Friday, June 28, 2013

ક્રાંકચ નજીક ત્રણ સિંહણ-સાત બચ્ચાં ત્રણ નદીના પૂર વચ્ચે ફસાયા


Bhaskar News, Liliya | Jun 20, 2013, 00:54AM IST
- હજુ વધુ પૂર આવશે તો સાવજ પરિવાર પર ખતરો

લીલીયા તાલુકાનો ખારાપાટ વિસ્તાર સાવજોને માફક આવે તેવું નવું ઘર છે તેની સાથે સાથે આ વિસ્તાર સાવજો માટે જોખમી પણ એટલો જ છે. હાલમાં શેત્રુજી, ગાગડીયો અને ખારી નદીમાં ભારે વરસાદના કારણે પુર આવતા આ ત્રણેય નદીઓ વચ્ચે આવેલા વિસ્તારમાં સાત સિંહબાળ અને ત્રણ માદા ફસાઇ જતા તેમના જીવ પર ખતરો ઉભો થયો છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં ભુતકાળમાં પણ શેત્રુજી નદીના પુરે કેટલાક સાવજોનો ભોગ લીધો હતો. ભારે પુરમાં તણાયેલા સાવજોના પાછળથી મૃતદેહ મળ્યા હતાં. અહિંની બાવળની કાંટ સાવજોને માફક આવી ગઇ છે. સાવજોને શિકાર પણ મળે છે.

આ વિસ્તાર સાવજો માટે ઉત્તમ રહેઠાણ છે પરંતુ શેત્રુજી અને અન્ય નદીઓના પાણી દર ચોમાસામાં ખારાપાટ વિસ્તારમાં ફરી વળે છે અને મહિનાઓ સુધી પાણી ભરેલા રહે છે. જો કોઇ સાવજો આ પાણી વચ્ચે ફસાય તો તેના સામે ખતરો ઉભો થાય છે.

હાલમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે. શેત્રુજી, ગાગડીયો અને ખારી નદીમાં તાજેતરના વરસાદમાં ભારે પુર આવ્યા હતાં. જેના કારણે ત્રણ સિંહણ તેના સાત બચ્ચા સાથે આ ત્રણેય નદીઓ વચ્ચે હાલમાં ફસાઇ હોવાનું જાણવા મળેલ છે. સાત સિંહબાળ પૈકી કેટલાક તો તદન નબળા છે.

જો હજુ વધુ વરસાદ આવે અને નદીઓના પાણી ફરી વળે તો આ સાવજો સામે ખતરો છે. અગાઉ સ્થાનિક પ્રકૃતપિ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલા લેવા વનતંત્રને રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા ન હતાં.

No comments: