Saturday, January 17, 2009

નજીકથી ફોટો લેવા ગયેલા યુવાનને સિંહે ફાડી ખાધો

આંબેચા તા.૧૬

માળીયા(હાટિના) તાલુકાના બાબરા(ગીર) જંગલખાતાની વીડીમાં આજે બપોરે માંગરોળના ચાર યુવાનો બાઈક પર સવાર થઈ ગેરકાયદે સિંહદર્શન માટે ગયા હતા ત્યારે ચાર પૈકીના એક યુવાને સિંહના નજીકથી ફોટા લેવા જતા સિંહે તેને દબોચી લઈ ત્યાં જ મીજબાની માણી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી. આ ઘટનાને લઈ વનવિભાગ તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



આજે બપોરના ૨ થી ૨/૩૦ વાગ્યાના અરસામાં માંગરોળના ચાર યુવાનો દિનેશ ચુનીભાઈ પરમાર, ચંદ્રેશ મોહનભાઈ, રાજુ પરમાર અને જયેશ મુળજીભાઈ પરમાર બાબરા(ગીર)ની જંગલખાતાની અનામત વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહદર્શન કરવા આવેલ હતા. આ વીડીમાં કુલ ૧૮ જેટલા ખુંખાર વનરાજાઓ વસવાટ કરી રહયા છે. આ યુવાનો સિંહદર્શનનો લાભ લેતા હતા ત્યારે ૧૮ સિંહોનો નાયક કે જેને જાંબો નજીકથી ફોટો લેવા ગયેલા કહેવામા આવે છે. તેના નજીકથી ફોટા લેવાનો પ્રયાસ રાજુ પરમાર(ઉ.વ.૨૮) નામના યુવાન દ્વારા થયો તે વેળાએ જ તેના પર જાંબો સિંહે જીવલેણ હુમલો કરી તેને દબોચી લીધો હતો. અને ત્યાં જ ફાડી ખાધો હતો. આ વેળાએ તેની સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ દેકારો કરી મુકતા આસપાસની વીડીમાં ઘાસ કાપવાનું કામ કરતા મજુરો દોડી આવ્યા હતા. પણ, ત્યાં સુધીમાં સિંહે તેને પૂરો કરી નાંખ્યો હતો.

બાદમાં આ બાબતે વનવિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા બંને વિભાગનો સ્ટાફ તુરંત ધટના સ્થળે દોડી જઈ ધોરણસરની તપાસ હાથ ધરી છે. સિંહેે યુવાનને ફાડી ખાધાના બનાવની જાણ અન્ય ગામલોકોને થતા ગામ લોકો એકઠા થઈ ગયા હતાં.

દરમિયાન, અમારા માંગરોળના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, સિંહનો શિકાર થઈ જનાર રાજુ પરમાર માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તથા એડવોકેટ કિશનભાઈ પરમારના ત્રણ ભાઈઓ પૈકીનો સૌથી નાનો ભાઈ હતો. અને સિંહએ તેને ગળાના ભાગે તથા છાતીના ભાગેથી દબોચી તેને ચૂંથી નાંખ્યો હતો. મરનારના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા અને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=43040

No comments: