Sunday, December 21, 2008

ગીરના સાવજો લાઠી, વડિયા, બાબરાના વિસ્તારો ‘સર’ કરશે

Bhaskar News, Amreli
Sunday, December 21, 2008 00:21 [IST]

lion-suleman-patelગીર જંગલમાંથી બહાર નીકળેલા સાવજોનું રહેઠાણ સતત વિસ્તરતું જાય છે. સાવજોએ હવે લાઠી, વડિયા અને બાબરા તાલુકાને દરવાજે દસ્તક દીધા છે. ગીર જંગલ સિંહ માટે ટૂંકુ પડતું હોય જંગલ બહાર વસવાટ કરતાં સિંહોએ અમરેલી જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર ‘‘સર’’ કરી લીધો છે.

જિલ્લાના આ તાલુકા સિવાયના તમામ તાલુકામાં સાવજની વસતી પહોંચી ચૂકી છે. આગામી અડધો દાયકામાં આ ત્રણ તાલુકામાં પણ સિંહ પોતાનો વસવાટ બનાવે તેવા સંજોગો છે.

લોકો સાવજને જંગલનો રાજા કહે છે પરંતુ ગીરના સાવજો માત્ર જંગલના રાજા નથી. હવે રેવન્યુ વિસ્તારમાં પણ તે પોતાની આણ વર્તાવતા જાય છે. ગીર જંગલ તો વર્ષો પહેલાં તેમના માટે ટૂંકું પડયું હતું જેથી જંગલ બહાર માનવ વસવાટ તરફ તેમનો પગપેસારો થયો હતો. સાવજને બચાવવાની ઝુંબેશના કારણે વસતી સતત વધતી જતી હોય તેમનું રહેઠાણ પણ વિસ્તરતું જાય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, જંગલ બહાર નીકળેલા સાવજોની સૌથી વધુ વસતી અમરેલી જિલ્લામાં છે અને તેની સંખ્યા પોણોસો ઉપરાંત છે. ખાંભા, ધારી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં વર્ષોથી સિંહો વસે છે. પાછલા એક દાયકામાં લીલિયા, અમરેલી, મહુવા, પાલિતાણા પંથક સુધીતેનો વિસ્તાર થયો છે.

થોડા મહિનાઓથી બગસરા અને ગોંડલ પંથકમાં તેની હાજરી દેખાઇ રહી છે. તેમની ગતિ હવે લાઠી, વડિયા અને બાબરા તરફ છે. આગામી એક દાયકામાં હજુ વધુ કેટલાક વિસ્તાર પર સિંહની આણ વર્તાતી હશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

ગીર જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીના કાંઠે કાંઠે સાવજ આગળ નીકળતા ગયા છે. શેત્રુંજી નદી સાવજ માટે જીવનદાયિની બની છે. આ નદીનો તટ પ્રદેશ સિંહને સૌથી વધુ માફક આવ્યો છે. શેત્રુંજીને કારણે તેમને પાણીનો સ્ત્રોત મળી રહે છે, ઉપરાંત શિકાર પણ મળી રહે છે. વળી નદીના કોતરો તેના બરચાને સુરક્ષા પણ પૂરી પાડે છે. પરિણામે જેમ-જેમ સાવજોના ગ્રુપ વિસ્તરતા ગયા તેમ તેમ શેત્રુંજી કાંઠે આગળ વધતા ગયા. અમરેલી, લીલિયા, સાવરકુંડલા તાલુકાને વીંધી છેક પાલિતાણા સુધી પહોંચી ગયા છે.

હવે બગસરા અને ગોંડલ તાલુકામાં સાવજનો પગપેસારો થયો છે. બગસરા તાલુકામાં સાવજનું એક ગ્રુપ વસતું હોય મારણની ઘટના જાણે રોજિંદી બની ગઇ છે. વાડી ખેતરમાં કામ કરતા કરતા ગમે ત્યારે સાવજનો સામસામે ભેટો થાય છે.

આવનારા સમયમાં પણ સાવજ પોતાના નવા ઘર શોધશે. માનવી અને સિંહ તાલમેલ મિલાવતા જાય તો બંનેમાંથી કોઇને પણ ખતરો નથી, આ પંથકની પ્રજાએ સાવજને સ્વીકારી લીધો છે. સાવજ જયાં પોતાનું ઘર બનાવશે તે પ્રજાએ પણ તેને સ્વીકારવા પડશે.

Source: http://www.divyabhaskar.co.in/2008/12/21/0812210022_lions_of_gir.html

No comments: