Wednesday, December 12, 2007

ગીર પંથકમાંથી હરણનાશિકારનું રેકેટ ઝડપાયું; મહિલા સહિત ૩ ની ધરપકડ - ૧ ફરાર

જૂનાગઢ,તા.૮
ગીર પંથકના અને ગિર જંગલની બોર્ડરના આંકોલવાડી ગામની સીમમાંથી આજે હરણના શિકારનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે. ખેતરમાં વીજ કરંટ આપી હરણનો શિકાર કરવાના આ રેકેટમાં એક મહિલા અને ખેતર માલીક સહિત ત્રણને વન વિભાગે ઝડપી લીધા છે જયારે ૧ શખ્સ ફરાર થઈ ગયો છે. ઝડપાયેલ વાડી માલિકે ત્રણ ચિતલના શિકારની કબૂલાત આપતાં વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ માટે વનવિભાગે ત્રણેયને તાલાળા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત માર્ચ માસ દરમ્યાન ગીર જંગલમાં છ - છ સિંહોના શિકારની રાજયભરમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આ પ્રકરણનો હજી સુધી ઉકેલ નથી આવ્યો ત્યાં જ ગીર પંથકમાંથી આજે વન વિભાગે હરણના શિકારનું રેકેટ ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હરણના શિકારની આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના આંકોલવાડી ગામ ખાતેથી એક શંકાસ્પદ મહિલા રાણી બચુ દેવીપૂજકને મટન લઈ જતી રોકી વન વિભાગે તપાસ કરતાં આ મહિલા પાસેથી ૪ કિલો મટન મળી આવવાથી ચોંકી ઉઠેલા વન વિભાગે ગીર પશ્ચિમ વન વિભાગન
ી.સી.એફ. બી.પી.પતીની સૂચનાથી એ.સી.એફ. શશીકુમાર અને એ.સી.એફ. વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. બી.કે.પરમાર સહીતના કાફલાએ આ મહિલાના ઘરે દરોડો પાડતાં ત્યાંથી વધુ મટન અને ફાંસલાઓ, છરો, હથિયારો મળી આવતા ત્યાંથી દિનુ બચુ દેવીપુજક નામના શખ્સની પણ વનખાતાએ ધરપકડ કરી હતી.

આ બન્નેની કડક પૂછપરછ કરતાં હરણના શિકારના રેકેટનો પર્દાફાશ થયો હતો. આંકોલવાડી ગામની સીમમાં જેરામ બાલાજી અકબરી નામના ખેડૂતના ખેતરમાં ઈલેકિટ્રક કરંટથી હરણનો શિકાર કરવામાં આવતો હોવાની વિગતો ખુલતાં જ વન વિભાગે જેરામ અકબરીને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ શખ્સે ત્રણ ચિતલ (હરણ) નો શિકાર કર્યો હોવાની કબુલાત આવી હતી.

આ તમામે શિકારના રેકેટ અંગે વન વિભાગ સમક્ષ આપેલી કબુલાત અનુસાર જેરામ અકબરીના ખેતરમાં સૌપ્રથમ વીજ કરંટથી હરણને મારી નખાયા બાદ દેવીપૂજક શખ્સોને બોલાવવામાં આવતા હતા. અને આ શખ્સો મૃત હરણને છરીથી કાપી તેનુ માંસ લઈ જઈ વેચી નાખતા હતા. આ ઘટનાને અનુલક્ષીને વન વિભાગના સકંજામાં આવે તે પહેલાં જ વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.

વન વિભાગે ઘટના સંદર્ભે એક મહિલા સહિત ત્રણેયની વન્ય પ્રાણી સંરક્ષણ ધારા સહિતની કલમો અનુસાર ગુન્હો નોંધી ઉંડાણપૂર્વકની પુછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે તાલાળા કોર્ટમાં રજુ કર્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40746&Keywords=Crime%20Sorath%20gujarati%20news

No comments: