Wednesday, December 12, 2007

ઊનામાં સુગર ફેકટરી પાસે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો

Bhaskar news, Una
Wednesday, December 12, 2007 00:04 [IST]

ઊના નજીક સુગર ફેકટરી પાસે દીપડાના આખા પરિવારનો મુકામ હોઇ આસપાસ કવાર્ટરમાં રહેતા લોકોમાં ફફડાટ પેસી ગયો હતો. વનતંત્રને પાંજરું મૂકવાની રજૂઆત બાદ તંત્રને પાંજરું મૂકવાનું સૂઝ્યું હતું અને આજે વહેલી સવારે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો હતો. જયારે દીપડાનો પરિવાર આસપાસમાં જ હોવાનું વનતંત્ર માની રહ્યું છે.

ત્રણ દિવસ પૂર્વે ઊના પાસે સુગર ફેકટરી એરિયામાં દીપડાનો આખો પરિવાર આવી ચડયો હતો અને તેના આતંકથી આસપાસના રહીશો રીતસર ફફડતા હતા. તેમ છતાં વનતંત્રને આ વિસ્તારમાં પાંજરું મૂકવાનું સૂઝ્યું ન હતું.

આ બાબતનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિઘ્ધ થયા બાદ ડહાપણ આવ્યું હોય તેમ તંત્રે પાંજરું મૂકવાની તસદી લીધી હતી. જો કે, પાંજરું મૂકી દીધા માત્રથી તંત્રે હાશકારો અનુભવી લીધો હોય તેમ પ્રવેશદ્વાર ખોલવાનું જ ભૂલાઇ ગયું હતું. આથી દીપડાને અંદર આવવું હોય તો’ય અવાય તેમ ન હતું. બાદમાં પાંજરાનું પ્રવેશ દ્વાર ખોલી દેવાતાં દીપડાએ આજે વહેલી સવારે ઉદ્ઘાટન કર્યું હતું.

આ દીપડો પાંચ વષ્ાર્ની ઉંમરનો હોવાનું વન તંત્રે જણાવ્યું છે. પાંજરે પૂરાઇ જતાં દીપડાએ ઝનૂન પૂર્વક પ્રહારો કરી પોતાને જ ઇજા પહોંચાડી હતી અને આંખો, મોં પરથી લોહી વહાવી દીધું હતું. જેની સારવાર કરી જસાધાર રેન્જમાં જંગલમાં દીપડાને છોડી દેવાશે. તેવું વન અધિકારીઓએ ઉમેર્યું હતું. દીપડાનો પરિવાર આસપાસમાં જ હોઇ પાંજરું ખાલી કરી પુન: તે જ જગ્યાએ ગોઠવવા વનતંત્રે તૈયારી બતાવી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/12/12/0712120006_leopard.html

No comments: