Friday, December 19, 2008

અભયારણ્યના અભાવે પ્રાણીઓ માથે ભય

Bhaskar News, Bayad
Friday, December 19, 2008 01:24 [IST]

સાબરકાંઠા જીલ્લામાં અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. જીલ્લામાં કુલ ૧ર૬૩ ચો. કિ.મી. વિસ્તાર અંદાજે જંગલો ધરાવતો છે. જીલ્લાના વિજયનગર પંથકમાં ગીચ જંગલો આવેલા છે. જીલ્લામાં કુલ ૪ તાલુકામાં વન્ય પ્રાણીઓ હોવાનુ જંગલ ખાતા ઘ્વારા નોંધણી થવાથી અહેવાલ બહાર આવ્યો છે.

જેમાં વિજયનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર વગેરે પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાનું પુરવાર થવા પામ્યુ છે. જંગલ ખાતાના એક સર્વે મુજબ સૌથી વધુ દિપડા ઇડર તથા વડાલીમાં હોવાનું બહાર આવ્યું છે. આ બંને પંથકમાં કુલ ૯ થી ઉપરાંત દિપડાઓ વસવાટ કરી રહ્યા છે.

સંખ્યા બંધ પ્રાણીઓની પ્રજાતીનો વસવાટ એવા સાબરકાંઠા જીલ્લામાં એકપણ અભયારણ્ય ન હોવાથી આ પ્રાણીઓના અસ્તિત્વ સામે મોટુ ઝોખમ નજીકના સમયમાં તોળાઇ રહ્યું છે. વડાલીના નાદરી ગામે થોડા સમય પહેલાં એક દિપડો કુવામાં પડી જતાં તેને અંશત: ઇજાઓ થવા પામી હતી. આ દિપડો પડતાં ગામમાં ભારે નાશ ભાગ સાથે ભયનું વાતાવરણ પણ ઉપસ્થિત થવા પામ્યું હતુ.

ત્યારે જંગલ ખાતાની ટીમે આ દિપડાને હેમખેમ બહાર કાઢી જંગલમાં છોડી મુકયો હતો. આવો જ બનાવ બાયડ તાલુકામાં પણ ભૂતકાળમાં નોંધાવા પામ્યો હતો. તાલુકાના અમીયાપુર, ની કોતરોમાં દિપડો દેખાયો હતો જેને લઇ પણ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક તરફ જંગલો ધીરે ધીરે ઓછા થતા જાય છે.

ત્યારે આ વન્ય પ્રાણીઓને રહેવા માટે હવે કોઇ સ્થાન ન રહેતાં પ્રાણીઓ મનુષ્ય વસવાટ તરફ આવી જાય છે. જીલ્લામાં આ પ્રાણીઓના અસ્તિત્વને લઇ અભયારણ્ય બનાવવામાં આવે તેવી માગણી જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે. અભયારણ્ય હોવાથી પ્રાણીઓ મુકત મને જંગલોમાં ફરી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ છે.

અરવલ્લીમાં અભયારણ્ય બની શકે તેમ છે

સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર પંથકમાં આવેલ અરવલ્લીની ગીરીમાળાઓ ગાઢ વૃક્ષાદિત છે. જયારે વિજયનગરના પોળો વિસ્તારને આવરી લઇ આ સ્થળે અભયારણ્ય બનાવવામાં આવે તો પ્રાણીઓ તથા વર્ષોપ્રાચીન પોળોને પણ પ્રધાન્ય મળે તથા પયર્ટકોને પ્રાચીન સ્મારક તથા પ્રાણીઓ એક જ સ્થળે જોઇ શકાય તેમ છે.

અભયારણ્યથી પયર્ટકો પણ આકર્ષાઇ શકાય છે

જીલ્લામાં વિજયનગર પંથકમાં અભયારણ્ય બનાવવામાં આવે તો સંખ્યા બંધ પયર્ટકો પ્રાણીઓ જોવા આવે ત્યારે સરકારને આવકમાં પણ વધારો થાય તેમ છે. જયારે આપ પંથકના સંખ્યા બંધ લોકોને પણ રોજગારી મળી શકે તેમ છે.
Source: http://www.divyabhaskar.co.in/2008/12/19/0812190124_sentury_animals_fear.html

No comments: