Saturday, October 9, 2010

વનરાજોનું વેકેશન પૂર્ણ, ૧૦મીથી ગીરમાં પ્રવાસીઓને એન્ટ્રી.

એશીયાટીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત હજારો કિ.મી. દૂરથી આવતા વિદેશી પક્ષીઓ નિહાળવા ઉમટશે હજારો પ્રવાસીઓ
જૂનાગઢ -
વિશ્વ વિખ્યાત ગીરના એશીયાટીક સિંહોનું વેકેશન પૂર્ણ થવા સાથે આગામી તા. ૧૦મીથી ગીરના જંગલમાં પ્રવાસીઓને એન્ટ્રી અપાશે. ગીર અભ્યારણ્ય અને ગીર પરીચય ખંડ દેવળીયાને ૧૦મીથી ખુલ્લા મુકાવા સાથે જ સિંહ, દિપડા, હરણ સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત હજારો કિ.મી. દૂરથી આવતા વિદેશી પક્ષીઓને નિહાળવા વર્ષ દરમિયાન ૭૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડશે.
ચોમાસામાં સંવનન કાળ તથા વનરાજોને રાહત આપવા જૂન ૨૦૧૦થી પ્રવાસીઓ માટે બંધ કરાયેલા ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન તમામ પર્યટકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે ચોમાસુ પૂર્ણ થતાં તા. ૧૦મી ઓકટોબરથી ખુલ્લા મુકાશે, તેમ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવીને ઉમેર્યુ છે કે વિશ્વમાં અત્યારે સિંહોની માત્ર બે જ પ્રકારની જાત બચી છે. ભારતીય અને આફ્રિકન. આફ્રિકામાં ૩૦ હજારથી ૧ લાખ જયારે ભારતમાં માત્ર ૪૧૧ સિંહો બચ્યા છે. ભારતીય (એશીયાટીક) સિંહો માટે ગીરનું જંગલ એકમાત્ર અને છેલ્લું રહેઠાણ છે. આ ડાલામથ્થા કેસરી સિંહો વિશ્વ વિખ્યાત બન્યા છે.
ગીરના દેવળીયા પરિચય ખંડમાં કુદરતના નૈસર્ગિક સૌંદર્ય અને વાઇલ્ડ લાઇફનો ખજાનો છે. જયાં રસ્તાઓને વનરાજ રોડ, ચિંકારા રોડ, ચિતલ રોડ, સાબર રોડ અને વાઇલ્ડ બોર રોડ એવા નામ અપાયા છે. અહીં સિંહ, દિપડા, સાંભર, હરણ, નિલગાય, ચોશીંગા, ચિતલ, સસલા, વાનર સહિત અનેક પ્રકારના પ્રાણીઓ કુદરતના ખોળે વિહરતા જોવા મળે છે.
૧૪૧૨ કિ.મી.માં ફેલાયેલા અને તાલાલા, વિસાવદર, ધારી, ખાંભા, ઉના, મેંદરડા એમ સાતેક તાલુકાની હદને સ્પર્શતા ગીરમાં ૫૦૦૦ પ્રકારના જંતુઓ, ૩૦૦ પ્રકારના પક્ષીઓ, ૩૬ જાતના સરિસૃપ અને ૩૮ પ્રકારના સસ્તન પ્રાણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મગરોએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. અહીં ૫૦૦થી વધુ પ્રકારની નોંધાયેલી વનસ્પતિઓ છે. ૧૯ અતિદુર્લભ અને ૪૦થી ૫૦ દુર્લભ વનસ્પતિઓ છે, જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. ગીરના જંગલને ૧૩ પેટા પ્રકારના જંગલમાં વહેંચી શકાય છે. જેમાં સુકુ સાગનું જંગલ, દક્ષિણનું સુકુ મિશ્ર જંગલ, કાંટાળી વનસ્પતિનું જંગલ, સાલેડીનું જંગલ, બાવળનું જંગલ, ખાખરાનું જંગલ, થોરનું જંગલ વગેરે મુખ્ય છે. જયારે દેવળીયા પરીચય ખંડના ૪૫૦ હેકટર વિસ્તારમાં ૪ પેટા પ્રકારના જંગલનું વાતાવરણ છે જેથી આ વિસ્તાર વન્ય પ્રાણીઓ માટે ઘણો સમૃદ્ધ અને સંરક્ષિત છે.
વળી, ગીરના જંગલમાં ચાર મોટા ડેમ કમલેશ્વર, રાવલ, મચ્છુન્દ્રી અને શિંગોડા હાલ પાણીથી છલોછલ ભર્યા છે, જે આ જંગલને વધુ રળીયામણું બનાવે છે. ડુંગરાળ વિસ્તારોમાંથી નદી અને ઝરણાં પણ વહી રહ્યા છે જેને નિહાળવા એ જીવનનો એક લ્હાવો છે.
Source: http://www.gujaratsamachar.com/20101006/gujarat/sau1.html

સિંહે સુતેલા યુવકનો પગ ખેંચીને ફાડી ખાધો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:59 AM [IST](09/10/2010)
વાડીમાં ગાઢ નિદ્રામાં સૂતેલા યુવાનનો સિંહે પગ કરડી ખાધો
ગીર પૂર્વની સરસિયા રેન્જમાં ગોપાલગ્રામની સીમમાં.
ચાદરની બહાર દેખાતો પગ જડબામાં દબાવી સાવજે ખેંચતા યુવાને રાડારાડી કરી મુક્તા સિંહ ભાગી છુટ્યો.
ગીર પૂર્વની સરસિયા રેન્જમાં ગોપાલગ્રામની સીમમાં દીપડાએ બાળાને ફાડી ખાધા બાદ વાડીમાં સૂતેલા છતડિયાના દેવીપૂજક પર સિંહે હુમલો કરી પગ કરડી ખાતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.
સિંહ દ્વારા હુમલાનો આ બનાવ ગઇકાલે વહેલી સવારે બન્યો હતો. ગીર પૂર્વની સરસિયા રેન્જમાં આવેલ છતડિયા ગામના ભીખુભાઇ ટપુભાઇ દેવીપૂજકે તે જ ગામના સવજીભાઇ ઠુંમર નામના પટેલ ખેડૂતની વાડી ભાગવી વાવવા રાખી છે. ગઇરાત્રે તે વાડીએ સૂતા હતા ત્યારે મધરાત્રે શિકારની શોધમાં એક સિંહ ત્યાં ધસી આવ્યો હતો.
ભીખુભાઇ દેવીપૂજક ચાદર ઓઢીને સૂતા હતા ત્યારે સિંહ તેને શિકાર સમજી બેઠો હતો અને તેમનો પગ મોઢામાં દબાવી ખેંચવા લાગ્યો હતો. સિંહની પકડના કારણે ભીખુભાઇ જાગી ગયા હતા અને રાડારાડ કરી મૂકી હતી. જેના કારણે સિંહ પણ ગભરાયો હતો. સામાન્ય રીતે સિંહ પ્રાણીઓનો શિકાર કરે છે પણ માણસને છંછેડતો નથી અહીં સિંહથી ભૂલ થતાં તે પણ ભીખુભાઇને છોડીને ભાગ્યો હતો.
ઘાયલ ભીખુભાઇને સારવાર માટે ધારીના સરકારી દવાખાને ખસેડાયા હતા. જો કે તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જંગલખાતાનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વાડીમાં સિંહના સગડ પણ મળ્યા હતા. સિંહ-દીપડાના હુમલાના બનાવો વધતા ખેડૂતોમાં ચિંતા વધી છે
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-eat-legs-of-farmer-when-he-is-sleeping-1439464.html

યુવાને બહાદુરીથી દીપડીનો સામનો કરી ભગાડી મૂકી.

Oct 08,2010 અમરેલી તા.૮
ધારી વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે. ગઈ કાલે ચલાલાના ગોપાલગ્રામની સીમમાં દીપડાએ આઠ વર્ષની બાળાને ફાડી ખાધાની ઘટનાના બીજા જ દિવસે એક દીપડીએ લઘુશંકા કરવા બેસેલા યુવાન પર હુમલો કરી ખભા પર બચકા ભરી લીધા હતાં. જો કે, આ યુવાને બહાદૂરીપૂર્વક સામનો કરી દીપડી ભગાડી મૂકી હતી. આ ઉપરાંત ધારીની છતડિયાની સીમમાં વાડીએ વાસુ ગયેલા દેવીપુજક ખેડૂત પર સિંહે હુમલો કરી પગમાં બચકા ભરી લીધા હતાં.
વિગત મૂજબ ખાંભાના જૂનાગામે રહેતા વિમલસિંહ મહિપતસિંહ રાઠોડ મિતિયાળા જંગલ નજીક પોતાની વાડીએ કપાસમાં પાણી વાળવા ગયો હતો. બાદમાં લઘુશંકાએ બેઠો હતો એ સમયે અચાનક આવી ચડેલી દીપડીએ વિમલસિંહ પર હુમલો કરી ખભે ચાર દાઢ બેસાડી દીધી હતી. પરંતુ વિમલસિંહે ડર્યા વગર બહાદુરીથી પ્રતિકાર કરતાં દીપડી નાસી છુટી હતી.
વિમલસિંહના કહેવા મુજબ આ દીપડીએ મીતીયાળાના ડુંગરમાં બે બચ્ચાને જન્મ આપ્યો છે. ખોરાકની શોધમાં અહીં અવારનવાર આવી ચડે છે. અન્ય એક બનાવમાં ધારીના છતડીયાની સીમમાં ભીખાભાઈ ટપુભાઈ દેવીપુજક ભાગિયા ખેતરમાં સૂતા હતા એ સમયે અચાનક આવી ચડેલા સિંહે હુમલો કરીને બચકાં ભરી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=230022

Wednesday, October 6, 2010

સક્કરબાગ અડધી સદીથી સિંહોની વંશાવલી નિભાવે છે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:16 AM [IST](05/10/2010)
વિદેશમાં વસતા ૮૬ ગીરના સિંહોની જીનેટિક પ્યોરિટી જાળવવા જુનાગઢ ઝૂની તૈયારી.
એશિયાઈ સિંહોનાં સંવર્ધન કેન્દ્ર તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત થયેલુ જુનાગઢનું સક્કરબાગ ઝુ હવે વિદેશનાં ઝુમાં રહેતા ગીરનાં ૮૬ જેટલા એશિયાઈ સિંહોની જીનેટીક પ્યોરીટી જાળવવા કટીબધ્ધ છે. ઝુ ઓથોરીટીએ આ વિદેશમાં વસતા સિંહોની વંશાવળીનો પણ અભ્યાસ કર્યો છે.
જુનાગઢ સક્કરબાગ ઝુએ અત્યાર સુધીમાં સ્વીત્ઝરલેન્ડ, સ્વીડન, હેલસીંગી, ઈંગ્લેન્ડ, સીંગાપોર, રશીયા જેવા દેશોમાં ગીરનાં એશિયાટીક સિંહો આપ્યા છે. છેલ્લે ૧૯૯૩માં સક્કરબાગ ઝુએ વિદેશનાં એશિયાટીક સિંહોમાં ઈનબ્રીડીંગ ન થાય તે માટે સ્ટોક પુરો પાડ્યો હતો. ફરી જરૂર જણાયે નવો સ્ટોક પુરો પાડવા સક્કરબાગ ઝુની તૈયારી છે. સિંહની વંશાવળી નિભાવતુ જુનાગઢનું સક્કરબાગ ઝુ ૧૯૬૦થી જુનાગઢ સક્કરબાગ ઝુનાં સિંહ અને સિંહણનાં બચ્ચા અને ઉત્તરોત્તર જન્મ પામેલા સિંહ ક્યા ક્યાં છે. તેની પણ નોંધ રાખે છે. દરેક સિંહોનાં નામ પણ આપવામાં આવ્યા છે.
વંશાવળીમાં વંશપરંપરાગત નંબર પણ સિંહને આપવામાં આવે છે અત્યારે આ ક્રમ ૨૫૦ જેટલો થયો છે. વંશાવળીને વધુને વધુ ચોક્કસાઈ ભરી બનાવવા હવે સક્કરબાગ ઝુ આધુનીક ટેક્નોલોજીની પણ મદદ લે છે. સક્કરબાગ ઝુનાં સુપ્રિટેન્ડેન્ટ વિ.જે.રાણાનાં જણાવ્યાનુસાર માઈક્રોચપિથી નંબર આપવામાં આવે છે. જેથી ઘણી વખત સિંહને અન્ય ઝૂમાં મોકલવામાં આવે છે. તેથી નામ બદલાઈ જાય તો માઈક્રોચીપથી અપાયેલો નંબર માન્ય રાખવામાં આવે છે.
રાજ્ય સરકારની સિંહોનાં લાંબા ગાળાની સંરક્ષણ યોજના તળે જીનપુલ હેઠળનાં સિંહ રાખવામાં આવેલ છે. ઉપરાંત રેસ્કયુ સેન્ટરનાં છેલ્લા બે વર્ષમાં નવ જેટલા સિંહનાં અનાથ બચ્ચાને બચાવી લેવામાં આવ્યા છે. સક્કરબાગ ઝુનાં બ્રીડીંગ સેન્ટરમાં છેલ્લા બે વર્ષમાં સિંહનાં ૨૦ બચ્ચાનો જન્મ થયો છે અને તંદુરસ્ત રીતે તેનો ઉછેર પણ થઈ રહ્યો છે.
સિંહ સંરક્ષણ યોજના હેઠળ ઉછેરવામાં આવતા સિંહને રામપરા બરડા ઉમઠ અને આંબરડી બ્રીડીંગ સેન્ટરો પર મોકલવામાં આવશે. વિદેશનાં ઝુમાં રહેતા ૮૬ જેટલા એશિયાઈ સિંહોની જીનેટીક પ્યોરીટી જાળવવા જરૂર જણાયે નવો સ્ટોક સક્કરબાગ ઝુ દ્વારા પુરો પાડવામાં આવશે. સક્કરબાગ ઝુનો ઈતિહાસ પણ જાજરમાન છે. ૧૯૬૦માં સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય રાજ્યનાં વન વિભાગ હેઠળ લાવવામાં આવ્યું ત્યારે તેમાં ૧૬૭ જેટલા જુદા જુદા પ્રાણીઓ હતા.
સક્કરબાગ ઝુએ તેનાં નવા સ્વરૂપે ગીરનાં વનરાજ સિંહોનાં સંરક્ષણમાં આગવો અને મહત્વનો ફાળો આપેલ છે. હાલ સક્કરબાગ ઝુ ખાતે અધ્યતન સારવાર સુવિધા સાથેની હોસ્પિટલ અને ત્યજાયેલા સિંહબાળને ઉછેરવાની સુવિધાનો ઉપયોગ સિંહ સંરક્ષણનાં બહોળા પ્રમાણમાં થાય છે. એશિયાઈ સિંહોનાં પ્રજનન કેન્દ્ર તરીકે સક્કરબાગ ઝુને પસંદ કરવામાં આવ્યું છે. સક્કરબાગ ઝુનાં ભવીષ્યનાં વિકાસ માટેનો માસ્ટર પ્લાન પણ બનાવવામાં આવી રહ્યો છે.
સક્કરબાગ ઉડતી નજરે...
સસ્તન પ્રાણીઓ -૫૪૮, પક્ષીઓ-૫૦૩(૩૯જાતનાં) સરીસ્રુપ-૩૩(૧૧ જાતીના), કુલ વિસ્તાર ૮૧ હેકટર સરેરાશ પ્રવાસીઓ ૮ થી ૯ લાખ કુલ આવક ૮૧ લાખ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-from-half-century-sakkarbags-maintain-lion-1427490.html?HF=

ઘોનો શિકાર કરનારા શખ્સને ત્રણ વર્ષની સજા.

Source: Bhaskar News, Una   |   Last Updated 1:50 AM [IST](06/10/2010)
જશાધાર રેન્જમાં પાંચ માસ પૂર્વે.
જશાધાર રેન્જનાં જંગલ વિસ્તારમાં આજથી પાંચ માસ પૂર્વે ઘોનો શિકાર કરનાર પરપ્રાંતીય શખ્સને ઊના કોર્ટે ત્રણ વર્ષની કેદ તથા રૂ.દસ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૧૦-૦૫-૧૦નાં રોજ જશાધાર ગીર જંગલ વિસ્તારમાં આરએફઓ કે.બી.મુલાણી પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજેન્દ્રર મોતીલાલ પાટીલ નામનાં પરપ્રાંતીય શખ્સને ઘોનો શિકાર કરવાના ગુનામાં પકડી પાડ્યો હતો. આ શખ્સ પાસેથી મરેલી હાલતમાં પીળી મોટી ઘો મળી આવી હતી. અને તેનો શિકાર કર્યાની કબુલાત કરી લીધી હતી.
આ શખ્સની ધરપકડ કરી તેની સામે વન્યપ્રાણી ધારા અંતર્ગત કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાયું હતું. આ કેસ ઊના કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકિલ જગદીશ એમ.સખનપરાની ધારદાર રજુઆતો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી મેજીસ્ટ્રેટ એમ.પી.મહેતાએ આરોપીને ત્રણ વર્ષની કેદ તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ ફરમાવ્યો હતો.
માત્ર પાંચ માસમાંજ ઝડપી ચુકાદો -
વન્યપ્રાણીઓનો શિકાર કરવો ગંભીર પ્રકારનો ગુનો છે. ઊના નામદાર કોર્ટે આ કેસમાં માત્ર પાંચ માસમાં જ ચુકાદો આપી ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-years-jail-to-hunt-iguana-1431379.html

એકાદ ‘સાવજ પરિવાર’ જોવા મળી જાય તો સારું...

Source: Bhaskar News, Talala   |   Last Updated 1:10 AM [IST](06/10/2010)
આગામી ૧૦ ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન પૂર્ણ.
સિંહોનો સંવનનકાળ પૂર્ણ થતાં ગીર અભયારણ્ય, નેશનલ પાર્ક અને દેવળિયા પાર્ક ખુલ્લો મૂકાશે.
ચોમાસું એટલે ગીરનાં સાવજ માટે સંવનન કાળ. આ સમયગાળામાં પુખ્ત બનેલો વનરાજ તેની ‘રાણી’ને શોધી કુદરતનાં ખોળે ‘પ્રણયનાં ફાગ’ ખેલે છે. આથી ચોમાસા દરમિયાન વન વિભાગ પણ ગીર અભ્યારણ્ય, ગીર નેશનલ પાર્ક, દેવળીયા પાર્ક વગેરેમાં પ્રવાસીઓનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દે છે. ચોમાસું પૂર્ણ થતાં હવે ફરી વનકેસરીનાં ‘દર્શન’ માટે પ્રવાસીઓને પ્રવેશ અપાશે.
ગત જુન ૨૦૧૦થી શરૂ કરાયેલ વનરાજોનાં વેકેશનની મુદ્દત આગામી ૧૦ ઓક્ટોબરે પૂર્ણ થાય છે. આ દિવસથી સિંહ દર્શન માટેની પરમીટો સિંહ સદન ખાતેથી ઇસ્યુ થશે. એમ વન્ય પ્રાણી વિભાગ સાસણનાં ડીએફઓ ડૉ. સંદીપકુમારે જણાવ્યું છે. જુનાગઢથી મોટર માર્ગે ૬૫ કિ.મી. દૂર આવેલું સાસણ જતી વખતે મેંદરડા છોડ્યા પછી તુરત જ ગીરની હરિયાળી શરૂ થઇ જાય છે. છેક સાસણ સુધી એ જોવા મળે.
સંધ્યા સમય બાદ અહીંથી પસાર થતી વખતે નસીબમાં હોય તો એકાદ ‘સાવજ પરિવાર’ જોવા મળી જાય ખરો. જો કે, હાઇવે પરથી પસાર થતાં વાહનો તેની શાંતિમાં ખલેલ પહોંચડતા હોઇ વનરાજો હાઇવે પર બહુ ઓછા જોવા મળે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-one-lion-family-seen-than-good-1432014.html

Tuesday, October 5, 2010

૨૨ ફૂટ લાંબો, ૬૦ કિલો વજનનો અજગર.

Oct 03,2010
અમરેલી :
સાવરકુંડલાના દોલતી નજીકની સીમમાંથી રાજૂલા વનવિભાગે રોક પાઈથન પ્રજાતિનો રર ફુટ લાંબો અને ૬૦ કિલો વજન ધરાવતો મહાકાય અજગરને પકડી પાડયો છે.દોલતી નજીક ભાણાભાઈ જીવાભાઈની વાડીમાં આજે એક અજગર નિકળતા રાજુલા વન વિભાગને જાણ કરાઈ હતી. રાઉન્ડ ફોરેસ્ટર સોંદરવા સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી અજગરને પકડી પાડયો હતો. આ અજગર રોક પાઈથન પ્રજાતિનો હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. અજગરનું વજન ૬૦ કિલો હતું. તેની લંબાઈ ર૦-રર ફુટની છે. અજગરને ઉંચકવા ૧૦-૧ર લોકોની જરૃર પડી હતી.  મહાકાય અજગરને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલી દેવાયો છે.

ગૌશાળાની ૧ર ગાયો ચાર દિવસથી ભેદી રીતે લાપતા.

Oct 04,2010
જૂનાગઢ, તા.૪: રૃદ્રેશ્વર જાગીર-ઘાંટવડની સાસણ પાસે આવેલી એક ગૌશાળાની ૧ર જેટલી ગાયો છેલ્લા ચારેક દિવસથી ભેદી સંજોગોમાં લાપતા બની ગઈ છે. તેમજ આ ગાયો કલતખાને ધકેલી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘાંટવડ પાસે આવેલ રૃદ્રેશ્વર જાગીર આશ્રમની સાસણ નજીક આવેલી શાખા આશ્રમની ગૌશાળાની ગાયો ચારેક દિવસ પૂર્વે ચરવા માટે ગયા બાદ આ ગાયો જંગલ તરફ જતી રહી હતી. દરમિયાનમાં આ વિશે તાલાળા અને મેંદરડા બન્ને પોલીસને જાણ કરાયા બાદ આજ સુધી આ ગાયોનો પત્તો લાગ્યો નથી. આશ્રમના સેવકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલી ભીતિ અનુસાર આ ગાયો કતલખાને ધકેલી દેવામાં આવી હશે. ૧ર માંથી ચાર ગાયો દૂઝણી હતી. તથા આ ગાયોના નાના વાછરડા હાલમાં માતા વગર ભાંભરડા નાખી રહ્યા છે. ગાયો નહી મળે તો આ ચાર વાછરડા પણ ટળવળીને મરે જશે. ત્યારે આ દિશામાં તંત્ર દ્વારા સત્વરે પગલા લેવાય તેવી ઉગ્ર માગણી ઉઠી છે.
દરમ્યાન, તાલાલાથી અમારા પ્રતિનિધિનાં હેવાલ મૂજબ આશ્રમના મહંત ઈશ્વરભારતી બાપુએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશ્રમની ગૌમાતા શનિવારે સવારે સીમમાં ચરવા માટે ગઈ હતી. ત્યાંથી સાંજે આશ્રમનો ગૌવાળ ગૌમાતાને લેવા જાય તે પહેલા કોઈ શખ્સો બધી જ ગૌમાતાને સીમમાંથી લઈ ગયા હતા. આ ગૌમાતાને દેવળીયાથી ભાલછેલ ગામ પાસે લાવી ત્યાંથી હરિપુર (ગીર) રોડ ઉપર અમુક લોકોએ ચડાવી દીધાની આશ્રમને મળેલ વિગત તથા આ કૃત્ય કરનાર શકમંદોના નામો પણ મેંદરડા પોલીસને આપેલ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આશ્રમના મહંત ઈશ્વરભારતી બાપુની લેખિત ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=228667

અડવાણા તેમજ હરિપુર ગીરમાં ધડાકા સાથે આંચકા.

