Friday, May 30, 2014

કુવામા ખાબક્યું સિંહબાળ, મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યુ.

કુવામા ખાબક્યું સિંહબાળ, મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યુ
Bhaskar News, Khambha | May 30, 2014, 00:36AM IST
- મોટા બારમણમાં કુવામાંથી સિંહબાળને બચાવાયું
- રેસ્કયુ : ખાંભાનાં આ વિસ્તારમાં એક સિંહ-સિંહણ અને ચાર બચ્ચા સાથેનો પરિવાર વસવાટ કરે છે
- વનમિત્રો-ફોરેસ્ટરે તાબડતોબ કુવામાં ખાટલો ઉતારી બચ્ચાને સહિ‌સલામત બહાર કાઢી લીધુ

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં આવેલ એક વાડીમા એંશી ફુટ ઉંડા કુવામા બે માસનુ સિંહબાળ પડી ગયુ હતુ. વાડી માલિકને આ અંગે જાણ થતા તેઓએ તુરત વનમિત્રો અને સ્થાનિક ફોરેસ્ટરને જાણ કરી હતી. તેઓ તાબડતોબ અહી દોડી આવ્યા હતા અને કુવામા ખાટલો ઉતારી આ સિંહબાળને સહિ‌સલામત બહાર કાઢવામા આવ્યુ હતુ. એંશી ફુટ ઉંડા કુવામા સિંહબાળ પડી જવાની આ ઘટના ખાંભાના મોટા બારમણ ગામે બની હતી. અહી વલ્લભભાઇ મુળજીભાઇ સુદાણીની વાડીમા આવેલ કુવામા બે માસનુ સિંહબાળ પડી ગયુ હતુ.

એંશી ફુટ કુવામા વીસ ફુટ પાણી ભરેલુ હતુ. આ અંગે વલ્લભભાઇને જાણ થતા તેઓએ તુરત વનમિત્ર અલ્પેશભાઇ વાઢેર તેમજ ફોરેસ્ટર બી.બી.વાળાને જાણ કરતા તેઓ તુરત અહી દોડી આવ્યા હતા. પળવારનો વિલંબ કર્યા વગર તુરત ખાટલો કુવામા ઉતારી આ સિંહબાળને સહિ‌સલામત રીતે બહાર કાઢી લેવામા આવ્યુ હતુ. ડીએફઓ શર્માને જાણ થતા તેઓએ ધારી અને જસાધારની રેસ્કયુ ટીમને પણ અહી મોકલી હતી.

એસીએફ વણપરીયા પણ અહી દોડી આવ્યા હતા. બાદમાં ડો. હિ‌તેષ વામજા દ્વારા સિંહબાળને સારવાર આપવામા આવી હતી. બાદમા સિંહબાળનુ તેની માતા સાથે મિલન પણ કરાવી દેવામા આવ્યુ હતુ. આ વિસ્તારમાં એક સિંહ, સિંહણ અને ચાર બચ્ચા સાથેનો પરિવાર વસવાટ કરે છે.

ધારીના બોરડી ટીંબાની સીમમાં યુવાન પર દિપડાનો હુમલો.

ધારીના બોરડી ટીંબાની સીમમાં યુવાન પર દિપડાનો હુમલો
Bhaskar News, Amreli | May 28, 2014, 00:04AM IST
મધરાત્રે ખુલ્લામાં સુતેલા યુવકના માથા અને ગાલ પર ઇજા પહોંચાડી

ધારી તાલુકાના ગીર કાંઠાના બોરડી ટીંબા ગામની સીમમાં કુવો ગાળવાની મજુરીનું કામ કરતા હેમાળ ગામના યુવાન પર મધરાત્રે શિકારની શોધમાં નિકળેલા દિપડાએ હુમલો કર્યો હતો. જો કે સાથી મજુરો અને પરિવારજનો જાગી જતા દિપડો નાસી ગયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે ધારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે.
 
રાત્રીના સમયે વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજુરો તેના વિશેષ ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટના ધારી તાલુકાના ગીરકાંઠાના બોરડી ટીંબા ગામે બનવા પામી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મધરાત્રે બોરડી ટીંબાની સીમમાં સંજય ભવાનભાઇ જાદવ (ઉ.વ. ૧૮) નામના યુવાન પર દિપડાએ હુમલો કર્યો હતો. મુળ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામનો સંજય જાદવ કુવો ગાળવાની મજુરીનું કામ કરે છે અને છેલ્લા કેટલાક સમયથી મજુરી અર્થે બોરડી ટીંબાની સીમમાં રહેતો હતો.
 
રાત્રે તે પરિવારજનો અને અન્ય મજુરો સાથે ખુલ્લામાં સુતો હતો ત્યારે એક દિપડાએ તેના પર હુમલો કરી  દીધો હતો. જો કે બાદમાં તમામ લોકો જાગી જતા દેકારો થતા દિપડો નાસી ગયો હતો. ગાલ અને માથા પર ઇજા સાથે આ યુવકને સારવાર માટે ધારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અમરેલી પંથકમાં રેવન્યુ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ વધી પડી છે. કારણ કે દિપડાની સંખ્યા વધી છે.

બાઇક નીલગાય સાથે અથડાતા હુડલીનાં કાઠી આધેડનું મોત.


Bhaskar News, Amreli | May 24, 2014, 01:48AM IST
આધેડ બાઇક લઇને સીમમાં જતાં હતા ત્યારે બની ઘટના

ધારી તાલુકાના હુડલી ગામના કાઠી આધેડ ગઇકાલે બપોરે પોતાનુ મોટર સાયકલ લઇ સીમમાં જઇ રહ્યાં હતા ત્યારે અચાનક નીલગાય આડી ઉતરતા મોટર સાયકલ પલટી ખાઇ ગયુ હતુ. આ અકસ્માતમા ગંભીર ઇજા સાથે સારવાર માટે દવાખાને ખસેડાતા તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અકસ્માતની આ ઘટના ધારી તાલુકાના હુડલી ગામની સીમમા ગઇકાલે બપોરે બેએક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર હુડલી ગામના જીલુભાઇ એભલભાઇ વાળા (ઉ.વ.૪૪) નામના કાઠી આધેડ ગઇકાલે પોતાનુ મોટર સાયકલ લઇ સીમમા જઇ રહ્યાં હતા ત્યારે અચાનક આડી ઉતરેલી નિલગાય સાથે મોટર સાયકલ અથડાઇ ગયુ હતુ.

આ અકસ્માતમા ગંભીર ઇજા સાથે જીલુભાઇ વાળાને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. તેમના ભાઇ દિલુભાઇ એભલભાઇ વાળાએ આ બારામા ચલાલા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. પીએસઆઇ પી.બી.ઝાલા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે. ધારી તાલુકાનાં હુડલી ગામે બપોરનાં સમયે આધેડ પોતાનું મોટર સાયકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જા‍તા રસ્તા પર લોકોનાં ટોળા ઉમટી પડયા હતા.

બૃહદગીરમાં રિસર્ચ માટે સિંહ સિંહણને રેડિયો કોલર લગાવાયું.

Bhaskar News, Amreli | May 24, 2014, 01:42AM IST
બૃહદગીરમાં રિસર્ચ માટે સિંહ સિંહણને રેડિયો કોલર લગાવાયું
ભારતીય વન્ય જીવ સંસ્થાન દહેરાદૂન સહિ‌તની ટીમ કામગીરીમા જોડાઇ

લીલીયાના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે સાવજોના રિસર્ચ માટે આજે ભારતીય વન્ય જીવ સંસ્થા દહેરાદુનની એક ટીમ અહી આવી પહોંચી હતી અને સિંહણને રેડીયો કોલર લગાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ કામગીરીમા ધારી, સાવરકુંડલા, સાસણ સહિ‌તની રેસ્કયુ ટીમ પણ જોડાઇ હતી.

બૃહદગીરમાં હાલ ૪૦ જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી એક સિંહણને સને ૨૦૦૮મા રેડીયો કોલર લગાવવામા આવ્યો હતો. આ રેડીયો કોલર બંધ પડી ગયો હોય તેને બદલવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. દહેરાદુનથી આવેલી ટીમની સાથે ધારી, સાવરકુંડલા, સાસણ સહિ‌તની વનવિભાગની ટીમ પણ અહી આવી પહોંચી હતી. અહી એક સિંહણ તેમજ એક સાવજને રેડીયો કોલર પહેરાવવાની કામગીરી હાથ ધરવામા આવી છે. આ કામગીરીમાં ભારતીય વન્ય જીવ સંસ્થાન દહેરાદુનના વાય.વી.ઝાલા, ડીએફઓ અંશુમન શર્મા, સ્થાનિક ટ્રસ્ટના મહેન્દ્રભાઇ ખુમાણ તેમજ ધારી, સાસણ, સાવરકુંડલા રેસ્કયુ ટીમના કર્મચારીઓ
કામગીરી કરી રહ્યાં છે.

સિંહોના મોત અંગે વનતંત્ર દ્વારા રેલવેને નોટીસ.

સિંહોના મોત અંગે વનતંત્ર દ્વારા રેલવેને નોટીસ
Bhaskar News, Rajula | May 23, 2014, 01:11AM IST
વનતંત્રની ઉંઘ ઉડી : જવાબદારો સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્રની ભારે ટીકા થતાં આખરે

ગુનો દાખલ કરી નક્કર પગલાને બદલે માત્ર નોટીસથી સાવજોની રક્ષા થશે ?

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો મુક્ત રીતે આમથી તેમ ફરતા હોય પાછલા કેટલાક સમયગાળા દરમીયાન પીપાવાવ પોર્ટમાંથી આવતી જતી ટ્રેઇન હડફેટે ચડી જવાથી ચાર સાવજોના મોત થઇ ચુક્યા છે. ત્યારે અત્યાર સુધી વનતંત્ર દ્વારા રેલવે સામે કોઇ કાર્યવાહી ન કરાયા બાદ હવે આખરે વનતંત્રએ આ મુદે ગઇકાલે રેલવે તંત્રને નોટીસ ફટકારી હતી.

સાવજોના મોતના કિસ્સામાં રેલવેની જવાબદારી હોવા છતાં વન વિભાગ દ્વારા રેલવેના એકપણ જવાબદાર સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા વન વિભાગની ભારે ટીકા થઇ રહી હતી. રાજુલા નજીક પીપાવાવ પોર્ટમાં જતી-આવતી માલગાડીઓ આ વિસ્તારમાં વસતા સાવજો માટે ઘાતક બની રહી છે. અત્યાર સુધીમાં જુદી જુદી ત્રણ ઘટનામાં માલગાડી હડફેટે ચડી જવાથી ચાર સાવજોના મોત થઇ ચુક્યા છે. આમ છતાં રેલવેના કોઇ જવાબદાર સામે ગુનો નોંધવામાં આવ્યો ન હતો. બલ્કે આવી ઘટનાઓ બાદ માત્ર મીટીંગો કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દરમીયાન હવે વનતંત્રની ઉંઘ ઉડી છે. ગઇકાલે અમરેલી વન વિભાગની કચેરી દ્વારા રેલવે તંત્રને વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ હેઠળ સાવજોના મોત નિપજાવવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસને પગલે રેલવેના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હોવાનું કહેવાય છે. હકીકતમાં સિંહ પ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે રેલવેના જવાબદારો સામે આકરા પગલા લેવામાં આવે અને પીપાવાવ પોર્ટમાં જતી આવતી માલગાડીઓ પર નિયંત્રણ લાદવામાં આવે.

દેવપરામાં સિંહ પરિવાર રેલવે ટ્રેક પાસે

માલગાડી હડફેટે ચડી જવાથી જુદી જુદી ત્રણ ઘટનામાં ચાર સાવજોના મોતની ઘટના બાદ પણ રેલવે અને વનતંત્રએ ધડો લીધો નથી. રાજુલાના દેવપરા વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ જ એક સિંહણ બચ્ચા સાથે આટા મારી રહી છે. ત્યારે આ સિંહણને તેના બચ્ચાની સલામતી માટે તેના સ્થળાંતર અંગે યોગ્ય પગલા લેવાય તે જરૂરી છે.

ભેરાઇમાં રેલ્વે ફાટક તો શરૂ કરો...

Bhaskar News, Rajula | May 21, 2014, 00:49AM IST
ભેરાઇમાં રેલ્વે ફાટક તો શરૂ કરો...
- માંગ : અહી દરરોજ ૧૦ થી ૧પ માલગાડી પસાર થાય છે : લોકોને અકસ્માતની ભિતી
- માનવરહિ‌ત ફાટક હોય મોટી દુર્ઘટના સર્જા‍શે તો જવાબદાર કોણ ? ઉઠતા સવાલ

રાજુલા તાલુકાના ભેરાઇ ગામના પાદરમાથી રેલ્વે લાઇન પસાર થાય છે. અહી અગાઉ ફાટક હતુ પરંતુ કોઇ કારણોસર તેને બંધ કરી દેવામા આવ્યુ છે. હાલ અહી માનવરહિ‌ત ફાટક ઉભુ છે. અહીથી દરરોજ ૧૦ થી ૧પ જેટલી માલગાડીઓ પસાર થાય છે. ત્યારે અહીથી પસાર થતા લોકોને અકસ્માતની ભિતી સતાવી રહી છે. અવારનવાર રેલ્વે તંત્રને રજુઆત કરવામા આવી હોવા છતા કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામા ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં ફાટક ક્યારે બનાવશે તેની રાહ જોવાઇ રહી છે.

રાજુલા પંથકમાં અનેક ખાનગી ઉદ્યોગો કાર્યરત છે. અહીના ભેરાઇ ગામના પાદરમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે અહી માનવરહિ‌ત ફાટક આવેલુ છે. ત્યારે અહીથી દરરોજ લોકો પોતાના માલઢોર લઇને પસાર થાય છે. આ ઉપરાંત અહી વાહન વ્યવહાર પણ મોટા પ્રમાણમા શરૂ હોય છે. ત્યારે અહી લોકોને અકસ્માત થવાની ભિતી સતાવી રહી છે. અગાઉ અહી રેલ્વે ફાટક કાર્યરત હતુ પરંતુ તેને બંધ કરી દેવામા આવ્યુ છે.
 
અહી માનવરહિ‌ત ફાટક ઓળંગીને વાડી ખેતરોમા જતા ખેડુતો તેમજ માલઢોર લઇને પસાર થતા માલધારીઓને ભારે અગવડતા પડી રહી છે. હાલ તો અહી માનવરહિ‌ત ફાટક હોય જેના કારણે કોઇ મોટી દુઘર્ટના સર્જા‍શે તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. ત્યારે રેલ્વે તંત્ર દ્વારા તાકિદે આ પ્રશ્ને યોગ્ય કરી અહી રેલ્વે ફાટક પુન: શરૂ કરવાની કામગીરી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

કમોસમી વરસાદથી નદીઓમાં પાટોડા ભરાતા સાવજો ગેલમાં.

કમોસમી વરસાદથી નદીઓમાં પાટોડા ભરાતા સાવજો ગેલમાં
Bhaskar News, Amreli | May 19, 2014, 00:04AM IST
- કમોસમી વરસાદથી નદીઓમાં પાટોડા ભરાતા સાવજો ગેલમાં
- શેત્રુજીના પટમાં અવારનવાર સાવજો નજરે પડયા

લીલીયા પંથકમાં ગઇકાલે ખાબકેલા ત્રણ ઇંચ કમોસમી વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયુ હતું. આ વરસાદથી સાવજોના રહેઠાણ સમા વિસ્તારમાં નદીઓ ભલે ચાલવા ન લાગી પરંતુ ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદીના પટમાં પાણીના પાટોડા જરૂર ભરાયા હતાં. જેના કારણે આજે સાવજો નદીઓ આસપાસ ભટકતા નજરે પડયા હતાં.
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ભટકતા સાવજો ગેલમાં છે આ વિસ્તારના સાવજો માટે પીવાના પાણીની મોટી સમસ્યા છે.

પરંતુ ગઇકાલના વરસાદથી સાવજોને ઘણી રાહત થઇ છે. અહીંના સાવજોને ઉનાળાની કારમી ગરમીમાં આમથી તેમ ભટકવુ પડી રહ્યુ છે. સીમમાં કયાંય પાણી નથી જેથી સાવજો પોતાની તરસ છીપાવવા માટે જે તે ગામના પાદર સુધી પણ જઇ ચડે છે. ગામના પાદરમાં પાલતુ પ્રાણીઓ માટે રાખેલા અવેડામાંથી પાણી તેમને પીવુ પડે છે. ગઇકાલે લીલીયા તથા આસપાસના વિસ્તારમાં જોરદાર કમોસમી વરસાદ પડી ગયો હતો. લીલીયા શહેરમાં તો ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો. આસપાસના વિસ્તારમાં પણ આવો જ ભારે વરસાદ પડી ગયો હતો. જેને કારણે નાવલી નદીમાં સામાન્ય પુર આવ્યુ હતું.

શેત્રુજી નદીમાં પુર ભલે ન આવ્યુ પરંતુ નદીના પટમાં જયાંત્યાં ખાબોચીયા જરૂર ભરાઇ ગયા હતાં. આ ઉપરાંત ઠેરઠેર પાણીના ખાડાઓ પણ ભરાયા હતાં. અચાનક આ પ્રકારે જાણે ચોમાસુ ચાલતુ હોય તેવો માહોલ બની ગયો છે જેને કારણે આ વિસ્તારમાં વસતા સાવજો પણ ગેલમાં આવી ગયા છે. આજે સાવજો નદીના પટ આસપાસ જ નજરે પડતા હતાં. કાંકચ નજીક શેત્રુજી નદીના પટ ઉપરાંત શેઢાવદર નજીક પણ નદીના પટમાં સાંજે પાંચ સાવજો નજરે પડયા હતાં.

ભેરાઇમાં માલગાડી હડફેટે સાવજોના કમોત અટકાવવા રજૂઆત.


Bhaskar News, Khambha | May 16, 2014, 01:35AM IST
- આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

રાજુલા તાલુકાના ભેરાઇ ગામે અવારનવાર માલગાડી હડફેટે સાવજોના મોતની ઘટના બનતા સિંહપ્રેમીઓમા રોષની લાગણી વ્યાપી ઉઠી છે. વનવિભાગ, રેલ્વે તરફથી સાવજોની સુરક્ષા અંગે કોઇ નકકર કાર્યવાહી કરવામા આવતી ન હોય ખાંભાના આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય તપાસ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

સિંહપ્રેમી અને આરટીઆઇ એકટીવીસ્ટ યુસુફભાઇ જુણેજા દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયુ છે કે રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે અવારનવાર સાવજોના કમોત થઇ રહ્યાં છે. ત્યારે વનવિભાગ કે રેલ્વે દ્વારા સાવજોની સુરક્ષા માટે કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામા નથી આવતી.
 
તેઓએ શંકા વ્યકત કરતા જણાવ્યુ હતુ કે આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. આ વિસ્તારમાં માઇનીંગના નિયમોનુ પણ ઉલ્લંઘન કરવામા આવી રહ્યું છે. તેમના પર પણ અંકુશ લાદવાની જરૂરિયાત છે. આ વિસ્તારમા શિકારની પ્રવૃતિ પણ વધેલી હોય તેમ લાગી રહ્યું છે. વિસ્તરણ રેંજને નોર્મલ રેંજ સાથે જોડી દેવા પણ તેમણે માંગણી કરી છે.

કમોસમી વરસાદે કેરીનાં પાકનો સોથ વાળ્યો.


Bhaskar News, Amreli | May 19, 2014, 00:02AM IST
કમોસમી વરસાદે કેરીનાં પાકનો સોથ વાળ્યો
- કમોસમી વરસાદે કેરીનાં પાકનો સોથ વાળ્યો
- આંબાવાડીઓમાં ફટકો : ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં કેરીના પાકને સૌથી વધુ નુકશાન
- વરસાદ પહેલા તોફાની પવનથી અગાઉ ખાખડીઓ ખરી પડી હતી : ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝૂંટવાયો

અમરેલી જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી ચાલી રહેલા કમોસમી વરસાદથી સૌથી વધારે નુકશાન કેરીના પાકને થઇ રહ્યુ છે. ખેડુતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઇ રહ્યો છે. અમરેલી જીલ્લામાં જયા કેરી સૌથી વધુ પાકે છે ધારી, ખાંભા, સાવરકુંડલા તાલુકામાં જ વધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે ભારે પવન પણ ફુંકાતો હોય મોટા પ્રમાણમાં આંબા પરથી કેરી ખરી રહી છે. અને તેના કારણે ખેડુતોને ધાર્યા ભાવ પણ નથી મળી રહ્યા.

અમરેલી પંથકમાં આ ઉનાળામાં મૌસમનો મીજાજ કંઇક જુદા જ પ્રકારનો રહ્યો છે. જેના કારણે જાણે ઉનાળો નહી પરંતુ ચોમાસુ ચાલી રહ્યુ છે તેવો અહેસાસ થઇ રહ્યો છે. કારણે છેલ્લા એક પખવાડીયાથી દરરોજ જીલ્લાના કોઇને કોઇ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વળી તે પણ ભારે પવન અને ગાજવીજ સાથે. અનેક ગામોમાં તો વાવાઝાડુ પણ ફુંકાતા ભારે ખાનાખરાબી પણ થઇ હતી. સૌથી વધુ નુકશાની ઉનાળુ પાક અને કેરીના પાકને થઇ રહી છે.

અમરેલી જિલ્લામાં કેરીની સૌથી વધુ ખેતી ધારી ચલાલા પંથક ઉપરાંત સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને અમરેલી તાલુકામાં કરવામાં આવે છે અને કમોસમી વરસાદ સૌથી વધુ આજ વિસ્તારમાં પડી રહ્યો છે. ખાસ કરીને ધારી ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં. આ વિસ્તારમાં પાછલા એક પખવાડીયા દરમીયાન ભારે પવન અને કેટલાક સ્થળે તો વાવાઝોડુ પણ ફુંકાયુ હતું. અગાઉ પણ જયારે આંબા પર નાની ખાખડીઓ હતો તે સમયે કમોસમી વરસાદ અને પવનના કારણે ખાખડીઓ ખરી પડી હતી. તે સમયે ખાખડીઓના ભાવ દબાયા હતા જયારે હવે કેરીના ભાવ દબાઇ રહ્યા છે. અમરેલી જીલ્લાના ઘણા ગામો એવા છે જયા કેરીના પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. ખેડુતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઇ ગયો છે.
અમરેલીની બજારમાં કાર્બનથી પકાવેલા નાના ફળે કેરી રસીયાનો સ્વાદ બગાડયો

અમરેલી જિલ્લામાં કેસર કેરીનો પાક તૈયાર થઇને બજારમાં આવવા તો લાગ્યો છે. પરંતુ ઓણસાલ પાક મોડો છે. અને નબળો પણ છે. પરિણામે ખુબ જ નાના ફળ વેચાણ માટે બજારમાં આવી રહ્યા છે. વળી તે પણ કાર્બનથી પકાવેલા ફળ હોય લોકોને કેસરનો અસલ સ્વાદ મળતો નથી.કેસર કેરીની સાડમ ભલભલાના મોંમા પાણી લાવી દે પરંતુ અમરેલી પંથકમાં પાકતી કેસર કેરી આ વખતે મોડી પાકવા જઇ રહી છે. આમ છતા ખેડુતો હાલમાં ચાલી રહેલા વધારે ભાવનો લાભ લેવા માટે કેરી ઉતારીને બજારમાં વેચી તો રહ્યા છે. પરંતુ ઉતાવળે ઉતારેલી કેરી હોવાથી બજારમાં મોટા પ્રમાણમાં નાના ફળ ઠલવાઇ રહ્યા છે. એવુ નથી કે બજારમાં મોટા ફળ આવતા નથી પરંતુ તેની માત્રા ઘણી ઓછી છે.

ખાસ કરીને ધારી પંથકમાં પાકતી કેરી હાલમાં બજારમાં મોટા પ્રમાણમાં વેચાવા માટે આવી રહી છે. આ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ ખુબ જ થયો છે. વળી પાક મોડો હોવાથી ચોમાસુ આંબી જાય તો પુરા ભાવ પણ ન આવે તે ડરે ખેડુતો દ્વારા મોટા પ્રમાણમાં પાક ઉતારવામાં આવી રહ્યો છે. પરંતુ ફળ ઘણા નાના અને ઓછા વજન તથા દળ વાળા આવી રહ્યા છે. જેને પગલે આ કેરીમાં જોઇએ તેવો સ્વાદ નથી મળતો તેવી લોકોમાંથી ફરિયાદ ઉઠી રહી છે. કમોસમી વરસાદના પગલે આ કેરીમાં અસલ કેસરની સોડમ પણ જોવા નથી મળતી.

સિંહના મોતના મામલે રેલવેનાં અધિકારી પીપાવાવ દોડી આવ્યા.

સિંહના મોતના મામલે રેલવેનાં અધિકારી પીપાવાવ દોડી આવ્યા
Bhaskar News, Rajula | May 15, 2014, 01:13AM IST
- સિંહના મોતના મામલે રેલવેનાં અધિકારી પીપાવાવ દોડી આવ્યા
- પોર્ટ અને વન અધિકારીઓ સાથે ચર્ચા, મિડીયાથી પણ માહિ‌તી છૂપાવવાનો પ્રયાસ

રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક ત્રણ દિવસ પહેલા માલગાડી હડફેટે સિંહબાળના મોતની ઘટના બાદ રેલવે તંત્ર અને પીપાવાવ પોર્ટ સામે સિંહપ્રેમીઓમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો છે ત્યારે આજે મુંબઇથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ રાજુલા દોડી આવ્યા હતાં અને પોર્ટ સતાધિશો સાથે બેઠક કરી હતી. લાજવાને બદલે ગાજતા રેલવે તંત્ર અને પોર્ટ દ્વારા સ્થાનીક તંત્રને મીડીયા સુધી માહિ‌તી ન પહોંચાડવા કડક સુચના આપી હતી. રેલવે અધિકારી દ્વારા અહિં કેટલાક પગલાઓ પણ સુચવાયા હતાં.

રેલવે, વનતંત્ર અને પીપાવાવ પોર્ટની ઘોર બેદરકારીના કારણે ટ્રેઇન હડફેટે ચડી જવાથી સાવજોના મોતની ઘટનાઓ વધી પડી છે. માત્ર પીપાવાવ પોર્ટ માટે દોડતી માલગાડીઓએ જ અત્યાર સુધીમાં ચાર સિંહોના ભોગ લઇ લીધા છે અને આ મુદે ચારેય તરફ ઉહાપોહ મચ્યો છે. ત્યારે આજે મુંબઇથી રેલવેના ડેપ્યુટી સીઇઓ તાબડતોબ પીપાવાવ દોડી આવ્યા હતાં.

સિંહોના મોતનો મામલો ગંભીર સ્વરૂપ લઇ રહ્યો હોય રેલો આવતા રેલવે અધિકારીએ આજે પીપાવાવ પોર્ટ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.
આ બેઠકથી મીડીયાકર્મીઓને તો દુર રખાયા જ હતાં. પરંતુ મીડીયા સુધી માહિ‌તી ન પહોંચે તે માટે સ્થાનીક તંત્રને કડકમાં કડક સુચના પણ આપવામાં આવી હતી. બેઠકમાં ત્રણેય વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી હતી અને માલગાડીની ગતિ મર્યાદા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

રેલવે સામે ગુનો નોંધો

પીપાવાવ પોર્ટમાં જતી-આવતી માલગાડીઓ દ્વારા સાવજોને હડફેટે લેવાની ત્રણ ઘટના અત્યાર સુધીમાં બની ચુકી છે. આમ છતાં એકપણ ઘટનામાં રેલવે તંત્રના જવાબદારો સામે હજુ સુધી ગુનો નોંધાયો નથી ત્યારે સ્થાનીક સિંહપ્રેમીઓ દ્વારા આવા કિસ્સાઓ નિવારવા માટે માલગાડીના ડ્રાઇવર સહિ‌તના જવાબદારો સામે ગુનો નોંધવા માંગ ઉગ્ર બની રહી છે.

વાઘમણીના રૂંછા જંગલી ભૂંડના બચ્ચા માટે બને છે સુરક્ષા દિવાલ.

Bhaskar News, Khambha | May 14, 2014, 01:02AM IST
વાઘમણીના રૂંછા જંગલી ભૂંડના બચ્ચા માટે બને છે સુરક્ષા દિવાલ
- જંગલી ગણાતુ ભુંડ પણ ભારે નાજુકતાથી કરે છે બચ્ચાની રક્ષા

જંગલી ભુંડ એવું ઝનુની પ્રાણી છે કે કદાચ કોઇને તેના પ્રત્યે સહાનુભુતી ન હોય. પરંતુ ભુંડમાં પણ તેના બચ્ચાઓ પ્રત્યે ઠાંસી ઠાંસીને માતૃત્વ ભર્યુ પડયુ છે. માદા ભુંડ જંગલ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપ્યા બાદ તેને બખોલમાં છુપાવે છે. નવાઇની વાત એ છે કે ખોરાકની શોધમાં તે ક્યારેક બહાર ભટકે ત્યારે કોઇ શિકારી પ્રાણી બખોલમાં ન પ્રવેશે તે માટે ભુંડણી બખોલના મુખ પર વાઘવણીના ચમકદાર રૂંછાની આડશ કરે છે. ખાસ કરીને રાત્રીના સમયે તેની ચમકથી શીકારી પ્રાણીઓ આઘા ભાગે છે.

આમ તો જંગલી ભુંડ ખુબ જ હિંસક પ્રાણી છે. ક્યારેક તો સાવજો સામે પણ બાથ ભીડી લે છે. માણસ પર પણ હુમલો કરી લે છે. પરંતુ આ હિંસક પ્રાણી ખુબ જ નાજુકતાથી પોતાના બાળ-બચ્ચાની સારસંભાળ લે છે. આમ તો વન્ય જીવસૃષ્ટિમાં સિંહ-દિપડા જેવા હિંસક પ્રાણીઓથી લઇ તૃણભક્ષી પ્રાણીઓમાં પણ પોતાના બચ્ચા પ્રત્યે અપાર મમતાના લક્ષણો જોવા મળે છે. ભુંડના બચ્ચા માટે જંગલમાં જોખમનો કોઇ પાર નથી.

જેને પગલે ભુંડણી પોતાના બચ્ચાને જન્મ આપ્યા બાદ જમીનમાં બખોલ કરી બચ્ચાને તેમાં છુપાવે છે. જો કે એવા અનેક વન્યપ્રાણીઓ છે જેનાથી આ બખોલમાં પણ ભુંડના બચ્ચા માટે જોખમ રહે છે. પરંતુ ભુંડણી પણ પોતાના બચ્ચાની આબાદ રક્ષા કરી શકે છે. ખોરાકની શોધમાં તેને આમથી તેમ ભટકવુ પડે છે. તેવા સમયે બચ્ચા સલામત રહેતા નથી. જો કે તેણે અજીબ તરકીબ શોધી કાઢી છે. ખોરાકની શોધમાં જતા પહેલા જ ભુંડણી બખોલના મુખ પર ચમકદાર રૂછા (વાઘમણી)નો મોટો ઢગલો કરી દે છે. તેની ચમકના કારણે શિકારીઓ દુર રહે છે.

રાત્રે થાય છે વિશેષ રક્ષા

રાત્રીના સમયે પણ શિકારીઓ આ ઢગલાથી દુર ભાગે છે. વાઘમણીના આ રૂંછા દિવસે તો ચમકે જ છે. પરંતુ રાત્રીના સમયે પણ ચમકતા હોય શિકારી પ્રાણીઓ ભુંડની બખોલ આસપાસ જતા ખચકાય છે. જેને પગલે બચ્ચા સલામત રહે છે.

રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા.

Posted On May 14, 12:02 AM
રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા
સરકાર જે સાવજોની રક્ષા પાછળ કરોડોનો ખર્ચ કરે છે અને વનતંત્રના મસમોટા સ્ટાફને કામે લગાડે છે તે સાવજોની રક્ષામાં વનતંત્ર જાણે રીતસર તાબોટા પાડી રહ્યુ છે. પરિણામે એક પછી એક સાવજોના કમોત થઇ રહ્યા છે. નઘરોળ વનતંત્રના પાપે રાજુલાના ભેરાઇ નજીક વધુ એક સિંહબાળનુ કમોત થતા સાવજોની રક્ષામાં સરીયામ નિષ્ફળ ગયેલા વનતંત્ર સામે સિંહપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ભેરાઇ નજીકથી આજે અર્ધ ખવાયેલી હાલતમાં ચારેક માસના સિંહબાળનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા ટ્રેઇન હડફેટે સિંહબાળનું મોત થયુ હતું તે ગૃપનું જ આ સિંહબાળ હોવાનું મનાય છે. બેહદ શરમની વાત એ છે કે વનતંત્ર દ્વારા સિંહબાળના મોતને ઇનફાઇટમાં ખપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.
 
રાજુલાના ભેરાઇ તથા આસપાસનો વિસ્તાર સાવજોના અસ્તીત્વ માટે જોખમી સાબીત થઇ રહ્યો છે. અહિં વનતંત્ર સાવજોની રક્ષામાં સદંતર નિષ્ફળ જઇ રહ્યુ છે. જેને પગલે દેશની અમુલ્ય ધરોહર સમા સાવજો કુતરાના મોતે મરી રહ્યા છે. છતાં નિંભર તંત્રના પેટનું પાણી હલતુ નથી. ઉચ્ચ અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં બેસી સાવજોના મોતના દરેક કિસ્સામાં ઢાંક-પીછોડો કરવાની પાપી પ્રવૃતિ થઇ રહી છે. જ્યારે નીચેનો સ્ટાફ ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યો છે. પરિણામે સાવજોનો ખો નિકળી રહ્યો છે. આજે રાજુલાના ભેરાઇ ગામથી થોડે દુર રેલવે ટ્રેકથી માત્ર ૩૦૦ મીટરના અંતરે વધુ એક સિંહબાળનો મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો.
 
ભેરાઇ નજીક ભચાદર અને ઉચૈયા વચ્ચેના રેલવે ટ્રેકથી થોડે દુર સરકારી પડતર જમીનમાં આશરે ચારેક માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની સ્થાનીક લોકો દ્વારા વનતંત્રને જાણ કરાઇ હતી. માત્ર ત્રણ દિવસના ગાળામાં બીજા સિંહબાળના કમોતની જાણ થતા જ સુસ્ત વનતંત્ર હલબલી ગયુ હતું અને અધિકારીઓના ધાડેધાડા દોડવા લાગ્યા હતાં.
રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા
અહિં સિંહબાળનું કોઇ રીતે મોત થયા બાદ અજાણ્યા પ્રાણીઓએ તેના મૃતદેહને ફાડી પણ ખાધો હતો. આ સિંહબાળનો માથાનો ભાગ ખવાઇ ગયો હતો. સિંહબાળનું મોત રાત્રીના સમયે થયાનું મનાય છે. સવારથી અહિં મૃતદેહ પડયો હોવા છતાં વનતંત્રને તેની જાણ થઇ ન હતી. બે દિવસ પહેલાની ઘટના બાદ મસમોટો સ્ટાફ ફેરણુ કરતો હોવા છતાં સ્થાનીક લોકોએ જાણ કરી ત્યારે તંત્રને જાણ થઇ હતી. સ્થાનીક આરએફઓ એસ.બી. રાઠોડ, ડીએફઓ પી.પરશોતમ, એસીએફ બી.એમ. શુક્લા વિગેરે ભેરાઇ દોડી ગયા હતાં.

એવું મનાય રહ્યુ છે કે બે દિવસ પહેલા ટ્રેઇન હડફેટે જે સિંહબાળનું મોત થયુ હતુ તે ગૃપનું જ આ બચ્ચુ હતું. બે સિંહણ એક બચ્ચા સાથે આ વિસ્તારમાં નઝરે પણ પડી હતી. આમ આ સિંહ પરિવારના બન્ને બચ્ચા કમોતે મર્યા છતાં નિષ્ઠુર વનતંત્ર કશું કરી શક્યુ નહી. જેને પગલે સિંહપ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા
ઘટનાને ઇનફાઇટમાં ખપાવવા પ્રયાસ

સિંહબાળના કમોતની ઘટના અંગે એસીએફ બી.એમ. શુક્લાએ જણાવ્યુ હતું કે પ્રાથમીક તપાસમાં બચ્ચાના શરીર પર ઇજાના નિશાન અને નહોરના ઘા મળી આવ્યા છે. જેના આધારે ઇનફાઇટમાં બચ્ચાનું મોત થયાની શક્યતા છે. છતાં સાચુ કારણ પીએમ રીપોર્ટમાં બહાર આવે તેની રાહ જોવાઇ રહી છે. સાવજોના કમોતના અનેક કિસ્સામાં વનતંત્ર દ્વારા ઇનફાઇટની સ્ટોરી રજુ કરી દેવામાં આવે છે જે લોકોને ગળે ઉતરતી નથી.
સિંહબાળ બે દિવસથી રેલવે ટ્રેક નજીક જતુ હતું

બે દિવસ પહેલા એક સિંહબાળનું ટ્રેઇન હડફેટે મોત થયા બાદ એવું કહેવાય છે કે બે દિવસ પહેલા રેલવે ટ્રેક પર એક સિંહબાળનું મોત થયા બાદ આ સિંહબાળ પણ અવાર નવાર રેલવે ટ્રેક નજીક આંટા મારતુ નઝરે પડયુ હતું અને ઝુરતુ હતું.

સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત.

Raju Mesuria, Amreli | May 13, 2014, 00:09AM IST
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
- ગીરના સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન
- વિટંબણા - દાયકાઓ પહેલા સરકારે ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કર્યુ હતુ
 
ગીર જંગલનુ પ્રાકૃતિક સૌદર્ય નદી, ડુંગરાળો, લીલાછમ વૃક્ષો, પશુ પક્ષીઓથી તો ખીલી ઉઠે જ છે. પરંતુ જો ગીરમાં નેસડાઓ ન હોય તો આ સૌદર્ય અધુરૂ લાગે. આવુ જ કંઇક હાલ ગીર જંગલમા જોવા મળી રહ્યું છે. દાયકાઓ પહેલા સરકાર દ્વારા ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. બસ ત્યારબાદ જંગલમા નેસડાઓ ઓછા થવા લાગ્યા. હાલ ગીરપુર્વમા પણ નેસડાઓની સંખ્યા ગણીગાંઠી જોવા મળી રહી છે. ત્યારે જેવી રીતે જંગલમાથી માલધારીઓએ નેસડા છોડી અન્ય સ્થળે વાટ પકડી છે તેવી જ રીતે હાલ સાવજોએ પણ રેવન્યુ વિસ્તાર તરફ વસવાટ વધાર્યો હોવાનુ જોવા મળી રહ્યું છે.

ગીર જંગલમા સાવજોની ગર્જનાઓ અને પક્ષીઓના કલરવ વચ્ચે નેસડાઓમા માલધારીઓ અનેક વિટંબણાઓનો સામનો કરી કુદરતના ખોળે જીવન વ્યતિત કરી રહ્યાં છે. પુર્વ અને પ‌શ્ચિ‌મ ગીરમાં દાયકાઓ પહેલા નેસડાઓ ધમધમતા હતા. પરંતુ ૧૯૭૦ બાદ સરકાર દ્વારા ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. ધીમેધીમે ગીર જંગલમાથી નેસડાઓની સંખ્યા ઘટી ગઇ અને હાલમાં ગણ્યાંગાંઠયા નેસડાઓ બચ્યા છે. માલધારીઓ અનેક રીતે વનવિભાગને મદદરૂપ બને છે. જંગલમા કોઇ વન્યપ્રાણી બિમાર હોય તો તુરત વનવિભાગને જાણ કરે છે. આ ઉપરાંત દવની ઘટના બને તો દવને ઠારવામા પણ મદદ કરે છે.

આ ઉપરાંત જંગલમા થતી શિકારની કોઇ શંકાસ્પદ પ્રવૃતિ અંગે પણ તેઓ વનવિભાગને માહિ‌તગાર કરી જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા કરવામા મદદરૂપ બની રહ્યાં છે. તો સામે પક્ષે વનવિભાગ દ્વારા તેઓને થોડી કનડગત પણ કરવામા આવતી હોવાનુ ફરિયાદો પણ ઉઠી રહી છે. તેમછતા તેઓ દ્વારા જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા બાબતે પુરતુ ધ્યાન આપવામા આવી રહ્યું છે. સાવજો દ્વારા ભેંસનુ મારણ કરવામા આવે તો સરકાર દ્વારા માત્ર આઠેક હજાર રૂપિયાની સહાય ચુકવવામા આવે છે. આમ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ હાલ થોડા ઘણા નેસડાઓમા માલધારીઓ વસવાટ કરી રહ્યાં છે.
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
પુર્વ અને પ‌શ્ચિ‌મ ગીરના હડાળાનેસ, અરલનેસ, કાણેકનેસ, ખજુરીનેસ, માંડવીનેસ, દોઢીનેસ, ભીમચાસનેસ, રાજસ્થળીનેસ, આંસોદરીનેસ, સાપનેસ, બલીયાડનેસ, વડસલીનેસ, કાશીયાનેસ જાંબુરડીનેસ, ખીમાગાળીનેસ, સુવરડીનેસ, સાપુરનેસ, સુડાવી, સુડાવો, ધામણીયા, લપટણી, વાંકાજાંબુ, રૂસાળી, બાણેજ, કરૂણાપાન, ઘોડાવડી, રૂપાપાટ, છોડવડી, નાના મોટા ગોળાનેસ, ભુતડાનેસ, ગુપ્તીનેસ, પારેવાનેસ સહિ‌ત નામોના અનેક નેસડાઓ આવેલા છે. ત્યારે સરકાર દ્વારા નેસડાઓમા વસવાટ કરતા માલધારીઓને પુરતી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવે તે ઇચ્નીય છે.
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
નેસડાઓ ઘટતા સાવજોએ પણ સ્થળાંતર કર્યુ ?

દાયકાઓ પહેલા સાવજો કયાંય રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા ન હતા. નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવતાની સાથે જ ધીમેધીમે સાવજોએ પણ જાણે જંગલમાથી રેવન્યુ વિસ્તાર તરફ વાટ પકડી હોય તેમ જોવા મળી રહ્યું છે. ગીરપુર્વના જંગલમાથી સાવજો લીલીયા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને છેક અમરેલીના ચાંદગઢ નજીક પહોંચી ગયા છે. નેસડાઓની સંખ્યા ઘટવાની સાથે માલઢોર પણ ઓછા થતા સાવજોને અપુરતો ખોરાક મળતો હોય જેના કારણે સાવજો નવા રહેઠાણની શોધમા નીકળી ગયા હોય તેવા કારણની પણ શકયતા જોવાઇ રહી છે.

સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે.

Bhaskar News, Rajula | May 13, 2014, 00:02AM IST
સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે
More:
સોની
- સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું
- કાર્યવાહી : ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનું મોત નિપજતા રેલ્વેને નોટીસ ફટકારાઇ
- અકસ્માતનો ગુનો નોંધાયો : દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે : વનવિભાગે રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવ્યું

રાજુલા તાલુકાના ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે માલગાડી હડફેટે સિંહબાળનુ મોત નિપજતા આ મામલે વનવિભાગ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તેમજ રેલ્વે ડીઆરએમ ભાવનગરને નોટીસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવવામા આવ્યુ છે. અવારનવાર માલગાડી હડફેટે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનુ મોત નિપજતા સિંહપ્રેમીઓમા દુખની લાગણી વ્યાપી ઉઠી હતી. વારંવાર માલગાડી હડફેટે સિંહોના કમોતથી સિંહપ્રેમીઓમા રોષ પણ જોવા મળી રહ્યો છે.

ત્યારે વનવિભાગ દ્વારા આ મામલે નિવેદનો લેવાની કાર્યવાહી પુર્ણ કરી લીધી છે. આરએફઓ રાઠોડે જણાવ્યુ હતુ કે માલગાડીના પાયલોટ અને કો-પાયલોટ સહિ‌ત સ્ટેશન માસ્તર વિગેરેના નિવેદનો લેવાની કાર્યવાહી પુર્ણ કરી દીધી છે અને જે કોઇ દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા દસ માણસોની ટીમ બનાવી અહીના ભેરાઇ, ઉચૈયા, રામપરા, ભચાદર સહિ‌તના વિસ્તારોમાં રાત્રીના પેટ્રોલીંગ સઘન બનાવવામા આવ્યુ હતુ.

રાત્રીના બે વાગ્યાના સુમારે જે સ્થળે સિંહબાળનુ મોત થયુ ત્યાં બે સિંહણ અને એક બચ્ચુ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. ત્યારે હજુ પણ આ વિસ્તારમાં સાવજો આંટાફેરા મારી રહ્યાં હોય તાકિદે પગલા લેવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. તો બીજી તરફ પીપાવાવ પોર્ટ દ્વારા પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો હાલ વસવાટ કરી રહ્યાં હોય અત્યાર સુધીમાં અહી સિંહ, દિપડા સહિ‌ત ૧૭ જેટલા વન્યપ્રાણીઓના મોત નિપજયા છે. ત્યારે કોસ્ટલ હાઇવે પર સ્પીડબ્રેકર બનાવવા પણ લોકમાંગ ઉઠી છે. આ ઉપરાંત રેલ્વે ટ્રેક પર વનવિભાગ દ્વારા કાયમી કર્મચારીઓને મુકી ફેરણુ કરાવવામા આવે તેવી પણ માંગ ઉઠી છે.
સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે
More:
સોની
રેલ્વેને નોટીસ આપવામા આવી છે-ડીએફઓ પુરૂષોતમ

ઇન્ચાર્જ ડીએફઓ પુરૂષોતમે જણાવ્યુ હતુ કે ભેરાઇ ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે સિંહબાળના મોતની ઘટનામા ભાવનગર રેલ્વે ડીઆરએમને નોટીસ ફટકારવામા આવી છે જેમાં જણાવાયુ છે કે અગાઉ રેલ્વે સાથે પત્ર વ્યવહાર કરવામા આવ્યો હતો ત્યારે વન્યપ્રાણીઓને બચાવવા શું શું પગલા લેવામા આવ્યા ? ઉપરાંત રેલ્વે સામે વન્યપ્રાણી સંરક્ષણ એકટનો ગુનો કેમ ન કરવો તેવુ જણાવાયુ હતુ. અગાઉ પણ રેલ્વે તંત્ર સાથે બેઠકો કરવામા આવી હતી. પરંતુ બેઠકમા જણાવાયુ હતુ કે આ બાબતે રેલ્વે મંત્રાલય નિર્ણય લેશે.
સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે
More:
સોની
મહાકાય ઉદ્યોગો-રેલ્વે અને વનવિભાગ સાવજોની સુરક્ષામા નિષ્ફળ-બાટાવાળા

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતુ કે રાજુલા પંથકમાં સાવજોની સુરક્ષામા મહાકાય ઉદ્યોગો, વનવિભાગ તેમજ રેલ્વે સદંતર નિષ્ફળ રહ્યું છે. પીપાવાવ પોર્ટથી રેલ્વે ટ્રેક નીકળ્યો છે તેને ભેરાઇના ખારામા તબદીલ કરવા માંગણી કરવામા આવી છે. ઉપરાંત આ ટ્રેક પર માલગાડી પસાર થાય ત્યારે સતત વ્હીસલ વગાડવી અને ગતિ મર્યાદા ૨૦કિમીની રાખવા પણ માંગ કરવામા આવી હતી. વધુમાં જણાવાયુ હતુ કે વનતંત્ર દુધે ધોયેલુ હોય તો પાછલી ચાર ઘટનાઓના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ જાહેર કરવા જોઇએ. પીપાવાવ પોર્ટથી લીલીયા સુધી રેલ્વે ટ્રેક પર બંને બાજુ જાળી ફિટ કરવા પણ તેમણે માંગ ઉઠાવી છે.

રાજુલમાં ટ્રેનની હડફેટે વધુ એક સિંહબાળનું મોત, વનતંત્રની ઘોર નિંદ્રા.

Bhaskar News, Rajula | May 12, 2014, 01:33AM IST
રાજુલમાં ટ્રેનની હડફેટે વધુ એક સિંહબાળનું મોત, વનતંત્રની ઘોર નિંદ્રા
- સાવજોના કમોતનો માર્ગ 'રેલ ટ્રેક'
- રોષ : રોજની ૧૦ થી ૧પ માલગાડીઓની અવર-જવર છતાં તંત્ર ઘોર નિદ્રામાં
- વન વિભાગની ઘોર બેદરકારી અને રેલ્વે તંત્રને જાણે પડી ન હોય તેવી સ્થિતિ

રાજુલા શહેર ઔદ્યોગિક રીતે વિકાસ સાધી રહ્યું છે અહી અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. તો બીજી તરફ અહીના રેવન્યુ વિસ્તારમાં હાલ અનેક સાવજો પણ વસવાટ કરી રહ્યાં છે. અહીથી પસાર થતી માલગાડી હડફેટે સાવજોના મોતની ઘટનાઓ વધી રહી છે. જેને પગલે સિંહપ્રેમીઓમા ચિંતાની લાગણી જન્મી છે. ત્યારે આજે ભેરાઇ ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે આવી જતા એક સિંહબાળનુ ઘટના સ્થળે જ મોત નિપજતા સિંહપ્રેમીઓમા દુખ સાથે રોષ પણ ફેલાયો છે. રાજુલા પંથકમાં કાળમુખી માલગાડી હડફેટે અનેક સાવજો મોતને ભેટયા છે ત્યારે ફરી એક વખત આજે સવારના છએક વાગ્યા આસપાસ અહીના ભેરાઇ ઉચૈયા વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે એક સિંહબાળનુ મોત નિપજયુ હતુ.

સવારના સુમારે અહીથી એક સિંહ, સિંહણ અને તેના બે બચ્ચા પસાર થઇ રહ્યાં હતા ત્યારે સામેથી પુરપાટ આવી રહેલી માલગાડી હડફેટે એક સિંહબાળ આવી ગયુ હતુ. ઘટનાને પગલે વનવિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હતી. એક પછી એક માલગાડી હડફેટે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે. વનવિભાગની ઘોર બેદરકારીના કારણે સાવજો મોતને ભેટી રહ્યાં હોવાનુ સિંહપ્રેમીઓ જણાવી રહ્યાં છે. દોઢેક માસ પહેલા પણ નાગેશ્રી ઉના હાઇવે પર હેમાળ નજીક હાઇવે પર એક અજાણ્યા વાહન હડફેટે બે સિંહબાળ મોતને ભેટયા હતા છતા હજુ સુધી વનવિભાગ વાહન ચાલક સામે કાર્યવાહી કરવામા નિષ્ફળ રહ્યું છે.

ત્રણેક માસ પહેલા પણ લીલીયાના આંબાની સીમમાંથી એક સિંહબાળનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના ચાર પગ અને નખ ગાયબ થઇ ગયા હતા જેને શોધવા વનતંત્ર ઉંધેમાથે થયુ હતુ. તો ખાંભાના પીપળવા રાઉન્ડમા પણ કુવામાથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના નખ ગાયબ હતા. સાવરકુંડલાના ભમ્મર ગામ નજીક પણ માલગાડી હડફેટે એક સિંહબાળનુ મોત નિપજયુ હતુ. વનવિભાગ અને રેલ્વે તંત્રના અધિકારીઓ દ્વારા મિટીંગો પણ કરવામા આવી હતી પરંતુ હજુ સુધી માલગાડીની ગતિ મર્યાદા બાબતે કોઇ નિર્ણય લેવામા આવ્યો નથી. રાજુલા પંથકમા હાલ અનેક સાવજો રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે પરંતુ વનવિભાગ દ્વારા અહીના રેલ્વે ટ્રેક આસપાસ કે હાઇવે પર જરૂરી પેટ્રોલીંગ વધારવામા આવતુ નથી.

સાવજો કિડી મકોડાની જેમ મોતને ભેટી રહ્યાં છે-ધારાસભ્ય સોલંકી

ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના ઘરેણારૂપ સાવજોના કિડી મકોડાની જેમ મોત થઇ રહ્યાં છે. અગાઉ પણ માલગાડી હડફેટે બે સિંહણ મોતને ભેટી હતી. પીપાવાવ પોર્ટ દ્વારા નકકર આયોજન કરવામા નથી આવતુ. ત્યારે પોર્ટ દ્વારા કોઇ પગલા લેવામા નહી આવે તો જયાં સુધી સાવજો સુરક્ષિત ન થાય ત્યાં સુધી માલગાડી બંધ કરી અને વેસ્ટ જગ્યાઓમા રેલ્વે ટ્રેક ફેરવી બાઉન્ડ્રી કે દિવાલ ઉભી કરવી તેમજ ટ્રેનને સંપુર્ણ ગતિ મર્યાદામા દોડાવવા જણાવ્યુ હતુ અને જો કોઇ પરિણામ નહી આવે તો સુપ્રિમ કોર્ટમા જવાનુ પણ જણાવાયુ હતુ.

વનતંત્રની નોર્મલ કચેરી ખોલવી જોઇએ-શશીભાઇ રાજયગુરૂ

રાજુલાના ચિંતક શશીભાઇ રાજયગુરૂ ઘટના અંગે ખેદ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વ જયારે સિંહોને બચાવવાના અભિયાનમા વ્યસ્ત છે ત્યારે રાજુલામા માલગાડી હડફેટે સિંહોના કમોતની ઘટના વધી રહી છે જે ખુબ ગંભીર બાબત છે. ત્યારે સમાજે, જાગૃત સરકારે અને સંલગ્ન ખાતાઓએ સામુહિ‌ક રીતે સિંહોની સુરક્ષા બાબતે વિચારવાની જરૂર છે. રાજુલા વિસ્તારમાં વનવિભાગની એક નોર્મલ કચેરી ખોલવામા આવે તેવી પણ માંગ કરવામા આવી છે.
તંત્ર ગંભીરતા નથી લેતુ- અશોક સાંખટ

પર્યાવરણ અને સિંહપ્રેમી અશોક સાંખટે જણાવ્યુ હતુ . રાજુલાથી ૧પ કિમી પોર્ટની રેંજમા પોર્ટ તરફથી સિંહોની સુરક્ષા માટે સિકયુરીટી મુકવા તેમણે માંગ કરી છે.

ટ્રેક પર પેટ્રોલીંગ જરૂરી- વિપુલ લહેરી

વર્લ્ડ વાઇલ્ડ લાઇફના સભ્ય વિપુલભાઇ લહેરીએ જણાવ્યુ હતુ કે સાવજો ઔદ્યોગિક ઝોનમા આંટાફેરા મારે છે ત્યારે તેની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ.

Bhaskar News, Kodinar | May 11, 2014, 00:03AM IST
કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ
કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ

કોડીનારનાં સરખડીની સીમમાંથી મધરાતે દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે અલગ- અલગ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દેતાં આ સફળતા મળી હતી.
કોડીનારનાં સરખડી ગામની રાઘવાનાપા સીમમાં આવેલા અરશીભાઇ રાજાભાઇનાં ખેતરમાં પાળેલા કુતરાનું દીપડીએ મારણ કરતાં આ અંગે જામવાળા રેન્જને જાણ કરાતાં આરએફઓની સૂચનાથી સ્ટાફે અહીંયા અલગ- અલગ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દીધા હતાં.

દરમિયાન મધરાતનાં એક વાગ્યાની આસપાસ એક પાંજરામાં ૭ વર્ષની દીપડી પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છારા બીટનાં ફોરેસ્ટર મનસુખ પરમાર, બુધ્ધેશભાઇ, રમેશબાપુ સહિ‌તનાં સ્ટાફે મધરાતે જ પહોંચી આ દીપડીને જામવાળા કચેરીએ લઇ આવ્યાં હતાં. આ વિસ્તારમાં હજુ પણ દીપડાનાં ધામા હોવાનું ગ્રામજનો કહી રહયાં છે.

ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં.

Bhaskar News, Babra | May 09, 2014, 00:27AM IST
ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં
- બાબરાનાં પાનસડામાં લીમડાના વૃક્ષમાંથી ઝરતા પાણીથી કૂતુહલ
- ’ પથ્થરોની વચ્ચે આવેલો આ લીમડો આજદિન સુધી સુકાયો નથી

બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે એક લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય લોકોમા કુતુહલ ફેલાયુ છે. અહી અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ લીમડાના વૃક્ષમાથી નીકળતા પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરતા જોવા મળી રહ્યાં છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે આ પાણીના ઉપયોગથી અનેક અસાધ્ય રોગો પણ મટી જાય છે. પાનસડા ગામે ખોડિયાર માતાજીના સ્થાનકે એક લીમડાનુ વૃક્ષ આવેલુ છે.
 
આ વૃક્ષમાથી વર્ષોથી પાણી ઝરી રહ્યું છે. અહી આવતા આસપાસના શ્રધ્ધાળુઓએ જણાવ્યુ હતુ કે લીમડાના વૃક્ષમાથી ઝરતા આ પાણીનો ઉપયોગ ચરણામૃત તરીકે કરવામા આવે છે આ પાણીથી અસાધ્ય રોગો પણ દુર થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. અહી દિવસ દરમિયાન અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય આ પાણી લોકો અમદાવાદ, મુંબઇ, સુરત સુધી પોતાના સગા સબંધીઓને પણ બોટલોમા ભરીને મોકલી રહ્યાં છે.
ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં
આ અંગે દિનેશભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે પોતે રીક્ષાનો ધંધો કરતા હેાય વર્ષોથી ગોઠણનો દુખાવો થતા રીક્ષા ચલાવવામા પણ મુશ્કેલી પડતી દવાઓ કારગત ન નીવડી ત્યારે આ પાણી પીધા બાદ દુખાવામાથી કાયમી છુટકારો મળ્યો હતો. પાનસડાના લક્ષ્મણભાઇ વઘાસીયાએ જણાવ્યુ હતુ કે તેઓ પ૦ વર્ષથી આ નજારો જોતા આવે છે. લીમડાનુ વૃક્ષ પથ્થરોની વચ્ચે આવેલુ છે તેમ છતા આજદિન સુધી આ વૃક્ષ સુકાયુ નથી. સામાન્ય રીતે વૃક્ષો પર પાણી રહે તો વૃક્ષ સડી જાય છે પરંતુ આ લીમડાનુ વૃક્ષ અડીખમ ઉભુ છે. તો મંદિરના મહંત હરીઓમદાસે આ માતાજીના આશિર્વાદ હોવાનુ જણાવ્યુ હતુ. હાલ તો લોકો શ્રધ્ધાપુર્વક આ લીમડામાથી ઝરતુ પાણી પી રહ્યાં છે.