Thursday, December 18, 2008

નાના આંકડિયામાં વાડામાં ૩૬ ઘેટાનાં રહસ્યમય મોત

અમરેલી તા.૧પ
અમરેલી નજીક આવેલા નાના આકડીયા ગામના એક ભરવાડનાં કાંટાળા વાડામાં ૩૬ ઘેટાના રહસ્યમય રીતે મૃત્યુ નિપજતાં ચકચાર જાગી છે. ઘટનાના પગલે જંગલખાતાએ સ્થળ તપાસ કરતા વાડાની આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે. આથી, દીપડાએ ઘેટા માર્યા હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. સાથે એવી શંકા પણ ઉઠે છે કે, એક સાથે આટલી બધી સંખ્યામાં દીપડો મારણ કરી ન શકે. આથી, આ કૃત્ય અન્ય કોઈનું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી નજીકના નાના સાંકડીયા ગામમાં રહેતા ભરવાડ ભોળાભાઈ સીંધાભાઈ ગમારાનો ગામના પાદરમાં નદી કાઠે ગોળાકાર અને બાવળની કાંટાળી ઝાડીવાળો વાડો આવેલો છે. આ વાડામાં ૭૦ જેટલા ઘેટા છૂટા રહેતા હતા. વાડાની બાજૂમાં જ ખાટલો ઢાળીને ભોળાભાઈ સૂતો હતો. ત્યારે મધરાતે એક વાગ્યા આસપાસ વાડામાં ઘેટાઓની દોડા-દોડીની અવાજ આવતા તેણે સફાળા જાગીને જોયું તો અસંખ્ય ઘેટા લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતા હતા. કેટલાક ઘેટા મૃત્યુ પામ્યા હતા. આ વાત વહેલી સવાર ગામમાં વતી પ્રસરી જતા સ્થળ પર જોયુ તો ૩૬ ઘેટા મૃત હાલતમાં પડયા હતા. તમામ મૃત્યુ ડોક મરડવાથી કે ત્યાંથી બચકંુ ભરવાથી થયું હોવાનું ઘેટાની ડોક પરના નિશાન પરથી જણાતું હતું.

આ ઘટના અંગે પ્રથમ પોલીસમાં બાદ વન વિભાગને જણ કરાતા વન વિભાગનો સ્ટાફ ડોકટર સાથે ધસી આવ્યો હતો. તેમણે સ્થળનુ પંચનામું કરી દરેક એંગલથી તપાસ કરતા વાડાની નીચે નદી કાંઠે દીપડાના પગમાં નિશાન જોવા મળ્યા હતા. જેના પરથી કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોય તેવુ અનુમાન કાઢવામાં આવ્યુ છે. જો કે, ઘેટાના એક જ પ્રકારથી ડોક મરડવાથી જ મૃત્યુ નિપજતા કોઈનુ ષડયંત્ર હોય શકે તેવી પણ શંકા ઉદભવે છે. ગામના સરપંચ કુરજીભાઈ શંભુભાઈ જાવીયાએ જણાવ્યુ કે, દીપડો હોય તો તે રાત્રે ફરી વખત આવી શકે જેથી સાવચેતીના પગલા રૃપે આજની રાત દીપડાને પકડવા પાંજરૃ મૂકાય તેવી યોજના છે.જંગલખાતાએ પણ લોકોને આજની રાત જાગવા અને પહેરો કરવા સૂચના આપી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=34772

No comments: