Saturday, January 17, 2009

પ્રણયક્રીડામાં ખલેલ પડતાં ડાલામથ્થાએ માંગરોળના યુવાનને ફાડી ખાતાં અરેરાટી

Bhaskar News, Talala
Friday, January 16, 2009 23:27 [IST]

ગીરના જંગલના માળિયાહાટીના વિસ્તારમાં આવેલી બાબરાવીડીમાં ગેરકાયદે ઘુસેલા માંગરોળના ચાર યુવાનોએ પ્રણયક્રિડામાં મગ્ન ડાલામથ્થાને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરબપોરે સાત સિંહોનું ટોળું અચાનક પ્રણયક્રિડામાં આડખીલીરૂપ બનેલા ચારેય યુવાન તરફ લપકયું હતું.

મોતને સામે આવતા જોઇ ચારેય યુવાનોએ દોટ મુકી હતી. આ તકે જાંબવા નામના ડાલામથ્થાએ માંગરોળના રાજુ પરમાર નામના યુવાન પર તરાપ મારીને દબોચી લીધો હતો. ગીરપંથકમાં આક્રમક ગણાતા ‘જાંબવા’ નામના સિંહે યુવાનને ફાડી ખાધાના બનાવથી ખળભળાટ મચી ગયો હતો.

બીજી બાજુ ભાગી છૂટવામાં સફળ રહેલા ત્રણેય યુવાનોએ વનવિભાગને જાણ કરતાં ચોંકી ઉઠેલી વન અધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સાત સિંહો વચ્ચેથી યુવાનનો ફાડી ખાધેલો મૃતદેહ મહામહેનતે હાથવગો કર્યો હતો. માંગરોળ શહેર ભાજપ પ્રમુખના ભાઇને સિંહે ફાડી નાખ્યાની જાણ થતા માંગરોળ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

વેરાવળના આરએફઓ વઘાસિયાના જણાવ્યાનુસાર ‘જાંબવા’ નામનો ડાલામથ્થો સિંહણ સાથે પ્રણયક્રિડામાં મગ્ન હતો ત્યારે જંગલમાં ઘુસેલા ચારેય યુવાનોએ સિંહ યુગલના ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી છંછેડાયેલા ‘જાંબવા’એ હુમલો કર્યો હતો. જયારે માંગરોળના અહેવાલમાં હતભાગી યુવાન સહિતના ચારેય યુવાનો બાઇક પર ઇટાળી ગામે જતા હતા ત્યારે અધવચ્ચે સાત સિંહોના ટોળાંએ હુમલો કર્યોહોવાનું જણાવાયું છે.

ખળભળાટ મચાવનારા બનાવની વિગતમાં તાલાલા અને માળિયાહાટીના તાલુકાની વચ્ચે આવેલી બાબરાવીડીમાં આજે બપોરે અઢી વાગ્યાના સુમારે માંગરોળ શહેર ભાજપ પ્રમુખનો નાનો ભાઇ રાજુ ભીખાભાઇ પરમાર (ઉવ..૨૮) તથા જયેશ પરમાર, દિગેશ પરમાર અને ચંદ્રેશ સોલંકી નામના ચાર યુવાનો બે બાઇક પર ગેરકાયદે ઘુસ્યા હતા.

દરમિયાન જંગલ વિસ્તારમાં સાત સિંહ-સિંહણનું ટોળું બેઠું હતું. જેમાં ગીર પંથકમાં આક્રમક ગણાતો ‘જાંબવા’ નામનો ડાલામથ્થો સિંહણ સાથે પ્રણયક્રિડામાં મસ્ત હતો. આ તકે આ યુવાનોએ પ્રણયક્રિડામાં મશગુલ સિંહ યુગલને ખલેલ પહોંચાડી હતી. જેના પગલે છંછેડાયેલા ડાલામથ્થાએ ત્રાડ પાડતા અન્ય સિંહો પણ ચારેય યુવાનો તરફ લપકયા હતા.

અચાનક મોત સામે આવતું દેખાતા ચારેય યુવાનોએ ભાગવા બાઇક પૂરપાટ ઝડપે હંકારી મુકયા હતા. ત્યારે ‘જાંબવા’ નામના ડાલામથ્થાએ તરાપ મારી રાજુ પરમાર નામના યુવાનને દબોચી લીધો હતો.ગળાના ભાગે સિંહના જોરદાર દાંત ઘુસી જતા રાજુ પરમારનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

જયારે ભાગી છૂટવામાં સફળ રહેલા ત્રણેય યુવાનોએ વનવિભાગને સમગ્ર બનાવથી વાકેફ કરતા ચોંકી ઉઠેલા આરએફઓ વઘાસિયા, ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.દરમિયાન સાત સિંહોની વચ્ચે પડેલો રાજુનો ચૂંથાયેલો મૃતદેહ નજરે પડયો હતો. ત્યારબાદ સિંહોના ટોળાંને મહામહેનતે વનવિભાગે ખદેડી મુકયા હતા અને રાજુનો મૃતદેહ માળિયા હોસ્પિટલ લઇ આવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

સિંહે યુવાનને ફાડી ખાધાના બનાવની જાણ થતા ગીરપંથકમાં દહેશતનું મોજુ ફરી વળ્યું હતું.આ બનાવની જાણ થતાં માંગરોળ શહેર ભાજપ પ્રમુખ કિશનભાઇ પરમાર, પાલિકા પ્રમુખ ઇકબાલભાઇ છાપરા સહિતના આગેવાનો બાબરા દોડી ગયા હતા. માંગરોળના યુવાનને સિંહે ભરખી ગયાના બનાવથી માંગરોળ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

દોઢ વર્ષના માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી

બાબરાવીડીમાં સિંહનો શિકાર થઇ ગયેલા રાજુભાઇ પરમાર માંગરોળમાં જૂના બસસ્ટેન્ડ પાસે પ્રિયંક બેકરી નામે વ્યવસાય કરતા હતા. મિલનસાર સ્વભાવના રાજુભાઇના ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને સંતાનમાં દોઢ વર્ષનો એક પુત્ર છે.

માંગરોળમાં રાજુભાઇ પરમાર તેના ચાર મિત્રો સાથે બાઇક પર ઇટાળી ગામે કિશાન સંઘના અગ્રણીને મળવા નિકળ્યા હતા ત્યારે માર્ગમાં ડાલામથ્થા રૂપી મોત ભેટી જતા માંગરોળ પંથકમાં ધેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભાગી છૂટેલા ત્રણ યુવાનોને ઝડપી લેવા વનતંત્રની દોડધામ

ગીરના જંગલમાં ગેરકાયદે ઘુસેલા માંગરોળના ચાર યુવાનો પૈકી રાજુ પરમારને સિંહે ફાડી ખાધા બાદ નાસી છૂટેલા અન્ય ત્રણ યુવાનો સામે ગુનો નોંધી ધરપકડ કરવા વનવિભાગની ટીમ માંગરોળ તરફ દોડી ગયાનું આરએફઓ વઘાસિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

http://www.divyabhaskar.co.in/2009/01/16/0901162327_lions_killed_yuth_disturb_wooing.html

No comments: