવાડી વિસ્તારમાં ફેંકી દીધો હોવાનું અનુમાન છે. સ્થળ પર જ દિપડીના મળત્યાગના નમુના એકઠા કરી પુરાવારૃપે કબજે લીધા છે જે અંગેની આગળ તપાસ હજુ શરૃ હોવાનું ડીએફઓએ જણાવ્યું હતું.

તાલાલા પંથકના દેશી ગોળની સોડમ, ૧પ હજાર લોકોને મળતી રોજગારી.

Dec 30, 2014 00:26

  • ધમધમતા રપ૦ થી વધુ રાબડા : શેરડીની સાથે ઘઉંનો આંતરપાક લઈને બોનસ આવક મેળવતા કિસાનો
જૂનાગઢ : સૌરાષ્ટ્રના ગામડાના વિસ્તારોમાં એક સમયે શિરામણમાં ગોળ-ઘી અને ચુરમુ જ લેવાતુ.પરંતુ ચા ની આદતે શહેરની સાથે ગ્રામ્યના લોકો પણ ચા-ભાખરી અને ચા-રોટલીની આદતવાળા થતા જાય છે. અને પરંપરાગત પૌષ્ટીક ખોરાક ગોળનું ખોરાકમાંથી પ્રમાણ ઓછુ થયુ તેનુ સીધુ પરીણામએ આવ્યુ આજે કુ-પોષણનો ભોગ બને છે.
સિંહ, શેરડી અને કેસર કેરી માટે પ્રસિધ્ધ તાલાળા વિસ્તાર દેશીગોળનાં ઉત્પાદનમાં પણ મોખરે છે. અહિંની ફળદ્રુપ જમીનમાં શેરડીનું વિપુલ ઉત્પાદન થાય છે. તેમાંથી બનતો દેશીગોળ આરોગ્ય વર્ધક હોવાની સાથે શ્રેષ્ઠ છે. આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, પ્રાચી અને આસપાસના વિસ્તારમાં રપ૦ થી વધુ રાબડા ર૪ કલાક ધમધમે છે.જેમાં દરરોજ રપ૦૦ જેટલા ગોળના ડબાનું ઉત્પાદન થાય છે. અને ૧પ૦૦૦થી વધુ લોકોને રોજગારી મળે છે.
સૌરાષ્ટ્રના શેરડી પકવતાં બધા વિસ્તારોમાં ગોળનું ઉત્પાદન થાય છે. પરંતુ તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લાનાં ૧૩,૧૦૦ હેકટર જેટલાં વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે. મદદનીશ ખેતીવાડી અધિકારી દિપક રાઠોડે જણાવ્યું છે કે, અન્ય સ્થળોએ ગોળના ડબાના બદલે ભીલા બને છે જ્યારે કણીદાર અને વિશેષ સોડમ ધરાવતો દેશી ગોળ પ્રસિધ્ધ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને શેરડીના વાવેતર સાથે સંકળાયેલા શૈલેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, અહિંના ખેડૂતો શેરડી સાથે ઘઉં સહિતનો આંતર પાક પણ મેળવી જમીનનો મહતમ ઉપયોગ કરે છે. અને હવે તો ઓર્ગેનીક પધ્ધતીથી રાબડાવાળા બિલકુલ દવા વગરના ગોળનું પણ પ થી ૧૦ કિલોના પેકિંગમાં ઉત્પાદન સાથે વેંચાણ કરે છે.
  • કેવી રીતે બને છે દેશી ગોળ ??
જૂનાગઢ ઃ શેરડીના રસને ક્રમબધ્ધ ચાર ઉકળતા તાવડામાં કાઢી આગળ વધારતા છેલ્લે ગોળ ચોકીમાં ઠાલવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં દેશી ભીંડીના રસને શેરડીના રસમાં નાખતાં ગોળ કેસરી ઝાંય વાળો થાય અને રસમાંથી મેલ દૂર થાય છે. ઉપરાંત હાઈડ્રો અને પાપડી પણ નખાઈ છે. જેનાથી ગોળ સફેદ થાય છે. ગરમ ગોળ ચોકીમાં કાઢી તેને પાવડીથી ઘુંટી ગોળના ડબામાં ભરાય છે. અને ડબાઓ વેપારીઓના માધ્યમથી સમગ્ર દેશમાં પહોંચે છે. દેશી ગોળ બનાવતા આ રાબડા ૪ થી પ માસ સુધી ૧પ હજાર લોકોને રોજગારી આપે છે.

૧૦૦ ગામ માટે વન અધિકાર સમિતિ, પણ તેણે કામગીરી શં કરવી ?

Dec 27, 2014 00:07

  • લાભ આપવાને બદલે અધિકારો ઝૂંટવાઈ રહ્યાંનો દલિત સંગઠનનો આક્ષેપ
તાલાલા : તાલાલા પંથક સહિત ગિર સોમનાથ જિલ્લામાં વન અધિકાર કાયદા હેઠળ ૧૦૦ ગામો માટે વન અધિકાર સમિતિ બનાવાઈ છે, પરંતુ આ સમિતિઓએ શું કામગીરી કરવી તે ની કોઈ માહિતી પ્રશાસન તરફથી અપાઈ નથી. ઉપરાંત પ્રજાને અધિકારો આપવાને બદલે ઝુંટવાઈ રહ્યાં હોવાનો આક્ષેપ દલિત સંગઠન દ્વારા કરાયા છે.
ગિર સોમનાથ જિલ્લા સૌરાષ્ટ્ર દલીત સંગઠનના પ્રમુખ જેઠાભાઈ સોસાના જણાવ્યા પ્રમાણે વન અધિકાર કાયદો-૨૦૦૬ અંતર્ગત ગિર સોમનાથ જિલ્લાના ૧૦૦ ગામોમાં વન અધિકાર સમિતિની રચના કરવામાં આવી છે.
પરંતુ સમિતિએ શુ કામગીરી કરવાની ? કેવી રીતે કરવી ? તેની કોઈ માહિતી પ્રશાસન તરફથી સમિતિઓને આપવામાં આવી નથી.
જેના કારણે આ જિલ્લામાં ખેતીની જમીન અને રહેણાંક મકાનો અંગે વન વિભાગ સામે ચાલતા વાદ વિવાદનો કોઈ ઉકેલ આવેલ નથી. એટલું જ નહીં વન અધિકાર કાયદાગ્રામ્ય પ્રજા તથા ખેડૂતોને પ્રાપ્ત થતાં અધિકારો આપવાને બદલે પ્રજા અને ખેડૂતોના અબાધીત અધિકારો વન વિધાગે છીનવી રહ્યું હોવાનો ખૂલ્લો આક્ષેપ કરી આ સગઠને તપાસની માગણી કરી છે.
આ અગ્રણીએ વન કાયદા હેઠળ મળેલા અધિારોની અમલવારી કરવા અને વન અધિકાર સમિતિને તેમની ફરજની વિગતો અને જરૃરી સાહિત્ય સાથે સમિતિઓને કાર્યરત કરવાની માગણી કરાઈ છે.

ક્રિસમસ ઇફેક્ટ : ગિરનાર પ્રવાસીઓથી છલોછલ.

Dec 26, 2014 00:09


  • નાતાલની રજા માણવા હજ્જારો લોકો ઉમટી પડયાઃ સીડી ઉપર અમુક જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહોતી
જૂનાગઢ :  શિયાળાની ઠંડી વચ્ચે આજે નાતાલ પર્વની રજા નિમિત્તે જૂનાગઢના ગિરિવર ગિરનાર ઉપર પ્રવાસીઓની સારી એવી ભીડ રહી હતી. ગિરનાર ઉપરથી નીચે આવેલા પ્રવાસીઓ શહેરના ફરવા લાયક સ્થળોએ પહોંચી ગયા હતાં. પરિણામે અહી પણ ચિક્કાર ગીરદી જોવા મળી હતી.
દર વર્ષે નાતાલની રજાના દિવસે સૌરાષ્ટ્રના જાણિતા ફરવા લાયક સ્થળ બનેલા ગિરનાર પર્વત ઉપર હજ્જારો પ્રવાસીઓ આવી પહોંચે છે. આ પરંપરા અનુસાર આજે પણ વહેલી સવારથી યાત્રિકો ગિરનાર ચડવા આવી પહોંચ્યા હતાં. સીડી ઉપર અમુક જગ્યાએ તો પગ મૂકવાની જગ્યા રહી નહોતી. નીચેથી છેક ઉપર સુધી પ્રવાસીઓએ લાઈનમાં જવું પડયું હતું. અંબાજી, ગોરખનાથ શિખર, દત્તાત્રેય શિખર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર, નેમીનાથ વગેરે ધર્મસ્થળોએ ભીડ જોવા મળી હતી. વહેલી સવારે પર્વત ઉપર જઈને બપોર સુધીમાં પરત નીચે આવી ગયેલા પ્રવાસીઓ શહેરના ફરવા લાયક સ્થળો સક્કરબાગ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો વગેરે જગ્યાએ પહોંચી ગયા હતાં. સ્થળો જોવા માટે મોડી સાંજ સુધી લોકોની કતારો રહી હતી.
દર વરસે જૂનાગઢના ગિરનાર ઉપર પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે ત્યારે આ વખતે પણ દિવાળી પછી નાતાલ પર્વમાં પણ દુર દુરથી આવતા પ્રવાસીઓ ઉમટી પડયા છે અને જેને લઇને બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

દરવાજો ખુલ્લો જોઈને દીપડી ઘરમાં ઘૂસી ગઈ, રેસ્ક્યૂ કરી પકડી લેવાઈ.


Dec 24, 2014 00:21
કોડીનાર : કોડીનારના કોટડાબંદરે એક મકાનમાં દીપડી ઘૂસી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, આસપાસના લોકોએ સમયસુચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરી વનવિભાગને જાણ કરતા સ્ટાફે રેસ્કયુ કરીને ચાર કલાક બાદ દીપડીને પાંજરે પુરવામાં સફળતા મળતા સૌએ હાંશકારો અનુભવ્યો હતો. કોટડાબંદરના ભીંડીશેરીમાં આવેલા શમીબેન ભગવાનભાઈ ચાવડાના મકાનમાં સવારે ૧૧ વાગે એક વર્ષની દીપડી ઘૂસી ગઈ હતી સદભાગ્યે ઘરના લોકો બહાર હતા અને દીપડી ઘૂસી જવાની જાણ થતા ઘરના લોકોએ દરવાજા બંધ કરી જામવાળા વનવિભાગને જાણ કરતા એન.એમ.ભરવાડ, ગોપાલ રાઠોડ સહિતના લોકોએ તુરત જ કોટડાબંદરે પહોંચી જઈ દીપડીને પીંજરામાં પુરી લીધી હતી. કોટડાબંદર વિસ્તારમાં છેલ્લા ર૦ દિવસ દરમ્યાન દીપડા પકડવાનો આ ત્રીજો બનાવ છે. પહેલા બે બનાવમાં ગામની આસપાસ દીપડાના આટાફેરાના કારણે માજીસરપંચ બાબુભાઈ બારૈયાએ તંત્રને જાણ કરી બે અલગ-અલગ જગ્યાએથી દીપડી પકડયા હતા જયારે આજે દીપડી ઘરમાં ઘૂસી જવાના બનાવથી લોકોમાં ભય ફેલાયો હતો સદભાગ્યે કોઈ અનીચ્છનીય બનાવ નહી બનતા અને તંત્રએ દીપડી પકડી લેતા લોકોના શ્વાસ હેઠાં બેઠા હતા.વનરાજની થાળીમાં પડ્યો ત્રીજો ભાગ: વર્ચસ્વ વધારવા સિંહો પણ કરે છે ગઠબંધન.


વનરાજની થાળીમાં પડ્યો ત્રીજો ભાગ: વર્ચસ્વ વધારવા સિંહો પણ કરે છે ગઠબંધન

Arjun Dangar, Junagadh | Dec 31, 2014, 10:06AM IST
જૂનાગઢ: અગાઉ પોતાનાં જૂથમાં બે સિંહો રાજપાટમાં રહીને વર્ચસ્વ ધરાવતા પરંતુ હવે પોતાનું જુથ વધુ બળુકું બને અને બીજા જૂથ પર પણ વર્ચસ્વ વધારી શકાય એ માટે હવે એકસાથે ત્રણ વનરાજો મળીને અન્ય જૂથ પર આધિપત્ય જમાવવા પ્રયત્નશીલ બન્યા છે. આ પ્રકારનાં વર્તનમાં ફેરફાર હાલ બે જગ્યાએ જોવા મળ્યો હોવાનું સાસણ ગિરનાં ડીએફઓનાં નિરીક્ષણમાં જણાયું છે.

સાસણનાં ડીએફઓ ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, એકજૂથ પર બે નર સિંહનું આધિપત્ય હોય છે. અને આ રીતે એકથી લઇને 7 ગૃપનું એક મોટો સમુહ (પ્રાઇડ) બને છે. હાલ ગિર જંગલમાં આવા 60 સમુહો છે. અને આ સમુહો પર બે નર સિંહ રાજ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્યારેય ન જોયો હોય એ પ્રકારનો સિંહોનાં વર્તનમાં બદલાવ જોવા મળ્યો છે. હાલ કમલેશ્વર  ડેમ વિસ્તાર અને વિસાવદર તરફ આ પ્રકારે 3-3 રાજા ધરાવતા બે સમુહો જોવા મળ્યા છે. સામાન્ય રીતે આ બાબતથી એવું સ્પષ્ટ કહી શકાય કે, સિંહોએ પણ નક્કી કર્યું છે કે, દો સે ભલે તીન. કારણકે, જંગલની અંદર બુદ્ધિશાળી નહીં, પરંતુ શક્તિશાળી હોય એ જ રાજ કરે.
 
વર્ચસ્વની લડાઇ સારી બાબત છે : ડીએફઓ

ડીએફઓ સંદિપકુમાર કહે છે, સિંહો વચ્ચે ઇન્ફાઇટનાં બનાવો બને છે એ ખરાબ બાબત નથી. ઉલ્ટું તેનાથી વર્ચસ્વવાળા અને સુપિરીયર જીન્સ બહાર આવે છે. તેનાથી સિંહોની વસ્તીમાં પણ વધારો થાય છે. અને સારું જીન્સ જ નવી નસ્લમાં હોય છે.
 
આગળ વાંચો, 40 ટકા વસ્તી યુવાન સાવજોની, કમલેશ્વર ડેમ પાસે 3 નરનું મોટું સામ્રાજ્ય, રાજાઓ વચ્ચે સમાન વ્હેંચણી થાય
40 ટકા વસ્તી યુવાન સાવજોની

હાલ ગિરનાં જંગલમાં 40 ટકા વસ્તી યુવાન સિંહોની છે. આ સિંહો આવનાર વર્ષોમાં મોટાપાયે બ્રિડીંગ કરશે. આથી સિંહોની વસ્તી વૃદ્ધિનો દર વધશે. વળી પહેલાં સિંહણનાં બચ્ચાં પૈકી એકાદ માંડ જીવી શકતું. હવે એ મૃત્યુદર ઘટ્યો છે.

કમલેશ્વર ડેમ પાસે 3 નરનું મોટું સામ્રાજ્ય

કમલેશ્વર, ખોખરા, બાબરવા ચોક, આંબળા, વગેરે મળી આશરે 80 થી 90 ચોરસ કિમી વિસ્તારમાં 3 વનરાજોએ પોતાનું મોટું સામ્રાજ્ય સ્થાપવાનું શરૂ કર્યું છે. અને બીજા 3 સમુહની 6 માદાઓને પોતાનાં વર્ચસ્વમાં લઇ તેની સાથે બ્રિડીંગ કર્યું છે.
રાજાઓ વચ્ચે સમાન વ્હેંચણી થાય

ડો. સંદિપકુમાર વધુમાં કહે છે, એક ગૃપમાં નર અને માદા હોય તો તેમની વચ્ચે વ્હેંચણી સમાન ધોરણે થાય છે. પછી તે મેટીંગનો સમય હોય કે મારણ. તસુભારનો ફરક તેમાં રહેતો નથી. મેટીંગની બાબતમાં તો એક માદા સાથે એક નર જેટલો સમય વિતાવે બિલકુલ એટલોજ સમય બિજો અને ત્રીજો વિતાવે છે.

સાસણ (ગીર) ખાતે ગિર નૃત્ય સંગીત ઉત્સવનું આયોજન.

DivyaBhaskar News Network | Dec 30, 2014, 08:45AM IST
સાસણખાતે હોટેલ ગ્રીન પાર્કનાં પટાંગણમાં યોજાનારા ચાર દિવસીય ઉત્સવ પ્રવાસીઓનાં આનંદમાં વધારો થાય તે હેતુથી આયોજન કરાયું છે. રવિવારે તા.28 નાં રોજ શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ, સોમવારે તા.29નાં રોજ ગુજરાતી/હિન્દી ગીત ગઝલો રજૂ થઈ અને આવતીકાલે તા.30નાં ગરબા અને લોકનૃત્યો રજૂ થશે. જ્યારે 31 ડિસે.ની રાત્રે 9 થી 12 વાગ્યા સુધી લોકડાયરાનું આયોજન કરાયું છે. રાજય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષ યોગેશ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજય સંગીત નાટક અકાદમી દ્વારા સતત કલા પ્રવૃતિઓને જીવંત રાખવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. તાજેતરમાં ગુજરાતનાં નાટય જગતને વેગ મળે તે હેતુસર લગભગ 70 જેટલા ગુજરાતનાં નાટય નિર્માતાઓને અકાદમી તરફથી ફૂલ લેન્થ નાટકનાં નિર્માણ માટે પ્રતિ નિર્માતા 2 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. જૂનાગઢમાં પણ પરિક્રમા દરમિયાન ગિરનાર તળેટીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન મહાપાલિકાનાં સહકારથી અમે કરેલું. સાસણ ખાતે યોજાનાર ઉપરોકત ચારેય કાર્યક્રમમાં પ્રવાસીઓ માટે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યો છે. સૌને ચારેય કાર્યક્રમોનો લાભ લેવા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીમાં પહેલી વાર નાતાલનાં વેકેશનમાં આયોજન કરાયું છે.

રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ.


રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ

Bhaskar News, Rajula | Dec 25, 2014, 00:13AM IST
- ચિંતા | ઉતરાયણના પર્વ પહેલા ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ માટે બની ઘાતક
- સર્પ સંરક્ષણ મંડળ દ્વારા પક્ષીઓને સારવાર આપી મુકત કરાયા: ચાઇનીઝ દોરીઓ પર રોક કયારે

રાજુલા: મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. આ પર્વને ઉજવવા અત્યારથી જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ઉતરાયણ પર્વમાં દર વર્ષે અનેક પક્ષીઓ પતંગની દોરીના કારણે મોતને ભેટે છે. દર વર્ષે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પક્ષીપ્રેમીઓ દ્વારા ઉતરાયણના પર્વે હેલ્પલાઇન શરૂ કરવામા આવે છે અને પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાની કામગીરી કરવામા આવે છે. હજુ આ પર્વને ગણતરીના દિવસો બાકી હોય અત્યારથી જ પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવા લાગ્યા છે. રાજુલામાં આવી જ રીતે ચાર પક્ષીઓ ઘાયલ થતા સર્પ સંરક્ષણ મંડળ દ્વારા તેને સારવાર આપવામા આવી હતી.

રાજુલામાં ઉતરાયણના પર્વે દર વર્ષે અનેક પક્ષીઓ પતંગની દોરીઓથી ઘાયલ થાય છે તેમજ મોતને પણ ભેટે છે. હજુ ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યાં બજારમાં પતંગ દોરીઓનું ધુમ વેચાણ શરૂ થઇ ગયું છે. ખાસ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓથી અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ત્યારે રાજુલામાં બાયપાસ વિસ્તાર, મફતપરા, ગૌશાળા નજીક વિગેરે વિસ્તારોમાં ચાર પક્ષીઓ પતંગની દોરીઓથી ઘાયલ થયેલા નજરે પડયા હતા.
રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ

આ અંગે સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટને જાણ કરવામા આવતા તેઓ ટીમ સાથે દોડી જઇ ઘાયલ પક્ષીઓને પકડી સારવાર આપી હતી અને સલામત સ્થળે મુકત કરી દીધા હતા. અશોકભાઇ સાંખટે જણાવ્યું હતુ કે ઉતરાયણ પર્વે મંડળની હેલ્પ લાઇન શરૂ કરવામા આવી છે. કોઇ સ્થળે ઘાયલ પક્ષી નજરે પડે તો સંપર્ક સાધવા લોકોને અપીલ કરવામા આવી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ઉતરાયણ પર્વે યુવાનો પતંગ ચગાવવાની સાથેસાથે પક્ષીઓને કોઇ પ્રકારની ઇજા ન પહોંચે તેનુ ધ્યાન રાખે તે પણ જરૂરી છે.

રાજુલાના વાવેરા ગામની સીમમાં દીપડી કુવામાં પડી.


Bhaskar News, Rajula | Dec 23, 2014, 00:02AM IST

રાજુલાના વાવેરા ગામની સીમમાં દીપડી કુવામાં પડી
- વનવિભાગે રેસ્કયુ કરી દિપડીને બહાર કાઢી સારવારમાં ખસેડી

રાજુલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં પણ મોટી સંખ્યામાં સિંહ, દિપડાઓની સંખ્યા જોવા મળી રહી છે. હજુ બે દિવસ પહેલા જાફરાબાદના વડલીની સીમમાં એક સિંહ ખુલ્લા કુવામા ખાબકયો હતો. ત્યાં આજે સવારે વાવેરા ગામની સીમમાં એક દિપડી કુવામા ખાબકતા વનવિભાગની રેસ્કયુ ટીમે તેને બચાવી લઇ સારવારમાં ખસેડી  હતી.

વન્યપ્રાણીઓ અવારનવાર વાડી ખેતરોમાં શિકારની શોધમાં આંટાફેરા મારતા હોય છે. ત્યારે વાડીઓમાં આવેલા ખુલ્લા કુવાઓ આ પ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. અનેક વખત સિંહ, દિપડા કુવામા ખાબકવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે રાજુલા તાલુકાના વાવેરા ગામની સીમમાં આવેલ જીલુભાઇ કાથડભાઇ ધાખડાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામા શિકારની શોધમાં નીકળેલી એક વર્ષની દિપડી ખાબકી હતી.

આ  અંગે જીલુભાઇએ વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ રેસ્કયુ ટીમ સાથે અહી દોડી ગયો હતો. અને મહામહેનતે દિપડીને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવી હતી. ફોરેસ્ટર રાઠોડ, કે.જી.ગોહિલ, ચાંદુભાઇ, પઠાણભાઇ, હરિયાણીભાઇ, ભરતભાઇ સહિત પણ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠા નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાડી ખેતરોમાં અનેક ખુલ્લા કુવાઓ જોવા મળી રહ્યાં છે. જે વન્યપ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. અનેક વખત નિલગાય, સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ કુવામા ખાબકે છે જેમાંથી કેટલાક મોતને પણ ભેટે છે. ત્યારે વનતંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

જાફરાબાદ પંથકનાં વડલીની સીમમાં સાવજ કુવામાં ખાબક્યો.

Bhaskar News, Rajula | Dec 21, 2014, 00:21AM IST
- રેસ્ક્યુ | સાવજોની દશા બેઠી હોય તેમ બનાવમાં વધારો
- એક વર્ષની ઉમરનાં સાવજને રેસ્કયુ ટીમે સલામત બહાર કાઢ્યો

રાજુલા: ગીર જંગલમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાના વડલી ગામની સીમમાં સવારના સુમારે એક સિંહ ખુલ્લા કુવામા પડી ગયો હતો. આ બારામાં ગ્રામજનોએ વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી મહામહેનતે સિંહને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવાની કાર્યવાહી કરવામા આવી હતી. જો કે વનવિભાગના આરએફઓ દ્વારા ઘટના છુપાવવા પ્રયાસ કરવામા આવતા સિંહપ્રેમીઓમાં અનેક સવાલો ઉઠયાં હતા.

સિંહ કુવામા પડી ગયાની આ ઘટના જાફરાબાદ તાલુકાના વડલી ગામની સીમમાં બની હતી. અહી ભીખાભાઇ પુનાભાઇ વાઘેલાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામા સવારના સુમારે એક વર્ષની ઉંમરનો સિંહ ખાબકયો હતો. આ અંગે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી.

કલાકોની જહેમત બાદ આ સિંહને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામા આવ્યો હતો અને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવ્યો હતો. ઘટનાને પગલે વાડીમાં મોટી સંખ્યામા લોકો સિંહ જોવા માટે ઉમટી પડયા હતા. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર વાડી ખેતરોમાં આવેલા ખુલ્લા કુવાઓમાં વન્યપ્રાણીઓ પડી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે.
 
આગળ વાંચો, રેસ્કયુ ચાલતુ"તુ છતાં આરએફઓ અંધારામાં હતા
જાફરાબાદ પંથકનાં વડલીની સીમમાં સાવજ કુવામાં ખાબક્યો