Oct 04,2010
પોરબંદર /જુનાગઢ તા.૩ પોરબંદરના અડવાણા ગામે ગઇકાલે નરેન્દ્ર મોદીએ જાતે ગ્રામજનોની મુલાકાત લઇને ભૂકંપથી ભયભત બનેલાઓને હૈયાધારણા આપીને એવં જણાવ્યું હતું કે 'હું આવ્યો છું એટલે ધડાકા - ભડાકાને સાથે લેતાં જઇશ' પરંતુ મોદી ગયા બાદ ગત રાત્રે સામાન્ય ધડાકાને બદલે ભૂકંપનાં ત્રણ - ત્રણ આંચકા નોંધાતા ગ્રામજનો ફરી ભયભીત બની ગયા હતાં.આવી જ રીતે ગીર ફોલ્ટ લાઈન ફરી સક્રિય બની હોય એમ શનિવારની રાતે હરિપુર ગીર અને જલંધર તેમજ તાલાલા સુધી ૩,૧ રીકટર સ્કેલ સુધીના કુલ ત્રણ આંચકાઓ આવ્યા હતા.જેનાથી લોકો ભયભીત બની ગયા હતા અને રાતે જાગરણ કર્યુ હતુ.
ગત રાત્રે ૧૨ને ૮ મિનિટે ૨.૧ રીકટર સ્કેલનો, ૧૨ને ૫૫ મિનિટે ૧.૪ રીકટર સ્કેલનો, તથા ૨ને ૫૮ મિનિટે ૧.૬ રીકટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી કચેરીએ નોંધાયું છે. ગ્રામજનોએ આખી રાત્રિ ભયભીત બનીને પસાર કરી હતી .
 અમારા જુનાગઢના પ્રતિનિધિના સંદેશા મુજબ ગીરફોલ્ટ લાઈન ફરી જાણે કે સક્રિય બની હોય એમ ગઈ કાલે તાલાલા હરિપુર અને જલંધરમાં ભેદી ધડાકા સાથે આંચકા આવ્યા બાદ શનિવારે રાતે પણ ફરી આંચકા આવ્યા હતા.જે ૩,  રીકટર સ્કેલ સુધીના હતા.રાતે દોઢ વાગ્યે અને એ પછી બે વાર મળી કુલ ત્રણવાર આંચકાઓ આવ્યા હતા.જેના કારણે લોકો ભયભીત બની ગયા હતા.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=228479

વિદેશી પક્ષીઓનું આગમન થતાં શિકારી ટોળકી...

Source: Bhaskar News, Madhavpur   |   Last Updated 12:48 AM [IST](05/10/2010)
માધવપુર (ઘેડ) પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતુ આ પક્ષીઓનું આગમન થતા શિકારી ટોળકી પણ કાર્યરત થઈ ગઈ છે. હવે તંત્ર દ્વારા આ પક્ષીઓના રક્ષણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠી છે.
આ અંગેની વધુ વિગત મુજબ માધવપુર (ઘેડ) પંથકમાં વિદેશી પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપી આવી પહોંચ્યા છે. વિવિધ યાયાવર પક્ષીઓનું આગમન થતા પ્રકૃતપિ્રેમીઓમાં હર્ષ છવાયો છે. પરંતુ આવા વિદેશી પક્ષીઓનું આગમન થતાની સાથે જ પક્ષીઓનો શિકાર કરનારી ટોળકી પણ કાર્યરત બની ગઈ હોવાનું જાણવા મળ્યું છે. શિકારીઓ માછલા પકડવાના બહાના હેઠળ યાયાવર પક્ષીઓનો શિકાર કરે છે. અને તે વેંચી રોકડી કરી લે છે.
માધવપુર પંથકના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી આવા સ્થળોને વિદેશી પક્ષીઓ રહેઠાણનું સ્થાન બનાવે છે. પરંતુ શિકારી ટોળકી કાર્યરત બનતા તેના પર જોખમ ઉભુ થયું છે. હજારો માઈલની સફર ખેડી મહેમાન બનતા પક્ષીઓનો શિકારીઓ શિકાર કરતા હોવાથી પક્ષી પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-foreign-birds-come-and-hunters-group-1427484.html

મહુવાના બિલડી ગામે સિંહે દેખા દેતા ફફડાટ.

Source: Bhaskar News, Mahuva   |   Last Updated 3:59 AM [IST](03/10/2010)
મહુવા તાલુકાના બિલડી ગામે ડાલામાથાએ દેખા દેતા ગ્રામવાસીઓમાંઅત્યારે લણણીની મોસમ ચાલુ હોય ગ્રામજનો ખેતરોમાં જતાં ડરવા લાગ્યા છે.
મહુવા પાસેના બિલડી ગામે ગઇરાત્રીથી બે ડાલામથા સીમમાં ટહેલતા હોવાના વાવડ સાંપડતા વનરાજાના ડરથી ગ્રામજનોએ સીમમાં જવાનું બંધ કરી દીધું છે.
અત્યારે લણણીની સીઝન ચાલી રહી હોવાથી ખેડૂત પરિવારોને સીમમાં પુષ્કળ કામ રહેતું હોય છે.
ત્યારે અત્યારે નિર્ણાયક સમયે જ જંગલી પ્રાણીઓની બીકે ઘરમાં પુરાઇ રહેવું પડે છે. આ બાબતે જંગલ ખાતા દ્વારા યોગ્ય પગલા ભરાય તેવી ગ્રામજનોની માંગ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fearing-for-lion-found-in-biladi-village-of-mahuva-taluka-1422818.html

સોનલ સિંહણને આખરે વિરલ સિંહ મળ્યો.

 Source: Bhaskar News, Silvassa   |   Last Updated 1:32 AM [IST](25/06/2010)
સંઘપ્રદેશ દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં બે વર્ષથી પોતાના સાથી માટે ઝુરી રહેલી સોનલને વિરલ નામનો સિંહ મળતા તેનો જીવનસાથીનો ઇન્તેજાર પૂર્ણ થયો છે. સફારી પાર્કમાં ઘણા સમયથી ગુમ થી ગયેલી સિંહની ગર્જના હવે ફરીથી સાંભળવા મળશે.
દેશની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશ પછી બે વર્ષે જૂનાગઢના શક્કરબાજ ઝુ ઓથોરિટી દ્વારા બુધવારે સેલવાસ નજીક લાયન સફારી પાર્કને વિરલ નામક ૧૨ વર્ષીય સિંહ સોપવામાં આવ્યો છે. દાનહ વન્ય જીવન અધિકારીના પ્રયાસથી ગુરૂવારે વાસોણા લાયન સફારી પાર્કમાં એકલી અટુલી જીવન વ્યક્ત કરતી સિંહણ સોનલને પોતાનો હમસફર મળી ગયો છે.
એસીએફ ડી.એન. માંગરોલાએ આ અંગે જણાવ્યું હતું કે, વાસોણા પાર્ક માટે જુનાગઢના શકકરબાજ ઝુ ઓથોરિટીને બે સિંહ સોપવાના આદેશ અપાયા હતા, પરંતુ અધિકારીઓના જુનાગઢ પહોંટયા બાદ અહીંની સિંહણ સોનલ બિમાર થઈ જતાં આ બિમારી અન્યને ન લાગે તે માટે ઇન્કાર કરાયો હતો. માત્ર ૧૨ વર્ષના વિરલ નામક સિંહને ત્યાંથી લાવવામાં આવ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-sonal-lioness-get-life-partner-viral-lion-1092035.html?PRV=

શિકાર સિંહનો........

Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:04 AM [IST](05/10/2010)
મોટી ખેરાળી ગામે સિંહ યુગલ ત્રાટક્યું
રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે ગઇ મોડી રાત્રે બે સિંહોએ દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એટલુ જ નહિ પણ ગામમાં ખેડૂતનો એક બળદ ફાડી ખાતા પશુપાલકોમાં ભયની લાગણી ફેલાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાના મોટી ખેરાળી ગામના ખેડૂત પ્રજાપતિ અરવિંદભાઇ કુરજીભાઇ ઘાસકટાના બે બળદો ગામ નજીકની વાડીમાં ઝૂંપડીમાં બાંધેલ હતા. દરમિયાનમાં ગત રાત્રીના ૧૨-૩૦ કલાકે સિંહ યુગલ અહીં આવી ચડયા હતા. સિંહને જોઇને બાંધેલા બન્ને બળદોએ ખેંચતાણ શરૂ કરી હતી. આટલી વારમાં એક બળદ ઉપર પંજો મારીને પછાડી દીધો હતો. અને બીજો બળદ દોરડુ તોડાવીને ભાગી છુટયો હતો. અંદાજિત ૨૦થી ૨૫ હજારની કિંમતના બળદ ઉપર હુમલો કરી તેનુ મારણ કરીને બન્ને સિંહે જયાફત માણી હતી. આ વખતે આજુબાજુના ખેતરોના ખેડૂતો પણ એકઠા થઇ ગયા હતા. ભાગ્યે જ હિંસક પશુ પ્રાણી દેખા દેતા આ વિસ્તારમાં બળદના મારણથી લોકોમાં ભય ફેલાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-attack-by-lion-and-lioness-1429506.html