Wednesday, July 21, 2010

હાઈકોર્ટની સામે જ રાત્રે નવ વાગ્યે હુમલાખોરોનો ગોળીબાર : એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા

Jul 21,2010
અમદાવાદ, તા.૨૦
માહિતી અધિકાર ધારાનો વ્યાપક સામાજિક હિતમાં અસરકારક ઉપયોગ કરી ન્યાય મેળવવા સતત ઝઝૂમી રહેલા અમીત બી. જેઠવા પર આજે મોડી રાત્રે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ફાયરીંગ કરતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. સત્તાવાળાઓ સામે અરજી કરવા છતાં જેમાં ન્યાય ન મળે તેવા કિસ્સામાં જાહેર હિતની અરજીનો માર્ગ અપનાવનારા અમીત જેઠવા પર હુમલો પણ હાઈકોર્ટની બરોબર સામે સત્યમેવ બિલ્ડીંગની નીચે જ થયો હતો.
સત્યમેવ બિલ્ડીંગમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ઓફિસ જ્યાં છે તેના આગળના ભાગે બીજા માળે એડ્વોકેટ વિજય નાંગેશની ઓફિસમાં તાજેતરમાં જ હાઈકોર્ટમાં કરેલી પીઆઈએલ સંબંધે વિજયભાઈ સાથે કામની ચર્ચા કરી અમીત જેઠવા નીચે પહેલા માળે પહોંચ્યા હતા. વિજય નાંગેશે પોલીસને આપેલી માહિતી મુજબ, અહીં તેમણે કેટલાક દસ્તાવેજોની ઝેરોક્સ કરાવી અને નીચે પાર્ક કરેલી પોતાની જિપ્સી કારમાં જવા પહોંચ્યા ત્યારે સીડીની પાછળ જ બે શખ્સ સ્પ્લેન્ડર બાઈક (જીજે-૧-પીક્યુ-૨૪૮૨)પર બેસીને રાહ જોતા હતા. બંને પાસે તમંચા હતા.
જેવા અમીતભાઈ નીચે આવ્યા કે તરત જ બંને અજાણ્યા વ્યક્તિએ પોતાની પાસેના તમંચામાંથી ગોળીબાર કર્યા. ફાયરીંગનો અવાજ સાંભળી બિલ્ડીંગમાં હાજર રહેલા શું થયું તે જોવા ધસી આવ્યા હતા. અમીતભાઈને ગોળી વાગવા છતાં તેમણે હુમલાખોરો સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બાઈક પડી ગયું અને હુમલાખોરો વિશ્વાસ સીટી-૨ તરફ નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમીત જેઠવા પણ છેલ્લા એક વર્ષથી વિશ્વાસ સીટીમાં રહેતા હતા.
આ અંગે તરત જ સ્થળ પર પહોંચેલા સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. કુંડલિયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમીત જેઠવાના હાથ પણ પોતાના લોહીવાળા થયા અને એવા જ હાથે ઝપાઝપી કરી હોવાથી નાસી ગયેલા હુમલાખોરોમાંથી એકના શર્ટ પર લોહીના ડાઘ પડયા હોવાનું પોલીસ માની રહી છે. મૃતદેહને તત્ત્કાળ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જે અંગે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ કરવામાં આવી રહી છે. પોલીસને બાઈક નીચેથી એક તમંચો પણ મળ્યો છે. છેલ્લે મળેલી માહિતી મુજબ, આરોપીઓ જે તરફ નાસ્યા ત્યાં પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરેલી તપાસમાં ૧૨ બોરના બે જીવતા કારતૂસ પણ મળ્યા હતા.
હાઈકોર્ટની સામે જ બનેલી ઘટનાની ગંભીરતા જોઈ સેક્ટર-૧ના જેસીપી સતીષ શર્મા, ઝોન-૧ના ડીસીપી બી.કે. ઝા અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ટૂંકા સમયગાળામાં જ કાવત્રું ઘડાયું હોવાની શંકા
અમદાવાદઃ હાઈકોર્ટની સામે સત્યમેવ બિલ્ડીંગના પ્રાંગણમાં રાત્રે ૮:૪૫ કલાકની આસપાસ અમીત જેઠવાની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસને જે સગડો પ્રાપ્ત થયા છે તે આ હત્યાનું કાવત્રું અત્યંત ટૂંકા સમયગાળામાં ઘડવામાં આવ્યું હોવાની શંકા પ્રેરે છે. પોલીસે હુમલાખોરોનું બાઈક જપ્ત કર્યું છે. પણ તેનો રજિસ્ટ્રેશન નંબર ટ્રેસ કરતાં જાણવા મળ્યું વાસ્તવમાં તે એક સ્કુટી મોપેડનો રજિસ્ટ્રેશન નંબર હતો. આ ઉપરાંત, બાઈક પાસે એક પ્લાસ્ટિકની બેગ મળી હતી. જેમાંથી પેટ્રોલ ભરેલી બોટલ, એક જોડ કપડાં, પાણીના કેટલાક પાઉચ અને એક વર્તમાનપત્ર પણ મળ્યું છે. આ અખબારમાં અમીત જેઠવાએ આરટીઆઈની માહિતીના આધારે જે કેસ કર્યો હતો તે અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ બાબતને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ, પોલીસને મળેલી સામગ્રી એ વાતનો ચોક્કસ સંકેત આપે છે કે, મોડસ ઓપરેન્ડી સોપારી કિલીંગની જ હતી.
Source:  http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=205888

No comments: