Thursday, September 17, 2009

સિંહ - પર્યારણપ્રેમીઓ દ્વારા સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ.

જૂનાગઢ,તા.૧૫

એશિયા ખંડમાં એકમાત્ર ગિર વન વિસ્તારમાં વસવાટ કરતા સિંહોનું મધ્યપ્રદેશના કૂનો જંગલ વિસ્તારમાં સ્થળાંતર અંગે વર્ષોથી પ્રયાસરત કેન્દ્ર સરકાર દ્વારા ગિરના સિંહોના સ્થળાંતર અંગે આગામી તા.૧૬ ના રોજ ગિરનાર રોપ-વે યોજનાની સુનાવણી સાથે સિંહના સ્થળાંતર અંગે પણ કોઈ નિર્ણય લેવાની શક્યતા જણાતા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ સહિત સિંહપ્રેમીઓ દ્વારા કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય ખાતે ઈ-મેઈલ અને પત્રોનો મારો ચલાવી સિંહોના સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

* મધ્યપ્રદેશમાં ગિરનાં સિંહોની સલામતી કેટલી?

સોરઠની શાન અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ગિરના સિંહોનું મધ્યપ્રદેશના કૂનો જંગલ વિસ્તાર ખાતે સ્થળાંતર અંગે કેન્દ્ર સરકારની પાછલા બારણાની ગતિવિધી અંગે સમગ્ર સોરઠમાંથી વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. જે અંતર્ગત રૈવતગીરી નેચર ક્લબ જૂનાગઢના પ્રમુખ ડી. આર. બાલધા, પ્રભુ જે. અઘેરા, રામભાઈ પિઠીયા સહિતના હોદ્દેદારોએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, મધ્યપ્રદેશના શિકારીઓ ગુજરાતના ગિર જંગલ ખાતે પહોંચી સિંહોના નિર્મમ શિકાર કાંડ સર્જતા હોય ત્યારે મધ્યપ્રદેશ ખાતે સિંહોની સલામતી કેટલી? તેવા અણીયારા પ્રશ્ન સાથે નેચર ક્લબે કેન્દ્ર સમક્ષ આ નિર્ણય સ્થગીત કરવાની માંગણી કર્યા સાથે આ પ્રશ્ને રાજ્યની પ્રજાના જન આંદોલન સામે ટક્કર લેવા તૈયારી દાખવવાની ચિમકી ઉચ્ચારી છે. તેમજ આ અંગે જૂનાગઢ જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન ડો.કૌશિક ફડદુએ ગિરના સિંહોને ગુજરાતની આગવી ઓળખ બતાવી સ્થળાંતર રોકવા પત્ર પાઠવી માંગણી કરી છે. તેમજ પ્રકૃતિ પરિવાર ટ્રસ્ટ કોડીનારના પ્રમુખ દિનેશ ગૌસ્વામીએ કેન્દ્ર સમક્ષ રજુઆત કરી સિંહોનું મધ્યપ્રદેશ ખાતે સ્થળાંતરનો વિરોધ નોંધાવ્યા સાથે શાળા-કોલેજોમાં સિંહ બચાવ ઝૂંબેશ હાથધરી જાગૃતિ અભિયાન હાથ ધરેલ છે. તેમજ આ પ્રશ્ને સી.પી.એમ. જૂનાગઢના બટુક મકવાણાએ ગિર વન વિસ્તારમાં હજારો વર્ષથી વસતા સિંહો માટે ગિરનું જંગલ જ સુરક્ષીત હોવા સાથે આ વન્ય જીવો પ્રકૃતિનું એક અંગ બની ગયેલ હોવાનું જણાવી કેન્દ્રીય વન મંત્રીને પાઠવેલ પત્રમાં સિંહોનું સ્થળાંતર રોકવા માંગણી કરી છે. સ્થળાંતરની આ ગતિવિધીને કારણે સોરઠમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે વિરોધ દર્શાવતા જૂનાગઢના શિક્ષક પ્રભુ જે. અઘેરા સહિતના પ૦૦ થી વધુ સિંહ પ્રેમીઓ દ્વારા ગઈ કાલથી આજ સુધીમાં કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ઉપર ઈ-મેઈલ, પત્રો અને એસ.એમ.એસ.નો મારો ચલાવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેમજ આ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને આ અંગે વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી સાથે બેઠક યોજાઈ

જૂનાગઢ,તા.૧૫: આગામી તા.૧૬ ના રોજ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની યોજાનાર બેઠકમાં ગિરના સિંહોનું મધ્યપ્રદેશ ખાતે સ્થળાંતર અંગે કોઈ નિર્ણયની શક્યતા વચ્ચે આજે કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયરામ રમેશ સાથે યોજેલ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયા, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કરશનભાઈ ધડુક સહિતના જૂનાગઢના પ્રતિનિધિ મંડળે સિંહોના ગિરમાંથી સ્થળાંતર પ્રશ્ને ચર્ચા કરી એમ.પી.ના વાઘ સાથે સિંહોનો વસવાટ શક્ય નહિ હોવાનું જણાવી સોરઠના વાતાવરણ અને પ્રકૃતિ સાથે હજારો વર્ષોથી જોડાયેલ સિંહો ગિર સિવાય બીજે ક્યાંય જીવી ન શકે તેમ જણાવી કેન્દ્રીય મંત્રીને સ્થળાંતર રોકવા રજુઆત કરી છે.

ધારાસભ્ય મશરૃ અને પ્રતિનિધિ મંડળે સ્થળાંતર અટકાવવા કરેલી રજૂઆત

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=113684

No comments: