Monday, July 30, 2012

પર્યાવરણ રેલી યોજી વિદ્યાર્થીઓએ શાળા - કોલેજોમાં કર્યું વૃક્ષારોપણ.જૂનાગઢ, તા.૨૯:
પર્યાવરણની અસમતુલાના કારણે વરસાદ સહિતનું ઋતુ ચક્ર ખોરવાઈ રહ્યું છે. ત્યારે પર્યાવરણની જાગૃતિ માટે જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે શહેરના માર્ગો ઉપર રેલી યોજીને જુદી જુદી શાળા-કોલેજોમાં જઈને વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓએ જીવનપર્યંત વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
·         જીવનપર્યંત વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઈને
·         જૂનાગઢના ડો.સુભાષ ટેકનિકલ કેમ્પસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ
સમગ્ર વિશ્વને ગ્લોબોલ વોર્મિગથી બચાવવા માટે આજના સમયમાં વૃક્ષારોપણ તાતી જરૂરિયાત બની ગયું છે. જૂનાગઢ શહેરમાં ડો.સુભાષ ટેકનિકલ કેમ્પસના એન.એસ.એસ. યુનિટ દ્વારા આ અંગેનો એક અનોખો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના વિદ્યાર્થીઓએ બહાઉદ્દીન કોલેજ તેમજ જુદી જુદી શાળા-કોલેજો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જઈને અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ બચાવવાનો સંદેશ લોકો સુધી પહોંચે તેના માટે સંસ્થાના વિદ્યાર્થીઓએ શહેરના માર્ગો ઉપર સુત્રોચ્ચાર સાથે રેલી પણ યોજી હતી. તથા સમગ્ર જીવન દરમિયાન વૃક્ષોનું જતન કરવાના શપથ લીધા હતાં.
આ કાર્યક્રમમાં સંસ્થાની એન્જીનીયરીંગ, ફાર્મસી, એમ.સી.એ., એમ.બી.એ. ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. કાર્યક્રમની શરૂઆત નાયબ વન સંરક્ષક આર.ડી. કટારાના હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ કો.ઓર્ડિનેટર પ્રો.ડી.ડી.પટેલ તથા એન.એસ. એસ.ના પ્રોજેક્ટ ઓફિસર જી.એ. મારૂ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બદલ સંસ્થાના પ્રમુખ પેથલજીભાઈ ચાવડા, ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને ડાયરેક્ટરોએ સમગ્ર ટીમને બિરદાવી હતી.

મંદિરે પૂજા કરવા જતા અટકાવતા માલધારી પરિવાર ઉપવાસ ઉપર.


જૂનાગઢ, તા.૨૮:
સાસણ ગીરના રાયડી નેશમાં એક માલધારી પરીવાર વર્ષોથી નજીકના વડલેશ્વર મહાદેવ મંદિરની પુજા કરે છે. પરંતુ આ શ્રાવણમાસમાં વન વિભાગે શ્રધ્ધાળુઓના અવર-જવર અને મંદિરમાં ધુપ દીવા કરવાની મનાઈ ફરમાવી હોવાની રાવ અને યોગ્ય કરવાની માંગણી સાથે આ પરીવાર કલેકટર ઓફીસ સામે ઉપવાસ પર ઉતરી ગયો છે.
·         શ્રાવણ માસ નિમિત્તે આવતા અનેક શ્રદ્ધાળુઓની દુભાતી લાગણી
સાસણગીર પાસેના ડેડકડી રેન્જમાં આવતા રાયડી નેશમાં વર્ષોથી ગંગદાસ ભગત પરીવાર માલધારી તરીકે વસવાટ કરે છે. અને વર્ષોથી આ પરીવાર દ્વારા નેશમાં આવેલા વડલેશ્વર મહાદેવના મંદિર જીર્ણોધ્ધાર અને પુજન અર્ચન કરે છે. શ્રાવણમાસ નિમિતે આ મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે. થોડા વર્ષ પહેલા વન અને પર્યાવરણ વિભાગે દર્શનાર્થીઓને ભંભાફોડ નાકાથી નોંધ કરીને અવર જવાર કરવાની પરવાનગી આપી હતી.
નાગલપુર, પાતાપુર, સણથા, ઈંટાળા, આણંદપુર, ખીમપાદર, ગુંદાળા, સુખપુર, રાયપુર, દાત્રાણા, ઘુડવદર, ખડીયા સહિતના ગામના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આમ છતા જુન - ર૦૧રમાં વનવિભાગે માત્ર જીવા ભગત માલદે ભગત જોગ પરવાનગી આપી ધુપ દીવા ન કરવા જણાવ્યું છે. ત્યારે વનવિભાગના મનસ્વી વલણને કારણે શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાની રાવ અને આ અંગે સત્વરે ઘટતું કરવાની માંગણી સાથે આ પરિવારે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કલેકટર ઓફીસ સામે ઉપવાસ શરૂ કર્યા છે.

છ સિંહણે ધોળે દી’ પાંચ પશુનો શિકાર કર્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:58 AM [IST](27/07/2012)

- વિસાવદરના ખાંભાની સીમમાં ગાયોના ધણ પર સિંહણો તૂટી પડી

વિસાવદરનાં ખાંભા ગામની સીમમાં આજે બપોરનાં સુમારે ગાયોનાં ધણ પર છ સિંહણોએ ત્રાટકી પાંચ ગાય અને એક પાડીનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી.

તાલુકાનાં ખાંભા (ગીર) ગામનાં સીમ વિસ્તારમાં ભીમભાઇ ભીમાણીનાં ખેતરની સામે વનવિભાગની ચોટકીયાળી બીટનાં વાકવીરડા વિસ્તાર પાસે ભકા સવા ભરવાડ, કાના ઊકા ભરવાડ તથા કમા અમરા ભરવાડ સીતેર જેટલી ગાયોનાં ધણને આજે ચરાવવા લઇ ગયા હતા અને બપોરનાં એક વાગ્યાની આસપાસ આ ભરવાડો ભોજન ગ્રહણ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક ગાયો ભાંભરડા નાખી નાસવા લાગતા અને ભરવાડો કંઇ સમજે વિચારે ત્યાં જ સિંહણોનું ગૃપ શિકાર કરેલી ગાયોનાં મારણની મજિબાની માણતું જોવા મળતા તેને ભગાડવા હાકલા-પડકારા કરી મૂક્યા હતા. છ જેટલી સિંહણોનાં આ હુમલામાં ભકાભાઇની બે, કાનાભાઇની બે ગાય અને એક પાડી તેમજ કમાભાઇની એક ગાય મળી છ પશુધન મોતને ભેટયા હતા. આ બનાવનાં પગલે કાંસીયા રાઉન્ડનાં સિસોદીયા, ધ્રાંગડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ગિરની શાન સિંહોના પ્રદર્શન મુદ્દે રાજ્યપાલને રજૂઆત.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:25 AM [IST](29/07/2012)
- ગિરની શાન ગણાતા સિંહોને પાંજરે પૂરી તેનું પ્રદર્શન કરી અપમાનીત કરાતા હોઇ અધિકારીઓ સામે પગલા લેવા માંગ

ગીરની શાન ગણાતા સિંહોને પાંજરે પુરી રાજકારણીઓ અને ગ્રામજનોને સિંહોનું પ્રદર્શન કરી અપમાનિત કરવામાં આવતા હોય આ પ્રશ્ને ગીર નેચર યુથ ક્લબ દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા રાજુલા પંથકમાં આવા બનાવો બન્યાં છે તેની તપાસ કરી દોષિત વનકર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક હાથે પગલા લેવાની માંગ પણ કરવામાં આવી છે.

ગીરપુર્વ વિસ્તારમાં અનેક વખત વન કર્મચારીઓ દ્રારા સિંહોને પાંજરે પુરી પ્રદર્શન કરવાનું હોય તે રીતે લઇ જવામાં આવતા વન્યપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. થોડા દિવસો પહેલા રાજુલામાં એક બિમાર સિંહને પાંજરે પુરીને આરએફઓ દ્રારા એનીમલ કેર સેન્ટરમાં લઇ જવા માટે નિયમ મુજબ સિંહના પાંજરાને કપડાથી ઢાંકવાના બદલે ખુલ્લા પાંજરામાં શેરીઓમાંથી પોલીસ ખાતાને સાથે રાખી જાણે પ્રદર્શન કરી સિંહોનું અપમાન કર્યું હતું.

આ પ્રશ્ને ગીર નેચર યુથ ક્લબના ભીખુભાઇ બાટાવાળાએ રાજ્યપાલને પત્ર પાઠવી રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં પણ ખાંભાના બારમણ ખાતે પકડાયેલ માનવભક્ષી સિંહને પાંજરે પુરીને લઇ જવાતો હતો ત્યારે સિંહ દર્શન કરવા સબબ ધારાસભ્યના પરિવાર વચ્ચે બખેડો થયો હતો. વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્રારા ખુલ્લેઆમ સિંહ દર્શન કરાવવામાં આવેલ. બારમણના બનાવ સમયે ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી તુલશીશ્યામ રેંજમાં ફરજ બજાવી રહ્યાં છે. રાજકીય વગ હોવાથી તેઓ ઉપલા અધિકારીઓને ગણકારતા પણ નથી.

આવા કર્મચારીઓના તા. ૨૦ થી ૨૨ જુલાઇ ૨૦૧૨ સુધીના મોબાઇલ કોલ ડિટેઇલ કઢાવવામાં આવે તો સિંહ પ્રદર્શન કાંડનો પર્દાફાશ થઇ જાય તેમ છે. અનેક વખત ઉચ્ચ અધિકારીઓને પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ દ્રારા પુરાવા સાથે રજુઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભવિષ્યમાં આવા બનાવો અટકે તે માટે યોગ્ય પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

ગ્લોબલ વોમ: પશુ-પંખી, ઝાડ-પાનમાં કમોસમી ફેરફાર.

Source: Vipul Lalani, Visavdar   |   Last Updated 12:07 AM [IST](29/07/2012)
- ગ્લોબલ વોમ ¾ ભાગની અસર વાતાવરણ અને જીવસૃષ્ટિમાં પણ દેખાય છે

સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગુજરાત સરકાર ચિંતાના વાદળોમાં ગરકાવ થઇ ગઇ છે. ખેડૂતોની અમુલ્ય મોલાતો જે મોંઘા ભાવનાં બિયારણો અને ખાતરો, દવાઓ લઇને વાવે છે. ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોને ઘાસચારાની પણ અછત જોવા મળી રહી છે. અનેક શહેરો તથા ગામડાઓમાં પીવાનાં પાણીની સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે. મેઘરાજા જાણે આ વર્ષે ગુજરાત પર કોપાયમાન થયા હોય તેમ લાગે છે.

વરસાદ ખેંચાતાં અનેક ધાર્મિક જગ્યાઓમાં મેઘરાજાને મનાવવા માટે માનતાઓ, ઉપવાસ, રામધુન, યજ્ઞો, પદયાત્રાઓ જેવા અનેક આયોજનો લોકો કરી રહ્યા છે. પરંતુ વરસાદ વરસવાનું નામ જ લેતો નથી. આ સ્થિતી ઉñવવાનું કારણ વાતાવરણમાં થયેલા અનેક ફેરફારો છે. પશુ-પંખી અને ઝાડ પાનમાં જોવા મળતા કમોસમી ફેરફારો તેમાં મુખ્ય છે.

ટીટોડીનાં ઇંડા : ટીટોડીને જ્યારે ઇંડા મુકવાનો સમય આવે છે અને જ્યાં ઇંડા મુકે છે. તેના પરથી વરસાદની આગાહીઓ થાય છે. તે મુખ્યત્વે વૈશાખ મહિનાના અંતમાં ઇંડા મૂકે છે. જેઠ મહિનામાં તેના બચ્ચાં જોવા મળે છે. પરંતુ વાતાવરણના ફેરફારને લીધે આજે છેક શ્રાવણમાસમાં પણ ટીટોડીના ઇંડા જોવા મળે છે. હાલ ટીટોડીના ઇંડા વિસાવદરનાં દિનેશભાઇ ભનુભાઇ રબિડીયાના ખેતર પાસેની વાડીમાં જોવા મળ્યા છે.

લીમડામાં મોર: લીમડામાં મોર ચૈત્ર માસમાં જ ખીલે છે. પરંતુ વિસાવદરનાં મોટી મારણ ગામનાં ભીખાભાઇ ગોવિંદભાઇ વીરડીયાના ખેતરે લીમડામાં આવેલા ફેરફાર જોઇને ખુદ ભીખુભાઇ આશ્ચર્ય પામી ગયા છે. આજે આ લીમડાનાં ઝાડ પર પાકેલી લીંબોડીઓ પાકીને પીળી થાય અને ડાળીઓમાં નવો મોર કોરાઇ
રહ્યો છે.

બોરડીમાં બોર: બોરડીના બોરની સીઝન શિયાળો છે. પણ આજે મોટી મોણપરીના માવજીભાઇ ટપુભાઇ દોંગાનાં ઘરે આવેલી બોરડીમાં બોર જોવા મળી રહ્યા છે. તેમજ બોર બીજી અનેક જગ્યાએ જોવા મળે છે.

અભરામપરામાં કુવામાં ખાબકેલા અજગરના બચ્ચાને બચાવી લેવાયું.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:35 AM [IST](29/07/2012)
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં ૭૦ ફુટ ઉંડા કુવામાં એક અજગરનું બચ્ચુ પડી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી યુવાનો અને વન વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી અજગરના આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી સલામત રીતે અભ્યારણ્યમાં છોડી દીધો હતો. પક્ષીનો શિકાર કરવાના પ્રયાસમાં આ બચ્ચુ કુવામાં ખાબક્યાનું મનાઇ રહ્યુ છે.

સામાન્ય રીતે મધ્ય ગીરમાં જોવા મળતા અજગરો હવે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાનુકુળ વાતાવરણને પગલે આ વિસ્તારમાં અજગરની વસ્તી વધતી જાય છે. શિકારની શોધમાં નીકળેલો કોઇ અજગર જો કુવામાં ખાબકે તો તેનું જીવન બચાવવુ મુશ્કેલ બની જાય છે. આવી એક ઘટનામાં સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં હિંમતભાઇ સવજીભાઇ જાદવની વાડીમાં ૭૦ ફુટ ઉંડા કુવામાં અજગરનું બચ્ચુ પડી ગયુ હતું.

આ અંગે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતા વન વિભાગને જાણ કરાઇ હતી. ટ્રસ્ટના સતીષ પાંડે, કશિન ત્રિવેદી, મહેબુબ મકવાણા, મેહુલ બોરીસાગર, માધવ વણજારા વગેરેએ પાંચ ફુટ લાંબા અને ૨૦ કિલો વજનના આ અજગરના બચ્ચાને કુવામાંથી બહાર કાઢી બચાવી લીધુ હતું. બીટગાર્ડ ચૌહાણભાઇ વગેરે વનકર્મીઓ દ્વારા તેને મીતીયાળા અભ્યારણ્યમાં છોડી દેવાયુ હતું.

Wednesday, July 25, 2012

ધારી ગીર વનવિભાગ દ્વારા ર૬ ચેકડેમોનું નિર્માણકાર્ય હાથ ધરાયું.


ધારી,તા,ર૪ :
ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સરંક્ષણ અન્વયે ખેડૂતોના કૂવા પર રૂ. ૩.પ૪ લાખના ખર્ચે ૪૬ પારાપીટ વોલ બાંધવામાં આવી છે. તેમજ કુલ ર૬ ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
 • ખેડૂતોના પાકના રક્ષણ માટે ખેતર ફરતે ફેન્સીંગનું નિર્માણ
વન્યપ્રાણીઓ દ્વારા ખેડુતોના પાકને નુકસાન કરવામાં ન આવે તે માટે ખેતર ફરતે રૂ. દસ લાખથી વધુના ખર્ચે રનીંગ મીટર વાયર ફેન્સીંગની કામગીરી કરવામાં આવી છે. કુદરતી વારસાની જાળવણી માટે જનજાગૃતિ આવે તે હેતુથી આંબરડીમાં આંબરડીમાં વન્યપ્રાણી પરિચય ખંડ તરીકે વિકસાવવામાં આવનાર હોય રાજય સરકારના પ્રવાસ વિભાગ દ્વારા રૂ. ૩.૭૯ કરોડની ફાળવણી કરવામાં આવતા હાલ કામગીરી પ્રગતિમાં છે.
અમરેલી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કુલ પ,૩૯,પ૮ હેકટરમાં રોપા વાવેતરની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રોપા, સુર્યકુકર, સગડી, ચુલા, સોલાર ફાનસનું વિતરણ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં ત્રણ વનકૂટિરનું બાંધકામ અને વન્યપ્રાણી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૪૩ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. રર૧ લાભાર્થીઓને રોપા ઉછેર માટે રૂ. સવા બે લાખની રકમ ચુકવાઈ છે.

ગીરકાંઠાના સોઢાપરા સુધી માર્ગના અભાવે અનેક સમસ્યા.


ધારી,તા,રર :
ધારી તાલુકાના ગીર કાંઠે આવેલા અને અંતરિયાળ સોઢાપરા જવા માટે કોઈ માર્ગ નહીં હોવાથી ઈમરજન્સી સેવાથી વંચિત રહેતા ગ્રામજનોએ ધારી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.
 • મામલતદારને ગ્રામજનોએ પાઠવેલું આવેદનપત્ર
 • કોઈ પ્રકારનો માર્ગ ન હોય લોકોને ઈમરજન્સી સેવા મળતી નથી
સોઢાપરાને જોડતા રસ્તા તુરત શરૂ કરવા માટે ધારીના મામલતદારને સરપંચ મુકતાબેન રાનેરા, ભાભલુભાઈ વિરાભાઈએ તાલુકા પંચાયતના સદસ્ય લાલભાઈ સુખડીયા, શહેર કોગ્રેસના પ્રમુખ અશોક પટ્ટણીના નેજા હેઠળ રજુઆત કરવા માટે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અને આવેદન પાઠવી રજુઆત કરી હતીકે અમારો વિસ્તાર જંગલ બોર્ડરની લગોલગ હોય જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. સોઢાપરાથી મીઠાપુર નકકી, આંબાગાળા, મુંડીયારાયણી, ચાંચઈ સુધીના અંતરીયાળ સુધી કાચા ગાડા માર્ગ આવેલા હોય જે પણ બિસમાર હાલતમાં હોવાથી ઈમરજન્સી સેવા પણ મળતી નથી. ગામના ચકુબેન ભાનુભાઈ અને લાખાભાઈ દેગામા રસ્તાની પાયાની સુવિધાના કારણે ઈમરજન્સી સેવા પહોંચી નહીં શકતા મૃત્યુ પામતા આવા માર્ગ વિહોણા ગામમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદે રોડ બનાવવા માગણી કરવામાં આવી છે.

જૂનાગઢના ઉપરકોટમાં ઉભું કરાયું ૧૧ હજાર દેશી વૃક્ષોનું અનોખું વન.


જૂનાગઢ, તા.૨૪
પોતાના સ્વાર્થ ખાતર આજનો માનવી આડેધડ વૃક્ષો કાપી રહ્યો છે. પરિણામે ઋતુ ચક્ર ખોરવાયું છે. લોકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી જૂનાગઢ વનવિભાગે ઉપરકોટમાંથી ઝાડી ઝાંખરા દુર કરી ૧૧ હજાર વૃક્ષો વાવી દેશી વૃક્ષોનું વન ઉભું કર્યું છે. વૃક્ષારોપણના આ અભિયાન અંતર્ગત વૃક્ષ ઉછેરમાં પાયાનું કામ કરનાર વ્યક્તિને વન પંડિત એવોર્ડ એનાયત કરાશે.
 • લોકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ લાવવા માટે
 • વૃક્ષ ઉછેરમાં પાયાનું કામ કરનારને વન પંડિત એવોર્ડથી સન્માનીત કરાશે
મહાનગરોમાં વિકાસના નામે વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે. મોટા - મોટા શહેરોમાંથી લગભગ વૃક્ષો કપાઈ ગયા છે. અને વૃક્ષોના સ્થાને મોટી - મોટી ઈમારતો ઉભી કરી દેવાઈ છે.
ત્યારે જૂનાગઢ જિલ્લામાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત લોકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ આવે અને વૃક્ષારોપણ સામુહીક વનીકરણ ઝુંબેશ થાય તે માટે જૂનાગઢ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત વનવિભાગે તાજેતરમાં ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ઝાડી - ઝાંખરા દુર કરી જમીન સમથળ બનાવી હતી. ત્યારબાદ આ ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર દેશીકુળના વૃક્ષો વાવવામાં આવ્યા હતાં.
આ વૃક્ષોને પાણી મળી રહે તે માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવાશે. આ તમામ વૃક્ષોના ઉછેરમાં પાયાનું કામ કરનાર વ્યક્તિને વનપંડિત એવોર્ડ એનાયત કરાશે. આ તમામ આયોજનોને મુર્ત સ્વરૂપ આપવા માટે તાજેતરમાં જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષક આર.ડી. કટારા અને અન્ય વનકર્મીઓની બેઠક મળી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=75757

Tuesday, July 24, 2012

ધારાસભ્ય સોલંકીની કારમાં તોડફોડ કરનાર સાતની ધરપકડ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:37 PM [IST](23/07/2012)

- નાગેશ્રી પાસે સિંહ દર્શન પ્રસંગે માથાકૂટ થઇ હતી - સોલંકીના પુત્ર, જમાઇ અને કમાન્ડો સહિત બાર સામે વળતી ફરિયાદ નોંધાઇ
ખાંભા તાલુકાના મોટા બારમણ નજીક ગઇકાલે સિંહ જોવાના મુદ્દે ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના પરિવાર અને નાગેશ્રીના કાઠી યુવાનો વચ્ચે મારામારી થયા બાદ ધારાસભ્યના પરિવારની કારમાં તોડફોડ કરનાર સાત યુવાનોની આજે ખાંભા પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ સામાપક્ષે નાગેશ્રીના યુવકની ફરિયાદ પરથી ધારાસભ્યના પુત્ર, જમાઇ, કમાન્ડો સહિત બાર શખ્સો સામે હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાઇ છે.

નાગેશ્રીમાં દેવીપુજક આધેડને સિંહે ફાડી ખાધા બાદ આ સિંહ પાંજરે પુરાતા ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના પરિવાર પર આ સિંહ જોવા જવાના મુદ્દે હુમલો થયો હતો. અને તેમની કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બારામાં ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે જાફરાબાદ પોલીસે અજય બાવકુભાઇ વાળા, કિરણ બાબુભાઇ વરૂ સહિત સાત યુવાનોની ધરપકડ કરી હતી. જે તમામ સામે આ ફરિયાદ નોંધાઇ હતી.

બીજી તરફ નાગેશ્રીના અજયભાઇ બાવકુભાઇ વાળાએ ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે ધારાસભ્ય હિરાભાઇ સોલંકીનો પુત્ર ઉપરાંત જમાઇ ચેતન શિયાળ, ડ્રાઇવર મુંગી, મનોજ શિયાળ, જીતુ મકવાણા તથા હિરાભાઇનો પ્રાઇવેટ કમાન્ડો અને અન્ય છ અજાણ્યા શખ્સો મળી બાર શખ્સોએ તેના પર હુમલો કરી માથામાં પાઇપનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. એટલુ જ નહી હિરાભાઇ સોલંકીના કમાન્ડોએ પોતાના હથિયારથી પેટમાં ઘુસ્તા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

સમગ્ર મામલો સિંહ જોવા જવાના મુદ્દે બિચકયો હતો. સિંહને જ્યારે જસાધાર લઇ જવાતો હતો. ત્યારે ટ્રેકટરની પાછળ પાછળ નાગેશ્રીના અનેક યુવાનો મોટર સાઇકલ લઇને ચાલતા હતા. ટ્રેકટરને મોટા બારમણ નજીક નાળમાં ઉતારી સિંહનું પાંજરૂ ટ્રેકટરમાંથી ટેમ્પામાં લેવાની તજવીજ ચાલતી હતી ત્યારે હિરાભાઇના પુત્ર અને જમાઇની કાર યુવાનોએ તે દિશામાં જવા ન દેતા બઘડાટી બોલી હતી. પોલીસ દ્રારા હજુ સુધી સામેના પક્ષના એકપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.

Friday, July 20, 2012

આધેડનાં આંતરડાં ફાડી નાખી લાશ પર બેસી ગયો સિંહ.


આધેડનાં આંતરડાં ફાડી નાખી લાશ પર બેસી ગયો સિંહ


Last Updated 12:45 PM [IST](19/07/2012)
- ઘરથી અડધો કિલોમીટર દૂર લઇ જઇને સિંહ તેની લાશ પર બેસી ગયો

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં આજે વહેલી સવારે દેવીપુજક વાસમાં એક ઘરમાં સુતેલા આધેડને સિંહે ઉપાડી જઇ અડધો કિલોમીટર દુર લઇ જઇને તેને ફાડી ખાધો હતો. સિંહની ભુખ સંતોષાઇ ન હોય તેમ તે આધેડની લાશ પર બેસી ગયો હતો.

લોકોનું ટોળું દોડી ગયું હતું અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી નાસી ગયો હતો.સિંહ દ્રારા આધેડને ફાડી ખાવાની આ ઘટના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં બની હતી. જ્યાં દેવીપુજક વાસમાં રહેતા ભીખુભાઇ જલાભાઇ પરમાર નામના આધેડ ઘરમાં સુતા હતા ત્યારે વહેલી સવારે એક સિંહ ત્યાં આવી ચડયો હતો. અને ભીખુભાઇને ગળાથી પકડીને ઉપાડીને અડધો કિલોમીટર દુર લઇ ગયો હતો. અને તેઓને ફાડી ખાધા હતા.

બાદમાં પરિવાર જાગી જતા ભીખુભાઇ ન હોય અને પથારીની ચોતરફ લોહી પડયુ હોય તેમજ સિંહના સગડ હોય પરિવારે તુરત વનવિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા. અને ભીખુભાઇની શોધખોળ આદરી હતી. ઘરથી અડધો કિલોમીટર દુર લોકો ગયા હતા. ત્યાં તો લોકોની આંખ પહોળી થઇ ગઇ હતી. કારણ કે ભીખુભાઇની લાશની માથે સિંહ બેઠો હતો. અમરેલીથી વનવિભાગના સબ ડીએફઓ એમ.એમ.મુની સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તેમજ પોલીસ તંત્ર પણ ત્યાં આવી પહોંચ્યું હતું. બાદમાં સિંહને હાકલા પડકારા કરતા તે નાસી છુટયો હતો.
બાદમાં ભીખુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજુલા દવાખાને ખસેડવામાં આવી હતી. અને સિંહને પાંજરે પુરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવ વિસ્તારમાં અનેક વખત સિંહો અને દપિડાઓ આવી ચડે છે. છ માસ પહેલા પણ આ જ વિસ્તારમાંથી એક બાળાને દપિડાએ ફાડી ખાધી હતી. આ ઉપરાંત બે માસ પહેલા પણ એક યુવકને સિંહે ફાડી ખાધો હતો. ત્યારે આ ત્રીજો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

- સિંહને પકડવા પાંચ પાંજરા મૂકાયા

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં આવેલ એક ઘરમાંથી વહેલી સવારના એક દેવીપુજક આધેડને સિંહ ઉપાડી લઇ જઇને તેને ફાડી ખાતા આ વિસ્તારમાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે આ સિંહને પાંજરે પુરવા વનવિભાગ દ્રારા પાંચ પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત વનવિભાગ દ્રારા રાત્રીના પેટ્રોલીંગ માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.

નાગેશ્રીની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા ભીખુભાઇ પરમાર નામના આધેડને આજે વહેલી સવારે ઘરમાંથી એક સિંહ ઉપાડીને દુર લઇ જઇને ફાડી ખાધા હતા. અને બાદમાં સિંહ તેઓની લાશ પર બેઠો હતો. બાદમાં લોકો અને વનવિભાગ દ્રારા આ સિંહને હાકલા પડકારા કરી ભગાડયો હતો. અને લાશને પોસ્ર્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને જાણ થતા તેઓએ વનવિભાગને વળતર ચુકવવા તેમજ સિંહને તાત્કાલિક પાંજરે પુરવા તાકિદ કરી હતી.

વનવિભાગની રેસ્કયુ ટીમ દ્રારા આ સિંહને પકડવા માટે પાંચ પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં છે. અમરેલી ડીએફઓ મકવાણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત રાત્રીના પેટ્રોલીંગ માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.
તસવીરો : કનુભાઇ વરૂ, રાજુલા

અમિત જેઠવાની હત્યાનાં બે વર્ષ બાદ પણ પિતા ઝઝૂમે છે ન્યાય માટે.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 11:34 PM [IST](19/07/2012)
આરટીઆઇનો કાયદો શું છે તેનુ ખુદ સરકારી તંત્રને ભાન કરાવનાર અમીત જેઠવાની હત્યાને બે વર્ષનો સમય વીતી ગયો છે. પોલીસ દ્વારા આ બારામાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ અમીતનાં પિતા ભીખુભાઇ બાટાવાળાનાં પિતા તંત્ર સામે ઝઝુમી રહયાં છે. ન્યાય મેળવવાની વાત બાજુ પર રહી હજુ તો તેઓ પોતાના પુત્રની હત્યાનાં સાંસદ દિનુ સોલંકીને આરોપી તરીકે જોડવા માટે લડી રહયાં છે.

અમીત જેઠવાનાં હત્યારાઓ કદાચ એમ સમજતા હતા કે અમીતની હત્યા બાદ તેનો પરિવાર ચૂપ થઇ જશે. અન્ય આરટીઆઇ કાર્યકરો પણ ખો ભૂલી જઇ તેની પ્રવૃતિ અટકાવી દેશે. પરંતુ થયુ તેનાથી તદન વપિરીત આજથી બરાબર બે વર્ષ અગાઉ અમદાવાદમાં સાંજનાં સમયે હાઇકોર્ટની સામેજ ગોળીઓ ધરબી દઇ અમીત જેઠવાની હત્યા કરી નાંખવામાં આવી હતી.

ત્યારથી અત્યાર સુધીમાં તપાસનીશ એજન્સી દ્વારા અમીત જેઠવાની હત્યામાં મુખ્ય આરોપી શૈલેષ પંડયા, શિવા પાંચાણ, પોલીસ કર્મી વાઢેર, સાંસદનો ભત્રીજો શિવા સોલંકી સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. પરંતુ અમીતનાં પિતા ભીખુભાઇ બાટાવાળા જણાવે છે કે ન્યાય માટેની તેમની લડત અધુરીતો છે. બલકે એમ કહી શકાય ન્યાય મેળવવાની વાત હજુ બાજુ પર છે પરંતુ અમીતની હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સોની ધરપકડ પણ નથી થઇ.

ભીખુભાઇનાં શબ્દોમાં આ હત્યામાં સાંસદ દિનુ સોલંકીની સીધી સંડોવણી છે. પોલીસ દ્વારા તે ભાજપનાં આગેવાન હોવાથી તેને છાવરવામાં આવી રહયાં છે. તેમને આ કેસમાં આરોપી તરીકે જોડવા અને સીબીઆઇને તપાસ સોંપવા માટે અદાલતમાં લડત ચાલી રહી છે.

- રાક્ષસરાજ સામે ન્યાય માટે ઝઝૂમવુ પડશે : બાટાવાળા

અમીત જેઠવાનાં પિતા ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં રાક્ષસરાજ ચાલી રહયું છે. ગુજરાતની ગાદી પર બેઠેલા સતાધીશો પાસે ન્યાયની અપેક્ષા વ્યર્થ છે. કારણ કે તેઓજ હત્યારાને છાવરી રહયા છે પરંતુ મને અદાલતમાં ન્યાય મળશે. પુરો વિશ્વાસ છે તે માટે થોડુ ઝઝૂમવુ પડશે.

6 જણાએ પકડ્યો ત્યારે માંડ-માંડ હાથમાં રહ્યો અજગર.


6 જણાએ પકડ્યો ત્યારે માંડ-માંડ હાથમાં રહ્યો અજગર

Last Updated 2:18 AM [IST](18/07/2012)
રાજુલાના થોરડી ગામે આવેલ પ્રફુલભાઇ કસવાળાની વાડીમાં પાછલા ત્રણ ચાર દિવસથી એક મહાકાય અજગર આંટા મારતો હોય લોકોમાં ભય ફેલાયો હતો. અને વાડીએ જતા પણ ડર લાગતો હતો.

આ અંગે પ્રફુલભાઇએ સાવરકુંડલાના પ્રકૃતપ્રેમીઓ અને વનવિભાગને જાણ કરી હતી. પ્રકૃતપ્રેમી સતીષ પાંડે અને કશિન ત્રિવેદીએ ઘટના સ્થળે જઇ આ મહાકાય અજગરને મહામહેનતે પકડયો હતો. આ અજગર ૧૬ ફૂટ લાંબો છે. અને અંદાજિત ૫૦ કિલો વજન ધરાવે છે. ગરમીના કારણે સાપ સહિત સરિસૃપો અવારનવાર જમીનોમાંથી બહાર આવતા હોય વાડી ખેતરોમાં કામ કરતા મજુરો અને ખેડુતોને ભારે અગવડતા પડે છે.

આ મહાકાય અજગર ચારેક દિવસથી વાડીમાં આંટા મારતો હોય આ વિસ્તારમાં આવેલ ખેતરોમાં કામ કરતા મજુરોને ભય સતાવી રહ્યો હતો. આ અજગરને પકડીને પ્રકૃતપિ્રેમીઓએ બાદમાં વનવિભાગને જાણ કરતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી આરએફઓ ધાંધીયા અને સ્ટાફ દ્રારા આ અજગરને મિતીયાળાના જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો.

તસવીરો : દીપક પાંધી, રાજુલા

Tuesday, July 17, 2012

ખાંભા પંથકમાં ઉભા પાકનો સોથ બોલાવતા રોજ-ભૂંડ.


ખાંભા, તા.૧૬
ખાંભા પંથકમાં ખેડૂતોએ ઉગાડલા મહામુલા પાકનો જંગલી ભૂંડ અને નિયગાયોના ટોળા સફાયો કરી રહ્યાં હોય ખેડુતોની સ્થિતિ પડયા પર પાટું જેવી થઈ છે.હાલ વરસાદ ખેંચાયો હોયખેડૂતો પાક બચાવવા મથી રહ્યાં છે ત્યારે આ જંગલી પ્રાણીઓ ખેડુતોની મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે.
 • વરસાદ ખેંચાયો છે ત્યારેખેડૂતોની પડયા પર પાટું જેવી સ્થિતિ
ખાંભા તાલુકાના ઉમળીયા, તાતણીયા, ધાવડીયા, નાનુડી, લાસા, કોદીયા, રાયડી, પાટી, સરાકડીયા, નાના વિસાવદર વગેરે ગામોમાંખેડૂતોએ હજારો એકર જમીનમાં મગફળી કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું છે.ખાંભા પંથકમાં વરસાદ તદન ઓછો પડયો છે, જેથીખેડૂતો પાકને બચાવવા મહેનત કરી રહ્યાં છે.પરંતુ જંગલી ભૂંડ અને નિલગાયોના ટાળા ઉગેલા પાકનો સોથ વાળી રહ્યાં છે.
આ પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા ખેડૂતો રાત દિવસ રખોપું કરી રહ્યાં છે, પરંતુ ગમે ત્યારે રોજ-ભુંડના ટાળા ત્રાટકે છે અને પાકનો કચ્ચરઘાણ વાળી દે છે.આ ઉપરાંત કપાસનું બિયારણ વાવી દીધેલ છે તેને પણ ભુંડના ટોળા ખાઈ જતાં હોય હજારો રૂપિયાનું બિયારણ ફરીથી વાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.આ અંગે સરકાર દ્વારા પગલાં લેવાય તેવી માગણી ઉઠી છે.

માતાથી વિખૂટા પડેલા દીપડીના બચ્ચાનું અંતે માતા સાથે મિલન.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:39 AM [IST](17/07/2012)

બગસરાની સીમમાં આજે સવારથી એક દીપડીનું બચ્ચુ માતાથી વિખુટુ પડી ગયું હોય વાડી માલિકે આ અંગે વનવિભાગને જાણ કરતા ધારીના ડીએફઓની સુચનાથી રેસ્કયુ ટીમે પાંજરામાં દીપડીના બચ્ચાને રાખ્યું હતું. બાદમાં સાંજના સુમારે દીપડી પાંજરા પાસે આવીને બચ્ચુ લઇને જતી રહી હતી. આમ રેસ્કયુ ટીમે દીપડીના બચ્ચાનો માતા સાથે મિલાપ કરાવ્યો હતો.

બગસરાની સીમમાં આવેલ ભોળાભાઇ માધાભાઇ હિરાણીની વાડીમાં બે બચ્ચાવાળી દિપડી રહેતી હોય આજે સવારે એક બચ્ચુ માતાથી વિખુટુ પડી જતા આ અંગે ભોળાભાઇએ વનવિભાગને જાણ કરતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી રેસ્કયુ ટીમના ડૉ. હિતેષ વામજા, અમીત ઠાકર, સમીર દેવમુરારી, જયવંતભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

દીપડીના એકમાસના બચ્ચાને પકડીને પાંજરામાં રાખ્યુ હતું. બાદમાં મોડીસાંજે દીપડી પાંજરા પાસે આવી તેના બચ્ચાને લઇને જતી રહી હતી. આમ માતાથી વિખુટા પડેલા દીપડીના બચ્ચાનો વનવિભાગની ટીમે માતા સાથે મિલાપ કરાવ્યો હતો.

Monday, July 16, 2012

ગીરમાં યુવા સિંહની રાજાશાહી, પાંચ-પાંચ સિંહણ સાથે સંવનન.


Source: Jitendra Mandaviya, Sasan (Gir)   |   Last Updated 3:51 AM [IST](15/07/2012)

સિંહ પ્રજાતીમાં પાઠડાની ઉંમર પાંચ વર્ષ થાય ત્યારે તેને નર ગણવામાં આવે છે અને તે મેટિંગ પુરી તાકાતથી કરી શકે છે. ગીર જંગલનાં ટુરિઝમ ઝોન ગણાતા ડેડકડી- પાણીયા - કેરંભાનાં જંગલ વિસ્તારમાં સાડા ત્રણ વર્ષનાં પાઠડાએ વર્ષોથી વર્ચસ્વ રાખી રહેલા નરસિંહને મ્હાત કરી વિસ્તાર ઉપર કબજો જમાવ્યો અને આ વિસ્તારમાં ફરતા છ સિંહ ગૃપમાંથી પાંચ ગૃપની સિંહણો સાથે મેટિંગ કરી સર્વસ્વીકૃત ‘રાજા’ બનતા યુવાસિંહના આ તૈવરથી વનવિભાગનાં અધિકારીઓ પણ દંગ બની ગયા છે.

ગીર જંગલનાં ટુરિઝમ ઝોનમાં વર્ચસ્વ સ્થાપનાર યુવા રાજા વિશે વાત કરતા સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડી.એફ.ઓ. ડૉ.સંદીપકુમાર કહે છે કે, ડેડકડી - પાણીયા - કેરંભાનાં વિસ્તારમાં વર્ષોથી બે નરસિંહોનું વર્ચસ્વ હતુ. જેમાં એક નરનું મોત થયેલ અને એક નર આ વિસ્તારમાં વર્ચસ્વ સંભાળતો હતો. જંગલનાં નતાળીયા વીડી તરીકે ગણાતા વિસ્તારમાંથી છેલ્લા એક માસથી બે પાઠડા સિંહો કે જે સંબંધે બન્ને ભાઇ છે તે આ વિસ્તારમાં આવવા લાગ્યા અને અહીનાં નરસિંહ સાથે વર્ચસ્વ માટે લડાઇ કરવા લાગ્યા. જેમાં સાડાત્રણ વર્ષનો પાઠડો કે જેનું નામ ‘સંદીપન’ રાખેલ છે તે પાઠડાએ નર જેવી આક્રમકતાથી આ વિસ્તારના નરસિંહને નબળો પાડી વિસ્તારમાં વર્ચસ્વ જમાવી દીધુ છે.

તેનાથી વિશેષ આ વિસ્તારમાં ફરતા છ સિંહો ગૃપોમાંથી રહેલી છ સિંહણોમાંથી પાંચ સિંહણો સાથે ‘સંદીપન’એ મેટિંગ કરી માદાઓમાં આકર્ષણ ઉભુ કરી સ્વસ્વીકૃત ‘રાજા’ બની ગયો છે. સિંહ પ્રજાતીમાં સિંહની ઉંમર પાંચ વર્ષની થાય ત્યારે નર ગણાય છે અને આ ઉંમરથી નર વિસ્તાર બનાવે અને માદા સાથે મેટિંગ કરે છે. પણ યુવા રાજા ‘સંદીપન’એ જે આક્રમતાથી વિસ્તાર ઉપર કબજો કર્યો અને પાંચ-પાંચ સિંહણો સાથે સહશયન કરી સ્વસ્વીકૃત સામ્રાજ્ય સ્થાપ્યુ તે સિંહ પ્રજાતીમાં અત્યાર સુધી જોવા નથી મળ્યુ. સાડા ત્રણ વર્ષનાં ‘સંદીપન’ સાવજે બનાવેલી ‘રાજા’ બનવાની તત્પરતા સિંહ પ્રજામાં ઘટી રહેલી વિશેષ ઘટના વનવિભાગનાં અનુભવી અધિકારીઓ ગણાવી રહયા છે.

- યુવા રાજાનો રોમાન્સ પણ રોમાંચક હોય છે

યુવા રાજા ‘સંદીપન’ પાંચ-પાંચ સિંહણોને આકર્ષવામાં સફળ બન્યો તે વિશેષ બાબત હોય આ યુવા રાજાની હિલચાલ ઉપર નજર રાખી સિંહ પ્રજાતીમાં થતા ફેરબદલને ઝીણવટપુર્વક સમજતા ડીએફઓ ડૉ.સંદીપકુમારે કહેલ કે આ યુવા રાજા સિંહણને આકર્ષી તેમની પસંદગી મુજબ રોમાન્સ કરી મેટિંગ કરે છે. સાથે ઋતુ અને વિસ્તાર મુજબ રોમાન્સની મજા ઉઠાવે છે. એક મહીના પહેલા સપાટ ઘાસીયા મેદાનમાં માદા સાથે રોમાન્સ કરતો યુવારાજા વર્ષાઋતુમાં સલામત અને મેટિંગ માટે આદર્શ ગણાતા ઉંચી ટેકરીઓ ઉપર સિંહણ સાથે રોમાન્સની મસ્તી કરતો નજરે પડે છે.

- ઋષી મુનીનાં નામ પરથી યુવા રાજાનું નામ પડયુ

ટુરિઝમ ઝોનમાં યુવા રાજા બનેલા ‘સંદીપન’ સિંહનું નામ ભારતીય સંસ્કૃતીમાં પ્રસ્થાપીત થયેલા ઋષીમુની ‘સંદીપન ઋષી’નાં નામ પરથી રાખવામાં આવેલ છે.

માલસીકા ગામે માસુમ બાળકને ફાડી ખાનાર દિપડો અંતે પાંજરે પૂરાયો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:42 AM [IST](15/07/2012) ધારી તાલુકાના માલસિકા ગામે ગઇરાત્રે ઝુંપડામાં સુતેલા એક ત્રણ વર્ષના બાળકને ઉપાડી જઇ દિપડાએ ફાડી ખાધા બાદ વન ખાતાએ અહી ગોઠવેલા પાંજરામાં આ માનવભક્ષી દિપડો આબાદ સપડાઇ ગયો હતો. આ દિપડાને હવે સકકરબાગ ઝુ મા મોકલી દેવાશે.

ધારી તાલુકામાં વધુ એક માનવભક્ષી દપિડો સામે આવ્યો છે. ગુરૂવારની રાત્રે ધારી તાલુકાના માલસિકા ગામની સીમમાં ભીમભાઇ વાઘેલા નામના દેવીપુજક ખેત મજુરનો પરિવાર પોતાના ઝુંપડામાં સુતો હતો ત્યારે અચાનક એક દપિડો ત્યાં ધસી આવ્યો હતો. અને ખુલ્લા ઝુંપડામાં અંદર પ્રવેશી ભીમભાઇના ત્રણ વર્ષના પુત્ર શૈલેષને ઉપાડીને લઇ ગયો હતો. તેમનો પરિવાર જ્યારે જાગ્યો ત્યારે ઘણું મોડુ થઇ ગયું હતું.

આ દપિડો ત્રણ વર્ષના માસુમ બાળકને કાંટાની વાડમાં લઇ ગયો હતો. અને ફાડી ખાધો હતો. સવારે આ બાળકની અર્ઘ ખવાયેલી લાશ મળી આવી હતી. ધારીના ડીએફઓ અંશુમન શર્માએ આ દપિડાને તાકિદે પાંજરે પુરવા સુચના આપતા માલસિકાની સીમમાં ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં. રાત્રે અગિયારેક વાગ્યાના સુમારે એક પાંજરામાં આ દપિડો સપડાઇ ગયો હતો.

- બાળકના પરિવારને દોઢ લાખની સહાય

માલસિકાની સીમમાં દેવીપુજક બાળકને ઉઠાવી જઇ દપિડાએ ફાડી ખાધા બાદ આજે સબ ડીએફઓ જે.કે.ધામી તથા સ્ટાફે બાળકના માતા પિતાને રૂબરૂ મળી સરકાર તરફથી અપાતી રૂ. દોઢ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો

Saturday, July 14, 2012

પશુ તબીબ પર દીપડાનો હુમલો, કાન અને ગાલ ઉપર પંજો માર્યો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:50 AM [IST](12/07/2012) - વાડીમાં બનાવેલા મકાનની અગાશીમાં સૂતા હતા ત્યારે રાત્રે દીપડો ત્રાટકયો : કાન અને ગાલ ઉપર પંજો માર્યો

કોડીનાર તાબાનાં સીંધાજ ગામે ગીરદેવડી રોડ ઉપર વાડીમાંજ મકાન બનાવીને રહેતા પશુ તબીબ ગઇકાલે રાત્રે અગાશીમાં સુતા હતા ત્યારે ઓચિંતા આવેલા દીપડાએ તેમના પર હુમલો કરતા તેઓને કાન અને ગાલ ઉપર પંજો મારી લોહી લુહાણ કરેલ જોકે, તેઓએ પ્રતિકાર કરતા દીપડો પલાયન થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સીંધાજમાં ગીરદેવડી રોડ ઉપર કાદાના પા નામે ઓળખાતી વાડીમાં પશુ તબીબ વિશાલભાઇ અરજણભાઇ બારડ (ઉ.વ.૨૧) મકાન બનાવીને રહે છે. ગઇકાલે રાત્રે તેઓ મકાનની અગાશી ઉપર સુતા હતા ત્યારે ૧૨ વાગ્યાનાં અરસામાં ઓચિંતો દીપડો આવી ચઢી અને તેના ઉપર હુમલો કરી તેઓના કાન અને ગાલ ઉપર પંજો મારી લોહી લુહાણ કર્યા હતાં.

જોકે આ પશુ તબીબે તુરતજ સર્તક બની અને પ્રતિકાર કરતા દીપડો આઘો ખસ્યો હતો પરંતુ થોડીક ક્ષણોમાં ફરી પાછો હુમલો કરતા તેઓએ સામનો કરી ધકકો મારી રાત્રીનાં આ અંધકારમાં દીપડો ભાગી છુટયો હતો. જ્યારે ગાલ અને કાન ઉપર મારેલા ઘા થી લોહી નીકળતા ડૉ.વિશાલ બારડને તુરત જ અહીંની રાનાવાળા હોસ્પિટલમાં અને ત્યાંથી સરકારી દવાખાને લઇ આવતા ૧૩ જેટલા ટાંકા લઇ સારવાર આપવામાં આવી હતી.

- દીપડાના હુમલાના બનાવથી ગ્રામજનોમાં ભય પ્રસર્યો છે

આ બનાવની જાણ થતાં સીંધાજનાં હરીભાઇ સહીતનાં આગેવાનો તેમજ માજી સરપંચ પહોંચ્યા હતાં તેઓનાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દીપડો ખુબજ ગામની નજીક આવી ગયો હોય લોકોને બહાર નીકળવું કે રાત્રીનાં ખેતરમાં જવુ મુશ્કેલ બની ગયું છે.

સૂત્રાપાડાના ખાંભા ગામની સીમમાં દીપડો પાંજરે પૂરાયો.

Source: Bhaskar News, Sutrapada   |   Last Updated 1:24 AM [IST](14/07/2012)
સુત્રાપાડાનાં ખાંભા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ખેડુતોએ રાહતનો શ્ચાસ લીધો હતો. તાલુકાના ખાંભા ગામની સીમમાં દીપડાએ ધામા નાંખ્યા હોવાની ગામ લોકોની રજુઆતનાં આધારે ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એમ.એમ. ગોસ્વામી સહિતનાં સ્થળે ભુપતભાઇ સામતભાઇ ડોડીયાની વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું. દરમિયાન આજે સવારનાં ૬ વાગ્યાની આસપાસ મારણની લાલચે આવેલો દીપડો પાંજરામાં કેદ થઇ જતાં વનવિભાગ અને ખેડુતોએ રાહતનો શ્ચાસ લીધો હતો. આ દીપડાની ઉંમર આશરે ચાર વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

પ્રભાતપુરમાં સાવજે બળદને ઘાયલ કર્યો

જૂનાગઢ તાલુકાનાં પ્રભાતપુર ગામની સીમમાં ગત રાત્રિનાં સમયે વજુભાઇ નાનજીભાઇ સાવલીયાની વાડીમાં સાવજે ત્રાટકી બળદને ઘાયલ કરી દીધો હતો. આ સમયે રતીભાઇ વીરજીભાઇ સાવલીયાએ હાકલા - પડકારા કરી સાવજને ભગાડ્યો હતો.

ધારીના માલસિકામાં અઢી વર્ષના બાળકને દિપડાએ ફાડી ખાધો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 6:54 PM [IST](13/07/2012)

-ચારેક માસમાં જ આ પાંચમી વ્યક્તિનો દિપડા દ્રારા ભોગ લેવાતા લોકોમાં ફફડાટ

ધારી ગીરપુર્વના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડા દ્રારા માણસ પરના હુમલાઓની સંખ્યા જાણે વધતી જ જાય છે. છેલ્લા ચારેક માસમાં જ નરભક્ષી દિપડાઓએ ચાર વ્યક્તિઓનો શિકાર કરી ફાડી ખાધા હતાં. વનવિભાગે આ ચાર દિપડાઓને તો પાંજરે પુરી દીધા છે. પરંતુ જંગલમાંથી દિપડાઓ માનવ વસાહત તરફ નીકળવા લાગ્યા હોય તેમ ગતરાત્રીના ધારી તાલુકાના માલસિકા ગામે ઘરમાં સુતેલા આશરે અઢી વર્ષના બાળકને દિપડાએ ઉપાડી જઇને ફાડી ખાતા ગામમાં ફફડાટ ફેલાયો છે. બાળકને દિપડાએ ફાડી ખાવાની આ ઘટના ગતરાત્રીના ધારીના માલસિકા ગામે બની હતી. જ્યાં ભીમભાઇ વાઘેલાના ઘરમાં રાત્રીના પરિવાર સુતો હતો. ત્યારે અચાનક રાત્રીના દિપડો ત્યાં આવી ગયો હતો. ગરમીના કારણે બારણું ખુલ્લુ હોય દિપડો અંદર ઘુસી ગયો હતો. અને ભીમભાઇના આશરે અઢી વર્ષના પુત્ર શૈલેષને દિપડો ઉપાડી ગયો હતો. સવારે જાગીને જોતા શૈલેષ ન દેખાતા તેના પરિવારે શોધખોળ આદરી હતી. શૈલેષનો મૃતદેહ નજીકમાં આવેલ વાડીમાંથી મળી આવ્યો હતો. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા સબ ડીએફઓ જે.કે.ધામી સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત વનવિભાગ દ્રારા આ માનવભક્ષી દિપડાને પકડી પાડવા પાંજરાઓ ગોઠવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આમ ગીર પંથકના ગામોમાં ચારેક માસમાં જ આ પાંચમી વ્યક્તિનો દિપડા દ્રારા ભોગ લેવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Friday, July 13, 2012

કુદરતના અલૌકિક સૌંદર્યની ઝાંખી કરાવતો ધારીના મધ્યગીરમાંથી પસાર થતો માર્ગ.અમરેલી, તા.૧૧
ધારીના ગીર દૂધાળા પાસેથી તુલસીશ્યામ મંદિર સુધીના મધ્યગીરમાંથી પસાર થતાં માર્ગ કુદરતના અલૌકિક સૌદર્યની ઝાંખી કરાવી રહ્યો છે.આ માર્ગ પરથી પસાર થનારને કુદરતી સૌદર્યની સાથો સાથ કુદરતી રીતે વિહરતા વન્યપ્રાણીઓને નિહાળી મન નાચી ઉઠે છે.
 • કુદરતી રીતે વિહરતા વન્યપ્રાણીઓને નિહાળવાનો લ્હાવો પણ અનેરો હોય છે
સૌરાષ્ટ્રની તપોભૂમિ સામ આ વિસ્તારમાં કુદરતી સૌદર્ય સોળેકળાએ ખીલી ઉઠયું છે.ધારી-દૂધાળાથી મધ્યગીરમાં આવેલા તુલસીશ્યામ મંદિરે જવા માટેના રસ્તે અદભૂત સૌદર્યના દર્શન થઈ રહ્યાં છે.બંને બાજુ લીલુછમ જંગલ, જંગલમાં વહેતા ઝરણાં અને લીલી વનરાઈ વચ્ચે કુદરતી રીતે વિહરતા વન્ય પ્રાણીઓ જોવાનો રોમાંચ આ રસ્તેથી પસાર થનારને અચૂક થાય છે.
આ રસ્તાની વિશેષતા એ છે કે, ટ્રેકિંગ સાથે એડવેન્ચર વીથ બાઈકીંગ ટ્રેક પણ સાબીત થઈ શકે છે.આખા માર્ગ પર રસ્તાઓની આંટીઘુંટી તેમજ વન વિભાગની ચેક પોસ્ટ પાસેથી સિંગલ પટ્ટીનો પેવર રોડ પ૦૦ મીટરના અંતર પર જબરજસ્ત વળાંક અને પહોળી વિસ્તારો મન મોહી લે છે.આ માર્ગ પર યુવાનો ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવવાનો આંનદ લુંટી શકે છે.વન વિભાગનો વિસ્તાર હોવાથી વન્ય પ્રાણીઓની સલામતી માટે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓનું નિયમિત પેટ્રોલીંગ પણ રહે છે.થોડા થોડા અંતરે સ્પીડબ્રેકરો જરૂર વાહનચાલકોને પરેશાન કરે છે, પરંતુ તે જરૂરી છે.

કુદરતના બે સ્વરૂપ, એક તરફ હરિયાળી બીજી બાજુ ધૂળની ડમરી.જૂનાગઢ, તા.૧૧
ગુરૂ દત્તાત્રેયજી, ભગવાન ભોળાનાથ કે જગદંબા અંબા માતાજીની આધ્યાત્મિક ઓળખ ધરાવતા ગરવા ગિરનારની પ્રવાસન સ્થળ તરીકેની પણ એક આગવી ઓળખ છે. પરંતુ વરસાદની સિઝનમાં આ જટાધારી જોગીના રીતસર બે ભાગલા પડી જાય છે. બન્ને ભાગ જાણે કે વિશ્વના જુદા જુદા ખૂણે આવેલા હોય તેવી આશ્ચર્યજનક સ્થિતિ અહી જોવા મળે છે. એક તરફ લીલીછમ્મ હરિયાળીથી તરબર થયેલા પર્વતોની બીજી તરફ રીતસર ધૂળની ડમરીઓ ઉડતી હોય છે !! વર્ષાછાંયાના પ્રદેશના કારણે રચાતા આ બન્ને સ્વરૂપો કુદરતનો અદ્દભુત પરિચય આપે છે. બન્ને તરફના જંગલો, વનસ્પતિ, પાણીના વહેણ આખી સ્થિતિ જ જુદી જુદી હોય છે.
 • આધ્યાત્મનું કેન્દ્ર કે ફરવાના સ્થળ તરીકે ઓળખાતા ગરવા ગિરનારનું એક આશ્ચર્યજનક પાસુ
 • વરસાદની સિઝનમાં જટાધારી જોગીના રીતસર બે ભાગલા પડી જાય છે : બન્ને ભાગ જાણે કે વિશ્વના જુદા જુદા ખૂણે હોય તેવી સ્થિતિનો એક ચિતાર
જૂનાગઢની ભાગોળે આવેલો ગિરનાર પર્વત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં જાણિતો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગિરનાર પોતાની રોનક ગુમાવી બેસે છે. પાનખરમાં ખરી ગયેલા પાંદડાના કારણે ચળકતા લીલા સોનાને જાણે કે ઝાંખપ લાગી જાય છે. પરંતુ જેવો પ્રથમ વરસાદ પડે કે તરત જ ગિરનારની જીવસૃષ્ટિ ચેતનવંતી બની જાય છે. વૃક્ષો અને વેલાઓ સજીવન થાય છે. ચોમાસુ શરૂ થતા જ ઝરણા શરૂ થવા માંડે છે.
ધીમે ધીમે પંદર દિવસમાં આખા ગિરનારનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. પર્વત ઉપર કોઈએ લીલીછમ્મ ચાદર પાથરી દીધી હોય તેવા જીવંત દ્રશ્યો ખડા થઈ જાય છે. દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફથી દેખાતુ ગિરનારનું આ સ્વરૂપ હરિયાળીનો સાક્ષાત્કાર કરાવે છે. તેનાથી તદ્દન વિરોધી સ્થિતિ હોય છે ગિરનારના પાછળના ભાગમાં. એટલે કે ઉત્તર અને પૂર્વ દિશામાંથી જ્યારે કોઈ ગિરનારને જોવે તો અહી ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. સંપૂર્ણ વિસ્તાર કોરો ધાકોડ હોય છે. અત્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતા જ આ બન્ને દ્રશ્યો ગિરનારમાં જોવા મળી રહ્યા છે !! નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વર્ષાછાંયાના પ્રદેશના કારણે અહી કુદરતના બે સ્વરૂપના દર્શન થાય છે.
ગિરનારની આગળની તરફ ભારે વરસાદ પડે છે. જ્યારે પાછળની તરફ કાયમીના ધોરણે ઓછો વરસાદ પડે છે. આવી સ્થિતિના કારણે ગિરનારના રીતસરના બે ભાગલા પડી જાય છે. સૌપ્રથમ તફાવત જંગલના પ્રકારનો પડી જાય છે. જેમાં આગળનો ભાગ ગીચ ઝાડીવાળા હરિયાળા જંગલોથી લથબથ બની જાય છે. વાંસ, સાગ, આંબો, વડલો, ખાખરો સહિતના ૬૦૦ પ્રકારના વૃક્ષો અને વેલાઓ અહી ઉગી નિકળે છે.
આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાતી જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ પણ અહી થાય છે. ચારે તરફ લીલોતરી જ લીલોતરી નજરે પડે છે. જ્યારે પાછળના ભાગમાં સંપૂર્ણ રીતે કાંટાળી વનસ્પતિ પ્રકારના વૃક્ષો હોય છે. ઓછા પાણીના કારણે બોરડ, ગોરડ, બોરડી, દેશી બાવળ સહિતના વૃક્ષો ગિરનારના બીજા ભાગમાં હોય છે. જાણે કે કોઈ સુકાભઠ્ઠ પ્રદેશમાં પ્રવેશ્યા હોય તેવી સ્થિતિ અહી જોવા મળે છે. જુદી જુદી ઋતુમાં કે પછી અલગ અલગ સ્થળોએ આવું બની શકે. પરંતુ ગિરનારમાં એક જ સમયે અને સ્થળે આવી વિરોધાભાસી સ્થિતિના દર્શન થાય છે.
ગિરનારની આગળના ભાગમાં ચોમાસાના સમયમાં ખૂલ્લા મેદાન શોધવા મૂશ્કેલ છે. પરંતુ પાછળના ભાગમાં વધારેમાં વધારે ખૂલ્લા મેદાનો જોવા મળે છે. તૃણભક્ષી પ્રાણીઓ અને કિટકો પણ ચોમાસાના સમયમાં હરિયાળી તરફ જતા રહે છે. વરસાદ પડતા જ ગિરનારની દક્ષિણ રેન્જમાં ઝરણા વહેવા માંડે છે. અને છેક આખો શિયાળો તથા ઉનાળાની શરૂઆત સુધી આ ઝરણા વહેતા રહે છે. જ્યારે ઉત્તર રેન્જમાં વરસાદ મધ્ય ચરણમાં પહોંચે ત્યારે માંડ માંડ શરૂ થયેલા ઝરણા ચોમાસુ પુરૂ થતા જ સુકાઈ જાય છે. ગિરનારની આ વિશિષ્ટ લાક્ષણિકતાથી કદાચ બહુ ઓછા લોકો પરિચિત હશે.
ગિરનારમાં નાના-મોટા ઝરણા શરૂ થઈ ગયા
જૂનાગઢ શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અનુભવી સુત્રોના જણાવ્યા પ્રમાણે ગિરનારમાં અત્યાર સુધીમાં ત્રણથી સાડા ત્રણેક ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. પરિણામે દક્ષિણ રેન્જમાં આવેલા નાના-મોટા ઝરણા શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ગિરનાર જંગલોમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળો આસપાસથી વહેતા ઝરણા લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે લોકો ન્હાવા માટે આવા ઝરણાઓમાં આવવા માંડયા છે. જો કે હજૂ જોઈએ એટલું પાણી નથી આવ્યું છે. પરંતુ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. અમુક ઝરણાઓમાં પાણી નથી આવ્યું. એકાદ-બે વરસાદમાં જ તમામ ઝરણા બેકાંઠે શરૂ થઈ જશે.

સક્કરબાગમાં પાંજરા ઉપર તાડપત્રી બાંધીને વન્યપ્રાણીઓનું કરાતું રક્ષણ.


જૂનાગઢ, તા.૯ :
દેશભરમાં અગ્રીમ સ્થાન ધરાવતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં વસવાટ કરતી વન્યજીવ સૃષ્ટિ માટે વરસાદને અનુલક્ષીને પગલા લેવાની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને વન્યપ્રાણીઓ ઉપર વરસાદનું પાણી ન પડે તે માટે તાડપત્રી બાંધીને પાંજરાને સલામત બનાવવામાં આવ્યા છે.
 • ચોમાસાના અનુલક્ષીને ખાસ કવાયત હાથ ધરાઈ
 • મચ્છર સહિતની જીવાતોનો ઉપદ્રવ નિવારવા નિયમીત રીતે ઘાસનું થતું કટીંગ
સિંહ, ચિત્તા, વાઘ, દીપડા, હિપોપોટેમસ, રીંછ સહિતના વન્યપ્રાણી, વિવિધ પ્રજાતિના પક્ષીઓ અને સરિસૃપો ધરાવતા જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં દરેક ઋતુમાં પ્રાણીઓની સલામતી માટે પગલા લેવામાં આવે છે. આમ તો ઋતુ પ્રમાણે પોતાનું રક્ષણ કરવાની કુદરતી આવડત વન્યસૃષ્ટિમાં હોય છે. પરંતુ બંધન અવસ્થામાં વન્યજીવ સૃષ્ટિની કાળજી લેવી આવશ્યક બની રહે છે. ઉનાળો પુરો થતા અને ચોમાસુ શરૂ થતા જ હવે સક્કરબાગ ઝૂ માં પ્રાણી-પક્ષીઓના રક્ષણ માટે અલગ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
પ્રાણીઓ ઉપર સીધુ જ પાણી ન પડે તે માટે પાંજરાઓમાં શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે વન્ય પ્રાણીઓના હરવા-ફરવાના વિસ્તારમાં તાડપત્રી બાંધી દેવામાં આવી છે. ચિત્તાઓના ફરવાના આખા વિસ્તારમાં તાડપત્રી બાંધવામાં આવી છે. ઝૂ ના ડાયરેક્ટર વી.જે.રાણાના જણાવ્યા પ્રમાણે પાંજરાઓમાં નિયમીત રીતે ઘાસનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. ઘાસના કારણે મચ્છર જેવી જીવાતો પેદા થાય તો પ્રાણીઓનું આરોગ્ય કથળી શકે છે. સાથે સાથે સમયાંતરે ધુમાડો કરીને જીવાતોને દૂર કરવામાં આવે છે. પ્રાણીઓની જરૂરિયાત પ્રમાણેના આ સિવાયના અન્ય પગલાઓ પણ ચોમાસા દરમિયાન લેવામાં આવે છે.
સતત આઠ-દશ દિવસ વરસાદ રહે તો ખોરાક ઘટાડી દેવાય છે
ઉનાળામાં વન્યપ્રાણીઓનો ખોરાક ઘટી ગયા બાદ વાતાવરણ ઠંડુ થતા જ પ્રાણીઓનો ખોરાક ધીમે ધીમે વધવા માંડે છે. પરંતુ જો એકધારો સતત આઠ-દશ દિવસ સુધી વરસાદ પડતો રહે તો પ્રાણીઓનો ખોરાક ઘટાડી દેવામાં આવે છે. પ્રાણીઓની પાચન પ્રક્રિયામાં ખલેલ ન પડે તે માટે ખોરાક ઘટાડી દેવામાં આવે છે. જો કે ખોરાકનો આ ઘટાડો બહુ વધારે દિવસો માટે હોતો નથી.

ભવનાથમાં જંગલ વિસ્તારની પાંચ હજાર વાર જમીનમાં થયેલી પેશકદમી.


જૂનાગઢ, તા.૯
જૂનાગઢ ભવનાથ વિસ્તાર સ્થિત યમુના કુટીર પાસે વનવિભાગની જમીન ઉપર પેશકદમી કરી ગેરકાયદેસર બાંધકામો કરાઈ રહ્યા છે. હાલમાં આ જમીન ઉપર પ થી ૬ રૂમનું બાંધકામ ચાલુ છે. તેમજ કેટલાક શખ્સો દ્વારા મેળાઓ દરમિયાન અહીં પાર્કિગ બનાવી આવક ઉભી કરાતી હોવાની રાવ સાથે રોકડીયા હનુમાન મંદિરના પુજારીએ ડી.એફ.ઓ.ને પત્ર પાઠવી જો સત્વરે આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરી હાઈકોર્ટમાં ઘા કરવાની ચિમકી ઉચ્ચારી છે.
 • મંદિરના પૂજારીને પત્ર પાઠવીને કરેલી રજૂઆત
 • પગલા નહી લેવાય તો હાઈકોર્ટમાં ઘા નાખવાની ચિમકી
વાઈલ્ડ લાઈફ અધિનિયમ મુજબ વર્ષ ર૦૦૮માં યમુના કુટીર વાળી જગ્યાનો સુચિત વાઈલ્ડ લાઈફ એરીયામાં સમાવેશ કરાયો હતો. હાલમાં આ જગ્યા ઉપર ગ્રામ પંચાયત કે મહાનગર પાલિકાની કોઈપણ જાતની મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામો કરાઈ રહ્યા છે. તેમજ જંગલખાતાને પણ આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. ભવનાથ વિસ્તારમાં આવેલ યમુના કુટીરની નજીક આશરે પાંચ થી છ હજાર ચોરસવાર જંગલ ખાતાની જમીન ઉપર પેશકદમી કરી લેવાઈ છે. 
આ પેશકદમીની જમીન ઉપર શિવરાત્રિ અને પરિક્રમાના મેળામાં પાર્કિગ પોઈન્ટ બનાવી ખોટી રીતે ભાડા વસુલાય છે. તેમજ જંગલખાતાની મીઠી નજર હેઠળ જંગલમાંથી ગેરકાયદેસર લાકડાનો સ્ટોક મેળવી મોટા પ્રમાણમાં લાકડાનું વેંચાણ કરાઈ રહ્યું હોવાની રાવ સાથે રોકડીયા હનુમાન મંદિરના પુજારીપ્  ુરૂષોતમદાસ મહારાજે ડી.એફ.ઓ.ને પાઠવેલા પત્રના અંતે સત્વરે આ તમામ ગેરકાયદેસર કામો બંધ કરાવવાની માંગણી સાથે જો આ અંગે ઘટતું કરવામાં નહીં આવે તો સાધુ સંતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન સાથે હાઈકોર્ટમાં ઘા કરવાની ચિમકી ઉચ્ચારી છે.

સક્કરબાગમાં પાંજરા ઉપર તાડપત્રી બાંધીને વન્યપ્રાણીઓનું કરાતું રક્ષણ.


જૂનાગઢ, તા.૯ :
દેશભરમાં અગ્રીમ સ્થાન ધરાવતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં વસવાટ કરતી વન્યજીવ સૃષ્ટિ માટે વરસાદને અનુલક્ષીને પગલા લેવાની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને વન્યપ્રાણીઓ ઉપર વરસાદનું પાણી ન પડે તે માટે તાડપત્રી બાંધીને પાંજરાને સલામત બનાવવામાં આવ્યા છે.
 • ચોમાસાના અનુલક્ષીને ખાસ કવાયત હાથ ધરાઈ
 • મચ્છર સહિતની જીવાતોનો ઉપદ્રવ નિવારવા નિયમીત રીતે ઘાસનું થતું કટીંગ
સિંહ, ચિત્તા, વાઘ, દીપડા, હિપોપોટેમસ, રીંછ સહિતના વન્યપ્રાણી, વિવિધ પ્રજાતિના પક્ષીઓ અને સરિસૃપો ધરાવતા જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં દરેક ઋતુમાં પ્રાણીઓની સલામતી માટે પગલા લેવામાં આવે છે. આમ તો ઋતુ પ્રમાણે પોતાનું રક્ષણ કરવાની કુદરતી આવડત વન્યસૃષ્ટિમાં હોય છે. પરંતુ બંધન અવસ્થામાં વન્યજીવ સૃષ્ટિની કાળજી લેવી આવશ્યક બની રહે છે. ઉનાળો પુરો થતા અને ચોમાસુ શરૂ થતા જ હવે સક્કરબાગ ઝૂ માં પ્રાણી-પક્ષીઓના રક્ષણ માટે અલગ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
પ્રાણીઓ ઉપર સીધુ જ પાણી ન પડે તે માટે પાંજરાઓમાં શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે વન્ય પ્રાણીઓના હરવા-ફરવાના વિસ્તારમાં તાડપત્રી બાંધી દેવામાં આવી છે. ચિત્તાઓના ફરવાના આખા વિસ્તારમાં તાડપત્રી બાંધવામાં આવી છે. ઝૂ ના ડાયરેક્ટર વી.જે.રાણાના જણાવ્યા પ્રમાણે પાંજરાઓમાં નિયમીત રીતે ઘાસનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. ઘાસના કારણે મચ્છર જેવી જીવાતો પેદા થાય તો પ્રાણીઓનું આરોગ્ય કથળી શકે છે. સાથે સાથે સમયાંતરે ધુમાડો કરીને જીવાતોને દૂર કરવામાં આવે છે. પ્રાણીઓની જરૂરિયાત પ્રમાણેના આ સિવાયના અન્ય પગલાઓ પણ ચોમાસા દરમિયાન લેવામાં આવે છે.
સતત આઠ-દશ દિવસ વરસાદ રહે તો ખોરાક ઘટાડી દેવાય છે
ઉનાળામાં વન્યપ્રાણીઓનો ખોરાક ઘટી ગયા બાદ વાતાવરણ ઠંડુ થતા જ પ્રાણીઓનો ખોરાક ધીમે ધીમે વધવા માંડે છે. પરંતુ જો એકધારો સતત આઠ-દશ દિવસ સુધી વરસાદ પડતો રહે તો પ્રાણીઓનો ખોરાક ઘટાડી દેવામાં આવે છે. પ્રાણીઓની પાચન પ્રક્રિયામાં ખલેલ ન પડે તે માટે ખોરાક ઘટાડી દેવામાં આવે છે. જો કે ખોરાકનો આ ઘટાડો બહુ વધારે દિવસો માટે હોતો નથી.

૪ દીપડાને સક્કરબાગમાં આજીવન કેદની સજા.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:50 AM [IST](13/07/2012)

ધારી ગીરપુર્વના ગામોમાં થોડા દિવસો પહેલા ચાર લોકોને ફાડી ખાનાર માનવભક્ષી ચાર દપિડાઓને આજે જસાધાર એનીમલ કેર સેન્ટરમાંથી જુનાગઢ સકકરબાગ ઝુ ખાતે આજીવન કેદમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. આ ચાર દપિડાઓએ કરમદડી, ધારી, ખાંભાના હનુમાનપરા અને દુધાળાની સીમમાં ચાર લોકોનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.

ગીરપુર્વના જંગલ વિસ્તારના ગામોમાં થોડા સમય પહેલા જુદાજુદા ચાર બનાવોમાં દપિડાએ ચાર માનવ જીંદગીને મોતને ઘાટ ઉતારી હતી. ખાંભા તાલુકાના હનુમાનપુરામાં દપિડાએ રાહુલ વાઘેલા નામના યુવાનને ફાડી ખાધો હતો. આ ઉપરાંત ધારીના લાઇનપરામાં એક દપિડાએ તેજલ નામની બાળકીનો શિકાર કર્યો હતો. તેમજ કરમદડીમાં સંતોકબેન નામના કોળી વૃધ્ધાને પણ ફાડી ખાધા હતા. અને દુધાળાની સીમમાં એક અસ્થિર મગજના હકાભાઇ નામના યુવાનને પણ ફાડી ખાધો હતો. વનવિભાગ દ્રારા આ તમામ બનાવોમાં પાંજરાઓ ગોઠવી આ માનવભક્ષી દપિડાઓને પકડીને જુનાગઢ સકકરબાગ ઝુમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

દલખાણીયા રેંજમાંથી ઇજાગ્રસ્ત સિંહણ મુકત.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:04 AM [IST](12/07/2012)

- થોડા દિવસ પહેલા એક સિંહણને ગેંગરિંગનું સફળ ઓપરેશન કરાયું હતું ત્યારબાદ મુકત કરવામાં આવી હતી

ધારી ગીરપુર્વના દલખાણીયા રેંજના ક્રાંગસા રાઉન્ડમાંથી ત્રણેક માસ પહેલા ઇજાગ્રસ્ત સિંહણ નજરે ચડતા વનવિભાગ દ્રારા આ સિંહણને સારવાર અર્થે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. બાદમાં આ સિંહણ સ્વસ્થ થતા તેને જંગલમાં મુકત કરવામાં આવી હતી. ગીરપુર્વમાં થોડા દિવસ પહેલા એક સિંહણને ગેંગરીનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને સિંહણ સ્વસ્થ થઇ જતા તેને ફરી જંગલમાં મુકત કરવામાં આવી હતી.

ત્યારે ફરી એક સિંહણ ક્રાંગસા રાઉન્ડના ખાનાનાકુટીયા જંગલ વિસ્તારમાંથી ત્રણેક માસ પહેલા એક સિંહણને ઇજાગ્રસ્ત હાલતમાં પકડવામાં આવી હતી. અને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. વેટરનરી ડૉ. હિતેષ વામજાએ જણાવ્યું હતું કે ૧૧ થી ૧૩ વર્ષની સિંહણને સાથળના ભાગે અને પીઠના ભાગે ગુમડુ થયું હોય અને સિંહણ મરણજીવન વચ્ચે ઝોલા ખાતી હોય તેને તુરત સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી અને સારવાર બાદ સિંહણ સ્વસ્થ થતા તેને ફરી જંગલમાં મુકત કરવામાં આવી હતી.

ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સ્ટાફના અમીત ઠાકર, હિતેશ ઠાકરે કામગીરી કરી હતી. થોડા દિવસ પહેલા મળી આવેલ સિંહણનું ગેંગરિંગનું સફળ ઓપરેશન કર્યા બાદ સિંહણ સ્વસ્થ થઇ જતાં તેમને સારવાર બાદ જંગલમાં મુ્કત કરાઇ હતી.

પૌષ્ટિકતાની દ્રષ્ટિએ નં. ૧ છે ગુજરાતની આ ‘રજવાડી’ ભાજી.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 11:27 PM [IST](09/07/2012)

- ચોમાસાના આરંભે એકાદ મહિનો જોવા મળતી આ ભાજી સ્વાદ અને પૌષ્ટિકતાની દ્રષ્ટિએ નં. ૧

ગીર જંગલ વન્ય સૃષ્ટિનો ખજાનો છે. એમાં પણ ચોમાસાની શરૂઆત થાય તે સાથે અહિંની વનસ્પતિ સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસાની શરૂઆત થાય તે સાથે જ ગીર તથા ગીરકાંઠામાં વચેટીની ભાજી ઉગી નીકળે છે. રજવાડી સ્વાદ ધરાવતી આ ભાજી પૌષ્ટિક પણ એટલી જ છે.

ગીરના માલધારીઓ મહેમાન આવે તો તેને ખીર-પુરીની સાથે આ ભાજીનું રજવાડી ભોજન પીરસે છે. ચોમાસાના આરંભે એકાદ મહિનો જ આ ભાજી જોવા મળે છે. શહેરી વિસ્તારમાં વસતા લોકો સામાન્ય રીતે બજારમાં મેથી, તાંજળીયો, પાલક વગેરે પ્રકારની ભાજી બજારમાંથી ખરીદે છે. પરંતુ ગીર જંગલમાં એવી અનેક ભાજી થાય છે કે જેનો અહિંના લોકો ખાવામાં ઉપયોગ કરે છે પરંતુ શહેરી વિસ્તારના લોકોને તે જોવા પણ મળતી નથી. અથવા તો ભાગ્યે જ જોવા મળે છે. ગીરમાં હાલ વચેટીની ભાજીની સીઝન ચાલી રહી છે.

ચોમાસાની શરૂઆત થાય તે સાથે જ આ ભાજી ડુંગરાળ અને અંતરીયાળ વિસ્તારમાં ઉગી નીકળે છે. ગીર જંગલ ઉપરાંત ગીર કાંઠાના ગામોમાં પણ આ ભાજી નઝરે પડે છે. ગીરના માલધારીઓ આ ભાજી હોંશે હોંશે ખાય છે. સ્વાદીષ્ટ એવી આ ભાજી પૌષ્ટિકતાની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. માલધારીઓ મહેમાન આવે ત્યારે ખીર-પુરીની સાથે મહેમાનને આ ભાજી પણ અચુક ખવડાવે છે.

ચોમાસુ શરૂ થાય ત્યારથી એકાદ મહિના સુધી આ ભાજી સરળતાથી મળે છે. અભરામપરાના ખેડૂત કમલેશભાઇ નશીત અને સાવરકુંડલાના દિલીપભાઇ જીરૂકાએ જણાવ્યુ હતું કે ભારે વરસાદ પડવાની સાથે જ તે અદ્રશ્ય થવા લાગે છે.

- ભાજી માટે ડુંગરાઓ ખુંદવા પડે છે

વચેટીની ભાજી ખાંભાના હાથીયા તથા મીતીયાળાના મોમાઇ ડુંગરમાં ઘણી સારી માત્રામાં મળી આવે છે. આ વિસ્તારમાં માલઢોર ચારતા રબારીઓ કે દેવીપૂજકો મહામહેનતે આ ભાજી ભેગી કરે ત્યારે સારી કિંમતે વેચાઇ પણ જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-gujrati-veg-no-3500640.html

Saturday, July 7, 2012

ધારીના આંબરડીમાં મોટાપાયે ખનીજ ચોરી છતાં તંત્ર બેધ્યાન.


ધારી,તા,૫:
ધારીના આંબરડીમાં તંત્રની મીઠી નજર હેઠળ મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. ખનીજ ચોરો સામે પગલાં લેવામાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું ચર્ચાય છે.
·         સિંહ દર્શન માટે આવતા ઉચ્ચ અધિકારીઓનું પણ ભેદી મૌન
·         તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા ગોરખધંધા
ધારી તાલુકાના આંબરડી ગામે છેલ્લા ઘણાં સમયથી નદી કાંઠે ખનીજ ચોરી થઈ રહી છે. તંત્રના ધ્યાનમાં હોવા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. આંબરડીમાં ખાણ ખનીજ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સિંહ અને દીપડાના દર્શન માટે આવે છે બધુ જ જૂએ છતાં બેધ્યાન બની તમાશો નિહાળે છે.આ ઉપરાંત અધિકારીઓ આંબરડીના લોકો મનફાવે તેવું વર્તન કરતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આંબરડીમાં ખાણ ખનીજ ખાતા દ્વારા તપાસ કરવામાં આવે તો મોટાપાયે ખનીજ ચોરી પકડાવાની સંભાવના છે.આ વિસ્તારમાં દરરોજ વાહનો દ્વારા ખનીજ ભરીને લઈ જવામાં આવે છે. નદી કાંઠેથી સતત વાહનોની અવરજવર જોવા મળે છે.
આ બાબતે અવારનવાર સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નહીં હોવાથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળે છે.ધારી વિસ્તારના આંબરડીમાં ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=70732

ત્રણ સાવજોએ આપસી તાલમેલથી કદાવર ધણખૂંટનો કર્યો શિકાર.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:55 AM [IST](07/07/2012)

- શિકાર માટે સાવજોએ જોકમાં બાંધેલા નબળા પશુઓને બદલે ધણખુટ પર પસંદગી ઉતારી

ગીરના ચાલાક સાવજો પશુઓના મારણ વખતે પોતાની ચાલાકી, સુઝબુઝ અને સમુહમાં શિકાર કરવામાં તાલમેલનો અદભુત પરીચય આપે છે. આવી જ એક ઘટનામાં ખાંભાના હનુમાનપરામાં શિકારે નીકળેલા સાવજોએ જોકમાં બાંધેલા ધણખુટ પર પસંદગી ઉતાર્યા બાદ તેને સીમ તરફ દોડાવી પરસ્પર તાલમેલથી તેનો શિકાર કર્યો હતો.

આ પ્રકારની ઘટનાઓ ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર જોવા મળે છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની સીમમાં જોકમાં પશુઓ બાંધ્યા હતા ત્યારે શિકારની શોધમાં ત્રણ સાવજો અહિં આવી ચડયા હતાં. માલધારીની જોકમાં અન્ય પશુઓની સાથે સાથે એક કદાવર ધણખુટ પણ બાંધેલો હતો. સાવજોએ શિકાર માટે નબળા પશુને બદલે તેના પર પસંદગી ઉતારી હતી.

તાલમેલથી શિકારને ફસાવવાના ભાગરૂપે એક સિંહે જોકમાં કુદી આ ધણખુટને ડરાવ્યો હતો. જેને પગલે તે ખીલો છોડાવીને ભાગ્યો હતો. ધણખુટની ભાગવાની દિશામાં અગાઉથી છુપાઇને બેઠેલા સાવજોએ સીધા જ મોઢામાં આવેલા આ શિકારને દબાવી દીધો હતો. ત્રણેય સાવજોએ કદાવર ધણખુટને ચપટી વગાડતા જ મારી નાખ્યો હતો.

સાવરકુંડલાનામાં કુવામાં ખાબકેલા અજગરને બચાવી લેવાયો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:12 AM [IST](07/07/2012)
- અજગરને મીતીયાળાના અભ્યારણ્યમાં સલામત મુકત કરાયો

સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં એક પટેલ ખેડૂતની વાડીના કુવામાં ગતરાત્રે અજગર પડી જતા વન વિભાગ તથા સાવરકુંડલાના સર્પ સંરક્ષણ મંડળના સભ્યોએ ભારે મહેનતના અંતે આ અજગરને સલામત રીતે કુવામાંથી બહાર કાઢ્યો હતો અને જંગલમાં મુકત કર્યો હતો.

સાવરકુંડલાના અભરામપરા તથા આસપાસના વિસ્તારમાં અવાર નવાર અજગર જોવા મળે છે. જો કે ગત રાત્રે તો એક અજગર અહિંના રામભાઇ નસીત નામના પટેલ ખેડૂતની વાડીના ૬૦ ફુડ ઉંડા કુવામાં ખાબકયો હતો. આજે સવારે જ્યારે તેઓ કુવામાંથી પાણી ઉલેચવા માટે ગયા ત્યારે તેમાં અજગર પડયો હોવાની જાણ થતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. સાવરકુંડલાના વન વિભાગના સ્ટાફ ઉપરાંત અહિંના સર્પ સંરક્ષણ મંડળના હનુમાન પાંડે, રાહુલભાઇ, મહેબુબભાઇ જાદવ વગેરે અભરામપરાની સીમમાં દોડી ગયા હતાં.

અને ત્રણ કલાકની લાંબી જહેમતના પગલે કુવામાંથી આ અજગરને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ ફુટ લાંબા અને ૩૫ કીલો વજન ધરાવતા આ અજગરને બાદમાં વન વિભાગ દ્વારા મીતીયાળાના જંગલમાં બંધીયાળ તળાવમાં મુકત કરવામાં આવ્યો હતો.

હવે ગિરના સાવજો-દીપડાને મળશે આધુનિક ટ્રીટમેન્ટ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:36 AM [IST](07/07/2012)
- સાસણમાં બનશે વન્ય પ્રાણીઓ માટેની અત્યાધુનિક હોસ્પિટલ

- સોનોગ્રાફી મશીન, એક્સ-રે, લોહી પરીક્ષણ લેબોરેટરી, પલ્સરેટ મશીન, પીએમ રૂમ, ઓપરેશન થિયેટર, સહિતની વ્યવસ્થા કરાશે


સાસણ એટલે જાણે કે ગિર જંગલનું પાટનગર, વનવિભાગનું પણ આ મોટું મથક છે. સમગ્ર ગિર પંથકમાં કોઇપણ વન્યપ્રાણીને ઇજા કે, કુવામાં પડી ગયા હોય કે પછી તે બિમાર હોય તો તેને સાસણ લાવવામાં આવે છે. અહી લવાતા વન્ય પ્રાણીઓને સારવાર માટેની અત્યાધુનિક સુવિધા મળી રહે તે માટે એક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. ટુંક સમયમાંજ આ હોસ્પિટલ કાર્યરત થઇ જશે.

આ અંગેની વીગતો આપતાં ડીએફઓ સંદપિકુમારે જણાવ્યું હતું કે, સાસણ ખાતે સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓ માટેની એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. આ માટે અહીં સોનોગ્રાફી મશીન, એક્સ-રે, લોહીનાં પરિક્ષણ માટેની લેબોરેટરી, ધબકારા માપવા માટેનું પલ્સરેટ મશીન, પી.એમ. રૂમ, ઓપરેશન થિયેટર, સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. હાલ જૂનાગઢનાં સક્કર બાગ ઝૂ ખાતે જે રીતે દીપડાને રાખવા માટેનાં પાંજરાં બનાવાયાં છે. એવા જ પાંજરાં અહીંનાં ‘પેશન્ટો’ માટે બનાવાશે.

હાલ ગિરનાં પ્રાણીઓ માટે ચાર સ્થળે સારવાર કેન્દ્રો આવેલાં છે. જેમાં જૂનાગઢનાં સક્કરબાગ, સાસણ, જશાધાર અને મહુવાનો સમાવેશ થાય છે. ગત વર્ષે વનવિભાગે ૧૯૫ દપિડા પકડ્યા હતા. અને ૩૦૦ થી વધુ રેસ્કયુ ઓપરેશનો કરી વન્ય પ્રાણીઓને વિવિધ પ્રકારની સારવાર અપાઇ હતી. ૩ વર્ષ પહેલાં સાસણ ખાતે ફ્કત પાંચ ટ્રેકરો હતા. જેની સંખ્યા હવે ૪૦ સુધી પહોંચી છે. ૧૨ રેસ્કયુવાન છે. સાસણની હોસ્પિટલમાં ૨૪ કલાક વેટરનરી તબીબ હાજર રહેશે. તાજેરતરમાં જ અહીં કાર્યરત એનિમલ કેર સેન્ટરમાં સ્ટાફને ડીએફઓ સંદપિકુમારનાં માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ અપાઇ હતી. આ સાથે વનવિભાગનાં કર્મચારીઓને ચોમાસામાં રેઇનકોટ, રેઇનશુઝ, બેટરી, સહિતનાં સાધનો અપાયા છે.

ડીએફઓ સંદપિકુમારે વધુમાં ઉમેયઁુ હતું કે, હાલ ચોમાસું હોઇ વન્યપ્રાણીઓ બિમાર પડવાનાં બનાવો વધુ રહે છે. ખાસ કરીને સિંહો વધુ બિમાર પડતા હોઇ આ હોસ્પિટલ વધુ ઉપયોગી નીવડશે. ટુંકમાં, વન્યપ્રાણીઓની તબિયત કેવી છે તેનો સંપૂર્ણ રીપોર્ટ અહીં નીકળી શકશે.

Thursday, July 5, 2012

મારણમાં ખલેલ પહોંચાડનાર દીપડાને સિંહે પીંખી નાખ્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:09 AM [IST](05/07/2012)

- વિસાવદરના રેવન્યુ વિસ્તારમાં સિંહ-દીપડા વચ્ચે ઇનફાઇટ

ચોમાસાની સીઝન વન્યજીવો માટે મેટિંગ પીરીયડ મનાય છે. આથી તેઓ વચ્ચે ઇન્ફાઇટનાં બનાવો પણ વધુ બનતા હોય છે. આવો જ એક બનાવ વિસાવદર રેન્જ હેઠળ આવતા જેતલવડ ગામનાં ગૌચરમાં બન્યો હતો. જેમાં મારણની મજિબાની માણતા સિંહ યુગલને ખલેલ પહોંચાડનાર દીપડાને સિંહે ‘સજા-એ-મોત’ ફરમાવી હતી. સિંહ સાથેની ઇન્ફાઇટમાં દીપડાનું મૃત્યુ થયું હતું.

વિસાવદર રેન્જ હેઠળ આવતા જેતલવડનાં રેવન્યુ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી એક સિંહ યુગલે પડાવ નાંખ્યો છે. આ યુગલનો મેટિંગ પીરીયડ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલાં આ સિંહ યુગલે જેતલવડ ગૌચરમાં ધ્રાફડ નદી નજીક સોસરીયું નેરૂ પાસે ગાયનું મારણ કર્યું હતું. તેની મજિબાની માણતી વખતે જ ૩ થી ૪ વર્ષનો નર દીપડો આવી ચઢ્યો. તેણે મજિબાનીમાં ખલેલ પહોંચાડતાં સિંહ વફિર્યો હતો. અને દીપડા પર હુમલો કર્યો હતો. દીપડાએ પણ પ્રતિકાર કર્યો હતો.

જોકે, વનરાજની તાકાત પાસે તે ‘ટૂંકો પડ્યો’ હતો. જંગલનાં ‘રાજપ્તની પરંપરા મુજબ, બંને વચ્ચેની લડાઇનો અંત દીપડાનું મૃત્યુ થયું ત્યારે જ આવ્યો હતો. બનાવની જાણ થતાં એ.સી.એફ. ઠુમર, આર.એફ.ઓ. એન. એમ. જાડેજા, સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને નીરીક્ષણ કરી સક્કરબાગ ઝૂનાં વેટરનરી તબીબ ડૉ. કડીવાલને બોલાવ્યા હતા. ડૉ. કડીવાલે ઘટનાસ્થળે જ દીપડાનાં મળેલા અવશેષોનું પી.એમ. કરી સ્થળ પર જ અગ્નિદાહ દીધો હતો.

- દીપડાનું ફકત માથું જ મળ્યું

જાણવા મળ્યા મુજબ, સિંહ યુગલ જ્યારે મેટિંગમાં હોય ત્યારે ૧૦ થી ૧૨ દિવસ મારણ કરતું નથી. સંવનન બાદ તેઓ ભૂખ્યા થાય હોય છે. એ વખતે તે તાત્કાલિક મારણ કરે છે. આ કિસ્સામાં બંનેએ ગાયનું મારણ કરી પેટની આગ બૂઝાવતા હશે એ જ વખતે દીપડાએ તેમાં ખલેલ પડતાં સિંહે ક્રોધાવેશમાં તેનો પણ શિકારી કરી ‘ભક્ષણ’ કરી નાંખ્યું હતું.

૨૧ વર્ષ પૂર્વે સિંહની હત્યામાં એકને અઢી વર્ષની સજા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:55 AM [IST](05/07/2012)
વિસાવદરનાં જંગલમાં ૧૯૯૧નાં વર્ષમાં એક નર સિંહને બંદૂકની ગોળી અને કુહાડીનાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એ બનાવમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ અંગેનો કેસ વિસાવદર કોર્ટમાં ચાલી જતા એક આરોપીને અઢી વર્ષની સજા અને અન્ય એકને મદદગારીનાં ગુનામાં ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

૨૧ વર્ષ પહેલા ૧૯૯૧માં વિસાવદરનાં ખાંભા રાઉન્ડનાં પાડાપાણી જંગલ વિસ્તારમાં સામત સાજણ, પાલા સાજણ, દેવસુર વસ્તા અને અન્ય એક વ્યક્તિ પોતાનાં પશુઓ ચરાવતા હતા. ત્યારે એક નર સિંહઆવી ચઢ્યો હતો. તેણે એક વાછરડાનું મારણ કર્યું હતુ. આથી સામત સાજણે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી સિંહપર ગોળી ચલાવી હતી. બાદમાં પાલા સાજણે સિંહની નજીક જઇ તેના માથા પર કુહાડીનાં ઘા મારવા લાગતા સિંહનું મૃત્યુ થયું હતું.

વિસાવદર રેન્જનાં આરએફઓ આર.કે. ઝાલાએ ગત તા. ૨૮/૫/૧૯૯૧નાં રોજ ચારેય આરોપીઓ સામે વિસાવદર કોર્ટમાં કેસ કર્યો હતો. જે કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ જે.વી. જોષીની દલીલોને ધ્યાને લઇ વિસાવદર કોર્ટે પાલા સાજણને અઢી વર્ષની સજા અને ૯ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ આરોપી દેવસુર વસ્તાને મદદગારી બદલ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બે આરોપીઓનાં ચૂકાદો આવે તે પહેલાં જ મોત થયા હતા.

- એક આરોપીની હત્યા થઇ હતી

સિંહની હત્યા કરનાર ચાર આરોપીઓમાંથી બેનાં મૃત્યુ થયા છે. જેમાંથી સામત સાજણનું તો વિસાવદરમાં ખૂન થઇ ગયુ હતુ.

- ગીર વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા

સિંહની હત્યાનાં આરોપીઓ પાલા સાજણ, સામત સાજણ માલધારીઓ ગીર વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને રહેતા હતા.

Wednesday, July 4, 2012

ગીર જંગલમાં દારૂ-બિયરની મહેફીલ મંડાઇ‘તી કે શું ?

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 4:52 AM [IST](04/07/2012)

- તુલસીશ્યામ મંદિર જવાના વિસ્તારમાં આ હરક્તની જંગલ ખાતાને જાણ હતી ?

તુલશીશ્યામ મંદિરમાં હજારો પ્રવાસીઓ દર્શનાર્થ આવે છે. અને જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે પ્રવેશ કરવા પર પ્રતિબંધ હોય આજે સવારના સમયે આ વિસ્તારમાંથી દારૂની ખાલી બોટલ તથા મોટા પ્રમાણમાં બિયરના ખાલી ટીનનો જથ્થો અને ગ્લાસ જોવા મળ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં દારૂના મહેફીલ થઇ હશે કે શું ? તેવો સવાલ ઉઠયો છે.

એક તરફ આ વિસ્તારમાં રાત્રીના આઠ વાગ્યા પછી પ્રતિ બંધ હોય છે. ત્યારે અહીં દારૂ-બિયરની ખાલી બોટલો આવી ક્યાંથી ? કોઇ મોટા માથાઓએ રાત્રીના સમયે મહેફીલ કરી હશે ? દિવસ દરમિયાન આ જગ્યાએ મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર રહેતી હોવાથી દિવસ દરમિયાન અહીં મહેફીલ માણવી શક્ય નથી. ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ સાથે નજીકનો ધરાબા ધરાવતા લોકો સિંહ દર્શન કરવા આવ્યા હોય અને એ વખત મજા માણી હોવાએ સહિતના અનેક સવાલો ઉઠયા છે.

જંગલમાં પણ જંગલખાતાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ હોવાના આ દારૂ-બિયરના ખાલી ટીન પરથી કલિત થાય છે. જ્યારે આવી પ્રવૃતિ ચાલી રહી હતી ત્યારે શું જંગલ ખાતાનો સ્ટાફ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહયાં હશે ? તેવો સવાલ પણ ઉઠયો છે. જાણકાર વતૃળોના કહેવા મુજબ આ મહેફીલ જંગલ ખાતાના સ્ટાફની મહેરબાની વગર શક્ય નથી. ત્યારે ખરેખર સત્ય હકિકત માટે તટસ્થ તપાસ થાય તેવું વનપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.

Monday, July 2, 2012

કરીયા પાસેથી સસલાનો શિકારી શખ્સ ઝડપાયો.


જૂનાગઢ, તા.૩૦
ગિરનાર અભયારણ્ય નજીક આવેલા કરીયા ગામ પાસેથી ગઈકાલે વનવિભાગે સસલાનો શિકાર કરવા આવેલા એક શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ શિકારની તૈયારી કરતો હતો ત્યારે જ વનવિભાગે પહોંચી જઈ તેને ઝડપી દંડ ફટકાર્યો છે.
 • ગિરનાર અભયારણ્ય નજીકથી
 • શિકારની કોશિશ કરતો હતો ત્યારે જ વનવિભાગે ઝડપી લીધો
ગિરનાર અભયારણ્યની ઉત્તર રેન્જના જંગલ વિસ્તાર નજીક આવેલ રાણપુરની સીમમાંથી કરીયા પાસેથી નરશી ભીમા દેવપૂજક નામના એક શખ્સને સસલાનો શિકાર કરવા જતા ઝડપી લીધો હતો. આ શખ્સ સસલાનો શિકાર કરવાની તૈયારી કરતો હતો ત્યારે જ ફોરેસ્ટ ગાર્ડ ડી.એચ.ભેડા અને એમ.આર. મકવાણા પહોંચી ગયા હતાં. ઝડપાયેલા આ શખ્સને આર. એફ.ઓ. પી.જે.મારૂના માર્ગદર્શન હેઠળ રૂ.રપ૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=69402

૬ વર્ષનાં માસુમ પુત્રને બચાવવા જનેતા દીપડા પર ત્રાટકી.

Source: Bhaskar News, Visavdar   |   Last Updated 3:56 AM [IST](02/07/2012)
- વન વિભાગે પાંજરા ગોઠવી આદમખોર દીપડાને ઝડપી લીધો

વિસાવદરનાં સતાધાર પાસે ગત શુક્રવારનાં રાત્રિનાં સમયે માતાએ દીપડા સાથે બાથ ભીડી ૬ વર્ષનાં માસુમ પુત્રને બચાવી લીધો હતો. આ હુમલાનાં બનાવનાં પગલે વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને કેદ કરી લીધો હતો.

જામનગરનાં જામખંભાળીયા તાલુકાનાં બારૂ ગામનાં માલધારી લખમણભાઇ આલે પોતાના પરિવાર અને ઘેટા-બકરા સાથે સતાધાર નજીક એક ખેતરમાં રાત્રિ રોકાણ કર્યું હતુ. શુક્રવારનાં રાત્રિનાં આ માલધારી પરિવાર જમીને ભરનિંદ્રામાં સુતા હતા ત્યારે મધરાતનાં ત્રણેક વાગ્યાની આસપાસ એક ખુંખાર દીપડાએ આવી ચઢી માતાનાં પડખામાં સુતેલા ૬ વર્ષનાં પુત્ર અજાને માથાનાં ભાગેથી પકડી નાસવા લાગેલ અને પંદરથી વીસ ફૂટ દૂર પહોંચી ગયો હતો,

અજાએ જોરથી ચીસ પાડતાં માતા જાગી ગયેલ અને પુત્રને જડબામાં જોતા પ્રથમતો હેબતાઇ ગયેલ બાદમાં હિંમત એકઠી કરી દીપડાનો પીછો કરી તેની સાથે બાથ ભીડી પોતાનાંમાસુમ પુત્રને બચાવી લીધો હતો. ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ વિસાવદર દવાખાને અને ત્યાંથી જૂનાગઢ સિવિલમાં સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેની હાલત ભયમૂકત હોવાનું જાણવા મળે છે.

આ બનાવનાં પગલે એસીએફ ઠુંમર તથા આરએફઓ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ વનવિભાગનાં સ્ટાફે અલગ-અલગ સ્થળે બે પાંજરા ગોઠવી દીધા હતા અને રાત્રિનાં જ આ દીપડો પાંજરામાં કેદ થઇ ગયો હતો. કુટીયા રાઉન્ડનાં સોલંકીભાઇ, રવજીભાઇ સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ ચારથી પાંચ વર્ષની ઉંમરનાં દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.

- દીપડો માનવભક્ષી હોવાનું અનુમાન

માલધારી પરિવારે બસો જેટલા ઘેટા અને બકરા સાથે ખેતરમાં મૂકામ કર્યો હતો. પરંતુ આ દીપડાએ ઘેટા-બકરાને શિકાર બનાવવાનાં બદલે બાળક ઉપર જ સીધો હુમલો કરી દીધો હતો અને આ દીપડો માનવભક્ષી હોવાનું વન વિભાગ અનુમાન કરી રહી છે.

ઈનફાઈટમાં ડાલામથ્થાંએ ખૂંખાર દીપડાને પતાવી દીધો.

Source: Bhaskar News, Jungagadh   |   Last Updated 3:44 AM [IST](02/07/2012)

- જંગલની સરહદ પર છોડવડીના રેવન્યુ વિસ્તારમાં બનેલી ઘટના


ગિરનાર અભ્યારણ્ય વિસ્તારનાં કાળાગળબો જંગલ બોડર આવેલા છોડવડી રેવન્યુ વિસ્તારમાં ગત રાત્રીનાં સિંહ અને દીપડો સામ સામે આવી જતાં બન્ને વચ્ચે જોરદાર ફાઇટ જામી હતી આ જંગમાં સિંહે દીપડાનાં ગાળા અને પગમાં દાંત બેસાડી પતાવી દીધો હતો.

જંગલમાં ખેલાયેલા ખૂંખાર જંગની મળતી વિગત મુજબ ઉતર રેન્જનાં પાટવડ રાઉન્ડ નજીક કાળાગળબા જંગલની ર૦૦ મીટર દૂર છોડવડી રેવન્યું વિસ્તારમાં ગઇકાલ રાત્રીનાં સિંહ અને દીપડો સામ સામે આવી ગયા હતાં. જંગલનાં હિંસક
પ્રાણી એક બીજાને જોતાર બન્ને વચ્ચે જંગ જામી પડ્યો હતો. લાંબો સમય સુધી ચાલેલી આ ઇન ફાઇટમાં અંતે પાંચ વર્ષનાં દીપડાને સિંહે ગળા અને પગનાં ભાગે દાંત બેસાડી દીધા હતા. જંગલમાં દીપડાનાં પરાસ્ત કર્યા તો રેવન્યુમાં ખેલાયેલા જંગલમાં દીપડાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ સવારના ભગો ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા ઉતર રેંજના આરએફઓ મારૂ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ડોક્ટરે દીપડાના મૃતદેહનું પીએમ અને પંચ રોજકામ કરી અગ્નિ સંસ્કાર કર્યો હતો. આ અંગે ઉતરરેન્જનાં આરએફઓ મારૂએ જણાવ્યુ હતુ.

આ બનાવ રાત્રીનો બન્યો હતો. સ્થળ તપાસ કરતા દીપડાની આસપાસ સિંહના પંજાનાં નિશાન મળી આવ્યા હતા. જો કે આ વિસ્તારમાં દીપડાઓ જોવા મળે છે. પરંતુ સિંહ ગળબા જંગલ વિસ્તારમાંથી શિકાર માટે બહાર આવ્યો હોય દીપડો અને સિંહ સામ-સામે આવી જતાં ઇનફાઇટ થઇ હોવાની જણાય છે.

અમરેલીમાં ‘મર્દ’ કૂતરો જંગલના રાજા સિંહ સામે ભીડે છે બાથ.

Last Updated 9:39 AM [IST](02/07/2012)

-અમરેલીના લીલીયાના ક્રાંકચની સીમમાં ઘટે છે અજબ ઘટના
-લોકો મજાકમાં કહે છે કે સાવજની સળી કરવી ક્યારેક કૂતરાને ભારે પડશે
-ટીખળખોર કૂતરાને સાવજની સળી કરવાની આદત પડી ગઇ


આમ તો સાવજ અને કૂતરાની કોઇ જ સરખામણી નથી. બલકે સાવજ પાસે કૂતરાની કોઇ જ વિસાત નથી. પરંતુ લીલીયાના ક્રાંકચની સીમમાં એક કૂતરો અવારનવાર સાવજની સામે આવે તેને ચેલેંન્જ કરી ભાગી જાય છે. સાવજ સામેથી અવારનવાર દોડીને પસાર થઇ જાય છે કે સાવજ સામે ઉભો રહી ભસી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. અહીંના લોકો મજાકમાં કહે છે. સાવજની આ સળી કરવાનું કૂતરાને ક્યારેક ભારે પડી જશે.

જંગલના રાજા ગણાતા સાવજ જેમ રેવન્યુ વિસ્તારમાં માણસ સાથે રહેવા મજબુર બન્યાં છે તેમ કદાચ હવે તેમણે કૂતરા જેવા પ્રાણીઓ સાથે વસવાની પણ આદત પાડવી પડશે. લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં તો કમસે કમ આવું નજરે ચડી રહ્યું છે. અહીં બીડ વિસ્તારમાં જેમ સાવજો વસે છે તેમ એક શ્વાન પણ બીડમાં પડ્યો પાથર્યો રહે છે.

આ ટીખળખોર કૂતરાને સાવજની સળી કરવાની આદત પડી ગઇ છે. સામાન્ય રીતે સાવજ નજરે પડે તો કૂતરા શોધ્યાં ન જડે તે રીતે ભાગી જાય છે. પરંતુ અહી એક કૂતરો સાવજથી સલામત અંતર રાખી તેને ચેલેંન્જ કર્યે રાખે છે. આ દ્રશ્યો અવારનવાર અહીના લોકોએ જોયા છે.

આ કૂતરો અવારનવાર સાવજની સામેથી દોડીને બાવળની કાટમાં અદ્રશ્ય થઇ જાય છે. ક્યારેક સાવજની સામો આવીને ભસે છે. જેવી સિંહની નજર તેના પર પડે તે સાથે જ ભાગી જાય છે. ગઇકાલે પણ તેણે આવી ગુસ્તાખી કરી ત્યારે બંને કેમેરામાં કેદ થઇ ગયાં હતાં. સ્વાભાવિક છે કે સાવજોને કૂતરાની આ ગુસ્તાખીની ખાસ પડી નથી. પરંતુ ક્યારેક આ ટીખળ તેને ભારે પડી જવાની.

તસવીર:મનોજ જોશી, લીલીયા
http://www.divyabhaskar.co.in/article/SAU-dog-and-lion-clash-in-amreli-jungle-3468682.html

અમીત જેઠવા હત્યા કેસ: CBIને સોંપવા૧૦મીએ અંતિમ સુનાવણી.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:07 AM [IST](02/07/2012)

મૃતકનાં પિતાએ કોર્ટમાં આ કેસની તપાસ સીબીઆઇ કરે તેવી માંગ કરી છે : આ પ્રકરણમાં જૂનાગઢનાં સાંસદનાં ભત્રીજા સહિત ત્રણની ધરપકડ કરાઇ હતી

આરટીઆઇ કાર્યકર્તા અમીત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાની તેના પિતાએ કોર્ટમાં માંગણી કરતા આગામી તારીખ ૧૦ અને ૧૧ મી જુલાઇના રોજ હાઇકોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે આ કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

ભારતભરમાં ચકચાર મચાવી દેનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપાશે કે કેમ તેનો ખુબ જ ટુંકા સમયમાં ફેંસલો થઇ જશે. ગુજરાત હાઇકોર્ટની ન્યાયમુતિg ડી.એચ.વાઘેલા અને જે.સી.ઉપાધ્યાયની ડીવીઝન બેંચ સમક્ષ આગામી તા. ૧૦ અને ૧૧ જુલાઇના રોજ અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જુનાગઢ તથા અમરેલી જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ખાણો સામે અદાલતના દ્રાર ખખડાવી લડતના મંડાણ કરનાર અમીત જેઠવાની હાઇકોર્ટ નજીક જ હત્યા કરી નખાયા બાદ પોલીસ દ્રારા આ બારામાં જુનાગઢના સાંસદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા ઉપરાંત કોન્ટ્રાકટ કીલર શૈલેષ પંડયા અને પોલીસ કોન્સ્ટેબલ બહાદુર વાઢેરની ધરપકડ કરી હતી.

દરમિયાન મૃતક અમીત જેઠવાના પિતા ભીખુભાઇ બાટાવાળાએ પોતાના પુત્રની હત્યામાં સાંસદ દિનુ બોઘા સોલંકીનો હાથ હોવાનું જણાવી આ તપાસ સીબીઆઇ કે તટસ્થ એજન્સીને સોંપવાની હાઇકોર્ટમાં માંગ કરતા આગામી તા. ૧૦ અને ૧૧ ના રોજ આ અંતિમ સુનાવણી હાથ ધરાનાર હોવાનું જાણવા મળેલ છે.

સિંહણની પૂંછડીમાં થયેલા ગેંગરીનનું સફળ ઓપરેશન.


Source: Arun Veghda, Dhari   |   Last Updated 12:03 AM [IST](30/06/2012)
ધારી ગીર પૂર્વની જશાધાર રેન્જનાં વિસ્તારમાં એક બિમાર સિંહણ દર્દથી કણસતી હોવાનું ડીએફઓને માલુમ પડતાં રેસ્કયુ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે આ સિંહણને પાંજરે પુરી વેટરનરી તપાસ કરાવતા તેની પૂંછડીના ભાગે ગેગરીન થયો હોવાનું જણાતા વેટરનરી તબીબે પૂંછડીના ભાગનું સફળ ઓપરેશન કર્યા બાદ આ સિંહણને જંગલમાં વિહરતી કરાઈ છે.

ધારી ગીર પૂર્વની જશાધાર રેન્જનાં ડીએફઓ અંશુમન શર્મા ખૂણે ખૂણે પેટ્રોલીંગ કરી વન્ય પ્રાણીની વેદના પણ સમજી રહ્યાં છે. થોડા સમય પૂર્વે ટીકરીયા બીટમાં આવેલા મેલડીઆઈના કુટીયા પાસે એક સિંહણ બિમાર હોવાનું અને કણસતી હોવાનું તેઓને જાણ થતા વનવિભાગની રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહણને પાંજરે પુરી હતી. ત્યાર બાદ સ્ટાફના વેટરનરી તબીબ ડો.હિ‌તેશ વામજાને આ સિંહણની બિમારી બતાવતા તેની પૂંછડીના ભાગે ગેગરીન થયો હોવાનું બહાર આવ્યું હતું.

બે થી ત્રણ વર્ષની આ સિંહણને આ દર્દથી ભારે મુશ્કેલી વધી હતી અને જીવનું પણ જોખમ ઉભુ થયું હોવાની સંભાવના દેખાતા ડીએફઓની સુચનાથી ડો.વામજાએ આખરે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત આ સિંહણના પૂંછડાને કાપી સડો દૂર કરી આ અંગેનું સફળ ઓપરેશન પૂર્ણ કરી સતત સારવાર ચાલુ રાખી હતી.

તબીબે સિંહણને ઈન્ફેકશન ન થાય અને ઝડપી પૂંછડીમાં રૂજ આવે તે માટે ત્રણ માસ સુધીની ટીટમેન્ટનાં અંતે એક સપ્તાહ પૂર્વે આખરે વનવિભાગનાં આ સ્ટાફે જાંબુડી બીટમાં કુડીયા જંગલના ભાગે તેના ગ્રુપ સાથે સિંહણને મુક્ત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડો.હિ‌તેશ વામજા, રેસ્કયુટીમના પ્રતાપભાઈ ખુમાણ, ધીરૂભાઈ ખુમાણ, માનસિંગભાઈ ખુમાણ, અમીનભાઈ ઠાકર, જીતુભાઈ ચાવડા સહિ‌ત રહ્યાં હતા.

બેકટરીયલ ઈન્ફેકશન સિંહણને થયું હતું

વેટરનરી તબીબે આ ઓપરેશન અંગે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીને આવી ગેગરીન (સડો) બેકટરીયલ ઈન્ફેકશનના કારણે થાય છે આ સિંહણને પણ આવું જ બન્યું હતું.