Saturday, June 19, 2010

બહારવટિયો ભૂપત રમતવીર પણ હતો.

Source: Arjun Danger, Junagadh
છ દાયકા પૂર્વે સૌરાષ્ટ્રભરમાં જેના નામની ફૈફાટતી એ ભૂપત બહારવટીયાનું નામ લોકો માટે જરાય અજાણ્યું નથી પરંતુ ભૂપત અચ્છો રમતવીર અને આરઝી હકુમતનો લડવૈયો હતો. એ બાબત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. જી હાં.. હાથમાં બંદૂક પકડ્યા પહેલા તેણે દેશી રમતોમાં અનેક ઇનામો પણ જીત્યા હતા.
ભૂપત બહારવટીયા વિશે વાત માંડતા જાણીતા ઈતિહાસકાર જીતુભાઈ ધાંધલ કહે છે કે, ઉગતી લોકશાહી અને આથમતી રાજાશાહી દરમિયાન ભૂપત અને તેની ટોળીએ ૮૭ જેટલી હત્યાઓ અને રૂ. ૪ લાખથી વધુ રકમની લૂંટ ચલાવેલી. એ વખતે રૂ. બે હજારથી લઇને છેલ્લાં રૂ. ૫૦ હજારનું ભૂપતને જીવતો કે મરેલો પકડી પાડનાર માટે ઇનામ જાહેર થયેલું. અને તેમ છતાં ભૂપત અને તેની ટોળી પાકિસ્તાન તરફ નાસી જવામાં સફળ થયેલી. પાકિસ્તાન (સખ્ખર)ની જેલમાં ભૂપતને માત્ર ૧ વર્ષની જેલ થઇ. ૧૧મી માચેઁ ૧૯૫૩માં એ છુટ્યો.
જો કે, ભૂપત રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતો હતો. હા ભૂપતનું સ્વપ્ન હતું કે, હું રમતગમત ક્ષેત્રે મારા પ્રદેશનું નામ રોશન કરૂં. ૧૯૪૪માં વાઘણીયાની ટીમે અમરેલીમાં ગાયકવાડની ટીમને દેશી રમતોમાં પછડાટ આપી હતી. એ ટીમમાં ભૂપતની સાથે મારા મામા માણસિયાભાઈ ડરૈયા પણ હતા. અને ભૂપત અચ્છો રમતવીર અને આરઝી હકુમતનો લડવૈયો હતો.
ત્યારે રમતનાં સાધનોને બદલે ભૂપતનાં હાથમાં બંદૂક કોણે થમાવી દીધી ? તેના વિશે જીતુભાઈ ધાંધલ ઈતિહાસવિદ્દ પરિમલ રૂપાણીનાં સહકારથી એક ગ્રંથ તૈયાર કરી રહ્યાં છે. જે ભૂપતના અનેક અજાણ્યા પાસા રજુ કરશે.
....અને ભૂપત બન્યો અમીન યુસુફ
જીતુ ધાંધલે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાંથી છુટયા બાદ ભૂપતે નવી જીંદગી શરૂ કરી. ધોરાજીનાં મેમણની એક સ્વરૂપવાન કન્યા તેની ઉપર મોહી પડયો અને આખરે એ યુવતી માટે જ ભૂપતે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને બની ગયો અમીન યુસુફ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-bandit-robber-bhupal-was-good-player-too-1058399.html

ઈજાગ્રસ્ત પક્ષી પર પાણી છાંટવું જોખમી.

Source: Bhaskar News, Anand  ઉત્તરાયણમાં પતંગથી દોરીથી કે અન્ય કોઈ કારણોસર પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે, ત્યારે ઈજાગ્રસ્ત પક્ષી પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો તેનું મૃત્યુ થઈ શકે છે તેમ વેટરનરી ડો. પી.વી.પરીખે આણંદ વેટરનરી હોસ્પિટલમાં યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આણંદ વેટરનરી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની પ્રાથમિક સારવાર અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ, વનશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર, માનવસેવા ટ્રસ્ટ અમદાવાદ સહિત વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ જીવદયા પ્રેમીઓ અને વેટરનરી તબીબોએ ભાગ લીધો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીના ડો. પી. વી. પરીખે જણાવ્યું કે સામાન્ય રીતે પક્ષીનું તાપમાન ૧૦૭ ડિગ્રી હોય છે. જયારે પક્ષીને ઈજા પહોંચે ત્યારે તાપમાન જળવાઈ રહેવું જોઈએ. પરંતુ પાણીનો છંટકાવ કરવાથી તાપમાન નીચું જતાં પક્ષીનું મૃત્યુ થઈ શકે છે. તેમજ ઈજાગ્રસ્ત પક્ષીને હાથમાં કે થેલીમાં લઇને જવું ન જોઈએ.
પક્ષીને ઈજા પહોંચે તો છેદવાળા બોક્સમાં ગાદી મૂકીને ઈજાગ્રસ્ત પક્ષીને હવા મળી શકે તે પ્રમાણે ડોકટર પાસે લઈ જવું જોઈએ. ત્યારબાદ વિવિધ વર્ગના પક્ષીને હાથમાં પકડવાની રીત બતાવવામાં આવી હતી. તેમજ પક્ષીના ઘા પર સ્પીરીટ કે ડેટોલનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી હતી.
પક્ષીની પાંખ કયાંય તો ટાંકા કેવી રીતે લેવાય તે સંદર્ભે વેટરનરી તબીબોને તાલીમ આપવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ ટાણે પક્ષીઓ મોટી સંખ્યામાં ઘવાતાં હોવાથી વેટરનરી કોલેજના પ્રિન્સિપાલ ડો. જે.વી.સોલંકી અને ડો. પાટીલના માર્ગદર્શન હેઠળ ડો. પરીખે પ્રેઝન્ટેશન આપ્યું હતું તેમ જ ઉત્તરાયણ પર્વે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં વેટરનરી સ્ટુડન્ટસની ટીમ મોકલવામાં આવશે.
તાલિમ શિબિર
આણંદ વેટરનરી હોસ્પિટલમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓની પ્રાથમિક સારવાર માટે રાજયભરની સંસ્થાઓના કાર્યકરોને આણંદ વેટરનરી હોસ્પિટલમાં વિશેષ તાલીમ અપાઈ હતી. જેઓ ઉતરાયણના દિને આણંદ, નડિયાદ જેવા અન્ય શહેરી વિસ્તારમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપશે.
Source: http://www.divyabhaskar.co.in/article/100110004022_seminar_on_injured_birds_treatment.html

સિંહણને પામવા ખૂંખાર જંગ ખેલાયો હતો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:40(19/06/10
 ઘાયલ સાવજોની સારવારમાં બેદરકારી
ઇન ફાઇટમાં ઘાયલ થયેલા સિંહના ઘા રૂઝાઈ ગયા હશેની વનવિભાગની વાહિયાત દલીલો
ગીર પૂર્વની હડાળા રેન્જમાં એક પખવાડિયા પહેલાં સિંહણને પામવાની લહાયમાં બે સિંહો વચ્ચે જંગ જામતા બન્ને ઘાયલ થઈ ગયા બાદ જંગલાખાતાને આ સિંહને પકડી સારવાર કરવામાં સરિયામ નિષ્ફળતા સાંપડી છે. બલકે બન્ને સિંહોના ઘાવ રૂઝાઈ જશે તેવી દલીલ સાથે તેને પકડવાના પ્રયત્નો પણ પડતા મુક્યા છે.
એક બાજુ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે. બીજી તરફ જંગલખાતાના કર્મચારીઓની નિષ્ફળતા સિંહોના અસ્તિત્વ પર ખતરો ઊભી કરી રહી છે. ગીર પૂર્વમાં બે ઘાયલ સિંહો હાલ ભગવાન ભરોસે છે. ગીર પૂર્વની હડાળા રેન્જમાં એક પખવાડિયા પહેલાં સિંહણ સાથે સંવનન માટે બે ડાલામથ્થા વચ્ચે ખૂંખાર જંગ જામ્યો હતો.
આ લડાઈ એટલી આક્રમક અને ઘાતક હતી કે બન્ને સિંહ ઘાયલ થઈ ગયા હતા. એક સિંહને મોઢા પર ઈજા પહોંચી હતી. જ્યારે બીજાને પાછલા પગ પર ઈજા થઈ હતી.
ઘટનાની જાણ થતાં જંગલ ખાતાના સ્ટાફ દ્વારા સિંહોનું લોકેશન મેળવવા અને તેની સારવાર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ એક પખવાડિયાની મહેનત પછી પણ જંગલ ખાતાને આ બે સિંહોને પકડવામાં સફળતા મળી નથી.
અંદરના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સિંહોનું લોકેશન મેળવવામાં પણ કામિયાબી મળી નથી ત્યારે તેમની સારવાર કરવાની વાત તો બાજુએ રહી હવે જંગલખાતા દ્વારા સિંહોના ઘાવ કુદરતી રીતે રૂઝાઈ જશે તેવી આશાએ તેને પકડવાના પ્રયાસો પડતા મુકાયા હોવાનું જાણવા મળેલ છે.
ચોમાસામાં નાનો ઘાવ પણ જીવલેણ નિવડે શકે
સિંહ જેવા જંગલી પ્રાણી માટે ચોમાસામાં નાનો ઘાવ પણ જીવલેણ નિવડી શકે છે. જો બન્ને સિંહોના ઘાવ રૂઝાયા નહીં હોય તો વરસાદના કારણે આ ઘાવ વકરશે. સામાન્ય રીતે ચોમાસામાં સિંહોના ઘાવ રૂઝાતા નથી ત્યારે આ કિસ્સામાં વિશેષ તકેદારીની જરૂર છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-injured-lion-have-no-treatment-1072791.html

ઈકો. ડેવ. કૌભાંડમાં ભાજપ અગ્રણી સહિત ૩ની ધરપકડ.

Jun 16,2010
ઉના તા.૧૬
ઉના પંથકના ઈલે. ડેવલપમેન્ટ કૌભાંડમાં ભાજપના અગ્રણી ઈટવાળાના હરેશ લાખા આણદાણી તથા બે વન કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્રણેયને કાલે ઉના કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર લેવાશે.
ઉના પંથકમાં ઈકોડેવલોપમેન્ટ યોજના હેઠળ લાખો રૃા.નો ભ્રષ્ટાચાર થયેલ હોવાની ગ્રામજનોમાંથી ફરિયાદો ઉઠતા ગીર પુર્વે વનવિભાગના તત્કાલીન એ.સી.એફ. જે.કે.ધામીએ આ કૌભાંડમાં આર.એફ.ઓ. વાઢેર સહિતના કર્મચારીઓ તથા રાજકીય અગ્રણીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા છ માસ ૫હેલા આ કૌભાંડ અંગે આધાર રેન્જના તતકાલીન આરોપીને છાવરવા હોય તેમ તેમની ધરપકડની કરતા આ અંગે પકડાયેલ આર.એફ.ઓ.એ આ અંગેની હાઈકોર્ટમાં રજુઆત કરતા હાઈકોર્ટ દ્વારા આરપોનીે પકડવા પોલીસ આદેશ કરાયો હતો.
બે દિવસ પહેલાના તાલાળાના સીપીઆઈ બીજી સોલંકી સહિતનો સ્ટાફે કોદિયાના સરપંચ તથા વનખાતાના નિવૃત ફોરેસ્ટરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાની હતા. જે દરમિયાન અન્ય ઉનાના ઈટવાયા ગામ પણ ઈકોડેવલોપમેન્ટનાં રૃા. ૯ લાખથી વધુ રકમના કૌભાંડના આરોપી સબબ આજે તાલાળાના સી.પી.આઈ. બી.જી.સોલંકી તથા ગીરગઢડાનાં પીએસઆઈ ગોંડલીયાએ છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ઈટવાયા ગામનાં રહીશ અને તાલુકા ભાજપનાં અગ્રણી હરેશ લાખા આણદાણીની ઈટવાયા ગામે ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય બે વનકર્મી ભરત નંદારામ (હાલ જુનાગઢ) તથા હરજી અમરા (હાલ અમરેલી)ની પણ ધરપકડ કરી હતી.

વનવિભાગના ગાર્ડ ૫ર ધૂની શખ્સ દ્વારા ખૂની હુમલો.


Jun 18,2010

જૂનાગઢ, તા.૧૭
આજે બપોરના સમયે જૂનાગઢના ગિરનાર અભયારણ્યમાંથી બહાર જવાનું કહેતા એક સાધુ જેવા ધૂની શખ્સે ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરીને માથામાં લાકડી મારી તેમજ હાથ ભાંગી નાખી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. તેમજ આ શખ્સ ગાર્ડ પાસેથી વોકીટોકી અને લાકડી છીનવીને નાસી છૂટયો છે.
ભવનાથ નજીક ગિરનાર અભયારણ્યની અમકુ બીટમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પાછળના વિસ્તારમાં ચાર પાંચ દિવસથી પડયા પાથર્યા રહેતા એક સાધુ જેવા ધૂની શખ્સને ફોરેસ્ટ ગાર્ડ કે.ડી.પંપાણીયાએ બહાર નિકળી જવાનું કહ્યું હતું. તેમજ જંગલી પ્રાણીઓનો ભય હોય આ વિશે સમજાવી રહ્યા હતાં. આ દરમિયાન ઉશ્કેરાયેલા આ અજાણ્યા શખ્સે અચાનક જ ફોરેસ્ટ ગાર્ડ પંપાણીયા પર હુમલો કરીને માથામાં લાકડી મારી દીધી હતી. તેમજ હાથ ભાંગી નાખી ગંભીર ઈજાઓ પહોંચાડી ગાર્ડ પાસેથી વોકીટોકી અને લાકડી તેમજ પાકિટ છીનવીને નાસી છૂટયો હતો. ઈજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ નાસી છૂટેલા સાધુ જેવા શખ્સને શોધી કાઢવા વનવિભાગે દોડધામ શરૃ કરી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=195743 

Monday, June 14, 2010

આંકોલવાડી ગીર રેન્જ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી.

Jun 13,2010 તાલાલા તા.૧૩
ગીર પશ્ચીમ વન વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષકશ્રી આર.ડી.કટારાના માર્ગદર્શન મુજબ આંકોલવાડી રેન્જ હેઠળના વન વિસ્તાર તેમજ રેવન્યુ ગામોના વિસ્તારમાં વિશ્વ - પર્યાવરણ દિન નિમિત્તે તપોવન વિદ્યાસંકુલ - આંકોલવાડીના ધો.૧૨ ના ૬૩ જેટલા વિદ્યાર્થીઓ જંગલમાંથી પસાર થતા રસ્તાઓની બન્ને સાઇડમાંથી પ્લાસ્ટીક એકત્રીકરણ અને નાશ કરવાની કામગીરી કરી હતી.
આ ઉપરાંત જંગલના વૃક્ષો, વનસ્પતીઓ અને વન્યપાણીઓ વિશે બાળકોએ સ્થળ પર જ પરીચય અને માહિતી મેળવી હતી. તથા જંગલ વચ્ચેના રમણીય સ્થળ જેવા કે જાનવડલા થાણે ખાતે વિદ્યાર્થીઓ સ્ટાફ અને વન વિભાગના મજૂરો સહિત લોકોએ ગીર જંગલના જૈવીક વૈવિધતા અને પર્યાવરણ સંરક્ષણ/ જતન અંગે વિસ્તૃત ઉપયોગી વકતવ્યો રજૂ કરી વિશ્વ પર્યાવરણ દિનની ખુબજ ઉત્સાહભેર અને યાદગાર ઉજવણી કરી હતી.
આ ઉજવણીમાં શ્રી ડી.એન.પટેલ (રેન્જ ફોરેસ્ટ ઓફીસર) શ્રી એ.ડી.બ્લોચ - શ્રી જે.ડી. તારપરા વગેરે સ્ટાફ તેમજ તપોવન સ્કૂલના શ્રી પ્રદીપ ખાનપરા અને શ્રી જાડેજા સહિતના અધિકારી - કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવી સમગ્ર ઉજવણીને સાચા અર્થમાં પર્યાવરણના તહેવાર તરીકે ઉજવ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=194463

ચકલીના ૪૫ માળા સાથેનું રેસ્ટોરન્ટ.

Bhaskar News, Amreli
Sunday, Apr 4th, 2010, 2:40 am [IST]
અમરેલીમાં રહેતા જયસુખભાઈ પોતાના ધંધામાંથી સમય કાઢીને ચકલીઓને ચણ અને પાણી પીવડાવવાનું ચૂકતા નથી
અમરેલીમાં સાવરકુંડલા બાયપાસ પર રહેતા જયસુખભાઇ કયાડા ગજબના પક્ષી પ્રેમી છે. અહીં તેઓ રેસ્ટોરન્ટ ચલાવે છે. ચકલીઓ સાથે તેમને ગજબનો લગાવ છે. આ વાતની જાણે ચકલીઓને પણ જાણ હોય તેમ તેમના રેસ્ટોરન્ટમાં ચકલીના ૪૫ જેટલા માળા છે. અનેક અગવડતાઓ વચ્ચે પણ તેમણે ચકલીને આશરો આપ્યો છે.
સૌથી મોટી ખુશીની વાત એ છે કે, હાલમાં લગભગ દરેક માળામાં બરચાઓ છે.
જયસુખભાઇના રેસ્ટોરન્ટમાં કોઇ પ્રવેશે તો ચકલીઓનો ચીં...ચીં...નો કર્ણપ્રિય ગુંજારવ પહેલાં સાંભળવા મળે. હાલમાં ચકલીઓ બચાવવા માટે લોકોના થોડી થોડી જાગૃતિ આવતી નજરે પડે છે. પરંતુ, તેમણે તો પાછલા પાંચ વર્ષથી ચકલીઓને અહીં આશ્રય આપ્યો છે. સવાર અને સાંજના સમયે તેમના રેસ્ટોરન્ટમાં ચકલીઓ કૂદાકૂદ-ઉડાઉડ કરતી નજરે પડશે. મુખ્ય હોલથી આગળની બાજુ રાખેલા પતરાના છજાઓમાં તેમણે ગોઠવેલા નાના-નાના બોકસમાં ચકલીઓએ પોત-પોતાના ઘર બનાવ્યા છે.
વળી ઉછળકૂદ કરતી આ ચકલીઓ પંખા સાથે અથડાઇ મોતને ન ભેંટે તે માટે તેમણે આગળની બાજુ પંખા પણ નથી રાખ્યા. જયસુખભાઇ અને તેમના પત્ની અહીં જ રહે છે. તેઓ જમવા બેઠા હોય ત્યારે ચકલાઓ ખાવા માટે નજીક આવે છે. જયસુખભાઇ પોતે પણ જમે અને ચકલીઓને પણ જમાડે. પક્ષી પ્રેમ એવો કે કાબર કાગડાને પણ ગાંઠિયા ખવડાવે. ચકલીઓ ડરપોક હોવાથી વધુ નજીક ન આવે. પરંતુ, નાના બચ્ચાઓ તો તેમની માથે પણ બેસી જાય. આ તેમનો પ્રકૃતિપ્રેમ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/04/restorant-with-45-nest-837687.html

વિસાવદરમાં ખેડૂત ઉપર દીપડાનો હુમલો: લોકોમાં ફફડાટ

Bhaskar News, Junagadh
Monday, June 14, 2010 03:37 [IST] 
Bhaskar News, Junagadhનાળામાંથી બહાર આવી ખેતરમાં કામ કરતા આધેડને ઇજા કરી નાસી છુટ્યો
વીસાવદર તાલુકાનાં મોટા હડમતીયા ગામનાં એક આધેડ ખેડૂત ઉપર આજે ભરબપોરે એક દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. રોડ પરનાં નાળાં નીચેથી આવી ચઢેલા દીપડાએ દોડતી વખતે ઇજા પહોંચાડી હોઇ ખેડૂતની હાલત ભયમુકત હોવાનું જાણવા મળ્યું છે.
વીસાવદર તાલુકાનાં મોટા હડમતીયા ગામનાં વજુભાઇ બાઘાભાઇ માંડળીયા (ઉ.૪૧) નામનાં ખેડૂત આજે બપોરે ૧૨ વાગ્યાનાં અરસામાં પોતાનાં નાના કોટડા-હડમતીયા રોડ ઉપર આવેલા ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ વખતે રોડ પરનાં નાળાંની અંદરથી એક દીપડો નીકળી આવ્યો હતો. લોકોને જોઇ તે ભડકયો હતો.
અને અચાનક જ વજુભાઇ પર તરાપ મારી તેમનાં માથામાં અને હાથમાં ઇજા પહોંચાડી બાદમાં નાસી છુટ્યો હતો. વજુભાઇને તાબડતોબ બિલખાનાં સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા અપાઇ હતી. બનાવની જાણ થતાં વીસાવદરનાં આર.એફ.ઓ. કંડોરિયા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-visavdar-leperd-attack-on-farmer-1057460.html

બે દીપડાના મૃતદેહ મળ્યા.

Bhaskar News, Junagadh
Saturday, June 12, 2010 02:54 [IST] 
Bhaskar News, Junagadh, leperdવિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામની સીમમાંથી ગઇકાલે એક બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં આજે ત્યાંથી દોઢ કિલોમીરટ દૂર જાંબુડા ગામની સીમમાંથી વધુ એક બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર વ્યાપી હતી. ગઇકાલે મળેલા દીપડાનાં મૃતદેહનું પીએમ કરાતા તેનું ફૂડ પોઇઝનથી મોત થયાનું બહાર આવ્યું હતું. જ્યારે આજે મળેલા દીપડાનાં મોત અંગેનું કારણ જાણવા વનતંત્રએ પીએમમાં ખસેડ્યો હતો.
બે દિવસમાં બે દીપડાનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર વ્યાપી છે.
આ અંગેની વધુ વિગત મુજબ ગઇકાલે વિસાવદર તાલુકાનાં ભલગામ-ઝાંઝેસર રોડની જમણી બાજુએ એક દીપડાનો મૃતદેહ પડ્યો હતો. આ અંગે વનતંત્રને જાણ કરવામાં આવતાં આરએફઓ કંડોરીયા સહિતનાં સ્ટાફે દોડી જઇ દીપડાનાં મૃતદેહનો કબજો લઇ તેને પીએમમાં ખસેડ્યો હતો. બે વર્ષનાં નર દીપડાનું ફૂડ પોઇઝનીંગનાં કારણે મોત થયાનું બહાર આવ્યું હતું. ત્યાં આજે બપોરે વન તંત્રનો સ્ટાફ જાંબુડા ગામની સીમમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે ગોરધનભાઈ મોહનભાઈ વોરાની વાડીમાં વનતંત્રનાં કર્મચારીઓને ગંધ આવતાં ત્યાં તપાસ કરી હતી. બાજરો વાવેલા ખેતરમાં તપાસ કરતાં ત્યાંથી પણ બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ દીપડો બે ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામ્યો હોવાથી તેનો મૃતદેહ કોહવાઈ ગયો હતો. આ અંગે આરએફઓ કંડોરીયાને જાણ થતાં ઘટનાસ્થળે આવી તેના પીએણ માટે કજવીજ હાથ ધરી હતી. ગઇકાલે એક દીપડાનું ફૂડ પોઇઝનીંગથી મોત થયું હતું. ત્યાં આજે બે-ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલા દીપડાનો કોહવાયેલો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર વ્યાપી છે. હવે આ દીપડાઓએ ઝેરી વસ્તુ ખાદી હતી કે તેના ખોરાકમાં ઝેર નાંખવામાં આવ્યું હતું એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
કાળીયાર અને મોર બાદ હવે દીપડાનાં મૃતદેહ મળ્યા
વિસાવદર પંથકમાંથી થોડા સમય પહેલા ૧૧ કાળીયારનાં મૃતદેહ મળી આવ્યા હતા. તેના થોડા દિવસ બાદ છ મોરનાં મૃતદેહ મળ્યા હતા. તેનો એફએસએલ રિપોર્ટ આવ્યો નથી ત્યાં વધુ બે દીપડાનાં મૃતદેહ મળી આવતાં વનતંત્રમાં દોડધામ શરૂ થઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-leperds-deadhbody-got-in-visavadar-1051870.html

Friday, June 11, 2010

તાલાલામાં એક અબજના વેચાણને આંબી કેરીની સિઝન પૂર્ણતાના આરે.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS   
ગુરુવાર, 10 જુન 2010
તાલાલા,
સ્વાદ અને સોડમથી દેશ-વિદેશના લોકોના મન મોહી લેનારી તાલાલા પંથકની કેસર કેરીની સિઝન હાલ પૂર્ણતાના આરે છે. ચાલુ સિઝનમાં કેસર કેરીના વેચાણનો આંક એક અબજને આંબી ગયો છે. આમ આ સિઝન આંબાવાડિયા ધરાવતા ખેડૂતો માટે લાભદાયી રહી છે. સિઝનમાં કેસર કેરીના ૧૦ કિલોના ૫૦ લાખ બોક્સનું વેચાણ થઈ ચૂક્યું છે.
કેસર કેરીના ૧૦ કિલોના ૫૦ લાખ બોક્સનું વેચાણઃ હજુ પાંચેક દિવસ
યાર્ડમાં હરાજી ચાલુ રહેવાની વકી

તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીનો પાક ત્રણ તબક્કામાં હોય સિઝન લાંબી રહી હતી. તાલાલા પંથકમાં ઉત્પાદીત કેસર કેરીનું વેચાણ ચાલુ સિઝનમાં ૧ અબજના આંકને આંબી ગયું છે. ૧૦ કિલોના ૫૦ લાખ કેસર કેરીના બોક્સનું વેચાણ થયાનો અંદાજ છે. તેમાં તાલાલા માર્કેટીંગ યાર્ડમાં જ અંદાજે ૧૫ લાખ બોક્સનું વેચાણ થયું છે અને અત્યાર સુધીનો સૌથી વઘુ ૧૩ લાખ બોક્સના વેચાણનો વિક્રમ તોડી નાખ્યો છે.

તાલાલા યાર્ડ ઉપરાંત માઘુપુર ગીર, જશાધાર, ગડુ ખાતેના કેરીના પ્રોસેસીંગ પ્લાન્ટમાં ચાર લાખ બોક્સ, સૌરાષ્ટ્ર, ગુજરાતના વિવિધ કેનીંગ પ્લાન્ટમાં ચાર લાખ બોક્સનું વેચાણ થયું હતું. લાંબી સિઝન અને કેસર કેરીનો પાક તબક્કાવાર બજારમાં આવતા ભાવો પણ જળવાઈ રહેતા ખેડૂતો માટે આ સિઝન ભારે લાભદાયી પુરવાર થઈ છે. સિઝન હાલ પૂર્ણતાને આરે ઉભી છે. હજુ પાંચેક દિવસ યાર્ડમાં કેસર કેરીની આવક મુજબ હરાજી ચાલુ રહેશે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/65446/149/ 

સિંહ ઘેટાં-બકરાના ઝૂંડ પર ત્રાટક્યો: પ ના મારણ.

Bhaskar News, Amreli
Friday, June 11, 2010 01:50 [IST]  
lion attack on group of annimal five dethધારી તાલુકાના ગઢિયા ગામની સીમમાં માલધારી યુવાન ઘેટાં બકરાં ચરાવતો હતો ત્યારે અચાનક ત્રાટકેલાં એક સાવજે ત્રણ બકરા અને બે ઘેંટા મળી કુલ પાંચ પશુનું મારણ કર્યું હતું. આ વિસ્તારમાં સાવજનો કાયમી ત્રાસ હોય માલધારીઓ પરેશાન થઇ ચૂક્યા છે.
ધારીના ગીરકાંઠાના ગઢિયા ગામના માલધારીઓ પાછલા ઘણા સમયથી હેરાન પરેશાન છે. ગઇકાલે એક ભરવાડ યુવાન સીમમાં ઘેટાં-બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક એક સાવજ ત્રાટકયો હતો. સાંજના પાંચેક વાગ્યે ઘેંટા બકરા પર તુટી પડેલાં સાવજે ત્રણ બકરા અને બે ઘેંટાનું મારણ કર્યું હતું. જ્યારે બીજા ઘેંટા-બકરામાં ભાગદોડ થઇ ગઇ હતી. માલધારી યુવાન પણ નાસી છુટ્યો હતો.
આ ગામ ગીર કાંઠાનું ગામ હોય અવારનવાર સિંહો ચડી આવે છે. નાના પશુઓનું મારણ કાયમ થાય છે. અહીં ડુંગરાળ પ્રદેશ છે અને ઝાડી ઝાંખરા પણ પુષ્કળ પ્રમાણમાં છે. ચરિયાણ પણ પુષ્કળ છે. જંગલમાંથી અવારનવાર ચડી આવતાં સાવજો ભયનો માહોલ સજેઁ છે. ભૂતકાળમાં ૨૫-૨૫ ઘેંટા બકરાના મારણની ઘટનાઓ પણ બની ચૂકી છે. પાંચ-દસ પશુઓના મારણની ઘટનાઓનો પણ કોઇ પાર નથી. એકલ-દોકલ પશુના મારણની ઘટના તો જાણે રોજીંદી છે.
અમુક સાવજો તો જાણે ગઢિયાની સીમમાં પડ્યા પાથર્યા રહે છે. ગઇકાલના બનાવની જાણ થતાં જંગલખાતાનો સ્ટાફ દોડી ગયો હોવાનું જાણવા મળેલ છે. વન વિભાગ રેવન્યુ વિસ્તારમાંથી સાવજોને જંગલમાં ખદેડી મુકે તેવી માંગ કરવામાં આવી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attack-on-group-of-annimal-five-deth-1048482.html

વેળાવદર રાષ્ટ્રીય અભ્યારણ્યની આવક વધી.

Bhaskar News, Bhavnagar
Friday, June 11, 2010 03:00 [IST]  
income of velavadar national century increaseભાવનગર જિલ્લામાં વલભીપુર તાલુકામાં આવેલા રાષ્ટ્રીયસ્તરે ખ્યાત કાળિયારોના સમૂહ વસવાટ માટે જાણીતા વેળાવદર અભ્યારણ્યની ચાલુ વર્ષ દરમિયાન ૪૦૦૦ થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જોકે, આ વર્ષે ઉધાનની આવક વધી હતી તેમ છતાં ગયા વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં ૪૦૦ જેટલો ઘટાડો થયો છે.
સને ૨૦૦૯-૧૦ના વર્ષ દરમિયાન ૪,૦૯૩ પ્રવાસીઓએ વેળાવદર રાષ્ટ્રીય ઉધાનની મુલાકાત લીધી હતી. જેની સરકારની તિજોરીમાં રૂપિયા ૬ લાખ ૨૨૦૦૦ જેવી માતબર આવક થઈ હતી. નોંધનીય છે કે, આ વર્ષમાં ૨૩૯ વિદેશી પ્રવાસીઓએ પણ આ તક ઝડપી હતી.
પરંતુ બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે, સને ૨૦૦૮-૦૯ના વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા ૪૫૦૦ આસપાસ હતી. તો તેની સામે આવક ૫.૫૦ લાખ જેટલી થઈ હતી. આ આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ચાલુ વર્ષે ઘટાડો થવા પાછળનું કારણ પણ ગત વર્ષમાં વરસાદની અનિયમિતતા હોવાથી ઉધાનમાં નૈસર્ગિક સૌંદર્યમાં ઉણપ રહી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર પ્રવાસન સ્થળોનો વિકાસ સાધવા અનેકવિધ પ્રયાસો કરી રહેલ છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ખ્યાત વેળાવદર અભ્યારણ્ય તરફ પ્રવાસીઓ આકર્ષવા વધુને વધુ પ્રયાસો કરવા રહ્યાં. ઉલ્લેખનિય છે કે, પ્રવાસન સ્થળોમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન સમાવેશ થયો છે. પણ પૂરતો વિકાસ સધાયો નથી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-income-of-velavadar-national-century-increase-1048657.html

Thursday, June 10, 2010

ગીરમાં બુધવારથી વનરાજોનું વેકેશન.

Bhaskar News, Junagadh
Thursday, June 10, 2010 03:12 [IST]
Bhaskar News, Junagadh, lionઆગામી ૧૫ જુનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થતો હોવાથી ગીરમાં ૧૬ જુનથી વનરાજો વેકેશન પર જાય છે. તા.૧૬ જુનથી ૧૫ ઓકટોબર સુધી ગીર અભ્યારણ્ય તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
ગીરમાં વસતા વનરાજો જુનાગઢ જિલ્લાની આગવી ઓળખ છે. આગામી ૧૫ જુનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઇ રહ્યો છે. ચોમાસા દરમિયાન જંગલનાં રસ્તાઓ વધુ ખરાબ થાય છે. તેમજ આ સમય દરમિયાન સિંહોનો સંવનન કાળ પણ હોય છે. હિંસક પ્રાણીઓનો બ્રિડીંગ પિરીયડ ચાલતો હોય છે.
આથી તેઓનાં હરવા-ફરવા માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા મુજબ આગામી તા.૧૬ જુનથી તા.૧૫ ઓકટોબર સુધી તમામ પ્રવાસીઓ માટે ગીર અભયારણ્ય બંધ રહેશે. ડીએફઓ ડો. સંદીપ કુમારે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ કાયદા નીચે બનાવેલા નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ગીર પરિયચ ખંડ દેવળીયા પ્રવાસીઓ માટે ચોમાસામાં બંધ રાખવામાં આવે છે. પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રિમ હિલચાલથી દૂર રાખવા તેમજ તેમના માદરે વતનમાં મુકતપણે વહિરવા દેવા આવશ્યક છે.
આથી પ્રવાસીઓ વનરાજોને સંવનન કાળ માણવા દેવાની સાથેતેમના વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સહકાર આપે તે જરૂરી છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વર્ષાઋતુ દરમિયાન બંધ
વર્ષાઋતુ દરમ્યાન વન્ય જીવોની સંવનન કાળ હોવાથી તેના વસવાટમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મુલાકાતીઓ માટે તા.૧૬-૬ થી ૧૫-૧૦ સુધી બંધ રહેશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-all-lion-will-go-at-vacation-1045454.html

તળાજાનાં શોભાવડની સીમમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું

Thursday, June 10, 2010 02:18 [IST]
Bhaskar News, Talaja
તળાજાનજીક શોભાવડ ગામની સીમમાં નદીનાં સાંમા કાંઠે આવેલ પ્રાણશંકર કેશવજી ભટ્ટની વાડીમાં વહેલી સવારે દીપડો ઘુસી આવી વાડીમાં બાંધેલ પાલતું માલઢોર પૈકી બે વર્ષની વાછડીનું મારણ કરી ભક્ષણ કરી નાસી છુટેલ આ બાબતે સવારે જાણ થતાં શોભાવડનાં સરપંચ ઘોહાભાઇ સોહલાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન અધિકારી આર.યુ. જોષી અને પી.એમ. ગોહિલે ઘટના સ્થળે જઇ તપાસ કરતા પગલાનાં નિશાન પરથી દીપડો હોવાને પુષ્ટી આપી સ્થળ પર પંચનામુ અને વળતરની કાર્યવાહી હાથ ધરી હતી.
શોભાવડ-માખણીયાની સીમ અને માખણીયા-રોયલ સહિત શેત્રુંજી નદી કાંઠાની ઓડયમાં અવારનવાર દીપડો આવી ચડી નાના-મોટા શિકાર કરી રહેલ છે. આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાય તેવી લોક લાગણી પ્રર્વતી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-kill-calf-in-shobhavada-regional-of-talaja-taluka-1045274.html

ધારી પાસે વાહનચાલકે શિયાળને ચગદી નાખ્યું.

Bhaskar News, Amreli
Thursday, June 10, 2010 03:22 [IST]
Bhaskar News, Amreli , foxઅજાણ્યા વાહનચાલકને પકડી લેવા સઘન કોમ્બિંગ કરાયું
ધારી દુધાળા રોડ પર ખીસરી ગામ નજીક કોઇ વાહનચાલકે શિયાળને ચગદી નાખ્યું હતું. બનાવની જાણ થતાં ખુદ ડીએફઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાત્રે જ કોમ્બિંગ ગોઠવી જંગલખાતાના સ્ટાફને દોડતો કરી દીધો હતો.
અગાઉના સમયમાં સૌરાષ્ટ્રમાં બધે જ શિયાળની વસતી જોવા મળતી હતી. પરંતુ હવે શિયાળ ધીમે ધીમે નષ્ટ થતાં જાય છે. માત્ર ગીર જંગલ અને આજુબાજુના વિસ્તારમાં થોડા શિયાળ બચ્યા છે. ગીર પૂર્વ વનવિભાગ હેઠળ આવતા ધારી દુધાળા રોડ ખીસરી ગામના સબસ્ટેશન પાસે ગઇરાત્રે કોઇ અજાણ્યા વાહનચાલકે શિયાળને હડફેટે લેતાં તેનું મોત થયું હતું.
કોઇએ આ બારામાં જંગલખાતાને કોઇએ જાણ કરતા ડીએફઓ મુનશિ્ર્વર રાજા રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ઘટનાસ્થળની ફોટોગ્રાફી પણ કરાવી હતી. ઉપરાંત ધારી અને સાસણના ડોક્ટર બોલાવી ઘટનાસ્થળે જ પીએમ કરાવ્યું હતું.
ધારીના વેટરનરી ડો.બોરીસાગર ફોરેસ્ટર માલાણી વગેરે પણ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં જંગલખાતાનો જે સ્ટાફ રાત્રે ઘરે જઇને સૂઇ ગયો હતો તેને પણ ડીએફઓએ દોડતો કરી દીધો હતો. રાત્રે જ આ વિસ્તારમાં સ્ટાફ પાસે કોમ્બિંગ કરાવ્યું હતું. શિયાળના મોત માટે અકસ્માત સિવાય કાંઇ જવાબદાર છે કે નહીં તેની ચકાસણી પણ કરાઇ હતી. આ વિસ્તારમાંથી લુપ્ત થતા જતાં શિયાળને બચાવવા તે જંગલખાતા માટે કપરી જવાબદારી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-at-dhari-fox-died-in-accident-1045469.html

સિંહણને પામવા બે સિંહ વચ્ચે ખેલાયો જંગ.

Bhaskar News, Amreli
Thursday, June 10, 2010 03:10 [IST] 
two lion fight for get lionessબન્ને ઘાયલ ડાલમથ્થાનાં લોકેશન મેળવવા હડાળા નેસમાં વનતંત્રની દોડધામ
સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે લડાઈએ ગીર જંગલનું આમ દ્રશ્ય છે. બે સિંહોની લડાઈમાં જે સિંહ જીતે અને બિળયો પૂરવાર થાય તેની સાથે સિંહણ સંવનન કરે તે કુદરતનો ક્રમ છે. પરંતુ હડાળા નેસમાં સિંહને પામવા બે ખૂંખાર સિંહો વચ્ચે એવી લડાઈ જામી કે બંને ઘાયલ થઈ ગયા. જંગલખાતાનાં કર્મચારીઓ હવે આ બન્ને સિંહોનું લોકેશન શોધવાની મથામણમાં પડ્યા છે જેથી તેમની સારવાર કરી શકાય.
ગીર પૂર્વની હડાળા રેન્જમાં હડાળા નેસની બાજુમાં ગઈકાલે બે ખૂંખાર સિંહો વચ્ચે આ લડાઈ જામી હતી. ચોમાસામાં મદહોશ કરી દેનારા માહોલમાં સિંહણને પામવાની લ્હાયમાં આ બે સિંહો એકબીજા સાથે ટકરાયા હતા. બન્ને વચ્ચે જોરદાર લડાઈ જામી એકબીજાને માત આપવા માટે લોહિયાળ જંગ ખેલાયો. સિંહણે તો માત્ર એકબાજુ ઉભા રહી તમાશો જોયો હતો. પરંતુ બંને સિંહોને સારી એવી ઈજા પહોંચી હતી. એક સિંહને પગની પાછળની બાજુ ઘાવ પડી ગયો હતો તો બીજાને માથામાં ઘાવ પડ્યો હતો.
હડાળાના જંગલખાતાનાં કર્મચારીઓને જાણ થતાં સૌ પ્રથમ તો તેમણે આ બંને સિંહોને ખદેડી મૂક્યા હતાં. જેથી તેમના વચ્ચેનો જંગ અટકી ગયો હતો. ઘાયલ સિંહો ત્યાંથી ચાલ્યા ગયા બાદ હવે જંગલખાતાએ તેમનું લોકેશન મેળવવા દોડધામ હાથ ધરી છે.
નવાઈની વાત એ છે કે, હજુ સુધી બન્ને સિંહો ક્યાં છે તેની જાણ મળી નથી. ચોમાસામાં સિંહોના ઘાવ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. ત્યારે તેમની ઈજા કેવા પ્રકારની છે. પકડીને સારવાર કરવાની જરૂર છે કે કુદરતી રીતે જ ઘાવ રૂઝાય તેમ છે તેની જાણકારી મેળવવાની મથામણ જંગલખાતાએ શરૂ કરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-lion-fight-for-get-lioness-1045445.html

લોધીકા પંથકમાં રોઝનો ત્રાસ પાક ખેદાન મેદાન કરી નાખે છે.

Jun 06,2010લોધીકા તા. ૬ તાલુકાના ખાંભા ગામે યોજાયેલા કૃષિ રથ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત જિ. વિકાસ અધિકારીને કિસાનોએ આ વિસ્તારમાં રોઝનાં ત્રાસ અંગે રજુઆત કરેલ હતી. કિસાનોના વાડી ખેતરમાં આવેલા ઉભા મોલને રોઝનાં ટોળા ત્રાટકી ખેદાન મેદાન કરી દે છે અને  ખેડુતોના મહામુલા ઉભા મોલને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડે છે ખેડુતો પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે પરંતુ રોઝનાં અનહદ ત્રાહથી છુટકારો મળતો નથી. આ સેમીનારમાં ઉપસ્થિત ગ્રામ સેવક પી.એમ. મકવાણાએ કિસાનોને રોઝનાં ત્રાસથી છુટકારો મેળવવા માટેનો ઉપાય કે જે ઉપાય જેતપુર પંથકના કિસાનો કરે છે તે અંગે જણાવેલ કે રોજ ઉપયોગમાં લેવાતી છાસને મટકામાં ભરી ૧૫ થી ૨૦ દિવસ સુધી રાખી વાસી બનાવી ત્યારબાદ ખેતરવાડીના સેઢે ૧૫૦ ફુટના અંતરે માટીમાં મટકાને બુરી દેવામાં આવે છે આવો અનુભવ કરી ચુકેલા કિસાનોના કહેવા પ્રમાણે ખાટી છાસની ગંધ માત્રથી રોઝ વાડી ખેતરમાં પ્રવેશતા નથી ત્યારે આવો કિમીયો રોઝના ત્રાસથી ત્રસ્ત કિસાનોએ કરવા જેવો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192584

અનેકવિધ જાતની કેરીઓ પકવતા દિતલાના ખેડૂત.

Jun 05,2010

અમરેલી, તા.૫: ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ જીવાભાઈ ભટ્ટી પોતાના આંબાવાડીયામાં વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન લઈ રહ્યાં છે. અને હવે પાંચેક કિલોનું ફળ વિકસાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.
ત્રણ ભાઈઓમાં બીજા નંબરના ઉકાભાઈ પ્રગતિશીલ ખેડૂત છે. કંઈને કંઈ નવું કરવું એ તેમનો જીવન મંત્ર બની ગયો છે. ઉકાભાઈએ પોતાના આંબાવાડીયામાં રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ જાતોની કેરીઓ ઉછેરી છે. ઉત્તરપ્રદેશની રેસાવિહિન, સ્વાદે મીઠી, ઘાટી કેસરી અને વધુ ફાલ આપતી આમ્રપાલી, દશેરી અને બનારસી લંગડો, મહારાષ્ટ્રની લીલેશાન કે જે ખાવામાં અને અથાણામાં પણ કામ આવે છે. બાટલી, તોતાપુરી અને સૌરાષ્ટ્રની શાન કેસર કેરી તો ખરી જ. આ ઉપરાંત સ્પેશ્યલ રસની કેરી નાળિયેરી, મુરબ્બા અને છુંદ્દામાં માફક આવતી કેપ્ટન, દેશી કેરી અને છેક શ્રાવણ માસમાં પાકતી શ્રાવણીયો કેરી પોતાના આંબાવાડીયામાં ઉછેરી છે. ઉકાભાઈએ અનેક અખતરા કરી પાયલોટ જાત વિકસાવી છે. જેનું ફળ બે થી અઢી કિલોનું છે. હવે તેઓ પાંચેક કિલોનું ફળ વિકસાવવા પ્રયત્નો કરી રહ્યાં છે.
કેસરના ૧૪૪ અને અન્ય મળી કુલ ૧૬૦ આંબાનો બગીચો ધરાવતા ઉકાભાઈની વાડીમાં બીલ્લી, રાવણા, લીંબુ, બીજોરા, નાળીયેરી, સરગવો અને કરમદાના વૃક્ષો પણ છે. ઉકાભાઈ ર્વાિષક ૭૦૦ થી ૮૦૦ મણ કેરીનો પાક લે છે. દેશી ખાતરનો જ ઉપયોગ કરે છે. વિલાયતી દવાનો બિલકુલ ઉપયોગ કરતા નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192339

જામવાળામાં એક, ગીરગઢડામાં અડધો ઈચ, સા.કુંડલામાં ઝાપટા.

Jun 10,2010
રાજકોટ તા.૯ ફેટ વાવાઝોડાની અસરમાંથી મૂકત થયા બાદ હવે, પ્રિ-મોન્સૂન એકટીવિટી ચાલુ થઈ ગઈ છે. લોકલ લેવલે બંધાયેલા વાદળો વરસતા જામવાળામાં એક ઈંચ અને ગીરગઢડા, સાવરકુંડલા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટમાં ભારે બફારો અને ગરમી અનુભવાઈ હતી. મહત્તમ તાપમાન ૩૮.૨ ડિગ્રી સે. નોંધાયું હતું.
આજે ભારે ગરમી બાદ ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ કાળા ડીબાંગ વાદળાઓએ આકાશને ઘેરી લીધું હતું. ગીરગઢડામાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. આ સિવાય ઉના તાલુકાના જુડવડલી, જરગલી, સનવાવ સહિતના ગામડાઓમાં અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જામવાળામાં ચાર વાગ્યે ભારે અફડાતફડી સાથે વરસાદ આવતા એક ઈંચ પાણી પડી ગયું હતું. સાવરકુંડલા શહેર અને તાલુકામાં સવારથી જ કાળા ડીબાંગ વાદળાઓ છવાયા બાદ બપોરે ભારે ઉકળાટ બાદ પોણા ચાર વાગ્યે જોરદાર ઝાપટાઓ પડી ગયા હતાં. તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે ઝાપટા પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. અમરેલીમાં સાંજના વરસાદનું વાતાવરણ જામ્યુ છે. આકાશમાં ઘનઘોર વાદળાઓ જામ્યા છે. શહેરમાં મહત્તમ ૩૯ ડિગ્રી તાપમાન રહ્યા બાદ ઠંડો પવન ફુંકાવાનો શરૃ થયો છે. આજે જામનગર જિલ્લામાં મહતમ તાપમાન ૩૬ ડિગ્રી અને જુનાગઢમાં મહતમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=193470

Wednesday, June 9, 2010

નાના જીવોની અજબગજબની જીવસૃષ્ટિ વિષે આપણે શું બહું ઓછું જાણીએ છીએ ?

ડિસ્કવરી - ડૉ. વિહારી છાયા છાપો ઈ-મેલ
શતદલ
આના લેખક છે GS NEWS   
સોમવાર, 07 જુન 2010
નાના જીવોની અજબગજબની જીવસૃષ્ટિ વિષે આપણે શું બહું ઓછું જાણીએ છીએ ?
આપણાં પગ તળેની એક ઘન ફૂટ માટીમાં નાનકડા જીવોની અદ્ભુત સૃષ્ટિ
જમીનની સપાટી અને ઉપરના સ્તરોમાં વસતી નાના જીવોની દુનિયા પૃથ્વી પર જીવન ટકાવવા આવશ્યક છે
જંગલી ઘાસ અને નિંદામણમાં અગણિત જંતુઓ સરકતા અને ગણગણતા હોય છે. અનેક ઇયળો અને કીટકો હોય છે. જેના નામ પણ ખબર નથી તેવા મરડાતા અને સંતાવા માટે નાસભાગ કરતા જીવો બગીચાની માટી ઉથલાવીએ ત્યારે જોવા મળે છે. પાંખવાળી કીડીઓ તેના માળાને અકસ્માત તોડવામાં આવે ત્યારે ઉડાઉડ કરતી જોવા મળે છે. આવી અદ્ભુત જીવસૃષ્ટિ આપણા પગ તળેની જમીનમાં હોય છે.
Descovery.gif પણને આપણા પગ નીચેની જીવસૃષ્ટિનો અંદાજ નથી. એક તસ્વીરકારે વિવિધ સ્થળોની ત્રણ અઠવાડિયા સુધી એક ઘનફૂટ માટીમાં એક મિલિમીટર કે તેનાથી મોટા જીવોની તસ્વીરો લીધી તો તેની સમક્ષ એક હજારથી પણ વઘુ જીવો તેમાં વસવાટ કરતા જણાયા એક ચોરસફૂટમાં દંગ રહી જવાય તેવી જીવસૃષ્ટિ જોવા મળી તે બહુ ઓછા લોકો જાણે છે તેવી ગુપ્ત સરહદ છે.
જમીનપર કોઈ પણ કુદરતી આવાસોમાં, જંગલની ઘટાઓમાં કે પાણીમાં તમારી નજર પ્રથમ તો મોટા પ્રાણી તરફ ખેંચાય છે. તેમાં પંખીઓ, આંચળવાળા એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ, માછલીઓ અને રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. પરંતુ ધીમે ધીમે તેના કરતા સંખ્યામાં ઘણાં વધારે નાના નાના નિવાસી જીવો મોટા જીવોને ક્યાંય પાછળ રાખી દે છે. ત્યાં જંગલી ઘાસ અને નીંદણમાં અગણિત જંતુઓ સરકતા અને ગણગણતા હોય છે. ઇયળો હોય છે જેના નામ પણ ખબર નથી તેવા બગીચાની માટીમાં છોડ રોપવા ઉથલાવીએ ત્યારે મરડાતા અને સંતાવવા માટે નાસભાગ કરતા જીવો જોવા મળે છે.
તેમાં પાંખવાળી એવી કીડીઓ હોય છે જેના ટોળા તેના માળાને અકસ્માત તોડવામાં આવે ત્યારે ઉડાઉડ કરી મૂકે છે. પીળા પડી ગયેલા ઘાસના મૂળને ખોદતાં તેમાંથી વંદા જેવા જીવડા નીકળી આવે છે. તમે પથ્થરને ઉથલાવો છો ત્યારે ત્યાં તો વળી ઘણાં જીવો જોવા મળે છે. તમે નવજાત કરોળિયા અને ફુગના તાંતણાની જાળી નીચે છૂપાયેલા અજાણ્યા વિવિધ જાતજાતના પીળાશ પડતાં જંતુઓ જોવા મળે છે. નાનકડા બીટલ એકદમ આવતા પ્રકાશથી સંતાય જાય છે અને જમીનમાં છુપાયેલા નાના જીવડા પોતાના પગ અને અન્ય અંગોને સંકોચીને સુરક્ષિત દડામાં પરિણમે છે. ખજૂરી જેવા શતપાદી અને બહુપાદી જીવો, સરિસૃપો તેમના માપના દરમાં અને તિરાડોમાં સંકોચાઈને પણ ધૂસી જતા હોય છે.

આપણને એવું લાગે કે આપણાં પગ નીચેના નાનકડા પ્રદેશમાં નિવાસ કરતા જીવો સાથે માનવીને લાગતું વળગતું નથી. માટીના દાણાઓની આસપાસ સ્થિર થયેલા તેમજ તરતા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સાથે જમીન પર વસતા જીવો સાથે પૃથ્વી પરના હૃદય સમાન છે. જે ભૂપ્રદેશના ખંડમાં તે નિવાસ કરે છે તે ઘૂળ અને રેતીના કણોનું માત્ર માળખું નથી પરંતુ તેનો સમગ્ર જમીની નિવાસ જીવંત છે. આ જીવો નિષ્ક્રિય કણોની આસપાસ વહેતા દરેક પદાર્થને ઉત્પન્ન કરે છે.
જો બધા જીવો કોઈ એક ઘનફૂટમાંથી અદ્રશ્ય થઈ જાય તો તેમાંનું પર્યાવરણ, પાયામાંથી નવી સ્થિતિમાં ખસી જશે. માટીના કે ઝરણાના પટના અણુઓ સંકીર્ણ ન રહેતાં નાના અને સરળ થઈ જશે હવામાનાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા વાયુના ગુણોત્તરો બદલાઈ જશે. સંપૂર્ણ રીતે નવું સંતુલન સ્થપાશે જેથી તે ઘનફૂટ કોઈ દૂરના નિર્જીવ ગ્રહનો હોય તેવો થવા લાગશે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવમંડળ (બાયોસ્ફીયર) છે આ જીવનનું પાતળું ઝિલ્લીમય સ્તર આપણું એકમાત્ર ઘર છે તે એકલુ જ આપણને જીવવા માટે જે પર્યાવરણની જરૂર છે તેને જાળવે છે.
જીવ મંડળના મોટા ભાગના જીવો અને વિશાળ સંખ્યામાં તેની જાતિઓ તેની સપાટી પર કે સ્હેજ નીચે માલુમ પડે છે. જો કે તેમના શરીરો રાસાયણિક પ્રક્રિયાઓના ચક્રોમાંથી પસાર થાય છે જેના પર બધા જ જીવન આધારિત છે. તેની ચોકસાઈ એટલી હોય છે કે તેને આપણી કોઈ આઘુનિક ટેકનોલોજી પહોંચી ન શકે. ઉપરથી નીચે પડતી મૃત વનસ્પતિ અને પ્રાણીજ પદાર્થોનું તેની કેટલીક જાતિઓ વિઘટિત કરી નાંખે છે. વળી આ સફાઈનું કામ કરતી જાતિઓને અમુક વિશિષ્ટ ભક્ષકો અને પરજીવો આરોગે છે. તેના કરતા પણ ઉંચી જાતિના જીવો તેનું પણ ભક્ષણ કરે છે. આમ બધા સાથે મળીને જન્મ અને મૃત્યુની લેવડદેવડ કરતા કરતા વનસ્પતિને પ્રકાશ સંશ્વ્લેષણથી પોતાનો ખોરાક બનાવવા વનસ્પતિને પોષક તત્ત્વો પરત કરે છે. આ સાંકળ જો સરળતાથી કાર્ય કરતી ન રહે તો જીવમંડળનું અસ્તિત્વ ભૂંસાય જાય.
આમ આપણને બધા જ જૈવિક દળ (બાયોમાસ) અને જૈવિક વૈવિઘ્યની આવશ્યકતા છે. જેમાં પેટે ચાલતા અને ભાખોડિયા ભરતા બધા જ જીવો આવી જાય છે. આટલો જીવનોપયોગી ફાળો આપવા છતાં જમીન પર કે સ્હેજ નીચે વસતી જીવસૃષ્ટિથી આપણે પ્રમાણમાં અજાણ છીએ. વૈજ્ઞાનિકો પણ ઘણાં અજાણ છે. આપણને જાણીને આશ્ચર્ય થશે. ફુકાની પંદર લાખ જાતિઓ અસ્તીત્વમાં છે તે પૈકી હજુ સુધીમાં અંદાજે ૬૦,૦૦૦ જાતિઓની શોધ થઈ છે. અને તેનો અભ્યાસ થયો છે. તેમની સાથે માટીમાં સૌથી વધારે વિપુલ જથ્થામાં મળી આવતાં જીવો પૈકી ‘સૂત્રકૃમિ’ઓ જેને ‘રાઉન્ડવોર્મ’ કહે છે તે મળી આવે છે. તેની સેંકડો હજારો જાતિઓની ઓળખ થયેલ છે. પરંતુ તેનો સાચો આંકડો તો લાખો-કરોડોમાં હોઈ શકે છે. પરંતુ ફુગ અને રાઉન્ડવોર્મને ક્યાંય પાછળ રાખી દે તેવી સંખ્યા બીજા તેનાથી પણ નાના જીવોની છે. આપણાં બગીચાની એક ચપટી માટી કે જે લગભગ એક ગ્રામ હશે તેમાં લાખો-કરોડો બેકટેરિયા જીવી રહ્યા છે. આ બેકટેરિયા કેટલીક હજાર જાતિના બેકટેરિયા હશે.
આ જગતમાં ૧૨૦૦૦ કીડીની જાતિઓ વર્ણવવામાં આવેલ છે. તે વધારે સારી રીતે અભ્યાસ થયેલ જીવાતો પૈકીની છે. તેમ છતાં બહુ સારી રીતે ધારી શકાય તેમ છે કે તેની ખરેખર સંખ્યા બમણી કે ત્રણ ગણી હોઈ શકે છે. ઈ.સ. ૨૦૦૩માં એક તજ્જ્ઞએ મોટા માથાંવાળી કીડીઓનો અભ્યાસ પૂરો કર્યો. પશ્ચિમ ગોળાર્ધમાં આ કીડીની પ્રજાતિ ‘ફેઈડોલે’ છે. સજીવોના વર્ગીકરણમાં કોઈ એક પ્રજાતિઓમાં અનેક જાતિઓ હોય છે. આ પ્રજાતિ એવી છે જેની સૌથી વધારે જાતિઓની ઓળખ થયેલ છે. અને બધી જ કીડીઓમાં સૌથી વધારે સંખ્યામાં અને વ્યાપક છે. આ કીડીઓ મોટા માથાવાળી હોય છે. તે તજ્જ્ઞે તેના પર ૧૮ વર્ષ શોધખોળ કરી. ૧૮ વર્ષ સુધી કટકે કટકે કરેલા અભ્યાસ પછી તેણે ૬૨૪ જાતિઓ શોધી કાઢી તે પૈકી ૩૩૭ જાતિઓ વિજ્ઞાનમાં નવી હતી. અત્રે યાદ રહે કે દરેક જાતિમાં કીડીઓની સંખ્યા તો અગણિત હોય છે.
પરંતુ તે પૈકી એકાદ ડઝન જાતિઓનો ઘનિષ્ટ રીતે અભ્યાસ કરવામાં આવેલ છે. ઉપરોક્ત તજ્જ્ઞે સૌથી નાની કીડીઓ પૈકીની કીડીની જાતિ શોધી કાઢી છે. તેનો ખોરાક ‘ઓરિબેટેડ માઈટ’ નામની તેનાથી પણ નાની જીવાત છે. આમ તો શૂન્ય ‘૦’ કરતા પણ ઘણી નાની છે પરંતુ તેનો દેખાવ એવો છે જાણે કે કરોળિયા અને ટટેલ (કાચબા) જેવું નાનું પ્રાણી)ની સંકર જાતિ હોય તેવી લાગે છે. ‘આરિબેટિડ’ તેના માપના જે જીવો માટીમાં સૌથી વિપુલ પ્રમાણમાં છે તે પૈકી એક છે. એક ઘનફુટમાં તે હજારોની સંખ્યામાં હોઈ શકે. તેમ છતાં તેની વિવિધતા અને તેની ‘રહેણી-કરણીથી મહદ્અંશે આપણે અજાણ છીએ. કીડી વિશે જાણીએ છીએ તેના કરતાં ઓછું જાણીએ છીએ.’
જમીનના સ્તરે જીવો કાંઈ વિવિધ જાતિઓના જીવોનું અસ્તવ્યસ્ત મિશ્રણ નથી કે તે અહીંતહીં વેરેલા ફુગ, બેકટેરિયા, કૃમિઓ, કીડીઓ અને અન્ય જીવોનો શંભુમેળો નથી. દરેક જૂથની જાતિઓનું સ્તરીકરણ થયેલ છે. જેમ જેમ ઉંડે જઈએ નિશ્ચિત રીતે જીવોની જાતિના સ્તર બાઝ્યાં હોય છે. જમીનની સહેજ ઉપરની સપાટી પરથી જેમ જેમ નીચે જઈએ તેમ તેમ સુક્ષ્મ પર્યાવરણની પરિસ્થિતિ ધીમે ધીમે પણ નાટકીય રીતે બદલાય છે. એકેક ઈંચ નીચે જઈએ તેમ પ્રકાશ અને તાપમાનનું વિસ્થાપન થાય છે એટલે કે બદલાવ આવે છે. દરોના માપ બદલાય છે. હવામાનાં રસાયણો બદલાય છે. માટી અને પાણીમાં રસાયણ વિજ્ઞાન પણ બદલાય છે. જે ખોરાક ઉપલબ્ધ હોય તેના પ્રકાર પણ બદલાય છે અને જીવોની જાતિઓ બદલાય છે. આ બધાં ઘટકોનું છેક સુક્ષ્મદર્શકના લેવલ સુધી સંયોજન સપાટીનાં કુદરતી પારિસ્થિતિકીનું તંત્રને નિશ્ચિત કરે છે. દરેક જાતિ ખાસ જગ્યામાં જીવવા અને પ્રજનન કરવાની ખાસિયત ધરાવે છે. જમીનમાં સપાટીથી ઊંડે જતાં જે કુદરતી પારિસ્થિતિકીના લેવલ રચાય છે તે વિવિધ જાતિઓને ખાસ જગ્યા પૂરી પાડે છે.
માટીનો અભ્યાસ અને ખાસ કરીને જમીનના લેવલનું જીવવિજ્ઞાન ઝડપથી વિજ્ઞાનની એક શાખા તરીકે વિકસી રહ્યું છે. હવે બેકટેરિયા અને અન્ય સુક્ષ્મજીવો તેમના ડીએનએ પરથી ઓળખી શકાય છે. ડીએનએ એટલે શું તેવો પ્રશ્ન થાય? કોઈપણ જીવ, પછી તે સુક્ષ્મ હોય કે વિરાટ, કોષોનો બનેલો છે. બેકટેરિયા જેવા જીવ એક કોષી હોય છે, જ્યારે મોટા જીવો બહુકોષી હોય છે. પરંતુ દરેકમાં તેનો કોષ જીવનનું એકમ છે. કોષના કેન્દ્રમાં નાભિ હોય છે. નાભિમાં ‘ડીએનએ’ના ટૂંકા નામથી ઓળખાતો અણુ હોય છે. આ અણુ અતિ લાંબો હોય છે. તેની સંરચના તે જેનો અણુ હોય છે તે જીવની કિતાબ જેવો છે. તેથી ‘ડીએનએ’ પરથી તે કઈ જાતિનો જીવ છે તે નિશ્ચિત કરી શકાય છે. વધારે અને વધારે સંખ્યાની જીવાતો અને અન્ય અપૃષ્ઠવંશી (કરોડરજ્જુ વિનાના) પ્રાણીઓના જીવનચક્રોથી વિજ્ઞાન ઘણાખરા માટે અજાણ છે. તેની મેદાનોમાં, ખેતરોમાં, જંગલોમાં, જળાશયોમાં તેમજ પ્રયોગશાળા ખોજ ચાલી રહી છે.
એક નાનકડું જગત ખોજની એટલે કે અન્વેષણની રાહ જોઈ રહેલ છે. જેમ જેમ સપાટીની જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને વધારે બારીકાઈથી તપાસવામાં આવે છે તેમ તેમ જીવનની આંતરિક ઘડિયાળની યંત્રણા વધારે તેમજ વધારે આશ્ચર્ય ઉપજાવે તેવી વિગત પ્રચુર ઉભરી આવી રહેલ છે. થોડા સમયમાં આ ભવ્ય પણ નાની કુદરતી પારિસ્થિતિકીને મૂલવવા પૂરેપૂરા તૈયાર થઈ જઈશું.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/65142/248/

પરમીટ વગર લઈ જવાતા ર૦ ટન લાકડાં કબ્જે કરાયાં.


Jun 08,2010
જૂનાગઢ, તા.૭ :
જૂનાગઢના સાબલપુર ચોકડી બાયપાસ ખાતેથી આજે વહેલી સવારે વનવિભાગે વહન પરમીટ વગર લઈ જવાતા ર૦ ટન લાકડાનો જથ્થો ઝડપી લઈને રૃ.૮ હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ વિશેની મળતી વિગતો અનુસાર જૂનાગઢ વનવિભાગની ડૂંગર ઉત્તર રેન્જના નવનિયુક્ત આર.એફ.ઓ. વી.પી.ઠુંમર અને ફોરેસ્ટર કે.બી.સોંદરવા તેમજ શામળા, પીઠીયા, હરિયાણી વગેરે સ્ટાફે આજે વહેલી સવારે સાબલપુર બાયપાસ ખાતેથી લાકડા ભરીને લઈ જતા બે ટ્રકને રોકી ચેક કરતા તેઓની પાસેથી વહન પાસ નહોતા.
જૂનાગઢ જિલ્લાના રેવન્યુ વિસ્તારમાંથી કપાયેલા આશરે ર૦ ટન જેટલા લાકડા પરમીટ વગર લઈ જવા બદલ જૂનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં લાતી ચલાવતા હસુભાઈ સાંગ્રોદ્રા સામે ભારતીય વન અધિનિયમની કલમ ૪૧બી હેઠળ કાર્યવાહી કરીને રૃ.૮ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192919

સોરઠભરમાં વંટોળિયા સાથે વરસાદ.

Bhaskar News, Junagadh
First Published 02:50 AM [IST](07/06/2010)
Last Updated 3:00 AM [IST](07/06/2010)
vantodia_288માંગરોળ-માણાવદર-જૂનાગઢ-ઊના-તાલાલામાં ૧ થી ૫ મીમી વરસાદ નોંધાયોઅરબી સમુદ્રમાં ઉદભવેલા ફેટ વાવાઝોડાંની પ્રણાલિની અસરરૂપે આજે બપોરે જૂનાગઢ જિલ્લામાં ભારે વંટોળિયા સાથે ઠેરઠેર વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, પવન પડી જતાં વરસાદ પણ થંભી ગયો હતો. જિલ્લાનાં માર્ગો પર ભારે પવનને પગલે ઝાડ પડી જવાનાં બનાવો પણ બન્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં આજે બપોરના અરસામાં ઠેરઠેર જોરદાર પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, પવન પડી જતાં વરસાદ સાથોસાથ જ શાંત પડી ગયો હતો. વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું હતું.
જિલ્લા ફ્લડ કંટ્રોલમાં માંગરોળમાં ૫ મીમી, માણાવદરમાં ૪ મીમી, તાલાલામાં ૨ મીમી, જૂનાગઢમાં ૧ મીમી, ઉનામાં ૧ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે કેશોદ, શીલમાં છાંટા પડ્યા હતા. બાંટવામાં ઝરમરિયો વરસાદ થયો હતો. વીસાવદરમાં બપોરનાં બે વાગ્યે જોરદાર ઝાપટું વરસ્યું હતું. ઉનામાં ગત મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ ભીના બન્યા હતા.
ઝાડ પડતાં રસ્તો બંધ
બપોરનાં સમયે વીસાવદર-માંડાવડ રોડ ઉપર વંટોળિયાને લીધે મોટી પીપળ રસ્તા પર પડતાં અડધો કલાક માટે રસ્તો બંધ થઇ ગયો હતો. બાદમાં ગામલોકોએ વૃક્ષને હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો.
ગીરમાં સહેલાણીઓએ વરસાદની મોજ માણી
તાલાલા તાલુકામાં ગીરનાં જંગલમાં ભારે પવન અને ધુળની ડમરીઓ ચઢ્યા બાદ વરસાદી ઝાપટાં પડતાં સહેલાણીઓએ વરસતા વરસાદમાં જંગલની વનરાજીને માણી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-in-sorath-raining-1036307.html

ACF અને RFOની પરીક્ષામાં મેગેઝિનમાંથી બેઠેબેઠા પ્રશ્નો પૂછાયા.

Bhaskar News, Junagadh
First Published 03:07 AM [IST](09/06/2010)
Last Updated 3:51 AM [IST](09/06/2010)
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં એસીએફ અને આરએફઓની ભરતી માટે પ્રિલીમિનરી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પૂછવામાં આવેલાં ૧૫૦ પ્રશ્નોમાંથી ૫૦થી વધુ પ્રશ્નો એક મેગેઝીનનાં મોડલ પેપરમાંથી બેઠેબેઠા પૂછાયા હતા. ગાણિતીક પ્રશ્નો પણ મેગેઝીનના મોડલ પેપરમાંથી મુકી દેવાતા ઉમેદવારોમાં અનેકવિધ ચર્ચાઓ થઇ રહી છે.
આ અંગેની વધુ વિગત મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એસીએફ અને આરએફઓની જગ્યા માટે ગત તા.૩૧-૫નાં પ્રિલીમિનરી પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાંથી હજારો ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. પ્રિલીમિનરી પરીક્ષામાં પૂછાયેલા દોઢસો સવાલોમાંથી ૫૦ થી વધુ સવાલો ગુજરાતનાં એક સામિયકનાં મોડલ પેપરમાંથી જ પૂછાયા છે. ગાણિતીક પ્રશ્નો પણ કોઇ પણ જાતનાં ફેરફાર વગર બેઠેબેઠા મુકી દેવાયા છે.
જીપીએસસી કક્ષાની પ્રિલીમિનરી પરીક્ષામાં કોઇ એક મેગેઝીનનાં મોડલ પેપરમાંથી બેઠેબેઠા પ્રશ્નો પણ કોઇ ફેરફાર વગર મુકી દેવાયા છે. જીપીએસસી દ્વારા લેવાયેલી પ્રિલીમિનરી પરીક્ષામાં મોડલ પેપરમાંથી પ્રશ્નો પૂછાતા આ પરીક્ષા આપનાર ઉમેદવારોમાં ચર્ચાઓ થઇ રહી છે.
અમુક ઉમેદવારોએ તો એમ પણ જણાવ્યું હતું કે, આ પેપર કરતાં તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી તલાટીમંત્રીની પરીક્ષાનું પેપર હાર્ડ હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-acs-and-rfo-exam-1042328.html

Monday, June 7, 2010

કાદવમાં ખૂંપી ગયેલા કાળા કાજીયાને બાળકોએ બચાવ્યું

Jun 05,2010 પોરબંદર તા.પ :
પોરબંદરના કડીયા પ્લોટ-મફતિયાપરાની ખાડીના કાદવમાં ફસાઈને ઘવાયેલા કાળા કાજીયા નામના પક્ષીનો બે ભુલકાઓએ જીવ બચાવ્યો હતો.કડીયા પ્લોટમાં સૌથી વધુ કબુતરોને આશરો તથા ઈજા વખતે સારવાર આપતા આસીફ બ્લોચની પક્ષી બચાવવા તૈયાર કરેલી ટીમના બે ભુલકાઓ જેનીસ કામળ અને અજય જેઠવા ખાડી નજીકના ખોડીયાર માતાજીના પાસેથી પસાર થતાં હતા. ત્યારે  કાંઠાના કાદવમાં ફસાઈને કાળો કાજીયો તરીકે ઓળખાતુ પક્ષી તરફડી રહ્યું હતું, તેને જોઈને બંને ભુલકાઓએ કાદવમાં ઉતરીને ઉડી નહી શકતા આ પક્ષીને બહાર કાઢી આસીફ બ્લોચ મારફતે સારવાર અર્થે અભ્યારણ્યમાં ખસેડયું હતું. જયારે નેચર કલબના ડો. નીતિન પોપટ, આર.એફ.ઓ. ગોઢાણીયા, સુરેશભાઈ જોશી વગેરેએ સારવાર આપી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192432

સૌરાષ્ટ્ર-કચ્છમાં શૂટિંગ જીવનની યાદગાર પળો : અમિતાભ બચ્ચન.

રાજકોટ તા.૫:
ગુજરાત ટુરિઝમ માટે ખૂશ્બુ ગુજરાત કીડોક્યુમેન્ટરી માટે કચ્છ, સાસણ-ગીર અને બાદમાં સોમનાથ ખાતે શૂટિંગ પૂર્ણ કરી આજે સવારે ૧૦ કલાકે અમિતાભ બચ્ચન દિવથી મુંબઈ જવા રવાના થયા હતાં. આ પહેલાં તેમણે તેમનાં બ્લોગમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં શૂટિંગ એ મારા જીવનની યાદગાર પળો બની રહેશે. કચ્છ, સાસણ અને સોમનાથ વિષે વાંચ્યું જ હતું. પરંતુ તેની મૂલાકાત રોમાંચક બની રહી. ત્રણે સ્થળે શૃટિંગથી મને બેહદ આનંદ થયો છે.
સોમનાથ મંદિરના કલાત્મક સ્થંભ અને તેની કોતરણી અત્યંત આકર્ષક છે, દેશના બાર જયોતિલીંગમાં સોમનાથનો સમાવેશ કરાયો છે. તેનો ઉલ્લેખ પણ બ્લોગમાં કર્યા છે. જળ અને જમીન બંને એક જ જગ્યાએ હોય તેવું આ પ્રાચિન મંદિર કદાચ દેશમાં કોઈ અન્ય જગ્યાએ નહીં હોય, કારણ કે, સોમનાથ મંદિરમાંથી અફાટ સમુદ્રના દર્શન થઈ શકે છે. તેમ, બચ્ચને કહ્યું હતું. સોમનાથ મંદિરના ઈતિહાસની માહિતી પણ તેને સ્પર્શી ગઈ હતી.ગઈ કાલે સોમનાથમાં શૂટિંગ કરી સાંજે તેઓ સાસણ સિંહ સદનમાં પરત આવ્યા હતાં. અહીં રાત્રી રોકાણ કરીને આજે સવારે હળવો નાસ્તો કર્યા બાદ સાડા સાતેક વાગ્યાના અરસામાં સાસણથી વન વિભાગના ડી.સી.એફ. સંદિપકુમાર અને સ્ટાફે તેઓને વિદાય આપી હતી. બે કલાકની મુસાફરી બાદ અમિતાભ દીવ પહોંચ્યા હતાં. જ્યાંથી સવારે ૧૦ કલાકે તેઓ હવાઈ માર્ગે મુંબઈ જવા રવાના થયા હતાં. ગિર જંગલમાં વસતા સિંહો અને પ્રકૃતિસભર માહોલને ચાર દિવસ સુધી માણીને તેઓ ભારે ખુશ બન્યા હતાં. તેમજ વનવિભાગની કામગીરીને તેઓએ બિરદાવી હતી.
સિંહો વચ્ચે રહેવાની ખૂબ જ મજા પડી : બીગ બી
તાલાલા તા,પ : સિંહો વચ્ચે રહેવાની ખૂબ જ મજા પડી. સિંહ-સદન ખાતે રહેવાની વ્યવસ્થા ખૂબ જ સારી હતી. તેવું અમિતાભે સિંહ-સદન ખાતે લખેલી નોંધમાં જણાવ્યું હતું. તેમણે તમામ સ્ટાફ સાથે તસ્વીરો પડાવી તેઓને ખૂશ કરી દીધા હતાં. સિંહ-સદનમાં અમિતાભ માટે ભોજન તૈયાર કરનાર વીરસભાઈ દવે કહ્યું કે, તેલ અને સ્યુગર વગરનું સાદુ ભોજન જ તેઓ લેતા હતાં. ખાસ કરીને બટાટાનું શાક અને દહીં તેમને પ્રિય હતાં. બસએસએનએલની બ્રોડ બેન્ડ સેવાના પણ તેમણે વખાણ કર્યા હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=192427

Saturday, June 5, 2010

હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો.


Jun 03,2010

ધારી તા.૩
ધારી તાલુકાના કાંગસાની સીમમાં એક દીપડાનો મૃતદેહ લાંબા સમયથી પડયો હોવાની વનખાતાને ગામલોકોએ જાણ કરતાં વનવિભાગે સફાળા જાગીને કાંગસાની સીમમાં જઈ દીપડાની લાશનો કબજો લઈ લાશના સ્થળે જ પોસ્ટમોર્ટમ કર્યુ હતું. આ દીપડાના શબ પર જીવાત પડી ગઈ હતી.અને આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ મારતો હતો.વનવિભાગે કાંગસા આવીને દીપડાની લાશને કબજે લઈ ઘટનાસ્થળે જ પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડાના પગમાં બધા નખ યથાવત મળ્યા હતા. વનખાતાના અધિકારીએ વિસેરા લઈને તપાસ માટે મોકલી આપ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191898

અમરેલી જિલ્લામાં ગીધની વસ્તીમાં ઘટાડો જણાયો.


Jun 02,2010
રાજુલા તા.ર :
અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલી ગીધની વસ્તી ગણતરીમાં ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. નાગેશ્રી પંથકમાં ૭૦ જેટલા ગીધના આવાસો જણાયા પણ વસ્તી માત્ર ર૮ ગીધની જોવા મળી હતી.
અમરેલી જિલ્લામાં ગત તા.ર૯ અને ૩૦ એમ બે દિવસ સુધી ગીધની વસ્તી ગણતરીની કામગીરી શરૃ કરવામાં આવી હતી. વસતી ગણતરીનું કામપુરૃ થઈ જતાં ગીધની વસ્તીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
તા.ર૯ના રોજ શરૃ કરવામાં આવેલ ગીધની વસતી ગણતરી દરમિયાન ધારી-તુલશીશ્યામ વચ્ચેના જંગલમા માત્ર ચાર થી પાંચ ગીધ  જ જોવા મળ્યા હતા. અગાઉ આ વિસ્તારમાં ગીધની સંખ્યાં મોટી જોવા મળી હતી. ત્યારે અચાનક ગીધની વસ્તીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
નાગેશ્રી પંથકમાં બીન સતાવાર રીતે મળતા અહેવાલ મુજબ ૭૦ જેટલા ગીધોનો આવાસ હોય પરંતુ ગીધની વસ્તી ગણતરી દરમિયાન માત્ર ર૮ ગીધ જ નજરે પડયા હતા. તો બાકી ગીધો કયાં ગયા તે પણ પણ એક તપાસનો વિષય છે.
રાજુલાના ખાખ બાઈ  વિસ્તારમાં આ ગીધની વસ્તી ગણતરી કાર્યક્રમ દરમિયાન રર ગીધો જોવા મળ્યા હતા. જયારે મહુવા પંથકમાં ગીધની વસ્તી પ૭ જેટલી જોવા મળી હતી. ગીધ વરસો વરસ ઘટતા જશે તો કુદરતનું એક સફાઈ કામ કરતુ પક્ષી લુપ્ત થઈ જશે. માટે જંગલખાતા દ્વારા ગીધ બચાવ અભિયાન ધરાવ તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગણી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191642

Friday, June 4, 2010

પવનના વાંકે નહીં પણ પચાસલાખના કૌભાંડના પાપથી તુટ્યું દિપડાંનું પાંજરૂ.


આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 04 જુન 2010
લોખંડના પાઈપના આંટા જ નીકળી ગયા! વાવાઝોડાની વાત જુઠ્ઠાણુ
પવનના વાંકે નહીં પણ પચાસલાખના કૌભાંડના પાપથી તુટ્યું દિપડાંનું પાંજરૂ

રાજકોટ,
રાજકોટમાં પ્રદ્યુમ્નપાર્ક ખાતે જેમાં બે દિપડાં હતા તે લોખંડનું રૂ।.૫૦ લાખના આંધણ કરીને બનાવાયેલું પાંજરૂ ધસી પડવાની ઘટનામાં કામમાં લાપરવાહી અને ભ્રષ્ટાચાર હોવાની શંકા પ્રથમનજરે જ જન્મી છે. સ્થળની તપાસ દરમિયાન લોખંડના પાઈપથી બનેલા પાંજરામાં બે પાઈપ વચ્ચેની કપલીન નીકળી ગયાનું અને આંટા ખુલ્લી ગયાની ગંભીર વિગતો બહાર આવી છે.
ચેરમેને લીધેલી મુલાકાતઃ પ્રવેશદ્વાર અને પાંજરૂં નવા બનાવીને પ્રજા પર એક કરોડનો બોજ નાંખવાનો નિર્ણય
પચાસ લાખ નહીં પણ પચાસ રૂપરડીનું લોખંડનું કામ થાય તેમાં રખાતી કાળજી પણ નહીં રખાયાનું આમજનતાના ઘ્યાન પર પણ આવ્યું છે પણ મ્યુનિ.કમિશનર બાદ આજે સ્થાયી સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા પછી પણ જવાબદારો સામે પગલા લેવાને બદલે તેમને કેમ છાવરવા તેનો પ્લાન ઘડાતો રહ્યો હતો.

ચેરમેને પાંજરાની સ્ટ્રક્ચરલ ડિઝાઈનનો અભ્યાસ શરૂ કર્યો છે તો મ્યુનિ.કમિશનરે થર્ડપાર્ટી તપાસ સોંપવા વાત કરી છે તો જેને તપાસ સોંપાઈ છે તે ટેક.એડવાઈઝરે અન્ય તજજ્ઞોને સાથે રાખીને તુરંત તપાસ શરૂ કરવાને બદલે તેમની તપાસ ઘટનાસ્થળે શરૂ થાય તે પહેલા ભ્રષ્ટાચારની ચાડી ખાતો માંચડો બદલી નંખાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

એકંદરે પ્રવેશદ્વાર તેમજ પાંજરૂ ધસી પડવાની ભયાનક બેદરકારી દર્શાવતી ઘટનાનું પુનરાવર્તન ટાળવા કડક પગલા લેવાને બદલે ભૂતકાળની માફક વઘુ એક વાર જવાબદારોને બચાવી લેવા અને નવા પાંજરા તથા પ્રવેશદ્વાર માટે પ્રજાની તિજોરીમાંથી એક કરોડ રૂ।.નું આંધણ કરવા વહીવટીતંત્ર તેમજ શાસકોએ સેટલમેન્ટ કરી લીધાનું ચર્ચાય છે.


આ ઉપરાંત ઝૂની દિવાલ જે ૧.૭૦ મીટર જેટલી ઊંચી છે તેને પણ ૨ મીટર ઊંચી દેખાડીને પૈસા વસુલાયાનું કૌભાંડ તેમજ એક્સ.મિલિટ્રીમેનના નામે સાદા ચોકીદારોને જ સિક્યુરિટી માટે મુકાયાની ફરિયાદ ખુદ કમિશનરને પણ મળી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/64960/149/

તાંત્રિક વિધિ માટે પકડેલા ઘુવડ સાથે એક ઝડપાયો.

Sunday, Jan 24th, 2010, 3:39 am [IST]
Bhaskar News, Amreli
owlધારીના જંગલ ખાતાના કર્મચારીઓએ આજે દલખાણિયા રેન્જમાં કાંગસા ગામેથી એક બંગાળી શખ્સને ઘુવડ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ ઘુવડને બંદી બનાવી તાંત્રિકવિધિ માટે લઈ જતો હોવાની શંકાથી તેની ધરપકડ કરાઈ હતી. ઘુવડને હવે જંગલમાં મુક્ત કરી દેવાશે.

અનેક તાંત્રિકો ઘુવડ જેવા પક્ષીઓનો તાંત્રિક વિધિ માટે ઉપયોગ કરે છે. કાંગસામાં એક બંગાળી શખ્સ પાસે આવી વિધિ માટે ઘુવડ હોવાની બાતમી મળતા દલખાણિયા રેન્જના આરએફઓ એ.ડી. અટારા સ્ટાફના બી.કે. મહેતા, કૌશિકભાઈ ત્રિવેદી વિગેરે સાથે ત્યાં દોડી ગયા હતા અને હસન બાદશાહ બંગાળી નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ શખ્સ પાસેથી થેલીમાંથી બંદી બનાવેલી હાલતમાં ઘુવડ મળી આવ્યું હતું. જંગલખાતાએ ઘુવડનો પણ કબજો સંભાળ્યો હતો. હાલમાં આ ઘુવડને ધારીની જંગલ ખાતાની કચેરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. વેટરનરી ડોકટર દ્વારા તેની ચકાસણી કરવામાં આવ્યા બાદ તેને પ્રાકૃતિક આવાસ જંગલમાં પુન: મુકત કરી દેવામાં આવશે.

બંગાળી શખ્સે આ ઘુવડ કયાંથી પકડ્યું તે જાણવા તેની પૂછપરછ શરૂ કરાઈ છે. તાંત્રિકો દ્વારા આ રીતે પક્ષી-પશુઓ અને તેના અંગો-ઉપાંગોને ગેરઉપયોગ મોટા પ્રમાણમાં ચાલે છે. કયારેક આ પ્રકારે કાર્યવાહી થાય છે. અન્યથા આવી ગતિવિધિ નિરંતર ચાલતી રહે છે. અગાઉ અન્ય પક્ષી પકડવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/24/100124033048_one_person_arrest_with_owl.html

અમરેલી જિલ્લામાં ૫૪ ગીધ.

Thursday, June 03, 2010 03:42 [IST]  
Bhaskar News, Amreli
First Published 03:42 AM [IST](03/06/2010)
Last Updated 3:03 AM [IST](03/06/2010)
અમરેલી જિલ્લામાં ગીધ જાણે હવે નામશેષ થઇ રહ્યા છે. તેની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. ચાર દિવસ પહેલા પૂર્ણ થયેલી ગણતરીમાં અમરેલી જિલ્લામાં માત્ર ૫૪ ગીધ હોવાનું નોંધાયું છે. જે પૈકી જંગલમાં તો માત્ર ચાર જ ગીધ છે. નવાઇની વાત એ છે કે જિલ્લામાં રાજુલા અને જાફરાબાદ તાલુકા સિવાય ક્યાંય ગીધ દેખાયા નહીં.

માણસને વિકાસની હરણફાળ ભરી હોવાનો ભ્રમ છે. પરંતુ વિકાસની દોટમાં પ્રકૃતિની ઘોર ખોદાઇ રહી છે. ગીધ જેવા પક્ષીઓની સંખ્યા એટલી હદે ઘટી છે કે જાણે તે નામશેષ થવા જઇ રહ્યા છે અમરેલી જિલ્લામાં તો સંખ્યા એટલી હદે ઘટી છે કે તે આંગળીના વેઢે ગણી શકાય.

જંગલખાતા દ્વારા ગત ૨૯ અને ૩૦ મી તારીખે ગીધની વસતીગણતરી હાથ ધરવામાં આવી હતી. ગણતરી દરમિયાને નાગેશ્રી પંથકમાં જુદી જુદી વાડીઓમાં ૨૮ ગીધ નજરે પડ્યા હતા. જ્યારે રાજુલા તાબાના ઝાંપોદર અને ખાખબાઇ ગામની સીમમાં જુદી જુદી વસાહતોમાં રર ગીધ મળી આવ્યા હતા.આ ઉપરાંત ગીર પૂર્વ જંગલમાં ગણતરી દરમિયાન તુલશીશ્યામ રેન્જમાં ચાર ગીધ નજરે પડ્યા હતા.

આ સિવાય ગીરની એકયે રેન્જમાં ગીધ નજરે પડ્યા ન હતા. એક સમયે ગીરમાં ગીધોની ભરમાર હતી પરંતુ સમયાંતરે વસતી ઘટતી ચાલી અને હવે સ્થિતિ એ છે કે, ગીર પૂર્વના જંગલમાં માત્ર ચાર જ ગીધ બચ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ગીર ગીધ વહિોણું બની જશે તે નક્કી છે.

જંગલ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં ૫૭ ગીધનો વસવાટ છે. રાજુલા જાફરાબાદ પંથકમાં ઓધ્યોગીકરણ વધુ પ્રમાણમાં છે છતાં ત્યાં ગીધ છે પરંતુ તે સિવાયના વિસ્તારમાં ગીધ નજરે પડતા નથી તે બાબત ઘણી સૂચક છે.

એક સમયે ગીધ વસાહતોથી જંગલ ભરપૂર હતું

ગીર પૂર્વમાં હાલમાં ભલે માત્ર ચાર ગીધ હોય પણ એક સમયે જંગલ ગીધથી ભર્યું ભર્યું હતું. આઝાદી પહેલા ગીરમાં ૭૮૨ નેસ હતા. હજજારો માલધારીઓ વસતા હતા. મરેલા ઢોર ગીધનો ખોરાક હોય તેની ભરમાર હતી. જંગલનો કાયદો કડક બનતા અને નેસડા તૂટી જતાં હાલમાં નેસની સંખ્યા જૂજ બચી છે.

માલઢોર પણ ઓછા છે. ધારીના પાણિયા પાસે તો ગીધ ખૂબ જ હતા. ગીધની ચરકના કારણે એક ડુંગરનું નામ ચરકિયો ડુંગર પડ્યું હતું. કનકાઇના પણ મોટી સંખ્યામાં ગીધ વસતા પરંતુ હવે માત્ર આ ગીધોની યાદ બચી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-only-54-vultures-in-amreli-district-of-guajrat-state-1025348.html

ધમાલ નૃત્ય જોઇ શહેનશાહ આફરિન.


Friday, June 04, 2010 02:01 [IST] 
Bhaskar News, Talala
First Published 02:01 AM [IST](04/06/2010)
Last Updated 9:28 AM [IST](04/06/2010)
saw ther adivasi folk dance big B happyસીદી યુવાનોના હેરતભર્યા દાવો જોઇ બિગબી પ્રભાવિત થયાખુશ્બુ ગુજરાતી નામની એડ ફિલ્મનાં શુટિંગ માટે સાસણ આવેલા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જંગલ સૃષ્ટિ નિહાળવા સાથે સિંહો સાથે કરેલા શુટિંગથી ભારે રોમાંચીત બન્યા હોય, જંગલની મુલકાતે આવતા પ્રવાસીઓને સિંહ સિવાય મોજ માણવા જેવા આદિવાસી ધમાલ નૃત્ય પણ હોય છે. આદિવાસી યુવાનો ડાન્સ કરી ટીમના સભ્યોનાં હેરતભર્યા દાવ જોઇ પ્રભાવિત બની બોલી ઉઠયા હતા કે વેરીગુડ ડાન્સ..

જંગલ અને સાવજોથી પ્રભાવિત થયા બાદ બીગબી ધમાલનૃત્ય જોઇને ખુશ થઇ ગયા હતા. ભાલછેલ ગામના પાદરમાં આવેલ હિરણ નદીની વચ્ચે અમિતાભ ધમાલ નૃત્ય નિહાળતા હોય તે શુટિંગ આજે બપોર બાદ કરવામાં આવ્યું હતું. સાસણનાં આદિવાસી યુવાનોનાં ૧૫ સભ્યોની ટીમે વિવિધ વેશભૂષા, ચિત્રકામ શરીરે કરી ધમાલ નૃત્ય કર્યું હતું. અને અમિતાભે આ યુવાનોની વચ્ચે ભેખડ ઉપર ઉભા ઉભા નૃત્ય નિહાળ્યું હતું અને સ્ટીલ ફોટોગ્રાફી કરી હતી.

હિરણેશ્વર મહાદેવ મંદિરની સામે નદીના પટમાં ધમાલ ડાન્સ કરતા યુવાનોનાં આગ સાથે ખેલવાના દાવ અને હવામાં ઘા કરી માથા ઉપર શ્રીફળ જીલી નાળીયેર તોડવાના જોખમી દાવો જોઇ બીગબી ખુશ થઇ ગયા હતા. અને ટીમના લીડર ઇમરાનને કહ્યું હતું કે, વેરી ગુડ ડાન્સ, બાદમાં અમિતાભે ફોટોગ્રાફી કરી હતી.

આજે શહેનશાહ સોમનાથ મંદિરમાં
બોલીવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચન શુક્રવારે સવારે દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવનાં મંદિરે પહોંચશે અને ભોલેનાથને શીશ ઝુકાવી પૂજન અર્ચન કરી દરિયાકિનારે શુટિંગમાં ભાગલેશે તેમ જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-saw-ther-adivasi-folk-dance-big-b-happy-1028136.html

Thursday, June 3, 2010

સિંહણોને જોતા જ અમે સાવધાન થયા : અમિતાભ.


Jun 02,2010
જૂનાગઢ તા.૨ :
ગુજરાત પ્રવાસનને પ્રોત્સાહિત કરવાના ભાગરૃપે તૈયાર થઇ રહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ખુશ્બૂ ગુજરાત કીના બ્રાન્ડ એમ્બેસેડર અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાસણ ગીરમાં શૂટિંગ કરા રહ્યાં છે. એશિયન સિંહોને જોઇ બોલિલૂડના ખ્યાતનામ કલાકાર અમિતાભ અભિભુત થઇ ઉઠયા હતા. જોકે,અમિતાભ બચ્ચનને ગીર વિશે પૂરતી માહિતી જ નથી પરિણામે તેમણે પોતાના બ્લોગ પર પણ ભાંગરો વાટયો છે અને લખ્યું છે કે, ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ ખસેડયા હતાં. જ્યાં તેમની સારી માવજત થઇ શકે, પણ કોઇક કારણોસર ત્યાંનું વાતાવરણ સિંહો માટે અનુકુળ નથી. પરિણામે, સિંહોને ગુજરાત પરત લવાયા છે, મને ખબર નથી કે, સિંહોને કેમ પરત લવાયા પણ સિંહો અત્યારે ગીરના જંગલોમાં મોજ માણી રહ્યાં છે. સિંહોના અસ્તિત્વ માટે હાલમાં બે જ પ્રદેશો છે.એક આફ્રિકા અને બીજું ભારત.સાસણ ગીરના શૂટિંગ વિશે અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, દીવથી અમે બે કલાકમાં ગીર પહોંચ્યા.અહીં થોડાક દિવસ શૂટિંગ કર્યાં બાદ અને સોમનાથ મંદિરે જઇશું.
ગીર પહોંચ્યાં બાદ અમે થોડાક આરામ કર્યો અને જંગલમાં પ્રવેશ કર્યો. સિંહની શોધ કરવાની હતી  એટલે અમે જંગલ વિસ્તાર છોડીને થોડાક સૂકા પ્રદેશમાં ગયા. અમારી ગાડીના આગળના ભાગે સિંહોનું પગેરું શોધનાર જાણકારોની ટુકડી જઇ રહી ત્યારે જ એક જાણકારે અમને સંકેત કર્યો કે, આટલા જ સિંહો હોવા જોઇએ. સિંહોને ઘોંઘાટથી નફરત છે તેવું જાણીને અમે તરત જ ગાડીમાંથી કેટલાંક લોકોને ઉતારી દીધા અને અમે જૂજ લોકો જ જંગલમાં સાવધાનીપૂર્વક આગળ વધ્યા.
અમિતાભે ગીરના જંગલમાં ચાલી રહેલાં શૂટિંગની વાતોનો રસપ્રદ અનુભવ વર્ણવતાં બ્લોગમાં લખ્યું કે, જંગલમાં જઇ રહ્યાં હતાં કે, અચાનક જ અમે થંભી ગયાં. પગેરુંના જાણકારે અમને ઇશારો કર્યો કે, સિંહ સામે છે પરિણામે કેમેરા સહિતના સાધનો તૈયાર કરી દીધાં. મેં ઝાડીમાં જોયું ત્યારે મને કંઈ સ્પષ્ટ દેખાયું નહીં એવા એક અન્ય જાંબાઝે મને ઇશારો કરીને આગળ આવવા જણાવ્યું પણ મને મનમાં થયું કે જીપમાંથી ઉતરીને આગળ વધવું કેટલું સલામતભર્યું છે. ઉત્સાહભેર સિંહ તરફ ઇશારો કરીને પગેરુંના જાણકારે મને કહ્યું કે, જુઓ,ત્યાં સિંહ બેઠાં છે.મેં જોયું કે, ત્રણ સિંહણો ગરમીથી બચવા વૃક્ષોની છાયાંમાં જાણે હાંફતી હોય તેમ બેઠી હતી.અમે તો સિંહણોથી ૩૦ ફૂટ દૂર હતાં પણ ફોરેસ્ટના જવાનો તો સિંહણથી માત્ર ૧૫ ફૂટના અંતરે જ હતા. એવા એક ફોરેસ્ટના જવાને મને કહ્યું કે,તમારે સિંહના બચ્ચાં જોવા હોય તો આગળ આવો પણ મેં તેને ના પાડી દીધી.
જોકે,તેઓ એવું સમજ્યા કે, મારે તેમની મદદની જરૃર છે પણ મેં હાથ હલાવતાં જવાનો મારી વાતને સમજી ગયા. આજની અમારી ગીરની સવારી પુરી થઇ અને આવતીકાલે ફરી અહીં આવીશું. હું જાણું છુ ત્યાં સુધી ગુજરાતમાં સિહોની સંખ્યા ૪૧૧ છે અને તાજેતરમાં થયેલી ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધી છે જે ગુજરાત માટે આનંદની વાત છે.
અમિતાભને મળવા ચાહક સાડા ૩ કિ.મી ચાલી  જંગલમાં ઘૂસ્યો
જૂનાગઢ, તા.૨ : સુપરસ્ટર અમિતાભને મળવા માટે આજે સવારે કોડીનારના સીંધાજ ગામનો હિતેષ ભગવાનજી અજાબીયા નામનો યુવાન ખેતરોમાં થઈને ગિર જંગલના ભાલછેલ રાઉન્ડમાં આવેલ રાયડી વિસ્તાર સુધી સાડા ત્રણ કિ.મી. ચાલીને પહોંચી ગયો હતો. વનવિભાગનો સ્ટાફ તેને જોઈ જતા ધમકાવીને કાઢી મૂક્યો હતો. પરંતુ થોડે દુર ફરીને આ  યુવાન ફરી વખત જંગલમાં પ્રવેશ્યો હતો. જો કે તેની ઈચ્છા પુરી થાય તે પહેલા જ તે ફરી વખત વનવિભાગના હાથે ઝડપાઈ ગયો હતો. અમિતાભનો કાફલો અહીથી દોઢેક કિ.મી. દૂર હતો. અને આ યુવાન ત્યાં પહોંચવા માગતો હતો. બીજી વખત પકડાયેલા આ યુવાનને આર.એફ.ઓ. આઈ.એમ.કુરેશીએ દંડ ફટકારી છોડી મૂક્યો હતો.
હિરણના કાંઠે અમિતાભને જોવા ભીડ, પોલીસે લાઠીઓ ઉગામી
જૂનાગઢ : આજે સવારે બરાબર ૬ વાગ્યે અમિતાભ બચ્ચન કાફલા સાથે સિંહ સદનમાંથી ગિર જંગલમાં જવા માટે રવાના થઈ ગયા હતાં. સાસણ નાકા ખાતેથી આખો કાફલો અંદર પ્રવેશ્યો હતો. તથા ગિર જંગલના કમલેશ્વર ડેમ વિસ્તારમાં શૂટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાળામાં એક નર સિંહ પાણી પીતો હોવાથી આશરે ૧પ મિનિટ જેટલા સમય માટેનું શૂટીંગ શક્ય બન્યું હતું. બાદમાં અમિતાભે લાંબા સમય સુધી સિંહ સદનમાં આરામ કર્યો હતો. બપોર બાદ મેંદરડા રોડ પર હિરણનદીના કાંઠે એડ્ ફિલ્મના શૂટીંગનો સેટ ગોઠવવામાં આવ્યો હતો. અને તેની ખબર પડતા જ અહી મોટા પ્રમાણમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. બીગ બી ને જોવા માટે લોકોએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ તેઓ આવતા જ તેને જોવા માટે થોડી ધક્કામૂક્કી થઈ હતી. પરિણામે હાજર પોલીસે લાઠીઓ ઉગામવી પડી હતી.
જો કે લોકોએ થોડી વારમાં સ્વયંશિસ્તમાં આવી જતા પોલીસે બળપ્રયોગની જરૃર પડી નહોતી. અને શાંતિપૂર્ણ શૂટીંગ થયું હતું. આશરે સવા કલાક જેટલા સમય માટે બીગ બી અહી રોકાયા ત્યાં સુધી તેમના સેંકડો ચાહકોએ મન ભરીને તેઓને નિહાળ્યા હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191663

એડ્. ફિલ્મનાં શૂટિંગ માટે અમિતાભ આજથી ગિરમાં.

May 31,2010 જૂનાગઢ, તા.૩૧
રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનેલ બોલીવુડનાં બાદશાહ અમિતાભ બચ્ચન ભુજમાં એડ્ ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કરીને આવતીકાલે મંગળવારે સવારેથી ગિર જંગલમાં આવી રહ્યા છે. તેમ જ ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી સિંહોની વચ્ચે શૂટિંગ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. ત્યાર બાદ શુક્રવારે સવારે તેઓ અહીથી સોમનાથ જવા રવાના થશે. શહેનશાહને આવકારવા માટે સાસણના રસ્તાઓ પર પાંચેક કિ.મી. સુધી મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યારે વનવિભાગ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી કચ્છના રણમાં ગુજરાતની એડ્ ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હતું. જેમા ગામઠી પહેરવેશમાં તેઓએ ભૂમિકા ભજવી હતી. નિયત થયેલા કાર્યક્રમ અનુસાર અહીથી તેઓ સવારે હવાઈ માર્ગે સીધા જ દીવ એરપોર્ટ પર આવી પહોંચશે. જૂનાગઢ કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સવારે સવાથી સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ દીવ એરપોર્ટ પર આવી પહોંચશે. અને ત્યાંથી મોટર માર્ગે સીધા જ સાસણ ખાતે જનાર હોવાનું કલેક્ટર આશિર્વાદ પરમારે જણાવ્યું છે. સાસણમાં સરકારી ગેસ્ટહાઉસ સિંહ સદન ખાતે તેઓના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વમાં એક માત્ર ગિર જંગલમાં જ બચેલા અને સોરઠના ઘરેણા સમાન એશિયાઈ સિંહો વચ્ચે તેઓનું શૂટીંગ શેડયુલ ગોઠવવામાં આવ્યું છે. ત્રણ દિવસ અને ત્રણ રાત્રી તેઓ ગિર જંગલમાં જ વિતાવશે. અને આ દરમિયાન વિવિધ સ્થળોએ એડ્ ફિલ્મનું શૂટીંગ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી ગિરમાં શૂટીંગ ચાલ્યા બાદ તા.૪ ને  શુક્રવારના રોજ સવારે તેઓ વિશ્વપ્રસિદ્ધ ર્જ્યોિતલીંગ સોમનાથ ખાતે જશે. અને ત્યાં એક દિવસ સુધીનું શૂટીંગ શેડયુલ ગોઠવવામાં આવ્યું છે. આવતીકાલથી ચાર દિવસ સુધી અમિતાભ બચ્ચન સોરઠમાં રહેશે. તેવો સત્તાવાર કાર્યક્રમ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

અમિતાભના કાર્યક્રમ દરમિયાન ગિર જંગલ અન્ય તમામ પ્રવાસીઓ માટે પણ ખુલ્લુ જ રહેશે. અમિતાભ બચ્ચનને આવકારવા માટે દેવળિયા નાકાથી સાસણ સુધીના ચાર થી પાંચ કિ.મી.ના રસ્તા પર "વેલકમ અમિતાભ" વાળા બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. સોરઠભરમાં પ્રજાજનોમાં પણ આ સમગ્ર કાર્યક્રમ આત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમજ લોકોમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ છે. વનવિભાગ, પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અને આવતીકાલે બોલીવુડના બાદશાહના આગમનની રાહ જોવાઈ રહી છે.
દરરોજ સિંહનું લોકેશન મેળવી શૂટીંગ માટેનો રૃટ નક્કિ થશે
ગિર જંગલમાં બોલીવુડના બાદશાહ માટે શૂટીંગના સ્થળો નિશ્વિત કરવામાં આવ્યા નથી. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે જ્યાં સિંહો જોવા મળશે તેવા વિસ્તારમાં દરરોજ કાર્યક્રમ નક્કિ કરવામાં આવશે.સામાન્ય રીતે રૃટ નં.ર અને ૬ પર વધારે પ્રમાણમાં સિંહો જોવા મળતા હોવાથી આ રૃટો વધારે હોટ ફેવરીટ રહેશે. દરરોજનો કાર્યક્રમ દરરોજ નક્કિ થશે. અને જે રૃટ પર સિંહો જોવા મળે તેવી શક્યતા હોય ત્યાં શૂટીંગ કાફલો જશે. વનવિભાગ પાસેથી તમામ લોકો માટેની અભયારણ્યમાં પ્રવેશવાની પરમીટ લેવામાં આવી છે. ત્રણ દિવસ  ગિર જંગલમાં શૂટીંગ થશે. પણ તેના માટે કોઈ નિશ્વિત સ્થળો નક્કિ કરવામાં આવ્યા નથી. કોઈ પણ રૃટ પર સિંહો હોવાની શક્યતા હોય તથા લોકેશન સારૃ હોય તેવા રૃટ પર આખો કાફલો જશે. બીજી તરફ શહેનશાહના રોકાણ માટે પણ શાહી વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ સદન પાંચ દિવસ સુધી આખુ બુક કરી લેવામાં આવ્યું છે. આ ગેસ્ટ હાઉસમાં ઉપરના માળે પાંચ વી.આઈ.પી. રૃમ છે. જેમાંથી એકમાં અમિતાભ અને ટોચના વ્યક્તિઓ રહેશે. જ્યારે સાથેના અન્ય માટે નીચેના માળે આવેલ દશ રૃમો પણ બુક કરવામાં આવ્યા છે.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191188

આજે બીગ બી ગિર જંગલમાં ડેડકળી, કમલેશ્વર, દૂધાળા વિસ્તારમાં જશે.


May 31,2010
જૂનાગઢ, તા.૩૧
આવતીકાલે મંગળવારે ગિરમાં આવી  ગયા બાદ અમિતાભ પ્રવાસી તરીકે જંગલમાં ફરશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ માલધારીઓ સાથે મૂલાકાત કરીને સિંહ તથા ગિરની વિગતો મેળવશે.
દીવ ખાતેથી સાસણમાં સિંહ સદનમાં આવીને આરામ કર્યા બાદ બીગ બી એક પ્રવાસી તરીકે ગિર જંગલની મૂલાકાત લેશે. આવતીકાલે કોઈ પણ પ્રકારનું શૂટીંગ કદાચ ન પણ થાય તેવી શક્યતા છે. જંગલમાં તેઓ આવતીકાલે ડેડકળી
, કમલેશ્વર અને દૂધાળા વિસ્તારમાં ફરવા માટે જશે. તેમજ ખાસ કરીને કમલેશ્વર વિસ્તારમાં માલધારીઓની મૂલાકાત લેનાર હોવાનું જાણવા મળેલ છે. તેમની સાથે હિન્દીમાં વાત કરી શકે તેવા માલધારી સમાજના બે વ્યક્તિઓને પણ વનવિભાગે શોધીને તૈયાર રાખ્યા હોવાનું જાણવા મળેલ છે. અમિતાભ અહી માલધારીઓ પાસેથી સિંહો અને ગિર જંગલ વિશે તેમજ બન્ને સાથે કેવી રીતે રહે છે ? વગેરે પ્રકારની વિગતો મેળવે તેવી તાલિમ બન્ને વ્યક્તિઓને આપવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191187

લૂપ્ત થતાં ગીધ, ગિરનાર અને દેવળિયા પાર્કમાં ૬૯ નોંધાયા.


May 31,2010
વેરાવળ તા.૩૧
જીઇઇઆર ગાંધીનગર દ્વારા ગત તા, ર૯ અને ૩૦ દરમ્યાન લૂપ્ત થઈ રહેલા ગીધ પક્ષીઓની વસતી ગણતરી થતાં ગિરનાર પર્વત પર ૪૭ અને દેવળિયા પાર્કમાં ૨૨ ગીધ નોંધાયા હતાં. ગીરનાર પર્વત પર ગીધનાં કુલ રર માળા મળી આવ્યા હતાં.
પ્રકૃતિ નેચર ક્લબના સભ્યો દિનેશભાઇ ગૌસ્વામી, જીજ્ઞોશ ગોહેલ, દેવસીભાઇ રામ,જાનીભાઇ, વિજયભાઇ ગાંધી, મહેતાભાઇ, રાજસીભાઇ રામ અને અસલમભાઇ ની ટીમે જૂનાગઢ ગીરનાર પર્વતમાં વેલનાથની જગ્યા પાસે ૧૯૫૦ પગથિયા ચડયા પછી ડાબી બાજુએ જ્યાં ગીધના નેસ્ટીંગ જોવા મળ્યા હતાં. બાદમાં દેવળીયા પાર્કમાં ગીધની વસતી ગણતરી કરી હતી.
નેચર ક્લબના સભ્ય દેવસીભાઇ રામે જણાવ્યુ હતુ કે, ગીધના પ્રકારોમાં ડાકુગીધ, રાજગીધ, ખેરોગીધ અને ગિરનારી ગીધ છે. જૂનાગઢ જીલ્લામાં ગિરનારી ગીધ જ જોવા મળે છે. ગિરનાર પર વસતા ગીધ ક્યારેક જેતપુર, ધોરાજી સુધી સ્થળાંતર કરે છે. પહેલાના જમાનામાં પાંજરાપોળ હોય ત્યાં ગીધ વધુ જોવા મળતા હતા. હાલ માત્ર ૬૯ ગીધ જ હોય આ જાતિ હાલ લુપ્ત થવાના આરે છે ત્યારે આ અંગે કશુ કરવુ જોઇએ તેવો સ્પષ્ટ મત આપ્યો હતો. ગીધની વસતી ઘટવાનું મુખ્ય કારણ ડાયક્લોફેમાં દવા છે. આ દવા દુધાળુ પશુઓને આપવામાં આવે છે. જે તેના મોત બાદ તેનુ માંસ ગીધ ખાતા આ દવા ગીધ માટે ઝેરી સાબીત થાય અને આજે તેની જાતિ નાશ થવાના આરે છે. તેમ કહી શકાય.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=191186

ગિરનાર રોપ-વે મંજૂર ન થાય તો દિલ્હી સુધી પદયાત્રા : મશરૃ.


May 30,2010
જૂનાગઢ, તા.૨૯
જૂનાગઢના પ્રજાજનો માટે મહત્વકાંક્ષી એવી ગિરનાર રોપ વે યોજના વારંવાર અટકી પડે છે ત્યારે હવે દોઢ માસમાં આ યોજના મંજુર નહી થાય તો જૂનાગઢથી દિલ્હી સુધી ૧ર૦૦ કિ.મી.ની પદયાત્રા કરીને એક લાખ સહિઓ સાથેનું આવેદન પત્ર વડાપ્રધાનને પાઠવવાની ચિમકી જૂનાગઢના ધારાસભ્ય મશરૃએ ઉચ્ચારી છે.
ગિરનાર રોપ વે યોજના છેલ્લા દોઢ દાયકા જેટલા સમયથી નિયમોની આંટી ઘૂંટીમાં ફસાતી આવે છે. અને વારંવાર ખાતમૂર્હુતો થયા બાદ પણ આ યોજનાનું કામ ચાલું થતું નથી. ગિરનારને અભયારણ્યનો દરજ્જો મળતા કેન્દ્ર સરકારની મંજુરીનો નવો મુદ્દો આવતા હાલમાં ગુંચવાયેલું સમગ્ર કોકડું કેન્દ્ર સરકાર સમક્ષ પડયું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ યોજના મંજુર કરવામાં ઉદાસીનતા દાખવી રહી હોવાની રાવ સાથે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૃએ દોઢ મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. અને આ સમયમાં જો રોપ વે યોજના મંજુર નહી થાય તો જૂનાગઢથી દિલ્હી સુધી ૧ર૦૦ કિ.મી. ચાલીને પદયાત્રા કરીને વડાપ્રધાનને આવેદન પત્ર આપવાની ચિમકી સાથે તેઓએ જણાવ્યું છે કે, આ પદયાત્રા દરમિયાન એક લાખ સહિઓ એકત્ર કરીને રજૂઆત કરાશે. તેમજ રજૂઆત વેળાએ ૭૦ વર્ષથી વધુ ઉમરના ૧૦૧ વડીલોને સાથે રાખવામાં આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=190738

શિકાર પાછળ દોડતો દીપડો ૬૦ ફુટ ઉંડા કૂવામાં ખાબકયો.

May 28,2010

ઉના તા.૨૭
ઉનાના વ્યાજપુરની સીમમાં દીપડાએ શિકાર કરવા શિકાર પાછળ લાંબી દોટ મૂકયા બાદ અચાનક વચ્ચે આવેલા ૬૦ ફુટ ઉંડા કુવામાં ખાબકયો હતો. વાડી માલિકે આ અંગે વનવિભાગને જાણ કરતા વનઅધિકારીએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં છોડી દેવામાં આવ્યો હતો.
વધુ વિગત મૂજબ આજે સવારે વાડી માલિક ભગવાનભાઈ હમીરભાઈ ચૌહાણ વાડીએ આવ્યા ત્યારે એ સમયે દીપડો કૂવામાં ઘુરકિયા કરતો હતો. આ જોઈને ભગવાનભાઈએ જસાધાર રેન્જના અધિકારીઓને જાણ કરતા આખો સ્ટાફ આવી પહોંચ્યો હતો. દીપડાને ટ્રાન્કવીલીટ કરીને બહાર કાઢી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઈ જવાયો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=190171

મંગળવારથી બિગ બી ચાર દિવસ માટે ગીર-સોમનાથમાં.


May 29,2010
જૂનાગઢ, તા.૨૮
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા બિગ બી ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે આગામી મંગળવારથી જૂનાગઢ જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે. ગિર જંગલ અને સોમનાથમાં ચારેક દિવસ સુધી તેઓનું રોકાણ થશે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગિર જંગલના બે રૃટ પર અમિતાબ માટે સિંહોનું લોકેશન પણ અત્યારથી જ મેળવાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલી ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે અત્યારે સુપરસ્ટાર અમિતાબ બચ્ચન ભુજમાં છે. આગામી તા.૧ ને મંગળવારના રોજ તેઓ હવાઈ માર્ગે જૂનાગઢ જિલ્લામાં કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને ત્યાંથી સીધા જ મોટર માર્ગે સાસણ ખાતે પહોંચશે. પ્રથમ દિવસે સિંહસદનમાં આરામ કર્યા બાદ તેઓ તા.ર ના રોજ શૂટિંગ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગિર જંગલમાં રૃટ નં.ર અને ૬ બિગ બી માટે પસંદ કરવામાં આવ્યા છે. રૃટ નં.૬ માં અત્યારે ૩પ જેટલા સિંહો વસવાટ કરે છે. જ્યારે રૃટ નં.ર પર ૧૦ સિંહોનો પરિવાર વસવાટ કરે છે. અત્યારથી વનવિભાગ દ્વારા લોકેશન ગોઠવાઈ રહ્યું છે.
બે દિવસ સુધી સાસણમાં રોકાણ કર્યા બાદ તેઓ તા.૩ ના રોજ સોમનાથ ખાતે જશે. અને અહીં બે દિવસનું રોકાણ કરી વિવિધ સ્થળોએ શૂટિંગ કરશે. જૂનાગઢ કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સત્તાવાર રીતે ચાર દિવસનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમા માત્ર ગિર અને સોમનાથનો સમાવેશ થાય છે. બન્ને સ્થળોએ અમિતાબ બે-બે દિવસનું રોકાણ કરશે. દરમિયાનમાં સૂત્રોના કહેવા પ્રમાણે આજે કલેક્ટરે સાસણ ખાતે રૃબરૃ જઈને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
ધૂળની ડમરીના કારણે બચ્ચનને શ્વાસોચ્છ્વાસની તકલીફ થવાની શક્યતા
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને ગુજરાત ટુરિઝમની એડ. માટે હાલમાં કચ્છ આવેલા હિંદી ફિલ્મ જગતના શહેનશાહ અમિતાભ બચ્ચનના આગમનના કારણે સરકારી તંત્રમાં ચહલ-પહલ પ્રસરી ગઈ છે. હાલ આ સમયગાળામાં કચ્છમાં એડ. શૂટિંગ કેમ ગોઠવવામાં આવ્યું તે પ્રશ્ન જાણકાર લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. કેમ કે, હાલ, કચ્છના રણમાં ધૂળની ભયંકર ડમરી ઊડી રહી છે. ક્યારેક ઝીરો ટકા વિઝિબિલિટી થઈ જાય છે, ત્યારે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, આ સ્થિતિમાં કોઈ પણ અસ્થમાના પેશન્ટને શ્વાસોચ્છ્વાસની તકલીફ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પણ અસ્થામાના રોગી છે ત્યારે તેમને કોઈ તકલીફ ન થાય તે માટે તબીબો સહિતની વ્યસ્વસ્થા રાખવામાં આવી છે.
ઐતિહાસિક ધરોહર જૂનાગઢ અને ગિરનાર વિસરાયો
દેશના ટોચના સુપરસ્ટાર અમિતાબ બચ્ચન ગુજરાતની ડોક્યુમેન્ટરી માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે આ શૂટિંગમાં ઐતિહાસિક ધરોહર સમાન જૂનાગઢ અને ગિરનાર જંગલ વિસરાઈ ગયા હોવાનો વસવસો પ્રજાજનો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં એક માત્ર જૂનાગઢના ઉપરકોટમાં જૂના રજવાડાનો કિલ્લો અકબંધ છે. તથા આ ઉપરાંત અનેક ઐતિહાસિક ઈમારતોનો વારસો જૂનાગઢમાં છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ધરેણા સમાન ગિરનાર પર્વત પણ હોવાથી અમિતાબ જ્યારે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરવાની જરૃર હોવાનું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=190521 

બીગ બી’નાં શૂટિંગ માટે ૩પ અને ૧૦ સિંહના વસવાટવાળા રૃટ પસંદ.



May 28,2010

જૂનાગઢ, તા.૨૮
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા બીગ બી ડોક્યુમેન્ટરીના શૂટીંગ માટે આગામી મંગળવારથી જૂનાગઢ જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે. ગિર જંગલ અને સોમનાથમાં ચારેક દિવસ સુધી તેઓનું રોકાણ થશે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગિર જંગલના બે રૃટ પર અમિતાબ માટે સિંહોનું લોકેશન પણ અત્યારથી જ મેળવાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલી ડોક્યુમેન્ટરીના શૂટીંગ માટે અત્યારે સુપરસ્ટાર અમિતાબ બચ્ચન ભુજમાં છે. આગામી તા.૧ ને મંગળવારના રોજ તેઓ હવાઈ માર્ગે જૂનાગઢ જિલ્લામાં કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
ત્યાંથી સીધા જ મોટર માર્ગે સાસણ ખાતે પહોંચશે. પ્રથમ દિવસે સિંહ સદનમાં આરામ કર્યા બાદ તેઓ તા.ર ના રોજ શૂટીંગ કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગિર જંગલમાં રૃટ નં.ર અને ૬ બિગ બી માટે પસંદ કરવામાં આવ્યા છે.
રૃટ નં.૬ માં અત્યારે ૩પ જેટલા સિંહો વસવાટ કરે છે. જ્યારે રૃટ નં.ર પર ૧૦ સિંહોનો પરિવાર વસવાટ કરે છે. અત્યારથી વનવિભાગ દ્વારા લોકેશન ગોઠવાઈ રહ્યું છે.બે દિવસ સુધી સાસણમાં રોકાણ કર્યા બાદ તેઓ તા.૩ ના રોજ સોમનાથ ખાતે જશે. અને અહી બે દિવસનું રોકાણ કરી વિવિધ સ્થળોએ શૂટીંગ કરશે.
જૂનાગઢ કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સત્તાવાર રીતે ચાર દિવસનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમા માત્ર ગિર અને સોમનાથનો સમાવેશ થાય છે. બન્ને સ્થળોએ અમિતાબ બે-બે દિવસનું રોકાણ કરશે. દરમિયાનમાં સુત્રોના કહેવા પ્રમાણે આજે કલેક્ટરે સાસણ ખાતે રૃબરૃ જઈને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
ઐતિહાસિક ધરોહર જૂનાગઢ અને ગિરનાર વિસરાઈ ગયા
જૂનાગઢ, તા.ર૮: દેશના ટોચના સુપરસ્ટાર અમિતાબ બચ્ચન ગુજરાતની ડોક્યુમેન્ટરી માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે આ શૂટીંગમાં ઐતિહાસિક ધરોહર સમાન જૂનાગઢ અને ગિરનાર જંગલ વિસરાઈ ગયા હોવાનો વસવસો પ્રજાજનો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં એક માત્ર જૂનાગઢના ઉપરકોટમાં જૂના રજવાડાનો કિલ્લો અકબંધ છે. તથા આ ઉપરાંત અનેક ઐતિહાસિક ઈમારતોનો વારસો જૂનાગઢમાં છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ધરેણા સમાન ગિરનાર પર્વત પણ હોવાથી અમિતાબ જ્યારે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ડોક્યુમેન્ટરીનું શૂટીંગ કરવાની જરૃર હોવાનું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=190430