Thursday, April 30, 2015

14મી સિંહ વસતી ગણતરી માટે વનવિભાગ સજ્જ.

14મી સિંહ વસતી ગણતરી માટે વનવિભાગ સજ્જ
  • Bhaskar News, Talala
  • Apr 30, 2015, 01:48 AM IST
- કાર્યવાહી: 624 ગણતરીકારો અને મદદનીશો મળી 2000થી વધુ લોકોને ગણતરી કાર્ય ચોકસાઇ પૂર્વક પાર પાડવા તાલીમ અપાઇ

તાલાલા: ગીરના ઘરેણાં સમાન સિંહ પ્રજાતિની 14મી વસતી ગણતરી સુપેરે પાર પાડવા વનવિભાગ સજ્જ બની ગયું છે. ચાર દિવસ 2જી મેથી શરૂ થનાર સિંહ ગણતરીની કામગીરી ચોકસાઇ પૂર્વક કરવા 624 ગણતરીકારો સાથે મદદનીશો અને ગણતરી કાર્યમાં જોડાનાર લોકોને ગણતરી કાર્ય કેવી રીતે કરવું તે અંગે 2000 લોકોને સાસણ ખાતે ખાસ તાલીમ આપવામાં આવી હતી. સાથે ગણતરીમાં પ્રથમવાર ટેબ્લેટનો ઉપયોગ કરવાનો હોય ગણતરીકારોને ટેબ્લેટ સહિત જીપીએસ સિસ્ટમ અને વીડિયોગ્રાફી - ફોટોગ્રાફી માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

14મી સિંહ વસતી ગણતરીને લઇ વનવિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દર પાંચ વર્ષે યોજાતી સિંહ પ્રજાતિની ગણતરી માટે આ ગણતરીમાં 1000 ટેબ્લેટનો ઉપયોગ કરાશે. સિંહ - સિંહણ  સિંહબાળના ડાયોગ્રામ ટેબ્લેટમાં મૂકવામાં આવ્યા હોય. ગણતરી ટોટલ ડાયરેક્ટ કાઉન્ટ મેથડ પધ્ધતિથી કરવાની હોય ગણતરીકારો સિંહ જૂએ એટલે તેમના શરીર - કેશવાળી - કાન - પૂંછ સહિતની સ્થિતિનું અવલોકન કરી ટેબ્લેટમાં તેની નોંધ કરશે.

સાથે દરેક સિંહોના ફોટોગ્રાફસ અને વીડિયોગ્રાફી કરાશે. રાત્રિના અંધારામાં સિંહોના ફોટા સ્પષ્ટ લેવા કેમેરા સાથે ફ્લેશ જોડવામાં આવી છે. આ ઉપરાંત ગ્લોબલ પોઝિશનિંગ  સિસ્ટમ - જીઆઇએસ જીપીએસ, જિયોગ્રાફિકસ ઇન્ફોર્મેશન સિસ્ટમ સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ ગણતરી કાર્યમાં કરવાનો હોય. ગણતરીકારો અને મદદનીશોને ટેક્નોલોજીનો ઉપયોગ કયાં પ્રકારે કરવો તેની વિશેષ સમજ અને તાલીમ આપવામાં આવી છે. વનવિભાગનું હેડક્વાર્ટર ગણાતા સાસણ(ગીર)માં વનવિભાગે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ગીર નેશનલ પાર્ક - દેવળિયા પરીચય ખંડ પાંચ દિવસ બંધ રહેશે

સિંહ ગણતરીનું કાર્ય જંગલમાં થવાનું હોય આગામી 1લી મેથી 5 મે સુધી ગીર નેશનલ પાર્ક અને દેવળિયા પરીચય ખંડના દ્વાર પ્રવાસીઓ માટે બંધ થશે. પાંચ દિવસ માટે વનવિભાગે ઓનલાઇન બુકિંગ પણ લીધા નથી જંગલમાં ગણતરી કાર્યમાં વિક્ષેપ ન પડે તે માટે સિંહદર્શન કરવા પ્રવાસીઓ માટે જંગલનાં દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

200 ફોર વ્હિલ - 600 બાઇક ઉપયોગમાં લેવાશે

સિંહ ગણતરી કાર્ય 624 પોઇન્ટ ઉપર આઠ જિલ્લામાં કરવાનું હોય ગણતરીકારોને ફાળવવામાં આવેલ વિસ્તાર એટલે કે વનવિભાગની એક બીટનો વિસ્તાર ત્રણ ગામથી લઇ દસ ગામ સુધીનો હોય ગણતરીકારો અને અધિકારીઓ વિસ્તારમાં ફરી શકે તે માટે 200 ફોર વ્હિલ અને 600 બાઇકની વ્યવસ્થા વનવિભાગે ઊભી કરી છે.

ગિરનાર દરવાજાથી ફોરટ્રેક બનાવવા 7 દબાણો હટાવાયા.

ગિરનાર દરવાજાથી ફોરટ્રેક બનાવવા 7 દબાણો હટાવાયા
  • DivyaBhaskar News Network
  • Apr 29, 2015, 04:55 AM IST
જૂનાગઢશહેરમાંથી ભવનાથ જવા માટે વર્ષોથી ડબલ ટ્રેકને ફોરટ્રેક કરવાની કામગિરી હાથ ધરાઇ છે. જેમાં ઘણુંખરું કામ પૂરું થઇ ગયું છે. જ્યારે ગિરનાર દરવાજાથી સોનાપુરી સુધીના માર્ગને ફોરટ્રેક કરવાની કામગિરી દબાણોને લીધે આગળ વધી નહોતી. રોડ પર 2 પાકાં મકાનો, 2 દિવાલ, 3-4 કાચાં મકાનો મળી 7 દબાણોને આજે દબાણ હટાવ અધિકારી ભરત ડોડીયાની આગેવાની હેઠળની ટુકડીએ દૂર કર્યા હતા. અંગે નગર ઇજનેર લલિત વાઢેરે જણાવ્યું હતું કે, જમીન વર્ષો પહેલાં જમીન સંપાદન કચેરીએ ફોર ટ્રેક રોડ બનાવવાનાં હેતુથીજ પવડી માટે સંપાદન કરી લીધી હતી. પરંતુ બાદમાં પવડીએ કોઇ કારણોસર તેને દૂર કરવાની કામગિરી કરીજ નહોતી. આથી ફોરટ્રેક બનાવવાનું કામ જ્યારે મનપાને હસ્તક આવ્યું ત્યારે સ્વાભાવિકપણેજ દબાણો દૂર કરવાની કામગિરી પણ અમારાજ શિરે આવી. જમીન સંપાદન કચેરીએ અમને કાગળો નથી. આપ્યા. તો પવડીએ દબાણો દૂર પણ કરી દીધા. આથી અમે શહેરનાં હિતમાં જમીન સંપાદનનાં સ્ટાફને સાથે રાખી ડીમાર્કેશન કરાવ્યું. અને બાદમાં તેને દુર કરી દીધું. આજે દબાણો દૂર કર્યા બાદ હવે વાઘેશ્વરી મંદિરની જગ્યાનાં ભાડુઆતને નોટીસ આપી 24 કલાકની મુદ્દત અપાશે. જગ્યાનાં વહીવટદાર ખુદ મામલતદાર હોવાથી તેને જાણ કરાઇ છે. અને જગ્યા પણ ખુલ્લી કરાવાશે.

8 માસમાં રોડ તૈયાર

કામશરુથયા બાદ અગામી 8 માસમાં ફોરટ્રેક રોડ સંપૂર્ણપણે તૈયાર થઇ જશે. જોકે, તેના પર ફોરટ્રેક જેટલાં વાહનો તો આગામી બેએક માસમાંજ ચલાવી શકાય એવો બની જશે. ત્યારબાદ તેમાં ડીવાઇડર, વગેરે અનેક કામો બધું મળી 8 માસમાં પૂરાં કરી દેવાશે. એમ સુત્રોનું કહેવું છે.

^ગિરનાર દરવાજે લવીંગ વાવથી સોનાપુરી સામે અશોકનાં શિલાલેખ સુધીનો રોડ ફોરટ્રેક બનાવવા માટે આવતીકાલે રૂપિયા 6 થી 7 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. અને ત્યારબાદ રોડનું કામ શરુ કરાશે. > લલિતવાઢેર, નગરઇજનેર, મનપા

આવતીકાલે ટેન્ડર બહાર પડશે

ગિરનાર દરવાજાથી સોનાપુરી સુધીનાં દબાણો હટાવાયા. / મેહુલચોટલીયા

સિંહ દર્શન : 1 વર્ષ, 5 લાખ પ્રવાસી, 5 કરોડની આવક.

સિંહ દર્શન : 1 વર્ષ, 5 લાખ પ્રવાસી, 5 કરોડની આવક
  • Bhaskar News, Talala
  • Apr 29, 2015, 00:36 AM IST
- ગત વર્ષની તુલનામાં આ વર્ષ દરમ્યાન 60 હજાર પ્રવાસીઓ વધુ આવ્યા : વનવિભાગની આવક પણ વધી રહી છે

તાલાલા: સિંહ દર્શન કરવા દેશ-વિદેશનાં પ્રવાસીઓમાં આકર્ષણ વધી રહ્યું હોય અેપ્રીલ 2014થી માર્ચ 2015 સુધીમાં ગીર જંગલની મુલાકાતે આવેલા પ્રવાસીઓનો આંક પાંચ લાખને પાર કરી ગયો છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી વન વિભાગની આવકમાં વધારો થતા પ્રવાસીઓ પાસેથી સિંહદર્શન માટે વસુલાતી ફીની રકમથી પાંચ કરોડ છન્નુલાખની આવક વનવિભાગને થઇ છે.

સિંહ જોવા ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા બાર ટકાનો વધારો થયો છે. 2013-14માં પ્રવાસીઓની સંખ્યા ચારલાખ એકાવન હજાર હતી. જેનાથી વનવિભાગને ચાર કરોડ એંસી લાખ રૂપિયાની આવક થયેલ એપ્રીલ 2014થી માર્ચ 2015 સુધીનાં વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા બાર ટકાનાં વધારા સાથે પાંચ લાખ અગીયાર હજારએ પહોંચી જતાં ગીરની મુલાકાતે વધુ 60 હજાર પ્રવાસીઓ આવેલ જેનાંથી વનવિભાગને પાંચ કરોડ છન્નુ લાખ રૂપિયાની ભારે આવક થયેલ છે.

પ્રવાસીઓની વધી રહેલ સંખ્યા અંગે સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડી.સી.એફ. ડો.સંદિપકુમારે જણાવેલ કે એશીયાઇ સિંહો માત્ર ગીરમાં જ વસે છે. અને ગુજરાત સરકાર દ્વારા ગીરને ટોચનાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દેશ-વિદેશમાં થઇ રહેલ પ્રચાર મહત્વનો બન્યો છે. સાથે ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓને વનવિભાગનાં સ્ટાફ અને ગાઇડો દ્વારા આનંદદાયક સિંહદર્શન કરવામાં આવતુ હોય પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.

પ્રકૃતિના આનંદને માણવા પ્રવાસીઓ વધુ આવે છે

સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યા ક્રમશ: દર વર્ષે વધી રહી હોય આ અંગે હાથ ધરાયેલ સર્ટીમાં ઘણાં પ્રવાસીઓ પાસેથી એવી જાણકારી મળેલ કે સિંહદર્શન કરવા સાથે ગીરમાં પ્રાકૃતિક કુદરતી સૌંદર્યની મજા આવતી હોય ઘણા પ્રવાસીઓ દર વર્ષે ગીરની મુલાકાતે સાથે છે. ઘણા પ્રવાસીઓ વર્ષ દરમ્યાન એકથી વધુ વખતગીરની મુલાકાત લે છે.

વન વિભાગને ધારી પાસે પણ વ્યવસ્થા ઉભી કરવી પડી

સાસણ ગીર ખાતે આવેલા દેવળીયા પાર્કમાં તેમજ એ સીવાયનાં વિસ્તારમાં વન પરિભ્રમણ માટે વનવિભાગ દ્વારા પરમીટો આપવામાં આવે છે. જો કે, સીઝનમાં અહીં એટલા બધા પ્રવાસીઓ હોઈ છે કે ઘણા બધાને પરમીટ નથી મળી શકતી. અને તેઓને સિંહ દર્શન વિના જ પાછા જવુ પડે છે. આથી વનવિભાગે દેવળીયા પાર્કની માફક ધારી પાસે પણ એક નવો ઈન્ટરપ્રિટેશન ઝોન બનાવ્યો છે. આગામી સમયમાં પ્રવાસીઓનો ધસારો પહોંચી વળી શકાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં ગીર જંગલમાં દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.

કેરીનાં કિલોનાં 200થી 300, રસના 50 જ.

કેરીનાં કિલોનાં 200થી 300, રસના 50 જ
  • Bhaskar News, Junagadh
  • Apr 28, 2015, 00:14 AM IST
- શહેરમાં કેરીનાં ભાવ અને રસને લઇ વિસંગતતા : કેરીનાં રસમાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવી રહી છે

જૂનાગઢ: ધોમધખતા ઉનાળાની સાથે જ કેરીની સીઝન શરૂ થઇ છે. જૂનાગઢની બજારમાં કેરી અને કેરીનો રસ મળી રહ્યો છે. બજારમાં રસનાં ભાવ અને કેરીનાં ભાવમાં વિસંગતતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ કેરીના ભાવ પ્રમાણમાં રસના ભાવ જોતા કઇક ગોલમાલ પણ થતુ હોવાનું પણ ગંધ આવી રહી છે.

બજારમાં કેરીનાં ભાવ 2૦૦થી 300 રૂપિયાથી વધારે છે. જયારે બજારમાં કેરીનો રસ ૫૦ રૂપિયાનો લીટર મળી રહ્યો છે. કેરીનાં ભાવ અને રસમાં વિસંગતતાનાં કારણે અનેક સવાલો ઉભા થયા છે. ભાવની વિસંગતતા રસમાં ભેળસેળ થતી હોવાની શંકા ઉઠી રહી છે.

ઉનાળાની સીઝનનાં અમૃત ફળ કેરીની આવક શરૂ થઇ ગઇ છે. બજારમાં કેરીનાં સ્ટોલ પણ ખુલી ગયા છે. બજારમાં લારીઓમાં પણ કેરી નજરે પડી રહી છે. સ્વાદ શોખીનો સવાર પડેને કેરી ખરીદવા પહોંચી જાય છે. કેરીની સાથે બજારમાં કેરીનો રસ પણ મળવા લાગ્યો છે.

બજારમાં કેરીનો રસ ગ્લાસ, લિટર અને કીલોનાં ભાવે વેચાઇ રાો છે.જોકે, હજુ કેરીની આવક ઓછી હોઇ કમાઇ લેવા માટે કેરીનાં રસનાં ભાવમાં આશમાન જમીનનો તફાવત જોવા મળે છે. સામાન્ય વ્યકિતને પોષાય તેવી રીતે કેરીનાં રસનાં ભાવ લેવામાં આવી રહ્યો છે. બજારમાં કેસરથી માંડી અન્ય કેરી પણ આવી ગઇ છે. સરેરાશ કેરીનાં ભાવ 200 રૂપિયાથી લઇને 300 રૂપિયા છે. જયારે બજારમાં કેટલાક વેપારીઓ કેરીનો રસ ૫૦ રૂપિયા કિલો વેચી રહ્યા છે. કેરીનાં કિલોનાં ભાવ અને કેરીનાં રસનાં ભાવમાં શહેરમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે.

કેરીનાં ભાવ અને રસનાં ભાવમાં બે ગણો તફાવત જોવા મળે છે. આ પ્રકારે કોઇ વેચાણ કરી ખોટનો ધંધો ન કરે છતા પણ કેટલાક વેપારીઓ સસ્તામાં કેરીનો રસ વેચી રહ્યા છે. ત્યારે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કેરીનાં રસમાં ભેળસેળ થતી હોવાની પણ ફરીયાદ ઉઠી છે. આ બેલગામ બનેલા કેટલાક વેપારીઓ સામે તંત્ર પગલા ભરે તેવી માંગ પણ ઉઠી છે. કેરીનાં રસમાં મોટેપાયે ભેળસેળ કરી કેટલાક વેપારીઓ નફો મેળવી રહ્યા છે.

એક કિલો કેરીમાં કેટલો રસ નિકળે ?

સામાન્ય રીતે સારામાં સારી કેરી એક કિલો હોય તો તેમાંથી 500થી600 ગ્રામ રસ નિકળે છે. કેરીનાં 200 રૂપિયા હોય તો રસનાં 160 રૂપિયા થાય છે. તો તેની સામે શહેરમાં 50 રૂપિયાનો કિલો રસ મળી રહ્યો છે. જે બતાવી રહ્યું છે. કે કેરીનાં રસમાં ગોલમાલ થઇ રહી છે.

પપૈયા ભેળવવામાં આવે ?

બજારમાં કેરીની સાથે પપૈયા પણ મળી રહ્યા છે. બજારમાં પપૈયાનાં કિલાનાં ભાવ 30 રૂપિયા છે. જોકે, જથ્થાબંધમાં તો તેથી પણ સસ્તા મળી રહ્યા છે .ત્યારે કેરીનાં રસમાં પપૈયા મિક્સ કરવામાં આવતુ હોવાની પણ ચર્ચા ઉઠી છે. તેમજ પપૈયા સાથે એસન્સ પણ ભેળવવામાં આવે છે.

કેરીની આવક ઓછી હોય ભાવ બમણા

ગત વર્ષે એપ્રિલમાં કેરીનાં ભાવ વધુમાં વધુ 150 રૂપિયા હતા. પરંતુ ચાલુ વર્ષે બજારમાં કેરીની આવક ખૂબ ઓછી હોય આ ભાવ ડબલ થયા છે. કેસર , હાફૂસ, લાલબાગ તમામ કેરીનાં ભાવમાં બે ગણો વધારો ચાલુ વર્ષે જોવા મળી રહ્યો છે.

ખેડૂત પુત્રએ કર્યું મધમાખી પર MSc, વર્ષે 2200 કિલો મધ ઉત્પન્ન કરે છે.

ખેડૂત પુત્રએ કર્યું મધમાખી પર MSc, વર્ષે 2200 કિલો મધ ઉત્પન્ન કરે છે
  • Bhaskar News, Mendarda
  • Apr 27, 2015, 11:22 AM IST
મેંદરડાનાં આલીધ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત પરિવાર દ્વારા મધ ઉછેર કેન્દ્ર
- દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે
- ખેડૂત પુત્રએ એમએસસી મધમાખી પર જ કર્યું



મેંદરડાનાં આલીધ્રા ગામે રહેતા ખેડૂત જેન્તીભાઇ સાવલીયા ચાર વર્ષ પહેલા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા મનમોહનભાઇ બી. પટેલનાં સંપર્કમાં આવેલ અને તેઓનાં માર્ગદર્શનથી પોતાની વાડીમાં ઉછેર કેન્દ્ર શરૂ કરી 150 જેટલી કૃત્રિમ મધપુડાની પેટીઓમાં દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે. મધની સાથો સાથ ખેતીની ઉપજમાં પણ 30 થી 40 ટકાનો વધારાનો ઉતારો મેળવી સમજણપૂર્વક ખેતી કરી આવકમાં વધારો કરી રહયાં છે.

અત્રે ઉલ્લેખનિય બની રહેશે કે,  મનમોહનભાઇનાં પિતા બાબુભાઇએ 1977માં મધ ઉછેર કેન્દ્ર શરૂ કરેલ. જયારે મનમોહનભાઇએ ધો.7 થી એમએસસી, બીએડ સુધી ફકત મધમાખીઓ પર જ અભ્યાસ કરી પિતાનાં આ વ્યવસાયમાં જોડાઇ ઉછેર કેન્દ્રને વધુ આધુનિક બનાવ્યું છે. તેઓ અન્ય ખેડૂતોને પણ મધ ઉછેર કેન્દ્ર માટે પ્રોત્સાહિત કરે છે. સાથે આજે પુરક ખેતીનું સુંદર મજાનું ઉદાહરણ આ પરિવારે સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

જૂનાગઢથી દરરોજ 10 મણ રાવણા પહોંચે છે દિલ્હી.

જૂનાગઢથી દરરોજ 10 મણ રાવણા પહોંચે છે દિલ્હી
  • DivyaBhaskar News Network
  • Apr 27, 2015, 05:00 AM IST
જૂનાગઢનાંઓઝત કાંઠાના અને વંથલી પંથકમાં પાકતા રાવણાની માંગ દિલ્હીમાં પણ વધી છે. જૂનાગઢમાં રોજનાં 10 મણ રાવણા દિલ્હીમાં પહોંચે છે. અહીં 80નાં કિલો વેંચાતા રાવણા દિલ્હીની બજારમાં 250 રૂપિયે કિલો વેંચાય છે.

ઉનાળાની ઋતુમાં ફળોમાં જેમ કેરી પ્રખ્યાત છે તેમ કાળા રંગના મીઠા અને મધુર રાવણા પણ એટલા પ્રખ્યાત છે. રાવણા ઉનાળાની ઋતુમાં વોર્મિંગને કારણે વરસાદી માવઠાઓ આવતા ખેતરોના બધા પાકોની જેમ રાવણામાં ઉત્પાદનમાં પણ નુકશાન થયું છે. છતાં પણ વર્ષે રાવણાની આવક ગયા વર્ષ કરતા વધારે થવાની શકયતા છે.

જૂનાગઢનાં ઓઝત કાંઠાના વિસ્તારમાં અને વંથલી પંથકમાં રાવણાનું ઉત્પાદન વધુ જોવા મળે છે. આથી ત્યાંથી રાવણાની આયાત કરી વધુ ભાવ માટે બહાર મોકલવામાં આવે છે. જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર છેલ્લા અઠવાડીયાથી 15 થી 20 મણ સુધીની રાવણાની આવક થાઇ રહી છે. જેમાંથી સારી ગુણવતાના રાવણાનાને એકઠા કરવામાં આવે છે. ત્યાર પછી સારી ગુણવતા વાળા રાવણાને દિલ્હી મોકલી વેપારીઓ ધંધામાં નફો મેળવવા માટેનું એક સાધ્ય બનાવ્યું છે.

રાવણા દિલ્હી કેવી રીતે મોકલવામાં આવે છે

સારીગુણવતાવાળા રાવણાના રાવણા એકઠા કરી બોક્ષમાં પાર્સલ કરી ટ્રેન મારફતે દિલ્હી પહોંચાડાય છે.

ગ્લોબલવોર્મિંગથી પાકમાં થયુ છે નુકશાન

જૂનાગઢમાર્કેટયાર્ડના વેપારી રાજુભાઇએ જણાવ્યુ હતુ કે, ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદી માવઠાઓને કારણે બધા પાકોની જેમ રાવણામાં પણ નુકશાન થયુ છે. છતા પણ આવકમાં વધારો થશે તેવી આશા છે.

રાવણાઔષધીય દ્રશ્ટીએ પણ ગુણકારી

ઉનાળાનીઋતુમાંઉનવા, પથરી જેવા પેશાબનાં રોગો થતા હોય છે ત્યારે રોગો માટે રાવણા આર્શીવાદરૂપ બની રહે છે.

યાર્ડમાં તૈયાર કરાતા રાવણા /- તસ્વીર: મીલાપ અગ્રાવત

ગીરનારી ગીધની તપાસ માટે આજે નાયબ વનસંરક્ષક જૂનાગઢમાં.


DivyaBhaskar News Network

Apr 27, 2015, 04:55 AM IST
બહુચર્ચીત ગીરનાર રોપ-વે પ્રોજેકટ માટે અનેક વખત જેમનાં નામનો ઉલ્લેખ થયો ગીરનારી ગીધની સુરક્ષા અને તપાસ માટે આવતીકાલે નાયબ વનસંરક્ષક વોરા પોતાની ટીમ સાથે જૂનાગઢ આવી રહયાં હોવાનું જાવા મળી રહયું છે. હાલનાં તબક્કે મામલો ભારે ચર્ચાનો વિષય છે કારણ કે, છેલ્લા કેટલાય દાયકાથી સમગ્ર જૂનાગઢની નજર ગીરનાર રોપવે પ્રોજેકટ પર મંડાયેલી છે.છેલ્લા કેટલાય સમયથી લટકી રહેલા ગીરનાર રોપ-વે પ્રોજેકટ વિશે અનેક બાબતો ચર્ચામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ સમિતિની મંજુરી સહિતનાં મુદ્દાઓ ઘણી વખત ઉખડયા અને ફરી દબાયા ત્યારે ફરી એક વખત અા મામલે એક નવો વળાંક જોવા મળી રહયો છે. રોપ વે માટે અવરોધો ગણાઇ રહેલ ગીરનારી ગીધની સુરક્ષા અને તપાસ માટે નાયબ વનસરંક્ષક વોરા અને તેની ટીમ આવતીકાલે જૂનાગઢ આવી રહી હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. જોકે બાબતે કયા - કયાં મુદાઓ સાંકળવામાં આવશે તેના પર શું નિર્ણયો લેવાશે તે જોવું રહયું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગીરનારી ગીધ અંગેનો રીપોર્ટ તૈયાર થયો હતો. છેલ્લે ગણના થઇ મુજબ 100 થી વધુ ગીધનાં માળા હોવાનું સામે આવ્યું છે.

ગીરમાં વનરાજનો પરિવાર સાથે વિહાર.

PHOTOS: ગીરમાં વનરાજનો પરિવાર સાથે વિહારઅમરેલી:
Bhaskar News, Amreli
Apr 30, 2015, 11:03 AM IST

 ગિરનો સિંહ એટલે જંગલનો રાજા. તેના દેખાવ, સ્વભાવ, ચાલવાની છટા, બધું એક રાજવી જેવું. વનરાજ જંગલમાં નિકળે એટલે સોંપો પડી જાય. બધાએ તેની અદબ જાળવવી પડે એવો તેનો દબદબો હોય. આ તસ્વીર ધારી-ગળધરા રોડને ક્રોસ કરી રહેલા સિંહ પરિવારની છે.
મહારાજા ધિરાજની માફક સિંહ-સિંહણ બચ્ચાં સાથે રોડ પર ગેલ ગમ્મત કરતા હોય ત્યારે રાહદારીઓએ વાટ જોવી જ પડે. લાયન શોમાંય આવું મનોહર છત્તાં થ્રીલર દૃશ્ય ધરાઇને જોવા ન મળે. જોકે, સોરઠવાસીઓ માટે આ વાત કાંઇ નવી નથી.

ડેડાણની સીમમાં 80 વર્ષના વૃધ્ધને દીપડાએ ફાડી ખાધા.

Bhaskar News, Amreli/ Khambha
Apr 29, 2015, 01:38 AM IST

 
- દીપડાના હુમલાના વધતા બનાવથી ફફડાટ
- ઝૂંપડાંથી 50 ફૂટ દૂર લાશ મળી

અમરેલી/ખાંભા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં જેવી રીતે સિંહની વસતી વધી રહી છે તેમ તેમ દીપડાની વસતી પણ સતત વધી રહી છે. શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ નિરંતર વધી રહી છે. આવી વધુ એક ઘટનામાં ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં આજે વહેલી સવારે દીપડાએ 80 વર્ષના કોળી વૃધ્ધનો ભોગ લીધો હતો. દીપડો આ વૃધ્ધને ગળામાંથી પકડી ઝૂંપડાંથી 50 ફુટ દુર ઢસડી ગયો હતો અને ફાડી ખાધા હતાં. તેમનું માથુ અને ધડ અલગ મળી આવ્યા હતાં. ઘટનાની જાણ થતા વન વિભાગનો કાફલો ત્યાં દોડી ગયો હતો.

દીપડાએ 80 વર્ષના વૃધ્ધને ફાડી ખાધાની આ ઘટના આજે વહેલી સવારે ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં બની હતી. ગીર કાંઠાના ખાંભા તાલુકાના ડેડાણ ગામના બચુભાઇ ગગજીભાઇ વાઘેલા (ઉ.વ. 80) નામના કોળી વૃધ્ધ સોમવારે રાત્રે ચાડીકા ડુંગર વિસ્તારમાં આવેલી પોતાની વાડીએ રખોપુ કરવા ગયા હતાં. અહિં વાડીએ રાતવાસો કરવા માટે એક ઝુંપડું બનાવવામાં આવ્યું છે. વૃધ્ધ રાત્રીના સમયે ઝૂંપડાંમાં સુઇ ગયા હતાં દરમિયાન વહેલી સવારે શિકારની શોધમાં નિકળેલો દીપડો ઝૂંપડાંમાં ધસી આવ્યો હતો અને પથારીમાં સુતેલા વૃધ્ધ પર હુમલો કરી દીધો હતો. દીપડા તેમને ગળામાંથી પકડી ઝૂંપડાંથી 50 ફુટ દુર સુધી ઢસડી ગયો હતો.

દીપડાએ આ વૃધ્ધના શરીરનો કેટલોક ભાગ ફાડી ખાધો હતો. એટલુ જ નહી તેમનુ માથુ ધડથી અલગ કરી દીધુ હતું. સવારે જ્યારે તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ થઇ ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક આરએફઓ ઝાલા, ફોરેસ્ટર બી.બી. વાળા, પલાસભાઇ, શાહીદખાન વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને મૃતક વૃધ્ધની લાશને પોસ્ટમોર્ટમ માટે ખાંભા દવાખાને ખસેડી હતી. માનવભક્ષી દિપડાની આ વિસ્તારમાં અવર જવરને પગલે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા પણ અહિં દોડી આવ્યા હતાં. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં દીપડા દ્વારા આ પ્રકારે માણસ પર હુમલા કે માણસના શિકારની ઘટના અવાર નવાર બનતી હોય વનતંત્ર દ્વારા આ દિશામાં પગલા લેવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

એકલવાયું જીવન જીવતા હતા વૃધ્ધ

ડેડાણના 80 વર્ષના કોળી વૃધ્ધ બચુભાઇ ગગજીભાઇ વાઘેલા અપરિણીત હતાં અને એકલવાયુ જીવન જીવતા હતાં. વર્ષોથી તેઓ પોતાના વાડીના ઝૂંપડાં જેવા મકાનમાં રહેતા હતા અને કાયમ એક જ સ્થળે સુતા હતાં. પરંતુ સોમવાર રાત્રે શિકારની શોધમાં નિકળેલા દીપડાએ તેનો જીવ લઇ લીધો હતો.

માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો

ડેડાણની સીમમાં દીપડો માનવભક્ષી બની જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાએ વૃધ્ધાનો શિકાર કર્યા બાદ વન વિભાગે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઇ આ દીપડાને પકડવા માટે સીમમાં પાંજરૂ ગોઠવી દીધુ હતુ. અને મોડી સાંજે આ દીપડો પાંજરામાં સપડાઇ ગયો હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું. મૃતક કોળી વૃધ્ધની લાશનું ખાંભા દવાખાને પીએમ કરી તેના પરિવારને લાશ સોંપી દેવાઇ હતી.

સિંહ માટે પાણીના 18 કૃત્રિમ પોઇન્ટ ઉભા કરાયા .


સિંહ માટે પાણીના 18 કૃત્રિમ પોઇન્ટ ઉભા કરાયા


 
  • Bhaskar News, Liliya
  • Apr 29, 2015, 00:34 AM IST
- લીલીયા પંથકમાં હરણ, શીયાળ, નિલગાય સહિતના પ્રાણીઓ પાણી માટે આમથી તેમ ભટકે છે ત્યારે
- પવનચક્કીના પણ ત્રણ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા

લીલીયા: એક તરફ કાળઝાળ ગરમીમાં લોકોને પણ પીવાના પાણીના ફાંફા છે ત્યાં વન્ય પ્રાણીઓની હાલત કફોડી બને તે સ્વાભાવિક છે. ખાસ કરીને લીલીયા તાલુકામાં વસતા સાવજોને પાણી માટે ભટકવુ પડે છે. જેને પગલે વનતંત્ર દ્વારા શેત્રુજી અને ગાગડીયો નદીના કાંઠે પાણીની પંદર કુંડી ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પવનચક્કીના પણ ત્રણ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

લીલીયા તાલુકામાં તો લોકો માટે પણ પાણીની તંગી છે. ત્યારે અહિં વસતા સાવજ, નિલગાય, હરણ અને શીયાળ સહિતના વન્ય પ્રાણીઓની સ્થિતી વધુ કફોડી છે. અહિં દર વર્ષે ઉનાળામાં વનતંત્ર દ્વારા પિવાના પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવે છે. જેથી આ વન્ય પ્રાણીઓને પાણી માટે આમથી તેમ ભટકવુ ન પડે.

હાલમાં લીલીયા તાલુકાના આંબા, ભેંસવડી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ભોરીંગડા, ટીંબડી, વાઘણીયા, અમરેલી તાલુકાના ચાંદગઢ વિગેરે ગામોમાં સાવજોનો વસવાટ છે. જેને પગલે વન વિભાગ દ્વારા શેત્રુજી, ગાગડીયો અને સકરો નદીના કાંઠે આવેલા આ ગામોની સીમમાં જુદા જુદા પંદર સ્થળે પાણીની કુંડીઓ મુકવામાં આવી છે. આ ઉપરાંત પવનચક્કીના પાણીના ત્રણ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અઢાર સ્થળોએ નિયમીત પાણી ભરવામાં આવશે. સ્થાનિક આરએફઓ અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ. રાઠોડ વિગેરે આ કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે.

સિંહ ગણતરી પૂર્વે સ્કેનીંગનો આરંભ

સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની વસતી ગણતરી આડે હવે જુજ દિવસો બાકી છે. ત્યારે જે વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસે છે તે લીલીયા પંથકમાં વનતંત્ર દ્વારા સ્કેનીંગની કામગીરીનો આજે આરંભ કરવામાં આવ્યો હતો. અમરેલીના ડીએફઓ એમ.આર. ગુર્જરના માર્ગદર્શન નિચે આજે વહેલી સવારથી જ લીલીયા પંથકમાં આવેલી વાડીઓમાં વનતંત્ર દ્વારા દંગાઓની ચકાસણી કરાઇ હતી. આ ઉપરાંત વિજ પ્રવાહનું પણ ચેકીંગ કરાયુ હતું. સિંહ ગણતરી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માઇક ફેરવી સુચનાઓ અપાઇ હતી. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે લોક જાગૃતિના કાર્યક્રમો ગામેગામ યોજાશે.

રાજુલા પંથકના ધારેશ્વરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો.


રાજુલા પંથકના ધારેશ્વરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો



Bhaskar News, Rajula

Apr 25, 2015, 01:05 AM IST
 
- વનવિભાગનો સ્ટાફ દોડી ગયો : કુદરતી રીતે મોત થયાનું વનવિભાગનું તારણ

રાજુલા: ગીર જંગલમાં વસતા સિંહ, દીપડા હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે મોડીરાત્રીના એક દીપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દીપડાનો મૃતદેહ મળી આવવાની આ ઘટના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે ગઇકાલે મોડીરાત્રીના બની હતી ધારનાથવાળા મેડા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આરએફઓ ધાંધિયા, ફોરેસ્ટર રાઠોડ, ચાંદુભાઇ, ગોહિલભાઇ, પઠાણભાઇ સહિતનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો.

વનવિભાગે દીપડાનો મૃતદેહ કબજે લઇ બાબરકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને બાદમાં ત્યાં જ અગ્નિદાહ અપાયો હતો. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દીપડો આશરે 15 વર્ષની ઉંમરનો હતો અને તેનું કુદરતી રીતે મોત થયાનું વનવિભાગે પ્રાથમિક તારણ આપ્યું હતું.

સા.કુંડલાના અભરામપરામાંથી 8 નીલગાયના મૃતદેહ મળ્યાં.


સા.કુંડલાના અભરામપરામાંથી 8 નીલગાયના મૃતદેહ મળ્યાં


Bhaskar News, Savarkundla

Apr 25, 2015, 00:25 AM IST
 
- યુરિયાવાળુ પાણી કે ખોરાકથી મોત થયાનુ પ્રાથમિક તારણ

ખાંભા,સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં આઠ નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગે વાડીની આસપાસ પાણી અને ખોરાકના નમુના એફએસએલમા મોકલવાની કાર્યવાહી કરી હતી. ઉપરાંત આઠેય મૃતદેહોને આ વિસ્તારમાં જ દફન કરવામા આવ્યા હતા. નીલગાયોના મોત યુરિયાવાળુ પાણી કે અન્ય ખોરાક ખાવાથી મોત થયાનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યું હતુ.

એકસાથે આઠ નીલગાયના મોતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના અભરામપરાની સીમમાં બની હતી. અહી આવેલ રવજીભાઇ ભીખાભાઇ વેકરીયાની વાડીમાં આઠ નીલગાયના મૃતદેહ પડયા હોવાની જાણ થતા વનવિભાગને જાણ કરવામા આવતા અહી એસીએફ મુની, ટી.બી.જોષી, ટી.એ.ચાંદુ, રામાણી સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો.  વનવિભાગે આસપાસમાંથી પાણી અને ખોરાકના નમુના જુનાગઢ ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. મૃતદેહોમાં સાત માદા અને એક નર હોવાનુ જાણવા મળ્યું હતુ. વનવિભાગે આ વિસ્તારમાં જ ઉંડા ખાડાઓ ખોદી નીલગાયોના મૃતદેહો દફન કર્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કુવામાં પડેલ નિલગાયના બચ્ચાને બચાવવી લેવાયું.

કુવામાં પડેલ નિલગાયના બચ્ચાને બચાવવી લેવાયું
Bhaskar News, Amreli
Apr 24, 2015, 02:23 AM IST
 
કુવામાં પડેલ નિલગાયના બચ્ચાને બચાવવી લેવાયું
અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા સ્ટાફ દોડ્યો

અમરેલી: અમરેલી તાલુકાના વાંકીયા ગામે આવેલ એક વાડીના ખુલ્લા કુવામા વહેલી સવારે એક નિલગાયનું બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે ગ્રામજનોને જાણ થતા તુરત વનવિભાગને જાણ કરવામા આવતા અહી વનવિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને મહામહેનતે નિલગાયના બચ્ચાને કુવામાંથી સલામત રીતે બહાર કાઢવામા આવ્યું હતુ. 

નિલગાયનુ બચ્ચુ કુવામા પડ જવાની આ ઘટના અમરેલી તાલુકાના વાંકીયા ગામે બની હતી. અહી ડો. ધીરૂભાઇ મોહનભાઇ અકબરીની વાડીએ આવેલા ખુલ્લા કુવામા નિલગાયનું બચ્ચુ ખાબકયુ હતુ. આ અંગે વિનુભાઇ પાંચાભાઇ રાદડીયાને જાણ થતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરતા અહી ફોરેસ્ટર ભનુભાઇ, પ્રકાશ બિહારી, ફિરોજભાઇ તેમજ માધાભાઇ અને મનુભાઇ વિગેરે દોડી આવ્યા હતા. 

ઘટનાની જાણ થતા અહી ગ્રામજનો પણ એકઠા થયા હતા અને ટ્રેકટર, દોરડા વિગેરેની મદદથી નિલગાયના બચ્ચાને કુવામાંથી સલામત રીતે બહાર કાઢી સારવાર આપી મુકત કરી દેવામા આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના અનેક વિસ્તારોમાં નીલગાયની સંખ્યા વધુ હોય અવારનવાર આવા બનાવો બનતા રહે છે.

હજુ તો અડધો ઉનાળો બાકી હોય લોકોને નાછુટકે પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવા પડે છે : તળમાં પણ પાણી ડૂકી ગયા.

હજુ તો અડધો ઉનાળો બાકી હોય લોકોને નાછુટકે પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવા પડે છે : તળમાં પણ પાણી ડૂકી ગયા
DivyaBhaskar News Network

Apr 21, 2015, 03:35 AM IST

અમરેલીમાં 4 દિ'એ મળે છે પાણી: દેકારો

એકતરફ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ અમરેલી સહિત જિલ્લાભરમાં પીવાના પાણીની વિકટ સ્થિતી ઉભી થઇ છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનુ પુરતુ પાણી મળતુ હોય મહિલાઓને દુરદુર સુધી આકરા તાપમા પાણી મેળવવા માટે ભટકવુ પડી રહ્યું છે. અમરેલી શહેરમાં પણ ચાર દિવસે પાણીનુ વિતરણ થતા લોકોમાં દેકારો બોલી ગયો છે. ગત ચોમાસુ નબળુ રહેતા હવે તળમાં પણ પાણી ડુકી ગયા છે. અમરેલીના લોકોને તો માત્ર મહિ યોજના પર આધારિત રહેવુ પડે છે. અહી હાલમાં 12 એમએલડી પાણીનુ વિતરણ થઇ રહ્યું છે પરંતુ જરૂર છે 16 એમએલડીની.

અમરેલી શહેરમાં ઉનાળાએ તેનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે તેની સાથે સાથે હવે પીવાના પાણીની વિકટ સ્થિતી સર્જાવા લાગી છે. આમ તો અમરેલીમાં પાણી પ્રશ્ને અનેક આંદોલનો થયા હોવા છતા સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ નથી આવ્યો. હાલમાં શહેરમાં ચાર દિવસે એક વખત પણ સવા કે દોઢ કલાક પાણી મળતુ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. હજુ અડધો ઉનાળો બાકી હોય પાણીની સમસ્યા વધુ ઘેરી બનશે તેવી શકયતાઓ પણ જોવાઇ રહી છે. લોકોને પીવાનુ પાણી મળતુ હોય દુરદુર સુધી પાણી મેળવવા માટે જવુ પડે છે. ખાસ કરીને મહિલાઓને આકરા તાપમા પણ પાણી મેળવવા જવુ પડતુ હોય રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલમાં 12 એમએલડી પાણીનું વિતરણ થઇ રહ્યું છે પરંતુ જેમ જેમ ઉનાળો આકરો થતા પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી પાણીની ઘટ પડી રહી છે. શહેરને 16 એમએલડી પાણીની જરૂરિયાત છે.

ઉનાળાએ તેનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે લીલીયાના બૃહદગીર વિસ્તારમાં વસવાટ કરતા સાવજો પણ ગરમીથી ત્રસ્ત બન્યાં છે. અહી શેત્રુજી નદીના પટમાં હજુ ખાડાઓમાં થોડુઘણુ પાણી ભરાયેલુ છે ત્યારે એક સિંહ યુગલ જાણે ગરમીથી બચવા પાણીમાં છબછબીયા કરતુ કેમેરામાં કંડારાઇ ગયુ હતુ.

બોર અને હેન્ડપંપ બન્યા પાણી વગરના

હાલમાંઅમરેલીશહેરના લોકોને માત્ર મહિ યોજના પર આધારિત રહેવુ પડે છે. કારણ કે અહી ધારી અને વરૂડીથી પાણી મળતુ નથી ઉપરાંત હાલમાં ઠેબી ડેમનુ કામ પણ ચાલી રહ્યું હોય જેથી અહી એકેય લોકલ સોર્સ નથી. ગત ચોમાસુ નબળુ રહ્યું હોય જેના કારણે હાલ તળમાં પણ પાણી ડુકી ગયા હોવાથી બોર કે હેન્ડપંપમાં પણ પાણી આવતુ નથી.

શહેરમાં ચાર દિવસે પાણીનુ વિતરણ કરવામા આવતુ હોય અહી લોકોને ફરજીયાત ખાનગી ટેન્કરો મંગાવવા પડી રહ્યાં છે. અહી એક હજાર લીટર પાણીના ટેન્કરનો ભાવ રૂ. 350 ચાલી રહ્યો છે. ચાર દિવસે પાણી આવતુ હોય પરંતુ પાણી સ્ટોરેજ કરવાનો પ્રશ્ન પણ ઉભો થાય છે જેના કારણે નાછુટકે પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવા પડી રહ્યાં છે. / પ્રકાશચંદારાણા

પાણીના ટેન્કરોનંુ ભાડુ ~ 350

4 દિવસે સવા કલાક થાય છે પાણીનું વિતરણ

અમરેલીશહેરમાંચાર દિવસે પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું છે તેમાંય જો કોઇ અડચણ આવે તો પાંચ કે દિવસે પાણીનુ વિતરણ કરવામા આવે છે. અહી ચાર દિવસે માત્ર સવા કલાક પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું છે. લોકોને પાણીનુ સ્ટોરેજ કરવામા પણ હાલાકી પડી રહી છે. છેવાડાના વિસ્તારમાં તો પુરતુ પાણી મળતુ હોય લોકો તોબા પોકારી ઉઠયાં છે.

ખાંભાના ભાંવરડી લાયન શો પ્રકરણમાં તપાસ શરૂ.

ખાંભાના ભાંવરડી લાયન શો પ્રકરણમાં તપાસ શરૂ
Bhaskar News, Khambha

Apr 20, 2015, 00:22 AM IST
 
- વનવિભાગે ગ્રામજનોનાં નિવેદન પણ લીધા

ખાંભા: ખાંભાના ભાવરડી ગામે પાંચ સાવજોએ ગામમાં ઘુસી એક ગાયનુ મારણ કર્યુ હતુ. બાદમાં કોઇએ આ મારણને સાંકળ વડે વિજપોલ સાથે બાંધી દીધુ હતુ. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો અને વનવિભાગે તો મારણને છેક દસ કિમી દુર ખસેડી દીધુ હતુ જેના કારણે સાવજો ભુખ્યા ટળવળતા રહ્યાં હતા. ત્યારે આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને ગ્રામજનોના નિવેદનો પણ લેવાયા છે.

ભાવરડી ગામે બનેલી આ ઘટનામાં વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે. ગામમાં એકસાથે પાંચ સાવજો આવી ચડયા હતા અને અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. રાત્રીના લોકો જાગી જતા અહી સિંહ દર્શન માટે એકઠા થયા હતા. જો કે અહી કોઇ ટીખળીખોરોએ મારણને સાંકળ વડે એક વિજપોલ સાથે બાંધી દીધુ હતુ. બાદમાં વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગે તો મારણને છેક દસ કિમી દુર ડુંગરાળ વિસ્તારમાં ખસેડી દીધુ હતુ જેના કારણે સાવજો આખી રાત ગામની આસપાસ ટળવળ્યાં હતા.  

ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા જ તપાસ શરૂ કરવામા આવી છે. મારણને કોણે સાંકળ વડે વિજપોલ સાથે બાંધ્યુ ? તે અંગે વનવિભાગ દ્વારા ગ્રામજનોના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે વનવિભાગની તરફેણમાં નિવેદનો આવે તેવા લોકોના જ નિવેદનો લેવામા આવી રહ્યાં છે. ડીએફઓ અંશુમન શર્માએ ગઇકાલે જણાવ્યું હતુ કે તસ્વીરમાં દેખાતા લોકોની પુછપરછ કરવામા આવશે. અને જે કોઇએ કૃત્ય કર્યુ હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

મારણ બંધાયુ તે સ્થળ અલગ- RFO

ઘટના અંગે તપાસ કરનાર તુલશીશ્યામ રેંજના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે નિવેદનો લેવાની કામગીરી શરૂ કરવામા આવી છે. મારણને સાંકળ વડે બાંધી દેવામા આવ્યુ છે તે વાત ખોટી છે. ભાવરડીમાં જે સ્થળે મારણ છે તે જગ્યા ઉપર સાંકળ બાંધવાની ઘટના બની નથી તે સ્થળ અલગ હોવાનુ જણાવ્યું હતુ.

લીલિયાના બૃહદગીરમાં બે સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો.


 લીલિયાના બૃહદગીરમાં બે સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો

Bhaskar News, Liliya
Apr 19, 2015, 01:41 AM IST
લીલિયા: લીલિયાના બૃહદગીર વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી અનેક સાવજો વસવાટ કરી રહ્યા છે. સાવજોને અહી બાવળની કાટનું જંગલ, પીવાનું પાણી અને ખોરાક મળી રહેતો હોવાથી આ વિસ્તાર સાવજોને સાનુકુળ થયો છે. હાલમાં અહીં 45 જેટલા સાવજોની સંખ્યા છે ત્યારે આ સંખ્યામા પાંચનો વધારો થયો છે. કારણ કે અહીં બે સિંહણોના ઘરે પારણું બંધાયું છે અને પાંચ સિંહબાળનો જન્મ થતા અહીના સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.
સિંહ ગણતરી પૂર્વે જ સાવજોની સંખ્યામાં વધારો
- લીલિયાના બૃહદગીરમાં બે સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો
- સિંહ પરિવારને ત્યાં પારણું બંધાયું: સાવજોની સંખ્યામાં વધારો

 બૃહદગીર વિસ્તારમાં 1999 અને 2000માં ચાંદગઢની સીમમાં સિંહ અને સિંહણ લોકોની નજરે પડયા હતા. બાદમાં અહી જ વસવાટ કર્યો હોય હાલમાં અહી સાવજોની સંખ્યા 45 જેટલી થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ક્રાંકચ નજીક આવેલ ખાટની ઓઢ વિસ્તારમાં માકડી સિંહણના નામે ઓળખાતી સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે. આ ઉપરાંત અન્ય એક રાતડી નામની સિંહણે ચાંદગઢ અને આંબા ગામ વચ્ચે આવેલ નદીના કાંઠે બાવળોની કાટમાં બે સિંહબાળને જન્મ આપ્યો છે. આમ અહી પાંચ સિંહબાળનો જન્મ થતા સિંહપ્રેમીઓમાં ખુશ થઇ ઊઠયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2013માં 17 સિંહબાળનો નોંધનીય વધારો થવા પામેલ જયારે 2014માં 3 સિંહબાળનો વધારો થયો હતો અને 2015મા 5 સિંહબાળનો જન્મ થતા સિંહપ્રેમીઓમાં આનંદ છવાયો હતો. મોટાભાગે સિંહણો ડિસેમ્બર, જાન્યુઆરીમાં બચ્ચાને જન્મ આપતી હોય છે. જયારે લીલીયા બૃહદગીરમાં માર્ચ એપ્રિલમાં સિંહણો બચ્ચાને જન્મ આપતી હોય જે નવાઇની વાત છે.  સિંહબાળની હરકત પર વનતંત્રની નજર છે.
 
આગળ વાંચો, મેટિંગનો સમય નિશ્ચિત નથી- ડીએફઓ શર્મા, પાંચેય સિંહબાળ તંદુરસ્ત છે- ફોરેસ્ટર રાઠોડ, સિંહ ગણતરી પૂર્વે જ સાવજોની સંખ્યામાં વધારો

આગામી દિવસોમાં સિંહની વસ્તી ગણતરી સહિતની કાર્યવાહી વનતંત્ર દ્વારા શરૂ કરાશે તે પૂર્વે જ બૃહદગીરમાં બે સિંહણે પાંચ બચ્ચાંને જન્મ આપ્યાના બનાવથી ગણતરી પૂર્વે જ સિંહની સંખ્યામાં નોંધનીય વધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
 

મેટિંગનો સમય નિશ્ચિત નથી- ડીએફઓ શર્મા

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે હાલ વાતાવરણની સ્થિતિ બદલાઇ રહી છે પહેલા મોટાભાગે મેટિંગનો સમય જૂન માસથી ઓકટોબર વચ્ચેનો રહેતો જેથી ડિસેમ્બર, જાન્યુઆરીમાં સિંહણો બચ્ચાને જન્મ આપતી પરંતુ અત્યારે મેટિંગનો સમય નિશ્ચિત ન હોય કોઇપણ માસમાં સિંહણો બચ્ચાને જન્મ આપે છે. જેથી વાતાવરણની બદલાયેલી સ્થિતિ પ્રાણીઓમાં પણ જોવા મળી રહી છે.

પાંચેય સિંહબાળ તંદુરસ્ત છે- ફોરેસ્ટર રાઠોડ

ફોરેસ્ટર બી.એમ.રાઠોડે જણાવ્યું હતું કે લીલિયા બૃહદગીરના ક્રાંકચ નજીક એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ ઉપરાંત આંબા ચાંદગઢ નજીક એક સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ પાંચેય સિંહબાળ તંદુરસ્ત છે.
 

ભૂખ્યા સાવજો ગામની આસપાસ ટળવળતા રહ્યા ને લોકો સિંહદર્શન કરતા રહ્યા.


ભૂખ્યા સાવજો ગામની આસપાસ ટળવળતા રહ્યા ને લોકો સિંહદર્શન કરતા રહ્યા

Bhaskar News, Amreli

Apr 19, 2015, 00:45 AM IST
ખાંભા: ખાંભા પંથકમાં છેલ્લા ઘણા સમયથી લાયન શોની ઘટનાઓ વધી પડી છે. ત્યારે ખાંભા તાલુકાના ભાંવરડી ગામે ગતરાત્રીના પાંચ સાવજો શિકારની શોધમાં અહી આવી ચડયા હતા. આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. જો કે સાવજોની ડણકોથી ગ્રામજનો જાગી ગયા હતા અને અહી સિંહદર્શન માટે ઉમટી પડતા સાવજો મારણ મુકી સીમમાં ચાલ્યા ગયા હતા.

- લાયન શો માં કાર્યવાહી કરવાને બદલે વન કર્મીઓએ મારણ સગેવગે કરી દીધું
- ભાંવરડીમાં સાવજોએ કરેલા મારણને ગ્રામજનોએ સાંકળથી વીજપોલમાં બાંધી દીધું
- લોકો સિંહદર્શન કરતા રહ્યા અને ભૂખ્યા સાવજો ગામની આસપાસ ટળવળતા રહ્યા

બાદમાં કોઇએ મારણને વિજપોલ સાથે સાંકળથી બાંધી દીધુ હતુ. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને આ મારણને છોડાવી દસેક કિમી દુર નાખી દીધુ હતુ. જેને પગલે સાવજો ભુખ્યા ગામની આસપાસ જ ટળવળતા નજરે પડયા હતા. ત્યારે મારણ કોણે વિજપોલ સાથે બાંધ્યુ ? અને વનકર્મીઓએ શા માટે આટલુ બધુ દુર મારણ નાખી દીધુ તે અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામા આવે તે જરૂરી છે.

સાવજોની સુરક્ષા માટેની જવાબદારી જેના શીરે છે તેવુ વનતંત્ર કયારેક નિષ્ઠુર બની જાય છે. ખાંભાના ભાંવરડી ગામે ગઇકાલે રાત્રે કંઇક આવી જ ઘટના બની હતી. અહી એકસાથે પાંચ સાવજો શિકારની શોધમાં આવી ચડયા હતા અને એક ગાયનુ મારણ કર્યુ હતુ. અહી લોકો સિંહદર્શન માટે ઉમટી પડતા સાવજોને મારણ મુકીને ભાગવુ પડયુ હતુ. બાદમા વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ દોડી આવ્યો હતો. કોઇએ મારણને વિજપોલ સાથે સાંકળથી બાંધી દીધુ હોય તેને છોડાવી અહીથી દસેક કિમી દુર નાખી દેવામા આવ્યુ હતુ.
સાવજો મારણ માટે ગામની આસપાસ જ આખી રાત આમથી તેમ ભટકતા જોવા મળ્યાં હતા. આ મારણ વિજપોલ સાથે કોણે બાંધી દીધુ ? આ ઉપરાંત જયારે સાવજો મારણ કરે ત્યારે સાવજો મારણ પુરેપુરૂ ખાય જાય ત્યાં સુધી વનવિભાગના સ્ટાફને હાજર રહેવુ પડે છે પરંતુ અહી તો વનવિભાગના સ્ટાફે મારણને છોડાવી દસ કિમી સુધી દુર નાખી આવ્યાનુ કહેવાય રહ્યું છે.

ઘટના અંગે તટસ્થ તપાસ કરાશે- ડીએફઓ શર્મા

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે ભાંવરડીની ઘટના અંગે મને જાણકારી મળી છે. તસ્વીરમાં દેખાતા તમામ લોકોની પુછપરછ કરાશે તેમજ જે કોઇ વ્યકિતએ મારણને સાંકળથી વિજપોલ સાથે બાંધી દીધુ છે તેની સામે પણ તપાસ કરી ગુનો દાખલ કરવામા આવશે.

કેરીના બજારમાં ઢગલે ઢગલા: કેરી 1 થી 5 રૂપિયે કિલોના ભાવે વેચાઇ.


કેરીના બજારમાં ઢગલે ઢગલા: કેરી 1 થી 5 રૂપિયે કિલોના ભાવે વેચાઇ

 Bhaskar News, Amreli
Apr 15, 2015, 11:07 AM IST
 
અમરેલી: અમરેલી જિલ્લામાં માવઠાને કારણે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. જાફરાબાદ, ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં છેલ્લા બે દિવસમાં થયેલા માવઠાના કારણે ખુબ મોટા પ્રમાણમાં કેરી ખરી પડી છે. બીજી તરફ કરા પડવાના કારણે આગામી એકાદ સપ્તાહ સુધી કેરી ખરાબ થતી રહેશે તેવુ ખેડૂતવર્ગનું કહેવુ છે. બે દિવસમા એટલા મોટા પ્રમાણમાં કેરી ખરી પડી હતી કે સાવરકુંડલાની બજારમાં રૂ. એકથી લઇ પાંચ રૂપિયે કિલોના ભાવે કેરી વેચાઇ હતી.
 
જિલ્લામાં માવઠાથી કેસરના પાકનો કચ્ચરઘાણ : ખેડૂતોને કેરી વીણવાનો  ખર્ચ માથે પડ્યો
 
આકાશમાંથી થયેલી બરફવર્ષા અને ભારે પવન અને વરસાદને પગલે આંબાવાડીઓમાં ખરી પડેલી કાચી કેરીની રીતસર પથારી થઇ ગઇ છે. બીજી તરફ એટલા મોટા પ્રમાણમાં કેરી ખરી પડી છે કે બજારમાં ખેડૂતોને તેનુ કોઇ લાંબુ વળતર મળતુ નથી અને કેરી વીણવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સાવરકુંડલાની બજારમાં આજે મોટા પ્રમાણમાં આવી ખરી પડેલી કેરી વેચાવા માટે આવી હતી. માલના ભરાવાના કારણે ખેડૂતોની આ કેરી બજારમાં માત્ર રૂ. એકથી લઇ પાંચના કિલોના ભાવે વેચાઇ હતી. કરા અને વરસાદના કારણે હજુ આગામી એકાદ સપ્તાહ સુધી આંબાવાડીઓમાં કેરી ખરતી રહેશે તેવુ ખેડૂતવર્ગનુ કહેવુ છે. ખાંભા, ધારી, સાવરકુંડલા, જાફરાબાદ, અમરેલી પંથકના ખેડૂતોને કેસર કેરીની ખેતીમાં માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે.
 
ખરી પડેલી કેરીના બજારમાં ઢગલે ઢગલા આ અંગે વાંચવા આગળ ક્લિક કરો..
છેલ્લા બે દિવસમાં માવઠાના કારણે કેરીનો સોથ વળી જતાં સાવરકુંડલા સહિત અનેક શહેરમાં કાચી કેરીના બજારમાં ઢગલા જોવા મળ્યા હતા. અને જે કાચી કેરીનો ભાવ થોડા દિવસો પહેલા આસમાને પહોંચ્યો હતો તે ગગડીને એક થી પાંચ રૂપિયે કિલો વહેંચાઇ હતી.
 
બોકસનો ભાવ એક હજાર રહેશે ?
કેસર કેરીનો ભાવ હાલમા ઘણો ઉંચો છે. જો કે દર વર્ષે ભરપુર સિઝનમાં કેસર કેરીના ભાવ નીચા જાય છે પરંતુ ઓણસાલ ખરાબ હવામાનના કારણે કેસરને મોટુ નુકશાન થયુ હોય ભરપુર સિઝનમા પણ બોકસનો ભાવ
રૂ.એક હજાર આસપાસ રહે તો નવાઇ નહી તેવુ ખેડૂતવર્ગનુ કહેવુ છે.

200 મણ કેરીનું નુકસાન- ઉકાભાઇ ભટ્ટી
ધારી તાલુકાના દિતલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ જણાવ્યું હતુ કે તેમની આંબાવાડીમા બસો મણ કાચી કેરીનુ નુકશાન થયુ છે. મારી વાડીમાં આંબાની 144મી કલમ છે. 15 આંબામા તો પાક સંપુર્ણ સાફ થઇ ગયો છે. હવામાન જોતા માંડ 10 થી 15 ટકા ઉત્પાદનની શકયતા છે
કયાં કયાં ગામોમાં કેસરને નુકસાન ?
જાફરાબાદના નાગેશ્રી વડ પંથકમાં, સાવરકુંડલાના ઝીંઝુંડા, પીઠવડી, પિયાવા, સેંજળ, મેવાસા, હાથસણી, કાનાતળાવ, ધારી પંથકના દલખાણીયા, ઝર, મોરઝર, દિતલા, ધારગણી, કરજાળા, કરેણ, ખાંભા પંથકના સમઢીયાળા વિગેરે ગામોમાં કેસરની ખેતીને નુકશાન થયુ છે.

ભૂતિયો બંગલો જ્યાં અપાય છે અગ્નિદાહ: 21 સિંહના અંતિમ સંસ્કાર થયા છે.

  • સિંહનું સ્મશાનઅમરેલી:Bhaskar News, Amreli
Apr 14, 2015, 09:56 AM IST
 
સ્મશાન હંમેશાં માણસ માટે બને છે. માણસના મૃતદેહની ચિતા ખડકી તેને અગ્નિદાહ અપાતો હોય તેવા દ્રશ્યો ગામે ગામ જોવા મળે છે, પરંતુ વન્યપ્રાણીઓ માટેનું કયાંય સ્મશાન હોય તેવું સાંભળ્યું છે, ધારીનો ભૂતિયો બંગલો વન્યપ્રાણીઓનું સ્મશાન છે. અહી મૃત વન્યપ્રાણીઓ માટે ખાસ સ્મશાન સગડી બનાવાય છે. જ્યા અત્યાર સુધીમાં 21 સાવજોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અહી 43 દીપડાને પણ ચિતા પર ચડાવી દેવાયા.
 
ગીરપૂર્વની વન કચેરી હેઠળ આવતા ધારીના ભૂતિયા બંગલા ખાતે વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એક ખાસ સ્મશાન ઊભું કરવામાં આવ્યું છે. માણસોના સ્મશાનમાં ઉપયોગમાં લેવાતી સ્મશાન સગડી અહી મૂકવામાં આવી છે.  ધારીના ડીએફઓ ડો.અંશુમન શર્માએ દિવ્ય ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે, અહી 21 સાવજો અને 43 દીપડા અને 4 નીલગાયના પણ અંતિમ સંસ્કાર થયા છે. કોઇ સિંહ કુદરતી કે અકુદરતી રીતે મૃત્યુ પામે તો ભૂતિયા બંગલા ખાતે પીએમ કરવામાં આવે છે. સિંહના અંતિમ સંસ્કારની તમામ વિધિનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. સિંહના તમામ નખ બળી જાય તેની ખાસ તકેદારી લેવાય છે.
 
- સૌરાષ્ટ્રનું ઘરેણું ગણાતા સાવજો અહી ચિતા પર ચડી માટી બની માટીમાં ભળી જાય છે
- અનોખો ભૂતિયો બંગલો જ્યા અપાય છે મૃત દીપડા, નીલગાય, અજગર, મોર, શિયાળ, કુંજને અગ્નિદાહ

 
 જે વિસ્તારનો સિંહ મૃત્યુ પામ્યો હોય તે વિસ્તારના બીટગાર્ડને ફરજિયાત હાજર રખાય છે. ચિતા સંપૂર્ણ ઠરી ન જાય ત્યાં સુધી હું ખુદ પણ હાજર રહું છું અને સ્ટાફ પણ હાજર રહે છે, કયારેક સિંહનું શંકાસ્પદ મોત હોય તો મૃતદેહ બળી ગયા બાદ તેની રાખ પણ પાણીથી ધોઇ કોઇ ધાતુ, ગોળી કે છરો મળે છે કે નહીં તેની તપાસ થાય છે.
 
મિતિયાળા, વડાળ, જસાધારમાં પણ થાય છે અગ્નિ સંસ્કાર

ગીરપૂર્વમાં આવતી નાની વડાળ વીડી, જસાધાર અને મિતિયાળામા પણ વનતંત્ર દ્વારા સાવજોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સિંહનાં મોત બાદ તેને નજીકના સ્થળે લઇ જઇ બાળી દેવાય છે.
દસ મણ લાકડાંની જરૂર પડે છે

વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે અગાઉથી જ લાકડાંની વ્યવસ્થા હોય છે. સિંહનો મૃતદેહ બળી જાય તે માટે દસ મણ લાકડાંની જરૂર પડે છે.
 
ક્યારેક સિંહના મૃતદેહને ફૂલહાર અને અગરબત્તી પણ કરાય છે

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ઘણી વખત જે તે વિસ્તારના સાવજ સાથે ત્યાના સ્ટાફના ઘરોબો કેળવાય જાય છે. તેની સાથે લાગણી જોડાઇ જાય છે. જેથી કયારેક આવા કિસ્સામાં સિંહનાં મોત વખતે સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર પહેલા તેને ફૂલહાર કે અગરબત્તી પણ કરવામાં આવે છે.
 
કેટલા વન્યજીવોને  અગ્નિદાહ?
સિંહ--- 21
દીપડા--- 43
નીલગાય--- 04
અજગર--- 02
મોર--- 07
આ ઉપરાંત અહી શિયાળ, વીજ, કુંજને અગ્નિદાહ અપાયો છે.

લીલીયામાં બે માસમાં દવની નવ ઘટનાના પગલે ગાંધીનગરથી PCCF દોડી આવ્યા.

લીલીયામાં બે માસમાં દવની નવ ઘટનાના પગલે ગાંધીનગરથી PCCF દોડી આવ્યા
Bhaskar News, lilia
Apr 14, 2015, 01:36 AM IST
 
બૃહદગીરમાં વસતા વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે સમિક્ષા બેઠક
પંતેએ ડીએફઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી

 
લીલીયા: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં છેલ્લા બે માસમાં દવની નવ નવ ઘટનાઓ બનતા અહી મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિને નુકશાની પહોંચી છે. ત્યારે અહી અવારનવાર બનતી દવની ઘટના બાબતે ગાંધીનગરથી પી.સી.સી.એફ અહી દોડી આવ્યા હતા અને સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.
 
બૃહદગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં બાવળનુ જંગલ સાવજોને અનુકુળ હો તેમજ ખોરાક અને પાણી મળી રહેતુ હોવાથી અહી સાવજો વસવાટ કરી રહ્યાં છે. બૃહદગીરમાં છેલ્લા બે માસમાં જ દવની નવ નવ ઘટનાઓ બનતા અહી મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિઓને નુકશાની પહોંચી છે. આ વિસ્તારમાં દવની ઘટનાઓ વધતા ગાંધીનગરથી સી.સી.એફ એસ.સી.પંત, ડીએફઓ અંશુમન શર્મા સહિત અધિકારીઓએ બૃહદગીર વિસ્તારની મુલાકાત લીધી હતી.
 
સીસીએફ અને ડીએફઓએ સ્થાનિક વનતંત્રના સ્ટાફ સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. આગામી દિવસોમાં બૃહદગીર વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષાને લઇને કડક પગલા લેવામા આવશે. અધિકારીઓએ અહીના શેઢાવદર, ક્રાંકચની સીમ વિસ્તાર સહિતના સ્થળોની જાત મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યુ હતુ.

જાબાળાની વાડીમાં સિંહ સાથે એક વર્ષની દીપડીનું ઇન્ફાઇટમાં મોત.


Bhaskar News, Khambha
Apr 14, 2015, 01:34 AM IST
 
ઘટના સ્થળેથી સિંહના સગડ મળ્યા

ખાંભા:
અમરેલી જીલ્લાના રેવન્યું વિસ્તારમાં વસતા વન્યપ્રાણીઓ એક બાદ એક કમોતે મરી રહ્યા છે. હજુ ત્રણ સિંહબાળના ટ્રેઇન હડફેટે કમોત થયાની ઘટના તાજી છે. ત્યાં આજે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાંથી એક વાડીમાંથી એક વર્ષની દીપડીનો મૃતદેહ મળ્યો હતો. આ દીપડી કોઇ રીતે સિંહ સામે આવી જતા સાવજે તેને મારી નાખ્યાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ઘટના સ્થળેથી સિંહના સગડ મળ્યા હતાં. વન વિભાગે દીપડીનો મૃતદેહ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
એક વર્ષની દીપડીનું ઇનફાઇટમાં મોત થયાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં આજે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરે વન વિભાગને બાતમી મળી હતી કે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના છગનભાઇ  હરજીભાઇ બરવાળીયાની વાડીમાં એક દીપડીનો મૃતદેહ પડ્યો છે. જેને પગલે સાવકુંડલાના એસીએફ  મુની સ્ટાફ સાથે અહીં દોડી ગયા હતાં. અને મૃતદેહ કબજે લીધો હતો. અને મૃતદેહના પીએમની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ દીપડીનું મોત સિંહ સાથે ઇનફાઇટમાં થયું હતું.
 
વનવિભાગનું એવુ માનવું છે કે અહીં કોઇ રીતે સિંહ અને દીપડીનો આમનો સામનો થઇ ગયો હતો. જેને કારણે સાવજે હુમલો કરી દઇ તેના રામ રમાડી દીધા હતાં. વન તંત્ર દ્વારા આસપાસના વિસતારમાં તપાસ કરાતા ત્યાં સિંહની હાજરીના સગડ મળી આવ્યા હતાં. દીપડીની કરોડરજ્જુ પર ઇજાના નિશાન મળી આવ્યા હતાં. બાદમાં દીપડીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મીતીયાળા બંગલો ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં પીએમ બાદ દીપડીના મૃતદેહને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. ફોરેસ્ટર જોષીભાઇ અને વેટરનરી ડોક્ટર હીતેશ વામજા પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં.
 
દીપડીના મૃતદેહ પર સિંહની દાઢના નિશાન
 
સાવરકુંડલાના એસીઅએફ મુનીએ જણાવ્યું હતું કે  ઘટના સ્થળેથી વન વિભાગને સિંહની હાજરીના સગડ પણ મળી આવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દીપડીના કરોડરજ્જુમાં સિંહના દાઢના નિશાન પણ મળી આવ્યા હતાં. જેને પગલે આ દીપડીનું મોત ઇનફાઇટમાં થયાનું માવવામાં આવી રહ્યું છે.

20 વર્ષથી બંધાઈ ગયો છે નાતો, ગોરબાપાનું ઘર બન્યું ચકલી અભયારણ્ય.

20 વર્ષથી બંધાઈ ગયો છે નાતો, ગોરબાપાનું ઘર બન્યું ચકલી અભયારણ્યમેંદરડા :
Bhaskar News. Mendarda
Apr 13, 2015, 10:38 AM IST
મેંદરડાનાં ખડપીપળી ગામે ગોરબાપાનું ઘર ચકલીઓનું અભયારણ્ય બન્યું છે. ચકલીઓ ઘરમાં ગમે ત્યાં માળા બાંધે છે અને પરિવાર તેની વ્યવસ્થા સાથે પુરતી સંભાળ રાખે છે.
- ઘર અને આંગણામાં 45 માળાઓમાં રહે છે  ચકલીઓ : પરિવાર માળા સહિતની વ્યવસ્થા સાથે સંભાળ રાખે છે
- છેલ્લા 20 વર્ષથી ચકલીઓ સાથે બંધાઈ ગયો છે નાતો

ખડપીપળી ગામે રહેતા ગોરબાપા ઇશ્વરલાલ મનસુખલાલ ભટ્ટનું ઘર ચકલી બચાવની સમાજને પ્રેરણા આપી રહયું છે. ઘરમાં ઠેર-ઠેર ચકલીઓ માળા બાંધી રહે છે અને તેની પુરતી સારસંભાળ રખાય છે.  ઘર અને આંગણામાં 45 જેટલા માળામાં ચકલીઓ રહે છે. પરિાવરની સવાર ચકલીઓના કલરવથી શરૂ થાય છે. ગોરબાપા ભાત નાંખે ત્યારે ચકલીઓ ઝુંડમાં આવી જાય છે. ગોરબાપા અને તેમના પરિવારને 20 વર્ષથી ચકલીઓ સાથે એવો લાગણીનો સંબંધ બંધાય ગયો છે કે, અગાઉ દાત્રાણા ગામે રહેતા ત્યારે પણ તેમનાં ઘરમાં ચકલીઓનાં માળા જોવા મળતા. પરિવારની મહિલાઓ રસોડામાં રસોઇ બનાવવા લોટ બાંધતી હોય ત્યારે ચકલીઓ ત્યાં આવી ચીં..ચીં.. કરી મુકતી અને લોટની ગોળીઓ બનાવીને ન આપે ત્યાં સુધી ત્યાંથી જતી નહીં. આમ આ પરિવાર આજે લુપ્ત થઇ જઇ રહેલી ચકલીઓને બચાવવા સમાજને અનોખું ઉદાહરણ પુરૂ પાડી  આપણને પણ માનવતાનો સંદેશો પૂરો પાડતા ગોરબાપા.
માળાઓનું પણ વિતરણ કરશે
ગોરબાપાનો આ પક્ષી પ્રેમ જોઇ અમરેલીનાં પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા માળા અપાશે અને તેમનાં ઘરેથી લોકોને વિતરણ કરાશે.
ઊનાળામાં પણ પંખા બંધ રાખે છે

ઘરમાં માળા હોવાથી ચકલીઓ ઘાયલ ન થાય તે માટે આ પરીવાર ઊનાળામાં પણ પંખા બંધ રાખે છે.

લીલીયા પંથકમાં દવની ઘટના અટકાવવા તંત્રની દોડધામ.


Bhaskar News, Liliya
Apr 13, 2015, 00:07 AM IST
 
- બે માસમાં નવ નવ વખત દવ લાગતા પેટ્રોલીંગ વધારાયું

લીલીયા : લીલીયાના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવારનવાર દવ લાગવાની ઘટનાઓ બની રહી છે. છેલ્લા બે માસમાં નવ નવ વખત ખાનગી સીમોમાં ભયંકર દવ લાગવાની ઘટનાઓ બની છે જેના કારણે મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિઓ નાશ પામી છે. ત્યારે દવની ઘટનાઓ અટકાવવા વનતંત્રએ કવાયત હાથ ધરી છે અને આ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગની કામગીરી શરૂ કરવામા આવી છે.

બૃહદગીર વિસ્તાર એવા લીલીયા, ક્રાંકચના બાવળના જંગલોમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજોને અહી શિકાર, પાણી વિગેરે પુરતા પ્રમાણમાં મળી રહે છે. જેને પગલે અહી સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહીના વિસ્તારમાં છેલ્લા બે માસથી દવ લાગવાની ઘટનાઓ વધી પડી છે. અહી નવ નવ વખત દવ લાગતા મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિઓનો નાશ થયો છે. આ ઘટનાઓ ડીએફઓ ગુર્જરના ધ્યાને આવતા દવની ઘટનાઓ પર કાબુ મેળવવા સ્થાનિક આરએફઓ બી.પી.અગ્રાવત, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ સહિત સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરવામા આવ્યું છે.

આરએફઓ અગ્રવાલે જણાવ્યું હતુ કે બૃહદગીરમાં દવની ઘટનાઓ માનવસર્જીત છે. બૃહદગીરના શેઢાવદર, ક્રાંકચ સહિતના વિસ્તારોમાં સ્થાનિક ટ્રેકરો, વનમિત્રોને પેટ્રોલીંગ ગોઠવી દીધાનું જણાવ્યું હતુ. બૃહદગીરના ક્રાંકચના બાવળના જંગલોમાં તેમજ શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારોમાં આ સાવજો વસવાટ કરી રહ્યાં છે.

આરએફઓ રાઠોડે જણાવ્યું હતુ કે શેઢાવદર, ક્રાંકચ, જુના સાવર વિસ્તારમાં દવ લાગવાની ઘટના બને છે તે માટે સ્થાનિક ખેડૂતો, પશુ પાલકોને રૂબરૂ મળી તકેદારી રાખવા સુચના આપવામા આવી છે. અને આવનારા દિવસોમાં પણ જંગલમાં આગ ન લાગે તે માટે વન તંત્ર દ્વારા પણ પુરી ચોકસાઇ રખાશે.

સાવજોના વિસ્તારમાં ટ્રેનની કમાન સૌરાષ્ટ્રના ડ્રાઇવરોને સોંપવા માંગ સાવજોના વિસ્તારમાં ટ્રેનની કમાન સૌરાષ્ટ્રના ડ્રાઇવરોને સોંપવા માંગ.

DivyaBhaskar News Network
Apr 11, 2015, 04:35 AM IST

અમરેલીજિલ્લામાં પીપાવાવ પોર્ટ તરફ જતી આવતી માલગાડી હડફેટે સાવજોના મોતની ઘટના વધી રહી છે ત્યારે ગીર લાયન નેચર ફાઉન્ડેશને વન અને રેલ મંત્રાલયને રજુઆત કરી માંગણી ઉઠાવી છે કે ઘટનાઓ પાછળ પરપ્રાંતિય ડ્રાઇવરો જવાબદાર છે. આવા સંજોગોમાં સાવજોના વિસ્તારમાં ટ્રેન પ્રવેશે ત્યારે સૌરાષ્ટ્રના વતની હોય તેવા જાણકાર ડ્રાઇવરોને ટ્રેન ચલાવવા દેવામા આવે.

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે સાવજોના પ્રકારે કમોત માટે માલગાડીના પરપ્રાંતિય ડ્રાઇવરો જવાબદાર છે. પરપ્રાંતિય ડ્રાઇવરોને સાવજો વિશે કોઇ પ્રકારની જાણકારી હોતી નથી. એટલુ નહી કયા વિસ્તારમાં સાવજો છે, કયાં સૌથી વધુ સાવચેતી રાખવી તેના વિશે પણ માહિતી હોતી નથી. રેલવે તંત્ર દ્વારા તેને કોઇ સુચના આપવામા આવતી નથી. જેને પગલે તેમણે વન અને રેલ મંત્રાલયને કરેલી રજુઆતમા જણાવ્યું છે કે ટ્રેન સાવજોના વિસ્તારમાં આવે ત્યારે સૌરાષ્ટ્રના વતની અને વિસ્તારના જાણકાર ડ્રાઇવરોને હવાલે થવી જોઇએ તો સાવજોની રક્ષા થઇ શકશે.

તેમણે એમપણ જણાવ્યું હતુ કે જેવી રીતે થોડા થોડા અંતરે સાવજોની હાજરી અંગે બોર્ડ મુકવાની જરૂર છે તેમ ટ્રેક પર દર બસો મીટરે વિજળીના પોલ મુકી વધારાની લાઇટની વ્યવસ્થા પણ થવી જોઇએ જેથી ટ્રેનના ડ્રાઇવરોને દુરથી સાવજો નજરે પડી શકે. હાલમાં ઉનાળામાં પાણી માટે સાવજોને ખુબ ભટકવુ પડે છે. તેના માટે અવારનવાર આમથી તેમ રેલવે ટ્રેક ઓળંગવા પડે છે. વન તંત્રએ સાવજો માટે પાણીની પણ પુરતી વ્યવસ્થા કરવી જોઇએ.

રાજુલા: સિંહબાળનો ભોગ લેવાયા બાદ રેલવે ટ્રેક પાસે બંદોબસ્ત મુકાયો.

રાજુલા: સિંહબાળનો ભોગ લેવાયા બાદ રેલવે ટ્રેક પાસે બંદોબસ્ત મુકાયો
Bhaskar News, Rajula
Apr 10, 2015, 01:16 AM IST
 
સીએફ સહિતના ઉચ્ચ વન અધિકારીઓ રામપરા દોડયા
વનવિભાગ રહી રહીને જાગ્યું ખરું
 
રાજુલા: રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બુધવારે મોડીસાંજે માલગાડી અડફેટે ત્રણ સિંહબાળના કમોતની ઘટનાને પગલે સમગ્ર વનતંત્ર દોડતું થઇ ગયું છે. ઘટનાને પગલે રાજકોટના સીએફ ઉપરાંત જૂનાગઢના સીસીએફ, અમરેલીના ડીએફઓ સહિતના અધિકારીઓ આજે રામપરા દોડી ગયા હતા અને સમગ્ર ઘટના કઇ રીતે બની તેની જાત માહિતી મેળવી હતી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ હોય તેમ હવે વનતંત્ર દ્વારા અહી બંદોબસ્ત રખાયો છે.
 
સાવજો માટે કાયમ ઘાતકી ગણાતા પીપાવાવ તરફ જતા રેલવે ટ્રેક પર બુધવારે રાત્રે માલગાડી અડફેટે ત્રણ સિંહબાળનાં મોત થયા હતા. રામપરાથી એક કિમી દૂર ફાટક નં-16 પાસે સિંહણની નજર સામે જ તેના ત્રણેય બચ્ચાં પીપાવાવ તરફ જતી માલગાડી હેઠળ કચડાયા હતા. ગઇસાંજની આ ઘટનાને પગલે આજે ઉચ્ચ વન અધિકારીઓએ રામપરા તરફ દોટ મૂકી હતી. રાજકોટના સીએફ આજરા ઉપરાંત જૂનાગઢના સીસીએફ એ.પી.સીંગ, અમરેલીના ડીએફઓ ગુર્જર, આરએફઓ સી.બી.ધાંધિયા વિગેરે જંગી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
 
 આ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘટના કઇ રીતે બની તેની જાણકારી મેળવી હતી. ગઇકાલની ઘટનાને પગલે સિંહપ્રેમીઓમાં પણ રોષ ભભૂકી ઊઠયો છે અને ગીર લાયન નેચર કલબ, સર્પ સંરક્ષણ મંડળ વિગેરે સંસ્થાના આગેવાનોએ અહીની મુલાકાત લઇ સ્થિતિની જાણકારી મેળવી હતી. બીજી તરફ વનતંત્ર પણ મોડેમોડે જાગતું હોય તેમ એકસાથે ત્રણ ત્રણ સિંહબાળના ભોગ લેવાઇ ગયા બાદ હવે રહીરહીને બનાવના સ્થળે ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો છે. જો કે અત્યાર સુધીમાં અકસ્માતની ઘટના મોટેભાગે રાત્રિના સમયે જ બની છે ત્યારે રાત્રે પણ બંદોબસ્ત રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
 
બાબરકોટ નર્સરીમાં ત્રણેય સિંહબાળના અંતિમ સંસ્કાર
રામપરાની સીમમાં ત્રણ સિંહબાળના માલગાડી અડફેટે મોત થયા બાદ બાબરકોટ નર્સરીમાં ત્રણેય સિંહબાળનું પીએમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે અને બાદમાં આ નર્સરીમાં જ ત્રણેય સિંહબાળના અંતિમ સંસ્કાર કરાયા હતા.

અમરેલી: વનતંત્રની ના છતાં માલગાડીઓ સતત દોડતી રહી.

અમરેલી: વનતંત્રની ના છતાં માલગાડીઓ સતત દોડતી રહી
Bhaskar News, Amreli

Apr 10, 2015, 00:03 AM IST
રાજુલા,અમરેલી: રામપરામાં એકસાથે ત્રણ ત્રણ સિંહબાળના માલગાડી હડફેટે મોત થયાને પગલે વનતંત્રનુ નાક કપાયા બાદ આજે વનતંત્ર દ્વારા રેલવેને અહીથી માલગાડી પસાર ન કરવા સુચના અપાઇ હતી પરંતુ હંમેશા અકકડ વલણ અપનાવતા રેલવે તંત્રએ તેને લેશ માત્ર ન ગણકારી માલગાડીઓ ચાલુ રાખી હતી જેને પગલે વનતંત્રએ સવારે માલગાડી અટકાવી દીધી હતી. દોઢ કલાક સુધી માલગાડી અટકાવી રખાયા બાદ મામલો સુલઝાવી તેને રવાના કરાઇ હતી.
-રામપરામા ત્રણ સિંહબાળના મોત બાદ પણ નિંભર રેલતંત્રને સાવજોની કાંઇ પડી નથી
-વનવિભાગે દોઢ કલાક સુધી માલગાડી અટકાવી દેતા રેલતંત્ર દોડતુ થઇ ગયુ છતાં નાક બચાવવા ગાડી ન રોકી હોવાની દલીલ
આમપણ ભારતભરમાં રેલવે તંત્ર તેના અકકડ વલણના કારણે બદનામ છે. ભુતકાળમાં ટ્રેન હડફેટે સાવજોના મોતની ઘટના બાદ વન અધિકારીઓ અને રેલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી અને રેલવે ટ્રેક ફરતે તાર ફેન્સીંગ કરવુ, ટ્રેન ધીમી ચલાવવી, થોડા થોડા અંતરે સાવજોની હાજરી અંગે બોર્ડ લગાવવા, ટ્રેનના સતત વ્હીસલ વગાડવા જેવી એકપણ સુચનાનો હજુ સુધી અમલ થયો નથી. બલકે ત્રણ ત્રણ સિંહબાળના મોત બાદ રેલ તંત્રએ તેની અકકડ છોડી ન હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે વનતંત્ર દ્વારા રેલવેને અહીથી માલગાડી પસાર ન કરવા સુચના અપાઇ હતી.
અહી વન અધિકારીઓ નિરીક્ષણ માટે આવવાના હતા. આ ઉપરાંત બચ્ચાના મોત બાદ રઘવાઇ સિંહણ ટ્રેક ફરતા જ આંટા મારે છે જેને પગલે આ સુચના અપાઇ હોવા છતા રેલ તંત્રએ ધરાર તેને અવગણી માલગાડીઓની અવરજવર ચાલુ જ રાખી હતી. સવારે પીપાવાવ તરફથી એક માલગાડી આવી પહોંચતા આખરે વનતંત્રએ માલગાડીને રસ્તા પર જ અટકાવી હતી અને દોઢ કલાક સુધી માલગાડી અટકાવી રાખ્યા બાદ મામલો સુલઝતા તેને રવાના કરાઇ હતી. જો કે વનવિભાગના અધિકારીઓએ પોતાનુ નાક બચાવવા એવી દલીલ રજુ કરી હતી કે અમે માલગાડીઓ અટકાવવા સુચના આપી ન હતી. આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે ડ્રાઇવરનુ નિવેદન લેવા માલગાડી અટકાવાઇ હતી. જો કે નવાઇની વાત એ છે કે જે માલગાડી અટકાવાઇ હતી તે માલગાડી હડફેટે સિંહબાળના મોત જ થયા ન હતા પરંતુ તે બીજી જ માલગાડી હતી.
પીપાવાવ પોર્ટમા માલગાડીઓની સતત અવરજવર ચાલુ રહે છે. વળી આ માલગાડીઓ સો સો ડબ્બાની લાંબી લચક હોય છે. ત્રણ સિંહબાળના મોતની ઘટના બાદ પણ રાત્રી દરમિયાન અહીથી 11 માલગાડી પસાર થઇ હતી અને દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામા માલગાડીઓ પસાર થઇ હતી.
રેલરોકો આંદોલન કરીશું  
રાજુલાના સિંહપ્રેમી શિવરાજભાઇ ધાખડાએ જણાવ્યું હતુ કે રામપરાનો બનાવ રેલવેના ડ્રાઇવરથી અજાણતા બન્યો છે પરંતુ બાબરીયાવાડ પંથકના સાવજોને અમે મરતા નહી જોઇ શકીએ. માલગાડી હડફેટે સાવજોના મોત નિપજે છે ત્યારે આ અંગે કોઇ કાર્યવાહી નહી કરવામા આવે તો આંદોલન કરતા ખચકાશું નહી.
સાવજોની માઠી દશા બેઠી છે
રાજુલાના સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટે જણાવ્યું હતુ કે વનતંત્ર ગંભીરતા દાખવી સિંહોની રક્ષા કરે તો સારૂ નહિતર આ વિસ્તારમાંથી સિંહોનો નાશ થશે.
વનવિભાગની બેદરકારી
રાજુલાના પ્રકૃતિપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યું હતુ કે વનવિભાગની ઘોર બેદરકારીથી સાવજો મોતને ભેટી રહ્યાં છે. જવાબદાર અધિકારીઓ પણ ફરજ પર રહેતા નથી.
સિંહપ્રેમી ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક ઉદ્યોગો ધમધમે છે. પરંતુ અહી સાવજોની કોઇ સુરક્ષા કરવામા નથી આવતી. અહી ગમે ત્યારે અકસ્માતે સાવજો મોતને ભેટી રહ્યાં છે. જવાબદાર અધિકારીઓ ઘટતુ નહી કરે તો આંદોલન કરવાની ફરજ પડશે.
20કિમીની સ્પીડે ચલાવો
વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઇ લહેરીએ જણાવ્યું હતુ કે માલગાડી 20 કિમીની સ્પીડે ચલાવવી જોઇએ. રેલવે એન્જીન ઉંધા હલાવવાનુ બંધ કરો. ગઇકાલની ઘટનામાં માલગાડીના ચાલકે હોર્ન વગાડયુ હોત તો આ ઘટના અટકી શકી હોત. અહી રેલવે ટ્રેક પાસેથી બાવળો દુર કરવા જોઇએ.

વાતો કાગળ પર: માલગાડીએ રાજુલા નજીક 3 સિંહબાળના ટુકડે ટુકડાં કર્યાં.

વાતો કાગળ પર: માલગાડીએ રાજુલા નજીક 3 સિંહબાળના ટુકડે ટુકડાં કર્યાં
Bhaskar News, Rajula
Apr 09, 2015, 13:52 PM IST
 
સાવજોના વિનાશ સાથે વિકાસ નથી જોઇતો : બાટાવાળા

ગીર લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં વિકાસની લ્હાયમાં સાવજોનો વિનાશ થઇ રહ્યો છે. રેલવેતંત્ર અને વનતંત્ર સાવજોની રક્ષા માટે માત્ર વાતો કરે છે અને યોજનાઓ બનાવે છે. પરંતુ બીજી તરફ સાવજો ટપોટપ મરી રહ્યા છે. પરપ્રાંતિય ટ્રેન ચાલકો આ માટે સૌથી વધુ જવાબદાર છે. ગીરના સાવજોએ આ દેશની અમુલ્ય ધરોહર છે. તેના ભોગે અમારે વિકાસ નથી જોઇતો.

સિંહો માટે ટ્રેન વિલન બની

ફેબ્રુઆરી 2014માં રાજુલાના ભેરાઇ નજીક બે સિંહણના ટ્રેઇન હડફેટે મોત ગર્ભવતી સિંહણના પેટમાં રહેલ ત્રણ બચ્ચા પણ મોતને ભેટ્યા
એક માસ બાદ સાવરકુંડલાના ભમ્મર નજીક ટ્રેઇન હડફેટે સિંહબાળનું મોત
સાસણ નજીક ખાખીયાનેસ પાસે ટ્રેઇન હડફેટે સિંહનું મોત
જામવાળા નજીક ટ્રેઇન હડફેટે મોતને ભેટ્યો હતો સિંહ
નાગેશ્રીના દુધાળા નજીક વાહન હડફેટે મૃત્યુ પામ્યા હતાં બે સિંહબાળ

ધારીમાં સાવજો પાદર સુધી પહોંચ્યા: બે ગાયનું મારણ.

ધારીમાં સાવજો પાદર સુધી પહોંચ્યા: બે ગાયનું મારણ
Bhaskar News, Dhari
Apr 08, 2015, 00:03 AM IST
 
- ગામ લોકોને જાણ થતાં સિંહ દર્શન માટે ટોળે ટોળા

ધારી, ખાંભા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ધારીના પાદરમાં બે દિવસમાં સાવજોએ બે રેઢીયાર ગાયોનું મારણ કર્યુ હતુ. છેક પાદરમાં સાવજો આવી ચડયા હોવાની લોકોને જાણ થતા અહી સિંહ દર્શન માટે લોકો દોડી ગયા હતા. ધારીના પાદરમાં બે દિવસમાં સાવજો દ્વારા મારણની ઘટના બની હતી. અહી ગતરાત્રીના દલખાણીયા રોડ પર આવેલ લાઇનપરા રેલ્વે ટ્રેક પાસે એક સિંહ આવી ચડયો હતો અને અહી રેઢીયાર ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજ દ્વારા મારણની ઘટના અંગે લોકોને જાણ થતા અહી લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા. પોલીસની ગાડી પણ અહી દોડી આવી હતી.

અન્ય એક બનાવમાં ધારીના નબાપરા બજારમાં રાત્રીના બારેક વાગ્યાના સુમારે એક સિંહણ આવી ચડી હતી. સિંહણે અહી એક રેઢીયાર ગાયનુ મારણ કર્યુ હતુ. સિંહણની ડણકો સાંભળી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે અહી પણ લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા.

ડેડાણમાં સાત સાવજોએ કર્યુ પાડીનુ મારણ

ખાંભા તાલુકાના ડેડાણ ગામે એકસાથે સાત સાવજોનુ ટોળુ સીમમા આવી ચડયુ હતુ. અહી સાવજોએ ભુપતભાઇ રામભાઇ પરમારની માલિકીની એક પાડીનું મારણ કરી મિજબાની માણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખાંભાના નિંગાળામા સાત સાવજોએ પાદરમાં આવી ચાર રેઢીયાર ગાયનો શિકાર કર્યો હતો.

પાણીયાદેવમાં કુવામાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ.


DivyaBhaskar News Network

Apr 07, 2015, 03:35 AM IST

ચલાલાનજીક આવેલ પાણીયાદેવ ગામની સીમમાં આવેલ વાડીના કુવામા એક નિલગાય ખાબકી હતી. અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી આવી હતી અને મહામહેનતે નિલગાયને કુવામાંથી સલામત રીતે બહાર કાઢી સારવાર આપી મુકત કરી દેવામા આવી હતી.

નિલગાય કુવામા ખાબકયાની ઘટના ચલાલા નજીક આવેલ પાણીયાદેવ ગામે બની હતી. અહી મેપા ભગતની વાડીએ આવેલ કુવામા એક નિલગાય ખાબકી હતી. કુવો પાણી ભરેલો હોવાથી નિલગાય બે દિવસ સુધી કુવામા પડી રહી હતી. ત્યારે અહીના આગેવાન ચંપુભાઇ વાળાની નજરે નિલગાય પડતા તેઓએ તુરત ડીએફઓ અંશુમન શર્માને જાણ કરી હતી.

ડીએફઓની સુચનાને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને રાત્રીના દસેક વાગ્યાના સમયે નિલગાયને કુવામાંથી કાઢવા કામગીરી કરવામા આવી હતી. મહામહેનતે નિલગાયને કુવામાથી સલામત રીતે બહાર કાઢવામા આવી હતી અને જરૂરી સારવાર આપવામા આવી હતી અને મુકત કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેવન્યુ વિસ્તારમાં અનેક વખત શિકારની શોધમાં નીકળેલા વન્યપ્રાણીઓ કુવામા ખાબકવાની ઘટનાઓ બનતી રહે છે.

ક્રાંકચની સીમમાંથી સાવજોના સ્થળાંતરની ભીતિ.

ક્રાંકચની સીમમાંથી સાવજોના સ્થળાંતરની ભીતિ
Bhaskar News, Amreli/ Liliya
Apr 07, 2015, 02:27 AM IST

- પ્રાકૃતિક જંગલની અંદર થોડા સમયમાં નવ વખત દવ લાગતા બાવળનું જંગલ અને ઊંચું ઘાસ સાફ થઇ ગયું

અમરેલી, લીલિયા: લીલિયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં આવેલ બાવળોનું જંગલ સાવજોને ખૂબ સારી રીતે માફક આવી ગયું છે જેને પગલે એક દાયકા કરતા વધુ સમયથી અહી સાવજોનો વસવાટ છે. અહી જંગલ, ઊંચું ઘાસ, પાણી અને શિકારની ભરપૂર વ્યવસ્થા છે. જેને પગલે સાવજ પરિવાર ફૂલ્યોફાલ્યો અને હાલમાં તેમાં 40 જેટલા સભ્યો છે, પરંતુ ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં જાણીજોઇને લગાવવામાં આવતા દવે નવી સમસ્યા સર્જી છે. ઊંચું ઘાસ અને બાવળો નાશ પામતા સાવજોનું પ્રાકૃતિક આવાસ છીનવાયું છે. જેને પગલે હવે એવી ભીતિ ઊભી થઇ છે કે આ સાવજો અહીથી સ્થળાંતર કરી જાય.

લીલિયાના ખારાપાટમાં ભૂતળમાં પણ ક્ષારયુક્ત પાણી છે. ખેડૂતોના વાડી ખેતરો પડતર રહેતા હોય તેમાં બાવળ અને ઊંચું ઘાસ ઉગી નીકળ્યું છે. એકાદ દાયકા પહેલા અહી સાવજો પ્રથમ વખત આવ્યા હતા અને ઘાસ તથા બાવળનું આ જંગલ તેને માફક આવી ગયું હતું ત્યારથી જ અહી તેનો વસવાટ છે.

છેલ્લા કેટલાક સમયથી ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં દવની ઘટનાઓ વધી છે. ભૂતકાળના વર્ષોમાં પણ અહી દવ લાગતો હતો, પરંતુ દર વર્ષે એકાદ બે ઘટના બનતી હતી, જયારે ચાલુ સાલે અત્યાર સુધીમાં નવ વખત દવ લાગી ચૂક્યો છે જેને પગલે ક્રાંકચની સીમમાં તો સાવજોનો જયાં વસવાટ છે તે લગભગ તમામ વિસ્તાર દવમાં નાશ પામ્યો છે. આમ અહીની જમીન ખુલ્લી થઇ ગઇ છે. સાવજોનું પ્રાકૃતિક આવાસ નષ્ટ થયું છે. અહી બાવળોના થડ ઊભા છે. જે આવનારા સમયમાં ફરી ફૂલશે ફાલશે. ચોમાસા બાદ અહી ફરી ઊંચું ઘાસ ઉગી નીકળશે, પરંતુ ત્યાં સુધીમાં સાવરકુંડલા તથા અમરેલી અને ખાંભા પંથકમાં અહીના સાવજો સ્થળાંતર કરી જાય તેવી ભીતિ જાણકારો વ્યકત કરી રહ્યાં છે.

નવું ઘર શોધવાના સાવજોના પ્રયાસો

આમ પણ અહી વસતા સાવજો અવારનવાર અહીથી સ્થળાંતર કરી થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ચાલ્યા જાય છે. આ ગ્રૂપના કેટલાક સાવજો તો નવા ઘરની તલાશમાં છે. લાઠી, દામનગર કે બાબરા પંથકમાં કે છેક વડિયા, ગોંડલ પંથક સુધી ચક્કર લગાવી ચૂક્યા છે.

ઓણસાલ પીવાના પાણીની પણ તકલીફ

ગયા વર્ષે અમરેલી પંથકમાં વરસાદ પ્રમાણમાં ઓછો પડ્યો હતો જેને પગલે હાલમાં ઉનાળામા સાવજો માટે પીવાના પાણીની પણ તકલીફ છે. પાણીની શોધ માટે આમ પણ સાવજોને આમથી તેમ ભટકવું પડે છે, ત્યારે દવના કારણે પ્રાકૃતિક આવાસ નષ્ટ થતા સ્થળાંતરની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

ક્રાંકચની સીમમાં ફરી એકવાર સાવજનું ઘર સળગ્યું : બે માસમાં દવની 9મી ઘટના.

ક્રાંકચની સીમમાં ફરી એકવાર સાવજનું ઘર સળગ્યું : બે માસમાં દવની 9મી ઘટના
Bhaskar News, Liliya
Apr 06, 2015, 01:23 AM IST
 
- એક હજાર વિઘામાં વન્યસૃષ્ટિ સાફ: વન વિભાગ પગલા લેવામાં લાચાર

લીલીયા: લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના સાવજોના વિસ્તારમાં વારંવાર દવની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે ફરી એકવાર  ક્રાંકચની સીમમાં બપોર બાદ દવની શરૂઆત થઇ હતી. અને રાત સુધીમાં અહીં એક હજાર વીઘા કરતા જધુ વિસ્તારમાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ મોડી રાત્રે પણ દવ કાબુમાં આવ્યો ન હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી જીલ્લાના રેવન્યું વિસ્તારમાં સાવજોની જયાં સાવજોની સૌથી વધારે વસતિ છે તે ક્રાંકચ તથા આસપાસનો વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વારંવાર દવમાં ભડકે બળી રહ્યો છે.અત્યાર સુધીમાં આ વિસ્તારમાં દવની આઠ ઘટનાઓ બની ચુકી છે. ત્યારે આજે નવમી વખત દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ક્રાંકચની સીમમાં નાધવણ અને મેહડો તરીકે ઓળખાતા વિસ્તારમાં આજે બપોર બાદ દવની શરૂઆત થઇ હતી.

આજે પવન પણ વધારે હોવાથી દવ ખુબ જ ઝડપથી પ્રસરી ગયો હતો. અને જોતજોતામાં એક હજાર વિઘાથી વધુ વિસ્તારમાં દવના કારણે વન્ય સૃષ્ટિ નાશ પામી હતી. દવની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક આરએફઓ અગ્રવાલ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતાં. જો કે દર વખતે બને છે તેમ તેઓ અહીં થોડો સમય રોકાઇ પરત ફરી ગયા હતાં. કારણ કે આજે જ્યાં દવ લાગ્યો હતો તે મહદઅંશે ખાનગી માલીકીની જગ્યા હતી. માડો રાત્રે પણ આ દવ કાબુમાં આવ્યો ન હોવાનું જાણવા મળેલ છે.

ધારી: કરમદડીમાં દીપડીના બચ્ચાંની હત્યા કરનાર 3 ખેડૂત જેલહવાલે.

ધારી: કરમદડીમાં દીપડીના બચ્ચાંની હત્યા કરનાર 3 ખેડૂત જેલહવાલે
Bhaskar News, Dhari
Apr 04, 2015, 01:22 AM IST
 
- હત્યામાં વપરાયેલો પાવડો કબજે લેતું વનતંત્ર

ધારી: ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં ગુરુવારે દીપડીના બચ્ચાંએ ત્રણ ખેડૂતો પર હુમલો કરી ઘાયલ કર્યા બાદ ત્રણેય શખ્સોએ દીપડીના બચ્ચાંની હત્યા કર્યા બાદ વનતંત્રે તેની ધરપકડ કરી આજે હત્યામાં વપરાયેલ પાવડો અને લાકડું કબજે લીધા હતા. ત્રણેયને અદાલતમાં રજૂ કરાતા અદાલતે તેમને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

કરમદડીના રામદાસ પ્રેમદાસ ગોંડલિયા ઉપરાંત તેમના સાઢુભાઇ બાઢડા ગામના રણછોડભાઇ હરિદાસ ગોંડલિયા અને ધીરૂભાઇ રામજીભાઇ વાઘારા પર ગુરુવારે સવારે દીપડીના બચ્ચાંએ હુમલો કર્યો હતો. રણછોડભાઇ કુદરતી હાજતે ગયા હતા ત્યારે બચ્ચાંએ હુમલો કરતા બાકીના બંને શખ્સો પણ દોડી આવ્યા હતા. બચ્ચાંએ ત્રણેય પર હુમલો કરતા સામાન્ય ઇજા પહોંચી હતી, પરંતુ ત્રણેય શખ્સોએ પાવડા અને લાકડાંના ઘા મારી તેના રામ રમાડી દીધા હતા.

 બીજી તરફ વનતંત્રે ગુરુવારે રાત્રે જ તેની ધરપકડ કર્યા બાદ આજે પાવડો અને લાકડું કબજે લેવામાં આવ્યા હતા. પાવડો અને લાકડાંના ઘા મારી ત્રણેય શખ્સોએ બચ્ચાંને મારી નાખ્યું હતું. દરમિયાન એસીએફ મુની સ્ટાફના એ.વી.ઠાકર, નિલેશભાઇ વેગડા વગેરેએ આરોપીઓ પાસે ઘટનાસ્થળનુ રિહર્સલ કરાવ્યું હતું અને વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરાવી હતી. દરમિયાન આજે ત્રણેયને ધારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ખાંભાનાં ભાડમાં ઘરમાં ઘુસી દીપડાએ 5 બકરાને ફાડી ખાધા.

Bhaskar News, Khambha
Apr 04, 2015, 00:36 AM IST

 
- ગ્રામજનોમાં ફફડાટ : દીપડાને પાંજરે પૂરવા માંગ

ખાંભા: ખાંભા તાલુકાના ભાડ ગામે છેલ્લા કેટલાક સમયથી એક દિપડાની રંજાડના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે ગતરાત્રીના દિપડાએ પાંચ બકરાના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

દિપડો ઘરમા ઘુસી જવાની આ ઘટના ખાંભા તાલુકાના ભાડ ગામે બની હતી. અહી ગતરાત્રીના બારેક વાગ્યાના સુમારે અહી રહેતા શારદાબેન રઘુરામભાઇ નિમાવતના ઘરમા અચાનક દિપડો ઘુસી આવ્યો હતો. દિપડાએ ઘરના ફરજામા બાંધેલા પાંચ બકરાનુ મારણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અગાઉ પણ આ દિપડાએ આ જ ઘરમાં ઘુસી બકરાનુ મારણ કર્યુ હતુ.

ઘટનાને પગલે ભાડ ગામના સરપંચ રસીકભાઇએ લેખિતમા વનવિભાગને રજુઆત કરી આ દિપડાને તાકિદે પાંજરે પુરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડીયા પહેલા પણ આ દિપડાએ અહી રહેતા ભોજાભાઇ ગોકળભાઇના ઘરમાં ઘુસી એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. આ દિપડાની છેલ્લા કેટલાક સમયથી રંજાડ હોવાથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિપડાના ભયના કારણે રાત્રીના સમયે ખેડૂતો ખેતરોમાં જતા પણ ડર અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા તાકિદે અહી પાંજરૂ ગોઠવી આ દિપડાને પકડવાની કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા દિપડાઓ પણ હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

વન વિભાગ ધ્યાન દેતું નથી

ખાંભાના ભાડ ગામે દિપડાએ ઘરમાં ઘૂસી પાંચ બાંધેલા બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. અગાઉ પણ વન વિભાગને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં પાંજરા મુકવામાં આવતા નથી અને દિપડાને પુરવાની કામગીરી કરવામાં ન આવતા લોકો તંત્રની કામગીરી સામે રોષે ભરાયા છે.