Tuesday, September 16, 2008

ટીખળખોરે ‘૧૦૮’ એમ્બ્યુલન્સને તાલાલાથી સાસણ સુધી દોડાવી

Bhaskar News, Talala
Monday, September 15, 2008 00:40 [IST]

અનેક દરદીઓને સમયસર સારવાર માટે દિવસ-રાત પહોંચાડવામાં અતિ મહત્વની બનેલી ૧૦૮ સેવા સાથે ગઇકાલે સાસણ (ગીર)થી કોઇ ટીખળખોરે ફોન કરી ખોટી રીતે ૧૦૮ સેવાને દોડાવી મૂકી મજાક કરતાં આ શખ્સ સામે લોકોમાં રોષ ફેલાયોછે. પોલીસ આ ટીખળી શખ્સ સામે કડક હાથે કામ લે તેવી માંગ ઉઠી છે.

એમ્બ્યુલન્સના ડોકટરે વિગતો આપતાં જણાવ્યું કે ગત રાત્રે ૯-પ૦ મિનિટે ૯૯૭૮પ ૦૩૬૦૭ નંબર ઉપરથી ૧૦૮ ઉપર ફોન આવેલો અને સાસણથી ધનજી રવજીસોલંકી બોલું છું. ડિલિવરીનો કેસ હોઇ ઝડપથી આવો તેમ કહેતાં ૧૦૮ના ડોકટર અને પાઇલોટ એમ્બ્યુલન્સ લઇ માત્ર ર૦ મિનિટમાં સાસણ પહોંચી ગયેલા. જયાં ફોન કરનાર શખ્સે હું બસ સ્ટેન્ડે ઊભો છું ત્યાં આવો તેમ કહ્યું હતું.

પણ કોઇ દેખાયું નહોતું ફરી એ જ નંબર ઉપરથી ફોન આવ્યો કે હું ગામના છેડે અવેડા પાસે ઊભો છું ત્યાં આવો, ત્યાંથી વાડીએ કેસના દરદીને લેવા જવા છે. એમ્બ્યુલન્સ લઇ અવેડા સુધી ગયા તો ત્યાં પણ કોઇ દેખાયું નહોતું. ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવતાં કંઇક બનાવ બન્યો હશે તેમ સમજી સાસણના સરપંચ જાનમહમદભાઇ એમ્બ્યુલન્સ પાસે દોડી ગયેલા.

ત્યાં ડોકટરે સઘળી વિગતો જણાવતાં સરપંચે ફોન કરી બોલાવનાર નામ વાળી કોઇ વ્યકિત અમારા ગામમાં રહેતી નથી કોઇએ મજાક કરી ખોટી રીતે દોડાવ્યા હોવાનું જણાતાં ૧૦૮ સેવાનો સ્ટાફ ભારે નારાજ થયો હતો. ૧૦૮ના ડોકટરે સેવા સાથે થયેલા મજાક અંગે ઉરચ અધિકારીઓને જાણ કરી હતી. આવી મજાક સામે લોકોમાં રોષ ફેલાયો છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/09/15/0809150041_prank_caller.html

No comments: