Thursday, April 22, 2010

સિંહ ગણના માટે ગીરમાં પર્વ જેવો માહોલ.

Thursday, Apr 22nd, 2010, 12:19 am [IST]  
Bhaskar News, Talala
First Published:  00:09[IST](22/04/2010)
Last Updated :  00:19[IST](22/04/2010)
lo_288ગીર જંગલમાં વસવાટ કરતા વિશ્વ પ્રસીઘ્ધ એશીયાટીક સાવજને ગીરપંથકની પ્રજા પોતાના ગૌરવ સમાન ગણે છે. આગામી ૨૪ એપ્રિલથી શરૂ થનારી સિંહની વસતી ગણતરીનાં ચાર દિવસને પર્વ સમાન ઉજવવા ગીરના પ્રવેશદ્વાર સાસણ(ગીર)ના પ્રજાજનોમાં જબરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે.

સિંહને પોતાના સ્વમાન સમાન ગણતા સાસણ વાસીઓએ સિંહ ગણતરીનાં ભગીરથ કાર્યમાં વનવિભાગને ઉપયોગી થવા તમામ પ્રકારની સેવા માટે તૈયારી દર્શાવી છે. સાસણ અને ગીર અભ્યારણની નજીકનાં હોટલ સંચાલકોએ પોતપોતાની આખી હોટલો વનવિભાગને આપી છે. તેમજ સાસણનાં જીપ્સી ચાલકોએ જીપ્સીવાહનો વનવિભાગને ગણતરીનાં કામ માટે આપી દીધા છે.

આગામી ૨૪ થી ૨૭ એપ્રિલ ચાર દિવસ શરૂ થનારી ૧૩મી સિંહ ગણતરીમાં કાર્યમાં સાસણ(ગીર)નાં લોકોએ પોતાની નૈતીક જવાબદારી સમજી સિંહ ગણતરીનાં કાર્યમાં વનવિભાગને તમામ પ્રકારની સેવા આપવા તત્પરતા બતાવી છે.

સાસણ અને ગીર અભ્યારણની આસપાસ આવેલી હોટલો રીસોર્ટ ટેન્ટનાં માલિકોએ ગણતરી માટે બહારથી મોટી સંખ્યામાં આવનારા વનવિભાગના અધિકારીઓ અને ગણતરીકારોને પોતાના મહેમાન ગણી તેમનાં ઉતારાની વ્યવસ્થા માટે હોટલ સંચાલકોએ આખે આખી હોટલો સાસણ વનવિભાગને આઠ દિવસ માટે સોપી દીધી છે. તો ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ટુરીસ્ટોને લઈ જતા જીપ્સીવાહનના માલિકોએ ગણતરીનાં કામમાં ફીલ્ડમાં જવા વનવિભાગને વાહનોની ઘટ ન પડે તે માટે ૬૦ જીપ્સી વનવિભાગને સોપી દીધી છે.

સાસણ નજીક હોટલ બનાવી રહેતા બિલ્ડરે ગણતરીકારોને ઉપયોગી વસ્તુઓ બેગ, ટોર્ચ, દવા સહીતની કીટો તૈયારી કરી વનવિભાગને આપી છે તો રાજકોટનાં સાવજ પ્રેમી અને પ્રખ્યાત મીનરલ વોટરનાં ડીલરે એક ટ્રક મીનરલ વોટર સાસણ મોકલી આપેલી છે. આ પ્રકારની નાની મોટી જરૂરી ચીજ વસ્તુની સેવા અને સહયોગ વન્યપ્રેમીઓ અને સાસણ (ગીર)ની પ્રજા તરફથી વનવિભાગને વણમાંગ્યે મળવા લાગ્યો છે. જંગલ અને સાવજ પ્રત્યે સંવેદના અને લાગણી ગીરની પ્રજામાં અદ્ભુત હોવાની પ્રતીતી થઈ રહી છે. આગામી સિંહ ગણતરી પર્વ સાથે લોકભાગીદારીથી થનારી બની જશે તેમજ ગણતરીનું જટીલ કાર્ય લોક સહયોગથી વનવિભાગ સફળતાપૂર્વક પુરૂ કરી શકશે તેમ જણાઈ રહ્યું છે.

જંગલખાતાની જડતા અદ્રશ્ય થતાં જ લોક સહયોગ ઊભો થયો

ગીરની પ્રજા સાવજ પત્યે લાગણીશીલ છે પણ સાવજની રખેવાળી કરનાર જંગલ ખાતાની જડતાનાં લીધે સ્થાનિક લોકો સાથે વનવિભાગને છાશવારે ઘર્ષણ થતું રહ્યું છે. પણ જ્યારે જંગલખાતુ જડતા છોડે તો લોકો તન-મન-ધનથી સહયોગ આપવા આપોઆપ આગળ આવે છે.

હાલના ગીર અભ્યારણ વન્યપ્રામીનાં ડી.એફ.ઓ.સંદીપકુમાર અને સેન્ચુવીનાં આર.એફ.ઓ.જોષીએ સાસણનાં લોકો સાથે સુમેળભર્યા સંબંધોથી સહયોગી વાતાવરણ પ્રસ્થાપીત કર્યુ હોય જંગલ સાથે સંકળાયેલા નાના મોટા દરેક લોકોની તકલીફ કે રજૂઆતને ઉકેલવા અધિકારીઓનાં વ્યાવહારીક અભિગમનાં લીધે સાસણનાં હોટલ સંચાલકો જીપ્સી માલીકો અને ગ્રામજનો સિંહ ગણતરીનાં કાર્યમાં વનવિભાગને તન-મન-ધનથી સહયોગ આપવા આગળ આવ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/22/festival-like-atmosphere-in-gir-on-the-occassion-of-population-counting-of-lion-896645.html

ગિરનાર જંગલમાં ર૬ સિંહો ઈન બ્રિડિંગ સમસ્યાથી ચિંતા.

વિશ્વમાં ફકત ગિર જંગલમાં જોવા મળતા એશિયાઈ સિંહો સ્થળાંતર કરી જૂનાગઢ પાસેના ગિરનાર જંગલમાં કાયમી વસ્યાને લગભગ ત્રણ દશકાથી વધુ સમયમાં અહીં સિંહોની સંખ્યા લગભગ રપ થી ૩૦ જેટલી થઈ છે. પરંતુ અહીં ઈન બ્રિડીંગનાં કારણે મૂશ્કેલ સંજોગો ઉભા થતાં એશિયાઈ સિંહોની રખેવાળી કરતાં તંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે.
લગભગ ૧૯૮૮-૮૯ પછી ગિર જંગલમાંથી ગિરનાર જંગલ વિસ્તારમાં સ્થિર થયેલા સિંહોની એ વખતે સંખ્યા ફકત પાંચ જ હતી. જ્માં એક નર અને ત્રણ માદા હોવાનું જણાયુ હતું. ૧૯૯૯-ર૦૦૦ માં ગિરનાર જંગલમાં સૌ પ્રથમ સિંહ ગણતરી થઈ તેમાં સિંહોની સંખ્યા પાંચની બતાવાઈ. ફકત ૧૮ર ચો.કિ.ની માં પ્રસરેલા ગિરનારનું જંગલ ગિર જંગલ કરતાં ૧૦ ગણુ નાનુ કહેવાય. જો કે, ૧૯૮પ પછી આ જંગલમાં ગિરમાંથી સિંહે માઈગ્રેટ (સ્થાળાંતર) થઈ આવતા પણ અહીંથી પાછા ચાલ્યા જતાં જે વાત ૧૯૮૯ પછી સ્થિર થઈ ગઈ.  ર૦૦પની વસતી ગણતરીમાં તો સિંહોની સંખ્યા ૧૬ની થઈ ગઈ.
આ વખતે રામઅને શ્યામનામના બે ખૂંખાર નર થકી ગિરનારનો સિંહ પરિવાર ખૂબ ફાલ્યો ફૂલ્યો અને હવે પછી ર૦૧૦ની સિંહ ગણતરી પહેલાના મોક ડ્રીલમાં ગિરનારના ત્રણ ગ્રુપોમાં વહેંચાયેલા સિંહ પરિવારની સંખ્યા કદાચ રપ થી ૩૦ વચ્ચે પહોંચી જશે. સાબર, નિલગાય, ટપકા વાળા હરણ (સ્પોટેડ ડીયર), જંગલી ભૂંડ ઉપરાંત બહારના વિસ્તારોમાંથી ભેંસ-ગાયનું પૂષ્કળ શિકાર જયાંથી મળી રહે છે એવા ગિરનાર જંગલમાં સિંહોની ખૂબ વધેલી સંખ્યાથી વન ખાતાના ચહેરા પર ખૂશીના બદલે કપાળ પર કરચલી એટલા માટે પડી છે કે, અહીં સિંહોના ઈન બ્રિડીંગ’ (અંતઃ પ્રજનન)ની સમસ્યા ઉભી થઈ છે. તેથી, અહીંના ર૬ થી ૩૦ સિંહોના જીવન પર પણ ખતરો ઉભો થયો હોવાનો વાઈલ્ડ લાઈફ ટ્રીટમેન્ટ પાસે સંકળાયેલા લોકો ખૂદ સ્વીકારે છે.
ખૂબ ટૂંકો વિસ્તાર અને બે ત્રણ ગ્રુપ કયારેક તો એક શિકાર પર સાથે થઈ જતાં હોવાનું અહીં વારંવાર બને છે. અહીં બે ગ્રુપના બે નર સિંહો દ્વારા સિંહણો સાથેના સંવનન બાદ થતી પ્રજોપ્તિ પછી એ ગ્રુપોમાં ઈન બ્રિડીંગ વારંવાર થતું જોવાયુ છે. આ સ્થિતિમાં ગિરનારમાં સ્થિર થયેલા એ સિંહ પરિવારો નબળા પડશે. એ વાત ચોક્કસ છે.આવી સમસ્યા દૂર નહીં થાય તો એકાદ દશકામાં આ પ્રશ્ન વધુ વિકટ બને અને ગિરનારના સિંહો ભયમાં મૂકાય તે પહેલા ગિર જંગલમાંથી નર-માદા સિંહોને ગિરનારમાં વસાવાય અને ગિરનારના  સિંહ-સિંહણોને અલગ અલગ ગ્રુપમાં ગિર જંગલમાં છોડવામાં આવે તેવી સ્થિતી રાહત રૃપ હોવાનું ખુદ સિનિયર વન અધિકારીઓ સ્વીકારી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=180282

ચમોરડામાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો.

વેરાવળ તા.૨૧ :
વેરાવળ નજીક ચમોરડા ગામે એક યુવાન ખેડૂત પર દીપડાએ હુમલો કરી હાથમાં ઇજાઓ કરતા હોસ્પિટલે ખસેડયો  છે.ગઇ કાલે જ હજુ ચમોરડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી એક દીપડી પાંજરે પૂરાઇ હતી. ત્યાં હજુ પણ બે થી ત્રણ દીપડાઓ આંટા ફેરા કરે છે. તેવી ગામ લોકોએ વાત કરી હતી ત્યારે આજે સવારે ચમોરડા વાડીમાં કામ કરતા હરિજન યુવક હરેશ રાજા(ઉ.વ.૨૧)ને  પાછળથી દીપડાએ હુમલો કરી હાથમાં નખ ભરાવી દેતા હરેશે રાડારાડ કરી મૂકતા દીપડો નાસી ગયો હતો.  હાલ તો દીપડાની રંજાડથી આ ગામના લોકો ભયથી થથરી રહ્યા છે. વન વિભાગ સત્વરે આ બાકીના દીપડા પાંજરે પૂરે તેવી માંગ કરી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=180285

આજે પૃથ્વી દિવસની ઉજવણીએ ધરાને બચાવવાનો સંકલ્પ કરીએ.

Thursday, Apr 22nd, 2010, 4:20 am [IST]  
Bhaskar News, Bhavnagar
First Published:  04:20[IST](22/04/2010)
Last Updated :  04:20[IST](22/04/2010)
Earthતા.૨૨ એપ્રિલનો દિવસ વિશ્વભરમાં પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે આ વર્ષે ૨૨ એપ્રિલને ગુરૂવારે સમગ્ર બ્રહ્માંડના આ અનોખા ગ્રહ ‘પૃથ્વી’ના દિનની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાના શપથ લેવા પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે.

૨૧ ટકા ઓકિસજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને વાડીમાં કાર્બન, આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જે આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલા જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ વિ. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે.

પૃથ્વીએ તો માનવોને વસવાટ માટે સ્વચ્છ વાતાવરણ અને ઋતુચક્રની ભેટ આપેલી પરંતુ માનવજાતે ઔધોગિકરણની આંધણી દોડમાં રસ્તો ભૂલી આ વાતાવરણને ઝેરી વાયુઓથી પ્રદૂષિત કરી નાંખ્યું છે. ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેક્ટ સર્જાઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. આ અંગે બ્લેક બક નેચર ક્લબ અને વન વિભાગે જણાવ્યું છે કે આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું અને આવનારી પેઢીને રહેવાલાયક પૃથ્વી આપી શકશું.

આજે વિકટોરીયા પાર્કમાં પર્યાવરણ પ્રશ્નોત્તરી યોજાશે

૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ હોવાથી ભાવનગર વન વિભાગ અને બ્લેક બક નેચર ક્લબ દ્વારા સવારે ૯ થી ૧૧ દરમિયાન ધો. ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક પયા૪વરણને લગતા પ્રશ્નોત્તરી પેપર પરીક્ષાનું આયોજન કરેલ છે અને પ્રથમ, દ્વિતિય અને તતિય આવનારને ભાવનગર વન વિભાગ વિકટોરીયા પાર્ક ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન વિકટોરીયા પાર્ક ગૌરવવનમાં રાખેલ છે. ભાગ લેવા ઈરછતા દરેક વિદ્યાર્થીએ સવારે ૭ વાગે વિકટોરીયા પાર્ક ખાતે હાજર રહેવું.

પથ્વીનો બાયોડેટા

- સૂર્યથી પૃથ્વીનું અંતર - ૧૪,૯૫,૯૭,૯૦૦ કિ.મી.
- વ્યાસ - ૧૨,૧૫૬ કિલોમીટર
- સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય - ૩૬૫.૨૬ દિવસ
- ધરીભ્રમણનો સમય - ૨૩ કલાક, ૫૬ મિનિટ
- સપાટીનું મહત્તમ-લઘુત્તમ તાપમાન - માઈનસ ૭૦ થી ૫૫ ડિગ્રી
Source: http://www.divyabhaskar.co.in/2010/04/22/save-eath-celebrate-earthday-898873.html

Wednesday, April 21, 2010

ગીરમાં ૨૪મી એપ્રિલથી સિંહની વસતિ ગણતરી.

આના લેખક છે GS NEWS   
મંગળવાર, 20 એપ્રિલ 2010

પ્રથમ વખત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ

ગાંધીનગર,
રાજ્યના ગીર અભ્યારણ્ય અને તેને સંલગ્ન વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની વસતિ ગણતરી આગામી ૨૪ થી ૨૭ એપ્રિલ દરમ્યાન કરવામાં આવનાર છે. આ માટે સાત વિભાગોને ૨૮ ઝોન તથા ૧૦૦ પેટા ઝોનમાં વહેંચી દઈ ૪૫૦ ગણતરીકારો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે પ્રથમવાર ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ અને વાયરલેસ સહિતની અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સમગ્ર કામગીરીની ફોટોગ્રાફી અને તેનું ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવનાર છે.

૭ વિભાગ, ૨૮ ઝોન અને ૧૦૦ પેટા ઝોનમાં ૪૫૦ ગણતરીકારો દ્વારા કામગીરીઃફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન પણ કરાશે

વિશ્વમાં માત્ર ગીરમાં જોવા મળતા એશિયન સિંહની વસતિ ગણતરી પાંચ વર્ષ બાદ ફરી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે માહિતી આપતા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ એસ.કે.નંદા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક પ્રદિપ ખન્નાએ જણાવ્યું હતંુ કે, ગીર અભ્યારણ્ય અને તેને સંલગ્ન એવા મિતીયાળા, પાણીયા, ગીરનાર તથા ભાવનગર જિલ્લાના પાલીતાણા, જેસર સહિત જે જે સ્થળે સિંહોનું આવાગમન હોય તેવા તમામ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ -૨૦૦૫માં સિંહોની વસતી ગણતરી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે તા.૨૪ અને ૨૫ એપ્રિલે પ્રાથમિક બ્લોકવાઈઝ ગણતરી તથા ૨૬ અને ૨૭ એપ્રિલે આખરી બ્લોકવાઈઝ ગણતરી કરવામાં આવશે. વસતિ ગણતરી કરવા માટે ધારી, જસાધાર, જામવાળા, સાસણ, જૂનાગઢ, વેરાવળ અને જેસર એમ સાત વિભાગ પાડવામાં આવ્યા છે. જેને ૨૮ ઝોન અને ૧૦૦ સબઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ૪૫૦ જેટલા ગણતરીકારો આ કામગીરી કરશે. તેમની સાથે સ્વયંસેવકોનો પણ સહયોગ લેવાશે.

વસતિ ગણતરીની કામગીરીમાં ૩૫ જેટલા વ્યવસાયિક ફોટોગ્રાફર તથા વન્ય પ્રાણી ફોટોગ્રાફરોને પણ સાથે રખાશે. આ ગણતરી અવલોકન -લોકેશન પદ્ધતિથી કરવામાં આવશે. જેમાં જંગલ વિસ્તારોમાં બીટ અને મહેસુલી વિસ્તારમાં ગામને એકમ તરીકે ધ્યાને લેવાશે. આ ગણતરી દરમ્યાન સિંહ જોયાનો સમય, સ્થળ અને લોકેશન નોંધવામાં આવશે. ત્યારબાદ ઝોનલ ઓફિસરને વાયરલેસ મેસેજથી જાણ કરાશે. જેઓ તાત્કાલિક સ્થળ ઉપર જઈ ચકાસણી કરશે અને ફોટોગ્રાફી વગેરે કરી પુરાવાઓ મેળવશે. આ કામગીરી બપોરે ૨ વાગ્યે શરૃ કરી બીજા દિવસે બપોરે ૨ વાગ્યે પૂર્ણ કરવામાં આવશે.
ઉનાળાની ઋતુમાં પાણીના સ્ત્રોતો મર્યાદિત હોવાથી આ સમયમાં સિંહની વસતિ ગણતરી સરળ રહે છે. સિંહોનું લોકેશન શોધવા માટે છેલ્લા નવ મહિનાથી સર્વે શરૃ કરી દેવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા દસ વર્ષમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણ અને વિસ્તાર સહિતની વિગતોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે ૪૫૦ જેટલા લોકેશન નિયત કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં કુલ ૧૩૫ અધિકારીઓ, ૪૫૦ ગણતરીકારો, ૯૦૦ મદદનીશો, ૧૦૦ સ્વયંસેવકો, ૫૦ ફોટોગ્રાફરો, ૧૨ ડોક્ટરો અને ૧૧ સંશોધકોની ટીમ કાર્યરત રહેશે. જ્યારે ૨૦૦ વાહનો અને ૪૫૦ મોટરબાઈક પણ પુરા પાડવામાં આવશે. જો કે, ગણતરી દરમ્યાન વાહનની અવરજવર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ વખતે પ્રથમવખત વસતિ ગણતરીની કામગીરીમાં જીઆઇએસ, જીપીએસ અને વાયરલેસ સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ કામગીરીનું ડોક્યુમેન્ટેશન પણ કકરવામાં આવનાર છે.
દર વર્ષે ૩૦થી ૪૦ સિંહોના મોત થાય છે
ગાંધીનગર,
ગીરના જંગલોમાં સિંહના સંવર્ધન માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે દર વર્ષે વિવિધ કારણોસર ૩૦થી ૪૦ સિંહોના મોત થાય છે. ગયા વખતની ગણતરી પ્રમાણે ૩૫૯ સિંહો નોંધાયા હતા.

૮૯ સિંહો દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યા છે

સિંહના મૃત્યુ પાછળ બાલ્યાવસ્થામાં થતી બિમારી કે ચેપ લાગવાના કારણ મુખ્ય હોય છે. જ્યારે મેટીંગ સિઝન દરમ્યાન અંદરોઅંદર થતા લડાઈ-ઝઘડાને કારણે પણ સિંહનું મોત થવાના બનાવ બનતા રહે છે. હાલ, માત્ર ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાટીક લાયન દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં પણ રાખવામાં આવ્યા છે. જે મુજબ દિલ્હી, હૈદરાબાદ, રાજકોટ અને શક્કરબાગ ઝૂમાં કુલ ૮૯ જેટલા સિંહ જોવા મળે છે. આગામી દિવસોમાં ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં પણ એશિયાટીક લાયન લાવવાની તજવીજ ચાલી રહી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/61573/

મોત સામે જંગ...

Wednesday
Agency, London
First Published: 00:09[IST](21/04/2010)
Last Updated : 00:21[IST](21/04/2010)
આફ્રિકાના બોટ્સવાના વિસ્તારમાં બિગ કેટ અને જંગલી પ્રાણી વાર્થોગ વચ્ચે કંઈક આવો જંગ જામ્યો હતો.

આફ્રિકાના રણ વિસ્તારના પ્રાણી પર હુમલો કર્યા પહેલા ચિત્તાએ કદાચ એવું વિચાર્યું હશે કે માદા વાર્થોગ ગર્ભવતી હોવાથી તેને પરાસ્ત કરવામાં વધારે તકલીફ નહીં મળે, અને તેને સરળતાથી એક દિવસનું ભોજન મળી જશે.
જો કે બંને વચ્ચે જ્યારે ખરાખરીનો જંગ ખેલાયો ત્યારે ચિત્તાની બધા ધારણાઓ ખોટી પડી હતી. તેમજ વાર્થોગ સાથેની લડાઈમાં તે પોતે ઘાયલ થઈ ગયો હતો.
પોતાના પ્લાન પ્રમાણે ચિત્તાએ પાછળથી વાર્થોગ પર વાર કર્યો હતો. પરંતુ વાર્થોગે બુદ્ધિ વાપરી તેને નીચે પછાડી દીધો હતો, અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે ચિત્તો લાચાર થઈને ત્યાંજ ઉભો રહ્યો હતો.
61 વર્ષીય બિઝનેસમેન માઈક બેલીએ પોતાના કેમેરામાં આ અકલ્પનિય ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી. ઘટનાને નજરે જોનાર બેલીએ જણાવ્યું હતું કે અમે વિચારી રહ્યા હતાં કે લડાઈ બાદ બાદ ચિત્તો કે વાર્થોગ બેમાંથી કોણ હરખાયું હશે!
Photo courtesy: daily mail
Source: http://www.divyabhaskar.co.in/2010/04/21/a-hungry-leopard-thinks-hes-spotted-an-easy-meal-893343.html

દીપડાએ જેના પર હુમલો કર્યો એ ફરારી આરોપી નિકળ્યો !

પોરબંદર તા.૧૯

પોરબંદરનાં કાટણવાણાની સીમમાં દીપડાએ જે શખ્શ પર હુમલો કર્યો હતો તે શખ્શ ફરારી આરોપી નિકળતા પોલીસ હવે, હોસ્પિટલમાંથી જ તેનો કબ્જો લઈ લેશે.પોરબંદરના ગોઢાણા ગામની સીમમાંલાખીબેન હમીર ગોરાણીયાએ ર૦ લાખ રૃપિયા જમીનનું વેચાણ ગીગાભાઈ નામની વ્યકિતને કર્યુ હતુ. તેમના નામે વધારાના ૧પ લાખ રૃપિયા પડાવવા બરડા વિસ્તારનાં કુખ્યાત નાથા પોપટ ખૂંટી સહિતનાં છ જેટલા શખ્સોએ હથિયારો સાથે ધસી જઈને ગીગાભાઈ મોઢવાડિયાના મકાનમાં તોડફોડ કરી હતી. પંદર હજાર રૃપિયાનું નૂકશાન કર્યુ હતું. આ બનાવમાં એક લાખીબેન હમીર ગોરાણીયાના કહેવાથી નાથા પોપટની ગેંગે આ તોફાન કરતા તેની સામે પણ ગુનો નોધાયો હતો.

આ બનાવમાં ત્રણ તહોમતદારો નાથા પૂંજા ઓડેદરા, લખમણ નાથા અને લાખીબેન ગોરાણીયાને પોલીસ પકડી શકી હતી. જયારે નાથા પોપટ સહિત બાકીના આરોપીઓ રાજુ નાથા, ઝાંઝા ગીગા, મેરૃ કરશન અને અજય રાજુ વગેરે ભાગતા ફરતા હતા. ગઈ કાલે જયારે આ ગુનાનો આરોપી રમેરૃ કરશન ખુંટી કટવાણા ગામની સીમમાંથી પસાર થતો હતો. ત્યારે જ પાઉંની સીમ તરીકે ઓળખાતી જગ્યા નજીક અચાનક પાછળથી ત્રાટકેલા દીપડાઅ મેરૃભાઈના માથામાં પાછળના ભાગે પંજો કસોકસ દબાવીને તેને પછાડી દીધો હતો અને ત્યારબાદ તે વધુ હુમલો કરે એ પહેલા હિંમત પૂર્વક પથ્થરો ઉપાડીને ઘા કરતા દીપડો નાસી છુટયો હતો અને મેરૃને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179645

ગ્રામ્યમાં રઝળતા તૃણભક્ષી પ્રાણીઓને જંગલમાં છોડો.

જૂનાગઢ તા.૨૦:

ગિર અને ગિરનાર જંગલના હિંસક પ્રાણીઓ પોતાની ભૂખ સંતોષવા માટે જંગલ છોડી બહાર આવી માનવો પર હૂમલા કરી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને ખેતરના ઉભા પાકને નુકશાન કરતા તૃણભક્ષી પ્રાણીઓને બેશુધ્ધ કરી જો જંગલમાં પરત મૂકી આવવામાં આવે તો જીવો જીવસ્ય ભોજનમના નિયમ મુજબ જંગલના હિંસક પ્રાણીઓને પોતાનો ખોરાક મળી રહેવા સાથે બીજી તરફ ખેતરોના ઉભા પાક અને હિંસક પ્રાણીઓનો શિકાર બનતા પ્રાણીઓને પણ બચાવી શકાય.

તાજેતરમાં જંગલ બહાર મારણ કરવા નિકળેલ સિંહે ત્રણ મજૂરો પર હૂમલો કરતા એક મજૂરે સિંહ પર વળતો હૂમલો કરતા સિંહ મૃત્યું પામ્યાનો બનાવ પણ બન્યો હતો. આવા બનાવો બનતા અટકાવવા તેમજ હિંસક પ્રાણીઓનો શિકાર બનતા માનવોને બચાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચાડનાર તૃણભક્ષી પ્રાણીઓને પકડી તેને ટૂંકવીલાઇઝરના ઇન્જેકશન વડે બેશુધ્ધ કરી જંગલમાં પરત મૂકી આવવા જોઇએ અને તે માટેની વ્યવસ્થા કરવા સરકારમાં રજૂઆત કરી એક મંડળ રચવામાં આવે તેવી માગણી જૂનાગઢ વિસ્તારના અગ્રણી ખેડૂતો પી.વી. દેલવાડીયા સહિતના અનેક ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે સંબંધિત વનતંત્ર તેમજ સરકાર ગંભીર પ્રયાસો હાથ ધરી સત્વરે યોગ્ય પગલાં લે તો જંગલ વિસ્તારોમાંથી બહાર આવતા સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક મળી રહે તો બીજી બાજુ તૃણભક્ષી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોના ઉભા પાકને આડેધડ નુકશાન પહોંચાડતા આપોઆપ અટકી જાય. અગાઉ ખેતરોમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકશાન પહોંચાડવામાં આવતું હોવાથી ગામેગામ ગૌશાળા ઉભી કરાઇ જેના પરિણામે આવા ઢોરોથી ખેતરના પાકને થતું નુકશાન અટકાવવામાં આજે સફળતા મળી છે. ત્યારે જંગલમાં વિહરતા તૃણભક્ષીઓ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા અટકે તે માટે વનતંત્ર તેમજ સરકારે આ દિશામાં ગંભીર વિચાર કરી યોગ્ય પગલા લે તે સમયની માંગ બની રહી છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179823

ર૪મીથી ગિર-જંગલમાં સિંહોની વસતી ગણતરી.

જુનાગઢ, તા.૨૦ :

એશિયાટીક લાયન (સિંહ)નાં એક માત્ર નિવાસ સ્થાન ગિર અભયારણ્ય ખાતે આગામી તા. ર૪ થી સિંહોની વસ્તી ગણતરી કાર્યનો પ્રાથમિક તબકકો યોજાશે. તેમજ તા. ર૬ ના રોજ આખરી તબકકો યોજાશે. આ વખતની ગણતરીમાં સૌ પ્રથમ વખત ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જી.પી.એસ.)નો ઉપયોગ કરાશે. જેનાથી સિંહો ચોકકસ કયા વિસ્તારમાં છે ? તેની ખરી વિગત મળશે તેમ જ સિંહોનું ડુપ્લિકેશન થતુ અટકશે. અને ગણતરી એકદમ ચોકસાઈપૂર્વક થઈ શકશે. તેમ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.

આગામી શનિવાર સવારથી શરૃ થનાર સિંહોની વસ્તી ગણતરીમાં વનતંત્રએ સૌ પ્રથમ વખત હાઈટેક સીસ્ટમના ઉપયોગ સાથે ૪૦૦ જેટલા ગણતરીકારો, ૯૦૦ મદદનીશ, ૧૦૦ સબ ઝોનલ ઓફિસરો સહિત ૧૩૮ અધિકારીઓ તેમજ, ૧પ૦ કેમેરા સહિતના ૪૦ જેટલા વાહનોનો કાફલો એશિયાટીક લાયનોના નિવાસ સ્થાન ગિર વનવિસ્તારમાં ગણતરી કાર્ય હાથ ધરશે. આ સંદર્ભે મુખ્યવન સંરક્ષક સુધીર ચુર્વેદીના જણાવ્યા અનુસાર આ વખતની ગણતરીમાં જી.પી.એસ.નો ઉપયોગ કરવામાં આવતા ગણતરી કરનારે ચોકકસ કઈ જગ્યાએ, કયા સમયે સિંહને જોયા સાથે જે તે વખતે તેનું (સિંહોનું) કેટલા અક્ષાંશ અને રેખાંશ ઉપર લોકેશન (હાજરી) હતી. તેની સચોટ માહિતી નોંધશે.

ગિર જંગલ વિસ્તારમાં થયેલી છેલ્લી ગણતરીમાં સિંહોની સંખ્યા ૩પ૯ જેટલી નોંધાઈ હતી. જે આ ગણતરી બાદ વધીને આશરે ૪રપ થી ૪પ૦ સુધી પહોંચી જશે. તેમ, વન સુત્રો તેમ જ વનપ્રેમીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં યોજાનાર ગણતરી સંદર્ભે મુખ્ય વન સંરક્ષક સુધિર ચતુર્વેદી, સાસણ-ગીર ડી.સી.એફ. ડો. સંદિપકુમાર ના માર્ગદર્શન હેઠળ આશરે કુલ ૧૬૦૦ જેટલા કર્મચારીઓ, સિંહ ગણતરી નિષ્ણાંતો તેમજ એન.જી.ઓ. કાર્યકર્તાઓ ગિર વન વિસ્તારમાં દિશા નિર્દેશો મૂજબ ગોઠવાઈ સિંહ ગણતરી કરશે. જે તા. ર૬ ના રોજ આખરી તબકકા બાદ પૂર્ણ થશે. ત્યાર બાદ એશિયાટીક ગૌરવ એવા ગિર-સિંહોની વસ્તી અંગે માહિતી મળશે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179968

પંદર દિવસ પહેલા પકડાયેલા દીપડાની પ્રિયતમા પાંજરે પૂરાઈ.

વેરાવળ :

૧પ દિવસ પહેલા વાવડી આદ્રીમાં પકડાયેલા દીપડાને બચાવવા માટે જે દીપડીએ પોતાનું માથુ પાંજરામાં અથડાવ્યું હતું. આજે સવારે ૪ કલાકે પાંજરે પૂરાતા વાવડી અને ચમોરડાના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ચમોરડાની સીમ પાસે આવેલી વાવડી આદ્રીની સીમમાં લખ મણભાઇ વેજાણંદભાઇ જોટવાની વાડીમાં આજે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં બકરાનું મારણ જોઈ આવેલી સાત વર્ષની દીપડી પાંજરે પૂરાઇ ગઇ હતી. આ દીપડી સાત ફૂટ લાંબી, ૩ ફૂટ ઉંચી હતી. આ અંગે જાણ થતા વન વિભાગના આરએફઓ જોખીયા તથા ફોરેસ્ટર નાનજીભાઇ કોઠીવાલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

આ દીપડીને સાસણ એનિમલ હેલ્થ કેરમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ દીપડી પંદર દિવસ પહેલા પકડાયેલા દીપડાની જ પ્રિયતમા છે. તે વખતે પકડાયેલા દીપડાને બચાવવા દીપડીએ પાંજરામાં માથુ અથડાવી તોડવાની કોશીષ કરી હતી. તેમ જ પાંજરાની બાજુમાં જ બેસી ગઇ હતી. બાદમાં મહામહેનતે વનવિભાગ ટ્રેકટરથી અવાજ કરી અને હાકલા પડકારા કરી આ દીપડીને ભગાડી હતી. આજે તે જ વાડીમાં આ દીપડી પકડાઇ હતી.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179973

Sunday, April 18, 2010

સિંહ માટે પાણીના કૂંડા ભરતા આધેડની કૂવામાંથી લાશ મળી.

Sunday, Mar 28th, 2010, 4:26 am [IST]
ભાસ્કર ન્યૂઝ. તાલાલા

ગીર જંગલની પીળીયાટનાં જંગલ વિસ્તારમાં આવેલા નનામા કુવામાં મજુર આઘેડની લાશ હોવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક ગીર જંગલમાં સિંહોને પાણી પાવાનાં કુંડા ભરવાનું કામ કરતો હતો. મૃતક કુવામાં બે દિવસથી પડી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. મૃતકની લાશ કુવાનાં પાણીમાં બે દિવસ રહેવાથી ફુલાઈ જવા સાથે પેટ અને માથાનાં ભાગે ઈજાનાં નશિાન હોય પોલીસે શંકા સ્પદ મોત જોઈ લાશનું પી.એમ. જામનગર કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક મજુર કુવામાં કેવી રીતે પડયો ? જંગલનાં નર્જિન વિસ્તારમાં કોઈએ માર માર્યો છે કે કેમ ? કે પછી હિઁસક પ્રાણીનાં હુમલાથી ઈજા પામી જીવ બચાવવા કુવામાં ખાબકી ગયો હતો. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/28/403393.html

સિંહ સાથે રહેતી મહિલા!

Wednesday, Mar 31st, 2010, 3:25 pm [IST]
Agency, Johannesburg

શું તમે કલ્પના કરી શકો કે કોઈ વ્યક્તિ સિંહ સાથે રહી શકે છે? આ કામ લગભગ અશક્ય છે. પરંતુ દક્ષિણ આફ્રિકાની એક સાહસિક મહિલા છેલ્લા અઠવાડિયાથી સિંહ સાથે રહે છે. મહિલાના જણાવ્યા પ્રમાણે તે બે અઠવાડિયા સુધી સિંહ સાથે રહેશે. બહું સ્પષ્ટ છે કે સિંહ સાથે તો કોઈ સિંહનું કાળજુ ધરાવતી વ્યક્તિ જ રહી શકે.

જેની શીમિડ નામની સાહસિક મહિલા 25 માર્ચથી દક્ષિણ આફ્રિકાના ઉત્તરે આવેલા લિંપોડોમાં બે સફેદ સિંહ સાથે તેની ગુફામાં જ રહે છે. મહિલા ફક્ત સ્નાન કરવા માટે જ સિંહની ગુફામાંથી બહાર આવે છે. જેની પોતાનો ખોરાક પણ સિંહ સાથે જ લે છે. જેનીને સિંહની સાથે જોઈને એવું લાગે કે જાણે બંને સિંહ તેના પાળતુ કુતરા છે.

દક્ષિણ આફ્રિકાના કબાઈલી વિસ્તારમાં રહેલા સફેદ સિંહોને સ્વર્ગમાંથી ધરતી પર ઉતારવામાં આવેલા તારા કહેવામાં આવે છે. સિંહોની ઘટતી જતી વસ્તી પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે જેનીએ સિંહ સાથે રહેવાનું જોખમ ઉઠાવ્યું છે. ગુફામાં જેનીની સુરક્ષા માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની અહીં એક જ પ્રકારના કપડા પહેરી રાખે છે. જેનાથી સિંહને એવું લાગે કે કોઈ પ્રાણી જ તેમની સાથે રહેવા આવી ગયું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/south-african-woman-spends-time-with-lion.html

મારણ પઘ્ધતિ પર પ્રતિબંધ આવતા બીટ પઘ્ધતિ અમલી.

Saturday, Apr 17th, 2010, 12:29 am [IST]
Jitendra Mandavia, Talala
First Published: 00:29[IST](17/04/2010)
Last Updated : 00:29[IST](17/04/2010)

ગીરમાં વસતા સિંહોની ગણતરીનો આગામી તા.૨૪થી પ્રારંભ થઈ રહ્યો છે. ગીરમાં અગાઉ સિંહોની વસતી ગણતરીમાં સચોટ અને પારદર્શક ગણાતી ભક્ષ્ય પ્રાણી (મારણ) પઘ્ધતિનો ઉપયોગ થતો હતો. પરંતુ વર્ષ ૨૦૦૦માં મારણ પઘ્ધતિ પર ઈન્ડીયન વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા વનતંત્ર દ્વારા સિંહ ગણતરી માટે બીટ પઘ્ધતિ અમલમાં મુકવામાં આવી હતી. જેનાથી રેન્જ, રાઉન્ડ, તેમજ બીટના કર્મચારીઓ તેમના કાર્ય વિસ્તારથી વાકેફ થઈ શકે છે.

ગીર જંગલમાં વસતા તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી વનવિભાગ દ્વારા અલગ અલગ પઘ્ધતિથી કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા ભુતકાળમાં સિંહોની ગણતરી માટે જીવતા ભક્ષ્યપ્રાણી (મારણ)નો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ૨૦૦૦ના વર્ષમાં ઈન્ડીયન વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા ભક્ષ્ય પઘ્ધતિ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો.

વનતંત્ર દ્વારા છ પઘ્ધતિઓથી સિંહ ગણતરી કરવામાં આવતી હતી. જેમાં ૧ જીવતા ભક્ષ્ય પ્રાણી (મારણ પઘ્ધતિ), ૨ પાણીના સ્થળ અને પોઈન્ટ ઉપર, ૩ પગમાર્ક પઘ્ધતિ, ૪ વીબ્રીસીસ સ્પોર્ટ પેટર્ન પઘ્ધતિ, ૫ બોડી માર્ક પઘ્ધતિ, અને ૬ બીટ વેરી ફિકેશન પઘ્ધતિનો ઉપયોગ થતો હતો. આ પઘ્ધતિમાં સૌથી શ્રેષ્ઠ સચોટ અને પારદર્શક ગણાતી મારણ પઘ્ધતિ પર પ્રતિબંધ આવતા વન વિભાગે સિંહોની નવી ગણતરી કરવા, બીટ વેરીફીકેશન તથા પગમાર્ક પઘ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેમજ આ પઘ્ધતિને વધુ વિશ્વસનીયતા મળે તે માટે ગણતરી પહેલા જ બીટ અવલોકન રજીસ્ટાર રાખવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ પઘ્ધતિથી રેન્જ, રાઉન્ડ તેમજ બીટના કર્મચારીઓ તેના કાર્ય વિસ્તારના સિંહોથી સંપૂર્ણ વાકેફ થાય અને તેનો અનુભવ પણ વધે છે. ત્યારે વનતંત્ર દ્વારા સિંહની નવી વસ્તી ગણતરી બીટ પઘ્ધતિથી કરવાનું નક્કી કર્યુ છે. સાથે સાથે પગમાર્ક પઘ્ધતિનો પણ ઉપયોગ કરી વનતંત્રના અધિકારીઓ તારણ મેળવશે.

મારણ પઘ્ધતિ શુ કામ સચોટ અને પારદર્શક ગણાય છે
આ પઘ્ધતિમાં વનવિભાગનાં કર્મચારીઓ જંગલમાં વસવાટ કરતા સિંહોનાં સ્થળોનું અવલોકન કરી ગણતરી દરમ્યાન ભક્ષ્ય પ્રાણી(પાડા)ને જંગલમાં લઈ જાય છે. પાડને બાંધવામાં આવતા તેમની વાસથી સિંહો પાડા (મારણ) સુધી પહોંચી જાય છે. મારણની જગ્યાએ એકી સાથે વધુ સંખ્યામાં સિંહો એકઠા થઈ જતા હોય ચોક્સાઈથી ગણતરી કરી શકાય છે.

તેમજ મારણ ખાવા અધીરા બનીને સિંહો કંટાળી ચાલ્યા જતા હોય ત્યારે મારણ છુટુ મુકતા સિંહો મારણ ઉપર હુમલો કરે ત્યારે તેમની આક્રમકતા, રાક્ષીદાંત, તીક્ષ્ણ નહોર જડબાની સ્થિતી વગેરેનો સચોટ અંદાજ મેળવી શકાય છે. તેમજ સિંહણ (માદા) મારણ ખાય ત્યારે તેમનાં આંચળનો ખ્યાલ મળે અને બરચા મારણ ખાય તો સિંહ બાળની સંખ્યા અને શારીરીક સ્થિતી નો તાગ મળી શકતો હોવાથી વનતંત્રનાં મતે આ પઘ્ધતિ સચોટ, વિશ્વસનીય અને પારદર્શક ગણાઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/17/bit-system-to-count-population-of-lions-880533.html

ગીરમાં ભિક્ષુકને દીપડાએ ફાડી ખાધો.

Bhakar News, Junagadh
First Published: 00:50[IST](18/04/2010)
Last Updated : 02:20[IST](18/04/2010)


ગીરનાર જંગલના ૩૪૦૦ પગથિયા નજીકના જંગલ વિસ્તારમાં એક શખ્સનો મૃતદેહ પડ્યો હોવાની કોઈએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસના જેઠાભાઈ સહિતનો સ્ટાફ ગીરનારના જંગલમાં પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરતા આ શખ્સ સિંહોર તાલુકાના સોનગઢ ગામનો મહેશ ભીખા રંધાતર પરમાર (ઉ.વ.૩૮)હોવાનું ખુલ્યું હતું.

આ શખ્સ અગાઉ ટ્રેન હેઠળ આવી જતા તેના પગ કપાઈ જવાથી તે વિકલાંગ થઈ ગયો હતો. બાદમાં તે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ભિક્ષાવૃતિ કરતો હતો. આ અંગે તપાસનીશ અધિકારી જેઠાભાઈનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, મહેશ ભીખા વિકલાંગ થઈ જવાથી ભવનાથમાં ભિક્ષા વૃતિ કરતો હતો. છેલ્લા એક-બે દિવસથી તે ભિક્ષાવૃતિ કરતો કરતો ગીરનારના પગથિયા પર પહોંચી ગયો હતો. ગતરાત્રીના બે વાગ્યા આસપાસ તે ૩૪૦૦ પગથિયા પર બેઠો હતો. ત્યારે તેને દીપડો ઉપાડી ગયો હતો તેનું માથુ અને હાથપગ ફાડી ખાધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે મૃતક વિકલાંગ ભિક્ષુકના પરિવારજનોને જાણ કરતા તેઓ જૂનાગઢ આવવા માટે રવાના થયા છે.

શિવરાત્રી મેળામાં પણ ભિક્ષુકને ફાડી ખાધો હતો

ગીરનાર જંગલ વિસ્તારની આસપાસ પણ દીપડાઓની રંજાડ વધતી જાય છે. શિવરાત્રીના મેળામાં પણ એક ભિક્ષુકને દીપડાએ ફાડી ખાધો હતો. તથા અન્નાક્ષેત્રમાં સેવા કરવા આવેલા એક ભાવિક પર દીપડાએ હુમલો કર્યોહતો
Source: http://www.divyabhaskar.co.in/2010/04/18/attack-of-laperd-on-man-killed-883842.html

વિકલાંગ ભાવિકને ઉઠાવી જઈ દીપડાએ ફાડી ખાધો.

જૂનાગઢ,તા. ૧૭ :

પ્રસિધ્ધ ગિરનાર પર્વત પર ગઈકાલે રાત્રે ધાબળો ઓઢીને સૂતેલા એક અપંગ ભાવિકને બકરૃ સમજી ગળુ મોઢામાં લઈને ઉઠાવી ગયેલા દીપડાએ ર૦ મીટર નીચે ગુફામાં લઈ જઈ ફાડી ખાતા અરેરાટી પ્રસરી ગઈ છે. માત્ર ગોઠણ સુધીના જ પગ ધરાવતો ભાવનગર પંથકનો રહેવાસી આ ભાવિક અંબાજી માતાજીએ છત્ર ચડાવવાની માનતા પુરી કરવા જઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

ગિરનાર પર્વતનાં ૩ર૦૦ પગથિયા પાસે એક ગુફા જેવા સ્થળે પુરુષની લાશ મળી આવતા ડુંગર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. દિપક પંડયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતા. તેમજ મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરનાં સિંહોર તાલુકાના સોનગઢના રમેશ ઉર્ફે મહેશ નામના માત્ર ગોઠણ સુધીના જ પગ ધરાવતા અપંગ ભાવિકે બે દિવસ પહેલ અંબાજી માતાજીને છત્ર ચડાવવાની માનતા સાથે ગિરનારના પ્રથમ પગથિયેથી કઠોર કલ્પની શરૃઆત કરી હતી. તેમ જ પ્રથમ રાત્રીનો પડાવ ૯૦૦ પગથિયે કર્યા બાદ ગઈકલે સવારેથી આગળની યાત્રા શરૃ કરી હતી. ૩ર૦૦ પગથિયે પહોંચતા સુધીમાં રાત્રી થઈ જતા થાકેલો આ ભાવિક ધાબળો ઓઢીને ત્યાં જ સુઈ ગયો હતો.દરમિયાનમાં રાત્રીના સમયે કાળા ધાબળાને કારણે બકરૃ સમજીને આ ભાવિકને દીપડાએ ઉઠાવી જઈ ર૦ મીટર નીચે ગુફા સુધી ઢસડી જઈ ફાડી ખાધો હતો. છેલ્લા થોડા સમયથી આ વ્યક્તિ દામોદરકુંડ પાસે ભિક્ષાવૃતિ કરતો હોવાનું પણ જાણવા મળેલ છે. વનવિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=179020

સોઢાણાની સીમમાં યુવાન પર દીપડાએ હુમલો કર્યો.

પોરબંદર તા.૧૭ :

મધ્યપ્રદેશનાં કરજવાન ગામનો રમેશ ઉશાદ નામનો રર વર્ષનો યુવાન તેના પરિવારજનો સાથે ખેતરમાં ભાગ રાખીને સોઢાણા ગામની સીમમાં લાખાભાઈ મેરને ત્યાં ખેતરમાં કામ કરતો હતો ત્યારે રાત્રે ઝૂંપડામાં રમેશ તેની મોટીબેન, ભાઈ અને બે બાળકો સાથે સુતા હતા. ત્યારે અચાનક દબાતા પગલે આવેલા દીપડાએ રમેશના કપાળ ઉપર પંજો મુકી ઢસડીને દસ ફુટ સુધી ખેચી ગયો હતો.

રમેશની બુમાબુમથી તેના ભાઈ-બહેન વગેરે જાગી ગયા હતા અને લાકડીઓ લઈને દીપડા સામે અવાજો કરતા તેણે પંજો ઢીલો કર્યો હતો. રમેશને છોડી દીધો હતો અને અંધારામાં નાસી ગયો હતો. ઘવાયેલા રમેશને સરકારી હોસ્પિટલમાં ઈજાઓ સાથે લાવવામાં આવ્યો છે.

આ દીપડાએ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ પશુઓનો શિકાર કર્યો છે અને માણસો ઉપર પણ નાના મોટા હુમલાઓ કર્યા છે. જંગલખાતાએ અગાઉ મુકેલા પાંજરામાં આ ચાલક દીપડો સપડાતો નથી. તેથી ફરીને પાંજરૃ મુકવાની લોકોએ માંગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=179017

Friday, April 9, 2010

ઢેલના ૯ મૃતદેહ મળ્યા.

Friday, Apr 9th, 2010, 12:25 am [IST]
Bhaskar News, Junagadh

વીસાવદર તાલુકાનાં જૂની ચાવંડ ગામની સીમમાં એક ખાનગી માલિકીની પડતર જમીનમાંથી આજરોજ ઢેલનાં ૯ મૃતદેહો મળી આવ્યા હતા. વન વિભાગે નવેય મૃતદેહોનું પંચનામું કરી તેને પી.એમ. માટેની તજવીજ હાથ ધરી છે.

વીસાવદર તાલુકાનાં જૂની ચાવંડ ગામે ઓઝત નદીનાં કિનારે આવેલી વાજડીનાં સરપંચ રામભાઇની માલિકીની પડતર જમીનમાં રાષ્ટ્રીય પક્ષી મોરનાં મૃતદેહો હોવાની વીગતો જૂની ચાવંડનાં સતીષભાઇ રસીકભાઇએ વનવિભાગને આપતાં આર.એફ.ઓ. કંડોરિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવેય મૃતદેહો ઢેલનાં છે. અને તેનું મોત બે દિવસ પહેલાં થયું હોવું જોઇએ. આ બે દિવસો દરમ્યાન આ મૃતદેહોને વન્ય પ્રાણીઓએ ફાડી ખાધાની પ્રતિતી પણ તેનાં અડધા તૂટેલા પીંછાં અને ફાડી ખાધેલા પગ ઉપરથી થઇ રહી છે.

આ વિસ્તારમાં દીપડા, શિયાળ અને કૂતરાંની વસ્તી હોઇ આવાં પ્રાણીઓએ આ ઢેલનો કોળિયો કર્યાનું પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યુ઼ હતું કે, ઢેલનાં મૃતદેહો આસપાસથી મગફળીનાં દાણા મળી આવ્યાનું પણ જાણવા મળ્યું છે.

દોઢ વર્ષ પહેલાં શિકારી ટોળકી ઝડપાઇ હતી

નવી ચાવંડ ખાતેથી દોઢ વર્ષ પહેલાં મોર-તેતર વગેરેનો શિકાર કરતી ટોળકી ઝડપાઇ હતી. એ વખતે ગ્રામજનોએ એ ટોળકીનાં સભ્યોને લમધાર્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/09/nine-dead-body-of-peahen-found-853517.html

આજથી સિંહની પ્રાથમિક ગણતરી.

Friday, Apr 9th, 2010, 12:29 am [IST]
Jayesh Gondhiya, Una

સમગ્ર દુનિયામાં ગુજરાતની ઓળખ ગીરમાં વસવાટ કરતા સિંહોથી થાય છે. સોરઠનાં સિંહોને જોવા એક લ્હાવો છે. આ વર્ષે ગીરના સિંહની વસ્તી ગણતરી થનાર છે. તેના માટે આવતીકાલથી તા.૯ થી સિંહની પ્રાથમિક ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ઉનાના રેવન્યુ વિસ્તારમાં સિંહની ગણતરી માટે વનતંત્રએ દોડધામ શરૂ કરી છે. છ માસ પહેલા જશાધાર વિસ્તારમાં સિંહોની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી હતી. પરંતુ આ ગણતરીમાં સિંહોની સંખ્યા વધશે એવી વનતંત્ર આશા સેવી રહ્યું છે.

આવતીકાલથી ગીર જંગલ તથા રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની પ્રાથમિક ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. સિંહોની વસ્તી ગણતરી માટે ચિંતાનો કોઈ વિષય હોય તો તે છે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની ગણતરી કરવાનો વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વનકમીર્ઓ છેલ્લા ૧૫ દિવસથી રેવન્યુ વિસ્તારમાં કેટલા સિંહો છે તેનો આંકડો મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. આ માટે જંગલ વિસ્તારના સરહદી ગામડાઓનાં લોકોના સતત સપંર્કમાં રહી સિંહોનું લોકેશન મેળવવા પ્રયત્નશીલ હતા.

ઉના પંથકનાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા નહિવત હતી. પરંતુ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્યાન રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. તેમાંય ઉના વિસ્તારની દરિયાઈ પટ્ટી પર સિંહોએ પોતાનો વસવાટ કરી દીધો છે. ત્યારે આ પ્રાથમિક ગણતરીનો તા.૯ થી સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જંગલ વિસ્તારમાં ઝોન અને સબઝોન એવી રીતે કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલું છે. તાલુકાના દરેક ગ્રામ્ય પંથકમાં પણ કેટલા સિંહોનો વસવાટ છે તે તથા રેવન્યુ વિસ્તારમાં કેટલા સિંહ છે તેનો આંકડો બહાર આવશે.

વર્ષ ૨૦૦૫માં જ્યારે સિંહોની ગણતરી હાથ ધરાઈ હતી ત્યારે રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી નહિવત હતી. જ્યારે આ વખતની ગણતરીમાં રેવન્યુ વિસ્તારમાં આ આંકડો કદાચ અચંબામાં પાડી દે તો પણ નવાઈ નહી કહેવાય અત્રે ઉલ્લેખનીય છે કે, છ માસ પહેલા જશાધાર રેન્જમાં સિંહોની પ્રાથમિક ગણતરી કરાઈ હતી.

ત્યારે તેમાં સિંહની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યારે શિયાળાનો સમય હોવાથી સિંહો બહાર દેખાતા ન હોવાથી સ્વાભાવિક રીતે તેમાં ઘટાડો નોંધાયો હોય પરંતુ વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વખતે સિંહની ગણતરીમાં ચોક્કસ વધારો થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/09/lion-on-junagadh-853515.html

અમરેલી જિલ્લાના જંગલમાં લાદેન અને ફુલનદેવી રહે છે !

સાવરકુંડલા, તા.૮

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં ઓસામા બીન લાદેન અને ફુલનદેવી મોજથી હરે ફરે છે. કોઈ તેની નજીક જવાની હિંમત કરી શકતું નથી. હા.. આ વાત સાચી છે, પરંતુ ઓસામા બીન લાદેન અને ફુલનદેવી મનુષ્ય નહીં પણ સિંહોના નામ છે. આ વિસ્તારના લોકોએ વનરાજોની ખાસીયતો પરથી તેના આવા અનેક નામ પાડયા છે.

ગીર કાંઠાના લોકો તેમજ માલધારીઓ સોરઠી ડાલા મથ્થાઓને ખાસ નામથી ઓળખે છે.સાવજોની ખાસીયતો પ્રમાણે તેના નામ-ઉપનામ આપવામાં આવે છે. તુલસીશ્યામ વિસ્તારમાં એક ખૂંખાર સિંહણને ‘ફુલનદેવી’ નામ અપાયું છે. અને સાવરકુંડલા વિસ્તારના સાકરપરા, અભરામપરા વિસ્તારમાં એક સિંહ મોટે મોટેથી ત્રાડો પાડતો રહેતો હોવાથી ‘ઓસામા બીન લાદેન’ નામ અપાયું છે. થોડા વર્ષો અગાઉ મીતીયાળાના જંગલમાં એક આખા ઝાંબલી રંગના સિંહને ‘જામ્બો’ નામ મળ્યું હતું. આવી જ રીતે અભરામપરા વિસ્તારમાં એક કદાવર સિંહ ‘બાવલા’ તરીકે ઓળખાય છે. તુલસીશ્યામના ગીચ જંગલ વિસ્તારમાં આવેલા ઓપનેશ વિસ્તારમાં એક સિહ એકલો જ રહેવાનું પસંદ કરતો હોવાથી’એકલમલ’ તરીકે ખ્યાતિ પામ્યો છે. જ્યારે પાતળા વિસ્તારમાં એક સિંહણનું પૂંછડું કપાયેલુ હોય તેને સૌ ‘બાંડી’ કહે છે. તો ગઢીયા વીરપુરના કરંજીયા ડુંગર વિસ્તારમાં બે કદાવર સિંહો ‘ભીમ-અર્જુન’ તરીકે ઓળખાય છે. દેખતા જ ડરી જવાય તેવા આ બંન્ને સિંહો હાલ ગઢીયા પંથકમાં આતંક મચાવી રહ્યાં છે. ધારીના ગ્રામીણ વિસ્તારમાં કપાળે ટીલુ ધરાવતો સિંહ ‘ટીલીયો’, ધારી વિસ્તારમાં જ એકી સાથે ફરતા ત્રણ સિંહોને ‘તરખો’ , અભરામપરા વિસ્તારના એક બુઢ્ઢો સિંહ ‘જળકટો’, જાંબાળના ચોતરા વિસ્તારમાં ત્રણ સિંહ બાળને ‘લાલો, ડમલો અને હરિયો’ , બાજરીયા મહારાજાના આશ્રમ પાસે ‘તાડકા’, વડાળ બીડ પાસે ‘શેર’, મધ્યગીર વિસ્તારમાં એકી સાથે ફરતા સાત સિંહોને લોકોએ ‘સાત નારી ગેંગ ‘ એવા નામ આપ્યા છે.

આવા નામ આપવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176351

આજથી બીજી વખત સિંહોની 'ડમી વસ્તી ગણતરી' કરાશે.

જૂનાગઢ,તા.૮

સિંહોની વસ્તી ગણતરી હાલમાં ધીમ-ધીમે ચર્ચામાં આવી રહી છે ત્યારે આવતીકાલે શુક્રવારથી બીજી વખત સિંહોની "ડમી વસ્તી ગણતરી" વનવિભાગ દ્વારા શરૃ કરવામાં આવશે. અગાઉ એક વખત કરાયેલી મોકડ્રીલમાં રહી ગયેલી ખામીઓ સુધારીને તેમજ ફાઈનલ ગણતરીને ચોક્કસતા તરફ લઈ જવા માટે આ બીજી વખતની નેટપ્રેક્ટીશ વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
વિશ્વમાં એક માત્ર સ્થળે બચેલા એશિયાઈ સાવજોથી વસ્તી ગણતરી આગામી તા.ર૪ એપ્રિલના રોજથી શરૃ થઈ રહી છે. ત્યારે આવતીકાલે શુક્રવારથી બે દિવસ માટે બીજી વખત સિંહોની ડમી વસતી ગણતરી વનવિભાગ દ્વારા કરવામાં આવશે. જેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વિશે વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે મુળ ગણતરીમાં ભૂલ ન થાય તે માટે આ ડમી ગણતરી કરવામાં આવી રહી છે. અગાઉ એક વખત મોકડ્રીલ બાદ સી.એફ.ની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી. જેમા ખામીઓ વિશેની સમીક્ષા કરીને ભૂલો સુધારી બીજી વખત મોકડ્રીલ યોજાશે. આ વખતે દુરબીન, કેમેરા, વાયરલેસ સેટ્સ વગેરે સાથે વનવિભાગનો સંપૂર્ણ સ્ટાફ ડ્રેસમાં સજ્જ થઈને ગણતરી હાથ ધરાશે. ક્રિકેટમાં કરાતી નેટપ્રેક્ટીશની જેમ આ ગણતરી કરવામાં આવશે. જેમા ફાઈનલ ગણતરીમાં કોઈ કચાશ ન રહે તેનો સંપૂર્ણ ખ્યાલ રખાશે. ગત ગણતરીમાં ગિર જંગલમાં ૩પ૯ સિંહો નોંધાયા હતા. જેમા આ વખતે સારા એવા પ્રમાણમાં વધારો થશે. વનસંરક્ષક ચર્તુવેદીના વડપણ હેઠળ આવતીકાલથી ગણતરી શરૃ થશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176294

ભેંસાણના વિદ્યાર્થીઓએ સો ચકલીઘર બનાવી વિતરણ કર્યા.

ભેંસાણ,તા,૮

ભેસાણની ચિરાગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આચાર્યની પ્રેરણાથી ચકલી માટે માળા બનાવી તેનું ઘરે ઘરે વિતરણ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
અહીંના છોડવડી રોડ પર આવેલ પ્રાથમિક શાળાના ધોરણ ત્રણથી સાતના સો જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષીક પરીક્ષામાં લેવાતા સર્જનાત્મક પ્રવૃતિના પ્રેકટીકલ પેપરમાં આચાર્ય ભરતભાઈ વાછાણીની પ્રેરણાથી ખોખાના મકાન કે માટીના રમકડા બનાવવાના બદલે ચકલી માટે માળા તૈયાર કર્યા હતા. સ્ટાફગણની સુચનાથી ઘરેથી માળા બનાવવાની સાધન સામગ્રી લઈ આવીને શાળાના મેદાનમાં સો માળા તૈયાર કર્યા હતા.ત્યારબાદ શહેરના સરદાર ચોક, ગાંધી ચોક, રામગઢ પ્લોટ, હરીપરા પ્લોટમાં ઘરે ઘરે ફરી માળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતુ. અને ચકલીને ઉછેરવા લોકોને અપીલ કરી હતી. સંસ્થાના વડા વી.આર.વઘાસીયા, શિલ્પાબેન ઠેસીયા વગેરેએ સર્જનાત્મક વિચારને બિરદાવ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176298

Thursday, April 8, 2010

ખેતરમાં નહીં ઊઘવા શ્રમિકોને વિનંતી કરાઈ.

Wednesday, Apr 7th, 2010, 1:48 am [IST]
Bhaskar News, Amreli

વન્ય પ્રાણીના વધતા હુમલા અટકાવવા સીમ ખેડૂતોને ઓરડીમાં ઊઘવા વનવિભાગનો અનુરોધ

ગીર કાંઠા ગામડાઓમાં વન્ય પ્રાણીઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગીર પૂર્વ વન વિભાગે રાત્રિના વાડી ખેતરોમાં ખુલ્લામાં સૂતા મજૂરોને બંધ મકાન કે ઝૂંપડામાં સુવા અનુરોધ કર્યો છે અને ખેડૂતોને મજૂરો માટે રહેવા ઉચિત સગવડો કરવા અનુરોધ કર્યો છે.

અમરેલી જિલ્લામાં ખેતીવાડીના ક્ષેત્રમાં પરપ્રાંતીય મજૂરોની સંખ્યા ઘણી મોટી છે. આ મજૂરો ભાગવા વાડી-ખેતર વાવવા રાખી સીમમાં જ પડયા પાથર્યા રહે છે. એટલું જ નહીં પરિવાર પણ સીમમાં સાથે રાખે છે. મોટાભાગના વાડી ખેતરોમાં આ મજૂરો ખુલ્લામાં રાતવાસો કરે છે. તેમના પરિવારજનો પણ રાત્રે ખુલ્લામાં સૂઇ જાય છે.

સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓ રાત્રે શિકાર માટે નીકળે છે. નિશાચર પ્રાણીઓના પરિભ્રમણ દરમિયાન ખુલ્લામાં સૂતેલા માણસો તેની હડફેટે ચડી જાય છે. વન્ય પ્રાણીઓ પોતાના સ્વભાવગત હુમલો કરી બેસે છે. ખાસ કરીને નાના બાળકો તેનો ભોગ વધુ બને છે. કયારેક મોટા માણસ પર પણ હુમલો થાય છે. પરંતુ દીપડા જેવા પ્રાણી બાળકોને ઢસડી ચૂપચાપ દૂર ચાલ્યા જાય છે.

ઉપરાંત જે વાડી ખેતરોમાં માલિકો દ્વારા મજૂરોને રહેવા માટે કોઇ સગવડતા કરાઇ નથી તેવા વાડીમાલિકોને મજૂરોને રહેવા માટે ઉચિત વ્યવસ્થા કરવા અનુરોધ કર્યોછે. જેથી વન્ય પ્રાણીઓ નરભક્ષી બનતાહોય તેવી ઘટના અટકાવી શકાય.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/07/farmer-not-sleep-in-fram-847436.html

સાત વર્ષની બાળકીને ફાડી ખાનાર દીપડો અંતે પકડાયો.

Thursday, Apr 8th, 2010, 12:31 am [IST]
Bhaskar News, Amreli

આખરે માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો છે. ખાંભાના ભાડ ગામની સીમમાં એક અઠવાડિયા પહેલાં રાજસ્થાની મજૂર પરિવારની બાળાને ફાડી ખાનાર દિપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા પાંચ-પાંચ પાંજરા ગોઠવાયા હતા અને લાંબા ઇંતજાર બાદ દીપડો પાંજરામાં સપડાતા તેને નિહાળવા લોકોની મોટી ભીડ અહીં ઊમટી હતી.

ખાંભા તાલુકાના ભાડ તથા આજુબાજુના ગામડાંઓની જનતાની ઊઘ હરામ કરી નાખનાર દીપડો આખરે જંગલખાતાના સાણસામાં આવ્યો છે. અઠવાડિયા પહેલાં અહીં ભાડ ગામની સીમમાં મજૂરીકામ અર્થે વસવાટ કરતા રાજસ્થાની પરિવારની સાત વર્ષની બાળકી લહેરી ભૈરવસિંહ રાજસ્થાનીને રાત્રિના સમયે દીપડો ગળામાંથી દબાવી ઉપાડી ગયો હતો અને દૂરની આંબાવાડીમાં લઇ જઇ ફાડી ખાધી હતી.

માણસનું લોહી ચાખી ગયેલા આ દિપડાને તાત્કાલીક પકડવા માગણી ઊઠતા જંગલખાતા દ્વારા ગામની સીમમાં પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉપરાંત, સાસણથી નિષ્ણાતોની ટીમ બોલાવી તેમનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. જોકે, આઠ દિવસથી દીપડો જંગલખાતાને હાથતાળી આપતો હતો. એક વખત તો પાંજરામાં દિપડાને બદલે સિંહ ઝડપાયો હતો.

દરમિયાન, આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલ દીપડો પાંજરામાં સપડાઇ જતાં હવે તેનું મેડિકલ ચેકઅપ કરી સક્કરબાગ મોકલી આપવામાં આવશે. આ દીપડો જિંદગીભર ઝૂમાં રહેશે. જોકે, પાંજરામાં સપડાયેલો દીપડો બાળાને ફાડી ખાનાર દીપડો જ છે તે નક્કી કરવું મુશ્કેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/08/leopard-arrest-849897.html

તળાજા પંથકમાં સિંહની જોડીએ ફરી દેખા દીધા : બે પશુનું મારણ.

Thursday, Apr 8th, 2010, 1:38 am [IST]
Bhaskar News, Talaja

આજથી જિલ્લાના સિંહગ્રસ્ત વિસ્તારમાં સિંહોની ગણતરી થશે

તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના જિલ્લાનાં સિંહગ્રસ્ત વિસ્તાર જેમા તળાજાનાં ભેગાળી અને માયધર ગામની સીમ વાડીમાં ફરી બે સિંહોએ દેખા દીધા છે. તેમજ અન્ય સિંહે કુંઢલા ગામની સીમમાં એક પાડો અને એક વાછરડીનું મારણ કર્યું હતું.

જિલ્લાનાં સિંહગ્રસ્ત વિસ્તાર ગણાતા તળાજાનાં શેત્રુંજી કાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કરણ-અર્જુન નામના બે સિંહની જોડીએ ભારે આતંક મચાવ્યો છે. ઉપરાંત અન્ય એક સિંહ પણ આ પંથકમાં ફરતો હોવાનાં તળાજા ફોરેસ્ટે લોકેશન મેળવ્યા છે. તળાજાના ભેગાળી અને માયધર ગામની સીમ-વાડીમાં કરણ-અર્જુનની જોડીયે ફરી દેખા દીધા છે. જેમાં માયધરની સીમમાં આવેલ રામભાઈ નાનુભાઈ ડાંગરની લીંબુની મોટી વાડીમાં આ સિંહ જોડીયે રાતવાસો કરી વહેલી સવારે શેત્રુંજી નદી વટીને ભેગાળીની સીમમાં સામાકાંઠે મનજીભાઈ મેપાભાઈની કેળની વાડીમાં ધામા નાખ્યા હોવાનું વન વિભાગે લોકેશન મેળવી તેની પર નજર રાખી હતી.

જો કે આ કરણ-અર્જુનની જોડીને કોઈ પાલતું પશું હાથમાં ન આવતા મારણ કરી શક્યા ન હતા. પરંતુ તળાજાની બાજુમાં આવેલા કુંઢલાની સીમમાં એક ત્રીજા સિંહે એક પાડાનું અને એક વાછરડાનું મારણ કર્યું હતું. તળાજાનાં આરએફઓ આર.યુ. જોષીએ જણાવ્યું હતું કે તા.૮ને ગુરૂવારે ભાવનગર જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાનાં સિંહગ્રસ્ત વિસ્તારોમાં ફરી સિંહની ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.

મેઢા ગામે સિંહ ઝળક્યો
પાલિતાણા તાલુકાના મેઢા ગામે કરશનભાઈ ખોડાભાઈની વાડીમાં સિંહએ ત્રાટકી એક પાડો અને એક પાડીનું મારણ કર્યું હતું. ઉપરાંત ઠાડચ ગામમાં દેવજીભાઈ મંગાભાઈની વાડીમાં એક દીપડાએ ત્રાટકીને દેવજીભાઈની પીઠ પાછળ હુમલો કરી તેઓનો વાંસો ફાડી નાખ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/08/lion-return-to-bhavnagar-850759.html

અભયારણ્યમાં કાળિયારને પીવાના પાણીની ભારે મુશ્કેલી.

ભાવનગર, તા.૫

ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલમાં આવેલા નેશનલ પાર્કમાં હાલમાં છેલ્લી ગણતરી મુજબના ૩,૯૫૦ જેટલા કાળિયાર વિહાર કરી રહ્યા છે. જેના માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. ગત વર્ષના નબળા ચોમાસાના કારણે અભયારણ્યમાંના પાણીના મોટાભાગના પોઈન્ટ ખાલી રહ્યા છે. ત્યારે અત્યારે ઊનાળાની મોસમમાં કાળિયારને પીવાનું પાણી ટેન્કર મારફતે પુરૃ પાડવામાં આવી રહ્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાર્કમાં રહેલા પાણીના પોઈન્ટ ભરવા પાછળ દૈનિક અંદાજે રૃ.ર૦૦૦ જેટલો ખર્ચ વન ખાતાએ વેંઢારવો પડતો હોય છે.

વેળાવદર કાળિયાર અભયારણ્યમાં હાલમાં ૩,૯૫૦ જેટલા કાળિયાર સહિત અન્ય પશુ-પંખીઓનો વસવાટ છે. ગત વરસના ચોમાસામાં વરસાદ ઓછો પડતાં સામાન્ય જનજીવન માટે પીવાના પાણીની કટોકટી સર્જાવાની સાથે વેળાવદર નેશનલ પાર્કમાં વિહરતા કાળિયાર સહિતના પ્રાણીઓ માટે પણ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

અહિના અભયારણ્યમાં કૂદાકૂદ કરતાં કાળિયારના ટોળાને પીવાના પાણીની વ્યવસ્થા આશરે રપ જેટલા પોઈન્ટથી કરવામાં આવી છે. આ પોઈન્ટ-ટાંકા પાણી વગર સાવ ખાલીખમ રહ્યા છે.

દરમિયાનમાં રક્ષિત પ્રાણી કાળિયારને પાણી વિના તરસે મરવાનો વારો આવે નહિ તે માટે ભાવનગર વન વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પોઈન્ટમાં પાણી ઠાલવવામાં આવે છે. જેમાં સરકારી ટ્રક ટેન્કર તથા ખાનગી ટેન્કર દ્વારા આજુબાજુના ગ્રામ્યપંથકમાંથી મીઠુ પાણી નેશનલ પાર્કના પોઈન્ટ-ટાંકામાં ભરવામાં આવે છે. રોજના ત્રણેક ફેરા ટેન્કરના મારવામાં આવે છે. જેમાં ટેન્કર દીઠ અંદાજે રૃ.૮૦૦ ની આસપાસ ચુકવવાની સાથે દૈનિક બે હજારથી અઢી હજારની રકમ વનખાતાએ ચુકવવી પડતી હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, નેશનલ પાર્કમાં અલંગ નદીના મીઠા પાણીનો પણ લાભ વન્યપ્રાણીઓને મળે છે. તેમજ અહિ બાંધવામાં આવેલા ચેકડેમથી પણ પાણીની સમસ્યામાં રાહત થાય છે. પરંતુ ગત વર્ષે ચોમાસામાં પુરતો વરસાદ નહિ પડતાં આ વરસના ઊનાળામાં વન્યજીવોએ પાણીની અછતનો સામનો કરવો પડે તેવી કફોડી સ્થિતિ સર્જાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176066

પેટલાદના બે વેપારીઓની વનવિભાગ પૂછતાછ કરશે.

જૂનાગઢ,તા.૭:

ગિરનાર જંગલમાંથી ચંદનના લાકડાની ચોરીના પ્રકરણમાં પોલીસે ઝડપેલા પેટલાદના બે વેપારીઓનો વનવિભાગ દ્વારા કબજો મેળવાયો છે. જો કે, શરૃઆતના સમયમાં જ કંઈ ન કઢાવી શકનાર વનવિભાગ હવે ફરી વખત આ પ્રકરણમાં આગળની પુછપરછ હાથ ધરશે.

ગિરનાર જંગલમાંથી ચંદનના લાકડા ચોરીને લઈ જતી ચાર મહિલા અને એક પુરૃષને વનવિભાગે ઝડપી લીધા બાદ આ પ્રકરણમાં પોલીસે મેદાનમાં આવીને સમગ્ર કારસ્તાન ખુલ્લુ પાડયું છે. લાકડા કાપતા ઝડપાયેલા આરોપીના ત્રણ દિવસના અને લાકડાની ખરીદીમાં બહાર આવેલા વેપારીઓના બે દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે આ પ્રકરણના મૂળ સુધી તપાસ ચલાવ્યા બાદ આજે પેટલાદના એ બન્ને વેપારીઓના રિમાન્ડ પૂર્ણ થઈ જતા વનવિભાગે પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આ બન્ને વેપારીઓનો કબજો લીધો છે. તેમજ આ પ્રકરણમાં હવે આગળની તપાસ ચલાવશે. જો કે શરૃઆતના સમયમાં જ જ્યારે ચંદન ચોરી કરતા પાંચ આરોપીઓ ઝડપાયા ત્યારે જ વનવિભાગ પણ આ પ્રકરણમાં આટલે સુધી પહોંચી શક્યું હોત. પરંતુ પોલીસે મેદાનમાં આવીને આ કૌભાંડના મૂળ સુધી તપાસ ચલાવવી પડી હતી. તેવું પણ પોલીસ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=175881

Wednesday, April 7, 2010

આંબાનો મોર કાચી કેરી..

આમ્રપુષ્પમ્ અતિસારં કફપિત્તપ્રમેહનુત |

અસૃગ્દુષ્ટિહરં શીતં રુચિકૃદ્ગ્રાહિ વાતલં ||

આમ્ર પુષ્પ એટલે કે આંબાનો મોર અતિસાર, કફ, પિત્ત અને પ્રમેહને મટાડનાર છે. તથા તે લોહીનો બગાડ મટાડનાર, શીતળ, રુચિ ઉપજાવનાર, ઝાડા મટાડનાર અને વાયુ કરનાર છે.

આમ્રંબચાલંકષાયામ્લં રૃચ્યં મારુતપિત્તકૃત |

તરૃણં તુ તદત્યમલં રુક્ષં દોષત્રયાસ્રકૃત ||

આંબાની નાની કાચી કેરી તુરી, ખાટી, રુચિ ઉપજાવનાર અને વાયુ તથા પિત્ત કરનાર છે. તરુણ- મોટી થયેલી કાચી કેરી બહુ જ ખાટી, રુક્ષ અને ત્રણે દોષ તથા લોહીનો બગાડ કરનાર છે. -વૈદ્ય મનુભાઈ ગૌદાની
Source: http://www.sandesh.com/

ગીરમાં સિંહોની વસ્તી ગણતરી આગામી માસથી શરૃ થશે.

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 22 માર્ચ 2010
ભાવનગર, સોમવાર

ગીરના જંગલમાં સિંહોની વસ્તી ગણથરીનો ફાઇનલ તબકકો તા.૨૬ એપ્રિલથી શરૃ થશે. જંગલ ખાતામાં અદિકારીઓ અને આર.એફ.ઓ.ની જગ્યાઓ ખાલી હોય સિંહની વસ્તી ગણતરી કેટલીક વાસ્તવીક થશે તે અંગે પણ સવાલ ઉઠવા પામ્યો છે.
આજથી પ્રાથમિક કવાયતનો આરંભ ઃ ઘણાં બધા અધિકારીઓની જગ્યા ખાલી હોય ગણતરી શાથી થશે ?

ગુજરાતના ગૌરવ, સૌરાષ્ટ્રની શાન અને ગીરના અણમોલ ઘરેણા સમાન સિંહોની ગણથરી દર પાંચ વર્ષે હાથ ધરવામાં આવે છે. આ કવાયતના ભાગરૃપે ચાલુ વર્ષની સિંહ ગણતરીનું કાર્ય ચાલુ થયેલ છે. જે મુજબ આવતા મહીનાની ૭ તારીખે મોક કાઉન્ટીંગ પ્રેક્ટીસ અને ટ્રાયલ માટે કરવામાં આવશે જ્યારે ફાઇનલ ગણતરી તા.૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કરાશે જેના પહેલા બે દિવસોમાં પ્રાયમરી અને બાકીના બે દિવસોમાં ફાઇનલ ગણતરી કરવામાં આવનાર છે.

ગીર અભ્યારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહોનું વ્યવસ્થાપન જે સર્કલના તાબામાં આવે છે તે વન્યપ્રાણી વર્તુળ - જુનાગઢના સર્કલ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા વન સંરક્ષકમાંથી મુખ્ય વન સંરક્ષક કક્ષાની તાજેતરમાં કરવામાં આવેલ છે. વન્યપ્રાણી વર્તુળના વન સંરક્ષક શર્માની બઢતી સાથે બદલી ગાંધીનગર કરી તેઓને વધારાનો ચાર્જ જુનાગઢ ખાતેના સર્કલનો અપાયેલ છે. ગાંધીનગરના અધિકારીને જુનાગઢનો ચાર્જ આપવા અને વન્યપ્રાણી વર્તુળની જગ્યા ખાલી રાખવાની બાબત વન વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલ છે. ગીરનો મોટાભાગનો વિસ્તાર જે ડીવીઝનના તાબામાં આવે છે તે ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક અભ્યાસની લાંબી રજા પર હોવા છતાં આ જગ્યા પર કાયમી અધિકારી મુકવાનું ટાળી સાસણ વન્યપ્રાણી ડીવીઝનના નાયબ વન સંરક્ષકને વધારાનો હવાલો અપાયેલ છે.

ઉપરાંત મોટાભાગના મદદનીશ વન સંરક્ષકો અને આર.એફ.ઓ.ની જગ્યાઓ ખાલી છે જે પણ વધારાના ચાર્જમાં ચલાવવામાં આવે છે. આમ સૈનિકો અને સેનાપતિ વગરની વન સેના ઉછીના અધિકારીઓ અને સ્ટાફ સાથે સિંહોની ગણતરીનું કામ કરવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે સરકારની વન્યપ્રાણી વર્તુળ તાબાની ખાલી જગ્યાઓ પુરવા બાબતેની સંવેદના પ્રશ્નાર્થ રૃપ બનેલ છે.

ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમીત જેઠવાએ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક, ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક, મોટાભાગના મદદનીશ વન સંરક્ષકો અને આર.એફ.ઓ.ની જગ્યાઓ ખાલી હોવાની વિગત સાથે સિંહ ગણતરી સ્થાનિક લોકોના સહકાર સાથે પારદર્શકતા અને વિવાદથી પર રહી પુરી થાય તે સારૃં જરૃરી સરકારનું ધ્યાન દોરેલ છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/59118/153/

જંગલખાતાની રેઢિયાળ નીતિ - બે વર્ષમાં ૭૨ સિંહોના મોત.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 05 એપ્રિલ 2010

ભવ્ય વન્ય સંપદાને બદલે ભ્રષ્ટાચારનું જતન

સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જ સિંહો જોવા મળે છે. સૌરાષ્ટ્રની શાન ગણાતા સિંહોની વસ્તી ગણતરીનો તખ્તો ગોઠવાઈ ચૂકયો છે. ૨૩મીથી ૬ દિવસ વસ્તી ગણતરી હાથ ધરાશે. પરંતુ ખાલી વસતી કરી સંતોષ માનવાના બદલે હાલ સિંહોની સુરક્ષા અંગેનો વિકટ પ્રશ્ન ઉભો છે તેનો ઠોસ ઉકેલ જરૂરી બન્યો છે. જો આ બાબત પરત્વે વનવિભાગ ગંભીર નહીં બને તો કદાચ એક સમય એવો આવે કે ગણતરી કરવા જેવું કશું બચે જ નહીં. જંગલખાતાની રેઢિયાળ નીતિને લીધે છેલ્લાં બે વર્ષમાં ૭૨ સિંહોના મોત નિપજયા છે. કેમ કે ગીરના જંગલોની ભવ્ય વન્ય સંપદાના જતનને બદલે ભ્રષ્ટાચારનું જતન થઈ રહ્યું છે. અને તેથી જ ગાઢ જંગલોમાં શિકારીઓ બિન્દાસ રીતે ધુસી અને શિકાર કરી રહ્યાં છે.

ગાઢ જંગલમાં શિકારીઓ ધૂસી શકે છે કારણ કે, તેને અટકાવવા માટેનું પેટ્રોલીંગ નથી ઃ નીચેથી ઉપર સુધી બેલગામ તંત્ર

પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં વહેચાયેલા ગીરના જંગલરમાં અંદાજે ૨૯૧ સિંહો વિચરી રહ્યાં છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં અકસ્માતે, કુદરતી મોત કે શિકારની ઘટનાઓમાં ૭૨ જેટલાં સિંહોના મોત નિપજયા છે. સિંહોના મૃત્યુનો રેશિયો ડામવા માટે બૃહદ ગીર યોજના પણ બનાવાઈ છતાં કોઈ અર્થ સર્યો નથી. કેમ કે મૂળ કારણો ઉપર જડ નિયમો તથા ભ્રષ્ટાચારના ચશ્મા ધારણ કરેલા વનવિભાગ દ્વારા ઘ્યાન અપાતું જ નથી. ગીરના જંગલમાંથી સિંહો છેક રેવન્યુ વિસ્તારમાં ગામડાઓ સુધી મરણની શોધમાં જવા લાગ્યા છે. કેમ કે, જંગલમાં તેમને પૂરતું મારણ મળતું નથી. જંગલખાતાના જડ નિર્ણયોને લીધે તથા સતત થતા શોષણને લીધે માલધારીઓ સ્થળાંતર કરી જતાં પશુઓના અભાવે સિંહોના ખોરાકનો પ્રશ્ન ઉભો થયો છે. સિંહો માટે જો પુરતા પશુઓ જંગલમાં જ ઉપલબ્ધ કરાવાય તો તેઓ જંગલની બહાર ન નીકળે અને અકસ્માત કે શિકારને લીધે કમોતે ન ભેટે.

ગીરના જંગલમાં તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ થઈ શકે અને વન્ય સંપદા, પ્રાણી સંપદા ઉપર દેખરેખ રાખવા માટે બીટ ગાર્ડોને બાઈકો ફાળવાયા છે. પરંતુ બાઈક આવવાથી એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગાર્ડો દ્વારા માત્ર જંગલના રસ્તે બાઈક દોડાવી અને પેટ્રોલીંગ કરી લીધાનું બતાવી દેવાય છે. પરંતુ જંગલના આંતરિક વિસ્તારમાં પેટ્રોલીંગ થતું ન હોવાથી તેનો લાભ શિકારી તત્વો લઈ રહ્યાં છે. અગાઉ ચાલીને ફિલ્ડ વર્ક કરવામાં આવતું તે હાલ સદંતર બંદ છે. આમ દરેક વિસ્તારમાં પૂરતું પેટ્રોલીંગ ન થતા બિમાર ઈજાગ્રસ્ત સિંહો બાબતે કાયમ માલધારીો કે મજૂરો જ વનવિભાગને જાણ કરે અને ત્યારબાદ વનવિભાગ દોડે તેવું સતત બની રહ્યું છે. વળી સિંહોની રક્ષા માટે ફાળવવામાં આવેલી બાઈકો મોટાભાગે ગાર્ડોના સંતાનો ચલાવતા નજરે પડે છે. અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ થતું ન હ ોવાથી બિમાર વન્ય જીવોને ત્વરીત સારવાર મળતી નથી. અને મરણને શરણ થાય છે.

દર સપ્તાહે નિયમ મુજબ સિંહોનું લોકેશન નોટ કરવાનું હોય છે પરંતુ તેની જાત તપાસને બદલે ગાર્ડો કે ફોરેસ્ટરો દ્વારા રોજમદારો, મજૂરો કે માલધારીઓ અથવા રેવન્યુ વિસ્તારના ગામોના અગ્રણીઓના મોઢેથી સાંભળી અધિકારીઓને લોકેશનની જાણ કરી દેવાય છે. આ ઉપરાંત જંગલમાં પણ સિંહોને સતત ખલેલ વનવિભાગના કર્મચારીઓના ભ્રષ્ટાચારવાદને લીધે પહોંચી રહી છે. જંગલમાંથી જતા રસ્તા ઉપર ચેકપોસ્ટો વનવિભાગ દ્વારા ઉભી કરાઈ છે. પરંતુ જો કર્મચારીના હાથમાં ‘પ્રસાદી’ આપી દેવાયતો ગમે તે સમયે, ગમે ત્યારે જંગલમાં પ્રવેશવા દેવાય છે.

વળી દલખાણિયા, ગોવિંદપુર, ક્રાંગસા, ધારગણી, ગઢિયા, લાખાપાદર વગેરે વિસ્તારોમાં વનવિભાગના ક્રમચારીઓ દ્વારા ખાસ મહેમાનો માટે વારંવાર લાયન શો યોજી બક્ષીસો મેળવાય છે. આમ સતત પડતી ખલેલને લીધે સિંહો દ્વારા થતા હુમલાના બનાવો વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. છતાં સિંહોને પહોંચાડતી ખલેલ ઉપર રોક લગાવવામાં આવતી નથી. આ ઉપરાંત વનવિભાગનો મોટાભાગનો સ્ટાફ પોતાની બીટ રેન્જમાં રહેવાને બદલે નજીકના શહેરીમથકોમાં રહે ચે. પરિણામે જંગલમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ન થતું હોવાથી સિંહોના તથા અન્ય વન્ય પ્રાણીઓના શિકાર કરવા માટે શિકારી તત્વોને જોઈએ તેવી અનુકુલતા મળી રહે છે. બીજી બાજુ ગીરના જંગલોમાં અનેક કૂવા વાડ વગરના ખુલ્લા છે. તે સિંહો સહિતના વન્ય પ્રાણીઓ માટે મોતનું કારણ બને છે. તમામ કૂવા વાડથી મઢવાની જરૂર છે. અરે વાડીઓમાં ઉભેલું ઘાસ પણ મીઠી નજર તળે બારોબાર પગ કરી જાય છે.

ગીરના જંગલમાં પૂરતા મારણના અભાવે આસપાસના ગામોમાં દિપડા આતંક મચાવે છે. પરંતુ વનવિભાગ દ્વારા લોકોની વારંવારની રજૂઆતો પછી પાંજરા મૂકાય છે. આમ જંગલને, તેની વન્ય પ્રાણી સંપદાને જાળવવાનું કામ જેનું છે તે જંગલવિભાગ દ્વારા તેના કારતૂતોથી તેની જાળવણીને બદલે બેફામ નુકશાની પહોંચાડાઈ રહી છે. વનવિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. તેની વિગતો બહાર લાવવા વનવિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓની સંપત્તિની ચકાસણી કરવા માંગ ઉઠી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/60266/149/

ઉનાળામાં તરસથી વ્યાકૂળ પશુ, પક્ષીઓની કોઈને ચિંતા નથી

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 05 એપ્રિલ 2010

નેતાઓ અને અધિકારીઓ એ.સી. વગર રહી શકતા નથી

રાજકોટ,
ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી પડવાની શરૂ થઈ ગયેલ છે, પાણી માટે બધાને ખૂબ જ ચિંતા છે. આપણા માટે પાણીની વ્યવસ્થા થઈ રહી છે, પરંતુ અબોલ પશુઓ પોતાની તરસ છીપાવવા આકુળ વ્યાકુળ હોય છે. તેઓને પણ પોતાનું જીવન ટકાવવા આપણા જેવી જ પાણીની જરૂરીયાત હોય છે. પાણી વગર આ જીવો પણ ઉનાળામાં તરફડતા હોય છે. ક્યાંય પણ ગમે તેવું ગંદુ, સાબુ, કેમિકલ્સવાળુ પાણી પણ શોધવા બિચારા ભટકતા હોય છે અને આવા ન પીવા લાયક પાણીથી પણ પોતાની પેટની તરસ છીપાવવા પ્રયત્નો કરે છે.

રાજાશાહીમાં પક્ષીઓ માટે ઠેર-ઠેર કુંડા અને અબોલ પશુઓ માટે અવેડા બનાવાતા હતા, આજે કોઈને પરવા નથી

આવા પશુપક્ષીઓને માટે આપણા પૂર્વજોના સમયમાં જળાશયો, અવેડા, કુંડીઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડાઓની વ્યવસ્થાઓ હતી, પરંતુ આજે આ વાત માનવીના ભૌતિક સુખો પાછળ ભૂલાય ગયેલ છે. રાજવીઓના શાસનકાળમાં અબોલ પશુ-પક્ષીઓના ખોરાક પાણી, રક્ષણની વ્યવસ્થાઓ અને જવાબદારી ખૂબ જ ગંભીરતા સાથે સખ્તાઈથી નિભાવવામાં આવતી હતી. તેમજ પશુઓને પીવાના પાણી માટે શહેરમાં ઘણી જગ્યાએ અવેડાઓ બાંધેલ હતા. જેનું આજે નામ નિશાન રહેલ નથી, કારણ કે આજના શાસકોને પશુ-પક્ષીના રક્ષણ બાબતે કોઈ ચિંતા હોય તેવું લાગતું નથી, જે દુઃખની વાત છે. કરોડો રૂપિયાના મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સરકારના બજેટોમાં પણ આ બાબતે કોઈ વિચાર કરતું નથી. એક લીટર પાણીમાં અનેક પક્ષીઓ અને એક કુંડી પાણીમાં ઘણાં પશુઓ પોતાની તરસ છીપાવી શકે છે. આટલી નાની જરૂરિયાતનુ કામ દરેક લોકો કરી શકે તેમ છે. તેમજ આવા કાર્ય કરી પશુ-પક્ષીઓની આંતરડી ઠારી તેના આર્શિવાદ મેળવી શકાય છે.

એક લીટર પાણી ભરેલું કુંડુ અનેક પક્ષીઓની તરસ છીપાવી શકેઃ આપણે આટલુ તો કરી જ શકીએ

રાજકોટ મહાજન પાંજરાપોળે છેલ્લા દસ વર્ષમાં આશરે ૨૦,૦૦૦ કુંડાઓનું તેમજ ૨૦૦૦ ઉપરાંત કુંડીઓનું મફત વિતરણ કરી પશુ-પક્ષીઓની સંભાળ લેવામાં આવેલ છે. પક્ષીઓ માટે ચણ અને પાણીના બે કુંડાઓ તેને લટકાવી શકાય તેવા સ્ટેન્ડ સાથે વિનામૂલ્યે આપવામાં આવશે. અબોલ પશુઓ માટે પોતાના ઘર-ફ્લેટની આજુબાજુમાં મુકવા માટે ૨ બાય ૧ાા સાઈઝની કુંડીઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જીવ માત્ર પ્રત્યે દયા, કરૂણા, અનુકંપા દાખવવી તે જ આર્ય દેશની અને આપણી મહાનતા છે. આપણી દયા કરૂણા અને પરોપકાર એ જ નિર્દોષ પશુ પક્ષીઓના જીવનનો આધાર છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/60267/149/

વન્ય પ્રાણીને લગતા ગુના હવે સ્થળ પર જ ઉકેલાશે

Tuesday, Apr 6th, 2010, 1:02 am [IST]
Bhaskar News, Junagadh

FSLએ ખાસ પ્રકારની વાન ઝુ ને આપી

સક્કરબાગ ઝુનાં ડાયરેક્ટર વી. જે. રાણાએ કહ્યું કે, એફ.એસ.એલ. દ્વારા આજે સાંજે વાઇલ્ડ લાઇફ ઇન્વેસ્ટીગેશન વાનનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ વાન વાઇલ્ડ લાઇફને લગતા ગુનાઓનો ભેદ ઘટનાસ્થળે જ ઉકેલી શકશે. આ વાનમાં સેન્ટ્રીફયુઝ મશીન, કલેકશન કીટ, ફોટોક્રોમેટોમીટર, સેમ્પલો લાંબા સમય સુધી જાળવવા માટેનું એક ફ્રીઝ, વગેરે સાધનો ઉપલબ્ધ છે.

એક રીતે આ હરતી ફરતી લેબોરેટરીની ગરજ સારશે. જોકે, જયાં વન્ય પ્રાણીને લગતા ગુના બન્યાં હશે ત્યાં સુધી આ વાન લઇ જવાની કામગીરી વનવિભાગ કરશે. પરંતુ ત્યારબાદ ઘટનાસ્થળેથી મળી આવતા માંસનાં ટુકડા, લોહીનાં નમુના, વગેરે એકત્રિત કરી તેનાં પૃથક્કરણની કામગીરી એફએસએલ નો સ્ટાફ જ કરશે.

એટલું જ નહીં ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારની માહિતી પણ સ્થળ ઉપર જ મેળવી શકાશે. અગાઉ આવા નમુનાનો રીપોર્ટ મોડેથી આવતો જે હવે ઘટના સ્થળે જ મળી જશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/06/forest-crime-will-solve-on-the-place-842886.html

સક્કરબાગમાં સિંહણનું મોત

Tuesday, Apr 6th, 2010, 1:04 am [IST]
Bhaskar News, Junagadh

૧૯૮૯માં સક્કરબાગમાં જ જન્મી હતી

જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાં ૨૧ વર્ષ પહેલાં જન્મેલી વૃદ્ધ સિંહણનું ગઈકાલે મૃત્યુ થયું હતું. આ સિંહણે છેલ્લાં કેટલાંક દિવસોથી ખોરાક ઓછો કરી નાંખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અંગેની વિગતો આપતાં સક્કરબાગ ઝુનાં નિયામક ડીએફઓ વી.જે.રાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા.૪ એપ્રિલે ઝુની ચંદ્રા નામની સિંહણનું મૃત્યુ વૃદ્ધત્વને લીધે થયાનું પણ તેમણે જણાવ્યું હતું.

અને ઉમેર્યુ હતું કે, આ સિંહણે છેલ્લા થોડા દિવસોથી પોતાનાં ખોરાકમાં ઘટાડો કરી નાંખ્યો હતો. ૧૯૮૯માં સક્કરબાગ ઝુ માં જ આ સિંહણનો જન્મ થયો હતો. હાલ સક્કરબાગમાં રાખેલા તમામ સિંહોમાં ચંદ્રાની ઉમર જ સૌથી વધુ ૨૧ વર્ષની હતી એમ પણ તેમણે જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/06/sakkarbag-lioness-dead-842911.html

ચંદનના લાકડાનો ‘તિલક’ કરવામાં ઉપયોગ થતો’તો..

Wednesday, Apr 7th, 2010, 12:52 am [IST]
Bhaskar News, Junagadh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતા ભાવિકો છુટક લઈ જતા હોવાની બંને વેપારીઓની કબુલાત

જૂનાગઢના દાતાર પર્વતનાં પગથિયા નજીકના જંગલમાંથી ચંદનનાં લાકડાની ચોરી કરતી પેટલાદની ટોળકી ઝડપાઈ હતી. તેઓએ વડતાલના બે વેપારીઓના નામ આપતા પોલીસે બંનેની ધરપકડ કરી રીમાન્ડ મેળવી પૂછપરછ કરતા વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવતા ભાવિકો પૂનમે પૂજા ચડાવવા આવતા ત્યારે તિલક કરવા માટે છુટક લઈ જતા હોવાની કબુલાત આપી હતી. ચંદનચોરીનાં પ્રકરણને આંતરરાજ્યમાં હોવાની વાતને પોલીસ નકારી રહી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં દાતાર પર્વતના પગથિયા નજીકના જંગલમાંથી ચંદનનાં લાકડાની ચોરી કરતી પેટલાદની મહિલા તથા એક પુરૂષને વનવિભાગે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ પાંચેય સામે ગુનો નોંધી એક પુરૂષને રિમાન્ડ પર લીધો હતો.

રિમાન્ડ દરમ્યાન તેણે એવું જણાવ્યું હતું કે તે પોતે ચોરાઉ ચંદનનાં લાકડા પેટલાદના વેપારી સુરેશ બુધા અને વિનુ મનસુખ પ્રજાપતિને વેંચતો હોવાની કબુલાત આપતા તાલુકા પીએસઆઈ દેકાવાડીયા સહિતના સ્ટાફે આ બંને વેપારીઓની ધરપકડ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. બંને વેપારીઓએ પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે તેઓ વડતાલ સ્વામિનારાયણ મંદિરની પીસે કંઠી અને અન્ય વસ્તુઓ વેંચે છે તેમાં ચંદનનાં લાકડા પણ વેંચે છે. તેનો મંદિરમાં ચાંદલા કરવામાં ઉપયોગ થાય છે.

ચોરાઉ ચંદનનું લાકડુ વડતાલ દર્શન કરવા આવતા ભાવિકો છૂટક લઈ જતા હતા. આ અંગે પીએસઆઈ દેકાવાડીયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું. કે તેઓ ચોરાઉ ચંદનનું છુટક વેંચાણ કરતા હોવાની કબુલાત આપે છે. પરંતુ અન્ય રાજ્યોમાં ચંદન જતું હોવાની વાતને સમર્થન આપતા નથી.ગિરનારનાં જંગલમાંથી ચંદનચોરી જતા શખ્સો થોડા સમય પહેલા વનવિભાગની ઝપટે ચઢી ગયા હતા. જો કે, બાદમાં પોલીસે ઉડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/07/chandan-wood-use-for-tilak-846518.html

તાલાલા યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે ૮૪૦૦ બોક્સની આવક.

Wednesday, Apr 7th, 2010, 1:35 am [IST]
Bhaskar News, Talala

ગત વર્ષ કરતા હરાજીના પ્રથમ દિવસે ૨૦૦ બોક્સની વધુ આવક, ૧૦ કિગ્રાના બોક્સના ૧૫૦ થી ૩૦૦નો ભાવ

ગીર પંથકની શાન વિશ્વ પ્રસીઘ્ધ કેસરકેરીની સીઝનનો આજે વિધિવત પ્રારંભ થયો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજથી ચાલુ સાલની કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે ૮૪૦૦ બોકસની આવક થઈ હતી અને ૧૫૦ થી ૩૦૦ રૂપિયા સુધી કેરીનાં ૧૦ કિલોનાં બોકસ હરાજીમાં વેંચાયા હતા. ચાલુ સાલ હરાજી ગત વર્ષ કરતા એક મહીનો વહેલી શરૂ થઈ છે અને આ વર્ષે કેરીનો પાક વધુ હોવાથી સીઝન લાંબી ચાલવાની ધારણા છે.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજથી કેસરકેરીની હરાજી શરૂ કરવામાં આવી હતી. હરાજીની બોણી પૂર્વ સાંસદ જશુભાઈ બારડે કરાવી હતી.

બોણીમાં વેંચાતા બોકસની થતી આવક ગૌ માતાની સેવાનાં કામમાં ઉપયોગ થતી હોય મોટી સંખ્યામાં ઉપસ્થિત કેરીનાં વેપારીઓ અને ખેડૂતોની હાજરીમાં પ્રથમ બોક્સનું ૧૧૦૦૦ રૂપિયામાં વેંચાણ થયું હતું. ગત વર્ષની તુલનાએ પ્રથમ દિવસે ૨૦૦ બોકસની વધુ આવક સાથે કુલ ૮૪૦૦ બોકસની થઈ હતી. ગીર ગીરપંથકમાં કેસરકેરીનો પાક ચાલુ સાલ વહેલો અને વધુ હોય સીઝન એક માસ વહેલી શરૂ થઈ છે.

અને કેરીનો પાક ત્રણ તબક્કામાં હોવાથી સીઝન જૂન મહીનાનાં અંત સુધી ચાલવાની સંભાવના છે. માર્કેટીંગ યાર્ડમાં હરાજી શરૂ થઈ તે પહેલા પંદર દિવસથી રોજના ૨૦ હજારથી વધુ કેરાનાં બોકસ સૌરાષ્ટ અને ગુજરાતમાં વેંચાણ માટે જાય છે. કેસર કેરીની સીઝનનો સમય એપ્રિલનાં અંતમાં શરૂ થતો હોય છે. પરંતુ આગોતરા પાકનાં લીધે કેસરકેરીની સીઝન હાફુસની સીઝન સાથે થઈ ગઈ છે.

આજ થી શરૂ થયેલી હરાજીમાં ફૂટનાં વેપારીઓ ખરીદદાર હતા. એપ્રિલનાં અંતમાં કેરીની વધુ આવક થશે. ત્યારે કેનીંગ પ્લાન માટે કેરી ખરીદવા વેપારીઓ અને એજન્ટો હરાજીમાં આવશે કેનીંગ માટેની કેરીનાં વાડીએ બેઠા ૨૦૦ રૂપિયાથી વધુનાં ભાવે સોદા પડી રહ્યાં છે. ખેડૂતો કાચુ ફળ ઉતારી વેંચાણમાં ન મુકે અને કેરી પાક ઉપર આવે ત્યારે વેચાણ માટે લઈ આવેતો વધુ સારા ભાવ ઉપજે તેમ વેપારીઓ જણાવી રહ્યાં હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/07/talala-yard-acution-mango-847295.html

ચકલી દુર્લભ કેમ બની ?

– પ્રીતિ દવે
Saturday, April 3, 2010 ·

20 માર્ચ 2010 નો દિવસ કાંઈક ખાસ દિવસ હતો. આ દિવસ વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે-‘ચીં…ચીં..’. ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે !

માનવામાં નથી આવતું? જરા વિચારો, આજથી 5-6 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? જી ના. નથી મળતી. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસીસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોસાય તેમ નથી. ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતી ચકલીઓનો અવાજ દરેકે-દરેક લોકોના કાન સુધી પહોંચતો કરવા માટે ‘નેચર ફોરેવર’ સોસાયટી નામની સંસ્થા મેદાને પડી છે. ‘ચકલી’ બચાવ અભિયાન’ ને લોકો સુધી પહોંચતું કરવા આ સંસ્થા દ્વારા 20 માર્ચ 2010 ના ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ ઉજવાઈ ગયો. અને આ વર્ષ 2010 માટે ‘હેલ્પ હાઉસ સ્પેરો’ની થીમ પસંદ કરાઈ. નેચર ફોરેવરની સાથે BNHS (બોમ્બે નેચરલ હેસ્ટરી સોસાયટી), ઈકોસીસ ફાઉંડેશન (ફ્રાંસ), કોર્નેલ લેબ ઓફ ઓર્નીથોલોજી (USA), એવોન વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ (UK) જેવી સંસ્થાઓ અને સંગઠનો સહયોગી છે.

ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી સામાન્ય-વિપુલ રીતે જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. પ્રાણીઓમાં કૂતરાની જેમ જ પંખીઓમાં ચકલીઓએ માનવીનો વિશ્વના દરેક પ્રદેશોમાં સદા માટે સાથ નિભાવ્યો છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવવસ્તી થી દૂર રહેવું- જીવવું તેમના માટે શક્ય જ નથી. માંડ 10-20 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા આ પંખીએ વિશ્વના નકશા પરનાં લગભગ બધા દેશોમાં વસવાટ કર્યો છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, તથા અમેરિકા. આમ પૃથ્વીનાં મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે. ખૂબ ગીચ જંગલો, રેગીસ્તાન અને વર્ષનો મોટો ભાગ બરફથી છવાયેલા રહેતા પ્રદેશોને બાદ કરતાં જ્યાં પણ મનુષ્યો વસ્યાં છે ત્યાં ચકીબેન પણ જઈને વસ્યાં છે. તો પછી અચાનક એવું તે શું થઈ ગયું કે ચકલાંઓની સંખ્યા એકાએક ખતરનાક રીતે ઘટવા માંડી ?

માનવવસ્તીની ખૂબ નજીક રહેવાંની અને તેમનાં પર વધુ આધારીત રહેતી ચકલીઓનાં વિનાશ માટેનાં કારણો તો ઘણાં છે પણ આ બધાં કારણો પાછળ જવાબદાર કોઈ હોય તો તે એક જ છે – મનુષ્ય ! ચકલીઓનાં અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીનાં પીંજરામાં ઉભા રહેવું પડે તો તે આપણે પોતે જ છીએ !

આજે આપણે જે મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવી રહ્યાં છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળાં કરી નાખ્યાં છે. આની વરવી અસરો ફક્ત આપણને જ નહીં આપણી સાથે જોડાયેલાં પશુ, પક્ષી અને કુદરતનાં અન્ય તત્વો પર પણ પડી રહી છે. ચકલીની બાબતમાં પણ આવું જ થયું છે. હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, બિલાડાં જેવાં રાની પશુઓની વધેલી સંખ્યા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો તથા દેશી વૃક્ષો-ફૂલ-છોડની જગ્યાએ શોભાના ગાંઠીયા જેવાં નકામાં વૃક્ષોનું મોટા પાયે થતું વાવેતર – આ બધાં જ મસ મોટાં જોખમો નાનકડાં ચકલાં માટે જીવન ટકાવવું દુષ્કર બનાવી રહ્યાં છે. બીજાં પક્ષીઓની જેમ ચકલાં વૃક્ષો પર માળા ન બાંધતાં માનવ વસાહતની આસપાસ ની જગ્યામાં જ માળા બાંધે છે. આથી જ ચકલાંઓનું અંગ્રેજી નામ ‘હાઉસ સ્પેરો’ – ‘ઘર ચકલી’ છે. માળો બાંધવા માટે તે મકાનો અને દીવાલનાં બાકોરાં, કૂવાની દિવાલો, ઘરની અંદરની અભેરાઈઓ, નળીયાં કે છાપરાં નીચેનાં પોલાણો, ટ્યુબલાઈટની પટ્ટીઓ, લેમ્પ-શેડ, ફોટોફ્રેમની પાછળની જગ્યાઓ વધુ પસંદ કરે છે. ચકલાંનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સાવરણીની સળીઓ, દોરાં વગેરેનો બનેલો હોય છે. આમ તો ચકલાનાં ખોરાકમાં અનાજનાં દાણાં, ઘાસનાં બીજ, વૃક્ષોનાં ટેટાં જેવાં ફળો, ઈયળ, કીટકો, ફૂદાં ઉપરાંત આપણો રોજ-બરોજનો લગભગ બધો જ ખોરાક તે એંઠવાડમાંથી મેળવીને ખાઈ લે છે. પરંતુ, જ્યારે બચ્ચાં નાનાં હોય છે ત્યારે તે મુખ્યત્વે કીટકો, ઈયળ, ફૂદાં જેવો ખોરાક ખવડાવે છે. બચ્ચાં મોટાં થઈને જાતે ખાતાં શીખે ત્યારે તે બધા પ્રકારનો ખોરાક લેતાં થઈ જાય છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

આજે ચકલાં માટે સૌથી મોટો પ્રશ્ન છે માળો બાંધવા માટેની સલામત જગ્યાનો. આપણી નવી બાંધણીનાં મકાનોમાં ગોખલાં, અભરાઈઓ, નળીયાં કે છાપરાં હોતાં જ નથી. હવે જો ચકલાં માળો જ ન બાંધી શકે તો તેમની વંશવૃધ્ધી જ ક્યાંથી થાય ? ચકલાંઓને સલામત રહેઠાણ આપવાં પૂઠાં, થર્મોકોલ, પ્લાસ્ટીક, લાકડાં કે માટલાંના બનેલાં બોક્સ કે જે ‘નેસ્ટ હાઉસ’ તરીકે ઓળખાય છે તે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારનાં ‘નેસ્ટ હાઉસ’ ચકલાં ઉપરાંત બીજા અનેક પંખીઓ માટે સરસ મજાનાં ઘરની ગરજ સારે છે. આપણે વાત કરી તેમ ચકલાંના બચ્ચાંનો મુખ્ય ખોરાક નાના જીવડાં, કીટકો વગેરે છે. પરંતુ, આજે હદ ઉપરાંતનાં જંતુનાશકો અને રાસાયણીક ખાતરોના વપરાશ ને લીધે આવાં નાનાં-નાનાં અનેક કીટકો મરી પરવાર્યાં છે અથવા તો તેમની સંખ્યાંમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમાં ઘણાં તો ખેતી માટે બિનહાનીકારક કે ઉપયોગી કીટકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં વપરાતું ‘અનલીડેડ’ પેટ્રોલ પણ ચકલાંના ખોરાક એવાં કીટકોનાં નાશ માટે જવાબદાર છે. ‘અનલીડેડ’ પેટ્રોલના દહનથી વાતાવરણમાં ભળતું ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ એ અત્યંત ઝેરી સંયોજન છે. ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ કીટકોનો સોથ વાળી દે છે. તેથી ચકલાંનાં નાનાં બચ્ચાંને પૂરતો અને પોષણક્ષમ આહાર મળતો નથી અને ઘણાં બચ્ચાં નાનપણમાં જ મૃત્યુ પામે છે. આથી ચકલાંની નવી પેઢી તૈયાર થવાનું જ ઘટી ગયું છે !

હજુ થોડાં વર્ષો પહેલાં આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાંઓની બનેલી કુદરતી વાડ કરવામાં આવતી હતી. ચકલાં માટે આ કુદરતી વાડ ખુબ જ આશીર્વાદ રૂપ છે. કુદરતી વાડમાંથી ચકલાંને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહે છે. ઉપરાંત આવી વાડ અને ઝાડી ચકલાંને આરામ કરવાની, રાતવાસો કરવાની અને દુશ્મનોથી બચવા-છુપાવાની આદર્શ જગ્યા છે. આજકાલ આપણે કુદરતી વાડને બદલે ઈંટની દીવાલ કે લોખંડના તારની વાડ બનાવીએ છીએ. જે પંખીઓ માટે ન તો આશ્રય પુરો પાડે છે ન તો ખોરાક. આથી જ ચકલાંનાં બચ્ચાં મોટાં થાય ત્યારે યોગ્ય આશ્રયના અભાવે કાગડાં, સમડી, બિલાડાં જેવાં શિકારી પશુ-પક્ષીઓની ઝપટે ચઢી જાવાની શક્યતા ઘણી વધુ રહે છે. એક અંદાજ મુજબ ચકલાંનાં બચ્ચાંમાંથી માંડ 25% જેટલાં બચ્ચાં જ પુખ્ત બને છે. બાકીનાં 75% તો મોટાં થતાં પહેલાં જ મૃત્યુ પામે છે અને અત્યારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો ચકલાંનો મૃત્યુ દર ઘણો ઊંચો હોવાનું મનાય છે. જ્યાં સુધી આપણને આધુનિકતા અને વૈશ્વિકરણની હવા સ્પર્શી નહોતી ત્યાં સુધી આપણે કુદરતની ઘણી નજીક જીવતાં હતાં. સવાર પડે ને પંખીને ચણ નાખવા ચબૂતરે જવું ત્યારે એટલું સાહજીક હતું જેટલું આજે ‘મોર્નીંગ વોક’ છે ! પરંતુ દિવસે-દિવસે આપણે સ્વકેન્દ્રી બનતાં જઈએ છીએ. મોટા શહેરોમાંથી તો ચબૂતરાં જ અદ્રશ્ય થઈ ગયાં છે ! વેકેશનમાં ગામડે જાઈએ ત્યારે બાળકોને ખાસ ચબૂતરાં શું છે તે દેખાડવામાં આવતાં હોય તેવી પરિસ્થિતિમાં બાળકોનો પણ પેઢીઓથી ચાલી આવતો પંખીઓ સાથેનો વિશેષ નાતો જ તૂટી ગયો છે.

શહેરની ગીચ વસ્તીમાં ચકલાં જેવાં પક્ષીઓ માટે ચણવાનાં દાણાં અને સલામત જગ્યાની પણ તંગી વર્તાઈ રહી છે. અરે ! પંખીઓ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટી જ સમૂળગી બદલાય ગઈ છે. પહેલાં હોંશથી આપણે ગાતાં કે ‘ચકીબેન ચકીબેન મારી ઘરે રમવા આવશો કે નહીં?’ ચકલાં માળાં બનાવે તો તેનું જતન થતું; માળો ફેંકી દેવાથી પાપ લાગશે તેમ મનાતું. જ્યારે હવે તો ‘ચકલાં આવશે અને ઘર બગાડશે’ એવું માની આપણે કહેવાતાં ચોખલીયાં અને એજ્યુકેટેડ લોકો ચકલાંઓને બેરહેમીથી ઉડાડી મૂકીએ છીએ ! અરે, સદીઓથી જે ચકલાં આપણી સાથે જ આપણાં જ ઘરમાં રહ્યાં છે તે હવે એકાએક જાય તો જાય પણ ક્યાં ? ‘ઈન્ટીરીયર ડેકોરેશન’નાં બણગાં ફૂંકનારા આપણે લોકો ઘર અને હૃદય બંનેનાં ઈન્ટીરીયરમાં આપણાં સદાના સાથી એવાં ચકલાંને સ્થાન નથી આપી શકતાં એ કેટલું વિચિત્ર ગણાય ?! ઘરની આધુનિક ડીઝાઈનમાં પણ ક્યાંય પ્રકૃતિ અને પંખીને ગોઠવાવાની જગ્યા જ નથી મળતી ત્યારે ખૂબ સરસ ઘર બનાવી આપતાં આર્કીટેક પણ જાણે સાચુકલાં ‘ઈકો ફ્રેંડલી’ ઘરનો વિચાર જ ભૂલી ગયાં હોય એવું લાગે છે !

ચકલાંમાં નર અને માદા વચ્ચે જે વાતચીત થાય છે તે ધીમા ચીં….ચીં… અવાજ વડે જ થાય છે. સંવવનઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ જોડલું એકબીજાંને ઓળખી કાઢે છે. પરંતુ આજનાં ઘરોમાં તો જોર-શોરથી વાગતાં ઘોંઘાટીયાં સંગીતમાં બિચારાં ચકલાંનું ચીં..ચીં.. ક્યાંય દબાઈ જાય છે અને ચકલાં વચ્ચેની વાતચીતની આખી પદ્ધતિ ખોરવાઈ જાય છે; જેની ખૂબ ખરાબ અસર તેમના પ્રજનન પર પણ પડે છે. ઉપરાંત મોબાઈલનાં માઈક્રોવેવ તરંગો પણ ચકલાં માટે ખૂબ ત્રાસદાયક નીવડે છે. આ પણ એક વજનદાર કારણ છે જેને લીધે મોટાં શહેરોમાંથી ચકલાં અદ્રશ્ય થઈ રહ્યાં છે. જીવન સંગ્રામમાં ઝઝુમતાં ચકલાંને બચાવવાનો કદાચ આ છેલ્લી તક આપણી પાસે છે. આ તક ઝડપી લઈએ, ચકલાંને બચાવવાં આટલું જરુર કરીએ.:-

[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.

[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.

[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.

[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.

[5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ ઉપર વધુ માહીતી માટે અને આપ જો પંખી બચાવની કોઈ પ્રવૃત્તિ કરતા હો કે કરવા ઈચ્છતા હો તો આપની આસપાસ ચાલતી ‘નેચર ક્લબ’ કે પર્યાવરણપ્રેમી સંગઠનોનો સંપર્ક કરો

Thursday, April 1, 2010

ઝાલાવાડના જંગલોમાં સિંહની ડણકો સંભળાશે.

Thursday, Apr 1st, 2010, 3:05 am [IST]
Bhaskar News, Zalawad

૧ એપ્રિલે સિંહની પ્રથમ જોડ બાંડિયાબેલીના જંગલમાં લવાશે: જૂનાગઢના સિંહને ઝાલાવાડમાં સ્થળાંતર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો

ડાલામથ્થા સિંહો ગુજરાતની શાન છે. જૂનાગઢના કેસરી સિંહોને મઘ્યપ્રદેશમાં સ્થળાંતર કરવાની હિલચાલ સામે ગુજરાત સરકારે વિરોધ કર્યોહતો. આજે પણ સિંહના સ્થળાંતરનો મામલો વિવાદમાં છે ત્યારે તાજેતરમાં જ જૂનાગઢના સાવજોને સુરેન્દ્રનગર જિલ્લાના જંગલોમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આથી હવે ઝાલાવાડના જંગલોમાં પણ ડાલામથ્થા સિંહોની ડણક ગુંજી ઉઠશે.

કેસરી સિંહની એક ડણક સાંભળવા માટે ઝાલાવાડના લોકો છેક જૂનાગઢના જંગલોમાં જાય છે. જંગલમાં છૂટા ફરતા આ કેસરીને જોવો એ એક લ્હાવો છે. આ સિંહોને મઘ્યપ્રદેશના જંગલોમાં સ્થળાંતર કરવાની કેન્દ્ર સરકારની યોજના હજુ લટકતી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા હાલના સમયે જુનાગઢના ગામોમાં સિંહોની વધતી વસતી અને ગામડાઓ પરના હુમલાઓને ઘ્યાને રાખી ને સિહોને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થળાંતર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેમાં સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ચોટીલાના બાંડિયાબેલી, ધ્રાંગધ્રાના કુડા અને પાટડીના જંગલ વિસ્તારોમાં આ સિહોને છૂટા મુકવામાં આવશે. તા.૧ એપ્રિલના રોજ સિંહનું એક યુગલ સૌપ્રથમ ચોટીલાના બાંડિયાબેલીના જંગલમાં લાવવામાં આવશે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રભારી મંત્રી રમણલાલ વોરા, સ્વર્ણિમ જયંતી ઉજવણી સમિતિના કાર્યકારી અઘ્યક્ષ આઇ.કે.જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજય સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના આ જંગલોમાં નીલગાય અને ઘુડખરની મોટી વસાહત છે. અને આ જંગલી પ્રાણીઓ ખેતરોમાં જે નુકસાન કરે છે. તેનાથી ખેડૂતો પણ પરેશાન થઇ ઉઠયા છે ત્યારે આ સાવજો નીલગાય અને ઘુડખરોનો શિકાર કરશે. જેથી ખેડૂતોને રંજાડતા ઘુડખર અને નીલગાયનો ત્રાસ ઓછો થશે. અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/01/lion-will-take-place-at-zalawad.html

ત્રાકુડા સીમમાં કુવામાંથી દીપડાનો મૃતદેહ મળ્યો.

ખાંભા તા.૩૧:

ખાંભા નજીકના ત્રાકુડામાંથી આજે સાંજે એક વાડીના કુવામાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા જંગલ ખાતાના અધિકારીઓએ ધસી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ખાંભા તાલુકાના ત્રાકુડા અને જામકા વચ્ચે આવેલી સીમમાં આજે સાંજે બીજલભાઈ રામભાઈ કોળીની વાડીમાં દીપડાનો મૃત પડયો હોવાની બીજલભાઈએ જંગલખાતાને જાણ કરતા ફોરેસ્ટર રાણપરીયા પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દીપડાનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢયો હતો. આજથી બે દિવસ પહેલા કુવામાં દીપડો પડી ગયો હતો. આજે સાંજે બીજલભાઈ કુવા પાસે જતા આ અંગેની જાણ થઈ હતી અને તેમણે તુરત જ જંગલ ખાતાને જાણ કરી હતી.જંગલ ખાતાના અધિકારીઓએ દીપડાને લઈ જસાધાર પહોંચ્યા છે જયાં તેનું પીએમ કરાશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173646

પાંજરે પૂરાયેલા દીપડાને છોડાવવા દીપડીએ માથા પછાડયા

વેરાવળ તા.૩૧

વેરાવળ તાલુકાનાં આદ્રી નજીક દીપડાને પકડવા લખમણ વેજાણંદની વાડીએ પાંજરૃ ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે પાંચ વાગ્યે નવ ફુટ લંબાઈનો ખૂંખાર દીપડો પાંજરામાં મૂકાયેલા મારણને ખાવા માટે ધસી આવ્યો હતો. સાથે પ્રિયતમા દીપડી પણ હતી. દીપડાએ પ્રથમ પાંજરામાં ઘૂસીને તરાપ મારતા પાંજરાનો દરવાજો પડી જતાં દીપડો કેદ થઈ ગયો હતો.

કેદ થઈ ગયા પછી દીપડો બહાર ન આવતા દીપડી રઘવાઈ બની ગઈ હતી. દીપડાને કેદમાંથી મૂકત કરાવવા પાંજરાના સળિયાઓને દાંતમાં પકડીને કચકચાવવા લાગી હતી. ઘૂરકિયાઓ કરી પાંજરા સાથે માથા અફડાવવા લાગી હતી.

આ વખતે વન વિભાગના કર્મચારીઓને પાજરૃ કેમ હટાવવું એ સવાલ થયો હતો. પણ, ટ્રેકટરને શરૃ કરીને જોરદાર અવાજો કરીને પાંજરા તરફ દોડાવવામાં આવતા આખરે દીપડીએ સજળ નયને દીપડાને છોડીને વન તરફ વાટ પકડી હતી. વન્ય પ્રેમીઓ કહે છે કે, આ ઘટના નવી નથી. વર્ષો પહેલા ર્પૂિણમા નામની એક સિંહણ સક્કરબાગમાં સિંહને મળવા આવતી હતી. પણ, કેદમાં રહેલા સિંહને મળી ન શકતા એ સળિયા પાસે માથુ અફડાવતી હતી. ઉલ્લેખનીય છેકે, વેરાવળ સુત્રાપાડા પંથકમાં દીપડામાં ભારે ત્રાસ હતો. ૧ર દીપડા અને દીપડીઓ પાંજરે પુરાતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.જોકે, હજુ કેટલાક દીપડાના આટાફેરા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173663

ચંદન ચોરીનું મસમોટુ કૌભાંડ, વધુ શખ્સોની સંડોવણીની શંકા

જૂનાગઢ,તા.૩૧:

ગઈ કાલે જૂનાગઢ ગિરનાર જંગલ વિસ્તારમાં ૪ મહિલા સહિત પાંચ શખ્સો ચંદનના લાકડા કાપતા પકડાયા છે ત્યારે આ પ્રકરણમાં મોટુ રેકેટ હોવાના વનવિભાગના સુત્રો ખાનગીમાં કબૂલી રહ્યા છે ત્યારે આ લાકડા ક્યા વેંચાતા હતા ? તેમ જ આ બાબતમાં કોઈ મોટા વેપારીઓની સંડોવણી છે કે, નહી તેની સઘન તપાસ કરવી જરૃરી છે.

જૂનાગઢ ગિરનાર જંગલ વિસ્તારમાં વન વિભાગના આર.એફ.ઓ. દિપક પંડયા સહિતના સ્ટાફે ગઈકાલે પેટ્રોલીંગ દરમ્યાન ૪ મહિલાઓ અને ૧ પુરૃષ સહિત પાંચ શખ્સોને ૧૦ કિ.ગ્રા. ચંદનના લાકડા તેમજ એક શાબરના શિંગડા સાથે ઝડપી લીધા હતા. ત્યારે આ શખ્સો ચંદનના લાકડા કાપી કોને ક્યાં વેંચતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવે તો મોટુ પ્રકરણ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ ઝડપાયેલ આ શખ્સો પાસેરામાં પૂણી સમાન હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. તેઓની સાથે વધુ લોકો સામેલ હોવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ દિશામાં સઘન તપાસ કરવામાં આવે તો ગિરનાર જંગલમાંથી થતી સંપૂર્ણ ચંદન ચોરી બહાર આવે તેમ છે. ત્યારે આ પ્રકરણની તપાસ વનવિભાગને બદલે પોલીસ પાસે કરાવવામાં આવે તો વધુ સારી ઝડપે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેવુ અનુભવી સુત્રો જણાવી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173659

સર્પ બચાવવા માટે જનજાગૃતિ અભિયાન

પોરબંદર, તા.૩૧ :

પોરબંદર પંથકમાં ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક આયોજનોમાં નેચર કલબના યુવાનો દ્વારા સર્પ વિશે અંધશ્રધ્ધા દૂર કરીને જનજાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય શરૃ કરવામાં આવતા આવકાર મળી રહ્યો છે.

દેગામમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં નેચર કલબના પ્રમુખ નિતીન પોપટ, સાજણભાઈ ઓડેદરા વિગેરેએ પાંચ હજારથી વધુ લોકોને જાગૃત કરી સર્પ વિશેની અંધશ્રધ્ધાઓ દૂર કરી હતી. નેચર કલબ દ્વારા સર્પ બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.

કોઈપણ વિસ્તારમાં સાપ નિકળે ત્યારે તેને મારી નાખવાને બદલે લોકોને જાગૃત કરી નહીં છંછેડવાની અપીલ કરવામાં આવે છે.વડાળામાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં ત્રણ હજારથી વધુ લોકોને એકબાજુ વ્યાસપીઠ પરથી હરેશભાઈ તેરૈયા ધર્મનો બોધ આપતા હતા તો તેની સાથોસાથ કલબના યુવાનો સર્પ જેવા જીવને બચાવવા માટે માર્ગદર્શન આપતા હતાં.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173523

એક માસથી મકાનમાં ગોંધાઈ રહેલા દીપડાને રેસ્કયુ ઓપરેશનથી પકડયો

કોડીનાર તા.૩૦ :

વેરાવળ કોડીનાર પંથકમાં જંગલી દીપડાનો ભારે ત્રાસ વધી ગયો છે.વેરાવળ પંથકમાં નવ નવ દીપડા પાંજરે પુરાઈ ગયા બાદ કોડીનાર તાલુકાના કડોદરા ગામે કોડીનારમાં બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેનના નવા બંધાઈ રહેલા મકાનમાં એક દીપડો ભરાઈ ગયા બાદ એક એક માસથી અંદર જ પુરાઈ રહેતા અને આજે દીવાલને તોડીને ઈંટો દુર કરીને બહારની દુનિયાને જોવા ડોકીયુ કરતા આ દીપડો દેખાયો હતો.આ ઘટના બનતા જ વન અધિકારીઓએ દીપડાને બહાર કાઢવા માટે મારણ મુકીને પાંજરૃ મૂકયું છે.મોડી રાત્રીના રેસ્કયુ ઓપેરશન દરમ્યાન દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો.

આમ છતાં દીપડો પાંજરામાં આવ્યો નથી.નવાઈની એ વાત છે કે મકાનમાં એક માસ સુધી ભરાઈ બેઠેલા દીપડાએ ભોજન અને પાણીની શું વ્યવસ્થા કરી હશે? કોડીનાર પંથકમાં આ મકાન દીપડાઓને જાણે કે ગમી ગયા હોય એમ અગાઉ પણ એક દીપડો આ બંગલામાં ભરાઈ ગયો હતો એને દુર કર્યા બાદ આ બીજો દીપડો ભરાઈ ગયો છે.

બનાવની વધુ વિગત મુજબ ઉપરોકત મકાનમાં એક દીપડો અંદર જ ભરાઈ ગયો હતો.આ મકાનનું મોટા ભાગનું કામ પુરૃ થઈ ગયું છે.અને આ પહેલા એક દીપડો પુરાયો હતો. તેને પકડવામાં આવ્યો હતો.એ જ સમયે આ મકાનમાં બીજો દીપડો પ્રવેશ્યો હોય અને ખુણામાં પુરાઈ રહયો હોય એવી ધારણા રાખવામાં આવે છે. આ જ સમય ગાળામાં મકાનનો સ્લેબ ભરાઈ ગયો હતો.અને આજુબાજુ ચણતરકામ પુરૃ થઈ ગયું હતું.

અને આ દીપડો અંદર ભરાઈ ગયો હતો.એક માસ સુધી કેદ ભોગવ્યા બાદ દીપડો બહાર નીકળવા મથતો હતો અને પંજા વડે દીવાલની ચારથી પાંચ ઈંટો કાઢી નાખી તેમાંથી ડોકિયુ કાઢી બહારની દુનિયા નીહાળતો હતો. આજે મકાનનું પ્લાસ્ટર કામ ચાલતું હતું.તે સમયે એક મજુર પાણી છાંટતો હતો.ત્યારે દીપડાએ દર્શન દેતાં મજુર ભયથી થથરી ગયો હતો. બાદ દી૫ડાને પકડવા માટે વનવિભાગે પાંજરા સાથે રેસ્કયુ ઓપેરશન હાથ ધરતા મોડી રાતે દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173343